ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૦

કુસંગ

તેરા ગામમાં મહારાજે વાત કરી જે, “રાજાએ સંધીનાં નાક કાપ્યાં. તે બધા નકટાએ આગળ જઈ ગામ વસાવ્યું. તેમને છોકરાં થયાં તે તો નાકવાળાં. તે છોકરાં પોતાના માવતરને પૂછવા માંડ્યું જે, ‘અમારે નાક ને તમારે નાક કેમ નહિ?’ પછી ઓલ્યા શરમાણા એટલે છોકરાંનાં નાક કાપી નાખ્યાં ને બીજાં જન્મે કે તુરત નાક કાપી નાંખે. એમ પોતા જેવા કરવામાં સૌને તાન છે.” (૧૧)

પ્રકરણ/વાત: ૧૦/૧૪૩

ત્યાગીને તો ગ્રામ્યકથા થાય જ નહિ પણ ગૃહસ્થાશ્રમી જો ગ્રામ્યકથા કરે તો તેનો જીવ પણ ચોંટી જાય છે ને અંતર બગડી જાય છે. તે ઉપર બારપટોળીના આલા ભગતની વાત કરી જે, કૃપાનંદ સ્વામીએ તેને ત્યાગી થાવું હતું પણ ના પાડી. તે રોયો તો પણ ત્યાગી ન કર્યો. ને બે વરસ સુધી તે અમારી વાંસે ફર્યો પણ ગ્રામ્યવાર્તા કર્યા કરે તેથી સંગ લાગ્યો નહિ. ને હવે બે-ત્રણ છોકરા થયા તો પણ દર્શને આવતો નથી. માટે બધાં કામ બગાડીને સત્સંગ કરવો પણ કુસંગ જે ગ્રામ્યવાર્તા કરશે તો ઠેકાણું નહિ રહે. મેં તો સર્વ સંગાથે તોડી રે, સાહેલી; એક જગના જીવન સાથે જોડી રે, સાહેલી. એ કીર્તન બોલાવીને કહ્યું જે, એવી રીતે રંગમાં ને રંગમાં મરી જવાય એવી વાત નથી. ને આ લોકના કોઈ ઠરાવનું ઠેકાણું નથી પણ મોહે કરીને સારું લાગે છે. ને આ દેહ પણ ગંધાય છે ને વહેવાર પણ બગડેલ જ છે. જેટલો સત્સંગ કરશું એ જ કામ આવશે. (૧૨)

પ્રકરણ/વાત: ૧૦/૨૬૩

કુસંગનો સંગ થાય ત્યારે રૂડા ગુણમાત્ર જાતા રહે છે. તે આ સત્સંગમાં મોટા આકાશ જેવડા હતા તેનું પણ કુસંગે કરીને ધૂળધાણી થઈ ગયું... (૧૩)

પ્રકરણ/વાત: ૧૧/૧૬૭

વિમુખની જેને જડ લાગે તે વરસે, પાંચ વરસે જરૂર વિમુખ થાય. કેમ જે, વિમુખની ક્રિયા તથા બોલી તે કાંઈક ડાઘ લગાડે. ને પ્રગટ ભગવાન ને પ્રગટ સંતમાં અસદ્‌વાસના કરે ને કરાવે ને મનુષ્યભાવ પરઠે ને પરઠાવે ને મહારાજનું જે દ્વારા પ્રગટપણું હોય તેનો દ્રોહ કરે ને કરાવે ને પરોક્ષ દેવ ને પરોક્ષ શાસ્ત્રને વળગીને બીજાને તેમાં જોડે. ને મહારાજ ને આ સાધુની ઉત્કૃષ્ટતા સહન ન કરી શકે, તેથી જુક્તિથી આત્મા-પરમાત્માનું પ્રતિપાદન કરનારા સંત-હરિજનનો નિષેધ કરી ‘ભગવાન થાવું છે’ એવા શબ્દ બોલી પોતે ઢોલ ભૂંગળાં વગાડી નરકે જાય ને બીજાને મોકલે. ગોપાળાનંદ સ્વામી ઉપર સત્સંગમાં જેને જેને કટાક્ષ હતો તે ભૂત થયા છે. અને આજ પણ જેને આ સાધુમાં અસદ્‌ભાવ હશે તેને ભૂત થાવું પડશે. માટે આજ તો મહારાજ ને આ સાધુના અભિપ્રાયમાં જે ભળશે તેને જ સત્સંગી જાણવા. (૧૪)

પ્રકરણ/વાત: ૧૧/૨૦૯

ગ્રામકથામાં ભળવું નહિ, તે ગ્રામકથા થાતી હોય ત્યાંથી લઘુ કરવાનું મિષ લઈને ઊઠી જાવું.

