કારીયાણીની લીલા
શ્રીજીમહારાજ કારીયાણીમાં હાલ જ્યાં બારકોશીયો કુવો છે ત્યાં ઢોલીયો ઢળાવીને વિરાજમાન હતા. પછી મહારાજે માંચાખાચરને કહ્યું જે, “આંહીયાં પાણી બહુ ઉતાવળા થાય છે.” પછી તે ઠેકાણે તેમણે કુવો ગળાવવા માંડ્યો. તે વખતે શ્રીજીમહારાજે ભાદરેથી કાગળ લખ્યો હતો જે, “ભગવાં વસ્ત્ર પહેરીને સૌ ચાલી નીકળજો.” તે કાગળ લઈને વીરદાસ પટેલ માંચાભગત પાસે ગયા. ત્યારે માંચે ભગતે કહ્યું જે, “વીરદાસ! કેમ આવ્યો?” ત્યારે વીરદાસ બોલ્યા જે, “બાપુ! મહારાજનો કાગળ આવ્યો છે.” ત્યારે માંચોભગત કહે, “વાંચ્ય જોઈએ.” પછી કાગળમાં લખેલ જે, પાદર હો તો ગામમાં જશો માં અને ગામમાં હો તો ઘેર જશો માં અને ઘરે હો તો ઘરમાં પેસશોમાં અને આ કાગળ વાંચીને તુરત ચાલી નીકળજો. પછી કાગળ સાંભળીને માંચોભગત બોલ્યો જે, “વીરદાસ! ગેરુ લાવ્યો છે ગેરુ?” ત્યારે કહે, “ના.” પછી ગામમાંથી કુંભારને ત્યાંથી ગેરુ મંગાવીને લુગડાં ભગવાં કરીને પહેરીને ત્યાંથી ચાલી નીકળ્યા પણ ઘરે ગયા નહીં. ॥૪૪૮॥
શ્રીજીમહારાજ કારીયાણીમાં વસ્તાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને ગામ ઉનાના ગણેશ શેઠ મહારાજને દર્શને આવ્યા હતા અને મહારાજ પાસે પાંચસો રાળ મૂકીને પગે લાગ્યા. તે વખતે તેમને માથેથી પાઘડી નીચે પડી ગઈ અને માથા ઉપર ચોટલી ન દીઠી. તે જોઈ મહારાજ બોલ્યા જે, “શેઠ! કેમ માથે ચોટલી નથી?” ત્યારે શેઠ કહે, “મહારાજ! અમને ગોત્રેજ નડે છે. તે આખા કુળમાં કોઈને ચોટલી રખાતી નથી.” ત્યારે મહારાજ કહે, “અમે ગોત્રેજને કહેશું જે તમને નહીં નડે અને ચોટલી રખાવજો.” તે વખતે તેમની સાથે ભીખો કરીને એક કોળી હતો તે વિચાર કરવા લાગ્યો જે, “પાંચસો રાળ આગળ મારો અરધો રુપયો શા લેખમાં?” પછી મહારાજ બોલ્યા જે, “ભીખા! શું વિચાર કરે છે? એના પાંચસો રાળ છે તે તારા અરધા આગળ કાંઈ લેખમાં નથી. માટે તારે અરધો રૂપિયો મેલવો છે તે લાવ્ય મારી પાસે.” પછી તેનો અરધો રૂપિયો મહારાજે તેની પાસેથી હાથો હાથ લીધો. કેમ કે તેને તે ખરી મહેનતનો હતો. ॥૪૪૯॥
દીવબંદરના હરિજન પોશાક લઈને આવ્યા હતા. તેમની ભેળાં પ્રેમબાઈ કરીને એક સાંખ્યયોગી બાઈ હતા. તે ફાઉંની ભરીને એક કોથળી લાવ્યાં હતાં અને એક કોથળી ચણાની ભરીને લાવ્યાં હતાં અને તે બાળ રંડા હતાં. તેથી સુવાસણીનો વેશ રાખ્યો હતો. પછી પોતાના બન્ને હાથ ઢાંકીને મહારાજ આગળ તે કોથળીયો મેલી. ત્યારે મહારાજ કહે, “પ્રેમબાઈ! આ શું?” ત્યારે પ્રેમબાઈ કહે, “મહારાજ! આ ફાઉં ને આ ચણા.” એમ બે ચાર વાર મહારાજે પૂછ્યું એટલે પ્રેમબાઈ ઉતાવળાં થઈ ગયાં અને લાંબો હાથ કરીને કહ્યું જે, “આ ફાઉં ને આ ચણા.” તે વખતે પોતાના હાથમાં પહેરેલાં કંકણ ખખડ્યાં. તે સાંભળીને મહારાજ બોલ્યા જે, “રાંડી રાંડને ક્યારેય આવો ખખડાટ સાંભળ્યો નહોતો.” પછી તે બાઈએ ઉતારે જઈને બધો પોશાક ઉતાર્યો અને વાળંદ પાસે હજામત કરાવીને ધોળાં વસ્ત્ર પહેરીને પછી મહારાજ પાસે પગે લાગવા આવ્યાં. તે જોઈ મહારાજ રાજી થયા. ॥૪૫૦॥
શ્રીજીમહારાજ કારીયાણીમાં વિરાજમાન હતા અને દીદીમા વગેરે સૌ ધર્મકુળ દેશમાંથી આવ્યું. તેના સમાચાર સાંભળીને મહારાજ ગામનાં સીમાડા સુધી સામા ગયા હતા અને વાજતે ગાજતે ગામમાં લાવ્યા અને વસ્તાખાચરના દરબારમાં ઉતારો આપ્યો. પછી સવારે દીદીમાએ થાળ કર્યો અને અક્ષર ઓરડીની આથમણી ઓરડીમાં મહારાજને જમવા બેસાર્યા. પછી થાળી પીરસીને દીદીમા બોલ્યાં જે, “મહારાજ! તમે નાના હતા અને હું તમને કોળીયા આપીને જમાડતી તે આજ આપણે સૌ સાથે બેસીને જમીએ અને હું તમને જમાડું.” પછી મહારાજ કહે, “દીદી! અમે તો કોઈના ભેળા જમતા નથી. બ્રહ્મચારીના હાથનું જમીએ છીએ અને તમારા ભેળા જમશું નહીં.” પછી મહારાજને થાળ પીરસીને દીદીમાએ હાથે કરીને જમાડ્યા. ॥૪૫૧॥
અને કારીયાણીમાં હાલ જ્યાં મંદીર છે ત્યાં મહારાજ સભા કરીને બેઠા હતા અને ગોવિંદ કરીને એક કણબી પગે લાગવા આવ્યો. તે દર્શન કરીને સભામાં બેઠો. ત્યારે મહારાજે કહ્યું જે, “પટેલ! તમારું નામ શું?” ત્યારે પટેલ બોલ્યા જે, “મારું નામ ગોવિંદ.” એમ બે-ચાર વાર મહારાજે પૂછ્યું જે, “પટેલ! તમારું નામ શું?” ત્યારે તે પટેલ અકળાઈને બોલ્યા જે, “આને નામની ખબર નથી અને ભગવાન કરીને બેસાર્યો છે.” પછી મહારાજે તેના મનના સંકલ્પ કહેવા માંડ્યા અને બોલ્યા જે, “અનેક કોટી બ્રહ્માંડના જીવ ઈશ્વર તેમને હથેળીમાં જળનાં ટીપાંની પેઠે દેખું છું.” એમ કહીને તેના બધા સંકલ્પ કહેવા મંડ્યા. એટલે તે સભામાંથી ઉઠીને ચાલતો થયો અને સભામાં બીજા જે જે બેઠા હતા તેનાં સંકલ્પ મહારાજે કહેવા માંડ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું જે, “મહારાજ! રાખો અને આમ કહેશો તો કોઈ ઉભું રહેશે નહીં! માટે દયા રાખો.” પછી મહારાજ બોલતા બંધ થઈ ગયા. ॥૪૫૨॥
