સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

જુદા જુદા ગામની વાતો

ગામ ભુજના સુંદરજીભાઈ તેમણે મહારાજને કહ્યું જે, “તમોએ રાંક રાંક મુંડ્યા છે પણ કોઈ ગામેતી મુંડ્યો નથી.” તે ઉપરથી મહારાજે કાગળ લખીને સુરોખાચર, સોમલોખાચર, માંચો ખાચર વગેરે કાઠીઓને સાધુ થવાની આજ્ઞા કરી અને સૌ સાધુ થઈ થઈને મહારાજ પાસે ભુજ ગયા ને ભુજ જતી વખતે બોટાદમાંથી એક રાજગરનું ગાડું ભાડે કર્યું હતું અને ચાલતી વખતે કચ્છ દેશનાં ગાડાં બોટાદ આવ્યાં હતાં તેની ખબર કાઠીઓને પડી જે, “આ કચ્છ દેશનાં ગાડાં છે તે સસ્તે ભાડે આપણને લઈ જશે માટે આ ગાડાવાળાને પાછો વાળીયે.” ત્યારે ગાડાવાળો કહે, “ઠાલું હાંકી આવું પણ પાછો વળું નહીં નીકર મને ઠરાવેલું બધું ભાડું આપો.” એમ રકઝક કરતાં માતરા ધાધલે રાજગરને ધોલ મારી અને કહ્યું જે, “ગધીના! પાછો વળસ કે બીજી ઠઠાડું?” રાજગર કહે, “વોય, માળા આ તો કાઠાં દેખાય છે.” માતરો ધાધલ કહે, “આ બધાય કાઠી છે. તું જાણીશમાં જે ભગવાં પહેર્યાં છે માટે સાધુડા.” તે જોઈ કચ્છના ગાડાવાળા બોલ્યા જે, “આપણે આને નહીં બેસારીયે તો આપણાં પણ આવા હાલ થાશે.” પછી ગાડાવાળા બોલ્યા જે, “મહારાજો! આવો, એક-એક જણ બેસી જાઓ.” પછી ગામ વવાણીએ જઈને સૌ વહાણમાં બેસીને સામે કાંઠે જતા હતા અને વહાણમાં સ્વામિનારાયણનું ભજન કરતા હતા. ત્યારે વહાણના ખેવટ બોલ્યા જે, “આ તો માળા સ્વામિનારાયણીયા છે.” એમ કેટલોક વખત નિંદાના શબ્દ બોલ્યા. પછી સુરોખાચર બોલ્યા જે, “ધીરજ રાખો, બોલશો નહીં.” પછી બંદર આવ્યું ત્યારે માતરો ધાધલ ઉભા થઈને ખારવાને ખૂબ પ્રહાર કર્યા અને પછી સૌ વહાણમાંથી કુદી કુદીને નીચે ઉતરી ગયા, પછી સૌ ભુજ ગયા. તે વખતે શ્રીજીમહારાજે હરિજનોને કહ્યું જે, “ચાલો, નવા સંત આવ્યા છે તે સામા જઈએ.” પછી મહારાજે વેશ બદલો કર્યો. એક કચ્છી ધોતીયું પહેર્યું અને કચ્છી અંગરખું પહેર્યું. કચ્છી જાડું લુગડું માથે બાંધ્યું અને ડોકમાં મોટી બે ચાર માળાઓ પહેરી અને હાથમાં રફલ લીધી અને સાધુને પડખે થઈને નીસર્યા અને બોલ્યા જે, “ભક્તો! રામ રામ.” ત્યારે સાધુએ કહ્યું જે, “રામ બા રામ.” પણ કોઈએ મહારાજને ઓળખ્યા નહીં. પછી મહારાજે બે ચાર વખત રામ રામ કર્યા એટલે કોઈકે ઓળખ્યા જે, “આ તો મહારાજ છે.” પછી દંડવત કરીને મહારાજને પગે લાગ્યા અને સભા કરીને વિરાજમાન થયા. પછી મહારાજ બોલ્યા જે, “અમે કેવા શોભીએ છીએ?” પછી કાઠી કહે કે, “મહારાજ! તમે તો મોટા ભગત જેવા લાગો છો.” મહારાજ કહે “કે ભગતના હાથમાં રફલ હોય?” સાધુ કહે, “તમે તો મોટા જમાદાર જેવા લાગો છો.” મહારાજ કહે, “જમાદારના ગળામાં માળા હોય?” પછી સૌ ગામમાં આવ્યા અને સૌને જમાડ્યા. પછી મહારાજે સૌ હરિજનને કહ્યું જે, “આ બધા ગામેતી છે અને અમારી આજ્ઞાએ કરીને સૌ સાધુ થઈને આવ્યા છે.” પછી થોડા દિવસ રાખીને સૌને રજા આપી જે, “અમારે વચને કરીને જેમ ત્યાગી થયા છો તેમ અમારી આજ્ઞાએ કરીને સૌ પાછા ઘરે જાઓ.” તે આજ્ઞા પાળીને સૌ ઘરે આવ્યા ને સાંખ્યયોગી રહ્યા અને એક માંચા ભગતને મહારાજે સાથે રાખ્યા હતા. પછી મહારાજ કહે, “વાટનાં વિઘન કહો.” કટ લાગે છે. પછી મહારાજ કહે, “ઓલ્યા રાજગરને શા સારુ ધોલ મારી?” ત્યારે માતરો ધાધલ કહે, “ગધીનો પાછો નહોતો વળતો.” ત્યારે મહારાજ કહે, “ઓલ્યા ખારવાને શા સારુ માર્યા?” ત્યારે માતરો ધાધલ કહે, “મહારાજ! ભણે તમારું વાંકો બોલતો હતો.” પછી મહારાજ બહુ રાજી થયા ને સૌને સમજાવીને ઘરે મોકલ્યા ને ભુજના હરિજન સૌ રાજી થયા જે, “આ તો બધાય આજ્ઞા પરાયણ છે.” ॥૩૫૩॥

એક વખત ભુજના રાજાનું ખાંડું હાલાર દેશમાં આવતું હતું. પછી સુંદરજીભાઈએ ભૂજના મંદિરમાં જઈને પૂછ્યું જે, “મહારાજ ક્યાં છે?” ત્યારે કોઈએ કહ્યું જે, “મહારાજ તો સરધારમાં છે.” પછી જગજીવનને સુંદરજીભાઈએ કહ્યું જે, “તમે આજ્ઞા આપો તો ખાંડા સાથે હું જાઉં.” પછી જગજીવને કહ્યું જે, “તમે ખાંડા સાથે જાઓ ને હું રાજ સાચવું.” પછી ખાંડુ જે ગામ જતું હતું ત્યાં આવ્યું અને ત્યાં ગામના હરિભગતોને પૂછ્યું જે, “મહારાજ અહીંયાં છે?” ત્યારે તેમણે કહ્યું જે, “અહીંથી નજીક ગામ છે ત્યાં છે.” પછી સુંદરજીભાઈએ સૌને કહ્યું જે, “મારે શંકરની માનતા છે અને અહીંથી ત્રણ ગાઉ ગામ છે. ત્યાં તે શંકર છે માટે હું દર્શન કરીને તુરત પાછો આવીશ.” ત્યારે સૌએ કહ્યું જે, “તમારી સાથે સગરામ અને પાંચ માણસ આવે?” ત્યારે સુંદરજીભાઈએ વિચાર્યું જે, “માણસ સાથે આવે તો તેઓ વાત કરે જે, ત્યાં તો સ્વામિનારાયણ હતા પણ શંકર નહોતા માટે એકલા જવું તે જ ઠીક છે.” પછી તેમણે કહ્યું જે, “મારે એવી માનતા છે જે પગપાળા ચાલીને જવું તે જ ઠીક છે.” પછી સુંદરજીભાઈ સવારમાં વહેલા ઉઠીને સરધાર ગયા. તે વખતે શ્રીજીમહારાજ એક ઓરડામાં સભા કરીને વિરાજમાન હતા અને સુંદરજીભાઈએ જઈને મહારાજને દંડવત કર્યા. ત્યારે મહારાજ બોલ્યા જે, “કોણ એ…?” ત્યારે સુંદરજીભાઈ બોલ્યા જે, “એ તો તમારો દાસ.” ત્યારે મહારાજ કહે, “દાસ હોય તો કહીએ તેમ કરે તે દાસ. પણ કહીએ ઉગમણો અને જાય આથમણો એ દાસ નહીં.” ત્યારે સુંદરજીભાઈ કહે, “જેમ તમે કહો તેમ કરવા તૈયાર છું.” ત્યારે મહારાજ કહે, “થાઓ સાધુ!” પછી વાળંદને બોલાવ્યો અને હજામત કરાવવા બેસાર્યા અને દાઢી તથા મુછ તથા ચોટલી સહિત મુંડાવી નાંખ્યું. પછી ભગવી ચાદર મહારાજે ઓઢાડી અને મહારાજે કહ્યું જે, “મુક્તાનંદ સ્વામીનાં દર્શન કરી આવો.” પછી તે સૌ સાધુ જે જગ્યામાં ઉતર્યા હતા ત્યાં સુંદરજીભાઈ મુક્તાનંદ સ્વામીને દંડવત કરીને પગે લાગ્યા. ત્યારે સ્વામી બોલ્યા જે, “આ શું કર્યું?” સુંદરજીભાઈ કહે, “સાધુ થયો. કેમ કે મહારાજ કહે તેમ કરીએ તો કલ્યાણ થાય, કાંઈ અમથું કલ્યાણ થાય નહીં.” પછી સ્વામી સુંદરજીભાઈનો હાથ ઝાલીને મહારાજ પાસે આવ્યા. પછી સ્વામીએ મહારાજને કહ્યું જે, “મહારાજ! આ શું કર્યું?” મહારાજ કે, “સુંદરજીભાઈને સાધુ કર્યા.” સ્વામી કહે કે, “કાઠીઓને મુંડ્યા છે તે કાઠીયાવાડમાં તો અમારો રોટલો ટાળ્યો અને કચ્છમાં અમારો રોટલો હતો તે જગજીવનને ખબર પડશે જે સુંદરજીભાઈને સાધુ કર્યા તો અમને ગોતી ગોતીને મારશે.” ત્યારે મહારાજ કહે, “કેમ કરશું?” સ્વામી કહે કે, “પાછાં ધોળાં વસ્ત્ર પહેરાવો.” પછી મહારાજે ધોળાં વસ્ત્ર પહેરાવ્યાં અને દાઢી મૂછ ને ચોટલીએ મુંડ્યાં હતાં તે નવાં કાંઈ જલદી આવે નહીં. પછી તેવે વેશે જે ગામ ખાંડુ હતું ત્યાં ગયા. પછી સૌ કહેવા લાગ્યાં જે, “આ શું મોટેરા થઈને અપશુકન કર્યા?” પછી સુંદરજીભાઈ કહે, “શંકર પાસે ગયો અને પુજારીએ કહ્યું જે, હજામત કરાવ્યા વગર તમારી માનતા પુરી નહીં થાય અને વાળંદ એવો અબુઝ હતો. તે ચોટલી સહિત કાઢી નાંખી.” એમ ઉત્તર દઈને સમજાવ્યા. ॥૩૫૪॥

એક વખત નાજા જોગીયા જસદણ ગયા હતા. ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા હતા. તે સાંભળી જસદણના વાજસુરખાચર બોલ્યા જે, “નાજા! સ્વામિનારાયણ સ્વામિનારાયણ કાણું ભણતો સે?” નાજા જોગીયા કહે, “બાપુ! સ્વામિનારાયણ ભગવાન છે, તેમનું ભજન કરું છું.” દરબાર કહે, “સ્વામિનારાયણ ભગવાન છે?” નાજા જોગીયા કહે, “હા.” દરબાર કહે કે, “તેઓ ક્યાં હશે?” નાજા જોગીયા કહે, “તે તો કાંઈ ખબર નથી.” દરબાર કહે, “કાલે સવારમાં જો ન આવે તો તારા પગની ઘુંટીયું ભાંગી નાંખું.” તે વખતે શ્રીજીમહારાજ તથા મુળજી બ્રહ્મચારી બન્ને જણ વડનગર-વિસનગર હતા. પછી મહારાજ તેમનો સંકલ્પ જાણીને ત્યાંથી ચાલ્યા તે સાંજ વખતે વઢવાણ પહોંચ્યા અને ચોમાસાને લીધે ભોગાવામાં બે કાંઠે પુર આવેલું હતું. પછી મહારાજ કહે, “બ્રહ્મચારી! તમે મને નહીં પહોંચો માટે આ દેરીમાં બેસો.” ત્યારે બ્રહ્મચારી કહે, “મહારાજ! આટલી બધી ઉતાવળ છે?” મહારાજ કહે, “બ્રહ્મચારી! કાલ્ય સવારમાં મારે જસદણ જવું છે ને જો ન જાઉં તો નાજા જોગીયાના ઢીંચણ ત્યાંનો રાજા ભાંગી નાખે.” પછી મહારાજ ભોગાવો ઉતરીને વઢવાણ શહેરની બજારમાં નીસર્યા. તે વખતે એક શેઠ ભાણજી મેતો પોતાની મેડી ઉપર બેઠો હતો અને મહારાજની મૂર્તિમાંથી તેજની કિરણો છુટતી હતી અને બજારમાં પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો હતો. પછી શેઠે માણસ મોકલીને મહારાજને પોતાને ઘરે બોલાવ્યા પછી શેઠે મહારાજને પૂછ્યું કે, “ક્યાંથી પધારો છો?” પછી મહારાજ કહે, “વડનગર-વિસનગરથી આવીએ છીએ.” ત્યારે શેઠ કહે, “તે વાત સત્ય ન હોય. કેમ કે આવો ભોગાવો બે કાંઠે ચાલ્યો જાય છે તે જાનવર પણ ઉતરી શકે નહીં.” ત્યારે મહારાજ કહે, “તમને વિશ્વાસ ન હોય તો અમારા ગુરુ સામે કાંઠે શંકરની દેરીમાં બેઠા છે, તેને બોલાવો.” પછી શેઠે ત્રાપા બાંધીને બ્રહ્મચારીને ત્યાં તેડાવ્યા અને બ્રહ્મચારી તે શેઠને ઘરે આવ્યા અને શેઠની ઘરવાળી માછીયાવ ગામની હતી. તેમણે બ્રહ્મચારીને ઓળખ્યા જે, “આ તો મુળજી બ્રહ્મચારી છે અને આ તો મહારાજ છે.” પછી સૌ મહારાજને પગે લાગ્યા અને બ્રહ્મચારીને ત્યાં મેલીને મહારાજ ચાલ્યા. તે સવારના ચાર વાગે જસદણ પહોંચ્યા. નાજા જોગીયાએ મહારાજનાં દર્શન કરીને દંડવત કરી પગે લાગ્યા. પછી મહારાજ બોલ્યા જે, “નાજા! જા. દરબારને ખબર કર જે, સ્વામિનારાયણ આવ્યા.” પછી નાજા જોગીયાએ દરબારમાં જઈ દરબારને જગાડીને કહ્યું જે, “બાપુ! બાપુ! સ્વામિનારાયણ પધાર્યા.” દરબાર કહે, “આવ્યા?” ત્યારે કહે, “હા.” પછી મહારાજ તેમના દરબારમાં પધારતા હતા. તે રસ્તે જતાં જેલખાનું આવ્યું. તેમાં ચોર લોકો બધા રાડ્યું નાંખતા હતા. મહારાજ તે સાંભળી બોલ્યા જે, “નાજા! આ શું રોકકળ થાય છે?” નાજા જોગીયા કહે, “મહારાજ! આ રાજ્યમાં જે ચોરી કરે તેના રાજા ઢીંચણ ભાંગી નાખે છે તે સૌનાં સંબંધી રોકકળ કરે છે.” મહારાજ કહે કે, “આવો પાપી રાજા છે?” ત્યારે (મહારાજ કહે), “આપણે પાછા વળો.” ત્યારે નાજો જોગીયો કહે કે, “પાછા વળશો તો મારા પણ આવા જ હાલ છે.” પછી મહારાજ દરબારમાં પધાર્યા અને દરબાર ઉઠીને મહારાજને પગે લાગીને બોલ્યો જે, “મહારાજ! તમે ભગવાન ખરા ને નાજાની પ્રતિજ્ઞા રાખી.” પછી મહારાજ કહે કે, “અમારે તમને નિયમ દેવા છે જે ચોરને આવો દંડ ન દેવો.” પછી રાજા કહે, “મહારાજ! મારી વસ્તી કોળીયુંની છે તે જો આમ ન કરું તો કાંઈ રહેવા દે નહીં.” પછી મહારાજને વચને કરીને દૈહિક દંડ દેવો બંધ રાખ્યો. ॥૩૫૫॥

