બિનસત્સાંગી સામે દૃઢ ટેક રાખી તે વાતો
ગામ હળીયાદમાં માવજી કરીને હરિભગત હતો અને તેના ઘરનું માણસ બહુ કુસંગી હતું. તેણી જ્યારે ભાત લઈને ખેતર જાય ત્યારે ઉપર ડુંગળીનો ગાંઠીયો મેલીને જાય અને પાણીના ગોળામાં પણ ડુંગળી નાંખે અને એક વખત ત્યાં ધર્માનંદ સ્વામી પધાર્યા હતા. પછી માવજી ભગત પોતાને ઘેર સ્વામીને રસોઈ કરાવવા સારુ તેડી ગયા તે એક ઘરમાં સાધુ રસોઈ કરતા હતા. ત્યાં તે બાઈ આડી જઈને ઉભી રહી અને સાધુને કહ્યું જે, “મારો પીટ્યો હવે ક્યાંથી નીકળશે?” તેટલામાં માવજી ભગતે આવીને બાવડે ઝાલીને તેને ઘરમાં ઘાલી. પછી સાધુ ત્યાંથી સીધુ લઈને તેની વાડીયે ગયા અને ત્યાં રોટલા કરતા હતા, ત્યાં બાઈ પહોંચી અને સાધુને કહ્યું જે, “એ મારા પીટ્યા મુંડીયા, તમે તો માવજીડાનો કેડો ન મૂક્યો, પણ હું મારા પીટ્યા માવજીડાનું ઘર ભાંગીને જાઉં છું.” પછી ધર્માનંદ સ્વામીએ માવજીને કહ્યું જે, “જા, બાઈને પાછી વાળ્ય. અમે તો આ ચાલ્યા.” પછી માવજી ભગત જઈને બાઈને પાછી વાળી આવ્યા અને સાધુ બીજી વાડીયે જઈને જમ્યા અને પછી માવજી ભગતને દેહ મેલવાનો સમય થયો ત્યારે તે બોલ્યા કે, “મહારાજ મને તેડવા આવ્યા છે અને હું ધામમાં જાઉં છું.” ત્યારે તે બાઈ બોલી જે, “હું તમને મહીનાનું પાણી આપું છું.” માવજી ભગત કહે, “તારું પાણી દે કોઈક ઢેઢને. મેં તારૂં પાણી ઘણું પીધું.” એમ કહી પોતે દેહ મૂકી મહારાજના ધામમાં ગયા. ॥૩૪૬॥
માવજી ભગતનો દીકરો પાંચો કરીને હતો. તે સત્સંગી થયો અને તેની મા કુસંગી હતી એટલે અણગળ પાણી ભરતી. તેથી તે છોકરો ગોળા ફોડી નાંખતો અને રાંધ્યાના વાસણ પણ ફોડી નાંખતો. એમ ઘણા દિવસ રંજાડ કરી તેથી તે બાઈ કાયર થઈને છોકરાને કહ્યું જે, “તું કહે તેમ કરૂં.” ત્યારે છોકરો કહે, “સત્સંગી થા તો તારા હાથનું ખાઉં.” પછી તે બાઈ ગઢપુર આવીને બાઈઓ પાસે વર્તમાન ધારીને સત્સંગી થઈ. ॥૩૪૭॥
ગામ કંથારીયામાં જીવો કરીને કણબી હતા અને તે સત્સંગી સારા હતા અને તેની ઘરવાળી બહુ કુસંગી હતી અને ગામ પછેગામના હરિજન છગનભાઈ તથા કેવળરામ ભટ્ટ તથા સુતાર કાળા વિગેરે સૌ વડતાલ જવા તૈયાર થયા અને ગામ કંથારીયે આવ્યા અને જીવાભગતને કહ્યું જે, “ભાતું કરો. વડતાલ જઈએ.” ભગતે ઘરવાળીને કહ્યું જે, “ભાતું કરી દે. મારે વડતાલ જાવું છે.” ત્યારે ઘરવાળીએ કહ્યું કે, “જવું હોય તો ચાલ્યો જા. હું ભાતું નહીં કરી દઉં.” પછી સૌ હરિજનને કહ્યું જે, “તમે ઘડીક બેસો તો હું ભાતું કરી લઉં.” પછી ભગતે ચુલો લગાડીને તાવડામાં ગોળ તથા ઘી નાંખીને માંહે લોટ નાંખીને સુખડી કરીને ડબો ભરી લીધો. પછી ચાલતી વખતે પટારામાંથી રૂપીયા લીધા અને ચાલ્યા ત્યારે બાઈ કાકડા મોળીને બોલી જે, “જાજે પીટ્યા હલુરનો જાતડો જાજે ને વલતડો વલીશ નહીં.” પછી ભગતે પાદર ગયા પછી સૌ હરિભગતને કહ્યું જે, “તમે આંહીં બેસો તો હું ઘરે જઈ સંદેશો કહી આવું.” જીવો ભગત ઘરે આવ્યા ત્યારે તે બાઈ છાણાં થાપતી હતી. તે સામી આવી અને તે ભગતને જોઈને બોલી જે, “ભગત! કેમ પાછા આવ્યા?” ભગત કહે, “તને કહેવા આવ્યો છું જે, તારાં બોલ જોતાં તો આ ગામનો ઝાંપો અને તારું મોઢું એ બે જોયા જેવું નથી પણ હું છું નકટો. તેથી પંદર દિવસે પાછો આવીશ હો ફિકર રાખીશ નહીં.” પછી તે બાઈ સત્સંગી થઈ અને પુનમે પુનમે ગઢપુર દર્શને જતી હતી. ॥૩૪૮॥
ગામ શેડુભારમાં સાધુ મંદિર કરાવવા ગયા હતા અને એક દિવસ સાધુ ઝોળી માંગવા જવા તૈયાર થયા ત્યારે શવદાસ કરીને પટેલ હતો. તે બોલ્યા જે, “સ્વામી! હમણાં ઝોળીએ જાવું રહેવા દ્યો. હું ઘરે જઈ આવું અને ઘરવાળી જો આઘી પાછી હશે તો લોટની સુંડલી ભરીને લાવીશ.” પછી તે ઘરે ગયો ત્યારે તેની ઘરવાળી છાણાં થાપતી હતી અને શવદાસ પટેલ ઘરમાં જઈ ઘંટીના ગાળા ઉપર લોટની ટોપલી પડી હતી. તે લઈને ભાગ્યા અને તેની સ્ત્રી પાછળ દોડી અને કેડીયાની ચાળ ઝાલી રાખી અને કહ્યું જે, “ક્યાં લોટ લઈને જાઓ છો?” એમ કહીને કેડીયાની ચાળ તાણી. તે ટૂટી જવાથી બાઈના હાથમાં રહી ને બાઈને આંચકો લાગ્યો તે પડી ગઈ ને ભગત લોટની સુંડલી લઈને મંદિરમાં આવ્યા અને સાધુને કહ્યું જે, “લ્યો, સ્વામી! કેડીયાની ચાળ તો ટૂટી ગઈ પણ લોટ લાવ્યે રહ્યો છું.” ॥૩૪૯॥
ગામ મેંકડામાં ઠારણ સોની કરીને હરિભગત હતો અને તેની ઘરવાળી બહુ જ કુસંગી હતી. તે સાધુને કોઈ દિવસ રસોઈ આપવા દેતી નહીં. પછી ત્યાં સુધી ગયા ત્યારે ઠારણ સોનીએ કોઈ બીજી બાઈ પાસે ઘઉં દળાવવા આપ્યા અને ઠારણ સોનીની ઘરવાળી પાણી ભરવા ગઈ હતી અને જેને ઘઉં દળવા આપ્યા હતા તે પણ પાણી ભરવા ગઈ હતી. તેને ઉતાવળ કરતી જોઈને ઠારણ સોનીની સ્ત્રી