સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના ચમત્કારની વાતો
રાગ: પૂર્વછાયો
અનુપમ ઈડર દેશમાં, ધન્ય ધન્ય ટોડલા ગામ।
ધન્ય ધન્ય દ્વિજની જાતને, જ્યાં ઉપજ્યા ભક્ત અકામ॥
જોગી પૂરવ જન્મના, જેને વહાલા સંગાથે અતિ વહાલ।
પ્રભુ સંગાથે પ્રગટ્યા, ખરા ભક્ત તે નામ ખુશાલ॥
શ્રીજીમહારાજ પ્રગટ વિરાજતા ત્યારે ગઢપુરમાં સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્તચિંતામણી ગ્રંથ બનાવતા. તે શ્રીજીમહારાજને બતાવતાં. મહારાજ કહે કે, “આમાં યોગીનું પ્રકરણ દાખલ કરો.” તેથી સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ યોગીન્દ્ર સદ્ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી જે, “મહારાજ આમ આજ્ઞા કરે છે.” યોગીન્દ્ર ગોપાળાનંદ સ્વામી કહે, “મારું કાંઈ દાખલ કરવું નહીં.” પછી મહારાજને કહ્યું જે, “યોગી તો ના પાડે છે.” ત્યારે મહારાજ કહે, “અમે બીજા કવિ પાસે લખાવશું.” પછી સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ તો તે હકીકત યોગીન્દ્ર સદ્ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીને કહી. ત્યારે કહે કે, “જેમ મહારાજની મરજી હોય તેમ કરો.” તેથી ભક્તચિંતામણીનું પ્રકરણ કર્યું. તે ૧૪૨મું પ્રકરણ જોઈ મહારાજ બહુ જ રાજી થયા. ॥૬૧૫॥
એક સમે ગોપાળાનંદ સ્વામી ગઢપુરમાં હતા અને વાળાક દેશના હરિજન શ્રીજીમહારાજને દર્શને આવ્યા હતા. તેમણે મહારાજને પૂછ્યું જે, “હે, મહારાજ! વરસાદ ક્યારે થશે?” ત્યારે મહારાજ કહે, “અમે ટીપણું ભણ્યા નથી અને ટીપણું તો ગોપાળાનંદ સ્વામી ભણ્યા છે માટે તેમને પુછો.” પછી હરિજનો ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને પૂછ્યું જે, “સ્વામી! વરસાદ ક્યારે થશે?” ત્યારે સ્વામી કહે, “લ્યો! ટીપણું મંગાવીએ.” પછી ટીપણું મંગાવીને જોઈને સ્વામી બોલ્યા જે, “પરમ દિવસે વરસાદ બહુ થાશે.” પછી સ્વામીને વચને કરીને બહુ વૃષ્ટિ થઈ. ॥૬૧૬॥
એક સમે ગોપાળાનંદ સ્વામી ગઢપુરમાં હતા અને ગામ ભાદરાના રતનો ભગત મહારાજના દર્શને આવ્યા. ત્યારે સ્વામીએ રતના ભગતને પૂછ્યું જે, “તમારે સમાધીવાળાને કામવાસના કે શું? જે ઘરનું મનુષ્ય મરી જાય છે ત્યારે ફરી ઘર કરો છો?” ત્યારે રતનો ભગત કહે, “સ્વામી! વાસના જણાતી તો નથી. પણ એવી ક્રિયા થાય છે ખરી ત્યારે વાસના હશે એમ જણાય છે તે વાસના કેમ ટળે?” ત્યારે સ્વામી કહે, “તમે સમાધિ કરીને અક્ષરધામમાં જાઓ છો ત્યાં મને દેખો છો?” રતનો ભગત કહે, “હા, હું ત્યાં તમને દેખું છું.” ત્યારે સ્વામી કહે, “તમે મને ત્યાં પુછજો.” પછી રતનો ભગત સમાધિ કરીને અક્ષરધામમાં ગયા અને સ્વામીને મહારાજની સેવામાં દીઠા. ત્યારે સ્વામીને રતના ભગતે વાત કરી. ત્યારે સ્વામીએ કહ્યું જે, “તમે બહાર વત્તિએ કરીને સમાધિને પામ્યા છો. માટે જીવમાં મૂર્તિ ધારો. એટલે કારણ શરીરમાં વાસના છે તે નાશ પામશે.” એટલે જીવમાં જ્યારે મૂર્તિ ધારવા લાગ્યા ત્યારે સ્વામીના કહેવાથી તે કારણશરીરમાં વાસના હતી તે નાશ પામી. ॥૬૧૭॥
એક સમે ગઢપુરમાં શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા. પછી હાથમાં હાર લઈને મહારાજ બોલ્યા જે, “લ્યો, ગુણાતીતાનંદ સ્વામી! આ હાર તમે પહેરો અને આજથી તમે જુનાગઢના મહંત.” સ્વામી કહે, “ના, મહારાજ! હું મહંતાઈનો હાર નહીં પહેરું.” પછી મહારાજે બહુ આગ્રહ કર્યો ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, “આ ગોપાળાનંદ સ્વામી વરસ-દહાડામાં એક મહિનો મને વાતો સંભળાવા સારુ આવે તો હાર પહેરું.” પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું જે, “કેમ, સ્વામી? પ્રતિ વરસે એક મહિનો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને વાતુ કરવા જશો?” પછી સ્વામી કહે કે, “હા, મહારાજ. જેમ તમારી આજ્ઞા હશે તેમ કરીશ.” પછી સ્વામી પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી પ્રતિવરસે એક મહિનો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને વાતો સંભળાવવા જતા અને જે વરસે ન જવાણું હોય તો બીજે વરસ બે મહિના જઈને રહેતા એમ સ્વામીનો દેહ રહ્યો ત્યાં સુધી પોતે વરસો વરસ જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને દર્શન દેવા સારૂ જતા હતા. ॥૬૧૮॥
એક વખત ગોપાળાનંદ સ્વામી જુનાગઢમાં હતા અને પાકી રસોઈઓ ચાલતી હતી. પછી કેટલાક હરિજનો ગામમાંથી દૂધ પેંડા લાવીને સ્વામીને સભામાં ભેટ મૂકવા લાગ્યા. પછી સ્વામીએ ઉભા થઈને પેંડાની ફાંટ ભરીને ગામ વાંકીયાના મોકોખાચર સભામાં બેઠા હતા; તેમના ખોળામાં જઈને પેંડાની ફાંટ ઠલવી. પછી સૌ હરિજન છાનામાના કથા-વાર્તા સાંભળવા સારુ સભામાં બેસી ગયા અને જ્યારે સભા ઉઠી ત્યારે સ્વામી આસને પધાર્યા. ત્યારે પુરૂષાનંદ સ્વામીએ સ્વામીને ઠપકો દઈને કહ્યું જે, “સ્વામી! તમે આ શું કર્યું? જે બધા હરિભક્તો તમારે માટે પેંડા લાવ્યા તે ઓલ્યા કાઠીને આપ્યાં તેથી સૌ હરિજનો નારાજ થયા.” પછી સ્વામી કહે કે, “પુરૂષાનંદ! તમે કાંઈ સમજ્યા નહીં. આપણે તો પાકી રસોઈ ચાલે છે અને ગામમાંથી પેંડા લાવે તે અશુદ્ધ હોય તે આપણે ઉપયોગમાં આવે નહીં અને હરિજનો મારો સમાગમ કરવા આવ્યા છે તે પાસે પૈસા હશે તો ગાંઠ્યના રોટલા ખાઈને મારો સમાગમ કરશે માટે આટલેથી જ બંધ રહ્યું.” ત્યારે પુરૂષાનંદ સ્વામી કહે, “હા, સ્વામી! તમે કર્યું તે ઠીક કર્યું હશે.” ॥૬૧૯॥
એક સમે સ્વામી જુનાગઢ પધાર્યા હતા અને પાતપરના બીડમાં ખડ વાઢવા માટે જવું હતું પણ ત્યાં કાંઈ પાણીનું સાધન નહોતું. પછી મોટા અખંડાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, “તમો આ સંત સાથે ઘાસ કપાવવા જાઓ અને ત્યાં સૌની સંભાળ રાખજો.” પછી અખંડાનંદ સ્વામી સૌને લઈને ઘાસ કપાવવા સારૂ તે બીડમાં ગયા અને ત્યાં પાણીનું એક નાનું તળાવડું ભર્યું હતું. પછી સ્વામીના કહેવા પ્રમાણે સૌ ત્યાંથી પાણી લાવીને દેહ-ક્રિયા તથા રસોઈ વિગેરેનું કામ કરતા અને ઘાસ વાઢતા. પછી એક દિવસ સૌ સુઈ ગયા હતા અને દિવસમાં બીડમાં ચારે કોર અગ્નિ લાગ્યો. તે વખતે મંદિર ઉપર કડીયા કામ કરતા હતા. તેમણે અગ્નિ જોઈને સ્વામીની પ્રાર્થના કરી જે, “હે સ્વામિન્! સાધુ ઘાસ કાપે છે તે બીડમાં અગ્નિ લાગ્યો છે માટે વરસાદ થાય તો અગ્નિ ઓલાય અને સૌની રક્ષા થાય નહીં તો સૌ બળી મરશે.” પછી સ્વામીએ દૃષ્ટિ કરી એટલે વરસાદ થયો અને અગ્નિ ઓલવાઈ ગયો એમ સૌની રક્ષા કરી. ॥૬૨૦॥
એક વખત સ્વામી જુનાગઢમાં હતા અને બ્રહ્માનંદ સ્વામીને વાત કરી જે, “આજ ગઢપુરથી ત્રણ સાધુ આવે છે. તેમણે ગઢપુરમાં મહારાજની પૂજા કરીને છાતીમાં ચરણારવિંદ લીધા છે તે તેમનાં તેમ છાતીમાં દેખાય છે અને મહારાજ થાળ જમતા હતા. તેમાંથી તમારા સારૂ પ્રસાદીના છ વડાં આપ્યા છે તે પરમ દિવસે અહીંયાં આવશે.” પછી ત્રીજે દિવસે તે ત્રણે સાધુ જુનાગઢ પહોંચ્યા અને તે સાધુની છાતીમાં મહારાજે આપેલાં ચરણારવિંદ દેખાતાં હતાં. પછી ગોપાળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તે સાધુને મળીને તે ચરણારવિંદ પોતાની છાતીમાં લીધાં અને સાધુએ આણેલાં છ વડાં તે પણ સ્વામીને પ્રસાદીનાં આપ્યાં. ॥૬૨૧॥
એક સમે ગોપાળાનંદ સ્વામી ગોંડલ પધાર્યા હતા. ત્યાં રાઘવજીભાઈ કરીને હરિભક્ત દરબારના કોઠારી હતા. તેઓ સત્સંગી સારા હતા, પણ તેમને મહારાજને ઓઢવા સારૂ ચોફાળ કરાવવાને આપ્યો હતો. તેના પૈસામાં આઠ આના વધ્યા અને ચોફાળ કરાવીને મહારાજને પુગતો કર્યો અને વધેલા આઠ આના પોતે રાખ્યા. તેમાંથી પોતાના અધિકાર ઉપરથી નીકળી ગયા અને દરિદ્રપણું આવ્યું. પછી સૌ હરિજન સ્વામીને દર્શને આવ્યા ત્યારે સ્વામી બોલ્યા જે, “સૌ હરિજન આવ્યા? અને રાઘવજીભાઈ કેમ દેખાતા નથી?” ત્યારે કોઈકે કહ્યું જે, “સ્વામી! તેમને તો વહેવારે બહુ જ દુઃખ પડ્યું છે. અને સ્ત્રી છોકરાં સૌ નાશ પામી ગયું અને અધિકાર ઉપરથી ઉઠાડી મૂક્યા છે. અને જુવારની ધાણીના લાડવા કરીને વેચે છે આવી સ્થિતિ છે.” ॥૬૨૨॥
ત્યારે સ્વામી બોલ્યા જે, “તેને મારી પાસે બોલાવો.” પછી હરિજને જઈને રાઘવજીભાઈને સ્વામી પાસે બોલાવી લાવ્યા અને રાઘવજીભાઈનો વેશ જોઈને સ્વામી બોલ્યા જે, “રાઘવજીભાઈ! આઠ આનામાં આટલે દરજ્જે આવી ગઈ છે?” તે સાંભળીને રાઘવજીભાઈ સ્વામી પાસે બહુ દિલગીર થઈ ગયા અને સ્વામીને કહ્યું જે, “મારી ઉપર કૃપાદૃષ્ટિ કરો.” પછી સ્વામી કહે, “આજ તમારે વેપારમાં શું આવ્યું છે?” ત્યારે રાઘવજીભાઈ કહે, “સ્વામી! બાર આનાની મુડી છે અને જુવારની ધાણીના લાડવા વેચું છું અને સાંજ પડ્યે શેર જુવાર વધારે આવે છે.” પછી સ્વામી કહે, “તે શેર જુવાર તમારે હાથે દળીને આંહીં લાવો અને તમો આજ ઉપવાસ કરજો.” પછી રાઘવજીભાઈએ જુવાર દળી તેનો શેર લોટ લાવીને સ્વામી પાસે મૂક્યો. પછી સ્વામીએ સંતને કહ્યું જે, “આનો રોટલો કરીને ઠાકોરજીને ધરાવો.” પછી તે જુવારનો રોટલો કરીને ઠાકોરજીને ધરાવ્યો.” તેમાંથી અરધો રોટલો સ્વામી જમ્યા અને અરધો રોટલો ચોળીને સૌ સંતને પ્રસાદી વહેંચી આપી. પછી સ્વામીએ રાઘવજીભાઈને કહ્યું જે, “તમે થોડાક દિવસમાં તમારા અધિકાર ઉપર જાશો.” પછી સ્વામી ત્યાંથી જુનાગઢ પધાર્યા અને થોડા દિવસ થયા એટલે દરબારને ખબર પડી જે, “આપણા જુના કોઠારી રાઘવજીભાઈ કેમ દેખાતા નથી?” ત્યારે કોઈકે કહ્યું જે, “તેમને તો અધિકાર ઉપરથી બહાર કરેલ છે.” પછી દરબાર કહે, “લાવો, તેમને પાછા તે જ જગ્યા ઉપર દાખલ કરો.” પછી સ્વામીની કૃપાદૃષ્ટિથી તે રાઘવજીભાઈની કોઠારી તરીકે નિમણૂક થઈ. ॥૬૨૩॥
અને ભાણાભાઈ કરીને ગરાસીયા હરિભક્ત હતા. તેમણે સ્વામીની પ્રાર્થના કરીને કહ્યું જે, “સ્વામી! મને ગોંડળનું રાજ્ય મળે તો આખા રાજ્યમાં સૌ વસ્તી પાસે સ્વામિનારાયણનું ભજન કરાવું અને સૌની પાસેથી નામ ધર્માદો અપાવું. પછી સ્વામી કહે, “ભાણાભાઈ! રાજ્ય તો મળશે પછી આવી સ્થિતિ નહીં રહે!” ત્યારે ભાણાભાઈ કહે, “ના, સ્વામી! તમારી કૃપાથી આવી ને આવી સ્થિતિ રહેશે.” પછી થોડાક દિવસ થયા કેડે સ્વામીની દયાથી ભાણાભાઈને ગોંડળનું રાજ્ય મળ્યું અને તે રાજ્યકાર્યમાં એવા લુબ્ધ થઈ ગયા કે પોતાનો નિત્ય નિયમ કરવાની પણ નવરાશ ન મળે તો વસ્તી પાસે તો ભજન સ્મરણ ક્યાંથી કરાવી શકે? એવા પોતે રાજ્યને વિષે ચોંટી ગયા હતા માટે અધિકાર એવો છે. ॥૬૨૪॥
અને ગામ કારીયાણીમાં મહારાજે અઠ્યોતેરમાં અન્નકૂટનો સમૈયો કર્યો હતો અને સૌ સંત તથા હરિજનો આવ્યા હતા. પણ ગોપાળાનંદ સ્વામી આવ્યા નહોતા. પછી કોઈકે આવીને કહ્યું કે, “મહારાજ! ગોપાળાનંદ સ્વામી આવે છે.” ત્યારે મહારાજ કહે, “સ્વામી કેટલેક છે? ચાલો સામા જઈએ.” પછી ઘડીક વાર થઈ એટલે સ્વામી આવ્યા અને મહારાજને દંડવત કરીને મળ્યા. પછી મહારાજે સ્વામીને કહ્યું જે, “સ્વામી! ઉતારા કરી આવો.” પછી સ્વામી ઉતારો કરવા ગયા એટલે વાર લાગી ત્યારે મહારાજે સોમલાખાચરને તેડવા મોકલ્યા જે, “જાવ, સ્વામીને બોલાવી લાવો.” પછી સ્વામી આવ્યા ત્યારે મહારાજે સ્વામીનો હાથ ઝાલીને અક્ષરઓરડીમાં તેડી ગયા. ॥૬૨૫॥
પછી અક્ષરઓરડીમાં ઉત્તરાદે ખુણે શ્રીજીમહારાજને ધાબળી પાથરીને બેસાર્યા તથા ગોપાળાનંદ સ્વામી પણ બેઠા. તે સમે નિષ્કુળાનંદ સ્વામી મહારાજને સ્નાન કરવા માટે ચુનાબંધ કુંડી કરાવતા હતા. તેઓ આવીને મહારાજ પાસે બેઠા. પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે, “સ્વામી! સુખી છો ને?” ત્યારે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! શહેરમાંથી આવે છે તે સુખી તો એવા જ હશે.” તો તે સમે સ્વામી વડોદરેથી આવ્યા હતા. તે વાત મહારાજને ગમી નહીં. પછી મહારાજ બોલ્યા જે, “એ કાંઈ તમારા જેવા નથી, જે એમને શહેર બાધ કરે.” પછી મહારાજ કહે, “સ્વામી! ટીપણી મોળી બોલે છે! ત્યાં જાઓ.” પછી નિષ્કુળાનંદ સ્વામીએ જઈને કડીયાને કહ્યું જે, “ટીપણી ઉતાવળી ટીપો.” એમ કહીને પાછા મહારાજ પાસે બેઠા. ત્યારે મહારાજ કહે, “સ્વામી! કડીયા ખોટી થાય છે. ” વળી સ્વામીએ જઈને કડીયાને કહ્યું જે, “ઉતાવળથી કામ ચલાવો.” એમ કહીને પાછા મહારાજ પાસે આવીને બેઠા અને નિષ્કુળાનંદ સ્વામીના મનમાં એમ હતું જે, “મહારાજને કાંઈક છાની વાત કહેવી છે તે મારે સાંભળવી છે.” ત્યારે ગોપાળાનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, “મહારાજ! તમારે મને જે કહેવું હોય તે કહો, અને આ ડોસો કેડ નહીં મેલે.” અને પછી શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામીને વાત કરી જે, “સ્વામી! આપણે અત્રે આવ્યાનું કારણ તમે જાણો છો?” ત્યારે સ્વામી કહે, “ના, મહારાજ! હું જાણતો નથી.” મહારાજ કહે, “તમો આદિક અક્ષરમુક્ત અક્ષરધામમાં બેઠા હતા અને અક્ષરધામમાં વાત કરી જે, ‘આ બ્રહ્માંડ ઘણાક કાળથી સરજાણું છે પણ કોઈ જીવ અક્ષરધામમાં આવતા નથી.’ પછી અમે દત્ત તથા કપિલ આદિક અવતારને મોકલ્યા તો પણ ત્યાં આવ્યા નહીં ને તેમને ભજીને પણ કોઈ આવ્યું નહીં. પછી ત્રેતાયુગમાં રામચંદ્રજીને મોકલ્યા. તે વખતે દસ હજાર વરસની માણસને આવરદા હતી પણ પોતે અગીયાર હજાર વરસ સુધી રહ્યા પણ પોતે એકાંતિક ધર્મ પ્રવર્તાવી શક્યા નહીં. પછી અમે શ્રીકૃષ્ણને મોકલ્યા. તે પણ કલિયુગમાં સો વરસની આયુષ છતાં પોતે સવાસો વરસ રહ્યા તો પણ એકાંતિક ધર્મ પ્રવર્તાવી શક્યા નહીં. ત્યારે તમે બોલ્યા જે, ‘હે, મહારાજ! જે જે ધામમાંથી જે જે અવતાર આ પૃથ્વી ઉપર આવે તેને ભજીને તે તે ધામને પામે એ તો જ્યારે તમો પુરૂષોત્તમ આ પૃથ્વી ઉપર પધારો ત્યારે તે જીવ તમને ભજીને અક્ષરધામમાં આવે.’ ત્યારે અમે કહ્યું જે, ‘અમે જ્યારે પૃથ્વી ઉપર પધારીયે ત્યારે તમારે પણ આવવું પડશે.’ ત્યારે તમે કહ્યું જે, ‘અમારૂં શું કામ છે?’ ત્યારે મહારાજ કહે, ‘તમારૂં કામ તો એટલું જે તમે ધર્મ પાળીને ધર્મ પાળતા શીખવો. ભક્તિ કરીને ભક્તિ કરતાં શીખવો.’ ત્યારે તમે બોલ્યા જે, ‘મહારાજ, તમે પધારશો ત્યારે અમારે પણ આવ્યા વિના છૂટકો છે? માટે તમારા જેવા અક્ષરમુક્ત લઈને અત્રે આવ્યા છીએ.’” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્વામી? આ છ હેતુ માટે આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ.” પછી મહારાજ કહે, “૧. જે જે અવતારને આપણે મોકલ્યા તેમને અક્ષરધામમાં લઈ જવા છે. ૨. તેને ભજીને જે જે જ્યાં જ્યાં ગયા હોય તેમને અક્ષરધામમાં લઈ જવા છે. ૩. ને ભક્તિ ધર્મને એકાંતિક સુખ આપવું. ૪. આ પૃથ્વીને વિષે એકાંતિક ધર્મ પ્રવર્તાવવો. ૫. ને નવા મુમુક્ષુ ઉત્પન્ન કરવા. ૬. અને સર્વ જીવ પ્રાણીમાત્રને વિષે સ્વામિનારાયણની નિષ્ઠા પ્રવર્તાવવી.” ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને દંડવત કર્યા અને કહ્યું જે, “હે, મહારાજ! આજ વાત જાણી.” ત્યારે મહારાજ કહે, “શું જાણ્યું?” ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે, “તમે જ્યારે લોજ પધાર્યા હતા ત્યારે રામાનંદ સ્વામીએ સૌ હરિજનોને કાગળ લખ્યા હતા જે, સૌ લોજમાં તપસ્વીના દર્શન કરવા જજો ત્યારે હું ભુજ ગયો હતો. પછી રામાનંદ સ્વામીને દંડવત કર્યા ત્યારે રામાનંદ સ્વામી અવળું જોઈને બેઠા ત્યારે મેં સન્મુખ જઈને દંડવત કર્યા, ત્યારે સ્વામી કહે, ‘લાલજી ભગત! તમે આંહીંયાં આવ્યા તે બહુ ખોટું કર્યું જે, લોજ જઈએ નહીં લોજ!’ ત્યારે મેં કહ્યું જે, ‘સ્વામી! તમે આંહીં છો ને લોજ શું કામ જઈએ?’ ત્યારે સ્વામી કહે, ‘લોજ તો મોટા તપસ્વી આવ્યા છે.’ ત્યારે મેં કહ્યું જે, ‘કેવા રૂગનાથદાસજી જેવા?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘એની આગળ રૂગનાથદાસ શું?’ ત્યારે મેં કહ્યું જે, ‘રામદાસભાઈ જેવા?’ ત્યારે સ્વામી કહે, ‘રામદાસ શું એની આગળ?’ ત્યારે મેં કહ્યું જે, ‘તમ જેવા?’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘હું પણ શું એની આગળ અને બીજા પણ શું? એ તો બહુ મોટા છે!’ એમ સ્વામીએ કહ્યું તે આજ સમજાણું.” ॥૬૨૬॥
પછી નિષ્કુળાનંદ સ્વામીએ તે ઉપર પુરૂષોત્તમપ્રકાશ નામનો ગ્રંથ કર્યો છે અને તેમાં છેલ્લું કીર્તન કર્યું છે જે, “આનંદ આપ્યો અતિ ઘણો રે આ સમામાં અલબેલ પુરૂષોત્તમ પ્રગટી રે” એ કીર્તન સ્વામીએ કર્યું. પછી તે ગ્રંથ ગોપાળાનંદ સ્વામીના સાધુને લખવા જોતો હતો. તે નિષ્કુળાનંદ સ્વામી પાસે માગ્યો ત્યારે સ્વામી કહે, “એ ગ્રંથ હું લખવા આપું નહીં.” પછી ગોપાળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા અને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, “સ્વામી! વાત તો મહારાજે મારી પાસે કરી હતી અને તમે તો પરાણે સાંભળી છે માટે ગ્રંથ સાધુને લખવા આપો.” પછી નિષ્કુળાનંદ સ્વામીએ તે ગ્રંથ લખવા માટે આપ્યો. ॥૬૨૭॥
વરતાલમાં ત્યાંના પાટીદારોએ ગોપાળાનંદ સ્વામીની એમ પ્રાર્થના કરી જે, “હે સ્વામિન્! જો એક વરસાદ થાય તો બાજરી તથા તમાકુ આદિક મોલ સારા પાકે, માટે કૃપા કરો તો વરસાદ થાય.” પછી બીજે દિવસ ઘણોક વરસાદ થયો અને તે ભેળો વાયરો પણ ઘણો થયો. તે જોઈને ગઢપુરના હરજી ઠકર સ્વામી પાસે બેઠા હતા. તેણે સ્વામીને કહ્યું જે, “સ્વામી! આ વાયરે કરીને મોલ બધાય આડા પડી જશે માટે વાયરો બંધ થાય અને એકલો વરસાદ થાય તો ઠીક.” પછી સ્વામીએ આકાશ સામી દૃષ્ટિ કરી એટલે વાયરો બંધ થઈ ગયો અને એકલો વરસાદ ખૂબ વરસ્યો.” તેથી લોક સૌ રાજી થયાં અને આવીને સ્વામીના ચરણારવિંદમાં સૌ પડ્યા. ॥૬૨૮॥
એક વખત ગોપાળાનંદ સ્વામી વરતાલમાં હતા અને વરસાદની બહુ તાણ હતી તેથી ગુજરાતના હરિભક્ત સૌ મળીને સ્વામી પાસે આવ્યા અને સ્વામીની પ્રાર્થના કરી જે, “હે સ્વામી! વરસાદ ક્યારે થશે?” સ્વામી કહે, “લાવો, મહારાજ ઉપર ગઢપુર કાગળ લખીએ અને પુછાવીએ.” પછી સ્વામીએ મહારાજ ઉપર કાગળ લખીને કાશીદાસને ગઢપુર મોકલ્યા અને મહારાજ તે પત્ર વાંચીને બોલ્યા જે, “આ કાશીદાસ બહુ જ મોટા હરિજન છે અને ગોપાળાનંદ સ્વામીનો પત્ર લઈને વરસાદ લેવા આવ્યા છે. માટે આપણે સર્વે ચાલો ઘેલે નહાવા માટે જઈએ.” એમ કહીને સર્વેને ભેગા લઈને ચાલ્યા ત્યારે બીજા હરિભક્તોને એમ વિચાર થયો જે, “ઘેલામાં પાણી નથી. અને મહારાજ નહાશે ક્યાં?” પછી ઘેલામાં ગયા તે સમે બહુ જ વરસાદ થયો અને સર્વેના વસ્ત્ર પલળી ગયા અને મહારાજ ઉપર છત્રી ધરી હતી તે ફાટી ગઈ અને મહારાજ પલળી ગયા અને ઘેલામાં પાણી ઘણું આવ્યું તે જોઈને મહારાજ બોલ્યા જે, “આ ડોળા પાણીમાં આપણાથી નવાશે નહીં અને આપણને તો વરસાદે નવરાવ્યા માટે ચાલો પાછા જઈએ.” પછી સૌ હરિજનો સહિત મહારાજ દરબારમાં પધાર્યા. એમ સ્વામીને કાગળે કરીને મહારાજે સર્વે દેશમાં વરસાદ કર્યો. ॥૬૨૯॥
એક સમયને વિષે ગોપાળાનંદ સ્વામી તથા મુળજી બ્રહ્મચારી તથા સર્વે સંત સહિત વરતાલ જતા હતા અને ગઢપુરના દાદોખાચર તથા નાંગમાલો વિગેરે હરિજન પણ સ્વામીની સાથે ગઢપુરથી વરતાલ જતા હતા અને ભાલદેશમાં ગયા અને સ્વામી પોતે ગાડીમાં બેઠા હતા અને મુળજી બ્રહ્મચારી ગાડી હાંકતા હતા અને સર્વે સાધુ તથા હરિજન ચાલ્યા આવતા હતા અને માર્ગનો ચીલો પણ ઊંડો હતો અને વગડામાં જતા એક ભારે નાગ વાંસે દોડીને આવ્યો. ત્યારે સ્વામીએ ગાડી ઉભી રખાવી એટલે તે નાગ ગાડી પાસે આવી ફણા ઊંચી કરીને સ્વામીને વારે વારે પગે લાગ્યો ત્યારે સ્વામીએ કહ્યું જે, “હવે, તમે જાઓ.” એમ કહીને સ્વામીએ ગાડી હંકાવી ત્યારે તે નાગ પણ ભેળો ચાલ્યો ત્યારે સ્વામીએ ગાડી ઉભી રખાવી અને તે નાગ ફેણ ઊંચી કરીને સ્વામીને વારંવાર પગે લાગવા મંડ્યા ત્યારે સ્વામીએ કહ્યું જે, “હવે, તમે જાઓ. ફરી આવશો નહીં.” પછી તે નાગ ચાલ્યો ગયો. ભેળા જે સાધુ તથા હરિજન હતા તેમણે સ્વામીને પૂછ્યું જે, “સ્વામી! તે નાગ કોણ હતો?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “શેષજી અમારે દર્શને આવ્યા હતા.” ॥૬૩૦॥
અને વિજ્ઞાનદાસજી નામે સાધુ હતા. તેમના મામો કોઈક ગામમાં રહેતા હતા અને તે ખળામાં દાણાના પગરમાં ગાડું હાંકતા હતા તે દિવસના બાર વાગ્યાનો વખત થયો હતો. તે સમે સ્વામિનારાયણના બે સાધુ ત્યાં આવ્યા. ત્યારે તે કણબીએ જાણ્યું જે, “અમારા ભાણેજના સાધુ છે.” એમ જાણીને તે કણબી સાધુને પગે લાગવા ગયો અને સાધુને પૂછ્યું જે, “મહારાજ! બપોરનો વખત થયો છે માટે કાંઈક જમશો?” ત્યારે સંત કહે, “તૈયાર કાંઈ હોય તો લાવો, ઠાકોરને જમાડીએ.” પછી તે કણબી ઘરે જઈને રોટલા તથા શાક તથા અથાણું લઈ આવ્યો અને સંતને આપ્યા અને સાધુ ઠાકોરજીને જમાડીને પોતે જમ્યા અને પછી બીજે ગામ ગયા. ॥૬૩૧॥
