માણાવદરના મયારામ ભટ્ટની વાતો
અને એક વખત મયારામ ભટ્ટ ઘરભંગ થયા પછી સૌ સંબંધીઓ આગ્રહ કરવા લાગ્યા જે, “ફરી તમારું ઘર કરીએ.” ત્યારે મયારામ ભટ્ટ બોલ્યા જે, “હું રામાનંદ સ્વામીને પૂછીને પછી જવાબ દઈશ.” પછી મયારામ ભટ્ટ રામાનંદ સ્વામીને પૂછવા માટે લોજ ગામે ગયા. તે સમે સ્વામી સભામાં વાતુ કરતા હતા અને મયારામ ભટ્ટ દંડવત કરીને પગે લાગીને સભામાં બેઠા. પછી સ્વામીએ વાત કરતાં કરતાં વાત કરી જે, “અમારો તો એવો અભિપ્રાય છે જે ત્રણ ફેરા ફર્યા હોય અને ત્રીજે ફેરે જો હું પહોચું તો ચોથો ફેરો ફરવા દઉં નહીં.” પછી મયારામ ભટ્ટે વિચાર કર્યો જે, “સ્વામીનો તો અભિપ્રાય આવો છે. ત્યારે તેમને હું શી રીતે પૂછું જે, હું ઘર કરું?” પછી બે દિવસ વાતો સાંભળીને ભટ્ટજી ઘરે ગયા ને જીવતપર્યંત ઘર ન કર્યું. ॥૫૬૫॥
એક વખત મયારામ ભટ્ટ તથા ગોવિંદરામ ભટ્ટ, એ બે ભાઈએ વિચાર કર્યો જે, “આપણે કાંઈક વેપાર કરીએ.” પછી રાત્રીયે પોતાનું નિયમ પરવારીને વિચાર કરવા બેઠા. પહેલા કહે, “આપણે અનાજનો વેપાર કરીએ.” ત્યારે કહે, “એમાં તો હિંસા બહુ થાય.” પછી કહે, “ઘી વિગેરે રસનો વેપાર કરીએ.” ત્યારે કહે, “તે તો બ્રાહ્મણને નિષેધ છે.” એમ દરેક જાતના વેપારનો ગુણદોષ જોતાં સવારે ચાર વાગ્યા અને કુકડો બોલ્યો ત્યારે મયારામ ભટ્ટે પૂછ્યું જે, “ગોવિંદરામ! આ શું થયું?” ત્યારે ગોવિંદરામ કહે, “ભાઈ! ચાર વાગ્યા.” મયારામ ભટ્ટ કહે, “વેપાર કરવાની હજી તો વાતો કરીએ છીએ ત્યાં આખી રાત પ્રભુ ભૂલ્યા તો માલ ઘરમાં આવીને પડશે ત્યારે તો શું થાશે?” માટે “આજથી વેપાર કરે તેના બાપને માથે પસ્તાળ” એમ નિયમ લીધું. ॥૫૬૬॥
એક વખત કોઈક હરિભક્ત બાઈ પોતાનું પહેરવાનું કડલું ઘરેણે મૂકી ગઈ હતી પણ તેને વરસ બે-વરસ થયાં તો પણ તે બાઈ કડલું લેવા આવી નહીં. પછી ભટ્ટજીએ તે કડલાં જેવડું બીજું કડલું કરાવ્યું અને ભટ્ટના મનમાં એમ થયું જે, એક કડલું ન હોય (કહેવાય), બે કડલાં જોઈએ; તેથી તેટલા જ વજનનું બીજું કડલું કરાવ્યું. પછી તે બાઈ કડલું લેવા આવી. તેણે ભટ્ટજીને કહ્યું જે, “લ્યો તમારા રૂપિયા અને લાવો મારું કડલું.” પછી ભટ્ટજીએ તે બેય કડલાં લઈને બાઈની પાસે મેલ્યાં. ત્યારે બાઈ કહે, “મારું તો એક જ કડલું છે.” ભટજી કહે, “ના, તારા છોકરાના સોગન ખા.” બાઈ કહે કે, “મારા છોકરાના સોગન છે જે, મેં તો એક જ કડલું તમોને આપ્યું હતું માટે મારું એક કડલું છે, તે એક મને પાછું આપો.” પછી તેને તેનું કડલું દીધું તે આવા ધર્મવાળા હતા ને બાઈ પણ ધર્મવાળી હતી તે સત્ય જ બોલી. ॥૫૬૭॥
