ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૭

સાધુતા

મહારાજે પોતાના અને આ મોટા સંતના સંબંધથી અહીં જ અક્ષરના મુક્ત જેવા કરી મૂકવા છે તે કોઈનાથી લેવાતા નથી. એવા આંહી છે. તેવા બધાને કરવા છે. માટે સાધુ થાવું... (૧૧)

પ્રકરણ/વાત: ૧૧/૧૯૭

સત્સંગ મળે, ભગવાન મળે, ભગવાનની સેવા મળે પણ સમાગમ વિના સાધુતા આવે નહિ. જે લવિંગને વીંધે તે ઘાવેડી કહેવાય, તેમ સાધુતાના ગુણ આવશે ત્યારે ભગવાન રાજી થાશે. કોઈ બળ્યોજળ્યો આવે તેને અમૃત જેવાં વચન કહીને ઠારવો. તે બાળમુકુંદાનંદ સ્વામીને ગાળ દીધી પણ માનસી પૂજામાંથી ચૂક્યા નહિ. તેમ જ્યારે એવા સાધુ પાસેથી જ્ઞાન શીખશું ત્યારે સાધુ થવાશે... (૧૨)

પ્રકરણ/વાત: ૧૧/૨૨૯

આપણે ત્યાગી છીએ પણ દેવના સેવક છીએ માટે આપણા ધર્મમાં રહીને બધું કરવું. ને કોઈનું કર્યું કાંઈ થાતું નથી ને જેનું કર્યું થાય છે તે તો જોઈ રહ્યા છે. તે કોઈક બેધારી તરવાર, બંદૂક લઈને ને કોઈક બાણ ને ચીપીઆ પછાડતા ખાખી આવ્યા ને કહે જે, “પક્કાં સીધાં લેવાં છે ને ન આપે તો જેલી કરવા.” એવા અભિપ્રાયથી આવતા જાણીને મહારાજે મુક્તાનંદ સ્વામીને કોઠારેથી બોલાવ્યા અને નાળિયેર અને સાકરનો પડો મંગાવીને ખાખીના પગ આગળ મૂક્યા ને દંડવત્ કરી બે હાથ જોડી પગે લાગીને કહ્યું જે, “અમને દુઃખ દેતા તેની બીક હતી પણ હવે તમે ભગવાનના પાર્ષદ હથિયાર ધાર્યાં એટલે અમે નિર્ભય થયા ને તમે તો વૈકુંઠનાથના પાર્ષદ છો.” ત્યારે ખાખી બોલ્યા જે, “હમ તો ગધાકૂત્તા જેસા હે ને વૈકુંઠનાથના પાર્ષદ તો તુમ હો.” એમ કહીને વયા ગયા. (૧૩)

પ્રકરણ/વાત: ૧૧/૨૭૯

ભગવાન હોય કે ભગવાનના એકાંતિક સાધુ હોય ત્યાં નિયમ-ધર્મ હોય, સત્ય મતિ હોય ને ઉપાસના હોય ને સુંદરપણું પણ ત્યાં જ હોય. ને કળા, કારસ્તાન કરવાં તે તો નાગર તથા પાટીદારનાં કામ છે, પણ આ ઠેકાણું તો જુક્તિ તથા કળાનું નથી. કોઈને વિષે મિથ્યા અપવાદ મૂકવા એ સાધુનો મારગ ન કહેવાય. (૧૪)

પ્રકરણ/વાત: ૧૧/૩૦૭

આગળથી એવો વિચાર કરવો જે ક્રોધ આવવા દેવો નથી. ને કોઈને વઢવું નથી ને પોતાના સ્વભાવ અવળા હોય તે ઓળખવા. મલક બધાને ચોરાશી થઈ ને આપણે ભૂખ્યા રહ્યા તો શું પાક્યું? માટે જેમ ફિરંગી દેશ લેવા ઊભા છે તેમ આપણે પણ શીત-ઉષ્ણનું સહન કરીને સાધુ થવું. ને મોટાઈ પણ બે પ્રકારની છે. તે એક તો લૌકિક જે બીજાને દબાવવાની ને બીજી તો અલૌકિક જે મન-ઇન્દ્રિયોને દબાવવાં. ને સાધુપણાની મોટાઈ છે તે તો કોઈથી લેવાય નહિ. ને કોઈક લઈ જાય તો તેને સુખ આપે. (૧૫)

પ્રકરણ/વાત: ૧૧/૩૪૫

અમે તો આટલાં વરસ થયાં તે વિચારી જોયું તો સાધુપણામાં જ સુખ છે. ને જેટલાં કામ, ક્રોધાદિક તેમાં તો સુખ નથી ને એ થકી તો જેમ રાહુ થકી સૂર્ય મુકાય છે તેમ મુકાવું ને બધાનું સહન કરવું. (૧૬)

પ્રકરણ/વાત: ૧૧/૩૪૮

મે’ળાવમાં ગુંસાઈ આવેલ અને આપણા સાધુનું મંડળ મંદિરમાં ‘રાજે ગઢપુર મહારાજ’ એ કીર્તન ઊંચે સ્વરે કરીને ગાતા હતા, તેમાં

મત પંથને માથે મેખ, મારી લીધા જન છોડવી જો;

મુંડ્યા કંઈક ગુરુ ભેખ, પાડ્યા મહંતને ગોડવી જો.

એ પદ આવ્યું તે ગુંસાઈએ તેની હવેલીમાં સાંભળ્યું અને બળી ઊઠ્યો તે હલ્લો લઈને મંદિરમાં આવ્યો. તે જુવાનિયા સાધુ તો આઘાપાછા થઈ ગયા ને ઘરડા સાધુ એક બેઠા હતા તેમને માર્યા તે દેહ પડી ગયો. બીજા સાધુએ તે વાત વડતાલ જઈને કરી. ત્યારે નિત્યાનંદ સ્વામી સો પાળા બંદૂકવાળા લઈને જવા તૈયાર થયા. પછી રઘુવીરજી મહારાજે વાર્યા જે, “આપણે એવું કરવું નથી.” પણ સરકારમાં વાત જાહેર થયેલ અને તેથી ગુંસાઈને સજા થાય તેમ હતું, તેથી વૈષ્ણવ ભેળા થઈને રઘુવીરજી મહારાજ પાસે આવ્યા અને માફી માગી એટલે તેમના ગુંસાઈને બચાવ્યો. (૧૭)

૧. કીર્તન મુક્તાવલી ૧-૭૮૬

પ્રકરણ/વાત: ૧૩/૧૨

... વિશ્વાસચૈતન્યાનંદે વેણ મારવા માંડ્યા તે સત્સંગમાં ન રહ્યા ને અખંડાનંદ સ્વામી સાંખી રહેતા. માટે મોક્ષ માર્ગ સાધવો હોય તેને બધી ખબર રાખી જોઈએ ને મૂર્ખને તો કાંઈ ખબર નથી તે જેનું તેનું અવળું કર્યા કરે. (૧૮)

પ્રકરણ/વાત: ૧૩/૭૩

બીજી ક્રિયા આવડો કે ન આવડો પણ સાધુપણું શીખવાનો અહોનિશ વિચાર કરવો... (૧૯)

પ્રકરણ/વાત: ૧૫/૨૯

બીજાનું તો ખમાય પણ બરોબરિયાનું ન ખમાય ત્યારે પૂરું સાધુપણું આવ્યું નથી. (૨૦)

પ્રકરણ/વાત: ૧૫/૫૯

Vat Selection


Type: Keywords Exact phrase