પછી જ્યારે તે કણબીનું મૃત્યુ થયું ત્યારે તેને યમપુરીમાં યમદૂતો લઈ ગયા અને ધર્મરાજાએ તેને પૂછ્યું જે, “તેં કાંઈ ધર્મ પુન્ય કર્યું છે?” ત્યારે કણબી કહે કે, “મેં સ્વામિનારાયણના બે સાધુને રોટલા જમાડ્યા છે.” એમ જ્યાં કહ્યું ત્યાં તો તેને તે બે સાધુ દેખાણા. ત્યારે યમરાજા બોલ્યા જે, “આમને દેવલોકમાં મેલી આવો.” પછી તેને લઈને દેવલોકમાં મેલી આવ્યા. પછી ત્યાં મોટો દેવ થયો અને પછી કોઈકને વિમાનમાં બેસીને અક્ષરધામમાં જતા દીઠો. પછી તેણે દેવને પૂછ્યું જે, “આ વિમાન ક્યાં જાય છે?” ત્યારે દેવે કહ્યું જે, “એ ભગવાનનો ભક્ત છે માટે તેને તો ભગવાનના અક્ષરધામમાં લઈ જાય છે.” ત્યારે તેણે કહ્યું જે, “ત્યાં આથી કાંઈ વધારે સુખ છે?” ત્યારે દેવ કહે, “ભગવાનના ધામ આગળ આ તો પાયખાના જેવું ગણાય.” ત્યારે તેણે કહ્યું જે, “મારે ત્યાં જવું હોય તો?” ત્યારે દેવે કહ્યું, “તારો ભાણેજ વિજ્ઞાનદાસ કરીને સાધુ છે તે ધોલેરાના મંદિરમાં રહે છે માટે તેની ભેળો તું થા, તો તને અક્ષરધામમાં મોકલે.” ॥૬૩૨॥
પછી રાત્રી પડી ત્યારે વિમાનમાં બેસીને તે ધોલેરાના મંદિરમાં ગયો અને વિજ્ઞાનદાસનું પૂર્વનું નામ લઈને બોલાવવા મંડ્યો જે, “રતના...એ રતના...” એમ વારંવાર નામ લઈને બોલાવે પણ વિજ્ઞાનદાસજી કાંઈ જવાબ આપે નહીં. તેમના મનમાં એવી શંકા હતી જે, “રખેને કોઈ સ્ત્રી બોલાવતી હોય.” એમ છ મહીના વીતી ગયા પછી ધોલેરામાં ગોપાળાનંદ સ્વામી પધાર્યા ત્યારે વિજ્ઞાનદાસજીએ ગોપાળાનંદ સ્વામીને વાત કરી જે, “સ્વામી! મને કોઈક પૂર્વનું નામ લઈને બોલાવે છે પણ હું જવાબ દેતો નથી.” ત્યારે સ્વામી કહે, “આજ આવે ત્યારે પૂછી જોજો કોણ છે?” પછી રાત્રી પડી ત્યારે તે દેવ આવીને બોલાવવા મંડ્યો ત્યારે વિજ્ઞાનદાસજી બોલ્યા જે, “તું કોણ છો જે છ મહીના થયા મારી કેડે પડ્યો છે?” ત્યારે તે દેવ બોલ્યો જે, “ભા! હું તારો મામો છું.” સ્વામી કહે, “મારો મામો કેવો?” ત્યારે તેણે કહ્યું જે, “મેં તારા સાધુ જાણીને બે રોટલા આપ્યા હતા તે પુન્યે કરીને હું દેવલોકમાં ગયો છું. માટે મને ભગવાન મેળવ્ય અને અક્ષરધામમાં મોકલ્ય.” ત્યારે વિજ્ઞાનદાસજી કહે, “જાવ કાલે આવજો.” પછી વિજ્ઞાનદાસજીએ સવારે તે વાત સ્વામીને કરી, ત્યારે કહે, “આજ નીચે બોલાવીને વર્તમાન ધરાવીને અક્ષરધામમાં મોકલજો.” અને પછી જ્યારે રાત પડી ત્યારે તે દેવ વિજ્ઞાનદાસજીને બોલાવવા મંડ્યો. ત્યારે વિજ્ઞાનદાસજી કહે, “આવ્ય હેઠો.” પછી તે વિમાન હેઠું લઈને આવ્યો અને વિજ્ઞાનદાસજીએ તેને વર્તમાન ધરાવીને અક્ષરધામમાં મોકલ્યો. એમ પ્રત્યક્ષના સંતને જમાડ્યાનું પુન્ય છે. ॥૬૩૩॥
એક સમે ગોપાળાનંદ સ્વામી બોટાદથી ચાલ્યા અને રસ્તે જતાં એક સાધુએ કહ્યું જે, “સ્વામી! તમે વરસાદ ઘણી જગ્યાએ કર્યો છે તે વાત સાચી છે?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “વરસાદ તો ભગવાનનો કર્યો થાય છે કાંઈ આપણો કર્યો થાતો નથી.” એમ સ્વામીએ કહ્યું, ત્યાં તો આકાશમાંથી વરસાદ વરસવા મંડ્યો અને સાધુ પલળવા મંડ્યા. ત્યારે સર્વે સાધુએ સ્વામીને હાથ જોડીને કહ્યું જે, “સ્વામી! અમારી પૂજા તથા પુસ્તક પલળી જાશે અને મીણીયા પણ બાંધ્યા નથી માટે વરસાદ બંધ થાય તો સારુ.” ત્યારે સ્વામી બોલ્યા જે, “આ ઋતુ વિનાનો વરસાદ ઝાઝો વરસે નહીં એ તો હમણાં રહી જાશે.” એમ સ્વામીએ કહ્યું કે તરત વરસાદ બંધ થઈ ગયો. ॥૬૩૪॥
એક સમયને વિષે સ્વામી બોટાદમાં હતા. ત્યાં બીરંજની રસોઈ હતી અને સંતની પંક્તિ જમવા માટે ચોકમાં કરી હતી. તે સમે વરસાદ મોટે ફોરે વરસવા મંડ્યો. અને સાધુ સૌએ સ્વામીની પ્રાર્થના કરી જે, “સ્વામી! જમવા માટે પંક્તિ થઈ છે અને વરસાદ મોટે ફોરે આવે છે તે જમવાનું સુખ આવશે નહીં.” પછી સ્વામીએ ચોક વચ્ચે ઉભા રહીને હાથમાં પોતાની લાકડીનો ટેકો દઈને આકાશ સામી દૃષ્ટિ કરી અને બોલ્યા જે, “હમણા રહે, સંતને જમી રહેવા દે.” એટલે વરસાદ બંધ થઈ ગયો તે સમે ગામ નાગલપુરના પટેલ માવજી તથા પટેલ બહેચર બેય જણા સ્વામીને દર્શને આવ્યા હતા. તેમને સ્વામીએ કહ્યું જે, “તમે ચાલવા માંડો, નીકર ઘરે નહીં પહોંચો.” પછી સ્વામીને પગે લાગીને તે ચાલ્યા. તે નાગલપુરને સીમાડે પહોંચ્યા ત્યાં તો અપરંપાર વરસાદ પડવા મંડ્યો અને પોતાને ઘરે માંડ માંડ પહોંચ્યા. ॥૬૩૫॥
એક સમે સ્વામી બોટાદમાં હતા અને પોતે પૂજા કરીને ઠાકોરજીને તથા સંતને દર્શને નીકળ્યા હતા. તે સમે શિવલાલભાઈ પૂજા કરીને સ્વામીને દર્શને ગયા. ત્યારે સ્વામીએ પૂછ્યું જે, “શિવલાલ! તમે શું કરતા હતા?” ત્યારે શિવલાલભાઈ કહે, “સ્વામી! તમે આવ્યા ત્યારે હું પૂજા કરતો હતો.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “મેં તો તારી પાસે કાંઈ મહારાજને દેખ્યા નહીં.” ત્યારે શિવલાલભાઈ કહે, “સ્વામી! તમે દર્શને નીકળેલા ત્યારે હું પૂજા કરતો હતો અને ના કેમ પાડો છો?” ત્યારે સ્વામીએ કહ્યું, “શી રીતે પૂજા કરો છો?” ત્યારે શિવલાલભાઈ કહે, “મૂર્તિયો પધરાવીને માળા ફેરવું છું.” ત્યારે સ્વામીયે કહ્યું જે, “આવાહન તથા વિસર્જન કાંઈ કરો છો કે નહીં?” ત્યારે શિવલાલભાઈ કહે, “તે તો મને આવડતું નથી.” પછી સ્વામીએ આવાહન તથા વિસર્જનના શ્લોક શિખવ્યા. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યે મંગલ કુરુ॥ ૧॥ આગચ્છ ભગવાન્ દેવ સ્વસ્થાનાત્ પરમેશ્વર અહં પૂજાં કરિષ્યામિ સદા ત્વં સન્મુખો ભવ ॥૨॥ વિસર્જન – સ્વસ્થાનં ગચ્છ દેવેશ પૂજામાદાય મામકિમ્। ઈષ્ટકામપ્રસિદ્ધ્યર્થં પુનરાગમનાય ચ॥ ૧॥ ॥૬૩૬॥
એક વખત સ્વામી બોટાદમાં બેઠા હતા અને ત્યાગી તથા હરિજનોની આગળ સ્વામી બોલ્યા જે, “કોના ઉદ્યમમાં પાપ નહીં?” ત્યારે સૌએ કહ્યું જે, “ખેડુના ઉદ્યમમાં પાપ તથા વેપારીના ઉદ્યમમાં પાપ તથા ભાવસારના ઉદ્યમમાં પાપ પણ દરજીના ઉદ્યમમાં પાપ નહીં. કેમ કે તેની સોયથી કાંઈ હિંસા થાય નહીં.” ત્યારે સ્વામી કહે, “સૌ સાંભળો, જે દરજીના જેવું તો કોઈના ઉદ્યમમાં પાપ જ નથી. કેમ કે તે જ્યાંથી સ્ત્રી પુરુષના લુગડાનું પરમાણું લે ત્યારથી તેના ગુહ્ય અંગનું ધ્યાન થાય. માટે દરજીના જેવો તો બીજો કોઈ નીચ ધંધો જ નથી!” તે સમે ત્યાંના દરજી નારણભાઈ તથા દરજી બોઘા ભગત બેઠા હતા. તેમણે સ્વામીને કહ્યું જે, “સ્વામી! અમારે તેમના શરીરે અડીને માપ ન લેવું અને તેના વસ્ત્ર પ્રમાણે વસ્ત્ર કરી આપવું.” એમ એ બેય જણાએ સ્વામી આગળ નિયમ લીધાં તે જીવંત પર્યંત રાખ્યું. ॥૬૩૭॥
એક સમે સ્વામી બોટાદમાં સભા કરીને બેઠા હતા અને સ્વામીએ વાત કરી જે, “ગરીબ કોણ?” ત્યારે સૌએ પોતપોતાની સમજણ પ્રમાણે કહ્યું જે, “અન્ન વસ્ત્ર જેને ન મળે તે ગરીબ કહેવાય.” વળી કોઈકે કહ્યું જે, “જેને કોઈનો આધાર ન હોય તે પણ ગરીબ કહેવાય.” ત્યારે સ્વામી બોલ્યા જે, “તે તો પૂર્વના પાપનાં ફળ ભોગવે છે. તે ગરીબ ન કહેવાય, પણ ખરો ગરીબ કોણ? જે સમર્થ થકો જરણા કરે તે ખરો ગરીબ કહેવાય.” તે ઉપર સ્વામીએ વાત કરી જે, “એક શહેરને પાદર નદીમાં શંકર તથા પાર્વતી એ બેય જણા બેઠાં હતાં. તે સમે એક કઠીયારો લાકડાનો ભારો લઈને નીસર્યો ત્યારે સતીએ કહ્યું જે, ‘હે ઈશ! આ બિચારો ગરીબ છે તેને કાંઈક આપો.’ શંકર કહે, ‘આ ગરીબ નથી.’ સતી કહે, ‘આથી ગરીબ કોને જાણવો? પહેરવા વસ્ત્ર નથી. લાકડાં બાંધવાને દોરડું નથી.’ પછી શંકરે તેની પરીક્ષા લેવાને માટે પડખે જઈને ભારામાંથી એક જરડું તાણ્યું. તે જોઈ તે કઠીયારે શંકરને કેટલીક અપશબ્દની ગાળ્યો દીધી ત્યારે શંકરે સતીને કહ્યું જે, ‘જુવો, આ ગરીબ છે?’ ત્યારે સતી કહે, ‘ના. ના.’ તે સમયે શહેરમાંથી કોઈક ધનાઢ્ય શેઠીયો પાલખીમાં બેસીને નીસર્યો અને સાથે સૌ બસો માણસ હતાં તે સમે શંકરે સતીને કહ્યું જે, ‘હે સતી! આ શેઠીયો પાલખીમાં બેસીને નીસર્યો તે જો ગરીબ છે.’ તે સમે સતી કહે, ‘આટલાં માણસ જેની સેવામાં છે તે ગરીબ કેમ કહેવાય?’ પછી શંકરે પડખે ચડીને એક પથ્થર તેની પાલખીને માર્યો. તે જોઈ શેઠીયો તત્કાલ પાલખીમાંથી નીચે ઉતરી પડ્યો અને શંકરના પગમાં પડ્યો અને શંકરને કહ્યું જે, ‘હે, મહારાજ હું મહા દેહાભિમાની છું અને તમે મહાત્મા પુરૂષ ચાલ્યા આવો છો! તેની મને ખબર ન રહી; માટે તમે બન્ને જણ પાલખીમાં બેસો અને હું તમારી પાલખી ઉપાડું.’ પછી શંકરે સતીને કહ્યું જે, ‘દેખ, આ ગરીબ! કેમ કે તે અત્યારે આજ્ઞા કરે, તો આ બધાંય માણસ આપણને ચુંથી નાંખે પણ સમર્થ છે છતાં નિર્માની છે.’ અને શંકરને તેણે કહ્યું જે મારો અપરાધ માફ કરજો.” ॥૬૩૮॥
એક સમે સ્વામીએ બોટાદમાં વાત કરી જે, “લાલજીની સેવામાં રહે તેને આવી રીતે પુન્ય છે.” તે ઉપર બે શેઠીયાની સ્વામીએ વાત કરી જે, “એક શહેરમાં બે શેઠીયા લાલજીની પૂજા કરતા હતા અને બેઉ કરોડોપતિ હતા. પોતે બન્ને જણ જાતે લાલજીની સેવા કરતા. એક શેઠને ઘરે તેના સાસરાના પક્ષના સૌ આવ્યાં અને થોડા દિવસ સૌ ત્યાં રહ્યાં પછી શેઠાણીની માએ શેઠાણીને કહ્યું જે, ‘તને ઘણી મોટે ઠેકાણે આપી પણ તારે કોઈ દિવસ સારુ લુગડું પહેરવું નહીં સારાં ઘરેણાં પહેરવાં નહીં! અને તું અને શેઠ બન્ને લાલજી લાલજી લાલજી ને લાલજી કર્યા કરો છો અને આ બીજી દીકરી સાધારણને ઘરે આપી છે તે કેવાં સારાં સારાં દાગીના અને વસ્ત્ર પહેરીને કેવી મજા કરે છે? અને તું તો દી ને રાત સોળામાં ને સોળામાં રહે છે.’ એમ નિરંતર તેના સંબંધીઓ કહ્યા કરતા હતા. તેથી બાઈના મનમાં તેની થોડી ઘણી અસર થઈ જે, ‘મારી મા તથા મારી બહેન ઠીક કહે છે.’ પછી તે સૌ ઘરે ગયાં કેડે શેઠાણીએ એક દિવસ શેઠને કહ્યું જે, ‘આપણે બન્ને જણા દિવસ અને રાત લાલજી લાલજી ને લાલજી કર્યા કરીએ છીએ પણ કાંઈ હાંણ્યા માણ્યાં નહીં. ત્યારે આપણું દ્રવ્ય શા કામનું?’ ત્યારે શેઠે જાણ્યું જે, ‘આના માવતર આને શબ્દ ઘાલી ગયાં.’ પછી શેઠે કહ્યું જે, ‘આમાં તારૂં ને મારૂં રળેલું કાંઈ નથી. આ તો મારા બાપ દાદાનું રળેલું છે.’ બાઈ કહે કે, ‘હું શું રળવા જાઉં? દાડીયું કરવા જાઉં?’ શેઠ કહે, ‘ના, આપણા લાલજીનું સોનાનું બેડું છે. તે પાણીનું ભરીને સામા શેઠ લાલજીની પૂજા કરે છે તેને ઘરે આપી આવો અને તેના પૈસા બે પૈસા જે આપે તે લઈ આવો.’ પછી શેઠાણી પાણીનું બેડું ભરીને સામા શેઠને ઘરે ગયાં. તે સમે શેઠ લાલજીને નવરાવતા હતા તે જોઈ શેઠ તત્કાળ ઉભા થયા અને શેઠાણીને કહ્યું જે, ‘અહોહો! તમે શેઠાણી કેવાં?’ ત્યારે શેઠાણી કહે, ‘આ પાણીનું બેડું ઠલવી લ્યો અને તેની કિંમત થાય તે પૈસા મને આપો.’ ત્યારે શેઠ બોલ્યા જે, ‘તમે મારા લાલજીને વાસ્તે પાણીનું બેડું લાવ્યાં તેનું મૂલ્ય તો મારાથી થાય જ નહીં અને આ મારી ઘર વખરી છે તે સવારથી તે સાંજ સુધી તમારાં જેટલાં માણસો છે તે બધાય આવીને લઈ જાય તો પણ તમે મારા લાલજીના વાસ્તે પાણીનું બેડું લાવ્યાં તેનું મૂલ્ય મારાથી થાય નહીં.’ ત્યારે શેઠાણી બોલ્યા જે, ‘મારું બેડું નવરૂ કરી આપો અને એવા ઠીકરાં તો મારે ત્યાં ઘણાંય ભર્યા છે.’ પછી શેઠે બેડું ખાલી કરીને પાછું આપ્યું. તે લઈને શેઠાણી ઘરે આવ્યાં અને શેઠે ચાર સોની તૈયાર કરી રાખ્યા હતા. પછી શેઠે કહ્યું જે, ‘કાં શું આપ્યું? રૂપિયો બે રૂપિયા જે આપ્યા હોય તે લાવો.’ શેઠાણી કહે, ‘શું રૂપિયો બે રૂપિયા? તે તો કહે આ મારી બધી ઘરવખરી છે તે લુંટાવી દ્યો પણ તમે મારા લાલજીને વાસ્તે પાણીનું બેડું લાવ્યાં તેનું મૂલ્ય મારાથી થાય નહીં, માટે મારે તો કાંઈ જોઈતું નથી અને મારે તો લાલજીની સેવા કરવી છે.’ તે સાંભળીને સોનીને રજા આપી તે સૌ ઘરે ગયા અને શેઠાણી પ્રથમની પેઠે લાલજીની સેવા કરવા વળગી.” પછિ ગયા એમ બોલ્યા જે, “લાલજીને પાણીનું બેડું પીવા માટે લાવી આપે તેને આટલું પુન્ય થાય છે.” ॥૬૩૯॥
એક સમે સ્વામી ગઢપુરમાં હતા અને ગામ કુંડલાના હરિજન રાઠોડ સ્વામીને દર્શને આવ્યા અને તેમની સાથે કરશન કરીને એક વાણિયા હતા. તે નવા સત્સંગી થયા હતા. તે પણ સ્વામીને દર્શને આવ્યા હતા. અને સ્વામી પોતાને આસને મંદિર સામે બીજા ઓરડામાં વિરાજમાન હતા. ત્યાં સૌ આવીને દંડવત કરીને પગે લાગ્યા. પછી સ્વામીયે હરિજનોને પૂછ્યું જે, “આ કોણ છે?” ત્યારે સૌએ કહ્યું જે, “સ્વામી! આ વાણિયો નવો હરિભગત થયો છે પણ તેને નાતની ઉપાધિ બહુ છે.” પછી સ્વામીએ તે કરશનભાઈને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું જે, “કરશન! તું મને મોટો જાણે છે કે નાતને?” ત્યારે કરશનભાઈ કહે, “સ્વામી! તમે મોટા.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “જા નાતમાં તું જ મનાઈશ અને ગામમાં પણ તું જ મનાઈશ અને કાલી રાત તે શું તને કરનારી છે?” પછી સ્વામીનો આશીર્વાદ લઈને તે ઘરે ગયા. ॥૬૪૦॥
અને કરશનભાઈ ગઢપુરથી ઘરે ગયા ત્યારે તેમના સસરા તથા સાસુ સૌ કરશનભાઈને ઘરે આવ્યાં અને કહ્યું જે, “તમે તમારે ઘરે ને અમે અમારે ઘરે. આજથી તમારે ને અમારે વહેવાર નહીં.” તે વખતે સૌ નાત મળીને એકડા કર્યા હતા જે, “કરશનની દુકાનેથી કોઈએ કાંઈ માલ લેવો નહીં.” તે કંદોઈનો ધંધો કરતા હતા. પછી કરશનભાઈએ તેના સસરાને કહ્યું જે, “હજી તો મારા એકડા કર્યા છે. પણ મને કાંઈ નાત બહાર્ય મૂક્યો છે? મને જ્યારે નાત બારો મૂકે ત્યારે સગપણ કર્યાનાં મેં રૂપિયા આપ્યા છે, તે પાછા આપી જજો.” અને કરશનભાઈને સ્વામીનો આશીર્વાદ હતો. તેથી ફરતા ગામના લોકો તેની દુકાનેથી માલ લેતા અને સાંજ વખતે પોતે ભજીયાં તથા ગાંઠીયા લઈને હરિજનોમાં વેચવા નીસરતા એટલે પોતાનો વ્યવહાર સુખેથી ચાલતો હતો. ॥૬૪૧॥
અને તેવા સમામાં ગામ કુંડલાનો નગરશેઠ હતો. તેને ત્યાં કોઈક વૃદ્ધ માણસ મરી ગયું એટલે શેઠે વિચાર્યું કે, “આપણે સાત વાનાનાં પકવાન્ન કરીને નાતને જમાડવી.” પછી સૌ કંદોઈને ભેગા કર્યા અને કહ્યું જે, “અમારે ડોશીનું ખરચ કરવું છે તે શું ભાવ લેશો?” પછી સૌ કંદોઈ એક મત થઈને બોલ્યા જે, “એક મણ ભારે અમુક પૈસા લેશું.” ત્યારે શેઠે કહ્યું જે, “મારે આટલું આપવું નથી.” ત્યારે કંદોઈ કહે, “અમારે તમને માલ પણ કરી દેવો નથી.” પછી તે શેઠે કરશનભાઈને બોલાવીને કહ્યું જે, “કરશન! તને જલેબી તથા સાટા વિગેરે સાતે પકવાન્ન આવડે છે?” ત્યારે કરશનભાઈ કહે, “હા, કાકા! મને આવડે છે તો ખરું! પણ મારા ઘરમાં તેવા વાસણની તંગાસ છે. માટે મને તેવાં પુરતાં વાસણ તથા મદદગાર સારાં ચાર માણસ આપો તો હું તમને પુરતો માલ બનાવી આપું. મારે કાંઈ કિંમત જોઈતી નથી.” તે સાંભળી તે શેઠે જોઈએ તેવા વાસણો તથા માણસો સહાયતામાં આપ્યાં અને સમગ્ર માલ તૈયાર કરી આપ્યો અને તેરમાને દિવસે શેઠે નાત જમવાને માટે બોલાવી તે વખતે કરશનભાઈ ઉનાં ઉનાં ભજીયાં લઈ પંગતમાં પીરસવા લાગ્યા. તે જોઈ કેટલાક લોકો હોકારો કરી ઉઠ્યા અને શેઠને કહ્યું જે, “શેઠ! આ કરશન કેમ પંગતીમાં આંટા મારે છે?” ત્યારે શેઠે કહ્યું જે, “આ તમામ માલ કરશનનો જ કરેલો છે. માટે જમવું હોય તો સુખેથી જમો અને કરશન તો મારા દીકરા તુલ્ય છે.” તે સાંભળી સૌ મૌન બેસી રહ્યા અને સ્વામીની કૃપાદૃષ્ટિથી કરશનભાઈનો વહેવાર પણ ઘણો વૃદ્ધિ પામ્યો અને નાતમાં તથા ગામમાં તેનું ઘણું માન વધ્યું. તે સદ્ગુરુ સ્વામી ગોપાળાનંદજીના પ્રતાપથી થયું. ॥૬૪૨॥
અને કરશનભાઈએ જ્યારે સત્સંગ કર્યો ત્યારે તેમના સંબંધીઓએ કોર્ટમાં ફરીયાદ કરી ને જેલમાં બેસાર્યા અને બે દિવસ સુધી કરશનભાઈને અન્નજળ કાંઈ લેવા દીધું નહીં અને નાતનો એવો આગ્રહ હતો કે, “કંઠી તોડ્યા પછી ત્યાંથી ઉઠાડવો.” અને કરશનભાઈએ એવી ટેક લીધી જે, “નાહીને પૂજા કર્યા પછી અન્નજળ લેવું.” એમ કરતાં કરતાં ત્રણ દિવસ ઉપવાસ થયા. તે સમે ગામ ચાનગઢથી લવજી મહારાજ તથા આણંદજી મહારાજ તે કોર્ટમાં કાંઈ કામ પ્રસંગે ગયા હતા. તેણે કરશનભાઈને ભાળીને બધી હકીકત પૂછી. પછી લવજી મહારાજે ન્યાયાધીશને કહ્યું જે, “આ છોકરાને ત્રણ ઉપવાસ થયા છે અને તેનો દેહ પડી જશે તો તેનો તમે જવાબ દેશો કે નાત જવાબ દેશે? કેમ કે તે તેના ઈષ્ટદેવના દર્શન કર્યા વગર અન્નજળ લે તેમ નથી.” તે સાંભળીને ન્યાયાધીશે રાજીનામું લઈને તેને ઉઠાડી મૂક્યા. ॥૬૪૩॥
એક સમે ગોપાળાનંદ સ્વામી ગઢપુરમાં વિરાજમાન હતા. અને લખુ કંદોઈના દીકરા કલ્યાણભાઈ સ્વામીને દર્શને આવ્યા. તે વખતે કલ્યાણભાઈના લગ્ન કર્યાં હતાં. તેથી નવાં વસ્ત્ર પહેરેલાં હતાં તે આવીને સ્વામીને પગે લાગીને પાસે બેઠા. પછી ગઢપુરના સાધુ તથા હરિજનોએ સ્વામીને કહ્યું જે, “સ્વામી! આ કલ્યાણભાઈ બહુ જ સારા સત્સંગી છે.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “તેને હેત કોની સાથે છે?” ત્યારે સૌ બોલ્યા જે, “કરશનજી દવેની સાથે હેત છે.” ત્યારે સ્વામી બોલ્યા જે, “કરશનજીને કેની સાથે હેત છે?” ત્યારે સૌએ કહ્યું જે, “કરશનજીને તો વિધાત્રાનંદ સ્વામી સાથે હેત છે.” ત્યારે સ્વામી બોલ્યા જે, “ત્યારે તો કલ્યાણ સારો હશે!” એમ પ્રનાળીકા જોઈને સ્વામી રાજી થયા. ॥૬૪૪॥
અને ગઢપુરમાં દાદાખાચરના દીકરા અમરોખાચર તેમને સ્વામીને દર્શને લાવ્યા. તેમના સામી સ્વામીએ દૃષ્ટિ માંડીને જોયું અને બોલ્યા જે, “આ તો સાક્ષાત્ અંબરીશ ફરી આવ્યા છે.” એમ સ્વામીએ તેના સામી સારી રીતે દૃષ્ટિ માંડીને કહ્યું હતું. પછી સ્વામીના આશીર્વાદથી તેમણે પણ અંબરીષ રાજાના જેવું જ દેવસંબંધી કાર્ય કર્યું છે. ॥૬૪૫॥
અને સ્વામી ગઢપુરમાં હતા અને કલ્યાણ કંદોઈ સ્વામીને દર્શને આવ્યા અને દંડવત કરીને પગે લાગ્યા. પછી સ્વામીએ કલ્યાણભાઈની આંખ્ય ઉઘાડીને જોઈ અને બોલ્યા જે, “ઓળખ્યો, ઓળખ્યો.” એમ કહીને બોલ્યા જે, “આ જીવ બહુ બળીયો થાશે.” પછી તે સ્વામીના પ્રતાપથી એકાંતિક ભક્ત થયા. ॥૬૪૬॥
ગઢપુરમાં હરજી ઠક્કર છાના અફીણનો વેપાર કરતા હતા. પછી તેમના પિત્રાઈ પ્રેમજી ઠકર, તેણે સરકારમાં અરજી કરી જે, “હરજી ઠકકર અફીણનો છાનો વેપાર કરે છે.” પછી તેના ઉપર વોરંટ આવ્યું. અને દિવસે હરજી ઠકર સુતા હતા ત્યાં ગોપાળાનંદ સ્વામીએ દિવ્ય સ્વરૂપે આવીને દર્શન દીધાં અને કહ્યું જે, “શું સુતો છે? તારા પિત્રાઈએ સરકારમાં અરજી કરી છે તે તારા ઉપર વોરંટ આવશે માટે અફીણને આઘું પાછું સંતાડી દે.” પછી હરજી ઠક્કરે તે અફીણ બીજા ઘરમાં છાણાંના મોઢવામાં સંતાડી દીધું. પછી વોરંટવાળા આવ્યા તેમણે ઘર તપાસ્યું, તો પણ કાંઈ પતો લાગ્યો નહીં, એમ સ્વામીએ હરજી ઠકરની રક્ષા કરી. ॥૬૪૭॥
ગઢપુરમાં એક સંતને મહારોગ થયો હતો. તેણે કરીને તેનું આખું શરીર મહાદુર્ગંધીમય થઈ ગયું હતું અને રઘુવીરજી મહારાજ ઉને પધારતા હતા અને સાથે બધા સદ્ગુરુઓ પણ હતા. તેઓ સૌ ગઢપુર રાત રહ્યા અને રોગવાળા સંતને ખબર પડી જે, “ગોપાળાનંદ સ્વામી પણ પધાર્યા છે.” પછી તેણે પોતાના સેવકને સ્વામી પાસે મોકલ્યા અને કહ્યું જે, “સ્વામીને કહેજે જે, મારો દેહ ત્યાગ કરાવીને પછી જાય, નહીં તો હું આત્મઘાત કરીને દેહ પાડીશ.” પછી તે પ્રમાણે તેના સેવકે સ્વામી પાસે વાત કરી ત્યારે સ્વામી કહે, “ત્રણ વરસ રહો.” સાધુ કહે, “એક દિવસ પણ પીડાએ કરીને કલ્પ જેવો જાય છે.” ત્યારે સ્વામી કહે, “છ મહીના રહો તો તમારી કસર માત્ર ટળી જાય.” પણ સંતે હઠ ઝાલ્યો જે, “એક ઘડી પણ મારાથી આ દેહમાં રહેવાય તેવું નથી અને મારો ખાટલો દરવાજા વચ્ચે નાંખીશ.” પછી સ્વામીએ રઘુવીરજી મહારાજને રવાના કરીને પોતે પાછળ રહ્યા અને તે સાધુનો દેહ ત્યાગ કરાવ્યો. પછી સ્વામી સભા કરીને બોલ્યા જે, “આને ત્રણ જન્મ લેવા પડશે. કેમ કે, ત્રણ જન્મની કસર ત્રણ દિવસમાં જાત.” એમ સ્વામીએ સૌ સાંભળતાં વાત કરી. ॥૬૪૮॥
ગઢપુરમાં શ્રીજીમહારાજે સંવત્ ૧૮૮૬ના જેઠ સુદ ૧૦ને દિવસ સ્વામીને અક્ષરઓરડીમાં બોલાવ્યા અને શ્રીજીમહારાજે સ્વામીને પૂછ્યું જે, “કેમ, સ્વામી!” ત્યારે સ્વામી કહે, “મહારાજ! જેમ તમારી ઇચ્છા, અમારાં પ્રારબ્ધ અમારી પાસે.” પછી મહારાજ કહે, “આ બહુ મોટા સાધુ છે અને અક્ષરધામમાં પણ સૌને પુરુષોત્તમાનો મહિમા કહે છે. એકરૂપે કરીને સૌને ધરી રહ્યા છે.
