સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

ગઢપુરની લીલા

શ્રીસ્વામિનારાયણ દેવ સત્ય છે. શ્રી ગોપીનાથજી મહારાજ સત્ય છે. શ્રીહરિકૃષ્ણજી મહારાજ સત્ય છે. શ્રીગઢપુરને વિષે શ્રીજીમહારાજે કરેલી લીલા તથા દિવ્યચરિત્ર તથા જે જે ભક્તજનો જે જે સંકલ્પ કરીને આવેલા તે સિદ્ધ કરેલા તેનો દિવ્ય સંક્ષિપ્ત.

એક સમે શ્રીજીમહારાજે ગઢપુરમાં વસંતપંચમીનો સમૈયો કર્યો અને સંત હરિભક્તો સાથે રંગે રમી લાભ લીધો. પછી શ્રીજીમહારાજ ઉત્તરાદાબારના ઓરડાની ઓસરીયે પધારી ચાકળા ઉપર વિરાજમાન થયા હતા. તે સમે ગોપાળાનંદ સ્વામીના મનમાં સંકલ્પ થયો જે સૌ સંતે મહારાજ સાથે રંગે રમી લાભ લીધો પણ મારાથી લાભ લેવાણો નહીં. પછી રંગનું તપેલું ભર્યું હતું. તેમાંથી એક પીચકારી ભરીને પોતે મહારાજ પાછળ ઉભા રહ્યા અને મહારાજની છાતીમાં પીચકારી નાખું તો અપરાધ થાય એમ વિચાર કર્યો. પછી મહારાજના વાંસામાં પીચકારી નાખી. તે જોઈ મહારાજે પાછું વાળી જોયું, એટલે ગોપાળાનંદ સ્વામી હાથમાં પીચકારી લઈ બેઠા હતા. તે જોઈ મહારાજ હસ્યા જે, “ઘરડી ગાયને પણ શુરાતન ચઢતું દેખાય છે.” એમ મહારાજે કહ્યું. એટલે સૌ રાજી થયા અને સખાસહિત નદીએ નાવા પધાર્યા. ॥૧॥

એક દિવસ શ્રીજીમહારાજ દરબારમાં ઘોડી ફેરવતા હતા. તે બ્રહ્માનંદ સ્વામીએ માણસ મોકલ્યું જે, “મહારાજ શું કરે છે?” માણસે આવી જોયું, ત્યાં તો મહારાજ ઘોડી ફેરવતા હતા. તેણે જઈ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, “મહારાજ તો ઘોડી ફેરવે છે.” પછી બ્રહ્માનંદ સ્વામી પાંચ સાત સાધુ સાથે લઈ અને કાઠીયાણીની પેઠે માથે ઓઢણું ઓઢી અને મોટો ઘુંમટો કાઢીને આગળ ચાલ્યા અને બીજા સાધુ પાછળ ચાલ્યા. દરબારમાં જાતાં પાળે અટકાવ્યા જે, મહારાજ ઘોડી ફેરવે છે માટે નહી જવાય. સ્વામી કહે, “ઘોડી ફેરવતા હોય તો જાવા દે.” પછી સ્વામી દરબારમાં ગયા અને મહારાજે ઘોડી ઉભી રાખી સ્વામીને કહ્યું જે, “ઠકરાણાં પાળાં કેમ પાળાં?” સ્વામીએ કહ્યું જે, “ઘરનો ધણી ઘોડીએ ચડી ગયો છે નહીંતર ઘોડીયે ચઢીને આવત.” તે સાંભળી મહારાજ કહે, “વેલ નહોતી?” સ્વામી કહે, “વાવણીયા જુતી ગયા છે.” મહારાજ કહે, “કાંઈ પાંસરું બોલો પાંસરું.” સ્વામી કહે, “આપ બહુ પાંસરું પુછતા હશો જેવો તમારો પ્રશ્ન તેવો અમારો ઉત્તર.” એટલે મહારાજ ઘોડીયેથી હેઠા ઉતર્યા ને સ્વામીનો ઘુંમટો ખેંચી લીધો. તે પછી અક્ષરઓરડી પધાર્યા. ॥૨॥

એક દિવસ મહારાજે મોટીબાને કહ્યું જે, “અમારે કાઠીને જમાડવા છે માટે બીરંજની રસોઈ કરો.” પછી બીરંજની રસોઈ કરાવી અને દરબારમાં ચોક વચ્ચે ઢોલીયા નંખાવ્યા. અને એક-એક ઢોલીયા ઉપર ચાર ચાર જણને બેસાર્યા અને વચ્ચે બીરંજ તથા શાક વિગેરેના મોટા તાસ ભરીને મૂક્યા અને એક ઢોલીયા ઉપર શ્રીજીમહારાજ થાળ જમવા બેઠા અને કાઠીઓને મહારાજે આજ્ઞા કરી. જેથી સૌ કાઠી જમવા મંડ્યા અને જે ઢોલીયા ઉપર મહારાજ જમતા હતા ત્યાં શેષજી મહારાજની પ્રસાદી લેવા માટે આવ્યા. તે ઢોલીયા ઉપર પોતાનું મોઢું ઉંચું કરીને બેઠા. તે સમે મહારાજે જમીને એક ગ્રાસ બીરંજ શેષજીના મોઢામાં નાંખ્યો અને જળ પીને શેષજીના મોઢામાં રેડ્યું. તે સમે કાઠી ખાવું પડ્યું મેલી તે નાગને જોવા મંડ્યા જે, “આવો નાગ ક્યાંથી આવ્યો?” એમ સૌ એક બીજા વાતું કરવા મંડ્યા અને જમવું સૌનું બંધ રહ્યું. પછી શેષજી પ્રસાદી લઈ અદ્રશ્ય થઈ ગયા. તે જોઈ કાઠી સૌ મહારાજને પૂછવા લાગ્યા જે, “મહારાજ! આ કોણ હતું?” મહારાજ કહે, “શેષજી અમારી પ્રસાદી લેવા આવ્યા હતા. તે પ્રસાદી લઈને પાતાળમાં ગયા.” ॥૩॥

એક વખત શ્રીજીમહારાજ દરબારમાં સાંજને સમે કથા કરાવતા હતા. તે સમયે બાજરાનાં ડુંડા સૌ પાસે મહારાજ વીણાવતા હતા, તે સમે મહારાજ બોલ્યા જે, “અમારે લક્ષ્મીવાડીયે જવું છે.” તે સાંભળી રતનભાઈ તથા મીયાંજીભાઈ વાડીયે જઈ મહારાજની બેઠક કરી આવ્યા. પછી મહારાજની ઘોડી લાવ્યા એટલે મહારાજ સવાર થઈ વાડીયે પધાર્યા. તે ભેળા સંત તથા પાર્ષદ તથા હરિજન સૌ મહારાજ ભેળા વાડીયે ગયા અને પછી અહીંયા ડુંડા તથા બાજરાની કડબ બધું પડ્યું મેલીને સૌ ગયા. પછી મહારાજ વાડીયે સભા ભરીને બોલ્યા જે, “ઘરના ધણી અહીયાં નહી હોય.” તે સાંભળી સુરાખાચર બોલ્યા જે, “મહારાજ! ઘરનો ધણી કોણ?” મહારાજ કહે, “તપાસી જુઓ.” એટલે રતનજી તથા મીયાંજી; બન્ને જણને સભામાં ભાળ્યા નહી ને પછી બન્ને જણે દરબારમાં આવી ડુંડા તથા કડબ નોખા પાડી સૌ સૌને ઠેકાણે નાંખ્યા અને દરબાર વાળી સાફ કરીને પાથરણા પાથર્યા અને મહારાજનો ઢોલીયો તથા ગાદી તકિયો ખંખેરીને પાથરી મૂક્યો. પછી મહારાજ વાડીયેથી દરબારમાં પધાર્યા, પછી મહારાજે સુરાખાચરને કહ્યું જે, “જુઓ, આ ઘરના ધણી જે તમો સૌ મારી સાથે વાડીયે ચાલી નીકળ્યા અને રતનજી તથા મીંયાજીએ આ બધું ઠેકાણે પાડ્યું, માટે એનું નામ ઘરના ધણી કહેવાય.” ॥૪॥

એક વખત શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં વિરાજમાન હતા અને સીમમાંથી ભીમભાઈ દરબારમાં સીધું લેવા માટે આવ્યા હતા. તેણે દરબારમાં આવી બંદુકનો ભડાકો કર્યો. તે સાંભળી તાજણ ઘોડી થાણમાંથી બહાર નીસરી ગઈ. પછી મહારાજ અક્ષરઓરડીમાંથી દરબારમાં પધાર્યા અને પૂછ્યું જે, “આ કોણે ભડાકો કર્યો?” કોઈએ કહ્યું જે, “મહારાજ! ભીમભાઈએ ભડાકો કર્યો.” ને ભીમભાઈને મહારાજની બીક લાગી એટલે વાડામાં ખડના કુંદવામાં સંતાઈ ગયા હતા. મહારાજ કહે, “ક્યાં ગયો ભીમ? બોલાવો મારી પાસે.” તે સાંભળીને ભીમભાઈ આવીને મહારાજ પાસે હાથ જોડીને ઉભા રહ્યા. મહારાજ કહે, “ભીમ! કેમ ભડાકો કર્યો? આ હજાર રુપીયાની ઘોડી થાણમાંથી નીસરી ગઈ તે નથી જાણતો?” ભીમભાઈ કહે, “મહારાજ! મારી બંદુક બંધાઈ જાય તેટલા માટે ભડાકો કર્યો.” મહારાજ કહે, “લાવ્ય તારી બંદુક.” પછી મહારાજે હાથમાં બંદુક લઈ ઉગમણાબારના ઓરડાના પગથીયા ઉપર ઘા કર્યો એટલે ત્રણ કટકા થઈ ગયા. તે સમે બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવી ઉભા હતા. તે બોલ્યા જે: સાખી –

“ભીમ ભડાકા કીન ઘોડીકે કાનમે, તબ ખીજે કરતાર આયે બહુ તાનમે,

લીન બંદુકડી હાથ પછાડી પાનમે, ભીમ નહી તેરા કામ ચલે જા રાનમે.”

મહારાજ કહે, “આવું હોય ત્યારે આવા કવિ પણ જોઈએ.” ને પછી મહારાજે ભીમને કહ્યું જે, “તારે સીમમાં રહેવું. અહીં આવવું નહીં.” ॥૫॥

એક વખત તાજણ ઘોડીની વછેરી માંદી થઈ હતી. પછી તેને ડામ દેવા માટે વૈદને બોલાવ્યો. વૈદે કહ્યું જે, “ઘોડીને દોરડા બાંધી હેઠી પાડો પછી ડામ દઉં.” મહારાજ અક્ષરઓરડીમાંથી એક ખેસભર આવી ઉભા રહ્યા. મહારાજે પૂછ્યું કે, “શું કરો છો?” સૌ કહે, “મહારાજ! આ વછેરીને ડામવી છે તે આડી પાડવી છે.” મહારાજ કહે, “જાતવંત ઘોડીને આડી પડાય નહી. લાવો, અમારી ખુરસી.” પછી પાર્ષદ ખુરસી લાવ્યા તે ઉપર મહારાજ વિરાજમાન થયા. પછી મહારાજ કહે, “હવે, માંડો ચોબા દેવા.” અને ઘોડીની વૃત્તિ શ્રીજીમહારાજે પોતામાં તાણી લીધી. એટલે મહારાજની મૂર્તિ સામી સ્થિર થઈ ઉભી રહી. પછી વૈદે જે ઠેકાણે રોગ હતો તે ઠેકાણે ચોબા દીધા. પછી મહારાજ બોલ્યા જે, “આવી જાતવંત ઘોડી પડે નહી.” તે જોઈ વૈદ બહુ જ આશ્ચર્ય પામ્યો અને પગે લાગ્યો. ॥૬॥

એક સમે શ્રીજીમહારાજ દરબારમાં વિરાજમાન હતા અને પરમાનંદસ્વામી મહારાજના દર્શને આવ્યા અને સ્વામીના શરીરે બહુ જ લુખસ થઈ હતી. તે જોઈ મહારાજ બોલ્યા જે, “મહાપુરુષ! શરીરે શું થયું છે?” સ્વામી કહે, “મહારાજ! લુખસ થઈ છે.” તે સાંભળી શ્રીજીમહારાજ રઘુવીરજી મહારાજના ઘેર પધાર્યા અને રઘુવીરજી મહારાજનું નામ લઈ બોલાવ્યા અને કહ્યું જે, “એક શેર ખીચડી કરો. તેમાં એક શેર ઘી સમાય તેવી કરો.” પછી ગાદીવાળાએ શેર ખીચડીમાં શેર ઘી નાખીને કરી અને રઘુવીરજી મહારાજ થાળીમાં લઈ શ્રીજીમહારાજ પાસે અક્ષરઓરડીમાં લાવ્યા પછી મહારાજ તેમાંથી બે ગ્રાસ જમ્યા અને પરમાનંદસ્વામીને મહારાજે કહ્યું જે, “મહાપુરુષ! લ્યો તેજાના.” પછી પરમાનંદસ્વામી થાળી લઈ મહારાજની પ્રસાદીની ખીચડી અક્ષરઓરડીનાં ફળીઆમાં બેસી બધી જમી ગયા પણ પાણી પીવાનું સાધન કાંઈ નહી. તેથી રાતે સુઈ રહ્યા અને રાતના બાર વાગ્યા એટલે પોતાને બહુ જ તૃષા લાગી તેથી મુળજી બ્રહ્મચારીને જગાડીને કહ્યું જે, “બ્રહ્મચારી! મને પાણી પાઓ, બહુ જ તૃષા લાગી છે.” બ્રહ્મચારી કહે, “તેજાના ઉપર પાણી પીવાય નહી સૂઈ જાઓ છાનામાના.” પછી સ્વામી દરબારમાં સૂઈ ગયા અને શ્રીજીમહારાજ સવારે ચાર વાગે દાતણ કરવા બેઠા અને દાતણ કરી કોગળા કરતા હતા ત્યાં પરમાનંદસ્વામીએ જઈ ખોબો ધર્યો ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, “વળી અત્યારે આવ્યો છે.” મહારાજ કહે, “શું છે, બ્રહ્મચારી?” બ્રહ્મચારી કહે, “રાતે પાણી પીવા આવ્યો હતો ને વળી અત્યારે આવ્યો.” મહારાજ કહે, “પાયું હતું કે નહીં?” બ્રહ્મચારી કહે, “તેજાના ઉપર પાણી પીવાય?” મહારાજ કહે, “બ્રહ્મચારી! તેજાનો શું?” બ્રહ્મચારી કહે, “મારી બલા જાણે શું તેજાનો?” પછી મહારાજને દાતણ કરતાં અડધી તાંબડી પાણી વધ્યું હતું તે પરમાનંદસ્વામીને પાયું. પછી મહારાજ બોલ્યા જે, “આને તેજાનાની ખબર નથી અને પાણી પીવાય કે ન પીવાય તે ખબર નથી.” એમ કહીને મહારાજે કહ્યું જે, “તૃષાએથી સાધુ મરત ને સ્વામીનું શરીર સોના જેવું રોગ રહિત થયું.” ॥૭॥

એક વખત જોધો ભરવાડ ગાયું દોહતો હતો અને કીર્તન બોલતો જે “કાનુડો રે કાનુડો રે” તે સમે મહારાજ અક્ષરઓરડીમાંથી દરબારમાં પધાર્યા અને પૂછ્યું જે, “કયો કાનુડો?” ત્યારે જોધે દુધની સેડ્ય મહારાજ સામી ઉડાડી અને કહ્યું જે, “ચાલ્યો જાય તે જ કાનુડો છે.” એમ કહીને મહારાજને તાંસળી ભરીને દૂધ આપ્યું ને કહ્યું જે, “મહારાજ! આ દૂધ ગાળીને લાવ્યો છું. પાન કરો.’ પછી મહારાજ દરબારમાં ઉભા ઉભા દૂધનું પાન કરીને અક્ષરઓરડીમાં પધાર્યા. ॥૮॥

શ્રીજીમહારાજ દરબારમાં વિરાજમાન હતા અને ગામ રોઝકાનો કરણો ગઢવી મહારાજના દર્શને આવ્યો હતો. તેની સાથે તેની માતુશ્રી પણ દર્શને આવેલા. તેને પોતે મારગમાં સમજાવેલા જે, “મા! સ્વામિનારાયણ ભગવાન છે. તે તને બોલાવે કે ન બોલાવે પણ કાંઈ બોલીશ નહી.” ડોશી કહે, “બાપ! દીકરા! હું કાંઈ નહી બોલું.” પછી દરબારમાં આવી મહારાજને પગે લાગી તોપણ મહારાજે સામું જોયું નહી. ત્યારે ડોશી બોલી જે, “તમે મારી વૃદ્ધતા સામું શેનાં જુઓ?” એમ ડોશી બોલી એટલે કરણો સભામાં બોલ્યો જે, “ભુંકી ગધાડી ભુંકી ગધાડી. હું ગધાડીને સમજાવતો કે તું કાંઈ બોલીશ નહી.” પછી મહારાજ કહે, “ખરો કરણો, તેની માને ગધાડી કહી.” એમ હસીને બોલ્યા. ॥૯॥

એક ગામ અવીધ્ધાનો અવિચળ કરીને હરિભક્ત તે ગઢડે મહારાજના દર્શને આવ્યો. મહારાજ સભા કરીને ઉગમણા બારના ઓરડે વિરાજમાન હતા. પછી દંડવત કરીને મહારાજને એક રૂપિયો ભેટ મેલી. એટલે મહારાજ પડખું ફરી ગયા પછી તે રૂપિયો લઈને ડાબે પડખે મૂક્યો. પાછા વળી મહારાજ આમ ફરીને બેઠા. પછી તેનો તે રૂપિયો વળી મહારાજ પાસે મેલ્યો. એમ પાંચ સાતવાર મહારાજ પાસે એકનો એક રૂપિયો મેલ્યો પણ મહારાજે સામું જોયું નહી ત્યારે અવિચળ બોલ્યો જે, “મહારાજ! રૂપિયા સામું કેમ જોતા નથી? સો હાથ ખોદીયે તો પાણીને પાણો બે જ નીસરે પણ રૂપિયો નીસરે નહી એવો રૂપિયો મોંઘો છે.” મહારાજ કહે, “તારી પાસે રૂપિયાનો મહિમા કહેવરાવવો હતો.” પછી મહારાજે રાજી થઈને તેની ભેટ લીધી. ॥૧૦॥

એક વખત સાતપડાના ભગોભગત કરીને કોળી હરિભક્ત હતા અને તે મહારાજના દર્શને અક્ષરઓરડીયે જતા હતા. તે વખતે પાર્ષદ આંબલી હેઠે ગાર ખુંદતા હતા. તેણે ભગાભગતને કહ્યું જે, “ભગત! ક્યાં જાઓ છો?” ભગત કહે, “મહારાજના દર્શને જાઉં છું.” પાર્ષદ કહે, “ગારો ખુંદાવો, હમણા મહારાજ અહીં નીસરશે. પછી ભગાભગત ગાર ખુંદતા હતા અને મહારાજ એક પીતાંબર પહેરીને ને એક ઓઢીને ચાખડીયું પહેરીને જમવા પધારતા હતા. તે વખતે પાર્ષદે કહ્યું જે, “ભગાભગત! મહારાજ જાય.” ભગત એકદમ ગારાળા હાથે દોડી મહારાજના ચરણારવિંદે વાઝ્યો. એટલે પાર્ષદ સૌ કહેવા મંડ્યા જે, “ભગાભગત! મહારાજના ચરણારવિંદ મેલી દ્યો.” ભગત વિચારમાં પડ્યો જે, “ચરણારવિંદ એટલે શું? તે સમે બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને બોલ્યા જે, “એલા ભગલા? મેલી દે મહારાજનો ટાંગો. ત્યારે ભગો ભગત કહે, “લ્યો, સ્વામી!” ત્યારે ભગત સમજ્યા કે, ચરણારવિંદ એટલે ટાંગો કહેવાય. પછી મહારાજ જમવા પધાર્યા ત્યારે લાડુબાઈએ પૂછ્યું જે, “આવો કોણ પ્રેમી ભગત મળ્યો જે ગારે પુજા કરી.” મહારાજ કહે, “એવાય ભગત મળે. પછી ઉનું પાણી લઈ મહારાજના ચરણારવિંદ ધોયા. પછી મહારાજ બાજોઠ ઉપર જમવા માટે વિરાજમાન થયા. ॥૧૧॥

એક વખત ભગોભગત મહારાજના દર્શને આવ્યા હતા અને તે સમયે મહારાજ દીશાએ ગયા હતા. ત્યારે પાર્ષદે કહ્યું જે, “ભગાભગત! મહારાજ દીશાએ ગયા છે, માટે અહીંયા બેસો.” ભગોભગત હાથ જોડીને બોલ્યા જે “મેં દીશાના દર્શન કર્યાં નથી માટે મને જવા દ્યો.” પાર્ષદ કહે, “ત્યાં જવાય નહી.” પછી મહારાજ દીશાએ જઈને આવ્યા એટલે ભગાભગતને ખબર પડી જે દીશા એટલે કળશે જવાનું. પછી ભગા ભગતે મહારાજના દર્શન કર્યા. ॥૧૨॥

એક સમે મહારાજ સંધ્યા આરતીમાં સંત ભેગા આરતી કરતા હતા અને બ્રહ્માનંદ સ્વામી તથા સુરતના મુનિબાવો આથમણાબારની ઓરડીની જેરે ઊભા હતા અને સંત જ્યારે આરતી કરી રહ્યા ત્યારે મહારાજે મુનિબાવાને પૂછ્યું જે, “અહીંયાં કેમ ઊભા છો?” મુનિબાવો કહે, “મહારાજ! ગરમી બહોત થાતી હે તેથી અહીં ઉભો છું.” પછી મહારાજ સભામાં વિરાજમાન થયા ત્યારે સભામાં જઈ મુનિબાવો બેઠા. ॥૧૩॥

એક વખત સંત રાસ રમતા હતા ને મહારાજ પણ ભેળા રાસ રમતા હતા. તે સંત જ્યારે ગાતા ગાતા બેસી જાય ત્યારે મહારાજ ઉભા થાય અને સંત જ્યારે ઉભા થાય ત્યારે મહારાજ બેસી જાય. તે જોઈ મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, “મહારાજ આમ કેમ કરે છે?” પછી સભા થઈ ત્યારે સ્વામીએ મહારાજને પૂછ્યું જે, “મુનીબાવાને સંશય થયો છે જે ગરબી લેતા સંત ઉભા થાય ત્યારે તમે બેસતા હતા અને સંત બેસતા ત્યારે તમે ઊભા થાતા તે શું?” મહારાજ કહે, “કોઈને નરસિંહ મહેતાનું પદ આવડે છે?” ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, “મહારાજ! મને આવડે છે.” મહારાજ કહે, “બોલો છેલ્લું પદ.” પછી મુક્તાનંદ સ્વામી પદ બોલ્યા જે,

“બેઠા બેઠા ગાય ત્યારે હું ઉભા ઉભા સાંભળું

અને

ઉભલાંને ગાય ત્યારે નાચું કહે નરસૈયો તે પદ સાચું”

મહારાજ કહે, “જ્યારે તમે બેઠા બેઠા ગાતા હતા ત્યારે હું ઉભો ઉભો સાંભળતો હતો અને જ્યારે ઉભા ઉભા ગાતા હતા ત્યારે નાચતો હતો.” પછી મુનિબાવો હાથ જોડીને મહારાજને પગે લાગ્યા જે, “મહારાજ! તમે ખરું કહ્યું.” ॥૧૪॥

એક વખત ચોમાસું હતું અને ઘેલા નદીમાં પાણી બે કાંઠે ચાલ્યું જતું હતું અને એભલખાચરને સામે કાંઠે નીલકંઠ મહાદેવ છે તેના દર્શન કરવાનું નિયમ હતું. પણ સાંજ સુધી પાણી ઉતર્યું નહી એટલે એભલખાચરે શંકરના દર્શન કર્યા વગર ખાધું નહી. પછી સાંજ વખતે મોટીબા મહારાજ પાસે અક્ષરઓરડીમાં ગયાં અને મહારાજને કહ્યું જે, “મહારાજ! મારા બાપુ જમ્યા નથી અને ડોલાં ખાય છે.” મહારાજ કહે, “બોલાવો આહીં.” પછી મહારાજ ઉગમણાબારના ઓરડાની ઓસરીયે વિરાજમાન થયા. અને એભલખાચરને બોલાવ્યા ને મહારાજે પૂછ્યું જે, “એભલખાચર! આજ કેમ નથી જમ્યા?” એભલખાચર કહે, “મહારાજ! શંકરના દર્શનનું નિયમ છે એટલે દર્શન કર્યા વગર જમાય નહી.” પછી મહારાજે આથમણાબારના ઓરડા તથા ઉગમણાબારના ઓરડા તથા ઉત્તરાદાબારના ઓરડા તથા દક્ષિણાદાબારના ઓરડામાં બધા ઓરડાની ઓસરીની કોરે સૌ શંકરના સ્વરુપ દેખાડ્યાં અને મહારાજે એભલખાચરને કહ્યું જે, “એભલખાચર! આમાં ક્યા તમારા ગુરુ? કરો દર્શન.” એમ જ્યારે કહ્યું ત્યાં તો સૌ હાથમાં ડાક તથા ડમરુ લઈને વગાડતા હતા. તે જોઈ એભલખાચર વિચારમાં પડ્યા જે, “આમાં મારા ગુરુ ક્યા? સૌનાં સરખાં સ્વરૂપ છે.” પછી તે સૌ શિવના સ્વરૂપ સચ્ચિદાનંદસ્વામીમાં લીન થયા. ત્યારે એભલખાચરને એમ નિશ્ચય થયો જે મહારાજથી કોઈ મોટું નથી. માટે આજથી મહારાજનાં દર્શન કર્યા વગર જમવું નહી. ॥૧૫॥

એક વખત બોટાદના હરિજન સંતને રસોઈ દેવા આવ્યા હતા અને ખાંડના લાડુની રસોઈ હતી. પછી દરબારમાં સંતની પંક્તિ થઈ તે સમયે મહારાજ સૌને પીરસતા હતા. બોટાદના બ્રાહ્મણ લિંબડા નીચે દર્શન કરવા માટે ઉભા હતા તે મહારાજ સૌને પીરસતા એટલે બ્રાહ્મણ લાડવાની ગણતરી કરતા હતા જે, આ સંત આટલા લાડુ જમ્યા. એમ એક-બીજા વાતુ કરતા હતા. તે સમે મહારાજ બોલ્યા જે, “બ્રાહ્મણો! શું વાતો કરો છો? આ તો અષ્ટ આવરણને ભેદી જાય તેવા છે.” એટલે બ્રાહ્મણ સૌ હસવા મંડ્યા અને મહારાજે ખૂબ સંતોને જમાડી હાથ પગ ધોયા ને ઉતારે પધાર્યા. ॥૧૬॥

એક વખત બોટાદના અદોશેઠ ગઢડામાં રસોઈ દેવા આવ્યા હતા અને મહારાજને કહ્યું જે, “મહારાજ! મારે મોતીયાની રસોઈ દેવી છે પણ પાર્ષદ નહી એકલા સંત જમે.” મહારાજ કહે, “શેઠ! મંદિરનું કામ ચાલે છે અને પાર્ષદની હા પાડો.” શેઠ કહે, “ના! મહારાજ! મારે એકલા સંતને જમાડવા છે.” પછી મહારાજે મોતીયાની રસોઈ કરાવી અને સંતની પંક્તિ દરબારમાં કરી. ત્યારે અદા શેઠે સંતને ખૂબ જમાડ્યા ને સંતને પિરસવા મહારાજને બે હાથ જોડીને વિનંતી કરી. પછી મહારાજે સંતને ખૂબ જમાડ્યા અને છેલ્લી બાકી પીરસ્યું ને સંતના પતર ભરી દીધા અને સંત ખૂબ જમીને તૃપ્ત થયા પછી જેટલી સંતની પ્રસાદી વધી હતી તેના બે તપેલાં મોટાં ભરાવ્યાં. પછી મહારાજે શેઠને કહ્યું જે, “શેઠ! આ વધ્યું તેનું શું કરવું?” શેઠ કહે, “મહારાજ! અમારે તો કામ ન આવે.” ત્યારે મહારાજ કહે જે, “સાધુના હોય તે સાધુની પ્રસાદી ખાય.” પછી મહારાજે પાર્ષદને આજ્ઞા કરી એટલે પાર્ષદ પોતાને ઉતારે તપેલાં ઉપાડી ગયા અને બે દિવસ સુધી જમ્યા. ॥૧૭॥

અહીંયા મંદિરનું કામ ચાલતું હતું અને વેળાવદરનો રુડોભાઈ રસોઈ દેવા આવ્યા હતા. તેને મહારાજે કહ્યું જે, “રુડા! તારું ધાર્યું કરવું છે કે મારું?” રુડોભાઈ કહે, “મહારાજ! તમારું ધાર્યું કરવું છે.” મહારાજ કહે, “કેટલા રૂપિયાની રસોઈ દેવી છે?” રુડોભાઈ કહે, “મહારાજ! સો રૂપિયા લાવ્યો છું.” મહારાજ કહે, “પચાસના અડદ લાવ્ય અને પચાસના ઘઉં લાવ્ય. તે પહોંચે ત્યાં સુધી તારી રસોઈ.” પછી પચાસના અડદ લાવ્યા ને પચાસ રૂપિયાના ઘઉં લાવ્યા ને મહારાજ પાસે ભેટ કર્યા. પછી મહારાજ બહુ રાજી થયા, પછી મહારાજે મળીને છાતીમાં ચરણારવિંદ દીધા. ॥૧૮॥

ગામ કારીયાણીના હરિભક્ત રસોઈ દેવા આવ્યા હતા અને તેની સાથે એક બ્રાહ્મણ હતો. અને મંદિરનું કામ ચાલતું હતું. પછી હરિભક્તોએ મહારાજને કહ્યું જે, “મહારાજ! અમારે મોતીયા લાડવા ને જલેબીની રસોઈ દેવી છે.” મહારાજ કહે, “ભક્તો! મંદિરનું કામ ચાલે છે એટલે કોઈ નવરા નથી અને ખાંડના લાડુની રસોઈ કરાવો.” બ્રાહ્મણ કહે, “ના, મહારાજ! તમારે સંકલ્પમાત્રમાં રસોઈ થાય.” મહારાજ કહે, “દેવ! અત્યારે મોતીયા જલેબીની થાય તેમ નથી.” તો પણ બ્રાહ્મણો તથા સૌ હરિજનોએ માન્યું નહીં. ત્યાર પછી મહારાજે યુક્તિ કરીને સૌને સભામાં બોલાવ્યા. મહારાજ કહે, “તમારી પાસે રૂપિયા હોય તે મારી ગાદી ઉપર મુકો.” પછી રસોઈના રૂપિયા બધા મહારાજ પાસે મૂક્યા. પછી મહારાજ કહે, “સૌ સૌના હોય તે લઈ લ્યો.” પછી સૌએ પોતપોતાના રૂપિયા લઈ લીધા અને એક અડધો બાકી રહ્યો તેને જોઈ મહારાજ બોલ્યા જે, “આ અડધો કોનો છે?” બ્રાહ્મણ કહે, “મહારાજ! મારો છે.” મહારાજ કહે, “દેવ! તમારો અર્ધો લઈ લ્યો.” પછી મહારાજ હરિભક્તોને કહે, “તમારે શું કરવું છે?” હરિભક્ત કહે, “મહારાજ! જેમ તમે રાજી થાઓ તેમ કરવું છે.” પછી મહારાજે ખાંડના લાડુની રસોઈ કરાવી અને બ્રાહ્મણને કહ્યું જે, “તમે હવે મોતીયા જલેબીની રસોઈ કરાવો.” પછી બ્રાહ્મણ શરમાઈ ગયો અને ખાંડના લાડુની રસોઈ કરાવીને મહારાજે સંતને જમાડ્યા. ॥૧૯॥

ગામ બાંધણીના દાજીભાઈ રસોઈ દેવા આવ્યા હતા અને મહારાજે પૂછ્યું જે, “હું કહું તેવું કરવું છે કે તમારું ધાર્યું કરવું છે?” દાજીભાઈ કહે, “મહારાજ! તમે રાજી થાઓ તેમ કરવું છે.” મહારાજ કહે, “કેટલા રૂપિયા છે?” દાજીભાઈ કહે, “મહારાજ! સવાસો રૂપિયા વાપરવા છે.” મહારાજ કહે, “મંદિરનું કામ ચાલે છે તે અડધાના એટલે પચાસ રૂપિયાના અડદ લાવો અને પોણોસો રૂપિયાના ઘઉં લાવો.” પછી તે પ્રમાણે લાવી મહારાજને ભેટ કરી અને મહારાજ બહુ જ રાજી થયા. એને મહારાજે કહ્યું જે, “આ દાણો પહોંચે ત્યાં સુધી તમારી રસોઈ. પછી મહારાજને પગે લાગી પોતાને ગામ ગયા. ॥૨૦॥

એક વખત લાડુની રસોઈ હતી અને સંતની પંક્તિ કરાવી દરબારમાં શ્રીજીમહારાજ સંતને પીરસતા હતા. પછી છેલ્લી બાકી શ્રીજીમહારાજ સંતની પંક્તિમાં લાડુ ફેરવતા હતા. ત્યારે સત્વાનંદ સ્વામી બોલ્યા જે, “નહી, મહારાજ! હું માંદો છું.” મહારાજ કહે, “બાવીશ લાડવા જમી ગયો અને કહે છે હું માંદો છું. તે સાજો હોય તો કેટલા જમે?” એમ કહી મહારાજ હસ્યા. ॥૨૧॥

એક વખત મોતીયા જલેબીની રસોઈ મોટીબાએ કરાવી હતી અને સંતની પંક્તિ દરબારમાં જમવા બેઠી હતી અને મહારાજ મોતીયા જલેબી પીરસતા હતા. તે સમે રામાનંદ સ્વામી સંતને વેષે આવી લીંબડા તળે ઉભા રહ્યા અને શ્રીજીમહારાજ મોતીયા જલેબીનો ટોપલો લઈ પીરસતા પીરસતા આવ્યા. તે વખતે મહારાજે હિંદુસ્તાની બોલીમાં રામાનંદ સ્વામીને કહ્યું જે, “લ્યો, મહાપુરુષ! ચઈતા હે?” તુરત રામાનંદ સ્વામીએ પોતા પાસે રૂમાલ હતો તે પાથર્યો અને મહારાજે મોતીયા જલેબીનો ટોપલો ઠલવ્યો તે લઈ મહારાજને પગે લાગી ચાલતા થયા. તે સમે એક વાણીયો છોકરાને તેડીને દરબારમાં ઉભો હતો. તે મહારાજને ભાળીને વાણીયો છોકરાને કહે જે, “રો માં, મહારાજ આવીને હમણા તને લાડવા આપશે.” મહારાજ કહે, “લે મારો અંગુઠો.” એમ કહી મહારાજે અંગુઠો દેખાડ્યો. મહારાજ કહે, “હું મારા છોકરાને જમાડું છું તું તારા છોકરાને જમાડ,” ને એમ કહી મહારાજ ચાલ્યા ગયા અને વાણીયો શરમાઈ ચાલ્યો ગયો. ॥૨૨॥

એક વખત માલપુડાની રસોઈ હતી અને દરબારમાં સંતની પંક્તિમાં મહારાજ માલપુડા પીરસતા હતા. પછી બ્રહ્માનંદ સ્વામીને તાણ કરવા મંડ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામી પોતાનું પતર પેટ આડું નાખીને આડા પડ્યા. પછી મહારાજે માલપુડાનો ખડકલો લઈ સ્વામીના માથા ઉપર મેલ્યો. પછી સ્વામી માલપુડા પોતાના માથેથી એક હાથે લઈ જમવા મંડ્યા. તે જોઈ સૌ સંત હસવા મંડ્યા જે, જો ને સ્વામી કેવી રમુજ કરે છે! ॥૨૩॥

એક વખત દુધપાકની રસોઈ હતી અને સંતની પંક્તિમાં મહારાજ દુધપાક પીરસતા હતા. પછી બ્રહ્માનંદ સ્વામીને મહારાજ તાણ કરવા મંડ્યા પણ સ્વામીએ દુધપાક લીધો નહી. પછી મહારાજે દુધની તાંબડી લઈ સ્વામીને માથે ધાર કરી. તે સમે સ્વામી કીર્તન બોલ્યા જે,

‘લઈ દહીં, દૂધના ગાડવારે, માથડે ઢોળે માવ,

ઘેલા થઈને ગોવાલીયારે, ખૂબ કરી ખ્યાલ.’

