ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૪

નિશ્ચય

રામોદના આયર પૂંજો ભગત પ્રથમ કુંકાવાવમાં રહેતા. ત્યાં દરબારના મહેતાએ આવીને કહ્યું જે, “સ્વામિનારાયણ નામ ન લેવું ને કંઠી કાઢી નાખો તો અહીં રહેવું; નીકર નહીં.” પૂજો ભગત કહે, “આ ચાલ્યા.” તે ગામ મૂકી રામેદ ગયા. ત્યાં બસેં માણસને પ્રભુ ભજવતા ને વાતો કરી સુખિયા રાખતા... (૧૧)

પ્રકરણ/વાત: ૧૧/૩૫

... ભગવાન સામું જોઈએ ને મોટા સામું જોઈએ ત્યારે જણાય જે, એ ક્યાં ને આપણે ક્યાં? ને ભેળા રહ્યા છીએ પણ બહુ ફેર છે. કોઈને પૂર્વના સંસ્કાર હોય ને કોઈને બુદ્ધિમાં સ્ફુરતા હોય ને કોઈને ન હોય. કોઈને માન મળે ને કોઈને ન મળે, પણ ભગવાન ને આ સંતને વિષે નિષ્ઠા છે તેટલી જ બુદ્ધિ કામ આવી... (૧૨)

પ્રકરણ/વાત: ૧૧/૨૦૩

ભગવાનના સ્વરૂપનું નક્કી કેમ કહેવાય? તો જેમ નાત-જાતનું નક્કી છે ને દેશકાળનું નક્કી છે તે ફરે નહિ તેમ. જો આમાં કોઈને ગધેડો કહે તો ઠીક ન પડે. પણ કણબીની અટક ગધેડાની છે તેને ગધેડા કહીએ તેનું કાંઈ નહીં. ને જેને ઘડી ઘડીમાં નિષ્ઠા ફરી જાય છે તેનું તો બાળકના જેવું કહેવાય. ને જગતમાં કેટલીક તો અંધ પરંપરાયું ચાલી છે. તે ઉપર વોરાજીના કાગળની વાત કરી જે, કાગળ લખાવી ને ઘોરમાં મૂકે છે ને એક વોરાનો મુલ્લાં મરી ગયો તે બે લાખ રૂપિયા ઉઘરાવી તેનાં બકરાં મરાવ્યાં. એવી અંધ પરંપરાયું ચાલે છે. (૧૩)

પ્રકરણ/વાત: ૧૧/૨૦૮

આ સાધુના સમાગમથી જે સ્થિતિ બંધાય છે તેણે કરીને બધું ધૂળ જેવું થઈ જાય છે. ને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતે સંશય ન થાય તે પણ સમાગમથી જ થાય છે. રાજા પરિક્ષિતના ગુણ બહુ મોટા કહ્યા છે પણ સ્વરૂપમાં સંશય થયો ને આજ પણ કેટલાકને થાય છે. ને કેટલાંક મનુષ્યો તો મહારાજ સાથે વઢ્યાં તે અહીં નજરે દીઠાં છે. ને ધર્મકુળ આવ્યા મોર મહારાજ મોટી ડોશીને ત્યાં નિત્યે થાળ જમતા, પણ ધર્મકુળ આવ્યું ત્યારે મહારાજ તેમને રસોડે જમતા એટલે ડોશિયુંના થાળ આવતા બંધ થયા. પછી તે ડોશિયું મહારાજ સાથે વઢ્યાં જે, “આટલા દિવસ જમ્યા ને હવે શું થયું?” ને જેની આગળ ઊંચે સાદે બોલાય પણ નહિ તેમને વચન માર્યાં. જ્યારે આચાર્ય બની વહેંચણી થઈ ત્યારે ઘણાએ મહારાજને વિષે મનુષ્યભાવ કલ્પ્યો. મહારાજ સારુ શાક માટે અયોધ્યાપ્રસાદની વાડીએ રીંગણાં લેવા ગયા ત્યારે પાળે કહ્યું જે, “અહીં ને અહીં લાગ્યા છે. રઘુવીરજીને ત્યાં નથી?” પછી બે રીંગણાં દીધાં તે લઈ આવ્યા ને મહારાજને વાત કરી ત્યારે મહારાજે બેય રીંગણાંના ઘા કરી નાખ્યા ને કહ્યું જે, “જા તારાં રીંગણાં જોતા નથી.” પણ બે દિવસ વહેંચણી કર્યા મોર તો બધુંય મહારાજનું જ હતું. પણ વહેંચણી કરી એટલે મમત્વ બંધાણો, પણ મહારાજનું આપેલું છે એટલો ય ભાવ ન રહ્યો. એમ જ્યારે મનુષ્યભાવ આવે ત્યારે એમ થાય છે. એ બધી સ્વરૂપ સમજવામાં કસર કહેવાય. (૧૪)