ગ્રામ કથાના ગપોટાં એનો ન કરજે આહાર,

દેવાનંદ કહે દેહનો નથી ઘડી નિરધાર. (૧૫)

પ્રકરણ/વાત: ૧૨/૨૩

પાપે કરીને બુદ્ધિ નાશ પામી ગઈ છે તે અવળું જ સૂઝે છે પણ સારું માણસ હોય તે સારી શીખામણ આપે છે. તે ઉપર વાત કરી જે, બાવા ખાચરને લાંકસાહેબે શીખામણ દીધી જે, “તમારા બાપ સ્વામિનારાયણના ભક્ત ને તમે ક્યાં આવા પાપી થયા?” ને અભેસિંહને કહે, “તમારા બાપ આવા સત્સંગી ને તમે હિંસા કરો છો તે સારું ન કહેવાય.” પછી ગોપાળ સ્વામી લોધીકે પધાર્યા ત્યારે જીભાઈ તેમની પાસે રોયા ને કહ્યું જે, “આ દીકરો હિંસા બહુ કરે છે. કાંઈ દૃષ્ટિ કરો તો સારું.” પછી ગોપાળ સ્વામીએ અભેસિંહને બોલાવ્યા ને જોતાંવેંત કહ્યું જે, “આ તો બહુ સારા છે. એમને સંગ દોષ લાગ્યો છે.” પછી તે બહુ ભારે હરિભક્ત થયા. (૧૬)

પ્રકરણ/વાત: ૧૨/૨૯

... મોડામાં રણમલજી ભક્ત પાસે અમે ચાર જણા ગયા હતા તે રોટલા આપ્યા પણ ઉપર ઘી હતું તે અદ્વૈતાનંદ સ્વામીએ તો કોપટી કાઢી ને પત્તરમાં ચોળતા તો પણ કહે જે મન ચોળાય છે. ને તે વાત કરતા ત્યારે ધારા છૂટતી. પછી વયા ગયા, પણ કોપટી ઉખાડી નાખી તે કાંઈ અભાવ વિના એમ હોય? તે દિવસે જાવાનું પણ મનમાં ન હોય પણ નરસાના સંગથી એમ થયું. માટે સંગ પણ સારાનો કરવો. (૧૭)

પ્રકરણ/વાત: ૧૨/૨૦૩

... શામજીભાઈએ પૂછ્યું, “લોમશના આશ્રમમાં માયા ન વ્યાપે ત્યારે મોટા પાસે રહીને કો’ક બગડી જાય છે તેનું કેમ સમજવું?” તો કહે, “ઋષિ તો એક જ હતા. આ તો ત્રણસેં છે. તે મોટાનો જોગ ન હોય અને બીજાનો સંગ લાગે તો બગડી જાય. તે અહીં વાતુ થાય તેથી ફળિયામાં બીજી જાતની થાય ને દરવાજે ત્રીજી થાય. એમ એકનો એક સંગ રહેતો નથી એ દોષ છે. ગરીબ તાલુકદારના ગામને ગઢ હોય તો પણ ત્યાં ધાડું પડે ને બળિયાનું કોટ વિનાનું હોય તો પણ ત્યાં ધાડું પડે નહિ. કાઠીના ગામમાં ધાડું ન પડે અને પગીના ગામમાં ખાતર ન પડે તેમ મોટા પાસે અંતર શત્રુ બળ કરે જ નહિ...” (૧૮)

પ્રકરણ/વાત: ૧૩/૬

... જીવ તો આંધળો છે તેને ગમ નથી, તે આસન-પથારી કરતાં પણ ન આવડે. તે ગોપાળાનંદ સ્વામીએ એક જણને દીવો કરીને રાત્રે ગોત્યો. તેણે નકારા માણસ પાસે આસન કરેલ. પછી તેને સમજાવ્યો. (૧૯)

પ્રકરણ/વાત: ૧૩/૪૩

કુસંગીનો સંગ ન કરવો, તે મહારાજે વિષય ખંડનના વચનામૃતમાં કહ્યું છે જે પાપીનું દર્શન પણ ન કરવું. આમાં કોઈક બીજાના અંતરની જાણે એવા હશે પણ તેણે કોઈનું અંતર જોવું નહિ. કોઈ મલિન માણસના મોઢા સામું જોવું નહિ કેમ જે જુવે તો અંતર ડોળાઈ જાય છે. (૨૦)

૧. વચનામૃત ગઢડા પ્રથમ ૧૮

પ્રકરણ/વાત: ૧૩/૧૨૧

Vat Selection


Type: Keywords Exact phrase