સારંગપુરની લીલા
એક વખતે સારંગપુરમાં શ્રીજીમહારાજે ફુલડોળનો સમૈયો કર્યો હતો અને ત્યાં દેશાંતરના હરિજનો મહારાજના દર્શને આવ્યા હતા. ત્યાં રામાખાચરના દરબારમાં લીંબડા નીચે રંગ રમી રહ્યા ને વાઘાની બાંય ફાટી ગઈ. પછી મહારાજે સૌ બાઈઓને કહ્યું જે, “તમે અમારી પાસે ગોઠ માંગો.” પછી કાઠીયાવાડની બાઈયોએ મહારાજ પાસે ખજુર તથા નાળીયેર વિગેરે માંગ્યું. પછી મહારાજે ગુજરાતી બાઈયોને કહ્યું જે, “હવે તમે માગો.” પછી જતનફઈ વિગેરે બાઈયોએ હાથ જોડીને કહ્યું જે, “હે, મહારાજ! અમને તમારી માયા વ્યાપે નહીં અને તમારા ચરિત્રમાં દોષબુદ્ધિ થાય નહીં.” એ વગેરે એવા ઘણાક મોક્ષોપયોગી વર માગ્યા. તે સાંભળી કાઠીયાવાડની બાઈયો પશ્ચાત્તાપ કરવા લાગી જે, “આપણને માગતાં આવડ્યું નહીં.” ॥૪૮૩॥
મહારાજ રંગે રમીને નારાયણ કુંડે નાહવા પધાર્યા હતા અને નાહીને ત્યાંથી પાછા વળ્યા અને ત્યાં ખીજડી નીચે સભા કરીને વિરાજમાન થયા હતા અને ગઢપુરથી નિષ્કુળાનંદ સ્વામી તથા ગોવિંદ સ્વામી પુષ્પના શણગાર લઈને ત્યાં આવ્યા અને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. પછી મહારાજ બોલ્યા જે, “અમારા સારું શું ભેટ લાવ્યા છો?” પછી સ્વામીએ ફુલનો પોશાક ત્યાં પહેરાવ્યો તેથી મહારાજ બહુ જ રાજી થયા અને દરબારમાં પધાર્યા. ॥૪૮૪॥
એક વખત મહારાજ બહાર છત્રી છે ત્યાં સભા કરીને વિરાજમાન હતા. તે સમે ડંઢાવ્ય દેશનો સંઘ આવ્યો. તેમની સામે દોઢસો મનુષ્ય હતાં અને જતનફઈ તથા વજીફઈ તથા નારદીપુરના નાનાભાઈ વિગેરે આવેલ હતા. તે સૌ મહારાજને પગે લાગીને બેઠા અને જાન મુનબાઈ ઘીનો ઘડો ભરીને લાવ્યાં હતાં. તે મહારાજ પાસે મેલ્યો. તે જોઈ મહારાજ બોલ્યા જે, “જુઓ, ભુખણ ભાવસાર કહેતા હતા જે, બ્રહ્મા ભૂલી ગયો છે પણ આ તો અમારા સારૂ ઘીનો ઘડો ભરીને લાવ્યા.” એમ મહારાજે સભામાં વાત કરી અને એમ કહ્યું હતું જે, “આ તો દીકરી છે અને તેનું નામ જમુના પાડજો અને અમે જ્યાં હશું ત્યાં ઘીનો ઘડો ભરીને લાવશે.” એ પ્રમાણે થયું. ॥૪૮૫॥
અને છત્રી છે ત્યાં બાવળીયા નીચે મહારાજ ઢોલીયા ઉપર વિરાજમાન હતા અને વસ્ત્રથી ઢીંચણ બાંધીને બેઠા હતા. તે વખતે વજીબાઈ મહારાજના સામાં ઉભા રહીને ચરણારવિંદ જોવા મંડ્યા ત્યારે મહારાજ બોલ્યા જે, “વજીબાઈ! શું જુઓ છો? પીંપળે પગ અડ્યા હતા તે છે કે નહીં?” પછી વજીબાઈ કહે, “મહારાજ! તે તમે હતા?” ત્યારે મહારાજ કહે, “મારા વિના તારી ગાળો કોણ ખાય?” પછી વજીબાઈ કહે, “મહારાજ! તમે ઓટે ઉતર્યા ત્યાં વઢી, ફળીયામાં આવ્યા ત્યાં વઢી અને તમને દૂધ દેતાં વઢી, વાળુ કરાવતાં વઢી અને તમને ખાટલો દેતાં વઢી.” એમ પોતાની ઘણીક ભૂલો મહારાજને કહી દેખાડી. પછી મહારાજે પોતાના ચરણારવિંદમાં સોળે ચિહ્ન દેખાડ્યાં. તે જોઈને વજીફઈ બહુ જ રાજી થયા. ॥૪૮૬॥
છત્રી છે તે ઠેકાણે મહારાજ સભા કરીને વિરાજમાન હતા. ત્યાં સૌ બાઈ-ભાઈને મહારાજે હાર પહેરાવ્યા પણ નાનાભાઈ નારદીપુરના હતા. તેમની નાની દીકરીને હાર નો આપ્યો. ત્યારે જતનફઈએ કહ્યું જે, “મહારાજ! આ નાનાભાઈની દીકરીને હાર નથી આપ્યો.” ત્યારે મહારાજ બોલ્યા જે, “તે છોકરીને કાંઈ હાર આપવો નથી.” તે સાંભળીને સૌ વિચારમાં પડી ગયાં જે, “મહારાજ! આ શું બોલ્યા? હજી તો એ બાલ્યાવસ્થામાં છે.” પછી થોડાક દિવસ રહીને સૌ પોતપોતાને ઘરે ગયાં. અને એ છોડી અવસ્થા થયે કોઈ પરપુરુષને લઈને નાસી ગઈ. તે સાંભળીને સૌ માણસોને મહારાજનાં વચન યાદ આવ્યાં. ॥૪૮૭॥
હાલ છત્રી છે ત્યાં મહારાજ વિરાજમાન હતા તે વખતે બોટાદથી ભગા શેઠ વગેરે હરિજન ત્યાં દર્શને આવ્યા હતા. તેમની સાથે નરશી જોશી કરીને બ્રાહ્મણ દર્શને આવ્યા હતા. તેમને મહારાજે કહ્યું જે, “જોશી! તમે ભાવનગર વજેસિંહજી દરબારની કચેરીમાં બોલ્યા હતા તે બોલો.” જોશી કહે, “કાંઈ નહીં, મહારાજ!” પછી મહારાજ કહે, “ના, બધી વાત કહી દેખાડો.” પછી જોશી બોલ્યા જે, “મહારાજ! હું ભાવનગર ગયો હતો અને ત્યાં તતાણા ગામનો મુળુ ચારણ તમારું વાંકુ કચેરીમાં બોલવા લાગ્યો. ત્યારે કચેરીમાં હું ઉભો થઈને બોલ્યો જે, બોલ્યમાં બોલ્યમાં લીંડા સ્વામિનારાયણ તો સાક્ષાત્ ભગવાન છે. એમ મેં એને બે ત્રણવાર લીંડો કહ્યો એટલે તે કચેરીમાં બેસી ગયો. ત્યારે વજેસિંહજી દરબાર બોલ્યા જે, ‘મુળુ! સ્વામિનારાયણ તો જોશી કહે છે તેવા ભગવાન છે અને સૂર્ય સામી ધુળ નાંખીયે તો પોતાની આંખમાં પડે.’” તેવું સાંભળીને મહારાજે બોરીનો ચોફાળ ઓઢ્યો હતો તે નરશી જોશીને ઓઢાડ્યો. તે ચોફાળ આજે બોટાદના મંદિરમાં સજામાં દર્શન માટે મૂકેલો છે. ॥૪૮૮॥
