સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

કરિયાણાની લીલા

એક વખત શ્રીજીમહારાજ વનમાંથી ફરતા ફરતા શ્રીકરિયાણે આવ્યા. ત્યાં કાળા મકવાણાને ઘરે ઉતર્યા હતા અને રાતના દશ વાગ્યા ત્યારે મહારાજ બોલ્યા જે, “કાળા મકવાણા! અમારે જંગલ જવું છે.” પછી મહારાજ તેને સાથે લઈને કાળુભાર નદીએ પધાર્યા. તે દિવસે પુનમની રાત્રિ હતી અને મહારાજ જંગલ જઈને આવીને કાળુભાર નદીએ પધાર્યા. તેમાં સ્નાન કરીને એક મોટી શીલા ઉપર વિરાજમાન થયા. પછી મહારાજે કાળા મકવાણાને વાત કરી જે, “કાળા મકવાણા! રામચંદ્રજી જ્યારે વનમાં પધાર્યા ત્યારે અહીંથી નીકળ્યા હતા.” કાળો મકવાણો કહે, “હશે, મહારાજ.” મહારાજ કહે, “તારે જોવું છે?” ત્યારે તે કહે, “હા!” પછી રામ, લક્ષ્મણ અને સીતાજી; એ ત્રણે જણાં વલ્કલ વસ્ત્ર પહેરીને નીસર્યા. પછી વળી મહારાજ બોલ્યા જે, “પાંડવ જ્યારે વનમાં નીકળ્યા ત્યારે આંહીં થઈને ગયા હતા.” કાળો મકવાણો કહે, “હશે, મહારાજ!” પછી પાંચ પાંડવ ને દ્રૌપદી તેને દેખાડ્યા. પછી વળી મહારાજ બોલ્યા, “જે શ્રીકૃષ્ણ અને બળદેવજી જ્યારે દ્વારકા ગયા ત્યારે આંહીં થઈને નીકળ્યા હતા.” તે સાંભળી કાળો ભગત બોલ્યો જે, “હશે, મહારાજ.” પછી શ્રીકૃષ્ણ ભગવાન તથા બળદેવજીના દર્શન કરાવ્યા. ॥૫૨૮॥

બીજે દિવસે તે ઠેકાણે મહારાજે કાળા મકવાણા આગળ વાત કરી જે, “પાંડવોએ જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે તેમનો ઘોડો અહીં થઈને નીસર્યો હતો.” પછી મહારાજે તે યજ્ઞના ઘોડાને હજારો યોદ્ધાસહિત દેખાડ્યો. તે જોઈ કાળા મકવાણાના મનમાં બહુ જ આશ્ચર્ય લાગ્યું અને મહારાજને પગે લાગીને બોલ્યા જે, “હે, મહારાજ! તમે તો સાક્ષાત્ ભગવાન છો.” અને વળી એક દિવસ તે જ ઠેકાણે મહારાજે કાળા મકવાણાને વાત કરી જે, “રામચંદ્રજીએ જ્યારે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે તેમનો ઘોડો પણ અહીં થઈને નીકળ્યો હતો.” પછી મહારાજે તે ઘોડો તથા તેમની સાથેનું બધું સૈન્ય દેખાડ્યું એવાં એવાં કેટલાંક ઐશ્વર્ય કાળા મકવાણાને દેખાડ્યાં હતાં. ॥૫૨૯॥

