ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨૧

કૃપા, ભક્તવત્સલતા

વૈરાગ્ય હોય, ધર્મ હોય, ભક્તિ હોય તે બીજાને શીખવવું. તે ઝાડ હોય તે પણ પોતાની સુગંધી આપે ત્યારે સાધુ પોતાના ગુણ કેમ ન આપે? ને કેમ પ્રવર્તાવ્યા વિના રહે? ને મરીને જેની ભેગું રહેવું તેની હારે હમણાં જીવતાં ન રહેવાય તે કેવું વિપરિત? ને દેહ સાથે ને ઇંદ્રિયુ સાથે વેર નહીં ને આ સાધુ સાથે વેર! માટે બેસવાની ડાળ કાપે એવો જીવ છે. અમારો રંતિદેવના જેવો સ્વભાવ છે, તે અમારે મર દુઃખ થાય પણ ભગવાનના ભક્તને સુખિયા કરવા માટે અમારી ભેળા રહેતા હોય તેને તો સુખિયા કરવા છે. (૧૧)

પ્રકરણ/વાત: ૧૧/૪૧

મહારાજ દેશમાં ફરતા ફરતા આખા ને પીપલાણા નજીક આવ્યા ત્યારે આખાના ને પીપલાણાના હરિજન સામા તેડવા ગયા. તે આખાના હરિજન કહે જે આખે પધારો ને પીપલાણાના હરિજન કહે જે પીપલાણે પધારો. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું જે, “શું કરશું?” ત્યારે મુક્તાનંદ સ્વામી કહે જે, “શ્રીકૃષ્ણ ભગવાન મિથિલાપુરીમાં ગયા ત્યારે જનક તથા એક ભગવદી બ્રાહ્મણ તે બેને સાથે દેખાણ હતા. તેમ તમે પણ કરો એટલે બેય રાજી થાશે.” ત્યારે મહારાજ કહે, “ઠીક ચાલો.” એમ કહી ચાલતા થયા. તે આખાના હરિજન જાણે આખે પધારે છે ને પીપલાણાના હરિજન જાણે પીપલાણે પધારે છે તે બેયને ત્યાં એકસાથે પધાર્યા. સામૈયાં થયાં, જમીને સભા થઈ ત્યારે મેમાન હતા તે જમીને પીપલાણે ગયા તો ત્યાં આગળ પણ મહારાજને વાતો કરતા દીઠા એટલે મનમાં એમ થયું જે, “આ શું? આપણા મોર તો કોઈ ગયું નથી.” પછી એક ત્યાં રોકાણો ને એક આખે ગયો. ત્યાં પણ મહારાજને વાતો કરતા દીઠા. તે મહારાજે હરિજનને રાજી રાખવા સારુ એમ કર્યું હતું. અમારે પણ શેલણામાં એમ કરવું પડ્યું હતું, ને અમે ઓઘડ ખુમાણને ત્યાં અઢાર દિવસ રહ્યા પછી અમારી પૂજા કરી હાર પહેરાવ્યો ને ધોતિયાં ઓઢાડ્યાં. પછી