૧. શ્રીજીમહારાજને જીવુબા તથા લાડુબા થાળ બનાવીને જમાડતાં પણ જ્યારે ધર્મકુળ આવ્યું ત્યારથી સુવાસિની ભાભી વગેરે ધર્મકુળની સ્ત્રીઓએ શ્રીજીમહારાજ માટે થાળ બનાવવાનું શરૂ કર્યું. આથી જીવુબા-લાડુબા દિલ દુભાયાં. એ વખતે એમણે શ્રીજીમહારાજને વેણ કહ્યાં. આમ, દેશકાળ લાગ્યા. – સ્વામીની વાત ૫/૩૧૮

૨. વાત ૧૩/૧૬૧માં આ પ્રસંગનો ઉલ્લેખ કરી સ્વામીએ કહ્યું કે ગોવિંદો કોળી રીંગણા સારુ મહારાજ સાથે આવી રીતે વઢ્યો હતો.

પ્રકરણ/વાત: ૧૧/૩૫૧

બોલાવવું, પ્રસાદી, બધું જોઈએ પણ જે દિવસ ન થાય ત્યારે અવગુણ આવે. માટે એ હેતમાં માયા છે. પણ જે પ્રગટ ભગવાનના મનુષ્ય ચરિત્રમાં સંશય ન થાય ને અખંડ દિવ્યભાવ રહે તો તે હેતને વિષે માયા નથી. એવું હેત તે થોડું જણાતું હોય પણ તે ઘણું જ છે. આ ગામમાં (જૂનાગઢના) ખોરડાને પાયો બેસે જ નહિ. તેમ જેને ભગવાનનો અવગુણ ન આવ્યો તેનો પાયો અચળ છે... (૧૫)