મહારાજ બાવળીયા નીચે સભા કરીને વિરાજમાન હતા અને વાઘાખાચરને તથા ભગા ધાધલને મહારાજે કહ્યું જે, “તમે બન્ને જણા ઘોડાં દોડાવો અને જોઈયે કોની ઘોડી મોર થાય છે?” પછી બન્ને જણે ઘોડાં દોડાવ્યાં તેમાં વાઘાખાચરની ઘોડી મોર થઈ. ત્યારે મહારાજ બોલ્યા જે, “ભગા! તારી ઘોડી પાછળ રહી ગઈ.” ત્યારે ભગો કહે, “ના, મહારાજ! કાંટાની ભાસ્ય આવી, તેથી પાછળ રહી ગઈ.” ત્યારે મહારાજ કહે, “ફરી દોડાવો.” પછી બન્ને જણે ફરી દોડાવ્યા તો પણ ભગા ધાધલની ઘોડી પાછળ રહી ગઈ. ત્યારે મહારાજ કહે, “ભગા! તારી ઘોડી પાછળ રહી ગઈ.” ત્યારે ભગો કહે, “એ તો તેતર ઉડ્યું તેથી ઘોડી પાછળ રહી ગઈ.” મહારાજ કહે, “ભગો માની છે તે હા પાડતો નથી.” ॥૪૮૯॥
એક વખત મહારાજ સારંગપુર હોળી પૂજવા ગયા હતા. ત્યાં મહારાજે કાઠીયોને કહ્યું જે, “તમે ગામ શી રીતે ભાંગો?” ત્યારે સુરાખાચર બોલ્યા જે, “મહારાજ! તમે થાઓ ગામેસા અને અમે થઈયે ગામ ભાંગનારા.” પછી મહારાજ ગામમાં પધાર્યા અને કાઠીએ ગામને પાદરમાં હોકારો કર્યો. તે ગામનાં માણસ સૌ તેણી કોર દોડ્યાં અને ગામ ખાલી થઈ ગયું અને કાઠી સૌ ઉત્તરાદે ઝાંપેથી ગામમાં પેશી ગયા. પછી સુરોખાચર કહે, “જુઓ, મહારાજ! અમે આમ ગામ ભાંગીયે.” ॥૪૯૦॥
ગામમાં છત્રી છે ત્યાં સંત તથા હરિજન પાસે ઉભાં ઉભાં સ્વામિનારાયણના નામની ધુન્ય કરાવી અને પછી મહારાજ દરબારમાં પધાર્યા અને ચોમાસામાં એક વખત મહારાજ સારંગપુર પધાર્યા હતા. તે વખતે વરસાદ બહુ વરસતો હતો તેથી સંત ઝોળી માગવા જઈ શક્યા નહીં. પછી સવારમાં કાઠીયોને સાથે લઈને મહારાજ ઝોળી માગવા નીસર્યા તે રોટલા, દહીં, દૂધ વિગેરે જે ઝોળીમાં આવ્યું તે બધું ચોરે એકઠું કર્યું. અને પછી મહારાજ સુતારને ઘરે ઝોળી માગવા ગયા ત્યારે સુતારે દૂધ સાકર નાંખીને કળશીયો ભરી રાખ્યો હતો તે દીધો એટલે મહારાજ ત્યાં ઊભા ઊભા પીઈ ગયા અને પછી ઘેલા શેઠને ઘરે ગયા. ત્યારે શેઠ કહે, “મહારાજ! અમે તો વાણીયા કહેવાઈએ. અને વાસણ હજુ ઉટક્યાં નથી પણ મારે કેડ દુઃખે છે તે મેથીના લાડુ કરીને માટલી ભરીને રાખ્યા છે તે લ્યો.” એમ કહીને તે માટલી ઝોળીમાં ઠલવી દીધી અને પછી મહારાજે ચોરે સંતની પંક્તિ કરી અને એક નિગુણાનંદ કરીને સાધુ હતા. તેની મા તેને ઘરે તેડી ગયાં હતાં તે બે ત્રણ દિવસના ભુખ્યા હતા. તે પણ પંક્તિ ભેગા જમવા બેસી ગયા. પછી મહારાજ સંતને દહીં પીરસતા હતા તે વખતે તે સંતને દીઠા. તેમને મહારાજે દહીંવાળે હાથે ઠોંટ મારીને કહ્યું જે, “તારી માને મેલીને આંહીંયાં કેમ આવ્યો?” તેને ગાલે મોવાળામાં દહીં ચોટ્યું. તે લઈને તે ખાવા મંડ્યા. ત્યારે મહારાજ કહે, “ખા, ખા, ખા, તું ભૂખ્યો છે.” અને કહ્યું જે, “તારી માની સેવા કરજે.” ॥૪૯૧॥
