સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

ગઢાળીના આંબા શેઠની વાતો

ગઢાળીના આંબા શેઠને એવું નિયમ હતું કે નિત્ય સવારમાં ઉઠીને ચાર વાગે ગઢાળીથી ગઢપુર શ્રીજીમહારાજને પોતાનું લાવેલું દાતણ કરાવતા અને મહારાજના દર્શન કરીને પછી ઘરે જતા. અને બોડકીના ગરાસીયા સાથે પોતાને અણબનાવ હતો. તેથી પોતે તીર કમાન સાથે રાખતા એવી રીતે નિરંતર પોતાનું નિયમ કર્યા પછી વ્યવહારિક કામકાજ કરતા. ॥૫૫૩॥

એક વખત ગઢાળીથી આંબા શેઠ ગઢપુર મહારાજના દર્શને આવ્યા એ (સમયે) મહારાજે પોતાનાં દર્શનની બંધી કરી હતી. તે રજા સિવાય કોઈથી દર્શને જવાય નહીં. પછી આંબા શેઠ એક ચોફાળમાં ગોટમોટ થઈને અક્ષરઓરડીની પાસે નીચી વંડી હતી તે ઉપર થઈને નીચે પડ્યા અને “ન્યાલકરણ... ન્યાલકરણ....” એમ બોલવા માંડ્યા ત્યારે મહારાજ કહે, “શું છે? શું છે?” કોઈકે કહ્યું જે, “આંબો શેઠ તમારાં દર્શન કરવા વંડીયેથી નીચે પડ્યા છે.” પછી મહારાજ કહે કે, “સૌને બંધી પણ આંબા શેઠને બંધી નહીં, કેમ કે આ વાણીયો ક્યારેક હાથ પગ ભાંગશે માટે તમારે કોઈએ તેને મના કરવી નહીં.” ॥૫૫૪॥

એક વખત આંબા શેઠ ગઢપુર મહારાજને દર્શને આવ્યા અને મહારાજને પૂછાવ્યું જે, “મહારાજને કહો જે, આંબો દર્શને આવે?” પછી મહારાજે કહ્યું જે, “ખીજડા આવે લીંબડા આવે અને આંબો શા વાસ્તે ન આવે?” પછી આંબા શેઠ મહારાજને દર્શને આવ્યા અને મહારાજને પગે લાગીને તુરત ઘરે ચાલી નીકળ્યા. ॥૫૫૫॥

અને આંબા શેઠને એક દિવસ વિચાર થયો જે, આપણે મહારાજની બધી સેવા કરી પણ મહારાજને શય્યા આપી નથી. પછી પોતે માથે ઢોલિયો લીધો. તે ઉપર ગાદલું અને ઓછાડ તથા ઓશીકું અને ગાલમસુરીયાં લઈને ગઢપુર આવ્યા. તે વખતે મહારાજ ઉગમણાબારના ઓરડે સભા કરીને વિરાજમાન હતા અને આંબો શેઠ દરબારમાં લીંબડા નીચે આવ્યા. ત્યારે મહારાજ બોલ્યા જે, “આંબા શેઠ! આ ક્યાં જાય છે?” આંબા શેઠ કહે, “મહારાજ! બ્રહ્મમહોલમાં ઉચાળા જાય છે.” પછી તે ઢોલિયો સભામાં ઢાળીને તે ઉપર ગાદલું પાથરીને તે ઉપર ઓછાડ, ઓશીકું અને ગાલમસુરીયાં મૂકીને પાથરી આપ્યું. તે ઉપર મહારાજ વિરાજમાન થયા ને આંબા શેઠને રાજી કર્યા. ॥૫૫૬॥

એક વખત દરબારમાં દુઝાણું નહોતું. પછી મહારાજે ભગુજીને કહ્યું જે, “તમે ફરતા ગામમાં તપાસ કરો. આપણે એક દુઝાણી ભેંશ લાવવી છે.” પછી ભગુજી તથા બીજા પાળા મળીને રળીયાણું તથા ગુંદાળું થઈ ગઢાળીયે ગયા. ત્યાં ગઢાળીની સીમમાં ભેંશનું ખાડું ચરતું હતું. તેમાં આંબા શેઠની ભેંશ ભગુજીએ જોઈ. તે વખતે ભરવાડ બોલ્યો જે, “ભગત! છેટે રહેજો, નહીં તો જંતરડામાં પાણો ઘાલીને હમણાં ઉડાડી મૂકીશ.” ત્યારે ભગુજી કહે, “અમારે ભેંશ લેવી છે તે જોવા આવ્યા છીએ, તો આ પીતળના સાકળાવાળી ભેંશ કોની છે?” ત્યારે ભરવાડ કહે, “એ તો વાઘની છે.” પછી ભગુજી કહે, “વાઘ કોણ?” ત્યારે ભરવાડ કહે, “આંબો શેઠ.” પછી તે ભેંશ જોઈને ગઢપુર આવ્યા અને મહારાજને વાત કરી જે, “મહારાજ! ભેંશો તો બધે જોઈ. પણ ગઢાળીમાં આંબા શેઠની ભેંશ જોઈ તે બહુ સારી છે.” પછી મહારાજ કહે, “આંબો શેઠ તો અહીં નિત્ય દર્શને આવે છે.” ॥૫૫૭॥