બોલી જે, “કેમ બહુ ઉતાવળ કરો છો?” ત્યારે બાઈ કહે, “સાધુ આવ્યા છે. તેના સારૂ ઠારણ સોની ઘઉં દળવા આપી ગયા છે.” સોનીની સ્ત્રી બોલી જે, “વોય મારો પીટ્યો મારાથી છાનું દઈ આવ્યો છે કે શું? પણ જો હું ખરી હોઉં તો સાધુને ખાવા ન દઉં.” પછી તે બાઈ પાણીનું બેડું લઈને ઘરે ગઈ ને ઘરમાં નાકે દોરડું બાંધીને ગળે ફાંસો ખાધો. તેટલામાં તેનો દીકરો ઘેર પાણી પીવા આવ્યો હતો. તેણે ઘરની સાંકળ વાસેલી જોઈને પાટુ મારીને કમાડ ખેડવ્યું. ત્યાં તો તેની માને ગળે ફાંસો નાંખેલો જોઈને એકદમ તેના બાપ પાસે દોડી ગયો અને કહ્યું જે, “બાપા! બાપા! મારી માએ ગળે ફાંસો ખાધો છે.” પછી ઠારણ સોનીએ આવીને રાંઢવું કાપીને હેઠી ઉતારી અને ડોકમાંથી ગાળો કાઢી નાંખીને પૂછ્યું જે, “રાંડ! આ શું કર્યું?” બાઈ કહે, “મારા પીટ્યા મારાથી છાનો લોટ આપ્ય જ કેમ?” ॥૩૫૦॥
ગામ ઉમરાળીમાં રાજાભાઈ કરીને હરિભગત હતાં અને એક વાણીયો સત્સંગી હતો. તેને રાજાભાઈએ કહી રાખેલું જે, “આપણા ગામમાં સાધુ આવે ત્યારે આપણે ઘરેથી સીધું લાવીને જમાડવા.” પછી એક દિવસ રાજાભાઈ ખેતી કરવા ગયા હતા અને પાછળથી સાધુ આવ્યા હતા. પછી વાણીયો રાજાભાઈને ઘેર ગયો અને બાઈને કહ્યું જે, “સાધુ આવ્યા છે તે આટલા ઘઉં દળી આપો.” ત્યારે બાઈ બોલી જે, “એવા સાધુ તો ઘણાય આવશે અને મારે નાનો છોકરો છે તે નવરાશ નથી.” પછી વાણીયે દુકાનેથી સીધું લઈને સાધુને રસોઈ કરાવીને જમાડ્યા ને સાધુ ઠાકોરને જમાડી પોતે જમી બીજે ગામ ગયા. પછી સાંજે રાજાભાઈ ખેતી કરીને ઘેર આવ્યા અને મંદિરમાં આરતી કરી ધુન્ય કરીને બેય જણા બેઠા. પછી વાણીયે કહ્યું જે, “રાજાભાઈ! સાધુએ નારાયણ કહ્યા છે.” રાજાભાઈએ કહ્યું જે, “સાધુ ક્યાં છે?” વાણીયો કહે, “એ તો જમીને બીજે ગામ ગયા.” પછી વાણીયે રાજાભાઈને વાત કરી જે, “ઘરમાં રહેવું અને ઘરનું માણસ સત્સંગી નહીં, એ કાંઈ નહીં.” ત્યારે રાજાભાઈ કહે, “શું થયું?” પછી વાણીયો કહે, “તમારે ઘરે ઘઉં દળાવવા ગયો ત્યારે ઘરનું માણસ આમ બોલ્યું જે, ‘પોતે સત્સંગી થયા છે તે એવા સાધુ તો ઘણાય આવશે.’ એમ કહીને લોટ દળી દીધો નહીં.” પછી રાજાભાઈ કહે, “તું એક કાગળ લખ્ય.” પછી રાજાભાઈએ કાગળ લખાવ્યો. તેમાં પોતાની ઘરવાળીનું નામ લખ્યું અને માંહે હકીકત લખી જે, “તમારો ભાઈ બહુ માંદો છે તેથી આ કાગળ વાંચીને ઘડી એક ઉભા રહેશો નહીં.” પછી રાજાભાઈએ કહ્યું જે, “સવારમાં હું સાંતીને તૈયાર કરતો હોઉં ત્યારે તું એ કાગળ લઈને આવજે.” પછી મંદિરમાંથી રાત્રીએ પોતે ઘેર ગયા અને તેમણે પોતાની માને વાત કરી જે, “મા, આપણે આ રુપાનું ઘરાણું છે તે બહુ સાચવવું પડે છે માટે જો સોનાનું હોય તો એક જણું સાચવે.” તે સાંભળીને રાજાભાઈની ઘરવાળી બોલી જે, “હા, તમે ઠીક કહો છો; બધું સોનાનું કરાવો તો હું એકલી સાચવું.” રાજાભાઈ કહે, “સવારમાં સોની બોલાવીએ.” બાઈ કહે, “મારા કાનમાં વેડલા છે તેને પણ સોનાનાં કરાવીએ.” પછી રાત્રે સૌ સુઈ રહ્યા અને સવારે નાહી ધોઈ પૂજા કરીને સાંતીડું તૈયાર કરતા હતા. તે વખતે વાણીયો કાગળ લઈને આવ્યો અને છેટેથી બોલ્યો જે, “રાજાભાઈ ઘરે છે?” ત્યારે રાજાભાઈ કહે, “હા, કેમ છે?” શેઠ કહે, “તમારે સાસરેથી કાગળ આવ્યો છે.” રાજાભાઈ કહે, “વાંચ જોઈએ શું છે?” તે વખતે રાજાભાઈની ઘરવાળી રોટલા ઘડતી હતી અને વાણીયે ઉંચે સાદેથી કાગળ વાંચ્યો. તે સાંભળી બાઈ ઘરમાંથી બહાર આવી ને કહ્યું જે, “કાગળ વાંચો. માંહે શું લખ્યું છે?” વાણીયે વાંચ્યું જે, “તમારા ભાઈ બહુ માંદા છે માટે આ કાગળ સાંભળી પાણી અહીં પીજો.” રાજાભાઈ કહે કે, “હું જાઉં?” ત્યારે બાઈ કહે, “તમારું ક્યાં નામ છે? મારું નામ છે.” રાજાભાઈ કહે, “તારે નાનાં છોકરાં તે ગાડું જોઈએ ને?” બાઈ કહે, “મારે ગાડું જોઈતું નથી. હું તો ચાલીને જઈશ.” પછી રાજાભાઈ કહે, “આપણે રાત્રે ઘરેણાં કરાવ્યાનો ઠરાવ કર્યો છે તે તું જા તો પછવાડે કોણ કરાવે?” પછી બાઈ બોલી જે, “આ લ્યો આ કાનના વેડલા તમારી મેળે કરાવજો.” પછી બે રોટલા પછેડામાં બાંધીને છોકરાંને કાખમાં તેડીને ચાલતી થઈ. અને રાજાભાઈએ તેની માને કહ્યું જે, “મા! સંસાર હરામ છે. મારે તો ગઢપુર જવું છે.” તેની મા કહે, “ભાઈ! હું પણ તારી સાથે આવું.” અને બાઈ તો પોતાને પીયર પહોંચી. તે જોઈ તેની મા બોલી જે, “બેન! તું કેવી?” ત્યારે બાઈ કહે કે, “આંહીંથી આવો કાગળ આવ્યો છે.” તે સાંભળીને તેની મા બોલી જે, “કોઈક અદાવદીયે આવો ખોટો કાગળ લખ્યો અને ભાઈને મુવો વાંચ્યો અને તું ઘણે દહાડે આવી છે તેથી એકાદ મહીનો તને નહીં જવા દઈએ.” અને અહીંયાં રાજાભાઈએ ઘરમાં જેટલી સામગ્રી