ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૩૦

ચરિત્ર

ભગવાન મનુષ્ય જેવા જણાય છે તે ભક્તના સુખને અર્થે જણાય છે, ને ભગવાનની સર્વે ક્રિયા ભક્તના સુખને અર્થે છે પણ પોતાના સુખને અર્થે નથી. ભગવાન દેહ ધરે છે ત્યારે મનુષ્ય જેવી જ ક્રિયા કરે છે, તેને ભક્ત હોય તે ચરિત્ર જાણે ને વિમુખ હોય તે દોષ પરઠે. મહારાજે ડભાણનો યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞની રક્ષા કરવા માટે ઘોડાસરના રાજા પાસે માણસો લેવા ગયા હતા તે વખતે સુરતના હરિજને ઘોડાસરમાં મહારાજની પૂજા કરીને ડગલી, પાઘ, કડા, બાજુ, વેઢ વગેરે દરેક જણે એકેકું ભારે ભારે પહેરાવીને પૂજા કરી. એમ આખા ગામનો એક શણગાર કર્યો હતો તે વખતે ધરમપુરથી કુશળકુંવરબાઈએ પોતાના દીવાન ને તેની સ્ત્રી તથા નોકરો સાથે મહારાજને શિરપાવ આપવા માટે મોકલેલ તે પણ ઘોડાસરમાં મહારાજ પાસે આવ્યા ને મહારાજનાં દર્શન કર્યાં ત્યાં ભારે શણગાર જોઈને એમ થયું જે, ‘આ ભારે પોશાક ઉતરાવીને આપણો એવો નથી તે પહેરાવવો તે ઠીક નહિ.’ પછી તો સૌને તેની કિંમત પૂછી ને જેટલા રૂપિયા થયા તેટલા મહારાજને આપી કુશળકુંવરબાઈના નામની પૂજા કરી. તે વખતે દીવાનની સ્ત્રીને એમ થયું જે, ‘આ ભગવાન કહેવાય છે પણ ભગવાન હશે તો તેને જમતાં આવડશે,’ એમ ધારીને નોતરું દીધું. ત્યારે મહારાજ કહે, “બહુ સારું, જમવા આવશું.” વળતે દિવસે ભાતભાતની રસોઈ કરી મહારાજને થાળ પીરસ્યો, તે પીરસવામાં જુક્તિ કરી, જે પ્રથમ જમવાનું તે પ્રથમ પીરસેલ ને અનુક્રમે ગોઠવેલ. તે બાઈ પણ જમવામાં ચતુર હતી તેથી એવી પરીક્ષા લેવા તેણે એમ કર્યું હતું. પછી મહારાજ જમવા બેઠા તે એની ચતુરાઈ ડૂબી જાય એવી સો ગણી સરસ ચતુરાઈ મહારાજે જમવામાં દેખાડી. તે જમે પણ હાથ બગડવા દે નહિ ને શાક વગેરે બધું વારાફરતી જમ્યા પણ હાથે ડાઘ પડવા દીધો નહિ. ત્યારે તે બાઈને જણાયું જે, ‘આ મોટા પુરુષ છે.’ પછી તેને મનમાં ખોટો સંકલ્પ થયો. પછી તેના અંતરનો એવો મલિન આશય જોઈને મહારાજે ઊલટી કરી અન્ન કાઢી નાખ્યું. પછી તે બાઈએ તેના ધણીને કહ્યું જે, “તમે પાલખી ઉપાડી મહારાજને ઉતારે પહોંચાડી આવો,” એટલે તે ગયો. પછી ડભાણનો યજ્ઞ થઈ રહ્યા પછી થોડેક દિવસે મહારાજ અમદાવાદ પધાર્યા, ત્યારે તે દીવાન ને તેની સ્ત્રી પણ ભેળાં ગયાં. ત્યાં અમદાવાદની સર્વે સાંખ્યયોગી બાઈયુંયે મળી મહારાજને રસોઈ દીધી ને ડોસિયુંને પણ ભેળું જમવાનું હતું પણ રસોઈ થોડી થઈ તેથી વિચાર થયો જે, ‘રસોઈ પુગશે નહિ.’ તેથી મહારાજને કહ્યું જે, “રસોઈ થોડી છે. કહો તો વધારે રાંધીએ.” ત્યારે મહારાજ કહે, “ઈ તો ઘણી થઈ પડશે.” પછી સૌ ડોસિયું સોત જમવા બેઠાં ને મહારાજ પીરસવા પધાર્યા તે એવી શોભાયમાન મૂર્તિ ધારણ કરીને શણગાર સોતા પીરસવા માંડ્યું તે મહારાજે એક વાર પીરસ્યું તે પણ કોઈથી ખાઈ શકાણું નહિ. ને મહારાજની મૂર્તિમાં સૌના ચિત્તની વૃત્તિ ચોટી ગઈ ને એક રૂપ થઈ ગયાં. ડોસિયુંમાં દીવાનની સ્ત્રી જમવા બેઠેલ તે પણ મહારાજની આવી મૂર્તિ જોઈને તદ્રૂપ થઈ ગયાં ને ત્યાંથી જ તેમના અંતરનો ખોટો ઘાટ ટળી ગયો, એટલે પુરુષને દેખે તો ઊલટી થાય ને પોતાના ધણીને દેખે તો પણ ઊલટી થાય. તેમ જ બીજી બધી ડોસિયું જે જમવામાં હતી તેમને પણ પુરુષને દેખે તો ઊલટી થઈ જાય એમ એકને વાસ્તે મહારાજે બધાંને એવું કરી દીધું તે લીલાનું પ્રેમાનંદ સ્વામીએ કીર્તન કર્યું છે.

