સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

શ્રીજીમહારાજે જેની જેની રક્ષા કરી તે વાતો

ગાંફ ગામના હરિજન હતા. તે વરતાલ સમૈયો કરવા જવા માટે તૈયાર થયા ત્યારે બીજા હરિજનોએ કહ્યું જે, “ઘઉંની મોસમ છે માટે અમે નહીં આવીએ અને મહારાજને અમારા નારાયણ કહેજો.” પછી બે જણા શુરવીર હતા. તેણે કહ્યું, “અમારું તો મહારાજ સાચવશે.” એમ કહીને તે બન્ને જણા વરતાલ સમૈયે ગયા અને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. ત્યારે મહારાજ કહે, “બીજા કેમ આવ્યા નહીં?” ત્યારે તે હરિજનોએ કહ્યું જે, “મહારાજ! તે સૌ પોતાની વાડીમાં ઘઉં સાચવવા રહ્યા છે.” ત્યારે મહારાજ કહે કે, “અમારે તમારા બેની જ ફીકર, બીજાની અમારે ફીકર નહીં.” પછી સૌએ ઘઉં સીમમાંથી કાપીને ખળા વાડમાં નાંખ્યા. ત્યાં કોઈકે હોકા ભરવા સારુ દેવતા કર્યો હતો તે પવન બહુ થયો એટલે દેવતા ઊડ્યો તેથી આખી ખળાવાડ બળી ગઈ અને સૌ નિરાશ થઈને ઘરે જઈને બેઠા અને જે વડતાલ ગયા હતા તે સમૈયો કરીને ઘેર આવ્યા પછી તેણે વાત સાંભળી જે આવી રીતે બધી ખળાવાડ સળગી ગઈ. પછી બીજા હરિજન તેમને મળવા આવ્યા. તેમને મહારાજે કહેલા નારાયણ કહ્યા પછી સૌએ કહ્યું જે, “મહારાજ કાંઈ બોલ્યા હતા?” ત્યારે તેમણે કહ્યું, “હા, મહારાજે કહ્યું હતું જે, અમારે તો તમારી જ ફીકર પણ ઘરે જે સાચવવા રહ્યા છે તેની ફીકર અમારે નહીં.” પછી તે ખેતરમાંથી બન્ને જણાય ઘઉં કાપી લાવીને ખળાવાડમાં નાંખ્યા અને ઘઉંને ચોખા કરીને ઘરે લઈ ગયા. એમ ભગવાનના થાય તો ભગવાન રક્ષા કરે. ॥૪૩૩॥

અને ખોખરી ગામમાં કરશન બામણીયો કરીને કણબી હરિભગત હતો અને રાત્રીએ તેના ખેતરમાં ત્રીશ ચોર આવીને કપાસ વીણવા લાગ્યા. પછી શ્રીજીમહારાજે એકરૂપે આવીને ચોરને બહાર કાઢ્યા અને ચોરે દરેક જણે મણ મણ કપાસ વીણ્યો હતો. પછી તે ત્રીશે જણને મહારાજે તગડીને કાઢી મૂક્યા અને મહારાજ ઘોડે ચડીને ખેતર ફરતા ફરવા મંડ્યા અને બીજે રૂપે કરશન ભગતને જગાડ્યા અને કહ્યું જે, “શું સુતો છે? તારા ખેતરમાં ત્રીશ ચોર કપાસ વીણે છે.” એમ કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા અને કરશન ભગત જ્યાં ખેતર જાય ત્યાં તો ત્રીશ ઢગલા કપાસના જોયા અને માણકીએ ચઢીને મહારાજ ખેતર ફરતા આંટા મારતા હતા. તેમને જોઈને દંડવત કરીને પગે લાગ્યો. પછી મહારાજ અદૃશ્ય થઈ ગયા; એમ ભક્તની રક્ષા કરી. ॥૪૩૪॥