અમને કહે જે, “ઓરડામાં પધારો.” તે ઓરડામાં ડોશિયું હતી એટલે અમે કહ્યું જે, “માંહીલીપા વાઘ છે તે જવાય નહિ.” એમ ત્રણ વાર કહ્યું. પછી તો અમે ખુમાણનું કાંડું ઝાલી ગાજતે-વાજતે મંદિરમાં જવા નીકળ્યા ને બીજે રૂપે ઓરડામાં ગયા ને બધે ફર્યા ને હાર પટારા ઉપર મૂકીને અમે મદિરમાં ગયા. પણ ઓઘડ ખુમાણની નજરે અમે ઓરડામાં ગયા નહિ તેથી તે ઉદાસ થઈ ઘેર ગયા ત્યારે તેમની દીકરી રાજબાઈએ પૂછ્યું જે, “આપ ઉદાસી કેમ છો?” તો કે, “સ્વામી અઢાર દિવસ રહ્યા પણ ઓરડા પ્રસાદીના ન કર્યા.” ત્યારે રાજબાઈએ કહ્યું જે, “આપ સ્વામી તો ઓરડામાં પધાર્યા હતા ને સ્વામીએ પટારા તથા ઓરડા બહુ વખાણ્યા ને પછવાડે ઓશરીમાં પણ પધાર્યા હતા ને અમે સારી રીતે દશે જણે દર્શન કર્યાં હતાં.” તોય ઓઘડ ખુમાણ તો મંદિરમાં આવ્યા ને સાધુને પૂછવા લાગ્યા જે, “સ્વામીએ ગુલાબનો હાર કેને આપ્યો? સ્વામીની ડોકમાં પણ નથી. તેમ કોઈને આપતાં પણ દીઠા નથી.” ત્યારે અમે કહ્યું જે, “તમારા પટારા ઉપર મૂકીને આવ્યા છીએ.” પછી તો ઘેર ગયા ને પટારા ઉપર હાર દીઠો એટલે બહુ રાજી થયા. એમ બે રૂપ ધરી કાર્યની સિદ્ધિ કરી. તે ભગવાન કે મોટા સંતને કાંઈ કઠણ નથી. એક પટેલના બળદ ખોવાઈ ગયા હતા તે ગોત્યા પણ જડ્યા નહિ. પછી અમે તેને ખળે, આખાના કાનજી રૂપે ગયા ને કહ્યું જે, “પટેલ, સ્વામી કહેરાવે છે જે, તમારા બળદ ઓલી તળાવડીએ બેઠા છે. ત્યાંથી હાંકી આવજો.” તે ઘઉં વાવલતાં કહે જે, “ઘેર જાઓ ઉતારો કરો ને હું વાંસેથી આવું છું.” એમ કહી પટેલ તો બળદ લેવા ગયા ને અમે અંતરધ્યાન થઈ ગયા. તે ઘેર આવ્યા ને કે’, “કાનજી, મહારાજ ક્યાં?” તો કે, “આંહી આવ્યા નથી.” મંદિરમાં ખબર કાઢી પણ ક્યાંઈ નહિ એટલે તેમને આશ્ચર્ય જેવું થયું. અમારે કહેવું પડ્યું જે, “એ તો અમે આવ્યા હતા.” એમ ભગવાન ને સંત તે તો ઘણા દયાળુ છે. હરકોઈ પ્રકારે ભક્તની રક્ષા કરે છે. (૧૨)