અને બન્ને આચાર્યોને બોલાવીને કહ્યું જે, “આ બેય આચાર્યના કાંડાં તમને ભળે છે.” અને મુક્તાનંદ સ્વામી આદિક સંતને બોલાવ્યા તથા મુળજી બ્રહ્મચારી આદિક બ્રહ્મચારીને બોલાવ્યા અને ભગુજી આદિક પાર્ષદને બોલાવ્યા અને કહ્યું જે, “તમે સૌ ગોપાળાનંદ સ્વામી કહે તેમ કરજો.” એમ શ્રીજીમહારાજે ધામમાં પધારતી વખતે આખા સત્સંગની સોંપણી ગોપાળાનંદ સ્વામીને કરી હતી. પછી શ્રીજીમહારાજ દર્ભ પથરાવીને તે ઉપર વીર આસને વિરાજમાન થયા અને મહારાજ બોલ્યા જે, “જય સચ્ચિદાનંદ!” એમ કહીને પોતે ધામમાં પધાર્યા અને બન્ને આચાર્યે શ્રીજીમહારાજને ભોંય ઉપર ઝાલી રાખીને સુવાર્યા. ॥૬૪૯॥
એક વખત ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં હતા અને પોતાને શરીરે જ્વર આવ્યો હતો. પછી રઘુવીરજી મહારાજને સ્વામીએ કહ્યું જે, “આપણે સર્વે વડતાલ ચાલો.” પછી બીજે દિવસ સૌ વડતાલ આવ્યા અને ત્યાં એક દિવસ રહ્યા. તે કેડે સ્વામીએ કહ્યું જે, “સર્વે જમી આવો.” પછી સૌ જમીને આવ્યા અને સ્વામી પાસે સૌ બેઠા. પછી સ્વામીને મહારાજના અલૌકિક દર્શન થયાં. તે સમયમાં હજારો શ્રુતિઓ બોલીને સ્વામીએ ઘણીક શ્રીજીમહારાજની સ્તુતિ કરી અને અક્ષરધામમાં પધાર્યા. ॥૬૫૦॥
અને સ્વામી વડોદરા પધાર્યા હતા ને મેરાવભાઈના ભાઈ રાવસાહેબ ગોપાળજીને નિંદ્રા ન આવતી અને કાંઈ ખવાય નહીં એવો મહારોગ હતો તે કોઈ ઉપાયે મટ્યો નહીં. તેને ગોપાળાનંદ સ્વામીએ કૃપાદૃષ્ટિયે કરીને ટાળ્યો અને તેમને સુખિયા કર્યા એવો મોટાના રાજીપાનો પ્રતાપ છે. ॥૬૫૧॥
સુરતમાં કોઈક પારસી સદ્ગૃહસ્થ હતો. તેને વૃદ્ધાવસ્થામાં એક પુત્ર થયો હતો. તે છોકરાને જીભ સારી હતી પણ કાંઈ બોલતાં આવડ્યું નહીં. પછી તે પારસીએ ઘણાક ઉપાય કર્યા પણ કાંઈ ફેર પડ્યો નહીં. પછી કોઈક હરિજન સત્સંગી તે પારસીને મળ્યા. તેણે કહ્યું જે, “અમારામાં ગોપાળાનંદ સ્વામી છે તે બહુ પ્રતાપી છે તેમને મળો.” પછી તે પારસી પોતાના પુત્રને લઈને વડતાલ આવ્યો. તે સમે સ્વામી પૂજા કરતા હતા. પછી તે પારસી અતિશય વિનય કરીને સ્વામીના પગમાં પડ્યો અને છોકરાને પણ પગે લગાડ્યો પછી સ્વામીની સમીપે બેઠા. પછી સ્વામીએ તેના અંતરની વાત જાણીને ઠાકોરજીને અરધું કેળું ધર્યું હતું તે પારસીના છોકરાને આપ્યું ત્યારે તે પારસી બોલ્યો જે, “બચ્ચા જમી જા.” એટલે તે છોકરો તે કેળું જમીને તરત બોલ્યો જે, “જય સ્વામિનારાયણ.” પછી તે પારસી બહુ જ રાજી થયો અને સ્વામીની તથા ઠાકોરજીની ઘણીક સેવા કરીને પોતો ઘરે ગયો અને પોતાના મનમાં એમ થયું જે, “આ ગોપાળાનંદ સ્વામી પણ સાક્ષાત્ ભગવાન છે.” એમ સ્વામીને વિષે પારસીના મનમાં ભગવાનપણાનો નિશ્ચય થયો. ॥૬૫૨॥
વડતાલમાં ગોપાળાનંદ સ્વામી સભામાં બેઠા હતા પછી અંતર્યામીપણે ખંભાતના હરિજન સદાશિવભાઈને સ્વામીએ કહ્યું જે, “તમારી હવેલી બળી જાય તો તમને કાંઈ ખરખરો થાય?” ત્યારે સદાશિવ બોલ્યા જે, “ના, સ્વામી! મનમાં કોઈ ખરખરો થાય નહીં. કેમ કે તમારે યોગે કરીને સાંખ્ય વિચારથી બધુ ખોટું કરી નાખ્યું છે.” જે દિવસે તેમની હવેલી બળી હતી તે દિવસે તેને સ્વામીયે વાત કરી હતી ને પછી બીજે દિવસે સવારમાં ખંભાતથી મનુષ્ય કાગળ લઈને આવ્યું અને કાગળ વાંચીને બોલ્યા જે, “સ્વામીએ આગળથી જ હવેલી બાળી મૂકી છે નહીં તો અત્યારે હવેલી સાથે હું પણ મરત.” માટે મોટાનો સમાગમ તે જીવને બંધન તોડાવે તેવો છે. ॥૬૫૩॥
ગોપાળાનંદ સ્વામી ગાડીમાં બેસીને કોઈક ગામ જતા હતા અને બીજા સાધુ ભેળા ચાલ્યા આવતા હતા તે સમે વરસાદ વરસવા મંડ્યો. તે ગાડી ઉપર જળનું ફોરું ન પડે અને બીજા સાધુ સૌ પલળી ગયા. તે જોઈને સૌને ઘણું આશ્ચર્ય થયું એ જ મોટાનો પ્રતાપ કહેવાય. ॥૬૫૪॥
અને કોઈ સમે ગોપાળાનંદ સ્વામી ભેળા ભગવદાનંદ સ્વામી હતા. તે એક ગામથી બીજે ગામ જવા સારુ તૈયાર થયા ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પુરુષાનંદ સ્વામીને કહ્યું જે, “આપણા પુસ્તકને મીણીયાં બાંધજો.” ત્યારે ભગવદાનંદ સ્વામી બોલ્યા જે, “સ્વામી! વરસાદ પણ નથી અને વાદળાં પણ નથી અને પુસ્તકે મીણીયાં કેમ બંધાવો છો?” એમ કહીને તેઓ હસ્યા. તો પણ સ્વામીએ મીણીયાં બંધાવ્યાં અને ભગવદાનંદ સ્વામીએ ન બાંધ્યા અને ચાલ્યા. પછી વાટમાં વરસાદ થયો. તે ગોપાળાનંદ સ્વામીનાં પુસ્તક ન પલળ્યાં અને ભગવદાનંદ સ્વામીનાં પુસ્તક પલળી ગયાં. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. ॥૬૫૫॥
એક સમયને વિષે ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં હતા અને ત્યાંના અમલદારે મંદિરના પગથીયાં ખોદી નાંખવાનો હુકમ કર્યો ત્યારે સ્વામીએ ના પાડી એટલે માણસો પાછાં ગયાં. વળી અમલદારે હુકમ કર્યો કે, “ના પાડનારને આંહીં બોલાવો.” એમ કહીને એક સીપાઈ મોકલ્યો તોપણ સ્વામી ન ગયા. પછી બે સીપાઈને મોકલ્યા તો પણ ન ગયા. પછી એમ હુકમ કર્યો જે, “ના પાડનારને બાંધીને આંહીંયાં લાવો.” એમ કહીને પાંચ સિપાઈ મોકલ્યા ત્યારે સ્વામી તેની સાથે ત્યાં ગયા. તે સ્વામીને જોઈને અમલદાર ગાદીયેથી ઉઠીને સંતાઈ ગયો. પછી સારા સારા લોકોએ સ્વામીને વિનય કરીને પાછા મંદિરમાં તેડી લાવ્યા. પછી બીજે દિવસે ખેડેથી સાહેબનો હુકમ આવ્યો જે, “એ અમલદારને કેદ કરીને અહીં લાવો.” પછી તેવી રીતે કેદ કરીને તે અમલદારને ખેડે લઈ ગયા અને તેની કલમ કાપી નાંખી અને તેનાં ઘરનાં માણસો બધાં નાશ પામી ગયા. એમ મોટાના અપરાધથી જીવને કેવું દુઃખ થાય છે ને બેય લોક બગડે છે. માટે ડાહ્યા માણસોએ વિચારીને કામ કરવું. ॥૬૫૬॥
અને ગઢપુરમાં એક વાણિયાને ભૂત વળગ્યું હતું અને ગોપાળાનંદ સ્વામી ગઢપુર પધાર્યા હતા પછી તે વાણિયાને સ્વામી પાસે લાવ્યા. પછી સ્વામીએ તેનામાંથી ભૂત કાઢ્યું અને નિયમ ધરાવ્યાં ને પછી એ સાધુ થયો અને તેને સમાધિ થાતી હતી પણ જ્ઞાન વિના સત્સંગમાંથી પાછો ઘરે ગયો. માટે જ્ઞાન છે તે મોટી વાત છે. ॥૬૫૭॥
સ્વામી પ્રથમ ઘરે હતા ત્યારે ખુશાલભટ્ટ એવું તેમનું નામ હતું. તેમનો જન્મ સંવત્ ૧૮૩૭ના મહા સુદ ૮ સોમવારના રોજ થયો હતો. તે દિવસે મોતીરામ ઠાકરના ઘરને વિષે દુંદુભિ વાગતાં હતાં અને દેવો પુષ્પની વૃષ્ટિ કરતા હતા અને આકાશમાં દેવો વિમાનમાં બેસીને જય જય એવા શબ્દ ઉચ્ચારતા હતા. તે સાંભળીને લોકો સૌ આશ્ચર્ય પામતા હતા અને આકાશવાણી થાતી હતી જે, “મોતી ઠાકરને ઘરે જે પુત્રનો જન્મ થયો છે તે મહા સમર્થ છે અને આ પૃથ્વીને વિષે અધર્મનો ઉચ્છેદ કરશે અને એકાંતિક ધર્મનું સ્થાપન કરશે અને કેટલાકને પોતાનું ઐશ્વર્ય જણાવીને સમાધિયું કરાવશે, એવા મહાપ્રતાપી થશે અને તેઓ દીર્ઘકાળ સુધી આ પૃથ્વીને વિષે રહેશે. એમ આકાશમાં શબ્દ થાતા હતા. પછી તેમનાં માતાપિતા તે સાંભળીને ઘણાં આનંદમાં આવતા હતા અને ખુશાલભાઈનો જન્મ થયો તે વખતે ઘણાક વિદ્વાન બ્રાહ્મણોને નાના પ્રકારના દાન આપતા હવા અને ભિક્ષુક લોકોને અન્નવસ્ત્ર આપીને તૃપ્ત કરતા હવા અને ગાયો વિગેરે પશુને ઘાસ નાંખીને તૃપ્ત કરાવતા હતા. એવી રીતે સૌને સંતોષ પમાડ્યા અને સૌ સ્ત્રીયો મંગળગીત ગાતી હતી અને સત્પુરુષનાં મન સૌ આનંદ પામતાં હવા અને અસુરોને ઘણે ત્રાસ ઉત્પન્ન થાતો હવો અને તે વખતે આકાશ અતિશય નિર્મળ થાતો હતો. ॥૬૫૮॥
પછી તે ખુશાલભટ્ટ પોતાના પિતા થકી આઠમે વરસે યજ્ઞોપવીત પામતા હતા. અને અંગે સહિત ચારે વેદ ભણ્યા. વળી તે દેશમાં કેટલાક ચમત્કારો જણાવ્યા અને કેટલાક મતવાદીઓનો પરાજય કર્યો અને પોતે શાસ્ત્રવિધિથી ગૃહસ્થાશ્રમ કર્યો અને પછી પોતે ટોડલા ગામમાં વિદ્યાર્થી ભણાવવા સારુ નિશાળ માંડી હતી. ॥૬૫૯॥
અને પોતે વિદ્યાર્થી ભણાવતા ત્યારે કેટલાક બાળકોને સમાધીઓ કરાવતા અને અક્ષરાદિક ધામ દેખાડતાં. પછી તે બાળકો સમાધિમાંથી દેહમાં આવીને સૌની આગળ સ્પષ્ટ વાર્તા કરતા જે, “અમે ગોલોક અને અક્ષરાદિક ધામ દીઠાં.” એવી રીતે તે બાળકોને સમાધિ કરાવતા હતા અને બ્રહ્મવિદ્યા શીખવતા હતા. ॥૬૬૦॥
અને તેવા વખતમાં પાડા ગામનો બ્રાહ્મણનો એક છોકરો ખુશાલભટ્ટ પાસે ભણવા આવતો હતો. તે ખુશાલભટ્ટની કૃપાથી સમાધિવાન થયો હતો. પછી તે છોકરાના બાપે ખુશાલભાઈને આવીને કહ્યું જે, “તમે મારા છોકરાને બગાડી મૂક્યો માટે મારે ભણાવવો નથી.” એમ કહીને ઘરે લઈ ગયો પછી તે છોકરાને ઘરે સમાધિ થઈ ગઈ. પછી તે બ્રાહ્મણે તેને જગાડવાનો ઘણોક પ્રયાસ કર્યો પણ છોકરો જાગ્યો નહીં. પછી તે બ્રાહ્મણે ખુશાલભાઈ પાસે આવીને પ્રાર્થના કરી જે, “ખુશાલભાઈ! ભલો થઈને મારા છોકરાને બેઠો કર.” પછી ખુશાલભાઈએ તેને કહ્યું જે, “તું ઘરે જઈને તારા છોકરાને કહે જે, ‘ખુશાલભાઈએ કહ્યું છે માટે બેઠો થા.’” પછી તે બ્રાહ્મણે ત્યાં જઈ છોકરાને કહ્યું જે, “ખુશાલે કહ્યું છે માટે બેઠો થા.” પછી તે છોકરો બેઠો થયો અને બ્રાહ્મણ આવીને ખુશાલભાઈના પગમાં પડ્યો અને પોતાનો અપરાધ માફ કરાવ્યો. ॥૬૬૧॥
અને ટોડલા ગામને વિષે વીર વિદ્યાવાળો અને જંત્ર મંત્ર જાણનારો એક બ્રહ્મચારી આવ્યો હતો. તે વિષ્ણુ પોતાની પાસે રાખતો હતો. પછી પોતે જેને ઘરે જમવા જાય તેને વિષ્ણુ સોંપતો આવે અને કહેતો આવે જે, “આ વિષ્ણુને પટારામાં રાખજો પણ મારી સેવાને વશ્ય છે માટે વિષ્ણુ મારી પાસે આવતા રહેશે.” અને તે બ્રહ્મચારીએ વીરની સાધના કરી હતી. એટલે મહાવીર જ્યાં વિષ્ણુ હોય ત્યાંથી બ્રહ્મચારી પાસે લઈ આવતો. તેથી ગામમાં તેની બહુ માનતા ચાલી તેથી આખું ગામ તેને માનવા પૂજવા લાગ્યું. પછી ખુશાલભટ્ટે કહ્યું જે, “બ્રહ્મચારી મહારાજ! આજ રોજ મારે ત્યાં તમારે જમવાનું આમંત્રણ છે.” પછી તે બ્રહ્મચારી ખુશાલભાઈને ઘરે જમવા ગયો અને જમીને વિષ્ણુને ખુશાલભાઈને સોંપ્યા ને પછી જ્યારે રાત્રી પડી એટલે વીરે આવીને ઘણા આંટા માર્યા પણ વિષ્ણુને લેવાનો લાગ ફાવ્યો નહીં અને ખુશાલભાઈને જોઈને તે બળવા લાગ્યો. પછી તેણે જઈને બ્રહ્મચારીને કહ્યું જે, “મારાથી ત્યાં જઈ શકાય તેમ નથી કેમ કે ખુશાલભાઈ તો મહાસમર્થ છે.” પછી તે બ્રહ્મચારી તો વહેલો ઉઠીને ગામમાંથી નાસી ગયો. ॥૬૬૨॥
અને ખુશાલભાઈ પોતે રાધાકૃષ્ણ દેવની પૂજા કરતા હતા. તે પોતે જ્યારે પૂજા કરવા બેસતા તે વખતે દેવની પ્રતિમાઓ ખુશાલભાઈની સન્મુખ આવીને બેસતી. તે જોઈ લોક સૌ આશ્ચર્ય પામતા ને ખુશાલભાઈના ખેતરમાં મહુડાનુ એક ઝાડ હતું. તે બહુ જ કડવું હતું તેથી તેના ફળ કોઈના ઉપયોગમાં આવતાં નહીં. પછી સૌ લોકોએ ખુશાલભાઈની પ્રાર્થના કરી જે, “તમે આ મૌડાના વૃક્ષને મીઠો કરો.” પછી ખુશાલભાઈ સૌ લોકને સાથે લઈને તે વૃક્ષની નીચે જઈને ઉભા રહ્યા અને વૃક્ષના થડને પોતાના ચરણારવિંદનો સ્પર્શ કર્યો એટલે મૌડો કડવો મટીને મીઠો થયો અને તેનાં ફળ સૌને ઉપયોગમાં આવવા મંડ્યાં. ॥૬૬૩॥
પોતે એક ઓરડામાં બેસીને શ્રીજીમહારાજનું ધ્યાન કરતા હતા. તે સમે અતિશય તેજ દેખાણું અને તે તેજમાં ત્રણ કડાકા બ્રહ્માંડ ફાટી જાય એવા થયા અને તે તેજ પણ છ છ જોજન સુધી જણાયું અને તે કડાકા સાંભળીને લોકોના મનમાં ભય અતિશય ઉત્પન્ન થયો અને સૌને એવી બીક લાગી જે, “આ તે પ્રલય થાશે કે શું?” પછી સૌ ખુશાલભાઈ પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા એટલે ખુશાલભાઈએ પોતાની વૃત્તિ સંકેલી લીધી અને તે તેજ બધું પોતાની મૂર્તિમાં સમાઈ ગયું. તે જોઈને સૌને ઘણું આશ્ચર્ય લાગ્યું. એક સમે તે દેશમાં વરસાદ થતો નહોતો. પછી ફરતા ગામના લોકો સર્વેએ આવીને ખુશાલભાઈની ઘણીક પ્રાર્થના કરી જે, “જો વરસાદ નહીં થાય તો સર્વે મરી જાશું.” એવાં તેમનાં દીનતાનાં વચન સાંભળીને ખુશાલભાઈના મનમાં ઘણીક દયા ઉત્પન્ન થઈ અને શ્રીજીની પ્રાર્થના કરી એટલે આખા દેશમાં જળની વૃષ્ટિ થઈ અને સૌ લોક આવીને ખુશાલભાઈના પગમાં પડ્યા. ॥૬૬૪॥
તે દેશમાં શામળાજીનું એક મંદિર છે. ત્યાં પોતે જ્યારે જાય ત્યારે શામળાજી સન્મુખ ચાલીને આવીને ખુશાલભાઈને મળે તે જોઈને સર્વે લોકને આશ્ચર્ય લાગે જે આ શું? એમ કેટલાક વખત લોકોને આશ્ચર્ય દેખાડ્યું હતું. એવા કેટલાક ચમત્કાર જણાવ્યા હતા. ॥૬૬૫॥
અને ત્યાં એક ત્રિવેણી નદી છે. તેમાં ખુશાલભાઈ નહાવા જતા અને કેટલીક વખત ત્યાં મેળો પણ ભરાતો. પછી ખુશાલભાઈ જ્યારે તે નદીમાં સ્નાન કરવા ઉતરે તે વખતે હજારો ભૂત આવીને ખુશાલભાઈની પ્રાર્થના કરે જે, “હે ખુશાલભાઈ! તમે અમારો મોક્ષ કરો કેમ કે તમારા નહાયેલા જળનો અમારે સ્પર્શ થયો એટલે અમારો મોક્ષ થાય તેમ કરો.” એવી તેમની બહુ જ પ્રાર્થના સાંભળીને ખુશાલભાઈએ કૃપાદૃષ્ટિ કરીને તે ભૂતોને દેવલોકમાં મોકલ્યાં હતાં ને ભૂતનો ઉદ્ધાર કર્યો. એવા સમર્થ હતા. ॥૬૬૬॥
શ્રીજીમહારાજ બ્રાહ્મણનું સ્વરુપ ધારણ કરીને ખુશાલભાઈને તેડવા માટે ટોડલા ગામે ગયા હતા. તે મહારાજ સાથે પોતે ચાલ્યા ત્યારે તેમની દીકરી અનોપબા કરીને હતાં. તેમને માથે હાથ મેલ્યો અને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે, “તમારે વચને કરીને લોકોને સમાધિ થાશે.” એમ તેમને આશીર્વાદ આપ્યો હતો. પછી અનોપબાને વચને કરીને ઘણાક લોકોને સમાધિ થાતી હતી. ॥૬૬૭॥
અને પોતે જ્યારે ઘરેથી ચાલ્યા ત્યારે તેમના પિતાશ્રી મોતી ઠાકરને આખે શરીરે ધાધર હતી. અને ખુશાલભાઈએ ચાલતી વખતે તેમને શરીરે હાથ ફેરવ્યો એટલે બધી ધાધર સમી ગઈ અને શરીર નિરોગી થયું અને તેમને કહ્યું જે, “તમને ઈડરના રાજા ગોરપદું આપશે.” અને તેમને આશીર્વાદ દઈને મહારાજની સાથે ઘરેથી ચાલી નીકળ્યા અને પોતે જે વખતે ઘરેથી ચાલ્યા ત્યારે રસ્તામાં ટાંપાટુંપા નામે એક ગામ આવ્યું. તે ગામનો પટેલ કાનો કરીને હતો. તેને ખુશાલભાઈ સાથે ઘણો સ્નેહ હતો અને તે ગામને પાદર બેઠો હતો. પછી ખુશાલભાઈએ કહ્યું જે, “કાના પટેલ! ક્યાં સુધી ઘરમાં રહેશો? ભગવાન પ્રગટ થયા છે.” ત્યારે કાનો પટેલ કહે, “ચાલો, તમારી સાથે આવું.” તેમ કહીને તે જ વખતે ત્યાંથી કાનો પટેલ ખુશાલભાઈની સાથે ચાલી નીકળ્યો અને થોડેક છેટે ગયા ત્યારે કાના પટેલે ખુશાલભાઈને કહ્યું જે, “ખુશાલભાઈ! મારે અફીણનું બંધાણ છે ને ડાબલી ઘરે પડી રહી.” ખુશાલભાઈ કહે, “જ્યારે અફીણ લેવાનો વખત થાય ત્યારે મને કહેજો.” પછી તેને જ્યારે અફીણનો વખત થયો ત્યારે બોલ્યો જે, “ખુશાલભાઈ! મારે અફીણ ઉતરી ગયું છે.” પછી ખુશાલભાઈએ વનસ્પતિના બે પાંદડાં ચોળીને આપ્યાં એટલે ચાવી ગયા ને કાના પટેલને અફીણનું બંધાણ હતું તે ટળી ગયું અને પછી મહારાજ પાસે આવી સાધુ થયા અને કાનડાનંદ સ્વામી એવું નામ પાડ્યું. ॥૬૬૮॥
અને ખુશાલભાઈ ત્યાંથી ચાલ્યા અને માણસે આવીને નરસીરામભાઈને ઘરે રાત રહ્યા. તેમની માતુશ્રી પાનાબાઈએ ખીચડી ને કઢી કરીને રાત્રે ખુશાલભાઈને જમાડ્યા હતા. પછી ત્યાંથી પોતે વહેલા ઉઠીને ચાલ્યા. તે શ્રીજીમહારાજ ભેળા જેતલપુરમાં થયા. તે વખતે શ્રીજીમહારાજને દંડવત કરીને પગે લાગ્યા. તેમને મહારાજે કહ્યું જે, “આવ્યા, ખુશાલભટ્ટ?” ત્યારે ખુશાલભટ્ટ કહે, “હા, મહારાજ!” ત્યારે મહારાજ કહે, “જાઓ ઉતારા કરી આવો.” એમ મહારાજે કહ્યું તો પણ મહારાજ પાસે ખુશાલભટ્ટ તો ઉભા જ હતા. ॥૬૬૯॥
તેવા સમામાં કોઈક ગામના ગરાસીયા મહારાજ પાસે દર્શને આવ્યા હતા. તેમની મહારાજે ઘણીય બરદાશ કરાવી અને ઉતારા તથા પાગરણ વિગેરેની સગવડ કરી આપવાની સૌને ભલામણ કરી અને પછી ખુશાલભટ્ટ તથા તે ગરાસીયા સૌ સૌને ઉતારે ગયા. ત્યારે પાછળથી મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, “મહારાજ! તમે ખુશાલભાઈને કહ્યું જે, ‘આવ્યા, ખુશાલભટ્ટ?’ ત્યારે તેમણે કહ્યું કે, ‘હા.’ ત્યારે તમે કહ્યું કે જાવ ઉતારા કરી આવો અને આ ગરાસીયા હરિભક્ત આવ્યા. તેમની તમે બહુ બરદાશ રખાવી તે જોઈને ખુશાલભાઈને ખોટું નહીં લાગ્યું હોય?” ત્યારે મહારાજ કહે, “સ્વામી! ખુશાલભાઈ મને ઓળખે છે અને ખુશાલભાઈને હું ઓળખું છું.” એવી રીતે સ્વામીને મહારાજે કહ્યું. અર્થાત્ અમે બે તો સ્વામી-સેવક છીએ જુદા નથી. ॥૬૭૦॥
ખુશાલભાઈને શ્રીજીમહારાજે થોડાક દિવસ પાસે રાખ્યા અને પછી તેમને વડોદરે જવાની મહારાજે આજ્ઞા કરી. પછી તે ખુશાલભાઈ વડોદરે ગયા અને સદાશિવ નામે બ્રાહ્મણને ઘરે પોતે ઉતર્યા હતા. ત્યાં એક માસ સુધી તેને ઘરે જમ્યા અને પોતે જ્યારે જમવા બેસે ત્યારે શ્રીજીમહારાજ સદાશિવને ઘરે જમવા પધારતા. તે થાળમાં જે જે પકવાન્ન ધર્યા હોય તે સર્વે ઓછાં થાય. તે સદાશિવ તથા તેની સ્ત્રી બન્ને જણાં દેખતાં. એમ એક માસ સુધી ખુશાલભાઈની પ્રીતિએ કરીને શ્રીજીમહારાજ સદાશિવને ઘરે દિવ્ય સ્વરુપે કરીને જમ્યા હતા. ॥૬૭૧॥
ખુશાલભાઈ વડોદરામાં જે વખતે હતા તે વખતે કેટલાક માણસોને સમાધિ કરાવતા હતા. પછી એક વખત સયાજીરાવના કાકા ખુશાલભાઈને દર્શને આવ્યા હતા. ત્યાં ઘડીક ખુશાલભાઈની વાતો સાંભળીને પછી ઘરે જવાની રજા લીધી. તે વખતે ખુશાલભાઈએ લાલજી આગળ મેવો ધર્યો હતો. તે મેવાનો પડીયો લઈને સયાજીરાવના કાકાને આપ્યો. પછી તેમણે ઘરે જઈને તે પડીયો ટેબલ પર મૂક્યો અને પોતે કોઈ કાર્ય પ્રસંગે બહાર ગયા. તેવામાં તેમના નાનાં નાનાં બાળકોએ તે પ્રસાદીનો મેવો ખાધો એટલે સૌને સમાધિ થઈ ગઈ. તેવામાં તેઓ ગામમાંથી ઘરે આવ્યા ને જુએ છે તો સૌ છોકરા નિંદ્રાવશ દીઠાં. પછી સૌને બોલાવીને કહ્યું જે, “આ શું થયું છે?” પછી તપાસ કરતાં કરતાં માલુમ પડ્યું જે, “ખુશાલભાઈએ આપેલો મેવો છોકરાંએ ખાધો છે તેથી સમાધિ થઈ ગઈ છે.” પછી ખુશાલભાઈએ તે છોકરાને પૂછ્યું જે, “તમો સૌ ક્યાં ક્યાં ગયાં હતાં?” તે સાંભળીને બાલક સૌ બોલ્યાં જે, “અમો તો નિર્વિકલ્પ સમાધિમાં ગયાં હતાં ને અક્ષરધામમાં શ્રીસ્વામિનારાયણ દિવ્ય સિંહાસન ઉપર બેઠા છે અને આ બાળ યોગીંદ્ર ભગવાં અંચલ પહેરીને સ્વામિનારાયણની સેવામાં ઉભા છે.” તે સાંભળીને સૌ આશ્ચર્ય પામ્યાં અને ત્યાં જે જે અલૌકિક ચમત્કાર જોયા તે સઘળું કહી દેખાડ્યું. ॥૬૭૨॥
અને પછી તે વાતની સયાજીરાવને ખબર પડી જે, “ખુશાલભાઈ કરીને મહા સમર્થ વિપ્ર આંહીં આવેલ છે અને તેમના દર્શન તથા સ્પર્શથી માણસને સમાધિ થાય છે.” પછી તે વાતને સત્ય કરવા માટે તેમનું કારભારી મંડળ નારુપંત નાના વિગેરેને મોકલ્યા અને સોએ ખુશાલભાઈ પાસે આવીને તેમની વાતો સત્ય કરવા માટે સાંભળી અને તે વાતોમાં સૌને એટલો ચમત્કાર જણાવ્યો કે, “ખુશાલભાઈના કહેવાથી સમાધિ થાય છે તે સત્ય છે.” એમ સૌના હૃદયમાં વિશ્વાસપૂર્વક નિશ્ચય થયો. પછી સૌએ જઈને સયાજીરાવને કહ્યું જે, “આ બધું સત્ય છે એમાં જરાય સંશય જેવું નથી.” ॥૬૭૩॥