એક વખત સુરોખાચર જસદણ ગયા હતા અને ત્યાંના રાજાએ એકાંતવાસમાં તેમને ઉતારો આપ્યો હતો. તે વખતે જસદણના રાજાએ વિચાર કર્યો જે, “સુરાખાચર સ્વામિનારાયણના ભક્ત છે. માટે આજ મારે તેની પરીક્ષા લેવી.” એવું ધારીને એક નિર્લજ્જ સ્ત્રીને બોલાવીને કહ્યું જે, “તું સુરાખાચરને આજ ધર્મમાંથી પાડ્યા.” પછી તે બાઈ રાત્રિના બાર વાગ્યે સુરોખાચર જે ઘરમાં ઉતર્યા હતા ત્યાં ગઈ અને ખડકીએ જઈને બૂમ પાડવા માંડી જે, “દરબાર! એ દરબાર! મારો દીકરો બહુ માંદો છે અને ઘરમાં ઓસડ છે તે મારે લેવું છે માટે ખડકી ઉઘાડો.” પછી સુરાખાચરે જઈને ખડકી ઉઘાડી અને બાઈ ઘરમાં જઈને નિર્વસ્ત્ર થઈને ઉભી રહી. ત્યારે સુરાખાચરે તરવાર કાઢીને તેનો ચોટલો ઝાલીને તરવાર તેને ગળે અડાડીને કહ્યું જે, “બોલ્ય, રાંડ! કોણે શીખવ્યું છે?” પછી બાઈ બોલી જે, “મને દરબારે શીખવીને મોકલી છે.” પછી સુરોખાચર તેને તે વખતે સ્વાર થઈને ચાલી નીસર્યા અને શ્રીજીમહારાજ ગઢપુરમાં સભા કરીને બેઠા હતા ત્યાં વાત કરી જે, “અમારા એવા ભક્ત છે જે એકાંતમાં સ્ત્રીનો જોગ થયો તોપણ લેવાણા નહીં.” ત્યારે સૌએ પૂછ્યું જે, “આવા તમારા ભક્ત કોણ છે?” મહારાજ કહે, “હમણાં દેખાડું.” એમ વાત કરે છે ત્યાં તો સુરોખાચર આવ્યા અને ઘોડી ઉપરથી ઉતરીને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. પછી મહારાજ બોલ્યા જે, “જુઓ, આ અમારા ખરા ભક્ત. તેમને એકાંતમાં સ્ત્રીનો જોગ થયો પણ લેવાણા નહીં; તે આ આવ્યા છે તે.” ॥૩૫૬॥

એક વખત શ્રીજીમહારાજ પીપળીયા ગામના પાદરમાં વિરાજમાન હતા અને બોટાદથી મોના જોશીને હરિભક્તોએ મહારાજને તેડવા મોકલ્યા હતા. પછી તેઓ ગામ પીપળીયે આવ્યા અને મહારાજને પગે લાગીને બોલ્યા જે, “મહારાજ! અદે ભગે ગોદડે હમીરે જે નારાયણ કહ્યા છે અને તમને ત્યાં તેડાવ્યા છે.” એમ કહીને તે બોલ્યો જે, “મહારાજ! તમે ત્યાં આવજો અને હું પધારૂં છું.” મહારાજ કહે, “દેવ! તમે પધારો અને અમે આવશું.” વળી મહારાજને કહે જે, “મહારાજ! અદે ભગે કહ્યું છે જે, જરૂર ને જરૂર આવજો.” એમ કહીને પછી ચાલ્યા અને આઘા જઈને પાછા આવ્યા અને મહારાજને કહ્યું જે, “મહારાજ! મને સમાધિ કરાવો.” ત્યારે મહારાજ કહે, “દેવ! તમે સમાધિમાં જ બોલો છો.” પછી મહારાજને પૂછ્યું જે, “હે, મહારાજ, આ ટુંટીયું ક્યારે જાશે?” ત્યારે મહારાજ કહે, “દેવ! તમારા દેહનો અંત આવશે ત્યારે જાશે.” પછી બોટાદ આવીને ભગા શેઠને વાત કરી ત્યારે ભગો શેઠ કહે, “એમ શા સારુ પૂછ્યું?” બ્રાહ્મણનો હેતુ એવો હતો કે, “તિલક, ટોપી ને ટુંટીયું એ ત્રણે સાથે આવ્યું છે અને સાથે જશે.” પછી છ મહીને તેણે દેહ મેલ્યો અને તેમના દેહનો અંત આવ્યો. ॥૩૫૭॥

શ્રીજીમહારાજ ગામ કારીયાણીયે પધારતા હતા અને લાઠીદડ ગામને પાદર નીકળ્યા. તે વખતે સૌ હરિજન ખળામાં ખળાનું કામ કરતા હતા. તે મહારાજના સ્વાર ભાળીને હાથમાં ખંપાળીયું લઈને મહારાજને દર્શને દોડ્યા. તે જોઈ મહારાજ બોલ્યા જે, “આ લોકો મારશે કે શું?” પછી મહારાજે માણકી ઘોડી દોડાવી મેલી અને કણબી સૌ સીમાડા સુધી ગયા પણ મહારાજ ભેગા થયા નહીં તેથી સૌ પાછા વળ્યા. ॥૩૫૮॥

શ્રીજીમહારાજ ગામ બરવાળે પધાર્યા હતા અને ત્યાં ધર્મશાળામાં ઉતારો કર્યો. તે વખતે તે ધર્મશાળાનો રખેવાળ આવ્યો અને બોલ્યો જે, “અહીંયાં કેના કહેવાથી ઉતર્યા છો?” પછી મહારાજે સુરાખાચરને કહ્યું જે, “સુરાખાચર! આપણે શિક્ષાપત્રી કરી અને આપણે લોપી. કેમ કે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો કર્યો. માટે સૌ તૈયાર થઈ જાઓ.” પછી ત્યાંથી બીજી જગ્યામાં જઈને ઉતર્યા. ॥૩૫૯॥

એક વખત શ્રીજીમહારાજ ગામ પોલારપર પધાર્યા હતા. અને ત્યાં મહારાજ થાળ જમીને ચાલ્યા. તે વખતે ગામના રહીશ હરિજન સૌ મહારાજને વળાવવા સારૂ આવ્યા હતા અને તેમના ભેગો એક પૈસાપાત્ર વાણીયો હતો અને એક સંત પ્રભુદાસ કરીને મહારાજ સાથે હતા. તે મહારાજને પડખે ચડીને મહારાજને બે ચાર વાર કહ્યું જે, “મહારાજ! આ શેઠ બહુ પૈસાવાળા છે.” પણ મહારાજ કાંઈ જવાબ આપે નહીં. પછી બહુ વખત કહ્યું ત્યારે મહારાજ બોલ્યા જે, “પૈસાપાત્ર હોય તો બટકાં ભર બટકાં.” પછી તે સાધુ બોલતા બંધ થયા અને સૌ હરિજન પાછા વળ્યા. ॥૩૬૦॥

શ્રીજીમહારાજ ભીમનાથ પધાર્યા હતા અને સાથે ભગા શેઠ હતા અને હીરો કરીને મહારાજનો કોઠારી પણ હતો. પછી મહારાજે પોલારપરને ઝાંપે જઈને કાઠીઓ પાસે બંધુકોના અવાજ કરાવ્યા. તે સાંભળી બાવાએ તપાસ કરાવી જે, “કોણ આવે છે?” અને જ્યાં જોવે ત્યાં તો મહારાજને ભાળ્યા જે, “આ તો સ્વામિનારાયણ આવે છે.” પછી બાવાએ મહારાજનો ઉતારો કરાવ્યો ને મહારાજ શંકરના દર્શન કરવા જ્યારે ચાલ્યા ત્યારે હીરો વાણીયો બોલ્યો જે, “મહારાજ! મારી પાસે પચીસ રૂપિયા છે.” પછી મહારાજ બોલ્યા જે, “હીરા! એકસો ને પાંચ રૂપિયા લાવ્ય. મારે શંકરને મેલવા છે.” પછી ભગા શેઠે મહારાજને રૂપિયા આપ્યા. તે શંકરને પારે મેલ્યા. પછી મહારાજે મહંતને કહ્યું જે, “અમારે રુદ્રી કરાવવા સારુ એકસો ને આઠ બ્રાહ્મણ બેસાડવા છે અને તેને પૂજા માટે પાથરણાં આચમની લોટા વિગેરે મંગાવો અને ફરતા ગામથી સવારમાં બ્રાહ્મણોને બોલાવો.” પછી તમામ સામાન મંગાવ્યો ને બ્રાહ્મણોને બાવાએ બોલાવ્યા અને હીરો શેઠ મહારાજને કહ્યા કરે જે, “તમે આટલો બધો ખરચ કરો છો પણ મારી પાસે કાંઈ નથી.” પછી ભગા શેઠે મહંતને કહ્યું જે, “આ હીરો જેટલું માંગે તેટલું મારે ખાતે માંડીને આપજો.” પછી મહારાજ કહે, “રુદ્રી પુરી થઈ રહે અને ચોરાસી કરવી છે.” પછી બાવાએ ફરતા ગામના બ્રાહ્મણોને બોલાવ્યા અને રુદ્રીનો હોમ કરાવ્યો. પછી જ્યારે બ્રાહ્મણ જમવા બેઠા ત્યારે મહારાજે કાઠીઓને કહ્યું જે, “ચાલજો સૌ.” પછી સૌ ઘોડેસ્વાર થઈને મહારાજની સાથે ચાલી નીકળ્યા અને હીરો વાણીયો જઈને મહારાજની આડો ફર્યો જે, “મહારાજ! દશ હજારનો ઉપાડ કર્યો છે અને ક્યાં જાઓ છો?” પછી મહારાજ બોલ્યા જે, “ઘોડાં દોડાવે નહીં તેનો બાપ હીરો. ” અને ભગો શેઠ પણ મહારાજ સાથે ચાલી નીકળ્યા. પછી હીરો શેઠ નીલકા નદીને કાંઠે બહાવરો થઈને ફરતો હતો. ત્યાં એક શેઠ વેલ્યમાં બેસીને નીસર્યો. તેણે હીરાને પૂછ્યું જે, “તું કોણ છો? અને કેમ ગાંડાની પેઠે ફરે છે?” હીરો કહે કે, “સાહેબ! હું વાણીયો છું અને આંહીંયાં સ્વામિનારાયણ આવ્યા હતા ને દશ હજાર રૂપિયાનો ખરચ કરીને ચાલ્યા ગયા.” ત્યારે શેઠ કહે, “તારે શું જોઈએ છે? રૂપિયા જોતા હોય તો આ રહ્યા.” એમ કહીને હજાર હજાર રૂપિયાની દશ કોથળીયો વેલ્યમાંથી હેઠી નંખાવી ને જ્યાં જુવે ત્યાં તો વેલ બેલ્ય કાંઈ મળે નહિ. પછી તે હીરે બાવાના માણસને બોલાવીને તેની પાસે રૂપિયા ઉપડાવીને મહંતને આપ્યા. તેની પહોંચ હીરે લખાવી લીધી. પછી બ્રાહ્મણ જમતા હતા ત્યાં ગયો અને કેટલુંક કાચું સીધું વધ્યું હતું. તે મહંત પાસે લઈને શંકરને અર્પણ કર્યું. પછી પોતે ઘોડીયે બેસીને રાતના બે વાગ્યે કુંડળ આવ્યો. તે વખતે શ્રીજીમહારાજ લઘુશંકા કરવા ઉઠ્યા હતા. તે હીરાને જોઈને મહારાજ બોલ્યા જે, “કોણ એ?” હીરો કહે, “મહારાજ! એ તો હું હીરો.” મહારાજ કહે, “તું અત્યારે કેવો? ક્યાં ગયો હતો?” હીરો કહે, “મહારાજ! શું ક્યાં ગયો હતો એમ પુછો છો? તમે ભીમનાથ પધાર્યા હતા. ત્યાં મહંત પાસેથી દસ હજાર રૂપિયાનો ઉપાડ કર્યો હતો.” મહારાજ કહે, “સાચે કહે, હીરા! તેનું શું થયું?” હીરો કહે, “એક શેઠ આવ્યો હતો. તેમણે આપ્યા.” ત્યારે મહારાજ કહે, “મર, આ ફેરે તેણે અમારું કામ કર્યું તે ભલે કર્યું.” ॥૩૬૧॥

પછી ત્યાંથી મહારાજ ઝીંઝર પધાર્યા અને ખોડાભાઈને ઘરે ઉતયાં. પછી મહારાજ કહે, “ખોડાભાઈ! રીંગણાંના ઓળા હોય તો જમીએ.” ખોડોભાઈ કહે, “લ્યો, મહારાજ! રીંગણા લઈ આવું.” પછી ગામમાં એક કોળીએ રીંગણાંની વાડી કરી હતી. ત્યાં ખોડોભાઈ અરધો રૂપિયો લઈને રીંગણાં લેવા ગયા અને વાડીવાળાને કહ્યું જે, “મને બે રીંગણા આપ્ય અને હું તને તેના બે આના આપું.” વાડીવાળો કહે, “આઠ આના આપો તો પણ મારે તમને રીંગણાં દેવાં નથી.” ખોડોભાઈ કહે, “આઠ આના લે પણ બે રીંગણાં આપ્ય.” પછી કહે, “એક રૂપિયો આપો તોપણ ન આપું.” પછી વાડીવાળાની ઘરવાળી બોલી જે, “બાપુને બે રીંગણાં આપોને.” એમ કહીને તેણે બે રીંગણાં આપ્યાં. તે ખોડોભાઈ લાવ્યાને મુળજી બ્રહ્મચારીએ ઓળો કરીને મહારાજને થાળ કરીને જમાડ્યા. પછી મહારાજ બોલ્યા જે, “ખોડાભાઈ! આજથી તમો વહેવારે સુખીયા થશો કેમ કે પૂર્વે તમે સેવકરામ નામે સાધુ હતા અને મેં તમારી ચાકરી કરી હતી પણ તમે મને પાશેર અનાજ આપ્યું નહોતું. તે પ્રતાપે કરીને આવી સ્થિતિ છે.” ॥૩૬૨॥

એક વખત શ્રીજીમહારાજ જુનાગઢ પધાર્યા હતા અને સાથે સખામંડળ પણ હતું. પછી સૌ સખા ગુરુ દત્તાત્રેયને પગલે દર્શને ગયા હતા અને ખોડાભાઈને નિદ્રા આવી તે સુઈ રહ્યા. પછી સૌ દર્શન કરીને આવ્યા. ત્યારે ખોડોભાઈ બહુ પશ્ચાતાપ કરવા લાગ્યા અને કહ્યું જે, “મને જગાડ્યો નહીં. મારે પગલાંનાં દર્શન કરવાં હતાં.” પછી મહારાજ કહે, “તમારે પગલાંનાં દર્શન કરવાં હતાં કે મૂર્તિમાનનાં?” ત્યારે ખોડાભાઈ કહે, “મૂર્તિમાન હોય તો પગલાંનું શું કામ છે?” ત્યારે મહારાજ કહે, “ગઢપુરમાં શામળીયા ચૈતન્યાનંદ સ્વામી છે. તે દત્તાત્રેયનો અવતાર છે.” પછી ગઢપુર આવીને ચેતન્યાનંદ સ્વામીનાં દર્શન કર્યાં. ॥૩૬૩॥

એક વખત મહારાજ કુંડળથી ચાલ્યા ત્યારે રાઈબાઈ કહે, “મહારાજ! ભાતું લેતા જાઓ.” પછી ભાતનો ડબો મહારાજે નાજા જોગીયાને આપ્યો અને દહીંની દોણી ભરીને રાઈબાઈએ આપી, તે મહારાજે ગોવિંદ સ્વામીને અપાવી. પછી ગોવિંદ સ્વામી વિગેરે સંત ખરડને પાદર જઈને એક તળાવની ઉગમણી પાળે દેરી છે ત્યાં ઉતર્યા. પછી મહારાજ ભાતું જમવા બેઠા. ત્યારે મહારાજ બોલ્યા જે, “નાજા! ગોરસની દોણી કોને આપી છે?” નાજો જોગીયો કહે, “મહારાજ! ગોવિંદ સ્વામીને આપી છે પણ તેઓ ક્યાં હશે?” એમ જ્યાં વાત કરે છે ત્યાં તો ગોવિંદ સ્વામીએ તળાવની પાળે ચડીને જોયું એટલે છેટેથી મહારાજનાં દર્શન થયાં. પછી સ્વામી દહીંની દોણી લઈને મહારાજ પાસે આવ્યા. પછી મહારાજે સૌને અરધો અરધો રોટલો અને ગોરસ આપ્યું. તે વખતે ત્યાંના ગરાસીયાના છોકરા રમતા હતા. તે બોલ્યા જે, “મહારાજ! અમને પ્રસાદી આપોને!” પછી મહારાજ કહે, “તમારે ઘરે ઘણા રોટલા છે. લાવોને પ્રસાદી કરી આપું.” પછી છોકરા ઘરે જઈને રોટલા લઈ આવ્યા. તેને મહારાજે પ્રસાદી કરીને પાછા આપ્યા. ॥૩૬૪॥

એક વખત મહારાજ ખરડ પધાર્યા હતા અને તળાવમાં ખીચડી કરી હતી. પછી એક સંતને સંકલ્પ થયો જે, “આજ ખીચડી ને ઘી ખૂબ જમશું.” અને ખીચડી થોડી હતી. તેથી મહારાજ ઘી ખૂબ પીરસતા હતા. પછી જે સંતે સંકલ્પ કર્યો હતો, તેની પાસે મહારાજ પીરસતા પીરસતા આવ્યા અને સંતને જરાક ઘી આપ્યું.

પછી મહારાજ ઉગમણી પાળે સભા કરીને વિરાજમાન થયા. તે વખતે નારદજી તથા તુંબરૂ એ બંન્ને જણ મહારાજને રાજી કરવા ગાયન કરવા આવ્યા હતા. તે ગાયન કરીને કચરાની બબે માણ્યું ફુટી ગઈ. પછી મહારાજને રાજી કરી અદૃશ્ય થઈ ગયા. પછી મુક્તાનંદ સ્વામી કહે, “મહારાજ! એ કોણ હતું?” પછી મહારાજ કહે, “નારદજી ને તુંબરુ એ બેય અમને રાજી કરવાને સારુ આવ્યા હતા. તે રાજી કરીને ચાલ્યા ગયા.” એમ કેટલાક દેવો પણ દિવ્યસ્વરુપે આવતા હતા. ॥૩૬૫॥

એક વખત ગામ ખરડમાં ગરાસીયાને ત્યાં મુળજી બ્રહ્મચારીએ થાળ કર્યો. ત્યાં શ્રીજીમહારાજ જમવા બેઠા અને બોલ્યા જે, “દૂધ હોય તો જમીએ.” ત્યારે હરિભગત કહે, “મહારાજ...! અત્યારે ઢોરાં બધાંય સીમમાં ચરવા ગયા છે.” અને મહારાજે દૂધનો સંકલ્પ કર્યો ત્યાં તો વગડામાંથી એક ગોરહેલ કરીને ગાય હતી. તે દોડી અને તેની પાછળ ભરવાડ પણ દોડ્યો આવ્યો. અને તે ગાય ડેલાની બારીમાંથી ફળીમાં આવી. ત્યારે મહારાજ બોલ્યા જે, “આ ગાય આવી; દોવો.” અને પાછળ ભરવાડ આવીને બોલ્યો જે, “બાપુ! બાપુ! ગાયને ગમે તેમ હોય પણ હું દોડી દોડીને થાક્યો પણ પાછી વળી નહીં.” પછી તેણે કહ્યું જે, “મહારાજે દૂધનો સંકલ્પ કર્યો હતો તેથી તે ગાય આવી છે.” પછી ગાયને દોહીને શ્રીજીમહારાજને દૂધ જમાડ્યું અને ગાય શ્રીજીમહારાજને અર્પણ કરી. ॥૩૬૬॥

પછી મહારાજ ગામ રોજકે પધાર્યા હતા અને ત્યાં ગામને પાદર છોકરાં રમતાં હતાં તેમાં દેવાઈત ગઢવીનો દીકરો કરણો કરીને હતો. તેને શ્રીજીમહારાજે વર્તમાન ધરાવ્યાં. તે જોઈ એક છોકરો દેવાઈત ગઢવી પાસે ગયો અને કહ્યું જે, “બાપુ! બાપુ! કરણાને સ્વામિનારાયણે પાડ્યો.” તે સાંભળી દેવાઈત ગઢવી પાદર આવ્યો અને પોતાના પુત્રને બાથમાં ઘાલીને પૂછવા માંડ્યો જે, “બાપ! કરણા! તને સ્વામિનારાયણે પાડ્યો એ વાત સાચી? અને તને કાંઈ માથું કે પેટમાં દુઃખે છે?” છોકરો કહે, “ના, ના, મને તો મહારાજે વર્તમાન ધરાવ્યાં અને સત્સંગી કર્યો.” પછી દેવાઈત ગઢવી પણ સત્સંગી થયો. ॥૩૬૭॥

શ્રીજીમહારાજ રોજકાને પાદર રાત રહ્યા હતા અને સાથે સંત તથા પાર્ષદ હતા અને કરશનજી કરીને મહારાજના કોઠારી પણ હતા. તેની સાથે મગદળનો ડબો ભરેલો હતો. તે રાત્રીએ કુતરાં આવીને ખાઈ ગયા. પછી તે સવારમાં જાગીને પાળાને ખીજવા માંડ્યો જે, “તમે મારો મગદળ ખાઈ ગયા.” એમ તાણી તાણીને રાડ્યો પાડવા માંડ્યો અને શ્રીજીમહારાજ પોઢી ગયા હતા. પછી નિષ્કુળાનંદ સ્વામી કીર્તન બોલ્યા જે:

તારી અખીયામાં ઝાઝી રીસ રે તને મગદલ ભાવે;

ચોર નહીં એ તો શ્વાન જ જાણે પાળાને મ ખીજે મ ખીજે…

એ આખું કીર્તન બનાવીને બોલ્યા. ॥૩૬૮॥

પછી ત્યાંથી સાબદા થઈને ગામ ગાંફ પધાર્યા અને તે ગામના પાદરમાં ઘોડાં પાતા હતા. તે વખતે ગોવિંદ પટેલ બળદ પાવા આવ્યો હતો, તેણે મહારાજને આગ્રહ કર્યો ત્યારે મહારાજ કહે, “અમારે દરબારમાં ઉતરવું છે.” પટેલ કહે, “ના, મહારાજ! આજ તો મારા મેમાન થાઓ.” પછી તેણે મહારાજને પોતાને ઘેર પધરાવીને ઘોડાને ગમાણે બંધાવ્યાં ને ઘાસ નંખાવ્યું અને મહારાજને ઢોલીયો ઢળાવીને ઉપર ગોદડું પાથરી આપ્યું. પછી ઘરમાં જઈને ઘરવાળીને કહ્યું જે, “મહારાજ! પધાર્યા છે, તેમને માટે લાપશી કર.” તે સાંભળી બાઈ હાથમાં લાકડાનો ડંડીકો લઈને પાછળ દોડી અને કહ્યું જે, “મારા પીટ્યા તું તો અસુર્યા આવા કેટલાક લઈને આવીશ.” તે રકઝક બધી મહારાજે સાંભળી. પછી પટેલ મહારાજના ઢોલીયા પાસે બેસી ગયા. ત્યારે મહારાજે પૂછ્યું જે, “કેમ છે, પટેલ?” પટેલ કહે, “મહારાજ! ઘરનું માણસ કલોગું છે.” પછી મહારાજ ઢોલીયેથી ઉતરીને ઘરમાં પધાર્યા અને બોલ્યા જે, “અહોહો! આ તો કેશવ પટેલની દીકરી તે અમારી દીકરી.” પછી તેની સાત પેઢીનાં નામ કહી સંભળાવ્યાં. તે સાંભળી બાઈ બોલી જે, “અહો! આ તો મારા બાપ ઘરે આવ્યા અને મારો પીટ્યો મારા બાપ પાસે મારું વાંકું બોલ્યો જે, ‘ઘરનું માણસ કલોગું છે.’” પછી તેની હેતવાળી બે ચાર બાઈઓ હતી. તેને બોલાવીને કંસાર વિગેરે રસોઈ કરાવીને મહારાજ તથા પાર્ષદ વિગેરેને જમાડ્યા અને પટારા ઉઘાડીને નવાં ગાદલાં તથા નવાં ગોદડાં કાઢીને મહારાજ તથા સખાને પાથરી આપ્યાં અને વાળંદને બોલાવીને સારી રીતે ચાકરી કરાવી. પછી મહારાજ સવારે ચાલવા તૈયાર થયા. ત્યારે બાઈ બોલી જે, “મહારાજ! જમ્યા વગર ચાલવા નહીં દઉં.” મહારાજ કહે, “બાપ! દીકરી! અમારાથી રોકાવાય એમ નથી.” પછી બાઈ બોલી જે, “મહારાજ! જ્યારે અહીંયા પધારો ત્યારે મારે ઘરે પધારજો.” મહારાજ કહે, “બહુ સારુ.” પછી બાઈ કહે, “મહારાજ! પટેલ તો મારો પીટ્યો ઘર લજામણો છે તે મારું વાંકું બોલ્યો.” એટલે ઉભા ઉભા સાંભળીને મનમાં વિચાર કર્યો જે, “ઘરલજામણો તો થયો પણ મહારાજનો સત્કાર તો થયો.” પછી સૌ હરિજન મહારાજને વળાવવા આવ્યા. તેમને મહારાજે પાછા વાળ્યા પણ પટેલ પાછો વળ્યો નહીં. પછી મહારાજ બોલ્યા જે, “પટેલ! હવે પાછા વળો. આ ફેર તો જેમ તેમ કરીને પાર પાડ્યું પણ વખત વગરનું આવું કામ કોઈ દિવસ કરશો નહીં.” પછી પટેલ પાછા વળ્યા. ॥૩૬૯॥

ગામ ખરડને પાદર શ્રીજીમહારાજ તથા મુળજી બ્રહ્મચારી સવારના પહોરમાં નીસર્યા. તે વખતે આકાશમાંથી હજારો છોકરાં આવ્યાં. તેને મહારાજે કમંડલમાંથી પાણી છાંટ્યું. તે વિમાનમાં બેસીને દેવલોકમાં ગયાં. તે જોઈ મુળજી બ્રહ્મચારીએ પૂછ્યું જે, “એ કોણ હતાં?” મહારાજ કહે, “શ્રીકૃષ્ણને ભરોસે પુતનાએ વ્રજમાં બાળક માર્યાં હતાં તે અમારે દર્શને આવ્યાં હતાં. તે બધાંને દેવલોકમાં મોકલ્યાં ને પછી સત્સંગમાં જન્મ લઈને અક્ષરધામને પામશે.” ॥૩૭૦॥

શ્રીજીમહારાજ ગાંફમાં પધાર્યા હતા અને સાથે સંત હતા ને ત્યાં વસ્તા રાવળને ઘરે રસોઈ કરાવી હતી. પછી મહારાજ થાળ જમીને સંતને પીરસવા મંડ્યા. તે વખતે વસ્તા રાવળની મા તેણે દોણા ઉપરથી દહીંની તર કાઢી કાઢીને એક મોટું દોણ ભર્યું. પછી મહારાજ બોલ્યા જે, “લાવો, ડોશી! દોણાં.” પછી ડોશી મહારાજને દોણું આપવા માંડ્યાં. એમ પીરસતાં પીરસતાં મહારાજે બધું દહીં ખુટાડી દીધું. પછી મહારાજ કહે, “લાવો ડોશી! ઓલ્યું દોણું.” પછી તે તરનું દોણું ભર્યું હતું તે મહારાજને આપ્યું. પછી મહારાજ કહે, “રાખો, ડોશી!” પછી તે બાઈને સત્સંગ થયો અને એકસો રૂપિયા લઈને ડોશી ગઢપુર રસોઈ દેવા આવ્યાં. ત્યારે મહારાજે સભામાં વાત કરી જે, “આ ડોશીએ દહીંની તર ઉતારી લઈને એક દોણું ભરી રાખ્યું હતું તેના તે સૌ રૂપિયા લઈને રસોઈ દેવા આવ્યાં છે.” તે સાંભળી ડોશી બોલી જે, “મહારાજ! તે દહાડે હું તમારો મહિમા સમજતી નહોતી.” ॥૩૭૧॥

મહારાજ ગાંફથી પચ્છમ પધાર્યા અને ત્યાં જાદવજી કરીને ત્રવાડી બ્રાહ્મણ હતા, તે માંદા હતા. તેને જોવાને માટે મહારાજ તેને ઘરે પધાર્યા. પછી તે પાણીનો કળશીયો ભરીને લાવ્યા ને મહારાજને કહે, “મહારાજ! આમાં ચરણારવિંદ બોળી દ્યો.” મહારાજ કહે, “અમે બ્રાહ્મણને ચરણારવિંદ બોળી આપતા નથી.” પછી હાથનો અંગુઠો બોળી આપ્યો અને મહારાજ ચાલી નીકળ્યા. તે પછમને સીમાડે જઈને મહારાજે ઘોડીને પાછી વાળી અને પછમ સામું મોઢું કરીને ઉભી રાખી. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! કેમ ઉભા રહ્યા?” મહારાજ કહે, “જાદવજી ત્રવાડીએ અત્યારે દેહ મેલ્યો. તેને અક્ષરધામમાં મેલ્યા.” અને જાદવજી ત્રવાડી ત્યાં બોલ્યા જે, “શ્રીજીમહારાજ મને માણકી ઘોડી ઉપર ચડીને તેડવા પધાર્યા છે.” એમ કહીને દેહ મેલ્યો. ॥૩૭૨॥

ત્યાંથી મહારાજ કમીયાળા પધાર્યા અને હરિજનોએ શીરાની રસોઈ કરાવી હતી. તે જમતાં જમતાં સંતને ચોકે શીરો થઈ રહ્યો. ત્યારે મહારાજ બોલ્યા જે, “જાઓ, બ્રહ્મચારીને ચોકે જઈને પુછી જુઓ.” તે વખતે આનંદ સ્વામી તથા વાસુદેવ સ્વામી મહારાજની સાથે હતા. તે બંને જણે શીરો કર્યો હતો અને ઘરમાં ધુમાડો બહુ થયો. તેથી શીરો કાચા પાકાની ખબર ન રહી. પછી પાણી નાંખીને તરત હેઠે ઉતાર્યો અને મહારાજે પૂછ્યું જે, “આનંદ બ્રહ્મચારી! શીરો છે?” બ્રહ્મચારી કહે, “હા, મહારાજ! માંખણ જેવા બે તાંસ ભર્યા છે.” પછી બેઉ જણ ઉપાડીને શીરો મહારાજ પાસે લઈ ગયા અને મહારાજે હાથમાં લઈને જોતાં કાચો લાગ્યો. પછી મહારાજ બોલ્યા જે, “તાવડા માંડો. તાવડા માંડો આ તો બ્રાહ્મણના કર્યા બ્રાહ્મણ ખાય કે ભેંસ ખાય.” એમ મહારાજે કહ્યું અને બીજો શીરો કરીને સંતને જમાડ્યા. ॥૩૭૩॥

પછી મહારાજ ત્યાંથી ચાલ્યા તે ભોળાદ અને બોરુ વચ્ચે એક ઓઝાકુઈ આવે છે. ત્યાં ખીજડો છે તે ઉપર સંતોએ પોતાની ભીની ચાદરો કરીને નાંખી અને છાંયે મહારાજને પધરાવ્યા. પછી થોડીક વાર થઈ એટલે મહારાજ લઘુશંકા કરવા પધાર્યા. તે મહારાજના પગ તાપમાં દાઝવા મંડ્યા. પછી મહારાજ બોલ્યા જે, “આવા પગ બળણામાં મારા સાધુ ઉઘાડે પગે ચાલે છે.” પછી પોતાની પછેડી હતી તે ફાડી ફાડીને સંતને પગે બાંધવા આપી. પછી સુરોખાચર તથા સોમલાખાચર વિગેરે પાર્ષદોએ પોતાનાં વસ્ત્ર ફાડીને સંતોને પગે બાંધવા આપ્યાં. ॥૩૭૪॥

એક વખત મહારાજ બોરુને પાદર પધાર્યા અને ત્યાંના તળાવમાં સૌ હરિજન સાથે સ્નાન કરવા પધાર્યા. ત્યારે અમદાવાદવાળા દામોદરભાઈ બોલ્યા જે, “એ હરિભક્ત! તમારા ઉતારા સાચવજો નહીંતર ચોર લઈ જશે.” પછી મહારાજ નાહીને તળાવને કાંઠે દેરી છે ત્યાં પધાર્યા અને દામોદરને કહ્યું જે, “તમે શું કહેતા હતા?” દામોદરભાઈ કહે, “મહારાજ! તમારા ઉતારા સાચવજો એમ હરિભક્તોને કહેતો હતો.” મહારાજ કહે, “આ તો બધાય અક્ષરના મુક્તો છે અને હરિભક્ત તો હવે થાશે.” તે એવી રીતે દામોદરભાઈને મહારાજે વાત કરી. ॥૩૭૫॥

એક વખત મહારાજ બોરુને પાદર તળાવની પાળે દેરી છે. ત્યાં સવારમાં નિત્યવિધિ કરવા બેઠા હતા. તે વખતે મયારામ ભટ્ટ તથા પર્વતભાઈ વગેરે દોઢસો માણસનો સંઘ ત્યાં આવ્યો અને મહારાજને પગે લાગીને પર્વતભાઈ બોલ્યા જે, “મહારાજ! તમે કહો તે હું તમને આપું.” તે સાંભળી મહારાજ બોલ્યા જે, “અનંત કોટી બ્રહ્માંડ છે તે મારે આધારે છે. હવે તેની બહાર હોય તો તે મને આપો.” ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, “તમે કહો તેમ કરું.” ત્યારે મહારાજ બોલ્યા જે, “અમારાં પાંચ શુકન (વ્રતમાન) પાળો તો તમારું કલ્યાણ.” પર્વત ભાઈ બોલ્યા, “તે સૌ પાળતા હોય તો તમે શું પળાવત?” મહારાજ કહે, “હું તેમને છુટી મેલત જે ન પાળે તેનું કલ્યાણ.” તે ઉપર મહારાજે વાત કરી જે, “પરશુરામ થઈ ગયા તેમણે ક્ષત્રીને મારીને લોહીના કુંડ કર્યા અને કહ્યું જે, ‘આમાં જે નહાય તેનું કલ્યાણ.’ પછી જેણે માન્યું તેનું કલ્યાણ કર્યું.” તેમ મહારાજ કહે જે, “જો પાળતા હોય તો હું તેને છુટી મેલત જે ન પાળે તેનું કલ્યાણ. આ તો નથી પાળતા તે મારે પળાવવા છે.” ॥૩૭૬॥

પછી મહારાજ ગામ વાંરણે પધાર્યા અને ત્યાં પ્રશ્નોરા બ્રાહ્મણ પુતળીબાઈ હતાં અને તેને ઘરે રાત્રે મહારાજ ખીચડી જમવા પધાર્યા ને પાટલા ઉપર બેસારીને ખીચડીને દૂધ પીરસ્યું. પછી મહારાજ જમતાં જમતાં મનુષ્ય ચરિત્ર કરવા લાગ્યા જે, “થોડીક ખીચડી જમણી કોર કાઢે ને થોડીક ખીચડી ડાબી કોર કાઢી નાંખે.” તે જોઈ ડોશી બોલ્યાં જે, “મહારાજ! તમને ખીચડી જમતાં આવડતી નથી તો કલ્યાણ શી રીતે કરશો?” મહારાજ કહે, “પુતળીબાઈ! કલ્યાણ તો હું આમ કરું.” એમ કહીને મહારાજે હાથની ચપટી વજાડી તે ભેળી પુતળી ડોસીને સમાધિ થઈ અને અક્ષરધામમાં ગયાં અને ત્યાં દિવ્ય સિંહાસન ઉપર મહારાજને બેઠેલા દીઠા. પછી મહારાજ કહે, “પુતળી, હું કલ્યાણ કરું એવો ખરો કે નહીં?” પુતળીબાઈ કહે, “મહારાજ! મારું તો શું પણ અનેક જીવનાં કલ્યાણ કરો એવા તમે છો.” પછી ડોશી સમાધિમાંથી બહાર આવીને જુએ છે તો ત્યાં મહારાજને ખીચડી જમતા જોયા. પછી પુતળી ડોસી મહારાજના પગમાં પડીને પગે લાગી. ॥૩૭૭॥

