ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૯

વિષય

જન્મ-મૃત્યુ દીર્ઘ રોગ છે ને તેનું દુઃખ ભગંદરથી ક્યાં ઓછું છે? પણ જન્મમરણના દુઃખની આ જીવને ખબર જ નથી ને વિષયમાં દુઃખ છે તેની પણ ખબર નથી. તે બીજાની તો શી વાત પણ ભણેલા પંડિત હોય તેને પણ ખબર નથી... (૧)

પ્રકરણ/વાત: ૮/૪૯

... વિષયના સંબંધથી તો જેમ જરાસંધથી કે દંતવક્રથી બીવાય તેમ બીવું. શહેરના વિષય જીવતા માણસ જેવા છે ને ગામડાના વિષય ઓડાં જેવા છે, માટે આ જીવતા વિષયથી બીવું. (૨)

પ્રકરણ/વાત: ૮/૭૬

... ભુજમાં તુળસી સુકાઈ ગયાં હતાં પણ નખે દાબી જોયું ત્યાં લીલાશ જણાણી. પછી પાણી રેડ્યું એટલે કોંટા નીકળ્યા. તેમ સ્વાદ કરવામાંથી કામના કોંટા નીકળે છે અને જ્યારે લોભ આવે ત્યારે જેટલાં પદાર્થ છે તે સર્વે સંભારે. પણ આ તો પ્રભુ ભજવાનો આદર કર્યો છે ને ચલાય છે બીજે માર્ગે! પહેલો જીવ ખાધામાં લેવાય છે, ત્યારે પછી કામ ઉદય થાય છે ને કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. માટે જેણે સાધુ સેવન કર્યાં હશે તેને કાંઈક ખબર પડતી હશે. (૩)

પ્રકરણ/વાત: ૮/૮૦

ગોરધનભાઈની વાત કરી જે, કડાં પહેર્યાં હતાં તે કાઢી નાખ્યાં ને મહારાજને મૂકીને મેં આ શું કર્યું? તે વિચારે કરીને શરીર કાળું થઈ ગયું. માટે દેહાભિમાન કે વિષય વધ્યા તે પણ ભાર થયો એમ જાણે તે ભગવદી કહેવાય. (૪)

પ્રકરણ/વાત: ૮/૮૭

દેહ નહિ રહે ને ખાધુંયે ગયું ને આમ ને આમ કેમ મરાશે? કાંઈક શરીર માંદુ થાશે ને કાંઈક થોડું થોડું દુઃખ પણ થાશે ત્યારે મરાશે. ખાઈ ખાઈને અલૈયા ખાચરના ઘોડાની પેઠે ઊંઘ્યા ન કરવું, તે શું જે, ચણા ખાય, પાણી પીએ ને ખડ ખાય, તે બધું આંખ્યું મીંચીને પણ જ્યારે કાંકરો આવે ત્યારે આંખ ઊઘડી જાય, તેમ દેશકાળ આવે ત્યારે સૌની આંખ ઊઘડે છે. માટે આપણે ઊંઘવું નહિ. (૫)

પ્રકરણ/વાત: ૮/૧૧૩

એક સુતાર દીવમાં ફિરંગીને ત્યાં ઘડવા ગયો હતો ત્યાં તેની મઢમ બહુ રૂપાળી તેના સામું જોયા કરે. પછી ફિરંગીએ, “મઢમ સામા મત જો” એમ સુતારને કહ્યું પણ કાળજું રૂપમાં તૂટ્યું તે જોયા વિના રહેવાય નહિ, ને ફિરંગીએ ત્રણ વાર ના પાડી પણ ચોથી વાર જોયું ત્યારે ફિરંગીએ સુતારની આંખ્યું ફોડી નાંખી. એમ વિષયમાં કાળજું તૂટે ત્યારે સત્સંગમાં પણ રહેવાય નહિ. એમ આપણે વિષય માટે કાળજું તોડવું નહિ, ખબરદાર થઈને શુદ્ધ વર્તવું. જો નિષ્કામી વર્તમાનમાં કસર રહેશે તો અક્ષરધામમાં નહિ જવાય ને મહારાજનો કુરાજીપો થાશે... (૬)

પ્રકરણ/વાત: ૮/૧૧૫

બલકબુખારાના પાદશાહનું બબરચીખાનું ત્રણસે ઊંટ હોય ત્યારે ઊપડતું પણ જ્યારે વૈરાગ પામીને નીકળ્યો ત્યારે તેણે વગડામાં હાંડલીમાં ભાત રાંધીને ખાધેલ ત્યાં એક કૂતરો આવ્યો તેણે ભાત ખાવા માંહી મોઢું ઘાલ્યું ત્યાં માથું સલવાઈ રહ્યું. પછી તે ઉપાડીને ભાગ્યો. ત્યારે રાજા કહે જે, “ત્રણસે ઊંટનું બબરચીખાનું તો એક કૂતરો ઉપાડી જાય છે! માટે આટલેથી ચાલે છે.” પણ જીવ તો વિષયમાં બંધાઈ ગયો છે ને દેહ તો એક રોટલે જ રહે છે. બાકી સર્વે ફેલ છે. જીહ્‌વા ઇંદ્રિયનું બળ ઘણું છે. સ્ત્રીમાં ન લેવાય એ તો દેવનો દેવ છે ને નમસ્કાર કરવા યોગ્ય છે. પણ હરિભક્ત હોય ને દ્રવ્યમાં પ્રતીતિ આવી જાય છે. તે શું જે, કિમિયાનો વિશ્વાસ આવે છે. (૭)