અક્ષર ઓરડીની ઓસરીમાં મહારાજ સભા કરીને વિરાજમાન હતા અને મહારાજ બોલ્યા જે, “સૌ સૌની સ્થિતિ કહો.” અને બારણાની ઉત્તરાદી સાખે ચાકળો નાંખીને મહારાજ વિરાજમાન હતા અને દક્ષિણાદી સાખે રામદાસભાઈ બેઠા હતા. પછી સૌએ પોતપોતાની સ્થિતિ કહી દેખાડી. તેમાં કોઈ કહે કે, “હું એક બ્રહ્માંડને દેખું છું.” અને કોઈકે કહ્યું, “હું બે બ્રહ્માંડને દેખું છું.” એ પ્રમાણે સૌ પોતપોતાની સ્થિતિ કહેવા લાગ્યા. તે સાંભળીને મહારાજ કહે, “હવે અમે અમારી સ્થિતિ કહીએ તે સાંભળીને જે અનંત કોટી બ્રહ્માંડ અને તેના જીવ અને તેનાં ઈશ્વર તેનાં કર્મ ને તેનાં ફલ તે સર્વેને એકકળાવિચ્છિન જાણું છું.” એમ મહારાજે સૌની આગળ વાત કરી દેખાડી. ॥૪૫૩॥
કારીયાણીમાં સવારમાં મહારાજ અક્ષર ઓરડીની ઉગમણી ઓસરીમાં ચાકળા ઉપર બેસીને દાતણ કરતા હતા. તે વખતે ગામ ઝમરાળેથી જીવો દવે તથા ગંગારામ દવે; બન્ને ભાઈ કારીયાણી આવ્યા અને તેમાં એકને માથે ઘઉંના લોટની ગાંસડી હતી અને બીજા પાસે ઘીનો ડબો તથા ગોળનાં ભીલાં હતાં અને માથા ઉપર રાખીને મહારાજ પાસે બન્ને ભાઈ રોવા લાગ્યા. ત્યારે મુળજી બ્રહ્મચારી બોલ્યા જે, “ભાર તો માથેથી હેઠો મેલો. પછી રોજ્યો.” પછી ઘી ગોળ અને લોટ મહારાજ પાસે મેલ્યાં અને વિનંતી કરી જે, “મહારાજ! આટલે વેરે તમે અમારે ગામ નો પધારો ત્યારે અમારું શું કામ આવ્યું?” પછી મહારાજ કહે, “જાઓ, દવેજી! તમે કહેશો ત્યારે આવશું.” પછી ત્રીજે દહાડે મહારાજ ઝમરાળે પધાર્યા અને પોતાને ઘરે થાળ કરીને મહારાજને જમાડ્યા અને પાંચસો પરમહંસને પણ રસોઈ કરાવીને જમાડ્યા. પછી મહારાજની તથા સંતની પૂજા કરી અને ગંગારામ દવે ગાડું જોડીને તે ઉપર એક સારૂં નવું ગોદડું પાથર્યું અને તે ઉપર મહારાજને બેસાર્યા. પછી કારીયાણી મેલવા આવતા હતા. તેના સારા બળદ જોઈને મહારાજ બોલ્યા જે, “ગંગારામ! આ તારા બળદ છે?” ત્યારે ગંગારામ કહે, “હા, મહારાજ! મારા છે.” મહારાજ કહે, “અમારી વેલે જોડ્યા જેવા છે.” ત્યારે ગંગારામ કહે, “મહારાજ! તમારે જોતા હોય તો ગાડું બળદ અને હું એ ત્રણે કૃષ્ણાર્પણ.” પછી મહારાજ કહે, “ભલે, બ્રાહ્મણીયા, ભલે, જા તું અમને દઈ ચુક્યો.” એમ તેની ઉપર મહારાજ રાજી થયા. પછી મહારાજે રાજી થઈને તેનો બરડો થાબડ્યો. પછી મહારાજને કારીયાણી મેલી આવીને પોતાને ઘરે ગયા. ॥૪૫૪॥
મહારાજ કારીયાણીમાં વિરાજમાન હતા અને સાધુનું મંડળ દેશમાંથી ફરીને આવ્યું. તેમાં બે સાધુ બગડ ગામ ગયેલા હતા અને બે સાધુ ખસ ગામ ગયેલા હતા અને બે સાધુ કારીયાણીએ મહારાજ પાસે આવ્યા અને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા ત્યારે મહારાજ બોલ્યા જે, “છ સાધુ ગયા હતા અને બે જ કેમ આવ્યા?” ત્યારે સાધુ બોલ્યા જે, “મહારાજ! દો ખસ ગયે અને દો બગડ ગયે અને દો આંહીયાં આયે.” તે સાંભળીને મહારાજ કહે, “બે ખસી ગયા અને બે બગડી ગયા?” ત્યારે સુરોખાચર કહે, “ના, મહારાજ! ખસ અને બગડ બે ગામ છે ત્યાં ગયા હશે.” પછી સંત કહે, “હા, મહારાજ! તે તે ગામ ગયેલા છે.” ॥૪૫૫॥
કારીયાણીમાં વાડામાં એક આંબલી છે તે નીચે આંબલીના કાતરા પડ્યા હશે. તે એક સાધુએ તેનો આંબલીયો ખાધો. પછી તે સભામાં મહારાજને પુછવા આવ્યા જે, “મહારાજ! મેં ચીયા ખાધા તેનું પ્રાયશ્ચિત્ત શું હશે?” પછી સૌ સાંભળીને જોઈ રહ્યા જે, “ચીયા તે શું હશે?” પછી મહારાજ કહે, “આ સાધુએ પૂછ્યા વિના આંબલીયો ખાધી છે તેનું પ્રાયશ્ચિત્ત પૂછવા આવ્યા છે.” પછી મહારાજે તેને પાંચ માળા ફેરવવાની આજ્ઞા કરી જે, “આ તેનું પ્રાયશ્ચિત્ત કરો.” પછી મહારાજ કહે, “આ હિંદુસ્તાની સાધુ છે. તેણે પૂછ્યા વિના આંબલીયો ખાધી છે તે પૂછવા આવ્યા છે.” ॥૪૫૬॥
કારીયાણીમાં સાત સાધુ માંદા હતા અને શ્રીજીમહારાજ વરતાલ સમૈયો કરવા પધાર્યા હતા અને અચિંત્યાનંદ સ્વામીને સેવામાં રાખ્યા હતા અને તે સાતેની સેવા ખરા દીલથી કરતા. પછી સૌ સાજા થયા અને મહારાજ વરતાલથી પાછા કારીયાણીએ પધાર્યા અને સ્વામી ઉપર બહુ જ રાજી થયા અને તેમને સાત વાર મળ્યા. ॥૪૫૭॥
