ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૬

ત્યાગ-વૈરાગ્ય

અમે ખટરસનાં વર્તમાન પાળ્યાં. પછી મહારાજે એભલ ખાચરના કારજમાં સાટા ને જલેબી ખવરાવી, દૂધ પરાણે પાયું ને એક મહિનો પ્રસાદી જમાડી. પછી અમે બાબરિયાવાડમાં રસ્તે ચાલ્યા જતા હતા ત્યાં મહારાજ વૈરાગીને વેશે આત્માનંદ સ્વામીની દેરી આગળ સામા મળ્યા ને કહ્યું જે, “સાધુરામ, શરીર ઝગે છે તે દૂધ ખાવામાં આવ્યું છે કે શું?” એમ વચન માર્યું તે દિવસથી દૂધ મૂક્યું છે ને એક મહિના સુધી જીવ થરથર ધ્રુજ્યો. એમ પોતાના મિષે સમજાવ્યું. (૧)

પ્રકરણ/વાત: ૮/૬૬

જીવ કોઈ વાતે ધરાણો નહિ ને આ કથાવાર્તામાં ધરાઈ રહે છે. ધ્રૂવ પાંખડી ધ્રૂવ સામી જાય ને માછલું જળ વિના રહે નહિ, તેમ ઠરાવ કરવો જે હવે તો પ્રભુ જ ભજવા છે. મારવાડના ઐલપુરુરવા રાજાને વૈરાગ ઊપજ્યો ત્યારે સ્ત્રી એવું નામ ન લેતો ને સ્ત્રીલિંગ પદાર્થનું નામ પણ જીવ્યો ત્યાં સુધી ન લીધું. તડકામાં પણ લીંબડી કહે તો તેની છાંયા હેઠે ન જાય. ગમે તેવી તરસ લાગી હોય પણ વાવડી કહે તો તેનું પાણી ન પીએ. રોટલી કહે તો ખાય નહિ ને બાજરીનો કહે તોય ખાય નહિ. એવો અભાવ થાય ત્યારે ભગવાન ભજાય. આ તો જીવને બેય કરવું તે બે વાત કેમ બને? સાળાને સોળ સ્ત્રી ને બનેવીને બે સ્ત્રી. સાળાને વૈરાગ ઊપજ્યો તે કહે, “હું દરરોજ એક સ્ત્રીનો ત્યાગ કરીને સત્તરમે દિવસે ચાલ્યો જઈશ.” તેના ખબર તેની બેનને પહોંચ્યા ત્યારે તેની બેન તેના ધણીને નવરાવતી હતી તે આંસુ તેના ધણીના વાંસા ઉપર પડ્યાં. ત્યારે કહે, “કેમ રુવે છે?” તો કહે જે, “મારો ભાઈ સોળ સ્ત્રીનો ત્યાગ કરીને સત્તરમે દિવસે ચાલ્યો જશે એવા ખબર આવ્યા છે.” ત્યારે કહે જે, “ગાંડી થા મા. એમ ન તજાય!” ત્યારે સ્ત્રી કહે, “એમ જ તજાય. તમે તજી જોયાં છે?” ત્યારે તેનો ધણી કહે, “આ તજ્યું, લે હાલ!” એમ કહી ભીને પોતીએ ચાલી નીકળ્યો તે પાછો આવ્યો જ નહિ. એવા ખબર સાળાને મળ્યા એટલે તે પણ સોળ દિવસ પૂરા થયા પહેલાં ચાલી નીકળ્યો. એમ પ્રભુ ભજવાનો ઠરાવ કરવો. (૨)

