ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૭

માન

પૂંજોભાઈ, પર્વતભાઈ, કૃપાનાંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એનાં જ્ઞાનનાં અંગ કહેવાય. ને અક્ષરાનંદ સ્વામીથી અદ્‌ભુતાનંદ સ્વામી સરસ. ને ગોપાળાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી એ બેના જેવું જ્ઞાન બીજાનું ન કહેવાય. ને રામદાસજીભાઈ ચારસેં સાધુને વરતાવે ને તપે નહીં પણ ગોપાળાનંદ સ્વામીના જેવું જ્ઞાન તો બહુ કઠણ છે. માન ન આવે, ઈર્ષા ન આવે, ક્રોધ ન આવે, મત્સર ન આવે એ બધી કલમું કહેવાય; તે નિર્મત્સર શુકજીને કહ્યા. ભક્તિ કરવી, આત્મનિષ્ઠા રાખવી, સાધન કરવાં તેનું માન આવવા દેવું નહિ. ને માનીનો હુંહાટો બહુ હોય પણ નભે નહિ. તે દક્ષનો ને નારદનો હુંહાટો બહુ પણ નિર્માનીની ભક્તિ આકાશ જેવી છે. (૧૧)

પ્રકરણ/વાત: ૧૧/૧૪૦

માન વિનાની ભક્તિ કરે તો મોટા બહુ રાજી થાય ને માન હોય ને ટોકે તો મરડાય જાય. માટે વિચાર કરવો જે મારે પંચવિષયમાંથી શાની વાસના બળવાન છે? એમ અંતરમાં તપાસ કરવો ને હૈયામાં ભગવાનને ધારવા. (૧૨)

પ્રકરણ/વાત: ૧૧/૧૯૫

પોતાના કલ્યાણમાં વિઘ્ન ન આવવા દીએ તે ડાહ્યો કહેવાય. ને કલ્યાણને અર્થે વ્રત, તપ કરવાં, બે રૂપિયાનું ખર્ચ કરવું ને વિઘ્ન ન આવે તેવી રીતનું બોલવું, ખાવું, સૂવું, ને ચાલવું. ને તે વિના તો ચારણ, ભાટ પણ વખાણ કરે છે જે, દરબાર ચૌદ વિદ્યાગુણજાણતલ હોય ને ગરાસ તો કોઈકને ઘેર મૂક્યો હોય. તે ઉપર વાત કરી જે, સિદ્ધરાજ જેસીંગના ચારણે વખાણ કર્યાં ને જ્યારે જેસંગે મૂછ ઉપર માખી ઉડાડવા હાથ ફેરવ્યો તે જોઈ ચારણે ખૂબ વખાણ કરવા માંડ્યાં ત્યાં તો જેસંગભાઈ ફુલાણા ને ચારણને ગામ આપ્યું. તેમ આપણાં વખાણ થતાં હોય પણ જો મોક્ષ ન સુધર્યો તો જેસંગના જેવાં વખાણ જાણવાં. (૧૩)

પ્રકરણ/વાત: ૧૧/૩૬૫

ઇન્દ્રિઓમાં વહ્યા જઈએ છીએ, દેહાભિમાનમાં વહ્યા જાઈએ છીએ તો તે ભગવાનને ન ગમે. અહંકાર ભગવાનને ન ગમે. તે મુક્તાનંદ સ્વામી સાધુના ચરણની રજ લઈને માથે ચડાવતા. (૧૪)

પ્રકરણ/વાત: ૧૧/૩૯૫

સ્વરૂપાનંદ સ્વામીને માન આવ્યું તો રાતું લૂગડું દેખાણું. પર્વતભાઈને લગારેક અહંકાર આવ્યો જે, ‘સંકલ્પનો શો ભાર છે? સંકલ્પ થાય જ નહિ ને થાય તો ચકલીની પેઠે ઉડાડી દઈએ.’ પછી તો સંકલ્પ થાવા માંડ્યા. માટે કોઈ સાથે બોલાચાલી થાય તો પગે લાગવું. તે કોઈ વાત મહારાજે અવિદ્વાન રાખી નથી. (૧૫)

પ્રકરણ/વાત: ૧૨/૮૪

ગમે તેવો ડાહ્યો હોય પણ લોભ આવ્યો કે કામ આવ્યો કે માન આવ્યું કે ક્રોધ આવ્યો ત્યારે બુદ્ધિ ભેદી નાખે. તે દક્ષ કેવો ડાહ્યો પણ શિવજી ઊભા થયા નહિ ત્યારે કહે, “ઊભા ન થયા માટે તેનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખું.” પછી તેમાંથી કેવું થયું? મોટા મોટા સ્મૃતિકાર ઋષિ હતા તેને પણ માને થડથડાવ્યા. ને હમણાં આપણામાં મત બંધાય તો ક્લેશ થાવા માંડે. તો જેને કાંઈ ન જોઈએ તેને પણ દુઃખ થઈ પડે છે ને બીજાં દુઃખ તો ઘણાં છે, પણ માનતાઈ જાય એવું દુઃખ બીજું કાંઈ નથી. માનતાઈમાં કેવું સુખ છે તે ત્રિકમદાસને પૂછો. (૧૬)

