સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

જે જે માણસ સંકલ્પ કરીને આવ્યા તે સત્ય કર્યા તે વાતો

શ્રીગામ લંગાળાના આયર ગોયો ભગત તથા દાનભગત; બે જણ પોતાના ઘેરથી ગોળનાં બે ભેલા લઈને ગઢપુર મહારાજને દેવા માટે ચાલ્યા. તે રસ્તામાં આવતાં ગામ રાજપીંપળામાં રાત રહ્યા પણ પોતા પાસે ભાતું કાંઈ નહીં તેથી તે ગામમાં તેમનાં સંબંધી રહેતાં હતાં તેમને કહ્યું જે, “આ બે ગોળના ભેલા તમે રાખો અને અમને ભાતું કરી આપો.” પછી તેમના સંબંધીએ તેમને ભાતું કરી આપ્યું અને કહ્યું જે, “આ ભેલા તમે સ્વામિનારાયણને આપજો.” પછી બન્ને ભાઈ ગઢપુરમાં આવ્યા અને ઉતારે ગોળનાં ભેલા મૂકી મહારાજને દર્શને આવ્યા. પછી મહારાજે કહ્યું જે, “ગોયા ભગત તથા દાનભગત! તમારા સંબંધીએ તમને ભાતું કરી આપ્યું છે ને અમારી સારું ગોળનાં બે ભેલા લાવ્યા છો તે ક્યારે લાવશો? લાવોને.” પછી બન્ને ભાઈઓએ ગોળનાં ભેલાં લાવી મહારાજ પાસે મેલ્યાં અને મહારાજને કહ્યું જે, “મહારાજ! અમને વર્તમાન ધરાવો. અમો આવો સંકલ્પ કરીને આવ્યા હતા.” પછી મહારાજે વર્તમાન ધરાવ્યાં અને સત્સંગી થયા. ॥૧૯૧॥

ગામ રેવાના ગોવિંદરામ ઉપાધ્યાય બ્રાહ્મણ હતા. તેણે એવો સંકલ્પ કર્યો જે, “હું ગઢપુર જાઉં અને મહારાજ મારી પાસેથી સોપારી માંગી લીયે તો ભગવાન ખરા.” પછી તે ગઢપુર આવ્યા અને દરબારમાં મહારાજને પગે લાગીને ઊભા રહ્યા. પછી મહારાજે કહ્યું જે, “ગોવિંદરામ! સોપારી ક્યાં સુધી ઝાલી રાખશો? લાવો, મેલોને અમારી પાસે.” પછી ગોવિંદરામે સોપારી મહારાજ પાસે મૂકીને મહારાજને કહ્યું જે, “મહારાજ! મને વર્તમાન ધરાવો. તમે ભગવાન ખરા. હું એવો સંકલ્પ કરીને આવ્યો છું.” ॥૧૯૨॥

ગામ વાવડીના વકોભાઈ કરીને ગરાસીયા હતા. તે ગઢપુર આવવા માટે તૈયાર થયા અને ત્યાંનો બાવો ભગવાનગર કરીને હતો. તેને વકાભાઈએ કહ્યું જે, “ભગવાનગર! ગઢપુર આવીશ?” ભગવાનગર કહે, “આવું તો ખરો પણ હું ચાર ભેંસોની છાશ કરું છું તે સ્વામિનારાયણ ભગવાન છે. તે કરી દેખાડે તો આવું.” વકોભાઈ કહે, “ચાલને સ્વામિનારાયણ ભગવાન છે, તે કરી દેખાડશે.” તેને લઈને પછી ગઢપુર આવ્યા અને મહારાજને પગે લાગવા ગયા. ત્યારે મહારાજ બોલ્યા જે, “ભગવાનગરને લાવ્યા?” ત્યારે વકોભાઈ કહે, “હા, મહારાજ!” ત્યારે મહારાજ કહે, “તે તો વેરાગી.” વકોભાઈ કહે, “હા, મહારાજ! તે તો વેરાગી.” મહારાજ કહે, “એક તો ચાર વાગે ઊઠીને ચાર ભેંસોની છાશ કરે તે રાગ.” એમ કહીને મહારાજે છાશ કરી દેખાડી અને બીજો રાગ મહારાજ કહે, “ભેખ લીધો તે.” એમ મહારાજે કહ્યું તે સાંભળી ભગવાનગર બોલ્યો જે, “મહારાજ! તમે ભગવાન ખરા. મેં સંકલ્પ કર્યો હતો જે, ભગવાન હોય તો મને છાશ કરી દેખાડે તો ભગવાન ખરા. માટે વર્તમાન ધરાવો.” પછી વર્તમાન ધારી પોતાને રહેવાનું જે ઘર હતું તે મંદિરમાં કૃષ્ણાર્પણ કર્યું. ॥૧૯૩॥

ગામ સાતપડાના ભગોભગત હતા તેણે એવો સંકલ્પ કર્યો જે, “હું સ્વામિનારાયણના દર્શને જાઉં અને તેમની ડુંટી ઉપર રૂપિયો મેલવા દે તો ભગવાન ખરા.” પછી તે ગઢપુર આવ્યો અને સભાથી છેટે લીંમડા નીચે ઉભો રહ્યો. પછી શ્રીજીમહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન હતા તે આડે પડખે થયા. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! કેમ આડે પડખે થયા?” મહારાજે કહ્યું, “ઓલ્યો ભગલો ક્યારનો ઉભો રહ્યો છે! આવ, ભગા! મેલ મારી ડુંટી ઉપર રૂપિયો.” પછી ભગાભગતે આવી મહારાજની ડુંટી ઉપર રૂપિયો મેલ્યો. પછી મહારાજને કહ્યું જે, “મહારાજ! તમે ભગવાન ખરા, માટે મને વર્તમાન ધરાવો.” પછી વર્તમાન ધારી સત્સાંગી થયો. ॥૧૯૪॥

