જુદી જુદી વાતો
ગામ બુરાનપુરનો સંઘ ગઢપુર દર્શને આવતો હતો. પછી તેમને રસ્તામાં ચોર મળ્યા. તેમણે સૌને લુંટી લીધા. પછી મોતીરામ કરીને એક હરિભક્ત હતો તેણે મહારાજ સારુ સોનાનો વેઢ આણ્યો હતો. તે ચોરની બીકે કરીને તે વેઢ જાળમાં નાંખી દીધો. પછી તે ચોરો સર્વ હરિભક્તોને પકડીને એક ગાઉ સુધી લઈ ગયા. પછી શ્રીજીમહારાજ ત્યાં તે વખતે સ્વાર સહિત આવીને ચોર પાસેથી સંઘને મૂકાવ્યો અને ચોરને બાંધીને ખૂબ માર માર્યા. પછી ચોરોએ મહારાજને વિનંતી કરી જે, “અમે ભૂલી ગયા અને અમારો અપરાધ માફ કરો અને હવે પછી અમે આવું કામ ક્યારેય નહીં કરીએ.” પછી મહારાજે ચોરને મૂકી દીધા અને વસ્તીનાં ગામ આવ્યાં ત્યાં સુધી મહારાજ સંઘની સાથે ચાલ્યા અને મોતીરામે જે વેઢ જાળામાં નાંખી દીધો હતો તે શ્રીજીમહારાજે ત્યાંથી લઈ લીધો હતો. પછી સૌ સંઘનાં માણસો શ્રીજીમહારાજની પૂજા કરવા લાગ્યા ત્યારે મોતીરામના મનમાં એમ સંકલ્પ થયો જે, “અરેરે! મેં વેઢને જાળામાં નાંખી દીધો પણ જો રાખ્યો હોત તો અત્યારે મહારાજની પૂજા કરવામાં ઉપયોગી થાત.” પછી મહારાજ બોલ્યા જે, “મોતીરામ! શું સંકલ્પ કરો છો? આ તારો વેઢ કે બીજો?” મોતીરામ કહે, “હા, મહારાજ!” એમ કહીને મહારાજે તેને વેઢ આપ્યો એટલે તેણે મહારાજની પૂજા કરી. ॥૬૦૪॥
ગોપાળાનંદ સ્વામી મોટે દેવળીયે પધાર્યા હતા. ત્યાં બ્રાહ્મણ બેસવા આવ્યા. તેમને સ્વામીએ કહ્યું જે, “તમારી ઓડક શી?” ત્યારે તેમણે કહ્યું જે, “અમારી ઓડક ગોટાળી.” એમ સ્વામીની મશ્કરી કરી તેથી તેની પ્રજા સૌ બોબડી થવા લાગી તે હજી સુધી એમનું એમ ચાલ્યું આવે છે. ॥૬૦૫॥
ગામ ચાનગઢના લાલજી મહારાજ તથા આણંદજી મહારાજ; બન્ને ભાઈ ગીરમાં ઉઘરાણી કરવા સારુ ગયા હતા. પછી શિયાળાની રાત્રિ હતી તેથી તેમને બહુ ટાઢ વાવા લાગી. ત્યારે લવજી મહારાજે કહ્યું, “આણંદજી! આ ઘર ઉઘાડીને જોને કાંઈ બળતણ છે?” પછી તેણે ઘર ઉઘાડીને દીવો કરીને જોયું ત્યાં તો ભરવાડના પૂર્વજોનો ફળાનો એક મોટો ઢગલો ભાળ્યો. પછી આણંદજી મહારાજે કહ્યું જે, “બળતણ તો છે પણ ભરવાડના પૂર્વજનાં ફળાં.” પછી લવજી મહારાજ કહે કે, “લાવોને તાપીએ.” પછી તે કાષ્ટના કટકા ઘણાક દિવસના જુનાં હતાં તે ભેગાં કરીને અગ્નિમાં મેલતાં ગયાં ત્યારે સ્વામિનારાયણનું નામ લેતા ગયા અને મેલતા ગયા એમ આખી રાત તાપણી કરીને તાપ્યા. પછી સવાર પડી એટલે બે-ચાર ફળાં બાકી રહ્યાં અને બન્ને ભાઈઓએ વિચાર કર્યો જે, “જો ભરવાડને ખબર પડશે તો આપણને હેરાન કરશે. માટે અહીંથી ચાલો.” તે વખતે ભરવાડ સૌ આવ્યા અને કહ્યું જે, “મહારાજ! આજ બીજ છે તેથી અહીંયાંથી જવાય નહીં અને