સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

સુરાખાચરની વાતો તથા લોયાની લીલા

એક સમે મહારાજશ્રી અલાઉ પધાર્યા હતા. ત્યાં વાણીયાણ બાઈ સત્સંગી હતાં. તે બાઈ મહારાજ સારુ શીરો કરતાં હતાં. પછી મહારાજે જઈને પૂછ્યું જે, “શેઠાણી! શું કરો છો?” ત્યારે શેઠાણી કહે, “મહારાજ! તમારા સારુ શીરો શેકુ છું અને આ સાકરના પાણીનો કળશીયો ભર્યો છે.” તે જોઈને મહારાજ તે કળશીયો લઈને ઉભા (ઊભા) પીઈ ગયા અને પછી ઘોડીયે ચડીને ચાલી નીકળ્યા. ॥૫૦૬॥

એક સમે શ્રીજીમહારાજે લોયામાં શાક ઉત્સવ કર્યો. તેમાં બાર મણ ઘીનો વઘાર મૂક્યો હતો અને શ્રીજીમહારાજ પંડ્યે શાક હલાવતા હતા. તે સમે ગામ બુવાના કહાનદાસ તથા કાશીદાસ વિગેરે દોઢસો માણસનો સંઘ આવ્યો અને કાશીદાસ વિગેરેએ મહારાજને દંડવત કર્યા ને પગે લાગ્યા અને કહાનદાસ તો ઉભા થઈ રહ્યા. તે સમે મહારાજ શાકમાં હવેજ નાંખતા હતા તેથી વસ્ત્ર બધાં પીળાં થઈ ગયાં હતાં અને હવેજની ગરમીથી નાસિકામાં પાણી પણ આવી ગયાં હતાં અને બે થાંભલીઓ વચ્ચે હાથમાં કડબનો પુળો લઈને શાક હલાવતા હતા. તે જોઈને કહાનદાસ બોલ્યા જે, “તમે સૌ કોને પગે લાગ્યા?” ત્યારે સૌએ કહ્યું જે, “આ સ્વામિનારાયણ ભગવાન છે.” ત્યારે કહાનદાસ બોલ્યા જે, “આ કોળીના વર જેવાને ભગવાન કહેવાતા હશે?” પછી તે પાછા ચાલ્યા ત્યારે શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, “સ્વામી! ગંગાજીને કાંઠેથી તરસ્યો જાય તે કેવો કહેવાય?” ત્યારે સ્વામી કહે, “મહારાજ! તે તો મૂરખ કહેવાય.” તે સાંભળીને કહાનદાસે પાછું ફરીને જોયું. તે સમે પોતાને એવું દર્શન થયું જે, રત્નજડિત બાજોઠ છે તે ઉપર શ્રીજી મહારાજ જમવા બેઠા છે. પીળાં રેશમી વસ્ત્ર પહેર્યાં છે ને માથે મોરપીંછનો મુગટ ધારણ કરેલો છે અને સોનાના થાળમાં છત્રીશ પ્રકારનાં ભોજન પીરસેલાં છે અને જાણે લક્ષ્મીજી પીરસે છે; એવાં તેમને દર્શન થયાં. પછી તે દંડવત કરવા લાગ્યા અને કહ્યું જે, “મહારાજ! તમે તો સાક્ષાત ભગવાન છો તે મારો અપરાધ માફ કરજો.” ॥૫૦૭॥

મહારાજ લોયામાં હતા. તે સમે દેશમાંથી રામપ્રતાપજીભાઈ તથા ઇચ્છારામજીભાઈ આવ્યા. તેમાં પ્રથમ ઇચ્છારામજી બે દિવસ અગાઉ આવેલા હતા અને મહારાજ કણબીને ઘરે ઉત્તરાદાબારના ઓરડે ઢોલીયા ઉપર વિરાજમાન હતા. અને સંતને જમવાની પંક્તિ થઈ હતી. તે સમે ઇચ્છારામજી મહારાજ આવ્યા. પછી મુક્તાનંદ સ્વામી જમવું પડ્યું મુકીને જળ પીઈને ઇચ્છારામજીનો હાથ ઝાલીને મહારાજ પાસે તેડી ગયા. સ્વામી કહે, “મહારાજ! ભાઈ આવ્યા!” ત્યારે મહારાજ કહે, “અમારે તો ભાઈએ નથી અને કોઈએ નથી.” પછી ઇચ્છારામજી મહારાજ બહુ રોવા લાગ્યા. પછી સ્વામી કહે, “મહારાજ! ભાઈને બોલાવો.” પછી મહારાજ કહે, “ઇચ્છારામ! છાના રહો.” તેથી છાના રહીને પગે લાગ્યા. પછી મહારાજ કહે, “એમના ઉતારા કરાવો અને રસોઈ કરાવો.” પછી તેમને ઉતારો કરાવીને રસોઈ કરાવીને જમાડ્યા. ॥૫૦૮॥