પછી ત્યાંથી ખુશાલભાઈ ગઢપુર શ્રીજીમહારાજ પાસે આવ્યા અને ગઢપુરમાં શ્રીજીમહારાજને ભારતનું પુસ્તક જોઈતું હતું. તે પુસ્તક ભાવનગરમાં બ્રાહ્મણને ઘરે હતું. તે લેવાને માટે પ્રાગજી દવે વિગેરેને ત્રણ વખત ભાવનગર મોકલેલા. પણ બ્રાહ્મણે પુસ્તક આપ્યું નહીં અને સામી ગાળો દેવા મંડ્યો. પછી સૌ મહારાજ પાસે ગઢપુર પાછા આવ્યા હતા. ॥૬૭૪॥
અને મહારાજે સભામાં કહ્યું જે, “અમારે ભારતનું પુસ્તક અવશ્ય લાવવું છે માટે ખુશાલભાઈ તમે પુસ્તક લેવા જાઓ.” ત્યારે લક્ષ્મીરામ બોલ્યા જે, “મહારાજ! ખુશાલભાઈને અમથો શા માટે આંટો ખવરાવો છો? એ બ્રાહ્મણ પુસ્તક નહીં આપે.” મહારાજ કહે કે, “ખુશાલભાઈ ગયા વગર પુસ્તક મળશે નહીં?” પછી મહારાજે ખુશાલભાઈની સાથે જવાને માટે લક્ષ્મીરામને તૈયાર કર્યો. તે ચાલતાં ચાલતાં રેવા ગામમાં વાણિયાને ઘરે રાત રહ્યા પછી તે વાણિયે દેહ મેલ્યો ત્યારે મહારાજ તેડવા આવ્યા. ત્યારે વાણિયો કહે, “તમે કેવા?” ત્યારે મહારાજ કહે, “તારે ઘરે ખુશાલભાઈ રાત રહ્યા હતા તે પુન્યે તેડવા આવ્યા છીએ.” પછી ત્યાંથી ચાલ્યા તે વરતેજ ગામમાં રાત રહ્યા. ત્યાં બજારમાં ચાલ્યા જતા હતા. તે વખતે એક શેઠ પોતાને ઘરે મેડી ઉપર બેઠો હતો. તેણે ખુશાલભાઈની મૂર્તિમાંથી તેજ નીકળતું દીઠું. પછી તે વાણિયે પોતાનું માણસ મોકલીને ખુશાલભાઈને પોતાને ઘરે બોલાવ્યા અને ઉતારો કરાવ્યો. પછી શેઠ ખુશાલભાઈ પાસે વાતો સાંભળવા બેઠો. તે વખતે ખુશાલભાઈએ તેને સમાધિ કરાવી દીધી. તે જોઈ તેનાં ઘરનાં માણસો સૌ ભય પામ્યાં જે, “શેઠને અચાનક આ શું થઈ ગયું?” પછી ઘડીક વારે શેઠ તો સમાધિમાંથી જાગ્યા અને ખુશાલભાઈને પૂછ્યું જે, “મહારાજ! કાંઈ જમશો?” ત્યારે ખુશાલભાઈ કહે કે, “મારે તો જમવું નથી અને આ બ્રાહ્મણને રસોઈ કરાવીને જમાડો.” પછી લક્ષ્મીરામને સીધું આપ્યું. તેની રસોઈ કરીને પોતે જમ્યા. ॥૬૭૫॥
પછી ત્યાંથી સવારમાં વહેલા ઉઠીને ભાવનગર ગયા અને મોતી તળાવે ન્હાવા માટે રોકાયા ત્યારે લક્ષ્મીરામે ખુશાલભાઈને કહ્યું જે, “ખુશાલભાઈ! ઓલ્યા શેઠને દેખાડ્યું તેવું બ્રાહ્મણને દેખાડશો તો પુસ્તક આપશે.” ત્યારે ખુશાલભાઈ કહે, “તારે જોવું છે?” ત્યારે લક્ષ્મીરામ કહે, “હા.” ખુશાલભાઈ કહે, “આંખો વીંચ્ય.” પછી તેણે પલાંઠી વાળીને આંખો વીંચ્યી એટલે માયાના અંધકારમાં ઉતારી દીધો અને ત્યાં એટલી બધી મુંઝવણ થઈ જે, “કેટલાક યુગથી હું આ અંધકારમાં પડ્યો છું.” પછી ખુશાલભાઈએ દૃષ્ટિ કરી એટલે બહાર આવ્યા ત્યારે લક્ષ્મીરામ બોલ્યા જે, “તે બ્રાહ્મણને આવો ચમત્કાર બતાવો તો ઠીક.” એમ કહીને તેઓ બન્ને જણા નિત્યનિયમ કરીને ભાવનગરમાં ગયા. ॥૬૭૬॥
અને ત્યાં ઝીણા શ્રીમાળીને ઘરે ઉતર્યા અને બીજે દિવસ સવારમાં ઝીણો શ્રીમાળી તથા એક ઝીણો માળી કરીને હરિભક્ત હતો તેમને સાથે લઈને તે બ્રાહ્મણને ઘરે ગયા. તે વખતે તે કાશીરામ બ્રાહ્મણ લાલજીની પૂજા કરતો હતો. પછી ખુશાલભાઈને ભાળીને તે બ્રાહ્મણ લક્ષ્મીરામને ગાળો દેવા મંડ્યો જે, “તારે લાજ શરમ નથી. જે આવાને આવા લઈને ચાલ્યો આવે છે?” એમ કહીને કેટલીક ગાળો દીધી. પછી લાલજી તેની પૂજામાંથી ખુશાલભાઈની સામી કોર ફરીને બેઠા. ત્યારે તે બ્રાહ્મણે લાલજીને પોતાની સન્મુખ કર્યા તો પણ ફરી વાર લાલજી ખુશાલભાઈ સન્મુખ થઈ ગયા. એમ બે-ચારવાર લાલજીને ફેરવ્યા પણ લાલજી તો ખુશાલભાઈ તરફ મુખ કરીને બેસે અને બ્રાહ્મણ કેટલાક અપશબ્દ બોલતો હતો. પછી ખુશાલભાઈએ તે બ્રાહ્મણને કહ્યું જે, “તમે ગાળો શું કરવા દ્યો છો? અમારે પુસ્તક જોતું નથી.” પછી ખુશાલભાઈ ત્યાંથી ઉઠીને ઝીણા શ્રીમાળીને ઘરે જઈને રોટલા જમ્યા અને રાત્રીના બાર વાગ્યા એટલે બે યમદુતોએ આવીને તે બ્રાહ્મણને માર મારવા માંડ્યો અને કહ્યું જે, “ખુશાલભાઈને પુસ્તક આપજે નીકર તને મારી મારીને તારો જીવ કાઢી નાંખશું.” પછી બીજે દિવસે સવારમાં ખુશાલભાઈ તથા લક્ષ્મીરામ અને ઝીણો શ્રીમાળી સૌ પુસ્તકવાળા બ્રાહ્મણને ઘરે ગયા. ત્યારે બ્રાહ્મણ જેમ તેમ બોલવા મંડ્યો ત્યારે ખુશાલભાઈ કહે, “અમારે તમારું પુસ્તક જોતું નથી એ તો આજ અહીંયાં રાત રહેશું.” ત્યારે બ્રાહ્મણ કહે, “હું તમને પુસ્તક આપું ખરો પણ મને તેના જામીન આપો.” અને તેના બદલામાં ત્રણસો રૂપિયાનું ઘરેણું તેના ખોળામાં નાંખ્યું અને એક માસમાં તેનું પુસ્તક પાછું આપવું તેવો ઠરાવ કર્યો.
પછી પુસ્તકનો પોઠીયો ભરીને ખુશાલભાઈ ગઢપુર આવ્યા અને મહારાજને સભામાં તે પુસ્તક આપ્યું. પછી મહારાજે એક પીળું શેલું ઓઢ્યું હતું તે ખુશાલભાઈને ઓઢાડ્યું ત્યારે ખુશાલભાઈ કહે, “મહારાજ! આ તો લક્ષ્મીરામનો દાખડો છે અને તેણે ખૂબ ગાળો ખાધી છે માટે તેને આ શેલું આપો.” પછી મહારાજે કહ્યું જે, “કેમ લક્ષ્મીરામ કેવા છે, ખુશાલભટ્ટ?” ત્યારે લક્ષ્મીરામ કહે, “મહારાજ! આ તો ચીંથરે વીંટ્યું રતન છે!” પછી મહારાજે સૌ લૈયા સંતને બોલાવીને તે પુસ્તક લખવા આપ્યું ને એક માસ અગાઉ તે પુરૂં શુદ્ધ લખાવીને તપાસી અસલ પુસ્તક ભાવનગર પાછું મોકલી દીધું. ॥૬૭૭॥
અને ખુશાલભાઈને શ્રીજીમહારાજે દીક્ષા આપી અને ગોપાળાનંદ સ્વામી નામ ધારણ કર્યું. પછી પોતે દેશ પરદેશ કેટલાક ગામોમાં ફરીને લોકોને ચમત્કાર જણાવતા હતા. તે ઐશ્વર્ય પ્રતાપ જોઈ કેટલાકને શ્રીજીમહારાજનો આશ્રય થયો ને સત્સંગી થયા. ॥૬૭૮॥
એક વખત સ્વામી ઉમરેઠ ગામ પધાર્યા હતા અને ત્યાંના સત્સંગી બ્રાહ્મણે કોઈકનું ઘર ઘરાણે રાખ્યું હતું. પછી તે બ્રાહ્મણ દેહ મૂકી ગયો અને થોડાક વરસ થયા કેડે તે ઘરધણીએ તે બ્રાહ્મણના છોકરાને કહ્યું જે, “તારા રૂપિયા લે અને મારૂં ખત પાછું આપ્ય.” પછી છોકરે તેનો લેખ ઘરમાં ગોત્યો પણ હાથ આવ્યો નહીં. પછી તે છોકરો સ્વામી પાસે મંદિરમાં આવ્યો અને સ્વામીને કહ્યું જે, “ઘરનો ધણી લેખ માગે છે પણ લેખ ક્યાંઈ જડતો નથી અને મારે બાપે ક્યાંઈક મેલ્યો હશે તે તો દેહ મેલી ગયા છે.” પછી સ્વામીએ એક સંતને સમાધિ કરાવીને અક્ષરધામમાં મોકલ્યા પણ તે બ્રાહ્મણને ત્યાં દીઠો નહીં. પછી તે સંત સમાધિમાંથી પાછા આવ્યા અને સ્વામીને કહ્યું જે, “તે બ્રાહ્મણ અક્ષરધામમાં તો નથી.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “તેને કોની સાથે હેત હતું?” ત્યારે કોઈકે કહ્યું જે, “તેમને તો અમોઘાનંદ સ્વામી સાથે હેત હતું.” ત્યારે સ્વામી કહે, “તેઓ શેનો અભ્યાસ કરતા હતા?” પછી સૌએ કહ્યું જે, “તે તો રામકથાનો અભ્યાસ કરતા હતા.” ત્યારે સ્વામી કહે, “તમો સમાધી કરીને વૈકુંઠમાં જાઓ.” પછી સ્વામીએ તે બ્રાહ્મણના છોકરાને સમાધિ કરાવી અને તે વૈકુંઠમાં ગયો. ત્યાં રામચંદ્રજી સિંહાસન ઉપર બેઠેલા અને અમોઘાનંદ સ્વામી રામકથા વાંચતા હતા. પછી છોકરે ત્યાં તેના બેઠેલા બાપને પૂછ્યું જે, “ઘરનો લેખ ક્યાં મૂક્યો છે? તે ઘરનો ધણી માગે છે.” ત્યારે બ્રાહ્મણ કહે, “ઘરમાં પાટડામાં ડગલી મારીને તેમાં મેલ્યો છે.” પછી છોકરે સમાધિમાંથી આવીને સભામાં તે બધી વાત કરી અને ઘરે જઈને સુતારને બોલાવીને પાટડામાંથી લેખ કઢાવ્યો. તે લઈને ઘરનાં ધણીને આપ્યો. અને સ્વામીએ સૌને સભામાં વાત કરી જે, “ઉપાસનામાં કસર રહેશે તો લોકાંતરમાં રહેવું પડશે માટે ઉપાસના શુદ્ધ રાખજો.” ॥૬૭૯॥
સ્વામી ઉમરેઠના મંદિરમાં બેઠા બેઠા પુજા કરતા હતા. તે એક હરિજન જનોઈ કરવા માટે સુતરનો ફાળકો લાવ્યો. તે ફાળકો લઈને સ્વામીએ પૂજાની મૂર્તિને પહેરાવ્યો. તે વખતે કેશવદાસ કરીને સાધુ ભંડારમાં રોટલા કરતા હતા. તેને સમાધિ થઈ અને સમાધિમાં ખડખડ હસવા લાગ્યા. તે જોઈ બીજા સાધુએ પૂછ્યું જે, “કેશવદાસજી! કેમ હસો છો?” ત્યારે કેશવદાસ બોલ્યા જે, “અક્ષરધામમાં શ્રીજીમહારાજની ડોકમાં ગોપાળાનંદ સ્વામીએ સુતરનો ફાળકો પહેરાવ્યો છે. તે જોઈને મને હસવું આવે છે.” એમ આહીંની ને અક્ષરધામની સ્વામીએ એકતા બતાવી. ॥૬૮૦॥
સ્વામી ઉમરેઠ ગામમાં હતા. ત્યાં સૂત્રભાષ્યનું પુસ્તક પુરું થયું અને બોટાદના શિવલાલભાઈ પણ ત્યાં હતા. પછી સ્વામીએ શિવલાલભાઈને કહ્યું જે, “શિવલાલ! સૂત્ર ભાષ્યનું પુસ્તક પુરું થયું માટે આજ એ પુસ્તકની પૂજા કરવી છે.” ત્યારે શિવલાલભાઈ કહે, “આજ રોજ મારી રસોઈ કરો અને પુસ્તકની હું પૂજા કરું!” પછી પુસ્તકની પડખે શ્રીજીમહારાજની મૂર્તિ પધરાવી અને શિવલાલભાઈએ પુસ્તકની પૂજા કરી અને મહારાજની મૂર્તિને રાતી શાલ ઓઢાડી અને પછી આરતી ઉતારીને પછી સૌ સંતની કેશરચંદને કરીને પૂજા કરીને સૌ સંતને વસ્ત્ર ઓઢાડ્યાં. પછી સ્વામીએ કેશવદાસને સમાધિ કરાવીને કહ્યું જે, “અક્ષરધામમાં જોઈ આવો જે સૌ સંતની પૂજા થઈ ગઈ?” પછી કેશવદાસજી સમાધિ કરીને અક્ષરધામમાં ગયા અને શ્રીજીમહારાજના કપાળમાં અરચા, કંઠમાં ગુલાબનો હાર અને ખંભે વસ્ત્ર જોયાં અને લાલ શાલ ઓઢેલી અને તમામ મુક્તના કપાળમાં અરચા કંઠમાં હાર અને ખંભે વસ્ત્ર જોયાં. પણ એક મુક્તાનંદ સ્વામી પૂજા કર્યા વગર રહી ગયેલા જોયા. પછી તેમણે સમાધિમાંથી બહાર આવીને સ્વામીને કહ્યું જે, “તમામ મુક્તની પૂજા થઈ ગઈ છે. પણ એક મુક્તાનંદ સ્વામી પૂજા કર્યા વગર રહી ગયા છે.” પછી સ્વામી કહે, “શાંતાનંદ સ્વામી ન્હાવા ગયા હતા.” ત્યાંથી આવ્યા પછી તેમની પૂજા કરીને કેશવદાસને ફરી અક્ષરધામમાં મોકલ્યા અને ત્યાંથી આવીને કહ્યું જે, “હવે મુક્તાનંદ સ્વામીની પૂજા થઈ છે.” તેમ સદ્ગુરુને તથા શ્રીજીને જે જે આપણ કરે છે તે અક્ષરધામમાં પહોંચે છે.” ॥૬૮૧॥
ગામ વસોમાં ગોપાળાનંદ સ્વામી હતા અને પોતા પાસે પછે ગામના પોચો ભટ્ટ તથા બોરુના ભાણજી વ્યાસ; એ બે જણા વિદ્યાભ્યાસ કરતા હતા. પછી પોચા ભટ્ટે એક દિવસ સ્વામીને કહ્યું જે, “સ્વામી! આ જમ જમ એમ કહે છે તે વાત ખોટી છે. કેમ કે એ તો જેમ લોકમાં છોકરાને બીવરાવે જે જો બાઘડો આવ્યો તેમ દુનિયાને બીવરાવાને માટે છે.” ત્યારે સ્વામી કહે, “પોચા! જમ સત્ય છે. ખોટા નથી.” ત્યારે પોચો ભટ્ટ કહે, “ના, સ્વામી! એ મનાય નહિ.” પછી સ્વામી કહે, “આ ગામમાં કોઈ માંદુ છે?” ત્યારે પોચો ભટ્ટ કહે, “હા, એક ડોસી માંદી છે.” પછી તે બે જણ દીવે બેસીને વિદ્યાભ્યાસ કરતા હતા અને સ્વામીએ આવીને કહ્યું જે, “પોચા! જો જમ જાય.” એમ કહ્યું એટલે બન્ને જણાની દૃષ્ટિ ત્યાં પહોંચી ગઈ અને તેમના મોટા વિકરાળરૂપ જોઈને બન્ને જણાને લઘુ અને ઝાડો થઈ ગયાં. પછી સ્વામીએ આવીને સાદ કર્યો જે, “પોચા! એ, પોચા! ત્યારે બે જણ જાગીને બોલ્યા જે, “સ્વામી છેટા રહેજો, અમારાં પોતીયાં બગડી ગયાં છે.” સ્વામી કહે, “જમ સાચા કે ખોટા?” ત્યારે બન્ને જણે હાથ જોડીને કહ્યું જે, “સ્વામી! જમ તો સત્ય છે. ભાળ્યા ભેળાં પ્રાણ જતાં રહે એવા છે.” ॥૬૮૨॥
એક વખત વસોમાં ગોપાળાનંદ સ્વામી હતા અને કારીયાણીના વસ્તોખાચર ત્યાં સ્વામીના દર્શન કરવા ગયા હતા. પછી વસ્તાખાચરે સ્વામીને પૂછ્યું જે, “સ્વામી! અગણોતેરા કાળમાં મારા ઘરમાં એક લાખ રૂપિયા ને પાંચસો કળશી અનાજ હતું. અને પચાસ ભેશો દુઝણી હતી અને શ્રીજીમહારાજ તથા પાંચસો પરમહંસ મારે ઘરે રહેતા. અને કોઈ વાતની કચાસ નહોતી અને આજ ઘરમાં કશુંયે નથી એનું કારણ શું?” ત્યારે સ્વામી બોલ્યા જે, “વસ્તાખાચર! શ્રીજીમહારાજ જ્યારે ઘરેથી નીસર્યા અને સરજુ નદીને આ કાંઠે આવ્યા, ત્યારે દેવ માત્રે તથા તીરથ માત્રે આવીને મહારાજની પ્રાર્થના કરી જે, ‘મહારાજ! અમારાં સ્થાનમાં પધારો.’ દેવ કહે, ‘મહારાજ! અમારા સ્થાનમાં પધારો.’ પછી મહારાજે તમામ તીર્થને તથા દેવને કહ્યું જે, ‘હું તમારે ત્યાં આવીશ.’ ॥૬૮૩॥
“પછી દશ દીગપાળ મહારાજ સાથે ચાલ્યા પણ મહારાજે કાંઈ કહેતાં કાંઈ તેનું અંગીકાર કર્યું નહીં અને શરીર સુકવી નાંખ્યું. પછી દશે દિગપાળ થાકીને સૌ સૌને સ્થાનકે ગયા. પછી જ્યારે શ્રીજીમહારાજ સત્સંગમાં પધાર્યા અને મોટા મોટા યજ્ઞ કર્યા તે સર્વે દ્રવ્ય દશે દિગપાળે મોકલ્યું હતું અને તમારા ઘરમાં તથા દાદાખાચરના ઘરમાં તથા ઝીણાભાઈના ઘરમાં તથા સુરાખાચરના ઘરમાં તથા વડતાલના જોબનપગીના ઘરમાં જે જે સમૃદ્ધિ હતી તે સહુ દશ દિગપાળની હતી તે જ્યાં સુધી શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી સૌના ઘરમાં દ્રવ્ય રહ્યું અને તમારી પ્રજા પણ ધર્મમાં ન રહી એટલે જેનું હતું તે ખેંચી ગયા. તેમાં તમારું કાંઈ નહોતું.” એમ વસોમાં વસ્તાખાચરને ગોપાળાનંદ સ્વામીએ વાત કરી હતી. ॥૬૮૪॥
એક વખત શ્રીજીમહારાજ વડતાલમાં સભા કરીને વિરાજમાન હતા અને ઓટાથી હેઠે સાધુ હરિજનની સભા ભરાઈને બેઠી હતી અને ફણેણી ગામનો સુતાર હરિભક્ત શ્રીજીમહારાજના દર્શન કરતો હતો. તે મહારાજની મૂર્તિમાંથી તેજના કિરણો નીકળે તેમ મંદિર તથા ધર્મશાળા કાંઈ દેખાય નહીં અને એકલું તેજ દેખાય. અને તે તેજના સમૂહમાં તેજોમય મૂર્તિ શ્રીજીમહારાજ જણાય અને ચારે કોરે તેજોમય અનંત કોટી મુક્તોની સભા જણાય. તે જોઈને તે હરિભક્ત અહો અહો એમ વારંવાર બોલે. તે સાંભળીને શ્રીજીમહારાજ પોતાની તર્જની આંગળી પોતાની નાસિકાએ અડાડે ત્યારે તે ભક્ત છાનો રહી જાય. એમ ઘણીક વાર થયું તે સર્વે સભા સાંભળે અને શ્રીજીમહારાજ પોતાની આંગળી નાસિકાએ અડાડે તે પણ દેખાય. પણ કોઈ યથાર્થ સમજી શકે નહીં. પછી શ્રીજીમહારાજને તેડવા આવ્યા તેની સાથે જમવા પધાર્યા અને તે સભામાં નારુપંત નાના બેઠા હતા તેમણે ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે, “ઓલ્યા હરિભક્તને બોલાવો.” ને પછી સાધુએ જઈને તે હરિભક્તને બોલાવી લાવ્યા. ત્યારે તેમણે પૂર્વે કહી તે બધી વાત કહી દેખાડી. ॥૬૮૫॥
એક સમે ગોપાળાનંદ સ્વામીએ એમ વાર્તા કરી જે, “આ નારુપંત નાનાએ શ્રીજીમહારાજની ઘણીક સેવા કરી છે. તેણે કરીને શ્રીજીમહારાજે તેમને એવા કર્યા કે સો જન્મે કરીને પણ આવા શુદ્ધ થાત નહીં. એવા શુદ્ધ કરી નાંખ્યા.” એમ મોટાની સેવા કર્યાનું ફળ છે. ॥૬૮૬॥
એક સમે શ્રીજીમહારાજે ગઢપુરમાં અક્ષરઓરડીમાં મુક્તાનંદ સ્વામી તથા શુકમુનિ તથા મુળજી બ્રહ્મચારી તથા રતનજીભાઈ તથા મીયાજીભાઈ આગળ વાત કરી જે, “આ ગોપાળાનંદ સ્વામી છે તે મૂળ અક્ષરનો અવતાર છે!” અને વળી છેલ્લા પ્રકરણના ૨૧મા વચનામૃતમાં પણ આ વાત છે. તે શુદ્ધ સંપ્રદાયે કરીને જો સમજે તો સમજાય નહીં તો ન સમજાય અને વળી તે સ્વામી કેવા હતા? તો સર્વ ક્રિયામાં નિરંતર શ્રીજીમહારાજને દેખતા અને સર્વે જીવોને વિષે રહ્યા જે પુરુષોત્તમ નારાયણ તેમને પણ પ્રત્યક્ષ એટલે ફાનસમાં જેમ દીવો દેખાય છે તેમ દેખતા હતા એવા સમર્થ હતા. ॥૬૮૭॥
ગોપાળાનંદ સ્વામીએ વાત કરી જે, “આજ આપણા સત્સંગમાં એવી સ્થિતિવાળા સંત છે જે આંહીંયાં સર્વે ક્રિયામાં મહારાજને અક્ષરધામમાં નિરંતર દેખે છે.” એમ કહીને વિજ્ઞાનદાસજીને બોલાવ્યા ને તે આવીને સ્વામીને પગે લાગીને પાસે બેઠા ત્યારે સ્વામીએ કહ્યું જે, “વિજ્ઞાનદાસજી! એ, વિજ્ઞાનદાસજી!” એમ ત્રણ વાર બોલાવ્યા ત્યારે વિજ્ઞાનદાસજી બોલ્યા જે, “હે, મહારાજ!” પછી સ્વામી કહે, “વાણિયાની વણથળીની વાર્તા કરો.” ત્યારે તે બોલ્યા જે, “રાઘવજી સોનીની સ્ત્રીએ દેહ મેલ્યો. તેને મહારાજ તેડવા જતા હતા અને હું ગામને પાદર ઉભો હતો. પછી મને મહારાજનાં દર્શન થયાં એટલે હું જઈને મહારાજને પગે લાગ્યો. પછી મહારાજે મને રથમાં બેસારીને રથ હાંક્યો. અને મને તે હાટમાં બેસાર્યો અને મને કહ્યું જે, ‘વળતી વખતે તને તેડતા જશું.’ પછી શ્રીજીમહારાજ રાઘવજીભાઈની સ્ત્રીને તેડીને પાછા ગયા અને તે સ્ત્રીની સારું ખાંપણ લાવીને દુકાનમાં મૂક્યું હતું તે લેવા સારુ બેચર શ્રીમાળીએ દુકાન ઉઘાડી અને માંહે ગયા એટલે અંધારામાં મારી સાથે ભટકાણા ત્યારે તે બોલ્યા જે, ‘કોણ એ?’ ત્યારે મેં કહ્યું જે, ‘એ તો હું રતનો ભક્ત.’ ત્યારે તે બોલ્યા જે, ‘તમે અહીં ક્યાંથી?’ ત્યારે મેં કહ્યું જે, ‘મહારાજ રાઘવજીભાઈની ઘરવાળીને તેડવા આવ્યા છે. તે અને મને પોતાના ભેળો તેડી લાવ્યા છે અને અહીંયાં મૂકી ગયા છે.’ એમ કહીને બોલ્યા જે, ‘મહારાજ કહે વળતી વખતે તને તેડી જાશું.’ ત્યારે બેચરભાઈ કહે, ‘શ્રીજીમહારાજ તો બાઈને તેડીને પધાર્યા.’ એ સાંભળીને હું દુકાન બહાર નીકળીને તે બાઈને દેન દેવા સોની સાથે ગયો અને ત્યાંથી પરબારો ઘરે ગયો.” ॥૬૮૮॥
સ્વામીએ વળી વિજ્ઞાનદાસને કહ્યું જે, “ઓલ્યા છોકરાની વાત કરો.” ત્યારે તેમણે વાત કરી જે, “મેં એક છોકરાને વર્તમાન ધરાવીને સત્સંગી કર્યો હતો. પછી તે છોકરો માંદો થયો અને ચાર લાંઘણું થયા પછી તે ભૂખ્યો ને ભૂખ્યો મરી ગયો. તે છોકરાની મા રોતાં રોતાં બોલી જે, “અરેરે! ચાર લાંઘણ કરીને મારો દીકરો ભુખ્યો ને ભુખ્યો મરી ગયો. તે ક્યાં ખાશે?” પછી તે છોકરો આવીને બોલ્યો જે, “મા! હું તો કાંઈ ભૂખ્યો નથી! અને મહારાજે મને સાકરના લાડવા ખવરાવ્યા છે.” તે શબ્દ સાંભળીને બહાર જોયું ત્યાં તો સુવર્ણના રથ ઉપર શ્રીજીમહારાજ ભેળો બેઠેલો દીઠો અને હાથમાં તેને સાકરના ધોળા સફેદ લાડુ જમવા આપેલા તે પણ જોયા એવાં દર્શન થયાં પછી તે છોકરાએ તેની માને કહ્યું જે, “મા, સ્વામિનારાયણ ભગવાન છે તેમનો તમે આશરો કરશો તો તમારું કલ્યાણ થાશે.” એમ કહીને છોકરો અદૃશ્ય થઈ ગયો. ॥૬૮૯॥
અને વડતાલમાં સ્વામી હતા અને એક હરિજને આવીને સ્વામીની પ્રાર્થના કરીને કહ્યું જે, “સ્વામી! હું વહેવારે બહુ દુર્બળ છું. માટે કાંઈક કૃપા કરો તો કાંઈક સુખ થાય અને સુખેથી ભજન થાય.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “કેટલું દ્રવ્ય હોય તો તારે સંતોષ થાય?” ત્યારે તેણે કહ્યું જે, “દશ હજાર રૂપિયા હોય તો ઠીક.” ત્યારે સ્વામી કહે, “પછી નહીં વધે હો!” ત્યારે ભક્તે કહ્યું જે, “લાખ રૂપિયાનો સંકલ્પ કરો.” ત્યારે સ્વામી કહે, “પછી તેથી નહીં વધે.” ત્યારે તે હરિભક્ત કહે, “દશ લાખનો સંકલ્પ કરો.” સ્વામી કહે, “ત્યારે જો દશ લાખ રૂપિયા થાય તો તું માળા ફેરવ ખરો? માટે ઘરે જા અને જેમ છે તેમ રહેશે.” માટે મોટા રાજી થાય તો પણ જીવને સંતોષ ન થાય.
