અમૃત કળશ: ૩૨
સેવા
... દેહને કારસો દેવો તે મુવા જેવી વાત છે. શ્રીજી મહારાજ કચરાવાળા હોય તેને મળતા, કેમ કે જ્યારે મંદિર ચણાતું ને ગોમતી ખોદતા તેમાં જે સેવા કરતા તેને જ મળતા. એક જણ શરીરે ખોટો ગારો ભૂંસીને મહારાજ આગળ ગયો ત્યારે મહારાજ તેને મળ્યા નહિ ને કહ્યું જે, “છેટે ઊભો રહેજે!” માટે દેહને કારસો દેશે તે ઉપર ભગવાન રાજી થાશે. (૧)
પ્રકરણ/વાત: ૧૦/૨૬૧
મંદિરનો વહેવાર હોય ને ક્રિયા પણ હોય. તે શું તો ઢોરાં ચાર્યાં જોઈએ, પાણી કાઢ્યા જોઈએ, રોટલા પણ ઘડ્યા જોઈએ, એમ સર્વે ક્રિયા કરવી, તે તો જેમ આલંબન હોય તેમ એ સર્વે ક્રિયા ભજનની પુષ્ટિને અર્થે છે ને કરવાનું તો એકાંતે બેસીને ભગવાનને સંભારવા. ને આ વહેવાર છે તે આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ કે હરિજન કોઈને ઇંદ્રિયું લડાવવા સારુ નથી. અને જે સત્સંગના વહેવારે ઇંદ્રિયુંને લડાવશે તેનાથી તો જરૂર સત્સંગમાં નહીં રહેવાય ને દેહ ને જીવ બેયનું ભૂંડું થાશે. આ જીવને તો ખાવું, સૂવું ને કોઈની નિંદા કરવી એ જ ગમે છે. પણ એટલું વિચારતો નથી જે, જ્યારે સત્સંગમાં આવ્યા ને ભગવાનનું ગમતું ન થયું ત્યારે શું કમાણા? ને બંધુકના સો ભડાકા કર્યા ને વેજું ન પડ્યું, ખેતી કરી, વેપાર કર્યો ને ચાકરી કરી ને રૂપૈયા ન પાક્યા, તે વાત અલેખે ગઈ. તેમ જે સત્સંગ કરવા આવ્યા ને તે ન થયું, ત્યારે આવ્યા તે ન આવ્યા. એકાંતમાં બેસી રહેતો હોય ને મહાત્યાગી હોય, પણ જો બીજા ઉપર કટાક્ષ રાખતો હોય તો તે મહારાજને ન ગમે. ને જે કોઈ ભગવાન પામવાને અર્થે કાંઈક સેવા કરે ને ભગવાનના ભક્તની મન, કર્મ, વચને સેવા કરે તે ઉપર મહારાજનો રાજીપો છે. તે ઉપર મધ્યનું અઠ્ઠાવીસનું વચનામૃત વંચાવ્યું. (૨)
પ્રકરણ/વાત: ૧૧/૮
સેવા કરીને રાજી થાવું પણ સેવા કરાવીને કે પોતાનું મનગમતું કરાવીને રાજી થાવું નહિ. જે સેવા કરે તે પુણ્યમાં ભાગ લઈ જાય છે. (૩)
પ્રકરણ/વાત: ૧૧/૨૨૫
પાણી ભરવાનું ઠક્કર નારણ પ્રધાનને કહીને બોલ્યા જે, આટલી સેવા છે તે અંતર શુદ્ધ થયાનો ઉપાય છે. આટલી સેવા કરવી એ જ આપણું છે, બાકી બીજે તો તુળસી મૂકી છે ને કૂટ્યા કરીએ છીએ પણ તેમાંથી તો કાંઈ નહિ નીકળે. સેવા કરવી કે ભગવાનનું ગમતું કરવું તે કઠણ જણાય ત્યારે જાણવું જે મોક્ષનો પૂરો ખપ નથી. (૪)
પ્રકરણ/વાત: ૧૧/૩૭૫
... મહારાજને અહંકાર ન ગમે અને જીવનો સ્વભાવ જે ક્રિયા કરે તેનો અહંકાર આવી જાય. પણ દાસ થઈને કરે તો અહંકાર ન આવે. કોઈને આજ્ઞાનું બળ હોય કે કથા કરતા હોય તેનું માન આવે પણ દાસ થઈને કરે તો અહંકાર ન આવે. મંદિર વાળે ત્યારે વાસના માત્ર વળાઈ જાય. ગમે તેટલું જ્ઞાન કરતો હોય પણ ભક્તિ ન કરે તો દેહાભિમાન ન ઘસાય. માટે મહારાજે વિચારીને આવો ભક્તિમાર્ગ ચલાવ્યો છે. જીવ અષ્ટાંગ યોગ સાધી ન શકે પણ આ ભક્તિમાર્ગ પ્રવર્તાવ્યો છે તે જીવથી બને અને તેણે કરીને દેહાભિમાન ટળે અને ભગવાન રાજી થાય. આ દેહને પોતાનું રૂપ ન માનવું. દેહમાં કાંઈ પીડા હોય ત્યારે રાડ્યું નાખે ન મટે. પોનાનું શ્રેય જેને ઇચ્છવું હોય તેને તો દેહને જેમ લાકડું ઘરે તેમ ભક્તિમાર્ગમાં ઘસી નાખવું ને કાંટે રાખવું પણ દેહને વધવા દેવું નહિ. એ વાતની શરત રાખવી. દેહાભિમાન વધારશે તેનું શરીર પાકલ ગુમડા જેવું થઈ જશે, માટે કંઈક સેવા કરતા રહીએ તો દેહ પણ સારું રહે અને સૌનો રાજીપો થાય. તે ઉપર બે કાઠીના છોકરાની વાત કરી. એક આપો થઈને આવ્યો અને બીજો દીકરો થઈને આવ્યો. માટે આપણે પ્રભુ ભજવા માંડ્યા છે તે સમાગમ કરીને બધું શીખવું. આ તો મહેમાન ઉતર્યા છીએ. માટે જેમ કોઈ ખરચી ભેગી કરે તેમ જ્ઞાનની, આજ્ઞા પાળ્યાની, સેવા કરીને ખરચી કરી લેવી...” (૫)
પ્રકરણ/વાત: ૧૩/૪૯
સોનાનાં મંદિર થાશે તો પણ તે અહીં પડ્યાં રહેશે. ચૈતન્ય મંદિર જ અવિનાશી રહેશે માટે તેમ કરી લેવું. મોક્ષના ખપ કે બળ વિના સેવા કેમ થાય? આ મારો દેહ, ઇંદ્રિયું ને મન તો ભગવાનના કામમાં કેમ આવે ને કેમ કરું તો સેવા થાય? એમ જેને હોય તેનાથી સેવા થાય. (૬)
પ્રકરણ/વાત: ૧૪/૨૦૬