પ્રકરણ/વાત: ૮/૧૯૭

અમરાજી ને અગરાજીએ ત્રાંબાપિત્તળનાં ઠામણાં વેચી નાખ્યાં ને માટીનાં ઠામ રાખ્યાં તે શા સારુ જે, મહારાજ આજ્ઞા કરે તો તરત સાધુ થઈ જવાય. પછી મહારાજનો કાગળ આવ્યો જે, “સાધુ કરવા છે તે આવજો.” ત્યાગી તો બેયને થવાનો સંકલ્પ પણ ડોશીનું શું થાય? પછી અમરોજી કહે, “હું જાઉં,” ને અગરોજી કહે, “હું જાઉં.” એટલે ડોશી કહે, “બેય જાઓ.” પછી બેય ચાલી નીકળ્યા તે રસ્તામાં વીરમાને ઉપદેશ કરીને વર્તમાન ધરાવતા ગયા. એવો વેગ લાગે ત્યારે સત્સંગ થાય. ગુણવાન દીકરો હોય, ગુણવાન સ્ત્રી હોય, સારું ઘર હોય તેને મેલીને અવાય નહિ પણ અગરાજીની પેઠે હોય તો તરત મૂકીને ચાલી નીકળાય. દુઃખ હોય તો સત્સંગમાં ન અવાય, બે ગામ હોય કે રાજા સાથે ઓળખાણ જ હોય તો પણ સત્સંગમાં ન અવાય...” (૩)

પ્રકરણ/વાત: ૯/૩૨

... બધાય પોતાના છોકરાને પરણાવે છે પણ ચાંદલો કરીને કોઈ આંહીં મોકલતું નથી. રાણીએ છ દીકરાને જ્ઞાન કરીને ત્યાગી કર્યા ત્યારે રાજાએ સાતમા દીકરાને પોતાની પાસે રાખ્યો. રાણીને મનમાં એમ થયું જે, ‘મારો દીકરો જમપુરીએ જાય તો મને ખોટ બેસે!’ પછી મોટાને તેડાવ્યો ને વાત કરી જે, “નાનો ત્યાગી થઈ જાય ત્યાં સુધી તારે રાજમાં રહેવું. પછી તુંયે વયો જાજે.” એટલે તેણે રાજાને કહ્યું જે, “ગાદીનો ધણી હું છું, નાનાને ગાદી નહિ મળે.” તે સાંભળી રાજા રાજી થયો ને ગાદી તેને આપી. પછી મોટા ભાઈએ નાના ભાઈને પૂછ્યું જે, “તું માને પગે લાગવા કેમ જાતો નથી?” તો કહે, “મને જાવા દેતા નથી.” એટલે કહે, “આજે જાજે, હવે કોઈ ના નહિ પાડે.” પછી નાનો દીકરો પગે લાગવા ગયો ત્યારે રાણીએ તેને માથે હાથ મૂક્યો એટલે સમાધિ થઈ ગઈ ને સ્વર્ગનું સુખ દેખાડ્યું. પછી જમપુરીમાં મારકૂટ થાતી હતી ને કુંભીપાકમાં કાળો કળેળાટ થાતો હતો તે દેખાડ્યું. પછી દેહમાં આવ્યે ત્યારે માતાને હાથ જોડી પૂછ્યું જે, “આ શું?” તો કહે, “રાજા અને રાજાના નોકરોને જમપુરીમાં લઈ જાય છે ને જે તપ કરે છે ને ધર્મ પાળે છે તેને પ્રથમ જોયું તે સ્વર્ગનું સુખ મળે છે. તે સુખ સારુ તારા છ ભાઈ ત્યાગી થઈ તપ કરવા વયા ગયા છે ને તું જમપુરીએ જાતો હતો તેમાંથી છેડાવવા તારો મોટો ભાઈ આવ્યો છે. માટે હવે ઠીક લાગે તેમ કરો.” પછી તે ત્યાગી થઈને ચાલી નીકળ્યો એટલે મોટો દીકરો પણ વયો ગયો. એમ કોઈથી થાય નહિ. (૪)