અને આખા પીપલાણાના ગામનો બ્રાહ્મણ હરિભક્ત હતો. તે વડતાલે મહારાજના દર્શન કરવા જવાને માટે તૈયાર થયો ત્યારે તેની મા બોલી જે, “ખેતરમાં બાજરો સારો પાક્યો છે અને પડખે ભાવરનું ગામ છે તે લઈ જશે માટે ન જાતો.” ત્યારે બ્રાહ્મણ કહે, “મારે ગયા વિના ચાલે તેમ નથી અને મહારાજને રાખવું હશે તો રાખશે.” પછી તે બ્રાહ્મણ વડતાલ ચાલ્યો ગયો અને પાછળથી ચૌદ ભાવરે રાત્રીએ જઈને તેનો બાજરો લણ્યો અને એક એક જણે બબે મણ ડુંડાં ભેગા કર્યાં અને જ્યાં ગાંસડીયો બાંધવા તૈયાર થયા, તે વખતે દસ બાર સ્વાર લઈને મહારાજ ઘોડીયે ચડીને પધાર્યા અને ચૌદે જણાની ગાંસડીયો મેલાવી. પછી તે ચૌદ જણા સવાર સુધી તેમના ચોફાળ લેવાને ઉભા રહ્યા પણ સવાર સુધી મહારાજે સ્વારો સહિત ખેતર ફરતા આંટા માર્યા અને સવારે તે બ્રાહ્મણની માં વીશ દાડીયાં કરીને ખેતર આવી અને ખેતરને શેઢે આવી. ત્યાં તો ચોરાએ બધું લણેલું દીઠું તેથી તે બાઈ રુદન કરવા લાગી. પછી દાડીયાં બોલ્યાં જે, “શા માટે રુઓ છો? જે થવાનું હતું તે થયું અને ખેતરમાં તપાસ કરીએ જો સલો કરવા જેવું રહ્યું હોય તો સલો કરીએ.” પછી તે બાઈ ખેતરની માંહેની કોરે ગઈ એટલે ત્યાં ડુંડાની ચૌદે ગાંસડીયો બાંધેલી દીઠી અને તેથી તે બાઈ બહુ જ રાજી થઈ અને દાડીયાંને કહ્યું જે, “આવો આવો આ તો કોઈક આવેલું તેથી રહી ગયું છે.” પછી તે ચૌદ ગાંસડીયો લઈને ગાડામાં નાંખીને ઘરે લઈ ગઈ અને થોડાક દિવસ થયા એટલે તેનો છોકરો વડતાલથી ઘરે આવ્યો. તેની આગળ તેની માએ વાત કરી જે, આવી રીતે થયું અને ચૌદ ચોફાળ આપણે ત્યાં રહ્યા. છોકરો કહે, “ચોદ ચોફાળ ધોઈને ચૌદ ગોદડાં કર ઓઢવા થશે.” પછી થોડાક દિવસ થયા ત્યારે મહારાજ ત્યાં પધાર્યા અને ભાવર સૌ ચોરે બેઠા હતા. તે મહારાજને જોઈને બોલ્યા જે, “આમદભાઈ! મામુદભાઈ! આ રાતુવાળા!” પછી મહારાજ ઘોડે બેઠાં બેઠાં બોલ્યા જે, “હા, ભાઈઓ! અમો રાતુવાળા છીએ તમે ઓળખો છો ને!” પછી સૌ આવીને મહારાજના પગમાં પડ્યા અને મહારાજને કહ્યું જે, “મહારાજ! તમે અમારા ચોફાળ પણ લેવા દીધા નહીં.” મહારાજ કહે, “તમારા ચોફાળ તો બ્રાહ્મણને અર્પણ કર્યા તે લેવાય નહીં.” ॥૪૩૫॥

