સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

પર્વતભાઈની વાતો તથા અગત્રાઈની લીલા

એક વખત પર્વતભાઈ ગામ લોજમાં મહારાજના દર્શને ગયા હતા અને ત્યાં અનાજનું સદાવ્રત અપાતું હતું. પછી મહારાજે કહ્યું જે, “પર્વતભાઈ! સદાવ્રતમાં દાણાની તંગાશ પડે છે.” પછી પોતે ઘરે આવ્યા ને જેટલું ઘરમાં અનાજ હતું તે બધું ગાડામાં ભરીને દસ ગાડાં જોડાવીને પોતે લોજ લઈ ગયા. પછી તમામ અનાજ ત્યાં લોજના સદાવ્રતમાં નાંખ્યું. ત્યારે મહારાજ બોલ્યા જે, “પર્વતભાઈ! છોકરા સારું કાંઈ રાખ્યું કે બધું અનાજ અહીં લાવ્યા?” પર્વતભાઈ કહે, “મહારાજ! કણબીના છોકરાં અને કુકડાનાં છોકરાં ભૂખે ન મરે. એ તો ઉકરડા ઉથામીને પણ પેટ ભરે!” પછી તે ઘરે આવ્યા અને જોયું તો દશે કોઠીયો અનાજની ભરેલી હતી. એમ શ્રીજીમહારાજે કોઠીયોમાં દાણા વધાર્યા. ॥૫૭૪॥

પર્વતભાઈ અને તેના ભાઈ એ બન્ને ખેતર ખેતી કરવા ગયા હતા અને બપોરે માનસી પૂજા કરવાનો વખત થયો ત્યારે પર્વતભાઈ સાંતી હાંકતા હાંકતા માનસી પૂજા કરતા હતા. તેમાં તમામ ચીજ મહારાજને જમાડી પછી ભાતમાં દહીં પીરસતા હતા એટલે સાંતીના બળદ ધીમે ધીમે ચાલતા હતા. તે જોઈ પાછળથી સાંતીવાળે પરોણાનો ઘોદો માર્યો જે, “પર્વતભાઈ! શું ડોલાં ખાઓ છો?” તે ભેળે હાથમાંથી દહીંની દોણી પડી ગઈ. તે હળ બધું દહીં દહીં થઈ રહ્યું. તે જોઈ તેમના ભાઈ દોડીને આવ્યા અને કહ્યું જે, “આ શું થયું? આ દહીં કેવું?” પર્વતભાઈ કહે કે, “ભલા માણસ! હું મહારાજની માનસી પૂજા કરીને તેમને દહીં જમાડતો હતો. તે વખતે તેં પરોણાનો ઘોદો માર્યો એટલે હાથમાંથી દહીંની દોણી પડી ગઈ.” પછી તેમણે કહ્યું જે, “જ્યારે માનસી પૂજાનો વખત થાય ત્યારે એક સ્થાનકે બેસીને માનસી પૂજા કરવી.” એમ હાથ જોડીને પગે લાગીને કહ્યું જે, “મારો અપરાધ માફ કરજો.” ॥૫૭૫॥

એક વખત પર્વતભાઈ સાંતી હાંકતા હતા અને પોતાના મનમાં એમ થયું જે, “શાસ્ત્રમાં નૃસિંહાવતાર કહ્યો છે તે કેવો હશે?” તેવો સંકલ્પ તેમના મનમાં થયો ત્યારે મહારાજે વિચાર કર્યો જે, “નૃસિંહાવતાર જોવાનો સંકલ્પ કર્યો માટે તે દેખાડવો પડશે અને બીજા અવતારનો સંકલ્પ કરશે તો તે પણ દેખાડવા પડશે માટે ચોવીશે અવતાર દેખાડું.” પછી પર્વતભાઈ સાંતી હાંકતા હતા તેની આગળ ચોવીશે અવતાર ચાલ્યા જાય. તે જોઈ પર્વતભાઈના મનમાં આશ્ચર્ય થયું અને વિચાર્યું જે આ ચોવીશે અવતારના કારણ કોણ હશે? પછી તે ચોવીસે અવતાર મહારાજના સ્વરુપમાં લીન થયા. પછી પર્વતભાઈના મનમાં એમ થયું જે શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી અને સર્વ અવતારના કારણ છે અને એવો પોતાના મનમાં દૃઢ નિશ્ચય થયો. ॥૫૭૬॥