હતી તેટલી ગાડામાં ભરી અને ઘરે તાળું વાંસીને કુંચી તથા ખેતરની ચોપડી તેના ભાઈઓને આપી અને કહ્યું જે, “હું તો ગઢડે સાધુ થાવા જાઉં છું અને આ કુંચી તથા ખેતરની ચોપડી છોકરાની મા આવે તો આપજો.” એમ કહીને તેની માને ગાડામાં બેસારીને ગઢડે આવ્યા અને શ્રીજીમહારાજને કહ્યું જે, “મને સાધુ કરો અને મારી મા છે તે તમો કહો ત્યાં રહે.” પછી મહારાજ કહે, “રાજાભાઈ! તમારે સાધુ થાવું છે કે અમે કહીયે તેમ કરવું છે?” ત્યારે રાજાભાઈ કહે, “મહારાજ! તમે કહો તેમ કરવું છે.” મહારાજ કહે, “તમારી મા તે મોટીબાની સેવામાં રહે અને તમે પર્વતભાઈનાં છોકરાં મોટા થાય ત્યાં સુધી પર્વતભાઈનું સાંતી હાંકો.” પછી તેઓ અગત્રાઈમાં આવીને સાંતી હાંકવા મંડ્યા અને રાજાભાઈના છોકરાં પણ તે ગામમાં રહેવા આવ્યાં હતાં. તે જ્યારે પોતાનો દીકરો સામે મળે ત્યારે અવળું જોઈ જતા. પછી પર્વતભાઈ કહે, “રાજાભાઈ! ચાલો મહારાજના દર્શને જઈએ.” ત્યારે રાજાભાઈ કહે કે, “મહારાજ કહે કે રાજાભાઈ દર્શન કરવા આવે ત્યારે દર્શને આવીશ. નીકર પર્વતભાઈનું સાંતી ખોટી થાય.” ॥૩૫૧॥
ગામ માનકુવાના મુળજી તથા કૃષ્ણજી એ બે ભાઈઓ બ્રાહ્મણ હતા અને તે સાધુ થવાને માટે ચાલ્યા. તે વખતે તે બન્ને જણની સ્ત્રીઓ તેમની પાછળ ચાલી અને બહુ દુરાગ્રહ કરવા મંડીયું. ત્યારે બન્ને જણે વિચાર કર્યો જે, “આપણને આ નીરાંતે પ્રભુ ભજવા દેશે નહીં.” અને કહ્યું, “અમે તારા કામના નથી જે, લ્યો આ તમારા ચોર.” પછી તે બન્ને બાઈઓ નિરાશ થઈ પોતાને ઘરે પાછી આવી અને બન્ને જણા પોતાની મેળે સાધુ થઈને ગઢપુર આવ્યા અને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. પછી મહારાજે તિરસ્કાર કરીને કહ્યું જે, “આ કોના સાધુ છે? અહીંથી તેમને કાઢી મેલો.” પછી બન્ને જણા ઘેલાને સામે કાંઠે શંકરની દેરીએ રાત રહ્યા અને રાતે મૂર્તિના કીર્તન બોલવા મંડ્યા. તે સાંભળવાને માટે શ્રીજીમહારાજ રાત બધી ગંગાજળીયા કુવાને કાંઠે બેસી રહ્યા. પછી મહારાજે કહ્યું જે, “આ કોણ કીર્તન બોલે છે?” પછી નાજા જોગીયાએ કહ્યું જે, “મહારાજ! તમે જે બે સાધુને કાઢી મેલ્યા તે છે.” પછી મહારાજ કહે, “તેને બોલાવો.” પછી તેઓને બોલાવ્યા ત્યારે મહારાજે દીક્ષા આપીને સાધુ કર્યા. પછી પોતાની પાસે રાખ્યા. ॥૩૫૨॥