વેરાભાઈ પાર્ષદ હતા. તેમણે વસ્તાખાચરના પાણીયારેથી પૂછ્યા વિના દાતણ લીધું હતું અને પછી મહારાજને પૂછવા આવ્યા જે, “મહારાજ! વસ્તાખાચરને પાણીયારેથી મેં પૂછ્યા વિના દાતણ લીધું છે.” ત્યારે મહારાજ કહે, “તમે ગઢપુર જઈ આવો એટલે તેનું પ્રાયશ્ચિત્ત થઈ રહ્યું.” પછી તેઓ ગઢપુર આવીને ઘેલા નદીમાં સ્નાન કરીને ગોપીનાથજી મહારાજના દર્શન કરીને પાછા કારીયાણી ગયા. ॥૪૫૮॥
એક વખત કારીયાણીમાં ઓગણીશ સંત માંદા હતા અને શ્રીજીમહારાજે સભામાં કહ્યું જે, “આ માંદા સાધુની જે સેવા કરે તેને સૌ સમૈયાનું ફળ આપું.” પછી ગુણાતીતાનંદ સ્વામી ઓગણીશે સાધુની સેવામાં રહ્યા! બધા સાધુને બહાર જવાનો વ્યાધિ હતો તેથી રાત ને દિવસ ગુણાતીતાનંદ સ્વામી તે સંતની સેવામાં હાજર રહેતા. પછી સૌ સારી રીતે સાજા થયા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી વરતાલ જાવા સારુ તૈયાર થયા. ત્યારે સૌ સંત બોલ્યા જે, “મહાપુરુષ! અમારા સૌને માટે તમે મહારાજને ભેટજો.” પછી ગુણાતીતાનંદ સ્વામીને ઓગણીશ વખત શ્રીજીમહારાજ મળ્યા અને તેમના ઉપર બહુ જ રાજી થયા; એમ માંદાની સેવાથી શ્રીજીમહારાજ બહુ રાજી થાતા. ॥૪૫૯॥
મહારાજ વસ્તાખાચરના દરબારમાં ઢોલીયા ઉપર વિરાજમાન હતા અને કેરીયો જમતા હતા. તે વખતે વસ્તાખાચરનો દીકરો જોઈતોખાચર ડોકમાં સોનાની ઉતરી પહેરીને પાસે બેઠા હતા. પછી મહારાજે લાંબો હાથ કરીને કહ્યું જે, “જોઈતા, લે કેરી.” એટલે જોઈતાખાચર મહારાજનો ઢોલીયો ઝાલીને ઉભા થયા. ત્યારે મહારાજ કહે, “ઉતરી આપ તો કેરી આપું.” પછી જોઈતાખાચરે ડોકમાંથી ઉતરી કાઢીને મહારાજના હાથમાં આપી અને મહારાજે તે પોતાનાં ઢીંચણની ઉપર પહેરાવવાની પેઠે મેલી. પછી જોઈતાખાચરને કેરી આપી અને શ્રીજીમહારાજે કહ્યું જે, “જોઈતા! લે કેરી.” એટલે તેમણે ફરી લાંબો હાથ કર્યો. ત્યારે મહારાજ કહે, “આ તારે માથે બાંધ્યાનું આપ્ય તો આપીયે.” ત્યારે જોઈતાખાચરે માથે સોનેરી નવઘરું બાંધ્યું હતું તે મહારાજને આપ્યું એટલે તેને કેરી દીધી. પછી સભામાં મહારાજે વાત કરી, “તે આ જીવ બાળક જેવો છે કેમ કે આ બાળકને કાંઈ ખબર છે જે આ ઉતરીમાં ગાડે ગાડાં કેરીઓ સમાયેલી છે. તે એક કેરીને બદલે આપી દીધી. તેમ ભગવાનને મેલીને જીવ જ્યાં ત્યાં ભટક્યા કરે છે પણ ભગવાનના શરણને પામે તો જીવને જનમ મરણ મટી જાય તેમ છે પણ સમજતો નથી.” ॥૪૬૦॥
મહારાજ કારીયાણીએ વિરાજમાન હતા અને ગુજરાતમાંથી બે સાધુ ચાળીશ કેરીનો ટોપલો ભરીને લાવતા હતા. તેઓ ચાલતાં ચાલતાં બોરુ અને ભોળાદ વચ્ચે એક ઓઝાકુઈ છે અને ત્યાં ખીજડા નીચે સંત ટોપલો મૂકીને કુઈએ પાણી પીવા ગયા. તે વખતે એક બાવો આવી ચડ્યો તે કેરીનો ટોપલો જોઈને રાજી થયો જે આ સારું થયું. પછી સંત પાણી પીઈને આવ્યા અને બાવાજીને કહ્યું જે, “બાવાજી! આઘા ખસો. અમારે ટોપલો લેવો છે.” ત્યારે બાવાજી કહે, “ક્યા ટોપલા લેનેવાલે હે? એ ટોપલા તો હમારા હે.” સાધુ કહે, “બાવાજી! અમારે સ્વામિનારાયણ ભગવાન સારૂ લઈ જવી છે માટે મેલી દ્યો.” બાવો કહે, “સ્વામિનારાયણ ક્યા ખાઈ જાને?” સંત કહે, “બાવાજી! તમારે જોતી હોય તો બે કેરી આપીએ પણ ટોપલો એક કોરે મેલો.” બાવો કહે, “એક કેરી તમને નહીં આપું ચલે જાવ.” પછી સંતે વિચાર કર્યો જે, “મહારાજની આજ્ઞા નથી નીકર માર મારત પણ આને માર્યા કરતા વિશેષ શિક્ષા થાય તેમ કરીએ.” પછી બે સંત તે બાવાને ઝાલીને તેના માથાનો ફેંટો હતો તે ફાડીને બાવાને ખીજડાના થડ સાથે બાથ ભરાવીને તેના આખાડીલે વીંટી દીધો અને કુઈમાંથી પાણીનાં તુંબડાં કાઢી કાઢીને ખીજડાના મુળીયામાં રેડ્યા અને બે ચાર તુંબડા બાવાના શરીર ઉપર રેડ્યાં પછી ખીજડાના મૂળમાંથી કરોડો મંકોડા નીકળ્યા. તે બાવાને આખે શરીરે ચોંટ્યા તેથી બાવો ચીસો પાડવા મંડ્યો અને સાધુએ કહ્યું જે, “બાવાજી! હવે નિરાંતે કેરીયું જમજ્યો.” એમ કહીને પછી સાધુ ટોપલો લઈને ચાલી નીકળ્યા. તે કારીયાણી આવીને મહારાજને કેરીયું જમાડી અને બાવાને કોઈક મનુષ્ય આવ્યું તેણે છોડ્યો હતો. ॥i૪૬૧॥
બે સાધુ ગુજરાતમાંથી મહારાજ સારુ કેરીયોનો ટોપલો લઈને આવતા હતા અને તે કેરીઓ બગડવા માંડી તેમ તેમ તે કેરીઓને ઠેકાણે પાડવા મંડ્યા. પછી બે કેરીનાં ગોટલાં લઈને તે સાધુ કારીયાણી આવ્યા અને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. પછી મહારાજને કહ્યું જે, “મહારાજ! તમારે માટે કેરીયો લાવતા હતા તે બગડી ગઈ. તેથી નાંખી દીધી.” ત્યારે મહારાજ કહે, “કાંઈ લાવ્યા છો?” પછી સંત કહે, “મહારાજ! બે ગોટલાં લાવ્યા છીએ.” ત્યારે મહારાજ કહે, “તેને શેકીને લાવો.” પછી શેકીને ગોટલાં મહારાજને આપ્યાં. તે જમીને મહારાજ બહુ જ રાજી થયા અને મહારાજ કહે, “આ બે આંબાનું કલ્યાણ થઈ રહ્યું.” ॥૪૬૨॥
