સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

અલૈયાખાચરની વાતો તથા ઝીંઝાવદરની લીલા

એક વખત મહારાજ ઝીંઝાવદર પધાર્યા હતા. અને હૈદ્રાબાદનો કોઈ જમાદાર આ દેશમાં આવતો હતો. તે ઝીંઝાવદરના સીમાડામાં આવ્યો એટલે તેના મનના સંકલ્પ બંધ થઈ ગયા. પછી તે ગામની બહાર એક કોસ આવ્યો, એટલે તેને પાછા સંકલ્પ થવા માંડ્યા. પછી પોતાના મનમાં એમ થયું જે, આ ગામમાં કોઈક મોટા પુરુષ હોવા જોઈએ. કેમ કે મારા સંકલ્પ બંધ થઈ ગયા હતા. પછી તે પાછો વળીને ઝીંઝાવદર આવ્યો અને ગામની ભાગોળે આવીને કોઈકને પૂછ્યું જે, “આ ગામમાં કોઈ મોટા પુરુષ છે?” ત્યારે તે સમે તેને અલૈયાખાચર મળ્યા. તેણે ગામના ચોરામાં એક બાવો દ્વાદશ ટીલાં કરીને બેઠો હતો. તે દેખાડીને કહ્યું જે, “જમાદાર! આ મોટા પુરુષ છે.” જમાદાર કહે, “આ થકી મારા સંકલ્પ બંધ થાય નહીં. માટે બીજા કોઈક હશે ખરા!” પછી તેને મહારાજ પાસે દરબારમાં તેડી ગયા. તે મહારાજનાં દર્શન કરીને પોતાના મનની વૃત્તિ સ્થિર થઈ ગઈ હતી. પછી ઘણીકવાર સુધી મહારાજ સામું જોઈ રહ્યો. તેથી મૂર્તિ મનમાં તદાકાર થઈ ગઈ એટલે મહારાજે પોતાના નેત્રની સાન કરી. પછી તે ચાલી નીકળ્યો. ॥૫૩૮॥

એક વખત શ્રીજીમહારાજ ઝીંઝાવદરમાં હતા. તે ૧૮૬૮ની સાલમાં ચાસટીયા બહુ પાક્યા હતા. પછી મહારાજ વહેલા ઉઠીને લોકોની વાડીઓમાં છાના માના પેશી જતા અને જુવારનાં કાચાં જારીયા મહારાજ જમતા. વળી તેમને ખોળવાને માટે લોકો ઘણી ઘણી શોધખોળ કરે પણ ક્યાંય પતો જડે નહીં. પછી સૌ લોકોએ અલૈયાખાચર પાસે આવીને અરજ કરી જે, “દરબાર! એક રાંક સીમમાં આવ્યું છે તે વાડીયુંમાં જારીયાં બધાં ખાઈ જાય છે.” ત્યારે અલૈયોખાચર બોલ્યા જે, “હું તેનો તપાસ કરાવી તેને પકડીશ.” પછી સૌ લોકો ગયા. પછી અલૈયાખાચર મહારાજની પ્રાર્થના કરે જે, “હે, મહારાજ! તમે કહો તો હું અહીંયાં જારીયાં લાવીને તમોને પોંક પાડી આપું પણ આ લોકો બોલે છે તે સંભળાતું નથી.” મહારાજ કહે, “અલૈયાખાચર! ત્યાં જેવાં મીઠાં લાગે છે તેવા અહીં નથી લાગતાં!” એમ કહી મહારાજે વાત કરી જે, “અલૈયાખાચર! આગળ ઓગણોતેરો કાળ પડશે ને મનુષ્યને જુવાર નહીં મળે.” એમ કહીને પોતે એક મહિના સુધી ત્યાં દરબારમાં શીરાબંધ કોઠો છે. ત્યાં છાના રહ્યા હતા અને માથે જટા વધારી હતી. એમ બધાં ભવિષ્યના ચિહ્ન અલૈયાખાચરને જણાવતા હતા જે, આવતા વર્ષમાં સૌ લોકોની આવી સ્થિતિ થાશે અને પોતે માટીના વાસણે જળ પીતા. પછી ઓગણોતેરા કાળમાં મહારાજના કહેવા પ્રમાણે સૌની એવી સ્થિતિ થઈ હતી. ॥૫૩૯॥