તેરી સાંવરી સુરત છટાદાર (૨)

    મન હરે પ્રાન હરે...

શિર જરકસી ચીરા, પહેરે પટા પીરા,

હાં રે તેરે ઉર બીચે મોતીયુંદા હાર,

મન હરે પ્રાન હરે, તેરી સાંવરી સુરત છટાદાર.

પછી રજા લઈ દીવાન અને તેની સ્ત્રી ધરમપુર ગયાં ત્યારે કુશળકુંવરબાઈએ તેમને સમાચાર પૂછ્યા એટલે અથઇતિ બધી વાત કહી ને પોતાને મહારાજ સાથે જે કામનો ઘાટ થયો હતો તે ટાળવાને અર્થે મહારાજે કૃપા કરીને સામું જોયું ત્યાંથી એવો ભાવ ટળી ગયો ને પુરુષ માત્રના દેહની ગંધ આવે તો ઊલક થાય, એવું એકની ખાતર બધીયુંને મહારાજે કરી દીધું તે ઉપર પ્રેમાનંદ સ્વામીએ ચાર કીર્તન કર્યાં છે.

લગ ગઈ અખિયાં હમાર હરિસું, લગ ગઈ અખિયાં હમાર,

લગ ગઈ અખિયાં સુનો મોરી, સખિયાં નીરખી ધર્મ કુમાર.

મહારાજને તો અનંત જીવનો મોક્ષ કરવો છે તે સારુ હળીમળીને રહે છે, નીકર તો આ બધું બ્રહ્માંડ ઢેઢવાડા જેવું છે તેમાં એક ઘડી પણ ન રહે. આ તો ભગવાનની દયાનું અધિકપણું છે તેથી સૌની સેવા અંગિકાર કરે છે પણ ભગવાન કોઈ સુખે સુખિયા નથી. (૧)

૧. કીર્તન મુક્તાવલી પદ ૧-૩૪૫

૨. કીર્તન મુક્તાવલી પદ ૨-૧૦૭૪

પ્રકરણ/વાત: ૯/૧૫૯

... ગઢડાનું મંદિર ચણાતું હતું ત્યારે નિષ્કુળાનંદ સ્વામી માથે બેલું ઉપાડી નિસરણીએ ચડીને દેવરાજ કડીઆને આપવા ગયા. ત્યાં બારના ડંકા થયા એટલે નિષ્કળાનંદ સ્વામીએ કહ્યું કે, “આવે છે, હું લઈ આવ્યો છું, તે માંડીને પછી ઊતરો.” ત્યારે દેવરાજે તે બેલું હેઠે પાડી નીચે ઊતરી ગયો. પછી મહારાજ આગળ નિષ્કુળાનંદ સ્વામીએ રાવ કરી જે, “હું ચડીને બેલું આપવા ગયો તે બેલું હેઠું નાખી દઈ ઊતરી ગયો.” પછી મહારાજે તેને બોલાવી થાળ આપ્યો. ત્યારે નિકુળાનંદ સ્વામીએ કહ્યું કે, “એવાને શું થાળ આપ્યો?” ત્યારે મહારાજ કહે જે, “એવો છે તો પણ એ મંદિર કરશે પણ તમને કે મને ચણતાં નહિ આવડે. અને તે શું મુક્તાનંદ સ્વામી જેવો છે કે તેનો ધોખો કરીએ? આને જો વઢીએ તો મૂકીને વયો જાય. માટે એવાને તો થાળ આપવો જોઈએ.” (૨)