કારીયાણીમાં મહારાજ સભામાં બેઠા હતા અને વાત કરી જે, “પોતાનાં પૂર્વ જન્મનાં માવતર હોય અને ક્યાંઈક માંગી ખાતા હોય અને તે અહીંયાં આવીને ઉભા રહે તોપણ આપણને દયા આવે નહીં. કેમ કે, તેની આપણને મમતા નથી.” પછી વીકમશીખાચર બોલ્યા જે, “મહારાજ! હું પૂર્વજન્મમાં કોણ હતો?” ત્યારે મહારાજ કહે, “તમે પૂર્વ જન્મમાં ખંભાતના સુતાર હતા ને તમારું નામ નારણ હતું અને તમારા બાપનું નામ હીરો હતું અને તમારી માનું નામ પુંજી છે. તમે મરી ગયા પછી તમારી મા રોઈ રોઈને આંધળી થઈ છે અને તમારી હવેલી વાણીયાને ત્યાં ઘરાણે મેલી છે અને તમારી ડોશીને એક છાપરૂં કરી આપ્યું છે તેમાં રહે છે.” પછી વીકમશીખાચર કહે, “મને કાંઈક નિશાની મળવી જોઈએ તો હા પડે.” ત્યારે મહારાજ કહે, “તમારી હવેલીના ઓરડામાં ત્રીજો પાટડો છે. તેમાં પાંચસો રૂપિયાની વાંસળી તમારે બાપે ત્યાં મૂકેલી છે અને ત્યાં ડગળી મારેલી છે. તે દિવસે દીવો લઈને જોશો તો જણાશે.” પછી વીકમશીખાચર એક માણસને સાથે લઈને ખંભાત ગયા અને શેઠનું ઘર પૂછીને તેને ઘરે ઉતર્યા. પછી તેના છોકરાના હાથમાં પાંચ રૂપિયા આપ્યા. પછી શેઠે સારી રીતે આસના વાસના કરીને જમાડ્યા. પછી રાત્રીએ સૌ ભેળા બેસીને વાતો ચીતો કરવા લાગ્યા. ત્યારે વીકમશીખાચર બોલ્યા જે, “આ હવેલી કોની છે?” ત્યારે શેઠ કહે, “એક સુતાર હતો તેની છે પણ તે મરી ગયો.” ત્યારે વીકમશીખાચર કહે, “આ ડોશી કોણ છે?” શેઠ કહે, “તે સુતારની ઘરવાળી છે અને અમારે જમતાં જે કાંઈ એઠું વધે તે તેને જમવા આપીએ છીએ.” ત્યારે વીકમશીખાચર કહે, “તેને દીકરો નહોતો?” ત્યારે શેઠ કહે, “એક દીકરો તો હતો પણ તેય મરી ગયો.” પછી સવારે વીકમશીખાચરે શેઠને કહ્યું જે, “અમારે તમારા ઘરમાં એક નિશાની જોવી છે.” ત્યારે શેઠ કહે, “તમે પરદેશી છો તો તમારે અમારા ઘરની શું નિશાની જોવી છે?” ત્યારે વીકમશીખાચરે કહ્યું જે, “અમને એક મોટા પુરુષે નિશાની આપી છે.” પછી સુતારને બોલાવીને ઘરમાં દીવો કરીને એક પાટડો જોયો. ત્યાં તો પાટડાની અંદર ડગળી મારેલી દીઠી અને સુતાર પાસે તે ડગળી કઢાવી. તેમાંથી પાંચસો રૂપિયા નીકળ્યા. પછી વીકમશીખાચર તે રૂપિયા લઈને ડોશી પાસે ગયા અને ડોશીને પૂછ્યું જે, “ડોશીમા! તમારું નામ શું?” ત્યારે ડોશી કહે, “મારું નામ પુંજી.” ત્યારે વીકમશીખાચર કહે, “તમે કેવા છો?” ડોશી કહે, “અમે સુતાર છીએ.” વીકમશીખાચર કહે, “તમારે દીકરો બીકરો નથી?” તે સાંભળીને ડોશી રોવા મંડી અને કહ્યું જે, “મારે નારણ કરીને નાનો બાળક દીકરો હતો અને તે ઓઢ્યા પહેર્યા જેવડો થયો ત્યારે તે મરી ગયો અને તેનો બાપ પણ મરી ગયો અને હવેલી છે તે વાણીયાને ત્યાં ઘરેણે મૂકી છે અને હું અભાગણી એકલી રહી છું.” એમ કહીને ડોશી રોવા લાગી અને રોતાં રોતાં કહેતી જાય જે, “અરેરે! મારો નારણ!” પછી વીકમશીખાચરે ડોશીને છાનાં રાખ્યાં અને કહ્યું જે, “ડોશીમા! રોશો નહીં આ હું તમારો નારણ છું અને હું કારીયાણી ગામમાં કાઠીને ઘરે જન્મ્યો છું અને પાંચસો રૂપિયા તમને આપું તે પહોંચે ત્યાં સુધી ખાજો અને તમારી સેવામાં એક બાઈ રાખી દઉં છું તે તમારી સેવા કરશે.” પછી એક શેઠને ત્યાં તે પાંચસો રૂપિયા વ્યાજે મૂક્યા અને તે શેઠને કહ્યું જે, “આ ડોશીને સારી રીતે સાચવજો.” એવી રીતે તે ડોશીની ભલામણ કરીને પોતે કારીયાણી આવ્યા. અને મહારાજને તમામ વાત કરી દેખાડી જે, “મહારાજ! વાત બરાબર મળી રહી.” ॥૪૬૩॥
મહારાજ કારીયાણીમાં વિરાજમાન હતા અને એક ભગતને વર્તમાનમાં કાંઈક ચુક પડી હતી. પછી મહારાજે તેને રજા આપી હતી અને તે ભગત ઝમરાળે ગયો. પછી ત્યાં કાજીની જગ્યા ગામના ઝાંપામાં છે ત્યાં બેઠો બેઠો રોતો હતો. તે વખતે કાજી જગ્યામાંથી બહાર આવ્યો અને પૂછ્યું જે, “ભગત! શા માટે રુવો છો?” ત્યારે ભગત કહે, “મને સ્વામિનારાયણ ભગવાને રજા આપી છે.” ત્યારે કાજી કહે, “શા માટે રજા આપી છે?” ત્યારે ભગત કહે, “મારે વર્તમાનમાં ફેર પડ્યો તે સારુ.” કાજી કહે, “ભગવાન હોય તો ગુન્હા માફ કરે. માટે ચાલ્ય, હું તને મેલવા આવું.” પછી કાજી તે ભગતને સાથે લઈને કારીયાણીએ આવ્યો અને શ્રીજીમહારાજ તળાવેથી દરબારમાં પધારતા હતા. પછી કાજી ગામને ઝાંપે ભેળો થયો અને બોલ્યો જે, “સ્વામિનારાયણ! ઉભા રહો. મારે તમને એક પૂછવું છે?” ત્યારે મહારાજ કહે, “પૂછવું હોય તો દરબારમાં આવજો.” પછી કાજી દરબારમાં જઈને મહારાજને પગે લાગ્યો ને પૂછ્યું જે, “તમે ખુદા કે નહીં ખુદા.” ત્યારે મહારાજ કહે, “અમે ખુદા!” ત્યારે કાજી કહે, “ખુદા હોય તે જીવના ગુન્હા માફ કરે ને તમે આનો ગુન્હો કેમ માફ ન કર્યો?” તે ઉપર મહારાજે વાત કરી જે, “ચોર હોય અને ચોરી કરીને આવ્યો હોય અને તેને પકડીને કોરટમાં ઉભો રાખે ત્યારે તેને ન્યાયાધીશ કહે જે, ‘આ તે પ્રથમનો ચોર છે.’ ત્યારે તેને ન્યાયાધીશ કહે જે, ‘જા, તારો ગુન્હો દરબાર માફ કરે છે.’ અને તે ચોર જો ફરીને ચોરી કરે તો પહેલો માફ કરેલો ગુન્હો અને આ બીજી વખતનો મળીને બન્ને ગુન્હાની સજા ભોગવવી પડે.” તેમ મહારાજ કહે, “હું ભગવાન છું. તે જ્યારે વર્તમાન ધરાવું ત્યારે અનેક જન્મનાં કર્મ શ્રીસહજાનંદ સ્વામીને ચરણે મૂકાવું છું અને તે જીવ જો ફરી પાપ કરે તો પ્રથમ મેલાવ્યા હતાં તે અને આ વખતનું એમ બન્ને ભોગવાવું.” પછી કાજીએ પોતાનો કાન ઝાલ્યો અને બોલ્યો જે, “મહારાજ! તમે ખરા ખુદા છો.” પછી તે ભગતને મહારાજને સોંપ્યો અને પોતે મહારાજને પગે લાગીને ભગવાનપણાનો નિશ્ચય કરીને ચાલ્યો ગયો. ॥૪૬૪॥
એક હીરાદાસ કરીને સાધુ હતા. તે કાંઈક વાંકમાં આવવાથી શ્રીજીમહારાજે તેને રજા આપી હતી. તે સત્સંગ બહાર ગયો અને જ્યાં જાય ત્યાં ચોરે ઉતરતો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતો. પછી બાવા તેને ચીપીયાના તથા ચરપાના ડામ દેતા તો પણ તેણે સ્વામિનારાયણનું ભજન મૂક્યું નહીં. પછી તેણે કારીયાણી આવીને સભામાં પોકાર કર્યો જે, “મહારાજ! કાં તો મને રાખો અને નહી તો તમારો નિશ્ચય છે તે કાઢી લ્યો.” પછી મહારાજે મશાલવાળાને પોતાની પાસે બોલાવ્યા અને સૌને બતાવ્યું જે, “જુઓ, આને શરીરે ચીપીયાના તથા ચરપાના કેટલા ડામ છે? તે ખમીને પણ એણે મને મેલ્યો નહીં.” પછી મહારાજે સત્સંગમાં તેને રાખ્યો. ॥૪૬૫॥
એક વખત મહારાજ વરતાલ પધારતા હતા અને કારીયાણીને પાદર રાતના બે વાગે નીસર્યા. તે વખતે મહારાજ બોલ્યા જે, “નાજા! હે નાજા!” એમ શબ્દ સાંભળીને અદ્ભુતાનંદ સ્વામી આવીને મહારાજને પગે લાગ્યા અને મહારાજ માણકી ઘોડીયે બેઠા હતા. પછી મહારાજ બોલ્યા જે, “કોણ એ?” ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કહે, “મહારાજ! એ તો હું.” મહારાજ કહે, “તમે અત્યારે કેવા?” ત્યારે સ્વામી કહે, “આ બધા ટેકરા દેખાય છે તે બધાય સાધુ સુતા છે.” મહારાજ કહે, “એમ કેમ સુતા છે?” ત્યારે સ્વામી કહે, “મહારાજ! બે કોર વેળુની પાર કરીએ અને વચ્ચે ટુંટીયાં વાળીને પડીયે અને એક હાથે કરીને બરડા ઉપર વેળુ દાબી દઈએ. પછી સારી પેઠે દિવસ ચડે ત્યારે બેઠા થઈએ.” તે સાંભળીને મહારાજે કહ્યું જે, “સૌ ગામમાં રહેજો અને ઓઢવા વસ્ત્ર રાખજો.” એમ સાધુને આજ્ઞા કરીને ચાલ્યા. ॥૪૬૬॥
એક વખત મહારાજ વરતાલ પધારતા હતા અને કારીયાણીમાં રાત રહ્યા. ત્યાં વસ્તોખાચર ખોરડાં કરાવતા હતા. પછી મહારાજે કહ્યું જે, “વસ્તાખાચર! વરતાલ ચાલો.” ત્યારે વસ્તોખાચર બોલ્યા જે, “મહારાજ! ખોરડાં (બાકી છે) ને ચોમાળ આવ્યા છે અને કાટ લેવા સારુ ગાડાં ભાવનગર ગયાં છે ને ખોરડાં પુરાં કરીને પાછળથી હું આવીશ.” ત્યારે મહારાજ કહે, “તમે પછી આવી નહી શકો માટે સાથે જ ચાલો. ” વસ્તોખાચર કહે, “હું જરૂર આવીશ.” પછી મહારાજ વરતાલ પધાર્યા અને પછી માવઠું થયું તેથી ખોરડાં અધુરાં રહ્યાં અને મળાણાં નહીં અને ખોરડાનો કરો ફાટ્યો. પછી મહારાજ સમૈયો કરીને કારીયાણી પાછા આવ્યા ત્યારે મહારાજે વસ્તાખાચરને કહ્યું જે, “તમે આવી શક્યા નહી ને અમે તો સમૈયો કરી આવ્યા.” અને કહ્યું જે, “લ્યો, આ પાંચસો રૂપિયા આપું અને તમામ હરિજનોના દર્શન કરી આવો.” પછી વસ્તાખાચરે મહારાજને હાથ જોડ્યા જે, “હે, મહારાજ! હું ક્યાં ગામોગામ દર્શન કરવા જઈશ? માટે સૌ હરિજનોને તથા સંતને આંહીં તેડાવીને સમૈયો કરો.” પછી મહારાજે દેશાવરોમાં કાગળ લખીને સંતો તથા હરિજનને તેડાવ્યા અને કારીયાણીમાં અન્નકૂટનો સમૈયો કર્યો. ॥૪૬૭॥
