માંગરોળના આણંદજી સુતારની વાતો
એક વખત શ્રીજીમહારાજ માંગરોળ પધાર્યા હતા અને સૌ સત્સંગી મહારાજની વાતો સાંભળવાને આવતા અને આણંદજીભાઈ પણ રાત બધી મહારાજની વાતો સાંભળતા અને દિવસ બધો ઘરે જઈ સૂઈ રહેતા. પછી એક દિવસ શ્રીજીમહારાજ આણંદજીભાઈને ઘરે પધાર્યા અને તેમની ઘરવાળીનું નામ લઈને મહારાજે કહ્યું જે, “રાજુબાઈ! આણંદજીભાઈ ક્યાં છે?” રાજુબાઈ કહે, “મહારાજ! રાત બધી તમારી વાતો સાંભળે છે અને દિવસ બધો સુઈ રહે છે.” તે સાંભળી મહારાજ તરત પોતાને ઉતારે પધાર્યા અને રાત પડી એટલે આણંદજીભાઈ મહારાજની સન્મુખ આવીને બેઠા ત્યારે મહારાજ કહે, “ઉપાડ તારું આસન.” આણંદજીભાઈ કહે, “કેમ, મહારાજ?” મહારાજ કહે કે, “રાત બધી વાતો સાંભળી અને દિવસ બધો સુઈ રહે એટલે તારાં છોકરાં ભુખે મરે ને?” ત્યારે આણંદજીભાઈ કહે, “મહારાજ! તમે કહો તેમ કરું.” મહારાજ કહે , “રાત બધી વાતો સાંભળ્ય અને દિવસ બધો કામ કર તો બેસ.” ત્યારે આણંદજીભાઈ કહે, “બહુ સારુ, મહારાજ.” પછી દિવસ બધો કામ કર્યું એટલે રાત્રે તેમને ડોલાં આવવા મંડ્યાં. ત્યારે મહારાજ કહે કે, “આણંદજી! ડોલાં આવે છે?” ત્યારે આણંદજીભાઈ કહે, “મહારાજ! કહો તેમ કરું.” મહારાજ કહે, “ઉભા થાઓ અને ખપેડે ચોટલી બાંધો.” પછી ઉભા ઉભા માળા ફેરવતા હતા તોપણ ડોલાં આવવા મંડ્યાં. પછી મહારાજ કહે કે, “પાણીના ઘડા ટાઢા ભરેલા હોય તે માથે રેડો.” પછી ટાઢા પાણીના ઘડા માથા ઉપર રેડ્યા. ॥૫૮૬॥
એક વખત મહારાજ કહે કે, “આણંદજી! તારી ઘરવાળીનો ત્યાગ કર કાં અમારો ત્યાગ કર.” આણંદજીભાઈ કહે કે, “મહારાજ! ઘરવાળીનો ત્યાગ કરું તો રોટલા કોણ કરી દે? અને તમારો ત્યાગ કરું તો કલ્યાણ ન થાય!” ત્યારે મહારાજે સૌ હરિભક્તોને કહ્યું જે, “આણંદજી જ્યારે આવે ત્યારે હાડે કુતરી એમ સૌ કહેજો.” પછી મહારાજ ત્યાંથી બીજે ગામ પધાર્યા અને આણંદજીભાઈ જ્યારે મંદિરમાં જાય ત્યારે સૌ હરિજન તેમને હાડે કુતરી કરે અને આણંદજીભાઈ ખડકીએ ઉભા રહીને આરતી ધુન્ય કરે અને સૌ હરિજનના જોડા પોતાના લુગડા વતે સાફ કરે. એમ કરતાં કરતાં છ મહિના થયા. પછી મહારાજ ત્યાં પધાર્યા તે વખતે આણંદજીભાઈ મહારાજને દર્શને આવ્યા. ત્યારે સૌ હરિજન હાડે કુતરી હાડે કુતરી કરવા લાગ્યા ત્યારે મહારાજ કહે, “આ શું છે? આમ કોને કરો છો?” હરિજન કહે, “મહારાજ! આણંદજીભાઈને.” પછી મહારાજ કહે કે, “આણંદજી! તારે કુતરાનો જન્મ આવે તેમ હતો તે હવે ટળ્યો.” ॥૫૮૭॥