એ કીર્તન સ્વામી જમતા જમતા બોલ્યા. પછી મહારાજ દૂધનું માટલું લેવા ગયા ત્યારે લાડુબાઈએ માટલાનો કાંઠો ઝાલ્યો અને બોલ્યા જે, “કાંઈ ઢોળવા માટે નથી ભેગું કર્યું.” પછી એક કાંઠો મહારાજના હાથમાં ને એક કાંઠો લાડુબાના હાથમાં એમ ખેચાતાણ કરી એટલે માટલું ફુટી ગયું અને મહારાજ બીજું માટલું લઈ સંતને પીરસવા આવ્યા. તે લીલા બ્રહ્માનંદ સ્વામીએ જોઈ અને કીર્તન કર્યું જે, ‘એક સમે હરિ વનમાં, ઉભા વેણ વાયરે, લઈ મટુકી ગોપીકા, મહી વેચવાને જાયરે.’ ને તે પછી નામાચરણમાં સ્વામી બોલ્યા જે, “એ લીલાની વાત બ્રહ્માનંદ જાણે રે.” ॥૨૪॥

અહીંયાં ગોપીનાથજી મહારાજનું મંદિર ચણાતું હતું અને કડીયાના પગાર પણ ચડ્યા હતા અને મહારાજને મંદવાડ પણ હતો. તે સમે ગામ ખોલડીયાદના રજપુત ખેંગાર ભકત મહારાજના દર્શને આવ્યા અને મહારાજને અક્ષરઓરડીમાં દંડવત કરી પગે લાગ્યા અને મહારાજે બધા સમાચાર પૂછ્યા. પછી મહારાજે કહ્યું જે, “ખેંગાર ભગત! તમારો વહેવાર કેવો છે?” ખેંગાર ભગત કહે, “મહારાજ! મારો વહેવાર બહુ સારો છે.” પછી મહારાજ લઘુશંકા કરવા પધાર્યા. તે સમે શુકસ્વામી અક્ષરઓરડીમાં પુસ્તક લખતા હતા, તેમને ખેંગાર ભક્તે પૂછ્યું જે, “સ્વામી! મહારાજ મને ઘડીયે ઘડીયે પૂછે જે, ‘તમારા વહેવાર કેવા છે?’ તે મહારાજને કાંઈ કામ છે?” સ્વામી કહે, “હા કડીયાનો પગાર ચઢ્યો છે તે દેવાને માટે રૂપિયા જોઈએ છીએ.” ભગત કહે, “એમાં શું? લ્યો, હું લઈને આવું અને રસોઈ દેવા હું અહીં આવ્યો છું.” પછી શ્રીજીમહારાજ લઘુશંકા કરીને આવ્યા ત્યારે ખેંગાર ભગત બોલ્યા જે, “મહારાજ! મારો વહેવાર બહુ સારો છે. કાંઈ સેવા હોય તો કહો.” મહારાજ કહે, “ખેંગાર ભગત! કડીયાના પગારના રૂપિયા ત્રણસો જોઈએ છીએ.” ભગત કહે, “લ્યો, મહારાજ! લાવી દઉં.” એમ કહી લાધા ઠકકર પાસે ગયા અને કહ્યું જે, “મારે પાંચસો રૂપિયા જોઈએ છીએ.” લાધા ઠાકર કહે, “હમણાં નાણાની ભીડ બહુ જ છે.” પછી પોતે બજારમાં ચાલ્યા જતા હતા ત્યાં પોતાનો સગો ભાઈ ગરાસીયો દરબારની તીજોરીનો ઉપરી હતો, તે ભેળો થયો, એણે પૂછ્યું જે, “ખેંગાર ભગત! તમે કેવા?” ભગત કહે, “હું મહારાજના દર્શને આવ્યો છું, પણ મારે તમારા જેવાનું કામ છે? પાંચસો રૂપિયા જોઈએ છે.” ગરાસીયો કહે, “ચાલો, મારી સાથે આપું.” પછી તીજોરીમાંથી રૂપિયા પાંચસો લઈ મહારાજ પાસે આવીને મૂક્યા અને મહારાજને કહ્યું જે, “આ ત્રણસો રૂપિયા તમારા કડીયાના પગારના અને સો રૂપિયા તમે માંદા છો તે તમારા ઔષધ માટે અને આ સો રૂપિયા સંતને રસોઈના.” મહારાજ કહે, “ખેંગાર ભગત! આ તમે ત્રણસો રૂપિયા આપ્યા તે તમારી લાખો રસોઈ થઈ રહી. ભગત કહે, “નહી, મહારાજ! સંતને લાડુ કરીને જમાડો.” પછી લાડુ કરીને સંતની પંક્તિ દરબારમાં જમવા માટે કરી. તે સમે શ્રીજીમહારાજને ખુરશી નાખીને બિરાજમાન કર્યા અને મહારાજે મુક્તાનંદ સ્વામીને સંતને પીરસવાની આજ્ઞા કરી. પછી સ્વામી સંતને પીરસી મહારાજ પાસે આવી બેઠા. તે સમે એક ચંદનનો મોટો વાટકો ભરીને લાવ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “ખેંગારભાઈ! મહારાજ માંદા જેવા છે, તે ચંદન શરીરે વસમું લાગશે, માટે ચરણારવિંદને અંગુઠે પુજા કરો.” તે સાંભળી મહારાજ બોલ્યા જે, “સ્વામી! આ ચંદન વસમા લાગે તેવા નથી. માટે આખા શરીરે ચંદન ચરચો.” પછી મહારાજે ચોફાળ ઓઢ્યો હતો તે કોરે મેલીને આખા શરીરે ચંદન ચરચાવ્યું અને ખેંગાર ભગતે આરતી ઉતારી. પછી મહારાજ બાથમાં ઘાલી ચંદન સોતા મળ્યા અને ખેંગાર ભગત ઉપર બહુ જ રાજી થયા. આ વાર્તા ખેંગાર ભગતે પંડે દરબાર વચ્ચે ઉભા રહીને કરી હતી. ॥૨૫॥

ગામ ઝીંઝુડાના આંબો શેઠ ગઢપુર રસોઈ દેવા આવ્યા હતા, પણ પોતા પાસે રૂપિયા થોડા હતા તેથી લક્ષ્મીરામ દેરાશ્રીએ કહ્યું જે, “મને રસોઈમાં ભાગ આપો એટલે આપણે બન્ને જણ ભેળી રસોઈ કરાવીએ.” ત્યારે આંબો શેઠ બોલ્યા જે, “તું મને અક્ષરધામનો ભાગ ન આપે, માટે હું એકલો રસોઈ કરાવીશ.” ત્યારે લક્ષ્મીરામ કહે, “હું તમને લેખ કરી આપું જે, ‘અક્ષરધામમાં ઉત્તમમાં ઉત્તમ ભાગ છે તે મોદી આંબાનો છે અને ઉતરતામાં ઉતરતો ભાગ દેરાશ્રી લક્ષ્મીરામ શંભુરામનો છે.’ એમ લેખ કરી બન્ને જણે ભેગા થઈ રસોઈ આપી અને સાંજે સભા થઈ અને શ્રીજીમહારાજ ઢોલીયા ઉપર વિરાજમાન હતા. પછી મહારાજની આરતી ઉતારીને પુજા કરી અને સંતની પણ પુજા કરી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, “મહારાજ! આ રસોઈ બહુ દાખડાની છે.” મહારાજ કહે, “કેમ?” સ્વામી કહે, “આનો તો લેખ થયો છે.” ત્યારે કોઈકે કહ્યું જે, “આંબા શેઠ! મરશો ત્યારે લેખ તો આહીંને અહીં રહેશે.” પછી આંબો શેઠ વિચારમાં પડ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “આંબાભાઈ! લેખ મહારાજના હાથમાં દ્યો, એટલે અક્ષરધામમાં પહોંચી રહ્યો.” પછી લેખ લઈને શ્રીજીમહારાજના હાથમાં આપ્યો. મહારાજે કહ્યું જે, “જાઓ, તમારો લેખ અક્ષરધામમાં પહોંચી રહ્યો.” ॥૨૬॥

દક્ષિણાદાબારના ઓરડામાં દાણાની કોઠીયું ફેરવવી હતી. અને ગામ ખોપાળાનો જેઠો માણીયો કરીને કણબી હરિભક્ત હતો તે કોઠી ફેરવતો હતો. ત્યાં શ્રીજીમહારાજ પધાર્યા અને મહારાજે મુળજી બ્રહ્મચારીને કહ્યું જે, “આને ખવરાવો.” પછી બ્રહ્મચારીએ ચુરમાના મોટા ચાર લાડુ લાવીને આપ્યા. તે ઉભો ઉભો જમી ગયો ને પાછો કોઠી ફેરવવા મંડ્યો. ॥૨૭॥

ગોપીનાથજી મહારાજના મંદિરનો પાયો નાખવો હતો. પછી મહારાજે સૌ હરિભક્તોને સભા કરીને કહ્યું જે, “મંદિર કરવું છે માટે સૌની શ્રદ્ધા પ્રમાણે સેવામાં ગાડું તથા બળદીયા વિગેરે આપવાના છે.” પછી સૌ સૌની શ્રદ્ધા પ્રમાણે બોલ્યા અને ખોપાળા ગામના જેઠા માણીયાએ મહારાજને કહ્યું જે, “મહારાજ! ગાડુ, બળદીયા ને હું. એ ત્રણે વાનાં મંદિર થાય ત્યાં સુધી કૃષ્ણાર્પણ.” તે સાંભળી મહારાજ બહુ જ રાજી થયા. ॥૨૮॥

અને તે સભામાં ગામ જમરાળાના જીવો દવે બેઠા હતા. તેણે મહારાજને હાથ જોડીને કહ્યું જે, “મહારાજ! ગાડું, બળદ ને ગંગારામ; એ ત્રણે જ્યાં સુધી મંદિર થાય ત્યાં સુધી કૃષ્ણાર્પણ.” તે સાંભળી મહારાજ બહુ જ રાજી થયા ને જીવા દવેનો વાંસો થાબડી છાતીમાં ચરણારવિંદ આપ્યા. ॥૨૯॥

અને પછી દાદાખાચર બોલ્યા જે, “મહારાજ! મારે જેટલા જુત છે અને મારા જેટલા ભાગીયા છે તે સર્વે જ્યાં સુધી મંદિરનું કામ પુરું થાય ત્યાં સુધી તમારી સેવામાં કૃષ્ણાર્પણ છે.” પછી મહારાજે પ્રસન્ન થઈને કહ્યું જે, “ધન્ય છે તમને.” એમ સૌ સાંભળતાં શ્રીજીમહારાજે દાદાખાચરની પ્રશંસા કરી. ॥૩૦॥

અહીં મંદિરનું કામ ચાલતું હતું અને કડીયા મંદિર ઉપર કામ કરતા હતા અને ધર્મસ્વરુપાનંદ બ્રહ્મચારી નીચે બધો સુધારો કરતા હતા તે ઉઘાડે શરીરે હતા. તેથી તેમના શરીર ઉપર, ઉપરથી ચુનો પડેલ. તે સમે શ્રીજીમહારાજ કામ જોવા માટે પધાર્યા અને ધર્મસ્વરુપાનંદના વાંસા ઉપર ચુનો જોઈ મહારાજ બોલ્યા જે, “ઋષીના વાંસા ઉપર ચુનો પડ્યો છે.” એમ કહી મહારાજે પોતાના હાથેથી તેમના વાંસા ઉપરથી ચુનો ખંખેરી નાખ્યો. ॥૩૧॥

એક વખત ગામ બોટાદના ભવાનભાઈ ગઢડા મહારાજના દર્શને આવ્યા હતા. તે સમે મહારાજ જમીને ઉત્તરાદાબારના ઓરડાની ઓસરીયે હાથમાં રૂમાલ લઈ ટેલતા હતા. ત્યાં આવી ભવાનભાઈ વિગેરે સૌ હરિજન મહારાજને દંડવત કરી પગે લાગ્યા. ત્યારે મહારાજ બોલ્યા જે, “કામદાર! ચાલશો?” કામદાર કહે, “હા, મહારાજ! તમારી રજા લેવા માટે આવ્યો છું.” મહારાજ કહે, “તમો વિદુરનીતિ તથા ધીર્માખ્યાન; એ બે ગ્રંથ ભણજો.” પછી કામદારે હાથ જોડીને કહ્યું જે, “મહારાજ! જેમ આપની આજ્ઞા છે તેમ કરીશ.” પછી મહારાજની રજા લઈ પોતાને ઘરે ગયા. ॥૩૨॥

અહીંયાં મંદિરનું કામ થતું હતું અને પથ્થરનાં ગાડાં આવ્યાં હતાં. તે સમે એક સંત માળા ફેરવવા બેઠા હતા અને મહારાજ ઉત્તરાદાબારના ઓરડાની ઓસરી ઉપર કડાનું દોરડું ઝાલીને ઉભા હતા. તે સમે મહારાજ બોલ્યા જે, “મહાપુરુષ! લાકડા શું તાણો છો લાકડાં? પથ્થર ઉતરાવો પથ્થર.” પછી સંત માળા ફેરવવી પડી મૂકીને પથ્થર ઉતરાવવા ગયા. કેમ કે તે સમે શ્રીજીમહારાજ સેવાથી ઘણા જ પ્રસન્ન થતા હતા. ॥૩૩॥

એક વખત મહારાજે સભામાં સૌ સંતને પૂછ્યું જે, “તમો કેટલી માળા ફેરવો છો?” કેટલાકે કહ્યું જે, “મહારાજ! હું પાંચસો ફેરવું છું,” કોઈ કહે, “હું હજાર ફેરવું છું.” મહારાજ કહે, “શી રીતે ફેરવો છો?” કેટલાકે કહ્યું કે, “મહારાજ! માળા ફેરવવા માટે બેરખા રાખ્યા છે.” પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, “સ્વામી! તમો કેટલી માળા ફેરવો છો?” સ્વામી કહે, “મહારાજ! હું પચાસ માળા ફેરવું છું.” મહારાજ કહે, “શી રીતે?” સ્વામી કહે, “તમારા અંગ ધારીને. તેમાં જો બીજો સંકલ્પ થાય તે માળા ખોટી પડે.” મહારાજ કહે, “આની આગળ હજારે કાંઈ નહીં. ને પાંચસે એ કાંઈ નહીં.” પછી સૌ સંત સમજી ગયા કે, મહારાજના અંગ ધારીને માળા ફેરવવી. તે ઉપર મુક્તાનંદ સ્વામીએ કીર્તન કર્યા છે જે:

“ભજો ભાવ શું અખંડ જપ માળા રે,

માળા ટાળે છે મન કેરા ચાળા રે,

હરિનું એક એક અંગ ઉર ધારો રે” ॥૩૪॥

એક દિવસ સદ્‌ગુરુ બ્રહ્મચારી આનંદાનંદજી અક્ષરઓરડીમાં સવારમાં શ્રીજીમહારાજના દર્શને ગયા ત્યારે મહારાજે પૂછ્યું જે, “આનંદાનંદ બ્રહ્મચારી, ક્યાંથી આવો છો?” ત્યારે તેમણે કહ્યું જે, “સાધુની ધર્મશાળામાંથી આવું છું.” મહારાજ કહે, “મુક્તાનંદ સ્વામીને બોલાવી લાવો.” પછી આનંદાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને બોલાવવા ગયા. સ્વામીનો હાથ ઝાલી મુક્તાનંદ સ્વામી અક્ષરઓરડીમાં આવ્યા. સ્વામીને ગાદી તકીયો નંખાવી આપ્યો પછી તે ઉપર બેઠા. પછી મહારાજે પૂછ્યું જે, “સ્વામી! અમારે અનંત જીવનું કલ્યાણ કરવું તે શે થાય?” સ્વામી કહે, “મહારાજ! ભગવાન છો માટે તમે જાણો.” ત્યારે મહારાજ બોલ્યા જે, “અમારાં ભાવે તથા કભાવે જે દર્શન કરશે તેનું કલ્યાણ થાશે.” પછી મહારાજ કહે, “દત્ત તથા કપીલ તથા રામ તથા કૃષ્ણ કોઈ રહ્યા નહી તો અમે ક્યાં સુધી રહીશું? માટે તેના મળેલ હશે ને તેનું દર્શન કરશે તો તેનું કલ્યાણ.” એમ કહી મહારાજ બોલ્યા જે, “નારદ, શુકજી, હનુમાનજી કોઈ રહ્યાં નહીં તો અમારા મળેલ ક્યાં સુધી રહેશે? માટે તેના મળેલ હશે અને તેનું દર્શન કરશે તો તેનું કલ્યાણ. અમારા સત્સંગીને જમાડશે અને એનું અનાજ જમશે અને તેનાં દર્શન કરશે તેનું પણ કલ્યાણ. તેના ગોળાનું પાણી પીશે તો તેનું પણ કલ્યાણ થાશે.” એમ કહી મહારાજ બોલ્યા જે, “સ્વામી! આ દરબાર ઉપર થઈને જનાવર ઉડીને જાશે તો તેનું કલ્યાણ થશે.” પછી મહારાજ બોલ્યા જે, “સ્વામી! આ બાવળીયે શું પુણ્ય કર્યાં હશે? કે નિત્ય તેનું દાતણ અમારા ઉપયોગમાં આવે છે?” વળી મહારાજ બોલ્યા જે, “આ ગાયું તથા ભેંશુએ શાં પુણ્ય કર્યા હશે જે, તેનું દૂધ તથા દહીં તથા ઘી અમારા ઉપયોગમાં આવે છે?” એમ કહી મહારાજ બોલ્યા જે, “આ સર્વ પશુનું કલ્યાણ થાશે.” એમ મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે અક્ષરઓરડીમાં વાત કરી. ॥૩૫॥

એક વખત સવારમાં માઘ માસમાં શુક સ્વામી ઘેલે નાહીને શ્રીજીમહારાજ પાસે અક્ષરઓરડીમાં આવ્યા. સ્વામીની અવસ્થા નાની. વળી ઠંડે પાણીયે નાહીને આવ્યા તેથી ટાઢ બહુ જ ચડી હતી. તે જોઈ મહારાજે દાદાખાચરને પૂછ્યું જે, “દાદા! આ વળીયું શેણે જડી છે?” દાદાખાચર કહે, “મહારાજ! ખીલે જડી છે.” મહારાજ કહે, “આ વળીયું નીસરે નહી, નહીં તો વળીયું કાઢીને આ સાધુને તપાડું.” વળી મહારાજ બોલ્યા જે, “આ ખપાટ્યું નીસરે નહી, નહી તો આ સાધુ ને તપાડું.” તે સાંભળી દાદાખાચર દરબારમાં આવ્યા ને સુતારને બોલાવી એક મોટું લાકડું જુનું પડ્યું હતું તેના કટકા કરાવી અને એક મોટો ગોળો ફોડી તેમાં લાકડાનો તાપ કરી પોતે હાથે ઉપાડી મહારાજ પાસે અક્ષરઓરડીમાં લાવ્યા. તે જોઈ મહારાજ બોલ્યા જે, “દાદા! તે શાથી જાણ્યું?” દાદાખાચર કહે, “મહારાજ! તમે કહેતા હતા જે, આ વળીયું નીસરે નહી, નહી તો સાધુને તપાડું.” પછી શ્રીજીમહારાજ સગડીયે તાપવા બેઠા અને સદ્‌ગુરુ સૌ આવ્યા અને શ્રીજીમહારાજ દાદાખાચર ઉપર બહુ જ રાજી થયા. ॥૩૬॥

અને તે વખતે પીઠવડીથી હરિજન મહારાજના દર્શને આવ્યા હતા. તેમણે જાણ્યું જે, મહારાજ બળતણથી બહુ જ રાજી થાય છે માટે આપણે ઘેર જઈ બળતણનાં ગાડાં ભરી લાવીયે. પછી સૌ હરિજન મહારાજની રજા લઈ પીઠવડી ગયા અને ત્યાંથી લાકડાના પાંચ સાત ગાડાં ભરી ગઢડા આવ્યા અને દરબારમાં ગાડાં છોડ્યાં. તે જોઈ અક્ષરઓરડીમાં શ્રીજીમહારાજને કોઈકે ખબર કરી જે, “મહારાજ! લાકડાનાં ગાડાં આવ્યાં છે.” મહારાજ કહે, “શું વળીયું આવી?” વળી તે માણસે કહ્યું કે, “ના, મહારાજ! લાકડાનાં ગાડાં આવ્યાં છે.” મહારાજ કહે, “શું વાંસડા આવ્યા છે?” તેણે કહ્યું, “ના, મહારાજ! પીઠવડીથી લાકડાનાં ગાડાં આવ્યાં છે.” તે સાંભળી મહારાજ દરબારમાં પધાર્યા ને બહુ જ પ્રસન્ન થયા. પછી હરિજનને મહારાજ પોતાની સાથે અક્ષરઓરડીમાં લઈ ગયા અને મહારાજે કહ્યું જે, “ભગા! મુળા! માયા! રુડા! તમો મારી સારુ સોનાનાં કાંસા લાવ્યા.” એમ કહી મહારાજ બાથમાં ઘાલી સૌને મળ્યા અને છાતીમાં ચરણારવિંદ આપ્યાં અને થાળ જમી સૌને પ્રસાદી આપી. તે સમે સચ્ચિદાનંદ સ્વામી ઉગમણાબારના ઓરડાની ઓસરીયે બેઠા હતા. પછી હરિજન અક્ષરઓરડીમાંથી દરબારમાં આવ્યા ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા જે, “ભક્તો! કાંઈ જાણ્યું?” સર્વ હરિજન કહે, “હા સ્વામી. મહારાજ અમારી ઉપર બહુ જ પ્રસન્ન થયા અને છાતીમાં ચરણારવિંદ આપ્યાં અને થાળ જમીને પ્રસાદી આપી.” ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા જે, “તમને આટલું બધું કહ્યું પણ મને એમ કહે જે, ‘આવ્ય, સચ્ચિદાનંદ’ એટલું જો કહે તો આકાશ ને પાતાળ; બેઉ ભેગાં કરી દઉં.” ॥૩૭॥

એક વખત દરબારમાં ભાગવતની કથા વંચાતી હતી. તેમાં દશમસ્કંધ વંચાતો હતો. પછી તેમાં ગોપીયો તથા ગોપનું બહુ જ માહાત્મ્ય આવ્યું જે, ગોપીયો તથા ગોપે ભગવાનને ખરેખરા પ્રસન્ન કર્યા. ત્યારે લાડુબા બોલ્યાં જે, “ગોપીયોનાં તથા ગોપનાં બહુ મોટાં ભાગ્ય.” એમ કહી રાત્રે પોતે સુઈ ગયાં. તે વખતે ગોપીયો આવી ચરણારવિંદ ચાંપવા મંડી. ત્યારે લાડુબા જાગ્યાં અને પૂછ્યું જે, “તમે કોણ છે?” ત્યારે તે બોલ્યાં જે, “અમે ગોપીયું છીયે અને અમે તમારો મહીમા જાણીયે છીયે જે, તમને પુરુષોત્તમ મળ્યા છે.” એમ ગોપીઓએ કહ્યું એટલે લાડુબાને યથાર્થ મહિમા સમજાયો જે, સર્વ કારણના કારણ શ્રીજીમહારાજ છે. એવી પોતાને દૃઢતા થઈ. ॥૩૮॥

એક વખત ભાગવતની કથા થતી હતી અને ત્યાં દુર્વાસા વ્રજમાં આવ્યા અને ભગવાને ગોપીયોને અન્નના થાળ ભરીને દુર્વાસાને જમાડવા મોકલી. પછી દુર્વાસા સર્વ ગોપીયોના થાળ જમી ગયા અને ઉપવાસી કહેવાણા. તે સાંભળી લાડુબા બોલ્યા જે, “મહારાજ! વ્યાસજીએ ઠીક ડીંગ માર્યાં છે. બધા થાળ જમી ગયા ને ઉપવાસી કહેવાણા. તે સત્ય મનાય?” ત્યારે મહારાજ કહે, “લાડુબા! તે વાત તમે અત્યારે નહીં માનો પણ કોઈક સમે દેખાડશું.” એમ કહી મહારાજે કથાનો પ્રસંગ ચાલુ કર્યો. ॥૩૯॥

એક દિવસ શ્રીજીમહારાજ લાડુબાને ઓરડે જમવા પધાર્યા હતા. ત્યારે શ્રીજીમહારાજ પાસે લાડુબાએ જમવાનો થાળ મૂક્યો પણ પોતાના મનમાં ઘણા દિવસથી સંકલ્પ હતો જે, “મારે મહારાજને પૂછવું છે.” પછી હાથ જોડીને વિનંતીપૂર્વક બોલ્યા જે, “મહારાજ! તમને કૃષ્ણાવતારમાં કોણ નવરાવતું ને કોણ જમાડતું?” તે સાંભળી મહારાજ બોલ્યા જે, “લાડુબા! હું તમારે ઘરે આટલા વર્ષથી રહ્યો ને તમે મારો મહિમા કાંઈ જાણ્યો નહી.” એમ કહી મહારાજ હસ્યા. પછી લાડુબાને મહારાજે કહ્યું જે, “હું સર્વ અવતારનો અવતારી છું અને ક્યારેય આ પૃથ્વી ઉપર આવ્યો નથી ને આવીશ નહી.” તે સાંભળી લાડુબા હાથ જોડીને બોલ્યાં જે, “મહારાજ તમે મારી ખોટ ઓળખાવી.” ॥૪૦॥

અહીં ગોપીનાથજી મહારાજનું મંદિર ચણાતું હતું ને પથ્થર ચઢાવવા માટે કંપો બાંધ્યો હતો. તે મોટો પથ્થર ચઢાવવા માટે સૌ દોર ખેંચતા હતા. તે પથ્થરનું વજન બહુ; તેથી દોરડાની સરુ તુટવા માંડી. તે જોઈ મહારાજ બોલ્યા જે, “દોરડું તુટ્યું તુટ્યું.” તે સાંભળી લાડુબા બોલ્યા જે, “મહારાજ! મારા વાડામાં મોટો દોર પડ્યો છે માટે કોઈ પાર્ષદને મોકલો લઈ આવે.” તે શબ્દ સાંભળી તેમનાં એક કલુ કરીને સેવિકા હતાં. તે એકદમ વાડામાં દોડ્યાં ગયાં અને દોર લઈ કોઠીમાં નાખી ઢાંકણું ઢાંકી દીધું અને પછી આવી લાડુબાના પડખામાં બેસી ગયાં અને પાર્ષદ દોર લેવા વાડામાં ગયા પણ દોર ક્યાંય નજરે ચડ્યો નહી. અને પાર્ષદ પાછા આવ્યા ત્યારે મહારાજને કહ્યું જે, “મહારાજ! ત્યાં દોર નથી.” મહારાજ કહે, “અમે મોટીબા તથા લાડુબા પાસે એવા માણસ રાખ્યાં છે કે, એક દોરડું બગડવા દે નહી.” તે સાંભળી કલુ બોલી જે, “હા, મહારાજ! હમણાં હું કોઠીમાં નાખી આવી છું.” તે સાંભળી લાડુબા બોલ્યાં જે, “રાંડ! એમ શા માટે કર્યું?” કલુ કહે, “આપણું દોરડું તોડવા આપું?” લાડુબા કહે, “જા, રાંડ! કાઢી દે.” પછી કલુએ કોઠીમાં ઉતરી દોર કાઢીને મહારાજને આપ્યો અને કંપે બાંધ્યો. ॥૪૧॥

એક વખત શ્રીજીમહારાજ સભામાં વિરાજમાન હતા ને ભાદરવા માસમાં શ્રાદ્ધપક્ષ ચાલતાં હતાં. પછી સૌ સાંભળતાં શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમો સૌ પોતપોતાના માતાપિતાનું શ્રાદ્ધ કરો છો અને અમારે કોઈનું શ્રાદ્ધ કરવું નહી ને?” તે સાંભળી મોટીબા, લાડુબા તથા દાદાખાચર; ત્રણે જણ હાથ જોડીને બોલ્યાં જે, “હે, મહારાજ! તમે કહો તેનું શ્રાદ્ધ કરીયે.” મહારાજ કહે, “અમારાં માતાજીનું શ્રાદ્ધ કરવું છે.” પછી નોમ આવી ત્યારે વીશ પચીશ મણ દૂધ ભેગું કર્યું અને તેનો દૂધપાક કરાવ્યો અને સંતો પાસે સાતપડી રોટલી કરાવી. પછી મહારાજ કહે, ‘શ્રાદ્ધમાં એક પવિત્ર બ્રાહ્મણ જમાડવો જોઈયે.” પછી મહારાજ કહે, “પવિત્ર બ્રાહ્મણ કોણ હશે?” પછી મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “મુળજી બ્રહ્મચારી જેવો કોઈ પવિત્ર માણસ નથી.” પછી મહારાજે કહ્યું જે, “મુળજી બ્રહ્મચારી! તમે પહેલા જમી લ્યો પછી મારે શ્રાદ્ધ નાખવું છે.” બ્રહ્મચારી કહે, “તમને જમાડ્યા વિના મારે જમાય નહિ.” મહારાજ કહે, “આજે અમારાં માતાજીનું શ્રાદ્ધ છે માટે તમે જમો.” બ્રહ્મચારી કહે, “ઉગમણો સૂર્ય ઉગે છે પણ આથમણો ઉગે તો પણ તમને જમાડ્યા વગર નહિ જમું.” પછી મહારાજ પણ હઠ ઝાલીને બેઠા જે, “બ્રહ્મચારીને જમાડ્યા વગર શ્રાદ્ધ નહી નાખું.” અહીં દરબારમાં સંતની પંક્તિ જમવા માટે તૈયાર થઈ હતી અને દૂધપાકના તપેલાં તથા રોટલીના તાસડા ભરી મેલ્યા હતા. પછી મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્મચારીને ખુબ સમજાવ્યા જે, “મહારાજ તમને જમાડ્યા વગર છૂટકો નહીં કરે અને આ સંત બધા પાત્ર ઉપર બેઠા છે; માટે મહારાજ રાજી થાય તેમ કરો.” પછી બ્રહ્મચારીએ તેમના સેવક વૈકુંઠબ્રહ્મચારીને કહ્યું જે, “લાવ, વૈકુંઠીયા! હું જમું. અમથા મહારાજ કેડ નહી મૂકે.” એમ કહી બે ગ્રાસ જમ્યા. પછી મહારાજ દૂધપાક તથા રોટલી પાત્રમાં ચોળીને હાથમાં થાળી લઈ અંતરવાસ છેડો નાખી ઉત્તરાદાબારના ઓરડા ઉપર વાશ નાખવા મંડ્યા. તે પ્રસાદી લેવા માટે દેવો બધા સમળીઓના સ્વરુપ ધારણ કરીને આવ્યા. તે મહારાજ જ્યાં ખોરડા ઉપર ઘા કરે ત્યાં અદ્ધરથી બધા પક્ષીઓ લઈ જાય. પછી સંતની પંક્તિ જ્યારે જમવા બેઠી ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, “કેમ, સ્વામી! ઠીક ને?” સ્વામી કહે, “મહારાજ! ગામમાં ચોરાશી કરે પણ એક બ્રાહ્મણ રહી જાય તો ચોરાશી કહેવાય નહી.” મહારાજ કહે, ‘બ્રહ્મચારી જમાડ્યા. પાંચસે પરમહંસ જમાડ્યા. હવે કોણ બાકી છે?” સ્વામી કહે, “મહારાજ! સચ્ચિદાનંદ સ્વામીને ત્રણ દિવસ થયાં કાઢી મૂક્યાં છે. તે ઘેલાને સામે કાંઠે બેઠા છે.” મહારાજ કહે, “બોલાવવા કોણ જાશે?” તે સાંભળી માનજી લુલ્લા હતા તે એકદમ દોડ્યા અને નદીમાં જઈ છેટેથી બૂમ પાડી અને કહ્યું જે, “હે સચ્ચિદાનંદસ્વામી! તમોને મહારાજ બોલાવે છે.” તે સાંભળી એકદમ સચ્ચિદાનંદ સ્વામી દરબારમાં આવ્યા અને મહારાજને બાથ લેવા દોડ્યા. પછી મહારાજે કહ્યું જે, “અહીં બેસો.” પછી પંક્તિમાં જમવા બેઠા પણ પોતા પાસે કાંઈ પાત્ર નહીં. પછી મહારાજે એક તાંસ પડ્યો હતો તે સ્વામી પાસે મૂક્યો. પછી મહારાજે દૂધપાકના એક સાથે ત્રણ ડંકા ભરીને નાખ્યા અને એક ખડકલો રોટલીનો મેલ્યો. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે, “કેમ, સ્વામી. હવે?” સ્વામી કહે, “મહારાજ! હવે ચોરાશી પુરી થઈ રહી.” પછી સંતને ખૂબ દૂધપાક પૂરી તાણ કરી જમાડ્યા. ॥૪૨॥

દાદા ખાચરના ફૂઈ સોમાબાઈ કરીને હતાં. તે બહુ પ્રેમી ને બહુ જ ભોળા જેવાં હતાં. પછી તેને રાજી કરવા માટે શ્રીજીમહારાજ મનુષ્ય ચરિત્ર કરતા. એક દિવસ સોમાબાઈ પોતાના ઘરમાં રોટલા મૂકવાનો માટીનો કોઠો હતો તેમાં રોટલા મૂકી અને ઘરના બારણાની સાંકળ દઈ પોતે ગામમાં કાંઈ કામ પ્રસંગે ગયા હતાં. પછી મહારાજ પછવાડેથી જઈ તેના ઓરડાના ઘરની સાંકળ ઉઘાડી કોઠામાં જે રોટલા પડ્યા હતા તેમાંથી થોડા થોડા જમી ગયા અને પછી કોઠો ઉઘાડો મૂકી એક ખુણે મહારાજ સંતાઈને ઉભા રહ્યા. તે સમે સોમાબાઈ ગામમાંથી આવ્યાં અને આવીને જુએ ત્યાં તો બધા રોટલા થોડા ખંડિત ભાળ્યા તે જોઈ સોમાબાઈ બોલ્યાં જે, “મારો પીટ્યો મીંદડો, બધા રોટલા થોડા થોડા ખાઈ ગયો. કાલ આવે તો લાકડીયે મારું.” તે સાંભળી મહારાજ બોલ્યા જે, “સોમાબાઈ! કોને ગાળ્યું દ્યો છો?” સોમાબાઈ કહે, “પીટ્યો મીંદડો રોટલો ખાઈ ગયો.” મહારાજ કહે, “સોમાબાઈ! મીંદડો ક્યાં હતો? તે તો અમો હતા.” સોમાબાઈ કહે, “અરે! માડી મને કહેવું હતું ને ગાળું તો ન દેત., મેં તો મીંદડો જાણી ગાળો દીધી હતી.” એમ ઘણીકવાર મહારાજ તેમને રાજી કરતા હતા. ॥૪૩॥

એક દિવસ મહારાજે સોમાબાઈને કહ્યું જે, “તમે સાધુને રસોઈ આપો.” સોમાબાઈ કહે, “મહારાજ! શું રસોઈ આપું?” મહારાજ કહે, “દૂધપાક પુરીની રસોઈ આપો.” સોમાબાઈ કહે, “ઠીક, મહારાજ! કાલે રસોઈ કરાવીશ.” પછી દૂધ લેવા માંડવધાર ગયા. માંડવધારના રબારી બધા વીસામણના ભગત હતા. તેથી તેણે ના પાડી જે, “અમે દૂધ નહી આપીએ.” સોમાબાઈ કહે, “બમણા નાણાં લ્યો પણ દૂધ આપો.” રબારી કહે, “ચારગણા આપો, પણ સ્વામિનારાયણને દૂધ નહી આપીયે.” પછી ગામમાંથી દૂધ ભેળું કરી રસોઈ આપી અને મહારાજને રાજી કર્યા. ॥૪૪॥