પ્રકરણ/વાત: ૧૧/૩૮૭

ભગવાનનો તથા સાધુનો વિશ્વાસ રાખવો જે પ્રારબ્ધમાં રોટલો નહિ હોય તોય દેશે, એમાં ફેર નથી. પછે વાત કરી જે, કમઢિયાવાળા કાયાભાઈનું ખોરડું બળવા ન દીધું ને એમ દેખાણું જે સાધુ પાણીનાં તુંબડાં ભરીને ઊભા છે ને બળવા દેતા નથી. પણ કાયાભાઈએ જેટલું બળતામાંથી બચાવવા માટે બહાર કાઢ્યું તેટલું બળી ગયું ને માંહીં અમરબાઈ સુવાવડમાં હતાં તે સૂઈ રહ્યાં ને કહે જે, “મહારાજને રાખવાં હશે તો રહેશું.” ને કાયાભાઈને સામાન કાઢવાની ના પાડતાં હતાં એવાં નિશ્ચયવાળા ને વિશ્વાસી હતાં તો મહારાજે રક્ષા કરી. માટે વિશ્વાસ રાખવો. (૧૩)

પ્રકરણ/વાત: ૧૨/૧૧૬

... આ હમણાં બેઠા છીએ પણ બધાના દોષ કહેવા માંડીએ તો હેત ન રહે. માટે લાંબી નજરે જોઈએ છીએ જે ભેળા પલોટાય છે તો આગળ સારુ થાશે. એમ જાણીને ક્ષમા કરીએ છીએ, તે શું જે ક્રોધે રહિત શિક્ષા કરવી ને જે દોષને માર્ગે ચાલે તેને તેમાં વિઘ્ન છે તે ઓળખાવવાં. મોટાનો સિદ્ધાંત એ છે જે, જીવનો મોક્ષ કરવો ને તેના દોષ મુકાવવા ને જીવનો સ્વભાવ તો એવો છે જે ખરેરો કરે કે માન દે, ખાવાનું દે કે લૂગડાં દે તો તેનો થાય એવો છે. મહારાજ કહેતા જે, વિષયમાં આસક્તિવાળા માણસને પોતાનાં ન જાણવાં તે તે વિષય દે તેવાં છે. માટે જેને વિષય ન જોતા હોય તે માણસને પોતાનાં કરી રાખવાં... (૧૪)

પ્રકરણ/વાત: ૧૨/૧૬૫

દાસના દુશમન હરિ કે’દિ હોય નહિ. તે વઢતા હોય અને કાઢી મૂકતા હોય પણ જીવનું હિત જ કરે. એમની જે ક્રિયા છે તે કલ્યાણકારી છે એમ સમજાય તો દુઃખ ક્યાં છે?... (૧૫)

પ્રકરણ/વાત: ૧૨/૧૭૦

... અમારો સ્વભાવ પ્રથમ એવો જે મારું વચન કોઈ ન માને ત્યારે તેને કહું નહિ, ને હવે તો હાથ જોડીને કહીએ છીએ જે, “ભલો થઈને કરીશ?” નિષ્કુળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી એ ભેળા કોઈ રહે જ નહિ, તે તો ઉજ્જડ ગામનો એરંડો એવો રહે ને જ્યારે ઝાઝા મનુષ્યનો નભાવ કરાવવો ત્યારે કોઈનું વૈદું કરીએ, કોઈનાં બીજાં દુઃખ હોય તે ટાળીએ એમ કરીને સૌ સાથે બનાડીએ છીએ. પણ જેવી મારી પ્રકૃતિ છે તેવી રીતે વર્તાવું તો કોઈ રહી શકે નહિ. (૧૬)

પ્રકરણ/વાત: ૧૩/૧૧૪

... આ દેહ છે તે કાલ જાતો રહેશે ને ભગવાન વિના કોઈ હાથ ઝાલનારો નથી. પૂર્વ જન્મના સખા તો ભગવાન છે તે गुरुर्न स स्यात् એ શ્લોક બોલ્યા. માટે આ જોગ મળ્યો તે આપણે કોઈ પૂર્વનો સંસ્કાર છે. જેમ શેરડી ચુસાય ને કેરી ચુસાય તેમ જીવ આ લોકમાં ચુસાય છે. કેટલાકને ઝેર દે છે ને કેટલાકને મારી નાખે છે તે આવાં કુકટ દેખીએ છીએ. માટે પોતાના જીવને બચાવીને ભગવાન ભજી લેવા. ભગવાન ને સંત વિના કોઈ આ લોકમાં જીવના હેતુ નથી. (૧૭)

૧. गुरुर्न स स्यात्स्वजनो न स स्यात् पिता न स स्याज्जननी न सा स्यात् । दैवं न तत्स्यान्न पतिश्च स स्यान्न मोचयेत् यः समुपेतमृत्युम् ॥ - સ્વામીની વાત ૯/૭૨

પ્રકરણ/વાત: ૧૩/૧૬૨

... મોટાની દૃષ્ટિ તો એવી છે જે, ભલા, આ સમાગમમાં રહ્યો છે ને વાતું નથી સમજાતી પણ આ દર્શન થાય છે તે પણ મોટી વાત છે. પણ જીવને અંતર શત્રુ છે તે કાઢી નાખે છે. દેહનું, લોકનું ને ઇંદ્રિયોનું ગમતું મરડે તેનાથી અહીં રહેવાય છે. (૧૮)

પ્રકરણ/વાત: ૧૪/૬

... મહારાજે કહ્યું જે, “અમારે કોઈનો અવગુણ નથી આવતો તેનું શું કારણ જે, અમે જાણીએ છીએ જે જીવ તો બિચારા એવા જ હોય.” (૧૯)

પ્રકરણ/વાત: ૧૪/૯૩

Vat Selection


Type: Keywords Exact phrase