એક વખત મહારાજ માણાવદર પધાર્યા હતા અને સાથે કાઠીયોના સ્વારો હતા અને ભટ્ટજીએ સૌને માટે ચોખા રંધાવ્યા પણ તે ચોખામાં કાંકરી વિશેષ હતી. તેથી મહારાજે જાણ્યું જે, કાઠીઓ ભટ્ટજીની મશ્કરી કરશે. પછી મહારાજે કાઠીઓને કહ્યું જે, “આજ એક પ્રકરણ ફેરવવું છે.” કાઠીયો કહે, “બહુ સારૂ.” પછી મહારાજ કહે, “જમતાં જમતાં દાઢે ચડાવે તે વિમુખ.” પછી સૌ જમવા બેઠા અને દૂધ ચોખા સાકર પીરસ્યું પણ માંહે કાંકરી બહુ આવે પણ જો તેવું બોલે તો વિમુખ ગણાય. પછી સૌ ભજન કરતા કરતા જમી ગયા અને પછી સૌ ઉતારે ગયા, ત્યારે સુરોખાચર બોલ્યા જે, “મહારાજ! તમે ભણે પ્રકરણ ઠીક ફેરવ્યું. કેમ કે, ચોખામાં કાંકરી અરધો અરધ હતી.” પછી મહારાજ કહે, “તમે ભટ્ટજીની મશ્કરી કરો, તેવું જાણીને અમે પ્રકરણ ફેરવ્યું હતું.” ॥૫૬૮॥
એક વખત મહારાજ સારુ મયારામ ભટ્ટે થાળ કર્યો હતો અને પોતાના મનમાં એક સંકલ્પ થાય જે હું મહારાજને પ્રથમ જમાડીશ તો મારી બધી રસોઈ અભડાશે. અને જો હું પહેલો જમીશ તો કહેશે જે મહારાજને જમાડ્યા પહેલાં જમ્યો. પછી મહારાજે તેમનો સંકલ્પ જાણીને બોલ્યા જે, “મયારામ ભટ્ટ! તમે લાલજીને જમાડીને જમી લ્યો.” ભટ્ટજી કહે, “ઠીક, મહારાજ!” પછી લાલજીને જમાડીને પોતે જમ્યા. પછી સુરોખાચર બોલ્યા જે, “મહારાજ! તમે કહો છો જે ભટ્ટ બહુ સારો ભટ્ટ બહુ સારો, પણ તમને જમાડ્યા વગર જમ્યો.” ત્યાં મહારાજ કહે, “અમને જમાડીને જમ્યા છે.” ભટ્ટજી કહે, “ક્યાં તમને જમાડ્યા છે?” મહારાજ કહે, “અમે લાલજીમાં રહીને જમ્યા.” અને પછી ભટ્ટજી કહે, “અરેરે! મહારાજે મને અભડાવ્યો.” તે એવા પોતે સંશયવાળા હતા. ॥૫૬૯॥
આમોદ ગામમાં દિનાનાથ ભટ્ટ કરીને બ્રાહ્મણ હતા. અને તે ઘણા જ સારા સત્સંગી હતા અને સંસ્કૃત કાવ્યમાં બહુ કુશળ હતા, પણ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટનું પ્રથમ નામ નાંખ્યું તેથી પોતાના મનમાં એમ થયું જે હું આવો વિદ્વાન અને મારૂં નામ શિક્ષાપત્રીમાં નહીં અને મયારામ ભટ્ટ તો અભણ છે, છતાં તેમનું નામ કેમ નાંખ્યું? એવામાં તેમને નિર્વિકલ્પાનંદ કરીને સાધુ મળ્યા અને તે સાધુ સત્સંગમાંથી નીકળી ગયા હતા. પછી તેમણે ભટ્ટજીને મહારાજનો અવગુણ ઘાલ્યો તેથી ભટ્ટજીએ મહારાજને દર્શને આવવાનું બંધ કર્યું. પછી તેમની દીકરી જમના કરીને હતી. તેને ભૂત વળગ્યું તેને કાઢવાને માટે દીનાનાથ ભટ્ટે પુરાણ માત્ર વાંચ્યાં. તે સાંભળી ભૂત પણ તેટલાં જ પુરાણ બોલે. પછી દીનાનાથ ભટ્ટ કાયર થઈને શ્રીજીમહારાજ પાસે આવ્યા અને મહારાજને હાથ જોડીને કહ્યું જે, “મહારાજ! મારે ઘરે પધારો અને મારી દીકરીને ભૂત વળગ્યું છે.” મહારાજ કહે, “દેવ બ્રાહ્મણને ભૂત કેવું?” ભટ્ટજી કહે, “દેવ બ્રાહ્મણ તોય પણ અનાથ.” પછી મહારાજ કહે, “મયારામ ભટ્ટને તેડી જાઓ.” પછી મયારામ ભટ્ટને દીનાનાથ ભટ્ટ તો આમોદ તેડી ગયા અને મયારામ ભટ્ટ સવારમાં નાહીને મહારાજનું ધ્યાન કરવા બેઠા. તે જોઈ ભૂત તુરત નાસી ગયું અને દીનાનાથ ભટ્ટના મનમાં આશ્ચર્ય થયું જે, “મયારામ ભટ્ટ તો બહુ જ મોટા છે.” એમ સમજીને મયારામ ભટ્ટના પગમાં પડ્યા અને પોતાને માન હતું તે ટળી ગયું અને ભટ્ટજીને હાથ જોડ્યા જે, “મારો અપરાધ માફ કરજો.” ॥૫૭૦॥
ગઢપુરમાં દાદાખાચરે બ્રાહ્મણની ચોરાશી કરી હતી. પછી મયારામ ભટ્ટને શ્રીજીમહારાજે કહ્યું જે, “જાઓ, જોઈ આવો બ્રાહ્મણ શી રીતે રસોઈ કરે છે?” પછી મયારામ ભટ્ટ રાજગરને ચોકે જોવા ગયા. તે રાજગર ચોરણા પહેરીને રસોઈ કરતા હતા. પછી મયારામ ભટ્ટે આવીને મહારાજને કહ્યું જે, “મહારાજ! દાદાખાચરના ગોર તો ચોરણો પહેરીને રસોઈ કરે છે.” ત્યારે મહારાજ કહે કે, “જાઓ જાઓ કો કે અબોટીયાં પહેરીને રસોઈ કરો.” પછી મયારામ ભટ્ટે જઈને કહ્યું કે, “મહારાજે કહ્યું છે જે, અબોટીયાં પહેરીને રસોઈ કરો.” પછી સૌએ ચોરણા કાઢીને પાનકોરાની મોટી પછેડીયું પહેરી. પછી મયારામ ભટ્ટે આવીને મહારાજને કહ્યું જે, “મહારાજ! દાદાખાચરના ગોરે તો છ છ હાથના કાઢીને બાર બાર હાથનાં પહેર્યા.” ॥૫૭૧॥
મહારાજ એક વખત અગત્રાઈ પધાર્યા હતા અને ગોવિંદરામભાઈના દીકરા નારણજીને ઉપવીત આપવું હતું ને તે બેઉ ભાઈ વિચાર કરતા હતા. પછી મહારાજે કહ્યું જે, “મયારામ ભટ્ટ! શું વિચાર કરો છો?” ત્યારે ભટજી કહે, “મહારાજ! આ નારણજીને જનોઈ દેવી છે.” મહારાજ કહે, “નારણજી તો ગોવિંદરામનો દીકરો તે અમારો દીકરો ગણાય, માટે તેને તો અમે જનોઈ આપશું.” પછી મહારાજ કહે, “જનોઈ દે ત્યારે શું કરે?” મયારામ ભટ્ટ કહે, “મહારાજા તેને ફુલેકે ચડાવે ને ગામમાં ફેરવે. તેને કોઈક નાળીયેરે વધાવે ને કોઈક પૈસે વધાવે કોઈક રૂપિયે વધાવે.” મહારાજ કહે, “નાળીયેરે ને પૈસે વધાવે. તે નારણજીને વધાવે અને રૂપિયે વધાવે તે અમને વધાવે.” પછી સાંજે ફુલેકું ચડ્યું ત્યારે માણકી તૈયાર કરાવીને તે ઉપર મહારાજ બેઠા અને ગામનાં હરિજનોને ખબર પડી જે, મહારાજ ફુલેકે ચડ્યા છે અને નારણજીની મા કળશીયો લઈને લુણ ઉતારવા આવ્યાં ત્યારે મહારાજ કહે, “પહેલાં મારાં લુણ ઉતારો અને પછી નારણજીનાં.” પછી મહારાજ પ્રથમ પર્વતભાઈને ઘરે પધાર્યા. ત્યાં મહારાજને બસ્સો રૂપિયે વધાવ્યા. એમ દરેક હરિજનને ઘરે મહારાજ ફુલેકે ફર્યા એમ રૂપિયા એક હજાર કરીને પછી મહારાજ મયારામ ભટ્ટને ઘરે પધાર્યા. પછી મહારાજે ભટ્ટજીને કહ્યું કે, “લ્યો ભેટ, આ નારણજીની જનોઈના રૂપિયા.” આજે ત્યાં મોટું શીખરબંધ મંદિર છે. ॥૫૭૨॥
એક વખત મહારાજ માણાવદર પધાર્યા હતા અને રાજાની રાણીને મહારાજના દર્શન કરવાં હતાં. તેઓ ઓઝલનાં માણસ હતા તેથી તેમણે મયારામ ભટ્ટને કહ્યું જે, “ભટજી! અમને મહારાજનાં દર્શન કરાવો.” પછી મયારામ ભટ્ટે મહારાજને તે વાત કરી જે રાણીને તમારાં દર્શન કરવાં છે. મહારાજ કહે, “તમારા ગામમાં મોચી છે તેમને આંહીં બોલાવો.” પછી મોચીને મહારાજ પાસે બોલાવી લાવ્યા અને કહ્યું જે, “તને જોડા શીવતાં આવડે છે?” મોચી કહે, “મહારાજ! મને તો ઓખાઈ જોડા આવડે છે.” મહારાજ કહે, “તેવા અમે પહેર્યા નથી.” પછી ઓખાઈ જોડા સીવીને મોચી લાવ્યો અને મહારાજે ભટજીને કહ્યું જે, “બાઈને કહેજો જે, ગોખમાં બેસે.” પછી મહારાજે જોડા ચોપડાવીને પહેર્યા અને દરબારને દરવાજેથી ગામને દરવાજે ચાલીને મહારાજ પધાર્યા અને ગામને દરવાજેથી દરબારને દરવાજે પધાર્યા. ત્યારે બાઈએ બારીયે બેઠાં બેઠાં મહારાજનાં દર્શન કર્યાં. એટલામાં દરબાર બહાર નીસર્યા અને મહારાજને પૂછ્યું જે, “સ્વામિનારાયણ! શું કરો છો?” ત્યારે મહારાજ કહે, “તમે દરબાર ઘોડાવાળા. તે તમે ઘોડા પળોટો અને અમને આ ગામના મોચીએ જોડા સીવી દીધા છે તે જોડા પળોટીયે છીએ.” તે સાંભળી દરબાર બહુ રાજી થયા અને તેમને સત્સંગ થયો અને તેમણે પોતાના ચોવીશે ગામમાં માણા, માપ તથા વાઢે મણ ગોળ તથા કન્યાએ કોરી એવો ધર્માદો કરી આપ્યો. પછી ત્યાં મહારાજે લાલજી પધરાવ્યા. ॥૫૭૩॥