એક વખત મહારાજ કરિયાણામાં પધાર્યા હતા. અને ગામમાં કીમીયાવાળો આવ્યો હતો. તે કાળા મકવાણાનું ઘરનું માણસ જોવા ગયું હતું. તે જ્યારે સાંજે ઘરે આવ્યા ત્યારે તેમને મહારાજે પૂછ્યું જે, “આજ ક્યાં ગયાં હતાં?” ત્યારે બાઈ કહે, “ગામમાં કીમીયાવાળો આવ્યો હતો, તેને જોવા ગઈ હતી.” મહારાજ કહે, “તે શું કરે છે?” બાઈ કહે, “લોઢામાંથી ત્રાંબુ કરે છે ને ત્રાંબામાંથી રૂપું કરે છે અને રૂપાંમાંથી સોનું કરે છે.” ત્યારે મહારાજ કહે, “તમે તેને કેવા જાણો છો?” ત્યારે બાઈ કહે કે, “સોનું કરે તે તો બહુ મોટો કહેવાય.” મહારાજ કહે, “તમારા ઘરમાં કાંઈ છે?” બાઈ કહે, “હા, અમારા ઘરમાં કોશ અને કોદાળી એ બે વાનાં છે.” મહારાજ કહે, “લાવો અમારી પાસે.” પછી કોશ અને કોદાળી લઈને મહારાજ પાસે મેલ્યાં એટલે તેને મહારાજે હાથમાં લઈને ભીંત સામે ઘા કર્યો તેટલામાં તે બન્ને વાનાં સોનાનાં થઈ ગયાં અને સોની પાસે લઈ જઈને કટકા કરાવ્યા તેને જોઈને સોની ગાંડો થઈ ગયો અને સોની કહેવા લાગ્યા જે, “કાળા મકવાણાને ઘરે કોશ અને કોદાળી સોનાનાં છે.” પછી કાળે મકવાણે મહારાજને હાથ જોડીને કહ્યું જે, “અમને કો’ક મારી નાંખશે.” પછી મહારાજ કહે, “લાવો તે બેય વાનાં મારા હાથમાં.” પછી મહારાજે તેનો ઘા કર્યો એટલે બેય વાના પ્રથમ જેવા લોઢાના હતાં તેવાં થઈ ગયાં. ॥૫૩૦॥

એક વખત મહારાજ કાળા મકવાણાને ઘરે પધાર્યા હતા અને તે ઘરમાં તેનાં ઘણીક પેઢીના પૂર્વજ બેઠા હતા. તેને જોઈને મહારાજે કહ્યું જે, “આ કોણ છે?” કાળો મકવાણો કહે, “અમારા કુળદેવ છે.” મહારાજ કહે, “આ રૂપાની આંખોવાળો કોણ છે?” કાળો ભગત કહે, “એ તો અમારો મોટો પૂર્વજ છે.” પછી મહારાજ કહે, “આ બધાયની ભેગી ગાંસડી બાંધો અને કાળુભાર નદીએ આપણે નહાવા જઈએ.” પછી તે ગાંસડી લઈને નદીએ ગયા અને સાથે હરિજનો પણ ગયા. પછી મહારાજ કહે ,“એક લુગડું પહેરીને જળમાં લીંટો કરી આવો.” પછી તે પ્રમાણે તેણે નદીમાં ઉભે વેને લીંટો કરી આવ્યો. પછી મહારાજ કહે, “આ એક એક હાથમાં લઈને ડૂબકી મારીને જળમાં મેલો.” પછી તેણે એક એક કરી મેલવા માંડ્યું એટલે તેઓ સૌ લીંટે જઈને અટકી રહ્યા. પછી રૂપાની આંખ્યોવાળો હતો તેને સૌની પાછળ મેલ્યો. પછી તે બધાંય ચતુર્ભુજ થઈને કાળા મકવાણાને કહેવા લાગ્યાં જે, “ધન્ય છે કાળા મકવાણા! ધન્ય છે કાળા મકવાણા! તે અમારૂં કલ્યાણ કર્યું.” એમ કહીને સૌ વિમાનમાં બેસીને દેવલોકમાં ગયાં. તે ચમત્કાર જોઈને સૌ આશ્ચર્ય પામ્યા. ॥૫૩૧॥