એક દિવસ શ્રીજીમહારાજ આણંદજીભાઈને ઘરે પધાર્યા અને આણંદજીભાઈની ઘરવાળી કુસંગી હતી. તેને મહારાજે સમાધિ કરાવીને જમપુરીમાં મોકલી. ત્યાં જમદૂતોએ મારી મારીને અધમુઈ કરી દીધી. પછી જમદૂતે કહ્યું જે, “સ્વામિનારાયણનો આશ્રય કરજે નહીં તો મારી મારીને જીવ કાઢી નાંખશું.” પછી તે બાઈ સમાધિમાંથી બહાર આવીને મહારાજના પગમાં પડી અને પછી વર્તમાન ધાર્યા અને સત્સંગી થઈ અને મહારાજને કહ્યું જે, “મહારાજ! મને તો જમદૂતને મારી મારીને અધમુઈ કરી દીધી હતી.” ॥૫૮૮॥
એક વખત મહારાજ માંગરોળમાં હતા અને આણંદજીભાઈ મુંબઈ જવાને માટે તૈયાર થયા અને પછી મહારાજને દર્શને આવ્યા ત્યારે મહારાજ કહે કે, “આણંદજી! ક્યાં જાવું છે?” આણંદજીભાઈ કહે, “મહારાજ! મુંબઈ જવું છે.” મહારાજ કહે, “આજ અમે નાહીને ચાલ્યા આવતા હતા. તે અમને એક પુરુષ શ્વેત વસ્ત્ર પહેરીને સામો મળ્યો, તેણે ખરા ઉપાડ જોડા પહેર્યા હતા. પછી અમે તેને પૂછ્યું જે, ‘તું કોણ છો?’ ત્યારે તે કહે, ‘હું આણંદજી સંઘાડીયાનું પ્રારબ્ધ છું.’ ત્યારે અમે કહ્યું જે, ‘તું ક્યાં જાય છે?’ ત્યારે તે કહે, ‘હું મુંબઈ જાઉં છું.’ પછી અમે તેને પૂછ્યું જે, ‘શા સારુ જવું છે?’ ત્યારે તે કહે, ‘આણંદજી સુતાર મુંબઈ જાય છે તેને માટે આગળથી કોદરા તૈયાર કરવા માટે જાઉં છું. કેમ કે મુંબઈમાં કોદરા મળે નહીં.’” ત્યારે આણંદજીભાઈ કહે, “મહારાજ! તમો કહો તેમ કરું.” પછી મહારાજ કહે, “અહીં રહો અને આંહીં તમારો નિવાહ ચાલશે.” પછી મહારાજને કહેવે કરીને પોતે માંગરોળમાં રહ્યા. ॥૫૮૯॥
એક દિવસ મહારાજે આણંદજીભાઈને કહ્યું જે, “તમને કાંઈ કારીગરી આવડે છે?” ત્યારે કહે, “હા, આવડે છે.” મહારાજ કહે કે, “એક સારી ખાટ બનાવીને અહીંના નવાબને ભેટ આપો.” પછી તેણે એક સારી હિંડોળા ખાટ્ય કરી. તેમાં એવી કારીગરી કરી કે, “તેને કળ ચડાવે એટલે એની મેળાએ ચાલ્યા કરે.” પછી તે ખાટ લઈ નવાબને ભેટ કરવા ગયા. નવાબ તે ખાટ જોઈને બહુ જ ખુશ થયો અને કહ્યું જે, “આવા કારીગર મારા ગામમાં રહે છે માટે તે જે માગે તે તેને આપો.” અને આણંદજીભાઈને મહારાજે કહેલું જે, “નવાબ ઈનામ આપવાનું કહે તો જમીન માગજો પણ પૈસા આપે તે લેશો નહીં.” પછી નવાબ કહે, “આની શી કિંમત?” ત્યારે આણંદજીભાઈ કહે, “સાહેબ! તમો રાજી થાઓ તે મારે જોઈએ.” પછી આણંદજીભાઈએ નવાબને કહ્યું જે, “મારે આશરો રહેવાનો નથી, તો થોડીક જમીન આપો તો મકાન ચણાવી તેમાં રહીને મારો નિવાહ કરું.” પછી નવાબે તેના માણસને કહ્યું જે, “આણંદજી સુતાર કહે તે ઠેકાણે તેને સૌ સો હાથ ઓરસ ચોરસ જગ્યા ભરી આપજો.” અને શ્રીજીમહારાજે આણંદજીભાઈને કહી રાખેલું જે, “આ ઠેકાણે જગ્યા માગજો.” પછી આણંદજીભાઈએ કહ્યું જે, “આ પડતર જગ્યા છે ત્યાં મને આપો.” પછી તે ઠેકાણે તેને જગ્યા ભરી આપી અને પછી તેની ફરતી વાડ્ય કરીને કબજો કરી લીધો. ॥૫૯૦॥