જમીને જજો.” પછી બન્ને ભાઈએ કહ્યું જે, “અમે નદીમાં સ્નાન કરી આવીએ ત્યાં તમે સીધું લાવો.” પછી નાહીને લાલજી મહારાજે કહ્યું જે, “આણંદજી! ભરવાડ જ્યારે સીધું લાવે ત્યારે તું ધુણવા માંડજે. એટલે હું તને પૂછીશ. ત્યારે તું કહેજે જે, ‘માતા છું અને અહીંયાં રાત બ્રાહ્મણ રહ્યા તેથી તમારા પૂર્વજો પિતૃ સર્વે દેવલોકમાં ગયા છે.’” પછી નાહીને જ્યારે ઉતારે આવ્યા અને ભરવાડ જ્યારે સીધું લાવીને બેઠા તે વખતે આણંદજી મહારાજ ધૂણવા લાગ્યા. ત્યારે લાલજી મહારાજ બોલ્યા જે, “તું કોણ છું?” ત્યારે આણંદજી કહે, “હું માતા છું.” ત્યારે લવજી મહારાજે કહ્યું જે, “તું માતા કેવી?” ત્યારે તેણે કહ્યું જે, “આ બ્રાહ્મણો આજ રાત્રી અહીંયાં રહ્યા અને આખી રાત સ્વામિનારાયણનું ભજન કર્યું તેથી અમે સૌ તમારા પિતૃ દેવલોકમાં ગયા છીએ.” લવજી મહારાજ કહે, “આ શું કહે છે? અહીંયાં તમારી માતાનું કે બીજું કોઈ સ્થાનક છે?” ત્યારે આણંદજી મહારાજ બોલ્યા જે, “હવે ત્રણ બાકી રહેલા છે તે બ્રાહ્મણ ચાલે ત્યારે તેની ગાંઠે બંધાવજો.” પછી ભરવાડે તે ઓરડી ઉઘાડીને જોયું ત્યાં તો ત્રણ ફળાં બાકી રહેલાં દીઠાં અને તેમને પંદર દિવસ સુધી ભરવાડોએ રાખ્યા અને જ્યારે ચાલ્યા ત્યારે તે ત્રણ ફળાં હતાં તે તેમને ગાંઠે બંધાવ્યાં. પછી ભરવાડે કહ્યું જે, “આ બ્રાહ્મણ તો બહુ મોટા. હવે જ્યારે આવો ત્યારે અહીયાં ઉતરજો.” પછી તેમને એક ગાઉ સુધી સૌ ભરવાડ વળાવવા ગયા. અને બીજે ગામ ગયા ત્યારે લાલજી મહારાજે આણંદજી મહારાજને કહ્યું જે, “હવે ત્રણ ફળાં ક્યાં સુધી ગાંઠ્યો બાંધી રાખીશ? આ ખીચડી કરવી છે તેના આડમાં ખડકી નાંખ્ય. એટલે ખીચડી ઝટ ચડી જાય.” એમ શ્રીજીમહારાજના ખરા નિશ્ચયવાળાને કોઈની બીક રહેતી નથી. ॥૬૦૬॥
ગુણાતીતાનંદ સ્વામી પાસે એક હરિજન આવ્યો. તેણે સ્વામીને કહ્યું જે, “સ્વામી! હું ઘરભંગ થયો છું. અને બે ઠેકાણે કન્યાઓ છે. તેમાં એક કુસંગીની છે અને એક સત્સંગીની છે. તે તમો કહો ત્યાં સગપણ કરું.” સ્વામી કહે, “તો બેય કુવા એક કાંટાળો છે અને એક છોબંધ કુવો છે તે કાંટાળા કુવામાં પડે તો કાંઈક જાળું બાળું હાથ આવે. કાંટાળો કુવો તે શું? તે કુસંગીની દીકરી લાવ તો ત્યારે કાંઈ વાસના ન રહે અને જો સત્સંગીની દીકરી લાવીશ તે તારી ચાકરી કરશે તેમાં તું બંધાઈ જઈશ.” પછી તેણે કુસંગીને ત્યાં લગ્ન કર્યાં. ॥૬૦૭॥