પ્રકરણ/વાત: ૧૦/૭૨

... “કચ્છમાં જગજીવન દીવાને મહારાજને ધર્મમાંથી પાડવા ને ફજેત કરવા સારુ બે વેશ્યાયું મોકલી. પછી તે મહારાજ આગળ આવીને ચાળા ચૂંથણું કરવા લાગી. એટલે મહારાજ કહે, ‘તારા હાડકાના દેહમાં હું મોહ નહિ પામું, કેમ જે, હું ભગવાન છું.’ એમ કહીને જમપુરીના દંડની વાત કરવા લાગ્યા. ત્યાં તો બેયને સમાધિ થઈ તે જમપુરીમાં ગઈ કે તરત જ યમ મારવા લાગ્યા ને અહીં દેહ તરફડવા લાગ્યાં. પછી મહારાજે જમપુરીમાં દર્શન દીધાં ને કહ્યું જે, ‘એ અમારે દર્શને આવેલ છે તેને મારશો મા,’ એમ જમના હાથથી મુકાવી. પછી તે દેહમાં આવીને મહારાજને પગે લાગીને કહ્યું જે, ‘મહારાજ, અમને તો જગજીવને શીખવાડીને મોકલી હતી. પણ તમારે દર્શને અમે કૃતાર્થ થઈ ને હવે જગતમાં પુરુષ માત્ર હરામ બરોખર છે.’ એમ મહારાજે તેમને જમપુરી દેખાડી વૈરાગ્ય ઉપજાવ્યો. આવી રીતે મહારાજને સમજ્યા હોય તેને સંશય થાય?” (૩)

પ્રકરણ/વાત: ૧૧/૨૧૫

મહેમદાવાદના બ્રાહ્મણે મહારાજને કહ્યું જે, “શંકરાચાર્યે પાડાની પૂંઠે વેદ ભણાવ્યો હતો તેમ તમે કરો તો તમને ભગવાન માનીએ.” ત્યારે મહારાજ કહે, “પાડાની પૂંઠે વેદ ભણાવવો એ સંભવિત નથી, પણ પાડા જેવો કોઈ મૂર્ખ હશે તેની પાસે વેદ બોલાવેલ છે. તેમ તમે પણ કોઈ એવો મૂર્ખ લાવો તો તેની પાસે વેદ બોલાવીએ.” પછી તે બ્રાહ્મણોએ પોતાનો જાણીતો ખરેખરો વાલજી નામનો મૂંગો બ્રાહ્મણ હતો તેને મહારાજ આગળ લાવ્યા ને કહે જે, “આને વેદ બોલાવો.” પછી મહારાજે તે વાલજીને મોઢે વેદ બોલાવ્યા. બીજી વાત કરી જે, મેઘપરમાં એક સાંઈ મહારાજ પાસે આવ્યો. તે કહે જે, “તમે અલ્લા કહેવાઓ છો?” ત્યારે મહારાજ કહે, “અલ્લા તો ભગવાન છે.” પછી મહારાજે પૂછ્યું જે, “તમારે ખંભે શું છે?” ત્યારે તે કહે જે, “કુરાન છે.” ત્યારે મહારાજ કહે, “આ ભાટનો છોકરો કરસનજી પણ કુરાન મોઢે ભણ્યો છે.” ત્યારે ફકીર કહે, “એ લડકા ક્યા જાણે?” પછી મહારાજ કહે, “તમે કુરાનમાં જોતા જાવ ને છોકરો મોઢે બોલતો જાય.” પછી કરસન કુરાન મોઢે બોલી ગયો. તેને જોઈને તે ફકીરે કહ્યું જે, “યે લડકા બોલતા નહિ, આપ બોલતા હૈ! માટે આપ જ ખુદા હૈ.”... (૪)