એક વખત મહારાજ મંદિરમાં ઓટો છે ત્યાં લીંબડો હતો, ત્યાં સભા કરીને વિરાજમાન હતા અને વીરદાસ પટેલને તેનો સાથી પૂછવા આવ્યો જે, “ભાભા! ભાભા! સાંતી કયે ખેતર લઈ જઈએ?” ત્યારે પટેલ કહે, “આપણો બસો વિઘાનો પાંતો છે. તેમાં લઈ જાઓ.” એમ કહીને પછી સાથીને પાછો બોલાવીને કહ્યું જે, “માંહીં બુડ ઠુંઠા છે. તેની સુરત રાખજો નીકર રાંપડીયો ભાંગી નાખશે.” પછી મહારાજ બોલ્યા જે, “પટેલ! તમને બુડ ઠુંઠા છે તેની ખબર શી પડે?” ત્યારે પટેલ કહે, “મહારાજ! જ્યાં જ્યાં બુડ ઠુંઠા હોય ત્યાં અમે ઢેફાની દેરડીયો કરીએ અને જ્યારે આવે ત્યારે કળીયું ઉંચું લઈએ નીકર રાંપડી ભાગી જાય.” પછી મહારાજે સભામાં વાત કરી જે, “આ પટેલને બસો વિઘાના ખેતરમાં બુડ ઠુંઠાની ખબર છે અને આપણે પાંચ તસુનું ખેતર છે તેમાં બુડ ઠુંઠાની ખબર નથી.” એમ કહીને મહારાજ બોલ્યા જે, “આપણા અંતઃકરણમાં કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે બુડ ઠુંઠા છે તેની ખબર નથી.” તે ઉપર કેટલીક સવિસ્તાર વાત કરી દેખાડી. ॥૪૬૮॥
મહારાજ સભા કરીને વિરાજમાન હતા. ત્યાં હરિજનો મહારાજના દર્શને આવેલા. તેમને ચાલવાનું થયું ત્યારે મહારાજને દંડવત કરીને પગે લાગ્યા અને મહારાજને કહ્યું જે, “મહારાજ! અમારી ઉપર દયા રાખજો.” પછી રજા આપતી વખતે મહારાજ બોલ્યા જે, “તમે પણ અમારી ઉપર દયા રાખજો.” પછી હરિજને ગામને પાદર જઈને વિચાર કર્યો જે, “આપણે મહારાજને દયા રાખવાનું કહ્યું તે તો ઠીક. પણ મહારાજે દયા રાખજો એમ કહ્યું તે શું કાંઈ સમજાણું નહીં. માટે ચાલો પાછા જઈએ. મહારાજને પુછી જોઈએ.” તેથી પાછા સૌ મહારાજ પાસે આવીને કહ્યું જે, “હે, મહારાજ! તમે અમારી ઉપર દયા રાખજો એમ કહ્યું તે શું? એ સમજાણું નહીં.” પછી મહારાજ બોલ્યા જે, “અંતઃકરણ છે તે અમારે રહેવાનું સ્થાન છે. તેમાં જગતરૂપી ગોટા ઘાલશો નહીં. એ દયા રાખજો.” પછી સૌ હરિજન હાથ જોડીને પગે લાગ્યા. ॥૪૬૯॥
મહારાજે કારીયાણીમાં દશરાનો સમૈયો કર્યો હતો અને ખીજડી પૂજવાને માટે ગયાં હતા. પછી ત્યાં ખીજડી પૂજીને સખાને કહ્યું જે, “ઘોડાં દોડાવો.” પછી સૌ કાઠીયોએ પોતપોતાનાં ઘોડાં દોડાવ્યાં. તેમાં કેટલાકના ઘોડાં મોર્ય થઈ ગયા. તે જોઈ મહારાજે એક બીજાની પ્રશંસા કરીને બહુ રાજી થયા. ॥૪૭૦॥
અને કારીયાણીમાં વસ્તાખાચરનો હાથ પાક્યો હતો. પછી ગઢપુરથી નિત્યાનંદ સ્વામીને તેમને જોવાને માટે મોકલ્યા અને થોડા દિવસ કેડે ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા અને પાછળથી મહારાજ પણ પધાર્યા. પછી વસ્તાખાચરે મહારાજને કહ્યું જે, “મહારાજ! તમે નિત્યાનંદ સ્વામીને મોકલ્યા. તે મારા ઉપર બહુ દયા કરી અને વળી ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા તે તો મારી ઉપર અત્યંત દયા કરી.” પછી મહારાજ કહે, “વસ્તાખાચર! ગોપાળાનંદ સ્વામી તો બહુ જ મોટા સાધુ છે.” તે સાંભળી વસ્તોખાચર કહે, “કેવા મોટા છે?” ત્યારે મહારાજ કહે, “એક અષ્ટાંગયોગ શ્રીકૃષ્ણ ભગવાને સાધ્યો હતો અને એક અષ્ટાંગયોગ ગોપાળાનંદ સ્વામીએ સાધ્યો છે એવા મોટા છે.” ત્યારે વસ્તોખાચર બોલ્યા જે, “મહારાજ! તમે?” ત્યારે મહારાજ કહે, “હું સૌનો પ્રેરક પ્રવર્તમાન અને નિયંતા છું.” એવી રીતે મહારાજે વસ્તાખાચર આગળ વાત કરી હતી. ॥૪૭૧॥
કારીયાણીનું તળાવ ગળાવ્યું ત્યારે એટલા મનુષ્ય ભેગા થયેલા હતાં જે તેમને માટે રાત્રે પંદર મણ બાજરો પલાળતા અને પાંચ મણ તલ તેમાં નાંખીને સવારમાં સૌને ખોબો ખોબો આપતા હતા. એટલા ત્યાગી તથા હરિજન ભેગા થયા હતા. અને તે સૌનું ભોજન ખરચ વસ્તોખાચર આપતા હતા ને તલાવ ગળાવતા હતા. ॥૪૭૨॥
મહારાજ કારીયાણી હતા અને ગઢપુરમાં ભાઈ રામદાસજીએ દેહ ત્યાગ કર્યો હતો. તેમનો દેહ મેલાવવાને માટે મહારાજ કારીયાણીથી ગઢપુર પધાર્યા હતા અને તેમને દેહ ત્યાગ કરાવીને ઇચ્છારામજી મહારાજના ઓટાની ઉગમણી કોરે અગ્નિસંસ્કાર કરાવીને મહારાજ વિધિ સહિત સ્નાન કરીને ત્યાંથી પરબારા કારીયાણી પધાર્યા હતા અને માંચોખાચર દેહ ત્યાગ કરીને અક્ષરધામમાં ગયા ત્યારે મહારાજ કારીયાણી પધાર્યા હતા અને દેશાંતરના સંબંધી તમામ આવ્યાં હતાં અને હરિજનોને પણ તેડાવ્યા હતા. તેમનું ખરચ મોતીયા સાટા જલેબીનું મહારાજે પંડ્યે કર્યું હતું. ॥૪૭૩॥
અને કારીયાણીમાં ઓગણોતેરા કાળમાં ત્રણ મહીના સુધી પાંચસો પરમહંસને વસ્તાખાચરે રાખ્યા હતા અને અન્નવસ્ત્રત્રનું પોતે પુરું કર્યું હતું અને તેમના ઘરમાં એક લાખ રુપીયા અને પાંચસો કળશી દાણા હતા અને સો ગાયું તથા ભેંશો થઈ દુઝાણાં ઢોર હતાં તેનું દૂધ તથા દહીં સંતને અર્થે વાપરતા હતા. ॥૪૭૪॥
અને વસ્તાખાચરે જ્યારે દેહ મેલ્યો ત્યારે પોતાના ઘરની દુર્બળ સ્થિતિ હતી તેથી ખરચ કરવાની તાકાત નહોતી. તેથી તેમના મોટા દીકરા માણસુરખાચર ગામ લાઠીદડ જેરાજ પટેલ પાસે ગયા અને તેને કહ્યું જે, “બાપુનું ખરચ કરવું છે ને તેમાં કાંઈક મદદ કરો.” ત્યારે પટેલ કહે, “તમારી પાસે કાંઈ સાધન નથી માટે શું મદદ કરું?” પછી તે પાછા કારીયાણી જતા હતા. તે વખતે કારીયાણી અને લાઠીદડ વચ્ચે શ્રીજીમહારાજ કાઠીના સ્વાર સહિત દિવ્યસ્વરુપે આવ્યા અને માણસુરખાચરને કહ્યું જે, “માણસુર! અલ્યા વસ્તોખાચર ખરચ વગર જશે?” તે સાંભળી માણસુરખાચર દિલગીર થઈ ગયા અને કહ્યું જે, “મહારાજ મને કોઈ ધીરતું નથી.” ત્યારે મહારાજ કહે, “જા, લાઠીદડ. જેરાજ પટેલ પાસે.” ત્યારે માણસુરખાચર બોલ્યા જે, “મહારાજ! હું ત્યાં જઈને આવું છું.” પછી મહારાજે દિવ્યસ્વરૂપે આવીને લાઠીદડ જેરાજ પટેલને દર્શન દઈને કહ્યું જે, “માણસુરખાચર માગે તે આપજો.” પછી જેરાજ પટેલે મહારાજને દંડવત કરીને પગે લાગીને કહ્યું જે, “મહારાજ! વસ્તાખાચરનું ખરચ હું કરીશ.” તે સાંભળ્યા બાદ મહારાજ અદૃશ્ય થઈ ગયા એટલી વારમાં માણસુરખાચર ત્યાં આવ્યા. તેમને જેરાજ પટેલે કહ્યું જે, “તમારે બાપુના ખરચની કાંઈ ચિંતા કરવી નહીં. હું આવીને ખરચ કરી જઈશ.” એમ મહારાજે વસ્તાખાચરનું ખરચ કરાવ્યું. ॥૪૭૫॥
કારીયાણીના માંચોભગત એક વખત પોતે કોઈક ગામ ગયા હતા અને તેમનો સંબંધ તેમની મામાની દીકરીને ઘરે કર્યો અને સાકર લઈને વાણીયો પોતાની ડેલીયે વહેંચવા બેઠો હતો અને ઢોલી ઢોલ વગાડતા હતા. તે વખતે માંચોભગત પરગામથી ઘરે આવ્યા અને પૂછ્યું જે, “આ શું છે?” ત્યારે કોઈકે કહ્યું જે, “તમારા મામાને ઘરે તમારું સગપણ કર્યું છે.” માંચોભગત કહે, “મામાની દીકરી તો મારે બહેન થાય. તે તો બહેન છે જ પણ જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે મારી મા, બહેન, અને દીકરી છે.” એમ કહીને ઢોલીને ઘરે કાઢી મૂક્યો અને વાણીયાને કહ્યું જે, “તારી સાકર તારે ઘરે લઈ જા.” એવા તેઓ નિષ્કામી હતા અને જીવન પર્યંત બાળ બ્રહ્મચારી રહ્યા હતા. ॥૪૭૬॥
માંચાભગતને ભોજો ચારણ કરીને એક બાળ મિત્ર હતો. તે બન્ને જણ પોતાની ડેલીયે બેઠા હતા. પછી માંચા ભગતે કહ્યું જે, “ભોજા! કાં તો તું પ્રભુ ગોતવા જા અને કાં તો હું જાઉં?” ત્યારે ભોજો ચારણ બોલ્યો જે, “તમે તો ગામેતી કહેવાઓ છો માટે હું જાઉં.” પછી ભોજો ચારણ પ્રભુ ગોતવા નીકળ્યા. તે લોજમાં મહારાજ ભેળા થયા અને મહારાજનાં દર્શન કરીને પાછા કારીયાણી આવ્યા. તે વખતે માંચો ભગત ગામના ચોરે બેઠા હતા અને ભોજાભાઈને જોઈને માંચો ભગત બોલ્યા જે, “ભોજુ! કાંઈક હસ્તે મુખે છો. ” ભોજોભાઈ કહે, “બાપુ! ભગવાન મળ્યા.” તારે માંચોભગત કહે, “ક્યાં છે?” ત્યારે ભોજોભાઈ કહે, “રામાનંદ સ્વામી પાસે આવ્યા છે અને સૌને અક્ષરધામની સમાધિયું કરાવે છે.” વગેરે ઐશ્વર્યની ઘણીક વાતો કહી સંભળાવી. ॥૪૭૭॥
થોડાક દિવસ થયા કેડે માંચાભગતે વિચાર કર્યો જે, “આપણે મહારાજને દર્શને જવું.” અને સાબદા થઈને જ્યારે ચાલ્યા ત્યારે વસ્તોખાચર આડા ફર્યા જે, “બાપુ! ક્યાં જાઓ છો? આ બસો વિઘાના ખેતરમાં કપાસ પાક્યો છે. તે ઠેકાણે પાડતા જાઓ.” તેને સાંભળીને માંચોભગત પાછા વળ્યા અને બીજે દિવસ ફરતા ગામોની ગાયો બોલાવીને તે ખેતરનો કપાસ ભેળાવી દીધો. ત્યારે વસ્તોખાચર બોલ્યા જે, “કાકા! આ શું કર્યું?” ત્યારે માંચોખાચર કહે, “ભા! એ ઠેકાણે પાડ્યો અને કપાસ વીણાવીને ઘરમાં ભરીને હું મહારાજને દર્શને જાઉં તો પછવાડે સંકલ્પ વિકલ્પ થાય જે, શું ભાવ આવશે? તે કારણથી કપાસને ઠેકાણે પાડ્યો.” એમ કહીને ત્યાંથી ચાલી નીકળ્યા. તે સરધારમાં મહારાજને મળ્યા અને પછી દર્શન કરીને અમુક દિવસે ઘરે આવ્યા અને જે વખતે માંચોભગત સરધારમાં દર્શને ગયા ત્યારે મહારાજ તળાવની પાળે સભા કરીને વિરાજમાન હતા અને સુરાખાચરે પૂછ્યું જે, “મહારાજ! બધાંને સમાધિ કરાવો છો પણ માછલાંને સમાધિ થાય?” તે વખતે મહારાજના હાથમાં રુમાલ હતો. તે ઊંચો કરીને વીંઝ્યો એટલે તમામ માછલાંને સમાધિ થઈ ગઈ અને તળાવનાં પાણી ઉપર જાણે રૂપું પાથર્યું હોય તેવો દેખાવ થયો. પછી સુરાખાચરે મહારાજની પ્રાર્થના કરી જે, “મહારાજ! આ માછલાંને જનાવર ઉપાડી જાશે.” તે સાંભળીને મહારાજે હાથની ચપટી વજાડી એટલે માછલાં સજીવન થઈને તળાવમાં ચાલ્યાં ગયાં. તે ચમત્કાર જોઈને માંચેખાચરે ગઢપુર આવીને બધી વાત એભલખાચર આદિને કરી. ॥૪૭૮॥