એક દિવસ બ્રહ્માનંદ સ્વામી તથા સુરાખાચરે મહારાજને કહ્યું જે, “મહારાજ! સૌની પાસેથી રસોઈ લ્યો છો, પણ તમે કયે દિવસ આપશો?” મહારાજ કહે, “બધી હું જ અપાવું છું ને?” બ્રહ્માનંદ સ્વામી તથા સુરાખાચરે કહ્યું, “મહારાજ! દૂધપાક પુરીની રસોઈ આપો.” મહારાજ કહે, “મારે એક ઘરેથી દૂધ ભેળું કરી સંતને જમાડવા પણ મહીના પછી. હમણા નહી.” પછી પચીસ દિવસ થયા પણ મહારાજે વાત ઉચ્ચારી નહી. પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “મહારાજ! મહીનો થવા આવ્યો પણ રસોઈ કયે દિવસ કરાવશો?” પછી એક દિવસ આડો રહ્યો એટલે ગામ માંડવધારનો રબારી વઢીયાર જવા માટે તૈયાર થયો અને ઘરના માણસોને બોલાવીને કહ્યું જે, “સ્વામિનારાયણવાળા દૂધ લેવા આવે તો આપશો નહી.” પછી મહારાજે વિચાર કર્યો જે, “મારે તેની પાસેથી દૂધ લેવું.” પછી મહારાજ તે રબારીનું રુપ ધારણ કરીને માંડવધાર રબારીને ઘરે ગયા. ત્યારે તે રબારીની ઘરવાળી બોલી, “કેમ પાછા આવ્યા? કહેતા હતા કે પંદર દિવસે આવીશ.” રબારી કહે, “હું જતો હતો તે એક મોટો સર્પ સામો દોડ્યો આવતો હતો. તેને જોઈને હું લીંબડા ઉપર ચડી ગયો અને તે સર્પ લીંબડાને ફરતો આંટો ફરી ફેણ માંડી મારી સામો બેઠો. તે જો હું ઉતરું તો મને કરડે. પછી મેં માનતા કરી જે, અહીંથી જો સર્પ ભાગી જાય તો સ્વામિનારાયણને દૂધપાકની રસોઈ આપીશ. પછી સર્પ ભાગી ગયો તે માટે તને હું કહેવા આવ્યો છું જે, આપણી ગાયોનું સાત આઠ મણ દૂધ થાય છે તે સવારમાં વહેલા દોહી તે દૂધ ગઢડા પહોંચાડજે.” બાઈ કહે, “બહુ સારુ, ફીકર નહીં.” એમ વાતો કરે છે તે સાંભળી તે રબારીનો નાનો ભાઈ આવ્યો અને બોલ્યો જે, “શું બે જણાં વાતો કરો છો, ભાભી?” ત્યારે બાઈ કહે, “તમારા ભાઈને કષ્ટ આવ્યું હતું તે માંડ જીવતા આવ્યા છે અને તેણે માનતા કરી છે જે, આપણી ગાયનું જેટલું દૂધ થાય તે સ્વામિનારાયણને પુગાડવું.” ત્યારે તેનો ભાઈ બોલ્યો જે, “એમાં શું? મારી ગાયોનું પણ ભેળું આપીશ.” પછી સવારમાં વેલી ગાયું દોહી અને દૂધના હાંડા ભરી સૌ દરબારમાં આવ્યા. તે જોઈ બ્રહ્માનંદ સ્વામી તથા સુરાખાચર બોલ્યા જે, “મહારાજે કોઈકમાં પ્રવેશ કરીને દૂધ મંગાવ્યું.” મહારાજ કહે, “દૂધ ઠાલવી લ્યો.” પછી દૂધપાક કરી ઘઉંની રોટલી કરી સંતને જમાડ્યા અને થોડા દિવસ થયા એટલે તે રબારી વઢીયારમાંથી ગાયું લઈને આવ્યો અને બધું પૂછતાં કહ્યું જે, “સ્વામિનારાયણને દૂધ નથી આપ્યું ને?” બાઈ કહે, “તમે કહી ગયા હતા ને દૂધ પૂગાડવાનું.” “હું તો ના પાડી ગયો હતો!” બાઈ કહે, “તમે જ કહેવા આવ્યા હતા.” પછી ઉપલી બધી વાત કહી દેખાડી. પછી તે રબારી કહે, “ચાલો, આપણે સ્વામિનારાયણને વઢવા જઈએ.” પછી ગઢડે આવી દરબારમાં મહારાજ સભામાં વિરાજમાન હતા ત્યાં દર્શન કર્યાં. અને મહારાજને કહેવા લાગ્યા જે, “કેમ તમે અમારું દૂધ લીધું?” મહારાજ કહે, “તમે દેવા આવ્યા ત્યારે લીધું. અમે ક્યાં લેવા આવ્યા હતા?” પછી સૌ રબારીને શ્રીકૃષ્ણરુપે દર્શન દીધું ને વર્તમાન ધારી સત્સંગી થયા. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. ॥૪૫॥

ગઢડામાં શ્રીજીમહારાજ પાસે દેવો તથા વીરો કરીને બે ભગત રહેતા હતા. તે દિવસ બધો ખેતીનું કામ કરતા હતા અને તેનો ઉતારો રામપ્રતાપજી મહારાજને પડખે હતો અને રામપ્રતાપજી મહારાજ દોકડ વગાડી રાત બધી ગાવણું કરતા. એટલે દેવા તથા વીરાને ઊંઘ આવે નહી તેથી બેઉ જણે વિચાર કર્યો જે, “રામપ્રતાપજીભાઈ ગાવણું કરતા આળસે તેમ કાંઈક કરીયે.” પછી બેઉ જણ રામપ્રતાપજીભાઈ પાસે જઈ પગે લાગ્યા અને ભાઈને કહ્યું જે, “અમને મહારાજે કહેવા મોકલ્યા છે જે ગાવણું કરશો નહીં.” તે સાંભળી રામપ્રતાપજીભાઈ દોકડ બાંધી સૂઈ ગયા અને દેવો તથા વીરો સુખેથી સૂઈ ગયા. પછી સવારમાં ભાઈ સાબદા થઈ ચાલી નીકળ્યા. તેની ખબર મહારાજને કોઈએ કહી જે, “ભાઈ રીસાઈ ને ચાલ્યા ગયા છે.” મહારાજે કહ્યું, “કોઈએ કાંઈ કહ્યું હતું?” સૌ કહે, “ના, મહારાજ! અમે જાણતા નથી.” પછી મહારાજ કહે, “પાછા વાળીયે.” પછી મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા અને મુક્તાનંદ સ્વામીને ગાડા ઉપર બેસાર્યા પછી સૌ ઉગામેડીયે ગયા. ત્યાં શ્રીજીમહારાજ ગામના પાદરના કુવે ઘોડી પાવા રહ્યા અને મુક્તાનંદ સ્વામી ગામમાં ગયા. તે ભાઈ કણબીને ઘેર રસોઈ કરી જમીને વાંકીયાનું ગાડું કારીયાણી જતું હતું તેમાં બેઠા હતા. પછી મુક્તાનંદ સ્વામીએ સમજાવ્યા ને પાછા વાળ્યા. તે મહારાજે જોઈને ઘોડી પાછી વાળી ગઢપુર પધાર્યા અને મુક્તાનંદ સ્વામી તથા ભાઈ એક ગાડામાં બેસી મહારાજની લીલાની વાતો કરતા કરતા ગઢપુર આવ્યા. પછી ભાઈ પોતાને ઉતારે ગયા અને મુક્તાનંદ સ્વામી મહારાજને પગે લાગીને બેઠા. પછી મહારાજ બોલ્યા જે, “સ્વામી! ભાઈ શા માટે રીસાણા હતા?” સ્વામી કહે, “મહારાજ! મેં પૂછ્યું નથી.” મહારાજ કહે, “તે કોઈ સમાચાર લાવે?” પ્રેમાનંદ સ્વામી કહે, “હા, મહારાજ! હું લાવું.” પછી પ્રેમાનંદ સ્વામી રાત્રે સતાર લઈ ગાવણું કરવા ગયા. તે એક કીર્તન જ્યાં બોલી રહ્યા, ત્યાં ભાઈ બેઠા થઈ પોતાના દોકડીયાં છોડી વગાડવા મંડ્યા. તે રાત બધી બેઉ જણે ગાવણું કર્યું અને સવારે ચાર વાગે ભાઈ રાજી થઈ પ્રેમાનંદ સ્વામીને મળ્યા અને કહ્યું જે, “ઓર પ્રેમાનંદ માગ્ય.” સ્વામી કહે, “કાલે તમે શા માટે રીસાણા હતા?” પછી ભાઈ કહે, “અમે અમારો દેશ છોડી કુટુંબ છોડી અહીં મહારાજના ગુણ ગાવા આવ્યા અને મહારાજે ગાવાની ના પાડી. એટલે અમે ચાલી નિસર્યા.” સ્વામી કહે, “કોણે કહ્યું?” ભાઈ કહે, “દેવો તથા વીરો કહી ગયા જે, મહારાજે ગાવાની ના પાડી છે.” પછી સ્વામીએ મહારાજ પાસે આવી તે બધી વાત કરી. ત્યારે મહારાજ કહે, “બોલાવો દેવા તથા વીરાને અને ભાઈને અહીં બોલાવો.” પછી ભાઈ દરબારમાં મહારાજ પાસે આવી ગાદી તકીયા ઉપર બેઠા. પછી મહારાજ બોલ્યા જે, “ભાઈ! અમે જાણતા નથી. ને કેમ દેવા તથા વીરા; અમે તમને ના પાડી છે?” દેવો તથા વીરો કહે, “ના, મહારાજ! તમે ના પાડી નથી પણ અમે દિવસ બધાના થાકેલા હોઈએ અને રાત બધી પડખે ભાઈ ગાવણું કરે તેથી ઊંઘ આવતી નહી. તેથી માંડ કરી બે દિવસથી સુખે ઊંઘીએ છીયે.” તે સાંભળી ભાઈ કોપાયમાન થયા જે, “કાં તો દેવા વીરાને રાખો ને કાં તો મને રાખો.” પછી મહારાજે દેવા વીરાને છાની રીતે સમજાવ્યા જે, માંડવધાર જતા રહો. પછી બેઉ જણ માંડવધાર ગયા. પછી બે ત્રણ દિવસ થયા એટલે ભાઈ ઘેલે નહાવા ગયા હતા. ત્યાં કોઈક પાપી માંછલા મારતા હતા તે જોઈ ભાઈના મનમાં વિચાર થયો જે, આ ભગવાનથી વિમુખ છે તે માટે પાપ કરે છે અને મેં દેવા વીરાને વિમુખ કરાવ્યા છે તે પણ આવું પાપ કરતા હશે? પછી દરબારમાં આવી મહારાજને કહ્યું જે, “મહારાજ! દેવા તથા વીરાને બોલાવો.” પછી મહારાજ કહે, “ક્યાંઈ તે તો સાલેમાળમાં ઉતરી ગયા હશે.” ભાઈ કહે, “જ્યાં હોય ત્યાંથી બોલાવો.” ભાઈ કહે, “હું નહાવા ગયો હતો ત્યાં કોઈ પાપી પાપ કરતા હતા અને દેવા વીરાને મેં વિમુખ કરાવ્યા છે તે પણ પાપ કરતા હશે માટે એને ઝટ બોલાવો.” પછી મહારાજે જનાર મનુષ્યને કહ્યું જે, “બે ચાર દિવસ રોકાઈ પછી તેડીને આવજો.” પછી દેવો તથા વીરો બન્ને જણ આવ્યા અને સભામાં ભાઈને દંડવત કરીને પગે લાગ્યા. ત્યારે ભાઈ બોલ્યા જે, “અરે! દેવા-વીરા! ક્યાં ગયા હતા?” ત્યારે બન્ને જણે કહ્યું કે, “સાલેમાળ પર્વતમાં આઘા ઉતરી ગયા હતા.” પછી દેવે તથા વીરે રસોઈ આપી અને એક જોડ્ય ચરણારવિંદ ભાઈને આપ્યા અને ભાઈ રાજી થયા. ॥૪૬॥

હાલ રાધા વાવ છે ત્યાં પ્રથમ બીડ હતું અને તેમાં ઈંગોરીયા તથા હરમાનાં ઝાડવાં હતાં. તે ખોદાવી શ્રીજીમહારાજે વાવેતર થાય તેવી જમીન કરાવી. પછી મહારાજે વિચાર કર્યો જે, “અહીં એક વાવ કરાવી હોય તો સારું.” પછી દાદાખાચર તથા મોટીબા તથા લાડુબાને પૂછ્યું જે, “આપણે એક વાવ કરાવીએ છે?” ત્રણે જણે કહ્યું જે, “મહારાજ! તમે રાજી હોય તેમ કરાવવી.” પછી લાધા ઠકકરને મહારાજે બોલાવ્યા અને કહ્યું જે, “આપણે ઉગામેડીને મારગે એક વાવ કરાવવી છે.” લાધા ઠકકર કહે, “મહારાજ! અત્યારે દાડીયા મળતા નથી.” મહારાજ કહે, “આપણા ચાળીસ પાર્ષદ છે તે બીજાનું કામ કરવા જાય છે તે વાવ્ય ખોદશે અને તેમને રોજનો એક-એક રૂપિયો આપવો અને ત્રણે વખત ખાવાનું આપવું.” તે સાંભળી લાધા ઠકકરના મનમાં વિચાર થયો જે “ઓય બાપલીયા, ત્રણ વખત ખાવાનું ને એક-એક રૂપિયો આપવો માટે આ તો રોજ સો સો રૂપિયાનું ખર્ચ થાશે.” પછી મહારાજે બીજે દિવસે રાધાવાવે જઈ અને વાવની નિશાની કરી આપી. પછી બીજે દિવસે મહારાજ વરતાલ પધાર્યા અને પાછળથી પાર્ષદ વાવ ખોદવા મંડ્યા. તે થોડા દિવસમાં વાવ ખોદી રહ્યા તે જ ઠેકાણે મહારાજને કુવો કરાવવો હતો. તે ઠેકાણે નાળ કરી અને નાળને ઠેકાણે કુવો ખોદ્યો. પછી મહારાજ વરતાલથી ગઢડા પધાર્યા અને વાવ જોઈને દરબારમાં પધાર્યા અને સભામાં મહારાજે કહ્યું જે, “કોઈ પાર્ષદને બોલાવી લાવે.” ત્યારે બેચર ચાવડે કહ્યું જે, “હું બોલાવું.” મહારાજ કહે, “દોડ્યા જઈને છેટેથી બૂમ મારજો જે સૌ બહાર નીકળો મહારાજ તમારી ઉપર રાજી થયા છે માટે તમને બોલાવે છે.” તે સાંભળી સૌ પાર્ષદ બહાર નીસર્યા અને સૌ બહાર આવી ઊભા રહ્યા ને તેણે જેટલો કુવો ગાળ્યો હતો તેની ભેખડ પડીને તે કુવો બધો પૂરાઈ ગયો. પછી સૌ દરબારમાં મહારાજ પાસે આવ્યા. પછી મહારાજે સાતપડા ઘઉંના રોટલા કરાવ્યા અને પાર્ષદની પંક્તિ કરી ધારે ઘી ને ગોળ મહારાજે પીરસ્યું. પછી સૌ સભામાં મહારાજ પાસે આવીને બેઠા. પછી મહારાજે કહ્યું જે, “તમારો ચાળીશનો કાળ આવી રહ્યો હતો એટલા માટે તમને સૌને બોલાવ્યા.” અને બેચર ચાવડાને મહારાજે લીંબડા હેઠે ઉભા રાખીને દહીં ને સાકરની તાંસળી ભરીને પાઈ. પછી બીજે દિવસ પાર્ષદે જઈ તમામ કુવો ગાળી નાખ્યો. ॥૪૭॥

એક વખત મહારાજે ફૂલડોળનો સમૈયો કર્યો હતો. પછી મહારાજે સૌ સંતને રંગે રમવાની આજ્ઞા કરી. ત્યાંરે એક તરફ મહારાજ તથા સખા અને એક તરફ નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક સંત. તેમાં એવો ઠરાવ બાંધેલ જે હારે તેનાં વસ્ત્ર ઉતારી લેવાં. પછી રમતાં રમતાં શ્રીજીમહારાજને સંતે હરાવ્યા અને નિત્યાનંદ સ્વામીએ મહારાજના હાથમાંથી સોનાના કડાં કાઢી લીધાં અને મહારાજને સંતે રંગે રમાડી ખુબ અકળાવ્યા એટલે મહારાજ લીંબડે ઉપર ચડી ગયા અને સૌ બાઈઓ દર્શન કરવા માટે એક તરફ ઊભાં હતાં. પછી મહારાજને લિંબડેથી હેઠે ઉતારવા માટે મુળજી બ્રહ્મચારી ગયા અને બ્રહ્મચારીએ ડોસીયોને છેટે રહેવા માટે બૂમ પાડી પણ એક ડોશી બ્રહ્મચારીને જરા અડી ગઈ એટલે બ્રહ્મચારી બોલ્યા જે, “આમે અડી ને આમે અડી.” એમ કહી બે હાથ પહોળા કરી બાઈઓ વચ્ચે માર્ગ કરી લિંબડાના થડમાં જઈ ઊભા રહ્યા અને મહારાજને કહ્યું જે, “કૃપાનાથ! મારા ખંધોળા ઉપર બેસો.” પછી મહારાજ બ્રહ્મચારીના ખંધોળા ઉપર બેસી લિંબડાથી હેઠે ઉતર્યા અને પરમહંસ તથા સખા સાથે ઘેલા નદીએ નહાવા પધાર્યા ને બ્રહ્મચારીએ બીજે દિવસે પ્રાયશ્ચિત્તનો ઉપવાસ કર્યો. ॥૪૮॥

એક વખતે મહારાજે કમળશી વાણીયાને કહ્યું જે, “તને તાંબડી ટપતાં આવડે છે?” કમળશી કહે, “હા.” પછી ત્રણ તાંબડી ઉપરાઉપર ચડાવી અને મહારાજે કહ્યું જે, “લે, હું તાંબડી ઝાલી રાખું પડે નહીં.” પછી મહારાજ તાંબડીયો ઝાલી નીચે બેઠા અને કમળશી દરબારમાં છેટે જઈને દોડ્યો ને જ્યાં તાંબડી ટપવા જાય ત્યાં મહારાજે તેને ધક્કો માર્યો તે પડી ગયો. તેથી શરમાણો ને ભોંય ઉપર બેસી ગયો ને મહારાજ અક્ષર ઓરડીમાં પધાર્યા. પછી કમળશી ઉઠીને તેને ઘરે ગયો. પછી ઘરે જઈને મહારાજ પાસે આવ્યો જે, “મહારાજ! મને વાગ્યું.” મહારાજ કહે, “તને ટપતાં નથી આવડતું ને શા માટે તેં હા પાડી?” પછી કાઠી સૌ ઠેકડી કરવા મંડ્યા જે, “ભણે, વાણીયા! તારી લાજ ગઈ.” એમ કહી સૌ હસવા મંડ્યા અને તેની ઘરવાળી તેને ઠપકો દેવા મંડી જે, “તમને તાંબડીયું ટપતાં આવડે? જે તમે તાંબડી ટપવા ગયા.” એમ શિખામણના વચનો કહેવા લાગી. ॥૪૯॥

એક સમે મહારાજ કમળશી શેઠ ઉપર બહુ રાજી થયા અને કહ્યું જે, “વર માગ.” ત્યારે કમળશી બોલ્યો જે, “મહારાજ! પાણીને લોટ બે દેજો.” મહારાજ કહે, “તે તો તારા કરમમાં છે માટે બીજું સારું માગ્યે.” તો પણ તેણે કહ્યું જે, “ના, મહારાજ! મારે તે જ જોવે છે.” પછી મહારાજે તે વર આપ્યો કે, “જા, તને લોટ પાણી મળશે.” તે ત્રણ પેઢી સુધી રહ્યું. ॥૫૦॥

ગામ વસોના ગીરધરભાઈ પાટીદાર તથા સીંજીવાડાના જગરુપ બારોટ; બન્ને જણ ગઢપુર મહારાજના દર્શન માટે આવ્યા. તેનું કારણ જે ગીરધરભાઈએ પોતાને રહેવા માટે હવેલી કરાવી હતી તે પોતાને એવો સંકલ્પ હતો જે શ્રીજીમહારાજ તથા સંતને પધરાવી વાસ્તુ કરાવવું. એવા સંકલ્પથી ગઢપુર આવ્યા હતા. પછી દરબારમાં આવી શ્રીજીમહારાજને દંડવત પ્રણામ કરી પગે લાગ્યા અને સભામાં ગીરધરભાઈ બોલ્યા જે, “મહારાજ! તમે મારે ઘેર શાના આવો? તમે તો દાદાખાચરમાં બંધાઈ ગયા છો.” મહારાજ કહે, “ગીરધરભાઈ! તમારી છત મારે શા કામમાં આવે? તમે કોઈ દિવસ મારા સંતને પાણી ગાળવા ગરણું પણ આપ્યું નથી અને મારા સંત ધજાયુંના ગરણાં કરે છે અને દાદાખાચર સર્વસ્વ મને અર્પણ કરીને બેઠા છે તેની ભેંશુનાં દૂધ તેની ગાયુંના દૂધ તથા દહીં તે મારા અર્થે તથા મારા સંતને અર્થે આપે છે.” પછી ગીરધરભાઈ બહુ જ દીલગીર થઈ ગયા ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! ગીરધરભાઈ બહુ જ સારા હરિભક્ત છે અને તેમણે નવી હવેલી કરાવી છે. તેમાં તમને તથા સંતને પધરાવીને રસોઈ દેવી છે ને તમારી પૂજા કરવી છે. પછી તેઓ રહેવા જશે.” પછી મહારાજ કહે, “બહુ સારું, સ્વામી! ગીરધરભાઈને ત્યાં વસોમાં જઈ તેમને રાજી કરીશું.” ॥૫૧॥

શ્રીજીમહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને ભૂજથી ગંગારામ વિગેરે મલ્લો મહારાજના દર્શને આવ્યા હતા. પછી મહારાજે ગંગારામ મલ્લ પાસે દરબારમાં મલ્લકુસ્તી કરાવી અને મહારાજે ગંગારામ મલ્લને મલ્લકુસ્તી શીખવાડી જે, કોઈ કોઈના પેચમાં ન આવવું. એમ મહારાજે તેને અંતર્યામીપણે વાર્તા કરી જે, “ભૂજમાં એક પંજાબી મલ્લ આવશે અને તેની સાથે તમારે મલ્લયુદ્ધ કરવું પડશે અને તે દેવીનો ઉપાસક છે અને માંસાહારી છે અને નિત્ય અધમણ દૂધનો આહાર કરે છે અને તે ગળામાં એક માતાનો દોરો બાંધી રાખે છે માટે તમારી સાથે યુદ્ધ કરે ત્યારે તેના ગળાથી હાથ છોડાવી નાખજો અને તેનો ગળાનો દોરો ઝાલશો એટલે તે મૃત્યુ પામશે.” પછી ગંગારામ ભૂજ ગયા અને તે મલ્લ ત્યાં આવેલ. પછી દરબારમાં તેની સાથે ગંગારામ મલ્લને યુદ્ધ કરવાનું આમંત્રણ આવ્યું. પછી ગંગારામ મલ્લ શ્રીજીમહારાજનું ધ્યાન કરીને તેની સાથે યુદ્ધ કરવા ગયા. પછી આખા શહેરનું માણસ જોવા માટે એકઠું થયું હતું. તે વખતે બન્ને જણ મલ્લયુદ્ધ કરતા કરતા પંજાબી મલ્લનો હાથ ગળાથી છોડાવી નાખી ગંગારામ મલ્લે તેના ગળાનું દોરડું ઝાલીને તેને એક તરફ ફેંકી દીધો અને તે મૃત્યુને પામ્યો ને ગંગારામ મલ્લની જીત થઈ. પછી ભૂજના રાવે તેને જીવાઈ માટે વર્ષાસન બાંધી આપ્યું. ॥૫૨॥

એક વખત ગઢપુરમાં શ્રીજીમહારાજ સંતની ધર્મશાળામાં પધાર્યા હતા અને ત્યાં સભા કરીને વિરાજમાન થયા પછી મહારાજ બોલ્યા જે, “અહીંયાં રસોઈ બહુ જ અશુદ્ધ થાય છે માટે અમારે સંન્યાસી થવું છે.” પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કહ્યું જે, “અમારે અહીં રહેવું નથી.” મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા સુરોખાચર બોલ્યા જે, “મહારાજ! જેવી તમારી મરજી.” મહારાજે પછી પોતાના વસ્ત્ર ઉતારી એક તરફ મૂક્યાં. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! હવે તમારે ધાતુપાત્રને નહી અડાય. માટે તુંબડું તથા પત્તર રાખવું જોશે.” મહારાજ કહે, “લાવો, તુંબડું તથા પત્તર.” પછી સૌ સંતે લાવી મહારાજ પાસે મૂક્યાં અને નિષ્કુલાનંદ સ્વામીએ વાંકી તુંબડી લઈ મહારાજ પાસે મૂકી. પછી મહારાજે વાંકી તુંબડી હાથમાં લીધી અને લુગડાની ઝોળી વાળી. તેમાં તુંબડી રાખી ખંભે ઝોળી ભરવી અને એક દંડ હાથમાં લીધો. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! તુંબડી તો પાંસરી લ્યો.” મહારાજ કહે, “વાંકી તુંબડીયે ક્યાં વાંકી ધાર થાય છે?” પછી મહારાજના લુગડાં સુરાખાચરે ગાંઠે બાંધી લીધાં ને દરબારમાં ગયા અને મોટીબા તથા લાડુબાને વાત કરી જે, “મહારાજ! સંન્યાસી થઈ ગયા અને હવે ગામડામાં જશે.” તે સાંભળી લાડુબાએ સુરાખાચરને કહ્યું જે, “અમોએ મહારાજનાં દર્શન બહુ જ કર્યાં છે. પણ સંન્યાસી થયા તે દર્શન કર્યાં નથી. માટે મહારાજને કહો જે છેલ્લી વખત દર્શન આપતા જાય.” પછી સુરાખાચરે મહારાજને કહ્યું જે, “મહારાજ! દરબારમાં તો કોલાહલ થઈ રહ્યું છે જે મહારાજ સંન્યાસી થયા તે બહુ જ સારું થયું. પણ એક વખત અમને દર્શન આપતા જાય.” પછી મહારાજ કહે, “ચાલો, દર્શન દેવા જઈએ.” પછી સંત તથા પાર્ષદ સહિત મહારાજ દરબારમાં પધાર્યા પછી મહારાજ વાસુદેવનારાયણના ઓરડાની ઓસરીયે ચાકળો નાંખી તે ઉપર વિરાજમાન થયા. પછી લાડુબાઈ બોલ્યાં જે, “મહારાજ! તમે સંન્યાસી થયા તે બહુ જ સારું થયું તે હવે તમારે અગ્નિને અડાશે નહી અને અહીંયાં તો મોટીબા ને બે ચાર છોકરાં ને મારે બે ચાર છોકરાં; તે અહીં ચોખ્ખું ક્યાંથી થાય? અને બ્રાહ્મણીયું નાહી ધોહી ચોકા કરી તમારા સારુ તૈયાર રસોઈ કરીને બેઠી હશે.” એમ લાડુબા બોલ્યાં જે, “રાતે છોકરાં ઝાડે ફરેલાં હશે. તે એક કોરે ઢાંકેલું હશે અને એક છોકરું ખોળામાં ઝાડે ફરેલું હશે તે લઈ રોટલા કરતી હશે ને નાકમાંથી શેડા કાઢતી જતી હશે અને રોટલા કરતી હશે.” વગેરે ઘણી ઘણી અનાચારની વાતો કરી. તે સાંભળી મહારાજ બોલ્યા જે, “અરરર! આવા ગોબરા?” સુરોખાચર કહે, “હા, મહારાજ! ત્યાં તો એવું હોય.” તે વાત સાંભળી મહારાજને શંકા થઈ એટલે દંડ હાથમાં હતો તે લીંબડા નીચે ઘા કરી નાખ્યો અને ભગવાં લૂગડાં જે પહેર્યાં હતાં તે ફળીમાં ઉડાડી નાખ્યાં અને મહારાજ બોલ્યા જે, “લાવો, અમારાં લુગડાં પહેરવાં છે.” પછી સુરોખાચર બોલ્યા જે, “લ્યો! મહારાજ તૈયાર છે.” પછી મહારાજ પોતાના વસ્ત્ર પહેરી ઉતારે પધાર્યા. ॥૫૩॥

એક વખત મહારાજ અક્ષરઓરડીમાં વિરાજમાન હતા અને કાંઈક કામ પ્રસંગ હશે, એટલે મહારાજે દાદાખાચરને સાદ કર્યો જે, “દાદો ક્યાં?” એટલે દાદોખાચર પોતાની ડેલીયે હજામત કરાવતા હતા. તે મહારાજનો સાદ સાંભળીને દાદાખાચરે હજામને કહ્યું જે, “રાખ્ય, હજામત કરવી! મહારાજ બોલાવે છે.” પછી માથે લુગડું વીંટીને અક્ષરઓરડીએ આવ્યા ત્યારે મહારાજ બોલ્યા જે, “દાદા! ક્યાં હતો?” દાદાખાચર કહે, ‘મહારાજ! હું હજામત કરાવતો હતો.” મહારાજ કહે, “હજામત કરાવી રહ્યો?” ત્યારે કે, “ના, મહારાજ! અડધી હજામત બાકી છે અને તમે સાદ કર્યો એટલે હું આવ્યો.” મહારાજ કહે, “જો ને અમારો કેટલો વિશ્વાસ છે હજામત પડતી મૂકીને આવ્યા.” ॥૫૪॥

એક સમે મહારાજ અક્ષરઓરડીમાં વિરાજમાન હતા અને દાદાખાચર ક્યાંક ગામ ગયા હતા. તે સમે દાદાખાચર ઉપર ભાવનગરથી હલ્લા આવી. તે જોઈ સુરબાઈ મહારાજ પાસે અક્ષરઓરડીમાં ગયાં અને મહારાજને કહ્યું જે, “મહારાજ! દાદો ઘરે નહી અને દરબાર ઉપર હલ્લા આવી છે.” મહારાજ કહે, “સુરબાઈ! કાંઈ ફીકર કરશો નહીં. હું એકલો હજારો જણાનો નાશ કરીશ.” તે સાંભળી સુરબાઈ દરબારમાં આવ્યાં અને મહારાજ અક્ષરઓરડીમાંથી બખતર પહેરીને દરબારમાં આવ્યા. અને હાથમાં ઢાલ તથા તલવાર ધારણ કરી અને આવીને મહારાજે સુરબાઈને બોલાવ્યાં, મહારાજશ્રી કહે, “સુરબાઈ!” તે સાંભળી સુરબાઈએ મહારાજ સામું જોયું અને બોલ્યા જે, “મહારાજ! આ શું કર્યું?” મહારાજ કહે, “તમે કહેતાં હતાં ને દાદો ઘરે નથી.” તે સાંભળી દાદાખાચરના ફઈ સોમાબાઈ હતાં તેણે પોતાને ઓઢવાનું વસ્ત્ર કેડે બાંધ્યું હતું અને હાથમાં સાંબેલું લીધું અને માથાના કેશ છુટા મૂક્યા અને કપાળમાં કંકુનો લેપ કર્યો અને મહારાજના પડખે આવીને ઉભાં રહ્યાં,” તે જોઈ મહારાજ બોલ્યા જે, “આ શું?” સોમાબાઈ કહે, “હું મહાકાળીનો અવતાર છું તે સર્વનો નાશ કરું.” પછી હલ્લા દાદાખાચરની ડેલીએ આવી અને બંદુકના અવાજ કરવા મંડ્યા. તેમાં જે મોટેરો જમાદાર હતો તેના દારુમાં દેવતા ઉડીને પડ્યો, એટલે તે જમાદાર ઉછળી ઉછળીને ઊંચો પડવા લાગ્યો. તે જોઈ બધી હલ્લા ભાગી ગઈ અને મહારાજ સુરબાઈ પાસે આવીને બોલ્યા જે, “સુરબાઈ! હલ્લાં બધી ભાગી ગઈ.” સુરબાઈ કહે, “મહારાજ! તમારી આગળ કોનું ચાલે તેવું છે?” એમ કહી પગે લાગ્યાં ને મહારાજ અક્ષર ઓરડીમાં પધાર્યા અને બખતર ઉતારી પોતાનાં શ્વેત વસ્ત્ર પહેર્યાં અને સોમાબાઈ પોતાને ઘરે ગયાં. એવી રીતે મહારાજે અસુરનો પરાજય કર્યો. ॥૫૫॥

એક વખત મહારાજ લક્ષ્મીવાડીયે પધાર્યા હતા અને ત્યાં વાડીમાં વૈતાક બહુ જ સારાં થયાં હતાં. તે બે વૈતાક લાવી વાડીના રખવાળે મહારાજ પાસે મૂક્યાં. ત્યારે મહારાજ વૈતાક જોઈને બહુ જ રાજી થયા. પછી મહારાજ કહે, “આ બે વૈતાક કોઈ દરબારમાં પહોંચાડે અને અમે આવીએ ત્યાં થાળ તૈયાર થાય.” પછી બેચર ચાવડો કહે, “લાવો, મહારાજ! હું જાઉં.” પછી વૈતાક લઈ બેચર ચાવડો દરબારમાં આવ્યા અને મોટીબાને કહ્યું જે, “આ બે વૈતાકનો ઓળો કરો અને મહારાજ પધારે ત્યાં સુધીમાં થાળ તૈયાર કરો.” પછી મોટીબાએ વૈતાકનો ઓળો કરી બાજરીનો રોટલો સારો કરી અંદર ઘી ભર્યું. પછી મહારાજ વાડીયેથી દરબારમાં પધાર્યા અને થાળ જમીને બહુ જ રાજી થયા. ॥૫૬॥

દાદાખાચરને પરણાવવા માટે મહારાજે જાન જોડાવી અને નાગાજણ રાવળ કીર્તન બોલવા માંડ્યો જે ‘નારી પીચાશા વાકિ મત કરો આશા, બડે બડે કું બિગોયા વે...’ તે સાંભળી મહારાજ બોલ્યા જે, “માળા મૂરખ. તું ને આ જ કીર્તન આવડે છે કે બીજા આવડે છે? મેં માંડ માંડ દાદાને સમજાવીને ગાડીમાં બેસાર્યો અને તેં આ કીર્તન આદર્યાં.” મહારાજ કહે, “અત્યારે તું સીંધુ રાગના બોલ્ય.” પછી તે બીજા કીર્તન રસીક બોલવા માંડ્યો, ત્યારે મહારાજે સુરબાઈને કહ્યું જે, “કેમ? સુરબાઈ! તમે રાજી થયાં?” સુરબાઈ કહે, “મહારાજ! મારો દાદો પ્રથમ પરણ્યો ત્યારે આખું ગામ જમાડ્યું હતું અને આમ મારો દાદો છાનો માનો ન પરણે.” પછી મહારાજે લખુ કંદોઈ વગેરે કંદોઈને બોલાવ્યા અને શીરો તથા ગાંઠીયા કરાવી આખા ગામને જમાડ્યું અને મહારાજ જાન વળાવીને પાછળ માલપરા ગામે ભેગા થયા. ॥૫૭॥

મહારાજ થાળ જમતા હતા ને શુકમુનિ આવ્યા પછી મહારાજ થાળ જમીને બોલ્યા જે, “લ્યો, શુકમુનિ! થાળ.” તે વખતે મુળજી બ્રહ્મચારી મહારાજ પાસે બેઠા હતા. તે શુકમુનિ થાળની પ્રસાદી લેવા ગયા એટલે બ્રહ્મચારીએ આંખ્યું તાણી ત્યારે શુકમુનિ છેટે જઈને ઉભા રહ્યા. ત્યારે મહારાજ કહે, “શુકમુનિ! થાળ લ્યોને.” પણ શુકમુનિ કાંઈ બોલે નહિ. પછી મહારાજે બ્રહ્મચારીને કહ્યું જે, “શુકમુનિને થાળ દ્યો.” ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, “લ્યો, કૃપાનાથ!” પછી શુકમુનિ થાળની પ્રસાદી લઈને મુક્તાનંદ સ્વામી પાસે ગયા. ॥૫૮॥

એક વખત શુકસ્વામી લખતા હતા અને નહાવાનું મોડું થઈ ગયું. ત્યારે શુકમુનિ વિચાર કરવા મંડ્યા જે, “અત્યારે સંગાત મળશે નહી ને કોની સાથે નાહવા જઈશ?” પછી મહારાજ શુકમુનિ પાસે આવ્યા અને બોલ્યા જે, “શુકમુનિ! શું વિચાર કરો છો? અમે ક્યારેક નાહ્યા વગર ખાઈ લેતા.” પછી શુકમુનિ ઉઠીને ભંડારમાં જમી આવ્યા ને પછી મોડેથી નાહવા ગયા. ॥૫૯॥

શ્રીજીમહારાજ દરબારમાં સભા કરીને વિરાજમાન હતા અને ચોમાસું હતું ને વરસાદ બહુ જ વરસતો હતો. તે જોઈ જસુબાઈ મહારાજ પાસે આવીને બોલ્યા જે, “મહારાજ! મારી માંડ્ય પલળે છે.” તે સાંભળી મહારાજ એકદમ ઉઠ્યા અને નાજા જોગીયાને કહ્યું જે, “નિસરણી લાવ્ય.” પણ નિસરણી હાથ આવી નહી ત્યારે મહારાજ બોલ્યા જે, “મારા ખંભા ઉપર પગ દઈને ચડ્ય.” પછી નાજા જોગીયે નિસરણી લાવીને ચુવા બંધ કર્યો. ॥૬૦॥

વળી ઘડીક થયું ત્યાં પાંચુબાઈ આવ્યા અને મહારાજને કહ્યું જે, “મહારાજ! મારા કોઠા ઉપર ચૂવે છે.” તુરત મહારાજ પાંચુબાઈના ઓરડામાં પધાર્યા અને મહારાજે કહ્યું જે, “આ કોઠો આડો પાડો.” પાંચુબાઈ કહે, “મહારાજ! કોઠાના પાયા ભાંગી જાય.” મહારાજ કહે, “કોઠા હેઠે મોટો નાગ છે.” પછી કોઠો આડો પાડ્યો એટલે મોટો નાગ નીકળ્યો ને મહારાજની પાછળ ચાલ્યો અને મહારાજ દરબારમાં પધાર્યા અને નાગ મહારાજની પાછળ દરબારમાં ગયો. મહારાજ કહે, “એક મોટો ગોળો લાવો. તેમાં નાગને પુરો.” પછી ગોળાને વાંકો પાડી નાગ પાસે મેલ્યો એટલે નાગ પોતાની મેળે ગોળામાં પેઠો. પછી મહારાજે ઢાંકણી ઢંકાવીને મોં બંધાવ્યું ને મહારાજ કહે, “નારણધરાને માથે મોટું નહેરું છે ત્યાં મૂકી આવો.” પછી પાર્ષદ ગોળો માથે ઉપાડીને મૂકી આવ્યા. તે જોઈ રામપ્રતાપજી મહારાજને સંશય થયો જે, “ઘરે ચીભડી નીંદવા લઈ ગયા હતા ત્યારે ચીભડી ખેંચી કાઢતા અને અહીં કાઠીના ઘરની નોકરી કરે છે. જે સર્પ ઝલાવે છે. ચુવા બંધ કરાવે છે વગેરે કાઠીનું કામ કરે છે.” પછી મહારાજ અંતર્યામીપણે બોલ્યા જે, “સૌ સભા સાંભળો જે, કેટલાકને સંકલ્પ થતા હશે જે, કાઠીની નોકરી કરે છે અને ઘેર કાંઈ કામ કરતા નથી. પણ આ કાઠી નથી. આ તો સર્વે દેવ છે તે દેવની નોકરી હું કરું છું.” પછી રામપ્રતાપજી મહારાજ પોતાના મનમાં સમજ્યા જે, મહારાજે મારી ઉપર વાત કરી. ॥૬૧॥

મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને ગામ સરધારથી હશનભાઈ તથા નાથાને તેની માએ પોઠીયા ઉપર છાલકામાં બેસારી ગઢપુર લાવ્યાં અને દરબારમાં આવી છાલકું હેઠું ઉતાર્યું. તેમાંથી બન્ને ભાઈને બહાર કાઢ્યા. તે હશનભાઈ આઠવંકા હતા અને તેનો ભાઈ નાથો મુંગો હતો. તેને જોઈને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “મૂકં કરોતિ વાચાલં પંઙ્‍ગું લંઘયતે ગિરિમ્। યત્કૃપા તમહં વન્દે પરમાનંદં માધવમ્॥” પછી મહારાજે હસનભાઈના બે પગ ઉપર પોતાના બે પગ દબાવીને ડોક ઝાલીને ખેંચ્યો અને પછી મહારાજે ધક્કો માર્યો એટલે ચાલવા શીખ્યા અને મહારાજે કાઠીયોને કહ્યું જે, “એક ચકલી ઝાલીને નાથાનું મોં ફાડી અંદર ચકલી બોલાવો.” પછી કાઠીએ ચકલી ઝાલીને નાથાનું મોઢું ફાડીને અંદર ચકલી બોલાવી એટલે નાથો બોલવા શીખ્યો. પછી બન્ને ભાઈ વાડીયે સેવા કરવા મંડ્યા. ॥૬૨॥

એક વખત હશનભાઈ એકાદશી રહ્યા હતા અને સાંજ વખતે ભૂખ બહુ જ લાગી હતી. પછી મોટીબાને આવીને કહ્યું કે, “બા! મને ફરાળ આપો. મને બહુ જ ભૂખ લાગી છે.” ત્યારે મોટીબા કહે, “આ કોઠીમાં ચણા છે તે શેકીને ખા.” પછી ચણાને ઠીબડીમાં નાખી ઉપર દેવતા મૂક્યો અને વાસુદેવનારાયણના ઓરડાની ઓસરીયે બેસીને ચણા શેકતા હતા. તે વખતે મહારાજ લક્ષ્મીવાડીથી દરબારમાં આવ્યા અને ચોપદાર છડી બોલ્યો એટલે હશનભાઈને મહારાજની બીક લાગી જે, “મહારાજ ભાળશે તો મને ખીજાશે.” એમ જાણી પોતે ભાગ્યા તે હાથમાંથી ચણાની ઠીબડી પડી ગઈ ને ફળીમાં દેવતા તથા ચણા વેરાઈ ગયા અને મહારાજ દરબારમાં પધાર્યા પછી મહારાજે મોટીબાને પૂછ્યું જે, “આ ચણા કોણે ઢોળ્યા છે?” મોટીબા કહે, “મહારાજ! હશન ભૂખ્યો થયો હતો. તે ફરાળ માટે ચણા શેકતો હતો તે આવ્યા એટલે ભાગી ગયો છે.” પછી મહારાજ કહે, “બોલાવો હશનને.” પછી વાડામાં હશનભાઈ સંતાણા હતા ત્યાંથી બોલાવ્યા અને મહારાજ પાસે હાથ જોડીને ઊભા રહ્યા તે થરથર શરીર ધ્રુજતું હતું. મહારાજ કહે, “હશન! કેમ ચણા ઢોળ્યા?” હશનભાઈ કહે, “મહારાજ! એકાદશી હું રહ્યો છું. તે ભૂખ્યો બહુ જ થયો છું. તે ફરાળ માટે ચણા શેકતો હતો તે તમારા આવવાથી હું ભાગ્યો.” પછી મહારાજ કહે, “જા એકટાણું કરજે.” ॥૬૩॥

એક વખત ગઢડામાં હશનભાઈએ તમાકુનો વેપાર કર્યો હતો. તેમાં પોતાને ખોટ જાય એમ જણાવ્યું એટલે રામચંદ્ર કરીને ગામ રૂવાદના બ્રાહ્મણ હતા તેને કહ્યું જે, “આ તમાકુના વેપારમાં હાંસલ બહુ આવે તેમ છે માટે ગાડીયો ભરી સરધાર વેચવા જાઓ.” પછી ગાડા ભરી રામચંદ્રને હશનભાઈએ સરધાર મોકલ્યા અને મહારાજ સવારમાં નહાઈ ધોઈ પૂજા કરવા બેઠા. પછી મહારાજ કહે, “રામચંદ્ર ક્યાં?” પછી કોઈએ કહ્યું જે, “ભાંગ વેચવા મોકલ્યા.” મહારાજ કહે, “અમારી પાસે વિષ્ણુસહસ્રનો પાઠ કરતા હતા અને તેને ત્યાં ક્યાં મોકલ્યા? અને ગધાડાનો ભાર ગાય પાસે ક્યાં ઉપડાવ્યો? માટે બે અસ્વાર જઈ પાછા વાળો.” પછી બે અસ્વાર જઈ પાછા વાળી આવ્યા અને મહારાજે હશનભાઈને કહ્યું જે, “લાભ રહે તોય તારે ને ખોટ્ય જાય તો તારે માથે.” રામચંદ્ર તથા રતનેશ્વર તથા તેના માતુશ્રી ત્રણે જણ પોતાના ગામનો ત્યાગ કરી શ્રીજીમહારાજની સેવા માટે આવેલ હતા અને રામચંદ્ર શ્રીજીમહારાજ સવારમાં પૂજા કરવા બેસે ત્યારે વિષ્ણુસહસ્રનો પાઠ કરતા. પછી બન્ને ભાઈ બ્રહ્મચારી થયા. તે રામચંદ્રનું નામ પુરુષોત્તમાનંદ પાડ્યું અને રતનેશ્વરનું નામ ગોવિંદાનંદ પાડ્યું હતું. ॥૬૪॥

હશનભાઈએ એક વખત ગઢપુરમાં વેપાર કર્યો હતો અને તેમાં ખોટ્ય જાય તેવું જણાયું. પછી શ્રીજીમહારાજે ગામમાં સાદ પડાવ્યો જે જેને હશન પાસે લેણું હોય તો સુખેથી લેશો પણ દાદાખાચરને ને હશનને કાંઈ લેવા દેવા નથી એવો સાદ પડાવ્યો. પછી હશનભાઈ વહેલા ઊઠીને ભાવનગર જતા રહ્યા અને વહાણમાં બેસી સુરત ઉતર્યા અને સુરતમાં ગોપાળાનંદ સ્વામી હતા તેમના દર્શને ગયા. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, “હશનભાઈ! અહીં કેવા?” હશનભાઈ કહે, “ગઢપુરમાં શ્રીજીમહારાજે મારી લાજ લીધી.” સ્વામી કહે, “હવે ક્યાં જાશો?” હશનભાઈ કહે, “મુંબઈ જઈશ અને ગવર્નરને મળીશ અને ગઢડા પરગણું ઈજારે લાવીશ અને ગઢડાની બજારમાં ઘોડાગાડીયે બેસીને જ્યારે નીકળું અને ગઢડાનું મહાજન મને સલામ ભરે ત્યારે મારી લાજ રહે. સ્વામી કહે, “ગઢડામાં તારી લાજ જેણે લીધી તેને તમે શું જાણો છો?” હશનભાઈ કહે, “ભગવાન જાણું છું.” સ્વામી કહે, “ગવર્નરનું અંતઃકરણ ફેરવી નાખશે તો તમે શું કરશો?” પછી હશનભાઈ કહે, “સ્વામી! તમે કહો તેમ કરું?” પછી સ્વામી વડતાલ તેડી ગયા અને ત્યાંના કોઠારી કર્યા. ॥૬૫॥

એક વખત ગઢડામાં સ્વરુપાનંદ સ્વામીના શરીરે તાવ બહુ જ આવ્યો અને શરીરમાં બળતરા બહુ જ થાતી હતી અને શ્રીજીમહારાજે મલીયાગર ચંદન ઘસાવી પોતાના હાથે સ્વામીને ચરચ્યું તો પણ બળતરા મટી નહિ. પછી મહારાજ કહે, “સ્વામી! આ દરબાર તથા ઓરડાનું તથા નળીયાનું ધ્યાન કરો.” પછી સ્વામીએ દરબારમાં શ્રીજીમહારાજ પાંચસો પરમહંસ સહિત સભા કરીને બેઠા છે. એમ મહારાજની મૂર્તિ ધારી એટલે શરીરનો વ્યાધિ નાશ પામ્યો. તેનું કારણ મહારાજે દરબારનો મહિમા દેખાડ્યો અને સ્વરુપાનંદ સ્વામીને આત્મનિષ્ઠાનું બળ વિશેષ હતું. તે એક સંતને તાવ આવ્યો હતો અને તે તાવના વ્યાધિમાં બહુ મૂંઝાતા હતા. પછી સ્વરુપાનંદ સ્વામીએ તે સંતને કહ્યું, “મહાપુરુષ! ક્યા બોલતે હો દેહ તો ખલકા હે.” તે પર શ્રીજીમહારાજે આ બધું દેખાડ્યું. ॥૬૬॥

શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં વિરાજમાન હતા અને મુક્તાનંદ સ્વામી મહારાજના દર્શને ગયા. પછી સ્વામીએ મહારાજને પૂછ્યું જે, “મહારાજ! શાંતિ થાય તેવી વાત કરો.” પછી મહારાજ ઘેરથી ચાલ્યા અને સાત વર્ષ વનમાં ફર્યા અને જે જે વનમાં ચરિત્ર કર્યાં તે સર્વે સ્વામીને કહી દેખાડ્યાં તો પણ સ્વામી કાંઈ સમજ્યા નહીં. પછી વળી બીજે દિવસે સ્વામી મહારાજના દર્શને ગયા અને મહારાજને પૂછ્યું જે, “મહારાજ! શાંતિ થાય તેવી વાત કરો.” મહારાજ કહે, “કાલે કરી હતી ને?” તો પણ સ્વામી કાંઈ સમજ્યા નહી. પછી ત્રીજે દિવસે મહારાજના દર્શને ગયા ત્યારે મહારાજે કહ્યું જે, “સ્વામી! ગુજરાતમાં ફરવા જાઓ.” પછી મહારાજે ગાડું જોડાવી દીધું એટલે સ્વામી ફરવા ચાલ્યા. પછી સૌ સદ્‌ગુરુ સ્વામીને વળાવવા ગયા. પછી રાધાવાવે જઈ સૌ સદ્‌ગુરુ સભા કરીને બેઠા અને મુક્તાનંદ સ્વામીને ધાબળી પાથરીને તે ઉપર બેસાર્યા. પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “સ્વામી! તમને અચાનક મહારાજે ફરવાની આજ્ઞા કરી તે શું?” સ્વામી કહે, “હું ત્રણ દિવસ થયા મહારાજ પાસે જતો અને શાંતિ થયાની વાત પૂછતો એટલે મહારાજે ઉપર લખેલી વાત કહી.” પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “અહોહો! આટલું બધું મહારાજને તમારી સાથે હેત અને હું જ્યારે પૂછું જે મહારાજ તમે વનમાં શાં શાં ચરિત્ર કર્યાં? ત્યારે કહે જે હું ઘરેથી નીકળ્યો તે રામાનંદ સ્વામીને ભેગો થયો ને તમારી ઉપર બહુ જ હેત.” પછી મુક્તાનંદ સ્વામી બહુ જ દિલગીર થઈ ગયા ને સૌ સંત પાછા ગઢડે આવ્યા અને મુક્તાનંદ સ્વામી ચાલતા થયા. પછી નિત્યાનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, “મહારાજ! મુક્તાનંદ સ્વામી ઉપર તમારે આટલું બધું હેત.” પછી મહારાજ કહે, “સ્વામીને પાછા બોલાવો.” પછી બે સ્વારે જઈ સ્વામીને પાછા વાળ્યા. પછી સ્વામી ગઢપુર આવ્યા અને અક્ષરઓરડીમાં દર્શને ગયા ને પોતે કીર્તન કર્યું જે

ઠરવાનું ઠામ તમે મારું; બીજું સર્વે માયાનું એલારું રે

ઠરવાનું ઠામ તમે મારું.

તે કીર્તન સ્વામીએ કર્યાં. ॥૬૭॥

ગઢપુરમાં ઇચ્છારામજી મહારાજે દેહ ત્યાગ કર્યો અને વિમાનમાં બેસાર્યા. તે વખતે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા ને મહારાજ કહે, “કીર્તન બોલો ‘લગાડી તેં પ્રીતિ લાલ રે પ્રીતલડી તેં તો લગાડી.’ તે કીર્તન બોલો.” પછી ત્યાં પણ તે કીર્તન બોલાવ્યું. પછી ઇચ્છારામજી મહારાજને દેન દેવા પધાર્યા. ત્યાં મહારાજ સભા કરીને વિરાજમાન થયા અને સ્વામીને કહ્યું, “‘લગાડી તેં પ્રીતિ લાલ રે’ તે કીર્તન બોલો.” પછી ત્યાં પણ તે કીર્તન બોલાવ્યું અને અગ્નિસંસ્કાર કરી દરબારમાં આવ્યા અને દરબારમાં સભા કરીને તે કીર્તન બોલાવ્યાં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ કીર્તનમાં જેવું કહ્યું છે તેવું ઇચ્છારામજીને મારી સાથે હેત હતું.” ॥૬૮॥

એક વખત મહારાજ વાસુદેવનારાયણના ઓરડાના બારણા વચ્ચે ચાકળા ઉપર વિરાજમાન હતા અને એક સાકરના પાણીની તાંસળી ભરી અને એક લીંબડાની અંતરછાલના પાણીની તાંસળી ભરી. તે બેઉમાં આંગળી મહારાજ ફેરવતા હતા. પછી મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું જે, “સ્વામી! સાકર સારી કે લીંબડો?” સ્વામી કહે “મહારાજ! સાકર સારી.” મહારાજ કહે, “જેને પંચ વિષયરુપી રોગ ટળી ગયો છે તેને સાકર સારી ને જેને પંચવિષયરુપી રોગ છે તેને લીંબડો સારો.” તે ઉપર મહારાજે નિષ્કુળાનંદ સ્વામીનું ચોસઠ પદીનું કીર્તન બોલાવ્યું જે ‘કઠણ વચન કહું છું રે કડવા કાંકચ્યરુપ, દરદીને ગોળી દઉં છું રે સુખ થાવા અનુપ’ તે કીર્તન મહારાજ બોલ્યા. ॥૬૯॥

એક વખત શ્રીજીમહારાજ વડતાલ પધાર્યા હતા અને અહીં દાદાખાચરના ખળાં જીવાખાચરે રોકાવ્યાં હતાં અને મહારાજ વડતાલથી પધાર્યા પછી મહારાજે દાદાખાચરને પૂછ્યું જે, “દાદા! હજુ ખળાં કેમ પડ્યાં છે?” દાદાખાચર કહે, “મહારાજ! તમારી મરજી હશે.” મહારાજ કહે, “મારી મરજી આવી હોય કે? માગશર મહિના સુધી તારાં ખળાં પડ્યાં રહે?” દાદાખાચર કહે, “હા, તમારી મરજી સિવાય કાંઈ થાય નહી.” એમ મહારાજને દાદાખાચર વાત કરે છે ત્યાં જીવોખાચર મહારાજને પગે લાગવા આવ્યા. પછી મહારાજે પૂછ્યું જે, “જીવાખાચર! ક્યાં જાઓ છો?” જીવોખાચર કહે, “ભાવનગર ઘરકામે જાઉં છું.” મહારાજ કહે, “તમે ઘરકામ માટે જતા નથી. તમે તો દાદાનું વાંકું બોલવા જાઓ છો.” જીવોખાચર કહે, “દાદો તો મારો દીકરો કહેવાય અને તેને હું વાંકું બોલું?” મહારાજ કહે, “તમે મને શું જાણો છો?” જીવોખાચર કહે, “તમને હું ભગવાન જાણું છું.” મહારાજ કહે, “તમે ભાવનગર જશો પણ રાજાનું અંતઃકરણ કોઈ ફેરવી નાખશે.” પછી જીવોખાચર ભાવનગર ગયા અને વજેસિંહ દરબારને મળ્યા અને દરબારને કહ્યું જે, “સ્વામિનારાયણ ગુજરાતમાંથી આવ્યા છે. તે સાથે બસો માણસ છે તે હુંમલો કરીને દાદાના ખળાં લઈ લેશે. માટે પચાશ પોલીસ મેલો તો તેમનાથી નામ લેવાય નહી.” તે સાંભળી દરબાર આકુળ વ્યાકુળ થઈ ગયા અને બોલ્યા જે, “મેરુ દેસાઈને બોલાવ અને કાગળ ઝટ લખી આપ જે સ્વામિનારાયણ તો ભગવાન છે અને મારી ઉપર હુંમલો કરે. તો મારું ખોબલા જેટલું રાજ્ય જાય.” પછી દરબારે કાગળ લખી આપ્યો ને બે સ્વાર તૈયાર કર્યા અને સ્વારને કહ્યું જે, “આ કાગળ સવારમાં સ્વામિનારાયણને પહોંચાડવો.” પછી બે સ્વાર ઉમરાળે આવ્યા અને ઉમરાળેથી ગઢપુર આવ્યા. અહીં મહારાજે રાત્રે લાધા ઠકરને તથા દાદાખાચરને બોલાવીને કહ્યું જે, “સવારમાં આપણે ખળાં ભરવા જવાં છે તે વહેલો થાળ કરાવજો અને દાણા ભર્યાના બે માપ મંગાવો અને ખેડુને કહો એટલે સૌ તૈયાર થઈ રહે.” પછી લાધો ઠકર બોલ્યા જે, “મહારાજ! વીસ પોલીસ છે અને બીજા ચાળીશ સવારમાં મોકલશે તે માટે અહીંથી જીવોખાચર ગયા છે.” મહારાજ કહે, “તારે ચિંતા નહી.” પછી મહારાજ સવારે ચાર વાગે ઊઠી નહાઈ ધોઈ પૂજા કરી જમવા બેઠા અને મહારાજ કહે, “દહીં લાવો. આજ મંગળીક કરવાં છે.” પછી મહારાજ જમીને આથમણાબારના ઓરડાની ઓસરીયે થાંભલાને ઓઠીંગણ દઈને ચાકળા ઉપર વિરાજમાન થયા. તે વખતે ઉમરાળેથી બે સ્વાર આવ્યા અને મહારાજને પગે લાગી કાગળ આપ્યો. પછી મહારાજે લાધા ઠકરને કહ્યું જે, “આ કાગળ વાંચો.” પછી લાધા ઠકરે કાગળ વાંચી સંભળાવ્યો અને મહારાજ ખળાં ભરવા પધાર્યા. પછી જેવી જેને નીપજ હતી તે પ્રમાણે સૌના ખળામાં મહારાજે પરથારો મેલાવ્યો. આ વાત શ્રીજીમહારાજે વચનામૃતમાં લખી છે જે, “દાદાખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું તો પણ જેનું અંતઃકરણ જેવું હતું તેવું સૌને જણાયું છે.” ॥૭૦॥

શ્રીજીમહારાજ ગુજરાતમાં પધાર્યા હતા અને અહીંયાં દાદાખાચરને એભલખાચર સાથે કાંઈ બોલાચાલી થઈ તેથી દાદોખાચર તથા તેમની ચાર બહેનો રિસાઈને ચાલી નીકળ્યાં. તે રલીયાણાના માર્ગે જતાં તેમની ભેંશો ચરતી હતી ત્યાંથી એક સારી દુઝાણી ભેંશ સાથે લીધી અને રલીયાણે જઈને રાત રહ્યા. અને ચાલતી વખતે પટારામાંથી એંશી રૂપિયા લીધા હતા. પછી સાંજે ભરવાડે આવીને એભલખાચરને કહ્યું જે, “દાદો આપણી ભેંશ લઈ ગયો.” તે સાંભળી એભલખાચર બોલ્યા જે, “જા, આ પાડી મેલી આવ્ય. નહીંતર ભેંશ દોહવા નહીં દે અને છોરડાં દૂધ વિના શેમાં ખાશે?” પછી ભરવાડ રાતે જઈ પાડી મેલી આવ્યો અને સવારે પાંચે જણ ગાડું જોડાવી ગામ ગોખલાણે ગયાં અને ત્યાં પાંચ પંદર દિવસ રહ્યા. પછી મહારાજ ગુજરાતમાંથી પધાર્યા અને મહારાજને ભાળી પાંચે જણ રડી પડ્યાં. પછી મહારાજે સમજાવીને શાંત પાડ્યાં પછી બીજે દિવસે મહારાજ બોલ્યા જે, “અમે અહીંથી જાશું કેમ કે અમો અહીં રહીયે તો મેમાન આવે. તેને શું ખવરાવીએ અને તમારી પાસે શું છે?” દાદોખાચર કહે, “મહારાજ! ચાલતી વખતે એંશી રૂપિયા લીધા છે તે ખાતાં ખાતાં બાર રૂપિયા રહ્યા છે.” મહારાજ કહે, “અમારે કાઠી દર્શને આવે તેને દૂધ ચોખા ને સાકર ખવરાવવી જોઈએ.” એમ મહારાજે કહ્યું પછી મહારાજ માટે થાળ કર્યો. તે મહારાજ જમવા બેઠા. તે વખતે એક દશ વર્ષની કન્યા હાથમાં રૂપાની થાળી તેમાં સવાસો રૂપિયા અને તુલસીપત્ર અંદર નાખેલું તથા કંકુ અંદર નાંખેલું અને શ્રીજીમહારાજ જમતા હતા ત્યાં આવીને ઉભી રહી. તે જોઈ મોટીબા તથા લાડુબા એક બીજા સામું જોવા મંડ્યાં. ત્યારે મહારાજ બોલ્યા જે, “શું જોવા મંડ્યા છો?” પછી લાડુબાએ તે બાઈના હાથમાંથી તે થાળી લઈ લીધી એટલે બાઈ અદૃશ્ય થઈ ગયાં. પછી મહારાજ કહે, “આટલા રૂપિયા વાપરો. ત્યાં સુધીમાં હું ગઢપુર ભેગાં કરીશ.” પછી મહારાજે સુરાખાચરને કહ્યું જે, “તમે ગઢપુર જાઓ ને એભલખાચરને સમજાવો.” પછી સુરોખાચર ગોખલાણેથી સ્વાર થઈ ગઢપુર આવ્યા. અને ગામના પાદરથી ઘોડી દોડાવી દરબારમાં આવ્યા એટલે ઘોડી પરસેવે પલળી ગઈ અને પોતે પરસેવેથી પલળી ગયેલા. પછી એભલખાચરે સુરાખાચરને ઘોડીયેથી હેઠો ઉતાર્યા. તરત સુરાખાચરે પોક મેલી. એભલખાચર કહે, “શું છે?” સુરાખાચર કહે, “માઠા સમાચાર સાંભળી લોયેથી એકદમ આવ્યો છું.” એભલખાચર કહે, “શું?” સુરોખાચર કહે, “દાદાને કોઈએ મારી નાખ્યો.” તે સાંભળી એભલખાચર આકુળ વ્યાકુળ થઈ ગયા અને સુરાખાચરને કહ્યું જે, “દાદાને ક્યાંકથી ગોતી લાવો.” સુરોખાચર કહે, “ક્યાંથી લાવું?” પછી સુરોખાચર ગઢપુરથી ચાલ્યા અને ગોખલણે આવ્યા. પછી દાદાખાચરને તથા ચારે બહેનોને લઈ ગઢપુર આવ્યા અને એભલખાચરે સુરાખાચરને કહ્યું જે, “તમે મને જીવિતદાન આપ્યું.” અને બીજે દિવસે મહારાજ પધાર્યા. ॥૭૧॥

એક વાર મહારાજ ગઢપુરથી રીસાઈને ચાલી નીકળ્યા અને અહીંયાં સર્વેએ અન્ન જળનો ત્યાગ કર્યો. પછી બ્રહ્માનંદ સ્વામી તથા સુરોખાચર મહારાજને પછવાડે શોધ કરવા ગયા. તે જતાં જતાં મહારાજ વેજીશીયાળ પધાર્યા ને ત્યાંના સગરામ ભગતને મહારાજે કહ્યું જે, “મારે છાનું રહેવું છે.” પછી ત્યાંથી મહારાજ કાનેતર પધાર્યા અને ત્યાં સાર્દુળ તથા સગરામ કરીને બે ભગત હતા. તેને ત્યાં ગયા. મહારાજ કહે, “મને તમારા ઘરમાં સંતાડશો?” સગરામ કહે, “મારા ઘરમાં કાંઈ પટારો કે કબાટ નથી. પણ મારા ભાઈના ઘરમાં કોઠી છે.” પછી મહારાજ વંડી ટપીને તેના ભાઈને ઘેર ગયા અને વંડી ટપતાં મહારાજની મોજડી પડી ગઈ. ત્યારે સાર્દુળ ભગત બોલ્યો જે, “મહારાજ, બીજી મોજડી નાંખો નહીતર સ્વામીને કહી દઈશ.” પછી મહારાજે બીજી મોજડી ઉડાડી નાંખી તેટલી વારમાં બ્રહ્માનંદ સ્વામી તથા સુરોખાચર આવી પહોંચ્યા. પ્રથમ ગામ વેજીશીયાળ ગયા હતા અને ત્યાંના હરિભગતને કહ્યું, “અહીં મહારાજ પધાર્યા છે?” પછી તેણે કહ્યું, “મહારાજ તો કાનેતર પધાર્યા છે.” પછી સ્વામી તથા સુરોખાચર કાનેતર ગામ આવ્યા અને સગરામ ભગતને કહ્યું જે, “તારે ઘરે મહારાજ આવ્યા છે?” સગરામ કહે, “મારે ત્યાં નથી.” સ્વામી કહે, “તારા ઘરની જડતી લેવી પડશે.” ભગત કહે, “આ ઘર રહ્યું. જોઈ લ્યો.” મહારાજે સાર્દુળ ભગતને કહ્યું જે, “મને ક્યાંક સંતાડ્ય, સાર્દુળ કહે, “મહારાજ! આ કોઠી છે. તેમાં બેસી જાઓ.” પછી મહારાજ કચરાની કોઠીમાં પેઠા અને બ્રહ્માનંદ સ્વામી તથા સુરોખાચર સાર્દુળને ત્યાં આવ્યા ને સાર્દુળને કહ્યું જે, “અહીં મહારાજ છે?” તે સાંભળી સાર્દુળ કહે, “અહીં મહારાજ નથી.” સ્વામી કહે, “તારા ઘરની જડતી લેવી છે.” પછી કોઠીમાં બાઈઓના નવાં લુગડાંની પોટકી બાંધી હતી. તે છોડીને મહારાજે એક ઓઢવાનું ઓઢ્યું અને એક પહેર્યું ને બાઈઓના વચ્ચે ચાલ્યા. તે સમે બ્રહ્માનંદ સ્વામી તથા સુરોખાચર ફળીમાં ખાટલા ઉપર બેઠા હતા. પછી ત્રણે જણ ઘર બહાર એક બીજાના હાથ ઝાલીને નીસર્યા. તે જોઈ સ્વામી બોલ્યા જે, “આ બે તો તમારા બે ભાઈના ઘરના પણ આ ત્રીજી કોણ છે?” તે સાંભળી મહારાજ હસ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજને જોઈને ઉભા રાખી કીર્તન બોલ્યા જે,

વાતલડી રહોને રાતલડી, વાલા પુછું એક વાતલડી,

મોરલડી સાટે મનમોહન, દીધું વેલણ કોણે દાતલડી.

પછી નામાચરણ સ્વામી બોલ્યા જે,

જેને ઘરે રજની તમે જાગ્યા, કોણ હતી તેની જાતલડી,

બ્રહ્માનંદ કહે સંશય થયો નહી, ધન્ય છે તમારી છાતલડી.

પછી મહારાજને લઈને ગઢપુર પધાર્યા અને સૌને શાંતિ થઈ. ॥૭૨॥

એક વખત મહારાજે ગઢપુરમાં વસંતપંચમીનો સમૈયો કર્યો હતો અને દેશાંતરોના હરિભક્ત દર્શને આવ્યા હતા અને ગામ સારંગપુરના વાઘોખાચર તથા અમરોખાચર બન્ને ભાઈયે ગઢપુર આવવા વિચાર કર્યો. પણ પોતાને વ્યવહારે બહુ દુર્બળ સ્થિતિ. તેથી બન્ને જણે વિચાર કર્યો જે, “આપણે મહારાજને (માટે) શું ભેટ લઈ જશું?” પછી વાઘોખાચર બોલ્યા જે, “આપણે ગરીબ છીએ. તે ફૂલ નહી તો ફૂલની પાંખડી.” પછી બે જગન્નાથીના તાકા લઈ મહારાજને પહેરવાનાં વસ્ત્ર બધાં કરાવ્યાં અને એક તાકો મહારાજને માથે પાઘડી બંધાવવા લીધો. પછી બન્ને ભાઈ ગઢપુર આવ્યા અને દરબારમાં મહારાજ સભા કરીને વિરાજમાન હતા. પછી મહારાજે આજ્ઞા કરી જે, “જે પૂજા કરવી હોય તે કરો.” પછી દેશાંતરના હરિભક્તો ભારે ભારે પોશાક તથા દાગીના લાવ્યા હતા. તે મહારાજને પહેરાવ્યા. આ બે ભાઈયો વિચાર કરે છે જે, “આપણે આની આગળ શું હિસાબમાં? માટે કાંઈ ઉભા થવું નહી.” પછી મહારાજ બોલ્યા જે, “વાઘાખાચર! અમરાખાચર! લાવો, તમારો પોશાક.” પછી બન્નેએ કહ્યું જે, “આ તો મહારાજે માગી લીધુ.” પછી મહારાજની પાસે જઈ વસ્ત્રની પોટલી છોડી એટલે મહારાજ બોલ્યા જે, “વાઘાખાચર! અમરાખાચર! તમે શે જાણ્યું જે અત્યારે અમારે રંગ ઉડાડવો છે તે શ્વેત વસ્ત્ર જોઈએ. પણ બીજો પોશાક પહેરીને રંગે રમાય નહી.” પછી મહારાજ તેમનો પોશાક પહેરી રંગે રમ્યા. અને ઘેલે નહાવા પધાર્યા ને તેમનાં વસ્ત્ર પાછાં વાઘાખાચર તથા અમરાખાચરને આપ્યાં. પછી રાતે બે ભાઈ સુતા હતા. ત્યાં કપાસની વરખડીઓના જીવ આવી બોલવા મંડ્યા જે, “ધન્ય છે વાઘાખાચર ધન્ય છે અમરાખાચર! તમે અમારા જીવનો મોક્ષ કર્યો.” વાઘોખાચર કહે, “તમે કોણ છો?” ત્યારે તે બોલ્યા જે, “અમે તમોએ મહારાજને વસ્ત્ર પહેરાવ્યાં તે કપાસની વરખડીયુંના જીવ છીએ. તે અમે મહારાજના ધામમાં જાઈએ છીએ.” પછી સવારે ઉઠીને મહારાજના દર્શને આવ્યા. ત્યારે મહારાજ બોલ્યા જે, “કેમ, વાઘાખાચર! આજ રાતમાં શું દેખાણું?” વાઘાખાચરે બધી વાત સભામાં કહી દેખાડી. ॥૭૩॥

મહારાજને રંગે રમવું હતું અને અક્ષરઓરડીમાંથી દરબારમાં પધારતા હતા. અને પાછળથી રઘુવીરજી મહારાજ રંગનો ઘડો ભરીને લાવ્યા એટલે મહારાજે રઘુવીરજી મહારાજનો હાથ ઝાલ્યો. અને કહ્યું જે, “નહી, રઘુવીર! નહી, રઘુવીર!” રઘુવીરજી મહારાજ કહે, “મહારાજ! રંગ નાખીશ.” પછી રઘુવીરજી મહારાજે મહારાજની ઉપર રંગનો ઘડો ઢોળ્યો ને રંગના ભર્યા મહારાજ દરબારમાં પધાર્યા અને સંત તથા હરિજન મહારાજ સાથે રંગે રમવા મંડ્યા. તે રમતાં રમતાં દરબારમાં રંગના ગારાનો કીચડ થયો અને ઓરડાનાં નળીયાં બધાં લાલચોળ થઈ ગયાં. એટલી રંગની પીચકારી સંતોએ મહારાજ ઉપર ચલાવી હતી. પછી મહારાજ સખા સહિત ઘેલા નદીએ નાહવા પધાર્યા. ॥૭૪॥

એકવાર મહારાજ ઉગમણાબારના ઓરડે સભા કરીને વિરાજમાન થયા હતા. પછી મહારાજ બોલ્યા જે, “અમારે આત્મનિવેદી કરવા છે.” ત્યારે ઝીણાભાઈ કહે, “મહારાજ! હું આત્મનિવેદી થાઉં.” ત્યારે મહારાજ કહે, “તમારી રસોઈ કોણ કરશે?” ત્યારે ઝીણાભાઈ બોલ્યા જે, “વાલકી રસોઈ કરશે.” મહારાજ કહે, “વાલકી કોણ?” ત્યારે ઝીણોબાઈ કહે, “મારી ગોલી છે તે રસોઈ કરશે.” ત્યારે મહારાજ કહે, “વાલકી રસોઈ કરે ને તમે આત્મનિવેદી થાઓ?” પછી જસુબાઈએ મહારાજને કહ્યું જે, “મહારાજ! મારે ભટવદર જાવું નથી અને જો ભટવદર જાઉં તો હાથે રસોઈ કરીને જમું.” પછી મહારાજ કહે, “અમારે જેને આત્મનિવેદી કરવા હતા તે થયા.” તેનું કારણ જે મહારાજને દાદાખાચરને આત્મનિવેદી કરવા હતા. ॥૭૫॥

ગઢપુરમાં મહારાજ નિત્ય સવારમાં ઉઠી એક મોરને ચણ્ય નીરતા. તે જુવારની ટોપલી ભરીને પોતે ઢગલી કરે એટલે તે મોર આવીને મહારાજની સન્મુખ જુવાર ચણવા મંડે અને કોઈક વખત મોર બોલે ત્યારે કોઈ કહેશે, “મહારાજ! તમારો મોર બોલ્યો.” ત્યારે મહારાજ કહે જે, “અમારો મોર બોલે તે અમે ઓળખીયે છીયે. તે અમારો મોર સત્સંગી છે. અને આ તો કુસંગી મોર બોલે છે.” એમ મહારાજ કહેતા. ॥૭૬॥

ઉગમણાબારના ઓરડે મહારાજ સભા કરીને વિરાજમાન હતા અને માથેથી ચકલી ઉડીને ગઈ એટલે મહારાજ ઝબકી ગયા. ત્યારે મુળજી બ્રહ્મચારી બોલ્યા જે, “ઓય, રાંડ! ચકલી! મારા ભગવાનને બીવરાવ્યા.” એમ કહી મહારાજને રાજી કર્યા. ॥૭૭॥

એક દિવસ મહારાજ રાતે ઢોલીયા ઉપર સુતા હતા અને મોટો કાનખજુરો નિકળ્યો. એટલે મહારાજ બોલ્યા જે, “આ કરડે તો શું થાય?” ત્યારે સુરોખાચર બોલ્યા જે, “મહારાજ! તે કરડે તો સોજો ચડે.” પછી મહારાજ કહે, “આપણો ઢોલીયો અહીંથી ઉપાડો.” એમ મુળજી બ્રહ્મચારી પાસે ત્રણ વખત ઢોલીયો ફેરવાવ્યો. પછી બ્રહ્મચારીએ કહ્યું જે, “મહારાજ! તમે પોઢી જાઓ હું જાગું ને કાનખજુરાને નહી આવવા દઉં.” પછી મહારાજ પોઢી ગયા. ॥૭૮॥

વાસુદેવનારાયણના ઓરડા પાસે આથમણી ઓરડી છે. તેમાં નારાયણજીભાઈ પાસે ગોપીનાથજી મહારાજની પ્રતિમા કરાવતા હતા. અને બ્રહ્મચારી આનંદાનંદજીને તેમની સેવામાં રાખ્યા હતા ને મહારાજ દિવસમાં બે ચાર વખત નારણજીભાઈ પાસે જાય અને કહે જે, “જોજે હો! કારીગરના ભાવ આવે નહી. જેવુ મારું મુખારવિંદ છે, જેવા મારા હાથ તથા પગ છે તેવી જ મૂર્તિ કરજો.” અને પોતાની નાસિકા કાગળથી ભરીને નારણજીભાઈને આપી અને કહ્યું જે, “આવી નાસિકા કરજો.” અને જ્યારે મૂર્તિ સંપૂર્ણ થઈ રહી ત્યારે મૂર્તિને પડખે પોતે સૂતાને કહ્યું જે, “હવે, બરોબર મારા જેવડી મૂર્તિ થઈ.” અને જ્યારે ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી ત્યારે બે કલાક સુધી તેમાં પોતે અદૃશ્ય થઈ ગયા અને પડખે ઉભા રહીને પોતાનો હાથ ગોપીનાથજી મહારાજને માથે મૂક્યો અને મહારાજે કહ્યું જે, “બરોબર મારા જેવડી મૂર્તિ થઈ.” અને પછી પોતે આરતી ઉતારી ગોપીનાથજી મહારાજમાં લીન થયા. તે એક ઘડી સુધી કોઈને દર્શન થયાં નહી. પછી બાર નિસર્યા ને તે પછી પોતે રાધાવાવ પધાર્યા. ॥૭૯॥

