ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૪

ખપ-મુમુક્ષુતા

ભગવાનને રાજી કરવા સારુ ભોંય પથારી કરી છે. જેતલપુરમાં ધાબો ઊખડી ગયો હતો તેથી એકલા કાંકરા દેખાતા હતા. પણ અમે પાથર્યા વિના સૂતા એટલે ઊંઘ આવી નહિ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ અમને કહ્યું જે, “કટવેડો પાથરીને સૂવો.” પછી અમે કહ્યું જે, “તમે પાથરો તો પાથરું.” ત્યારે કહે, “મહારાજની આજ્ઞા નથી ને તમે તો નવા છો તે પાથરો.” ત્યારે અમે કહ્યું જે, “તમારે મોક્ષનો ખપ છે ને અમારે નથી?” પછી તો કાંકરા ઉપર જ સૂતા ને અભ્યાસ પાડ્યો તે કાંઈ થયું નહિ. પણ આપણી નજર પુગતી નથી જે, સોઢીનો ત્યાગ કરીને વડોદરું લેવું છે, એટલે કે પાપરૂપ વિષય મેલીને અક્ષરધામમાં જાવું છે. (૧૧)

પ્રકરણ/વાત: ૯/૧૩૬

વાણિયા પરદેશમાં જાય છે ત્યાં દાઢી રાખીને મુસલમાન થાય છે. પછી નૂરના સમ ખાઈને કામ કાઢી લે છે, તેમ હરિજન હોય તેણે જે તે પ્રકારે ઇંદ્રિયુંને છેતરીને કામ કાઢી લેવું. પેટ અર્થે વહાણમાં બેસીને કેટલાક પરદેશ જાય છે, ચોર ચોરી કરવા જાય છે. તેટલા માટે ભગવદી હોય તેને એવો વિચાર રાખવો જે, ગમે તેમ કરીને માથા સાટે ભગવાનને રાખવા. (૧૨)

પ્રકરણ/વાત: ૯/૨૬૬

... રાજાના ભાઈ બા’રવટે નીકળ્યા. પછી મે વરસતો હતો ત્યારે રાજાએ પૂછ્યું જે, “આ ટાણે કોઈ બારુ હશે?” ત્યારે ચારણ બોલ્યો જે, “તમારા ભાઈ બહાર છે.” પછી રાજા કહે, “બોલાવો.” પછી વાણીઆ જમાન થઈને તેડી ગયા. રસ્તામાં વાણીઆનાં ઘર આવ્યાં ત્યારે પૂછ્યું જે, “આ કોનાં ઘર છે?” ત્યારે વાણીઆ કહે, “અમારાં ઘર છે.” તે વખતે તેમની સ્ત્રીયું ઉઘાડે માથે ફળીમાં બેઠી હતી ને માથે પણ ઓઢ્યું નહિ. ત્યારે બારવટિયાએ જાણ્યું જે, “જેની સ્ત્રીયું આવી નિર્લજ્જ છે તેની દરબાર પાસે શું લાજ હશે?” પછી પૂછ્યું જે, “જમાન થઈને અમને તેડી જાઓ છો પણ અમને દરબાર કેદ કરે તો તમે શું કરો?” ત્યારે કહે, “અમે હડતાળ પાડીએ!” ત્યારે બારવટિયે વિચાર્યું જે, “હડતાળ પાડે તેમાં આપણું શું વળે?” પછી ત્યાંથી પાછા વળી ગયા. પછી રાજાએ પોતાની પાસે રહેનારા જમાદારને મોકલ્યા. તે રસ્તે આવતાં જમાદારનાં માણસ શરમાઈને અંદર વયાં ગયાં તે જોઈને બારવટિયાએ પૂછ્યું જે, “આ કેનાં ઘર છે?” ત્યારે જમાદાર કહે, “એ અમારાં ઘર છે.” એટલે તેણે જમાદારને પૂછ્યું જે, “તમે અમારા જમાન થઈને તેડી જાઓ છો પણ દરબાર અમને કેદ કરે તો તમે શું કરશો?” ત્યારે જમાદાર કહે, “પ્રથમ મારું માથું જાય ત્યાર પછી તમને કેદ કરી શકે.” ત્યારે કહે, “તો તો ઠીક,” ને મનમાં પણ ખાતરી થઈ જે, ‘આ ખરા!’ એવું જ્યારે શૂરવીરપણું હોય ત્યારે રાતમાં ધ્યાન-ભજનમાં બેસાય. પણ કાયરપણું આવી જાય છે ત્યારે જાણવું જે ખપ નથી. કોઈને ઘરમાં થાક લાગતો નથી ને ટોપીવાળો મારગે સડકું બંધાવે છે તેમાં થાકતો નથી. ગોપાળાનંદ સ્વામી ને ક્રિપાનંદ સ્વામી એમનું ગમે તેટલું મન ધાર્યું મુકાવે તો પણ મુકાય નહિ ને સામા રાજી થાય. આટલી વાતુ કરી તેનું સિદ્ધાંત એ છે જે, પોતામાં દોષ હોય તે ટાળીને ભગવાનમાં જોડાવું ને કાંટા કાઢીને પગ નરવો કર્યો હોય ત્યારે ચલાય. તે જેના કાંટા નીકળ્યા હોય તે પાસે કાંટા કઢાવવા. (૧૩)