સાખી - આશા ઉંડી ખાડ પહાડથી થાય નહીં પુરી; હેમ મેરુસમ હોય તો પણ રહે અધુરી. ॥૬૯૦॥
એક સમે સ્વામી વડોદરામાં હતા. ત્યાં તૈલંગદેશનો મહાવિદ્વાન શાસ્ત્રી આવ્યો હતો. અને કાશી વિગેરે સર્વે સ્થળેથી પોતાનો દિગ્વિજય કરીને આવતો હતો અને વડોદરાના શાસ્ત્રી ઉપર કાશીના શાસ્ત્રીઓએ માણસ મોકલેલું જે, “આ શાસ્ત્રી સાથે સભા કરશો નહીં અને સભા કરશો તો તમે જીતશો નહીં. માટે તે માગે તેટલી દક્ષિણા તેને આપજો.” એમ આગળથી ચેતવણી તેને આપી હતી. પછી તે શાસ્ત્રી વડોદરે આવ્યો એટલે વડોદરાના સર્વે શાસ્ત્રીએ વિચાર કર્યો જે, “આપણે તો તેમની સાથે સભા કરવી નથી પણ અહીંયાં સ્વામિનારાયણના સાધુ ગોપાળાનંદ સ્વામી બહુ જ સમર્થ છે. તેમની સાથે સભા કરે તો આ શાસ્ત્રીનો ગર્વ ઉતરે. તે વિના આનો ગર્વ કોઈ ઉતારે તેવો નથી.” એમ વિચારીને સર્વે શાસ્ત્રી ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. ત્યારે સ્વામીએ સૌનો આદર-સત્કાર કરાવીને યોગ્યતા પ્રમાણે સૌને બેસાર્યા પછી સ્વામીએ કહ્યું જે, “શાસ્ત્રીઓ! સૌને એક સાથે મળીને આવવાનું કારણ શું?” ત્યારે સૌ શાસ્ત્રી બોલ્યા કે, “સ્વામી! એક તૈલંગ દેશનો શાસ્ત્રી ચૌદ વિદ્યાનો ભણેલો આવ્યો છે. તે એમ બોલે છે જે છે કોઈ વિદ્વાન જે મારી સાથે કોઈ સભા કરે? કોઈ સભા કરે? એમ બોલે છે. તે અમારાથી તેમની આગળ તમારું નામ લેવાઈ ગયું છે ને અમે તો તમારી સાથે સભા કરીએ તેમ નથી. અને તમે કહો તેટલી દક્ષિણા આપીએ પણ અહીયાં સ્વામિનારાયણના સાધુ ગોપાળાનંદ કરીને છે, તેમની સાથે સભા કરો તો સારુ. એટલા માટે અમે તમોને પૂછવા આવ્યા છીએ.” પછી સ્વામી કહે, “બહુ સારું, કહો શાસ્ત્રીને સભા કરે.” પછી સભાનું નક્કી કરીને પાછા તે શાસ્ત્રી પાસે ગયા અને તેને કહ્યું જે, “અહીંયાં ગોપાળાનંદ કરીને સ્વામિનારાયણ સાધુ છે અને સિયાજીરાવ પણ તેમને માને છે. તેમને જ ભાળે છે માટે તેમની સાથે સભા કરો તો સારુ.” ત્યારે શાસ્ત્રીએ કહ્યું જે, “બહુ સારુ.” પછી ત્રીજે દિવસે સભા કરવાનો ઠરાવ કર્યો અને દેવગઢમાં સભા કરી. પછી જે વખતે સભાનો સમય થયો ત્યારે સ્વામીએ સૌ સંતને કહ્યું જે, “શાસ્ત્રી આવે ત્યારે કોઈ ઉભા થશો નહીં.” ને તે શાસ્ત્રી હાથી ઉપર બેઠો હતો અને આગળ ઘીની મશાલો બળતી હતી અને પોતાના તમામ વિદ્યાર્થી પૂર્વ પક્ષ કરતા આવે. એવી રીતે ઠાઠ માઠ થઈને તે શાસ્ત્રી આવ્યો. પછી સ્વામીને જોઈને અને તેમનાં દર્શન કરીને તે શાસ્ત્રી ગાદી તકીયા ઉપર બેઠો અને સ્વામીએ તેમને બધા કુશળ સમાચાર પૂછ્યા પછી સ્વામી બોલ્યા જે, “આ સભામાં મધ્યસ્થ કોણ શાસ્ત્રી બાવા?” ત્યારે ગામના શાસ્ત્રી બોલ્યા જે, “ત્રિભોવનદાસ શેઠ અને મણકી શેઠ; એ આ ગામના બે નગર શેઠીયા છે તે મધ્યસ્થ.” ત્યારે સ્વામી કહે, “તે તો કાપીયા વ્યાજમાં સમજે પણ શાસ્ત્રના અર્થમાં તેઓ કાંઈ સમજે નહીં માટે વિદ્વાન હોય તે મધ્યસ્થ ગણાય.” પછી સૌ બોલ્યા જે, “કૃષ્ણરામ શાસ્ત્રી અને ધીરજરામ શાસ્ત્રી એ બેને મધ્યસ્થ ઠરાવીએ.” પછી સ્વામીએ શાસ્ત્રીને કહ્યું જે, “શાસ્ત્રી બાવા! ઉચ્ચારણ કરો.” અને ગોપાળાનંદ સ્વામી સાથે ભગવદાનંદ સ્વામી તથા કપીલેશ્વરાનંદ સ્વામી વિગેરે વિદ્વાન સાધુ સાથે હતા પણ આવેલ શાસ્ત્રી તો સ્વામીને ભાળીને સિંહને ભાળીને શિયાળ જેમ દબાઈ જાય તેમ દબાઈ ગયો. પછી શાસ્ત્રી બોલ્યા જે, “મહાપુરુષ! પ્રથમ તમે ઉચ્ચારણ કરો.” પછી સ્વામી વેદની પચીશ શ્રુતિઓ બોલ્યા અને બોલ્યા જે, “શાસ્ત્રીબાવા આના અર્થ કરો.” ત્યારે શાસ્ત્રી બોલ્યા જે, “મહાત્મા પુરુષ! તમે અર્થ કરો.” પછી સ્વામીએ એકેક શ્રુતિના ત્રણ ત્રણ પ્રકારે અર્થ કર્યા. તે સાંભળીને શાસ્ત્રીબાવો પોતાના આસન ઉપરથી ઉઠીને સ્વામીના ચરણારવિંદમાં પડ્યો અને સ્વામીને કહ્યું જે, “આપ તો સાક્ષાત્કાર વેદમૂર્તિ છો અને હું તો આપની આગળ પતંગીયા જેવો છું અને તમે તો સાક્ષાત્ શ્રી કૃષ્ણ જેવા છે. ” ત્યારે સ્વામી બોલ્યા જે, “મારા જેવા તો પાંચસે સંત સ્વામિનારાયણે કર્યા છે અને હું તો સર્વેનો દાસ છું.” એવું સાંભળીને તે સ્વામીનો આશ્રિત થઈને ગયો. ॥૬૯૧॥
એક સમે સ્વામી વડોદરામાં હતા અને જ્યોતિષના ભણેલા શાસ્ત્રીઓ ભેળા થયા હતા અને પુનમનું ગ્રહણ થવાનું હતું. તે વખતે ત્યાં કૃષ્ણરામ શાસ્ત્રી ગયા હતા. તેમાં એક બીજાને સંવાદ થયો અને જ્યોતિષવાળાએ કહ્યું જે, “આ પુનમનું ગ્રહણ છે.” ત્યારે કૃષ્ણરામ બોલ્યા જે, “ગ્રહણ થવાનું નથી.” ત્યારે જ્યોતિષવાળા શાસ્ત્રી બોલ્યા જે, “ગ્રહણ ન થાય તો અમારા માથાં ડુલ કરીયે અને જો થાય તો તમારું માથું ડુલ કરીયે.” એમ એક બીજાએ માથાના હોડ બકીને સોગન ખાધા. પછી બીજે દિવસે સઘળા શાસ્ત્રીઓ મળીને જ્યોતિષના પુસ્તક લઈને સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી જે, “સ્વામી! આ જ્યોતિષશાસ્ત્ર જોતાં આ પુનમનું ગ્રહણ થાય તેમ છે અને કૃષ્ણરામ શાસ્ત્રી ના પાડે છે અને તેમણે પોતાનું મસ્તક ડુલ કર્યું છે.” તે સાંભળી સ્વામી બોલ્યા જે, “શાસ્ત્રીજી! આ ખંડમાં તો ગ્રહણ નહીં દેખાય પણ બીજા ખંડમાં દેખાશે માટે આપણે કાંઈ પાળવાનો સંભવ નથી.” ત્યારે સૌ શાસ્ત્રી બોલ્યા જે, “સ્વામી! તમે પણ મોટા મહાત્મા થઈને આમ કેમ બોલો છો?” ત્યારે સ્વામી કહે, “મેં કહ્યું તે સત્ય છે.” તે વખતે કૃષ્ણરામ શાસ્ત્રીનો દીકરો તે સભામાં બેઠો હતો. તેણે જઈને તેના પિતાને કહ્યું જે, “સ્વામીએ સૌ શાસ્ત્રીઓને ગ્રહણ થવાની ના પાડી છે જે, આ ખંડમાં ગ્રહણ નહીં દેખાય.” અને કૃષ્ણરામ શાસ્ત્રી બોલ્યા જે, “પાણી લાવ્ય પાણી, નાહીને પૂજા કરું.” પછી પૂજા કરી સ્વામીને દર્શને ગયા. ત્યારે સ્વામી કહે જે, “કૃષ્ણરામ! ક્યારેય પણ આવું પણ લેવું નહીં. કેમ કે તમારે માટે મારે આ ગ્રહણને ફેરવવું પડ્યું.” પછી સ્વામીને પગે લાગીને ઘરે ગયા અને રોટલા જમ્યા અને જે વખતે ગ્રહણ થવાનું હતું, તે વખતે સૌ શાસ્ત્રીઓ પોતાનાં વસ્ત્ર ઉતારીને સભામાં બેઠા અને દુરબીન માંડીને ચારે દિશાઓમાં તપાસ કર્યો પણ ક્યાંઈ ગ્રહણ દેખાણું નહીં અને પછી સૌ સૌને ઘરે ગયા અને થોડા દિવસ પછી સ્વામી વરતાલ પધાર્યા. ત્યારે નિત્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને ઠપકો આપીને કહ્યું જે, “તમોએ આ શું કર્યું? ગ્રહણ થાતું અટકાવ્યું! લાખો રૂપિયાના શહેરમાં દાન થાત!” ત્યારે સ્વામી કહે, “ગ્રહણ તો ફરી થશે પણ કૃષ્ણરામનું મોઢું કાંઈ ફરી ભાળત?” માટે મોટા પુરુષનો પ્રતાપ આવો છે તે જીવ જાણી શકે નહીં. ॥૬૯૨॥
એક સમે સ્વામી વડોદરામાં બેઠા હતા તે સમે સિયાજીરાવ સ્વામીને દર્શને આવ્યા. ત્યારે સ્વામીએ કહ્યું જે, “તમે લક્ષ્મીનારાયણ દેવનાં દર્શન કરી આવો અને પછી બેસો.” તેઓ લક્ષ્મીનારાયણ દેવને દર્શને ગયા. તે સમે લક્ષ્મીજીએ પોતાની ડોકમાંથી હાર કાઢીને સિયાજીરાવને પેરાવ્યો. પછી સભામાં આવ્યા ત્યારે સ્વામીએ કહ્યું જે, “લક્ષ્મીજી તમારા ઉપર ઘણા પ્રસન્ન છે.” અને સાથે સૌ માણસ હતા તેઓ જોઈને બહુ આશ્ચર્ય પામ્યા. ॥૬૯૩॥
વડોદરામાં સ્વામી સભામાં બેઠા હતા તે સમે એક રતીરામ કરીને શાસ્ત્રી આવ્યો. તે સ્વામી પાસે બેસીને કીર્તન બોલ્યો જે:
“સંત પારસ ચંદન બાવના કામધેનું કલ્પતરુ સાર. સમાગમ સંતનો...”
એ પદ સાંભળીને સ્વામી બોલ્યા જે, “સંતનું વચન એ પારસમણિ છે અને રાજા છે તે પ્રત્યક્ષ પારસમણિ કહેવાય.” પછી તે વખતે સિયાજીરાવ સભામાં બેઠા હતા. તેમને સ્વામીએ કહ્યું જે, “આ શાસ્ત્રીને રાજી કરો અને તમે તો પારસમણિ કહેવાઓ અને શાસ્ત્રી એ તો લોઢાને ઠેકાણે છે.” પછી સ્વામીએ તે શાસ્ત્રીને કહ્યું જે, “ગામમાંથી લોઢાની એક લોઢી લઈ આવો.” પછી શાસ્ત્રીએ લોઢી લાવીને સિયાજીરાવને અડાડી. ત્યારે સ્વામીએ સિયાજીરાવને કહ્યું જે, “આ લોઢી ભારોભાર સોનું શાસ્ત્રીને આપો કેમ કે તમે પારસમણિ છો તે આ લોઢું તમને અડ્યું તેનું સોનું થવું જોઈએ.” તે લોઢી વજનમાં દસ શેર હતી. પછી દસ શેર સોનાની લોઢી કરાવીને શાસ્ત્રીને આપી, એમ સ્વામીએ શાસ્ત્રીનું દારિદ્ર કાપ્યું. ॥૬૯૪॥
એક સમે સ્વામી વડોદરામાં વિરાજમાન હતા. ત્યાં એક હરિજન આવીને લક્ષ્મીનારાયણદેવની પ્રાર્થના કરવા લાગ્યો. અને તેના માથાના તથા દાઢીના શ્વેત વાળ ભાળીને સ્વામી બોલ્યા જે, “આવો, ડોસા!” ત્યારે તે બોલ્યો જે, “સ્વામી! તમે મોટા સાધુ થઈને આમ કેમ બોલો છો?” ત્યારે સ્વામી કહે, “તારું માથું ધોળું ભાળીને ડોસો કહ્યો.” ત્યારે તે કહે, “હું તો પોચ કપાળો છું. એટલે ધોળા વાળ વહેલા આવ્યા છે પણ મારી અવસ્થા નાની છે.” તે સાંભળી સભામાં સૌ હસવા લાગ્યા. ॥૬૯૫॥
એક સમે સ્વામી વડોદરામાં વિરાજમાન હતા. ત્યાં એક હરિજન આવીને લક્ષ્મીનારાયણદેવની પ્રાર્થના કરવા લાગ્યો જે, “કામ ક્રોધાદિક દોષથી મારી રક્ષા કરજો.” તે સાંભળીને સ્વામીને દયા આવી જે, “આ બિચારો બહુ દુઃખિયો છે. તે દેવની આગળ પ્રાર્થના કરે છે તે તેના દોષ ટળે તો સારૂ.” એમ સ્વામી બોલ્યા. તે સાંભળી તે હરિજન સ્વામી પાસે આવ્યો જે, “હે, સ્વામી! મારા ગઈ સાલમાં લગ્ન થયાં છે!” સ્વામી કહે, “તું પ્રાર્થના કરતો હતો, તે સાંભળી મને દયા આવી અને તારા વિકાર ટાળી નાંખત.” ॥૬૯૬॥
વડોદરામાં સ્વામી એક સમે સભા કરીને બેઠા હતા અને સ્વામીનો વિદ્યાર્થી મંગળજી કરીને બ્રાહ્મણ હતો. તેને સારસ્વત તથા પંચકાવ્ય સ્વામીએ ભણાવ્યાં હતાં અને ભાગવત પણ સ્વામીએ ભણાવ્યું હતું. પછી તે પોતાને ઘરે ગયો અને સ્વામીની કૃપાથી તેને કાંઈક અધિકાર મળ્યો તે એક વખત વડોદરામાં સ્વામીને દર્શને આવ્યો. તે વખતે સ્વામી પાસે સિયાજીરાવ વિગેરે સૌ સભામાં બેઠા હતા. પછી સ્વામીએ મંગળજીભાઈને કહ્યું જે, “આવ્ય, મંગળ.” તે સાંભળી તેના મનમાં બહુ જ ખોટું લાગ્યું જે, “હું આવો મોટો અધિકારી છું ને મારી પાછળ બે સિપાઈઓ ચાલે છે અને સ્વામીએ મને ‘આવ્ય, મંગળ’ કહ્યું.” પછી તે સભામાંથી ઉઠ્યા ત્યારે પુરુષાનંદ સ્વામીને એકાંતમાં મળીને કહ્યું જે, “સ્વામી મોટા તો બહુ છે, પણ બોલવાનો વિવેક નથી જે હું આવો મોટો અધિકારી છું તેને ‘આવ્ય, મંગળ’ કહ્યું.” ત્યારે પુરુષાનંદ સ્વામી કહે, “હું સ્વામીને કહીશ. એટલે સ્વામી તમને સારી રીતે બોલાવશે.” પછી સ્વામી સભામાંથી ઉઠીને આસને આવ્યા ત્યારે પુરુષાનંદ સ્વામીએ કહ્યું જે, “તમે મંગળજીભાઈને ‘આવ્ય, મંગળ’ કહ્યું તે સારું લાગ્યું નહીં અને તે મોટા અધિકારી થયા છે.” સ્વામી કહે, “કાલ આવશે ત્યારે મંગળજીભાઈ કહીશું.” પછી બીજે દિવસે સભામાં આવ્યા ત્યારે સ્વામી બોલ્યા જે, “આવો, મંગળજીભાઈ.” તે સાંભળી ઘણો જ પ્રસન્ન થયો. પછી સભા ઊઠી ત્યારે મંગળજીનો હાથ ઝાલીને સ્વામી એક કોરે લઈ ગયા અને કહ્યું, “મંગળજીભાઈ! હું તમારો વિદ્યાગુરુ ખરો કે નહીં?” ત્યારે કહે, “હા, વળી.” સ્વામી કહે, “હું બ્રાહ્મણ તે જગત્ ગુરૂ ખરો કે નહી?” ત્યારે તે કહે, “હા.” પછી સ્વામી કહે, “હું મારી મોટપ્ય સામું જોઉં તો તને મંગળીયો પણ ન કહું.” પછી થોડાક દિવસ થયા એટલે અધિકાર ટળી ગયો અને મંગળીયો થઈ ગયો. એમ મોટા આગળ માન રાખવાથી પોતાનું અનિષ્ટ થાય પણ જીવને ખબર નથી. ॥૬૯૭॥
એક દિવસ સ્વામી ખેડા ગામમાં હતા અને સભા કરીને બેઠા હતા. તે વખતે સ્વામીએ નિત્યાનંદ સ્વામીને કહ્યું જે, “કાંઈક ઉપદ્રવ જેવું જણાય છે.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, “આપણે તો જેમ ઈશ્વરની ઇચ્છા હશે તેમ થાશે.” પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, “આપણે પણ ઝપાટામાં આવશું.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, “આપણે પણ જગતમાં છીએ ને!” પછી ડભાણ થઈને વરતાલ ગયા. ત્યાં રાત્રીના દશ વાગ્યા તે વખતે ગોપાળાનંદ સ્વામી એમ બોલ્યા જે, “કોઈ ગૃહસ્થ અહીંયાં હોય તો તેને બહાર કાઢી મેલો.” એમ કહીને બોલ્યા જે, “અહીંયાં ધર્મશાળાની પછવાડે પાંચ રાંડું ઉભી છે તે એમ વિચાર કરે છે કે પહેલાં મંદિરમાં જશું કે પહેલા ગામમાં જશું?” ત્યારે તેમાંથી એક બોલી જે, “મંદિરમાં તો એક બાવો બહુ વસમો છે, તે કનડે.” એમ કહીને બે ભોઈવાડામાં ગઈ અને ત્રણ કોળીવાડામાં ગઈ. પછી ગામમાં કોગળીયાનો ભારે ઉપદ્રવ થયો. પછી ગામના લોકોએ મળીને ઝાંપે માતા પાસે એક પાડો માર્યો એટલે ઉલટો કોગળીયાનો રોગ વૃદ્ધિ પામ્યો. પછી ગામનાં સર્વ લોક મળીને ગોપાળાનંદ સ્વામી પાસે આવીને પ્રાર્થના કરીને કહ્યું જે, “હે, સ્વામી! અમે તો સર્વે મરી જાશું.” ત્યારે સ્વામી બોલ્યા જે, “અહીંયાં સાક્ષાત્ લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન છે તથા રઘુવીરજી મહારાજ પણ છે અને નિત્યાનંદ સ્વામી જેવા સંત છે. અને હનુમાનજી વિગેરે દેવો પણ વિરાજમાન છે તેમને મેલીને માતા આગળ પાડો માર્યો એટલે સર્વે મરવાના જ છો.” ત્યારે પાટીદારોએ કહ્યું જે, “બાપજી! ભુલી ગયા અને હવે જેમ તમે કહો તેમ કરીએ અને દયા કરો.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “જાઓ બ્રાહ્મણની ચોરાશી કરો અને હનુમાનજીની રૂદ્રી કરાવો.” પછી તેમણે સૌએ તેવી રીતે કર્યું; એટલે રોગ નિવૃત્તિ પામી ગયો. ॥૬૯૮॥
સ્વામી એક વખત વડોદરામાં હતા અને દિવાનજી યજ્ઞ કરતો હતો. પછી તેની પૂર્ણાહુતિ કરી તે દિવસે સ્વામીએ એમ સંકલ્પ કર્યો જે, “આ મહારાજનો દ્રોહી છે માટે તેનો યજ્ઞ નિર્વિઘ્ન થાય તે ઠીક નહીં અને જો વરસાદ થાય તો તેનો યજ્ઞ વિંખાઈ જાય.” પછી અતિશય વરસાદ થયો. તેથી યજ્ઞ નિર્વિઘ્ન થયો નહીં. ॥૬૯૯॥
સ્વામી એક વખત વડોદરે હતા ને વરસાદ વરસ્યો નહોતો. તેથી પ્રજા સર્વે પીડાણી. પછી સર્વે હરિજન સ્વામી પાસે આવ્યા ને પ્રાર્થના કરી જે, “સ્વામી! દયા કરીને વરસાદ કરો તો જીવીએ, નિકર સર્વ મરી જાશું.” ત્યારે સ્વામીએ સંકલ્પ કર્યો. તે ત્રણ દિ ને ત્રણ રાત વરસાદ થયો. ॥૭૦૦॥
અને એક સમયમાં ગોપાળાનંદ સ્વામી પુનમની રાત્રીએ ચંદ્રમાનું મંડળ જોઈને અને તેની શીતળતા જોઈને તે મંડળમાં મહારાજની મૂર્તિ ધારી અને પ્રતિલોમવૃત્તિ કરીને મહારાજની મૂર્તિ સહિત ચંદ્ર મંડળને ખેંચ્યું કે બાર હજાર જોજન ચંદ્રમંડળ તત્કાળ ખેંચાઈ આવ્યું, તેમાંથી મહારાજ સ્વામીની પાસ આવીને તુરત બોલ્યા જે, “તમારે શું અજાણ્યું છે? તે આ ચંદ્રમાનું મંડળ ખેંચ્યું! માટે તેને સ્થિર રહેવા દ્યો.” પછી સ્વામીએ વૃત્તિ પાછી ખેંચી એટલે તત્કાળ ચંદ્રમંડળ પોતાને ઠેકાણે ગયું. ॥૭૦૧॥
મહારાજ જ્યારે દેહોત્સવ કરવા તૈયાર થયા તેની પહેલા સર્વેએ પૂછ્યું જે, “મહારાજ! અમને શી આજ્ઞા કરો છો?” પછી મહારાજે જેને જેમ ઘટે તેમ તેમ મોટા સદ્ગુરુ સાથે જોડાવાનું કહ્યું. પછી હરજી ઠક્કરે મહારાજને પૂછ્યું ત્યારે મહારાજે કહ્યું જે, “તમારે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ રાખવો.” પછી સ્વામી પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી છ મહિના સ્વામીનો સમાગમ કરતા અને છ મહિના ઘરનો વ્યવહાર કરતા. ॥૭૦૨॥
એક સમયે ગઢપુરમાં સચ્ચિદાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે, “સ્વામી! તમને મહારાજ વારંવાર બોલાવે છે અને પૂછે છે. તે તમારૂં હૈયું ભલું હાથ રહે છે અને મને તો એટલું બોલાવે તો હું તો ગાંડો થઈ જાઉં.” ત્યારે સ્વામી કહે, “અમારા હૈયાં કાંઈ તમારા જેવાં પોચાં નહીં જે હાથ ન રહે.” ॥૭૦૩॥
સ્વામી વડોદરામાં હતા અને સાથે સાઠ સાધુ હતા અને ત્યાં ત્રણ મહિના સુધી રહ્યા અને નિરંતર પાકી રસોયું ચાલતી હતી. ઘોડા ગાડીએ બેસી બેસીને સ્વામી ગામમાં જમવા પધારતા હતા. એમ ત્રણ મહિના સુધી સૌ સંતને જમાડ્યા અને પછી વડતાલ જવાને તૈયાર થયા અને ચાલીને ગામ કરાળીમાં આવીને રાત રહ્યા. પછી સવારે સ્વામીએ સાધુને કહ્યું જે, “આપણે વડોદરામાં ગાડીએ બેસીને હરિજનને ઘરે જમવા જતા હતા. તે તો શ્રીજીમહારાજનો પ્રતાપ અને મહારાજને પ્રારબ્ધે જમતા હતા.” પછી સાધુને દેખાડવાને માટે સ્વામી બોલ્યા જે, “આજ તો આપણાં પ્રારબ્ધ અજમાવીએ.” એમ કહીને સ્વામીએ ચાર સાધુને ગામમાં ઝોળી ફેરવવા મોકલ્યાં ત્યારે ગામમાંથી ખોરી જારનો દશ શેર લોટ મળ્યો તે લાવીને સાધુએ સ્વામી પાસે મેલ્યો. ત્યારે સ્વામીએ સૌને કહ્યું જે, “જુવો, આપણા નસીબમાં તો ખોરી જાર છે માટે હવે સૌ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધુન્ય કરીને ભજનમાં બેસો અને જો મહારાજના પ્રારબ્ધમાં હોય તો આપણને આપે.” એમ કહીને સૌ સંતે ભજનમાં બેસાર્યા એટલામાં ગામ આણંદના પાટીદાર બાવાજીભાઈ તે ગામમાં આવ્યા ને ગામની ભાગોળે ઘોડી ઉભી રાખીને ત્યાં બાળક રમતાં હતાં તેને ભાળ્યાં તેને પૂછ્યું જે, “છોકરાઓ! આ ધર્મશાળામાં કોણ છે?” ત્યારે છોકરાં બોલ્યાં જે, “એ તો ગઈ કાલે સાંજે સ્વામિનારાયણના મુંડીયા આવેલા છે તે બોલે છે.” તે સાંભળીને બાવાજીભાઈ ત્યાં ગયા ત્યાં તો ગોપાળાનંદ સ્વામીને દીઠા. એટલે પોતે તરત જ ઘોડી ઉપરથી નીચે ઉતર્યા અને સ્વામીને દંડવત કરીને પગે લાગ્યા અને સ્વામીને કહ્યું જે, “સ્વામી! રસોઈને માટે શું કર્યું છે?” પછી સ્વામીએ ઝોળી માંહેનો આટો દેખાડ્યો. તે જોઈ બાવોજીભાઈ બોલ્યા જે, “આ તમારા માટે હોય નહીં.” એમ કહે છે તેટલામાં તો તે બાવાજીભાઈના વેવાઈ ગામમાં હતા, તેઓ તેમને તેડવા આવ્યા અને ઘરે તેડી જવા માટે સૌએ બહુ આગ્રહ કર્યો ત્યારે બાવાજીભાઈ બોલ્યા જે, “આ સાધુ જમ્યા પછી મારાથી જમાશે. માટે આ સાઠ સંત છે તેમના સારુ એક મણ આટો અને તે પ્રમાણે સાકર ઘી દાળ ચોખા વિગેરે સામાન મંગાવો અને બે રસોયા બોલાવો. અને સંત જમ્યા પછી હું જમીશ.” ત્યારે તેના સંબંધી બોલ્યા જે, “સંત તો અમારા મેમાન કહેવાય. માટે અમારા તરફથી સંતને રસોઈ આપશું.” પછી રસોયા બોલાવીને રસોઈ કરાવીને સંતને જમાડ્યા અને બાવાજીભાઈ વિગેરે પોતાના સંબંધી સર્વે સ્વામીની પ્રસાદી જમ્યા પછી સ્વામીએ સૌ સંતને કહ્યું જે, “આપણા પ્રારબ્ધમાં તો પહેલાં લોટ આવ્યો હતો તે છે. પણ જ્યારે મહારાજ આવ્યા ત્યારે આપણે સૌ પાકી રસોઈ જમ્યા.” એમ શ્રીજીમહારાજના પ્રતાપથી માન અને સત્કાર થાય છે. માટે સૌને શ્રીજીમહારાજનું બળ રાખવું. ॥૭૦૪॥