એક વખત અલૈયાખાચરના ભાઈ જેઠસુરખાચરે મહારાજને કહ્યું જે, “મહારાજ! જેના કુળમાં એક ભક્ત થાય તો તેના ઈકોતેર પરીયાનો ઉદ્ધાર થાય એમ કહ્યું છે. તે અમારા કુળમાં અમારા બાપ દાદા મહાપાપી હતા. તેનો ઉદ્ધાર થયો હશે કે કેમ?” પછી મહારાજ કહે, “તમારે જોવું છે? જોવું હોય તો દેખાડીએ.” પછી જેઠસુરખાચરને મહારાજે સમાધિ કરાવીને અક્ષરધામમાં મોકલ્યા. ત્યાં તેમના વડવાઓને તેમણે દીઠા. ત્યારે તેમણે કહ્યું જે, “તમે આંહી કેવા?” ત્યારે તે સૌ બોલ્યા જે, “અમારા કુળમાં અલૈયાખાચર સ્વામિનારાયણનો ભક્ત થયો છે તે પ્રતાપે કરીને અમે અહીંયાં આવ્યા છીએ.” જેઠસુરખાચર બોલ્યા જે, “કાંઈક નિશાની આપો તો સાચું મનાય.” ત્યારે તેમના વડવાઓએ કહ્યું જે, “તળાવને કાંઠે પીપર છે તેથી નવ હાથ છેટે ઉગમણી બાજુ નવસો રૂપિયાનો રેલો એક દેગડો દાટ્યો છે તે લઈ લેજો.” પછી તેણે સમાધિમાંથી બહાર આવીને મહારાજને કહ્યું જે, “વડવા ધામમાં તો પહોંચ્યા છે પણ એક નિશાની મળે તો ખરું.” પછી તળાવની પાળે મહારાજ પધાર્યા. ત્યાં ઢોલિયા ઉપર મહારાજ વિરાજમાન થયા અને કહેવા પ્રમાણે તે જગ્યાએ ખોદ્યું ત્યારે નવસો રૂપિયાનો દેગડો નીકળ્યો. તે રૂપિયા કટાઈ ગયેલા હતા. તે મહારાજ પાસે લાવીને મુક્યા. મહારાજ કહે, “તમારે તો બે લાભ થયા. એક તો પિતૃ ધામમાં ગયાં તેની ખાત્રી થઈ અને વળી રૂપિયા પણ મળ્યા.” ॥૫૪૦॥

અલૈયાખાચરનો ચાકર જેહલો કરીને હતો. તે અકસ્માત મૃત્યુને પામ્યો. તે વખતે અલૈયોખાચર સીમમાં ગયા હતા અને જેહલાને સ્મશાનમાં લઈ ગયા હતા ત્યાં અલૈયોખાચર જઈ પહોંચ્યા. તે વખતે જેઠસુરખાચર બોલ્યા જે, “તું ભણતો હતો જે, સ્વામિનારાયણનું નામ લે તેને મહારાજ તેડવા આવે અને આ તો જેહલે દેહ મેલ્યો તે પુઠયે થઈને જીવ નીકળી ગયો. અમે તો મહારાજને ભાળ્યા નહી.” અલૈયાખાચર કહે, “તે ધામમાં ગયો છે માટે તમારે પરીક્ષા જોવી હોય તો અગ્નિ મેલશો નહીં.” પછી અલૈયાખાચરે સૌને કહ્યું જે, “સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી ધુન્ય કરો.” એમ ઘડીક ધુન્ય કરવાથી જેહલો દેહમાંથી બેઠો થયો. તે વખતે અલૈયોખાચર બોલ્યા જે, “જેહલા! ક્યાં ગયો હતો?” ત્યારે તે કહે, “હું તો અક્ષરધામમાં ગયો હતો.” પછી અલૈયાખાચરે કહ્યું જે, “ત્યારે પાછો કેમ આવ્યો?” ત્યારે તે કહે, “મહારાજે કહ્યું જે, ‘અલૈયાખાચરની પ્રતિજ્ઞા રાખવા માટે જા.’ માટે ધુન્ય કરો, હું પાછો ધામમાં જાઉં છું.” એમ કહીને પાછો ધામમાં ગયો. ॥૫૪૧॥

