સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

જીણાભાઈની વાતો તથા પંચાળાની લીલા

એક વખત મહારાજ પંચાળે પધાર્યા હતા અને ગઢડેથી રામપ્રતાપભાઈને ઝીણાભાઈ પંચાળે તેડી ગયા હતા. ત્યાં મહારાજ થાળ જમવા બેઠા ત્યારે બ્રહ્માનંદ સ્વામી તથા સુરોખાચર પાસે બેઠા હતા અને વાત પ્રસંગે વાત જમવાની નીકળી ત્યારે મહારાજ બોલ્યા જે, “સ્વામી! પંજાબી બહુ ખાય.” બ્રહ્માનંદ સ્વામી કહે, “ના, મહારાજ! પુરબીયા બહુ ખાય.” અને મહારાજ કહે, “પંજાબી બહુ ખાય.” એમ એક-બીજાનો સંવાદ ચાલ્યો. પછી બ્રહ્માનંદ સ્વામીએ ઝીણાભાઈને પૂછ્યું જે, “રામપ્રતાપજી મહારાજ પધાર્યા છે અને તેમને ખાધે પીધે સારી રીતે સાચવો છો કે નહીં?” ઝીણાભાઈ કહે કે, “ભાઈને સવારમાં શેર માંખણ ભેંશનું અને શેર ધોયેલી સાકર એટલું જમાડીયે છીએ અને બપોરે બશેર લોટ એક શેર ઘી અને અર્ધ શેર ચોખા અર્ધ શેર દાળ તથા શેર સાકર આટલું બપોરે જમાડીયે છીએ.” અને સ્વામી કહે, “સાંજે શું જમાડો છો?” ઝીણોભાઈ કહે, “સાંજે પાંચ શેર ભેંશના દૂધનો કઢો ને માંહે શેર સાકર એટલું નિરંતર જમાડીયે છીએ તોય પણ ભાઈ કહે કે, ‘પંચાળાકા પાણી બહોત ખરાબ હે જે પાચન થાતું નથી.’” પછી સ્વામી કહે, “જુઓ, મહારાજ! પંજાબી બહુ ખાય કે પુરબીયા?” તે સાંભળી મહારાજ કાંઈ બોલ્યા નહીં. ॥૫૯૫॥

એક વખત મહારાજે પંચાળામાં નદીને કાંઠે રાસ ઉત્સવ કર્યો. તે સ રામપ્રતાપજી મહારાજે બાવળીયા ઉપર માળો ઘાલ્યો હતો અને તે ઉપર પોતે બેસી મૃદંગ બજાવતા હતા અને રાસ ઉત્સવ પુરો કરી રહ્યા ત્યારે મહારાજ પાસે કોઈ ભગત તીર તથા કમાન લાવ્યા હતા. પછી મહારાજે ભાઈને કહ્યું જે, “ભાઈ! લ્યો આ તીર કમાન પુંખે કરી આપો.” પછી ભાઈએ લઈને બહુ પરિશ્રમ કર્યો પણ તીર પુંખે થયો નહીં અને શરીરે પરસેવો વળી ગયો. પછી મહારાજ કહે કે, “લાવો, અમારા હાથમાં.” પછી મહારાજ હાથમાં તે તીર કમાન લઈને તુરત તે તીરને પુંખે કર્યો તે જોઈ રામપ્રતાપજી મહારાજ કોપાયમાન થયા અને બોલ્યા જે, “જા, ભાઈ! જા ,એક તો મારા ભાઈ અને વળી બીજા ભગવાન. જો બીજો હોય તો ટાંગ ઝાલીને પછાડું.” એમ કહીને મહારાજને પગે લાગ્યા. ॥૫૯૬॥