એક વખત સારંગપુરમાં મહારાજે આખા ગામને વર્તમાન ધરાવ્યાં. ત્યારે એક કણબીનો છોકરો બોલ્યો જે, “મહારાજ! મારી મા રહી ગઈ.” ત્યારે મહારાજ કહે, “તારી માને બોલાવી લાવ્ય.” પછી તે ડોશીને બે જણાએ હાથના આંકડા કરીને તે ઉપર બેસારીને મહારાજ પાસે લાવ્યા. તેને મહારાજે હાથમાં પાણી આપ્યું અને તે ડોશી કાને બહેરી હતી. તે બોલી જે, “હે, મહારાજ!” ત્યારે મહારાજ કહે, “હેં કરકે હાં કર જા તારું કલ્યાણ થઈ રહ્યું.” ॥૪૯૨॥
એક વખત મહારાજે સારંગપુરમાં સમૈયો કર્યો હતો અને કાઠીયો ઉપર તથા જીવાખાચર ઉપર બહુ રાજી થયા. પછી મહારાજે કહ્યું જે, “તમે કાંઈક વર માગો.” ત્યારે સૌએ કહ્યું જે, “મહારાજ! અમારા ગામમાં જમ ન આવે.” ત્યારે મહારાજ કહે, “જાવો નહીં આવે.” પછી રામખાચર સીમમાંથી આવ્યા. તેણે વાત સાંભળી જે, “મહારાજ પાસે કાઠીયોએ આવી રીતે વર માગ્યો.” ત્યારે તેમણે કહ્યું જે, “આ તો લોકને સુખ કર્યું અને આપણું મૃત્યુ તો સીમાડે થાય માટે અમારા ગામના સીમાડામાં જમ ન આવે એ વર આપો.” પછી મહારાજે તેવો વર આપ્યો જે, “જાવ, તમારા ગામના સીમાડામાં જમ નહીં આવે.” ॥૪૯૩॥
એક વખત મહારાજ કારીયાણી હતા અને વડોદરાના દીવાનજીની બીક લાગતી હતી. તેથી મહારાજ ભાગીને સારંગપુર આવ્યા અને જીવાખાચરને કહ્યું જે, “અમારે સંતાવું છે. કેમ જે દીવાનજી અમને ઝાલી જાય.” પછી જીવાખાચરે ઓરડો ઉઘાડી દીધો. તેમાં મહારાજ પેઠા અને કમાડ સામું જોયું ત્યાં તો સાંકળ ભાળી નહીં. ત્યારે મહારાજ બોલ્યા જે, “અમને મરાવી નાંખવા છે કે શું? માટે અત્યારે લુવારને બોલાવીને સાંકળ કરાવી દ્યો.” પછી લુવારને બોલાવીને સાંકળ કરાવી લીધી અને મહારાજે ઢીંચણે ભીંસ દઈને સાંકળ વાસી. પછી મહારાજ બોલ્યા જે, “હવે દીવાનજીનો ભય નહીં.” અને રાત્રે ઢોલીયા ઉપર સુઈ રહ્યા એવી રીતે મનુષ્ય લીલા કરતા. ॥૪૯૪॥
મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા અને મુક્તાનંદ સ્વામી આદિક સાઠ સાધુ કાનમ દેશમાંથી આવ્યા અને સારંગપુરના પાદરમાં આવીને બેઠા હતા. તે વખતે રાઠોડ ધાધલ કળશીયે જવાને નીકળ્યા હતા. તે સંતને જોઈને પગે લાગવા ગયા. પછી મુક્તાનંદ સ્વામીએ તેમની સાથે કહેવરાવ્યું જે, “તમે મહારાજને પૂછી આવો જે, સાઠ સાધુ આવ્યા છે તેમને દર્શન થાશે?” પછી તેમણે તે પ્રમાણે મહારાજને વાત કરી જે, “મુક્તાનંદ સ્વામી આદી સાઠ સાધુ તમારે