ગામ કુકડના ગરાસીયા ભગવાનસિંહ તથા હરિસિંહ; બન્ને જણે મનમાં સંકલ્પ કર્યો જે, “આપણે ગઢપુર સ્વામિનારાયણના દર્શને જઈએ અને ડાબે પડખે બેસીએ અને ત્યાંથી ઉઠાડીને આપણને જમણે પડખે બેસાડે તો ભગવાન ખરા અને ચાલીએ ત્યારે ત્રીજે ડગલે ગુલાબનો હાર આપે તો ભગવાન ખરા.” પછી બંને ભાઈ અને સાથે એક ચારણ હતો. તેઓ ગઢપુર આવ્યા અને ગઢપુરમાં હરજી ઠક્કરને ઘેર ઉતર્યા. પછી દરબારમાં મહારાજને દર્શને ગયા. મહારાજને પગે લાગી ડાબે પડખે બેઠા. મહારાજ કહે, “ભગવાનસિંહ! હરિસિંહ! તમારો માર્ગ તો જમણે પડખે રાખ્યો છે ને ડાબે પડખે કેમ બેઠા?” તે જોઈ ચારણના મનમાં એમ થયું જે, “આ તો એક સંકલ્પ સિદ્ધ થયો અને જો બીજો સંકલ્પ સિદ્ધ થશે તો સત્સંગી થશે. મહારાજ પાસે અત્યારે હાર નથી ત્યારે ક્યાંથી લાવશે?” પછી ચારણ બોલ્યો જે, “બાપુ! ચાલો ઉતારે.” પછી બન્ને ભાઈ મહારાજને પગે લાગીને ઉભા થયા અને જ્યાં ત્રીજું ડગલું ભર્યું ત્યાં તો મહારાજ બોલ્યા જે, “લ્યો, ભગવાનસિંહ! હરિસિંહ! આ હાર.” તે વખતે મહારાજના હાથમાં રૂમાલ હતો. તે રૂમાલનો ઘા કર્યો એટલે બે હાર થયા. તે બે ભાઈને પહેરાવ્યા. તે જોઈને મહારાજને કહ્યું જે, “મહારાજ! અમને વર્તમાન ધરાવો. અમે આવો સંકલ્પ કરીને આવ્યા હતા.” ત્રીજો સંકલ્પ એવો હતો જે, “ચાલીએ ત્યારે આપણને તાણ કરીને બે દિવસ રાખે તો ભગવાન ખરા.” પછી ચાલતી વખતે મહારાજની રજા લેવા ગયા ત્યારે મહારાજે કહ્યું જે, “હમણાં બે દિવસ રોકાઓ ને મુક્તાનંદ સ્વામીની વાતુ સાંભળો પછી જજો.” તે જોઈ ચારણના મનમાં એમ થયું જે, “આના બધા સંકલ્પ સિદ્ધ થયા માટે હું પણ સત્સંગી થાઉં.” પછી ચારણે મહારાજને કહ્યું જે, “મહારાજ! મને વર્તમાન ધરાવો.” મહારાજ કહે, “તારો જીવ આસુરી છે તે તારે વર્તમાન નહીં રહે.” પછી ચારણ શરમાણો ને બેસી ગયો. ॥૧૯૫॥

ઘોઘા બારાના ત્રણ બ્રાહ્મણ ગઢપુર આવ્યા અને ઘેલામાં નાહીને એવો વિચાર કર્યો જે, “આપણે સ્વામિનારાયણને ન ભાળીએ અને તે આપણને ન ભાળે અને આપણી ત્રણેયની ડોકમાં ગુલાબના સરખા હાર હોય તો ભગવાન ખરા.” પછી તે ત્રણ આવી દરબારમાં આથમણાબારના ઓરડાની ઓસરીની કોર આગળ ઊભા રહ્યા. એક બીજાની ડોક સામું જોવા મંડ્યા એટલે ત્રણેયની ડોકમાં સરખા ગુલાબના હાર જોયા. પછી ત્રણે જણા આવીને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા અને મહારાજને કહ્યું જે, “હે, મહારાજ! અમને વર્તમાન ધરાવો. અમે આવો સંકલ્પ કરીને આવ્યા હતા જે, સ્વામિનારાયણ ભગવાન હોય તો ત્રણેની ડોકમાં ગુલાબના સરખા હાર હોય.” પછી તે વર્તમાન ધારી સત્સંગી થયા ને પછી ઘરે ગયા. ॥૧૯૬॥

ગામ પહવીના હરજી તથા દેવજી કરીને કુંભાર ભગત હતા. તે ગઢપુર મહારાજને દર્શને આવ્યા અને નદીમાં નાહીને બેઉ જણે સંકલ્પ કર્યો જે, “સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે આપણે દર્શને જઈએ.” અને દેવજી કહે, “મને સોટી મારે તો ભગવાન ખરા.” ત્યારે હરજી કહે, “મારે શું સંકલ્પ કરવો?” ત્યારે દેવજી કહે, “તને છાતીમાં કંકુના પગલાં આપે તો ભગવાન ખરા.” પછી તે બન્ને જણ દરબારમાં આવ્યા. તે વખતે મહારાજ સભા કરી વિરાજમાન હતા. પછી મહારાજને જઈ પગે લાગ્યા. ત્યારે મહારાજે સોટી લઈને દેવજીને મારી. તે જોઈને દેવજી બોલ્યો, “હાશ, ભગવાન ખરા.” અને હરજીને છાતીમાં કંકુનાં ચરણારવિંદ કરીને આપ્યાં. તે જોઈ હરજી બોલ્યો જે, “હાસ,ભગવાન ખરા.” મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “મહારાજ! આમ કેમ કર્યું?” ત્યારે મહારાજે કહ્યું જે, “બન્ને જણે આવો સંકલ્પ કર્યો હતો.” પછી બન્ને જણા વર્તમાન ધારી સત્સંગી થયા ને ખરા ભક્ત થયા. ॥૧૯૭॥