પ્રકરણ/વાત: ૧૧/૫૬

સંતદાસજી કારિયાણીએ આવ્યા ત્યારે મહારાજ પાસે આવીને બેઠા, એટલે પતાસાં ને મીઠું તેમની આગળ મૂક્યાં તે બેય ખાઈ ગયા. ત્યારે મહારાજ કહે જે, “આને બધું સરખું છે.” પછી મહારાજ કહે જે, “દલુજી પાસે જાઓ,” ત્યારે તરત ઊભા થયા. ત્યારે બીજા સંત કહે જે, “નદી બે કાંઠે આવી છે તે કેમ જવાશે?” ત્યારે મહારાજ કહે જે, “નદી ન ઊતરી શકે તો વનમાં થઈને દલુજી સુધી કેમ પુગાય? માટે ચાલો વળાવા જાઈએ.” પછી સૌ ચાલ્યા તે નદી આવી ત્યારે સંતદાસજીને મહારાજ ત્રણ વાર મળ્યા. પછી મહારાજે આજ્ઞા કરી એટલે પાણી ઉપર વયા ગયા. (૫)

પ્રકરણ/વાત: ૧૧/૨૯૭

કંથકોટનો રાજા આંધળો અને બ્રહ્મજ્ઞાની હતો તેણે સો શિષ્ય કર્યા હતા અને શતપ્રશ્ની મોઢે કરી હતી. મહારાજે તેની સભામાં જઈને ‘જય સચ્ચિદાનંદ’ કહ્યા ત્યારે તેમણે પૂછ્યું જે, “તમે કોણ છો?” મહારાજે કહ્યું જે, “હું સચ્ચિદાનંદ છું. પણ તમે કોણ છો?” ત્યારે રાજા કહે, “અમે ય સચ્ચિદાનંદ છીએ.” મહારાજ કહે, “તમે સચ્ચિદાનંદ હો તો પ્રકાશ દેખાડો.” તે આંધળો શું પ્રકાશ દેખાડે? મહારાજને કહે, “તમે પ્રકાશ દેખાડો.” એટલે મહારાજે પોતાની મૂર્તિમાંથી પ્રકાશ દેખાડ્યો અને પાછો પોતામાં સમાવી દીધો તે સર્વેએ પ્રકાશ દીઠો અને આંધળા રાજાએ પણ પ્રકાશ દીઠો, એટલે મહારાજ સચ્ચિદાનંદ નહિ એમ કેમ કહી શકાય? પછી રાજાએ મનમાં એમ ધાર્યું જે આને બંધીખાને રાખીએ તો તેમના શિષ્ય ઘણા છે તે જે દર્શને આવે તેની પાસેથી રૂપિયા લઈને દર્શન કરાવીએ, એટલે આપણને રૂપિયા ઘણો થશે. એવું ધારીને ઉતારો આપ્યો ને પાકાં સીધાં મોકલ્યાં અને દરવાજાવાળાંને કહ્યું જે, “આને જવા દેશો માં.” પણ મહારાજ તો પ્રભાવ જણાવી રાત્રે વયા ગયા. પછી સવારે રાજાએ મહારાજને દીઠા નહિ એટલે બ્રહ્મચારીને પૂછ્યું તો કહે, “હું સૂઈ ગયો હતો. ક્યારે ગયા તેની મને ખબર નથી.” પછી રાજા બ્રહ્મચારીને કહે, “તમારું કામ નથી. તમે વયા જાઓ.” મહારાજનો મહિમા અને ઐશ્વર્ય સાધુ સમજાવે છે. મહારાજના સ્વરૂપમાં કોઈ દિવસ મનુષ્યભાવ ન આવે તેનું કારણ સાધુનો સમાગમ છે. સત્સંગમાં જેનો પગ અટક્યો તે આઘોપાછો ચાલે નહિ અને કોઈ મોટા સાથે જીવ બાંધ્યો હોય તો પાછો વળે. (૬)

પ્રકરણ/વાત: ૧૩/૧૫

Vat Selection


Type: Keywords Exact phrase