દર્શને આવ્યા છે તે દર્શન થાશે?” તે સાંભળીને મહારાજે કહ્યું જે, “જાઓ કહો જે દર્શન નહીં થાય.” પછી મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, “મહારાજે ના પાડી છે જે દર્શન નહીં થાય.” તે સાંભળી સૌ સંત નિરાશ થયા. ને બહુ દિલગીરી કરવા લાગ્યા અને સૌ પાછા ત્યાંથી ચાલી નીકળ્યા. પછી રાઠોડ ધાધલે મહારાજને કહ્યું જે, “સાધુ તો બહુ દિલગીર થયા.” ત્યારે મહારાજ કહે, “ચાલો, આપણે સંતને દર્શન દેવા જઈએ.” અને સર્વે સંત ગામ સામું પાછું વાળી વાળીને જોતાં જાય ને ચાલ્યા જાય. પછી મહારાજ ઘોડીયે સ્વાર થઈને ગામ બહાર નીસર્યા અને સાધુ પણ આગળ ચાલ્યા. તે હોલીધાર કહેવાય છે ત્યાં ઉભા રહ્યા હતા. ત્યાં મહારાજ પહોંચીને બધા સંતની ફરતી ઘોડી ફેરવીને સંતની પ્રદક્ષિણા કરવા લાગ્યા અને સંત સૌ દંડવત કરવા લાગ્યા. પછી મહારાજ ઘોડી ઉપરથી હેઠા ઉતરીને સંતને દંડવત કરવા લાગ્યા. એટલે સાધુએ મહારાજને બાથમાં ઘાલીને બેઠા કર્યા અને ધાબળી પાથરી દીધી. તે ઉપર મહારાજ બેઠા અને ફરતા બધાય સંત બેઠા. પછી મહારાજ બોલ્યા જે, “ધન્ય છે મહાપુરષો! તમોએ મારે માટે અપમાન સહન કરીને જગતમાં મને પ્રસિદ્ધ કર્યો. માટે આજથી મારું સુખ છે તે હું તમને આપું છું.” ત્યારે કેટલાક સાધુને સંકલ્પ થયો જે, “મહારાજે આપણને શું સુખ આપ્યું? જ્યાં જઈએ ત્યાં મૌડી મૌડી કરે છે.” ત્યારે મહારાજ કહે જે, “મનના ધાર્યા કરશે તેને મારું સુખ નહીં મળે.” પછી સંતને ગામમાં લઈ ગયા અને દર્શન-સ્પર્શનું સુખ અતિશય આપ્યું. ॥૪૯૫॥
શ્રીજીમહારાજ વાઘાખાચરને ઘરે જમવા બેઠા હતા અને અમરોખાચર તથા અમરબાઈ મહારાજ પાસે બેઠાં હતાં. પછી મહારાજ બોલ્યા જે, “અમરાખાચર! તમારી ભેંશોનું દૂધ બહુ જ સારું છે, તે લાવો તો જમીએ.” અમરોખાચર દૂધ લેવા ગયા એટલે તેનાં ઘરનું માણસ આડું ફર્યું જે, “વાઘાખાચરને ઘરે નહીં આપું. મહારાજને જમવું હોય તો અહીં આવે પણ ત્યાં નહીં.” પછી અમરાખાચરે કહ્યું જે, “મહારાજ! દૂધ તો મેળવી દીધું છે.” ત્યારે મહારાજ કહે, “પારેટ ભેંશનું દહીં બહુ સારું હોય માટે દહીં લાવો.” પછી અમરાખાચરે દહીંનું દોણ લીધું. તે ઘરના માણસે હાથમાંથી ઝુંટી લીધું. પછી અમરોખાચર બોલ્યા જે, “જોજે હું જાતનો કાઠી છું.” બાઈ કહે, “સૂરજ ઉગમણો ઉગે છે તે આથમણો ઉગે તોય પણ ત્યાં નહીં આપું.” પછી અમરાખાચર બોલ્યા જે, “જા, રાંડ. તું મારી મા બહેન છે.” પછી મહારાજ પાસે આવીને કહ્યું જે, “મહારાજ! દહીંની તો છાશ કરી નાંખી.” ત્યારે મહારાજ કહે, “કાંઈ છાસ પણ કરી નથી અને દૂધ મેળવ્યું નથી પણ અમારે કરાવવું હતું તે કરીને આવ્યા.” ત્યારે અમરાખાચર બોલ્યા જે, “પણ આજથી ત્રીજે દિવસે બીજી લાવીને બેસારૂં.” પછી એક સત્સંગી બાઈ સાથે અમરાખાચરને પરણાવ્યા. ॥