ગામ વિરમગામના દુર્લભરામ ને કામેશ્વર એ બે બ્રાહ્મણ હતા. તે કાશીએ વિદ્યાભ્યાસ કરવા ગયા હતા. ત્યાં બાર વરસ સુધી વિદ્યાભ્યાસ કર્યો. પછી તેઓ દેશમાં આવ્યા ત્યારે પોતાના ગામમાં સાંભળ્યું જે, “સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે અને તેમને કોઈ જીતી શકતું નથી.” બન્ને જણે વિચાર કર્યો જે, “આપણે બાર વરસ સુધી કાશીએ ભણ્યા છીએ અને સ્વામિનારાયણને હઠાવીએ નહીં તો આપણી વિદ્યા શા કામની?” એમ ધારી બન્ને જણ કાઠીયાવાડ તરફ આવ્યા. અમરેલીમાં તુલસી દવે કરીને તેમના સંબંધી હતા. તેમને પ્રથમ મળી આવ્યા. પછી વળતી વખત ગઢપુર આવ્યા અને ઘેલા નદીમાં સ્નાન કરવા માટે રોકાણા. એટલામાં ઘણાક સંતના દર્શન નદીમાં થયાં અને ઘણાક હરિજનો તેમના જોવામાં આવ્યા. પછી બન્ને જણાએ વિચાર કર્યો જે, “આટલા બધા માણસમાં આપણે સ્વામિનારાયણને હઠાવી શકીશું નહીં અને સામું આપણું અપમાન થાશે પણ તે ભગવાન કહેવાય છે તો આપણે જે જે સંકલ્પ કરીને જઈએ છીએ તે સત્ય કરે તો ભગવાન ખરા.” પછી દુર્લભરામ કહે, “મારે એવો સંકલ્પ છે જે હું સર્વ વિદ્યા ભણ્યો છું તે પૂછી જુએ અને આપણે જઈએ ત્યારે આપણને ગાલીચો નાંખીને બેસાડે અને પાકાં સીધાં આપે તો ભગવાન ખરાં.” ત્યારે કામેશ્વર કહે, “મારે એવો સંકલ્પ છે જે ભૃગુઋષિએ છાતીમાં પાટુ માર્યું છે તે ભૃગુલાંછન દેખાડે તો ભગવાન ખરા.” પછી બેઉ જણ નદીમાં એવો સંકલ્પ કરીને દરબારમાં આવ્યા અને લીંમડા નીચે ઊભા રહ્યા. પછી મહારાજ બોલ્યા જે, “દુર્લભરામ! કામેશ્વર! ચાલ્યા આવો.” પછી તે બેઉ મહારાજ પાસે આવ્યા. ત્યારે મહારાજ કહે, “આ તો ભણેલા વિદ્વાન બ્રાહ્મણો છે. માટે પાથરવા ગાલીચો લાવી તેમને પાથરી આપો.” પછી તે સભામાં બેઠા ત્યારે મહારાજ બોલ્યા જે, “દુર્લભરામ! કામેશ્વર! તમે તો બાર વર્ષ સુધી કાશીએ અભ્યાસ કરી આવ્યા.” પછી બેઉ જણે કહ્યું જે, “હા, મહારાજ!” મહારાજ કહે, “તમે અમરેલી જઈ તુલસી દવેને મળી આવ્યા?” ત્યારે બેઉ જણા કહે, “હા, મહારાજ.” મહારાજ કહે, “દુર્લભરામ! તમે કૌમુદી ભણ્યા છો અને તેની ત્રણ ટીકાઓ ભણ્યા છો.” ત્યારે દુર્લભરામે કહ્યું, “હા, મહારાજ.” પછી મહારાજે દાદાખાચરને કહ્યું જે, “આ બન્ને જણાને પાકાં સીધાં આપજો.” મહારાજ કહે, “કામેશ્વર! જુઓને, મને નાનપણમાં કાંઈક વાગ્યું છે.” એમ કહી લીલા કીનખાબની ડગલી પોતે પહેરી હતી. તેની કસ છોડીને પોતાની છાતી દેખાડી અને કહ્યું જે, “જોને મને નાનપણમાં કાંઈક વાગ્યું છે.” તે જોઈ બન્ને જણા ઉઠી મહારાજને પગે લાગ્યા અને મહારાજને કહ્યું જે, “મહારાજ! અમે ઉપરનો સંકલ્પ કરીને આવ્યા હતા. તે આપે સત્ય કર્યો. માટે અમને વર્તમાન ધરાવો. પછી રસોઈ જમણું.” પછી મહારાજે વર્તમાન ધરાવ્યાં ને સત્સંગી થયા. ॥૧૯૮॥

ગામ પીઠવાજાળનો ખીમો ડોબરીયો કરીને કણબી હતો. તે ગઢપુર મહારાજના દર્શને આવ્યો અને તેની સાથે શેરડીના ત્રણ સાંઠા પડછા સહિત હતા. તે લઈને ઘેલામાં આવી એકવીસ કટકા કરી ગાંઠે બાંધ્યા અને પોતાના મનમાં સંકલ્પ કર્યો જે, “શેરડીના આ કટકા માંગી લે તો ભગવાન ખરા.” પછી તે દરબારમાં આવી મહારાજને પગે લાગી ઉભો રહ્યો. પછી મહારાજે કહ્યું જે, “ખીમા! શેરડીના ત્રણ સાંઠા પડછા સહિત ઘેલા સુધી લાવ્યો છે અને ઘેલામાં ભાંગીને એકવીસ કટકા કર્યા છે તે ક્યાં સુધી ગાંઠે બાંધી રાખીશ? લાવને મેલ્યને હેઠો.” પછી તેણે એકવીસ કટકા મહારાજના ઢોલીયા ઉપર મૂક્યા અને મહારાજને કહ્યું જે, “મહારાજ! મને વર્તમાન ધરાવો.” પછી તે વર્તમાનધારી સત્સંગી થયો. ॥૧૯૯॥