શુકસ્વામી પાસે એક હરિજન સમાગમ કરવા આવ્યો હતો. તેને નિરંતર પોતાનું ઘરવાળું સ્વપ્નમાં આવવા લાગ્યું. પછી તેણે સ્વામીને પૂછ્યું જે, “સ્વામી! હું જ્યારે ઘરે હતો ત્યારે તમે સ્વપ્નામાં આવતા અને જ્યારે અહીં આવ્યો ત્યારે ઘરવાળી સ્વપ્નામાં આવે છે માટે તમે કહો તેમ કરું.” સ્વામી કહે કે, “ઘરે જ રહે તો હું તો સ્વપ્નામાં આવું. મારી પાસે રહે ને ઘરવાળી સ્વપ્નામાં આવે તે ઠીક નહીં, માટે તું ઘરે જ રહે.” મોટા પાસે રહે તો પણ જીવની વાસના ટળે નહીં. ॥૬૦૮॥
એક વખત શુકસ્વામી પોતે પૂજા કરવા બેઠા હતા અને પોતાનો આહ્નિક વિધિ બધો કરી રહ્યા અને પૂજાનું વિસર્જન પણ કર્યું. પછી પોતાના મનમાં અસંતોષ થયો કે, “મારે પૂજામાં કાંઈક વિધિ બાકી રહ્યો જણાય છે.” તેથી બીજી વાર પૂજા પધરાવીને પોતાનો વિધિ એટલે દંડવત પ્રદક્ષિણા સંધ્યા ગાયત્રી વિગેરે કર્યાં અને પહેલે ફેરે સ્વામી દંડવત કરવા ભૂલી ગયા હતા અને સ્વામી જ્યારે પૂજા કરવા બેસે ત્યારે
વંદું સહજાનંદ રસરુપ અનુપમ સારને રે લોલ…
એ કીર્તન બોલાવતા હતા. ॥૬૦૯॥
એક વખત શુકસ્વામી મહુવે પધાર્યા હતા અને ત્યાંથી ગામ ઝીંઝોડા જે કુંડલા પાસે છે ત્યાં પધાર્યા હતા. ત્યાં બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી હતી. પછી રસોઈની પ્રસાદી જ્યારે હરિભક્તને આપવા માંડી ત્યારે સ્વામી બોલ્યા જે, “હમણાં પ્રસાદી આપશો નહિં. મહુવાના હરિજનો અહીં દર્શને આવે છે.” એમ સ્વામીએ અંતર્યામીપણે વાત કરી. પછી ઘડીક વાર થઈ ત્યાં તો મહુવાના ખીમો શેઠ વિગેરે ગામ ઝીંઝોડે આવ્યા. ત્યાં તેમણે સૌને જમાડ્યા. પછી વધેલી પ્રસાદી રસોઈવાળાને ઘરે મોકલાવી દીધી. ॥૬૧૦॥
અમદાવાદમાં આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ જ્યારે માંદા થયા ત્યારે વરતાલથી ભગવત્પ્રસાદજી મહારાજ તથા સૌ સદ્ગુરુઓ અયોધ્યાપ્રસાદજી મહારાજને જોવા સારું આવ્યા. ત્યારે એક શુકસ્વામી નહોતા પધાર્યા. અયોધ્યાપ્રસાદજી મહારાજે આચાર્યજીમહારાજનો તથા સૌ સદ્ગુરુઓનો સત્કાર સારી રીતે કરાવ્યો અને પછી પૂછ્યું જે, “શુકમુનિ ક્યાં?” ત્યારે સૌએ કહ્યું જે, “શુકમુનિ તો પધાર્યા નહી.” ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજ કહે, “ત્યારે શ્રીજીમહારાજ શેના પધારે?” પછી તાર કરીને સ્વામીને અમદાવાદ તેડાવ્યા અને મેનામાં બેસીને સ્વામી અમદાવાદ પધાર્યા. બીજે દિવસે ઘેબરની રસોઈ કરાવી અને અયોધ્યાપ્રસાદજી મહારાજ ખુરશી નાંખીને ધર્મકુળની હવેલીમાં પાણીના ટાંકા પાસે વિરાજમાન થયા અને તમામ સદ્ગુરુઓની તથા બ્રહ્મચારીઓની તથા પાર્ષદોની જુદી જુદી પંક્તિઓ કરાવી અને તમામ સદ્ગુરુઓને રૂપાના થાળ અને રૂપાના વાટકામાં જમવાની આજ્ઞા આપી અને બોલ્યા જે, “તમે મારા પિતા છતાં બહુ દુઃખ ભોગવ્યું છે માટે આજ તો રૂપાના થાળમાં જમો.” અને શકરપારા વિગેરે