☰ Vato
ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨૨

અભાવ-અવગુણ-દ્રોહ

કેટલાક આમાં રહીને મોટા સાધુની નિંદા કરે છે! તે સત્સંગમાં કુસંગ છે. ધોલેરામાં નિર્મળાનંદ સ્વામીની નિર્વિકારાનંદે નિંદા કરી એટલે તેને જમ તેડવા આવ્યા તે નિર્વિકારાનંદે દીઠા, કેમ જે એક જમ બોલ્યો જે, “ઓલ્યો નિર્વિકારાનંદ! પણ તે નિર્મળાનંદ સ્વામીને પડખે બેઠો છે ત્યાં સુધી લેવાય નહિ પણ ઓરો આવે તો લઈ જઈએ, માટે તે ઊઠે ત્યાં સુધી રોકાઓ.” તે વાત નિર્વિકારાનંદે સાંભળી એટલે આખી રાત ત્યાંથી ઊઠ્યો નહિ ને લઘુ કરવા જાવું હતું પણ બેસી રહ્યો. તોય નિર્મળાનંદ સ્વામીનો ગુણ આવ્યો નહિ. પછી જમ દેખાતા આળસી ગયા એટલે ત્યાંથી ઊઠ્યો ને લઘુ કરવા ગયો. પછી તેને જમ ઉપાડી ગયા. (૧)

પ્રકરણ/વાત: ૮/૯૬

કોઈ ગ્રહ કે દેવદેવીની પ્રતીતિ આવવા દેવી નહિ. સંસ્કારી હોય પણ કોઈક દેશકાળ આવે કે સર્વોપરી નિશ્ચયમાં ઘસારો આવે એવાં શાસ્ત્ર સાંભળે તો બુદ્ધિ ફરી જાય પણ પક્વ થયું હોય તો ન ફરે. સુરેશ્વરાનંદ ઢુંઢિયો હતો, વીકળિયાનો બ્રાહ્મણ રૂપરામ બ્રહ્મચારી થયો હતો તે અને દ્વારકાનો ધર્મનંદનદાસ લોટ પીને રહેતા. તેમને એક ગામમાં માવો ભક્ત ભેળા થયા તે બાજરો પલાળીને ખાતા એટલે તેમણે લોટિયાને કહ્યું જે, “લોટ શા સારુ કરવો પડે? બાજરો, જાર જે મળે તે ચાવી ખાવું.” તે સાંભળી લોટિયાનો તે ગર્વ ઊતરી ગયો પણ એક વાર અમે બીજી વખત જમ્યા એમાં લોટિયાને અમારો અભાવ આવ્યો. પછી તે પાપે સત્સંગમાંથી વયા ગયા ને ચુડે જઈ હરિકૃષ્ણને મળ્યા ને તેને ભગવાન માન્યો. પછી તેમને રાજકોટવાળા દેવકૃષ્ણ વ્યાસે આજીને કાઠે પૂછ્યું જે, “લોટ પીઓ છો કે કેમ કરો છો?” ત્યારે કહે, “सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज । એમ હવે તો બધું ખાઈએ છીએ.” માટે ક્રિયાએ કરીને કે વહેવારે કરીને કોઈનો દોષ આવવા દેવો નહિ. (૨)

૧. આ શ્લોકનો (ગીતા: ૧૮/૬૬) અર્થ શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્ય ૯માં કર્યો છે: સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ । અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥ હે અર્જુન! સર્વ ધર્મને તજીને તું એક મારા જ શરણને પામ્ય, તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશ માં.

પ્રકરણ/વાત: ૮/૨૧૩

... લક્ષ્મીવાડીમાં પાળો બાંધવા સદાનંદ સ્વામી આદિ સાધુ ગયા ને સૌએ કામ વહેંચી લીધું. પછી પોતપોતાના ભાગનું કામ કરી સદાનંદ સ્વામીની મશ્કરી કરી જે, “કાં કેમ કરશો?” પછી પોતાના ભાગમાં પાળાને બદલે સદાનંદ સ્વામી નાડી, પ્રાણ સંકેલીને સૂઈ ગયા, તેથી કરી સૌના લઘુ ને ઝાડા બંધ થઈ ગયા એટલે રાડોરાડ પાડવા માંડી. તે વાત મહારાજ પાસે ગઈ. મહારાજે કહ્યું જે, “તમે કોઈક મોટાનો અપરાધ કર્યો છે.” પછી મહારાજ લક્ષ્મીવાડીમાં ગયા ને સદાનંદ સ્વામીને સમાધિમાંથી જગાડ્યા ને કહ્યું જે, “શું પ્રલય કરવો છે? બધાનો ખુલાસો કરો.” ત્યારે સદાનંદ સ્વામી કહે, “સૌને પાણી લઈ જાજરુ જાવાનું કહો, નહિતર આંહીંને આંહીં બગાડી મૂકશે.” કેટલાકે ન માન્યું. પછી કહે, “છૂટી મૂકું છું,” એમ બોલ્યા ત્યાં તો જેણે માન્યું નહોતું તેનાં લૂગડાં બગડી રહ્યાં. તે જોઈ મહારાજ હસ્યા. પછી સદાનંદ સ્વામી મહારાજ સાથે મંદિરમાં ગયા. (૩)