ગામ નાવડાના હીરો શેઠ પોતાના મનમાં એવો સંકલ્પ કરીને ગઢડા આવ્યા જે, “ભગવાન હોય તો સોળે ચિહ્ન દેખાડે તો ભગવાન ખરા.” પછી તે ગઢપુર મહારાજના દર્શને આવ્યા અને મહારાજને પગે લાગી સભામાં બેઠા. પછી મહારાજ બોલ્યા જે, “શેઠ! ચિહ્ન જોઈને સત્સંગ કરવો છે કે; એમ ને એમ?” શેઠ કહે, “મહારાજ! સોળ ચિહ્ન દેખાડો તો સારું.” પછી મહારાજે ચરણારવિંદ લાંબું કરીને સોળે ચિહ્ન દેખાડ્યાં. પછી હીરા શેઠને વર્તમાન ધરાવ્યાં અને તે સત્સંગી થઈને પોતાને ઘરે ગયા. ॥૨૦૦॥

ગામ હળવદના ચૌદ વેદીયા બ્રાહ્મણો પોતાના મનમાં એવો સંકલ્પ કરીને આવ્યા જે, “આપણે સ્વામિનારાયણના દર્શને જઈએ અને સ્વામિનારાયણ આપણા ચૌદને વેદના મંત્રો નોખા નોખા બોલાવે તો ભગવાન ખરા.” તે વખતે મહારાજ ગામ મેથાણ હતા અને તળાવની પાળે સભા કરીને વિરાજમાન હતા. ત્યાં ચૌદ જણા આવીને મહારાજને પગે લાગ્યા. મહારાજ બોલ્યા જે, “આ તો વેદીયા બ્રાહ્મણો છે.” મહારાજે સભામાં તેમને સત્કાર કરીને બેસાડ્યા. પછી મહારાજ બોલ્યા જે, “વેદ પુરુષો! અમારા ધાર્યા બોલશો કે તમારા ધાર્યા?” પછી વેદીયા બ્રાહ્મણો બોલ્યા જે, “મહારાજ! તમે કહો તે પ્રમાણે બોલીએ.” પછી મહારાજે ચૌદે જણાને જુદાં જુદાં નામ લઈને ચારે વેદના મંત્ર બોલાવ્યા. પછી ચૌદ વેદીયા ઉઠી ઉઠીને મહારાજને પગે લાગ્યા અને વર્તમાન ધારી સત્સંગી થયા ને મહારાજને કહ્યું જે, “અમો આવો સંકલ્પ કરીને આવ્યા હતા.” ॥ ૨૦૧॥

ગઢપુરમાં ગીરનારા ત્રણ બ્રાહ્મણ આવ્યા હતા. તેમણે વિચાર કર્યો જે, “સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે જો આપણે જઈએ અને જો શ્લોક બોલીને વાતો કરે તો ભગવાન ખરા.” પછી તે બ્રાહ્મણ સભામાં આવીને બેઠા ત્યારે મહારાજ બોલ્યા જે, “આ બ્રાહ્મણોને સત્સંગ થાતો હોય તો શ્લોક બોલીને વાતો કરીએ.” પછી મહારાજે શ્લોક બોલીને વાતો કરી. તે સાંભળીને બ્રાહ્મણો ઉઠીને મહારાજને પગે લાગ્યા અને વર્તમાન ધારી સત્સંગી થયા. ॥૨૦૨॥

ગામ અમરેલીના આમદ તથા મકન કરીને બે ખોજા હતા તે ગઢડે આવ્યા. તેમની પાસે બગસરાની બે પછેડીઓ હતી. તેમાં એક રાતા છેડાની તથા બીજી કાળા છેડાની હતી. તે બન્ને જણાએ એવો સંકલ્પ કર્યો જે, “આપણે પછેડીઓ લઈને સ્વામિનારાયણ પાસે જઈએ અને જો તે માંગી લે તો ભગવાન ખરા.” પછી બન્ને જણા પછેડીઓ લઈને દરબારમાં આવીને સભાથી છેટે લીંમડા નીચે ઉભા રહ્યા. તે વખતે શ્રીજીમહારાજ દરબારમાં સભા કરીને બેઠા હતા પછી બન્નેને જોઈને મહારાજ બોલ્યા જે, “આમદ તથા મકન! તમો બન્ને જણા કાળા છેડાની તથા રાતા છેડાની પછેડીઓ લાવ્યા છો તે ક્યાં સુધી ગાંઠે બાંધી રાખશો? લાવોને, મેલોને મારી પાસે.” પછી બન્ને જણાએ બેય પછેડીઓ મહારાજને આપીને છેટેથી પગે લાગ્યા અને કહ્યું જે, “મહારાજ! તમે ભગવાન ખરા. અમો આવા સંકલ્પ કરીને આવ્યા હતા. માટે અમોને વર્તમાન ધરાવો.” પછી બન્ને જણા વર્તમાન ધારી સત્સંગી થયા ને ઘરે ગયા એમ કેટલાકના મનનાં સંકલ્પ શ્રીજીમહારાજ કહેતા હતા. ॥૨૦૩॥

વડતાલમાં ઉગમણી બેઠક છે ત્યાં શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા અને ગામ વસોના ચાર પાટીદાર આવ્યા ને મહારાજના ચરણારવિંદ જોવા મંડ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, “પાટીદારો! શું જુવો છો?” પાટીદાર કહે, “મહારાજ! ભગવાન હોય તો તેના પગમાં સોળ ચિહ્ન હોય.” મહારાજ કહે, “સોળ ચિહ્ન હોય કે ન હોય પણ આ ચરણારવિંદની વિરાટ બ્રહ્મા પચાસ વર્ષથી પ્રાથના કરતા હતા ત્યારે આ ચરણારવિંદ આ પૃથ્વી ઉપર આવ્યાં છે.” એમ કહી મહારાજે ચરણારવિંદમાં સોળ ચિહ્ન દેખાડ્યાં અને પછી તેઓ વર્તમાન ધારી સત્સંગી થયા ને મહારાજનો સર્વોપરી નિશ્ચય કરીને ઘરે ગયા.1 ॥૨૦૪॥