પછી બીજે દિવસે સવારમાં આંબો શેઠ ગઢાળીથી મહારાજને દર્શને આવ્યા. પછી દર્શન કરીને વળતી વખતે મોટીબાને ‘નારાયણ’ કહેવા ગયા. ત્યારે મોટીબા બોલ્યાં જે, “આંબાભાઈ! લાલજી દૂધ વગર જમે છે અને દરબારમાં એકે દુઝાણું નથી.” શેઠ કહે કે, “બા, ક્યાંઈક ભેંશ હશે તો તપાસ કરશું.” પછી બીજે દિવસે રાત્રે ભેંશ દોહી નહીં અને સવારમાં ભેંશની ડોકે લુગડું તથા શ્રીફળ બાંધ્યું અને તેના કપાળમાં કંકુનો ચાંદલો કર્યો અને પાડીને પણ એક લુગડું અને શ્રીફળ બાંધ્યું અને તેના કપાળમાં પણ કંકુનો ચાંદલો કર્યો. પછી પોતે રાતના બે વાગે ઉઠીને ભેંશને ચારતા ચારતા ગઢપુર મહારાજના દર્શને આવ્યા. તે વખતે શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં વિરાજમાન હતા. તે મહારાજ દરબાર વચ્ચે આવીને ઉભા રહ્યા. પછી મહારાજ કહે, “હંમેશા આંબો શેઠ દર્શને આવે છે પણ આજ તો બીજી રીતે આવે છે.” પછી ભેંશ જોઈને મહારાજ બોલ્યા જે, “શેઠ! આ શું?” ત્યારે શેઠ કહે, “મહારાજ! હું તો શરણે થયો છું. પણ આ ભેંશ શરણે થઈ નહોતી. તે તમારે શરણ આવી છે.” પછી મહારાજે લાંબો હાથ કરીને ભેંશની મોરી હાથમાં ઝાલી અને શેઠના હાથમાંથી બોગરણું પણ લીધું. પછી મહારાજ કહે, “શેઠ! બીજું કાંઈ દુઝાણું છે કે નહીં?” ત્યારે શેઠ કહે, “મહારાજ! એક ગાય છે.” પછી મહારાજ કહે, “ગાયને જો દેણ દઈએ તો ભેંશના સાટાં વાળે.” પછી શેઠ કહે, “મહારાજ! તમારૂં વચન ફળે.” પછી ગાય ટંકે દસ શેર દૂધ કાઢવા લાગી. ॥૫૫૮॥

અને પોતે જ્યારે ગઢાળીના મંદિરમાંથી ઘરે જતા, ત્યાં રસ્તામાં પોતાની દીકરીનું ઘર આવતું. તેનું નામ લઈને પૂછતા જે, “બાપ દીકરી ધોળી કાંઈ જોશે?” બાઈ કહેશે, “ના, બાપા!” ત્યારે શેઠ કહેશે, “ન્યાલકરણ.... ન્યાલકરણ.... કર.” પછી પોતાને ઘરે જતા ત્યારે પોતાની ખડકીમાં ગાય બાંધી હોય તેને કાનમાં કહેતા જે, “લીલડી, ન્યાલકરણ.... ન્યાલકરણ.... કર…” એમ ગાયને પણ ભજન કરાવતા. તેમણે મહારાજનું નામ ન્યાલકરણ પાડ્યું હતું. ॥૫૫૯॥