પ્રકરણ/વાત: ૯/૩૩૧

મરવા જાય છે તે કોઈની વાટ જોતા નથી. તેમ ફલાણો ભજે તો હું ભજું એમ ભજાય નહિ. માટે એ તો પોતાનું જ કરવું. (૧૪)

પ્રકરણ/વાત: ૯/૩૪૩

જે વાતમાં વેગ લાગે તેમાં નિદ્રા ન આવે ને સ્વાર્થ હોય તેમાં પણ ઊંઘ ન આવે, તે કોઈ જમતાં ઊંઘ્યો છે? (૧૫)

પ્રકરણ/વાત: ૧૦/૫૧

... ખરેખરા જે છે ને જેણે આ દેહમાં તુળસી મૂકી છે તેની પાસે વાસીદુ કઢાવો કે મહંતાઈ હોય તે ટળી જાય તો તેને મૂળગો હરખ થાય. એવાને બીજો સંકલ્પ શાનો જ હોય? તેવો હોય તે ભગવદી પાકો છે. (૧૬)

પ્રકરણ/વાત: ૧૦/૮૫

એક વખત રાત્રે મહારાજ અક્ષર ઓરડીથી દરબારમાં હરિજનના ઓરડે દર્શન દેવા ગયેલ ને અમે જાણ્યું જે હમણાં મહારાજ પધારશે ને દર્શન થાશે. તે વખતે ઝીણે ઝીણે ફોરે વરસાદ વરસતો હતો તેથી નેવા હેઠે અમે ઊભા રહ્યા ને અરધા નેવાનાં પાણી અમારા અરધા શરીર ઉપર ટપકતાં હતાં ને એક વાગ્યો હશે. ત્યારે મુક્તાનંદ સ્વામી લઘુ કરવા ઊઠ્યા અને અમને જોઈને કહે, “અત્યારે કોણ?” અમે કહ્યું કે, “એ તો હું છું.” એટલે કહે, “કેમ આ ટાણે અહીં ઊભા છો?” પછી અમે કહ્યું જે, “મહારાજ દરબારમાં પધાર્યા છે ને હમણા પોઢવા પધારશે તે દર્શન થાશે, એ વાટ જોઈ ઊભો છું.” પછી મુક્તાનંદ સ્વામી કહે, “અહો! વરસતા મેહમાં પલળતા દર્શનની રાહ જોઈ ઊભા છો! બહુ ખપવાળા! આવે ખપ અમારે નથી.” (૧૭)

