ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૯

જ્ઞાન-સમજણ

જ્ઞાન વિના તો કાંઈ પદાર્થ નાશ પામે અથવા દીકરો મરી જાય તો ગાંડું થવાય, તે નળકાંઠામાં દેવરાજ લુવાણો ગાંડો થઈ ગયો. ને મોટપ મળે તો પણ ગાંડું થઈ જવાય છે માટે જ્ઞાન શીખવું તો દુઃખ ન આવે. (૧૧)

પ્રકરણ/વાત: ૧૧/૨૫૦

મહારાજ કહે જે, અમારે બુદ્ધિવાળા ઉપર હેત થાય છે તે બુદ્ધિવાળો સમજે ને બીજાને સમજ્યા વિના જરાકમાં દુઃખ થાય, તે પોતાને તેમ પરને બેયને દુઃખ થાય. તે રાધિકાજીએ જરાવારમાં ભગવાન સાથે કજિઓ કર્યો. માટે જ્ઞાની હોય ને સંત સેવન કર્યા કરે ને ભગવાનને વશ થાય તો ભગવાન પણ તેને વશ વરતે છે ને તેની સેવામાં રહે છે. (૧૨)

પ્રકરણ/વાત: ૧૧/૪૧૩

... જેમ સરાણીઓ જુવે છે તેમ પોતાનું જોયા કરવું, જે હવે મારે કેમ છે. તે એમ ને એમ જોતાં જોતાં દર્પણમાં મોઢું દેખાય છે તેમ પોતાના દોષ જણાવા માંડે, જે આટલી મારે વિષયમાં આસક્તિ છે ને આટલું મારે અભિમાન છે.” ... (૧૩)

પ્રકરણ/વાત: ૧૨/૧૬૩

રાવણ સૌનો શોક ટાળતો પણ મેઘનાદ મુવો અને તેની સ્ત્રીનો વિલાપ સાંભળ્યો ત્યારે પોકે પોક મૂકીને રોવા બેઠો. પછી ગામના માણસ કહે, “તમે તો સૌને હિંમત દેતા હતા ને?” ત્યારે કહે, “આ તો મારો ઈન્દ્રજીત મરાણો!” પારકાને જ્ઞાન કરતાં સારું લાગે પણ પોતા ઉપર આવે ત્યારે ખબર પડે. આપણે પ્રભુ ભજવાનો આદર કર્યો ને વહેવારના વેગ લગાડ્યા ત્યારે મહારાજ કેમ રાજી થાશે? (૧૪)

પ્રકરણ/વાત: ૧૪/૨૭

અચિંત્યાનંદ બ્રહ્મચારીએ પૂછ્યું જે, “વાતો બ્રહ્માંડ ફાટે તેટલી કરે ને કોઈક વહેવાર આવે ભગવદીનો અવગુણ લે એ તે કેમ હશે?” ત્યારે કહે, “જ્ઞાન કરે છે તે ઉપરથી વાચ્યાર્થ જ્ઞાન કરે છે. એ જ્ઞાન તો બીજાને કહેવાનું પણ પોતાને સમજવાનું નહિ. સિપાઈ-રજપૂતના લોઢાં ને બીજાં ભાટ-ચારણના લોઢાં એમ જ્ઞાનમાં ફેર છે.” (૧૫)

પ્રકરણ/વાત: ૧૪/૧૦૬

શાસ્ત્રીનો દીકરો હોય તો પણ ભણ્યા વિના તો આવડે નહિ. તેમ જ્ઞાન પણ કહ્યા-સાંભળ્યા વિના થાય નહિ. (૧૬)

પ્રકરણ/વાત: ૧૫/૫૧

... જે જે પદાર્થના મોહ લાગે છે તેના વેગ લાગી જાય છે. તે સાઠ સાઠ રૂપિયાના કૂતરાં લીધાં, માટે એવાં અજ્ઞાન છે તેનો પાર જ ન આવે. માટે એક નિત્યને જાણવું ને એક અનિત્યને જાણવું એવા બે વિભાગ કરવા. પછી અનિત્યનો ત્યાગ કરવો ને નિત્યનું ગ્રહણ કરવું. જ્ઞાનીને સુખ છે તે મેડી વતે કે પદાર્થ વતે નથી. તેને તો જ્ઞાન વતે સુખ છે... (૧૭)