એક વખત મહારાજ જુનાગઢ પધાર્યા હતા અને ત્યાં રૂપશંકર નાગરની મા પાંચીબાઈ કરીને હતાં. તેણે રાતે મનમાં એવો સંકલ્પ કર્યો જે, “સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે દશે વાગે નોતરું દીધા વિના જમવા આવે તો ભગવાન ખરા; અને નવું ઉનામણું, નવી ત્રાંબાકુંડી, નવું પીતાંબર માંગી લે તો ભગવાન ખરા. અને હું કહું તેટલું જમે અને સો રૂપિયાનો વેઢ માંગી લે તો ભગવાન ખરા.” પછી તેમણે તેમની એક હેતવાળી બાઈને કહ્યું. પછી તે બાઈ કહે, “ત્યારે મારે શું સંકલ્પ કરવો?” તેણે કહ્યું જે, “હું ખડકીનું કમાડ વાસીને દૂધનો લોટો ભરીને ઉભી રહું અને માંગીને પીએ તો ભગવાન ખરા.” પછી સવાર પડી એટલે મુળજી બ્રહ્મચારી તપેલીને કંટેવાળો કરવા મંડ્યા. ત્યારે મહારાજ બોલ્યા જે, “આજ કંટેવાળો કરશો નહીં. આજ તો ગામમાં જમવા જવાનું છે.” બ્રહ્મચારી કહે, “મને કોઈ નોતરું દેવા આવ્યું નથી.” મહારાજ કહે, “અમારે રાતનાં નોતરાં આવ્યાં છે.” હંમેશા બ્રહ્મચારી આગળ ચાલતા હતા પણ તે દિવસે મહારાજ કહે, “હું આગળ ચાલું. મેં ઘર ભાળ્યું છે.” પછી પેલી ડોશી દૂધનો કળશીઓ ભરી અંદર સાકર નાંખી હાથમાં લઈને ખડકી વાસીને ઉભી હતી. તેની ખડકીએ જઈને મહારાજ કહે, “ડોશી! કમાડ ઉઘાડ, લાવ તારું દૂધ પીતો જાઉં.” પછી તેની ખડકી ઉઘડાવીને દૂધ પીને મહારાજ ચાલ્યા. પછી પાંચી ડોશીને ઘેર જઈ મહારાજે કહ્યું જે, “સાંકળ ઉઘાડો.” ડોશીએ આવીને ઘરની સાંકળ ઉઘાડી. પછી મહારાજ ઢોલીયા ઉપર વિરાજમાન થયા. મહારાજ બોલ્યા જે, “દશ વાગ્યા કે નહીં? નવા ઉનામણામાં પાણી મેલ્યું છે કે નહીં? નવી ત્રાંબાકુંડી લાવો અને પટારામાંથી નવું પીતાંબર લાવો.” પછી મહારાજ બાજોઠ ઉપર નહાવા બેઠા અને નાહીને બીજા બાજોઠ ઉપર જમવા પધાર્યા. પછી થોડું જમીને મહારાજ આળસી ગયા. ત્યારે પાંચી ડોશી બોલ્યાં જે, “જમોને મહારાજ.” મહારાજ કહે, “બધું જમીએ તો શું આપો?” પાંચી ડોશી કહે, “મહારાજ! અમે શું આપીએ?” મહારાજ કહે, “પટારામાં સો રૂપિયાનો વેઢ છે તે આપો તો જમીએ.” પછી પટારો ઉઘાડી વેઢ લાવી મહારાજને પહેરાવ્યો એટલે મહારાજ બાઈએ જેટલો થાળ કર્યો હતો તે બધો જમી ગયા. પછી જમીને મહારાજને ઢોલીયા ઉપર પધરાવ્યા ત્યારે મહારાજે કહ્યું જે, “પાંચી ડોશી! વર માંગો.” ત્યારે બાઈ કહે, “મારા ચાર દીકરા મરી ગયા છે તે તમારા ધામમાં જાય.” મહારાજ કહે, “તારા ચાર શું તારી એકવીશ પેઢીનું કલ્યાણ કરીશ.” એમ શ્રીજીમહારાજે પ્રસન્ન થઈને પાંચી ડોશીને વર આપ્યો. ॥૨૦૫॥

ગામ વેળાવદરમાં દેવજી કરીને બ્રાહ્મણ હતો. તે ગઢપુર મહારાજનાં દર્શને આવ્યો. તેની પાસે માત્ર ચાર પૈસા મુડી હતી ને મનમાં એમ સંકલ્પ કરતો જે, “હું મહારાજને શું ભેટ મુકીશ? અને ચાર પૈસા મુકીશ તો ખાઈશ શું?” પછી સભામાં તે આવીને મહારાજને પગે લાગ્યો અને મનમાં સંકલ્પ કર્યો જે, “દીઠા દેવ ને પહોંચી જાત્રા.” પછી તે ગામમાં જઈને બે પૈસાના રાતડીયાં લઈ આવ્યો અને પાછો સભામાં આવી ઉભો રહ્યો. ત્યારે મહારાજ કહે, “દેવજી! ગાંઠે શું બાંધ્યું છે?” દેવજી કહે, “મહારાજ! આજે એકાદશી છે તે ફરાળ માટે રાતડીયાં લાવ્યો છું.” મહારાજ કહે, “મેલ્ય મારા પાસે.” પછી મહારાજે રાતડીયાં લઈ બ્રહ્મચારીને બોલાવ્યા અને કહ્યું જે, “આ રાતડીયાનું શાક કરજો; આવાં રાતડીયાં અમે કોઈ દિવસ જમ્યા નથી અને દેવજીને ફરાળ કરાવજો તથા દેવજી રહે ત્યાં સુધી આપણે ચોકે જમાડજો.” પછી પોતાના મનમાં દેવજીએ વિચાર કર્યો જે, “જખ મારે બે પૈસાના રાતડીયામાં મહારાજ રાજી થયા અને ફરાળનું નક્કી થયું અને પાંચ દિવસ રહીશ ત્યાં સુધી જમવાનું નક્કી થયું અને બે પૈસા પાસે છે તેના દાળીયા લઈ ઘર ભેગા થઈ જાશુ.” ॥૨૦૬॥