એક વખત મહારાજ અલૈયાખાચરના દરબારમાં વિરાજમાન હતા. તે સાથે સખા પણ હતા. પછી દૂધપાકની રસોઈ કરાવીને મહારાજ કહે, “આજ એવું પ્રકરણ ચલાવવું છે જે, પહેલી વસ્તુ ઉપર હાથ પડે તે જમવું.” પછી સુરોખાચર કહે, “ઠીક.” મહારાજ પછી સુરાખાચરને એક મોટા થાળમાં પુરિયો-શાક તથા દૂધપાકનો એક મોટો વાટકો ભરીને વચ્ચે મુક્યો અને આખો થાળ ભર્યો હતો. પછી મહારાજે નાજા જોગીયાને કહ્યું જે, “સુરાખાચરની આંખ્યો દાબો.” તે પ્રમાણે તેમણે આંખો દાબી અને દૂધપાકનો વાટકો મહારાજે લઈ લીધો અને ગાજરના અથાણાનો વાટકો મેલી દીધો. પછી સુરાખાચર જય સ્વામિનારાયણ કહીને જેવો હાથ મેલવા જાય ત્યાં તો પ્રથમ ગાજર હાથમાં આવ્યાં અને અથાણામાં મીઠું ઘણું હતું. પછી સુરાખાચર કીર્તન બોલ્યા જે, “ગાજરડાં રે મારાં પૂરવનાં વેરી.” પછી બે ચાર ગાજર સુરાખાચરે ખાધાં. પછી સૌ કહે, “મહારાજ! આનું પેટ છુટી પડશે!” પછી મહારાજે દૂધપાકનો વાટકો મેલ્યો તે જમ્યા. ॥૫૪૨॥

એક વખત અલૈયોખાચર પોતાને ઘરે ઢોલીયા ઉપર બેઠા હતા. તે વખતે એક કુંભાર તેમના ખોરડા ઉપર નળીયા ચાળતો હતો. તેને લેવાને જમ આવ્યા તે જમને દેખીને તેણે બુમ પાડીને કહ્યું કે, “દોડજો, બાપુ. મારી નાંખ્યો!” પછી કુંભાર લીંબડાની ડાળે ટીંગાણો અને લીંબડાની ડાળ ઉપર જમે પગ મેલ્યો એટલે ડાળ અને કુંભાર; એ બન્ને ફળીયામાં પડ્યાં. પછી કુંભાર અલૈયાખાચરના ઢોલિયા નીચે પેસી ગયો અને અલૈયાખાચરને કહ્યું કે, “ઓલ્યા જામ મને લેવા આવ્યાં છે.” પછી અલૈયાખાચરે હાંકલ મારી એટલે જમ નાસી ગયા. પછી તે કુંભાર સત્સંગી થયો ને જીવ્યો ત્યાં સુધી સાધુની સેવા કરી. ॥૫૪૩॥

એક વખત મહારાજે અલૈયાખાચરને પોતાનો પોશાક પહેરાવીને વાળાંક દેશમાં સ્વરુપાનંદ સ્વામીના મંડળમાં વાતુ કરવા મોકલ્યા હતા અને અલૈયાખાચરને તે વખતે સમાધિ પણ થાતી હતી તેવા પોતે બળવાન હતા. ॥૫૪૪॥