૪૯૬॥
જીવાખાચરે મોટી વાડીયે કુવો કરાવ્યો હતો અને ત્યાં પાણી થાતું નહોતું. પછી થોડુંક પાણી થયું. ત્યારે મહારાજે પાણીની કુંડી ભરાવી અને તે કુંડીમાં પોતે બેઠા અને માંહે ઝાઝી વાર સુધી ડુબકી મારીને શ્વાસ બંધ કર્યો. પછી મહારાજ કહે, “હવેખોદવા માંડો પાણી ઘણાં થાશે.” પછી થોડુંક ખોદ્યું ત્યાં તો ઘણું પાણી નીકળ્યું. પછી તેમાં વાઢ કર્યો. તે વાઢ બહુ જ સારો થયો. ॥૪૯૭॥
અને મહારાજ વરતાલ પધાર્યા હતા અને વળતા ગામ સારંગપુર આવ્યા ત્યાં મોટી વાડીયે ઉતર્યા. પછી મહારાજે કાઠીયોને કહ્યું જે, “તમે તો વટળેલા કહેવાઓ માટે આજ તો હું મારે હાથે રસોઈ કરીશ.” પછી મહારાજે ઘઉંના લોટની બાટીયું હાથે કરી અને બાટીયોને પોતે ફેરવે ત્યારે હાથ દાઝે ત્યારે સુરોખાચર બોલ્યા જે, “મહારાજ, તમે હાથે દાઝો છો અને ફેંકવું પડે છે માટે તમારી મરજી હોય તો આ બાજરાનાં રાડાં પડ્યાં છે તેનાથી કહો તો અમે ફેરવીએ.” તે સાંભળી મહારાજે કહ્યું જે, “રાડે ફેરવી હોય તો ફેરવો, તેમાં બાધ નહીં.” એમ કરતાં કરતાં સુરોખાચર મહારાજને અડી ગયા. પછી મહારાજ કહે, “જો માળો જાડીયો! અમને અડીને ભ્રષ્ટ કર્યા.” પછી સૌ કાઠીયે મળીને તે બાટીયો સેકી દીધી અને રીંગણાના ઓળા કર્યા. તે વખતે ગામમાંથી અમરબાઈ તથા ઘેલા શેઠનાં ઘરવાળાં વિગેરે કેટલીક બાઈયો મહારાજ માટે થાળ લઈને આવી અને થાળ હેઠો મેલીને મહારાજને પગે લાગ્યાં. પછી મહારાજે કહ્યું જે, “તમે કીર્તન બોલો તો અમે થાળ જમીયે.” પછી અમરબાઈ કીર્તન બોલવા મંડ્યા જે ‘છોગાળો રે છોગાળો રે છોગા લીધાં હાથે મોરલી મેલી માથે રે છેલ છોગાળો.’ મહારાજ કહે, “‘મોરલી માથે ને છોગાં હાથે’ એમ કેમ બોલો છો?” ત્યારે અમરબાઈ કહે, “મહારાજ! અમે તો આમ શીખ્યા છીએ.” પછી મહારાજ કહે જે, “આમ બોલો – ‘છોગાળો રે છોગાળો રે.. મોરલી લીધી હાથે, છોગાં મેલ્યાં માથે રે છેલ છોગાળો.” પછી વળી બોલ્યા જે, “કોઈને કુતરું તુતકારતાં આવડે છે?” ત્યારે ઘેલા શેઠની ઘરવાળી બોલી જે, “હા, મહારાજ! મને આવડે છે.” પછી શેઠાણીએ કુતરાને તુત એમ કર્યું. એટલે સામી વાડીયેથી કુતરું દોડ્યું આવ્યું. મહારાજ કહે, “શેઠાણી બહુ ડાહ્યાં લાગે છે હો જોને. કુતરૂં તુતકારતાં આવડે છે.” પછી મહારાજ સખાસહિત ત્યાં થાળ જમીને સૌને પ્રસાદી આપીને પછી ગામમાં પધાર્યા હતા. ॥૪૯૮॥
