ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨૨

અભાવ-અવગુણ-દ્રોહ

આ દેહ હાડકાનું છે પણ જો સમજણ હોય તો તેણે કરીને અક્ષરધામ પમાય છે. પણ એવી સમજણ વગર એવા હાડકાના દેહ સારુ સંતનો ને હરિજનનો અવગુણ લેવાય છે. (૧૧)

પ્રકરણ/વાત: ૧૦/૨૮૩

... અલૈયા ખાચરને મહારાજનો અભાવ આવ્યો તે હજાર મનુષ્યને પાછાં પાડ્યાં. નિર્વિકલ્પાનંદે દીનાનાથ ભટને વિમુખ કર્યા ને હજારો બ્રાહ્મણોને સત્સંગી થાતા અળસાવ્યા. શિક્ષાપત્રીમાં મયારામ ભટ મુખ્ય લખ્યા તે દીનાનાથ ભટને ઈર્ષા થઈ ને મયારામ ભટનો અભાવ આવ્યો. પછી દીનાનાથ ભટની દીકરીને ભૂત વળગ્યું તે મહારાજ પાસે આવ્યા. મહારાજ કહે, “તમે દેવ, બ્રાહ્મણને તમારે ત્યાં ભૂત હોય?” ભટ કહે, “કૃપાનાથ, હું અનાથ કહેવાઉં!” પછી કહે, “જાઓ, મયારામ ભટ કાઢશે.” પછી ભટે કાઢ્યું. માટે ભગવદીના અવગુણે કરીને એવું થાય. (૧૨)

પ્રકરણ/વાત: ૧૧/૧૭

વાલો પટેલ ત્યાગી થયા ત્યારે મહી કાંઠો ધમધમી ઊઠ્યો, તેનું નામ વિરક્તાનંદ પાડ્યું હતું અને ગઢડાના મહંત કર્યા હતા, પણ કૃપાનંદ સ્વામીનો દ્રોહ કર્યો તે ગાંડા થઈ ગયા ને સ્થિતિ બહુ બગડી ગઈ. એમ મોટાના અપરાધનું પાપ લાગે છે. પછી મહારાજે તેમના માબાપને તેડવા બોલાવ્યા ને પાછા ઘેર મોકલ્યા. (૧૩)

પ્રકરણ/વાત: ૧૧/૨૭

જ્યારે સત્સંગમાંથી પડવાનો હોય ત્યારે પદાર્થ ન મળે તો કોઠારીનો અવગુણ લે ને સ્વાદનો સ્વભાવ હોય તો ભંડારીનો અવગુણ લે ને દેહાભિમાન હોય તો મોટેરા કામ ચીંધે તેનો અવગુણ લે; એ ત્રણ પડવાનાં ઠેકાણાં છે. (૧૪)

પ્રકરણ/વાત: ૧૧/૫૦

વચનામૃતમાં કહ્યું છે જે, પાંચ વર્તમાનમાં ફેર હોય તેને મોટેરાયે કહેવું. ભગવાન અંતરજામી છે તે હરેક પ્રકારે ઉઘાડું કરશે. ને કોઈને રજ, તમ હોય ને કોઈને પ્રકૃતિ હોય તેનો અવગુણ આપણે ન લેવો ને હેત હોય તો જરાક કહેવું કે, આપણે સાધુને આવું ન શોભે! મોરે ઋષિ થયા છે તેના પણ કોઈના બરોબર સ્વભાવ નહોતા. માટે એમ જાણવું જે એક રીતના કોઈના સ્વભાવ હોય નહીં. (૧૫)

પ્રકરણ/વાત: ૧૧/૫૩

વિદ્યા હોય, ધર્મ હોય, બુદ્ધિ હોય પણ ભગવદીનો અવગુણ આવે તો ભગવાનનો કોપ થાય. (૧૬)