ગામ બોટાદના કાના સોની પાસે મુળજી બ્રહ્મચારીએ મહારાજના જળ પીવા આબખોરો રૂપાનો કરાવ્યો. પછી કાના સોનીએ અંદરથી દોઢ રૂપિયા ભાર રૂપું કાઢી તાંબું ભેળવ્યું. તેનુ કારણ જે, “મહારાજને ગઢપુર લોટી દેવા જઈશું ત્યારે થાળ કરાવશું અને ઘડામણ આપણે લેવું નથી.” પછી લોટી લઈ ગઢપુર આવ્યા અને બ્રહ્મચારીને લોટી આપીને કહ્યું જે, “આજ મારો થાળ કરજો.” પછી બ્રહ્મચારીએ થાળ કર્યો અને મહારાજ જમવા બેઠા. પછી કાનો સોની મહારાજ પાસે હાથ જોડીને બેઠો. પછી મહારાજને કહ્યું જે, “મહારાજ! લોટી ઘાટમાં ને રુપમાં સારી થઈ છે?” મહારાજ કહે, “કાના! લોટી તો સારી છે પણ દોઢ રૂપિયો નોખો નહોતો પાડવો. આમાં રહેવા દેવો તો.” કાનો સોની કહે, “મહારાજ! હું ભૂલી ગયો. અમારો ધંધો તે મારાથી રહેવાણું નહી.” આ જીવ ભગવાનની ચોરી કરે તેવો છે. ॥૮૦॥

એક વખત મહારાજે દાદાખાચરને અક્ષરઓરડીયે બોલાવ્યા અને કહ્યું જે, “તમારો ગરાસ તમારી બે બહેનોને લખી આપો.” દાદાખાચર કહે, “બહુ સારુ, મહારાજ. બોલાવો લાધા ઠકરને.” પછી બે બહેનોને ગરાસ લખી આપીને મહારાજને કહ્યું જે, “મહારાજ! અમને ગાડું કરાવી આપો અમો બન્ને જણ કારીયાણી જઈએ.” પછી મહારાજે ગાડું કરાવી આપ્યું એટલે દાદાખાચર તથા જસુબાઈ ગાડામાં બેસી ચાલી નીકળ્યાં. પછી મહારાજે મોટીબા તથા લાડુબાને બોલાવ્યાં અને કહ્યું જે, “ગરાસ તમને દાદાખાચરે લખી આપ્યો છે અને રાજકોટ તથા ભાવનગર જ્યાં બોલાવે ત્યાં બન્ને બહેનો જજો.” મોટીબા બોલ્યાં જે, “મહારાજ! અમારે તમારી મૂર્તિ વિના કાંઈ જોતું નથી.” મહારાજ કહે, “હવે કેમ કરશું? બોલાવો દાદાખાચરને પાછા.” પછી સ્વાર જઈ દાદાખાચરને પાછા વાળી આવ્યા અને મહારાજે કહ્યું જે, “દાદાખાચર! કારીયાણી જઈને વસ્તાખાચરનાં ચાકર રહેતને. માટે અહીં રહો અને અહીં તમારી બહેનનું કામ કરો.” પછી દાદાખાચર કહે, “બહુ સારુ, મહારાજ! જેમ તમે રાજી થાઓ તેમ કરું.” ॥૮૧॥

મોટીબા તથા લાડુબા લાલજીની પૂજા કરતા હતા. પછી તેમના બાપુ એભલખાચરે કહ્યું જે, “આજ નાનપણથી આ શું લઈ બેઠાં છો? અને મારે ઘેર ઠાકોર દ્વારો હોય નહી. માટે લાલજી કોકને આપી દ્યો.” ત્યારે બેઉ બહેનો બોલ્યાં જે, “આ મૂર્તિ મૂક્યા જેવી નથી.” પછી એભલખાચર કહે, “એમ હોય તો મને કાંઈક પરચો આપો નહીંતર તમારા બન્ને બહેનોનાં માથાં કાપી લઉં.” પછી સાંજ વખતે દૂધનો કટોરો ભરી અંદર સાકર નાખી અને લાલજીની પ્રાર્થના કરીને કહ્યું, “હે, મહારાજ! અમે તમારાં ખરાં ભક્ત હોઈએ તો અમારી પ્રતિજ્ઞા રાખજો.” પછી એભલખાચરને બોલાવ્યા અને સામા ઊભા રાખ્યા. પછી લાલજી મહારાજે દૂધ પીને કટોરાનો ઘા કર્યો. તે એભલખાચરના પગમાં વાગ્યો. પછી એભલખાચર બન્ને બહેનોને પગે લાગ્યા અને કહ્યું જે, “તમે મારી દીકરીયું નથી. તમે તો દેવ છો. માટે સુખેથી લાલજીની પૂજા કરો.” ॥૮૨॥

ગઢપુરમાં એક સાંઢ હતો. તે એભલખાચરને છેટેથી ભાળી મારવા દોડતો અને એભલખાચરનો સાદ સાંભળી દોડીને મારવા આવતો. પછી મોટીબાએ મહારાજને વાત કરી જે, “મહારાજ! ગામમાં એક આખલો છે. તે મારા બાપુનો સાદ સાંભળીને મારવા દોડે છે. તેથી દરબાર બહાર નીસરી શકતા નથી.” પછી તે આખલો દરબારની ડેલીયે આવીને ઉભો હતો અને મહારાજ ત્યાં ગયા અને તે આખલાનાં બે શીંગડાં ઝાલી પાછે પગે માણેક ચોક સુધી લઈ ગયા. પછી તે આખલો એભલખાચરને ભાળે ત્યારે છેટે ભાગી જતો. ॥૮૩॥

એક વખત મહારાજ અક્ષર ઓરડીમાં વિરાજમાન હતા અને દાદાખાચરને ગાયુના વાછડા નથાવા હતા. પછી મહારાજ અક્ષરઓરડીમાંથી દરબારમાં પધાર્યા અને ખુરશી નાખી દરબારમાં બેઠા. અને કહ્યું જે, “કોઈ વાછરડાને પાડશો નહિ.” તે એમને એમ મૂક્યા અને છત્રીશ વાછડા હતા. તે એક સાથે મહારાજે નથાવ્યા. ॥૮૪॥

એકવાર મહારાજ સખા સહિત વડતાલ જવા માટે તૈયાર થયા હતા અને મહારાજ માણકી ઘોડી ઉપર સ્વાર થયા અને બીજા સખા તથા પાર્ષદ સૌ સ્વાર ફરી ઉભા રહ્યા. પછી મહારાજ બોલ્યા જે, “દાદો ક્યાં?” અને દાદો ખાચર ખંભે ખડીયો લઈ ઓસરીની કોરે ઉભા હતા. વળી ફરી મહારાજે પૂછ્યું જે, “દાદો ક્યાં?” પછી દાદાખાચરના મામા ઘેલો ઘાઘલ બોલ્યા જે, “મહારાજ! દાદો શા ઉપર બેસે?” મહારાજ કહે, “દાદાને દશ ઘોડાં છે.” ઘેલો ઘાઘલ કહે, “જુઓ આ બધા પાર્ષદ ચઢીને ઉભા.” પછી દાદાખાચરની ઘોડી ઉપર ભીમડાભી ચડ્યા હતા. તેને મહારાજે હેઠા ઉતાર્યા પણ દાદાખાચર મોઢામાંથી બોલ્યા નહી જે, અમારી ઘોડી ઉપર પાર્ષદ ચડ્યા છે. પછી મહારાજે આજ્ઞા કરી. એટલે ઘોડી ઉપર બેસી સૌ સ્વાર ચાલતા થયા. ॥૮૫॥

શ્રીજીમહારાજ એક માસ સુધી રથ ઉપર બેસીને નારાયણ ધરે નહાવા પધારતા હતા. તે રથમાં મુક્તાનંદ સ્વામી તથા દાદાખાચરને બેસાડતા અને પોતે રથ હાંકતા એમ એક માસ સુધી નારાયણ ધરે નહાવા પધારતા ને ત્યાં ઘણીક લીલા કરી છે. ॥૮૬॥

એક વખત અન્નકુટનો સમૈયો આવ્યો. પછી મહારાજે મોટીબાને કહ્યું જે, “અન્નકોટ કરાવો.” પછી અન્નકૂટ કરાવીને વાસુદેવનારાયણના ઓરડામાં વાસુદેવનારાયણની આગળ અન્નકૂટ ધરાવ્યો. તે શ્રીજીમહારાજ દિવ્ય સ્વરુપ ધારણ કરીને જમ્યા. તે સૌ સંતને તથા હરિજનને પ્રત્યક્ષ દર્શન થયાં તે જોઈને સૌને આશ્ચર્ય થયું. ॥૮૭॥

એક વખત ગામ ભેંસજાળના અંબારામ મહારાજ ગઢપુરમાં ભગવદાનંદ સ્વામી પાસે વિદ્યા અભ્યાસ કરતા હતા અને ગામમાં ભીક્ષાવૃત્તિ કરતા અને સુતારને ત્યાંથી બળતણ લાવતા. પછી સુતારોને એક દિવસ મહારાજ માટે થાળ કરવો હતો. તે આઠ જણાના થાળ હતા. પછી અંબારામ મહારાજને કહ્યું જે, “અંબારામ મહારાજ! આઠ ફૂલના હાર કરજો અને એક વાટકો ચંદન ઘસીને ઉતારજો.” પછી અંબારામ મહારાજે આઠ ફૂલના હાર વાડીયેથી ફૂલ વીણીને કર્યા અને ચંદન ઉતારીને વાટકો ભર્યો. પછી મહારાજ થાળ જમી રહ્યા કેડે સૌ સુતારે અક્ષરઓરડીમાં મહારાજની પૂજા કરી હાર પહેરાવ્યા. પછી અંબારામ મહારાજના મનમાં વિચાર થયો જે, “હું કેવો દુર્ભાગી જે, આઠ હાર કર્યા ને નવમો હાર કર્યો હોત તો હું પૂજા કરત.” એમ વિચાર કરતા હતા એટલે એના મનનો સંકલ્પ જાણી મહારાજ બોલ્યા જે, “લ્યો, દેવ! શેરડી વાંસે એરડા.” એમ કહી મહારાજનાં ચરણારવિંદ પોતાને કપાળે લીધાં. તે અરધાં આંખ્યું ઉપર ને અરધાં પાઘડી ઉપર તે પાઘડી તથા મોઢું ચંદન ચંદન થઈ રહ્યું અને પછી પોતે મહારાજ સામા ઉભા રહીને કીર્તન બોલ્યા જે- ‘અક્ષરભુવનમાં રે હરિ નીરખ્યા, જેને પરખવા હોય તેને પરખો, અક્ષરભુવનમાં રે’ એ કીર્તન આખું કરી મહારાજને સંભળાવ્યું અને મહારાજ બહુ રાજી થયા. ॥૮૮॥

એક વખત શ્રીજીમહારાજે શરીરે મંદવાડ ધારણ કર્યો હતો અને અક્ષરઓરડીમાં નિષ્કુળાનંદ સ્વામી દર્શને ગયા. ત્યારે મહારાજ બોલ્યા જે, “સ્વામી! ગાડી કરો તો આપણે સાલેમાળ પર્વતમાં તપ કરવા જઈએ.” સ્વામી કહે, “બહુ સારુ, મહારાજ.” પછી સ્વામીએ લાકડાં ભેગાં કરીને દરબારમાં ગાડી કરવા બેઠા. તે વાતની નિત્યાનંદ સ્વામીને ખબર પડી એટલે નિત્યાનંદ સ્વામી દરબારમાં આવ્યા અને સ્વામીને કહ્યું જે, “શું કરો છો?” સ્વામી કહે, “મહારાજને તપ કરવા જાવું છે તે ગાડી કરું છું.” નિત્યાનંદ સ્વામી કહે, “આસને જઈને બેસો.” પછી સ્વામી આસને ગયા અને નિત્યાનંદ સ્વામીએ એક સાધુને મોકલી અક્ષરઓરડીમાં ખબર કઢાવી જે, “મહારાજ! શું કરે છે?” સાધુએ આવીને કહ્યું જે, “મહારાજ પોઢી ગયા છે.” પછી નિત્યાનંદ સ્વામી ચાર સંત લઈ અક્ષરઓરડીમાં ગયા ને બેને પાંગત્યે બેસાર્યા અને પોતે મહારાજની પાસે બેઠા. પછી બે સંતે મહારાજનો ઢોલીયો તાણ્યો અને બીજા બે સંતે પાછો હડસેલ્યો. એમ બે ચાર વખત કર્યું એટલે મહારાજે મોઢા ઉપરથી વસ્ત્ર ઉઘાડીને જોયું અને કહ્યું જે, “આ શું થાય છે?” નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “સાલેમાળમાં ગાડી જાય છે તે રોદા આવે છે એટલે ગાડી ઉંચાનીચી થાય છે.” મહારાજ ઊંચું જોઈને બોલ્યા જે, “ગપાં શું મારો છો? હું તો અક્ષરઓરડીમાં છું.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, “તમે શું ગપાં મારો છો? જે આવા માંદા છો ને તપ કરવા જાઓ છો!” પછી મહારાજ કાંઈ બોલ્યા નહીં અને નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, “તમે પધારો તો આ બધાને આધાર શો?” પછી મહારાજ કહે, “જેમ તમે રાજી થાશો તેમ કરશું.” પછી નિત્યાનંદ સ્વામી આસને ગયા. ॥૮૯॥

ગામ પીપળવાના પ્રભાશંકરભાઈ ગઢપુરમાં મહારાજના દર્શને આવ્યા હતા અને અક્ષરઓરડીને પછવાડે ઉતર્યા હતા. પછી રાતના બે વાગે ઉઠીને ભજન કરતા જે, “હે દયાનિધિ! હે દયાનિધિ!” એમ બોલતા હતા. તે સાંભળી મહારાજે માનસંગ પાળાને પૂછ્યું જે, “આ કોણ બોલે છે?” માનસંગ કહે, “તે તો ઓલ્યો પ્રભાશંકર બોલે છે.” મહારાજ કહે, “શું કહે છે?” માનશંગ કહે, “દયા નથી. દયા નથી. એમ કહે છે.” પછી મહારાજ કહે, “બોલાવો અહીં.” પ્રભાશંકરભાઈને અક્ષરઓરડીમાં બોલાવ્યા અને મહારાજે પૂછ્યું જે, “પ્રભાશંકર! શું કહેતા હતા?” પ્રભાશંકર કહે, “મહારાજ! દયાનિધિ દયાનિધિ કરતો હતો.” મહારાજને માનસંગ કહે, “તે તો બ્રાહ્મણ બીહીનો પણ તમારે ક્યાં દયા છે? અને જો દયા હોય તો આવી ટાઢ્યના સંત જ્યાં ત્યાં પડ્યા રહે છે માટે હું કહું છું કે દયા નથી.” મહારાજ કહે, “સગડી કરી લાવ્ય, તાપીયે.” પછી સગડી કરી મહારાજ પાસે લાવ્યા એટલે સૌ ભેળા થયા અને પછી મહારાજ બોલ્યા જે, “આજ અમારે એક પ્રકરણ કરવું છે. જે એક ગોદડું આપે તેને એકવાર છાતીમાં ચરણારવિંદ આપવાં અને બે ગોદડાં આપે તેને બે વાર ચરણારવિંદ આપવાં.” પછી દાદોખાચર બોલ્યા જે, “મહારાજ! મારાં સો ગોદડાં.” વસ્તોખાચર કહે, “મારાં સો ગોદડાં.” સુરોખાચર કહે, “મારાં સો ગોદડાં.” ને ગામના માણસને ખબર પડી ત્યારે ગામનાં માણસ પોતાની શ્રદ્ધા પ્રમાણે ગોદડાં લઈને આવ્યા. એક મેઘો સુતાર હતો તે ચોફાળ લઈને આવ્યો. તેણે ચોફાળ મહારાજને આપ્યો. પછી મહારાજે કહ્યું જે, “તારે ગોદડું નથી?” મેઘો કહે, “મહારાજ! હું તો મારા મામાનો નોકર છું એટલે મારે નોકરને ગોદડું ક્યાંથી હોય? માટે મારે ચોફાળ છે તે લઈને આવ્યો છું.” મહારાજ કહે, “લાવ્ય, તારો ચોફાળ હું ઓઢું.” એમ કહી મહારાજે તેનો ચોફાળ ઓઢ્યો અને કહ્યું જે, “તને સાથીને કોણ આપશે? માટે પાછો લઈ જા.” પછી તેને ચોફાળ મહારાજે પાછો આપ્યો. ॥૯૦॥

એક વખત શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં રાત્રે પોઢી ગયા હતા અને શીયાળાની રાત હતી તેથી સગડી ઢોલીયા પાસે મેલી હતી અને મુળજી બ્રહ્મચારી તથા નાજા જોગીયા ઊંઘી ગયા હતા. અને ગોદડીનો છેડો સગડીમાં પડ્યો એટલે ગોદડી બળી ગઈ. પછી મહારાજ જાગ્યા અને નાજા જોગીયાને કહ્યું જે, “ચાલો, આપણે જાતા રહીયે કેમ કે ગોદડી બળી ગઈ એટલે આપણે શું જવાબ દેશું?” પછી નાજા જોગીયા કહે, “મોટીબાને ખબર કરી આવીયે.” પછી નાજા જોગીયા દરબારમાં આવી મોટીબા તથા લાડુબાને વાત કરી જે, “મહારાજને ઓઢવાની ગોદડી બળી ગઈ. તે સારુ મહારાજ કહે છે જે આપણે જાતા રહીયે.” પછી મોટીબા તથા લાડુબા બોલ્યા જે, “મહારાજને કહેજો જે તમારો મેલ લઈને ગોદડી બળી ગઈ અને એવી ગોદડી અમારે એક એક બહેનને સો સો છે.” તે વખતે મહારાજે બાઈયોને દર્શનની બંધી કરી હતી. પછી નાજે જોગીયે મહારાજને વાત કરી એટલે મહારાજ બોલ્યા જે, “આપણે એની ગોદડી બાળી તોપણ અભાવ લેતાં નથી. માટે બાઈયોને બોલાવો જે કમાડની તડ્યેથી દર્શન કરે.” પછી નાજા જોગીયા મોટીબા આદિક સૌ બાઈયોને બોલાવી લાવ્યા અને કમાડની તડ્યેથી મહારાજનાં દર્શન કર્યા એટલે ગોદડી ઊંચી કરીને દેખાડી. ત્યારે મોટીબા તથા લાડુબા બોલ્યાં જે, “મહારાજ! ગોદડી બળી ગઈ. તે ખેર તમારો મેલ લઈને ગઈ.” પછી મહારાજ કહે, “આપણે તેમનાં ગોદડાં બાળીયે છીયે તોય અભાવ નથી. માટે નાજા જોગીયા બારણું ઉઘાડો સૌ દર્શન કરે.” પછી અક્ષરઓરડીનું બારણું ઉઘાડ્યું એટલે સૌએ દર્શન કર્યા અને નવી ગોદડીયું લાવી મહારાજને ભેટ કરી. ॥૯૧॥

મહારાજ નિત્યે દાતણ કરતા ત્યારે દાતણની ચીરયું કરી ફળીયામાં નાંખતા અને બે ચીરયું સવળી પડે ત્યારે મહારાજ બોલે જે, “લાડુબા! આજ બે ચીરું સવળી પડી છે. માટે મિષ્ટાન્ન જોઈએ.” અને જ્યારે એક ચીરય સવળી પડે ત્યારે મહારાજ કહે કે, “લાડુબા! આજ અરધુ મિષ્ટાન્ન જોઈએ.” એમ નિરંતર મહારાજ દાતણ કરી પોતાના ભક્તજનને સંભળાવતા. ॥૯૨॥

અગણોતેરા કાળમાં મહારાજ અક્ષરઓરડીમાં ભંડક હતું, તેમાં છાના રહેતા. અને માથે જટા વધારી હતી અને પોતે પાણી પીવા માટે કચરાનો લોટકો રાખ્યો હતો. એટલે સૌને સૂચના આપતા જે આગળ દુકાળ પડવાનો છે માટે સૌ દોરાં વેચી તથા ઘરેણાં વેચી અનાજનો સંગ્રહ કરજો. અને મહારાજે ખીમા સુતારને કહ્યું જે, “તારે કેટલાં ઘરબાર છે?” ત્યારે ખીમો સુતાર કહે, “મહારાજ! બે છે.” મહારાજ કહે, “તેને વેચી દે.” ત્યારે ખીમો સુતાર કહે, “મહારાજ! એક ઘરડું છે. તે કોઈ લે તેવું નથી અને એક સારું છે.” મહારાજ કહે, “તેને વેચ ને અનાજ લે.” એમ તેને મહારાજે રમુજમાં વાત કરી હતી. ॥૯૩॥

અક્ષરઓરડીના ભંડકમાં મહારાજને દાંત બંધાવવા હતા. પછી કારીગર સોનીને બોલાવી સોનાના વાળાથી મહારાજે દાંત બંધાવ્યા. તે સમે સદ્‌ગુરુ બ્રહ્મચારી આનંદાનંદજી મહારાજને કોગળા કરાવવા માટે પાણીનો લોટો લઈ ઉભા હતા. પછી મહારાજે દાંત બંધાવ્યા તે પછી મહારાજને કોગળા કરાવ્યા અને પછી મહારાજે (સોનીને) રજા આપી ને પોતાના આસને ગયા. ॥૯૪॥

એક સમે મહારાજ સભા કરીને વિરાજમાન હતા. મહારાજે એવું પ્રકરણ કર્યું હતું: “જેને ડોલું આવે તેને સોપારીનો બેરખો કર્યો હતો તે મારતા (તે જેને મારે) તે બેરખો મહારાજને આપીને તડકામાં જઈ ઉભા રહેતા.” પછી બ્રહ્માનંદ સ્વામી સભામાં ડોલા ખાતા હતા તેને મહારાજે બેરખો માર્યો. મહારાજ કહે, “તમે કેમ ડોલાં ખાતા હતા?” સ્વામી કહે, “હું કીર્તનની કડી ગોઠવતો હતો. હું ક્યાં ડોલાં ખાતો હતો?” હું મહારાજ કહે, “કીર્તનની કડી ગોઠવતા હો તો બોલો કીર્તન.” ત્યારે સ્વામી કહે, “માંડો ઝીલવા.” પછી સ્વામી કીર્તન બોલ્યા જે:

‘તાર ચટક રંગીલો છેડલો અલબેલા રે,

કાંઈ નવલ કહ્યુંબી પાઘ રંગના રોલા ર.’

એ ચાર કીર્તન તત્કાળ કરીને બોલ્યા અને પોતાનું વચન સિદ્ધ કર્યું એવા શીઘ્ર કવિ હતા. ॥૯૫॥

બીજે દિવસે સભામાં મુક્તાનંદ સ્વામીને ડોલું આવ્યું એટલે મહારાજે સ્વામીને બેરખો માર્યો. તે બેરખો મહારાજને આપીને તડકે જઈને ઉભા રહ્યા. પછી ઘડીક થયું ત્યાં મુળજી બ્રહ્મચારી મહારાજના ઢોલીયા પાસે બેસીને ઊંઘતા હતા અને નાખોરાં બોલતાં હતાં. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! મુક્તાનંદ સ્વામીને બેરખો માર્યો અને મુળજી બ્રહ્મચારી પાડીની પેઠે નાખોરાં બોલાવે છે. તેને કેમ બેરખો મારતા નથી અને પક્ષપાત કરો છો?” મહારાજ કહે, “તે તો અમારી સેવામાં છે.” સ્વામી કહે, “ઊંઘમાં શી સેવા કરે છે?” મહારાજ કહે, “ઊંઘમાં અમારી સેવા કરે છે.” તોપણ સ્વામીએ માન્યું નહી. પછી મહારાજે બ્રહ્મચારીને બેરખો માર્યો એટલે એકદમ ઉઠીને મહારાજને ગાદલાં સુધા (સહિત) લઈ એકદમ નાઠા એટલે સૌ બોલવા મંડ્યા જે, “હં બ્રહ્મચારી! હં બ્રહ્મચારી!” બ્રહ્મચારી કહે, “મેં જાણ્યું જે અગ્નિ થયો છે. તે મહારાજને લઈને જતો રહું.” ત્યારે મહારાજ કહે, “જુઓ, અમારી ઊંઘમાં સેવા કરે છે કે નહીં.” ત્યારે સૌએ હા પાડી એવી પ્રીતિવાળા હતા. ॥૯૬॥

એક વખત અક્ષરઓરડીમાં શ્રીજીમહારાજ વિરાજમાન હતા અને બ્રહ્માનંદ સ્વામી દર્શને આવ્યા. ત્યારે મહારાજ કહે, “તમે કેવા સત્સંગી થયા છો?” સ્વામી કહે, “અમે ખરેખરા સત્સંગી થયા છીયે.” ત્યારે મહારાજ કહે, “અમે શું કરતા હતા તે કહો.” ત્યારે સ્વામી કહે, “એવા સત્સંગી અમે નથી થયા.” ત્યારે મહારાજ કહે, “એવા અમારા સત્સંગી તો પર્વતભાઈ તથા ગોરધનભાઈ તથા વશરામભાઈ તથા સચ્ચિદાનંદ સ્વામી તે છે તે અમને ત્રણે અવસ્થામાં દેખે છે.” ॥૯૭॥

એક વખત અક્ષરઓરડીમાં શ્રીજીમહારાજ વિરાજમાન હતા અને સોમલાખાચર માથે લુગડું ઓઢીને ધ્યાન કરવા બેઠા હતા. ત્યારે સુરોખાચર બોલ્યા જે, “કાણાસે મોઢો ઢાંકેસ? મોઢું ઢાંકીને તારે કોને જોવા છે? આગળ બેઠા તેને જોવો ને.” પછી સોમલાખાચરે મોઢા ઉપરથી વસ્ત્ર લઈ મહારાજ સામું જોઈને બેઠા. ॥૯૮॥

મહારાજ નિરંતર રઘુવીરજી મહારાજને ત્યાં જમવા પધારતા હતા અને રઘુવીરજી મહારાજના ઘરનાં લાજ કાઢીને મહારાજને જમાડતાં હતાં. ત્યારે મહારાજ બોલ્યા જે, “લાજ કાઢો છો ત્યારે ધ્યાન કોનાં કરશો? હું કોઈનો સસરો નથી. હું તો સર્વનો બાપુ છું.” એમ મહારાજ મર્મમાં બોલ્યા એટલે રઘુવીરજી મહારાજના ઘરનાં રાજી થયાં. ॥૯૯॥

અક્ષરઓરડીમાં મહારાજ વિરાજમાન હતા અને સુરોખાચર મહારાજના દર્શને ગયા અને અક્ષરઓરડીની પછવાડે માણકી ઘોડી બાંધી હતી. ત્યારે મહારાજ બોલ્યા જે, “સુરાખાચર! આ શું બાંધ્યું છે?” ત્યારે સુરોખાચર કહે, “મહારાજ! ઘોડી બાંધી છે.” ત્યારે મહારાજ કહે, “ઘોડી નહી, ગરૂડ બાંધ્યો છે.” સુરોખાચર કહે, “ના, મહારાજ! ઘોડી છે.” પછી સુરાખાચરે ઘોડી સામું જોયું એટલે ઘોડી પાંખુ ફફડાવવા મંડી. ત્યારે સુરાખાચર બોલ્યા જે, “મહારાજ! આ તો ગરૂડ દેખાય છે.” ॥૧૦૦॥

અક્ષરઓરડીમાં મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી શ્રીજીમહારાજના દર્શને ગયા અને મહારાજ થાળ જમીને હાથ લુઈને હાથમાં રૂમાલ લઈને વિરાજમાન હતા. પછી બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કહ્યું જે, “સ્વામી! આ શું?” ત્યારે સ્વામી બોલ્યા જે, “તે તો રૂમાલ છે.” ત્યારે મહારાજ બોલ્યા જે, “નહીં તરવાર છે.” ત્યારે સ્વામી કહે, “નહીં, મહારાજ! રૂમાલ છે.” ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “સ્વામી! રૂમાલનું નામ મહારાજે તરવાર પાડ્યું છે. માટે તરવાર કહોને.” ત્યારે સ્વામી કહે, “હું તો હોય તેવું કહું.” પછી મહારાજે રૂમાલ ઊંચો કર્યો એટલે સ્વામીને તરવાર દેખાણી. ॥૧૦૧॥

અક્ષર ઓરડીની ખડકીએ મહારાજને દાતણ કરવાનો ઓટો હતો. તે એક વખત કૂતરે ઝાડે ફરીને બગાડ્યો હતો અને રતનજી તથા મીંયાજી નાવા ગયા હતા. અને જે મહારાજના દર્શને આવે તે બોલતા આવે જે, “મહારાજને દાતણ કર્યાનો ઓટો કૂતરે બગાડ્યો છે.” પણ કોઈ સાફ કરે નહીં. એમ જે આવે તે બોલ્યા કરે. પછી ઘડીક થયું એટલે રતનજી તથા મીંયાજી ઘેલેથી નાહીને આવ્યા. તેણે ઓટો બગાડેલ જોયો એટલે પોતાના વસ્ત્ર એક તરફ મૂકી ઓટો સાફ કરી લીપી નાંખ્યો. ત્યારે મહારાજ બોલ્યા જે, “હવે ઘરના ધણી આવ્યા તેથી બોલાહ મટ્યો. જે ઘરનો ધણી હોય તેને ઘરની ફીકર હોય, જે કાંઈ પડ્યું-આખડ્યું-બગડ્યું તેની ખબર રાખે. તેમ તમો સૌ બોલતા હતા જે, મહારાજને દાંતણ કર્યાનો ઓટો કૂતરે બગાડ્યો છે. પણ રતનજી તથા મીયાંજી આવ્યા; તેણે બોલાહ અળસાવ્યો. તેને ઘરના ધણી જાણવા.” ॥૧૦૨॥

એક વખત મહારાજ ઉગમણાબારના ઓરડે લોઢાની સાંકળ ઝાલીને ઊભા હતા અને પ્રાગજી દવે મહારાજ પાસે ઊભા હતા. તે સમે શેખજી મહારાજના દર્શને આવ્યા તેને મહારાજે કહ્યું જે, “તમારે કેટલી બીબી છે?” ત્યારે શેખજી કહે જે, “મારે બે બીબી છે.” ત્યારે મહારાજ કહે, “એક પ્રાગજી દવેને આપો.” ત્યારે શેખજી કહે, “બહુ સારુ, મહારાજ!” ત્યારે મહારાજે પ્રાગજી દવેને કહ્યું જે, “કેમ, દવે! તમારે ખપશે?” દવે કહે, “મહારાજ! રોટલા હું કરીશ પણ જેવું હોય તેવું ચાલશે.” પછી મહારાજ બોલ્યા જે, “માળો ભણ્યો તોય. ગધાડો ને ગધાડો રહ્યો. જે પોતે બ્રાહ્મણ છે અને તે મુસલમાન છે એની એ ખબર છે. એવી કામવાસના છે તે ભૂંડી છે તે નાતજાત જાણે નહીં.” ॥૧૦૩॥

એક વખત મહારાજ પાંચુભાઈને ઓરડે પધાર્યા અને પાંચુબાઈ બેઠાં હતાં. પછી મહારાજે કહ્યું જે, “પાંચુબાઈ! શું કરો છો?” પછી પાંચુબાઈ બોલ્યાં જે, “મહારાજ! માળા ફેરવું છું.” પછી મહારાજ બોલ્યા જે, “અમે તમારા પડોશમાં રહેવા આવશું.” તે વાત લાડકીબાઈ ગામ મેઘપુરવાળાં, તેમણે સાંભળી, એટલે વાસુદેવ નારાયણના ઓરડામાં જઈ રડવા લાગ્યાં. ત્યારે મોટીબાએ તથા લાડુબાએ પૂછ્યું જે, “લાડકી! શા માટે રડે છે?” લાડકીબાઈ કહે, “મહારાજ પૃથ્વી ઉપર નહીં રહે. કેમ કે ગોપીનાથજી મહારાજ પધરાવ્યા અને પાંચુબાઈ ને કહ્યું જે, અમે તમારા પડોશમાં રહેવા આવશું.” પછી મોટીબા તથા લાડુબા બોલ્યાં જે, “તે વાત કદી હોય નહીં.” લાડકીબાઈ કહે, “જરૂર, મહારાજ ઉદાસ થયા છે માટે જરૂર ધામમાં પધારશે.” ॥૧૦૪॥

ગઢડામાં કરશન ભાવસાર હતો. તે શરીરે માંદો બહુ હતો. પછી તેમના ભત્રીજા હકો ભાવસાર મહારાજ પાસે આવ્યા અને મહારાજને કહ્યું જે, “મહારાજ! મારા કાકા બહુ જ માંદા છે. માટે જોવા પધારશો?” મહારાજ કહે, “હા, ચાલો.” પછી કહે ભાવસારે આગળ જઈ ઢોલીયો પાથરી મેલ્યો અને પાથરણાં પાથર્યાં અને મહારાજ માટે સાકરનો તાંસ ભરીને તૈયાર કર્યો અને મહારાજ તેને જોવા પધાર્યા. તેની ખડકીમાં મહારાજ પેઠા એટલે કરશન ભાવસારના હાથે લોઢાનું કડું પહેરાવ્યું હતું તે મહારાજે ભાળ્યું. તે જોઈ મહારાજ પાછા વળ્યા. સૌ કહે, “કેમ, મહારાજ, પાછા વળ્યા?” મહારાજ કહે, “એને અમારો ક્યાં વિશ્વાસ છે? એને તો લોઢાના કડાનો વિશ્વાસ છે.” એમ કહી મહારાજ પાછા દરબારમાં પધાર્યા. ॥૧૦૫॥

મહારાજ સવારમાં ઊઠી દરબારમાં આંબલી નીચે ઓટા ઉપર બેસી દાંતણ કરતા હતા અને આનંદ બ્રહ્મચારી તથા વાસુદેવ બ્રહ્મચારી બન્ને જણ ઝોળી માગવા નીકળ્યા હતા. ત્યારે મહારાજ કહે, “ક્યાં જાઓ છો?” બન્ને જણ હાથ જોડી બોલ્યા જે, “મહારાજ! ઝોળી માંગવા જઈએ છીએ.” મહારાજ કહે, “મને એક-એક પ્રશ્ન પુછો; પછી જાઓ.” પછી આનંદ બ્રહ્મચારીએ પૂછ્યું, તે સાંભળી મહારાજ બોલ્યા જે, “આ મુળજી બ્રહ્મચારી જેવો થાશે, ને સ્ત્રી ધનમાં લેવાશે નહીં.” પછી વાસુદેવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું તે સાંભળી મહારાજે કહ્યું જે, “આ શુક સ્વામી જેવો બુદ્ધિવાન થશે.” એમ મહારાજે બેઉની પ્રશંસા કરી. પછી રજા આપી એટલે પગે લાગીને ચાલી નીકળ્યા. ॥૧૦૬॥

ગઢડામાં દેવજી ગોસાળીયો કરીને જીવાખાચરનો કારભારી હતો તે મહારાજ સામું જોતો નહીં. પછી એક દિવસ મહારાજે જીવાખાચરને કહ્યું જે, “તમારો કારભારી મારી સામું જોતો નથી.” ત્યારે જીવોખાચર બોલ્યો જે, “મહારાજ! આજ એને તમારાં દર્શન કરાવું.” પછી જીવોખાચર આગળથી જઈને તેની દુકાને બેઠા અને પાછળથી મહારાજ તથા પાર્ષદ તેની દુકાને પધાર્યા એટલે વાણીયો નીચું જોઈ ગયો. પછી મહારાજે તેનું માથું ઝાલી ઊંચું કર્યું ને મહારાજ બોલ્યા જે, “વાણીયા! અમે તમારું શું બગાડ્યું છે? જે સામું નથી જાતો?” પછી વાણીયો કહે, “મહારાજ! હું ભૂલી ગયો ને હવેથી તમારાં દર્શન કરીને રોટલો જમીશ.” એમ મહારાજે પરાણે સત્સંગી કર્યો. ॥૧૦૭॥

અને તે વાણીયો પ્રથમ શ્રીજીમહારાજ જીવાખાચરના દરબારમાં પધારતા ત્યારે પોતાના છોકરાને નીચું જોવરાવતો અને મહારાજ છેટા જાય એટલે છોકરાને આંગળી કરી દેખાડે જે, “ચમચમ જોડા થાય.” તે રતનજી તથા મીયાજી તથા ભગુજી અને ટપક ટપક થાય તે પેલા, એમ તે વાણીયો મહારાજને પોતાના છોકરાને એવી રીતે બોલી દેખાડતો પણ મોઢેથી એમ ન બોલે જે, “ચાખડીયો પહેરીને જાય તે સ્વામિનારાયણ છે.” એમ ન બોલે. ॥૧૦૮॥

ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ પધરાવ્યા પછી વજેસંગ દરબારને કોઈ કુસંગીએ કહેલ જે, “સ્વામિનારાયણે કોઠો કર્યો છે અને તેમાં મારા મૂકેલ છે.” પણ મહારાજે મંદિર કરાવીને ગોપીનાથજી દેવ પધરાવેલ. પછી તે જોવા સારુ ભાવનગરથી વજેસિંહજી દરબાર આવ્યા. પછી તે દરબાર પ્રથમ શ્રીજીમહારાજના દર્શને આવ્યા પછી મહારાજ તથા દરબાર બન્ને ગોપીનાથજીના દર્શને ગયા. મહારાજ બારણાની આથમણી સાખે ઉભા રહ્યા અને દરબાર ઉગમણી તરફ ઉભા રહ્યા. પછી મહારાજ બોલ્યા જે, “દરબાર! જુઓ તમને કોઈ ભરમાવતું હશે કે સ્વામિનારાયણે કોઠો કર્યો છે પણ અમે તો ગોપીનાથજી મહારાજ દેવ પધરાવ્યા છે.” તે સાંભળી દરબાર બોલ્યા જે, “કોઈ પાજી પલાવ બોલતા હોય તે ભલે બોલે પણ મારા રાજ્યમાં ગોપીનાથજી દેવ પધરાવ્યા તે દિવસથી મારી ચડતી કળા છે.” પછી ગોપીનાથજી મહારાજની સેવામાં આનંદાનંદજી નામે બ્રહ્મચારી હતા તેમણે એક મોટો પતાસાનો થાળ મહારાજ આગળ મૂક્યો. પછી મહારાજે હાથ અડાડી દરબારને આપ્યો અને બ્રહ્મચારીએ બે હાર મહારાજને પહેરાવ્યા અને એક હાર દરબારને પહેરાવ્યો. પછી મહારાજે દરબારનો હાથ ઝાલીને મંદિરમાંથી ઉગમણે દરવાજે ગયા ત્યારે દરબાર કહે, “આમને આમ મહારાજ મારો હાથ ઝાલી રાખજો.” મહારાજ કહે, “અમે તો ઝાલી રાખશું તમે નહીં મુકાવો તો.” પછી મહારાજને પગે લાગી દરબાર પોતાને ઉતારે ગયા અને શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં પધાર્યા. ॥૧૦૯॥

એક વખત ચોમાસામાં વરસાદ થોડો થઈને આળસી ગયો ને મોલ સુકાવા માંડ્યા. પછી ગામ પીઠવડીના ભગો તથા મુળો બે જણ ગઢપુર આવ્યા અને મહારાજને પૂછ્યું જે, “મહારાજ! વરસાદ ક્યારે થાશે?” મહારાજ કહે, “વરસાદના તો પૈસા બેસે છે, અમથો થાય નહીં.” ત્યારે ભગે તથા મુળે કહ્યું કે, “પૈસા લ્યો, પણ વરસાદ કરો.” મહારાજ કહે, “પાંચસો રૂપિયા હોય તો વરસાદ થાય.” પછી પાંચસો રૂપિયા મહારાજ પાસે મૂક્યા. પછી મહારાજ કહે, “શેત્રુજી ઉતરો, પછી ઉતરાશે નહીં.” પછી મહારાજને પગે લાગી ચાલવા મંડ્યા. તે શેત્રુજી માંડ માંડ ઉતર્યા અને પીઠવડી પહોંચ્યા ત્યાં તો વરસાદ ઘણો જ થયો ને સૌ રાજી થયા. ॥૧૧૦॥

એકવાર દિવાળી આવી ત્યારે મહારાજે પૂછ્યું જે, “આજ દીવાળીને દિવસે શું કરે?” ત્યારે સૌ કહે, “મહારાજ! આજ તો વાલાં સગાં હોય તે ભેળા બેસીને લાપશી કરીને ખાય.” ત્યારે મહારાજ કહે, “અમારે વાલામાં વાલા રઘુવીરજી છે તેને ઘેર દીવાળી કરીએ.” પછી રઘુવીરજી મહારાજને ઘેર કંસાર કરાવ્યો અને સૌ સખાને લઈ મહારાજ જમવા પધાર્યા. પછી સખાની પંગતિ કરીને શ્રીજીમહારાજ વચમાં જમવા બેઠા. પછી રઘુવીરજી મહારાજ ઘરમાંથી લાવતા જાય અને પીરસતા જાય અને મહારાજ સખાને તાણ કરી જમાડતા જાય. પછી રઘુવીરજી મહારાજના ઘરવાળાએ પોતે બે જણ જમે તેટલો કંસાર રાખેલ અને મહારાજ જમતા જાય ને બોલે જે, “લાવો, રઘુવીર!” પછી બે જણ માટે રાખ્યું હતું તે લાવીને મહારાજ પાસે મૂક્યું. ત્યારે મહારાજ બોલ્યા જે, “રાખો, રઘુવીર! દિવાળી પુરી થઈ રહી.” ત્યારે રઘુવીરજી મહારાજ બોલ્યા જે, “મહારાજ! ત્યાં પણ દિવાળી પુરી થઈ રહી છે કેમ જે ત્યાં પણ થઈ રહ્યું હતું.” ॥૧૧૧॥

ગામ ભડલીના ભાણખાચરને દાદાખાચરની સાથે વેર હતું. તેણે કરીને મહારાજનો દ્વેષ બહુ જ કરતો અને મહારાજને મારવાનો લાગ ગોત્યા કરતો. પછી એક દિવસ રાત્રીને વિષે વીશ પાળા લઈ મહારાજ રાધાવાવે પધાર્યા હતા. પછી મહારાજે વીશને કહ્યું જે, “આપણે રસોઈ કરવી છે તે દશ જણા ગામમાં સીધું લેવા જાઓ અને દશ જણા કપાસના ખેતરમાં ચીભડાં લેવા જાઓ અને અમારી સેવામાં એક મોટાભાઈ રહે.” પછી સહુ નોખા નોખા વેરાઈ ગયા અને ભડલીવાળો ભાણખાચર બરાબર લાગ સાધીને સો સ્વાર લઈને રાધાવાવે આવ્યો અને મહારાજે મોટી કાંટાની વાડ્ય કરાવી હતી અને તેની અંદર ગાડા ઉપર ઢોલીયા નંખાવીને વિરાજમાન હતા અને મોટાભાઈ પાસે બેઠા હતા. તે વખતે ભાણખાચરના સો સ્વારે આવીને ચારે કોર મહારાજને ઘેરી લીધા. પછી મહારાજે સાદ કર્યો જે, “મોટાભાઈ, એ! મોટાભાઈ,” એમ કહ્યું ત્યાં ઘોડે ઘોડે મોટાભાઈ દેખાણા. તે સૌ સ્વારની ચોટલીયું મોટાભાઈના એક હાથમાં ને એક હાથમાં તરવાર લઈ ગળે અડાડેલી અને ચારે કોર કોલાહળ થઈ રહ્યો અને સૌ કાઠીયો સોગંદ ખાવા મંડ્યા જે, “અહીયાં કોઈ દિવસ આવીયે તો અમને આપા ગોરખાના સમ છે, આપા વિસામણના સમ છે અને કોઈકના માથાના ફેંટા પડ્યા રહ્યા અને કોઈકના હથીયાર પડી રહ્યાં. પછી મહારાજે ઢોલીયે બેઠા બેઠા કહ્યું જે, “મોટાભાઈ!” તે ભેળા જ સર્વ સ્વારોની ચોટલી મેલી દીધી અને સ્વારો જીવ લઈને નાઠા અને બોલ્યા જે, “આ ઠેકાણે કોઈ દિવસ લાળી કરવી નહીં.” અહીંયા શોર બકોર સાંભળી ચીભડા લેવા ગયેલા પાળા એકદમ દોડી આવ્યા અને ગામમાં સીધું લેવા ગયેલ પાળા એકદમ દોડી આવ્યા. પછી મહારાજ કહે, “તમે ગયા તે ત્યાંને ત્યાં રહ્યા. અહીં ભાણખાચર અમને મારવા આવ્યો હતો તે મોટાભાઈએ જીવતા રાખ્યા.” મોટાભાઈ કહે, “હું શું કરું? જ્યાં જોઉં ત્યાં હું જ દેખાતો.” એમ મહારાજે મોટાભાઈ દ્વારા કાઠીયોનો પરાજય કર્યો. ॥૧૧૨॥

રાધાવાવ છે ત્યાં પ્રથમ બીડ હતું. તે બીડ કપાવીને મહારાજે જમીન ખેડાવી અને તેમાં તલ વવરાવ્યા. તે તલ બહુ જ સારા થયા, તેને શેઢાડી કાપતી હતી. પછી મહારાજ તલ જોવા ગયા. તલ જોઈને મહારાજ બોલ્યા જે, “અમારા કોણ બહારવટીયા છે? જે અમારા તલ કાપે છે?” મહારાજ કહે, “અમારા બહારવટીયાને ઝાલે તેને થાળ આપીયે.” ત્યારે કરીમભાઈ બોલ્યા જે, “હું કહું તેમ કરો તો હું ઝાલું.” પછી મહારાજ કહે, “તારે શું જોવે?” કરીમભાઈ કહે, “લખુ કંદોઈને કહો જે મને લસણની કળી નાંખીને ભજીયાં કરી આપે.” પછી મહારાજે લખુ કંદોઈને બોલાવ્યા અને કહ્યું જે, “કરીમ ભગત કહે તે તેને કરી આપો.” પછી લસણની આખી કળીયુંના ભજીયાં કરી આપ્યાં અને ગટકડું ભરીને ખેતર લઈ ગયા પછી શેઢાડીનું ભોણ હતું ત્યાંથી ભજીયાં ભજીયાં વેરતા વેરતા છેટે જઈ એક કડબનો પુળો ઉભો કરી તેની ઓથે જઈને બેઠા. પછી શેઢાડી તેના દરમાંથી બહાર નીકળી અને ભજીયાની ગંધે ગંધે ખાતી ખાતી જે ઠેકાણે કરીમભાઈ બેઠા હતા તે ઠેકાણે ગઈ એટલે કરીમભાઈએ પોતાનો ચોફાળ ઉપર નાંખી ઢાંકી દીધી. પછી તેને ચોફાળમાં વીંટી દરબારમાં લાવ્યા ત્યારે મહારાજ બોલ્યા જે, “કરીમ, કેમ આવ્યો?” ત્યારે કરીમભાઈ કહે, “હા, મહારાજ! તમારો ચોર પકડી લાવ્યો છું.” મહારાજ કહે, “ક્યાં છે?” ત્યારે કરીમભાઈ કહે, “આ મારી પાસે છે.” મહારાજ કહે, “લાવ, અહીં.” પછી તેણે ચોફાળમાંથી શેઢાડીને બહાર કાઢી એટલે પોતાના પીંછા ખરરર કરીને ઊંચાં કર્યાં. પછી મહારાજ બોલ્યા જે, “આ તો મોર જેવા દેખાય છે.” પછી મહારાજ બોલ્યા જે, “અમે તારા કાળા તલ ક્યાં ચોર્યા છે? તે અમારા તલ કાપે છે.” પછી તેને મહારાજે આજ્ઞા કરી જે, “આને નારાયણધરાને માથે મૂકી આવો.” પછી બે પાર્ષદ જઈ નારાયણધરાને માથે મૂકી આવ્યા. ॥૧૧૩॥

અને એક વખત જલેબી મોતિયાની રસોઈ ચાલતી હતી. તે લગભગ મહિના દોઢ મહિના સુધી ચાલી. પછી દાદાખાચરનો ગોવાળ બીજલ તથા જોધો કરીને હતા. તે નિરંતર મોતીયા જલેબી ખાઈ ખાઈને થાકી ગયા પછી મહારાજ સભામાં વિરાજમાન હતા ત્યાં આવીને બોલ્યા જે, “મહારાજ! આ તમારી લાકડી ને આ તમારો ધાબળો. અમે જલેબી ખાઈ ખાઈને થાકી ગયા, માટે અમે ભેંહુમાં નહીં જાઈએ.” મહારાજ કહે, “શું હોય તો જાઓ?” ત્યારે બેઉ ગોવાળ બોલ્યા જે, “અમારે તો એક-એક પાલીનો એક-એક રોટલો બાજરાનો જોવે અને ઉપર બબે મરચાં હોય તો ઢોર ચારવા જવું છે નહીંતર નથી જવું.” પછી મહારાજે મોટીબાને કહેવરાવ્યું જે, “આને એક-એક બાજરાનો મોટો રોટલો કરીને અપાવો.” પછી બેઉ જણાને તેના કહેવા પ્રમાણે બાજરાના રોટલા તથા મરચાં આપ્યાં એટલે ઢોર ચારવા ગયા. એમ મહારાજ દાદાખાચરના વહેવારની પંડે ખબર રખાવતા હતા. ॥૧૧૪॥

એકાશીયો કાળ પડવાનો હતો અને બીજલ તથા જોધો ભરવાડ ઢોરાં ચારવા ગયા હતા અને સમી સાંજમાં અષાઢી પાંચમની વીજળી થઈ. પછી જોધે આવી મહારાજને વાત કરી જે, “મહારાજ! પાંચમની વીજળી થઈ?” મહારાજ કહે, “તારી મા વીજળી શું કરવાની છે? વરસાદ કરવો તે મારા હાથમાં છે કે બીજાના?” એમ સૌ સાંભળતાં મહારાજે સભામાં કહ્યું અને એકાશીયો કાળ પડ્યો. ॥૧૧૫॥

એક વખત શ્રીજીમહારાજ દરબારમાં સભા કરીને વિરાજમાન હતા. તે સમે સુરાખાચરે આવી મહારાજને વાત કરી જે, “મહારાજ! કેટલાક ગામનું નામ લીધેથી માણસને અનાજ ન મળે અને અનાજને બદલે જુતીયાં ખાવાં પડે.” મહારાજ કહે, “એવું વળી કયું ગામ છે?” પછી સુરોખાચર બોલ્યા જે, “મહારાજ! આજ જીવાખાચરની ડેલીયે એક ગઢવો આવ્યો હતો. તેને જીવાખાચરે પૂછ્યું જે, ‘ગઢવા! ક્યાંથી આવે છે?’ ગઢવો કહે, ‘ભગતના ગામથી આવું છું બાપુ.’ જીવોખાચર કહે, ‘ગામનું નામ લે.’ ગઢવો કહે, ‘તે લીધા જેવું નથી, બાપુ!’ જીવોખાચર કહે, ‘મારે ઘરે અનાજનો સાદ પડે છે ને તું ભૂખ્યો રહીશ?’ તોપણ ગઢવે નામ ન લીધું. પછી જીવાખાચરે બહુ આગ્રહ કર્યો ત્યારે ગઢવો બોલ્યો જે, ‘બાપુ! હું સાયલા ગામથી આવું છું.’ તરત જ જીવાખાચરે તેના રસોયા માણસને બોલાવ્યો અને ભલામણ કરી જે, ‘આ ગઢવાને મેંદાના લોટની રોટલી ઘીમાં બોળીને દેજે અને ઉપર દૂધ ચોખા ને સાકર જમાડજે.’ રસોયા માણસ કહે, ‘બહુ સારુ, બાપુ! ફેર નહીં પડે.’ પછી જીવોખાચર ડેલીએ જઈ સૂઈ રહ્યો અને ગઢવાને વિચાર થયો જે, ‘રસોઈને વાર છે એટલે હું ગામ જોવા જાઉં.’ ગઢવો ગામ જોવા ગયો તે જ વખતે બીજો ગઢવો આવી ડેલીયે બેઠો. તે વખતે તેમનો રસોયો વાળંદ સાંગો કરીને હતો તે બોલાવવા આવ્યો કે, ‘ગઢવો કયાં છે! હાલ જમવા.’ તે સાંભળી ગઢવો બોલ્યો જે, ‘ભલે, જીવાખાચર, ભલે! ધાનના સાદ તારી ડેલીયે પડે છે અને તું ભુખ્યાનું મોઢું જો તેવો નથી.’ એમ વખાણ કરીને ગઢવો દરબારમાં જઈ જમી આવ્યો અને રસોયે દરબારના કહેવા પ્રમાણે ગઢવાને ખુબ જમાડ્યો. ગઢવો જમીને તુરંત ચાલતો થયો અને પહેલો આવેલ ગઢવો ગામમાંથી આવી દરબારની ડેલીયે સુઈ ગયો. પછી ચાર વાગ્યા એટલે જીવા ખાચર નિદ્રામાંથી ઉઠી મોઢું ધોઈ પાણી પીને બેઠા. પછી ગઢવો પણ સામી ઓસરીયે બેઠો. પછી દરબારે પૂછ્યું કે, ‘કેમ છે, ગઢવા? ખૂબ જમ્યો ને?’ ત્યારે ગઢવો બોલ્યો જે, ‘બાપુ! હજુ પેટમાં ગલુડીયા બોલે છે.’ તે સાંભળી જીવોખાચર બોલ્યા, ‘ક્યાં ગયો, સાંગલો?’ સાંગલો તુરત દરબાર પાસે આવી ઉભો રહ્યો. તે અવસ્થાવાન હતો. તેને દરબારે પૂછ્યું જે, ‘કેમ, સાંગલા. ગઢવાને જમાડ્યો ને?’ સાંગલો કહે, ‘બાપુ! તમારા કહેવા પ્રમાણે મેંદાની રોટલી ઘીમાં બોળીને દૂધ ચોખા સાકર ઉપર જમાડ્યું.’ તે સાંભળી ગઢવો બોલ્યો જે, ‘તપાસ, તપાસ, તેં કોને જમાડ્યું?’ સાંગલો તુરત જ આંખ આડા હાથ કરી તે ગઢવાનું મોઢું જોવા મંડ્યો અને દરબારને કહ્યું જે, ‘બાપુ! પેલો દાઢીવાળો હતો.’ તે સાંભળી દરબારને ક્રોધ ચડ્યો અને પોતાના પગમાંથી મોજડી કાઢી સાંગલા સામું ઘા કર્યો. તે સાંગલો વાંકો વળી ગયો અને ગઢવાના મોંઢા ઉપર મોજડી વાગી. ત્યારે ગઢવો બોલ્યો જે, ‘હાશ, હવે, શુકન વાડે થયા. એટલે અનાજ મળશે.’ તે સાંભળી મહારાજ બહુ જ હસ્યા. જે “ગામના નામનો આટલો બધો પ્રતાપ જે મોજડી ખાય ત્યારે અનાજ મળે એવું નઠારું નામ કેવાય.” ॥૧૧૬॥

શ્રીજીમહારાજ જીવાખાચરના દરબારમાંથી રાતે બાર વાગ્યે આ દરબારમાં પધારતા હતા અને રસ્તામાં એક રાંક રોતું હતું તે એમ બોલતું જે, “જીવા! મોક્ષ દે. મોક્ષ દે.” એમ કરતું પણ મહારાજ સાથે નાજા જોગીયા હતા તેને એમ સમજાણું જે, “આ રાંક રોટલો માગે છે.” પછી મહારાજ તે રાંક પાસે ઉભા રહ્યા અને નાજા જોગીયા જીવુબા પાસેથી રાત્રીએ આવી એક રોટલો લઈ ગયા અને રાંકના હાથમાં આપ્યો. તે અડધો રોટલો ખાઈ ગયો અને પછી મૂર્છા આવી ગઈ. પછી મહારાજે તેની છાતી ઉપર ચરણારવિંદ મૂક્યું એટલે તે દેહ મૂકી ગયો. પછી મહારાજ જીવાખાચરની ડેલીયે પધાર્યા અને જીવાખાચરને કહ્યું જે, “અમે અભડાણા. કેમ કે આ રાંકને અમે અડ્યા.” પછી મહારાજે નાજા જોગીયાને કહ્યું જે, “રાંક રોટલો માગતો નહોતો પણ મોક્ષ માગતો હતો.” પછી મહારાજ તથા નાજા જોગીયા પરબારા ઘેલે નહાવા પધાર્યા અને જીવાખાચરે માણસો મોકલી રાંકનો અગ્નિસંસ્કાર કરાવ્યો. તેનાં ભાગ્ય કેવાં મોટાં જે ભગવાનનો યોગ થયો. ॥૧૧૭॥

મહારાજ દાદાખાચરના દરબારમાં સભા કરી વિરાજમાન હતા અને જીવાખાચરના દરબારમાં એક બાઈએ દેહ મૂક્યો. તેને મહારાજ તેડવા પધાર્યા અને સૌને દિવ્યસ્વરુપના દર્શન થયાં અને પછી સચ્ચિદાનંદ સ્વામીએ સભામાં સૌને કહ્યું જે, “મહારાજ સભામાં અહીંયા દેખાય છે પણ અહીંયા નથી. પેલા દરબારમાં બાઈએ દેહ મૂક્યો તેને તેડવા પધાર્યા છે પણ હમણાં સૌ જોજો, અજાણ્યા થઈ જાશે.” એટલામાં કોઈએ ખબર આપ્યા જે, “પેલા દરબારમાં એક સાંખ્યયોગી બાઈયે દેહ મેલ્યો.” તે સાંભળી મહારાજ બોલ્યા જે, “રામ! રામ! રામ! રામ! બહુ ખોટું થયું.” એમ મહારાજે કહ્યું પછી સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા જે, “હું કહું છું તે ખોટું?” ॥૧૧૮॥

એક પાર્ષદ કાંઈક વાંકમાં આવ્યો હશે તેને મહારાજે રજા આપી. પછી તે મુક્તાનંદ સ્વામી પાસે ગયા અને સ્વામીને કહ્યું જે, “મને મહારાજે રજા આપી છે.” ત્યારે સ્વામી કહે, “તું રઘુવીરજી મહારાજની સેવામાં રહે.” પછી તેણે રઘુવીરજી મહારાજ ને કહ્યું જે, “તમે મને તમારી સેવામાં રાખો.” પછી રઘુવીરજી મહારાજ શ્રીજીમહારાજ પાસે ગયા અને હાથ જોડીને કહ્યું જે, “મહારાજ! તમે રજા આપી છે તે પાળો મારી સેવામાં રહે છે.” મહારાજ કહે, “રઘુવીર! તમારી સેવામાં રહેતો હોય તો તેના સૌ ગુન્હા માફ.” એમ શ્રીજીમહારાજે રઘુવીરજી મહારાજ ઉપર પ્રસન્નતા જણાવી. ॥૧૧૯॥

શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં વિરાજમાન હતા અને ગામ શિહોરના જેઠો મોચીગોર જાંબુડાની માટલી ભરી લાવ્યો. તે છોડી મહારાજ પાસે થાળમાં ઢગલો કર્યો. પછી જાંબુડા જળથી ધોઈને મુળજી બ્રહ્મચારીએ મહારાજને આપ્યાં. પછી મહારાજ જાંબુડાં જમીને બોલ્યા જે, “જેઠા! આ જાંબુડાના મૂળ નદીના કાંઠે હોવા જોઈએ.” ત્યારે જેઠો મોચીગોર બોલ્યો જે, “નદીને કાંઠે જાંબુડો છે.” પછી મહારાજે જાંબુડા જમીને અક્ષરઓરડીના ઉગમણે ખૂણે વાવ્યો અને મહારાજના સ્નાન કરવાના જળથી તે જાંબુડો મોટો થયો ને તેનાં જાંબુડાં શ્રીજીમહારાજ જમ્યા. ॥૧૨૦॥

શ્રીગઢપુરમાં શ્રીજીમહારાજ વિરાજમાન હતા અને કારીયાણીથી વસ્તોખાચર મહારાજને તેડવા આવ્યા અને પંચાળેથી જીણાભાઈ તેડવા માટે આવ્યા અને સારંગપુરથી જીવાખાચર મહારાજને તેડવા માટે આવ્યા. પછી મહારાજે કારીયાણી જવાનો ઠરાવ કર્યો અને રસોયા સાધુને આગલે દિવસે કારીયાણી મોકલ્યા. પછી મહારાજ સવારમાં સાબદા થઈને ચાલ્યા. તે રસ્તે જતા જ્યાં પીપળીયાનો મારગ જુદો પડે છે ત્યાં ગયા. તે વખતે જીવોખાચર સાખી બોલ્યા જે:

‘ધીંગે દીધેલ ધાન, આડા ઓડા બાંધીને,

રાંકે રટેલ નહીં રામ, સમજાવે તને કોણ શામળા.’

પછી મહારાજ બોલ્યા જે, “જીવાખાચર! શું બોલ્યા?” જીવાખાચર કહે, “મહારાજ! કાંઈ નહી.” મહારાજ કહે જે, “બોલ્યા હો તે કહો.” પછી જીવાખાચરે મહારાજને કહ્યું જે, “મહારાજ! અત્યારે વસ્તાખાચરના ઘરમાં લાખ રૂપિયા છે માટે તેને સૌ સારું લગાડે પણ ગરીબને કોણ સારું લગાડે?” પછી મહારાજ બોલ્યા જે, “માણકી જ્યાં જાય ત્યાં આપણે જાવું.” પછી માણકીની ડોક ઉપર સરક મૂકી એટલે માણકી પીપળીયાને મારગે ચાલી. ત્યારે મહારાજ કહે, “સૌ ચાલો સારંગપુર.” ત્યારે વસ્તાખાચર ઉગામેડીના મારગે ચાલી નીકળ્યા. જીવાખાચર બોલ્યા જે, “મહારાજ પધારે ને તમે નહીં આવો તો મારે તમારી સાથે બોલવાનો વહેવાર નહીં રહે.” પછી મહારાજે વસ્તાખાચરને સમજાવીને સારંગપુર લીધા અને બે સ્વાર મોકલી રસોયાને કારીયાણાથી સારંગપુર બોલાવ્યા. ॥૧૨૧॥

ગઢપુરમાં કાનો કરી પરજીયો સોની રહેતો હતો. તે ગુંસાઈજીને લાવ્યો. પછી મહારાજે દાદાખાચરને કહ્યું જે, “કાં તો કાનો સોની રહે ને કાં તો હું રહું.” પછી દાદાખાચરે મહારાજને વિનંતી કરી કહ્યું જે, “(કાનો) આજથી પાંચમે દહાડે ગઢડામાં રહે નહીં.” પછી તેમનામાં હશનભાઈ મુનીમ હતા. તેને દાદાખાચરે કહ્યું જે, “કાનો સોની ગામમાંથી જાય તેમ કરો.” પછી એક વખત કાનો સોની ગામ ગયો હતો અને તેના દિકરા પાસે તેના ખત બધાં ફેરવી નખાવ્યાં અને લેણદારોને કહેવરાવ્યું, “જેને લેવું હોય તે આવજો નહિ તો કાનો સોની દીવાળું કાઢે તેમ છે.” પછી લેણદાર સૌ આવ્યા અને કાના સોની પાસે દીવાળું કઢાવ્યું. અને કાનો સોની રાત રહીને બીજે ગામ જતો રહ્યો. ॥૧૨૨॥

મહારાજે ભક્તિબાગે નવી જમીન ખેડાવી વાઢ કરાવ્યો હતો. અને તે વાઢમાં શીયાળીયાં શેરડી બહુ જ કાપતા હતા. પછી પાણતીયે આવી મહારાજને કહ્યું જે, “મહારાજ! વાઢ સારો થયો છે. પણ શીયાળીયાં શેરડી બહુ જ કાપે છે.” પછી મહારાજે સદાનંદ સ્વામીને કહ્યું જે, “તમે વાઢનું રખવાળું કરવા જાઓ.” પછી સદાનંદ સ્વામી રાત્રે વાઢે ગયા ને શીયાળીયાં બધાને સમાધિ કરાવી દીધી અને શીયાળીયાંની વચ્ચે પોતે સુતા. પછી સવારે મહારાજ તથા દાદોખાચર વગેરે સખા ખબર કાઢવા પધાર્યા અને જ્યાં જાય ત્યાં તો ચારે કોર શીયાળીયાં સમાધિમાં પડેલ અને વચ્ચે સદાનંદ સ્વામી સુતેલા. તે જોઈ મહારાજે સદાનંદ સ્વામીને હાંક મારીને જગાડ્યા. સદાનંદ સ્વામી જાગીને મહારાજને પગે લાગ્યા. મહારાજ કહે, “સદાનંદ! આ શું કર્યું?” સદાનંદ સ્વામી કહે, “મહારાજ! સૌને સમાધિ કરાવેલી છે. તે હું સુવું ત્યારે બધાએ સુવું ને હું જાગું ત્યારે સૌ જાગે.” પછી મહારાજે કહ્યું જે, “સૌને જગાડો.” પછી સદાનંદ સ્વામી કહે, “ઉઠો, ઉઠો.” પછી સૌ શીયાળીયાં સમાધિમાંથી જાગીને પોતપોતાની જાતિનો શબ્દ કરી ચાલ્યાં ગયાં. ॥૧૨૩॥

એક વખત રાત્રીને સમયે શ્રીજીમહારાજ ભણનારાની ખબર કાઢવા માટે પધાર્યા ને મોટા ભણનારા બધા સૂઈ ગયા હતા અને ચાર જણ પંચસંધિનો અભ્યાસ કરતા હતા. તે સમયે મહારાજ ગુપ્ત રીતે જોઈને પાછા વળ્યા અને સવારે સભા કરીને મહારાજ બોલ્યા જે, “અમારે ચાર ભણનારા રહે અને બીજા સૌ ગુજરાતમાં જાય.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, “ચાર ભણનારા કોણ?” મહારાજ કહે, “એક બાલમુકુન્દાનંદ સ્વામી, એક વિશુદ્ધાત્માનંદ સ્વામી, એક આનંદાનંદ બ્રહ્મચારી અને એક વાસુદેવાનંદ બ્રહ્મચારી; તે ચાર જણ રહે.” ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “ભણનારાનો વાંક શું?” મહારાજ કહે, “સમી સાંજમાં સુઈ જાય ત્યારે ભણે ક્યારે?” પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! રાત્રીના બાર વાગ્યા સુધી અભ્યાસ કરશે ને પછી સુઈ જાશે.” ત્યારે મહારાજ કહે, “એમ અભ્યાસ કરે તો રહે.” પછી નાના ચાર ભણનારે વિચાર કર્યો જે, “આપણે હવે મોટા ભણનારા ઉઠ્યા પછી બેસવું નહીં. કેમ કે, આપણને પછી પાઠ નહીં આપે.” પછી તે ચારે ભણનારા મોટા ભણનારાની અગાઉ આસને ચાલ્યા જાય. પછી બીજે દિવસે કેરીનું ગાડું મંગાવી ભણનારાને કેરીઓ વહેંચી આપી અને મહારાજ રાજી થયા. ॥૧૨૪॥

એક વખત શ્રીજીમહારાજ રાત્રીના વખતે જીવાખાચરના દરબારમાં પધારતા હતા. ત્યારે રસ્તામાં હરજી ઠકર દુકાનમાં બેસી નાણાંમેળ કરતા હતા અને મહારાજ કાળો ધાબળો ઓઢીને હરજી ઠકરની પછવાડે ઘણીક વાર ઉભા રહ્યા અને હરજી ઠકર નાણાંમેળ કરતા બોલતા જાતા કે, “એક પાણની એક પાણ, બે પાણની બે પાણ. ત્રણ પાણની ત્રણ પાણ, ચાર પાણની ચાર. પાણનો હોળાયો વિદ્યા આવી.” એમ એક પાણો મેળવી નાણાંમેળ કરતા. ત્યારે શ્રીજીમહારાજ ઘણીક વાર ઉભા રહીને બોલ્યા જે, “હરજી ઠકર! જેવી આમાં લગની લાગી છે તેવી જો આ મૂર્તિમાં લાગે તો કાંઈ વાંધો રહે નહીં.” પછી હરજી ઠકર મહારાજને પગે લાગીને બોલ્યા જે, “અહો! મહારાજ! તમો ક્યારના ઉભા છો?” મહારાજ કહે, “હરજી ઠકર! હું ક્યારનો ઉભો છું.” ॥૧૨૫॥

એક સમયે રાત્રીને વિષે બે બાવા પરોક્ષના કીર્તન બોલતા હતા. તે મહારાજે અક્ષરઓરડીમાં સુતા સુતા સાંભળ્યાં. પછી ત્યાંથી મહારાજ ઉઠીને પુનમીયા કુવા ઉપર રાત બધી બેસી રહ્યા. પછી ચાર વાગે મુળજી બ્રહ્મચારી જાગ્યા અને ઢોલીયામાં જુવે તો મહારાજને દેખ્યા નહીં. પછી મહારાજને ખોળવા માટે બ્રહ્મચારી ચારે કોર ફરી વળ્યા અને જ્યાં કુવા પાસે ગયા ત્યાં તો મહારાજ કાળો ધાબળો ઓઢીને બેઠા હતા. પછી બ્રહ્મચારીએ કહ્યું જે, “મહારાજ! અહીં કેમ બેઠા છો?” મહારાજ કહે, “પેલા બાવા સમી સાંજના કીર્તન બોલે છે. તે સાંભળવા આંહી આવ્યો છું.” ॥૧૨૬॥

પાંચુબાની દીકરી હીરુબાઈ કરીને હતાં તે ચોકમાં રમતાં હતાં. તેને જોઈને મહારાજે હરજી ઠકરને કહ્યું જે, “હરજી ઠકર! પેલી છોડી રમે તે તમારી મા છે. તેણે અમારે અરથે થાળ કર્યા નથી. તે સારુ પાંચુબાને ત્યાં જન્મ લીધો છે. તે અમારા અરથે થાળ કરીને અક્ષરધામમાં જાશે.” પછી તેણે મહારાજને અરથે થાળ કરી મહારાજને જમાડ્યા અને તે દેહ મેલી અક્ષરધામમાં ગયાં. પછી પાંચુબાઈ બહુ જ શોક કરવા લાગ્યાં ત્યારે મહારાજે કહ્યું જે, “તે ક્યાં તમારી હતી! તે તો હરજી ઠકરની મા હતાં. તે અમને થાળ જમાડવા માટે આવ્યાં હતાં. તે થાળ જમાડીને અમારા ધામમાં ગયાં છે.” ॥૧૨૭॥

એક સમે ખેતાની તથા ભીમાની મા દેહ મેલી ગયાં. તેને ગામની એક ઘાંચણ બાઈ હતી તેણે ભોંય સુવાડીને ઘેર આવી અને ખેતો દોડાદોડ શ્રીજીમહારાજ પાસે અક્ષરઓરડીમાં આવ્યો ને મહારાજને કહ્યું જે, “મહારાજ! મારી મા મરી જાય છે.” તે સાંભળી મહારાજ એક ખેસભર વંડામાં પધાર્યા. ત્યાં પેલી ઘાંચણ પોતાની ઘરની ખડકી બહાર ઉભી હતી. તે મહારાજને જોઈને બોલી જે, “આ ચમચમ કરતો જાય છે તે શું શ્વાસ ઘાલશે?” તે સાંભળી મહારાજ બોલ્યા જે, “ડોશી! હું શ્વાસ નહીં ઘાલું ત્યારે તું ઘાલીશ.” પછી મહારાજ વંડામાં પધાર્યા અને જાનબાઈ પાસે જઈને બોલ્યા જે, “જાનબાઈ! એ જાનબાઈ! નાનાં છોકરાં છે ને ક્યાં જાય છે?” તે સાંભળી બાઈને તુરત આરામ આવ્યો ને સાજી થઈ. પછી તે ઘાંચણ પછવાડે જોવા માટે ગઈ હતી તે પણ આશ્ચર્ય પામી. મહારાજ કહેતા હતા જે, “આ ખેતો તથા ભીમો બેઉ જણ પૂર્વે ઝાડવાં હતાં. તેને અમારો યોગ થયો એટલે સત્સંગમાં આવ્યા.” ॥૧૨૮॥

ગામ ત્રાપસના શ્રીમાળી બ્રાહ્મણ જાનબાઈ કરીને હતાં. તે બાલ્યાવસ્થામાં પોતાના પતિનો ત્યાગ કરી ગઢપુર રહ્યા હતાં. તે સાંખ્યયોગીનો ધર્મ પાળતાં. પછી તેના સાસરા તરફના સંબંધી તેડવા માટે આવ્યા અને તે સૌ હરજી ઠકરને ત્યાં ઉતર્યા હતા. પછી મહારાજે પાકાં સીધાં અપાવી રસોઈ કરાવી અને તે બ્રાહ્મણો રસોઈ જમીને મહારાજ પાસે આવ્યા ને કહ્યું જે, “અમારૂં માણસ અમને સ્વાધીન કરો.” પછી મહારાજે જાનબાઈને કહ્યું જે, “તમે ઘેર જાઓ.” પછી તે સાંભળી તે બાઈનું લોહી માંસ બળી ગયું અને કાળા ઠીકરા જેવી કાયા થઈ ગઈ. અને પોતાના મનમાં એમ થયું કે, “મને ભગવાને જાકારો દીધો. માટે હવે મારૂં કોણ ધણી?” પછી તે બાઈને હરજી ઠકરને ઘેર લઈ ગયા અને ઘડીવાર થઈ એટલે દેહત્યાગ કરી દીધો. પછી બ્રાહ્મણ સૌ મહારાજ પાસે આવી વિનંતી કરવા લાગ્યા જે, “મહારાજ બાઈ તો દેહ મેલી ગઈ.” પછી મહારાજ હરજી ઠકરને ત્યાં પધાર્યા અને બાઈને ઓશીકે મહારાજ જઈને બેઠા અને બાઈની જમણી આંખ્ય મહારાજે ઉંચી કરીને બોલ્યા જે, “જાનબાઈ! એ જાનબાઈ! અમે તમારી ઉપર બહુ જ રાજી થયા છીએ.” પછી તે બાઈ દેહ મૂકી અક્ષરધામમાં ગયાં અને મહારાજે બ્રાહ્મણોને કહ્યું જે, “લ્યો, આ તમારૂં માણસ. જીવ જ્યાંનો હતો ત્યાં ગયો અને આ દેહ તમારો છે તે લઈ જાઓ.” ને મહારાજ દરબારમાં પધાર્યા. ॥૧૨૯॥