મહારાજ સારંગપુરથી કુંડળ પધારતા હતા અને અમરબાઈ વિગેરે નાની નાની બાળકીઓ સૌ વગડામાં બોરાં વીણતાં હતાં. પછી મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા હતા. તે ઉભી રાખીને પૂછ્યું જે, “અમરબાઈ! શું કરો છો?” અમરબાઈ કહે, “મહારાજ! તમારા સારું બોરાં વીણું છું.” પછી મહારાજે પોતાના ખેસનો છેડો લટકતો હતો તેની ખોઈ વાળી ને અમરબાઈએ માંહે બોર નાખ્યાં. તે જમીને મહારાજ બોલ્યા જે, “અમરબાઈ! બોર બહુ સારા છે.” પછી મહારાજ કુંડળ પધાર્યા અને સાથે સખા હતા તેને પણ મહારાજે બોર આપ્યાં હતાં. ॥૪૯૯॥
અને મહારાજ સારંગપુર પધાર્યા હતા અને વરસાદ બહુ હતો. પછી મહારાજે જીવાખાચરને કહ્યું જે, “ભુખ બહુ લાગી છે.” ત્યારે જીવોખાચર કહે, “મહારાજ! થાળ તૈયાર છે.” પછી ચોમાસું હતું એટલે છાણાં ક્યાંઈ ન મળ્યા. તેથી હીંડોળા ખાટ્યનો પાયો ફાડવા માંડ્યો. તે ધબકારા સાંભળીને મહારાજ ત્યાં પધાર્યા. મહારાજ કહે જે, “જીવાખાચર! આ શું કરો છો?” જીવોખાચર કહે જે, “મહારાજ! તમારે માટે થાળ કરવો છે.” ત્યારે મહારાજ કહે કે, “તેટલા સારુ સાઠ્ય રૂપિયાની ખાટ્ય ફડાય?” જીવોખાચર કહે, “મહારાજ! તમારાથી શું અધિક છે?” પછી દેવુબાઈએ થાળ કરીને મહારાજને જમાડ્યા. ॥૫૦૦॥
એક દિવસ રાત્રીયે મહારાજ પોઢ્યા હતા. તે રાત્રી ચોમાસાની હતી અને વરસાદ બહુ વરસતો હતો અને રાજગર બ્રાહ્મણનું ઘર તે વખતે પડી ગયું. પછી બ્રાહ્મણ દોડાદોડ મહારાજ પાસે આવ્યો અને બૂમ મારી જે, “મહારાજ! મારું ઘર પડી ગયું અને નીચે ઢોર દબાઈ ગયાં.” પછી મહારાજે કાઠીયોને કહ્યું જે, “ઉઠો. ઉઠો. જાઓ.” પણ કોઈ કાઠી ઉઠ્યા નહીં. પછી મહારાજ એક ખેસ ભેર તે બ્રાહ્મણને ઘરે ગયા અને જઈને તેના ખોરડાનો મોભ મહારાજે ખંભે લઈને ઉંચો કર્યો અને કાઠી સૌ પાછળથી ગયા અને મહારાજને ખંભે લાકડાનો સળ પડી રહ્યો હતો. પછી મહારાજ કહે, “ઢોરની વખાર હોય ત્યાં દાતરડું રાખવું.” એવી રીતે શીખામણ સૌને દીધી ને જો અગ્નિ થયો હોય તો કામ આવે. ॥૫૦૧॥
