ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૫

અજ્ઞાન-આસક્તિ

એક જણે મેડીમાં કાચ ઢાળેલા પણ મોત આવ્યું ત્યારે તેને નીચે ઉતારવા માંડ્યો એટલે ના પાડી. પણ પછી તો મરી ગયો ત્યારે ઉતાર્યો. એમ જીવને સન્નિપાત થાય છે. એક સન્નિપાતવાળાને પૂછ્યું જે, “કેમ છે?” તો તે કહે, “હવે મને સારું છે પણ આ ગીરનારને કૂતરાં તાણી જાય છે!” ત્યારે તેમાં શું સારું? એમ સૌને સંકલ્પરૂપી સન્નિપાત થયો છે, પણ મનુષ્ય દેહ વારે વારે મળતો નથી. માટે વિવેક નહિ રાખે તેના કલ્યાણમાં ખોટ રહી જાશે... (૧૧)

પ્રકરણ/વાત: ૯/૨૨૭

... પટારામાં બે-ત્રણ કળું હોય તે બધી ઊઘડે ત્યારે પટારો ઊઘડે, તેમ સાધુ ઓળખાણા, ભગવાન ઓળખાણા ને સત્સંગ ઓળખાણો એ કળું તો ઊઘડી પણ મોહ ટળ્યો નહિ તો તે કળ ન ઊઘડી કહેવાય. માટે દેહ, લોક, ભોગ ને પક્ષ તેનું આદ્ય ને અંત જોવું પણ મધ્ય ન જોવું. કેમ જે મધ્યમાં જ મોહ થાય છે. બ્રાહ્મણ ઝાંઝવાનાં જળ જોઈને મનસૂબો કરતો હતો તે વાત કરી. સાચી વાત સમજાય ત્યારે મોહ ટળી જાય. પણ મૃગલા જેવા જીવ છે તે વિષયને સાચા માનીને દોડ્યા કરે છે. (૧૨)

૧. સ્વામીની વાત ૩/૪૪માં આ પ્રમાણે ઉલ્લેખ છે: સત્યુગમાં મનુષ્યને લાખ વરસની આવરદા ને હજાર વરસનો ખાટલો ને સો વરસ સુધી ડચકાં ખાય ત્યારે જીવ જાય ને આજ તો ત્રીજે ડચકે અક્ષરધામમાં જવાય છે, એવું સુગમ કરી નાખ્યું છે; પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, મેડી, હવેલી, રાજ્યસમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મીને વિષે સુખ મનાય છે. જેમ છોકરાં ધૂળની ઘોલકિયું૧ કરે છે ને ઠીકરાની૨ ગાયું કરે છે ને ચૈયાના૩ ને કાચલિયુંના ઘોડા કરે છે ને સુખ માને છે, તેમ એ પણ સુખ માને છે; પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય. જેમ ભાલદેશમાં બ્રાહ્મણ ચાલ્યો જતો હતો તેને સામો રબારી મળ્યો. તેણે પૂછ્યું જે, “મહારાજ, રાજી કેમ થયા છો?” ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો જે, “રાજી ન થઈએ? દસ ગાઉ ચાલ્યા આવ્યા છીએ ને જળ પાસે આવ્યાં છે, તે નહાશું-ધોશું ને ટીમણ કરશું.” ત્યારે તે રબારી બોલ્યો જે, “હૈયું ફોડ્ય મા, જોડા પહેરીને ચાલ્યો આવું છું ને પાણી તો ઝાંઝવાનાં બળે છે!” ત્યારે તે બ્રાહ્મણના મનસૂબા સર્વે ખોટા થઈ ગયા. તેમ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય અને જે મૃગલાં જેવા જીવ છે તે તો વિષયને સાચા માનીને દોડ્યા કરે છે. જેમ ઝાંઝવાનાં જળને દેખીને મૃગલાં દોડે છે તેમ. અને મનુષ્ય છે તે દેખે છે પણ ખોટાં જાણે છે અને સૂર્યના રથમાં બેઠા છે તેની દ્રષ્ટિમાં તો ઝાંઝવાનાં પાણી નથી, તેમ જે જ્ઞાની છે તેની દ્રષ્ટિમાં તો પ્રકૃતિનું કાર્ય કાંઈ આવતું નથી.