એક વખત મહારાજે ગઢપુરમાં સપ્તઋષિ ગણ્યા તેમાં સુરાખાચરને પ્રથમ ગણ્યા. તે વાતની તેમને ખબર પડી જે સપ્તઋષિમાં સુરાખાચરને મહારાજે પ્રથમ ગણ્યો અને મને ત્રીજો ગણ્યો તે સાંભળી તેમને મૂર્છા આવી ગઈ તેનું કારણ જે સુરો ખાચર તો ગૃહસ્થાશ્રમી છે અને હું તો ત્યાગી છું. કેમ કે પોતે ત્યાગીના જેવો જ ધર્મ રાખતા. તે વાતની મહારાજને કોઈકે ખબર કરી જે, અલૈયાખાચરને મૂર્છા આવી છે. પછી મહારાજ બોલ્યા જે, “અલૈયો તો અલૈયો કહેવાય અને સુરાખાચરને ચાર પાંચ છોકરા છે માટે તે અલૈયાખાચરની બરોબર નહીં.” તે વાત કોઈકે અલૈયાખાચરને કરી કે, “મહારાજ તમારાં વખાણ કરતાં હતાં અને તમને સપ્તઋષિમાં પહેલા ગણ્યાં” એ સાંભળીને અલૈયાખાચરની મૂર્છા ઉતરી ગઈ. ॥૫૪૫॥

ગઢપુરમાં શ્રીજીમહારાજ ઘેલામાં જળ જીલવાને ધરે નહાવા પધાર્યા હતા અને કાઠી સૌ સાથે નહાવા ગયા હતા. પછી સૌ ઉંચા ચડીને ધરામાં ધુબકા મારતા હતા. પછી મહારાજ ધરાને કાંઠે બેઠા હતા અને અલૈયાખાચર છેટેથી દોડીને જ્યાં ધુબકો મારવા ગયા. તે વખતે મહારાજે તેમને પાછળથી ધક્કો માર્યો તે આઘા જઈ પડ્યા. તે જોઈ સૌ સખા હસાહસ કરવા લાગ્યા પણ અલૈયાખાચરના મનમાં એમ થયું જે, મહારાજે મારી મશ્કરી કરીને લાજ લીધી; એમ જાણીને તેમને મહારાજનો સહેજ અવગુણ આવ્યો હતો. કેમ જે, તેમનો માની સ્વભાવ હતો. ॥૫૪૬॥

દાદાખાચરની તાજણ ઘોડીની વછેરીને ચડાઉ કરવી હતી. તે વખતે મહારાજ દરબારમાં આવીને વિરાજમાન થયા અને સૌને બોલાવ્યા જે, “આપણે તાજણ ઘોડીની વછેરીને ચડાઉ કરવી છે તે અસ્વાર સારો કોણ હશે?” પછી સૌએ કહ્યું જે, “અલૈયોખાચર અને નાજો જોગીયો; એ બે સ્વાર સારા છે.” તે વખતે બન્ને જણાં ઘેલામાં પાણીમાં બેસતાં. પછી મહારાજ કહે, “તેમને ત્યાંથી બોલાવો.” પછી બન્ને જણાંને બોલાવ્યા ને આવીને મહારાજ પાસે ઉભા રહ્યા ત્યારે મહારાજ કહે, “આપણે આ વછેરીને ચડાઉ કરવી છે તે તમારા બેમાં સ્વાર વધારે સારો કોણ છે?” ત્યારે નાજો જોગીયો કહે કે, “મહારાજ! મારે ત્યાં એભલ ખાચરના પ્રતાપથી ટારડી ઘોડી હતી તેથી હું ટારડીનો અસ્વાર છું અને અલૈયાખાચરના બાપુને ઘરે પાડો હતો તે પાડા ઉપર અસ્વાર થયેલા છે.” મહારાજ કહે, “પાડાવાળો ભુંડો, એ નહીં સારો.” પછી નાજા જોગીયાને ઘોડાની સેવામાં રાખીને મહારાજે થાળ આપ્યો. પછી અલૈયાખાચર બોલ્યા જે, “ભગવાનના ઘરમાં અંધારું જોને અંધારું, જે ઓલ્યો ટારડીની સેવામાં રહ્યો તેને થાળ અને હું ગળા સુધી પાણીમાં બેસી રહું છું તેને કાંઈ નહીં.” એમ પોતાના મનમાં થયું. ॥૫૪૭॥