સારંગપુરમાં એક મહીના સુધી બ્રાહ્મણોને જમાડ્યા હતા અને ગામને પાદર ખીજડા છે ત્યાં બ્રાહ્મણના ચોકા થાતા અને સૌ જમ્યા પછી કચરાના રાંધેલા વાસણ ખીજડા ઉપર ચડાવી મૂકતાં પણ તેટલી જગ્યામાં કોઈ જાનવર પણ આવતું નહીં. એમ એક માસ સુધી જમાડ્યા. પછી મહારાજ બોલ્યા જે, “જીવાખાચર! અમારે બ્રાહ્મણોને દક્ષિણા આપવી છે.” તે વખતે હાજો ગમારો કરીને એક ભરવાડ હતો તે બોલ્યો જે, “મહારાજ! મેં પાંચસો રૂપિયા રાખોળીને દોણું ભરીને દાટ્યા છે.” તે સાંભળીને મહારાજ બોલ્યા જે, “લાવ્ય, તારા રૂપિયા બ્રાહ્મણને દક્ષિણા આપીયે.” પછી તેણે તે રૂપીયા લાવીને મહારાજ પાસે મેલ્યા. પછી મહારાજે સુરાખાચરને તે રૂપિયાની ખોઈ વળાવી અને નદીમાં બ્રાહ્મણની પંક્તિ કરી. પછી મહારાજે જણ દીઠ એક-એક રૂપિયો આપ્યો અને પછી હાજા ગમારાને કહ્યું જે, “લે, તારા રૂપિયા.” પછી હાજા ગમારે રૂપિયા ગણ્યા ત્યાં તો પાંચસો પુરા થયા. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. ॥૫૦૨॥
ગામ બહાર છત્રી છે ત્યાં મહારાજ સભા કરીને ઢોલીયા ઉપર વિરાજમાન હતા અને હાજા ગમારનો ભાઈ નાના ગમારને સાઠ રૂપિયા મુડી હતી. પછી તેમાંથી ત્રીશ રૂપિયા લઈને મહારાજ પાસે આવ્યો. અને મહારાજને પગે લાગીને એક રૂપિયો મૂક્યો એટલે મહારાજ મુખારવિંદ અવળું કરીને બેઠા. ત્યાં જઈને વળી બે રૂપિયા મૂક્યા. વળી મહારાજ આણીકોર ફરીને બેઠા એટલે તેણી કોર ચાર રૂપિયા મૂક્યા એમ કરતાં કરતાં ત્રીશે રૂપિયા મૂકી દીધા અને પછી ઘરે બીજા રૂપિયા લેવા દોડ્યો એટલે મહારાજ બોલ્યા જે, “નાના! ક્યાં જાય છે?” ત્યારે નાનો કહે, “મારે ઘરે બાકી ત્રીશ રૂપિયા પડ્યા છે તે લેવા જાઉં છું. અને કેમે કરતાં ભગવાન મારી સાથે બોલે? એમ બીજા ત્રીશ રૂપિયા લાવીને તમને બોલાવવા હતા.” પછી તેના ઉપર મહારાજ બહુ જ રાજી થયા. ॥૫૦૩॥
એક વખત મહારાજ છાના રહેતા હતા અને નદીમાં ભારાની પીંપળ કહેવાય છે ત્યાં નાનું એવું નેરું છે ત્યાં મહારાજ છાના રહેતા. એટલે રાઠોડ ધાધલને ખબર પડી જે, “મહારાજ! આંહીં છાના રહે છે.” પછી પોતે બળદને હાંકીને ત્યાં ગયા અને બળદને કહેવા લાગ્યા જે, “હે હે ત્યાં ક્યાં જાય છે? અહીંયાં તો મહારાજ છાના રહે છે.” પછી મહારાજ કહે જે, “અહીંયા પણ અમને સુખ આવવા દીધું નહીં.” ॥૫૦૪॥
જીવાખાચરના ઉત્તરાદાબારના ઓરડાની દક્ષિણાદિ ઓસરીમાં એક માસ સુધી સદ્ગુરુ બ્રહ્મચારી આનંદાનંદજી સ્વામીએ મોટી વાડીયેથી પાણી ભરી લાવીને શ્રીજીમહારાજને થાળ કરીને જમાડ્યા હતા. ॥૫૦૫॥