પ્રકરણ/વાત: ૯/૨૪૪

નિયમ ધરાવ્યા તે વખતે નિયમ ન લોપવાં એવો ઠરાવ કર્યો નથી એટલે કામનો ઘાટ થાય છે. પણ ભટજી કહે, “બાયડી-છોકરાં મરે તો હમણાં નવરા છીએ તે બાળી આવીએ.” એવા ઘાટ કોઈ દી’ થાતા નથી ને દીકરાને પરણાવ્યાના ઘાટ તો થાય છે. તે શું જે, જીવને એમાં રાગ છે. તે એટલો બધો રાગ છે જે છ મહિના સુધી સજૈયે કાપીને શૂળું શરીરમાંથી કાઢી તો પણ છેલ્લી બાકી તેના તે ઘરમાં પેઠો! એટલે મારી નાખ્યો. એવો કામનો વિષય બળિયો છે. (૧૩)

પ્રકરણ/વાત: ૯/૨૮૦

... તૃષ્ણાનું પૂરું થાય તેમ નથી, માટે લૂગડું, ઘરેણું, મેડી કે રૂપ કોઈનું જોઈને અંતરે ક્લેશ કરવો નહિ. કોઈની મેડી દેખીને કૂબો હોય તે બાળી દેવો નહિ. (૧૪)

પ્રકરણ/વાત: ૯/૩૨૨

સાધુ થયા વિના ને ત્રણ દેહથી નોખા પડ્યા વિના છૂટકો નથી. બરડાના એક માણસને દરિયામાં વાંસ તણાતો મળ્યો ત્યારે તેને બથ ભરી અને કહે જે, “મારા દેશનો ક્યાંથી?” એવી દેશ વાસના છે. આ સાધુ જોડે એવો જીવ બાંધવો જે, જેમ માછલાને જળ જીવનપ્રાણ છે ને જળ વિના નથી ચાલતું તેમ પળ માત્ર આ સાધુ વિના ન ચાલે ત્યારે જાણવું જે સાધુમાં જોડાણો. (૧૫)

પ્રકરણ/વાત: ૧૦/૧૮

વિષ્ટાના કીડા છે તેને તો વિષ્ટાની ગંધ આવતી નથી તેમ જીવને સંસારના દુઃખ પણ કળાતાં નથી. તે ઘરમાં ખાવા ન મળતું હોય ને છોકરાં સાત હોય ને મહાહેરાન થતા હોય પણ તેનો અભાવ ન આવે. તેમ અમારે પણ કોઈ કોઈ લાંપડા જેવા આવ્યા છે તે સાચવવા પડે છે. (૧૬)

પ્રકરણ/વાત: ૧૦/૧૪૯

સેવક સુખ ચાહે માન ભીખારી,

વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી;

લોભી યશ ચહે ચારૂ ગુમાની,

નભ દુહી દુધ ચહત એ પ્રાની.

એ સાખી બોલીને કહે જે, કપાળમાં નહિ ને ભૂંડી ટેવું પાડવી તે બહુ ભૂંડું છે, તે કપાળમાં નહિ ને સારું સારું ખાવા જોઈએ, ગાદલું પાથરવા જોઈએ, ગાડી જોઈએ, સારાં લૂગડાં જોઈએ. વળી આપણે અહીં છીએ ને ગઢડે કે વડતાલે કોઈકે આપણને ગાળો દીધી તેનું દુઃખ અહીં બેઠાં બેઠાં હૈયામાં ઘાલવું, તે પણ અજ્ઞાન છે ને અણસર્જી પીડા છે ને તે સારુ જીવ રોવા બેસે. વળી તેનું ભૂંડું કરવા જુક્તિઓ કરી કંઈકને અવળે ભામે ચડાવે. (૧૭)

પ્રકરણ/વાત: ૧૦/૧૫૬

ચાર વાતનો કજીyo ઘરોઘર છે, તે રૂપીઆ, ઘરેણાં, લૂગડાં ને હવેલી. એ ચારના કજીઆ વિનાનું કોઈ ઠેકાણું નથી. તે ગોંડળમાં એક સ્ત્રી હતી તેની પાસે વીસ હજાર કોરીનું ઘરેણું હતું. પણ બસેં કોરીના ઘરેણાં સારુ ગળે ટૂંપો ખાઈ મરી ગઈ, એવા કજીઆ ઘરોઘર છે. (૧૮)