એક વખત મહારાજ કરિયાણામાં હતા અને વડોદરાથી દીવાનજી ત્યાં આવ્યો હતો. પછી મહારાજે ઉનડખાચરને કહ્યું જે, “આપણે સૌ બંદુકોના અવાજ એક સાથે કરો.” પછી કોઠા ઉપર ચડીને દશ પંદર શરબંધીને કહ્યું જે, “તમે સૌ સાથે બંધુકોના અવાજ કરો.” એટલે તે પ્રમાણે અવાજ કરાવ્યા તે સાંભળીને દીવાનજીના મનમાં એમ થયું જે આટલા બધા હજારો શરબંધીયો અવાજ કરનારા કોણ છે? પછી સોએ કહ્યું જે, “એ તો સ્વામિનારાયણ ઉભા છે. ” ને તે દીવાનજી કહે, “આટલા બધા હજારો છે!” એમ આશ્ચર્ય પામીને પોતાના મનમાં એમ થયું જે, “સ્વામિનારાયણ આપણાથી જીતાશે નહીં.” તેથી તે સીધો કોટડે ગયો. ત્યાં જઈને પીઠાવાળાને વાત કરી જે, “સ્વામિનારાયણ પાસે હજારો શરબંધી છે.” પીઠાવાળો કહે, “તેમની સાથે તો છ સાત માણસો રહે છે.” ત્યારે દીવાનજી કહે, “ના, હજારો શરબંધીના અવાજ મેં સાંભળ્યા છે.” પછી તેની તપાસ કરવા સારુ અસ્વાર મોકલ્યો. તેમણે ગામમાં ખબર પૂછ્યા એટલે ઉનડખાચરે કહ્યું જે, “મહારાજ સાથે પાંચ સાત મનુષ્ય છે.” પછી તે સ્વારે કોટડે જઈને પીઠાવાળાને વાત કરી. તેથી આશ્ચર્ય પામીને પીઠાવાળો સત્સંગી થયો. ॥૫૩૨॥

કરિયાણે મહારાજ કાળુભાર નદીમાં સ્નાન કરવા પધાર્યા હતા. તે સ્નાન કરીને નદીને કાંઠે વાંસળી વગાડી. તે સાંભળી બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન કર્યાં જે,

આજ ગઈતી કાલિંદ્રીને તીર રે, ભરવાને પાણી રે,

ત્યાં તો જોયા મેં બળભદ્ર વીર રે, મોહન દાણી રે...

એક વખત મહારાજ કાળુભાર નદીએ નહાવા પધાર્યા હતા ને ઉનડખાચરને ખંભે ચડીને ધુબકા મારીને નહાયા છે એમ ઘણીક વખત એવી જળક્રીડા કરેલી છે. ઉનડખાચર કહેતા જે, “આ ખંભા ઉપર ચડીને મહારાજે ખૂબ ધુબકા માર્યા છે.” ॥૫૩૩॥

એક વખત મહારાજ કરિયાણે પધાર્યા હતા અને ચોમાસાનો વખત હતો અને વરસાદનું ટાણું થયું હતું. પછી મહારાજે મીણબાઈને કહ્યું જે, “અમને ભુખ લાગી છે.” પછી મીણબાઈએ ગોળો ફોડીને અંદર રાખ નાંખીને માંહી છાણાં લગાડીને ઉપર તાવડી મેલી અને પોતાને હાથે રોટલો ઘડીને તાવડીમાં નાંખ્યો. પછી તે સગડી માથે લઈને ઘરમાં માંચી ઉપર બેઠાં. તે સમે મહારાજ ઘરમાં પધાર્યા અને પૂછ્યું જે, “મીણબાઈ! આ શું કરો છો?” મીણબાઈ કહે, “મહારાજ! ચુલામાં પાણી ભરાણું છે અને તમે ભૂખ્યા થયા છો તે તમારા સારૂ રોટલો કરૂં છું.” ॥૫૩૪॥