પછી ત્રીજે દિવસે રામપ્રતાપજી મહારાજ આવ્યાના સમાચાર આવ્યા. પછી મહારાજ ગાડાં જોડાવીને ભાઈના સામા પધાર્યા અને ઇચ્છારામજી પણ સાથે સામાં ગયા હતા. તે સમે મહારાજની સાથે પાંચસો પરમહંસ તથા કેટલાક હરિજનો પણ હતા. તે જોઈને રામપ્રતાપભાઈને અતિ આશ્ચર્ય થયું જે, “આટલા બધા માણસો આમને માને છે.” અને એક ગાડા ઉપર રામપ્રતાપજી તથા ઇચ્છારામજી તથા મુક્તાનંદ સ્વામી એ ત્રણ જાણ બેઠા. પછી ઇચ્છારામજીએ રામપ્રતાપજીને વાત કરી જે, “આપા ભાઈ બહોત બડા હે અને હજારો લોક તેને માને છે. આપણા દાદા કહેતા હતા જે, આ લાલજી છે માટે તમે તેને પગે લાગજો.” પછી રામપ્રતાપજી કહે કે જે, “ઇચ્છારામ, ક્યું પગે ન લાગે? હું પગે લાગીશ.” પછી મહારાજ આગળથી આવીને મંચ ઉપર વિરાજમાન થયા. પછી રામપ્રતાપજી વિગેરે સૌ ગામમાં દરબારમાં આવ્યા ત્યારે મહારાજ મંચ ઉપરથી ઉતરીને મોટાભાઈના પગમાં પડ્યા અને તુરત પાછા મંચ ઉપર ચડીને બેસી ગયા. પછી ઇચ્છારામજી કહે, “ભૂલ ગયા, ભૂલ ગયા જે, મેં તમને આટલું બધું સમજાવ્યા હતા તો પણ તમે મહારાજને પગે લાગ્યા નહીં.” પછી ભાઈને સભામાં ગાદી તકીયો નંખાવી દીધો. તે ઉપર બેઠા અને મહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યા. પણ મહારાજને ઓળખી શક્યા નહીં. પછી મહારાજ બોલ્યા જે, “ભાઈ! તમે મને ચીભડી નિંદવા લઈ ગયા હતા. તે સાંભરે છે કે?” વળી બોલ્યા જે, “તમે ગામ ભાંગ્યું હતું અને અમે દહીંનું દોણું લાવ્યા હતા અને તમે વાડમાં પડી ગયા હતા તે અમે કાંટા કાઢ્યા હતા.” એ વિગેરે ઘણીએ વાતોની નિશાનીઓ બતાવી. પછી સાંભળીને ભાઈ મહારાજને ઠપકો દેવા લાગ્યા અને કહ્યું જે, “આટલાં આટલાં વરસ થયાં પણ અમને એકે સંદેશો પણ મોકલ્યો નહીં. અમે સૌ કુટુંબ (રોઈ) રોઈને થાકી ગયાં.” તે સાંભળી રહ્યા ને પછી મુક્તાનંદ સ્વામી કહે, “ભાઈ! મહારાજના બાલચરિત્રની વાર્તા કરો.” ત્યારે મહારાજ કહે, “સ્વામી! તે તો અમારી ભેળા રહ્યા નથી અને સંબંધી ભેળા રહ્યા છે. માટે તેમને અમારી લીલાની ખબર નથી.” એમ શ્રીજીમહારાજે કહ્યું. મહારાજે તેમનો ઉતારો કરી આપવાની આજ્ઞા કરી ને પછી સૌ ભેળાં રહ્યા. અઠ્યાવીશ વર્ષે મહારાજ ભેળાં થયા. ॥૫૦૯॥

મહારાજ વરતાલ પધારતા હતા અને સાથે નંદરામભાઈ તથા ગોપાળજી મહારાજ હતા અને બોરુએ ગોપાળજી મહારાજ પોતાના લાલજી ભૂલી ગયા હતા. પછી સામે ગામ મુકામ કર્યો. ત્યારે ગોપાલજીભાઈએ મહારાજને કહ્યું જે, “મહારાજ! બોરુને મુકામે મારા લાલજી પડ્યા રહ્યા.” પછી મહારાજ કહે, “લાવો, આપણો ભાતાનો ડબો.” તેમાંથી મહારાજ અરધો પેંડો જમ્યા અને પછી કહ્યું કે, “લ્યો, ગોપાળજીની પ્રસાદી.” પછી ગોપાળજી મહારાજ તો જમવા બેઠા ત્યારે નંદરામજી બોલ્યા જે, “ગોપાળ! લાલજી કે ધર્યા વગર ક્યું જમતે હો?” ત્યારે ગોપાળજીભાઈ કહે, “લાલજીએ જમીને મને પ્રસાદી આપી. તે હું જમું છું.” ત્યારે નંદરામજી બોલ્યા જે, “ક્યાં છે લાલજી દેખાડો?” ત્યારે તેમણે કહ્યું, “આપણો દાદો કહેતા જે, તમે આમને લાલજી કરીને પુજજો. તે મહારાજે મને પ્રસાદી આપી છે તેથી જમું છું.” ॥૫૧૦॥

અને મહારાજ લોયામાં વિરાજમાન હતા અને મહા મહીનામાં ગ્રહણ હતું. પછી ગ્રહણ મૂકાઈ રહ્યા પછી ભાદર નદીએ નહાવા સારુ મહારાજ પધાર્યા. તે વખતે ટાઢ બહુ હતી તેથી હરિજનો પાસે સાંઠીયોના ભર મંગાવ્યા હતા અને તાપ કરીને સૌને તપાડ્યા. પછી ગામમાં આવી રસોઈ કરાવીને સંતને સારી પેઠે જમાડ્યા. ॥૫૧૧॥

મહારાજ નાગડકેથી લોયે પધારતા હતા અને ગામના ઝાંપામાં સંઘા પટેલના ઘરનાં ભાત લઈને ખેતર જતાં હતાં તે મળ્યાં. તેમને મહારાજે પૂછ્યું જે, “પટલાણી! ક્યાં જાઓ છો?” પટલાણી કહે, “મહારાજ! દાડીયાનું ભાત લઈને જાઉં છું.” મહારાજ કહે, “અમને ભૂખ લાગી છે.” તે સાંભળી પટલાણી પાછા વળીને ઘરે આવ્યાં અને મહારાજને તથા સખાને બાજરાના રોટલા ને અડદની દાળ જમાડ્યા. પછી મહારાજ બહુ પ્રસન્ન થયા. પછી મહારાજ તરત સ્વાર થઈને ગઢપુર પધાર્યા અને ગઢપુરમાં મોટીબાએ મહારાજ માટે થાળ કર્યો, તે જમવા બેઠા. તે જમતા જમતા મહારાજ બોલ્યા જે, “થાળ તો અમે કાલ્ય લોયે જમ્યા છીએ તેવો તો કોઈ દિવસ જમ્યા નથી.” પછી બીજે દિવસ ઘણી યુક્તિથી રસોઈ કરીને મહારાજને જમવા બેસાર્યા. ત્યારે વળી મહારાજ બોલ્યા જે, “લોયે જેવો થાળ જમ્યા છીએ તેવો થાળ તો કોઈ દિવસ જમ્યા નથી.” પછી મોટીબાએ ગાડું જોડીને લોયે મોકલ્યું ને સંઘ સૌ પટલાણીને કહેવા લાગ્યા જે, “તમે મહારાજને થાળ કેવા પ્રકારના બનાવીને જમાડ્યા છે? તે મહારાજ વખતો વખત તમારાં વખાણ કરે છે.” પછી પટલાણી કહે, “બા! મેં તો અડદની ફોતરા સોતી દાળ કરી હતી ને દાડીયા સારૂ ત્રીશ રોટલા કર્યા હતા પણ મારો ભાવ જોઈને મહારાજ રાજી થયા છે બીજું કાંઈ નહીં.” ॥૫૧૨॥