અને પોતે ગઢપુર મહારાજને તેડવા માટે આવ્યા અને મહારાજને કહ્યું જે, “ગઢાળી પધારો.” ત્યારે મહારાજે કહ્યું જે, “બહુ સારું, અમે બસો મનુષ્ય લઈને આવશું, માટે તેટલા માણસની રસોઈ તૈયાર કરાવજો.” પછી શેઠે ઘરે જઈ ને ત્રણસો માણસની રસોઈ મોતીયા લાડુની કરાવી અને મહારાજ ગઢાળી પધાર્યા અને ત્યાં વાજતે ગાજતે સામૈયું કરીને મહારાજને ગામમાં પધરાવ્યા. પછી મહારાજે કહ્યું જે, “શેઠ! કેટલા માણસની રસોઈ કરાવી છે?” શેઠ કહે, “ત્રણસો માણસની રસોઈ કરાવી છે.” મહારાજ કહે, “અમારી સાથે પાંચસો છે.” પછી શેઠ કહે, “મારા ઘરમાં દશ મનુષ્ય છે તેને માટે વીસ લાડવા આપો. પછી તમારે ગમે તેમ કરો.” પછી મહારાજે તેને ગણીને વીશ લાડવા આપ્યા અને બધા સંતને તથા હરિજનને અને આખા ગામને મહારાજે જમાડ્યું. તો પણ બસો લાડવા વધ્યા. પછી મહારાજે આંબા શેઠને કહ્યું જે, “આખું ગામ જમ્યું તો પણ બસો લાડવા વધ્યા છે.” આંબો શેઠ કહે, “મહારાજ! તમે તો ભગવાન છો. તે ગમે તેમ કરો.” પછી તે વધેલા લાડવા મહારાજે શેઠને પ્રસાદીના કરીને આપ્યા. ॥૫૬૦॥

આંબા શેઠે એક વખત મહારાજને જમવા માટે થાળ કરાવ્યો હતો. તે મહારાજ તેમને ઘરે જમવા પધાર્યા ને બોલ્યા જે, “શેઠ! મારે લઘુશંકા કરવી છે.” શેઠ કહે, “ચાલો, મહારાજ! ખાળીયો બતાવું.” પછી પોતાના રસોડામાં લઈ ગયા અને કહ્યું જે, “મહારાજ! આ ચુલાની આગવણમાં લઘુશંકા કરો.” મહારાજ કહે, “આમાં થાય નહીં.” શેઠ કહે, “કૃષ્ણાવતારમાં કેમ આગવણમાં કળશીયે જતા?” પછી મહારાજ વાડામાં જઈને લઘુશંકા કરી આવ્યા અને પછી મહારાજ જમવા બેઠા ત્યારે બોલ્યા જે, “શેઠ! મારે કોગળા કરવા છે.” ત્યારે શેઠે પોતાની પાઘડી માથેથી ઉતારીને ધરી અને કહ્યું જે, “આમાં કોગળા કરો.” મહારાજ કહે, “પાઘડીમાં કોગળા થાય?” શેઠ કહે, “કૃષ્ણાવતારમાં રાધિકાજીને કેમ પીચકારીઓ મારતા?” પછી ઘંટીના ગાળામાં મહારાજને કોગળા કરાવ્યા અને પછી મહારાજને જમવા બેસાર્યા. તે થાળ જમી રહ્યા પછી મહારાજની પૂજા કરી. પછી સૌ તૈયાર થઈને ગામ બહાર નીસર્યા ત્યારે મહારાજ કહે, “ધર્મકુળ ક્યાં?” પછી સૌ બોલ્યા જે, “અમને ખબર નથી.” મહારાજ કહે, “સૌને પાછા વાળો અને જેને જમાડવા હતા તે તો રહી ગયા.” પછી ધર્મકુળને રસોઈ કરાવીને જમાડ્યા પછી મહારાજ ગઢપુર પધાર્યા. ॥૫૬૧॥

ગાંફના રાજા દ્વારકા જતા હતા તેમના કારભારી ગગો વ્યાસ કરીને હતા. તે ગઢાળીમાં રાત રહ્યા અને સાંજે આંબા શેઠની દુકાને સીધું લેવા ગયા. આંબો શેઠ મોદીખાનું રાખતા હતા એટલે તમામ સામાન તેમની દુકાને મળતો હતો. પછી ગગો વ્યાસ સાથે પાંચ દસ માણસ લઈને તે શેઠની દુકાને સીધું લેવા ગયા અને શેઠ સીધું જોખતા જાય અને “ન્યાલકરણ.... ન્યાલકરણ....” એમ વારંવાર બોલતા જાય. પછી ગગો વ્યાસ બોલ્યા જે, “વાણિયા! સીધું સમું જોખને.” આંબો શેઠ કહે, “આ ગઢડામાં ઢીંચણ સમું કલ્યાણ છે અને મૂરખ હોય તે વાંઢેય ઘોઘોળે.” શેઠ કહે, “અહો! મને ન્યાલ કરી નાંખ્યો અને હું તો હીંગનો તોલનારો વાણીયો છું.” ગગો વ્યાસ કહે, “ન્યાલકરણ કોણ છે?” ત્યારે શેઠ બોલ્યા જે, “ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન છે. તેમણે મને ન્યાલ કરી નાંખ્યો.” તે સાંભળી ગગો વ્યાસ બોલ્યા જે, “સ્વામિનારાયણ સાક્ષાત્ ભગવાન છે?” ત્યારે શેઠ કહે, “હા જોને! મુને ન્યાલ કરી નાંખ્યો.” પછી તેઓ યાત્રા કરી આવીને ઘરે ગયા અને ગાંફમાં નિત્યાનંદ સ્વામી પધારેલા હતા. પછી તેમણે મહારાજના ઐશ્વર્યની તથા પ્રતાપની વાતો કરીને ગગા વ્યાસને વર્તમાન ધરાવા લાગ્યા. ત્યારે વ્યાસજી બોલ્યા જે, “સ્વામી! તમારે મને વર્તમાન ધરાવવાં હોય તો ધરાવો પણ મને તો ગઢાળીને વાણિયે વર્તમાન ધરાવ્યાં છે. કેમ કે હું તેની દુકાને અરધી કલાક બેઠો હતો તેટલામાં તેણે સો વાર ન્યાલકરણ ન્યાલકરણ કર્યું હશે.” પછી નિત્યાનંદ સ્વામીએ તેમને વર્તમાન ધરાવ્યાં ને ગગા વ્યાસને સત્સંગી કર્યા. ॥૫૬૨॥