સાત વાનાની રસોઈ કરાવી હતી અને તમામ ધર્મકુળ પંક્તિમાં પીરસતા હતા. પછી જમી રહ્યા કેડે અમદાવાદ દેશના તથા વરતાલ દેશના સાધુ બ્રહ્મચારીના સામસામાં તડ થયાં અને સૌ અષ્ટક બોલવા લાગ્યા. તે બોલતાં બોલતાં દિવસના ચાર વાગ્યા અને નરનારાયણદેવ જાગ્યાનું નગારૂં વાગ્યું. પછી સદ્ગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી બોલ્યા જે, “બેઉ પક્ષવાળા જીત્યા અને હવે સૌ બોલવું બંધ રાખો.” એમ સ્વામીએ કહ્યું એટલે સૌ બંધ રહ્યા અને પાંચ મણ પતાસાં મંગાવીને એક ચલાખામાં ઢગલો કર્યો. પછી અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, “બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી સૌને વહેંચી આપો. કેમ કે પ્રથમ નરનારાયણદેવ પધરાવ્યા ત્યારે સદ્ગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીને શ્રીજીમહારાજે સેવામાં મેલ્યા હતા.” પછી સ્વામીએ ખોબે ખોબે સૌને પતાસાં વહેંચી આપ્યાં અને આઠ દશ દિવસ સુધી સૌ સંતને રાખ્યા. ॥૬૧૧॥
અને ગામ પીપરલગના ભગા ભગતનાં લગ્ન કર્યાં અને જ્યારે માયરું કરીને ચોરીમાં ફેરા ફરવા મંડ્યા. તેમાં ત્રણ આંટા ફર્યા પછી ચોથો આંટો ફરવા ગયા ત્યાં ચોરીનો છોડવો ઝાલીને બેસી ગયા. ત્યારે સૌ સમજાવવા લાગ્યા જે, “ભગત! ઉઠો એક આંટા સારુ શું બેસી ગયા?” ભગત કહે, “બાપલીયા! ત્રણ ત્રણ આંટા ફર્યો.” ત્યારે સૌએ કહ્યું જે , “ગોર ભાભા! તમે ભગતને સમજાવો!” ગોર ભાભે કહ્યું જે, “ભગત! ઉઠો, એક આંટા સારુ શું ખડ ખાઓ છો?” ભગો ભગત કહે, “ગોર ભાભા! મારે સાટે તમે એક આંટો ફરો પણ મારો છુટકો કરો.” પછી પોતાનાં વસ્ત્ર અને દાગીના વિગેરે ત્યાં ઉતારીને ત્યાંથી પરબારા ચાલી નીકળ્યા અને સાધુ થયા. ॥૬૧૨॥
અને પીપળાવના પ્રભાશંકર કરીને હરિભક્ત બ્રાહ્મણ હતા. તેમનાં લગ્ન કરવાં હતાં અને શ્રીજીમહારાજની ડભાણથી કંકોતરી આવી. પછી પોતે ડભાણ જવા તૈયાર થયા. ત્યારે તેમના પિતાએ કહ્યું જે, “બાપ પ્રભાશંકર! ગઈ સાલમાં લગ્ન પાછાં વાળ્યાં હતાં અને આ સાલમાં કાંઈ પાછાં વળાય?” ત્યારે પ્રભાશંકરભાઈ કહે, “બાપા! લગ્ન તો આવતી સાલમાં થાશે પણ મહારાજ કાંઈ પહોર (આવતી સાલ) યજ્ઞ કરશે?” એમ કહીને લગ્ન કર્યા નહીં. ॥૬૧૩॥
ગામ હળીયાદના ભગો ભગત હતા. તેમનાં સગાં વહાલાં મળીને કહેવા લાગ્યાં જે, “તારાં લગ્ન કરવાં છે.” પછી મુળજી બ્રહ્મચારી પાસે આવ્યા અને પૂછ્યું જે, “હવે કેમ કરવું?” બ્રહ્મચારી કહે, “ઉબળ દે ઉબળ. એટલે સૌ તને લગ્ન કરવાનું કહે ત્યારે તારે સાધુ થાવાનું કહેવું.” પછી તે સંસારનો ત્યાગ કરીને સાધુ થયા. એવા વૈરાગ્યવાન હતા. ॥૬૧૪॥