પ્રકરણ/વાત: ૧૧/૩૫૫

કોઈને કૃપાએ કરીને આત્મા દેખાઈ જાય તો પણ સંપૂર્ણ થયું કહેવાય નહિ. તે ઉપર વાત કરી જે, સ્વરૂપાનંદ સ્વામીને આત્મા દેખાતો હતો એટલે આત્મામાં જ રહેતા હતા. પણ જ્યારે આખા શરીરે બળતરા થવા માંડી ત્યારે મહારાજે ચંદન ઘસીને ચોપડાવ્યું, ટાઢું પાણી છંટાવ્યું ને વાહર નખાવ્યો પણ શાંતિ થઈ નહિ. એટલે મહારાજે કહ્યું જે, “સ્વરૂપાનંદ સ્વામી! તમે તો આત્માને દેખો છો તે આત્મામાં જાતા રહો.” પછી સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા જે, “તુમ આડા ખડા હો તે કહાં જાવે?” પછે તો બહુ બળતરા થઈ ને મૂંઝાણા. ત્યારે મહારાજે કહ્યું જે, “બાહ્યદૃષ્ટિએ કરીને પ્રગટ ભગવાન ને પ્રગટ સંત તેના સંબંધને પામેલા જે ઓરડા, ઓસરી, નળિયાં, ને લીંબડો એનું ધ્યાન કરો તો શાન્તિ થશે.” પછી જ્યારે એમ કર્યું ત્યારે શાન્તિ થઈ. તેમાં મહારાજે એમ જણાવ્યું જે, પ્રત્યક્ષ ભગવાનને પ્રતાપે કરીને આત્મદર્શન થાય છે. પણ જો પ્રત્યક્ષ ભગવાન કરતાં બ્રહ્મમાં અધિકપણું માની લે તો ઉપાસનાનો ભંગ થયો કહેવાય. માટે આત્મા દીઠે કાંઈ સિદ્ધિ થાતી નથી. ને સ્વરૂપાનંદ સ્વામીને તો પ્રગટ મહારાજ કરતાં પ્રગટ આત્મામાં મહારાજની મૂર્તિ દેખાય તેનો બહુ ભાર હતો. એ ખોટ મહારાજને સૂઝે પણ બીજાને સૂઝે નહિ. વળી મોટા મોટા સાધુમાં જે જે ભૂલ હતી તેમને પ્રશ્ન પૂછ્યા તેમાં મહારાજે એ જ ખોટ બતાવી હતી. પ્રગટ ઈષ્ટનો અભિપ્રાય જે, આત્મદર્શન તેને વિષે વધુ લગની થાય છે તેથી પ્રગટ ભગવાન ને પ્રગટ સંત તેને વિષે વૃત્તિ ગૌણ થાય છે. માટે આત્મા દેખાઈ જાય તો પણ સંપૂર્ણ થયું કહેવાય નહિ. કેટલાકને આત્મા, પરમાત્મા એ બે દેખાય તો પણ પ્રગટને વિષે એવો ભાવ બેસારતાં ન આવડે. આત્મામાં ભગવાન દેખાણા તે જ આ પ્રગટ છે, ને પ્રગટને પ્રતાપે આત્મામાં પરમાત્મા દેખાણા એવું જ્ઞાન દેતાં પણ તેને ન આવડે માટે જ્ઞાનીને આત્મા કહ્યો છે. (૧૬)

પ્રકરણ/વાત: ૧૧/૪૧૧

શેરડી વાવે તેમાંથી અંતે ગોળ જ થાય. શીંગડિયો વછનાગ, એકલકંટી, ભોરીંગણી વાવે તેમાંથી ગોળ ન થાય. તેમ આપણે ભગવાનની નિષ્ઠાએ કરીને મોક્ષ માન્યો છે પણ બીજાને એ ન સમજાય. ને પ્રભુ ભજવા આવ્યા પણ કેટલુંક માન રહે, સ્વાદ રહે, સકામપણું રહે તેમાં શું જ્ઞાન થાય? તે તો જેમ ચાકરીવાળા, ખેતીવાળા, ને ચિચોડાવાળા ઊભા છે તેમ આદર હોય તો જ્ઞાન થાય... (૧૭)