ગામ સાવદામાં શામદાસ કરીને નગરશેઠ હતા અને તે રાત્રીયે દુકાનને સાંકળ વાસ્યા વિના ઉપર તાળું વાસીને ઘરે ચાલ્યા ગયા. દુકાનમાં તિજોરી વિગેરે માલ સંપૂર્ણ ભર્યો હતો અને પોતે ઘરે જઈને સુઈ રહ્યા. પછી મહારાજે પોલીસનો વેશ ધરી રાતમાં હાથમાં રફલ લઈને પહેરો ભર્યો અને સામી કંદોઈની દુકાન હતી તે કોઈકને ત્યાં વિવાહ હશે તેના સારુ મીઠાઈ કરતા હતા. પછી તેઓ મહારાજને જોઈ એમ વિચાર કરે જે, “શેઠની દુકાને કોઈની તિજોરી ઉતરી હશે તેથી પહેરેદાર પહેરો ભર્યા કરે છે.” પછી સવારના ચાર વાગ્યે મહારાજે જઈને શામદાસને જગાડ્યા અને સાદ કર્યો જે, “શામદાસ! એ શામદાસ! દુકાને સાંકળ વાસ્યા વગર તાળું દીધું છે તે અમારે આખી રાત પહેરો ભરવો પડ્યો છે.” તે શામદાસની માએ સાંભળ્યું. પછી તેમણે શામદાસને જગાડ્યા અને કહ્યું જે, “શામદાસ! એ શામદાસ! ઉઠ્ય ને મહારાજ જેવું કોઈક આવ્યું છે અને કહે છે કે, ‘દુકાને તેં સાંકળ દીધા વિના તાળું દીધું છે તે અમારે આખી રાત પહેરો ભરવો પડ્યો છે.’” પછી શામદાસ ઉઠીને દુકાને ગયા ત્યારે કંદોઈ બોલ્યા જે, “શેઠ! આજ કાંઈ તિજોરી ઉતરી છે કે શું? રાત બધી રફલ બાંધીને પોલીસ પહેરો ભરતો હતો.” ત્યારે શેઠ કહે, “તિજોરી તો કાંઈ ઉતરી નથી પણ હું સાંકળ વાસ્યા વગર તાળું દઈને ચાલ્યો ગયો હતો એટલે સ્વામિનારાયણ ભગવાન રાત બધી જાગ્યા અને અત્યારે મને ઘરે આવીને જગાડી ગયા.” તે સાંભળીને કંદોઈ સત્સંગી થયા જે, “સ્વામિનારાયણ તો ભગવાન ખરા.” ॥૪૩૬॥

ગામ ઉમરેઠના નંદુ ઠાકર ગોધરે ગયા હતા. ત્યાંથી તેઓ સાંજ વખતે ચાલ્યા તે ચાલતાં ચાલતાં રાત્રી પડી ગઈ. તે રાત અંધારી હતી તેથી રસ્તો પણ ભૂલી ગયા. પછી પોતાની ઘોડીને એક વૃક્ષને થડે બાંધીને પોતે ત્યાં બેઠા અને પછી મહારાજની સ્મૃતિ કરી. પછી પોતાને સાંભરી આવ્યું જે, “મહારાજે સભામાં વાત કરી હતી જે, આપત્કાળ પડે ત્યારે મહારાજને સંભારવા તો ભગવાન રક્ષા કરે.” એમ વિચાર કરતા હતા. એટલામાં એક શ્વાન ભસ્યું તેનો શબ્દ સાંભળીને અને છેટેથી એક દીવો દીઠો. જેથી પોતાને વિચાર થયો જે, “દીવો બળે છે ત્યાં મનુષ્ય હોવું જોઈએ.” પછી તેને આધારે આધારે ત્યાં ગયા અને પૂછ્યું જે, “ભાઈ! તમે કોણ છો?” ત્યારે તેમણે કહ્યું જે, “અમે સરકારી માણસ છીએ.” ત્યારે નંદુભાઈ કહે, “અમને અહીંયાં રાત રહેવા દેશો?” ત્યારે તેમણે કહ્યું જે, “સુખેથી રહોને. અમે માણસની રક્ષા કરવા સારૂ જ અહીંયાં રહ્યા છીએ.” તેથી ઘોડી બંધાવીને ખડ નીર્યું અને કહ્યું જે, “તમારે કાંઈ જમવું છે?” ત્યારે કહે, “ના, મારે જમવું નથી.” પછી તેમને ખાટલો ઢાળી દઈને સુવાર્યા અને મહારાજે તેમની પગ ચંપી પણ કરી. પછી સવારનો વખત થયો ત્યારે તેમને જગાડ્યા અને રસ્તો બતાવ્યો. ત્યાં જતાં રસ્તામાં માણસ સામાં મળ્યાં તેમને પૂછ્યું જે, “આંહીંયાં ચોકીદાર કોઈ રહે છે?” ત્યારે માણસો કહે કે, “અહીંયાં તેવી ચોકી કરવાનું થાણું નથી.” તે સાંભળી નંદુભાઈ પાછા વળી તે ઠેકાણે ગયા અને જઈને જોયું ત્યારે ઘોડીની લાદ પડેલી દીઠી અને ખડ નીરેલું દીઠું પણ બીજું કાંઈ દીઠું નહીં. તેથી નંદુભાઈએ જાણ્યું જે, “નક્કી આ તો શ્રીજીમહારાજ આવેલા.” પછી પોતે ત્યાંથી બારોબાર વડતાલ આવ્યા અને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. પછી નંદુભાઈ કહે, “મહારાજ! મારી દેશકાળમાં રક્ષા કરી તે તો ઠીક પણ તમે જે મારા પગ દાબ્યા એ અપરાધ હું ક્યાં છુટીશ?” ત્યારે મહારાજ કહે, “નંદુભાઈ! ક્યારેક સેવક પગ દાબે અને ક્યારેક ગુરુએ પગ દાબે, તે અપરાધ ન કહેવાય.” ॥૪૩૭॥

