ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૩

ભજન, સ્મરણ

અર્જુને દૃષ્ટિનો સંકોચ કર્યો તો મચ્છ વેંધાણો, તેમ દૃષ્ટિ પાછી વાળીને ભગવાનમાં જોડે તો પછી કાંઈ દેખાય જ નહિ. ને જે એવી રીતે દૃષ્ટિ સંકેલે છે તે નિશાન પાડે છે તેમ દૃષ્ટિ પાછી વાળે તો જ મૂર્તિમાં મન રહે. બીજી કલમું માત્ર શીખે ત્યારે આવડે ને તેનું ફળ રોટલા, લૂગડાં મળે એ જ ને આ કલમ છે તે મોક્ષ પર છે. (૧૧)

પ્રકરણ/વાત: ૯/૧૫૦

કોઈકને માથે દેણું થઈ ગયું. તે લેણિયાત ઉઘરાણી કરવા આવે ત્યારે મિત્રના કહેવાથી ‘હાઉ’ એમ કહે. તે લેણિયાત જાણે જે ગાંડો થઈ ગયો છે. પછી તો લેણિયાત માગતા બંધ પડ્યા પછી તેનો મિત્ર માગવા આવ્યો, ત્યારે કહે “હાઉ, હાઉ.” તેમ મોતીભાઈ પણ અમને બે હાઉ કરે છે. તે શું જે, અમે મોતીભાઈનો વહેવાર સુધારી આપ્યો. પછી અમે ધર્માદો કાઢવાનું કહ્યું તો પણ ન કાઢ્યો. એ બે હાઉ કર્યા કહેવાય. ત્યાગીને કાંઈ લેણદેણ નહિ, કાંઈ વહેવાર માથે નહિ ને ભગવાને સર્વે સાનુકૂળ કર્યું તો પણ ભગવાનની સ્મૃતિ ન રાખીએ તો આપણે પણ ભગવાનને બે હાઉ કર્યા કહેવાય. (૧૨)

પ્રકરણ/વાત: ૯/૨૧૯

વિષય મારગમાં કોણ નથી ચાલ્યું? તેમાં તો સૌ હોંકોહાંક મંડ્યા છે. પણ આ ભગવાન સામું ચાલવું. ભગવાન નહિ ભજાય તો કાગળ વાંચીને પોક મેલે છે તેમ વાંસેથી રોવું પડશે. કોઈના હાથમાં કલમનો ગોદો આવ્યો ને કોઈના હાથમાં પરોણો આવ્યો. એમાં શું? મે ન વરસ્યો હોત પ્રભુનો વાંક પણ હવે ન ભજાય તેટલો આપણો વાંક. શરદ ઋતુમાં સાજા છીએ તે એની તો દયા જ છે, છતાં ભગવાન ન ભજાય એટલો આપણો વાંક છે. (૧૩)

પ્રકરણ/વાત: ૯/૨૩૧

ભગવાનને વરણીય થાય છે તેનાં લક્ષણ જે આહાર શુદ્ધિ કર્યેથી અંતઃકરણની શુદ્ધિ થાય પછી ધૃવાનુસ્મૃતિ રહે. પણ એક સ્મૃતિ કરવી તેમાં કરોડ વાનાં જોઈએ. જીવ શૂળીએ ચડે, ઝાટકા ખાય ને ઊંચેથી પછડાય પણ ભગવાનની સ્મૃતિ ન કરે. હમણાં વૃત્તિ રાખવા માંડે તો કોટી સાધન થઈ જાય ને પછી એવાને જો બીજો સંકલ્પ થાય તો બળબળતો ડામ દે એવું વસમું લાગે... (૧૪)

પ્રકરણ/વાત: ૯/૨૯૫

ભગવાનમાં વૃત્તિ રાખવી હોય તેને જેમ તેમ બોલાય નહિ, જે તે ખવાય નહિ, હબ હબ ચલાય નહિ ને બીજું જોવું પડે તો તે કાંધ માર્યા જેવું લાગે. (૧૫)

પ્રકરણ/વાત: ૯/૩૦૮

શૂરવીર હોય તે યુદ્ધની વાત થાય ત્યારે રાજી થાય તેમ ભગવદી હોય તે ભગવાનની વાત થાય ત્યારે રાજી થાય, પણ જેમ જેતપુરનો ધરો વહ્યા કરે છે તેમ પ્રકૃતિપુરુષ સુધી સર્વે વિષયને માર્ગે દોડ્યા જાય છે તે આ તો આશરો છે તે કલ્યાણ થાય, પણ જગતના ઘાટ ન થાય ને ભગવાનની સ્મૃતિ રહે એ મોટાઈના તો ઢગલા પડ્યા છે, માટે જેને જોઈએ તે લ્યો!... (૧૬)

પ્રકરણ/વાત: ૯/૩૧૦

... બીજા જડ પદાર્થ, ઝાડ, મેડી, હવેલી, સ્ત્રી, છોકરું, ઢોર, વગેરે જડને જુવે છે તે જડભાવને પામી જાય છે, તેમ ભગવાન તથા આ સાધુને જુવે છે તે બ્રહ્મરૂપ થઈ જાય છે. માટે ભગવાન તથા આ સાધુને જ જોવા ને તેનું જ મનન કરવું. (૧૭)

પ્રકરણ/વાત: ૯/૩૨૬

ખાધાનું ફળ તે ભૂખ જાય, ને ઊંઘનું ફળ તે થાક ઊતરે, લૂગડું પહેર્યાનું ફળ તે ટાઢ જાય, અને ઘર કરીએ તો ચોમાસામાં સુખે બેસાય એટલું જ ફળ છે, તેમ ભગવાન ભજ્યાનું ફળ તે સંસૃતિથી મુકાય. (૧૮)

પ્રકરણ/વાત: ૧૦/૨૦

ભગવાનની મૂર્તિની સ્મૃતિ ને તેમના એકાંતિક સંતની અનુવૃત્તિ પાળવી. એ બે વાતોએ કરી જીવિતવ્ય પૂરું કરવું. (૧૯)

પ્રકરણ/વાત: ૧૦/૩૯

હવે તો મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા શીખો, તેનાં કીર્તન ગાવા શીખો અને તેના નામની માળા ફેરવવા શીખો તથા ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ કરતાં શીખો, બ્રહ્મરૂપ થાવા શીખો, ઉપાસના જે, ધામમાં મહારાજ સદા સાકાર મૂર્તિમાન છે એવી દ્રઢતા કરવા શીખો અને ઇંદ્રિયો, અંતઃકરણ ને મનનો કુસંગ ને બહારનો કુસંગ તથા સત્સંગમાં કુસંગ તે ઓળખતાં શીખો. (૨૦)

પ્રકરણ/વાત: ૧૦/૭૦

Vat Selection


Type: Keywords Exact phrase