અને શ્રીજીમહારાજ વખતો વખત પર્વતભાઈનાં વખાણ કરે જે બધા સત્સંગી છે પણ પર્વતભાઈના જેવો કોઈ પ્રેમી હરિભક્ત નથી. પછી કાઠીયોના મનમાં એમ થયું જે, “આપણે તેને જોવા જે એ કેવાક પ્રેમી હરિભક્ત છે?” પછી મહારાજ એક વખત અગત્રાઈ પધાર્યા. તે વખતે સાતે કાઠીના સ્વાર હતા. પછી પર્વતભાઈએ મહારાજને ઢોલિયો ઢાળી દઈને તે ઉપર ગાદલું તથા તકીયો પાથરી દીધાં. તે ઉપર મહારાજ વિરાજમાન થયા અને સૌ કાઠીયોનાં ઘોડાં વાડામાં બંધાવ્યાં અને પર્વતભાઈ મહારાજના ઢોલિયા પાસે બેઠા. પછી મહારાજ કહે, “પર્વતભાઈ! અમારી સાથે કાઠીઓ છે તેમનાં ઘોડાંને ખડ તથા ચંદીને માટે કંઈક કરો અને તેમની રસોઈને માટે કંઈક કરો.” ત્યારે પર્વતભાઈ કહે, “મહારાજ! ઘરનો ધણી આવે ત્યારે સાથીને શું?” એમ કહીને બોલ્યા જે, “જુઓ, મહારાજ. આ બે ડબા ઘીનાં ભર્યા છે. આ કોઠીઓ ગોળની ભરી છે. ઘઉંના લોટના ગોળા ભર્યા છે. તે તમે ગમે તેવી રીતે રસોઈ કરાવો અને વાડામાં ખડના કુંદવા છે તે લઈને ઘોડાંને ખડ નંખાવો અને કોઠારીયામાં બાજરાની કોઠીયો ભરી છે તેમાંથી ઘોડાંને પાવરા અપાવો.” કાઠી એક-બીજા વાત કરવા લાગ્યા જે, “જુઓને કેવા ઢોંગ કરે છે? જે હું તો સાથી છું એમ પણ કહે છે પણ આપણે ખરા હોઈએ તો તેને ખીજવીએ.” પછી કાઠીએ ઘરમાં જઈને બાજરાની કોઠીનાં સાણાં કાઢી નાંખ્યાં અને પાવરા ભરી ભરીને ઘોડાંને ચડાવ્યા અને વાડામાં કુંદવા ફરતાં ઘોડાંને છુટાં મુકી દીધાં પછી મહારાજ ઘરમાં પધાર્યા. તે બાજરાના ઢગલા જોઈને બોલ્યા જે, “સુરાખાચર! આ શું કર્યું?” સુરોખાચર કહે, “મહારાજ! ઘોડાંને પાવરા ચડાવ્યા છે.” મહારાજ કહે, “તમારે ઘરે તમે આમ ચડાવો છો? આ બાજરો પાછો કોઠીમાં નાંખી દ્યો.” એમ કહીને બાજરો પાછો કોઠીમાં નંખાવ્યો. પછી મહારાજ વાડામાં પધાર્યા તે ખડના કુંદવા ફરતાં ઘોડાં જોઈને મહારાજ બોલ્યા જે, “સુરાખાચર, આ શું કર્યું?” સુરોખાચર કહે, “મહારાજ! ઘોડાં ખડ ખાય છે.” મહારાજ કહે, “ઘોડાંને ખીલે બાંધી દ્યો અને ખડ પાછું ખડકી દ્યો.” પછી પર્વતભાઈએ કંસારની રસોઈ કરાવી અને પ્રથમ મહારાજને થાળ જમાડ્યા. પછી કાઠીયોની પંક્તિ ફળી(આંગણા)માં કરી અને કંસાર પીરસીને મહારાજ ધારે ઘી પીરસતા હતા. તે તાંબડીની ધાર મહારાજ ખેંચે નહીં અને અરધું પીરસે અને અરધું ઢોળે. પછી પર્વતભાઈ તાળીયો પાડીને નાચવા લાગ્યા જે, “અહોહો! અહોહો! મારે વાલે આવી લીલા ક્યારેય કરી નહોતી.” ત્યારે કાઠી બોલ્યા જે, “વોય પર્વત વોય, બીજા તો ચલાયમાન થાય પણ આ પર્વત ચલાયમાન થાય નહીં અને મહારાજ વખાણ કરતા હતા તેવા જ આ પર્વતભાઈ છે.” ॥૫૭૭॥