અને મહારાજ ઝીંઝાવદરમાં હતા અને વ્યાપકાનંદ સ્વામીને બોટાદથી તેડાવ્યા અને સ્વામી ઝીંઝાવદર આવ્યા. અને મહારાજને પગે લાગીને બેઠા. પછી મહારાજે ખીમબાઈને કહ્યું જે, “ખીમબાઈ! અમારા પ્રભુ આવ્યા છે તેમને માટે થાળ કરજો.” ખીમબાઈ કહે, “મહારાજ! તમારા પ્રભુ કોણ છે?” મહારાજ કહે, “આ વ્યાપકાનંદ સ્વામી અમારા પ્રભુ છે.” પછી રસોઈ થઈ ત્યારે મહારાજે વ્યાપકાનંદ સ્વામીને માટે થાળ પુરાવ્યો અને પોતાની સાથે જમવા બેસાર્યા. પછી મહારાજ બોલ્યા જે, “જમો પ્રભુ જમો.” પછી ખીમબા બોલ્યાં જે, “મહારાજ એમ શા માટે કરો છો?” મહારાજ કહે, “ખીમબાઈ, આ તો મુંવાને જીવતાં કરે છે.” પછી સ્વામી બહુ દિલગીર થયા. ત્યારે મહારાજ કહે, “સ્વામી, શું થયું? વાત કરો.” પછી સ્વામી કહે, “મહારાજ હું સવારમાં નહાવા ગયો હતો અને દરબારનાં અરધા ઘરમાં સાધુ ઉતરેલા હતા અને અરધા ઘરમાં ઘોડી બાંધી હતી. તે ઘોડી મરી ગઈ તે જોઈને હમીરખાચર રોવા લાગ્યા. તે જોઈને મને દયા આવી અને સ્વામિનારાયણ.... સ્વામિનારાયણ.... એમ કહીને પાણીની ત્રણ અંજલી છાંટી અને એક જીવ લઈને તેમાં ખોસ દીધો.” ત્યારે મહારાજ કહે, “સ્વામી! કોઈ રાજાનો કુંવર મરી ગયો હશે, તેને જીવતો નહીં કરો તો તમને જેલમાં નાંખશે.” મહારાજ કહે, “અમારી આજ્ઞામાં અનંતકોટી બ્રહ્માંડ રહ્યાં છે તોપણ અમે અમારી સામર્થી છુપાવી રાખી છે.” ॥૫૪૮॥

ત્યાંથી મહારાજ કુંડળ પધાર્યા અને રાઈબાઈને કહ્યું જે, “રાઈબાઈ! થાળ કરો. અમારા ભગવાનને જમાડવા છે.” પછી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને બતાવ્યા જે, “આ અમારા ભગવાન છે અને મરેલાં જીવતાં કરે છે.” પછી સ્વામીએ બહુ દિલગીર થઈને કહ્યું કે, “મહારાજ! હું ભૂલી ગયો.” પછી રાઈબાઈ બોલ્યાં જે, “મહારાજ! વ્યાપકાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે અને એભલખાચરના ગુરુ છે તે એભલખાચર સાંભળશે તો તેમને ખોટું લાગશે.” પછી મહારાજે ગઢપુર જવાની રજા આપી તેથી સ્વામી ગઢપુર આવ્યા. ॥૫૪૯॥

અને કુંડળમાં મહારાજ જાળીયે ધરે નહાવા પધાર્યા હતા અને કાઠી સૌ ત્યાં ધુબકા મારી મારીને નહાયા પણ કોઈએ સ્વામિનારાયણનું નામ લીધું નહીં. પછી સૌ નાહીને બહાર નીસર્યા ત્યારે મહારાજ બોલ્યા જે, “સુરાખાચર! તમે સૌ લોહીમાં નહાયા.” ત્યારે સુરોખાચર કહે, “મહારાજ! ગંગાજળ જેવું પાણી છે અને તમે લોહી કેમ કહો છો?” મહારાજ કહે, “તમે ભગવાનને સંભાર્યા હતા? ભગવાનને સંભાર્યા વિના નહાયા તે લોહીમાં નહાયા.” પછી ફરી સૌ પોતીયાં કરીને સ્વામિનારાયણ.... સ્વામિનારાયણ.... બોલી બોલીને નહાયા. તે સાંભળીને મહારાજ કહે, “તમે સૌ ગંગાજીમાં નહાયા.” ॥૫૫૦॥