ગામ રામપરા લાઠી પાસેના ગામમાં બેહચર પટેલ કણબી હરિભક્ત હતા અને તે ખેતીનું કામ કરતા અને દશેંદ વીશોંદ ચોખો ધર્માદો આપતા. તેમને એકસો વિઘાંનું ખેતર હતું. તેમાં જુવાર વાવી હતી. તે બહુ સારી પાકી હતી. પછી શ્રીજીમહારાજ સ્વાર સહિત તે ખેતર ફરતા આંટા મારી રક્ષા કરતા હતા. તેને શેઢે એક મુસલમાનનું ખેતર હતું. તે મહારાજને હંમેશાં મુસલમાન જોયા કરતો જે, ખેતર ફરતાં આ કોણ સ્વાર આંટા માર્યા કરે છે? પછી બેહચર પટેલ સવારે ખેતર ગયા. તેની આગળ મુસલમાન બોલ્યો જે, “બેહચર પટેલ! બે સ્વાર શ્વેત વસ્ત્ર પહેરીને નિત્ય અહીંયાં તમારા ખેતર ફરતા શા માટે આંટા માર્યા કરે છે?” અને મહારાજે બહેચર પટેલને રાતે જઈને કહ્યું હતું જે, “બહેચર! તું શા માટે ખેતર જાય છે? તેં મારો ભાગ કર્યો છે તે સારૂ અમે રખવાળું કરીએ છીએ.” પછી બેહચર પટેલે મુસલમાનને કહ્યું જે, “એ તો અમારા સ્વામિનારાયણ ભગવાન તથા ગોપીનાથજી મહારાજ; એ બે જણ નિત્ય આવે છે ને મને હમણાં કહી ગયા જે, અમો ખેતર ફરતી ચોકી કરીએ છીએ.” ॥૪૩૮॥