એક વખત મહારાજ લક્ષ્મીબાગમાં પધાર્યા હતા અને ઓટા ઉપર બેઠકે બેસીને બહુ જ દીલગીર થયા અને નેત્રમાંથી જળ ચાલવા માંડ્યાં. તે જોઈ સુરોખાચર બોલ્યા જે, “મહારાજ! રડ્યા કેમ?” મહારાજ કહે, “સુરાખાચર! તમારી પાછળ રોનારા તે રોવે. મારી પાછળ કોણ રોવે?” મહારાજ કહે, “તેથી મેં મારૂં રડી લીધું.” પછી સુરોખાચર કહે, “મહારાજ! અમારી પાછળ દાડા કરે.” મહારાજ કહે, “અમે મોટા મોટા વિષ્ણુયાગ કર્યા તે અમારો દાડો કર્યો.” સુરાખાચર કહે, “મહારાજ! અમારી ઉપર દેરી કરે.” ત્યારે મહારાજ કહે, “મેં ગોપીનાથજીનું મંદિર કર્યું છે તે દેરું કર્યું.” સુરોખાચર કહે, “અમારે તો પાળીયો બેસારે.” ત્યારે મહારાજ કહે, “ગોપીનાથજીને પધરાવ્યા છે તે અમારો પાળીયો પધરાવ્યો છે.” એમ મહારાજે લક્ષ્મીવાડીમાં વાત કરી. ॥૧૩૦॥

મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા હતા અને સાથે પાંચસો પરમહંસ હતા. પછી વાડીમાંથી મુળા ધોઈને લાવ્યા અને મહારાજ આગળ મોટો ગંજ કર્યો અને પાંચ મણ તલ સંત પાસે ધોવરાવીને લાવ્યા. પછી મહારાજે સૌ સંતને વહેંચી આપ્યા. ॥૧૩૧॥

બીજે દિવસ મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા હતા અને સંત મુળા ધોઈને લાવ્યા. પછી મહારાજે ઉભા થઈને મુળા ઉડાડવા માંડ્યા. તે લેવાને માટે સર્વે સંત ઉભા થયા અને કેટલાક દેવ પણ વિમાનમાં બેસીને તે પ્રસાદી લેવા માટે આવ્યા હતા. અને મુક્તાનંદ સ્વામી પણ તે પ્રસાદી માટે સભામાંથી ઊઠ્યા હતા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, “આ મુળા અનંત જન્મના રોગ ટાળે તેવા છે.” પછી સ્વામી કહે, “હા, મહારાજ!” પછી સ્વામી પ્રસાદીનો મુળો જમ્યા. ॥૧૩૨॥

મહારાજ લક્ષ્મીવાડીએ બેઠક છે ત્યાં વિરાજમાન હતા અને લક્ષ્મીરામ દેરાશ્રીએ જઈને મહારાજને વધામણી આપી જે, “મહારાજ! દાદાખાચરને ત્યાં દિકરાનો જન્મ થયો.” તે સાંભળી મહારાજે પાંચસો રૂપિયાની ઉતરી પહેરી હતી તે લક્ષ્મીરામને આપી. ॥૧૩૩॥

મહારાજ ઉગમણાબારના ઓરડાની ઓસરીયે વિરાજમાન હતા ને કેરીઓ જમતા હતા. ત્યાં બાવોખાચર આવીને મહારાજ પાસે ઉભા રહ્યા. તેને મહારાજે પ્રસાદીની કેરીઓ આપી. એમ ઘણીક વાર કેરીની પ્રસાદી બાવાખાચરને જમાડતા. પછી બાવાખાચરની માતુશ્રી જશુબાઈએ મહારાજને કહ્યું જે, “મહારાજ! નાના છોકરાને બહુ કેરીયું જમાડો છો તે વાવળી થાશે.” મહારાજ કહે, “જસુબાઈ! બાવોખાચર કેરીઓભર જ રહેશે.” પછી તે મોટા થયા ત્યારે કેરીઓની વખતમાં બહુધા કરીને કેરીઓ જ જમતા. ॥૧૩૪॥

મહારાજ જ્યારે ઢોલીયા ઉપર વિરાજમાન થતા ત્યારે બાવોખાચર મહારાજનો ઢોલીયો ઝાલીને ઉભા થાતા અને મહારાજ પોતાનું જમણું ચરણારવિંદ લાંબુ કરતા એટલે બાવોખાચર મહારાજના ચરણારવિંદનો અંગુઠો ધાવતા. અને મહારાજ જ્યારે અક્ષરઓરડીમાં પૂજા કરવા બેસતા ત્યારે બાવોખાચર મહારાજને પ્રદક્ષિણા ફરતા. ॥૧૩૫॥

શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં રાત્રીના સમયે વિરાજમાન હતા અને શુકમુનિ પાસે કાગળ લખાવતા હતા. પછી દીવો બુઝાઈ ગયો અને કાગળ લખવો અધુરો રહ્યો. ત્યારે મહારાજ બોલ્યા જે, “શુકમુનિ! લખોને. કેમ બેઠા?” શુકમુનિ કહે, “દીવો ઓલાઈ ગયો શી રીતે લખાય?” પછી મહારાજે પોતાનું જમણું ચરણારવિંદ ઢોલિયા ઉપર લાંબું કર્યું તે અંગુઠામાંથી દીવા જેટલો પ્રકાશ કર્યો ને શુકમુનિએ પત્ર પૂરો કર્યો પછી મહારાજે ચરણારવિંદ તાણી લીધું એટલે પ્રકાશ મટી ગયો. ॥૧૩૬॥

એક વખત શુકમુનિ અક્ષરઓરડીની ઓસરીમાં લખતા હતા. તે રાત બધી લખ્યું ને ચૌદ પાના સવાર થઈ ત્યાં લખ્યાં. પછી મહારાજે ઓરડીમાંથી આવી પાના હાથમાં લઈ જોયા વિના ફોડી નાંખ્યાં ને ફળીમાં નાંખી દીધાં તો પણ શુકમુનિ કાંઈ બોલ્યા નહીં. પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “શુકમુનિ! તમને કાંઈ સંશય થયો નહીં જે, રાત બધી ઉજાગરો કરીને લખ્યું ને મહારાજે જોયા વિના પાનાં ફાડી નાંખ્યાં.” શુકમુનિ કહે, “મારે મહારાજને રાજી કરવા હતા તે પાનાં ફાડીને રાજી થયા.” ॥૧૩૭॥

એક વખત શુકમુનિ લખતા હતા ને દિવસના દશ વાગી ગયા પણ પોતાને નદીએ નહાવા જવું હતું પણ કોઈ સંઘાથ મળે નહીં. પછી મહારાજ આવીને બોલ્યા જે, “શુકમુનિ! શું વિચાર કરો છો? અમે ક્યારેક નાહ્યા વિના ખાઈ લેતા.” પછી શુકમુનિ ભંડારે જઈને જમી આવ્યા. ॥૧૩૮॥

મહારાજ લક્ષ્મીવાડીએ પધારતા ત્યાં એક આંબો હતો. તે મહારાજ જ્યારે ઢોલીયા ઉપર વિરાજમાન થાય ત્યારે આંબાની ડાળો મહારાજના મસ્તક ઉપર અડે. તે જોઈ મહારાજ બોલતા જે, “આ આંબો બહુ જ ઉતાવળો થાય છે.” અને મહારાજ કહેતા જે, “ડભાણીયો આંબો ને ડભાણીયો બળદ અને ડભાણના શુકમુનિ તે ત્રણ જેવા મારે ઉપયોગમાં આવ્યા છે તેવું બીજું કોઈ આવ્યું નથી.” અને મહારાજ કહેતા જે, “આ શુકમુનિ મારા હાથ પગ છે અને મારો ઉછાળો છે.” એમ શ્રીજીમહારાજ શુકમુનિની પ્રશંસા ઘણીક વાર કરતા હતા. ॥૧૩૯॥

ગઢપુરમાં એક ડોશી મહારાજનો થાળ કરતી. તે મહારાજને જમાડ્યા પહેલાં પોતે દરેક ચીજ ચાખતી. પછી મહારાજે એક દિવસ દાદાખાચરને કહ્યું જે, “દાદા! તું મારી પ્રસાદી ખા અને હું પેલી ડોશીની પ્રસાદી ખાઉં.” પછી મહારાજે કહ્યું જે, “દાદા! જા તે રાંડનું માથું કાપી નાંખ.” પછી દાદાખાચરે પાંચ રૂપીયા આપી પગે લાગીને કહ્યું જે, “માતાજી! હમણાં બીજે ગામ જાઓ ને પાંચ દિવસ પછી આવજો.” પછી તે બાઈ માંડવધાર ગઈ અને દાદાખાચર મહારાજ પાસે આવી અક્ષરઓરડીમાં બેઠા. પછી મહારાજે પૂછ્યું, “કેમ, દાદા! ડોશીનું માથું કાપ્યું?” પણ દાદોખાચર કાંઈ જવાબ દે નહીં. પછી મહારાજે બે ચાર વાર કહ્યું જે, “કેમ, દાદા! બોલતો નથી?” પછી દાદાખાચર કહે, “મહારાજ! તમારૂં ભજન કરે તેનું માથું મારાથી કપાય?” પછી મહારાજ બહુ જ રાજી થયા અને દાદાખાચરને છાતીમાં ચરણારવિંદ આપ્યાં ને કહ્યું જે, “ખરો દાદો.” ॥૧૪૦॥

શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં વિરાજમાન હતા ને નારદજી મહારાજના દર્શને આવ્યા. તે દિવ્યદેહ સોતાં આવ્યા. પછી મહારાજને આવી દંડવત કરી પગે લાગ્યા પણ પોતાને દેહની સ્મૃતિ નહીં કે હું કયે દેહે આવ્યો છું? પછી મહારાજ બોલ્યા જે, “નારદજી! અમારે એક એક રુંવાડે કરોડ કરોડ સૂર્યની કાંતિ છે. તે અમે છુપાવી રાખી છે.” પછી નારદજીને ખબર પડી જે, “હું દિવ્ય દેહે આવ્યો છું.” પછી મહારાજને પગે લાગ્યા અને કહ્યું જે, “મહારાજ! હું ભુલી ગયો.” ॥૧૪૧॥

એક વખત શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં ઉઘાડે મસ્તકે ઢોલીયા ઉપર વિરાજમાન હતા અને પોતાની શીખા એક હાથે ઉંચી કરી હતી અને શુકમુનિ પાસે બેઠા બેઠા લખતા હતા. પછી મહારાજનો સંકલ્પ જાણી શુકમુનિએ હાથમાં કાતર લઈને મહારાજની શીખા કાપી લીધી. તે શીખા હાલ વડતાલ અક્ષરભુવનમાં કાષ્ઠની મૂર્તિના માથે છે, તે સોનાના વાળામાં બાંધેલી છે. ॥૧૪૨॥

મહારાજે મુળજી બ્રહ્મચારીને કહ્યું જે, “બ્રહ્મચારી! હવે તો તમે વૃદ્ધ થયા માટે અમે નાના નાના બ્રહ્મચારી સેવામાં રાખશું.” બ્રહ્મચારી કહે, “મહારાજ! બહુ સારું.” ॥૧૪૩॥

ગોપીનાથજી મહારાજના મંદિરનો પાયો નાંખવો હતો અને તેનું ખાત મુહૂર્ત કરાવવા પોતે બેઠા અને રામચંદ્ર ભટ્ટ પાસે ખાત મુહૂર્ત કરાવ્યું અને પછી મહારાજને વડતાલ પધારવું હતું તે રામચંદ્રને પૂછ્યું જે, “અમારે કયે દિવસે વડતાલ જવાનું મુહૂર્ત છે?” તે રામચંદ્ર ભટ્ટે જ્યોતિષ જોઈને જણાવ્યું કે, “મહારાજ! આજે સારું મુહૂર્ત છે. પછી આઠ દિવસ પછી આવશે માટે જવા વિચાર હોય તો આજ પસ્તાનું કરો.” પછી મહારાજે રામચંદ્ર ભટ્ટને પોતાની પાઘડી આપી. રામચંદ્રે પાઘડી લઈને પોતાની ઘરની કોઠી ઉપર મુકી ને બીજે દિવસ મહારાજ વડતાલ પધાર્યા. પછી હશનભાઈએ રામચંદ્રને ઘેર જઈને કહ્યું જે, “પાઘડી ક્યાં મેલી છે?” રામચંદ્ર કહે, “આ કોઠી ઉપર પડી.” પછી હશનભાઈ પાઘડી લઈને ચાલ્યા ગયા. તે પાઘડી જુનાગઢની સુખશૈયામાં છે. ॥૧૪૪॥

ગઢડા પાસે ગામ રાજપીપળાની કોઈ એક કણબણ બાઈ હતી. તેના મનમાં એક શંકા રહેતી જે, “સ્વામિનારાયણ બાઈયો ભેગા રહે છે તે ધર્મ શી રીતે રાખતા હશે? તેની મારે પરીક્ષા કરવી છે.” તે પછી તે બાઈ ગઢપુર આવી અને ઉત્તરાદાબારના ઓરડાની ઓસરીયે બેઠી અને મહારાજ તેને નિશ્ચય કરાવવા માટે ફળી વચ્ચે બાજોટ નાંખી ઉભા ઉભા સ્નાન કરવા મંડ્યા અને સ્નાન કરીને વસ્ત્ર બદલાવતી વખતે મહારાજે બાઈને દિવ્યસ્વરૂપે દર્શન આપ્યું. તે જોઈ બાઈ તુરત જ મહારાજના પગમાં પડીને પગે લાગી અને મહારાજને કહ્યું જે, “મહારાજ! તમે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છો.” ॥૧૪૫॥

એક વખત મહારાજ સભામાં વિરાજમાન હતા અને શાળીગ્રામ સન્યાસી મહારાજના દર્શને આવ્યા. તેને જોઈને મહારાજ કહે, “લક્ષ્મીરામ! આ શાળીગ્રામ સન્યાસીનો જન્મ કયા નક્ષત્રમાં છે?” લક્ષ્મીરામ કહે, “મહારાજ! અશ્વલેખામાં છે.” મહારાજ કહે, “ચગી તો ચગી ને ફગી તો ફગી.” એટલે લક્ષ્મીરામ કહે, “હા.” તે ભેળા શાળીગ્રામ સન્યાસી દંડ લઈને તેની પાછળ દોડ્યા તે લક્ષ્મીરામ રસોડામાં ગરી ગયા અને શાળીગ્રામ સન્યાસીએ રસોડામાં જઈને એક દંડ બરડામાં માર્યો અને કહ્યું જે, “મહારાજ મારી મશ્કરી કરે ને તું પણ ભેળો કરે છે?” પછી સભામાં આવી મહારાજને પગે લાગીને બેઠો. પછી મહારાજ કહે, “કેમ, શાળીગ્રામ?” શાળીગ્રામ સન્યાસી કહે, “મહારાજ! એક દંડ જઈને માર્યો હવે પછી તે બોલશે નહીં.” ॥૧૪૬॥

ગઢપુરમાં એક ખીમો કરીને સુતાર હતો અને તે મહારાજને રાજી કરવા માટે કલિયુગના બાવાનો વેશ કરી સભામાં આવતો. તે પોતા જેવો ટીખળી માણસ હશે તેને રામકી કરતો. તેને માથે એક ઘોડીયું મેલતો અને અંદર એક બાળકને સુવડાવતો અને એક બાળકને પોતે કેડમાં તેડતો ને એકને ખંધોલે બેસાડતો અને અસલ બાવાનો વેશ કરીને સભામાં આવતો અને મહારાજને રાજી કરવા માટે બોલતો જે, “દેખ, રંડી! આ બધા કલિયુગકા ભેખ બેઠા હે.” એમ મહારાજને ઘણીક વાર નવાજીને રાજી કરતો ને મહારાજ તેને રાજી થઈ પ્રસાદી આપતા. ॥૧૪૭॥

એક વખત હસનભાઈએ વેપાર કર્યો હતો અને તેને ખોટ ગઈ. તે સમે ખીમો સુતાર મહારાજને પગે લાગવા આવ્યો ને તેની મૂછો બહુ મોટી હતી. એટલે મહારાજે તેની મૂછ તાણી. ત્યારે તે સભામાં બોલ્યા જે, ‘વાલે મારી મૂછડી તાણી, હસનો થયો ધુડધાણી, વાલે મારી મૂછડી તાણી.’ મહારાજ કહે, “એ તારું કામ નથી તે તો બ્રહ્માનંદ સ્વામીનું કામ છે.” ॥૧૪૮॥

મહારાજ આથમણે આરે ઘેલે નહાવા પધાર્યા હતા અને ત્યાં મહારાજ સ્નાન કરી રહ્યા. પછી વરસાદ વરસવા મંડ્યો. તે સાધુએ મહારાજને માથે લાકડીયોની છત્રી કરી. તેમાં લાકડીયોના ત્રણ ઠેબાં ચીંથરે કરીને બાંધ્યાં પણ ચોથું ઠેબું બાંધવા ચીંથરું મળે નહીં. તે સમે ગામ રાજકોટનો ગરાસીયો ત્યાં ઊભો હતો. તેણે પોતાના અંગરખાની કસ તોડીને સાધુને આપી અને કહ્યું જે, “લ્યો! બાંધો ચોથું ઠેબું.” તે જોઈ મહારાજ બોલ્યા જે, “આનું દ્રૌપદીના જેટલું તો પુન્ય થઈ રહ્યું.” ॥૧૪૯॥

મહારાજ જીવાખાચરના દરબારમાં ઢોલીયા ઉપર વિરાજમાન હતા અને શેરડીનો સાંઠો સુધારતા હતા. તે સુધારતાં સુધારતા મહારાજની આંગળીયે છરી વાગી. પછી સૌ પાટો બાંધવા માટે ચીંથરું ગોતવા મંડ્યા. તે સમે જીવાખાચરે પોતાને માથે મોટું મંડીલ બાંધ્યું હતું તે ફાડીને મહારાજની આંગળીયે પાટો બાંધ્યો. ત્યારે મહારાજ બોલ્યા જે, “જીવાખાચર! આ શું કર્યું?” જીવોખાચર કહે, “મહારાજ! તમારે અર્થે કામ ન આવે તો શા કામનું?” ॥૧૫૦॥

એક સમે મહારાજ સભા કરી દરબારમાં વિરાજમાન હતા અને પાંચસો પરમહંસ તથા હરિજનની સભા ભરાઈને બેઠી હતી. તે સમે એક ગઢવો દરબારમાં આવ્યો અને સભા જોઈને બોલ્યો જે, “અહોહો! આ બધા સમાસે ક્યાં, જે આખું જગત મુંડી નાંખ્યું?” મહારાજ કહે, “ગઢવા! મારું ધામ તારા વાડા જેવડું નથી જે ચોમાસું હોય ને ઢોરાં બહાર રહે છે.” મહારાજ કહે, “મારૂં ધામ તો અષ્ટાવરણ પાર છે.” પછી ગઢવો મહારાજને હાથ જોડીને પગે લાગ્યો જે, “મહારાજ! તમે સત્ય કહો છો. મેં જાણ્યું જે મારા વાડા જેવડું હશે.” ॥૧૫૧॥

એક વખત મહારાજને બહાર જવાનું થયું હતું. પછી જીવાખાચરે પોતાના રહેવાના ઓરડામાં મહારાજને બહાર જવા માટે ખાડો કર્યો. તે જોઈ મહારાજ બોલ્યા જે, “આ શું કર્યું?” જીવોખાચર કહે, “મહારાજ! તમારે અર્થે કામ ન આવે ત્યારે શા કામનું?” મહારાજ કહે જે, “આ બે વાત મારા જીવમાં સાંભરે છે.” ॥૧૫૨॥

એક દિવસ મહારાજ સભા કરીને વિરાજમાન હતા તેવામાં એક ગઢવો આવ્યો. તે બાઈ ભાઈની સભા નોખી ભાળી બોલ્યો જે, “અહોહો! આ બ્રહ્મમાં કોણે ભેદ પાડ્યો?” મહારાજ કહે, “ગઢવા! આ કોઈ નોખા બેસે તેવા નથી પણ હું એક સુગવાળો આવ્યો છું તે મારી સુગ સૌને ચડી ગઈ છે. નહીં તો તે કોઈ નોખા બેસે તેવા નથી.” પછી ગઢવો મહારાજને પગે લાગીને ચાલ્યો ગયો. ॥૧૫૩॥

એક સમે ધરમપુરથી કુશળકુંવરબાઈએ લીલી ડાંગર હાથે ફોલીને કોથળી ભરીને ચોખા ગઢપુર મોકલ્યા હતા અને મહારાજ આગળ સભામાં તે કોથળી મેલી. પછી મહારાજે કોથળીનું મોં છોડીને હાથમાં ચોખા લીધા અને સભામાં સૌને દેખાડ્યા જે, “આ શું કહેવાય?” ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! ચોખા કહેવાય.” મહારાજ કહે, “ઉપર ફોતરું હોય તો?” સ્વામી કહે, “ડાંગર કહેવાય.” મહારાજ કહે, “આ ચોખા જેવા થવાશે ત્યારે અક્ષરધામમાં જવાશે.” એમ મહારાજે સભામાં વાત કરી. ॥૧૫૪॥

મહારાજ દરબારમાં સભા કરીને વિરાજમાન હતા અને કોઈએ આવી મહારાજને પૂછ્યું જે, “મહારાજ! તમે કંઠી કેમ પહેરતા નથી?” મહારાજ કહે, “મારો કોઈ ગુરુ થાય તો હું કંઠી પહેરૂં.” પછી તે બોલ્યા જે, “મહારાજ! તમે તો ભગવાન કહેવાઓ છો તો તમારો ગુરુ કોણ થાય? સર્વના માતાપિતા તમે છો.” પછી મહારાજ તેની ઉપર રાજી થઈ ગયા કે બોલતાં ઠીક આવડ્યું. ॥૧૫૫॥

મહારાજ ગોપીનાથજી મહારાજનું મંદિર કરાવતા હતા ને ઉગમણે આરે સંત પથરા કાઢતા હતા અને મહારાજ ત્યાં પધાર્યા હતા પણ એક મોટો પથરો હતો. તેને સંત ભાંગતા (હતા) પણ તેના કટકા થાય નહીં. તે સમે ગામ કુંડલીનો લુવાર ભોજો કરીને હતો. તે મહારાજના દર્શને આવ્યો પછી મહારાજને પગે લાગીને સંત જ્યાં પાણો ભાંગતા હતા ત્યાં આવ્યો ને કહ્યું જે, “લાવો, મહારાજ! મારા હાથમાં ઘણ.” પછી સંતના હાથમાંથી ઘણ લઈને પત્થરની સાંધ્યમાં છીણી ભરાવીને ઘણ ઊંચો ઉપાડી છીણી ઉપર માર્યો. તે પત્થરના બે કટકા થઈ ગયા. તે જોઈ મહારાજ બહુ જ પ્રસન્ન થયા ને ભોજાને છાતીમાં ચરણારવિંદ આપ્યાં. ॥૧૫૬॥

એક વખત મહારાજની ઘોડી માટે મોરડો ભરીને ગામ કુંડલાના રાઠોડ લાવ્યા હતા અને ચોકડાને ભરકડી નહોતી. તે ભોજા લુવાર કરીને લાવ્યા. પછી તે મહારાજને આપી. તે જોઈને મહારાજ બહુ જ રાજી થયા. ॥૧૫૭॥

એક વખત મહારાજ પાંચ સારા સંત તથા પાંચ હરિભક્ત લઈને બેઠા અને મહારાજે સૌને કહ્યું જે, “અમે પૂછીયે ત્યારે જવાબ આપશો.” પછી પાંચ જણા માળા લઈને મહારાજ સામે બેઠા. મહારાજ પૂછે જે, “ફલાણા સાધુ કેવા?” ત્યારે સંત કહે, “બહુ સારા.” તો મહારાજ માળાનો મણકો મેલે અને ફરી પૂછે જે, “ફલાણા સંત કેવા?” સંત કહે જે, “અમે માળા ફેરવીએ છીએ.” એમ મહારાજ સૌની પરીક્ષા ક૨તા. ॥ ૧૫૮॥

એક વખત મહારાજ વાસુદેવનારાયણને ઓરડે બેઠા હતા અને જમતા જમતા ભાતમાં કપાસીયાનું મીંજ નીકળ્યું. તે જોઈ મહારાજ બોલ્યા જે, “મોટીબા! તમે અમારા થાળના ચોખા જોવાને યોગ્ય નહીં જે ભાતમાં કપાસીયાનું મીંજ આવ્યું અને તમારા સેવક અમારા થાળનું સીધું જોવે છે.” પછી મોટીબાએ એવો નિયમ રાખ્યો જે, “મહારાજના થાળનું સીધું પોતે જોવું.” ॥૧૫૯॥

એકવાર મહારાજે અક્ષરઓરડીમાં દાદાખાચરને પૂછ્યું જે, “દાદા! તારે કેવા સંત સાથે હેત?” ત્યારે દાદોખાચર બોલ્યા જે, “મહારાજ! મારે ભજનાનંદ સ્વામી સાથે હેત.” મહારાજ કહે, “અમારી ભેળો રહ્યો છે ને બંધાણો ક્યાં?” પછી મહારાજ કેટલાક સારા સંતને તથા હરિજનને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી એવા મોટા સદ્‌ગુરુ સાથે હેત રાખવા ભલામણ ક૨તા. ॥૧૬૦॥

મહારાજ કહે જે, “સેવા કરશે તેને ભજનાનંદ સ્વામીની ગોળી ખાવી નહીં પડે કેમ કે સેવાએ કરીને પૂર્વના પાપ પણ બળે છે.” કેમ કે સેવા તો ઉકાખાચરની શ્રીજીમહારાજે વખાણી. ઉકાખાચરને શ્રીજીમહારાજ પૂછતા જે, “તમે પૂજા કરો છો?” ત્યારે કહે જે, “હા.” મહારાજ કહે, “તમારે કેટલી મૂર્તિ છે?” ઉકાખાચર કહે કે, “મહારાજ! મારે પાંચસો મૂર્તિયો છે.” સવારમાં ત્રણ વાગે ઉઠી દરબારમાંથી વાળતા વાળતા ઠેઠ ખળખળીયા સુધી વાળી રસ્તો સાફ કરતા જે, “મારા સાધુને કાંકરા વાગશે,” એમ જાણીને સેવા કરતા અને સાધુ લઘુશંકા કરતા તેનાં માટલાં ભરીને બહાર પાદર નાંખી આવતા અને પછી નહાઈ ધોઈને શ્રીજીમહારાજ પાસે પગે લાગવા આવતા. તે વાત શ્રીજીમહારાજે વચનામૃતમાં લખી છે જે, “ઉકાખાચરની પેઠે ટેલ-સેવા કર્યાનું વ્યસન હોય તેને ગમે તેવી મલીન વાસના હોય તે બળી જાય.”॥૧૬૧॥

અક્ષરઓરડીની પછવાડે પ્રથમ અપાસરો હતો. તે રાતમાં સંતે બારણું પાડીને સવારમાં દાદાગુરુને જારનો ટોપલો ભરીને સદાવ્રત દેવા બેસાર્યા. તે સવારમાં ગામનું મહાજન જોવા આવ્યું જે, “સ્વામિનારાયણના સાધુએ આપણો અપાસરો પાડીને ત્યાં સદાવ્રત દેવા માંડ્યું.” તે સારૂં ગામમાં હડતાળ પાડી. પછી લાધા ઠક્કરને મહારાજે કહ્યું જે, “તમે ભાવનગર જઈ વજેસિંહજી દરબારને મળો.” લાધો ઠક્કર તે દિવસ સ્વાર થઈ ભાવનગર ગયા. અહીંયાં મહાજને વિચાર કરી પાંચસો રૂપીયા એકઠા કર્યા અને ભાવનગર જવું એવો ઠરાવ કર્યો. પછી લાધા ઠાકરે ભાવનગર જઈ વજેસિંહ દરબારને કહ્યું જે, “દાદાખાચર ઘેર નથી ને મહાજને હડતાળ પાડી છે અને સ્વામિનારાયણના સાધુ એક તરણાને પણ તોડે નહીં અને મહાજન કહે છે જે અમારો અપાસરો પાડી નાંખ્યો. જે ઠેકાણે દાદાખાચરનું ઘર હતું ત્યાં સ્વામિનારાયણે સદાવ્રત બંધાવ્યું છે. તે માટે મહાજને ગામમાં હડતાળ પાડી છે.” પછી ગઢડાથી મહાજન ભાવનગર ગયા અને દરબારને મળવા માટે ગયા ત્યારે દરબારે કહ્યું જે, “આજ મારે અવકાશ નથી.” એમ ચાર પાંચ દિવસ સુધી મહાજનને દરબારે જવાબ આપ્યો નહીં અને ખરચી હતી તે બધી ખુટી ગઈ. પછી મહાજન સૌ દરબારને પગે લાગી ગુન્હાની માફ માગી ગઢડે આવ્યા. ॥૧૬૨॥

જીણાભાઈનો દીકરો હઠીભાઈ હતો. તે રમતાં રમતાં બજારમાં અપાસરાની ઓસરીમાં જઈને થુંક્યો તેથી મહાજને ગામમાં હડતાળ પાડી. પછી શ્રીજીમહારાજને ખબર પડી એટલે મહારાજ અપાસરા પાસે જઈ ઉભા એટલામાં જહોરખ કરીને ગોરજી અપાસરામાં ઉભા હતા. તે મહારાજને ભાળી બહાર આવી મહારાજને પગે લાગ્યા અને કહ્યું જે, “મહારાજ! તમે અહીં ક્યાંથી? અહીં શા માટે આવ્યા?” મહારાજ કહે, “આ તો છોકરૂં છે તે અજાણ્યે થુંક્યો હશે તેને માટે આટલું બધું તોફાન હોય?” જહોરખ કહે, “મહારાજ! અપરાધ ક્ષમા કરશો ને હમણાં હડતાળ ખોલાવું છું.” પછી મહારાજ દરબારમાં પધાર્યા. ॥૧૬૩॥

એક સમે મહારાજને વડતાલ પધારવું હતું અને મોટીબા વિગેરે સૌ કહે, “મહારાજને ગઢડેથી જવા દેવા નહીં.” પછી મહારાજ ઘોડીએ સ્વાર થયા પછી માણકીની વૃત્તિ બાઈઓએ તાણી લીધી. તેથી માણકી ફરી ફરીને વાસુદેવનારાયણના ઓરડા સામી ઉભી રહે. પછી મહારાજ કહે, “આ ગઢડાના પાર્ષદ અમારી ઘોડાની વૃત્તિ ખેંચી લે છે એવા પ્રેમી છે.” પછી મહારાજે મોટીબા વિગેરેને કહેવરાવ્યું જે, “હવે તમે આજ્ઞા આપો એટલે વડતાલ જઈયે.” પછી બાઈઓએ કહેવરાવ્યું જે, “પાછા વહેલા ગઢપુર આવો તો રજા આપીએ.” પછી મહારાજ કહે, “જાઓ, સમૈયો કરીને તુરત પાછા આવીશું.” પછી મહારાજને રજા આપી એટલે મહારાજ વડતાલ પધાર્યા. ॥૧૬૪॥

એક વખત મહારાજ આથમણે આરે ઘેલામાં મોટો પત્થર છે ત્યાં સભા કરીને વિરાજમાન હતા. તે સમે નિર્વિકારાનંદ તથા નિર્વિકલ્પાનંદ બન્ને જણ સભામાં આવ્યા. અને તેને એવું માન હતું કે, “મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીની જોડે બેસવું.” પછી તેનું માન ટાળવા માટે શ્રીજીમહારાજે રોઝો ઘોડો શણગારીને મંગાવ્યો અને પોતાનાં વસ્ત્ર અલંકાર નિત્યાનંદ સ્વામીને પહેરાવ્યાં ને રોઝા ઘોડા ઉપર બેસાર્યા અને માણકી ઘોડી ઉપર પોતે બેઠા. અને વાજતે ગાજતે દરબારમાં પધાર્યા તે જોઈને નિર્વિકારાનંદ તથા નિર્વિકલ્પાનંદ બન્ને ચાલ્યા ગયા. તે નિર્વિકલ્પાનંદ આમોદ ગામમાં જઈ દીનાનાથ ભટ્ટને મળ્યા અને નિર્વિકારાનંદ ડભોઈ ગામમાં મઠ બાંધી રહ્યા. ॥૧૬૫॥

ભગવાનાનંદ સ્વામી કરીને એક ગવૈયા સંત હતા અને તેનું બીજું નામ કીડીસખી હતું અને પોતે ગાયનકળામાં બહુ જ હોશિયાર હતા પણ પોતાને ગુણનું માન વિશેષ હતું. તે જ્યારે પ્રેમાનંદ સ્વામી સભામાં ગાયન કરતા ત્યારે શ્રીજીમહારાજ તેમની વારંવાર પ્રશંસા કરતા. આમને કોઈ દિવસ શ્રીજીમહારાજ વખાણતા નહીં. તેથી પોતાના મનમાં એમ રહેતું જે, “હું તો મોટા રાજાને રંજન કરૂં તેવો છું પણ મહારાજની ગણતરીમાં નથી.” પછી તેનું માન ટાળવા માટે શ્રીજીમહારાજ એકવાર સભામાં બોલ્યા જે, “કીડીસખીનો કાંઈ રાગ છે! જેવો અમારે મુળદ્વારે રાગ છે તેવો રાગ છે.” તે સાંભળીને તે સંત પોતાનો સરોદ લઈ સભામાંથી પરબારા ચાલી નીકળ્યા અને બોટાદ ગયા. ત્યાં ભગાશેઠને મળ્યા. ભગાશેઠે કહ્યું, “સ્વામી! એકલા કેમ?” સ્વામી કહે, “મારૂં અપમાન શ્રીજીમહારાજે સભામાં કર્યું જે, ‘વાહ! કીડી સખીનો રાગ વાહ! જેવો અમારે મુળદ્વારે રાગ છે તેવો રાગ છે.’” પછી ભગાશેઠે બહુ જ સમજાવ્યા જે, “સ્વામી! ધન્ય ઘડી ધન્ય ભાગ્ય ભગવાનના મુળદ્વાર જેવો આપણો રાગ ક્યાંથી હોય? આવો, હું તમને મેલવા આવું.” પછી સંતે કહ્યું, “હું તો મોટા રાજાને રાજી કરૂં તેવો છું.” પછી તે સત્સંગ બહાર ગયા અને પતનો રોગ થયો અને પછી બહુ હેરાન થઈ દેહ મેલી ગયા. ॥૧૬૬॥

જીવાખાચરના કારજમાં ગામ આંબરડીના જોગીદાસ ખુમાણ કરીને કાઠી હતા. તે ગઢપુર આવ્યા હતા અને સભામાં મહારાજના દર્શને આવ્યા. પછી મહારાજે સભામાં તેને પૂછ્યું જે, “જોગીદાસ ખુમાણ! તમારે પરસ્ત્રી સામું જોવાય ત્યારે આંખમાં મીઠું ભરો છો તેનું કારણ શું?” જોગીદાસ ખુમાણ કહે, “મારી માએ મારું નામ જોગીદાસ ખુમાણ પાડ્યું છે તે હું જોગીઓનો દાસ કહેવાઉં તે મારાથી પરસ્ત્રી સામું કેમ જોવાય? અને જોઉં તો મારા ગુરુ લાજે. એટલે આંખમાં મીઠું ભરૂં છું.” પછી મહારાજે સૌ સંતને કહ્યું જે, “જુઓ, આને કેટલી બધી લાજ છે જે હું જોગીઓનો દાસ કહેવાઉં? એમ લાજ રાખે તો ધર્મ પળે, નહિ તો ધર્મ પળે નહિ.” ॥૧૬૭॥

જીવાખાચરના કારજમાં સૌ કાઠી ભેળા થયા હતા. પછી સૌ કાઠી મહારાજ પાસે આવ્યા અને મહારાજને કહ્યું જે, “મહારાજ! અમને મુક્તાનંદ સ્વામીનાં દર્શન કરાવો.” પછી મહારાજ કહે, “મુક્તાનંદ સ્વામીનાં દર્શન કરવાં છે કે તેથી મોટા હોય તેનાં દર્શન કરવાં છે?” ત્યારે સૌ બોલ્યા જે, “તેથી મોટા હોય તેનાં દર્શન કરાવો.” પછી સિદ્ધાનાંદ સ્વામી ઉગમણે આરે નદીમાં પત્થર કાઢતા હતા. ત્યાં શ્રીજીમહારાજ પધાર્યા અને કાઠીઓને કહ્યું જે, “મારી મૂર્તિ રાખવી તેમાં આ મોટા છે અને લોકવહેવારે મુક્તાનંદ સ્વામી મોટા છે.” એમ મહારાજે કાઠીઓને કહ્યું એટલે કાઠી સૌ સિદ્ધાનંદ સ્વામીને પગે લાગ્યા. ॥૧૬૮॥

એક વખત ઘણાક સંત માંદા થયા હતા. તેમાં કેટલાક સાજા માંદા હતા. તેથી મહારાજે જાણ્યું જે, “આમાં કેટલાક માંદા છે ને કેટલાક સાજા છે. માટે સૌ એક સાથે ગણાય છે. માટે તેનો કાંઈક ઉપાય કરીએ.” પછી ભંડારીને બોલાવીને મહારાજે કહ્યું જે, “આજ મીઠું નાંખીને બાજરાના લોટની રાબ કરજો એટલે સૌ માંદા સંત પીવે.” પછી મહારાજે સૌ માંદાને બોલાવ્યા ને કહ્યું જે, “આ મીઠાની રાબ સૌ પીવો.” પછી કેટલાક બોલ્યા જે, “મહારાજ! અમે તો સાજા છીએ.” પછી માંદા સંતને બાજરાના લોટની રાબ પાઈને સાજા કર્યા. ॥૧૬૯॥

ગઢપુરમાં રામપ્રતાપજી મહારાજે કાઠીને પૂછ્યું જે, “તમે દુબળા કેમ?” ત્યારે કાઠી કહે, “તમારા ભાઈ એક એકાદશી લાવ્યા છે જે પંદર દિવસ થાય એટલે આવીને ઉભી રહે છે. તે ઉપવાસ કરવો પડે અને જ્યાં પાંચ દિવસ થાય ને કાંઈક સમો વળે ત્યાં ફડકો પડે જે આવી. તેણે કરીને સૂકાઈએ છીએ.” એમ વાત કરે છે તેટલામાં માણસીયો કરીને કાઠી હતો તે જાણીને મોંઢે ફીણ આણીને પડ્યો. પછી ચાર જણ ઝોળીમાં નાંખીને મહારાજ પાસે લાવ્યા અને મહારાજને કહ્યું જે, “મહારાજ! આ માણસીયો મરી જાય છે.” મહારાજ કહે, “શું છે?” કાઠી કહે, “મહારાજ! એકાદશી રહ્યો છે.” એમ જ્યાં કહે છે ત્યાં ગામમાં છોકરૂં મરી ગયું તેની મરણપોક પડી. તે સાંભળી કાઠી બોલ્યા જે, “મહારાજ! ઝટ કરો. આ એકાદશીએ એક તો લીધો અને માણસીયો મરી જાશે.” પછી મહારાજ કહે, “જાઓ સૌ એકટાણું જમજો.” તે સાંભળી માણસીયો સુતો હતો તે બેઠો થઈ ખોંખારો કર્યો ને મહારાજને પગે લાગ્યો. મહારાજ કહે, “કેમ, માણસીયા?” માણસીયો કહે, “મહારાજ! હું તો ભૂખે મરી જાતો હતો તે હવે જીવતો થયો.” ॥૧૭૦॥

મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, “તમારા કીર્તનમાં તોછડાઈ બહુ જ આવે અને મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં તોછડાઈ નહીં.” ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, “હા, મહારાજ! મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કાંઈ તોછડાઈ નહીં હોય.” એમ કહી સ્વામી મુક્તાનંદ સ્વામીના કીર્તનનું પદ બોલ્યા જે:

‘મુક્તાનંદ કહે મુરખ લોક પાધરા દીસે પાજી જો.’

