ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૮

આજ્ઞા

વિષય તો હોય પણ જો નિયમમાં રહે તો સુખ રહે ને નિયમ રાખવાં તે પણ જોગ વિના રહે નહિ. કર્મને વશ થઈને સર્વે નિયમ રાખે છે. તે રાજકોટના સુરાભી રાજાથી એરંડિયું ને બાજરાનો રોટલો જ ખવાય છે ને રૂગનાથરાયના ઘરમાં રૂપિયા છે પણ તાંદળજાની ભાજી ને બાજરાનો રોટલો જ ખવાય છે. એમ કર્મે કરીને તો જીવ નિયમ રાખે છે પણ ભગવાનની આજ્ઞાએ કરીને નિયમ રાખતા નથી. (૧)

પ્રકરણ/વાત: ૮/૪૬

આપણે કાંઈ ઝાઝું જાણીએ નહિ. તે એક મત આપડી તે ઊભે મારગે તાપડી, તે શું જે, શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું એ પાધરું છે. ફેર પડે તો દુઃખ થાય. આટકોટમાં સાહેબની સ્વારી હતી ને આણંદજી દીવાનનો ભાઈ પરેવાસે રીંગણીના ખેતરમાં ઝાડે ફરવા ગયો. તે પટેલ જાણે રીંગણાં ચોરવા આવ્યો છે, એમ જાણી તે નાગરના વાંસામાં ભૂરું માર્યું પછી તેણે સાહેબ આગળ રાવ કરી. એટલે સાહેબે પટેલને તેડાવ્યો ત્યારે પટેલ કહે, “મેં જાણ્યું જે રીંગણાનો ચોર છે પણ તમારો મહેતો છે ને ઝાડે ફરવા બેઠો છે એમ જાણ્યું નહોતું, માટે માફ કરો.” પછી સાહેબ કહે, “ઠીક કર્યું. એકનાં બે ભૂરાં મારવાં હતાં ને!” મહેતાને ઠપકો દીધો જે, “તને બીજે ક્યાંઈ જગ્યા મળી નહિ? તે ખાવાની રીંગણીમાં બેઠો?” માટે ‘શિક્ષાપત્રી’ પાળે તે વહેવારે પણ સુખી રહે. (૨)

પ્રકરણ/વાત: ૮/૧૩૩

‘શિક્ષાપત્રી’ પ્રમાણે વરતવું તેમાં ફેર પડવા દેવો નહિ. બરવાળામાં એક હરિજને પોતાના ભાઈના ડેલામાં મહારાજને ઉતારો આપ્યો એટલે સૌ ઊતર્યા ને મહારાજ પણ ઊતર્યા. પછી તે હરિજન સીધું લેવા ગયો ને પાછળથી તેનો ભાઈ કુસંગી હતો તે આવ્યો ને કહે જે, “આમાં તમે કેની રજાએ ઊતર્યા છો? ડેલો તો મારો છે. મેં રજા આપી છે?” પછી મહારાજે કહ્યું જે, “આપણી લખેલ પત્રી આપણે જ લોપી, માટે આહીં રહેવું નહિ,” એમ કહીને ચાલી નીકળ્યા ને નાવડે ગયા. મહારાજનું ડોરણું છૂટી ગયેલ ને સખત તડકો હતો તેથી ચામડી લાલચોળ થઈ ગઈ. તે હજી સાંભરે છે. શિક્ષાપત્રીમાં તો થૂંકવા સુધીનો વિવેક લખ્યો છે. શિક્ષાપત્રીરૂપ ચક્ર ઘરોઘર મહારાજે આપ્યું છે, માટે લોપવી નહિ. (૩)