૧. વિશ્વાવસુ ગંધર્વની કુંવરી ને ઋતુધ્વજ રાજાની રાણી મદાલસાએ દીકરા - વિક્રાન્ત, સુબાહુ અને શત્રુમર્દનને બાળપણમાં હાલરડાં ગાતી વેળા આત્મજ્ઞાન કરાવેલું. મોટા થઈ ત્રણેએ સંન્યાસ લીધો. ચોથો પુત્ર અલર્ક તેના પિતા પાસે રહેવાથી માનો સમાગમ કરી ન શક્યો. છેવટે મોટા પુત્ર વિક્રાન્તને રાણીએ બોલાવ્યો ને કહ્યું, ‘તારો એક ભાઈ બાકી રહી જાય છે. તું તારા પિતાને કહે કે રાજગાદીનો વારસ હું છું. એટલે અલર્કને છૂટો કરશે.’ આમ કરવાથી અલર્કને રાજાએ એની મા પાસે જવા દીધો. મદાલસાએ તેને વૈરાગ્ય ચઢાવ્યો ને વનમાં મોકલી દીધો. તેના ગયા પછી મોટો પણ ચાલ્યો ગયો. આમ, પુરાણમાં છ નહીં પણ ચાર દીકરાની વાતા આવે છે. (સ્વામીની વાતો ૫-૫૮ની ટીપણી)

પ્રકરણ/વાત: ૯/૩૫

સત્સંગીની લાજ ઉપર મહારાજે વાત કરી હતી જે, જેટલો આત્માનંદ સ્વામીને ત્યાગ તેટલો મુક્તાનંદ સ્વામીને લાજે કરીને ત્યાગ રહે છે. મુક્તાનંદ સ્વામીને કોઈકે નહાતા દીઠા એટલે મહારાજને કહ્યું જે, “મુક્તાનંદ સ્વામી બહુ રૂપાળા છે.” પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને વઢ્યા જે, “ઉઘાડે શરીરે કેમ નહાયા?” (૫)

પ્રકરણ/વાત: ૯/૧૪૦

... ત્યાગી હોય તેણે જડભરતનું આખ્યાન કઢાવવું ને વાંચવું. એ કેમ વરતી ગયા છે તે તપાસવું ને તે પ્રમાણે હમણાં જીવતાં જ કરવું, કેમ જે દેહનો નિરધાર ક્યાં છે? માટે તેમ કર્યા વિના તો બીજા ધામમાં જાવું પડશે. મહારાજ તેડવા આવશે ત્યારે કેમ રાજી થાશે? માટે સત્સંગ કર્યો ને તેની રીત ન સમજ્યા તો શું પાક્યું? (૬)

પ્રકરણ/વાત: ૯/૧૮૮

પદ્મનાભાનંદે અલૈયા ખાચરને કહ્યું, “ગાડું લાવો.” ત્યારે અલૈયો કહે, “બળદ સીમમાં ચરવા ગયા છે ને ગાડું વાડીએ પડ્યું છે તે જરાક વાર લાંગશે.” ત્યારે કહે, “હમણાં ને હમણાં લાવો, પછે થાશે તાપ તો તમને લાગશે પાપ!” એટલે અલૈયે કહ્યું જે, “તમે થાઓ ગૃહસ્થ ને હું થાઉં ત્યાગી. પછી તમારી પાસે ગાડું માગું ત્યારે તમને ખબર પડે જે હમણાં ને હમણાં ગાડું ક્યાંથી આવે?” પણ અત્યારે સમજાય નહિ. કેટલાક તો કહે છે જે, “સ્વામીને ગોળ ગરમ પડે છે માટે સાકરનું બુરું લાવજો કાં જલેબી લાવજો.”

લડુ ખાંડહુકા ચહિયે લાલજીકું, ગુડ બોત ગરમ જનાવતા હે,

ધોઈ મીસરીકા બાલભોગ ચહે, દુધ ભેંસહુકા ઘના ભાવતા હે;

ચહિયે શાક સારાં મેરે લાલજીકું, ભાજીતાજીયાં ભોગ લગાવતા હે,

બ્રહ્માનંદ કહે ઠગી લેત પૈસા, એસા લોકકું જ્ઞાન બતાવતા હે.

એમ વલખાં કર્યે સુખ થાય નહિ... (૭)

૧. સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી રચિત ‘ઉપદેશકો અંગ’ - કીર્તન મુક્તાવલી.