પ્રકરણ/વાત: ૮/૨૪૬

... સત્સંગીની સાથે કરડી નજર કરશે તેની આંખ ફૂટી જાશે, માટે સત્સંગીને દુઃખ ન થાય એમ વરતજો! મહારાજ કહેતા જે, “સત્સંગીને દુઃખ થાય એમ વરતે છે તે તો અમારું લોહી પીએ છે.” (૪)

પ્રકરણ/વાત: ૯/૧૩૫

મનુષ્યનો એવો સ્વભાવ જે બીજાની ખોટ કાઢીને પોતાને ડાહ્યા સમજે ને કહે જે, “ટોપીવાળાને રાજ કરતાં નથી આવડતું,” પણ પોતાના ઘરમાં પાંચ માણસ સચવાતાં ન હોય. માટે પોતામાં ખોટ સમજે તો જ સમાસ થાય. (૫)

પ્રકરણ/વાત: ૯/૧૪૭

કોઈ વાંકું બોલે તેને મહારાજ ખીજતા. નિર્વિકલ્પાનંદ ભણેલો હતો પણ પદાર્થ ભેળાં કરતો તેથી મુક્તાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી તેનું ખંડન કરતા, એટલે તેણે દ્વેષભાવથી મહારાજ ઉપર ધરમપુર કાગળ લખ્યો. તેમાં મહારાજને બહુ જ સારી રીતે ઉપમા લખી ને પ્રાર્થના કરી જે, “મોદકાનંદ અને અનાત્માનંદ બેઉં મારા દ્વેષી છે તે મને બહુ દુઃખ દે છે. માટે તે થકી મારી રક્ષા કરજો!” પછી મહારાજે પૂછ્યું જે, “આ બે જણ કોણ છે?” ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, “મોદકાનંદ તે મુક્તાનંદ સ્વામીને કહે છે ને અનાત્માનંદ મને કહે છે, કારણ કે અમે બેય તેના વિષયનું ખંડન કરીએ છીએ તે તેને ગમતું નથી.” તે સાંભળી મહારાજ કહે, “તેણે અમને લાંચિયા જાણ્યા? તે શું અમે એવા લાંચિયા છીએ?” એમ કહી ખીજીને કાગળ ફાળી નાખ્યો. માટે કોઈનું બોલશું તો મહારાજ દુઃખાઈ જાશે. (૬)

પ્રકરણ/વાત: ૯/૧૯૯

મોટાના અવગુણનું એવું પાપ છે જે જીવ બળી જાય છે. સૂરજ જેવો હશે તે પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લેશે તો કીડી જેવો થઈ જાશે. (૭)

પ્રકરણ/વાત: ૯/૩૪૭

સત્સંગનો મમત્વ બંધાય ત્યારે જ કોઈ ભગવદીનો અવગુણ ન આવે ને મમત્વ ન હોય તો જીવ સૂકો રહે. ને મન ન મળે ત્યારે વાતે વાતે ધોખો થાય ને શંકિત પ્રકૃતિ રહ્યા કરે. સત્સંગમાં કોઈને થોડું જ્ઞાન હોય ને કોઈને વધુ હોય, કોઈને મંદિરની ક્રિયારૂપ ભક્તિ કરતાં આવડે ને કોઈને ન આવડે, કોઈ આળસુ હોય ને કોઈ પ્રમાદી હોય પણ જો આજ્ઞા-ઉપાસના ચોખી હોય ને મોટા સંતનો અભાવ ન હોય ને જેવા તેવા હોય તો પણ અવગુણ ન લેવો... (૮)

પ્રકરણ/વાત: ૧૦/૧૦૩

હરિજનનો અવગુણ આવે એવું કામ હોય તો તે પણ ઘોળ્યું કરવું ને ગામતરા સારુ કોઈનો અવગુણ આવે તે પણ ઘોળ્યું કરવું, કેમ જે ભગવદીનો અવગુણ ન આવે તો કરોડ તીર્થ કર્યાં. (૯)

પ્રકરણ/વાત: ૧૦/૨૫૨

જ્યારે સૌ સાધુને ખટરસનાં વર્તમાન હતાં ત્યારે ગઢડામાં દાદા ખાચરના દરબારમાં ડોશીઓ સૌને ખટરસનાં વર્તમાન હતાં. પણ કોઈ મહેમાન અને પરદેશના હરિજન આવતા તેને દાળ-રોટલા આપતાં. એવી સેવા કરતાં પણ મહેમાને તેમના અવગુણ લીધા, તે પાપે કરી તેમના જીવનું ભૂંડું થયું છે. કેમ કે પોતે કેવળ લોટપાણી ડોઈને પીએ ને મહેમાન માટે દાળ-રોટલા આપે એવી સેવા કોઈથી ન થાય. પણ મહેમાનને મિષ્ટાન્ન જોઈએ ને તે ન મળે તેથી અવગુણ લે. તેમ જ આજ જે મંદિરનો અવગુણ લે છે તેનું ભૂંડું થાશે. અમે જે ખાઈએ તે ખવરાવીએ છીએ. વળી તેથી સારું ખવરાવીએ તો પણ અવગુણ લે તેનું કેમ સારું થાય. (૧૦)

પ્રકરણ/વાત: ૧૦/૨૬૭

×

Vat Selection


Type: Keywords Exact phrase