પ્રકરણ/વાત: ૮/૧૭૨

મનને ધાર્યે કોઈ સાધન કરવું નહિ. અલૈયો ખાચર ને નાજો જોગિયો શિયાળામાં રાત્રે તળાવમાં બેસતા તે ચામડું ઘોના જેવું થઈ ગયું ને માંહીથી લોહી નીસર્યું, પણ જ્યારે મહારાજે નાજા જોગિયાને ઘોડીની ચાકરી કરવાથી રાજી થઈને થાળ આપ્યો ત્યારે અલૈયા ખાચરે મહારાજને કહ્યું જે, “મારો તો વાંસો ફાટી ગયો ને થાળ તો એને આપ્યો.” મહારાજ કહે, “પાણીમાં બેસવાનું અમે કહ્યું નહોતું. તમે તમારા મનને જાણે કર્યું છે ને એણે તો અમારા કહેવાથી ઘોડીની ચાકરી કરી તેથી થાળ આપ્યો છે પણ પાણીમાં બેસવાનો થાળ આપ્યો નથી.” એ તો બેયનું પાણીમાં ગયું. વહેવાર વધારવામાં દુઃખ છે. એક સાંઢીએ તપ કરીને ચારસેં ગાઉ લાંબી ડોક માગી તે ચારસો ગાઉમાં જ્યાં ચરવું હોય ત્યાં ચરે પણ રાત્રે વનમાં સૂતો ત્યાં વાઘ, નારડાં ને શિયાળિયાં મળ્યાં તે વચમાંથી ખાઈ ગયાં. પછી હેરાન થઈને મુવો. તેમ લાંબા વહેવારમાં દુઃખ છે. (૪)

પ્રકરણ/વાત: ૮/૧૮૯

સાધુ કહે તેમ કરવું, તેમ ખાવું, પીવું ને આસન કરવું, કેમ જે, એ દીર્ઘદર્શી હોય. અમે થાણાગાલોળ ગયા ત્યારે જસા રાજગરે અમને હાથ જોડી કહ્યું જે, “એક જ સત્સંગી છું ને રસ્તાનું ગામ છે તે પૂરું થાતું નથી.” ત્યારે અમે તેને પૂછ્યું જે, “તમારી પાસે કાંઈ છે?” તો કહે, “હા મહારાજ, બાજરો છે.” પછી પાલી બાજરો મગાવ્યો તે જૂનાગઢમાં આવ્યા ત્યારે પલાળીને સૌને વહેંચી દીધો. પછી પૂછ્યું જે, “કાંઈ લૂગડું છે?” તો કહે, “હા મહારાજ, વેજું છે.” પછી વેજું લાવ્યો તેમાંથી એક ગરણાં જેટલું લીધું ને ઘોડીએ ચડી તેને ખેતર ગયા ને કહ્યું જે, “આ તો સોનું પાકે એવી જમીન છે માટે વણ વાવજે, તે ઓગણીસ ગઈણું દેજે.” પછી તેણે કોઈકનું સાંતી માગી આડાઅવળા ઓગણીશ લીંટા કર્યા ને વણ વાવ્યો તે કાલાં ઘણાં થયાં ને દેણું દેતાં રૂપિયા પાંચસો વધ્યા, તેમાંથી રૂપિયા સોની જૂનાગઢમાં રસોઈ દીધી ને વહેવાર પણ સારો થયો. માટે મોટાના વચનમાં વિશ્વાસ રાખીને કહે તેમ જ કરવું પણ જો કહે તેમ ન કરે તો જરૂર દુઃખ થાય. અને આખાના મૂળજી શ્રોત્રીએ દીકરાના વિવાહનું પૂછ્યું ત્યારે અમે કહ્યું જે નાનાનો વિવાહ કરીશ નહિ. ત્યારે કહે, “બહુ સારું.” પણ વેવાઈએ બહુ કહ્યું એટલે વિવાહ કર્યો. પછી દર્શને આવ્યા ત્યારે કહે, “સ્વામી, તમે ના પાડી હતી પણ વિવાહ તો કર્યો.” અમે કહ્યું જે, “તારે વાડે ચિંચોડો ફરે ત્યાં સુધી જાવા દઈશ નહિ.” પછી તો છોકરાને ઘરમાં પૂર્યો પણ સંધીનો છોકરો તેનો ભાઈબંધ હતો તે આવીને તેડી ગયો. પછી વાડે ગયો ને સાંઠા ચિંચોડામાં નાખવા ગયો ત્યાં હાથ આવ્યો એટલે આખો હાથ ચિંચોડામાં ખેંચાઈ ગયો ને ભચરડા નીકળી ગયા. પછી ઘેર લઈ ગયા ત્યાં મરી ગયો. (૫)