પછી મહારાજ ગામ વટામણ પધાર્યા અને ત્યાં રતનજીબાપુની ઘરવાળીનું તેરમું હતું. પછી મહારાજ ત્યાં જમીને ચાલ્યા. તેમને સૌ હરિજનો વળાવવા ગયા. તેમને મહારાજે પાછા વાળ્યા પણ રતનજી બાપુને મહારાજે કહ્યું નહીં જે, “તમે પાછા વળો. પછી આગલે ગામ મુકામ કર્યો. ત્યારે મહારાજ બોલ્યા જે, “રતનજી બાપુ! તમે આવ્યા છો કે શું?” રતનજી બાપુ કહે, “તમે સૌને પાછા વળવાનું કહ્યું અને મને કહ્યું નહીં જે, તું પાછો વળ્ય.” મહારાજ કહે, “હવે...” રતનજી બાપુ કહે, “જેમ તમે કહો તેમ કરું.” પછી રતનજી બાપુ ત્યાગી થઈને મહારાજ ભેળા રહ્યા અને પોતે તો ત્રણ લુગડાં ભેર આવ્યા હતા તોપણ પોતાનાં મનમાં એમ થયું નહીં જે, પછવાડે ઘરે કેમ થયું હશે! એવા નિશ્ચયવાળા હતા. ॥i૩૭૮॥

એક વખત શ્રીજીમહારાજ ગામ વસો પધાર્યા હતા. ત્યાં તળાવની પાળ ઉપર દેરી છે. ત્યાં વિરાજમાન થયા હતા. તે ઠેકાણે વેદીયા બ્રાહ્મણ આવીને વેદ બોલ્યા. ત્યારે શ્રીજીમહારાજે રાજી થઈને પોતાને માથે સોનેરી નવઘરું બાંધ્યું હતું તે આપ્યું અને કેડેય ભારે રેંટો બાંધ્યો હતો તે છોડીને આપ્યો અને કેડીયું ઉતારીને દીધું. પછી કોટમાં પાંચસો રૂપિયાની ઉતરી હતી તે આપવા મંડ્યા ત્યારે સુરોખાચર બોલ્યા જે, “મહારાજ! તે મારી છે.” ત્યારે મહારાજ બોલ્યા જે, “તારી હોય તો લે. નહિંતર બ્રાહ્મણને આપી દઉં છું.” એમ બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થઈને પોતાનાં વસ્ત્રાદિક અલંકાર આપ્યાં. ॥૩૭૯॥

મહારાજ વડતાલમાં રામપ્રતાપભાઈના બંગલામાં વિરાજમાન હતા અને પોતે કળશીયે જઈ આવીને સ્નાન કરવા બેઠા. તે વખતે ખળખળીયાવાળી ચોકડીમાંથી નીચે પાણી પડતું હતું. તેને નાળવે કોળીના છોકરાં નહાતાં હતાં અને બોલતાં હતાં. પછી શ્રીજીમહારાજે મુળજી બ્રહ્મચારીને કહ્યું જે, “બ્રહ્મચારી! આ કોલાહોલ શેનો થાય છે?” બ્રહ્મચારી કહે, “મહારાજ! કોળીનાં છોકરાં તમારી પ્રસાદીના પાણીમાં નહાય છે.” મહારાજ કહે, “તેઓ ચક્રવર્તી તો થઈ રહ્યાં અને જો મહિમા જાણીને નહાયાં હોત તો અક્ષરધામની પ્રાપ્તિ થાત.” ॥૩૮૦॥

મહારાજ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર કરાવતા હતા અને સાધુનાં ગારાળાં શરીર હોય તેને મળતા હતા. તેમાં કેટલાકને ખબર પડી જે, “જેનાં ગારાળાં શરીર હોય તેને મહારાજ મળે છે.” પછી કેટલાક ગારો ચોપડીને આવ્યા. પછી મહારાજ બોલ્યા જે, “એટલે રહેજ્યો. હું તમને ઓળખું છું.” એમ કહીને તેને છેટે રાખ્યા. ॥૩૮૧॥

એક વખત મહારાજ સભામાં વિરાજમાન હતા અને પછી પોતે બોલ્યા જે, “કેટલાકને સંકલ્પ થાતા હશે જે મહારાજ ઈંટો ઉપડાવે છે, પથરા ઉપડાવે છે ને ગારા ઉપડાવે છે પણ તમે મને શેણે કરીને રાજી કરશો? અને આ સેવા કરો છો તેણે કરીને હું રાજી થાઉં છું, મળું છું, પ્રસાદી આપું છું અને હું ધારૂં તો પૃથ્વીમાંથી સાવ સોનાનાં મંદિર કાઢું. જેમ કોઈક ભગવાન છે તેણે મેરુ પર્વત સાવ સોનાનો કર્યો છે તેમ.” મહારાજ કહે, “હું ભગવાન છું. તે સોનાના મંદિર કાઢું પણ તમે મને શાને કરીને રાજી કરશો?” ॥૩૮૨॥

મહારાજ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર કરાવતા હતા અને બોરડી નીચે એક મોટો પથ્થર હતો. તે ઉપર આઠવડી ધાબળી પાથરીને વિરાજમાન હતા. પછી હરે થયું એટલે સૌ સંત તથા કડીયા જમવા ગયા. પછી રતનો કરીને કડીયો હતો. તેણે ઘણા દિવસથી સંકલ્પ કરેલ જે, “ક્યારેક મહારાજને એકાંત મળે તો મારે પૂછવું છે.” પછી તે વખતે તેણે મહારાજને પૂછ્યું જે, “મહારાજ! અત્યારે અક્ષરધામમાં શ્રીજીમહારાજ શું કરતા હશે?” મહારાજ કહે, “રતના! અત્યારે અક્ષરધામમાં બોરડી નીચે મોટું બેલું છે. તે ઉપર આઠવડી ધાબળી કરીને પાથરીને તે ઉપર ભગવાન વિરાજમાન છે. અને લક્ષ્મીનારાયણ દેવનાં મંદિર કરાવે છે.” રતનો કહે, “મહારાજ! હું તો અક્ષરધામનું પૂછું છું.” ત્યારે મહારાજ કહે, “રતના! મેં અક્ષરધામની વાત કરી છે.” એમ બે ચાર વાર પૂછ્યું પણ મહારાજે એ જ ઉત્તર આપ્યો. પછી માણસની હરફર થઈ એટલે રતનો કડીયો પથરા ઘડવા મંડ્યો અને પછી રાત્રીયે મુક્તાનંદ સ્વામીને આસને રતના કડીયાએ જઈને વાત કરી જે, “મેં મહારાજને પૂછ્યું ત્યારે મહારાજે મને આવો જવાબ આપ્યો.” પછી સ્વામી બોલ્યા જે, “રતના! આંહીં છે તે જ અક્ષરધામમાં છે અને અક્ષરધામમાં છે તે જ અહીં છે. એમાં જરા ફેર નથી.” ત્યારે રતનો કડીયો સમજ્યો. ॥૩૮૩॥

અને વરતાલમાં રઘુવીરજી મહારાજનાં બહેન ફુલઝરી કરીને આવ્યાં હતાં અને તેમને સાસરા પક્ષવાળા તેડવા આવ્યા હતા. ત્યારે મહારાજે આજ્ઞા કરી જે, “બાપ! દીકરી! ફુલઝરી! દેશમાં જાઓ.” પણ તેમને મહારાજને વિષે અતિશય પ્રેમલક્ષણા ભક્તિ હતી. તેથી બહુ જ દિલગીરી કરવા લાગ્યાં. પછી મહારાજ તેમને વળાવવાને માટે સંત સહિત ચાલ્યા. તે ચાલતાં ચાલતાં જોળનો ચરો છે ત્યાં સુધી પધાર્યા. પછી મહારાજ બોલ્યા જે, “બાપ! દીકરી! ગાડીમાં બેસ.” તે સાંભળીને બાઈ ચીસો પાડવા માંડી. પછી મહારાજે તેને તેડીને ગાડીમાં બેસારી. પછી તેનો વિલાપ સાંભળીને મહારાજના નેત્રમાં જળ આવી ગયાં. પછી મહારાજ પ્રત્યે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! સંસારની માયા બહુ દુસ્તર છે.” મહારાજ કહે, “સ્વામી! મારે વિષે તેને પ્રેમ કેટલો છે? તે જોઈને મને નેત્રમાં જળ આવ્યાં.” તેને વળાવીને સૌ પાછા વડતાલમાં આવ્યા. ॥૩૮૪॥

વડતાલમાં એક સ્ત્રી અને એક પુરુષ હરિજન હતાં. તેઓ વહેવારે બહુ જ દુર્બળ હતાં. પછી પોતે બન્ને જણાએ વિચાર કર્યો જે, “કાંઈક સારું અનાજ આવે તો આપણે થાળ કરીને મહારાજને જમાડીએ.” પણ કોઈ દિવસ સારું અનાજ આવ્યું નહીં. પછી બન્ને જણે વિચાર કર્યો જે, “આપણા પ્રારબ્ધમાં હશે તે મળી રહ્યું. માટે કોદરાનો રોટલો અને કડલીની ભાજી કરીને મહારાજને જમાડીએ. કેમ કે, વિદુરજીની ભાજી ભગવાન જમ્યા છે તે આપણો ભાવ હશે તો મહારાજ જમશે.” પછી બન્ને સ્ત્રી-પુરુષ એક થાળીમાં રોટલો અને કડલીની ભાજી લીધી ને પછી મહારાજ પાસે સભામાં જઈ ઉભાં રહ્યાં. પછી મહારાજ હાથોહાથ થાળી લઈને ભાજી તથા રોટલો જમવા મંડ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી ઉભા થઈને બોલ્યા જે, “મહારાજ! એકલા એકલા જમો છો તે પેટમાં દુઃખશે.” મહારાજ કહે, “સ્વામી! આ રોટલો પેટમાં દુઃખે તેવો નથી.” એમ કહીને સ્વામીને પ્રસાદી આપી અને મહારાજ જળપાન કરીને વિરાજમાન થયા. ॥૩૮૫॥

અને તે વખતે બીજા ગામના હરિજન દર્શને આવ્યા હતા. તેમણે વિચાર કર્યો જે, “આપણે મહારાજને માટે થાળ કરીએ પણ કોઈ દિવસ મહારાજે ભાળ્યું ન હોય અને કાને સાંભળ્યું ન હોય તેવાં પકવાન કરીએ અને આપણને ખૂબ વખાણે.” એમ જાણીને પોતે થાળ કર્યો અને સૌ થાળ તૈયાર કરીને મહારાજને જમવાને માટે બોલાવવા આવ્યા પણ મહારાજ તો સામું પણ જુએ નહીં. પછી મુળજી બ્રહ્મચારીએ મહારાજને કહ્યું જે, “મહારાજ! આ હરિજન થાળ લાવ્યા છે તે જમવા પધારો.” મહારાજ કહે, “બ્રહ્મચારી! અમે હમણાં જમ્યા છીએ. તે પેટમાં ભૂખ નથી.” પછી બ્રહ્મચારી કહે, “મહારાજ! તેઓએ રાત બધી દાખડો કરીને તમારે માટે થાળ કર્યો છે.” પછી બ્રહ્મચારીનો બહુ આગ્રહ જોઈને મહારાજ જમવા પધાર્યા અને બાજોટ ઉપર વિરાજમાન થયા અને મહારાજ આગળ બધા પકવાનના થાળ ધર્યા. પછી મહારાજ તેમાંથી ભાતનો એક ગ્રાસ જમીને હાથ ધોઈને ઉઠી નીકળ્યા પણ બીજા પકવાન સામું જોયું નહીં; એમ ભગવાન ભાવના ભૂખ્યા છે. ॥૩૮૬॥

શ્રીજીમહારાજ વડતાલમાં સભા કરીને વિરાજમાન હતા અને એક બાઈએ પોતાને ઘરે મહારાજ માટે થાળ કર્યો હતો. તે ઢાંકીને મહારાજને બોલાવા આવી. તે વખતે મુળજી બ્રહ્મચારીએ કહ્યું જે, “બોલમાં બોલમાં દુતી! મહારાજ વાતુ કરે છે.” તે સાંભળીને બાઈ ડોશીની સભામાં બેસી ગઈ. તે વાતની ડુંગરજી ભગતને ખબર પડી જે, “ડોશી મહારાજ સારુ થાળ કરીને આવી છે. માટે તેને ત્યાં હું જમી આવું.” પછી ડુંગરજી ભગત જઈને થાળ જમી આવ્યા અને પાછા મહારાજ પાસે આવીને ઉભા રહ્યા; પછી બ્રહ્મચારી બોલ્યા જે, “મહારાજ! પેલી ડોશી ક્યારની આવીને બેઠી છે.” મહારાજ કહે, “ચાલો, ડોશી! થાળ જમવા આવીએ.” પછી ડોશી એકદમ ઉતાવળી ઉતાવળી ઘરે ગઈ અને જઈને જુએ ત્યાં તો વાસણમાં કાંઈ ન મળે. પછી ઘરની ખડકીએ આવીને બાઈએ મહારાજને કહ્યું જે, “મહારાજ! હું ત્યાં બેસી રહી ત્યાં તો કુતરો થાળ ખાઈ ગયો.” મહારાજ કહે, “ચાલો, (કુતરો ખાય) એવા કુતરાને હું ઓળખું.” પછી મહારાજે જઈને જોયું અને બોલ્યા જે, “હેં ડુંગરજી! આ તે બે પગા કુતરાએ ખાધું હશે કે ચાર પગા કુતરાએ ખાધું હશે?” ડુંગરજી કહે, “મહારાજ! મને શી ખબર?” મહારાજ કહે, “હમણાં તું ખાઈને આવ્યો અને મને શી ખબર એમ કેમ કહે છે?” ડુંગરજી કહે, “મહારાજ! મારા પેટમાં તો ભૂખે ગલુડીયાં બોલતાં હતાં અને તમારે માટે તો હમણાં ડોશી થાળ કરશે પણ મારે માટે કોણ કરત?” પછી ડોશીએ બીજો થાળ કરીને મહારાજને જમાડ્યા. ॥૩૮૭॥

એક વખત શ્રીજી મહારાજ સભામાં વિરાજમાન હતા અને કોઈ સત્સંગી બાઈ નાળીયેરનો મોટો ગોટો લાવી. પછી સભાથી છેટે ઉભી રહીને બોલી જે, “ભગત! આ નાળીયેર મહારાજ પાસે મેલો.” પછી ડુંગરજી ભગત નાળીયેર લેવા ગયા. તે અરધો ગોટો ભાંગીને પોતાની કેડમાં ખોસ્યો અને અરધો ગોટો મહારાજ પાસે મેલ્યો. તે જોઈ બાઈ બોલી જે, “એ, ભાઈ! એને કહો કે, બધો ગોટો નાળીયેર મહારાજ પાસે મેલે. અને તમારે જોતું હશે તો હું બીજું લાવી દઈશ.” ત્યારે મહારાજ બોલ્યા જે, “ડુંગરજી! ઓલી ડોશી શું કહે છે?” ડુંગરજી કહે, “મહારાજ! હું તો સારો તે એટલો અરધો ગોટો મેલ્યો નીકર દેવને તો ત્રણ શેશું જોઈએ.” એમ કહીને મહારાજને રાજી કર્યા પછી ઉભા ઉભા ખાઈ ગયા. ॥૩૮૮॥

મહારાજ વડતાલમાં સભા કરીને વિરાજમાન હતા અને કોઈક પરગામનો હરિભગત હતો. તેણે મહારાજની આગળ બશેર ચોળાફળી મેલી. ત્યારે મહારાજ બોલ્યા જે, “ભગત! તમારા ખેતરમાં બહુ સારી ચોળાફળી થઈ છે.” ત્યારે તે બોલ્યો જે, “ના, મહારાજ! હું રસ્તામાં ચાલ્યો આવતો હતો. તે કોઈકના ખેતરમાંથી લાવ્યો છું.” મહારાજ કહે, “ઉપાડ તારી ચોળાફળી. ચોરી કરીને તારે મને ખવરાવવી છે ને? માટે જ્યાંથી લાવ્યો ત્યાં પાછી નાંખી આવ્યા.” પછી મહારાજે તેની પાસે ચોળાફળી ઉપડાવીને જ્યાંથી લાવ્યો હતો ત્યાં પાછી મોકલાવી દીધી. માટે ચોરી કરીને દાન ન કરવું. ॥૩૮૯॥

ગામ વડતાલમાં ચોક વચ્ચે બે ઓટા છે. ત્યાં બે ઢોલીયા ઉપર બે ગાદી નંખાવીને અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજને બેસાર્યા અને બન્ને ભાઈઓને બસો બસો રૂપિયાની શાલો ઓઢાડીને ડોકમાં સોનાના દોરા પહેરાવ્યા. પછી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું જે, “નરનારાયણ દેશના હરિભક્ત હોય તેમની પાસે અયોધ્યાપ્રસાદજી મહારાજની પૂજા કરાવો.” અને લક્ષ્મીનારાયણ દેશના હરિભક્ત હોય તેની પાસે રઘુવીરજી મહારાજની પૂજા કરાવો.” એમ નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ભલામણ કરી. પછી હરિમંડપ ઉપર પોતે ગાદી તકીયો નંખાવીને પોતે રવેશમાં વિરાજમાન થયા. અને બન્ને દેશના હરિજનો પાસે, બન્ને આચાર્યની પૂજા કરાવી. તે જોઈને મહારાજ અતિશય પ્રસન્ન થયા ને પોતાનો પ્રતાપ બેય આચાર્યમાં મેલ્યો. ॥૩૯૦॥