પ્રકરણ/વાત: ૮/૧૨૯

પ્રાતઃકાળમાં જે ક્રિયા કરે તે સાત્ત્વિક થાય, માટે તે વખત ભગવાન સંભારવા. ને સત્શાસ્ત્રનું વ્યસન રાખ્યા વિના તો જાડ્યતા આવી જાય છે, ને પ્રથમ લગની હોય તેવી રહે નહિ ને પછી તો મૂળગી ન રહે. તે ઉપર વાત કરી જે, વાવમાંથી ગાળ કાઢતા હતા ત્યાં સરમાંથી પાણી બહુ આવ્યું. પછી કહે, “હમણાં ગોદડાનો ગાભો ભરાવો એટલે ગાળ કાઢી લઈને પછી ડૂચો કાઢી લઈશું.” તે ગાળ કાઢીને ડૂચો લઈ લીધો એટલે ઘડોક પાણી નીકળ્યું ને સર બીજે વળી ગઈ. તેનો સિદ્ધાંત એ જે, આપણે બીજે સર વળવા ન દેવી. બકરીના કોટના આંચળમાં દૂધ હોય નહિ તેમ ભગવાન વિના બીજામાં કાંઈ સુખ નથી. માટે બે-ત્રણ વરસ સાધુનો જોગ ન થાય તો સત્સંગ ટળી જાય, માટે ખબરદાર નહિ રહો તો જેમ શેરડીનો છોતો ચૂસીને નાખી દે તેમ પાંચે વિષય આપણને ચૂસીને નાખી દે એવા છે. મહારાજે સંતને કહ્યું જે, “કોઈનાં ગળાં ઝાલ્યાં નહિ તે તમારાં ગળાં ઝાલ્યાં તે શું તમે અમારા બાપ માર્યા છે? પણ તમારા મોક્ષને અર્થે છે.” (૮)

પ્રકરણ/વાત: ૮/૧૩૦

ગૃહસ્થ ને ત્યાગી સર્વેને શત્રુ તૈયાર ઊભા છે ને ત્યાગીને જેમ ભગવાન મળવાનો વિજોગ છે તેમ ગૃહસ્થને વિષય મળવાનો વિજોગ છે. તે ઉપર વાત કરી જે, હડિયાણામાં એક જણે તરગાળાને કહ્યું જે, “તું સ્ત્રીનાં લૂગડાં પહેરીને મને એક વાર મળ તો પાંચસે કોરી આપું,” તે મળ્યો એટલે પાંચસે કોરી આપી. ને એક કણબી પટેલનો બાપ મરી ગયો તેના કારજમાં સાથી ખાંડ તોળવા બેઠો, તે સારો ગાંગડો આવે તે મોઢામાં મૂકે એમ સાંજ સુધી ખાંડ તોળી ને સારો ગાંગડો આવે તે ખાતો ગયો. પછી તો પાણીનો માગ રહ્યો નહિ ને પેટ ચડ્યું ને ગળું ફાટ્યું એટલે મરી ગયો. એવા વિષય બળિયા છે. (૯)

પ્રકરણ/વાત: ૮/૧૪૦

લોભાદિક પાંચ શત્રુ મોટા છે. તે કાનની જીવિકા શબ્દ છે, ત્વચાની જીવિકા સ્પર્શ છે, નેત્રની જીવિકા રૂપ છે, જીહ્‌વાની જીવિકા રસ છે, નાસિકાની જીવિકા ગંધ છે ને દેહની જીવિકા દ્રવ્ય છે. ને વિષય રૂપી જીવિકાનો વિજોગ થાય તો જીવ મુવા જેવો થઈ જાય, પણ આ તો આશાએ જીવે છે. તે શિયાળામાં એક જણો તળાવમાં નાહ્યો. પછી ટાઢ ચડી ત્યાં તો છેટે ડુંગર ઉપર દવ દીઠો તે જાણે તાપ આવે છે, એમ તાપની આશાએ જીવ્યો ને ટાઢે મુવો નહિ. તેમ વિષયને આલંબને કરીને જીવને ઉત્સાહ રહે છે. એક જણ દૂબળે ઘોડે ચડ્યો તે મારે પણ ચાલે નહિ. એટલામાં બીજો ઘોડીએ ચડીને આગળ નીકળ્યો ત્યારે ઘોડે ઘોડીની પછવાડે સારી પેઠે ચાલવા માંડ્યું. એમાં શું કહ્યું જે, વિષયને જોગે કરીને જીવ જાગ્રત થઈ જાય છે ને તેમાંથી નોખો પડે તો મરી જાય છે. (૧૦)

પ્રકરણ/વાત: ૮/૧૬૩

Vat Selection


Type: Keywords Exact phrase