પ્રકરણ/વાત: ૮/૧૯૦

સ્ત્રીયુંના પ્રસંગમાં કોઈની જય થઈ નથી ને થાશે પણ નહિ. એનો પ્રસંગ કરવાનું તો ભગવાન કહે તો પણ ન માનવું. તે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું જે, “આંહી બેસીને અમારા દર્શન કરો.” ત્યારે કહે, “સામા ડોશિયુંનાં દર્શન થાય છે માટે ત્યાં નહિ બેસું.” પછી મહારાજ કહે, “અમારું માનતા નથી માટે જાઓ વિમુખ છો.” એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે, “મહારાજ, ડોશિયુંનાં દર્શન કરીને ખુવાર થઈને વિમુખ થાવું તે કરતાં હમણાં જ તમારો કર્યો વિમુખ થાઉં તે ઠીક!” એમ કહી પગે લાગી ત્યાંથી ઊઠી ગયા. માટે એવી આજ્ઞા પાળવામાં પણ વિવેક રાખવો. કેમ જે ત્યાગી હોય તેને સ્ત્રી બે માસ રસોઈ કરી દે તો પોતાની સ્મૃતિ કરાવી દે. માટે એ મામલામાં ન આવ્યા તે માટી. (૬)

પ્રકરણ/વાત: ૮/૨૧૬

મહારાજે એવી સડક બાંધી છે જે ‘શિક્ષાપત્રી’ પ્રમાણે રહે તેને કોઈ બંધન જ ન થાય ને દુઃખ પણ ન આવે. પોતાની સ્ત્રી સાથે પણ વાદ કરવો નહિ એમ લખ્યું, કેમ જે ઝેર દે કાં તો પોતે કૂવે પડે. ગાડાં સરકારી વેઠે જતાં હતાં. રસ્તામાંથી વીડીમાંથી બળદ સારુ ખડનો ભારો બધાએ બાંધી લીધો પણ એક સત્સંગી હતો તેણે ભારો ન બાંધ્યો ને કહ્યું જે, “મારે નિયમ છે તે મારાથી ન લેવાય.” આગળ ગામ આવ્યું ત્યાં ચોરી આગળથી જાહેર થયેલ તે ગાડાં રોક્યાં, તે ભેળું સત્સંગીનું ગાડું પણ રોક્યું ને બધાને સાહેબ ખેડે લઈ ગયા. ત્યારે તેણે કહ્યું જે, “મેં તમારો પૂળો લીધો નથી.” સાહેબ કહે, “આને શા વાસ્તે લાવ્યા?” ત્યારે કહે, “ન લઈ આવીએ તો તમો કહો જે કેમ જાવા દીધો? તે સારુ લાવ્યા છીએ પણ એણે ખડ ચોર્યું નથી.” પછી તેને ખડ ને ભથ્થું આપી રજા દીધી ને બીજા પાસે દશ દિવસ સુધી વેઠ કરાવી પછી જાવા દીધા. માટે ‘શિક્ષાપત્રી’ નહિ વિચારે તેને જરૂર આડું આવશે. જેટલી ગાફલાઈ રહેશે તેટલું દુઃખ થાશે. માટે પત્રીનો હમેશાં પ્રાતઃકાળે પાઠ કરવો. (૭)