એક વખત વસ્તોખાચર ઘર ભંગ થયા હતા પછી તેમણે બીજું ઘર કર્યું. તે વખતે માંચોખાચર તરવાર લઈને મારવા દોડ્યા અને કહ્યું જે, “તમે વર્તમાન ધરાવ્યા ત્યારે પરણ્યો એ સ્ત્રી અને બીજી મા બહેન કરાવી છે અને વળી ફરી કેમ ઘર કર્યું?” પછી વસ્તોખાચર ગઢપુર મહારાજ પાસે આવ્યા અને મહારાજને કહ્યું જે, “મારો કાકો મને તરવાર લઈને મારવા દોડે છે.” પછી મહારાજ ઘોડીયે ચડીને એકદમ કારીયાણી પધાર્યા. તે વખતે માંચોખાચર દરબારમાં લીંબડા નીચે ઓટો છે તે ઉપર બેઠા હતા. તે મહારાજને જોઈને દંડવત કરીને પગે લાગ્યા એટલે મહારાજે તેમને કહ્યું જે, “તમે વસ્તાખાચરને તરવાર લઈને મારવા કેમ દોડો છો?” ત્યારે માંચોખાચર કહે, “મા બહેન કહ્યા પછી ફરી કેમ ઘર કર્યું?” ત્યારે મહારાજ કહે, “તે તો ગૃહસ્થ છે તે તો ગમે તેમ કરશે. અને તમને તો સાધુ કર્યા છે.” તે સાંભળીને માંચોભગત કહે, “મને જો સાધુ કર્યો હોય તો વસ્તાને ને મારે લેવા દેવા નથી.” પછી મહારાજ કહે, “લ્યો, આ ભગવાં વસ્ત્ર પહેરો.” ને અચિંત્યાનંદ સ્વામી નામ ધરીને વાળાક દેશમાં સ્વરુપાનંદ સ્વામી ભેળા ફરવા મોકલ્યા. ॥૪૭૯॥
અને થોડાક વરસ ગયા કેડે અચિંત્યાનંદ સ્વામીને શરીરે મંદવાડ થયો હતો અને તેમની સેવામાં છ સાધુ રાખ્યા હતા અને અમદાવાદની આંબલીઓમાં રહ્યા હતા અને જે વખતે મહારાજે નરનારાયણદેવ પધરાવ્યા અને કાંકરીયે તળાવ બ્રાહ્મણોની ચોરાશી કરી ત્યાં તે વખતે મંચ ઉપર મહારાજ વિરાજમાન હતા. તે વખતે અચિંત્યાનંદ સ્વામીને ત્યાં લાવ્યા. પછી મહારાજ મંચ ઉપર ઉભા થઈને તાલી પાડીને બોલ્યા જે, “આ કારીયાણી ગામનો માંચોભગત ગઢેરા હતા અને તે પ્રથમ માર્ગીના પંથમાં હતા અને નિષ્કામી વર્તમાનમાં દૃઢ હતા અને તે અમારે વચને કરીને સાધુ થયા અને તેમનું એવું પ્રારબ્ધ હતું તે રુંવાડે રુંવાડે જીવડા પડે એવું હતું અને જો અમારું એમણે માન્યું તો તેમનું એવું પ્રારબ્ધ હતું તે ટળી ગયું અને આમને લઈને આખી ઝાલાવાડ સત્સંગી થઈ છે. તે બધાયનું પુન્ય આમને છે.” એમ મહારાજે ઉભાં ઉભાં સૌ સાંભળે તેમ ઉંચે સાદે વાત કરી હતી. ॥૪૮૦॥
શ્રીજીમહારાજ કારીયાણીનું મંદિર છે ત્યાં ઉગમણે ખૂણે ઢોલીયા ઉપર વિરાજમાન હતા અને કોઈકે લાવીને મહારાજ પાસે બાબાસાઈ રૂપિયા બસો ભેટ્ય મેલી. પછી મહારાજે સાધુઓને કહ્યું જે, “લ્યો આ રૂપિયા.” ત્યારે સાધુ કહે, “મહારાજ! અમારે શું કરવા છે?” પછી મહારાજે કાઠીઓને કહ્યું જે, “તમે લ્યો.” ત્યારે કાઠી કહે, “અમે શું કરીએ?” ત્યારે મહારાજ કહે, “અમે પણ શું કરીએ?” પછી મહારાજે ખોબો ભરીને ઉડાડ્યા તે કેટલાક રૂપિયા ત્યાં કુવો હતો તેમાં નાંખ્યા ને બીજા ઉડાડ્યા તે પડખે એક કોળી પાંચો કરીને હતો. તેનું ખોરડું પડખે હતું, તે ઉપર નાંખ્યા. તે વખતે તેની મા ફળીમાં દાણા સમા કરતી હતી તે ખખડાટ સાંભળીને બોલી જે, “કયો મારો પીટ્યો ઘા કરે છે?” ત્યાં તો રૂપિયા દડદડતા તેના દાણામાં પડ્યા. તે જોઈને બાઈ બહુ રાજી થઈ જે, “આ તો કોઈકે રૂપિયા નાંખ્યા.” પછી તેને દસ રૂપિયા હાથ આવ્યા. તે પ્રતાપે દસ હજાર રૂપિયાનો આસામી થયો. તે રૂપિયા હાલ વડતાલમાં અક્ષરભુવનમાં કાષ્ટની મૂર્તિના સિંહાસનમાં છે. ॥૪૮૧॥
કારીયાણીમાં શ્રીજીમહારાજે તળાવ ગળાવ્યું અને તેમાં રામકુંડ અને ભીમકુંડ એમ બે કુંડ કરાવ્યા અને તેમાં પોતે ઘણીક વખત નાહેલા છે અને તળાવને કાંઠે ચાળીશ ચોકા બ્રાહ્મણોના કરાવ્યા હતા અને મહારુદ્ર કરાવ્યો હતો. તે વખતે હાલ દેરી પાસે તળાવને કાંઠે આટો છે તે ઠેકાણે સભા કરીને બેઠા હતા. તે વખતે ત્યાં બરવાળેથી બે જનના પૂજ્ય નીકળ્યા હતા. તેણે એવો વિચાર કર્યો જે, “આપણે સ્વામિનારાયણ સામું જોવું નહીં. કેમ કે લાકડા જેવા થઈ જવાય.” તેમાં બે જણા ઉતાવળા ચાલ્યા. તેમાં એક પૂજ્યે મહારાજ સામું જોયું એટલે તેને સમાધિ થઈ ગઈ અને તેણે સમાધિમાં તેના કેટલાક તીર્થંકરો દીઠા. તે જોઈને તેને આશ્ચર્ય થયું અને બીજો પૂજ્ય હતો તે તળાવને ઓલે કાંઠે જઈને ઉભો રહ્યો જે પૂજ્યને સમાધિ થઈ હતી તેની સામું શ્રીજીમહારાજે જોયું એટલે તે સમાધિમાંથી ઉઠીને એકદમ નાઠો. તે જોઈને આખી સભા ખડખડ હસવા મંડી અને તેના લુગડાં તથા રજોણો વગેરે ધૂળ ધૂળ ભર્યાં હતાં અને એમને એમ નાઠો તે પેલા પૂજ્ય ભેગો થઈ ગયો. પછી તેના મનમાં એમ થયું જે, “સ્વામિનારાયણ જાદુગારા છે.” આ વાત તેણે બીજા પૂજ્યને કરી જે, “મેં આવી રીતે જોયું.” તે સાંભળીને આશ્ચર્ય પામ્યા. ॥૪૮૨॥