એક વખત મહારાજ જેતલપુર પધાર્યા હતા. અને ગંગામાને ઘરે થાળ જમવા બેઠા. ત્યારે જમતાં જમતાં બોલ્યા જે, “ગંગામાં! હું જ્યારે અહીં આવું ત્યારે ધરાઈને જમું છું અને ગઢપુરમાં કોઈને રસોઈ આવડતી નથી માટે ત્યાં આવીને લાડુબાને રસોઈ કરતાં શીખવો. કેમ કે, તે કાચું બહુ રાખે છે.” પછી મહારાજ જમીને ઉતારે પધાર્યા અને ત્યાં થોડાક દિવસ રહીને ગઢપુર પધાર્યા અને ગંગામાને ગાડામાં બેસારીને સાથે તેડવા આવ્યા. પછી લાડુબા જ્યારે રસોઈ કરવા બેઠા ત્યારે ગંગામા સામે ચાકળો નાંખીને બેઠા અને લાડુબાને વારંવાર ટોકવા અને ઠબકો દેવા મંડ્યા જે, “આંધણ બરોબર મૂકવું. મીઠું મરચું ઘટે એટલું નાંખવું. તમારી રસોઈ કાચી રહે છે. તેથી મહારાજને પેટમાં દુઃખે છે. તેથી ધીરે રહીને રસોઈ કરવી.” એમ ઘણીક વાર ઠપકો દઈને લાડુબાને કહ્યા કર્યું. પછી લાડુબાને રીસ ચડી અને ગંગામાને કહેવા લાગ્યાં જે, “મહારાજ ભૂખ્યા રહે છે એમ અમને ઘણી વખત કહેલું છે. તો રાંડ તને જ રાંધતાં ક્યાં આવડે છે? અને મને શીખામણ દેવા આવી છે.” એમ હુંકારે ટુંકારે આવતાં બોલાચાલી થઈ અને વઢી પડ્યાં. તેની મહારાજને ખબર પડી એટલે મહારાજ અક્ષર ઓરડીમાંથી તુરત દોડી આવ્યા અને બોલ્યા જે, “રાખો, તમને બેયને સારી રસોઈ કરતા આવડે છે.” પછી બન્ને જણાં છાનામાના બેસી ગયાં અને મહારાજને થાળ જમાડ્યો. ॥૫૧૩॥

મહારાજ સવારના પહોરમાં સભા કરીને વિરાજમાન હતા અને સુરોખાચર જરાક મોડા આવ્યા. ત્યારે મહારાજ બોલ્યા જે, “આજ કેમ મોડા આવ્યા?” સુરોખાચર કહે, “મહારાજ! કો’ક બે બળદ લઈ ગયો.” ત્યારે મહારાજ કહે, “ત્યારે તો કોસ છૂટ્યો હશે ને?” ત્યારે સુરોખાચર કહે, “હું કો’કના ચાર બળદ લઈ આવ્યો છું; તે બે કોસ ચાલતા કર્યા છે.” ત્યારે મહારાજ કહે, “તમે વર્તમાન ચૂક્યા ને?” સુરોખાચર કહે, “મારા બળદીયા લઈ ગયો તેને ઠપકો દ્યોને. પહેલો તે વર્તમાન ચુક્યો ત્યાર પછી હું ચુક્યો ને.” ॥૫૧૪॥

