ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૮

આત્મબુદ્ધિ, પક્ષ

ગરાસિયાની પેઠે ભેળાં રહે ને માંહી તો લાખું ગાઉનું છેટું. તેમ સુહૃદપણું ન રહે તો શાંતિ પણ રહે નહીં. ને બીજાનું સાચું હોય તો પણ ન લાગે ને પોતાનું ખોટું હોય તો તોય સાચું કરે. માટે દેહ હારે, ઇન્દ્રિયું હારે, કુસંગ હારે મિત્રાચાર કરવો તે ખોટો છે. ને ભેળા રહે ને મન નોખું પડે તો બેપરવાઈ થઈ જાય. એ કલ્યાણના મારગમાં વિઘ્ન છે. હમણાં દેહ પડી જાશે. તે રાજા હોય ને ખમા ખમા કરતા હોય તે પણ નહિ રહે. તે આહીં દુઃખ હોય ઓલ્યા ફળીમાં જાય એટલે મટી જાય ને ગરમી હોય તો ટાઢક કરીએ ત્યારે મટી જાય તે વર્જનીય છે. ને કાળ પડે તો ખાવા ન મળે તે અવર્જનીય છે. તે બેયને ઓળખવાં ને કોઈકે શબ્દ કહ્યો તેને ઓળખીને મૂકી દે તો દુઃખ નહીં. (૧૧)

પ્રકરણ/વાત: ૧૧/૧૭૩

બોટાદમાં માતરા ધાધલની ડોશીએ થાળી વેચીને મોટાભાઈ જે સચ્ચિદાનંદ સ્વામી તેને રાબ આપી તેથી મહારાજ બહુ રાજી થયા. ભગવદીની આ દેહે કરીને સેવા થઈ કે વચને કરીને જ ભલું મનવીએ તે સારું છે. પણ ઈર્ષા, અદેખાઈ ને માન તે ભગવાનના ભક્ત સાથે ન કરવું. (૧૨)

પ્રકરણ/વાત: ૧૧/૧૯૪

ચેલાને વશ ન થાય એવા પણ થોડા. તે ઉપર વાત કરી જે, વાળાકમાં શુકસ્વામી ફરવા ગયા હતા તે આનો ભક્ત કહે, “રહો તો ઠીક ને જાવું હોય તો જમીને જાઓ.” તે રસોઈ સારુ દૂધ રાખેલ પણ તેમના શિષ્ય હરિસ્વરૂપદાસ કહે, “રહેવું નથી.” પછી ધ્રાંગધ્રાના આનો ભક્ત રસ્તા વચ્ચે આડા સૂતા ને કહે જે, “મારા ઉપર ગાડું હાંકીને જાઓ.” ત્યારે હરિસ્વરૂપદાસ કહે, “ભલે સૂતો.” એમ કહી ગાડું તારવીને લઈ ગયા. એમ શિષ્યને વશ તેથી શુકસ્વામીથી હરિજનની મરજી ન સચવાણી ને કચવાવીને વયા ગયા. અને હજુ સુધી ગીત ગવાય છે. તે શું જે, વરતાલ કે ગઢડે જઈને ધ્રાંગધ્રે આવે ત્યારે પૂછે જે, “ઓલ્યો હરિસ્વરૂપદાસ જીવે છે કે મરી ગયો?” એમ હજુ સુધી ગીત ગવાય છે. પછી સેંજળમાં ગયા. ત્યાં પણ માણસિયા ખુમાણે રહેવાની બહુ જ તાણ કરી એટલે શુકસ્વામીની તો રહેવાની મરજી પણ હરિસ્વરૂપદાસ કહે, “રહેવું નથી.” તે ગાડી જોડાવી ચાલ્યા ત્યારે માણસિયો ખુમાણુ રસ્તા આડા સૂતા. એટલે ત્યાં પણ ગાડી તારવીને ચાલી નીકળ્યા. એમ શિષ્યને વશ હોય તેથી હરિજનની મરજી ન સચવાય. પણ નાઘેર ને વાળાક દેશ પશુપાલક કહેવાય ને તેનું ગમતું ન કરે ત્યારે સત્સંગ મૂકવા તૈયાર થાય ને કંઠી તોડીને કહે જે, “લે આ તારી કંઠી.” માટે ગુરુને તો કેટલાકનું ગમતું પણ કરવું જોઈએ તો હરિજનને સમાસ થાય. કૃપાનંદ સ્વામી તો કળા જાણતા જે, આપણે રહેવું છે ને હરિજનને કુરાજી કરવા નથી એમ મનમાં હોય પણ પાદર જઈને કહે જે, “તમે કચવાવ છો તે લ્યો આજનો દિવસ રહીએ.” એમ કહી પાછા ગામમાં જાય ને હરિજનને રાજી રાખે. તે એક દિવસ ચાર દિવસનો વદાડ કરી ઉમરેઠ ગયા. તે મનમાં વધારે રહેવાનું હતું પણ વદાડ ચાર દિવસનો કરેલો તે ચાર દિવસ થયા એટલે હરિજને બહુ તાણ કરી એટલે બે દિવસ વધુ રહ્યા એટલે હરિજન રાજી થયા. એને પોતે તો મનમાં ધાર્યું હતું કે ચાર દિવસનો વદાડ કરીને આવ્યા છીએ પણ છ દિવસ રહેવું છે. તેમાં શું કહ્યું જે, હરિજનને દુઃખવવા નહિ ને ત્યાગ-વૈરાગ્ય રાખવો ને યુક્તિ કરીને સમજાવવા. ને સીધાં લેવાં તે પણ કાચાં લેવાં. એવી કૃપાનંદ સ્વામી કળા જાણતા. (૧૩)