પ્રકરણ/વાત: ૧૫/૧૨૧

... ખરેખરું જ્ઞાન થાય તો વિષયમાં લોભાય જ નહિ. તે વસોના વાઘજીભાઈને કહીએ જે, “બશેર રાખ વસો લઈ જાઓ.” તો કે’શે, “રાખ તો ત્યાં ઘણી હોય તે શું લઈ જાઈએ?” (૧૮)

પ્રકરણ/વાત: ૧૫/૧૩૩

એક વખતે વંડામાં ઓરડા ચણતા હતા ને કામ જોવા મહારાજ પધાર્યા. ત્યારે કરસનદાસ કોઠારી ભેળા હતા તે બોલ્યા જે, “મહારાજ, ઓરડા બહુ સારા થયા.” ત્યારે મહારાજ બોલ્યા જે, “પૃથ્વી ઉપર પીંડા ઉપર પીંડા ચડાવ્યા છે તે પડી જાશે ત્યારે પાછા પૃથ્વીમાં સમાશે. એમાં તમે શું વખાણો છો?” એમ કહીને આસન ઉપર વિરાજમાન થયા ને આગળ ભણનારા સાધુ આવીને બેઠા. પછી તેમને મહારાજ કહે જે, “સાંભળો, એક જ્ઞાનની વૃતિ કહું છું જે, વરતાલમાં અમે રામપ્રતાપભાઈવાળા બંગલામાં ધ્યાન કરતા ત્યાં માણસનો ભીડો બહુ થાવા લાગ્યો ત્યારે વિચાર થયો જે, એક ઢોલિયો ને બે સેવક સમાય એવી જગા હોય તો ઠીક. પછી આથમણી કોરે એવો બંગલો કરાવીને તેમાં થોડાક દિવસ ધ્યાન કર્યું. પછી તેમાં પણ એમ વિચાર થયો કે આ જગા પણ પડી જાય તેવી છે માટે કોઈ પર્વતની ગુફામાં જઈને ધ્યાન કરીએ તો ઠીક. પછી તેમાં પણ એમ વિચાર થયો જે, એ પણ પ્રલય કાળે નાશ થઈ જાશે. પછી તો બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક, પ્રધાનપુરુષનું સ્થાન અને મૂળ પ્રકૃતિપુરુષ પર્યંત સર્વેનાં સ્થાન ધ્યાન કરવા સારુ જોયાં ત્યાં તો એ સર્વે પ્રલયમાં નાશવંત જણાયાં. પછી અંતરદૃષ્ટિ કરીને જોયું ત્યાં તે અમારા હૃદયમાં પ્રકાશ દેખાણો ને અક્ષરબ્રહ્મ તેને વિષે ભગવાનની મૂર્તિ દેખાણી ત્યારે જાણ્યું જે આ સ્થાનક ધ્યાન કરવા જોગ છે, માટે ત્યાં રહીને ધ્યાન કરવું.” એમ કહીને તે સર્વે સાધુને કહ્યું જે, “તમે ભણો, લખો તે તો ઠીક છે પણ અક્ષરબ્રહ્મ તે રૂપ થઈને અમારું ધ્યાન કરવું એ કરવાનું છે.(૧૯)

પ્રકરણ/વાત: ૮/૧૮

જામનગરમાં નિષ્કુળાનંદ સ્વામીના કરેલ મહિમાનો ખરડો લઈને જાગાભક્ત વાંચતા હતા. તેમાં ‘સખી શીયો કરું ઉપાય પીયુ પરદેશડે,’ એ ચરણ આવ્યું ત્યારે સ્વામી પોઢ્યા હતા તે બેઠા થયા ને બોલ્યા જે, “ફેર વાંચો.” પછી ફેર વાંચ્યું. તે સાંભળીને બોલ્યા જે, “આ પણ એક મારા ગુરુનું અજ્ઞાન દેખાય છે!” એમ કહીને વળી બોલ્યા જે, “જેને જ્ઞાન હોય તેને પીયુ પરદેશડે મનાય જ નહિ. એ તો એમ જાણે જે, ‘ભગવાન અખંડ મારા આત્માને વિષે વિરાજમાન છે ને જેમ દેહમાં જીવ રહ્યો છે તેમ મારા જીવમાં ભગવાન રહ્યા છે,’ એમ સારંગપુરમાં દશના વચનામૃતમાં કહ્યું છે... (૨૦)

પ્રકરણ/વાત: ૯/૨૪૩

Vat Selection


Type: Keywords Exact phrase