મહારાજ પાતાળીયે કુવે બાવળીયા નીચે સભા કરીને વિરાજમાન હતા. ત્યાં કોઈક ગામના કણબી આવીને બેઠા. તેણે મહારાજને કહ્યું જે, “મહારાજ! આ તમારા સાધુ તો તરી ગયા પણ આ તમારા સત્સંગી કુડીયા કપટીયા છે તે નહીં તરે.” ત્યારે મહારાજ કહે, “તમને કાંઈ શેઢે સીમે ક્યાંઈ ઘસારો આપ્યો?” પટેલ કહે, “ઘસારો તો શું આપે?” મહારાજ કહે, “કેમ? પટેલ! તમારા હાથમાં શું છે?” પટેલ કહે, “મહારાજ! મારા હાથમાં પરોણો છે.” ત્યારે મહારાજ કહે, “આ કુવામાં નાખો જોઈએ. તરે છે?” તેથી પટેલે તે કુવામાં નાંખ્યો તે તરવા લાગ્યો. ત્યારે મહારાજ કહે, “પટેલ! પરોણામાં શું છે?” પટેલ કહે, “માંહે લોઢાની આર છે.” મહારાજ કહે, “એકલી આર નાંખો જોઈએ. તરે છે?” પટેલ કહે, “મહારાજ! લોઢું કાંઈ તરે?” ત્યારે મહારાજ કહે, “પટેલ! તમારે પરોણે જેમ આરને તારી તેમ મારા સંત મારા હરિજનને તારશે.” એમ મહારાજે વાત કરી. પછી તે પટેલ મહારાજને પગે લાગીને વખાણ કરવા લાગ્યા જે, “મહારાજ! તમોએ ખરી વાત કરી.” પછી મહારાજે તે પટેલને પૂછ્યું જે, “પટેલ! તમારે કેટલા દીકરા છે?” ત્યારે પટેલ કહે, “મારે ચાર દીકરા છે.” મહારાજ કહે, “તમારે વાલપ કોના ઉપર રહે?” પટેલ કહે, “મારે નાના દીકરા ઉપર રહે.” ત્યારે મહારાજ કહે, “મારા મોટા દીકરા સાધુ અને નાના દીકરા હરિભગત. તેથી પહેલું હરિભક્તનું કલ્યાણ કરીને પછી સાધુનું કરીશ.” ॥૫૧૫॥

મહારાજે વાત કરી જે, બે રાજા લડતા હતા. તેમાં સામા પક્ષવાળાના મહાજને વિચાર કર્યો જે, “આપણા રાજાની જીત થાય તેમ કરવું.” પછી જેટલા ઘાયલ થાય તેને પાટા પીંડી કરાવે અને પુરતો ખોરાક આપે. એમ કરતાં કરતાં પોતાના રાજાની જીત થઈ. ત્યારે રાજાએ વિચાર કર્યો જે, “આપણા યોદ્ધાઓને શીરપાવ કરવો જોઈએ.” ત્યારે સૌ માણસ બોલ્યા જે, “પહેલાં મહાજનને શીરપાવ કરો.” પછી દરબાર કહે, “તેનું કારણ શું?” ત્યારે લડવૈયા કહે, “સાહેબ! મહાજને અમારી સહાયતા કરી તેથી અમે જીત્યા છીએ.” પછી રાજાએ મહાજનને બોલાવીને શીરપાવ કર્યો ને પછી યોદ્ધાઓને શીરપાવ કર્યો. તેમ મહારાજ કહે જે, “મહાજનને ઠેકાણે અમારા હરિજન છે. અને યોદ્ધાને ઠેકાણે મારા સંત. કેમ કે હરિજનો સંતને અન્નવસ્ત્રનું પુરું કરે છે. તેણે કરીને સંત અમારું ભજન કરે છે. માટે રાજાએ જેમ પહેલો મહાજનનો સત્કાર કર્યો તેમ મારે પહેલું હરિજનનું કલ્યાણ કરવું છે અને પછી સંતનું કરવું છે.” તે સાંભળી કણબી સત્સંગી થયા. ॥૫૧૬॥

મહારાજ લોયામાં સભા કરીને વિરાજમાન હતા. ત્યાં એક બાઈ મહારાજને માટે અંગરખું કરાવીને લાવી અને તે મહારાજને પહેરાવ્યું. પછી ડોશીયે હાથ જોડીને મહારાજને કહ્યું જે, “મારું આ અંગરખું ફાટે ત્યાં સુધી પહેરજો.” પછી મહારાજે તે અંગરખું પહેરીને ખંભા મરોડ્યા એટલે અંગરખું ટુટી ગયું. પછી મહારાજ કહે, “લે, ડોશી! તારું અંગરખું ફાટી ગયું ત્યાં સુધી પહેર્યું.” એમ કહીને મહારાજે તેને પાછુ આપી દીધું. ॥૫૧૭॥