ગામ હામાપરમાં લાલદાસ કરીને વાણીયા હતા અને તેણે ઘઉંના ધર્માદાના બે કોથળા ભર્યા હતા અને તેની સાથે બીજા કોથળા પણ ભરેલા પડ્યા હતા. પછી એક દિવસ રાત્રે ચોર આવ્યા અને જ્યાં ધર્માદાના ઘઉંનો કોથળો લેવા જાય ત્યાં માંહેથી “માં” એવો શબ્દ થાય. તેથી ચોર છેટા ઉભા રહે એમ બે ચાર વખત લેવા જતી વખતે શબ્દ થયો તો પણ તે ધર્માદાના ઘઉંનો કોથળો લઈ ગયા તે વખતે તેની સ્ત્રીને મહારાજે જઈને દર્શન દીધાં અને કહ્યું જે, “અમારા ઘઉં તારો ધણી લાવ્યા છે તે પાછા મોકલજે.” બાઈ કહે, “તમો કોણ છો?” ત્યારે મહારાજ કહે, “હું સ્વામિનારાયણ છું.” એમ કહી મહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી ચોર ઘરે આવ્યા ત્યારે તેની સ્ત્રી કહેવા લાગી જે, “આ તો સ્વામિનારાયણના ઘઉં છે. તે શા માટે લાવ્યા? કોથળો પાછો મેલી આવો તે વિના હું રોટલા નહીં ઘડું અને ખાઈશ પણ નહીં.” પછી ચોર તે ઘઉંનો કોથળો લઈ પાછો મેલી આવ્યો ને લાલદાસ શેઠને કહ્યું જે, “શેઠ! તમારા ઘઉંનો કોથળો અમે લઈ ગયા હતા અને તમારા સ્વામિનારાયણે આવીને અમારી ઘરવાળીને દર્શન દીધાં. માટે અમે તમારી પાસે માફી માંગીયે છીએ.” એમ કહી ઘરે ગયા અને શેઠ તે ધર્માદાના કોથળા લઈને ગઢપુર નાંખી ગયા. ॥૪૩૯॥

શ્રીજીમહારાજ એક વખત ગામ કરમડ પધાર્યા હતા અને ત્યાં અન્નકૂટનો સમૈયો કર્યો અને સંતની પંક્તિ જમવા માટે થઈ હતી. તે પંક્તિમાં મોતીયા લાડુ લઈને મહારાજ ફરતા હતા. તે વખતે એક કૂતરું તે પંક્તિ વચ્ચે સોસરું પડ્યું. તેને સૌ હડ્ય હડ્ય કરવા મંડ્યા પણ કૂતરું પાછું વળ્યું નહીં અને શ્રીજીમહારાજ સામેથી પીરસીને ચાલ્યા આવતા હતા અને હાથમાં લાડવા હતા. તેનો કુતરાની સામે ઘા કર્યો તે લાગવાથી કુતરું રાડ્ય નાંખીને ભાગી ગયું. પછી મહારાજે કહ્યું જે, “એને બે લાડવા ખવરાવો.” પછી પાર્ષદે જઈને બે લાડવા તે કુતરાને ખવરાવ્યા ને કુતરાનો ઉદ્ધાર કર્યો. ॥૪૪૦॥

મહારાજે અગરસિંગજીને કહ્યું જે, “દરબાર! અમે મેરાયાં સીંચતાં જોયાં નથી.” ત્યારે અગરસિંહજી કહે, “મહારાજ! અમારે ઓઝલ કહેવાય. તેથી મેરાયાં શી રીતે સીંચાય?” પણ ફુલીબાને અને તેમને અણબનાવ બહુ હતો તેથી મહારાજને તે બેયને એક કરવાં હતાં. પછી અગરસિંહજીએ મહારાજનો બહુ આગ્રહ જોઈને કહ્યું જે, “આપ કહેશો તેમ કરીશ.” પછી દીવાળીની રાત્રીયે અગરસિંહજી પાસેથી મહારાજે મેરાયું સીંચાવ્યું અને અગરસિંહજી મેરાયાં સીંચીને એકદમ ચાલ્યા ગયા અને ફુલીબા મહારાજના ચરણારવિંદ ઝાલીને બહુ રોયાં. પછી મહારાજ કહે, “રુવો માં તમારું જ માનશે.” પછી અન્નકૂટ કરીને મહારાજ ગઢપુર પધાર્યા અને દરબારમાં જે કાંઈ કામકાજ હોય તે ફુલીબાને પૂછ્યા વિના ન થાય અને અગરસિંહજીને કામ નિમિત્તે પૂછવા આવે તો કહેશે જે, “દરબારમાં પૂછી આવો ને તે કહે તેમ કરો.” એમ મહારાજને રાજી કર્યા તો સુખીયાં થયાં. ॥૪૪૧॥