એક વખત શ્રીજીમહારાજ આણંદ પધાર્યા હતા અને ત્યાં ગામને પાદર નીસર્યા એટલે ગામનાં કેટલાક દ્વેષી માણસ હતાં. તેમણે છોકરાઓ પાસે મહારાજ ઉપર ધુળ નંખાવી. તે સમે મહારાજ સાથે સુરોખાચર તથા સોમલોખાચર વગેરે કાઠી હતા અને દાદાખાચરના નોકર મારવાડા પણ સાથે હતા. પછી તે સૌ હથિયાર ઉગામીને લોકને મારવા દોડ્યા. પછી શ્રીજીમહારાજે સૌને પોતાના સોગન દીધા જે, “કોઈને આંગળી અડાડો તો તમને મારા સમ છે.” પછી શ્રીજીમહારાજ વડતાલ પધાર્યા અને સભા કરીને બોલ્યા જે, “અત્યારે આપણે કેવા શાંતિથી બેઠા છીએ અને જો કોઈને માર પછાડ કરી હોત તો આપણે અત્યારે સાબરમતી ઉતરવી પડત. માટે સૌએ ક્ષમા રાખવી એ મોટો ધર્મ છે.” એમ વાત કરી. ॥૩૯૧॥

કાનમ દેશમાં શ્રીજીમહારાજ પધાર્યા હતા અને ત્યાં મહી નદીને કાંઠે એક ગામ હતું. ત્યાં એક હરિજન રહેતો હતો. તે વહેવારે બહુ દુર્બળ હતો. તેને ઘેર શ્રીજીમહારાજ પધાર્યા. તે વખતે તે હરિજન ખેતી કરીને ઘેર આવ્યો અને મહારાજને દંડવત કરીને પગે લાગ્યો અને બોલ્યો જે, “મહારાજ! આજ મારે ઘેર મેમાનગતિ કરો. જુઓ, આ ભદવામાં ચીણો ભર્યો છે અને આ ભદવામાં બાવટો ભર્યો છે અને આ ભદવામાં બાજરી ભરી છે. તેમાંથી ઘોડાને પાવરા અપાવો.” પછી કાઠી સૌ બોલ્યા જે, “ગટકડું બાજરાનું ભર્યું છે તેના પાવરા કેમ ભરાવાય? જો ને માળો મૂરખ કેવો છે?” એમ વાત કરે છે ત્યાં તેનો છોકરો આવ્યો. તે બોલ્યો જે, “બાપા! બાપા! મને ક્યાંઈક વેચી આવો અને મહારાજની મેમાનગતિ કરો.” તેવામાં તેની સ્ત્રી બહારથી આવી. તે થાળી તથા તાંસળી લઈને ચાલી. ત્યારે મહારાજ બોલ્યા જે, “ક્યાં ચાલી?” ત્યારે બાઈ બોલી જે, “મારો સાડલો વેચીને તમારી મેમાનગતિ કરવી છે.” તેને મહારાજે પાછી બોલાવી અને પછી મહારાજ બન્ને બાપ-દીકરાને તેના ઘરમાં બોલાવીને મળ્યા અને બોલ્યા જે, “આજથી તમારું દરિદ્રતાપણું ગયું.” ને તે પૈસાપાત્ર થયો. ॥૩૯૨॥

એક વખત શ્રીજીમહારાજ સુરત પધાર્યા હતા અને ત્યાં મસ્તુ બાગમાં ઉતર્યા હતા. પછી ત્યાંના નવાબે મહારાજને માટે બે માટલીઓ મોકલી હતી. તેમાં એક માટલીમાં એક મોટો સર્પ પકડીને નંખાવ્યો અને બીજી માટલીમાં મરડીયા કાંકરા ભરાવ્યા. પછી બન્નેનાં મોંઢાં બંધાવીને ગોવિંદરામ કરીને બ્રાહ્મણ હતા તેની સાથે મોકલ્યું અને તેની સાથે બીજાં કેટલાંક માણસો પણ મોકલ્યાં હતાં અને કહ્યું જે, “સ્વામિનારાયણને આ ભેટ આપજો.” પછી મહારાજ પાસે આવીને સૌ પગે લાગ્યા અને મહારાજને કહ્યું જે, “મહારાજ! આ નવાબે આપને માટે ભેટ મોકલી છે.” પછી મહારાજે માટલી છોડાવીને જે માટલીમાં મરડીયા પાણા ભર્યા હતા, તેમાં સાકર જોવામાં આવી અને જેમાં સર્પ હતો તેમાં ખાંડ ભરેલી જોઈ. પછી મહારાજે આખી સભાને માટલીમાંથી મુઠીયે મુઠીયે સાકર આપી અને એકમાંથી સૌને મુઠીયે મુઠીયે ખાંડ આપી તોપણ માટલીઓ એમને એમ ભરી રહી. પછી મહારાજે તેનાં મોંઢાં બંધાવીને ગોવિંદરામને કહ્યું જે, “આ લ્યો. આ નવાબને પાછી ભેટ આપજો અને તમે જો મોંઢાં છોડો તો જોઈને છોડજો.” એમ મહારાજે કહ્યું. પછી ગોવિંદરામ બન્ને માટલીયો લઈને નવાબ પાસે ગયા અને સૌએ વાત કરી જે, “આવી રીતે સ્વામિનારાયણે કર્યું.” તે સાંભળીને નવાબ આશ્ચર્ય પામ્યો અને નવાબ સારુ સાકરની તથા ખાંડની પ્રસાદી પણ મોકલી હતી. પછી જ્યાં માટલીયોનાં મોંઢાં છોડ્યાં ત્યાં એકમાં સર્પ અને એકમાં મરડીયા પાણા નીકળ્યા. ॥૩૯૩॥

શ્રીજીમહારાજ સુરત પાસે ઉધના ગામ છે ત્યાં પધાર્યા હતા. પછી સૌ હરિજન મહારાજને દર્શને ચાલ્યા. તેમાં કેટલાક પાસે બરફી તથા પેંડા વિગેરે મેવાની ભેટ લઈને ગયા અને એક હરિજને પોતાના ખીસામાં હાથ ઘાલ્યો પણ ખાલી જોયો. પછી પોતાનાં પગરખાં મોચીને ત્યાં મૂકીને તેના પૈસા લીધા અને તેની બરફી લઈને શ્રીજીમહારાજને ભેટ મૂકી. તેવા પ્રેમી હરિજન હતા. તે હાલ વર્તમાન કાળમાં પણ તેવા જ પ્રેમી છે. ॥૩૯૪॥

વડતાલમાં શ્રીજીમહારાજ સભામાં વિરાજમાન હતા અને ગામ ખંભાતનાં બ્રાહ્મણ બાઈ પોતાનાં પુત્ર કૃષ્ણરામને સાથે લઈને દર્શને આવ્યાં હતાં. પછી શ્રીજીમહારાજને પગે લગાડવા ગયાં એટલે પોતાના દીકરાનું માથું મહારાજની પાટ સાથે ભટકાણું. તે જોઈને મહારાજ બોલ્યા જે, “જુઓને કેવો પ્રેમ છે. છોકરાંના માથાં સોતા અમને અર્પણ કરે છે.” એમ કહી મહારાજ રાજી થયા. પછી તે બ્રાહ્મણ એકાંતિક ભક્ત થયા હતા. ॥૩૯૫॥

શ્રીજીમહારાજ ડભાણ યજ્ઞ કરવા પધારતા હતા અને વડતાલમાં જોબન પગી તથા તખાં પગીને ખબર પડી જે, “સ્વામિનારાયણ ડભાણ આવ્યા છે અને તેમની સાથે ઘોડાં બહુ સારાં લાવ્યાં છે. માટે રાત્રે આપણે તેમનાં ઘોડાં લઈ આવવાં.” એમ પરિયાણ કરીને પાંચ સાત જણા ડભાણ ગયા. પછી રાત્રે જ્યાં ઘોડાં ચોરવા જાય ત્યાં તો તમામ ઘોડાની સરકો ઝાલીને મહારાજ ઉભેલા એટલે લેવાનો લાગ ફાવ્યો નહીં. પછી હરિજનનાં પોટલાં પડ્યાં હતાં અને ત્યાં લેવા જાય તો પોટલે પોટલે મહારાજને દેખે. એમ ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ફર્યા. પણ ક્યાંય લેવાનો લાગ મળ્યો નહીં. પછી શ્રીજીમહારાજને પગે લાગીને બોલ્યા જે, “મહારાજ! અમને વર્તમાન ધરાવો કેમ કે તમે સાક્ષાત્ ભગવાન છો અને અમે આવી રીતના સંકલ્પે આવ્યા હતા.” પછી તેમને વર્તમાન ધરાવીને સત્સંગી કર્યા. પછી તેઓ એકાંતિક ભક્ત થયા; એમ મહારાજે ચમત્કાર જણાવ્યો. ॥૩૯૬॥

મહારાજ ગામ ઘોડાસરને પાદર થઈને ડભાણ જતા હતા. તે વખતે ઘોડાસરના રાજાનો દીકરો ગામને પાદર છોકરાં ભેગો રમતો હતો. તેણે મહારાજને ભાળીને કહ્યું જે, “બાપો આવ્યા, બાપો આવ્યા.” મહારાજ કહે, “બાપો તો પાછળ આવે છે.” પછી ઘડીક થયું ત્યાં મુળજી બ્રહ્મચારી ખંભે ખડીયો લઈને આવ્યા. તે ખંભે મોટો સામાનનો ખડીયો ભરેલો ને હાથમાં મોટી લાકડી હતી અને પોતાની દાઢી મોટી બહુ હતી. તે જોઈ છોકરા બોલ્યાં જે, “બાપો આવ્યા, બાપો આવ્યા.” બ્રહ્મચારી કહે, “બાપો તો આગળ ગયા તે. અને હું તો એમનો બ્રહ્મચારી છું.” પછી છોકરો ઘોડે ચઢીને મહારાજ ભેળો થયો અને મહારાજને કહ્યું જે, “ઉભા રહો. તમે બાપો છો ને કેમ ના પાડો છો? અને આ ઘોડી ઉપર ચઢો.” પછી મહારાજ ઘોડી ઉપર ચઢીને ઘોડીને કુંડાળે નાંખી. તે એક પછેડીવામાં લાવ્યા.

પછી મહારાજ ડભાણ પધાર્યા તે ખબર તે રાજાની માને પડી જે, “મારા દીકરાને સ્વામિનારાયણ ડભાણ તેડી ગયા છે તે સાધુ કરી નાંખશે.” એમ જાણીને રાત્રીયે બાઈ પાલખીમાં બેસીને ડભાણ ગયાં અને સાથે બે દીવીયું બળતી હતી. ચોપદાર પણ સાથે હતો. પછી સભા નજીક બાઈ ગયાં એટલે ચોપદાર છડી બોલ્યો ત્યારે મહારાજ કહે, “આ કોણ આવે છે?” ત્યારે રાજાનો કુંવર બોલ્યો જે, “મહારાજ! મારી માં આવતાં હોય એવું લાગે છે. કેમ કે હું તેને પૂછ્યા વિના આવ્યો છું.” બાઈએ એવો સંકલ્પ કર્યો હતો જે, “હું સ્વામિનારાયણ ભગવાન પાસે જાઉં અને જમણા કાનની બુટ્ટી ઉપર તલ દેખાડે તો ભગવાન ખરા.” પછી તે બાઈ સભા નજીક આવી એટલે સાધુ ઉઠી ઉઠીને ભાગવા મંડ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા “મહારાજ, ઉઠો ઉઠો. અમને ઉપવાસ પડાવશે.” પછી બાઈ બોલી જે, “મહારાજ! બેસી રહો. હું પણ તમ જેવી છું.” બાઈ જાણે જે, “આ બધાય રાંડેલા ભેળા થયા છે અને હું પણ રાંડેલી છું.” પછી મહારાજ સામા ઉઠીને બાઈ પાસે ગયા. મહારાજે દીવી મંગાવી અને બોલ્યા જે, “બાઈ! જોને મારી કાનની બુટ્ટીએ કાંઈ થયું છે?” પછી મહારાજની જમણી બુટ્ટીએ તલ જોઈને બાઈ બોલી જે, “મારા દીકરાએ ભગવાન ઓળખ્યા.” એમ કહીને તે વર્તમાન ધારીને સત્સંગી થઈ. ॥૩૯૭॥

શ્રીજીમહારાજે ગામ ડભાણ યજ્ઞ કર્યો હતો ત્યારે ગામોગામ કંકોત્રીઓ ફેરવી અને ગામ રોહીશાળાના લક્ષ્મીરામ કરીને બ્રાહ્મણ હતા અને આણંદજી કરીને વાણીયા હતા. તે બન્ને જણ ડભાણ જવાને તૈયાર થયા પણ લક્ષ્મીરામ ઘરના બહુ જ દુર્બળ હતા. તેમનો મિત્ર એક ભરવાડ હાજો ગમારો કરીને હતો. તેને કહ્યું જે, “મારે સ્વામિનારાયણને દર્શને જવું છે, તો તું મને કાંઈ આપીશ?” ભરવાડ કહે, “મારી પાસે બીજું તો કાંઈ નથી પણ મારી ઘરવાળીનાં બાર રૂપિયાના રૂપાના કડલાં છે. તે કહે તો આપું.” પછી તે કડલાં આણંદજી કોઠારીને ત્યાં મૂકીને સાત રૂપિયા લીધા. પછી તે બન્ને જણા ડભાણ ગયા. ત્યાં શ્રીજીમહારાજને દંડવત કરીને પગે લાગીને સાત રૂપિયા ભેટ મૂકી. પછી મહારાજે તે રૂપિયા હાથમાં લઈને ઉછાળ્યા અને મહારાજ બોલ્યા જે, “આ બ્રાહ્મણનું નિર્ગુણ દ્રવ્ય આવ્યું તે ડભાણનો યજ્ઞ પુરો થઈ રહ્યો.” પછી તે યજ્ઞની સમાપ્તિ થઈ ત્યાં સુધી રહ્યા અને પછી ઘરે આવ્યા અને ઘરે આવીને લક્ષ્મીરામભાઈએ આણંદજીભાઈને ચાંદલો કર્યો તે દક્ષિણાનો એક રૂપિયો આપ્યો. પછી તે રૂપિયાના મરચાનાં બી લઈને તેનો હવેજ કરીને વેચ્યો. તેમાંથી નફો થયો અને તેમ વેપાર કરતાં કરતાં શ્રીજીમહારાજની કૃપાથી સાઠ હજાર રૂપિયાના આસામી થયા અને તેણે ગઢપુરમાં શ્રીગોપીનાથજી મહારાજની ઘણીક સેવા કરેલી છે. એમ મહારાજની શ્રદ્ધાપૂર્વક સેવા થોડી કરી પણ દારિદ્રપણું ગયું. ॥૩૯૮॥

શ્રીજીમહારાજે ડભાણ યજ્ઞ કર્યો ત્યારે ઘણાક હરિજનોને ઘણેક ઠેકાણે મહારાજે દર્શન આપેલું અને પોતાનાં ઐશ્વર્ય વડે તે યજ્ઞ પુરો કર્યો. યજ્ઞનો જ્યારે પ્રારંભ કર્યો ત્યારે ખંભાતથી એક ગાઉં છેટું મોટા બંગલા જેવું એક છપર કર્યું અને ત્યાં તમામ સામાન ઘી, ગોળ, ખાંડ, ચોખા, દાળ, ઘઉં વિગેરેના મોટા મોટા ગંજ કરેલા અને ફરતા ગામના લોકને ભાડે બોલાવીને તમામ સામાન ડભાણ મોકલતા અને પોતે શેઠનું સ્વરુપ ધારણ કરીને કેટલાક નોકરોની સાથે ત્યાં રહેતા. પછી એક વખત મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, “મહારાજ! આ ગાડાવાળાને ભાડું તથા ખાવાનું કાંઈ આપતા નથી. તેનું કેમ થાય છે?” ત્યારે મહારાજ કહે, “સ્વામી! આપણે તો જે સામાન આવે તે ઉતારી લેવો અને તેની પહોંચ તેને લખી આપવી અને બીજો ખરચ તો ત્યાં શેઠ છે તેણે માથે રાખેલ છે માટે તેની ચિંતા આપણે રાખવી નહીં.” ॥૩૯૯॥

અને કચ્છ દેશનાં હરિજન મહારાજને દર્શને આવેલ હતા. તે થોડાક દિવસ ડભાણમાં રહીને પોતાને ઘેર જવાને તૈયાર થયા. ત્યારે મહારાજ કહે, “તમે જાઓ અને તમારાં સંબંધીઓને મોકલજો.” એમ રજા લઈને ઘરે જવા રવાના થયા. તે દેવળીયા ગામને પાદર સવારના ચાર વાગે નીકળ્યા. તે વખતે સંત બધા નહાવા આવ્યા હતા તેમાં નહાતા નહાતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરતા હતા. તે સાંભળીને હરિજન આવીને પગે લાગ્યા ત્યારે સંતે પૂછ્યું જે, “ક્યાંથી આવ્યા?” ત્યારે હરિજને કહ્યું જે, “અમે ડભાણ મહારાજને દર્શને ગયા હતા અને ડભાણ મહારાજ મોટો યજ્ઞ કરાવે છે.” સંત કહે, “મહારાજ તો એક માસ થયાં અહીંયાં છે અને નિત્યાનંદ સ્વામી ભાગવતની કથા કરે છે.” પછી તે હરિજન સંત સાથે ગામમાં ગયા અને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. ત્યારે મહારાજ કહે, “ભક્તો! ક્યાંથી આવો છો?” હરિજન કહે, “અમે ડભાણ ગયા હતા.” મહારાજ કહે, “ડભાણ શું છે?” ત્યારે હરિજન કહે, “મહારાજ! તમે ત્યાં એક લાખ બ્રાહ્મણ ભેગા કર્યા છે. અને એક મોટો મંચ કર્યો છે તે ઉપર હંમેશા વિરાજમાન થાઓ છો. તમે અમને રજા આપતી વખતે આજ્ઞા કરી છે જે, તમે ઘરે જાઓ અને તમારા સંબંધીને મોકલજો.” મહારાજ કહે, “એક માસ થયાં તો અમે અહીંયાં છીએ અને ભાગવતની માસિક પારાયણ થાય છે.” એમ વાત કરે છે ત્યાં તો ગામ ધમડકેથી કંકોતરી લઈને બ્રાહ્મણ આવ્યો જે, “મહારાજ ત્યાં ભાગવતની સપ્તાહ કરાવે છે માટે સૌ તેનો લાભ લેવા આવજો.” પછી તે સાંભળીને સૌ હરિજન આશ્ચર્ય પામ્યા અને ત્યાંથી મહારાજની રજા લઈને દેશમાં ગયા. એમ અનેક ઠેકાણે દિવ્ય સ્વરૂપે દર્શન આપતા હતા. ॥૪૦૦॥