શ્રીજીમહારાજ ડભાણ પધાર્યા હતા ને શિયાળો હતો અને એક બાવો બેઠો બેઠો ટાઢે ઠરતો હતો. તેણે મહારાજને જોઈને એવો સંકલ્પ કર્યો જે, “સ્વામિનારાયણ ભગવાન હોય તો કાળો ધાબળો ઓઢીને મને આપે તો ભગવાન ખરા.” પછી મહારાજે ભગુજીને કહ્યું જે, “ભગુજી! લાવોને આજ તો કાળો ધાબળો ઓઢીએ.” પછી ધાબળો ઘડીક ઓઢીને મહારાજ બોલ્યા જે, “જુવોને પેલો બાવો ક્યારનો ટાઢે ઠરે છે માટે તેને આ ધાબળો આપો.” પછી તે ધાબળો તે બાવાને આપ્યો એટલે તે બાવો આવીને મહારાજને પગે લાગ્યો જે, “મહારાજ! મેં મનમાં આવો સંકલ્પ કર્યો. તે આપે સિદ્ધ કર્યો.” પછી તે બાવો મહારાજની ઘણી પ્રાર્થના કરીને મહારાજનો આશ્રિત થયો. ॥૨૦૬॥

કેલોદ ગામમાં પ્રભાતગર કરીને અતિત બાવો હતો. તેણે એવો સંકલ્પ કર્યો જે, “સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે. તે ગોદડી ઓઢીને મને આપે તો ભગવાન ખરા.” પછી મહારાજે ગોદડી ઓઢીને ભગુજીને કહ્યું જે, “આ ગોદડી પેલા બાવાને આપો.” પછી તે પ્રભાતગર આવીને મહારાજના પગમાં પડ્યો અને મહારાજને કહ્યું કે, “હે, મહારાજ! મારા મનમાં આવો સંકલ્પ હતો તે તમે સિદ્ધ કર્યો. તમો તો સાક્ષાત્કાર ભગવાન છો, માટે મને તમારો આશ્રિત કરો.” પછી તે વર્તમાન ધારી સત્સાંગી થયો. ॥૨૦૮॥

ગામ ઝીંઝાવદરમાં જીવો કરીને વાણિયો હતો. તે પોતાની દુકાને બેઠો હતો. ત્યાં શ્રીજીમહારાજ ગામને પાદર થઈને નીકળ્યા ત્યારે લોક શ્રીજીમહારાજને દર્શને દોડ્યાં. ત્યારે જીવો શેઠ બોલ્યો જે, “શા માટે દોડ્યા જાઓ છો? ભગવાન હોય તો મનની કળે. જો ભગવાન હશે તો હમણાં મારે પગથીયે આવીને ઉભા રહેશે.” પછી શ્રીજીમહારાજે નદીમાં ઘોડાં ઉભાં રાખીને સુરાખાચરને કહ્યું જે, “તમે સૌ આંહીં ઉભા રહો હું ગામમાં જઈ આવું.” પછી શ્રીજીમહારાજ માણકી ઘોડી ઉપર બેસીને શેઠની હાટના પગથીયે આવી ઉભા રહ્યા. મહારાજે કહ્યું જે, “જીવા શેઠ! ઓ, જીવા શેઠ! હવે તો બહાર નીકળ. હું અહીંયાં સુધી તો આવ્યો.” પછી શેઠ દુકાનમાંથી બહાર આવીને મહારાજને પગે લાગ્યો અને બોલ્યો જે, “ભગવાન હોય તો સૌના મનની કળે. એ તમોએ સત્ય કર્યું.” એમ દર્શન દઈને સ્વાર ભેગા થઈ ગયા. એમ કેટલાકના મનના સંકલ્પ સિદ્ધ કરીને શ્રીજીમહારાજે પોતાનાં આશ્રિત કર્યા. ॥૨૦૯॥

ગામ ચુડાના ચાર બ્રાહ્મણ ગઢડે દર્શને આવ્યા. તેઓના મનમાં એવો સંકલ્પ હતો જે, “આપણે ગઢડે દર્શને જઈએ અને સ્વામિનારાયણ સોળ ચિહ્ન દેખાડે તો ભગવાન ખરા.” પછીથી ચારે બ્રાહ્મણ ગઢડે આવ્યા અને શ્રીજીમહારાજ ઉગમણા બારના ઓરડે સભા કરીને બેઠા હતા. મહારાજ કહે, “પંડ્યા! ચિહ્ન જોઈને સત્સંગ કરવો છે કે એમ ને એમ?” પંડ્યો કહે, “ચિહ્ન દેખાડો તો સારું.” પછી મહારાજે ચરણારવિંદ લાંબાં કરીને સોળે ચિહ્ન દેખાડ્યાં. પછી વર્તમાન ધારી ચારે બ્રાહ્મણો સત્સંગી થયા. ॥૨૧૦॥

ગામ સાયલાના પારેખ માણેકચંદ તથા લીંબડીના શેઠ તલકશી ગામ લોયે દર્શને આવ્યા. તેઓના મનમાં એવો સંકલ્પ હતો જે, “આપણે સ્વામિનારાયણના દર્શને જઈએ અને સુતરફેણીની પ્રસાદી આપે તો ભગવાન ખરા.” અને પછીથી બે જણા લોયે આવ્યા અને મહારાજને પગે લાગીને બેઠા. મહારાજ કહે, “આ બે વાણીયાને સત્સંગ થાતો હોય તો લાવો સુતરફેણીની પ્રસાદી આપીએ.” પછી મહારાજે બે જણાને સુતરફેણીની પ્રસાદી આપી. પછી બે જણા ઉઠીને મહારાજને પગે લાગ્યા અને કહ્યું જે, “હે, મહારાજ! અમો આવો સંકલ્પ કરીને આવ્યા હતા, તે આપે સિદ્ધ કર્યો.” પછીથી બે જણા વર્તમાન ધારી સત્સંગી થયા. ॥૨૧૧॥