પછી તેમણે મહારાજ પાસે જઈને વાત કરી જે, “મહારાજ! તમારા કહેવા પ્રમાણે તે ઠેકાણે મેં જગ્યા માગી લીધી છે. પછી મહારાજ કહે, “ત્યાં રાતે રાતે પાયો ખોદો.” પછી મહારાજના કહેવા પ્રમાણે રાતે રાતે પાયો ખોદવા માંડ્યો. તેમાંથી એક મોટું દ્રવ્યનું ચરૂ નીકળ્યું. તે જોઈને મહારાજને તે વાત કરી ત્યારે મહારાજ કહે, “તમારા ઘરમાં જુનો લોટો કે તાંબડી છે? જો હોય તો તે ભરીને તે દ્રવ્યની ભેટ કરી આવો.” પછી જુની એક તાંબડી હતી તેમાં પાંચસો રૂપિયા ભરીને નવાબને ભેટ આપવા ગયા. ત્યારે નવાબ કહે, “આણંદજી! આ શું લાવ્યો?” આણંદજીભાઈ કહે, “સાહેબ! તમોએ મને જમીન આપી તેમાંથી આટલું દ્રવ્ય નીકળ્યું છે. તે તમારૂં કહેવાય માટે તમને આપવા સારૂ લાવ્યો છું.” નવાબ કહે, “નહીં લઉં. તે પાછું લઈ જા. તારી જગ્યામાંથી નીકળ્યું તે તારું ગણાય.” તેથી તે પાછું લાવી મહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજ કહે, “તેની એક સોનાની ઉતરી ઘડાવીને નવાબના દીકરાની ડોકમાં નાંખી આવ્ય.” પછી તેવી ઉતરી ઘડાવીને નવાબના દીકરાની ડોકમાં પહેરાવી આવ્યા. પછી નવાબની ઘરવાળી કહે, “તમે કોણ છો?” ત્યારે આણંદજી સુતાર કહે, “બહેન! હું સુતાર છું અને ગરીબ છું.” બાઈ કહે, “તારે શું કાંઈ કામ છે?” આણંદજીભાઈ કહે, “બહેન! મને નવાબ સરકારે જમીન આપી છે. તેનો લેખ હજી કરી આપ્યો નથી તો લેખ કરાવી આપો તો ઠીક.” પછી બાઈ કહે, “આજ બાર વાગ્યે તું અહીંયા આવજે.” પછી નવાબ આવ્યા ત્યારે છોકરાની ડોકમાં ઉતરી ભાળીને બોલ્યા જે, “આ ક્યાંથી? કોણ પહેરાવી ગયું?” બાઈ કહે, “આણંદજી સુતાર છે. તે મારો ભાઈ છે. તે પહેરાવી ગયો અને તમોએ તેને જમીન આપી છે તેનો લેખ હજુ સુધી કરી આપ્યો નથી તો તરત લેખ કરી આપો.” પછી તે મુજબ આણંદજીભાઈને માણસ મોકલી તેડાવ્યા અને નવાબે તેને તે જગ્યાનો લેખ કરી આપ્યો અને તેમાં લખ્યું જે, “આકાશથી પાતાળ સુધી તેમાં જે હીરા માણેક કે દ્રવ્ય નીકળે તે તારૂં” એવો લેખ લખી આપીને તે ઉપર મહોર છાપ મારી હતી. તે લેખ લઈને મહારાજ પાસે ગયા અને તે લેખ મહારાજને વંચાવ્યો પછી મહારાજ કહે, “હવે ખોદવા માંડો.” પછી ખોદતાં ખોદતાં તેમાંથી ઘણુંક દ્રવ્ય નીકળ્યું. પછી મોટી ત્રણ માળની હવેલી ચણાવી અને ગામમાં મોટા શ્રીમંત ગણાવા લાગ્યા અને જ્યાં પંચ ભેળું થાય ત્યાં આણંદજીભાઈને પ્રથમ બોલાવી જાય; એમ શ્રીજીમહારાજની આજ્ઞા માની તો સર્વ પ્રકારે સુખીયા થયા. પ્રથમ તે જગ્યા અસલ રજવાડાની હતી એમ ભક્તની રક્ષા કરી. ॥૫૯૧॥