પછી બ્રહ્માનંદ સ્વામી કહે, “જુઓ, મહારાજ. આમાં કાંઈ છે તોછડાઈ?” ॥૧૭૧॥

ગોપીનાથજી મહારાજ પધરાવ્યા પછી દાદાખાચરને મહારાજે કહ્યું જે, “દાદા! ગોપીનાથજી દેવ તો પધરાવ્યા પણ તેમને નિરંતર થાળ ધરવા માટે જોશે.” ત્યારે દાદાખાચર કહે, “મહારાજ! જેમ તમે કહો તેમ કરું.” પછી મહારાજ કહે, “હું કહું તેટલી જમીન આપો.” પછી શ્રીજીમહારાજ દાદાખાચર તથા બીજા પાર્ષદ સાથે લઈ રાધાવાડીયે પધાર્યા અને અડતાળાના મારગેથી અણવાણે પગે ચાલ્યા. તે ફરતા ફરતા ઉગામેડીના મારગે આવીને ઉભા રહ્યા. પછી મહારાજે કહ્યું જે, “દાદા! આટલી જમીન આપ.” પછી દાદાખાચરે બસો વિઘાં જમીન કૃષ્ણાર્પણ કરી. તે વખતે ગામ સુંદરીયાણાના પુંજો શેઠ શ્રીજીમહારાજની સાથે હતા. તે મહારાજ અણવાણે પગે ચાલ્યા. તે પગલે પગલેથી ચરણરજ લીધી અને પછી મહારાજ દરબારમાં પધાર્યા ત્યારે લાડુબા બોલ્યાં જે, “મહારાજ! ક્યાં પધાર્યા હતા?” મહારાજ કહે, “દાદાખાચરે ગોપીનાથજીના થાળમાં બસો વિઘાં જમીન આપી.” પછી લાડુબા બોલ્યાં જે, “મહારાજ! દાદાના ઢોર ક્યાં ચરશે?” માટે બે માર્ગ વચ્ચે થોડીક જમીન દાદાખાચરને ખાતે રહેવા દ્યો.” પછી બે માર્ગ વચ્ચે ખુણો પડતર રાખ્યો તેમાં સ્ટેશન છે તે જગ્યા રખાવી. ॥૧૭૨॥

અયોધ્યાપ્રસાદજી મહારાજ અમદાવાદ જવા તૈયાર થયા. પછી મહારાજ સભામાં વિરાજમાન હતા. ત્યાં આવી દંડવત્ કરી મહારાજને પગે લાગ્યા અને બહુ જ દિલગીર થયા ને મહારાજને કહ્યું જે, “મહારાજ! રઘુવીરજી મહારાજને તો વડતાલ ગામડીયું ગામ તે કાંઈ ફીકર નહીં પણ મારે તો અમદાવાદ જેવું શહેર તેમાં રહેવું અને મારી પાસે કાંઈ વિદ્યા નહીં તેમ દ્રવ્ય પણ નહીં.” પછી શ્રીજીમહારાજે સભા સામું જોયું. ત્યાં તો નિરંજન સ્વામીને મહારાજને દેખ્યા અને પોતા પાસે બોલાવ્યા અને અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું જે, “લ્યો, આ તમને કામધેનુ આપું છું તેને જમાડીને જમજો અને તે કહે તેમ કરજો.” પછી અયોધ્યાપ્રસાદજી મહારાજને મહારાજ બાથમાં ઘાલીને મળ્યા અને વાંસો ઠપકારી મહારાજે કહ્યું જે, “જાઓ, હું તમારી ભેળો છું.” પછી અયોધ્યાપ્રસાદજી મહારાજ અમદાવાદ પધાર્યા અને સ્વામીએ જેમ કહ્યું તેમ કર્યું. ॥૧૭૩॥

શ્રીજીમહારાજ જ્યારે સ્વધામ જવાને તૈયાર થયા ત્યારે જીવુબા તથા લાડુબા તથા જસુબા વિગેરેએ મહારાજની પ્રાર્થના કરીને કહ્યું જે, “મહારાજ! અમારે તમારાં દર્શનનું નિયમ છે. તે હવે કોનાં દર્શન કરીને જમીએ?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “આ ગોપીનાથજી છે. તે મારું જ સ્વરૂપ છે માટે તેમનાં દર્શન કરીને જમજો.” પછી મોટીબા તથા લાડુબા તથા જશુબા વિગેરે જ્યારે ગોપીનાથજી મહારાજને દર્શને આવે ત્યારે ગોપીનાથજી મહારાજને શ્રીજીમહારાજરુપે દેખતા પણ ત્રિભંગી મૂર્તિ ન દેખતાં. ॥૧૭૪॥

ગઢડામાં શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના ઓરડાની આગળના ફળીયામાં લીમડાની છાયા નીચે સભા ભરી બેઠા હતા અને સભાનું કામ ચાલુ કર્યું હતું. એટલામાં ગામના જ હરિભક્ત નામે ખીમા ઉર્ફે ખીમજી કલ્યાણ જ્ઞાતે ગુર્જર સુતાર સભામાં આવ્યા અને પોતે એક નારીયેળની કાચલીમાંથી બનાવેલી કંઠી શ્રીજીમહારાજને અર્પણ કરી. તે કંઠી જોઈને શ્રીજીમહારાજ બહુ જ પ્રસન્ન થયા તેમ જ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સર્વે હરિજન અને સંતો પણ તે જોઈને બહુ રાજી થયા. શ્રીજીમહારાજે તે કંઠી હાથમાં લીધી ને એમ બોલ્યા જે, “આવી જ પરંતુ સુખડની અથવા તુલસીની કંઠી પહેરવાનો રિવાજ આજથી આપણા સંપ્રદાયમાં શરૂ કરવો.” અને સર્વે હરિજનોએ તે આજ્ઞા કબૂલ રાખી. પછી શ્રીજીમહારાજે પ્રસન્ન થઈને ખીમા સુતારને સુખડની અથવા તુલસીની કંઠીઓ બનાવવાની આજ્ઞા કરી. પરંતુ પાસેના ગામોમાં અથવા શહેરોમાં સુખડનો અભાવ હોવાથી ખીમા સુતારે શ્રીજીમહારાજ પ્રત્યે વિનંતી કરી જે, “આસપાસ કોઈ ગામમાં કે શહેરમાં સુખડ મળવી શક્ય જણાતી નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા કે, “સુરતમાં સુખડ તમોને જોઈએ તેટલી મળી શકશે એટલે સુરતથી સુખડ લાવો.” ખીમાભક્ત તુરત તૈયાર થયા અને પગરસ્તે ભાવનગર પહોંચ્યા અને ત્યાંથી વહાણમાં સુરત જવા રવાના થયા. તેમની સાથે એક બ્રાહ્મણ ભાવનગરથી તે જ વહાણમાં તેમની સાથે થયો. ખીમા ભક્તની કમ્મરમાં પૈસાની વાંસળી હતી. તે તે બ્રાહ્મણની નજરે ચડી અને તે તેણે ધ્યાનમાં રાખી. બેઉ જણા વહાણમાં પ્રવાસ કરે છે અને રસ્તામાં રાત થઈ એટલે ખીમા ભક્ત સ્વામિનારાયણના નામની ધૂન કરવા લાગ્યા. પેલો બ્રાહ્મણ આ ધૂન સાંભળી ચિડાણો અને કહેવા લાગ્યો કે, “સ્વામિનારાયણ તે વળી કોણ છે? અરે! આ શું બડબડ કરી રહ્યા છો?” આ સાંભળી ખીમા ભક્ત ધીમા અવાજે નામસ્મરણ ચલાવવા માંડ્યું. પરંતુ તે પણ પેલા બ્રાહ્મણને સહન ન થયું અને ગુસ્સે થઈ બોલ્યો જે, “તારો સ્વામિનારાયણ ખરો હશે તો તને આજ રાતમાં બચાવશે.” પરંતુ ખીમા ભક્તે નામસ્મરણ ન છોડતાં તેનો જવાબ વાળ્યો, “તમારાથી બને તે કરજો.” પછી રાતનાં અગ્યાર વાગ્યાનો સુમાર થતાં ખીમા ભક્ત નિંદ્રાવશ થઈ ગયા; એટલે પેલા બ્રાહ્મણે અડદના દાણા તેમના ઉપર છાંટવાનો પ્રયત્ન શરુ કર્યો. કારણ કે તે બ્રાહ્મણ મલેચ્છ વિદ્યામાં સારું જ્ઞાન ધરાવતો હતો. અને તેનો તેને મનમાં બહુ જ ગર્વ હતો. અને આવા પ્રયોગથી ઘણાની પ્રાણ હત્યા તેણે કરી હતી. તેણે લગભગ અર્ધો શેર અડદના દાણા તેમના ઉપર છાંટ્યા અને હવે આ ડોસો ઠેકાણે થઈ ગયો હશે એમ માની સંતોષ કરી નિહાળતો બેઠો. ખીમા ભક્ત પાંચેક કલાક ઉંઘ લીધા બાદ જાગ્રત થયા અને નામસ્મરણ કરતા કરતા ઊઠીને પથારીમાં જુવે તો જ્યાં ત્યાં અડદ વેરાયેલા નજરે જોયા અને તે બાબત કંઈપણ ધ્યાનમાં ન લેતાં બધા અડદ ભેળા કરી એક રુમાલને છેડે બાંધી લઈ ખડીયામાં મૂકી દીધા. તે બધું જોઈ તે બ્રાહ્મણ મનમાં ભયભીત થયો અને વિચાર કરવા લાગ્યો કે, “આ રીતે મેં ઘણાના પ્રાણ લીધા છે અને આ ડોસો ઉભો થયો. આ એક અજબ જેવી વાત છે.” પછી બીજે દિવસે વહાણ સુરત બંદરે પહોંચ્યું અને બેઉ જણ બંદર પર ઉતરી એક ધર્મશાળામાં ઉતર્યા. ખીમા ભક્તે નહાઈ ધોઈ પૂજાપાઠ કરી રસોઈ કરી. તેમાં પોતાની પાસે રૂમાલમાં જે અડદ ભેગા કરી સાથે લીધા હતા તેની દાળ બનાવી. બધી રસોઈ તે બ્રાહ્મણના દેખતા જમ્યા એટલે પેલો બ્રાહ્મણ વધારે ગભરાયો અને મનમાં સમજ્યો કે આ ડોસલો મારા કરતા મ્લેચ્છ વિદ્યામાં બહુ જ વધારે પ્રવીણ હોવો જોઈએ. ખીમા ભક્ત જમી રહ્યા પછી બ્રાહ્મણને બોલાવી કહ્યું કે, “મારા સ્વામિનારાયણનો ચમત્કાર તને બતાવું.” એટલું સાંભળતાં પેલો બ્રાહ્મણ પગમાં પડ્યો અને મારી ભૂલ થઈ એમ કહી ક્ષમા યાચવા લાગ્યો. એટલે ખીમા ભક્તે તેને કહ્યું કે, “‘આજથી કોઈપણ જીવની હિંસા હું નહિ કરું,’ એમ પાણી મૂક એટલે ક્ષમા જ છે.” તે બ્રાહ્મણે ડોસલાની આજ્ઞા માન્ય કરી હાથમાં પાણી લઈને મૂક્યું જે, “આજથી કોઈપણ જીવની હિંસા હું નહીં કરું.” પછી તે બ્રાહ્મણે ખીમા ભક્તને પૂછ્યું જે, “મને તમારા સ્વામિનારાયણ ક્યાં છે તે કહો; મારે તેમનાં દર્શન કરવાં છે.” બ્રાહ્મણની તીવ્ર જીજ્ઞાસા જોઈ તેને ખીમા ભક્તે કહ્યું કે, “કાઠિયાવાડમાં ગઢડા કરીને ગામ છે ત્યાં છે અને હું તે જ ગામનો વતની છું.” પછી સુખડનું વહાણ ભર્યા બાદ તે બ્રાહ્મણને શ્રીજીમહારાજ પાસે લઈ જઈને કહ્યું કે, “આ અમારા સ્વામિનારાયણ પોતે જ છે.” આ પ્રમાણે પેલા બ્રાહ્મણને દર્શન કરાવ્યાં. પછી તે બ્રાહ્મણે બધી બનેલી હકીકત શ્રીજીમહારાજને કહી. પછી તેમની ક્ષમા માગવા લાગ્યો અને પોતાને શરણે સ્વીકાર કરી આશ્રિત કરી લેવા વારંવાર વિનવવા લાગ્યો, એટલે શ્રીજીમહારાજે કૃપા કરી પોતાનો આશ્રિત બનાવ્યો. પછી ખીમા સુતાર લાવેલી સુખડમાંથી કંઠીયો બનાવવા લાગ્યા અને શ્રીજીમહારાજે તે કંઠીયો બધા સત્સંગી બાઈ ભાઈઓને ગળામાં પહેરવાનો રિવાજ ત્યારથી ખીમા સુતારને હાથે ચાલુ કર્યો. ॥૧૭૫॥

ગઢપુરમાં એક સંતને બહુ તાવ આવ્યો હતો પછી તે સંત તાવને ગોદડીમાં મુકીને પોતે એક કોર જઈને બેઠા. તે વખતે શ્રીજીમહારાજે આવીને સંતને કહ્યું જે, “મહાપુરુષ! આમ કેમ છેટે બેઠા? એટલું તમારૂં પ્રારબ્ધ કોણ ભોગવશે? માટે તમારૂં પ્રારબ્ધ તમે ભોગવી લ્યો.” અને તે ગોદડું છેટે પડ્યું પડ્યું તરફડતું હતું. પછી મહારાજે કહ્યું એટલે સંતે તે તાવને અંગીકાર કર્યો. ॥૧૭૬॥

એક વખતે ગઢપુરમાં મુક્તાનંદ સ્વામીને કોઈક હરિભક્તે ડગલો આપ્યો હતો. પછી સ્વામીએ સભામાં કહ્યું જે, “જેને ડગલો ન હોય તે મારી પાસેથી લઈ જજો.” પછી નારણદાસ સમાધિવાળા હતા તે પોતાનો જુનો ડગલો ઉકરડામાં સંતાડી આવ્યા. પછી કોઈક ભંડારીએ તે ઉકરડામાં દેવતા નાંખ્યો એટલે ડગલો માંહેથી સળગ્યો ને ધૂમાડા નિકળવા મંડ્યા. પછી સૌ લોક ભેળા થઈને તે ઉકરડો ફોળવા મંડ્યા ત્યાં તો માંહેથી ડગલો નિકળ્યો. તે જોઈને સૌ કહેવા લાગ્યા જે, “આ કોનો ડગલો? આ કોનો ડગલો?” પછી કોઈકે તે ડગલો ઓળખ્યો જે, આ તો નારણદાસજીનો ડગલો છે. પછી નારણદાસને બોલાવીને તે ડગલો તેમને પાછો આપ્યો. સમાધિવાળા હતા પણ ચાળાચૂંથણા કહેવાણા. ॥૧૭૭॥

ગઢપુરમાં સદ્‌ગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીની આંખો બહુ દુઃખવા આવી હતી. પછી લીંબુ મંગાવીને માંહે વડાગરું મીઠું વટાવીને નાંખ્યું અને પછી આનંદાનંદ બ્રહ્મચારીને બોલાવીને વાસુદેવનારાયણના ઓરડે તે રસ સ્વામીની આંખોમાં નાંખ્યો અને બીજો દિવસ થયો એટલે આંખો દીવા જેવી સારી થઈ ગઈ અને પછી જીવનપર્યંત ક્યારેય પણ આંખો દુઃખવા આવી નહીં. ॥૧૭૮॥

શ્રીજીમહારાજે ગઢપુરમાં રામશરણજી મહારાજ તથા હરિશરણજી મહારાજને દરબારમાં જનોઈ દીધી હતી અને બેઉનાં નામ શ્રીજીમહારાજે રામશરણજી તથા હરિશરણજી પાડેલાં હતાં ને બન્નેના માથે હાથ મેલી મહારાજ રાજી થયા. ॥૧૭૯॥

ગઢપુરમાં મોટીબા હતાં. તેમને દર્શને ગઢાળીનાં ભાવસારબાઈ રતનબાઈ આવ્યાં હતાં. તેમને મોટીબાએ છેટેથી ભાળીને કહ્યું જે, “રતન! તું એટલે રહેજે, તારા પેટમાં દીકરો છે માટે મને અડીશ નહીં.” પછી પુરા માસ થયા ત્યારે તેમને દીકરો અવતર્યો. તે સવા મહીનાનો થયો ત્યારે તેને મોટીબાને પગે લગાડવા લાવ્યા. પછી મોટીબાએ તેને રૂમાલ આપીને ‘હરિ’ એવું નામ પાડ્યું. ॥૧૮૦॥

ગામ દાડમાનાં પાનબાઈ કરીને બ્રાહ્મણબાઈ હતાં. તે ગઢપુર મોટીબાનાં દર્શને આવ્યાં ત્યારે મોટીબાએ કહ્યું જે, “પાન! તું એટલે રહેજે હો, તારા પેટમાં દીકરો છે.” પછી તેને પુરા માસ થયા એટલે દીકરાનો જન્મ થયો તેનું નામ ‘ઈશ્વર’ પાડ્યું. ॥૧૮૧॥

ગામ ઉમરાળાની શ્રીમાળી બ્રાહ્મણબાઈ હતાં. તે ગઢપુરમાં મોટીબાના દર્શને આવ્યાં. તેને મોટીબાએ કહ્યું જે, “બાઈ! તું એટલે રહેજે, તારા પેટમાં દીકરો છે.” પછી પૂરા માસ થયે તે બાઈને પુત્ર આવ્યો. તેનું નામ ‘જટાશંકર’ પાડ્યું અને તે શ્રીજીમહારાજના એકાંતિક ભક્ત થયા. ॥૧૮૨॥

ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું મંદિર ચણાતું હતું અને કડીયાના પગારના રૂપીયા ચઢ્યા હતા. પછી મહારાજે લાડુબાને કહ્યું જે, “લાડુબા! કડીયાના પગાર ચઢ્યા છે.” પછી લાડુબા પોતાને પગમાં પહેરવાનાં સોનાનાં કડલાં હતાં. તે પટારો ઉઘાડી લાવીને મહારાજને આપ્યાં. અને મહારાજને કહ્યું જે, “લ્યો, આ કડલાં અને કડીયાના પગાર ચુકાવો.” એવો લાડુબાને શ્રીજીમહારાજનો વિશ્વાસ હતો. ॥૧૮૩॥

એક વખત અમદાવાદના જિષ્ણુદાસ કરીને ગવૈયા સાધુ ગઢપુર આવ્યા હતા. તેણે ગોપીનાથજી મહારાજના મંદિરની પછવાડે પ્રદક્ષિણામાં બેસીને ગાયનનો આલાપ કર્યો. તે સાંભળી બાવોખાચર બહુ જ રાજી થયા અને સાધુને કહ્યું જે, “સ્વામી! માંગો તે આપું.” જિષ્ણુદાસજી કહે, “શ્રીજીમહારાજ જે હાર પહેરતા તે હાર મને આપો.” તે હારમાં એક મોતી તથા એક પરવાળું હતું. તે હાર લેવાને માટે બાવોખાચર પોતાને ઘરે ગયા. ત્યારે લાડુબાએ કહ્યું જે, “બાવા! પટારો ઉઘાડીને શું કરે છે?” બાવોખાચર કહે, “ફુઈ! ગવૈયા સાધુએ ગાવણું કર્યું. તે સાંભળીને હું બહુ જ રાજી થયો છું. તેમને આ હાર આપવો છે.” પછી લાડુબાએ કહ્યું જે, “તું ગાંડો થા માં ગાંડો, આ હાર કાંઈ ગાવણાના આલાપમાં અપાય નહીં. આ તો જ્યારે અક્ષરપતિ પ્રકટપુરુષોત્તમ આ પૃથ્વી ઉપર પધાર્યા હોય અને મોટીબા ફુઈ જેવાં તથા રાજબાઈ ફુઈ જેવાં તથા મારા જેવાં સાથે આવ્યાં હોય અને તેમણે સેવાએ કરીને રાજી કર્યા હોય ત્યારે આ હાર મળે; અમથો આ હાર મળે તેવો નથી.” પછી જ્યારે લાડુબા ધામમાં ગયાં ત્યાર પછી બીજીવાર તે ગવૈયા સાધુ આવીને બાવાખાચરને રાજી કરીને તે હાર તેઓ લઈ ગયા હતા. ॥૧૮૪॥

ગઢપુરમાં રાજબાઈ હતાં. તેમને પરણવું નહોતું પણ શ્રીજીમહારાજની આજ્ઞાથી તેમને લગ્ન કરવાં પડેલાં અને પરણીને પોતાના સાસરે ગયાં. પછી જ્યાં ઘરમાં જાય ત્યાં તો તેના પતિએ રાજબાઈનું સિંહના જેવું સ્વરૂપ ભાળ્યું. તે જોઈને તેમનો પતિ ચીસ નાંખીને પાછો ભાગ્યો. પછી રાજબાઈને રથમાં બેસાડીને પાછાં ગઢપુર મોકલ્યાં. તે રસ્તે આવતાં એક નદીમાં મોટા અખંડાનંદ સ્વામીને લોહીખંડ પેટબેસણું થયું હતું. તેમને છેટેથી જોઈને પૂછાવ્યું જે, “ઓલ્યું કોણ છે?” પછી તે માણસે જોઈને આવીને કહ્યું જે, “એ તો મોટા અખંડાનંદ સ્વામી છે ને તેમને લોહીખંડ પેટબેસણું થયું છે.” પછી રાજબાઈ બોલ્યાં જે, “સંતને આ ગાડીમાં બેસાડો હું ચાલીને આવીશ.” પછી પોતાની રેશમી ગોદડીયું હતી તે પોતાના બેસવાના રથમાં પાથરી દઈને તેમાં સંતને સુવાડ્યા અને પોતે ગઢપુર સુધી ચાલીને આવ્યાં અને અહીંયાં આવ્યા પછી સંસારના સુખનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનું અખંડ ધ્યાન-હરિભક્તિ કરી.

પોતાને એવો નિયમ હતો જે, “વીશ હાથ પુરુષથી છેટે રહેતાં.” પછી એક દિવસ મુળજી બ્રહ્મચારી તેમના ઓરડાની ઓશરીની કોર ઉપર જઈ ઉભા રહ્યા. ત્યાં તો ઓરડામાંથી એક બાઈ દોડી આવી ને બોલી જે, “બ્રહ્મચારી! છેટે રહો. રાજબાઈને ઉપવાસ પડશે.” બ્રહ્મચારી કહે કે, “રાજબાઈને ઉપવાસ પડે ત્યારે મારે ઉપવાસ ન પડે? રાજબાઈ એક દિવસ ઉપવાસ કરે તો હું બે કરૂં. રાજબાઈ બે ઉપવાસ કરે તો હું ચાર ઉપવાસ કરૂં.” પછી રાજબાઈએ બ્રહ્મચારીને કહેવરાવ્યું જે, “તમે જમજો ને હું પણ જમીશ.” તે વાતની મહારાજને ખબર પડી એટલે મહારાજ બોલ્યા જે, “રાજબાઈને કોઈ જીતી શકે નહીં પણ બ્રહ્મચારીએ તેમને જીત્યાં.” રાજબાઈએ જ્યારે દેહત્યાગ કર્યો ત્યારે શ્રીજીમહારાજ તેડવા પધાર્યા. તે વખતે દાદોખાચર ઘેર નહોતા એટલે રાજબાઈએ કહ્યું જે, “મહારાજ, દાદોખાચર ઘેર નથી. તે આવે ત્યાર પછી હું ધામમાં આવીશ. કેમ કે મને દાદા વિના બીજો કોઈ અગ્નિ મુકે નહીં.” પછી તે વખતે શ્રીજીમહારાજ પાછા પધાર્યા ને દાદોખાચર જ્યારે ઘેર આવ્યા ત્યારે રાજબાઈને શ્રીજીમહારાજ ધામમાં તેડી ગયા ને દાદાખાચરે અગ્નિસંસ્કાર કર્યો. રાજબાઈએ જ્યારે દેહ મેલ્યો ત્યારે સૌને કહેલું જે મને સ્ત્રીઓ ઉપાડે. ॥૧૮૫॥

ગામ કરિયાણામાં મીણબાઈ હતાં. તેમણે ગઢપુરમાં દેહત્યાગ કર્યો અને તેમને દાદાખાચર ખળખળીયે અગ્નિસંસ્કાર કરવા લઈ ગયા. પછી જ્યારે અગ્નિસંસ્કાર થઈ રહ્યો અને ટાઢી ડાર્યા. પછી જે ઠેકાણે અગ્નિસંસ્કાર કર્યો હતો ત્યાં એક ગાયે આવીને પોતાનું બધુ દૂધ સૂવ્યું ને પછી તે ગાય ઘેલામાં અદૃશ્ય થઈ ગઈ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “આ મીણબાઈ હતાં તે ગંગાજીનો અવતાર હતાં.” એમ શ્રીજીમહારાજે સભામાં વાત કરી. ॥૧૮૬॥

ગઢપુરનાં મોટીબા, કરિયાણાનાં મીણબાઈ, કુંડળના રાઈબાઈ; એ ત્રણે જણ જ્યારે શ્રીજીમહારાજ ઘેરથી વનમાં પધાર્યા ત્યારથી દેખતાં અને સૌને કહેતાં જે, “ભગવાન બાળસ્વરૂપે આવે છે. બ્રહ્મચારીના જેવો વેશ છે. એક ગોટકો સાથે છે તથા એક કમંડળુ સાથે છે તથા માથે પીળી બાબરી છે એવા વેશે ભગવાન તીર્થો કરતા કરતા ચાલ્યા આવે છે.” એમ સૌને ભવિષ્યનું કહેતાં હતા. ॥૧૮૭॥

ગઢપુરમાં શ્રીજીમહારાજને દૂધ પાવાને માટે લાડુબા આવ્યાં. પછી મહારાજે દૂધનો વાટકો હાથમાં લીધો. દૂધમાં લસણની દુર્ગંધ આવી. તે જોઈ મહારાજ કહે કે, “મારે દૂધ પીવું નથી, કારણ કે આજ ભેંસે લસણ ખાધેલું છે.” એમ કહી દૂધ પીધા વગર તે વાટકો પાછો મૂકી દીધો. પછી મહારાજ બોલ્યા જે, “અમને દૂધ જમાડવું હોય તો ભેંસને ઘેર રાખો અને તેને પાણી પણ અહીંથી સીંચીને પાવું અને ક્યાંઈ બહાર ભેંસને નીસરવા દેવી નહીં; એમ કરો તો હું તેનું દૂધ જમું.” પછી સૌએ પ્રાર્થના કરી જે, “તમારા કહેવા મુજબ ભેંસને ઘેર ને ઘેર રાખશું અને સીમમાં ચરવા પણ મોકલશુ નહીં.” પછી એક દિવસ મોટીબા તથા લાડુબા વિગેરે સૌ નાગડકે જતાં હતાં અને મહારાજ પણ નાગડકે પધારતા હતા અને મહારાજને દૂધ પીવાની ભેંસ હતી તે તરતની વીયાણેલી હતી. તેની પાડીને રથમાં બેસાડી હતી અને ભેંસ પછવાડે છુટી ચાલી આવતી હતી અને તેઓ સૌએ બોટાદ સોંસરો રથને હાંક્યો અને ગાડીના રથનાં પડદા પણ પાડી નાંખ્યા હતા. પછી પાડી ન દેખાવાથી ભેંસ રથની પાછળ રણકતી રણકતી દોડી જાય. તે જોઈ બોટાદના સૌ લોક કહેવા લાગ્યા જે, “જુઓ, આ ભેંસે સ્વામિનારાયણની પ્રસાદી ખાધી છે તેથી તે ભેંસ પણ ગાંડી થઈ ગઈ છે. માટે મનુષ્ય પ્રસાદી ખાય અને ગાંડા થાય તેમાં શી નવાઈ?” પછી મહારાજ લોયા અને બરવાળા વચ્ચે ગયા ત્યારે મહારાજે કહ્યું જે, “મોટીબા! ભૂખ લાગી છે.” પછી મોટીબાએ આખું દહીંનું ગોરસડું હતું તે આખું દોણું મહારાજને આપ્યું. પછી મહારાજ ઘોડીના કાઠા ઉપર દોણું રાખીને તેમાંથી દહીં જમવા મંડ્યા. તે જોઈ સુરાખાચર વિગેરે સ્વારોને ખબર પડી જે, “મહારાજ ગોરસ જમે છે, માટે ચાલો આપણે પ્રસાદી લઈએ.” એમ જાણીને સૌ સ્વારો મહારાજની આસપાસ ફરી વળ્યા અને મહારાજને કહ્યું જે, “એકલા એકલા જમો છો તે અમને પ્રસાદી આપો.” પણ મહારાજે કહ્યું જે, “મારે કોઈને પ્રસાદી આપવી નથી.” એમ જાણીને મહારાજે માણકી ઘોડીને વહેતી મૂકી એટલે મહારાજની પાછળ સૌ સ્વારોએ પણ પોતાનાં ઘોડાં વહેતાં મેલ્યાં. પછી જ્યાં સ્વારો ભેળા થયા ત્યાં મહારાજે દોણું પૃથ્વી ઉપર પછાડ્યું તેથી મહારાજનાં વસ્ત્રો તથા પલાંણ વિગેરે ઘોડી દોડાવવાથી દહીં દહીં થઈ ગયાં હતાં તે ભાદર નદીએ જઈને સ્નાન કરીને વસ્ત્ર તથા પલાંણ વિગેરે ધોવરાવ્યાં. ॥૧૮૮॥

બોટાદમાં ભગા શેઠ માંદા હતા. તેમને જોવા સારુ મહારાજને ગઢપુરથી બોટાદ જવું હતું. પછી મહારાજને જીવાખાચરે કહ્યું જે, “બે ઘડી ખમો તો હું પણ આવું.” પછી મહારાજ સ્વાર થઈને જીવાખાચરની ડેલીએ પધાર્યા. તે વખતે જીવોખાચર ડેલીએ બેઠા હતા પણ સાબદા થયા નહોતા. પછી મહારાજે કહ્યું જે, “જીવાખાચર! તમારા મનમાં એમ છે જે ભગો શેઠ દેહ મેલી ગયા પણ મારો ભગો કાંઈ સાધારણ માણસ નથી તે દેહ મેલી જાય.” એમ કહીને મહારાજ નાજા જોગીયાને સાથે લઈને ચાલી નીકળ્યા. તે ગામ જોટીંગડાને પાદર ગયા એટલે વરસાદ બહુ થયો. તેથી મહારાજનાં વસ્ત્ર તથા જરીયાની પલાંણ વિગેરે સૌ પલળી ગયાં. પછી નાજા જોગીયા બોલ્યા જે, “થઈને પણ.” પછી મહારાજ બોલ્યા જે, “શું થઈ? આવાં સૌ સૌ પલાંણ ભગા ઉપર ઘોળ્યાં.” પછી મહારાજ એમને એમ ભીને વસ્ત્ર બોટાદમાં ગોદડખાચરના દરબારમાં પધાર્યા. ત્યાં કોરાં વસ્ત્ર પહેરીને પછી ભગા શેઠને જોવા સારુ ગયા. પછી ભગા શેઠના ખાટલા પાસે ખુરશી નાંખી આપી. તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન થયા. પછી મહારાજે ભગા શેઠને સાદ કરીને બોલાવ્યા જે, “ભગા! એ ભગા!” એમ ત્રણ વાર સાદ કરીને બોલાવ્યા એટલે ભગા શેઠે આંખ ઉઘાડીને મહારાજનાં દર્શન કર્યા. પછી મહારાજ કહે, “ભગા શેઠને સાકરની રાબ કરીને પાઓ.” પછી મહારાજે રાબ કરાવીને ભગા શેઠને પીવરાવી. પછી થોડા દિવસ થયા એટલે ભગા શેઠ સાજા થયા. ભગા શેઠના પિતા ભાઈચંદ શેઠ હતા. તે બહુ માંદા થયા તેમને જોવા સારું પણ શ્રીજીમહારાજ પધાર્યા. અને મહારાજને ખુરશી નાંખી આપી. તે ઉપર મહારાજ વિરાજમાન થયા. તે વખતે ભાઈચંદ શેઠ એક સાખી બોલ્યા જે:

‘નીચું નલીયેલ ખોરડું થાંભલીયે ઠા નહીં રહે આલીંગડા.’

એ સાખી બોલ્યા પછી મહારાજ બોલ્યા જે, “ભાઈચંદ શેઠ! તમારા કરતાં ભગા સો ગણા સારા થશે.” ત્યારે ભાઈચંદ શેઠ બોલ્યા જે, “મહારાજ! તમારું વચન ફળો.” ભાઈચંદ શેઠ સાખી બોલ્યા. તેનો ભાવ પોતે જણાવ્યો જે, “હું ખોરડાના આડસરને ઠેકાણે છું. તે તો હવે ચાલ્યો અને ભગો શેઠ છે તે તો થાંભલીને ઠેકાણે છે માટે થાંભલી આડસર વગર રહી શકે નહિ.” ॥૧૮૯॥

ગઢપુરમાં એક વખત પ્રાગજી દવે કથા કરતા હતા અને લક્ષ્મીરામ દેરાશ્રીએ આવીને પ્રાગજી દવેને કહ્યું જે, “દવેજી! તમારે કેવા કેવા બ્રાહ્મણમાં સંબંધ થાય?” પ્રાગજી દવે કહે, “ભણે જેવા હોય તેવા ખરા.” લક્ષ્મીરામ કહે, “પહેલા પચાસ રૂપિયા હોય તો કામ થાય.” તે વખતે દાદાખાચરે પ્રાગજી દવેની પૂજા કરીને પચાશ રૂપિયા મૂક્યા હતા. તે દવેજીએ લઈને લક્ષ્મીરામને આપ્યા અને ભલામણ કરવા મંડ્યા જે, “મારા સસરાને કહેજો જે વર બહુ લાયક છે તથા બહુ રૂપાળા છે અને મહારાજ તેમને બહુ સારી રીતે રાખે છે એમ મારા સસરા આગળ વખાણ કરજો.” પછી મહારાજ કહે, “જુઓને, કેવો મૂરખ છે?” ઓલ્યો પચાસ રુપીયા લઈને ચાલ્યો ગયો. બે ત્રણ દિવસ પછી લક્ષ્મીરામ દેરાશ્રી સભામાં આવ્યા. પછી દવેને કહ્યું જે, “ક્યાંઈ કન્યા મળી નહીં.” ॥૧૯૦॥