ગામ વડનગરના વિપ્ર મોતીરામ કરીને હતા. તે ડભાણના યજ્ઞમાં દર્શને આવ્યા હતા. તે યજ્ઞ પુરો થઈ રહ્યા પછી પોતાને ઘરે ગયા અને પોતાના કાકા શોભારામને મળવા ગયા. ત્યારે શોભારામ બોલ્યા જે, “મોતીરામ! કેમ દેખાતો નહોતો? ક્યાં ગયો હતો?” ત્યારે મોતીરામ કહે, “કાકા! હું ડભાણ ગયો હતો.” શોભારામ કહે, “ડભાણ શું હતું?” મોતીરામ કહે, “સ્વામિનારાયણે યજ્ઞ કર્યો. તેમાં એક લાખ બ્રાહ્મણ ભેગા કર્યા હતા અને એક હજાર બ્રાહ્મણ વરુણીમાં વરાવ્યા હતા અને પરનાળે અખંડ ધારાએ ઘી કુંડમાં હોમાતા હતા.” તે સાંભળીને શોભારામ બોલ્યો જે, “સ્વામિનારાયણનો યજ્ઞ પુરો થયો?” મોતીરામ કહે, “હા, કાકા! પુરો થયો.” ત્યારે શોભારામ બોલ્યો જે, “જા ભાઈ જા, હું નહીં, નીકર તો છેલી બાકી કુંડમાં પડીને પણ એનું ભુંડું દેખાડત.” એમ કહીને ગાદી ઉપર હાથ પછાડ્યો અને બોલ્યો જે, “મોતીરામ! જો તારા સ્વામિનારાયણ ભગવાન હોય તો હું આઠ દહાડામાં આંધળો થાઉં.” પછી તે આઠ દહાડાને બદલે ચાર દહાડામાં આંધળો થયો. પછી મોતીરામને કહ્યું જે, “બાપ! મોતીરામ! તું સ્વામિનારાયણની પ્રાર્થના કર તો હું દેખતો થાઉં.” ત્યારે મોતીરામ કહે, “કાકા! તમે તો આંધળા જ સારા.” એમ જે આસુરી જીવ હોય તે અવળું જ માંગે. ॥૪૦૧॥

ગામ મહેમદાવાદના દુર્લભજી અને બેચર બે હરિજન હતા. તે બેઉને અણબનાવ હતો. પછી તેમને એક કરવાને માટે શ્રીજીમહારાજ ત્યાં પધાર્યા હતા. પછી મહારાજે બેચરભાઈને કહ્યું જે, “અમે કહીએ તેમ કરશો?” બેચરભાઈ કહે, “હા, મહારાજ.” પછી મહારાજ કહે, “તમે દુર્લભજીના જોડા લ્યો અને દુર્લભજી તમારી પાઘડી લ્યે. પછી બન્ને જણા સાથે બજાર વચ્ચે ચાલો.” પછી મહારાજે દુર્લભરામને કહ્યું જે, “તમે બેચરભાઈની પાઘડી લ્યો અને તે તમારા જોડા લ્યે.” તે સાંભળી દુર્લભરામ બોલ્યા જે, “હું જ્યારે બેચરની પાઘડી લઉં ત્યારે થઈ રહ્યું ને? પછી મારી આબરુ શી?” આ સાંભળીને શ્રીજીમહારાજ કુરાજી થઈ ગયા અને ત્યાંથી ચાલી નીકળ્યા. જ્યારે શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા, તે પછી તેઓ બન્ને જણા એક થયા પણ મહારાજના કહેવે કરીને એક ન થયા તે ન થયા. ॥૪૦૨॥

મહારાજ અસલાલીને પાદર સભા કરીને બેઠા હતા અને ત્યાં મહારાજે ચાર સદ્‌ગુરુઓને બોલાવ્યા. મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તથા ચૈતન્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી; એ ચાર સદ્‌ગુરુને બોલાવીને કહ્યું જે, “તમો નરનારાયણ તથા લક્ષ્મીનારાયણદેવનું ધ્યાન કરો.” ત્યારે તે ચારે જણા બોલ્યા જે, “મહારાજ! ધ્યાન તો તમારું થાય. બીજા દેવનું ધ્યાન થાય નહીં.” મહારાજ કહે, “તમે અમારું માનતા નથી તો સભામાંથી બહાર જઈને છેટે બેસો.” પછી એક આંબો હતો. તે નીચે જઈને ચારે જણા બેઠા. તે વખતે વેણીભાઈ ગામમાંથી દર્શને આવ્યા. તેમણે મહારાજને પૂછ્યું જે, “ઓલ્યા ચાર સદ્‌ગુરુ છે તે છેટે જઈને કેમ બેઠા છે?” મહારાજ કહે, “તેમને સભામાંથી બહાર કર્યા છે.” વેણીભાઈ કહે, “કે શા સારુ?” મહારાજ કહે, “અમે કહ્યું તે અમારું માન્યું નહીં.” પછી વેણીભાઈ બોલ્યા જે, “અપરાધ થોડો ને દંડ ઝાઝો.” પછી મહારાજ કહે, “તેમને અહીં બોલાવી લાવો.” પછી તેઓ તેમને સભામાં બોલાવી લાવ્યા અને મહારાજ પ્રસન્ન થયા જે, “તમે ચારે જણા ખરા જે અમારૂં પણ માન્યું નહીં.” ॥૪૦૩॥

વડતાલમાં શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા અને મહારાજે કહ્યું જે, “તમે સૌ લક્ષ્મીનારાયણદેવનું ધ્યાન કરો.” ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! ધ્યાન તો તમારૂં જ થાય. બીજાનું ધ્યાન થાય નહીં.” તે સમે એક સંત સભામાંથી ઉઠીને ઉભા થઈને બોલ્યા જે, “હે, મહારાજ! તમે કહો તો હું લક્ષ્મીનારાયણદેવનું ધ્યાન કરું.” પછી મહારાજ બોલ્યા જે, “મહાપુરુષ! અમે તમને નથી કહેતા.” તે વખતે તત્ત્વાનંદ સ્વામી સભામાંથી ઉભા થયા અને બોલ્યા જે, “બેટીકા બાપ! ધ્યાન તો તેરા હોગા દુસરાકા નાહીં.” આ સાંભળી મહારાજ બહુ રાજી થયા. એમ મહારાજ અનેક સંતો તથા હરિજનોની પરીક્ષા લેતા હતા. ॥૪૦૪॥

શ્રીજીમહારાજ જેતલપુરમાં મહોલમાં વિરાજમાન હતા અને ગોખમાં બેઠા બેઠા શેરડી જમતા હતા. તે જમીને કુચા હેઠે નાંખતા હતા. તે મોટા અખંડાનંદ સ્વામી મહારાજની પ્રસાદીના આ કુચા લઈને ચૂસતા હતા. તે જોઈ મહારાજ બોલ્યા જે, “ગધાડા હોય તે કુચા ખાય.” ત્યારે અખંડાનંદ સ્વામી બોલ્યા જે, “ગધી હો સો ખાતી હૈ. આ દેહ ગધાડા જેવું છે તે ખાય છે.” એમ સ્વામી બોલ્યા એટલે મહારાજ બહુ જ રાજી થઈને પ્રસાદીનાં માદલીયાં સ્વામીને આપ્યાં. ॥૪૦૫॥

મહારાજ એક વખત મહોલમાં વિરાજમાન હતા અને બ્રહ્મા, વિષ્ણુ ને શંકર ત્રણે દિવ્યસ્વરૂપે તેજના ગોળારુપે ત્યાં ઉતર્યા અને પછી વિમાનમાંથી ઉતરીને નોખે નોખે સ્વરૂપે થઈને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. એમ શ્રીજીમહારાજે તે મહોલમાં ઘણાં આશ્ચર્ય જણાવ્યાં હતાં. ॥૪૦૬॥

એક વખત શ્રીજીમહારાજ જેતલપુર ગામમાં પધાર્યા હતા. ત્યારે સાધુએ ચંદનનાં બે તપેલાં ઘસીને ભર્યાં હતાં. તે મહારાજને આખે શરીરે ચરચ્યું હતું. પછી ગામને પાદર ઉભા ઉભા સંત પાસે હાથની આંગળીઓ ફાટી જાય એવી રીતે ધુન્ય કરાવી. તે સમે એક હરિજને મહારાજને માથે છત્રી ધરી હતી. તે છત્રી લઈને મહારાજે ભાંગી નાંખી અને હરિજનને ઘરે ત્યાંથી જમવા પધાર્યા પણ તે જગ્યા બહુ સાંકડી હતી. તેથી સંતને ત્યાં ઉભા ઉભા જમાડ્યા. પછી મહારાજ ત્યાંથી દેવ સરોવર પધાર્યા. ત્યાં સંતે મહારાજ ઉપરથી ચંદન ઉતારી લીધું અને પછી શ્વેત વસ્ત્ર પહેરીને મહોલમાં વિરાજમાન થયા એવું તે સરોવર પ્રસાદીનું છે. ॥૪૦૭॥

એક વખત શ્રીજીમહારાજ અમદાવાદ પધાર્યા હતા અને ભદ્રકાળી પાસે નીકળ્યા. તે સમે ભદ્રકાળીમાં રોઝો ઘોડો બાંધ્યો હતો તે હણહણ્યો એટલે મહારાજે તેનો શબ્દ સાંભળ્યો. પછી મહારાજ કહે, “આ રોઝો ઘોડો હણહણ્યો માટે ચાલો ત્યાં જઈએ.” પછી મહારાજ ભદ્રકાળીમાં પધાર્યા અને સખાસહિત રોઝા ઘોડા પાસે ગયા. પછી મહારાજે તેના ચાબુકને કહ્યું જે, “આ ઘોડાની પછાડી છોડી નાંખ્ય. આંખ્યના ડબલાં પણ છોડી નાંખ્યા.” પછી ચાબુક બોલ્યો જે, “મહારાજ! આવો હાથી જેવડો ઘોડો છે તેની પછાડી છોડાય નહીં. કેમ કે કોઈકનું નુકશાન કરે.” ત્યારે મહારાજ કહે, “નુકશાન કરે તે અમારે માથે.” પછી ચાબુકે ઘોડાની પછાડી અને ડાબલાં છોડી નાંખ્યાં. પછી શ્રીજીમહારાજની મૂર્તિ સામું જોઈને રોઝા ઘોડાની આંખ્યમાંથી આંસુની ધાર ચાલી નીકળી. તે જોઈને મહારાજ બોલ્યા જે, “રોઝો ઘોડો હવે ઝાઝા દિવસ રહેશે નહીં.” એમ કહીને ત્યાંથી ચાલી નીકળ્યા. ॥૪૦૮॥

શ્રીજીમહારાજ અમદાવાદમાં દરિયાખાનના ઘુમ્મટે સ્વારો સહિત પધાર્યા હતા અને ત્યાં દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ જે પૂર્વે મુસલમાનનો રાજા થયો હતો અને જે વખતે સભામાં દ્રોપદીજીનાં ચીર તાણ્યા હતાં તે વખતે તેણે પાંડવોને પક્ષ રાખ્યો હતો, તે મરીને મુસલમાનનો રાજા થયો હતો. તે રાજા અધોગતિને પામ્યો હતો. પછી જ્યારે ત્યાં મહારાજ પધાર્યા ત્યારે તેણે આવીને માણકીની સરક ઝાલીને પગે લાગ્યો અને કારભારી તથા છડીદાર તથા ચમારવાળો છતરવાળો વગેરે સૌ આવીને મહારાજને પગે લાગ્યા. પછી સૌ સ્વારે કહ્યું જે, “મહારાજ! આ કોણ છે?” ત્યારે મહારાજ કહે, “દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ. તેણે દ્રોપદીજીનો સભામાં પક્ષ રાખ્યો હતો. તે પુણ્યે કરીને તેને અમારો યોગ થયો અને તે હવે સત્સંગમાં જન્મ લેશે ને અમારો આશ્રિત થઈને અમારા ધામને પામશે.” એમ પક્ષ રાખ્યાનો એવો પ્રતાપ છે. ॥૪૦૯॥

અમદાવાદ દરીયાખાનના ઘુમટમાં સંત રહેતા હતા અને તેમાં કેટલાક સંત વિદ્યાભ્યાસ કરતા હતા. તે ગામમાં શાળાએ જઈને પાઠ લઈ આવતા અને સૌ અહીંયાં આવી પાઠ ગોખતા. પછી તે જગ્યામાં કોઈ મોટો શાસ્ત્રી મરી ગયેલો. તે અધોગતિને પામ્યો હતો. તે પેલા જીવતા શાસ્ત્રીના જેવું રૂપ ધારણ કરીને સંતને નિત્ય પાઠ આપતા. પછી એક દિવસ પેલા જીવતા શાસ્ત્રીએ પૂછ્યું જે, “મહાપુરુષો! તમે ફરી કેમ પૂછવા આવતા નથી? અને પાઠ તો શુદ્ધ અને સત્ય બોલો છો.” ત્યારે સંત કહે, “તમે નિરંતર રાત્રે ત્યાં પાઠ શીખવવાને પધારો છો ને?” તે સાંભળી તે શાસ્ત્રી વિચારમાં પડ્યા અને સાધુને કહ્યું જે, “મહારાજ! તમે બીશો નહીં ને?” સાધુ કહે, “અમે સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ એટલે અમારી પાસે કોઈ આવી શકે નહીં.” પછી શાસ્ત્રી કહે, “એક મોટો વિદ્વાન શાસ્ત્રી અગાઉ ગુજરી ગયો છે. તે અધોગતિને પામ્યો છે. તે તમોને શીખવાડવા સારુ આવતો હશે.” પછી રાત્રી થઈ ત્યારે સાધુને પાઠ શીખડાવવા તે શાસ્ત્રી આવ્યો. પછી સંતે તેને પૂછ્યું જે, “તમે કોણ છો?” ત્યારે શાસ્ત્રીએ પોતાના પૂર્વની બધી વાત કહી દેખાડી. તેથી સંત તેને મુક્તાનંદ સ્વામી પાસે લઈ ગયા ને સ્વામીએ શ્રીજીમહારાજના મહિમાની વાતો કરીને તેને ભૂતયોનીમાંથી મુક્ત કરાવીને બદ્રિકાશ્રમમાં મોકલ્યો. એવો સ્વામિનારાયણનો પ્રતાપ છે. ॥૪૧૦॥

શ્રીજીમહારાજ ખંભાતથી ચાલ્યા. તે રસ્તામાં અશ્વત્થામા મળ્યો અને માથા ઉપર એક ભીનું લુગડું ઢાંક્યું હતું અને હાથમાં જળની લોટી લઈને મહારાજ પાસે આવીને ઉભો રહ્યો. પછી મહારાજને કહે, “મહારાજ! આ જળમાં તમારું ચરણારવિંદ બોળી દ્યો.” પછી મહારાજે માણકી ઘોડીએ બેઠાં બેઠાં ચરણારવિંદ બોળી આપ્યું. તે જળ ઉભાં ઊભાં પી ગયો એટલે પાછળથી વાયરો તથા વંટોલીયો કરીને ધૂળ ઉડાડી. ત્યારે સુરોખાચર કહે, “મહારાજ! એ કોણ હતો?” ત્યારે મહારાજ કહે, “અશ્વત્થામા હતો અને તેણે આ ધૂળ ઉડાડી કેમ કે તેને પાંડવ સાથે વેર છે.” ॥૪૧૧॥

એક વખત શ્રીજીમહારાજ સીંજીવાડે પધાર્યા હતા અને જગરુપ બારોટને ઘરે પુત્રનો જન્મ થયો હતો અને તે જગરૂપ બારોટે બહુ જ આગ્રહ કરીને મહારાજને પોતાને ઘરે પધરાવ્યા અને ખાટલી ઉપર જન્મેલા છોકરાને સુવાડ્યો હતો અને તેનાં એકે અવયવ દેખાતાં નહોતાં. પછી મહારાજ બોલ્યા જે, “જગરુપ બારોટ! આ ખાટલી ઉપર માંખીઓ કેમ બહુ ઉડે છે?” ત્યારે જગરુપ બારોટના ઘરવાળાં બોલ્યાં, “તમે એક દીકરો સેવા કરવા આપ્યો છે ને?” મહારાજ કહે, “અમે એવો આપીયે નહીં. અમે આપીએ તે એવો હોય નહીં.” ત્યારે બાઈ બોલી જે, “તમારા વિના બીજો કોણ આપે?” પછી મહારાજ કહે, “લાવો અમારી પાસે.” પછી મહારાજે તે બાળક (રુંઢ મુંઢ હતું તે) ના હાથ પગ તાણીને બહાર કાઢ્યા અને બે હાથ ઝાલીને તાણીને ડોક બહાર કાઢી. પછી મહારાજ બોલ્યા જે, “લ્યો, આ અમારો આપેલો અને આનું નામ પ્રભુદાસ પાડજો.” ॥૪૧૨॥