પ્રકરણ/વાત: ૧૩/૨૩૧

વાઘજીભાઈએ પૂછ્યું જે, “જાતિનું ને પાટીદારપણાનું જીવમાં પેસી ગયું તે કેમ નીકળે?” ત્યારે કહે, “જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ એના સ્વરૂપનું ખરેખરું જ્ઞાન થાય તો જાતિ, વર્ણ, મોટાઈ કાંઈ ન રહે. અશ્લાલીના વેણીભાઈ દોરી-લોટો લઈને મહારાજને દર્શને વયા જાય ત્યારે હરિભાઈ મહારાજને કહે, ‘વેણીભાઈ આમ આવે તે અમારી લાજ જાય. વાળંદ અને મશાલ વિના અમારે જવાય નહિ.’ પોતે મહારાજના દર્શને આવે ત્યારે ઘોડા ને માણસો ભેગાં લાવે. પણ જ્યારે વાતુ સાંભળીને સત્સંગ બરાબર સમજાણો ને મહારાજનો મહિમા પણ જણાણો ત્યારે પાટીદારપણું નીકળી ગયું ને મહારાજને અમદાવાદની બજારમાં ઘોડેથી ઊતરી દંડવત્ કર્યા.” (૧૭)

પ્રકરણ/વાત: ૧૪/૧૬૫

જીવને પોતામાં જ માલ સમજાય પણ તેમાં કાંઈ સાર નથી. પ્રભુ ભજાય એટલો જ સાર છે. માટે પોતામાં તો માલ માનવો જ નહિ. (૧૮)

પ્રકરણ/વાત: ૧૫/૪૫

એક દિવસ મહારાજ કહે, “ઢોલિયાના ચાકર હો તે આંહી બેસો ને સત્સંગીના સત્સંગી હો તે નોખા બેસો.” પછી કેટલાક નોખા બેઠા ને કેટલાક ઢોલિયા પાસે બેઠા. પછી મહારાજ કહે, “અમેય સત્સંગીના સત્સંગી છીએ,” એમ કહીને ઢોલિયેથી ઊતરી જુદા બેઠા હતા તેમના ભેળા બેઠા ને કહે જે, “તમે ઢોલિયાના ચાકર ઢોલિયા આગળ બેઠા રહો.” એમ મહારાજે સત્સંગીના સત્સંગીને સર્વથી અધિક કહ્યા... (૧૯)

પ્રકરણ/વાત: ૮/૯૦

તાનમાં તાન મેળાવવું. તે ઉપર વાત કરી જે, મહારાજે ખેતા ભીમાને ગાંડા જેવા, જડ જેવા ને કાંઈ સમજતા નથી એમ કહ્યું ત્યારે સોમલા ખાચરે કહ્યું જે, “હા મહારાજ, તેની માએ તો ચોળિયું બગાડ્યું છે.” પછી મહારાજ કહે, “આ પ્રગટ ભગવાનના સંબંધમાં આવ્યા તે સંસ્કારી તો ખરા જ.” ત્યારે સોમલા ખાચરે ફેરવ્યું ને કહે, “હા, બા, કોઈક મુગતડું હશે! બદરિકાશ્રમ શ્વેતદ્વીપના આવ્યા હશે!” પછી મહારાજ કહે, “તમે તો હમણાં મશ્કરી કરતા હતા ને?” એટલે સોમલા ખાચર કહે, “મહારાજ, એક રાજાએ રીંગણાંનાં વખાણ કર્યાં. ત્યારે હજુરી કહે, ‘હા સાહેબ, બહુ સરસ ને શાક પણ અમૃત જેવું થાય છે.’ પછી રાજા કહે, ‘એ તો બહુ ખરાબ છે. શાક તો ચરકું ને ગરમ લાય જેવું થાય છે.’ ત્યારે હજુરી કહે, ‘હા સાહેબ, એવું ગરમ લાય ને કાળુંમશ જેવું શાક કોણ ખાય?’ ત્યારે રાજા કહે, ‘તમે હમણાં વખાણ કરતા હતા ને ઘડીકમાં શું થયું?’ ત્યારે હજુરી કહે, ‘અમે બેંગણકા નોકર નથી, અમે તો આપના નોકર છીએ,’ તે જેમ આપ રાજી થાઓ તેમ અમારે બોલવું. તેમ મહારાજ, તમારી મરજી દેખીએ તે પ્રમાણે અમારે બોલવું.” એ સાંભળી મહારાજ બહુ રાજી થયા. (૨૦)

પ્રકરણ/વાત: ૮/૧૦૯

Vat Selection


Type: Keywords Exact phrase