એક વખત પર્વતભાઈનો દીકરો માંદો હતો અને પોતે ગઢપુર દર્શને આવ્યા. પછી મહારાજે ઠપકો દઈને કહ્યું જે, “છોકરાને માંદો ઘરે મૂકીને આંહી દર્શને કેમ આવ્યા?” પર્વતભાઈ કહે, “મહારાજ! ખાટલાનો પાયો ભાંગ્યો હોય તો ઘરમાં લાકડાં લેવાં જવું પડે અને સુતારની ગરજ પડે અને આ તો છાણમાં કીડા ઘણાંય પડે છે તે મરે તોય શું અને જીવે તોય શું?” પછી છોકરો સાજો થયો અને મહારાજની રજા લઈને પોતે ગઢપુરથી ઘરે ગયા. ॥૫૭૮॥

એક વખત પર્વતભાઈ પોતાના ઘરના માણસ સહિત ગઢપુર શ્રીજીમહારાજને દર્શને આવ્યા હતા અને સાથે મયારામ ભટ્ટ પણ હતા. પછી સાત દિવસ સુધી જમ્યા વિના મહારાજની મૂર્તિ સામું જોઈને બેસી રહ્યા પણ અન્ન કે જળ કાંઈ લીધું નહીં. પછી મહારાજે મયારામ ભટ્ટને કહેવરાવ્યું કે, “પર્વતભાઈનાં ઘરનાંને પૂછો જે, પર્વતભાઈ રોટલા ક્યાં જમે છે?” ત્યારે તેમનાં ઘરનાં માણસે કહ્યું જે, “સાત દિવસ થયા અહીંયાં આવ્યા નથી. તે મહારાજની પ્રસાદી જમતા હશે.” મહારાજ કહે, “અહીં તો જમતા નથી.” પછી સૌ સાંભળે તેમ શ્રીજીમહારાજે પૂછ્યું જે, “પર્વતભાઈ! રોટલા ક્યાં જમો છો?” પર્વતભાઈ કહે, “મહારાજ! આ મૂર્તિ મૂકીને રોટલો શું ભાવે? હું તો તમારા દર્શનથી જ તૃપ્ત થયો છું.” જેમ પરીક્ષિત રાજાએ સાત દિવસ સુધી અન્નજળનો ત્યાગ કર્યો હતો તેમ પર્વતભાઈએ સાત દિવસ સુધી અન્નજળનો ત્યાગ કરીને મહારાજની મૂર્તિમાં જ સર્વે રસ સમજતા હતા. ॥૫૭૯॥