શ્રીજીમહારાજ વડતાલ પધારતા હતા અને ગામ સુંદરીયાણાની સીમમાં નીસર્યા. ત્યાં મુળો કરીને પટેલ હતો. તેણે ત્રીસ દાડીયાં કપાસ વીણવાને કર્યાં હતા. ત્યાં રસ્તે મહારાજને ભાળીને દાડીયાં સૌએ મુળા પટેલને કહ્યું જે, “ભાભા! અમને સ્વામિનારાયણનાં દર્શન કરવા સારૂ જવા દ્યોને.” પટેલ કહે, “કાલાં વીણવા આવ્યા છો કે ખોટી થાવા આવ્યાં છો? જો તમારી તાણ હશે તો એમની મેળે અહીં આવશે.” પછી શ્રીજીમહારાજ વાગડને રસ્તે સ્વારને ઉભા રાખીને માણકીને એકદમ વેલી મૂકી અને મુળા પટેલની પાસે આવીને કહ્યું જે, “મુળા પટેલ! એ મુળા પટેલ! વાગડનો માર્ગ કયો?” મુળો પટેલ કહે, “મહારાજ! વાગડનો માર્ગ તો ઘોડાં ઉભાં છે તે છે પણ આ દોડીયાંને મેં ખાળીને રાખ્યાં હતાં જે ભગવાન હોય તો તમારી તાણ નહિ જાણે? માટે મને વર્તમાન ધરાવો.” પછી ત્રીસ દોડીયાં અને એકત્રીસમો મુળો પટેલ તે સૌને વર્તમાન ધરાવ્યાં અને પછી મહારાજ સ્વાર ભેગા થઈ ગયા. ॥૨૧૨॥

ગુજરાતમાં એક બાઈ મઠના રોટલા કરતી હતી અને એક રોટલો બહુ જ ફુલ્યો. તેને જોઈને તે બાઈ બોલી કે, “ઓહો! પૃથ્વી ઉપર ભગવાન ન મળે નહિતર આ રોટલો તેને જમાડું તેવો થયો છે.” પછી તે બાઈ ભાત લઈને ખેતર જતી હતી. તેને શ્રીજીમહારાજ દિવ્ય સ્વરૂપે સ્વાર સહિત મળ્યા અને કહ્યું જે, “બાઈ! અમારો રોટલો લાવ.” બાઈ કહે, “મહારાજ! તમારો રોટલો આમાં કેવો?” મહારાજ કહે, “તું કહેતી હતી કે ભગવાન જમે એવો છે.” પછી તે બાઈએ ભાત હેઠું ઉતારીને મહારાજને રોટલો આપવા માંડ્યો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ રોટલાને અમે ઓળખીએ છીએ. તે રોટલો જરા દાઝેલો છે.” પછી મહારાજે પોતાને હાથે તેની પાસેથી તે રોટલો લીધો. બાઈ કહે, “મહારાજ! વર્તમાન ધરાવો.” પછી તેની પાસે છાશની દોણી હતી. તેની પરાશે કરીને મહારાજે તેને વર્તમાન ધરાવ્યા. ॥૨૧૩॥

ગઢપુરમાં એક દિવસ પ્રાગજી દવે કથા કરતા હતા અને પરમહંસ તથા હરિજન સૌ સાંભળતા હતા. પછી મહારાજને રાજી કરવા સારૂ સુરાખાચર બોલ્યા જે, “ભટજી! બે કન્યાઓ છે. તે તમે કહો ત્યાં તમારો સંબંધ કરીએ.” તે સાંભળી પ્રાગજી દવે બોલ્યા જે, “સાંભળો! સાંભળો! વેશવાળની વાર્તા થાય છે.” અને બોલ્યા જે, “ભણે કૃપાનાથ પાસે તો આવા જ માણસો જોઈએ. કેમ કે સુરોખાચર જેવા હોય તો કૃપાનાથની શોભા વધે.” એમ દવેજી વખાણ કરવા લાગ્યા. પછી સુરોખાચર કહે, “એક જસદણમાં છે અને બીજી લાઠીમાં છે તે તમો કહો ત્યાં સગપણ કરીએ.” ભટજી કહે, “ભલે, જ્યાં મોટું હોય ત્યાં કરો.” સુરોખાચર કહે, “મોટી તો લાઠીમાં છે.” પછી તે કથાની સમાપ્તિ કરીને સાંજે ઘેર ગયા. પછી કોઈકે કહ્યું જે, “જસદણમાં અને લાઠીમાં તો મોટી શૂળીઓ છે તે જે વાંકમાં આવે તેને શૂળીએ ચડાવી દે છે.” પછી પ્રાગજી દવે કહે, “હવે તો મારે કુવે પડીને મરવું છે.” પછી દિવસ આથમ્યા ટાણે તે કુવે પડવા ચાલ્યા તે જ્યાં કુવાને કાંઠે થાળામાં બેઠા બેઠા પગ ટટળાવે અને બોલ્યા જે, “આવા મોટા વખંભર કુવામાં કેમ પડાય?” ત્યાં મહારાજને ખબર પડી એટલે લક્ષ્મીરામને કહ્યું જે, “પ્રાગજી દવે કુવે પડવા ગયો છે. માટે તેમને ગોતી આવો.” પછી લક્ષ્મીરામે છેટેથી બુમ પાડી. ત્યારે તે સાંભળી દવેજી બોલ્યા જે, “હે, લખીયા! હું આંહીં બેઠો છું.” પછી લક્ષ્મીરામે પાસે જઈને કહ્યું જે, “અહીં શું કરો છો? ચાલો, મહારાજ બોલાવે છે.” ભટજી કહે, “લખીયા! મારે કુવે પડવું છે પણ માંહે મોટો સર્પ દોટું કાઢે છે અને વળી કાંટા પડ્યા છે. તે આવા વખંભર કુવામાં શે પડાય?” પછી દવેને તેડીને લક્ષ્મીરામ ગામમાં આવ્યા અને મહારાજને બધી વાત કહી સંભળાવી. ॥૨૧૪॥