પ્રકરણ/વાત: ૧૦/૧૦૮

મતપંથરૂપી વાડા તોડીને આવ્યા છે ને પાંજરા ભાંગીને આવ્યા છે. તે ઉપર પાટીદાર તુલસીભાઈની વાત કરી જે, એ કશીઆભાઈના ભાઈ હતા પણ તેની મોબત મૂકીને સત્સંગ માથા સાટે રાખ્યો. અને બીજા એક પાટીદારને એવું નિયમ જે, હરકોઈ તેને ઘેર મહેમાન આવે તેને ચાર વખત ‘સ્વામિનારાયણ’ એમ નામ લેવરાવીને ખાવા આપે. તેને ઘેર આ કાશીઓભાઈ મહેમાન થયો. એટલે તે પાટીદાર મૂંઝાણા જે, ‘આ મહાકુસંગી છે ને ઘેર આવ્યો તે ખવડાવવું તો પડશે ને મારું નિયમ જાશે.’ પછી તો કહે, “કાશીઆભાઈ, માળું સ્વામિનારાયણનું તો બહુ ચાલ્યું.” ત્યારે કાશીઓભાઈ કહે, “હા, સ્વામિનારાયણનું તો ચાલ્યું.” વળી ભાણે બેઠા ત્યારે વાત કરી કે, “સ્વામિનારાયણ પ્રતાપી બહુ.” ત્યારે કહે, “હા, સ્વામિનારાયણ પ્રતાપી ખરા!” વળી કહે, “સ્વામિનારાયણમાં નિષ્કામધર્મ ખરો!” ત્યારે તે કહે, “સ્વામિનારાયણવાળા નિષ્કામીધર્મવાળા તો ખરા!” વળી કહ્યું કે, “સ્વામિનારાયણના સાધુ જેવા દ્રવ્ય ને સ્ત્રીના ત્યાગી એવા બીજા કોઈ નહિ.” ત્યારે કહ્યું કે, “હા, સ્વામિનારાયણના સાધુ જેવા બીજા કોઈ નહિ.” એમ નિયમ રાખ્યો. વળી મોબત મૂકવા ઉપર સર્વનિવાસાનંદ સ્વામીની વાત કરી જે, તેમને વડતાલમાં ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા આવવું હતું તે તૈયાર થયા. તે વખતે અયોધ્યાપ્રસાદજી મહારાજે કહ્યું જે, “તમે માંગો તેટલાં પુસ્તક, ગાદીતકીઆ ને જોઈએ તેટલા સાધુ ને વીશ જોડ ચરણારવિંદ આપું ને તમો અહીં રહો.” ત્યારે સર્વનિવાસાનંદ સ્વામી કહે, “માંહેલું મારે કાંઈ જોઈતું નથી. મારે તો ગોપાળાનંદ સ્વામી જોઈએ છીએ, તે જો તમારી પાસે હોય તો અહીં રહું.” એમ એવા મોટા આચાર્ય તથા સાધુની મોબત તોડીને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ વડતાલ આવીને કર્યો. (૧૮)

પ્રકરણ/વાત: ૧૦/૧૪૪

જેને ભગવાનમાં તાન લાગે તેને વિષય ઝેર જેવા લાગે, પછી તેને ઘરમાં માલ ન જણાય. ને બહુ વેગ લાગે તો ધાન પણ ન ભાવે ને બધાં શૈલ્ય માત્ર નીકળી જાય. (૧૯)

પ્રકરણ/વાત: ૧૦/૧૫૨

મહારાજે આદ્રેજમાં દિવાળી કરી હતી ત્યારે ઇચ્છારામ નામનો હરિભક્ત ઘોડીએ ચડીને મહારાજને દર્શન આવતો હતો તે ઘોડી ગામ ભણી તાણે ને ઇચ્છારામને મહારાજ પાસે આવવું. તે તાણ ખેંચ જોઈ મહારાજે બે પાળા મોકલ્યા ને કહ્યું કે, “ઘોડીને મારીને અહીં લઈ આવો.” પછી તે લઈ આવ્યા. એમ નિદ્રા છે તે સૂવાની કોર તાણે છે ને ભગવાનના ભક્ત છે તેને મહારાજના દર્શન કરાવાની ખેંચ રહે છે. પહોર રાતના ઊઠતા હશે તેને કાંઈ નહિ અને ત્રણ ટાણાં ખાતો હતો તેને બે ટાણાં ખાવા મળે તે કઠણ પડે પણ જે એક ટાણું ખાતા હોય તેને કાંઈ નહિ. તેમ જે પહોર રાત સુધી જાગે તેને ઊંઘ પીડે નહિ. પણ સમી સાંજથી સૂતા હોય તેને કઠણ છે. (૨૦)

પ્રકરણ/વાત: ૧૦/૨૪૫

Vat Selection


Type: Keywords Exact phrase