એક સમે સ્વામી વડોદરામાં હતા અને મહોરાલ ભાઉને ઉંઘ આવતી નહોતી પછી તેમણે સ્વામી પાસે આવીને પ્રાર્થના કરીને કહ્યું જે, “મને બાર વરસ થયા નિંદ્રા આવતી નથી માટે દયા કરો તો સારૂં થાય.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “આ કૃષ્ણરામ શાસ્ત્રી તમારૂં વૈદું કરશે એટલે તમને નિંદ્રા આવશે.” તે ગયા કેડે કૃષ્ણરામે સ્વામીને કહ્યું જે, “સ્વામી! હું ક્યાં વૈદુ ભણ્યો છું?” ત્યારે સ્વામી કહે, “તારે ભણ્યાનું શું કામ છે? હું આપું તે ઓસડ. તું તેને ખવરાવજે એટલે તેનો રોગ નાશ પામશે અને તારી જીવાઈ ચાલશે.” પછી સ્વામીએ અઢી તીખાં અને અઢી તુળશીનાં પાન લઈને કૃષ્ણરામને પડીકું વાળીને આપ્યું. અને સ્વામીએ કહ્યું જે, “સ્વામિનારાયણનું નામ લઈને તેને ખવરાવજે એટલે તેને નિંદ્રા આવી જશે.” પછી કૃષ્ણરામે તે પડીકું આપ્યું. તે ખાઈ ગયા અને તુરત નિંદ્રાવશ થઈ ગયા. તે સાંજના ચાર વાગે નિંદ્રામાંથી જાગ્યા. પછી બીજે દિવસે કૃષ્ણરામને બોલાવીને તેને જીવાઈ બાંધી આપી. ॥૭૦૫॥
સ્વામી વડોદરામાં હતા અને કૃષ્ણરામ શાસ્ત્રીના દીકરાના લગ્ન કર્યા હતાં અને જેઠ માસ હતો. ત્યારે વરસાદ વરસવા મંડ્યો એટલે ક્યાંઈ ગાડાં ભાડે મળ્યાં નહીં. પછી સ્વામી પાસે મંદિરમાં આવ્યા અને તેમણે સ્વામીની પ્રાર્થના કરી જે, “સ્વામી! લગ્નનો દિવસ નજીક આવ્યો છે અને ગાડાં મળતાં નથી.” પછી સ્વામી કહે, “તમે બહાર નીસરો એટલે ગાડાં મળશે.” પછી કૃષ્ણરામ સ્વામીને પગે લાગીને મંદિર બહાર નીસર્યા. ત્યાં તો મંદિરને ડેલે ભાડાતુ ઉભા હતા તે બોલ્યા જે, “ભાઈઓ! કોઈને ગાડાં ભાડે કરવાં છે?” ત્યારે કૃષ્ણરામ બોલ્યા જે, “હા, મારે જાન માટે ગાડાં ભાડે કરવાં છે.” પછી સવારમાં જાન જોડીને ચાલતાં મહી નદીને કાંઠે આવ્યાં. એટલામાં કેટલાક લોક સામા મળ્યા અને બોલ્યાં જે, “ગાડાં લઈને ક્યાં જાઓ છો? ત્યાં તો મહી નદી બે કાંઠે ચાલી જાય છે અને અમે સૌ પાછાં વળ્યાં છીએ.” અને કૃષ્ણરામને તો સ્વામીનો સંપૂર્ણ વિશ્વાસ હતો તેથી ગાડાં ચાલતાં રાખ્યાં અને નદીને કાંઠે ગયા. અને જ્યાં જુએ ત્યાં તો બન્ને તરફ પાણીમાં રસ્તો નજરે પડ્યો એટલે તે મારગે નદીમાં ગાડાં ચાલતાં હતા અને ચાલતાં માણસો પણ સામે કાંઠે ગયાં. પછી સૌએ સામે કાંઠે જઈને પાછું વાળીને જોયું ત્યાં તો મહી નદી બે કાંઠામાં ચાલી જતી જોઈ. તે જોઈને સૌના મનમાં આશ્ચર્ય થયું. અને ગાડાંને બે પડખે વરસાદ વરસ્યા કરે એવી રીતે લગ્ન કરીને ઘરે આવ્યા અને પછી મંદિરમાં જઈને સ્વામીની પ્રાર્થના કરીને કહ્યું જે, “હે સ્વામી! તમારા પ્રતાપથી લગ્ન કરીને નિર્વિઘ્નપણે ઘરે આવ્યા પણ કોઈ જાતની અડચણ આવી નહીં.” ॥૭૦૬॥
વડોદરામાં નાથ ભગત હતા તેમણે નારુપંતને દુઝાણી ભેંશ વેચાતી આપી હતી. શા માટે જે નારુપંત નાના સત્સંગી છે અને આપણે પણ સત્સંગી છીએ. એટલે તે આપણી જીવંત પર્યંત ખબર રાખશે અને આપણે સુખેથી ભજન કરશું એમ જાણીને દુઝાણી ભેંશ આપી હતી પણ નારુપંત નાના તો ક્યાંથી જાણે જે ભેંશ ક્યાંથી લાવ્યા? ને કોણે આપી છે? તે તો જાણતા નહોતા પણ ભેંશ વેચાતી લઈ જનાર માણસે પૈસા પણ આપ્યા નહીં અને નાથ ભગતને ભજનમાં વિઘ્ન આવવા માંડ્યું. પછી તેમણે ગોપાળાનંદ સ્વામીને તે વાત કરી જે, “અમે દીવાનસાહેબને ભેંશ આપી છે પણ નારુપંત તરફથી રૂપિયા મળ્યા નહીં અને તેને લઈને ઘરમાં તાવડી પોરા ખાય તેવી સ્થિતિ થઈ છે.” પછી સ્વામીએ કહ્યું જે, “નારુપંત નાના મારે દર્શને આવે ત્યારે તમે મંદિરને દરવાજે ઉભા રહેજો.” પછી દીવાન એક વખત સ્વામીને દર્શને આવ્યા. ત્યારે નાથ ભગત દીવાનની ચાલતી વખતે દરવાજા બહાર જઈને ઉભા રહ્યા અને જે વખતે દીવાન દરવાજે નીકળ્યા ત્યારે નાથભગતે હાથ જોડીને કહ્યું જે, “સાહેબ! મારી ભેંશના રૂપિયા મને મળ્યા નથી.” તે સાંભળી નારુપંત નાનાને ક્રોધ ચડ્યો જે, “હું વડોદરાનો દીવાન છું અને ભેંશના રૂપિયાની આહીં ઉઘરાણી.” એ જાણી પોતાના પગમાં પગરખું પહેર્યું હતું તેના સામી જ્યાં દૃષ્ટિ કરી અને પગમાંથી પગરખું કાઢવા જાય છે તેટલામાં સભામાંથી સ્વામીએ માંકારો કર્યો. પછી તે વેળા દીવાનસાહેબ ચાલી નીકળ્યા તે ભગવદીના અપરાધે કરીને સિયાજીરાવને કેદ કરવાની પાંચ જણે સહીઓ કરી હતી. તે ભેળી તેમણે પણ સહી કરી. અને તે ચીઠી સિયાજીરાવના હાથમાં આવી અને નારુપંત નાનાને બોલાવીને કહ્યું જે, “તું આ કપટમાં છો?” ત્યારે તેમણે કહ્યું જે, “હું કાંઈ પણ જાણતો નથી.” પછી તેના હાથ અક્ષર બતાવ્યા. પછી સિયાજીરાવે હુકમ કર્યો જે, “જાવ, નારુપંત નાનાને હાથીને પગે બાંધીને બજાર વચ્ચે ઢસડજો.” તે સાંભળી નારુપંતના છોકરાં સ્વામી પાસે આવ્યાં અને સૌ કલ્પાંત કરવા લાગ્યા. ત્યારે સ્વામીએ કહ્યું જે, “હાથીને પગે તો નહીં બાંધે પણ દેશપાર કરશે.” પછી સિયાજીરાવે નારુપંતને કહ્યું જે, “તેં મને સ્વામિનારાયણ ભગવાન મેળવ્યા છે માટે તને દેશપાર કરૂં છું.” અને બીજાને દેહાંત દંડ આપ્યો. તેમાં પોતાની રાણીને જીવતી ભીંતમાં ચણી દીધી અને બીજાને લીલા કાંટામાં બાળ્યા. એવી રીતે શિક્ષા કરી હતી. ॥૭૦૭॥
એક સમે વડોદરામાં ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તથા શુકમુનિ વગેરે ગયા હતા. અને એક દિવસ નિષ્કુળાનંદ સ્વામી ઉપવાસી હતા અને સવારમાં ઉઠીને પોતે સ્નાન કરવા ગયા હતા. પછી સૌ સદ્ગુરુએ પોતાના સેવકોને કહ્યું જે, “નિષ્કુળાનંદ સ્વામી ઉપવાસી છે માટે સૌ એક એક પડીયો બરફીનો તેમને આસને મેલી આવો એટલે પોતે પૂજા કરીને પારણું કરશે.” પછી નિષ્કુળાનંદ સ્વામી નહાઈને આવ્યા અને પોતાને આસને પાંચ બરફીના પડીયા ઢાંકેલા હતા તે જોયા અને સ્વામી બોલ્યા જે, “મોરારચરણદાસ! આ શું ઢાંકેલું છે જોને?” પછી તેમણે જોઈને કહ્યું જે, “સ્વામી! તમે ઉપવાસી છો માટે સદ્ગુરુઓએ તમને પારણું કરવા માટે બરફીના તથા પેંડાના પડીયા મોકલ્યા છે.” તે જોઈને સ્વામીએ કહેડ કમર તરત બાંધી અને સાબદા થયા અને સભામાં જઈને દંડવત કર્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “સ્વામી! આમ કેમ છે?” ત્યારે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા જે, “હું રજા લઉં છું.” ત્યારે સ્વામીએ પૂછ્યું જે, “તેનું કારણ શું છે?” પછી નિષ્કુળાનંદ સ્વામીએ સભામાં બેસીને સૌને વાત કરી જે, “એક ગામમાં એક ડોશી રહેતી હતી અને એક રાજાનો કુંવર હતો. તે કુંવરને ડોશીની સાથે બાળપણથી સ્નેહ હતો. ને તે કુંવર ડોશીને નિત્ય કહેતો જે, ‘ડોશીમા! મારા જેવું કાંઈ કામકાજ હોય તો કહેજો.’ ત્યારે ડોશી કહે. ‘ઠીક, દીકરા! કોઈક વખત વાત.’ એવા સમયમાં તે ડોશી પાણીનું બેડું ભરવા ગઈ હતી તે વખતે તે ડોશીના ઘરનું બારણું ઉઘાડું પડ્યું રહેલું. તે વખતે એક કુતરી તેના છાપરામાં પેસી ગઈ અને ઘંટીનું થાળું ચાટતી હતી અને ડોશી પાણી ભરીને આવી તે વખતે ડોશીયે બેડું હેઠું મેલીને કુતરીને હડે હડે કર્યું પણ તોય કુતરી હુંકારા કરીને સામી થઈ ત્યારે ડોશીયે કહ્યું જે, ‘ઉભી રહે, રાંડ! હમણાં રાજાના કુંવરને બોલાવું છું. પછી તારી વાત.’ ડોશી એકદમ ઉતાવળી ઉતાવળી રાજાના કુંવર પાસે જઈને ઉભી રહી. ત્યારે રાજાના કુંવરે પૂછ્યું જે, ‘ડોશી મા! કેમ આવ્યાં?’ ત્યારે ડોશી કહે, ‘મારા ઘરમાં કુતરી પેસી ગઈ છે તે નીકળતી નથી.’ તરત કુંવરે તે સાંભળીને હુકમ કર્યો જે, ‘જાઓ, તોપુ માંડો અને કુબો ઉડાવી દ્યો.’ પછી તોપવાળા માણસે આવીને તોપ માંડી તે કુતરી સહિત કુબાને ઉડાવી દીધો.” તેમ નિષ્કુળાનંદ સ્વામી કહે, “તમે સૌ રાજાના કુંવરને ઠેકાણે છો અને પેલી ડોશીને ઠેકાણે હું છું અને મારે ભૂખરૂપી કુતરી પેટમાં પેઠી છે. માટે એક તોપે ડોશીનો કુબો ઉડી ગયો તેમ મારા કુબા ઉપર પાંચ તોપો માંડીયું છે. તે મારો કુબો રહેશે ખરો? ઉડી જાશે!” પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, “જાઓ, તમારી મેળે રોટલો કરો અને સુખેથી જમો અને નિશ્ચિંત રહો.” ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કેડ્ય છોડી. ॥૭૦૮॥
એક સમે સ્વામી વડોદરામાં હતા અને સાથે પચાસ સાધુ હતા. અને નિરંતર દૂધપાક પુરીની રસોઈઓ ચાલતી હતી. પછી કેટલીક વખત સ્વામીએ દૂધપાકની રસોઈની મનાઈ કરેલી છતાં સૌ તેને તે રસોઈયું કરાવતાં અને સ્વામી નિષેધ કરે જે, “દુકાનનું દૂધ શુદ્ધ ન હોય! માટે કોઈ હરિજન દૂધ લાવશો નહીં.” તો પણ એક હરિજન સવારમાં દૂધના દેગડાં ભરીને લાવ્યો. તે જોઈ સ્વામી સભામાંથી ઉભા થઈને દૂધનો દેગડો લઈને લઘુશંકાના ખાળીયામાં રેડી દીધો. પછી સૌ દૂધ લાવતા અટકી ગયા અને બીજે દિવસે સ્વામીએ પોતાના સેવક પુરુષાનંદ સ્વામીને કહ્યું જે, “કેમ, પુરુષાનંદ! આજ કોઈ કેમ દૂધ લાવતું નથી?” ત્યારે પુરુષાનંદ સ્વામી કહે, “સ્વામી! ખાળીયે ઢોળી નાંખવા કોણ લાવે?” સ્વામી કહે, “હું પ્રથમથી જ ના પાડતો હતો. પણ મારું માન્યું નહીં. તેથી એમ કરવું પડ્યું.” ॥૭૦૯॥
એક સમે સ્વામી વરતાલમાં હતા અને ઝોળ ગામના શાસ્ત્રી રાજારામ તથા શાસ્ત્રી ભોળાનાથ તેમના વિદ્યાર્થી હતા. તે ભિક્ષાવૃત્તિ કરીને અભ્યાસ કરતા હતા. પછી શાસ્ત્રીએ સ્વામીને કહ્યું જે, “સ્વામી! ભિક્ષા પુરી મળતી નથી.” ત્યારે સ્વામી કહે કે, “આટો શેમાં રાખો છો?” ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે, “માટલીમાં રાખીએ છીએ.” ત્યારે સ્વામી કહે કે, “તે માટલી ભોમાં ડાટો અને તેનું મોઢું ઉઘાડું રાખવું અને તેમાંથી કાચલીથી લોટ કાઢવો.” પછી સૌ વિદ્યાર્થીઓએ માટલી પૃથ્વીમાં ડાટી અને સ્વામીના કહેવા પ્રમાણે તેમાંથી કાચલીથી લોટ કાઢીને નિર્વાહ ચલાવવા લાગ્યા. એમ કરતાં કરતાં ઘણાક માસ થયા તો પણ માટલીમાં તેમનો તેમ આટો ભર્યો રહેતો. એવા સમયમાં એક માતર ગામનો વિદ્યાર્થી કુસંગી હતો. તે આવીને સૌ વિદ્યાર્થીના સાંભળતાં બોલ્યો જે, “ગોપાળાનંદ શું કરે એમ છે?” એમ કહીને માટલી ભોંયમાંથી બહાર કાઢી નાખી. પછી બીજે દિવસે તે માટલીમાંથી આટો થઈ રહ્યો. પછી સૌ વિદ્યાર્થીઓએ પેલા માતરવાળા વિદ્યાર્થીને તિરસ્કાર કરીને શાળામાંથી કાઢી મૂક્યો. ॥૭૧૦॥
એક વખતે સ્વામી વરતાલથી નાપા ગામ પધાર્યા હતા ને ત્યાં થોડાક દિવસ રહીને પાછા વરતાલ પધારવા તૈયાર થયા. તે વખતે સૌ હરિજન સ્વામીને વળાવવા સારૂ આવ્યા હતા. પછી સ્વામીએ સૌને ઉભા રાખીને રજા આપી ને પેલા બે ભાઈ બારોટ બોલ્યા જે, “સ્વામી! અમારે એકેને પુત્ર નથી.” તે વખતે સ્વામીએ ખેતરમાંથી એક તાંદળજાનું ડાળખું ત્રોડીને આપ્યું જે, “લે, આ તારે પુત્ર.” ત્યારે તે હરિભગત બોલ્યા જે, “સ્વામી! આ તો બે ડાળખાં છે.” ત્યારે સ્વામી કહે, “તારે બે પુત્ર થશે.” પછી સ્વામીના આશીર્વાદથી તેને બે પુત્ર થયા ને બન્ને એકાંતિક ભક્ત થયા. ॥૭૧૧॥
એક સમે સ્વામી વરતાલમાં હતા. અને ઝોળ ગામનો પાટીદાર ભક્ત ભુલો સ્વામીને દર્શને આવ્યો હતો. ત્યારે સ્વામીએ ભુલા ભગતને કહ્યું જે, “તમારા ગામમાં મંદિર નથી?” ત્યારે ભુલો ભગત કહે, “મારૂં ગામ સ્વામી મુસલમાનનું છે. ત્યાં મંદિર કરવા કેમ દે?” ત્યારે સ્વામી કહે, “તેનો શો ભાર છે? ચાલ હું તારી સાથે આવું અને તું આજે ત્યાં જઈને ઈંટો તથા ચુનો વિગેરે તૈયાર કર્ય અને પછી મારી પાસે આવજે.” પછી ભુલો ભગત ઘરે જઈને ઈંટો તથા ચુનો વગેરે સામાન તૈયાર કરીને સ્વામીને તેડવા માટે ગાડું લઈને આવ્યા. પછી સ્વામી પોતાની સાથે સાઠ સીત્તેર માણસ લઈને તથા કડીયા વિગેરેને પણ સાથે લઈને સ્વામી ઝોળ પધાર્યા અને ગામને પાદર જઈને દેરો નાંખ્યો. પછી સ્વામી ભુલા ભગત સાથે જગ્યા જોવા નીકળ્યા અને જે જગ્યા ગામધણીની હતી તે જગ્યામાં સ્વામીએ મંદિરનો પાયો ચીતરી દીધો. ત્યારે ભુલે ભગતે કહ્યું જે, “સ્વામી! આ તો ગામધણીની જગ્યા છે.” ત્યારે સ્વામી કહે, “તારે શી ચિંતા છે? તારે તો હું કહું તેમ કરવું છે ને?” પછી સ્વામીની આજ્ઞા પ્રમાણે સૌ સંત તથા પાર્ષદ તથા હરિજન વિગેરે પાયો ખોદવા લાગ્યા. તેના ખબર ગામધણીએ સાંભળીને પોતે સાથે પાંચ સાત બૈરાં લઈને તથા કેટલાક મુસલમાનોને લઈને સ્વામીની પાસે આવ્યો અને સ્વામીને કહેવા લાગ્યો જે, “આ કોના કહેવાથી જગ્યા કરો છો?” ત્યારે સ્વામી કહે કે, “મને કોણ કહે? હું મારી સત્તાથી કરાવું છું!” ગામધણી કહે, “મારી જગ્યા છે.” સ્વામી કહે, “ભલે તારી જગ્યા હોય!” પછી મુસલમાને એ બાઈઓને કહ્યું જે, “જાઓ, સાધુને ઉપવાસ પડાવો.” પછી બૈરાંઓ સાધુ પાસે ગયાં તેવો જ એક મોટો નાગ નીસર્યો અને સૌ આઘા પાછાં નાસી ગયાં. અને ગામધણીની છોકરીને તે નાગ કરડ્યો. તેને ઉપાડીને સૌ દાટવા ગયાં. અને દાટીને જારથ કરીને ઘરે આવ્યા પછી આવીને વિચાર કર્યો જે, “આપણા ગામમાં સ્વામિનારાયણનું મંદિર હોય નહીં કેમ કે ત્યાં તો નગારાં વાગે તથા ઝાલરૂં વાગે તે સાંભળીને આપણી કબરોમાંથી સૌ બેઠાં થાય.” તેવો વિચાર કરીને વળી સૌ જ્યાં મંદિર થાતું હતું ત્યાં આવ્યા અને તેમણે મળીને મંદિરનું ચાલતું કામ અટકાવવા લાગ્યા. તે વખતે ભુરીયો નાગ નીકળ્યો અને તેને ભાળી સૌ ભાગ્યા અને ગામધણીની પાછળ ભુરીયો નાગ દોડીને ફેણો મારવા લાગ્યો તેથી તેના હાથમાંથી હોકો પડી ગયો અને પોતે પણ પડી ગયો અને તેના છોકરાને તે ભુરીયો નાગ કરડ્યો. પછી તે જગ્યાનો ધણી સ્વામી પાસે આવીને બહુ દિલગીર થયો અને સ્વામીને કહ્યું જે, “સ્વામી! ભલા થઈને મારા છોકરાને જીવતો કરો.” સ્વામી કહે, “જો જગ્યાને કાંઈ પણ અડચણ ન કર તો છોકરો બેઠો થાય.” પછી તેણે સ્વામી પાસે સોગંદ ખાધા કે, “જો હું આંહીં પાછો આવું તો હીંદવાણે ગાય અને મુસલમાને સુવર.” એવી રીતે સોગંદ ખાઈને સ્વામીના પગમાં પડ્યો અને પ્રાર્થના કરીને કહ્યું જે, “મારો દીકરો જીવતો થાય તેવી કૃપા કરો.” પછી સ્વામીએ કહ્યું જે, “જગ્યાનો લેખ કરી આપ તો છોકરો જીવતો થાય.” પછી તેણે જગ્યાનો લેખ કરીને આપ્યો અને સ્વામીએ તેનો છોકરો જીવતો કર્યો. પછી સ્વામી વરતાલ જવાને માટે તૈયાર થયા. તે વખતે ભુલા ભગતે સ્વામીને કહ્યું જે, “સ્વામી! તમે પધારો છો પણ આ લોકો મંદિર પુરૂં થાવા નહીં દે.” પછી સ્વામી કહે, “તારી રક્ષામાં આ ભુરીયો નાગ છે. અને તને કોઈ જાતની અડચણ આવવા નહીં દે.” એમ કહીને સ્વામી વરતાલ પધાર્યા અને વાંસેથી તે મુસલમાનની મતિ ફરી તે જગ્યાનો અટકાવ કરવા આવ્યો. એટલે ભુરીયો નાગ નીકળીને તે મુસલમાનની વાંસે દોડ્યો ને મુસલમાનને ફેણ્યો મારવા મંડ્યો તેથી તે મુસલમાન પડી ગયો ને હોકો ફુટી ગયો. તે જોઈને મુસલમાન બોલ્યો જે, “ભુલા! તારા ભુરીયાને વાર્ય, ભુરીયાને વાર્ય, ભુરીયાને વાર્ય.” પછી ભુલો ભગત બોલ્યો જે, “હટ ભુરીયા, હટ ભુરીયા.” ત્યારે ભુરીયો પાછો વળ્યો અને ભુરીયા નાગને મંદિરની ચોકીમાં રાખ્યો. તે હજી સુધી છે. ॥૭૧૨॥
એક વખત બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ મંદિર કરવા ગયા હતા. અને ત્યાં ચુનાની ભઠી નાંખી હતી અને ગામમાં સંપ્રદાયનો દ્વેષી એક બાવો રહેતો હતો અને તે જંત્ર મંત્ર વિગેરે પ્રયોગ જાણતો હતો. તેણે કરીને તે ભઠીને અગ્નિ લાગવા ન દેતો આથી બ્રહ્માનંદ સ્વામી બહુ જ કંટાળી ગયા હતા. તેવા સમામાં ગોપાળાનંદ સ્વામી જુનાગઢ પધાર્યા અને બ્રહ્માનંદ સ્વામીએ વાત કરી જે, “સ્વામી! સત્સંગનો દ્વેષી એક બાવો છે. તે ભઠીને અગ્નિ લાગવા દેતો નથી.” એવાં પ્રાર્થનાના વચન સાંભળીને ગોપાળાનંદ સ્વામી પોતાની સાથે સાધુ તથા હરિજનોને લઈને જે ઠેકાણે ભઠી હતી ત્યાં ઘોડાગાડીમાં બેસીને પધાર્યા. પછી સ્વામી ત્યાં દૂધ મંગાવીને ફરતી દૂધની ત્રણ ધારાવાળી દીધી. અને સ્વામી બોલ્યા જે, “ચેત. ચેત. ચેત.” એમ ત્રણ વખત જ્યાં બોલ્યા તે વખતે ભઠીમાં અગ્નિ પ્રદીપ્ત થયો. જેમ અગ્નિમાં ઘી હોમે અને અગ્નિ પ્રદીપ્ત થાય તેવી રીતે સ્વામીના ચેતનાના શબ્દ ઉચ્ચારણ થતા ચારે કોરે અગ્નિ ફેલાઈ ગયો. તે જોઈને તે બાવાને બાવાના કેટલાક શિષ્ય તે જોવા માટે આવ્યા હતા. તેમણે જઈને બાવાને કહ્યું કે, “ભઠી સળગાવી દીધી.” ત્યારે બાવે કહ્યું જે, “કોણ છે? ગોપાળાનંદ સ્વામી આવ્યા છે?” ત્યારે તેના સેવકોએ કહ્યું કે, “હા, ગોપાળાનંદ કરીને સાધુ આવ્યા છે.” બાવો માથું નીચું કરીને બોલ્યો જે, “તેમની આગળ મારું કશું જોર ચાલે તેમ નથી.” પછી તે બાવો નીચું માથું કરી બેસી રહ્યો અને તેના શિષ્ય સૌ ઢીલા થઈ ગયા. ॥૭૧૩॥
