ચાંદગઢના રણછોડજી બ્રાહ્મણની વાતો
એક વખત ચોમાસાની રાત્રી હતી અને પોતે રાતના બાર વાગ્યે ખાટલા ઉપર બેસીને માળા ફેરવતા હતા અને થોડો થોડો વરસાદ પણ વરસતો હતો. તે વખતે ચોર તેમના ઘરની વંડી ઉતરીને નીચે ઉતરવા ગયો. તે ગારાને લીધે લપટીને ભોંયે પડ્યો. તે ધબાકો સાંભળીને રણછોડજી મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા તેની પાસે ગયા અને ચોરને કહ્યું જે, “આવી અંધારી રાત છે અને એકલા આવ્યા? અને તમે પડ્યા તે તમને વાગ્યું હશે ને? અને મને કહ્યું હોત તો હું ખડકી ઉઘાડત ને! આટલી બધી મહેનત કરવી પડી અને સવારે હું લોટ માગી આવીશ; તેનો રોટલો કરીને આપણે બે જણ જમશું. માટે જમ્યા વગર જાઓ તો મારા સોગન છે.” પછી ચોરના મનમાં એમ થયું જે, “આખી રાત ડોઈ તો પણ કાંઈ વળ્યું નહીં.” એમ વિચારીને પછી ત્યાંથી ચાલ્યો ગયો. ॥૫૮૪॥
એક વખત પોતે પરગામ પોતાના વેવાઈને ઘરે ગયા હતા. પછી સવારે નાહીને પોતાની આગળ મૂર્તિનું ઘરું મેલીને માનસી પૂજા કરવા બેઠા. તે વખતે વેવાઈએ મશ્કરી કરી અને પૂજાનું ઘર સંતાડી દીધું અને તેના ઠેકાણે એક જુનું ખાસડું લઈને મુક્યું. પછી રણછોડજી મહારાજે માનસી પૂજા કરીને આંખો ઉઘાડી અને પોતાની આગળ જુનું ખાસડું જોઈને બોલ્યા જે, “કોની આંખ્યું ફુટી જે મારા ઈષ્ટદેવ ઉપાડી ગયો? અને જુનું ખાસડું મેલ્યું?” પછી જે ધણી ઘરું લઈ ગયો હતો તેની બન્ને આંખ્યો બહાર નીકળી પડી. પછી તે બુમ પાડતો પાડતો રણછોડજી મહારાજ પાસે આવીને પગે લાગ્યો પણ આંખ્યો બહાર નીસરી પડ્યા પછી શો ઉપાય? એમ ભગવદીનો અપરાધ કર્યાથી તત્કાળ પાપ લાગે છે. ॥૫૮૫॥