એક વખત મહારાજ કાળા મકવાણાને ઘરે વિરાજમાન હતા. તે સમે કોઈક ચારણ બાઈ આવી ને મહારાજને જોઈને બોલી જે, “સ્વામિનારાયણ, તારાં ઘાઘલાં લઉં, તારા ભામણા લઉં તને દોરો બાંધું. તે તને કોઈ પ્રકારનો રોગ થાય નહીં.” તેથી મહારાજે પોતાનો જમણો હાથ લાંબો કર્યો. એટલે તે બાઈએ મહારાજને દોરો બાંધ્યો. તે વખતે પર્વતભાઈ બોલ્યા જે, “વાહ! તારાં ભાગ્ય વાહ! આ તો સાક્ષાત લક્ષ્મીજી તુલ્ય છે.” પછી સુરોખાચર બોલ્યા જે, “આ તો સોળસંઢી છે.” ત્યારે મહારાજ કહે, “પર્વતભાઈ! આ સુરોખાચર શું કહે છે?” પર્વતભાઈ કહે, “મહારાજ અત્યારે તમે સાક્ષાત પુરૂષોત્તમ છો. તે તમે લાંબો હાથ કર્યો ને તમને રાખડી બાંધી એટલે લક્ષ્મીજી જેવી થઈ રહી.” મહારાજ કહે, “પર્વતભાઈને મહિમાનું અંગ છે ને સુરાખાચરને ચારણીના જેવો સ્વભાવ છે.” ॥૫૩૫॥

એક વખત મહારાજ કરિયાણામાં વિરાજમાન હતા અને બદ્રિકાશ્રમમાંથી સંતદાસજી આવ્યા. પછી મહારાજે પાર્ષદને વસ્ત્ર લઈને મોકલ્યા ને કહ્યું જે, “સંતદાસજી આવે છે તે આકાશ માર્ગે ચાલ્યા આવે છે. માટે છેટેથી ભાળો ત્યારે જય સ્વામિનારાયણ કહેજો અને આ વસ્ત્રોના ઘા કરજો. એટલે તે લઈ લેશે.” પછી તે પાર્ષદે ગામને પાદર જઈ સંતદાસજીને આવતા ભાળ્યા ત્યારે છેટેથી જય સ્વામિનારાયણ કહ્યા અને વસ્ત્ર ફેંક્યું. એટલે સંતદાસજીએ વસ્ત્ર પહેરી લીધું ને દરબારમાં મહારાજ પાસે ગયા ને બદ્રિકાશ્રમની બધી વાત કરી. ॥૫૩૬॥

મહારાજ કરિયાણામાં વિરાજમાન હતા. ત્યાં હીરો વાણીયો કોઠારી હતો. તેને મહારાજે કહ્યું જે, “આપણે સમૈયો કરવો છે, માટે હું કહું તે પ્રમાણે સામાન લઈ આવો.” પછી પાંચસો રૂપિયાનો સામાન લાવવાની યાદી કરી આપીને ભાવનગરથી લેવા જવાનું કહ્યું. હીરો કહે, “મહારાજ! રૂપિયા વિના સામાન શેનો લાવું?” ત્યારે મહારાજ કહે, “સામી ઓરડીમાં જા.” ઓરડીમાં જતાં જ લક્ષ્મીજી સોનામહોંરો તથા રૂપિયા વગેરેના ઢગલા કરીને સાંગા માંચી ઉપર બેઠાં હતાં. ઘીનો દીવો બળતો હતો. “હીરા! કેમ આવ્યો?” એમ લક્ષ્મીજીએ પૂછ્યું. ત્યારે કહે, “બા, રૂપિયા પાંચસો લેવા આવ્યો છું.” ત્યારે કહે, “આ રહ્યા, લઈ લે.” પછી પાંચસો રૂપિયા લઈ લીધા. પછી તે લઈને મહારાજ પાસે આવ્યો અને જ્યાં પાછું વાળીને જોયું ત્યાં તો કોઢ્યમાં ગાય બાંધેલી દીઠી. પણ લક્ષ્મીજી વિગેરે કાંઈ ન દીઠું. ॥૫૩૭॥