એક વખત સ્વામી જુનાગઢ પધાર્યા હતા અને ત્યાં મંદિરનું કામ ચાલતું હતું. તે સમયમાં મંદિર ઉપર પાણી ચડાવવા માટે કંપો બાંધવો હતો. પણ કોઈને કંપો બાંધતા આવડે નહીં અને શિવાનંદ કરીને એક સાધુ હતા તેમને કંપો બાંધતાં આવડતો હતો. પણ બીજા કોઈને આવડે નહીં. પછી સ્વામીએ શિવાનંદને બે ચાર વખત કહેવરાવ્યું જે, “તમે કંપો બાંધવા આવો.” અને ત્યાં સુધી સૌ મનુષ્ય ખોટી થાય છે, પણ જનાર મનુષ્યને તે સાધુ જવાબ આપે નહીં. તે કહે જે, “મારે આવવું નથી, અને સ્વામીને કહેજો જે, ‘અમથા અમારી પાસે માણસને શું કરવા મોકલો છો?’” પછી સ્વામીએ બીજાને પૂછ્યું જે, “તેને કેની સાથે હેત છે?” ત્યારે કોઈકે કહ્યું જે, “ફલાણા સાધુ સાથે હેત છે.” અને તે સાધુ તે વખતે ત્યાં જ ઉભા હતા. પછી સ્વામીએ તેને કહ્યું જે, “તમારા ભાઈબંધને કહો કે કંપો બાંધે.” સાધુએ સ્વામીને કહ્યું જે, “બહુ સારું, સ્વામી! તમે રાજી થાઓ તેમ કરે અને તે કામ તો મારૂં જ છે.” પછી તે સાધુએ શિવાનંદ સ્વામીને જઈને લાત મારી ને કહ્યું જે, “ઉઠ્ય, ઉઠ્ય, માળા ભરડા! બધું માણસ ખોટી થઈ રહ્યું છે ને શું બેશી રહ્યો છો?” એમ કહીને ઠોટ મારી ત્યારે શિવાનંદ સ્વામી બોલ્યા જે, “જા, જા, મારા ડુચા! તું શું મને કહીશ? હું તો મારી મેળે બાંધીશ.” એમ કહીને કંપો બાંધવા ચડી ગયા અને એક બીજાએ અરસ પરસ લાતો મારીને દાંત કાઢ્યા એમ ભાઈબંધના કહેવાથી કંપો બાંધ્યો પણ સ્વામીના કહેવાથી ન બાંધ્યો. ॥૭૧૪॥
એક સાધુને મુક્તાનંદ સ્વામી વિગેરે સદ્ગુરુઓએ કહ્યું જે, “સ્વામી! તમે ગોપાળાનંદ સ્વામી ભેગા ફરવા જાઓ.” ત્યારે સાધુએ કહ્યું જે, “મારો શો વાંક છે (તે કહો) જે મને ગોપાળાનંદ સ્વામી ભેગો ફરવા જવાની આજ્ઞા કરો છો?” પછી સૌએ કહ્યું જે, “તમારો નીચ સ્વભાવ છે તે શાંત કરવા માટે.” પછી તે સાધુ સ્વામી સાથે ફરવા ન ગયા અને તે દોષે કરીને સત્સંગમાંથી ગયા. ॥૭૧૫॥
અને બ્રહ્માનંદ સ્વામીએ મુળીનું મંદીર કરાવ્યું હતું. તેમાં મૂર્તિઓ પધરાવવાનું મુહૂર્ત જોવરાવ્યું એટલે મહા સુદ પાંચમનું આવ્યું. પછી સૌએ વિચાર કર્યો જે, “ગોપાળાનંદ સ્વામીના હાથથી મૂર્તિઓ પધરાવીયે.” પછી ગોપાળાનંદ સ્વામીને તેડવા માટે મહાનુભાવાનંદ સ્વામી વિગેરે સંતને ગઢપુર મોકલ્યા અને અયોધ્યાપ્રસાદજી મહારાજનો પત્ર તથા બ્રહ્માનંદ સ્વામીનો પત્ર ગોપાળાનંદ સ્વામીને આપ્યો. તે વાંચીને સ્વામીએ સૌને કહ્યું, “મારે ધોલેરે મૂર્તિઓ પધરાવવાનું મુહૂર્ત પણ તે દિવસે જ છે માટે મારાથી મુળીયે અવાશે નહીં. અને બ્રહ્માનંદ સ્વામી સુખેથી તેમના હાથથી દેવને પધરાવે.” એમ ગોપાળાનંદ સ્વામીએ આવેલા સંતને પત્ર લખી આપ્યો. ॥૭૧૬॥
પછી સાધુએ મુળીએ જઈને બ્રહ્માનંદ સ્વામીને તે પત્ર આપ્યો તે વાંચીને તુરત પોતે ગાડી જોડાવીને ગઢપુર પધાર્યા અને ગોપાળાનંદ સ્વામીની પ્રાર્થના કરીને કહ્યું જે, “સ્વામી! ગમે તેમ થાય તો પણ મુળીયે આવ્યા વગર ચાલે તેમ નથી અને હું તમારા વગર દેવની પ્રતિષ્ઠા કરીશ નહિં માટે કૃપા કરીને એક રાત ત્યાં પધારો અને હું ડાંગ ચોકી કરીને એક રાતમાં તમોને ધોલેરા પહોંચતા કરીશ. માટે આપ કૃપા કરીને મુળી પધારો.” પછી ગોપાળાનંદ સ્વામી પોતાના કેટલાક સંત સાથે મુળીયે પધાર્યા. પછી સ્વામીએ ત્યાં જઈને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે, “પકવાનનું કેમ છે?” ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે કે, “મોતીયા લાડુ કરેલ છે.” ત્યારે સ્વામી કહે, “માનભોગ જો કર્યો હોત તો ઠીક! કેમ કે તરત તાવડા ચાલતા કરાય.” પછી સૌ સંત બોલ્યા જે, “સ્વામી! લાડુનો ઓરડો ભર્યો છે.” પછી જે વખતે દેવની પ્રતિષ્ઠા કરી રહ્યા અને સૌને જમવા માટે હરે થયા, તે વખતે આખી ઝાલાવાડના બ્રાહ્મણો તથા હરિજનો સૌ દર્શન કરવા માટે આવેલા હતા. એક તો દેવની પ્રતિષ્ઠાનો ઉત્સવ અને વસંતપંચમીનો સમૈયો અને વળી ગોપાળાનંદ સ્વામી જેવા સદ્ગુરુ પધારેલા અને અયોધ્યાપ્રસાદજી મહારાજ પણ પધારેલા. તે સર્વેના દર્શન વિગેરેનો લાભ લેવા દેશ દેશના હરિજનો આવેલા હતા. અને વખતે હરે થયા અને બ્રાહ્મણો તથા હરિજનોની પંક્તિ જમવા બેઠી તે વખતે પહેલી પંક્તિ થતાં જ પકવાનની તાણ જણાણી તેવા જ મહાનુભાવાનંદ સ્વામી આદિક સંત બ્રહ્માનંદ સ્વામી પાસે આવી પહોચ્યા અને સ્વામીને એક કોર બોલાવીને કહ્યું જે, “પકવાન ખુટવા આવ્યું છે.” પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “એ તો યોગીનું કામ છે.” પછી બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને સાથે લઈને જે ઓરડામાં પકવાન ભર્યું હતું તે ઓરડામાં પધાર્યા અને સૌ જુવે તો લાડવા આશરે વીશેક મણ હતા. પછી ગોપાળાનંદ સ્વામી કહે, “પકવાન ઉઘાડા ન રખાય! ઢાંકી રાખો અને આપણા લાલજી લાવો.” પછી સ્વામીના લાલજી લાવીને ખુરશી ઉપર પધરાવ્યા અને પોતે પણ ઢોલણી નાંખીને ત્યાં જ બેઠા. પછી સ્વામીએ આજ્ઞા કરી જે, “હવે, તમો સૌ પીરસવા માંડો અને કોઈને ભુખ્યા જવા દેશો નહીં.” પછી દેતાં દેતાં રાતના બાર વાગ્યા સુધી સૌને જમાડ્યા અને સ્વામિનારાયણના નામની જય બોલાવી અને પછી મોદીયું ઉઘાડીને જોયું ત્યારે પ્રથમ લાડવાનો જેવડો ઢગલો હતો તેવડો ઢગલો જોવામાં આવ્યો. પછી તે જોઈને સૌ સ્વામીના પગમાં પડ્યા અને સ્વામીને કહ્યું જે, “તમે જો ન પધાર્યા હોત તો લાજ રહેત નહીં.” પછી ગોપાળાનંદ સ્વામી બીજે દિવસે ચાલવાને તૈયાર થયા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું જે, “સ્વામી! તમે દેવ તો પધરાવ્યા પણ આ ખાર ભૂમિમાં કાંઈ ફળ ફુલ થાય નહીં.” પછી સ્વામીયે કહ્યું જે, “આ વાડીમાં દાડમ વાવો બહુ જ સારા થશે.” પછી સ્વામીના કહેવાથી ત્યાં દાડમ વવરાવ્યાં. તે એકેક શેરનું દાડમ થવા માંડ્યું અને સ્વામી કહે, “દેવને જમાડજો પણ બીજાને આપશો નહીં.” ॥૭૧૭॥
એક વખત મુળીથી દાડમનો ઘોડો ભરીને લખમણરાય પુરબીયા હતા. તે વડોદરે સિયાજીરાવને ભેટ કરવાને માટે તેમને મોકલાવ્યા. પણ લખમણરાય તે દાડમ લઈને વડતાલ આવ્યા તે આવીને મંદિરમાં ઉતર્યા. ત્યાં બદ્રીનાથજી મહારાજ કાંઈક માંદા જેવાં હશે તેમણે કહ્યું જે, “મારે દાડમ જોઈએ છીએ.” ત્યારે કોઈકે ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે, “લખમણરાય મુળીથી દાડમનો ઘોડો ભરીને વડોદરે સિયાજીરાવને ભેટ કરવા જાય છે.” પછી સ્વામીએ એક માણસ લખમણરાય પાસે મોકલીને બે દાડમ મગાવ્યાં. તે માણસે લખમણરાયને કહ્યું જે, “ગોપાળાનંદ સ્વામીએ બે દાડમ મંગાવ્યા છે અને બદ્રીનાથજી મહારાજ માંદા છે. તેમના સારુ જોઈએ છીએ.” ત્યારે લખમણરાય બોલ્યા જે, “આ દાડમ કાંઈ બદ્રીનાથ સારુ નથી લાવ્યો, એ તો સિયાજીરાવને ભેટ કરવા માટે લઈ જવાં છે, માટે એમાંથી અપાય નહીં.” એ પ્રમાણે માણસે આવીને ગોપાળાનંદ સ્વામીને લખમણરાયનો જવાબ આપ્યો. તે સાંભળીને સ્વામી બોલ્યા જે, “બહુ સારૂ. મર હવે સૌ દાડમ ખાય.” તે બગીચો આખોય સુકાઈ ગયો. ॥૭૧૮॥
અને પછી સ્વામી ધોલેરે મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માટે પધાર્યા. તે વખતે સૌ દેવના સ્થાપન કર્યા હતાં. ત્યારે ગામ રોજકાના શિવશંકર ભટ્ટ તેમણે સ્વામીને કહ્યું જે, “સ્વામી! આ સ્થાપન ઉપર સૌ દેવ આવેલા હશે?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “હા, સૌ દેવ માત્ર આવી ગયા છે.” ત્યારે શિવશંકર ભટ્ટ કહે, “તેની શી પરીક્ષા થાય?” પછી સ્વામીએ વિજ્ઞાનદાસજીને સમાધિ કરાવીને કહ્યું જે, “જાવ સૌ સૌને સ્થાનકે દેવ આવ્યા છે?” પછી વિજ્ઞાનદાસજી સમાધિ કરીને સૌ દેવનાં દર્શન કરીને પછી પાછા આવ્યા. અને સ્વામીને સભામાં વાત કરી જે, “સૌ દેવ પોતપોતાને સ્થાનકે બેઠા છે.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “શંકર પણ આવ્યા છે?” ત્યારે વિજ્ઞાનદાસજીએ કહ્યું કે, “હા, શંકર પણ આવ્યા છે.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “તેમણે કેવાં વસ્ત્ર ધારણ કર્યાં છે?” પછી વિજ્ઞાનદાસજીએ કહ્યું જે, “શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં છે અને ડોકમાં તુળસીની કંઠી છે, તિલક છે, જનોઈ છે, માથે શિખા છે, તથા હાથે છાપું છે. એવી રીતના શંકર છે.” પછી સ્વામીએ કહ્યું જે, “સમાધિ કરીને પુછી આવો જે આ તમોએ ક્યારે ભાગવતી દીક્ષા લીધી.” ત્યારે વિજ્ઞાનદાસજીયે ફરી સમાધિમાં જઈને પૂછ્યું ત્યારે શંકરે કહ્યું જે, “શ્રીજીમહારાજને મેં વનમાં મીઠું અને સાથવો આપ્યો. તે વખતે ભાગવતી દીક્ષા લીધી છે.” તે સમાચાર સભામાં આવીને સ્વામી આગળ તે વાત કરી પછી શિવશંકર ભટ્ટ બોલ્યા જે, “સ્વામી! મહારાજે ઘણા દિવસે જમવાનો સંકલ્પ કર્યો ત્યારે શંકરને મીઠું ને સાથવો એ બે વાનાં જ મળ્યાં? બીજું કોઈ મિષ્ટાન્ન મળ્યું નહીં હોય?” ત્યારે સ્વામીયે કહ્યું જે, “મહારાજે તપે કરીને શરીર સુકવી નાંખ્યું હતું બીજું કાંઈ માય તેમ નહોતું; માટે મીઠું ને સાથવો આપ્યાં.” ॥૭૧૯॥
એક સમે સ્વામી ધોલેરામાં હતા અને સાથે સાઠ સાધુ હતા. અને ધોલેરામાં સારંગપુરથી કપાસના ગાડાં ભરીને આવ્યાં હતાં. તે હરિજનો સૌ મંદિરમાં સ્વામીને દર્શને આવ્યા. તેમણે સ્વામીને કહ્યું જે, “તમે ક્યારે ચાલવાના છો?” પછી સૌએ કહ્યું જે, “આજ રાતે બે વાગે ચાલશું.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “અમારે સૌને સારંગપુર આવવું છે.” ત્યારે ગાડાવાળાએ કહ્યું જે, “સુખેથી પધારો. અમારા ગાડાં ખાલી છે માટે સૌને બેસારીશું.” પછી સ્વામી કહે, “અમે સૌ રાતના બે વાગે આવશું.” એ સાંભળી ગાડાવાળા હા પાડીને વંડામાં ગયા અને તે વંડાવાળો માણસ સત્સંગનો દ્વેષી હતો તેણે ગાડાવાળાને કહ્યું જે, “તમે સૌ ક્યાં ગયા હતા?” ત્યારે ગાડાવાળાએ કહ્યું, “અમે સૌ સ્વામિનારાયણના મંદિરમાં દર્શને ગયા હતા અને સ્વામિનારાયણના સાધુને સારંગપુર આવવું છે તે તેડી જાશું.” એ સાંભળી વંડાવાળો બોલ્યો જે, “સ્વામિનારાયણના મંદિરમાં તો ટુંટીયાનો રોગ આવ્યો છે. તે કેટલાક સાધુને રોગ થયેલ છે માટે તમો જો ગાડામાં સાધુને બેસારશો તો તમને પણ રોગ વળગશે. માટે અત્યારે જ અહીંથી ચાલી નીકળો.” એમ કહીને ગાડાવાળાને તેને તે વખતે રજા આપી અને ગાડાવાળા પણ રોગના ભયથી ગાડાં જોડીને રસ્તે પડી ગયા. ॥૭૨૦॥
પછી રાતના એક વાગે સ્વામી ધોલેરાના મંદિરમાં સર્વે સાધુને સાથે લઈને ચાલ્યા અને કેટલાક હરિજન વળાવાને પણ આવેલા હતા. પછી જે વંડામાં ગાડાવાળા ઉતર્યા હતા તે વંડામાં તેમનું નામ લઈને બોલાવ્યા જે, “સારંગપુરના ગાડાવાળા છે?” ત્યારે વંડાવાળા માણસે કહ્યું જે, “તે તો ચાલ્યા ગયા છે.” પછી સ્વામી કુરાજી થઈને બોલ્યા જે, “આવી ખોટી નીતિવાળાને અન્ન વસ્ત્ર ક્યાંથી મળે?” એવું વચન બોલ્યા, તે દિવસથી તે લોકોને ત્રણે વાનાની તાણ પડવા લાગી; એમ કુસંગીનું માન્યું તો દુઃખી થયા. ॥૭૨૧॥
સારંગપુરમાં એક દિવસ વાઘાખાચર વિગેરેએ ગોપાળાનંદ સ્વામીની પ્રાર્થના કરીને કહ્યું જે, “સ્વામી! આમાં અમારો શો અપરાધ છે? જે તેની સાથે અમો પણ દુઃખી થઈએ છીએ.” પછી સ્વામીએ કહ્યું જે, “જ્યાં સુધી તમારી જમીન તે વાવશે ત્યાં સુધી તમો પણ તેની સાથે દુઃખી થશો. માટે આજથી ઘર ખેડ કરાવો તો તમો વ્યવહારે સુખીયા થાશો.” પછી સૌએ તે લોકો પાસેથી જમીન લઈને ઘર ખેડ કરાવવા માંડી અને સ્વામીના આશીર્વાદથી પછી સૌ સુખીયા થયા. ॥૭૨૨॥
ગઢપુરમાં પુરુષાનંદ સ્વામી સાથે ગોપાળાનંદ સ્વામી સવારે ચાર વાગે નિરંતર ઘેલે નહાવા જતા હતા. પછી પુરુષાનંદ સ્વામીએ એક વખત સ્વામીને કહ્યું જે, “સ્વામી! તમે વૃદ્ધ છો અને ક્યારેક પડી જાશો તો શરીરનું જોખમ થાશે, માટે હું તમને મંદિરમાં ઘેલા નદીનું જળ લાવીને ઉના જળથી નવરાવું.” પછી સ્વામીએ કહ્યું જે, “પુરુષાનંદ! ખળખળીયે તો બધાય ધામના મુક્ત નહાવા આવે છે.” પછી તે વાત પુરુષાનંદ સ્વામીના માન્યામાં બરાબર આવી નહીં. પછી એક દિવસે વહેલા ચાર વાગે નહાવા ગયા એટલે ખળખળીયે શ્વેતદ્વીપના અનંતમુક્ત નાહી નાહીને ચાલ્યા જતા હતા. તેને પુરુષાનંદ સ્વામીએ પૂછ્યું જે, “તમે કોણ છો?” ત્યારે શ્વેતમુક્તે કહ્યું જે, “અમે તો શ્વેતદ્વીપના મુક્ત છીએ અને અહીંથી જળના કમુંડલ ભરીને ત્યાં વાસુદેવ ભગવાનને અભિષેક કરીએ છીએ.” પછી પુરુષાનંદ સ્વામી નાહીને મંદિરમાં આવ્યા ત્યારે સ્વામીએ અંતર્યામીપણે કહ્યું જે, “કેમ, પુરુષાનંદ! આજ શ્વેતમુક્ત દીઠા કે?” પુરુષાનંદ સ્વામી કહે, “હા, સૌ ધામના મુક્ત સ્નાન કરવા આવે છે.” એમ સ્વામીએ ઘેલાનો મહિમા દેખાડ્યો. ॥૭૨૩॥
એક સમે સ્વામી ગામ ઝમરાળે પધાર્યા હતા અને ત્યાં પ્રાગજી દવે કરીને બ્રાહ્મણ રહેતો હતો. તે શંકરનો ઉપાસક હતો તે કપાળમાં ત્રિપુંડ કરીને સ્વામીને દર્શને આવ્યો. ત્યારે સ્વામીએ તેનું માથું ઝાલીને કપાળે હાથ ફેરવ્યો ને બોલ્યા જે, “આ ભમરો ક્યાં સુધી રાખીશ? ભુંશી નાંખ્યને.” એમ કહીને તેના કપાળમાંથી ત્રિપુંડ ભુંશી નાંખ્યું. પછી તે સ્વામીની કૃપા દૃષ્ટિથી દસ હજાર રૂપિયાનો આસામી થયો અને સ્વામી પાસે વર્તમાન ધારીને સત્સંગી થયો અને સ્વામીના પગમાં પડીને ઘરે ગયો. ॥૭૨૪॥
એક વખત રઘુવીરજી મહારાજ ગામ ઉને પધારતા હતા ને ત્યાં જતાં ડુંગર ગામને પાદર મુકામ કર્યો હતો ને નિત્યાનંદ સ્વામી વિગેરે સદ્ગુરુ ભેગા હતા. પછી નિત્યાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજને કહ્યું જે, “અમે સાથે નહીં આવીએ. કેમ જે ગાદીવાળાં તથા સાંખ્યયોગી બૌરા તથા ત્યાગી સાધુ તથા પાળા સૌ સાથે ચાલે તે સારૂં નહીં.” એમ રઘુવીરજી મહારાજને નિત્યાનંદ સ્વામીયે કહ્યું. પછી રઘુવીરજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા અને તેમની આગળ તે વાત કરી જે, “નિત્યાનંદ સ્વામી આવી રીતે સાથે આવવાની ના પાડે છે જે, કાં તો ગાદીવાળાં નહીં ને કાં તો અમે નહીં તો તેનું કેમ કરવું?” પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “શ્રીજીમહારાજ સારા વાનાં કરશે.” પછી રાતના બે વાગે નિત્યાનંદ સ્વામીએ જાગૃત થઈને સૌ સંતને જગાડ્યા અને સૌને કહ્યું જે, “ગાદીવાળાં આગળથી જાય અને તેમની રક્ષા માટે દસ પાર્ષદ સાથે જાય અને ત્યાગી સૌને તેમની પછવાડે એક કોસ રહેવું.” એમ સૌને આજ્ઞા કરી એટલે સૌ તૈયાર થઈ ગયા અને ગાદીવાળાં આગળથી ચાલ્યાં અને પછી રઘુવીરજી મહારાજ તથા સૌ સંત ચાલ્યા અને પછી રઘુવીરજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે, “સ્વામી! તમે ન હોત તો અત્યારે શું થાત? અને નિત્યાનંદ સ્વામીને કોઈથી કાંઈ કહી શકાત નહીં.” પછી ગોપાળાનંદ સ્વામી કહે કે, “નિત્યાનંદ સ્વામી બહુ સમર્થ છે અને શ્રીજીમહારાજે તેમનામાં પ્રેરણા કરી એટલે બહુ સારૂ થયું.” ॥૭૨૫॥
ગઢપુરમાં ગોપાળાનંદ સ્વામી હતા અને હરજી ઠક્કરને લઘુશંકા બંધ થઈ ગઈ હતી. તે વખતે તેમના દીકરા મનજી ઠક્કરે તથા બીજા સંબંધીઓએ કેટલાક ઉપચારો કર્યા. અને વેદને પણ બોલાવ્યા. પણ કાંઈ ટાંકી લાગી નહીં ત્યારે હરજી ઠક્કરે પોતાના દીકરા મનજીભાઈને કહ્યું જે, “બીજે જ્યાં ત્યાં જવું રહેવા દે અને ગોપાળાનંદ સ્વામી પાસે જા.” પછી મનજી ઠક્કર ગોપાળાનંદ સ્વામી પાસે આવીને રડવા લાગ્યા. ત્યારે સ્વામી બોલ્યા જે, “શા માટે રડે છે?” ત્યારે મનજી ઠક્કર કહે, “સ્વામી! મારા બાપાને લઘુશંકા બંધ થઈ ગઈ છે તે દેહ રહે તેમ નથી!” પછી સ્વામીએ કહ્યું કે જે, “જા મગની ફાડ જેટલી ફટકડી અને મગની ફાડ જેટલી ખાંડ; એ બે ભેગાં કરીને આપજે. એટલે લઘુશંકા ઉતરશે.” પછી મનજી ઠક્કરે ઘરે જઈને સ્વામીના કહેવા પ્રમાણે દવા આપી. તે ખાતાં વેત લઘુશંકા ઉતરી એમ મોટાનું વચન છે તે મોટું ઔષધ છે. ॥૭૨૬॥
ઈડરના રાજાને સ્વામીએ કહ્યું હતું જે, “તમે માણસાના રાજા બાલુભાઈની દીકરી સાથે લગ્ન કરજો અને તમારે દીકરો થશે.” પછી તેમણે સ્વામીના કહેવા પ્રમાણે માણસાના રાજાની કુંવરી સાથે પરણ્યા અને પછી તેને સ્વામીના વચને કરીને દીકરો થયો. ॥૭૨૭॥
અને ગામ ઝમરાળાના ગંગારામ દવેને શ્રીજીમહારાજે બ્રહ્મચારીની દીક્ષા આપી અને જ્ઞાનસ્વરુપાનંદ નામ પાડ્યું અને પછી તેઓ ગોપાળાનંદ સ્વામીને દર્શને ગયા ત્યારે સ્વામીએ પૂછ્યું જે, “શું નામ પાડ્યું?” ત્યારે કહે, “મારૂ નામ જ્ઞાનસ્વરૂપાનંદ પાડ્યું.” ત્યારે સ્વામી કહે, “આને જ્ઞાનનો છાંટો ક્યાં છે? આને તો ધર્મ પ્રધાન છે. માટે ધર્મસ્વરુપાનંદ નામ પાડો.” પછી ધર્મસ્વરુપાનંદ નામ પાડ્યું. ॥૭૨૮॥
અને ગામ વેજળકાના ભીમ પંડ્યો કરીને બ્રાહ્મણ હતા. તે અમદાવાદ જ્યારે છપન ભોગ થયો હતો તે વખતે ત્યાં દર્શને ગયા હતા. પછી ત્યાં સ્વામીને દંડવત કરીને પગે લાગ્યા અને વાત કરી જે, “મને દેવાનંદ સ્વામીએ શ્રાપ આપ્યો છે.” ત્યારે સ્વામી કહે, “શા કારણથી શ્રાપ આપ્યો છે?” ભીમ પંડ્યો કહે, “અમારું સીમાડાનું ગામ છે ને ત્યાં દેવાનંદ સ્વામી ધર્માદો લેવા આવ્યા હતા ત્યારે મેં કહ્યું જે, ‘અમે તો ગઢપુરમાં ગોપીનાથજી મહારાજને ધર્માદો આપશું પણ અમદાવાદ નહીં આપીયે.’ એટલે સ્વામીને ક્રોધ ચડ્યો જે, ‘જા, તારા વંશ જાશે.’” ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “તું મને મોટો જાણે છે કે દેવાનંદ સ્વામીને?” ત્યારે ભીમ પંડ્યે હાથ જોડીને કહ્યું જે, “સ્વામી! હું તો તમને મોટા જાણું છું.” પછી સ્વામી કહે, “જા તારે ત્રણ દીકરા થાશે.” પછી તેને સ્વામીના કહેવા પ્રમાણે ત્રણ દીકરા થયા તેમાં એકનો વંશ રહ્યો ને બે નિર્વંશ ગયા. એમ મહારાજે બેય સંતનાં વચન રાખ્યાં. ॥૭૨૯॥