શ્રીજીમહારાજ એક વખત લીંબડી પધાર્યા હતા અને ત્યાંનો કારભારી હતો. તેણે છોકરાઓ પાસે મહારાજ ઉપર ધુળ ઉડાડાવી ત્યારે મહારાજ કહે, “આંહીં આ હુતાશણી છે કે શું?” પછી કાઠી કહે, “ના, મહારાજ! હુતાશણી નથી પણ કારભારીએ ધુળ ઉડાડાવી છે.” અને શ્રીજીમહારાજનો અપરાધ કર્યો તેણે કરીને તેનો અધિકાર ટળી ગયો અને વેજાં લઈને ગામ વેજળકે વેચવા આવ્યો હતો. પછી ભીમ પંડ્યે કહ્યું જે, “મોદી! આ શું? આ તમે ઘોડાગાડીના બેસનારા અને તમારે માથે વેજાંની ગાંસડી?” ત્યારે તે વાણીયો બોલ્યો જે, “પંડ્યા! એ તો દસકા ભોગવવાના છે.” ત્યારે પંડ્યો કહે, “દસકો બસકો જાણતો નહીં. સ્વામિનારાયણ ઉપર ધૂળ નંખાવી તેનું આ ફળ ભોગવો છો.” પછી તે દરિદ્ર અવસ્થા ભોગવીને મરી ગયો. એમ મોટાના અપરાધ કર્યાનું ફળ છે. ॥૪૪૨॥

ગામ રાણપુરમાં ધનેશ્વર ત્રવાડી હતા. તે શ્રીજીમહારાજને વખતો વખત આગ્રહ કર્યા કરે જે, “મહારાજ! મારે ઘરે એક વખત પધારો.” પછી જે વખતે શ્રીજીમહારાજ માણકી ઘોડી લેવા સારુ મીણાપર પધાર્યા હતા, તે વખતે સંધ્યા આરતી વખતે મહારાજ રાણપુર પધાર્યા અને ધનેશ્વર ત્રવાડીની ખડકીએ જઈને મહારાજ ઉભા રહ્યા અને સાથે કાઠીના સાત આઠ સ્વાર હતા. તે મહારાજને ભાળીને ધનેશ્વર ત્રવાડી ઘરમાં સંતાઈ ગયો. પછી મહારાજે ખડકીયે ઉભા રહીને બે ચાર સાદ કર્યા જે, “ધનેશ્વર ત્રવાડી! એ ધનેશ્વર ત્રવાડી!” ત્યારે તેનાં ઘરનું માણસ બોલ્યુ જે, “જે બોલાવતા હોય તેને કહો એ તો ઘરે નથી; ગામ ગયા છે.” એવું સાંભળીને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા. તે બજારમાં જતાં આલેમીયાં મળ્યા. તેણે મહારાજને કહ્યું જે, “મહારાજ! અત્યારે ક્યાં જાઓ છો? અહીંઆં રોકાઓ.” ત્યારે મહારાજ કહે, “બડે મીયાં હોત તો રોકાત.” ત્યારે આલેમીયાં કહે, “હમ બડેમીયાંકા બેટા હૈના? બડેમીયાં કાંઈ ઘર સાથે લઈ ગયા નથી.” પછી તેણે બહુ આગ્રહ કર્યો પણ મહારાજ રોકાણા નહીં અને ભેંશજાળ જઈને વાળુ કર્યું. એમ વખત આવ્યો ત્યારે ધનેશ્વર ત્રવાડી સંતાઈ ગયા. જીવને લોભ છે તે એવો છે ભગવાનને પણ આપે નહીં. ॥૪૪૩॥

એક વખત મહારાજ માછીયાવ પધાર્યા હતા અને આદરેજ અન્નકૂટનો સમૈયો કરવા જવું હતું. પછી મહારાજ બોલ્યા જે, “ફૂઈબા! આદરેજ કાગળ લઈને જાય એવું કોઈ માણસ છે?” ત્યારે ફઈબા કહે, “હા, અમારા ગોરનો ભાણેજ છે તે જશે.” પછી મહારાજે દલસુખરામ (આનંદ સ્વામી) ને બોલાવ્યા અને કહ્યું જે, “દલસુખ! તું આદરેજ જઈશ?” ત્યારે હાથ જોડીને જવાની હા પાડી. પછી મહારાજ કહે, “લે, આ પાંચ રૂપિયા.” ત્યારે દલસુખરામભાઈ કહે, “મહારાજ! મારે તો તમે રાજી થાઓ તેમ કરવું છે અને હું રસ્તામાં ભિક્ષાવૃત્તિ કરીશ.”