અને મહારાજ વરતાલ પધાર્યા હતા અને સાથે આંબો શેઠ પણ ગયા હતા. ત્યાં ગોમતીજીને કાંઠે મહારાજ સભા કરીને વિરાજમાન હતા. પછી ત્યાંના જોબનપગી તથા સુંદરપગી વિગેરેએ મહારાજને રાજી કરવાને માટે ચાર લોટકા જુદા જુદા રંગનાં કરીને એક કોઠીએ બાંધ્યા. પછી સભા આગળ ઉભા રહીને નિશાન પાડવા મંડ્યા, પણ જે તીર નાંખે તે બધાં આઘાં પાછાં થઈને ચાલ્યા જાય, પણ કોઈથી તે નિશાન પડ્યું નહીં. પછી મહારાજ બોલ્યા જે, “હવે અમારા નિશાન પાડનારાને બોલાવીએ.” પછી મહારાજ બોલ્યા જે, “ક્યાં ગયા આંબો પગી?” પછી આંબો શેઠ મહારાજ આગળ હાથ જોડીને ઉભા રહ્યા. મહારાજ કહે, “શેઠ! ઓલ્યું નિશાન પાડો.” પછી આંબા શેઠે મહારાજની મૂર્તિ ધારીને “જય ન્યાલકરણ” કહીને બાણ માર્યું. તે બાણ લોટકે જઈને ચોંટ્યું અને ધડ દઈને તે લોટકો નીચે પડ્યો. પછી પગી સૌ તાકી રહ્યા અને મહારાજને કહ્યું જે, “મહારાજ! આ વાણિયે તો અમારી લાજ લીધી.” ॥૫૬૩॥

અને શેઠ જ્યારે જમવા બેસતા ત્યારે પોતાના દીકરાને (પાંચ વરસનો દીકરો હતો તેને) નિત્ય તેની મા શેઠ ભેગો જમવા બેસારતી અને રોટલા ઉપર ઘીનો છાંટો હોય તે છોકરો પ્રથમ ખાઈ જાય અને આંબો શેઠ નિત્ય એમ વિચાર કરે જે, આ ગોબર છોકરું મારા ભેગું ખાવા બેસારે છે માટે તેનો કાંઈક ઉપાય કરું. પછી એક દિવસ શેઠ જમવા બેઠા અને ઉની ઉની કઢીનો વાટકો ભરીને મેલ્યો હતો. પછી શેઠને પીરસીને મા ઘરમાં ગઈ ત્યારે આંબા શેઠે છોકરાનો હાથ ઝાલીને કઢીના વાટકામાં બોળ્યો તેથી છોકરે ચીસ નાંખી. ત્યારે શેઠ બોલ્યા જે, “હું ગોરધનીયા, હું ગોરધનીયા, મારે મૂરખે ઉની ઉની કઢીમાં હાથ બોળયો.” પછી બીજે દિવસે શેઠ જમવા બેઠા. ત્યારે છોકરાની માએ કહ્યું જે, “જા દાદો જમવા બેઠો.” ત્યારે છોકરો કહે, “ના, ના, હું નહીં જાઉં.” પછી શેઠ કહે, “કાલે ઉની ઉની કઢીમાં હાથ નાંખ્યો હતો.” પછી તે છોકરો જમવા બેસતો આળસી ગયો એમ યુક્તિથી કામ કર્યું. ॥૫૬૪॥