અને શ્રીજીમહારાજ તથા સુરોખાચર તથા શાંતિબાઈ; એ ત્રણે જણાં એકાંતમાં બેઠાં હતાં અને વલુબાઈ ક્યાંઈક ગામમાંથી આવ્યાં. અને ‘નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ’ એમ બોલ્યાં ત્યારે મહારાજ કહે, “જાઓ, જાઓ સાધુ આવ્યા.” સુરોખાચર કહે, “મહારાજ! એ તો વલુ છે.” પછી વલુબાઈ મહારાજ પાસે આવ્યાં. ત્યારે મહારાજ બોલ્યા જે, “વલું! તું આમ કેમ બોલે છે?” વલુબાઈ કહે, “મહારાજ! હું ભૂખી થાઉં ત્યારે આમ બોલું છું.” પછી મહારાજે ઉઠીને કોઠલામાંથી રોટલો ને દહીં આપ્યું. ॥૫૧૮॥

અને લોયા અને નાગડકા વચ્ચે ભૂતી તળાવડી છે ત્યાં મહારાજ સભા કરીને વિરાજમાન હતા અને વલુભાઈ પોતાના જેવડી બાળકીયો સાથે લઈ અને માથે ઠંડા પાણીના ઘડા લઈને મહારાજ પાસે ગયાં. ત્યારે મહારાજે છેટેથી તે બધી બાળકીઓને આવતી દીઠી. ત્યારે મહારાજે સુરાખાચરને પૂછ્યું જે, “ઓલ્યાં કોણ આવે છે?” સુરોખાચર કહે, “મહારાજ! વલુ હશે.” મહારાજ કહે, “વલુના મંડળ મોટાં દેખાય છે.” પછી સૌ મહારાજ પાસે આવ્યાં ત્યારે મહારાજે કહ્યું જે, “વલુ! શું લાવી?” વલુબાઈ કહે, “મહારાજ! તમારા સારુ ઠંડું પાણી લાવી છું.” મહારાજ કહે, “દેદો કુટતા આવડે છે? દેદો કુટો તો હું પાણી પીઉં.” પછી સૌ બાળકીઓએ દેદો કુટ્યો અને મહારાજ રાજી થયા. પછી મહારાજ કહે, “દેદમલ અને જોધમલ બે જોધા થઈ ગયા. તેને આ લોકો કુટે છે ને તેને હિંદુએ મારી નાંખ્યા છે.” ॥૫૧૯॥

અને સુરોખાચર ગઢપુર આવ્યા અને ઘોડીની સરક ઝાલીને ઉભા રહ્યા અને મહારાજ સભામાં વાતો કરતા હતા. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “ભગત! ઘોડી બાંધો.” એમ સ્વામીએ બે ચાર વાર કહ્યું, પણ ઘોડી બાંધી નહીં અને બોલ્યા જે, “બા કોને કવે કરીને ઘોડી બાંધાં. ઘરનો ધણી કાંઈ બોલતો નથી.” પછી મહારાજ બોલ્યા જે, “ભગત! ઘોડી બાંધો ઘોડી.” ત્યારે સુરોખાચર બોલ્યા જે, “હવે બાંધું. બા વ્યાળાનો (સાંજના જમણનું) નક્કી થયો જોગાણનો નક્કી થયો.” એમ કહીને પછી ઘોડી બાંધી અને પછી મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. ॥૫૨૦॥

મહારાજને કોઈકે વાત કરી જે, “સુરોખાચર જમતા જમતા બહુ માગે છે અને ઘરનાં માણસને ઉભાંને ઉભાં રાખે છે.” પછી મહારાજ બોલ્યા જે, “સુરાખાચર! તમને એક નિયમ દેવો છે.” ત્યારે સુરોખાચર બોલ્યા જે, “ભલે, મહારાજ.” મહારાજ કહે, “તમારે જમતાં જમતાં માગવું નહીં.” પછી સુરોખાચર કહે, “ઠીક, મહારાજ! નહીં માગું.” પછી પોતે ઘરે ગયા અને જમવા બેઠા. પછી ઘરના માણસને કહેવા લાગ્યા જે, “આપાને દૂધ જોતો હશે. આપાને દહીં જોતો હશે. આપાને ઘી જોતો હશે. આપાને મીઠો મરચો જોતો હશે. આપાને અથાણો જોતો હશે.” એ આદિક તમામ ચીજ માગીને લે અને પછી જમવા બેસે અને ઘરના મનુષ્યને કહે જે, “મહારાજે નિયમ આપ્યો છે જે, તારે જમતાં જમતાં માગવું નહીં.” પછી કોઈકે મહારાજને કહ્યું જે, “મહારાજ! આ તો બમણું માંગવા લાગ્યા.” પછી તેઓ ગઢપુર મહારાજ પાસે આવ્યા. ત્યાં મહારાજે કહ્યું જે, “સુરાખાચર! અમે સાંભળ્યું છે કે તમે બમણું માંગો છો.” ત્યારે સુરોખાચર બોલ્યા જે, “મહારાજ! ઘરના માણસને ભણવો કે ન ભણવો જે, મને મહારાજે નિયમ દીધો છે ને ઘરનાં માણસ અબુધ છે જે આપાને ખાતાં ખાતાં માગશે નહીં.” ॥૫૨૧॥