મહારાજે પંચાળામાં એક વખત ફુલદોલનો ઉત્સવ કર્યો હતો અને પંચાળાના લોકોએ સંતની તથા હરિજનોની બહુ સેવા કરી હતી. પછી મહારાજે રાજી થઈને ઝીણાભાઈને કહ્યું જે, “અમારે તમારા આખા ગામને મોતીયા જલેબી જમાડવા છે કેમ કે તેમણે હરિજન તથા અમારી બહુ સેવા કરી છે.” ત્યારે ઝીણોભાઈ બોલ્યા જે, “મહારાજ! અમારા પટેલીયાને પૂછો જે, શું જમવાને રાજી છો?” એમ કહીને ગામના પટેલીયાને બોલાવ્યા. એટલે આયર પટેલીયા બધા ભેગા થઈને આવ્યા અને મહારાજને કહ્યું જે, “અમને શા માટે બોલાવ્યા છે?” ત્યારે મહારાજ બોલ્યા જે, “અમારા સંત તથા હરિજનોની તમે બહુ સેવા ચાકરી કરી. તેથી અમારે ગામનો ધુમાડો બંધ કરીને સૌને મોતીયા જલેબી જમાડવા છે.” તે સાંભળીને સૌ પટેલીયા બોલ્યા જે, “સ્વામિનારાયણ! તારે જો જમાડવા હોય અને જો શ્રદ્ધા હોય તો તારી મોતડી બોતડી રહેવા દે અને ઘી ચોખા અને ગોળ દળહટ દે.” પછી ઝીણોભાઈ કહે, “જુઓ, મહારાજ! અમારા પટેલીયા તો આ જમવે રાજી છે.” પછી ઝીણોભાઈએ માંગરોળથી ગોળના ઘડા મંગાવ્યા અને ચોખા રંધાવ્યા અને પછી સૌને ચોખા પીરસીને ધારે ઘી પીરસી ઉપર ગોળ આપ્યો. તે થાળીયો સૌ મોઢે માંડીને જમ્યા એમ મહારાજે સૌને તૃપ્ત કર્યા. ॥૫૯૭॥

શ્રીજીમહારાજ પંચાળામાં વિરાજમાન હતા અને ગામ સુત્રેજના પીતાંબર કુંભાર કરીને હરિભક્ત હતા તે મહારાજને વખતો વખત કહેતા જે, “હે, મહારાજ! મને ધ્યાન થાય એવું એક વખત દર્શન આપો.” પછી મહારાજ કહે, “કોઈક વખત એવું દર્શન આપીશ.” ॥૫૯૮॥

અને મહારાજ પંચાળે હતા અને નરવરકોટમાં છ છ મહીનાના બાળકો ઘોડીયામાં સુતાં સુતાં બોલ્યાં જે, “તમારા જીવનું કલ્યાણ કરવું હોય તો પશ્ચિમ દેશમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે ત્યાં સૌ જાઓ.” બાળકોના એવા શબ્દો સાંભળી પચાસ જણા પોતાના દેશનો પોશાગ તથા મળીયાગર ચંદન વિગેરે લઈને ગઢડે આવ્યા અને પછી પંચાળે ગયા ત્યાં મહારાજનાં દર્શન કર્યાં ત્યારે સૌને સમાધિ થઈ ગઈ. પછી સમાધિમાંથી સૌ જાગીને ગામનાં ચોરામાં જઈને મહારાજ માટે થાળ કર્યા તે પચાશે જણાના થાળ મહારાજ જમ્યા. પછી શ્રીજીમહારાજને તેમના દેશનો આણેલો પોશાગ સર્વે પહેરાવ્યો અને કેશર ચંદને અરચા કરી અને રોઝા ઘોડા ઉપર વિરાજમાન થયા પછી પચાશે જણા આગળ પાછે પગે પાછે પગે ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ગાતા જતા તે એમ ને એમ સુત્રેજ સુધી પધાર્યા. તે વખતે પીતાંબર ભગત નિંભાડો પકવીને બેઠા હતા અને મહારાજે ત્યાં કહ્યું જે, “પીતાંબર! કર દર્શન. તું કહેતો હતો જે મને ધ્યાન થાય એવાં દર્શન આપો, તે લે આજ તને એવાં દર્શન આપ્યાં.” અને પછી મહારાજ પંચાળે પધાર્યા. ॥૫૯૯॥

જે વખતે મહારાજે પંચાળામાં સમૈયો કર્યો તે વખતે ગામ બાબા પર વાંકીયાના પટેલીયા ભાયાવદર રહેવા આવ્યા હતા તે પંચાળે મહારાજને દર્શને આવ્યા અને મહારાજને કહ્યું જે, “મહારાજ! અમને સમાધિ કરાવો.” મહારાજ કહે, “જ્યારે સમાધિનું પ્રકરણ હતું ત્યારે તમે બે ઢીંચણ વચ્ચે માથું રાખીને ઉપર પછેડીઓ ઓઢી હતી.” પછી મહારાજ પાસે વર્તમાન ધારીને સૌ સત્સંગી થયા અને પછી સૌ પોતપોતાને ઘરે ગયા. ॥૬૦૦॥