પ્રકરણ/વાત: ૧૦/૧૭૪

ચુડાના કરસનજી બ્રાહ્મણને અભિનિવેશ થયો હતો તેની વાત કરી જે, કોઈકે કહ્યું જે, “તું તો વઢવાણ દરબાર પથાભાઈનો દીકરો છો ને ગાદીનો ધણી છો પણ તને મારી નાખે, માટે બ્રાહ્મણને ત્યાં રાખ્યો છે.” તે સાંભળીને તેને લાગ્યું જે, “ખરી વાત છે.” પછી સરકારમાં લાંગસાહેબ આગળ અરજી કરી જે, “હું પથાભાઈનો દીકરો છું ને મને મારી નાખે તે સારુ બ્રાહ્મણને ત્યાં મને રાખ્યો છે. હવે મને ગાદી અપાવે.” પછી લાંગસાહેબે જાણ્યું જે, “આને અભિનિવેશ થયો લાગે છે તે જવાબ દીધો નહિ.” પછી ગોપાળાનંદ સ્વામીની આગળ આવીને તેણે કહ્યું જે, “મને વઢવાણની ગાદી આવે તો મારે ગોપીનાથજીને એક ગામ આપવું છે.” ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, “એ વાત ખોટી છે.” ત્યારે કરસનજી કહે, “અરે મહારાજ, તમે મોટા થઈને પણ એમ બોલો છો?” એમ જીવને અભિનિવેશ થયો છે તે જે ખોટું છે તેને વિષે સાચાપણાની ભાવના કરી છે. (૧૯)

પ્રકરણ/વાત: ૧૦/૧૮૯

જેમ ધ્રુવપાંખડી તે ધ્રુવ સામી રહે છે, તેમ વિષય ઉપર સૌનાં તાન છે. દેશ વાસના ઉપર વાત કરી જે, ભેંસ ચાર વરસે પછી આવી. ને ઝાડીમાં દશમોડ થઈ ગઈ. તે વાત કરી જે, રાજાએ ગીરમાં જુવાન માણસોને સાથે લીધાં ને કહ્યું કે, “કોઈ ઘરડાને ભેળો લેશો નહીં.” પણ એક જણને બાપનાં દર્શન કરી જમવાનું નિયમ હતું તેથી તેણે વાહર માટે જગ્યા રાખી પેટીમાં ઘરડાને લીધો ને રાજા સાથે ગીરમાં ગયો. ગીરમાં જતાં રસ્તામાં બધાને દશમોડ થઈ ગઈ ને રસ્તો સૂઝે નહીં. પછી એક જણે કહ્યું કે, “સાહેબ, ઘરડો ભેળો હોત તો રસ્તો બતાવત, પણ બધા નાના જુવાનિયા લીધા તેને શું ખબર પડે?” પછી રાજા કહે, “ભેળો ઘરડો હોત તો સારું!” પછી ઘરડાનો દીકરો બોલ્યો જે, “સાહેબ, મારે બાપનું દર્શન કરી જમવાનું નિયમ છે તેથી પેટીમાં તમારાથી છાના રાખેલ છે, તો આપ આજ્ઞા કરો તો બહાર કાઢું.” પછી કહે, “બહુ સારું.” એટલે ઘરડાને રાજા પાસે લાવ્યા. રાજા કહે, “દશમોડ થઈ ગઈ છે તે કેમ કરવું?” ત્યારે ઘરડો કહે, “આમાં કોઈ ઘોડી વિયાણી હોય તેને છૂટી મૂકો.” પછી જે ઘોડીનું વછેરું ઘેર હતું તેને છૂટી મેલી. પછી કહે, “ઘોડી વાંસે સૌ ચાલો.” પછી ચાલ્યા તે ગામનો મારગ જડ્યો. એક ગુજરાતના સાધુ ધોલેરે આવ્યા, તેને ચાર મહિના સુધી ગુજરાતનાં ઝાડવા સ્વપ્નમાં આવ્યાં. (૨૦)

પ્રકરણ/વાત: ૧૧/૨

Vat Selection


Type: Keywords Exact phrase