એક વાર પોતે લોયેથી ગઢપુર આવ્યા અને અગણોતેરાની સાલમાં પોતાને ત્યાં સાધુ લઈ ગયા હતા. તે સાધુને દૂધનું બોગરણું ભરીને આપતા ને રોટલા કરવા માટે લોટ આપતા. સાથે ઘી ખાંડ પણ આપતાં પણ સંતને નિઃસ્વાદી વર્તમાન હતા. તેથી એક કચરાના માટલામાં પ્રથમ દૂધ નાંખે અને પછી માંહે લોટ નાંખે અને પછી માંહે ખાંડ અને ઘી નાખે અને હેઠે ખુબ તાપ કરે. પછી લોટ હોય તે હેઠે ચોટી જાય અને બીજો ઉપર જામી જાય. પછી સુરાખાચરને મહારાજે પૂછ્યું જે, “સુરાખાચર! સાધુ શું કરે છે?” સુરાખાચર કહે, “મહારાજ! સાધુ તો અકેકામાં ત્રે ત્રે વાના કરે છે.” મહારાજ કહે, “ત્રે ત્રે વાના શું?” સુરોખાચર કહે, “મહારાજ! હેઠે રુડા પુડલા કરે છે અને વચ્ચે રુડી કઢી અને ઉપર સાત પડા રોટલા.” પછી સુરાખાચરે બધી વાત કહી દેખાડી. ॥૫૨૨॥

ગઢપુરમાં મહારાજ એક વખત ઉદાસ થઈને બેઠા હતા અને કોઈને બોલાવે નહીં. પછી સુરોખાચર આવીને મહારાજને પગે લાગ્યા પણ મહારાજ બોલ્યા નહીં. પછી સુરોખાચર બોલ્યા જે, “હું સાખી શીખી આવ્યો છું. તે કેની આગળ બોલું બા?” મહારાજ તો અવળું જોઈને બેઠા છે. બ્રહ્માનંદ સ્વામી કહે, “બોલો તો ખરા. કાને ક્યાં પુંભડાં દીધાં છે? કાને તો સાંભળવું છે ને!” પછી સુરાખાચર સાખી બોલ્યા જે, “નમો સરકારને. નમો સદ્‌ગુરુને. નમો સદ્‌ગુરુના લયાને. નમો રમતા ભમતાને. નમો જાદુજમતાને. નમો રહ્યા રુઠાને. નમો હળના ઠુંઠાને. નમો નાગમાલાના ચુલાને. નમો નાગને નાંગમાલાના…” એમ જ્યાં બોલ્યા ત્યાં તો મહારાજ હસી પડ્યા. ॥૫૨૩॥

શ્રીજીમહારાજ ગઢપુરમાં ઉગમણાબારના ઓરડાની ઓસરીમાં વિરાજમાન હતા. તે વખતે સુરાખાચરને મહારાજે પૂછ્યું જે, “ગરાસીયા કેવા?” પછી સુરાખાચરે ગરાસીયાની વાત કરી જે, “મહારાજ! ગરાસીયા તો બંધાણી બહુ હોય અને એક ગરાસીયો હતો. તે રાત્રે તમાકુ ખાંડવા મંડ્યો. તે ત્યાં ને ત્યાં ઉંઘી ગયો. અને માથાની પાઘડી આગળ પડી ગઈ અને તેમાં બેઠે બેઠે લઘુશંકા કરી ગયો. પછી ઘડીક થયું ત્યાં જાગીને બોલ્યો જે, ‘દીપસંગ! આ બગળો કોણે માર્યો છે?’ ત્યારે કહે, ‘બાપુ! એ તો તમારા માથાની પાઘડી છે.’ પાઘડી લઈને બંધાણીએ માથે મેલી. ત્યાં તો લઘુશંકાથી નાહી રહ્યો. એવા હોય!” ॥૫૨૪॥