પંચાળામાં શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા અને બધી સભા નિંદ્રાવશ થઈ હતી. પછી મહારાજ બોલ્યા જે, “આજે કોને વાતો કર્યાનો વારો છે?” સૌએ કહ્યું જે, “મહારાજ! જેરામ બ્રહ્મચારીનો વારો છે.” મહારાજ કહે કે, “જેરામ બ્રહ્મચારી! સૌની ઉંઘ ઉડે તેવી વાત કરો.” પછી બ્રહ્મચારીએ તાળી પાડીને સૌને જાગ્રત કર્યા અને બોલ્યા જે, “એક ગામમાં ગોવિંદ કરીને એક પટેલ હતો અને તે એક પાકેલ બોરડી હતી તેને થડિયે જઈને કળશીયે જવા બેઠો હતો. તે કળશીયે જતો ગયો અને પાકેલ બોર ખાતો ગયો. પછી તે ગામમાં એક બ્રાહ્મણ ભાગવતની પારાયણ કરતો હતો અને પટેલ પણ કથા સાંભળવા માટે ગયા હતા. પછી સાંજે કથાની સમાપ્તિ થઈ ત્યારે બ્રાહ્મણ બોલ્યો જે, ‘આજે ગોવિંદના ગુણ ગાયા અને બાકીના ગુણ કાલે ગાશું હાં.’ તે સાંભળી ગોવિંદ પટેલને વિચાર થયો જે, ‘મેં બોર ખાધું તે બ્રાહ્મણ જાણે છે માટે તેને દબાવ્યો હોય તો સારું.’ પછી બીજે દિવસે તે પટેલ કથામાં આવ્યા ત્યારે પોથી ઉપર દસ રૂપિયા મૂક્યા. તે જોઈ બ્રાહ્મણે જાણ્યું જે પટેલ બહુ ભાવિક જણાય છે. પછી બીજે દિવસે પણ કથાની સમાપ્તિ થઈ ત્યારે બોલ્યો જે, ‘આજે ગોવિંદના ગુણ ગાયા અને બાકીના ગુણ કાલે ગાશું હાં.’ તે સાંભળી પટેલના મનમાં એમ થયું જે, ‘બ્રાહ્મણ દસ રૂપિયાથી રીઝ્યો નહીં.’ તેથી ત્રીજે દિવસે કથા સાંભળવા જતી વખતે પોથી ઉપર પચાસ રૂપિયા મેલ્યા તો પણ કથાની સમાપ્તિ વખતે તે જ શબ્દ બોલ્યા કરે. પછી ચોથે દિવસ પટેલ બ્રાહ્મણને તથા તેની સ્ત્રીને વસ્ત્ર વિગેરે સો રૂપિયાનો માલ આપ્યો. તે લઈ બ્રાહ્મણ બહુ રાજી થયો પણ પટેલના મનમાં તો પોતાની વાત છુપાવી રાખવી તે જ સંકલ્પ હતો. પછી કથા થઈ રહી ત્યારે વળી બ્રાહ્મણ બોલ્યો જે, ‘આજ ગોવિંદના ગુણ ગાયા ને વળી કાલે ગાશું હાં.’ ત્યારે પટેલીયો બોલ્યો જે, ‘માળા, ભટડા! દશે ન રીઝ્યો! પચાશે ન રીઝ્યો, તને લુગડાં આપ્યાં, તારી ઘરવાળીને લુગડાં આપ્યાં તો પણ ન રીઝ્યો? માટે કહે જા હંગતાં બોર ખાધું ખાધું ખાધું. આજ કહીશ કાલ્ય કહીશ.’” તે સાંભળી સભા ખડખડ હસવા લાગી અને મહારાજ પણ ઢોલિયા ઉપર આડે પડખે લોટી પડ્યા અને મહારાજ કહે કે, “બ્રહ્મચારીએ તો સૌની નિંદ્રા ઉડાડી. ॥૬૦૧॥