એક વખત મહારાજ વરતાલ પધારતા હતા અને ભાલમાં બોરુ ગામ છે ત્યાં સવારમાં સ્નાન કરીને તળાવને કાંઠે દેરી છે. તેમાં ઉગમણે મુખે બેસીને શ્રીજીમહારાજ નિત્યવિધિ કરતા હતા અને અહીંયાંથી પર્વતભાઈ તથા મયારામ ભટ્ટ વિગેરે દોઢસો માણસનો સંઘ લઈને મહારાજ ભેળા બોરુને તળાવે ગયા. પછી મહારાજને દંડવત કરીને પગે લાગ્યા અને હાથ જોડીને પર્વતભાઈ બોલ્યા જે, “હે, મહારાજ! તમે કહો તે હું તમને આપું.” મહારાજ કહે, “પર્વતભાઈ! અનેક કોટિ બ્રહ્માંડ છે તે મારે આધારે છે અને તે સર્વ બ્રહ્માંડમાં મારું કર્યું જ થાય છે તે બહાર કાંઈ તમારું હોય તે અમોને આપો.” ત્યારે પર્વતભાઈ વિચારમાં પડ્યા. પછી મહારાજને બે હાથ જોડીને કહ્યું જે, “મહારાજ! આપ જેમ કહો તેમ કરું.” મહારાજ કહે કે, “પર્વતભાઈ! અમારાં આ પાંચ વર્તમાન રાખે તેનાં અમારે કલ્યાણ કરવાં છે.” પર્વતભાઈ કહે, “એ પાંચ વર્તમાન અમે સૌ પાળતા હોત તો તમે શું પળાવત?” મહારાજ કહે, “તો હું તેની છુટી મેલત જે, એ વર્તમાન ન પાળે તેનું પણ કલ્યાણ.” ॥૫૮૦॥

પછી તે ઉપર મહારાજે વાત કરી જે, “આગળ પરશુરામ થઈ ગયા તેમણે એકવીશવાર નક્ષત્રી પૃથ્વી કરી અને ક્ષત્રિના લોહીના કુંડ કર્યા અને પછી પરશુરામે કહ્યું જે, ‘આ કુંડમાં નહાય તેનું કલ્યાણ.’ પછી જેને વિશ્વાસ આવ્યો તે નહાયા અને તેનું કલ્યાણ કર્યું.” પછી મહારાજ કહે, “આ તો સૌ વર્તમાન નથી પાળતા માટે મારે પળાવવું છે.” પછી પર્વતભાઈ મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. ॥૫૮૧॥

અગત્રાઈમાં શ્રીજીમહારાજ પર્વતભાઈને ઘરે વિરાજમાન હતા. તે વખતે ભીમભાઈ મહારાજ પાસે આવીને બેઠા અને મહારાજને કહ્યું જે, “મહારાજ! બાદશાહ જ્યારે ગાદીયે બેસે ત્યારે કેદી માત્રને છોડી મૂકે. તેમ તમે પુરુષોત્તમ, સર્વ અવતારના અવતારી આ પૃથ્વી ઉપર પધાર્યા અને અનંતકોટી કલ્પથી જીવ નર્કના કુંડમાં પડ્યા છે. માટે તે જીવને છોડાવો તો ઠીક.” પછી મહારાજે સ્વરુપાનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું જે, “તમે જમપુરીમાં જાઓ ને ત્યાં જઈને સ્વામિનારાયણનું નામ લઈને શંખ વગાડજો એટલે સર્વે જીવ ચતુર્ભુજ થઈને દેવલોકમાં જાશે.” પછી સ્વરૂપાનંદ સ્વામીએ સંયમની પુરીમાં જઈ, ત્યાં સ્વામિનારાયણનું નામ લઈને શંખ વગાડ્યો એટલે નર્કના કુંડમાં જેટલા જીવ હતા તે બધા ચતુર્ભુજ થઈને વિમાનમાં બેસીને દેવલોકમાં ગયા. તે ઉપર મુક્તાનંદ સ્વામીએ કીર્તન કર્યું જે:

સરવે નરક કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગણ રે કર ઘસી પસ્તાય, નારાયણ પ્રબળ પ્રતાપ છે. ॥૫૮૨॥

મહારાજ અગત્રાઈમાં પર્વતભાઈ ઘરે વિરાજમાન હતા. ત્યાં ભીમભાઈ આવીને નિશ્વાસ નાંખીને મહારાજ પાસે બેઠા. પછી મહારાજ કહે, “કેમ, ભીમભાઈ?” ત્યારે ભીમભાઈ બોલ્યા જે, “મહારાજ! અમે કણબી કોણ લેખામાં?” ત્યારે મહારાજ કહે, “ભીમભાઈ! આ ફેરે તો કકાનું જ કલ્યાણ કરવું છે.” તે કણબી કાઠી કાછીયા કોળી વિગેરે સર્વેનું શ્રીજીમહારાજે કલ્યાણ કર્યું. ॥૫૮૩॥