વળી એક બીજી વાત કરી જે, એક બંધાણી ગરાસીયો હતો અને તે લઘુશંકા કરવા બેઠો હતો. તે લઘુશંકા કરતાં કરતાં ડોલા ખાવા મંડ્યો અને તેની દાસી વાશીદું વાળવા આવી એટલે તેના સાવરણાની ઝાપટ પાછળથી વાગી. ત્યારે તે બોલ્યો જે, “મેઘરાજજી! આ કઈ ઘોડી પુંછ ઝાટકે છે?” ત્યારે કહે, “બાપુ! એ તો દાસી વાશીદુ વાળે છે.” તેણે કહ્યું જે, “ત્યારે તો ઠીક.” તે સાંભળી ઝીણોભાઈ બોલ્યા જે, “મહારાજ! એવું હોય? અમે તો શુરવીર છીયે.” આ વાત ઝીણાભાઈને ને સુરાખાચરને રમુજને માટે મહારાજે કરાવી હતી. મહારાજ તથા બેઠેલા સત્સંગી ખૂબ હસ્યા. ॥૫૨૫॥

મહારાજ ઉદાસ થઈને બેઠા હતા અને સુરોખાચર આવ્યા પણ મહારાજ કોઈના સામું જુએ નહીં. પછી સુરાખાચરે ચારણના નેહમાં બાવો રહેતો હતો, તેની વાત કહી દેખાડી જે, “ચારણ્યો નિત્ય બાવાને દર્શને જાય ત્યારે સૌ ભેટ લઈને જાય. તે લઈ બાવો રાજી થતો અને એક દિવસ ચારણું ભેટ વિનાની ગઈ. તેને બાવે છેટેથી ભાળીયું જે આજ રાંડો ખાલી હાથે આવે છે. માટે સન્મુખના દર્શન દેવાં નથી. પછી બાવોજી અવળું જોઈને બેઠો. ત્યારે ચારણ્યો બોલી જે, ‘બાવલીયા! સન્મુખકા દર્શન દે.’ ત્યારે બાવો બોલ્યો જે, ‘રંડી! ભેટ બેટ તો કુછ લાઈ નહીં હે અને સન્મુખકા દર્શન માંગતી હે. તો કરલે પુંઠકા દર્શન.’” એટલે મહારાજ મુખારવિંદ આડો રુમાલ દઈને હસવા મંડ્યા અને ઉદાસી ટાળી.

એક વખત સુરોખાચર ગઢપુર આવ્યા. પછી મહારાજે પૂછ્યું જે, “સુરાખાચર! ક્યાં જમ્યા છો?” સુરોખાચર કહે, “મહારાજ! ત્રણ દિવસ થયાં અનાજ કોણે દીઠોસે?” તે વખતે મહારાજ થાળ જમતા હતા. ત્યારે મહારાજે જમીને ઉઠીને બ્રહ્મચારીને કહ્યું જે, “બ્રહ્મચારી! સુરાખાચરને પ્રસાદી આપજો.” ત્યારે સુરાખાચર બોલ્યા જે, “આ બ્રહ્મચારી પ્રસાદી આપે તેમાં મારો ઉદર ભરાય?” પછી મોટો થાળ ભર્યો હતો. તે મહારાજે સુરાખાચરને આપ્યો. ॥૫૨૬॥

ઝીણાભાઈએ કાઠીની બીજી વાત કરી જે, “કાઠીએ અમારું ગામ ભાંગ્યું અને ભાગ્યા તેની પછવાડે વાર ચડી. પછી એક પગપાળો કાઠી હતો. તે હળેલ જમીનમાં દોડવા મંડ્યો. તેને જોઈને ગરાસીયો બોલ્યો જે, ‘ઉભો રહે. ઉભો રહે. આબરુના કાંકરા થાય છે!’ કાઠી કહે, ‘પાળીયા કરતાં કાકરા સારા! કેમ કે જો હું ઉભો રહું તો મને ઝાટકે દ્યો તો ત્યાં મારો પાળીયો કરવો પડે.’” એમ ઝીણાભાઈએ કાઠીની ઠેકડી કરી. તે સાંભળીને કાઠી સૌ ચુપ થઈ ગયા. ॥૫૨૭॥