પ્રકરણ/વાત: ૧૨/૧૪૭

દીનાનાથ ભટ્ટની વાત કરી જે, તેને નિશ્ચય નહોતો તે મહેમદાવાદના બ્રાહ્મણોએ તેને પૂછ્યું જે, “સ્વામિનારાયણ ભગવાન હોય તો અમેય સત્સંગ કરીએ.” ત્યારે તે કહે, “ભગવાન તો કેમ કહેવાય? પણ મોટા પુરુષ તો ખરા.” તેથી બ્રાહ્મણો પણ સત્સંગ કરતાં આળસ્યા. ને શિક્ષાપત્રીમાં તો મુખ્ય મયારામ ભટ આદિ સત્સંગી તેની પાસે જ લખાવ્યું. ત્યારે મનમાં એમ થયું જે, ‘હું આવો વિદ્વાન ને મારું નામ નહિ? ને અભણ જે મયારામ ભટ તેનું નામ નાખ્યું? માટે મહારાજ પણ ભણેલાનો મહિમા કાંઈ જાણતા નથી.’ પછી તેની દીકરીને ભૂત વળગ્યું ત્યારે પોતે ચંડીપાઠ કર્યો પણ ભૂત ગયું નહિ. મહારાજ પાસે આવીને પ્રાર્થના કરી કહ્યું જે, “હે મહારાજ! જમનાને ભૂત વળગ્યું છે તે કાઢો.” ત્યારે મહારાજ કહે, “તમે તો દેવ બ્રાહ્મણ છો. તમારે ત્યાં ભૂત હોય?” ત્યારે કહે, “હું દેવ બ્રાહ્મણ પણ અનાથ છું.” પછી મહારાજ કહે, “મયારામ ભટ પાસે લઈ જાઓ. તે પાઠ કરશે એટલે જાશે.” પછી મયારામ ભટ પાસે લઈ ગયા તેમણે પાઠ કર્યો એટલે ભૂત ગયું. નિશ્ચય વિનાના પંડિત હોય તેનાથી ભૂત ન જાય. પણ અભણ હોય ને નિષ્ઠા હોય તો તેનાથી ભૂત જાય. (૧૮)

પ્રકરણ/વાત: ૧૨/૧૮૯

... જેતપુરનો બ્રાહ્મણ અજરામર થાણા ગાલોલમાં કથા કરતો હતો. તેને માવા ભક્તે પૂછ્યું જે, “ક્યાંય ભગવાન છે?” તો કહે, “સ્વામિનારાયણ ભગવાન ગઢડે પ્રગટ થયા છે અને કલ્યાણ તો સત્સંગમાં જ છે.” તે સાંભળીને માવા ભક્તને સત્સંગ થયો. માવા ભક્ત મહારાજ સોરઠમાં હતા ત્યાં મળવા ચાલ્યા. રસ્તામાં ગામ સાંકળીમાં સુતાર ગોવિંદ હરિભક્ત હતા તેને ત્યાં રાત રહ્યા. રાત્રે વાળુ કરવા બેઠા ત્યારે ગોવિંદ સુતારની માએ કહ્યું, “માવાભાઈ, આપણાં શું એવાં પુણ્ય હશે જે, આપણને પ્રગટ ભગવાન મળ્યા?” ત્યારે માવાભાઈને એમ થયું જે, “આ ડોશી પણ ‘પ્રગટ ભગવાન છે’ એમ કહે છે, માટે પ્રગટ ભગવાન હશે ખરા.” માવોભાઈ ‘રામ, રામ’ ભજવાને બદલે ‘સ્વામીરામ, સ્વામીરામ’ ભજવા લાગ્યા અને ગામ મેઘપુરમાં મહારાજને મળ્યા. તે વખતે મૂળજીભક્ત મરાણો તે જોઈને કાઠિયુંએ મહારાજને કહ્યું, “માવાભક્ત આવ્યા અને આવું થયું તે એનો નિશ્ચય નહિ રહે.” ત્યારે મહારાજ કહે, “એને સંશય નહિ થાય. એણે કૃષ્ણાવતારમાં આવું ઘણું જોયું છે.” (૧૯)

પ્રકરણ/વાત: ૧૩/૪૨

સમો આવે અને બોલે નહિ તેને શાસ્ત્રમાં મૂંગો કહ્યો છે અને સમો આવે અને ક્રિયા ન કરે તેને આળસુ કહ્યો છે. તેમ આ સમે મહારાજની નિષ્ઠા ન કરે તે મૂર્ખ કહેવાય. (૨૦)

પ્રકરણ/વાત: ૧૩/૧૭૪

Vat Selection


Type: Keywords Exact phrase