પ્રકરણ/વાત: ૧૧/૩૯૪

સત્સંગમાં આત્મબુદ્ધિ રાખવી. ને ગઢડા મંદિરનાં કોઈ વર્તમાન ન પાળે તો પણ આપણી જ લાજ ગઈ કહેવાય ને ‘ઓલ્યા દેશના સત્સંગી નોખા ને મંદિર નોખા’ એમ કહે તે સત્સંગી જ નથી. કોઈનો અવગુણ આવે તેને ક્ષય રોગ કહ્યો છે, ને જે આઘુંપાછું કરશે તેનો બે આના સત્સંગ હશે તે પણ ટળી જાશે... (૧૪)

પ્રકરણ/વાત: ૧૨/૧૨૦

એક કણબી જારના સાંઠા લઈને જતો હતો તેને અમે પૂછ્યું, “કોના સારુ લઈ જાઓ છો?” તો કહે, “મારા છોકરા સારુ લઈ જાઉં છું.” તેમ જે ભગવદી છે તે સ્વામિનારાયણના છોકરા છે માટે તેમાં આત્મબુદ્ધિ કરવી. છોકરાં-બાયડીમાં તો સૌને આત્મબુદ્ધિ છે. પણ એ આત્મબુદ્ધિ તો નરકે લઈ જાય એવી છે અને ભગવદીમાં આત્મબુદ્ધિ છે તે તો અક્ષરધામમાં લઈ જાય તેવી છે. (૧૫)

પ્રકરણ/વાત: ૧૩/૫૩

આ દેહ છે તે તો કેવળ દુઃખનું દેનારું છે ને ભગવદીના અવગુણ લેવાડે એવું છે, માટે ખળતા, કુટિલતા મૂકીને આત્મબુદ્ધિ ઘરમાં છે તે બબ્બે આના સત્સંગમાં આત્મબુદ્ધિ કરવી. માટે ભગવાનના વચનમાં સુખ હોય પણ જીવને જણાય નહિ. કેટલાકને કાઢી મૂક્યા છે તે રખડે છે. માટે પ્રભુ ભજવા આવ્યા છીએ પણ બધો વિવેક જોઈએ. ને તરગાળા છે તે આઠ મહિના સુધી ઊંઘે નહિ તે એમ કરીને માથું કૂટીને સ્ત્રી-છોકરાંનું પોષણ કરે છે. ને ધોળેરામાં સોપો પડતો નથી, તે શું જે, રાત બધી રૂનાં ગાડાં આવ્યા કરે ને જેમ મગ ને ચોખા ઉફાણે આવે તેમ ત્રિલોકી આવી છે. આ તો મહારાજ લોંઠાયે ઠરાવે છે. તે ગળું ઝાલી ઝાલીને જ્ઞાન આપે છે. ગળું ઝાલી ઝાલીને ધર્મમાં રખાવે છે... (૧૬)

પ્રકરણ/વાત: ૧૩/૫૮

હરિભક્તને દુઃખે દુખિયા થાવું એટલો જ સત્સંગ જાણવો. તે ઉપર માવાભક્તની વાત કરી જે, મહારાજને દર્શને સંઘ જતો હતો તેમાં એક છોકરાને કાંટો વાગ્યો એટલે બેસી ગયો. સૌ પૂછે જે, “છોકરા, શું થયું છે?” છોકરે કહ્યું, “કાંટો વાગ્યો છે.” તે સાંભળી સૌ ચાલ્યા ગયા પણ માવાભક્તે તેનો કાંટો જોયો તો ભાંગી ગયેલ એટલે ખભે ઝલાવી, બીજા હાથમાં લાકડી આપી, ગામમાં જઈ કાંટો કઢાવ્યો. મહારાજ પાસે સંઘ પહોંચ્યો ત્યારે સૌ કહે, “સંઘ આવ્યો,” પણ મહારાજ બોલ્યા નહીં. પણ જ્યારે માવાભક્ત આવ્યા ત્યારે મહારાજ કહે, “હવે સંઘ આવ્યો!” તેમાં શું કહ્યું જે, સત્સંગને વિષે આત્મબુદ્ધિ કરવી એ મહારાજની પ્રસન્નતાનું સાધન છે. (૧૭)

પ્રકરણ/વાત: ૧૩/૧૯૦

... જેવો તેવો હશે ને સ્વભાવ-પ્રકૃતિવાળો હશે પણ ભગવાનમાં કોઈ રીતે એનો જીવ બંધાણો તો એથી કઈ મોટ વાત છે? માટે એમ જાણીને તેનો મહિમા સમજવો. (૧૮)

પ્રકરણ/વાત: ૧૩/૧૯૫

ગરાસિયાના ગુરુ હરિદાસજીએ પૂછ્યું જે, “સત્સંગમાં બેપરવાઈ ન થવું એમ કહ્યું તે બેપરવાઈ હોય તેનાં શાં લક્ષણ છે?” ત્યારે કહે, “મંદિરના બળદિયા ખોવાણા ત્યારે નારણદાસ કહે, ‘એ તો आगमापायिनः છે.’ તેમ તેની પેઠે સત્સંગનો મમત્વ ન હોય તે કોઈ માંદો થાય તેની ખબર પણ ન લે. જેને બેપરવાઈ ન હોય તેને તો કોઈ માંદો થાય ત્યારે પોતે જેમ માંદો થાય તેટલી ફિકર થાય.” (૧૯)

પ્રકરણ/વાત: ૧૪/૧૨૦

... આ સર્વે હરિજન છે તે ચીંથરે વીંટેલા રત્ન છે એટલે કળાય નહિ. માટે કોઈને વેણે કરીને દુઃખવવા નહિ. (૨૦)

પ્રકરણ/વાત: ૧૪/૧૩૫

Vat Selection


Type: Keywords Exact phrase