ગામ ચાનગઢના રણછોડજી2 કરીને બ્રાહ્મણ હતા. તે ગઢપુર મહારાજના દર્શને આવ્યા અને તેમની પાસે નવ દોકડા અને એક કોરી હતી. તે અહીંયાં શ્રીગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલતું હતું. પછી તે મહારાજ પાસે પગે લાગીને ઉભા રહ્યા ને મનમાં એમ સંકલ્પ કર્યો જે, “નવ દોકડા મહારાજ પાસે મેલીશ તો મહારાજ કહેશે જે નવ દોકડા જ મેલ્યા? અને કોરી મેલીશ તો ખાઈશ શું?” એમ વિચાર કરતાં કરતાં તે નવ દોકડા અને કોરી એ બધુંય મહારાજ પાસે મેલ્યું. પછી મહારાજે તે કોરી લઈને તે રણછોડજી મહારાજને પાછી આપી કહ્યું જે, “લ્યો, આ કોરી. તમારા ભાતાની.” અને નવ દોકડા લઈને મહારાજે હાથમાં ઉછાળ્યા અને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે, “મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી! આ બ્રાહ્મણના નિર્ગુણ દ્રવ્ય આવ્યા તેથી ગોપીનાથજીનું મંદિર પુરું થઈ રહ્યું.” એમ કહી મહારાજ રાજી થયા. ॥૨૧૫॥

ગામ ઉમરાળાના શ્રીમાળી બ્રાહ્મણ મોટા ભટ્ટ કરીને હતા. તે ગઢપુર મહારાજને દર્શને આવ્યા હતા અને અહીંયાં વાસુદેવનારાયણના ઓરડા ઉપર તે વખતે નળીયાં ચડાવતા હતા. ત્યાં મહારાજ નીંબતરુ નીચે ખુરશી નાંખીને વિરાજમાન હતા. તે વખતે તે બ્રાહ્મણ મહારાજને રાજી કરવા માટે દોડી દોડીને નળીયાંના ખડકલા આપતો હતો. પછી કોઈ સંતે આવીને કહ્યું જે, “છોકરા! પાછલે પડાળે ચાલો. ત્યાં માણસની તંગાસ છે.” પછી તે પાછલે પડાળે જઈ નળીયાંના ખડકલા આપતાં વિચાર કરવા લાગ્યો જે, “પણે તો મહારાજ દેખતા હતા અને અહીંયાં કોણ દેખશે?” એમ વિચાર કરે છે એટલામાં મહારાજ પાછલે પડાળ પધાર્યા અને મોટા ભટ્ટને કહ્યું જે, “મોટા! શું સંકલ્પ કરે છે? હું તો આગલે પડાળે દેખતો હતો તેવો જ અહીં પાછલે પડાળે દેખું છું.” તે સાંભળીને તે બ્રાહ્મણ ઘણું જ રાજી થયો અને દોડી દોડીને ઉમંગ ભેર નળીયાંના ખડકલા દેવા મંડ્યો. ॥૨૧૬॥

મહારાજ દાદાખાચરને પરણાવવા સારૂ પધાર્યા અને વળતી વખતે ચાંદુને ગોરડકે પધાર્યા. ત્યાં રામચાંદુ કરી કાઠી હતા. તેણે મનમાં એમ સંકલ્પ કર્યો હતો જે, “સ્વામિનારાયણ મારે ઘેર પધારે તથા એંશી રૂપિયાનો વેઢ માગી લે તો ભગવાન ખરા.” પછી મહારાજ ગામને પાદર વિરાજમાન હતા. ત્યાં સૌ ગામનાં લોકો મહારાજને દર્શને આવ્યા. ત્યારે મહારાજ બોલ્યા જે, “રામચાંદુ! એંશી રૂપિયાનો વેઢ અહીંયાં લાવશો કે મારે તમારે ઘેર આવવું જોશે?” પછી રામચાંદુ કહે, “મહારાજ! ઘેર પધારો.” પછી મહારાજ તેને ઘેર પધાર્યા ત્યારે તેમણે એંશી રૂપિયાનો વેઢ આગળ ધર્યો. એમ મહારાજે તેનો સંકલ્પ સિદ્ધ કર્યો. ॥૨૧૭॥

મહારાજ તેને ઘેર પધાર્યા તે વખતે મહારાજે પોતાની મોજડીયું ઓસરીની કોરે પગથીયે ઉતારી હતી. તેનો ભાગીયો કરશન કુંભાર કરી હતો. તે ત્યાં બેઠો હતો ને કોસ ચોપડતો હતો. તેણે મહારાજની મોજડીયું ખંખેરીને તેલ ચોપડ્યું અને સવળી કરીને મેલી. પછી જ્યારે તેણે દેહ મેલ્યો ત્યારે તેને મહારાજ તેડવા આવ્યા. ત્યારે તેણે કહ્યું કે, “સ્વામિનારાયણ, તમે કેવા?” ત્યારે મહારાજ કહે, “તેં રામચાંદુને ઘેર મારી મોજડીયું સવળી કરીને મૂકી હતી તે સારૂ તને તેડવા આવ્યો છું. તૈયાર થા.” ॥૨૧૮॥

અને તે જ ગામમાં લાડુબાઈ કરીને એક કાઠીયાણી બાઈ હતી. તેના છોકરાને બળીયા નીકળ્યા હતા. તે વખતે તેણે સંકલ્પ કર્યો જે, “મારા છોકરાને સારૂં થાય તો પાંચ રૂપિયા મહારાજની આગળ ભેટ મેલવા.” એવી માનતા કરી હતી. પછી તેણે મહારાજને માટે અઢી રૂપિયાનો થાળ કર્યો અને મહારાજને જમાડ્યા અને અઢી રૂપિયા મહારાજ આગળ ભેટ મૂકી. પછી મહારાજ બોલ્યા જે, “ડોશી! તેં માનતા કરી છે તે અઢી રૂપિયા બીજા લાવ્યને અને તું જાણે જે થાળમાં વળે.” પછી તેણે બીજા અઢી રૂપિયા લાવીને પાંચ રૂપિયા પુરા મહારાજ આગળ મૂક્યા. તે મહારાજે હાથોહાથ લીધા ને અંતે તેડવા પધાર્યા. ॥૨૧૯॥