અમૃત કળશ: ૬
સ્વભાવ
પ્રબુદ્ધ ઋષિએ વાત કરી તે બીજા આઠે ભાઈ ઝાંખા પડી ગયા. તે શા સારુ જે, આઠેયના મનમાં એમ થયું જે પ્રબુદ્ધ ઋષિ આપણાથી સરસ થઈ ગયા ને બધાય તેમાં જ તણાય છે. આપણી પાસે તો કોઈ બેસતું પણ નથી. તેથી આઠે જણ પ્રબુદ્ધ ઋષિને ગાંઠડીમાં બાંધીને કૂવામાં નાખવા ચાલ્યા. ત્યારે પ્રબુદ્ધ ઋષિ બોલ્યા જે, “મારો શો વાંક છે?” ત્યારે કહે જે, “તમારામાં સર્વે તણાઈ જાય છે ને અમારી પાસે કોઈ આવતું નથી તેથી અમારું અપમાન થાય છે.” પછી પ્રબુદ્ધ ઋષિ કહે, “આ એક વાર માફ કરો, હવે હું વાત નહિ કરું.” ત્યારે જીવતા રહ્યા. એમ આ તો આપણું સૌનાથી સરસ અને જ્ઞાનમાં, ધ્યાનમાં, તપમાં ને ઉપાસનામાં કોઈ પહોંચી શકે નહિ ને ખમી પણ શકે નહિ એટલે બીજા આપણી ઈર્ષા કરે છે પણ એમાં બીજું કાંઈ નથી. (૧૧)
પ્રકરણ/વાત: ૯/૩૬
કેટલાક મનુષ્ય ભૂંડી પ્રકૃતિ મૂકતાં નથી ત્યારે આપણે સારી પ્રકૃતિ શા સારુ મૂકીએ? તેથી ભગવાનમાં હેત થાય, સાધુમાં હેત થાય ને સૌ વખાણ કરે જે, એ બહુ સારા છે. અમે રસ્તે ચાલ્યા જતા હતા ને ખડભારિયાં જોઈને અમે તર્યા, એટલે તે કહે જે, “આ ગાંડો થયો છે.” (૧૨)
પ્રકરણ/વાત: ૯/૧૨૩
... સર્વે દોષ મોક્ષના મારગમાં વિઘ્નકારી છે. આ સંગ મળ્યો ને આ વાત ઓળખાણી પણ તેમાં દોષ આડા આવે છે ત્યારે સત્સંગ ટળી જાય. વર પોંખાતો હતો ત્યાં નાગા બાવા આવ્યા. તેણે પૂછ્યું જે, “યે ક્યા હોતા હે?” તો કહે, “મહારાજ, એ તો વર પોંખાય છે.” ત્યારે કહે, “એસા!” એમ કહી વરને ઠેલીને પોતે ઊભો રહ્યો ને કહે, “હો જાય મહાપુરુષકા પોંખણા!” પછી તેને સમજાવીને ઉતાર્યો ત્યાં બીજો ચડી બેઠો ને કહે, “હો જાય મહાપુરુષકા પોંખણા!” એમ સો-દોઢસો બાવા તે સવાર સુધી વરને પોંખવા દીધો નહિ. તેમ જીવ છે તે વરને ઠેકાણે છે ને કામાદિક દોષ છે તે નાગા બાવાને ઠેકાણે છે તે ભગવાનને વરવા દેતા નથી. માટે ગૃહી, ત્યાગી સૌને એ વાત કહીએ છીએ જે, આ સત્સંગ મળ્યો છે તે જાળવી રાખજો. (૧૩)
પ્રકરણ/વાત: ૯/૨૦૮
દેહધારી હોય તેને દોષ જણાય તો ખરા પણ સમાવી દેવા.
ઊપજી શમાવે તે સંત, ન ઉપજે તે ભગવંત.