પ્રકરણ/વાત: ૯/૨૧૦

“... દેહ ચાલે છે ત્યાં સુધી કથા, વાર્તા, ધ્યાન ને ચિંતન કરી લેવું પણ મકર ન કરવું.” ત્યારે હરિજને પૂછ્યું જે, “મકર એટલે શું?” સ્વામી કહે, “સંન્યાસી જમવા બેઠો તેને સર્વે પીરસ્યું પણ પાપડ પીરસવો રહી ગયો એટલે બોલ્યો જે, ‘આજ હું નાહીને ચાલ્યો આવતો હતો ત્યાં એક સર્પ દીઠો તેની ફેણે ઓલ્યા પાપડ જેવડી હતી?’ ત્યાં તો પીરસનારી કહે, ‘હું પાપડ પીરસવો ભૂલી ગઈ તે લ્યો દઉં.’ એમ કહી પાપડ પીરસ્યો. તે સંન્યાસીએ મકર કરી માગી લીધું કહેવાય. તેમ આપણે પણ પદાર્થ સારું કે ખાધા સારું કોઈને ઉપદેશ ન કરવો. એક સાધુએ હરિજન આગળ વાત કરી જે, ‘શેઠને સાધુને જમાડ્યાનો પ્રેમ બહુ. તે સાધુ જમવા બેસે ત્યારે ઉપર આવીને ઊભા રહે ને સમ દઈ મેળાવવા ન દે, દહીં દૂધના તો મે’ વરસાવે, બે દિવસ રહેવાનું હોય તો બે મહિના રાખે ને મેવા મીઠાઈના તો ઢગલા કરે. એવા જ હરિજન આંહીંના પણ છે.’ એમ વાત કરી હરિજનને સંભળાવે તે મકર કરીને માગી લીધું કહેવાય. પણ મકર કરશો તો મહારાજ કોચવાશે.

“વિશ્વંભર આખા બ્રહ્માંડના જીવનું પોષણ કરે છે ને પોતાના ભક્તને શું ભૂલી જશે? પણ જીવને સ્વભાવ પડ્યા તે મકર કર્યા વિના રહેવાય નહિ ને જે સારુ મકર કરીએ છીએ તે દેહ તો પડી જાવાનો છે. માટે જેટલી ભગવાનની સ્મૃતિ થાય, જેટલી હરિજનની સેવા થાય એટલું કમાણા...” (૮)

૧. भोजने छादने चिंता वृथा कुर्वंति वैष्णवाः । योऽसौ विश्वंभरो देवः स्वभक्तान् किमुपेक्षते ॥

પ્રકરણ/વાત: ૯/૨૨૦

ત્યાગીને સ્ત્રી-ધનનો જોગ થાય કે ઘી-ગોળનો જોગ થાય ત્યારે જાણવું જે એનું ઊતરતું પ્રારબ્ધ આવ્યું. (૯)

પ્રકરણ/વાત: ૯/૩૫૧

જેનો જીવ ત્યાગી ન હોય તેને પદાર્થ ભેળાં થાય તેનો ફડકો ન હોય પણ જેનો જીવ ત્યાગી હોય તેને તો જેમ પદાર્થ ભેળાં થવા માંડે તેમ ફડકો પડવા માંડે ને સુખે નિદ્રા પણ ન આવે. તે ઉપર નારાયણદાસની વાત કરી જે તે પાસે રામૈયો રાખતા. તે સાકર વાટી દૂધમાં પીધી ત્યારે મહારાજે પૂછ્યું જે, “શું પીધું?” એટલે કહે જે, “પેટમાં બળે છે તેથી છાશ ને મીઠું પીધું.” પછી મહારાજે બીજા સાધુ આગળ છીપર ચટાડી. ત્યારે તેમણે કહ્યું જે, “ગળ્યું છે,” તે રામૈયાથી જણાણું. (૧૦)

પ્રકરણ/વાત: ૧૦/૧

Vat Selection


Type: Keywords Exact phrase