મહારાજ પંચાળે હતા અને રાત્રીયે મહારાજ ઢોલીયા ઉપર પોઢતા. ત્યારે એક કુતરી મહારાજના ઢોલીયા ઉપર નિત્ય બેસતી પણ મહારાજે સૌને કહેલ જે, “આ કુતરીને જે હાંકશે તેને વિમુખ કરીશ.” પણ તે નિત્યે મહારાજના વસ્ત્ર ખરાબ કરે. તે હંમેશ ધોવાં પડતાં. પછી એક દિવસ માતરો ધાધલ પોતાની સોડમાં ઘોડાનું ચોકડું લઈને સુતા અને પર્વતભાઈ પણ સુતા સુતા જાગતા હતા. પછી કુતરી મહારાજના ઢોલીયા ઉપર બેઠી. તે વખતે માતરે ધાધલે ઉઠીને ઘોડાનું ચોકડું માર્યું અને પોતે છાનામાના સુઈ ગયા અને કુતરીને બહુ વાગ્યું તેથી નિશ્વાસ નાંખીને બહુ રાડો પાડતી હતી. તે સાંભળીને મહારાજ જાગીને બેઠા થયા અને બોલ્યા જે, “કોણે કુતરીને મારી? તેને વિમુખ કરું.” પણ કોઈ બોલે નહીં. પછી પર્વતભાઈ બોલ્યા જે, “મહારાજ! માતરાનો શો વાંક? કુતરીએ કેડ ન મેલ્યો.” પછી મહારાજ બોલ્યા જે, “માતરા! એ, માતરા! તે કુતરીને મારી?” એમ મહારાજે દશ સાદ કર્યા ત્યારે માતરા ધાધલે હુંકારો દીધો. માતરો કહે, “કમણ જાણે બા.” મહારાજ કે, “તેં મારીને?” માતરો ધાધલ કહે, “મહારાજ! તમારાં વસ્ત્ર નિત્ય બગાડે છે તે ધોઈને થાકી ગયા.” પછી તે કુતરી ફરીથી આવતી આળસી ગઈ. ॥૬૦૨॥

ઝીણાભાઈ જુનાગઢમાં માંદા થયા હતા અને શ્રીજીમહારાજને ગઢપુરથી દર્શન દેવા તેડાવ્યા હતા. પછી મહારાજ ધર્મકુળ સહિત જુનાગઢ પધાર્યા હતા અને ઝીણાભાઈની મેડી ઉપર મહારાજ ઉતર્યા હતા. પછી એક ખુરશી ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન થયા અને એક ખુરશી ઉપર ઝીણાભાઈને બેસાર્યા અને ઝીણાભાઈની ડાઢીના થોભા મહારાજે છુટા મેલાવ્યા. મહારાજ કહે કે, “ઝીણાભાઈ! કાંઈ સંકલ્પ છે?” ઝીણાભાઈ કહે, “હા, મહારાજ! મારી હવેલી છે તે ઠેકાણે મંદિર કરાવજો અને જ્યાં મુળજી બ્રહ્મચારીને અને દાદાખાચરને મેલો ત્યાં મને મેલજો.” મહારાજ કહે, “હઠીનું કાંઈ કહો છો?” ઝીણોભાઈ કહે કે, “જો હઠી તમારો થાશે તો તમે રાખશો અને તમારો નહીં થાય તો હું ભલામણ કરીશ તોય પણ તમે રાખશો નહીં.” તે વખતે દેવરામભાઈ ઉભા થઈને બોલ્યા જે, “હે, મહારાજ! મારે ને ઝીણાભાઈને કોલ છે જે હું પહેલો ધામમાં જાઉં તો હું તમને લઈને ઝીણાભાઈને તેડવા આવું અને ઝીણાભાઈ પહેલા જાય તો તમને લઈને મને તેઓ તેડવા આવે.” તે સાંભળી મહારાજ બોલ્યા જે, “આજથી પંદરમે દિવસે તમે!” ત્યારે દેવરામભાઈ બોલ્યા જે, “મારે તો ગઢપુર દેહ મેલવો છે.” ત્યારે મહારાજ કહે, “માંડો ચાલવા.” અને ઝીણાભાઈને અગ્નિસંસ્કાર કરાવવા સારુ મહારાજ દામોદર કુંડ સાથે ગયા હતા અને દેવરામભાઈ ગઢપુર આવીને પંદરમે દિવસે ધામમાં ગયા. ॥૬૦૩॥