પ્રકરણ/વાત: ૧૧/૧૧૫

ચાર વાતે વૃદ્ધિ પમાય છે. તે એક તો પાછી વૃત્તિ વાળીને જાણપણે વર્તવું. અને બીજું કોઈ અલ્પ જેવો હોય ને ભગવાનનો અલ્પ આશરો જ હોય ને એકાંતિકનો પણ દ્રોહ ન કરતો હોય તો તેનો પણ દોષ ન લેવો. દોષ ન લીએ ને કોઈનો દોષ ન જુવે ત્યારે પ્રથમ કહ્યું જે જાણપણું તે રહેવા માંડે, તે માટે બધાનો મહિમા સમજવો પણ વચને કરીને કોઈને દુઃખાવવો નહીં. સંગ કુસંગ જાણ્યાને અર્થે પ્રથમ એ વાત જરાતરા શીખવી. પણ જેમ કમાન વાળીને કાલબૂટ કાઢી નાખે છે તેમ એ વાત પ્રથમ જાણી મૂકવી પણ તેનું જ આલોચન કે કથન ન કરવું. માટે એ વાત તો ખચિતપણે નિરંતર સંભારી રાખવી પણ ભૂલવી નહીં. અને ત્રીજું એવી રુચિવાળો ભક્ત હોય તેની સાથે બેઠક-ઉઠક હોય ને તેની જોડે ગોષ્ઠિ હોય તો વૃદ્ધિ પમાય. અને ચોથો કોઈનો અવગુણ હોય તે આપણા જીવમાં ઇંદ્રિય દ્વારે પ્રવેશ ન કરે તે માટે તેનો ભલો ગુણ તે શીખવો પણ રાશી ગુણ હોય તે શબ્દદ્વારે આપણા હૃદયમાં ન ઊતરે એ ધ્યાન રાખવું. એ ચાર ઉપાય વૃદ્ધિ પામ્યાના છે. (૧૭)

પ્રકરણ/વાત: ૧૧/૨૦૬

... એક વખત આપણા મંદિરના બળદ ખોવાયા હતા. તે અમે વારે ઘડીએ પૂછતા હતા કે બળદ આવ્યા? ત્યારે એક સાધુ કહે, “જુઓને, બળદમાં જીવ ચોટી ગયો છે!” તે જ સાધુની કલમ ઉપર અમારો પગ આવવાથી ભાંગી ગઈ તે સારુ અવગુણ લઈ સત્સંગમાંથી ગયો... (૧૮)

પ્રકરણ/વાત: ૧૧/૨૧૬

મન, કર્મ, વચને વરે તેનું એમ છે જે, દેહે કરીને તો વર્યા છીએ પણ મને કરીને વર્યા નથી. ને મને કરીને વર્યા કેમ કહેવાય? ભગવાનમાંથી મન વછૂટે નહિ ને બીજું આ સાધુ તથા હરિભક્તનો અવગુણ આવે જ નહિ ને વ્યવહાર પડે પણ અવગુણ ન આવે ત્યારે ખરું. તે વ્યવહારથી સાધુ કળાય ને ધૂંસરીથી બળદિયો. (૧૯)

પ્રકરણ/વાત: ૧૧/૨૩૩

જેની વાણી નિયમમાં ન હોય તેનાથી જરૂર કોઈનું વાંકું બોલાય. પછી તેમાંથી દુઃખ થાય. માટે વાણીને નિયમમાં રાખવી પણ પ્રયોજન વિના બોલ બોલ કરવું નહિ. વાણીરૂપ તો વાક્‌શલ્ય કહ્યાં છે. માટે બોલતાં આવડે તો જ બોલવું, નહિ તો વિચારીને પાછું વળવું. પણ જીવને તો સન્નિપાત થયો છે તે બોલ્યાનું ઠીક રહે નહિ. ને પોતે દીઠું ન હોય ને સાંભળ્યું ન હોય ને બોલી-બકી ઉઠાય તે બહુ ખોટું છે. વીશ વરસનાનું તો ન માનવું ને સાચું હોય તો પણ ગુહ્યવાત પ્રકાશ ન કરવી. ધીરે રહીને સમાધાન કરવું પણ પીંછનું પારેવું ન કરવું. તે આત્માનંદ સ્વામીએ આંબલિયો ખાધો તે એક હિંદુસ્તાની સાધુએ મહારાજને કહ્યું જે, “આત્માનંદ સ્વામીએ વર્તમાન લોપ્યાં.” ત્યારે મહારાજ કહે જે, “શું વર્તમાન લોપ્યું?” તો કહે જે, “ચિચોટો ખાધો.” તો મહારાજ કહે જે, “એમાં શું વર્તમાન લોપ્યું? તે ચાડી કરવા આવ્યા છો?” ભાઈસ્વામીને તાવ આવતો તે કાળીંગડાનું શાક કરાવીને ખાધું. તે એક સાધુએ મહારાજને કહ્યું જે, “ભાઈસ્વામી તો નિર્સ્વાદી વર્તમાનમાંથી પડ્યા.” ત્યારે મહારાજે કહ્યું જે, “શી રીતે પડ્યા?” પછે કહે જે, “કાળીંગડાનું શાક ખાધું.” ત્યારે મહારાજે તેને ચાડીઆ કીધા. તે કેઈની ચાડી પણ ન કરવી. (૨૦)

પ્રકરણ/વાત: ૧૧/૨૫૫

Vat Selection


Type: Keywords Exact phrase