અને આદરેજ જતાં રસ્તામાં બીક લાગતી હતી તેથી માણસનો સંગાથ કરી આપ્યો એટલે આદરેજ જઈને હરિજનોને કાગળ આપ્યો. તે વાંચીને સૌ રાજી થયા અને અનાજ વગેરે અન્નકૂટ કરવા માટેનો સામાન સુધારવા માંડ્યો અને દલસુખરામભાઈ ત્યાં બે દિવસ રહીને પાછા મછીયાવ આવ્યા. તે વખતે મહારાજ લાંગણોજ પધાર્યા હતા. ત્યાં ગામને ચોરે વિરાજમાન હતા. ત્યાં જઈને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. પછી મહારાજ કહે, “દલસુખ આવ્યો?”ત્યારે તેમણે કહ્યું જે, “હા, મહારાજ!” મહારાજ કહે, “બધા હરિજન શું કરે છે?” ત્યારે દલસુખરામ કહે, “મહારાજ! તમારો પત્ર વાંચીને સૌએ માથે ચડાવ્યો અને અન્નકૂટ કરવાની સામગ્રી તૈયાર કરાવે છે.” પછી મહારાજના ઢોલીયા નીચે શ્રીફળ પડ્યાં હતાં. તેમાંથી એક શ્રીફળ દલસુખભાઈને આપ્યું. તે ચોરાના પગથીયામાં ફોડી અરધું જમી ગયા અને અરધું ગાંઠે બાંધ્યું. પછી મહારાજે કોઈક હરિજનને કહ્યું જે, “આને ઉતારો કરાવો.” પછી દલસુખ ઉતારો કરવા ગયા ત્યારે મહારાજ બોલ્યા જે, “સોમલાખાચર! આ શું ઉતારો કરશે?” ત્યારે સોમલોખાચર કહે, “મહારાજ! આડીમાં બાંગલો ખોસશે અને માંહે તુંબડી ભરાવશે.” પછી ઉતારો કરીને મહારાજ પાસે આવીને ઉભા રહ્યા અને રાતે વાળુ કરીને સૌ સુઈ ગયા. ॥૪૪૪॥

અને બીજે દિવસે સવારમાં ગામને પાદર વડ છે તેની વડવાયું વચ્ચે મોટો ચાકળો નાંખીને મહારાજ વિરાજમાન થયા ને ત્યાં દાતણ કરતા હતા અને મુક્તાનંદ સ્વામી પાસે બેઠા હતા અને સંત બધાય નહાઈને પૂજા કરીને મહારાજને પગે લાગીને ઓળા ગામને મારગે ચાલ્યા. તે બબે જણ ભીના વસ્ત્રનો એક-એક છેડો ઝાલીને ચાલતા હતા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, “સ્વામી! આ પૃથ્વી કેવી શોભે છે? જાણે ગુલાબનો બગીચો હોય એવાં સંતનાં વસ્ત્ર શોભે છે.” પછી એકો જોડાવીને શ્રીજીમહારાજ તથા મુક્તાનંદ સ્વામી તેમાં બેઠા અને સ્વાર બધા પાછળ ચાલ્યા અને દલસુખરામ મહારાજના એકાનું ઠાંઠું ઝાલીને ચાલ્યા ત્યારે મહારાજ કહે, “દલસુખ! ઘરે જા. તારો બાપ ચિંતા કરતા હશે.” ત્યારે દલસુખ કહે, “મહારાજ! મારા બાપાને કહીને હું આવ્યો છું.” પછી મહારાજ ઓળે પધાર્યા ને સંતને શીરો કરીને જમાડ્યા. ॥૪૪૫॥