અને એક વખત મહારાજ કુંડળને પાદર રાતના બે વાગે નીસર્યા હતા. પછી મહારાજે સૌને કહેલ જે, “આપણે કુંડળમાં જાણ કરવી નથી. પછી તે વખતે રામપટગીર ઉઠેલ. તે ઉભા થઈને “હે સ્વામિનારાયણ! હે સ્વામિનારાયણ!” ભજન કરતા હતા તે સાંભળીને મહારાજે હુંકારો દીધો જે, “હે.” ત્યારે સુરોખાચર કહે, “કહેતા હતા જે નથી બોલવું ને કેમ બોલ્યા?” ત્યારે મહારાજ કહે, “મને બોલાવે ત્યારે જવાબ દીધા વગર છુટકો છે?” પછી મહારાજ ગામમાં પધાર્યા અને અને સવારે થાળ જમીને ચાલ્યા. ॥૫૫૧॥

અને મહારાજ કારીયાણીથી ભાવનગર પધાર્યા હતા. તે વખતે પુરીબાઈએ મહારાજને ભાતું કરી આપ્યું તે દૂધમાં લોટ બાંધીને ઘઉંના ઢેબરાં કરી આપ્યાં અને ઉપર ખુબ ઘી મૂક્યું. પછી તેનો ડબો ભરીને નાજા જોગીયાને આપ્યો અને જે ઢેબર મહારાજ સારું કર્યું હતું, તે પ્રેમમાં ને પ્રેમમાં એક જ કોર ચોડવેલું હતું. તે ઉમરાળાને પાદર જઈ નદીમાં જમવા બેઠા. તે વખતે મહારાજે નાજા જોગીયાને કહ્યું જે, “નાજા જોગીયા! અમારાં ઢેબરાં લાવો.” એટલે નાજા જોગીયે સારૂં ચડેલું ઢેબરું હતું તે આપવા માંડ્યું. ત્યારે મહારાજ કહે, “અમારાં ઢેબરાંને તો અમે ઓળખીએ છીએ.” પછી તે ઢેબરું લઈને મહારાજ જમ્યા અને પછી ભાવનગર પધાર્યા. અને ત્યાં રૂપાભાઈ તથા રાજાભાઈને ત્યાં ઉતર્યા હતા અને તેમને સાથે લઈને દરબારમાં પધાર્યા. ત્યાં મહારાજને આવતા જાણી વજેસિંહજી દરબાર મહારાજને સન્મુખ આવ્યા. મહારાજ કહે, “કેમ, દરબાર! ગઢડા મંદિરનો લેખ કરી દેવો છે કે નહીં? હા કહો છો કે ના. ના કહેતા હો તો બીજા રાજ્યમાં મંદિર કરીએ.” પછી દરબારે મહારાજને ખુરશી ઉપર પધરાવીને તુરત લેખ કરી આપ્યો અને તેની મહોર છાપ નીચે મારી આપી અને તે લેખ લઈને મહારાજ ગઢડે પધારતા હતા ત્યારે ઉમરાળી નદીમાં આવ્યા ત્યાં ગઢડાના ભાવસાર મળ્યા. તે મહારાજને દંડવત્ કરવા લાગ્યા. તે સમે મહારાજની માણકી ઘોડી થનમન થનમન કરવા લાગી અને નદીને કાંઠે કણબી કોસ હાંકતા હતા. તે બોલ્યા જે, “માળા ઉંચા નીચા થાય છે તે ઘોડાં કચરી નાંખશે.” પછી તેમને મહારાજે પૂછ્યું જે, “કેમ મંદિરનું કામ ચાલે છે?” સૌ હરિભક્તે કહ્યું જે, “દિવસે બંધ રાખીયે છીએ ને રાતે કરીએ છીએ.” પછી મહારાજ કહે, “જુઓ અમે મંદિરનો લેખ કરાવીને લાવ્યા.” પછી મહારાજે ગઢડે આવીને મંદિરનું કામ પ્રસિદ્ધ રીતે ચાલતું કરાવ્યું. ॥૫૫૨॥