મહારાજ ગામ ઈહરવાડે પધાર્યા હતા. ત્યાં એક હરિભક્તને ઘરે ઉતર્યા હતા. તેણે કોઈ બાઈને ઘરે રાખેલી હતી. પછી મહારાજે કહ્યું જે, “આને રજા દે તો અમે રાત રહીયે.” ત્યારે તે કહે, “ના, મહારાજ! તે તો મારી બહેન છે. મારી ભેળી રહે છે.” મહારાજ કહે, “તારી બહેન નથી. અને તેને રજા આપ્ય અને તું મને શું જાણે છે?” ત્યારે તે કહે, “મહારાજ! તમે તો ભગવાન છો.” મહારાજ કહે, “જો અમને ભગવાન જાણતો હોય, તો તેને રજા આપ્ય; નીકર અમે ચાલી નીકળશું.” એમ મહારાજે કહ્યું પણ તેણે રજા ન આપી. તેથી મહારાજ ચાલી નીકળ્યા અને બીજે દિવસે એ બન્ને જણાનો ફજેતો થયો તે ગામમાંથી ભાગી ગયો પણ મહારાજનું કહ્યું માન્યું નહીં. ॥૪૧૩॥

એક વખત મહારાજ વિજાપુર પધાર્યા હતા અને ત્યાં વડની નીચે સભા કરીને બેઠા હતા અને ગામમાંથી કેટલાંક માણસ મહારાજને દર્શને આવ્યાં હતાં. તે વખતે મહારાજે વડ ઉપર જેટલાં ચકલાં બેઠાં હતાં તેને સમાધિ કરાવી એટલે તે બધાંય વૃક્ષ ઉપરથી નીચે પડ્યાં અને સૌ જોઈને આશ્ચર્ય પામ્યાં જે, “આ શું? બધાંય ચકલાં ઉધાં પડ્યાં છે.” અને મહારાજ સભામાં વાતો કરતા હતા. પછી મહારાજે બધાયનો કોલાહલ સાંભળીને હાથમાં રૂમાલ હતો, તે ઊંચો કર્યો એટલે સૌની સમાધિ ઉતરી ગઈ અને બધાં ચકલાં ઉડી ઉડીને વૃક્ષ ઉપર જઈને બેઠાં. તે જોઈને સૌ આશ્ચર્ય પામ્યા. ॥૪૧૪॥

એક વખત શ્રીજીમહારાજ વિજાપુર પધાર્યા હતા. તે વખતે વજીબાઈનો ભત્રીજો પરણતો હતો અને તેનો ગોત્રેડો ભર્યો હતો. પછી મહારાજે ગામને પાદર આવીને કહેવરાવ્યું જે, “વજીબાઈને કહેજો જે, તમારા સ્વામિનારાયણ ગામને પાદર આવ્યા છે.” તે વખતે વજીબાઈ ગોત્રડો ભરીને ચોરે પહોંચ્યાં હતાં. ત્યાં માણસે પડખે ચડીને કહ્યું જે, “વજીબાઈ! તમારા સ્વામિનારાયણ પાદર આવ્યા છે.” તે સાંભળી વજીબાઈ ચુંદડી તથા મોડિયો પોતાના પતિ ઉપર ઉડાડી નાંખીને ચાલી નીસર્યા અને જઈને મહારાજને પગે લાગ્યાં. પછી મહારાજ કહે, “વજીબાઈ! નવાં વસ્ત્ર કેમ પહેર્યા છે?” વજીબાઈ કહે, “મહારાજ! મારો ભત્રીજો પરણે છે તેને ગોત્રેડો ભર્યો હતો.” મહારાજ કહે, “ક્યાં ગોત્રેડો?” વજીબાઈ કહે, “એ તો ચોરા પાસે મારા પતિને માથે મૂકી દીધો. ગોત્રેડો તો પોરે ભરશું પણ તમે ક્યારે પધારો?” પછી મહારાજને પોતાને ઘરે પધરાવ્યા અને થાળ કરીને જમાડ્યા. ॥૪૧૫॥

મહારાજે ઉંઝામાં સમૈયો કર્યો હતો ત્યાં વજી ફૂઈ તથા જતન ફૂઈ વિગેરે દર્શને આવ્યાં હતાં. પછી વજી ફૂઈએ કહ્યું જે, “મહારાજ! ફુલડોલનો સમૈયો કરવા વિજાપુર પધારજો.” મહારાજ કહે, “વજીબાઈ!...ત્રણે વાનાં ભેળાં થાય તે શોભે નહીં.” વજીબાઈ કહે, “શું?” મહારાજ કહે કે, “એક તો હોળીનું પરબ (પર્વ) તે ઉતરતુ અને બીજું સ્ત્રીજાતિ પણ ઉતરતી અને ત્રીજું તમારી જ્ઞાતિ (સતવારા તે) પણ ઉતરતી; એમ ત્રણે વાનાં ભેળાં થાય તો શોભે નહીં.” એમ કહીને મહારાજ હસ્યા. ॥૪૧૬॥

ગામ ઉંઝામાં ઉદેકુંવર કરીને એક બ્રાહ્મણ બાઈ હતી. તેને મહારાજે દર્શન દઈને કહ્યું જે, “તારે ફરાળ કરીને રહેવું.” પછી તે બાઈ નિત્ય એક શીંગોડું ખાઈને રહેતાં અને શ્રીજીમહારાજ તેમને નિત્ય દર્શન આપતા. તેણે કરીને ખટ ઉર્મિ વ્યાપતી નહીં. એવાં મુક્ત હતાં. તે જીવત પર્યંત એમ ને એમ રહ્યું. ॥૪૧૭॥

ગામ દેવળીયામાં ગરાસણી બાઈ હતાં. તેમને શ્રીજીમહારાજે દર્શન દઈને કહેલું જે, “તમારે અન્ન જળ તેર વરસ સુધી લેવું નહીં.” પછી તે બાઈએ તેર વરસ સુધી અન્ન જળ લીધાં નહીં અને છપૈયાની યાત્રા કરી આવ્યાં અને દિવસ તથા રાત્રી થઈને એક હજાર માળા ફેરવતા. પછી શ્રીજીમહારાજના ધામમાં પધાર્યાં. ॥૪૧૮॥

એક વખત મહારાજ મેઉ ગામમાં પધાર્યા અને ભુખણ ભાવસારે તાણ કરી જે, “મહારાજ! મારે ઘરે પધારો.” મહારાજ કહે, “તારે ઘરે સુતક છે તે નહીં આવીએ.” ત્યારે ભુખણ ભાવસાર બોલ્યા જે, “મહારાજ! જમ્યે સુતક. પાણી પીધ્યે સુતક. પણ ખાટલે બેઠ્યે કાંઈ સુતક છે?” તોય મહારાજ કહે, “ના, નહીં આવીએ.” પછી મહારાજ તેને ઘરે પધાર્યા અને ઢોલીયા ઉપર વિરાજમાન થયા. પછી ભુખણભાઈ બોલ્યા જે, “મહારાજ! બ્રહ્મા બહુ ભુલકણો છે.” મહારાજ કહે, “બ્રહ્મા ભૂલે નહિં પણ જીવ ભૂલે.” મહારાજ કહે, “અમે એક વાર બ્રહ્માને આજ્ઞા કરી છે તે કોઈ દિવસ ભૂલ આવી નથી.” પછી ભૂખણદાસ ઘરમાં ગયા અને પોતાની સ્ત્રીને કહ્યું જે, “લાવ, એ બાળક.” બાઈ કહે, “બોલોમાં. બોલોમાં. છ વાહાનો ટેટો મહારાજ પાસે લઈ જવાય નહીં.” ભુખણદાસ કહે, “લાવ્યને, હવે વાહાનો કરનારો જ ઘરે આવ્યો છે.” પછી સુપડામાં સુવાડીને મહારાજ પાસે લઈને આવ્યા અને મહારાજને કહ્યું જે, “જુઓ, મહારાજ! બ્રહ્મા ભૂલ્યો છે કે નહીં? આને મારે દીકરો કે દીકરી શું કહેવું?” પછી મહારાજે દૃષ્ટિ કરી એટલે શરીરના અવયવ બધાં બહાર નીસર્યાં. પછી મહારાજ બોલ્યા જે, “આ તો દીકરી છે અને અમે જ્યાં હશું ત્યાં ઘીના ઘડા ભરીને લાવશે અને આનું નામ જમના પાડજો.” પછી તે મોટાં થયાં ત્યારે ઘીનો ઘડો ભરીને નારદીપુરના નાનોભાઈ દોઢસો માણસનો સંઘ લઈને આવ્યા. તેની સાથે ગઢપુર આવ્યાં પછી મહારાજ સભામાં બોલ્યા જે, “જુઓ, ભાઈ ભુખણદાસ કહેતા જે, બ્રહ્મા ભૂલ્યો છે પણ આ બાઈ અમારા સારુ ઘીનો ઘડો ભરીને લાવ્યાં છે.” ને તે એકાંતિક ભક્ત થયાં હતાં. ॥૪૧૯॥

એક વખત મહારાજ મેઉ પધાર્યા હતા અને ભુખણ ભાવસારે મહારાજને આગ્રહ કર્યો જે, “મહારાજ! મારે ઘરે રસોઈ કરાવું.” મહારાજ કહે, “દાળ રોટલા કરાવ્ય તો આવીએ.” પછી ઘરે જઈને દૂધપાક કરાવ્યો અને માલપુડા કરાવ્યા. પછી મહારાજને જમવા માટે બોલાવવા આવ્યા અને મહારાજ જમવા બેઠા ત્યારે દૂધપાક તથા માલપુડા મહારાજનાં થાળમાં પીરસ્યા. ત્યારે મહારાજ કહે, “ભુખણ ભગત! આ શું કર્યું?” ભગત કહે, “મહારાજ! તમે કહેતા હતા જે, દાળ રોટલા કરજો. તે આ દાળ અને આ રોટલા કર્યા છે.” પછી મહારાજને થાળ જમાડીને સંતની પંક્તિ કરી અને સંતને જમાડ્યા ને તેમને ઘરે એક મોટો પથરો છે તે ઉપર મહારાજ બેસતા. અને સૌ ભાવસાર સોરંગી ખાંડતા. તે વખતે ભાવસાર સૌ પં પં. પં એમ બોલે. તે વખતે મહારાજ પણ તેમની સાથે પં પં પં એમ કરીને બોલતા. ॥૪૨૦॥

મહારાજ લાંઘણોજ પધાર્યા હતા અને સાથે બસો સંત હતા અને ગામમાં બ્રાહ્મણોની ચોરાસી હતી. તે ભેળી સંતની પણ રસોઈ કરી હતી. પછી બ્રાહ્મણોએ વિચાર્યું કે, “આપણે પ્રથમ જમી લેવું ને પછી સાધુ જાણે.” પછી મહારાજે તેમનો સંકલ્પ જાણીને બોલ્યા જે, “બ્રાહ્મણ સંતને જમ્યા વગર રાખશે માટે પહેલાં સંતને જમાડી લીધા હોય તો ઠીક.” અને બ્રાહ્મણોએ આખી રાત બધી રસોઈ કરીને તૈયાર કરી હતી. પછી સંત ચાર વાગ્યે ઉઠીને નહાવા ચાલ્યા ત્યારે મહારાજ બોલ્યા જે, “મહાપુરુષો! ક્યારેય શેરાના દાતણ કર્યા છે?” ત્યારે સંત કહે, “ના, મહારાજ, શેરાના દાતણ કર્યા નથી.” મહારાજ કહે, “આજ તો શેરાના દાતણ કરો.” પછી હરિજનના ફળીયામાં સંતની પંક્તિ કરી અને મહારાજે સંતને શીરો પીરસીને ખૂબ જમાડ્યા. પછી મહારાજ કહે, “મહાપુરુષો! હવે દાતણ લઈને નહાવા જાઓ.” અને પછી બ્રાહ્મણની ચોરાશીમાં ટુટો આવ્યો તે ફરી રસોઈ કરીને બ્રાહ્મણ જમ્યા. એમ મહારાજે બ્રાહ્મણોને સંકલ્પ જાણીને સંતોને જમાડી લીધા. પછી તે સૌ બ્રાહ્મણો મહારાજને પગે લાગ્યા. ॥૪૨૧॥

શ્રીજીમહારાજ અડાલજ પધાર્યા હતા અને ત્યાં મોટી વાવ છે તેની પાસે ઉતર્યા હતા અને નિષ્કુળાનંદ સ્વામીએ વાવમાં જઈને શીલાલેખ વાંચ્યો. તેમાં લખેલ જે, “આ વાવ મેં જે કરાવી છે તે મેં મારા પૈસાની છત્યે દેખાડવા સારુ તથા મારા વખાણ થાવા સારુ કરાવી નથી પણ આમાં કોઈક મોટા પુરુષ આવીને નહાય તો મારું કલ્યાણ થાય એટલા સારુ કરાવી છે અને બીજો ખરચ તો હું લખી શકતી નથી પણ ગાડાના ઊંજામણના એરડીયાના લાખ રૂપિયા થયા છે.” તે લેખ વાંચીને નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને વાત કરે જે, “હે મહારાજ! આ વાવમાં તો આવી રીતનો લેખ છે.” પછી મહારાજે સૌ સંતને આજ્ઞા કરી જે, “તમે નહાવો.” અને પોતે પણ નહાયા. અને ત્યાં સૌએ ભાતાં ખાધાં અને જળ પણ તે વાવનું પીધું. પછી મહારાજ બોલ્યા જે, “આ સ્ત્રીપુરુષ સત્સંગમાં જન્મ લેશે.” તે બાઈએ પેટલાદ પાસે ધર્મજ ગામ છે ત્યાં ગરાસીયાને ઘરે જન્મ લીધો અને કુશળકુંવરબાઈ કરીને થયાં અને તેમના પતિ હતા તે સુંદરીયાણાના હેમરાજશા કરીને વાણીયા થયા અને તે શ્રીજીમહારાજને માટે નાત બહાર રહ્યા અને તેમનો પરિવાર હજી સુધી સત્સંગી અર્થે નાત બહાર છે. ॥૪૨૨॥

એક વખત શ્રીજીમહારાજ ગામ હળવદ પધાર્યા હતા અને ત્યાં મંદિરમાં હાલ પાટ્ય છે તે દેવને ઘેર હતી. તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન હતા. પછી સૌ હરિજનોએ વિચાર કર્યો જે, “આપણે એક દુકાનેથી સાકર લઈને મહારાજને ભેટ ધરીએ.” પછી સૌ સાકર લાવીને મહારાજને ભેટ મૂકવા મંડ્યા અને મહારાજ તે પાટ ઉપર બેસીને જમવા મંડ્યા તે ત્રણ મણ સાકર ત્યાં પાટે બેઠા બેઠા જમી ગયા. તે જોઈને સૌ આશ્ચર્ય પામ્યા. તે પાટ હાલ ત્યાંના મંદિરમાં છે. ॥૪૨૩॥

કચ્છ દેશમાં ગામ ખોખરી છે ત્યાં રામાનંદ સ્વામી પધાર્યા હતા. અને સ્વામી ત્યાંથી ચાલ્યા ત્યારે બધાય હરિજન બહુ દિલગીર થઈ ગયા અને બોલ્યા જે, “સ્વામી! તમો પાછા ક્યારે પધારશો?” ત્યારે સ્વામી કહે, “તમારે ઘેર ભગવાન પધારશે અને આ લીંબડી નીચે ઉભા રહેશે અને આ ઓટા ઉપર તમે ગાદી તકીયો નાંખશો તે ઉપર બેસશે અને તમે કહેશો તેટલો થાળ જમશે. તેને તમે ભગવાન જાણજો.” પછી થોડા દિવસ પછી શ્રીજીમહારાજ તેને ઘેર પધાર્યા અને લીબડી નીચે જઈને ઉભા રહ્યા. પછી હરિભક્તોએ ઓટા ઉપર ગાદી તકીયો નાંખ્યો. તે ઉપર વિરાજમાન થયા અને તેઓએ કહ્યું તેટલો થાળ જમ્યા. પછી તેમણે રામાનંદ સ્વામીની કહેલી વાત બધી કહી દેખાડી એમ મહારાજે પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો. ॥૪૨૪॥