શ્રીજીમહારાજ માંગરોળમાં હતા અને ગોરધનભાઈની હવેલીના ગોખમાં જમવા બેસતા અને સામે એક કુસંગીની હવેલી હતી. તેના ગોખમાં એક બાઈ સામી બેસતી. તે ડોશી છોકરાને બોલાવીને એમ કહેતી જે, “જો સહજાનંદ બેઠો. જોઈજા હેઠું.” એમ કહીને છોકરાને નીચું જોવરાવતી પણ મહારાજ સામું જોવા દેતી નહીં. ॥૫૯૨॥
માંગરોળમાં કબો કરીને એક વાણીયો હતો. તે ગાંડો થઈ ગયો હતો. પછી છાણ ભેળું કરીને ચોક વચ્ચે બેસતો અને પોતાના હાથમાં વાંસનાં છાબડાં ને ત્રાજવા રાખતો અને પથ્થરનાં કાટલાં રાખતો હતો અને તાણીને સાદ પાડતો જે, “લ્યો કોઈ કસ્તુરી! લ્યો કોઈ કેસર!” એમ છાબડામાં છાણ નાંખીને રાડ્યો પાડતો. એક વખત મહારાજ ત્યાંથી નીકળ્યા અને કબાને જોઈને બોલ્યા જે, “આ શું કરે છે?” હરિજનો કહે, “મહારાજ! કબો વાણિયો છે. તે ગાંડો થઈ ગયો છે અને છાણ ભેગું કરીને કેશર લેવાનો સાદ પડે છે.” તે સાંભળીને મહારાજ બોલ્યા જે, “બધાય કબા છે! ભગવાન વિના બીજું જે જે કાંઈ કરો છો તે બધોય છાણનો વેપાર છે.” એમ મહારાજે હરિજનોને આગળ જતા જગત મિથ્યા અને ભગવાન સત્ય; એ વાત કરી. ॥૫૯૩॥
માંગરોળમાં શ્રીજીમહારાજ પધાર્યા હતા અને સમાધિનું પ્રકરણ ચલાવ્યું હતું. પછી એક વખત શ્રીજીમહારાજ બજારમાં પધાર્યા અને ચાર હરિજનોએ ચકમો મહારાજ ઉપર ઊંચો કર્યો હતો અને મુક્તાનંદ સ્વામી આદિક સાધુ હાથમાં કરતાલો લઈને કીર્તન ગાતા ગાતા આગળ જતા હતા. તે સાંભળીને વેપારીઓ પોતાની દુકાનો બંધ કરવા લાગ્યા અને ત્યાં ભાયાવદરના કણબી પોતાને ત્યાં વિવાહ હતો તેનો સામાન વોરવા ગયા હતા. તે દુકાનો બંધ થયેલી જોઈને કણબી બોલ્યા જે, “શેઠ! દુકાનો કેમ બંધ કરી?” શેઠ કહે, “અમારે તો આ ગામમાં એક પાપ આવ્યું છે જે આપણી ને એની એક નજર થાય તો લાકડાં જેવા લાકડાં થઈ જઈએ.” કણબી કહે, “અમને કાંઈક બતાવો તો તે પ્રમાણે કરીએ.” પછી વાણિયો કહે, “બે ઢીંચણ વચ્ચે માથું રાખીને પછેડી ઉપર ઓઢી જાઓ.” કણબીએ પોતાના સામાનનાં પોટલાં બાંધી લઈને બે ઢીંચણ વચ્ચે માથું રાખીને પછેડીયું ઓઢીને બેસી ગયા. પછી મહારાજ આઘા ગયા ત્યારે વાણિયો બોલ્યો જે, “જો ઓલ્યા ચકમા હેઠ ચાલ્યો જાય તેની અને આપણી એક નજર થાય તો લાકડાં જેવા લાકડાં થઈ જાઈએ.” તે પુન્યે કરીને કણબીને પાછળથી સત્સંગ થયો. ॥૫૯૪॥