એક વખતે મહારાજે વસંત પંચમીનો સમૈયો મછીયાવે કર્યો. તે વખતે હીમ પડવાથી તળાવનું પાણી પણ ઠરી ગયું અને કોરા ઘડા પાણીનાં ભરાવીને રાત્રે ફળીયામાં મૂકતા હતા. તે પાણીથી સવારમાં સૌને નવરાવતા અને તળાવના પાણીમાં સૌ સંત જઈને સ્નાન કરતા અને વસંતનો સમૈયો કર્યા પછી મહારાજ ફઈબા ઉપર બહુ જ રાજી થયા અને કહ્યું જે, “ફુઈબા! કંઈક વર માગો.” ત્યારે તેમણે મહારાજને કહ્યું જે, “મહારાજ! તમારે ઠંડે પાણીયે નહાવું નહીં. નકોરડી એકાદશી કરવી નહીં. અણવાણે પગે ચાલવું નહીં.” એ વગેરે પાંચ વર માગ્યા. પછી મહારાજે કહ્યું જે, “ફુઈબા! એ વર તમને આપ્યો.” એમ મહારાજને ફુઈબાએ પ્રસન્ન કર્યા હતા અને મહારાજે ફુઈબાને લાલજી પૂજવા આપ્યા હતા અને લાલજીનું નામ દામોદર પાડ્યું હતું અને પછી મહારાજ ત્યાંથી બીજે ગામ પધાર્યા. ॥૪૪૬॥

એક વખત મહારાજને ખબર મળ્યા જે, “ફઈબાના દીકરાની વહુ સાથે ફઈબાને અણબનાવ છે.” તે સાંભળી મહારાજ કહે, “ચાલો, આપણે સંપ કરાવીએ.” એટલે બસો સંત લઈને મહારાજ મછીયાવ પધાર્યા અને સંતોએ શીરાપુરીની રસોઈ આદરી હતી અને મહારાજ ગામ મેલણે પધાર્યા હતા. ત્યાં ફઈબાના દીકરાની વહુ રહેતાં હતાં. તેમને મહારાજે પૂછ્યું જે, “અમે કહીએ તેમ કરશો?” ત્યારે બાઈ કહે, “મહારાજ! તમે અને મારી સાસુ મારે માથે ખડનો પુળો મૂકીને જ્યાં વેચો ત્યાં હું વેચાઉં અને જેમ તમે રાજી થાઓ તેમ કરું.” પછી મહારાજ રાજી થયા ને માછીયાવ પધાર્યા. તે વખતે દલસુખરામભાઈ લાલજીની પૂજા કરતા હતા અને ફુઈબા તથા તેની એક દીકરી પાસે બેઠાં હતાં અને મહારાજ ઘોડીયેથી ઉતરીને દાદરે ચડ્યા. પછી દાદરા વચ્ચે મહારાજ ઉભા રહ્યા. તે વખતે ફુઈબા ને તેમની દીકરી તથા દલસુખરામભાઈ એ ત્રણે જણાં મહારાજને પગે લાગ્યાં. પછી મહારાજ કહે, “ફુઈબા! અમે કહીએ તેમ કરશો?” પછી ફુઈબા બોલ્યાં જે, “મહારાજ! તમે કહો તેમ કરું પણ તમને મેલણાંવાળી બાઈએ ભરમાવ્યા છે તે મારાથી ન થાય ” પછી મહારાજ કહે, “જય સચ્ચિદાનંદ...” એમ કહીને ચાલી નીકળ્યા અને સંતને કહ્યું જે, “ચાલજો, મહાપુરુષો.” પછી સંત રસોઈ પડતી મૂકીને બધા ચાલી નીકળ્યા અને બીજે ગામ જઈને જમ્યા. અને બાઈ રથ જોડાવીને મહારાજને પાછા વાળવા માટે ચાલ્યાં. તે વખતે એક ગરાસીયો આડો ફર્યો જે, “બાઈરાજ! સ્વામિનારાયણ તો ભગવાન છે. તે વેન કરે છે તે હમણાં પાછા આવશે. જાય નહીં.” તે સાંભળી બાઈ પાછાં વળ્યાં. ત્યાર પછી મહારાજ તેમને ઘરે કોઈ વખત પધાર્યા નથી. ॥૪૪૭॥