ચ્યવને બધાના પેશાબ બંધ કર્યા પણ પોતાનો બંધ ન થયો એટલે સુકન્યાને પરણ્યા. એમ સ્વભાવ સત્સંગમાંથી પાડે એવા છે... (૧૪)
પ્રકરણ/વાત: ૯/૨૧૧
તીર્થે આવવું ત્યારે કાંઈક સ્વભાવ મૂકી જાવો. પછી જેના ભેળા રહેતા હોઈએ તેને કહી દેવું જે, “આટલો સ્વભાવ આપણે હતો તે આજથી મૂક્યો.” પણ દાબો દૂબો રાખીને કોઈને કહે નહિ તેનો સ્વભાવ જાનારો નહિ. એક પાળો હતો તે તળીએ પોપડી ઊખેડતો પછી ગાર કરીને ઉપર ભાર મૂકે, તો પણ એ કાંઈ ચોટે? તેમ એવી રીતે કોઈ દાબો દૂબો રાખશો માં. (૧૫)
પ્રકરણ/વાત: ૯/૨૬૮
હેત બહુ હોય તો ભગવાન પાસે જવાય પણ અક્ષરરૂપ થયા વિના ત્યાં રહેવાય નહિ. તે ઉપર રાધિકાની વાત કરી. માટે સ્વભાવ ટાળ્યા વિના તો ટળે નહિ. તે ઉપર ધોળકામાં મહારાજ ગયા તે સૌ પાળા સૂઈ ગયા. પછી સાધુ પાસે ચોકી કરાવી, કેમ જે એ પાળાને સૂઈ રહેવાનો સ્વભાવ. (૧૬)
પ્રકરણ/વાત: ૧૦/૧૮૮
વિશ્વાત્માનંદ સ્વામીની વાત કરી જે, લાડવા ખાઈને વાડીમાં ઝાડ હેઠે સૂઈ રહે અને અશોષી થાય ને અસુખ થાય ને આમથી આમ અંબળાય ને આમથી આમ દિલ મરોડે. પછી સંતે પૂછ્યું જે, “વિશ્વાત્માનંદ સ્વામી, સૂઈ કેમ રહ્યા છે?” ત્યારે કહે જે, “તમ જેવા દેહાભિમાની નથી જે, થોડુંક ખાઈને દેહને સુખિયું રાખીએ? ને અમે તો આ દેહને ઝાઝું ખવરાવીને દંડ દઈએ છીએ. તે કેવું દુઃખ આપીએ છીએ?” બીજી વાત કરી જે, મહારાજે પૂછ્યું જે, “આવડી મોટી માળા કેમ રાખી છે?” ત્યારે તે કહે કે, “સાધુને કોઈ દુઃખ દેતો હોય તો સબોડવા થાય!” પછી મહારાજે તે માળા લઈ લીધી એટલે મોટી દશ શેર પાણી માય એવી લાકડાની કઠારી રાખી ને ગરણાની ઝોળી કરીને પાણી ભરી ટાંગે. પછી મહારાજે પૂછ્યું, “વિશ્વાત્માનંદ સ્વામી, આ શું છે?” ત્યારે તે કહે જે, “સાધુને કોઈ દુઃખ દે તો બે હાથે કઠારી ઝાલી ફેરવીને વાંસામાં એક ફેરો સોફાવીને મારીએ તો પાર પડી જાય.” (૧૭)
પ્રકરણ/વાત: ૧૦/૧૯૯
આ જીવને મરવું કઠણ નથી પણ સ્વભાવ મૂકવા કઠણ જણાય છે. ને આ તો પાંચ દોષ મહારાજે ખોળી કાઢ્યા પણ આગળ તો કોઈને ખબર નહોતી તે હજુ જગતમાં કોઈ જાણતું નથી. ધન, સ્ત્રી એ બે જ મૂળિયાં છે ને ખાધાનું પણ છે તો બળવાન. પણ કોઈક રીતે રોગે કરીને તેનો અભાવ આવે ને ઓલ્યાં બે વાનાંનો તો કોઈને અભાવ આવે જ નહિ. માટે એ ઘાંટી છે. તે બે વાનાં તો મોટાના આશીર્વાદે ઊખડે છે. તે મયારામ ભટ્ટ ને મૂળજી બ્રહ્મચારીને એનો ભય નહિ. (૧૮)
પ્રકરણ/વાત: ૧૦/૨૦૯
... મનના લીધા લેવાઈએ છીએ તથા ઇંદ્રિયોના લીધા લેવાઈએ છીએ તેટલો સત્સંગ કાચો છે. જેમ ભૂંડું કુલક્ષણું ઘોડું હોય તેના ઉપર ચડે તેના ભૂંડા હાલ થાય, તેમ આ ઇંદ્રિયો, અંતઃકરણ ને સ્વભાવ ભૂંડી ઘોડીઓ છે. તે રામ ખુમાણનો હાથ ભાંગ્યો તેની વાત કરી જે, ઘોડી જઈને ઠૂંઠામાં ભરાણી ને પાડ્યા ને હાથ ભાંગ્યો. (૧૯)
પ્રકરણ/વાત: ૧૦/૨૫૧
બપોરે વાત કરી જે, સ્વભાવ મૂકીને સુખ શાંતિને પામવું, ને આંહી જેટલી આળસ રાખશું તેટલું આગળ લાંબુ થાશે. ને આંહી એક દિવસ કરે ને આગળ જઈને સો કે હજાર દિવસ સાધન કરે પણ અહીંની બરોબર ન થાય. ને સર્વે અહીંની કમાણી ખાય છે, કાં જે આ કર્મક્ષેત્ર છે. (૨૦)
પ્રકરણ/વાત: ૧૧/૧૦૨