૧. ज्ञानवार्ताश्रुतिर्नार्या मुखात् कार्या न पूरुषैः । न विवादः स्त्रिया कार्यो न राज्ञा न च तज्जनैः ॥ અને અમારા સત્‍સંગી જે પુરુષમાત્ર તેમણે બાઈમાણસના મુખથકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. (શિક્ષાપત્રી: 34)

પ્રકરણ/વાત: ૮/૨૧૭

એક વાર મનજીભાઈ અમારો સમાગમ કરવા જૂનાગઢ આવ્યા હતા તે ચાર મહિના રહ્યા. પછી રજા માગી. ત્યારે તેમને મારી નાખે એમ હતું તેથી અમે કહ્યું જે, “હમણાં રોકાઓ,” એટલે રહ્યા ને આજ્ઞા કરી ત્યારે ઘરે ગયા. ત્યાં સાંભળ્યું કે મનજીભાઈને મારી નાખવાનો તેમના શત્રુએ નિરધાર કરી રાખ્યો હતો પણ રોકાઈ ગયા તે સારું થયું ને જો વહેલા ગયા હોત તો જરૂર મારી નાખત. પણ હવે ફીકર નથી, કેમ જે તે ભાવનગર દરબારના વાંકમાં આવવાથી જેલમાં જન્મટીપમાં પડ્યો છે. ત્યારે મનજીભાઈએ જાણ્યું જે, ‘રક્ષા કરવા સારુ જ રોકેલ.’ એમ મોટા સાધુ તો રક્ષા કરે. માટે આ સાધુ કહે તેમ કરવું. સમૈયે આવ્યાની ના પાડે તો ન આવવું. એક વાર કે બે વાર ના પાડે તો પણ આકળા ન થાવું. મન અકળાય તો મર અકળાય પણ સત્પુરુષ જે આજ્ઞા કરે તે કદી લોપવી નહિ. આ લોકમાં રક્ષા કરવા સારુ મહારાજે શિક્ષાપત્રી, આચાર્ય ને સાધુ કર્યા છે તેમાં આ સાધુ તો રાતદિવસ પોકારે છે ને ચેતાવે છે એ કેવા છે? તો પળ માત્ર ભગવાનથી નોખા રહે એવા નથી, પણ ભગવાનની અનુવૃત્તિ પાળવા આહીં દેહ રાખી રહ્યા છે. (૮)

પ્રકરણ/વાત: ૮/૨૧૮

રામદાસજીને માંદાની ભલામણ કરી ત્યારે કહે, “સાજા પણ માંદાની હારે માગે છે,” ત્યારે મહારાજ કહે, “તમે તો જેમ આપો છે તેમને તેમ આપ્યા કરો ને તેનો હિસાબ તો અમારે લેવો છે. જે કોઈ કપટ કરશે તેના જીવને જેમ સોનાના વાળાને જંતરડામાં કાઢે છે તેમ કાઢીશ ને જે આજ્ઞામાં રહેશે તેના જીવને જેમ માખણમાંથી મોવાળો કાઢે છે તેમ કાઢીશ.” (૯)

પ્રકરણ/વાત: ૮/૨૩૯

મહારાજે પડાઈનું (પતંગનું) દૃષ્ટાંત દઈને વાત કરી જે, “અમારી આજ્ઞા પાળે છે તે અમારાથી છેટે રહે તો પણ અમારી પાસે છે ને તેની જ્યાં હોય ત્યાં રક્ષા કરવી પડે છે.” ઝોળિયા પારેવાંને ઉડાડે ત્યારે તેની પાંખમાં બળ હોય ત્યાં સુધી ઊડે, પણ જ્યારે ભાન ન રહે ને બળહીન થઈ જાય ત્યારે પડતું મેલે એટલે તેના ધણી તેને ઝોળીમાં ઝીલી લે પણ હેઠે પડવા દે નહિ. તેમ જે આજ્ઞા પાળે છે તેની જ ભગવાન રક્ષા કરે છે. (૧૦)

પ્રકરણ/વાત: ૮/૨૫૩

Vat Selection


Type: Keywords Exact phrase