શ્રીજીમહારાજ ભૂજમાં પધાર્યા હતા અને સૌ હરિજનને સાથે લઈને હમીર તળાવે નહાવા જતા હતા. ત્યાં રસ્તામાં એંશી ખાખી પંચધુણી તાપતા હતા. પછી હરિજનોએ મહારાજને કહ્યું જે, “મહારાજ! આ બહુ તપસ્વી છે. તેને જમાડ્યા હોય તો બહુ જ પુન્ય થાય.” ત્યારે મહારાજ કહે, “જાઓ અને મોતીયા જલેબી લઈ આવો.” પછી હરિભક્તોએ ગામમાં જઈને ચાર ટોપલા જલેબીના ને ચાર ટોપલા મોતીયા લાડુના લાવ્યા ને મહારાજ પાસે લાવીને મેલ્યા અને મહારાજ છેટે બેઠા હતા. પછી મહારાજ કહે, “જાઓ, એના મહંતને પૂછી આવો જે, સ્વામિનારાયણ તમને મોતીયા જલેબી જમાડે છે તે તમે જમશો?” પછી હરિભક્તોએ જઈને મહંતને પૂછ્યું જે, “તમે જમશો?” ત્યારે મહંત કહે, “એ નુગરાનું અમે ન જમીએ.” એમ કહીને મહારાજની ઘણીક નિંદા કરી. તે સાંભળીને મહારાજને આવીને કહ્યું જે, “મહારાજ! મહંત તો ના પાડે છે.” ત્યારે મહારાજ કહે, “તેના ભંડારી પાસે લઈ જાઓ.” પછી ભંડારી પાસે જઈને કહ્યું જે, “તમને સ્વામિનારાયણ મોતીયા જલેબી જમાડે છે.” ત્યારે ભંડારી બોલ્યો જે, “બહુ સારુ, લાવો.” ત્યારે મહંત કહે, “આંહી નહીં, એનું ખવાય નહીં. તે તો નુગરા હે. મોચી હે.” એમ તેઓ બોલાચાલી કરવા માંડ્યા. પછી મહારાજને હરિજનોએ તે વાત કરી અને બોલ્યા જે, “તેમાં બે તડાં પડ્યાં છે એટલે ભંડારી કહે કે, લાવો. ને મહંત કહે નહીં.” તેથી મહારાજ કહે, “જાઓ, આ બધું ભંડારી પાસે જઈને મેલજો.” તે પ્રમાણે ભંડારી પાસે ટોપલા મૂક્યા. તે તેના ચેલા લઈને ચાલ્યા. તે વખતે મહંત ઉભો થયો અને ટોપલાની મના કરવા મંડ્યો. તે વખતે તે એક બીજાને ખૂબ બોલાચાલી થઈ અને ત્યાં લાકડાના ફાચરા બાળવા માટે પડ્યા હતા. તે એક બીજા લઈને સામ સામા ઉપરા ઉપર મારવા મંડ્યા. તે લોહી લોહાણ થઈ ગયા. તે જોઈ હરિજન બોલ્યા જે, “વોય વોય આ તો ત્યાગી નહીં પણ આ તો ખુંટીયા છે.” અને ભંડારીની કોર ઝાઝા થયા. તેથી મહંતની કોર થોડા રહ્યા. પછી ટોપલા લઈ મહારાજ પાસે આવ્યા. પછી મહારાજ કહે, “ચાલો, મહાજનના ઢોરને ખવરાવીયે.” પછી જ્યાં ધર્મશાળામાં ગયા, ત્યાં તો ઢોર પણ વગડામાં ચરવા ગયા હતાં. પછી મહારાજ ચાલ્યા તે મલ્લશાળા પાસે નીકળ્યા તેમાં મલ્લકુસ્તી કરતા હતા. તેના થપાટાની ગર્જના થાતી હતી. તે સાંભળીને મહારાજ બોલ્યા જે, “આ શું થાય છે?” ત્યારે હરિજન કહે, “મહારાજ! આ મલ્લ રમે છે અને ત્યાં મલ્લનો અખાડો છે.” ત્યારે મહારાજ કહે, “ચાલો આપણે જોવા જઈએ.” પછી મહારાજ મલ્લના અખાડામાં પધાર્યા અને ગંગારામ મલ્લ બેઠા હતા. તેને કહ્યું જે, “તમે કેમ રમતા નથી?” ગંગારામ કહે, “સો સો ગાઉમાં મારો બરોબરીઓ કોઈ નથી.” એમ કહ્યું એટલે મહારાજે કહ્યું, “ઝાલો મારો હાથ.” ત્યારે ગંગારામ મલ્લ કહે, “મહારાજ! રહેવા દ્યો. સો નાળીયેર તો હું મુઠીયે ભાંગી નાંખું છું અને આ તમારા મુઠી જેટલાં હાડકાં છે તે ગોત્યાં નહીં જડે!” પછી ગંગારામ મલ્લે મહારાજનો હાથ પકડ્યો અને મહારાજે આંચકો મારીને હાથ ખેંચી લીધો. તે જોઈને ગંગારામ મલ્લને ઘણીજ ગ્લાનિ થઈ. પછી મહારાજ કહે, “લાવો, તમારો હાથ.” પછી મહારાજે ગંગારામ મલ્લનો હાથ ઝાલ્યો. તે મલ્લની આંગળીયે લોહીના ટશીયા આવ્યા એટલો ભીસ્યો અને શ્રીકૃષ્ણરૂપે દર્શન દીધાં. પછી ગંગારામ મલ્લ શ્રીજીમહારાજના પગમાં પડ્યા અને મહારાજને કહ્યું જે, “તમે તો સાક્ષાત્ ભગવાન છો અને અમે સૌ રામાનંદ સ્વામીના આશ્રિત છીએ પણ આજથી તમારા આશ્રિત જાણજો.” પછી જલેબી મોતીયાના ટોપલા હતા, તે મલ્લને જમાડ્યા ને પછી મંદિરમાં પધાર્યા. ॥૪૨૫॥

કચ્છમાં રીંગણીયું કરીને ગામ છે ત્યાં શ્રીજીમહારાજ પધાર્યા હતા અને રામજી કરીને સુતાર હરિભક્ત હતો તેને મહારાજે કહ્યું જે, “અમે ભગવાન નથી.” સુતાર કહે, “ના, તમે ભગવાન છો.” પણ મહારાજે ના પાડી અને પછી મહારાજે તેને આજ્ઞા કરી જે, “આ માણકી ઘોડીને પાઈ આવ્યા.” પછી તે તળાવમાં ઘોડી પાવા માટે ગયો એટલે ઘોડી અને રામજી; એ બન્ને જણાં તળાવમાં ઊંડા પાણીમાં ઉતરી ગયાં. તે વખતે મહારાજે દિવ્યસ્વરૂપે આવીને બન્નેને બહાર કાઢ્યાં. પછી રામજી ઘોડી લઈને મહારાજ પાસે આવ્યો અને ઘોડીની સરક મહારાજ સામી ઉગામીને ઉભો રહ્યો અને કહ્યું જે, “કહો ભગવાન, નહીં તો મારું છું.” એમ ખરેખરા રૂપમાં આવીને સરકનું બેવડું મારવા તૈયાર થયો. ત્યારે મહારાજ બોલ્યા જે, “અમે ભગવાન. ભગવાન. ભગવાન.” ત્યારે રામજી બોલ્યા જે, “હેં માર તો ચૌદમું રતન છે ને? ભગવાન કહેવરાવ્યા કે નહીં?” એમ કેટલાક તો એવાય ભક્ત હતા જે પારણે ભગવાન કહેવરાવ્યા. ॥૪૨૬॥

મહારાજ અલૈયા ગામમાં વિરાજમાન હતા અને નારણજી સુતારને ઘેર લીંબડા નીચે સભા કરીને વિરાજમાન હતા અને એક થંભ ઉભો કરીને મોદીયું બાંધ્યું હતું. તે વખતે નિષ્કુળાનંદ સ્વામીનો સાળો લાલજી સુતારને તેડવા આવ્યો હતો. તેણે આવીને મહારાજને કહ્યું જે, “મારા બનેવીને કેમ સાધુ કર્યો?” ત્યારે મહારાજ કહે, “મેં ક્યાં સાધુ કર્યો છે? તારી બહેન કુહાડે કુટાવતી હતી, તેમાં સાધુ થયો.” તે તે વખતે લાકડાનો થંભ ઝાલીને ઉભો હતો એટલે મહારાજે તેના સામી દૃષ્ટિ કરી. પછી તે થરથર કંપવા લાગ્યો. તે વખતે લીંબડાને થડ મકોડાની હાર થંભી રહી હતી. તે જોઈને મહારાજ બોલ્યા જે, “આ મંકોડા પણ અમારી વાતો સાંભળવાને થંભી ગયા છે પણ આ મૂરખ મનુષ્યને ખબર નથી.” એમ એ સુતારને મહારાજે કહ્યું એટલે તે મહારાજના પગમાં પડ્યો ને વર્તમાન ધારીને સત્સંગી થયો. ॥૪૨૭॥

એક વખત શ્રીજીમહારાજ વરતાલ પધારતા હતા અને રાત્રીયે અંધારું થઈ ગયું અને ધોલેરા પાસે કાદીપુર કરીને ગામ છે ત્યાં ગલતાનની ગાદીના બાવા રહેતા હતા. પછી મહારાજે કાઠીયોને કહ્યું જે, “તમે કોઈ બોલો નહીં તો શીરોપુરી જમાડું.” કાઠી કહે, “જાઓ,મહારાજ! નહીં બોલીએ.” વળી મહારાજ કહે કે, “કોઈ સ્વામિનારાયણનું નામ લેશો નહીં.” પછી મહારાજ તે બાવાની જગ્યાએ દરવાજે જઈને બોલ્યા જે, “મહંતજી! કમાડ ખોલો.” તે વખતે એક બાવે આવીને કમાડ ખોલ્યું અને પૂછ્યું જે, “કોણ હે?” ત્યારે મહારાજ કહે, “ગલતાનકી ગાદીકા મહંત હે!” તે સાંભળીને સૌ બાવા દોડ્યા આવ્યા અને દરવાજો ઉઘાડીને મહારાજને જગ્યામાં તેડી ગયા અને ઘોડાં બંધાવ્યાં અને સંતે મહારાજને ઢોલીયો ઢાળી દીધો અને સર્વે સખાને પણ ઢોલીયા ઢાળી દીધા. પછી ચાર પાંચ બાવા શીરો પુરી વગેરે રસોઈ કરવા મંડ્યા અને એક મહંત હતો તે હાથ જોડીને મહારાજ પાસે બેઠો. પછી મહારાજ અંતર્યામીપણે કહેવા લાગ્યા જે, “અમોએ સાધુ કર્યાનું લખ્યું હતું તે તમોએ સાધુ કર્યા કે નહીં?” મહંત કહે, “હા, મહારાજ! આ કરશનદાસજી અને વસનદાસજી એ બે સાધુ કર્યા.” તે સાંભળી એ બે સાધુ મહારાજના પગમાં આવીને પડ્યા. વળી મહારાજ કહે, “તમે એક હજાર રૂપિયાની હુંડી બીડી હતી ને વડોદરામાં અમને પહોંચી હતી.” મહંત કહે, “ઠીક, મહારાજ!” પછી રસોઈ તૈયાર થઈ એટલે સૌને સારી રીતે જમાડ્યા અને પછી સૌ સુઈ ગયા. પછી તે સૌ બાવાએ ચાકરી પણ સારી રીતે કરી. પછી મહારાજ સૌને મર્મમાં સમજાવતા જાય જે, “ખબડદાર...” પછી સવારે ચાલવાને માટે તૈયાર થયા. ત્યારે મહંત બહુ આગ્રહ કરવા લાગ્યો એટલે મહારાજ બોલ્યા જે, “રહેવાય એમ નથી. અમારે દ્વારકા પરસવા જવું છે.” પછી પ્રથમ મહારાજ માણકી ઘોડી ઉપર સવાર થયા અને પછી કાઠી સૌ સ્વાર થવા મંડ્યા. તે વખતે સુરોખાચર બોલ્યા જે, “જય સ્વામિનારાયણ.” ત્યારે બાવા બોલ્યા જે, “વોય માળા આ તો સ્વામિનારાયણીયા છે પણ આપણા મહંત નહીં.” પછી હાથમાં ધોકા લઈને બાવા સૌ કાઠી વાંસે થયા. પછી મહારાજે કહ્યું જે, “સુરાખાચર! હવે પાછા વળો.” અને ચોમાસું હતું એટલે ઘોડાં સૌનાં ગારામાં ખુંતવા મંડ્યા. પછી સુરાખાચરે ઘોડી પાછી વાળીને સરક ઝાલીને ફરી વળ્યા એટલે બાવા સૌ પાછા વળ્યા. એમ બાવાને રાજી કર્યા ને ચાલ્યા ગયા. ॥૪૨૮॥

એક વખત મહારાજ રસ્તે ચાલ્યા જતા હતા અને વગડામાં એક બાવો કોપીનભર મુનિવ્રત ધારણ કરીને બેઠો હતો તે વખતે કાઠીએ મહારાજને કહ્યું જે, “મહારાજ! તમે કહો તો આ મુનિને બોલાવીએ.” ત્યારે મહારાજ કહે, “બેસી રહેવા દ્યોને. શા માટે હેરાન કરો છો?” સુરોખાચર કહે, “ના, મહારાજ! ઘડીક તમે આઘા ઉભા રહો.” પછી સુરોખાચર ને માતરો ધાધલ બાવા પાસે ગયા અને સુરાખાચરે કહ્યું જે, “માતરા! મારે ભીમનાથની પાંચ રૂપિયાની માનતા છે ને આ સાક્ષાત્ ભીમનાથ આદો છે પણ બાવા પાસે લુગડો નથી. નહીં તો લુગડે બાંધીને ચાલ્યા જઈએ પણ જો બાવો મોઢો ફાડે તો મોઢામાં મેલીયે.” એમ કહીને બાવાની પ્રદક્ષિણા ફરવા મંડ્યા અને હાથમાં રૂપિયા ખખડાવતા જાય. પછી બાવે વિચાર કર્યો જે, “લાવ્યને મોઢું ફાડું.” પછી બાવે મોઢું ફાડ્યું અને પાછળથી સુરાખાચરે ધુળની મુઠી ભરી લીધી હતી. તે બાવે મોઢું ફાડ્યું હતું એટલે તેના મોઢામાં નાંખી. પછી કાઠી સૌ બોલ્યા જે, “મુનિ બોલ્યો. મુનિ બોલ્યો.” એમ તેની મશ્કરી કરીને ચાલ્યા ગયા. એમ કેટલાકનાં કપટ ઉઘાડાં કરતા. ॥૪૨૯॥

એક વખત મહારાજ સુરત પધારતા હતા. ત્યાં એક બાવો રસ્તે મળ્યો અને મહારાજને આડો ફરીને ઉભો રહ્યો અને મહારાજને કહ્યું જે, “ક્યું મત ચલાયે.” મહારાજ કહે, “બાવાજી! અમે મત નથી ચલાવ્યો. ઓલ્યો પાછળ જાડો ચાલ્યો આવે તેણે મત ચલાવ્યો છે માટે ત્યાં જાઓ.” પછી મહારાજે સુરાખાચરને કહ્યું જે, “સુરાખાચર, આ બાવાને જવાબ દેતા આવજો.” પછી સુરોખાચર કહે, “બહુ સારુ, મહારાજ!” પછી સુરાખાચરે બાવાને કહ્યું જે, “આવો, બાવાજી! એમણે ક્યાં મત ચલાવ્યો છે? મત તો મેં ચલાવ્યો છે.” એમ કહીને સુરોખાચર ઘોડેથી હેઠા ઉતર્યા અને હાથમાં ઘોડાની સરકનું બેવડું ઝાલ્યું અને બાવાની દાઢી ઝાલીને બરડામાં બેવડું માર્યું એટલે બાવો પડી ગયો અને કહ્યું જે, “ગધીના! આમ મત ચલાવ્યો.” પછી બાવો ઉભો થઈને એસી તેસી કરવા લાગ્યો એટલે સુરાખાચરે ફરી દાઢી ઝાલીને પછાડ્યો. તે બાવાના પગનો સાંધો ખડી ગયો. પછી બાવો બોલ્યો જે, “તેરી ગૌવાં હે.” સુરોખાચર કહે, “આમ પહેલુ બોલવું હતું.” પછી સ્વાર થઈને મહારાજ ભેળા થઈ ગયા ને બાવો રસ્તામાં પડ્યો હતો. ॥૪૩૦॥

અને ત્યાંથી મહારાજને બુવે પધારવું હતું. પછી મહારાજે કાઠીઓને ખાવા માટે મમરાની ઝોળીયું ભરાવી હતી. પછી એક ગામને પાદર ગયા તે વખતે નાંગમાલો બોલ્યો જે, “એ... ખામી આ મમરાનો મારગ કીસે જાસે? મમરાનો મારગ?” ત્યારે સુરોખાચર કહે, “મમરાનો મારગ તો તારો મોઢો છે પણ બુવાનો મારગ પૂછ બુવાનો. પછી બુવાનો મારગ પૂછીને બુવે પધાર્યા અને ત્યાં કાનદાસને ઘરે ઉતરીને રાત રહ્યા અને ત્યાં થાળ જમીને સુરત પધાર્યા. ॥૪૩૧॥

પછી ત્યાંથી મહારાજ જ્યારે સુરત પધાર્યા ત્યારે નવાબે પોતાની કચેરીમાં મહારાજની પધરામણી કરી અને એક મોટું સિંહાસન હતું તે ઉપર મહારાજને પધરાવ્યા અને સખાને માટે ચડા ઉતરીની ખુરશીઓ ગોઠવી હતી. પછી કાઠીયો સૌ ખુરશીયો ઉપર બેસવા મંડ્યા. તે વખતે ખુરશીયો કહકહવા મંડી. ત્યારે છડીદાર બોલ્યો જે, “અદબસે બેઠનાં અદબસે બેઠનાં.” એમ બોલવા લાગ્યો. ત્યારે કાઠી સૌ બોલ્યા જે, “મહારાજ! આ કાણું ભણતોસે જે, ગદબસેં બેઠનાં ગદબસેં બેઠનાં.” પછી મહારાજે ઈશારો કર્યો એટલે સૌ બેસી ગયા ને પછી અત્તરદાની લઈને અત્તર ફેરવ્યું. એટલે કોઈએ હાથમાં લીધું અને કોઈએ લુગડામાં લીધું અને કેટલાકે મોઢે ભુસ્યું અને ઝીણાભાઈ હતા તેણે એક રુમાલ ધર્યો અને તેમાં લીધું અને પોતે કચેરીની રીતે ખુરશી ઉપર બેઠા. તે જોઈ નવાબ બોલ્યો જે, “મહારાજ! કચેરીકે બેઠનેવાલે તો એહી એક હે.” “કોણ?” “ઝીણાભાઈ.” ત્યારે મહારાજ કહે, “આ સૌ ગામેતી છે પણ જંગલી લોક છે. તેને કચેરીમાં બેસવાનો અભ્યાસ નો હોય.” ॥૪૩૨॥