અને ગામ ખરડમાં ગોવિંદજી કરીને બ્રાહ્મણ હતા અને તે જગન્નાથજીના ઉપાસક હતા. પછી પોતે બે વખત જગન્નાથજીની યાત્રા કરી આવ્યા અને ત્રીજી વખત જ્યારે જગન્નાથજી ગયા ત્યારે પોતાના મનમાં એમ વિચાર થયો જે, “મારું કલ્યાણ થાશે કે નહીં થાય? માટે તેની મારે પરીક્ષા કરવી.” પછી પોતે અનશન વ્રત લઈને પોતે જગન્નાથજીના દેરામાં ધાબા ઉપર જઈને બેઠા. પછી બીજે ઉપવાસે જગન્નાથજીએ રાત્રે બ્રાહ્મણને વેષ આવીને દર્શન દીધાં અને કહ્યું જે, “તારું કલ્યાણ કરવું હોય તો સ્વામિનારાયણના સાધુ ગોપાળાનંદ કરીને છે તેને મળ્યા તો તારું કલ્યાણ થશે! અને અમથો અહીંયાં શા માટે મરે છે?” ત્યારે ગોવિંદજી મહારાજ કહે, “તમે કોણ છો?” ત્યારે તેમણે કહ્યું જે, “હું જગન્નાથજી છું.” ત્યારે ગોવિંદજી કહે, “તેની શી પરીક્ષા થાય જે તમે જગન્નાથજી છો?” ત્યારે જગન્નાથજી કહે, “આ કાષ્ટની મૂર્તિમાં હું પ્રવેશ કરું તો તું એમ જાણજે જે હું જગન્નાથજી છું અને હું અને ગોપાળાનંદ જુદા નથી. વળી તું ગોપાળાનંદ સ્વામી પાસે જા અને તેને એમ કહે જે તારૂં જગન્નાથજીએ કલ્યાણ ન કર્યું? અને મારી પાસે મોકલ્યો એમ કહે તો તું જાણજે જે અમે બન્ને એક છીએ.” પછી તે બ્રાહ્મણ જગન્નાથજીને પગે લાગીને સવારમાં નાહી ધોઈ પારણાં કરીને ઘર તરફ આવવા ચાલી નીસર્યો અને થોડા દિવસમાં પોતાને ગામ આવ્યો અને ગામના હરિજનોને પૂછ્યું જે, “તમારામાં કોઈ મોટા સાધુ ગોપાળાનંદ કરીને છે?” ત્યારે હરિભક્તો કહે, “તે તો બહુ મોટા સાધુ છે.” હરિભક્ત કહે, “તમારે શું કામ છે?” ત્યારે તે કહે, “હું અત્યારે જાત્રા કરીને આવ્યો છું; તે દર્શન કરવાં છે.” પણ ઓલી વાત કોઈને કહી નહીં. ॥૭૩૦॥
પછી થોડા દિવસ થયા એટલે ગોપાળાનંદ સ્વામી વડતાલ પધારતા હતા. તે સવારમાં ખરડ ગામને પાદર નીસર્યા પછી ઘણાક હરિજન સ્વામીના દર્શન કરવા પાદર ગયા પણ ગોવિંદજી મહારાજને કોઈએ ખબર આપ્યા નહીં અને ગોવિંદજી મહારાજે હરિજનોને કહેલ જે, “સ્વામી જ્યારે આવે ત્યારે મને ખબર કરજો.” પછી સૌ હરિજનો પ્રેમ પ્રેમમાં ભૂલી ગયા ને સૌ વળાવીને જ્યારે પાછા ગામમાં આવ્યા ત્યારે ગોવિંદજી મહારાજને ખબર પડ્યા જે, “ગોપાળાનંદ સ્વામી ગામને પાદર આવ્યા છે.” તે પછી તેણે સૌ હરિભક્તને ઠપકો દીધો, “જે ભલા માણસો મેં તમને કીધેલ હતું અને મને ખબર કેમ ન કર્યા?” ત્યારે હરિજનો કહે, “અમે ભૂલી ગયા છીયે પણ તમારે દર્શન કરવા હોય તો હજી ગામને પાદર ચાલ્યા જાય છે.” પછી પોતાના ભત્રીજા બહેચર દવે તથા દામોદર દવે; બન્ને જણાનો હાથ ઝાલીને પોતે સ્વામીના દર્શન કરવા ચાલી નીકળ્યા અને ગામ બહાર જઈને બુમ પાડી જે, “એ, ગોપાળાનંદ! ઉભો રહે. ગોપાળાનંદ, ઉભો રહે.” એમ બે ચાર વખત ઉંચે સ્વરે સાદ કર્યો. ત્યારે બોટાદવાળા ભગા શેઠ ગાડીમાં સ્વામી પાસે બેઠા હતા તેમણે સ્વામીને કહ્યું જે, “સ્વામી! કોઈક ડોસો સાદ પાડતો આવે છે.” ત્યારે સ્વામી કહે, “હાંકો ગાડી, એ તો આફુરો આવશે. એ તો ત્રણ વખત જગન્નાથપુરી જઈ આવ્યો છે.” પછી ઉગમણે પાદર સ્વામીએ ગાડી ઉભી રખાવી. પછી ત્યાં ગોવિંદજી મહારાજે જઈને સ્વામીના ચરણારવિંદ ઝાલ્યાં પછી સ્વામી બોલ્યા જે, “ગોવિંદજી મહારાજ! તમારું જગન્નાથજીએ કલ્યાણ ન કર્યું? તે મારી પાસે મોકલ્યા?” ત્યારે ગોવિંદજી મહારાજ કહે, “તું ને જગન્નાથજી જુદા નથી.” સ્વામી કહે, “હું તો જગન્નાથજીનો દાસ છું.” ગોવિંદજી મહારાજ કહે, “બોલ્ય માં તું જ સાક્ષાત જગન્નાથજી મહારાજ છે.” તે સાંભળી ભગો શેઠ તે બ્રાહ્મણ સામું જોઈ રહ્યા જે, “આ શું બોલે છે?” પછી સ્વામી કહે, “દેવ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કહીને પાંચ માળા ફેરવજો.” ત્યારે તે બોલ્યા જે, “હું સ્વામિનારાયણને ઓળખતો નથી. હું તો તને ઓળખું છું તે તારું ભજન કરીશ.” પછી સ્વામી કહે, “મારું ભજન થાય નહીં.” પછી તેણે સ્વામીને હાથે નિયમ ધાર્યા અને ઘરે ગયો અને નિત્ય ગોપાળાનંદ ગોપાળાનંદ એવા નામની પાંચ માળા ફેરવતો. પછી જ્યારે તેનો દેહ મેલવાનો વખત થયો ત્યારે તેના સંબંધીઓએ ભોંય લેવા તૈયારી કરી. ત્યારે ગોવિંદજી દવે બોલ્યા જે, “છોકરાઓ, હજી વાર છે. હજી મારો ગોપાળાનંદ આવ્યો નથી.” પછી ઘડીક થયું. એટલે સ્વામીએ દર્શન દીધા ત્યારે ગોવિંદજી મહારાજે સૌને કહ્યું જે, “છોકરાઓ, ઘીનો દીવો કરો અને આ મારો ગોપાળાનંદ આવ્યો છે.” એમ કહીને બોલ્યો જે, “ભલે, ગોપાળાનંદ! ભલે આવ્યો ખરો!” એમ વાત કહીને પોતાના સંબંધીને કહ્યું જે, “સૌ ગોપાળાનંદ... ગોપાળાનંદ... એમ ભજન કરજો અને હું ભગવાનના ધામમાં જાઉં છું.” ॥૭૩૧॥
અને રોજકા ગામમાં એક વખત ગોપાળાનંદ સ્વામી પધાર્યા હતા. અને સૌ હરિજનો સ્વામીને દર્શને આવ્યા. અને શિવશંકર ભટ્ટ જરાક મોડા આવ્યા. ત્યારે સ્વામીએ તેમને કહ્યું જે, “કેમ, શિવશંકર, મોડો આવ્યો?” ત્યારે શિવશંકર ભટ્ટ કહે, “સ્વામી! હું જનમંગળના પાઠ કરું છું.” સ્વામી કહે, “શા માટે પાઠ કરો છો?” ત્યારે શિવશંકર કહે, “પુત્ર નથી તે માટે.” સ્વામી કહે, “કેટલા પાઠ કરવા છે?” ત્યારે શિવશંકર ભટ કહે કે, “એક લક્ષ કરવા છે.” સ્વામી કહે, “સવા લાખ પાઠ કર્ય તો પણ તારે દીકરો નહીં થાય.” ત્યારે શિવશંકર કહે, “કેમ કરું?” ત્યારે સ્વામી કહે, “તારો ભાઈ વિઠ્ઠલ છે. તેને આ પાઠનું ફળ આપ્ય તેથી તેને દીકરો થાશે! તે તારી ચાકરી કરશે!” પછી વિઠ્ઠલ ભટ્ટને બોલાવીને પોતાના પાઠનું ફળ સ્વામી પાસે તેને કૃષ્ણાર્પણ કરાવ્યું. તેથી તેને દીકરો થયો. તેણે શિવશંકર ભટ્ટની ચાકરી કરી. ॥૭૩૨॥
એક વખત રઘુવીરજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી રોજકા પધાર્યા હતા. ત્યાં એક બ્રાહ્મણનો દીકરો માંદો હતો. તેને જોવા સારૂ સ્વામીને પોતાને ઘરે તેડી ગયો. પછી સ્વામીએ ત્યાં જઈને તેના ખાટલા પાસે ઉભા રહીને માથું ધુણાવ્યું અને પછી સૌ પાછા મંદિરમાં આવ્યા પછી ચાલતી વખતે તે બ્રાહ્મણે સ્વામીને પૂછ્યું કે, “સ્વામી! તમે છોકરા સામું જોઈને માથું કેમ ધુણાવ્યું?” ત્યારે સ્વામી કહે કે, “તારે ઘરે કોઈ રહેતું હતું?” ત્યારે તેણે કહ્યું કે, “એક સંત રહેતા હતા.” ત્યારે સ્વામીએ કહ્યું કે, “તું ઘરે નહોતો અને તે સંતે દેહ મેલ્યો તેની તારામાં વાસના રહી હતી. તેથી તે તારો દીકરો થયો છે. માટે અમે આંહીંથી ગામને સીમાડે જશું ત્યારે તે દેહ મેલી દેશે.” પછી સ્વામી ગયા પછી તે છોકરો દેહ મેલી ગયો. ॥૭૩૩॥
અને ગામ ભોળાદમાં સ્વામી પધાર્યા હતા અને ત્યાં ગામના પટેલે એક હરિજન બ્રાહ્મણ કથા કરતા હતા, તેને કહ્યું જે, “જો તારે કથા કરવી હોય તો કંઠી તોડી નાંખ્ય.” ત્યારે બ્રાહ્મણ કહે, “કંઠી તો મારા માથા સાટે છે.” ત્યારે પટેલ કહે, “તો અમારે તારી પાસે કથા કરાવવી નથી.” એમ કહીને રજા દીધી. પછી તે વાત કોઈક હરિજને ગોપાળાનંદ સ્વામીને કહી. તે વખતે તે ગામનો પટેલ પણ સ્વામી પાસે બેઠો હતો. પછી સ્વામીએ કહ્યું જે, “પટેલ! તમે વ્યાસજીનું અપમાન કેમ કર્યું? કથા કરનાર વ્યાસજી કહેવાય! માટે તમે બ્રાહ્મણનું અપમાન નથી કર્યું પણ વ્યાસજીનું અપમાન કર્યું છે! માટે તમને એક જમ તેડવા આવશે.” ત્યારે પટેલ કહે, “એક જમને તો હું મારી નાખીશ.” ત્યારે સ્વામી કહે, “બે જમ આવશે.” પટેલ કહે, “એકને હું મારીશ અને એકને મારો ભાઈ મારશે.” ત્યારે સ્વામી કહે, “ચાર આવશે, ચાર!” ત્યારે પટેલ કહે, “બેને હું મારીશ. અને બેને મારો ભાઈ મારશે.” પછી સ્વામી કહે, “જા, આઠ જમ તેડવા આવશે.” પછી થોડા દિવસ થયા કેડે તેનું ભવિષ્ય આવીને ઊભું રહ્યું. તે વખતે ગામના બૈરાં તલાવે પાણી ભરતાં હતાં. તેણે છેટેથી જમને ભાળ્યા એટલે તેમને માથેથી પાણીનાં બેડાં પડી ગયાં અને સૌ ચીસો પાડવા લાગ્યાં અને સૌને મૂર્છા આવી ગઈ. પછી તે યમદૂતે રજપુતને ઘરે જઈને કહ્યું જે, “અમે આવ્યા છીએ. તારે મારવા હોય તો માર્ય.” પછી યમના દૂત તેને એક ગાઉ સુધી તેની સ્થૂળ દેહ સોતો ઢસડી ગયા. તે આખા ગામના માણસે ભાળ્યો અને પછી સીમાડે તેના દેહને પડતું મેલીને પછી જમપુરીમાં લઈ ગયા. એમ મોટાના અપમાનથી જીવને નર્કમાં જવું પડે છે. ॥૭૩૪॥
અને એક સમે સ્વામી ગામ વારણે પધાર્યા હતા. ને ત્યાંના હરિજનો સૌ સ્વામીને દર્શને આવ્યા. તે ભેળો એક પ્રશ્નોરો બ્રાહ્મણ મોઢે મોહરીયું બાંધીને દર્શને આવ્યો હતો. તેને સ્વામીએ પૂછ્યું જે, “મોહરીયું કેમ વાળ્યું છે? ડાઢ બાઢ દુઃખે છે કે શું?” ત્યારે બ્રાહ્મણ કહે, “ના, સ્વામી! એક છોકરું છે. તેને હું બક્કી લેવા ગયો એટલે તેણે ઘોડીયામાં સુતાં સુતાં ઠોંટ મારી તેથી મોઢું સુજી ગયું છે.” પછી સ્વામી તેને ઘરે પધાર્યા. ત્યાં ઢોલિયા ઉપર સ્વામીને પધરાવ્યા પછી છોકરાને જોઈને સ્વામી બોલ્યા જે, “આ તો ઓલ્યો ધુંધળી મલ્લ છે. પાપી ડટણ સૌ પટણ કર્યું તે તું અહીયાં હરિભક્તને ઘરે ક્યાંથી આવ્યો? ચાલ્યો જા અહીંથી.” એમ સ્વામીએ કહ્યું પછી સ્વામી પાદર ગયા. ત્યાં પછવાડેથી એ છોકરો દેહ મેલી ગયો. ॥૭૩૫॥
અને ગામ માણસાના નરસીરામભાઈ અમદાવાદમાં હેમાભાઈ હઠીભાઈને ત્યાં મુનીમ હતા. તેઓ વરતાલમાં લક્ષ્મીનારાયણ દેવના દર્શન માટે ગયા. પછી પોતે વિચાર કર્યો જે, “આંહી મને કોઈ ઓળખશે નહીં.” પછી ત્રણ ચાર સારાં કપડાં પહેર્યાં અને માથે સારી અમદાવાદી પાઘડી બાંધી અને પોતાની સાથે બે માણસ લીધાં. તેમને બે સાકરના તાંસ ભરીને આપ્યા. પછી સભામાં આવીને દંડવત કરીને પગે લાગ્યા. અને સાકર ભરેલો તાસ એક રઘુવીરજી મહારાજની ગાદી ઉપર મેલ્યો અને એક તાસમાંથી મોટા પડીયા ભરીને મોટા સદ્ગુરુઓ આગળ મેલ્યા. તેમાં પહેલો પડીયો ગોપાળાનંદ સ્વામી પાસે જઈને મેલ્યો. પછી સ્વામીએ નરસીરામભાઈને જોઈને કહ્યું જે, “કોણ એ નરસીરામ કે? પાનનો દીકરો!” સ્વામી કહે, “જ્યારે હું ઘરેથી ચાલ્યો ત્યારે તારે ઘરે રાત રહ્યો હતો અને તારી માએ મને ખીચડી અને કઢી કરીને જમાડ્યાં હતાં. માટે તું તો મારો ભાણેજ કહેવાય.” ત્યારે નરસીરામભાઈએ વિચાર કર્યો જે, “અહો! આ તો સ્વામી મારી માને સોત ઓળખે છે! અને મેં તો જાણ્યું જે મને કોણ ઓળખશે?” પછી સ્વામી કહે કે, “આપણે આસને આવજે.” પછી સાકરનાં પડા સૌ સદ્ગુરુઓને વહેંચી આપ્યા. ને પછી લક્ષ્મીનારાયણ દેવની આરતી થઈ. ત્યાં સૌ દર્શને ગયા અને પછી બધા સંતના દર્શન કરીને નરસીરામભાઈ ગોપાળાનંદ સ્વામીને આસને ગયા. ત્યાં દંડવત કરીને પગે લાગીને પાસે બેઠા. પછી સ્વામીએ બધાય સમાચાર પૂછ્યા અને કહ્યું જે, “નરસીરામ! તારા લગ્ન કર્યા છે કે શું જે આ બધાં સારાં લુગડાં પહેર્યાં છે તથા દાગીના પહેર્યા છે?” નરસીરામભાઈ કહે, “ના, સ્વામી!” ત્યારે સ્વામી કહે, “આ સીનાળવેડા શા માટે કર્યા છે?” એટલે તરત ત્યાંથી ઉઠીને પોતાને ઉતારે ગયા અને પોતાની વસ્ત્ર અલંકારાદિક સર્વે ઉતારી નાંખીને સાદા વસ્ત્ર પહેર્યા અને માથે એક નાનો ફેંટો બાંધ્યો અને પછી ગોપાળાનંદ સ્વામી પાસે આવીને બેઠા ત્યારે સ્વામીએ કહ્યું જે, “આમ કેમ કર્યું?” ત્યારે નરસીરામભાઈએ બે હાથ જોડીને કહ્યું જે, “સ્વામી! આપની કૃપા.” સ્વામી કહે, “જા, તને કોઈ દોષ નહીં પરાભવ કરે!” તે સાંભળીને નરસીરામભાઈના અંતઃકરણમાંથી દોષ માત્ર ટળી ગયા અને શુદ્ધ અંતઃકરણ થઈ ગયું! અને પોતાના ગામમાં મંદિર કરાવ્યું અને પોતાનું સર્વસ્વ દેવને અર્પણ કર્યું ને પોતે એકાંતિકપણાને પામીને અક્ષરધામમાં ગયા. એમ મોટાની દયાથી જીવ નિર્દોષ થાય છે. ॥૭૩૬॥
એક વખત ગોપાળાનંદ સ્વામી વડતાલમાં હતા અને અક્ષરાનંદ સ્વામી મંદિરના મહંત હતા અને રઘુવીરજી મહારાજને કોઈ કામ પ્રસંગ આવેલ. તેથી તેમણે અક્ષરાનંદ સ્વામીને બોલાવીને કહ્યું જે, “અમારે એક સગરામ જોઈએ છીએ.” ત્યારે અક્ષરાનંદ સ્વામી બોલ્યા જે, “હમણાં બળદ નવરા નથી.” એમ જવાબ દઈને પોતાને આસને ગયા. પછી રઘુવીરજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને વાત કરી જે, “સ્વામી, આવી રીતે વાત થઈ છે.” તે વખતે ગોપાળાનંદ સ્વામીને જુનાગઢ જવું હતું. પછી સ્વામીએ અક્ષરાનંદ સ્વામીને કહ્યું જે, “તમે મારી સાથે જુનાગઢ ચાલો.” ત્યારે અક્ષરાનંદ સ્વામી કહે કે, “મારે મંદિરનું કામ છે તેથી ઘડીની નવરાશ નથી.” સ્વામી કહે કે, “મંદિરનું કામ એક માસ સુધી બીજાને સોંપીને મારી સાથે ચાલો. તમારે આવ્યા વગર છુટકો નથી.” ને અક્ષરાનંદ સ્વામીના મનમાં એવું હતું જે, “આ મંદિરનો ધણીરણી હું છું અને આચાર્ય તે તો મારી આગળ શું ગણતીમાં? મને તો શ્રીજીમહારાજે મહંતાઈ આપી છે.” એમ પોતાના મનમાં અભિમાન હતું. પછી ગોપાળાનંદ સ્વામી પોતાની સાથે જુનાગઢ તેડી ગયા. પછી સ્વામીએ ત્યાગીના ધર્મની વાતો કરી ને અક્ષરાનંદ સ્વામીના મનમાં જે મોહ હતો તે સર્વે ટાળી નાંખ્યો અને પરમ એકાંતિક કર્યા અને પોતાનાં મનમાં એમ થયું જે, “આપણે તો શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું તે જ આપણો ધર્મ છે અને આ બધો વહેવાર તો આચાર્યનો ગણાય પણ આપણે તો આચાર્ય જેટલી આજ્ઞા કરે તેમ વર્તવું તે જ આપણો ધર્મ છે તેટલી જ ક્રિયા કરાય.” અને તમામ જાતનો મોહ પોતાના અંતઃકરણમાંથી નિવૃત્તિ પામી ગયો. પછી ગામ પોલારપરને પાદર મુકામ કર્યો ત્યાં સવારમાં પૂજા કરીને ગોપાળાનંદ સ્વામીને દર્શને ગયા અને સ્વામીને દંડવત કરીને પગે લાગીને કહ્યું જે, “સ્વામી! હું આજ સત્સંગી થયો. કેમ કે તમે જો ન મળ્યા હોત તો કસર માત્ર રહી જાત.” એમ કહીને સ્વામીને પગે લાગ્યા માટે સમજણ વિના મોહ ટળે નહીં. ॥૭૩૭॥
અને વડતાલમાં ચૈતન્યાનંદ સ્વામીના શિષ્ય બાળમુકુંદાનંદ સ્વામી હતા. તે પોતે નિરંતર ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા જતા. પછી એક વખત ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું જે, “તું રાત્રે હમેશાં કેમ મોડો આવે છે? અને ક્યાં જાય છે?” ત્યારે બાળમુકુંદાનંદ સ્વામી કહે કે, “સ્વામી! હું તો ગોપાળાનંદ સ્વામીને આસને વાતો સાંભળવા જાઉં છું.” ત્યારે ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા જે, “વળી ત્યાં કેવી વાતો થાય છે?” ત્યારે બાલમુકુંદાનંદ સ્વામી કહે, “ત્યાં તો મોટા મોટા સદ્ગુરુ વાતો સાંભળવા આવે છે.” ત્યારે બાળમુકુંદાનંદ સ્વામી કહે કે, “સ્વામી! તમે પણ જો એક વખત ગોપાળાનંદ સ્વામીની વાત સાંભળો, તો તમને પણ નિરંતર ત્યાં આવવાનું મન થાય.” ચૈતન્યાનંદ સ્વામી કહે કે, “મારાથી ત્યાં અવાય નહીં.” એમ કરતાં કરતાં કેટલાક દિવસ થયા પછી બાળમુકુંદાનંદ સ્વામીને કહે કે, “ચાલો! આજ તો હું પણ સ્વામીની વાતો સાંભળવા આવું. જોઈએ સ્વામી કેવીક વાતો કરે છે.” પછી બાળમુકુંદાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી પાસે અગાઉથી એક માણસ મોકલીને કહેવરાવ્યું જે, “ચૈતન્યાનંદ સ્વામી તમારે આસને વાતો સાંભળવા આવે છે.” સ્વામીએ તરત મોટો ગાદી તકીયો નખાવી તૈયાર કર્યો અને ચૈતન્યાનંદ સ્વામી આવ્યા ત્યારે સ્વામીએ તેને ગાદી તકીયે બેસાર્યા અને પછી પુરૂષોત્તમપણાની કેટલીક વાતો કરી તથા અવતાર-અવતારીના ભેદની કેટલીક વાતો કરીને તે સાંભળીને ચૈતન્યાનંદ સ્વામી તો મનમાં ઘણાક પ્રસન્ન થયા અને પછી પોતાને આસને આવ્યા અને બાળમુકુંદાનંદ સ્વામીને કહ્યું જે, “હું હવે નિરંતર સ્વામીની વાતો સાંભળવા આવીશ.” અને કેટલીક વાતનો પ્રસંગ આવે ત્યારે ગોપાળાનંદ સ્વામી સંસ્કૃત પુસ્તક લઈને ચૈતન્યાનંદ સ્વામીને પુછવા જતા જે, “આ શ્રીજીમહારાજે શું કહ્યું છે? માટે આપના મુખથી સમજાવો.” પછી કેટલાક દિવસ કેડે ચૈતન્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને હાથ જોડીને કહ્યું કે, “તમે મને મળ્યા ન હોત, તો મારે સમજણમાં ઘણી કસર રહી જાત.” કેમ કે પોતાનાં મનમાં એમ હતું જે મને શ્રીજીમહારાજે તમામ આજ્ઞા આપી છે. તો હવે મારે શું કરવાનું બાકી છે? એમ પોતાને અભિમાન હતું. તે ગોપાળાનંદ સ્વામીના સમાગમથી ટળી ગયું અને પોતે પરમ સાધુતા ગ્રહણ કરી અને પોતાને સુવાનો ઢોલિયો તથા નોખી રસોઈ કરવી વગેરે બધાનો ત્યાગ કરીને, સૌની સાથે પથારી કરીને પંક્તિમાં જમવું એવી રીતે કર્યું. તે ગોપાળાનંદ સ્વામીના પ્રતાપથી થયું. ॥૭૩૮॥
અમદાવાદમાં સર્વનિવાસાનંદ સ્વામી હતા. તેમને પચાસ સાધુ ભેગા રહેતા અને દશ પાળા પોતે ફરવા જતા ત્યારે સાથે ચાલતા તથા સીગરામ વિગેરે વાહન પોતાને સ્વાધીન હતાં. તો પણ પોતાના મનમાં એક દિવસ એમ વિચાર થયો જે, “જ્યાં સુધી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો નથી, ત્યાં સુધી આપણી કસર ટળશે નહીં.” એમ વિચાર કરીને એક વખત અયોધ્યાપ્રસાદજી મહારાજ પાસે હાથ જોડીને બોલ્યા જે, “મારે વરતાલ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા જવું છે.” ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, “સ્વામી! તમારામાં શું ન્યૂનતા છે તે ત્યાં જવું?” પછી સર્વનિવાસાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! જ્યાં સુધી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ નથી કર્યો ત્યાં સુધી શ્રીજીમહારાજની ઉપાસના તથા સત્સંગની પ્રથા તથા દૃઢતા થાય નહીં માટે હું આપને વિનંતિ કરીને કહું છું કે, મને સમાગમ કરવા જવાની રજા આપો.” પછી પોતાની પાસે સાઠ જોડ્ય ચરણારવિંદ હતાં તથા શ્રીજીની કેટલીક પ્રસાદીની ચીજો હતી. તે બધું અયોધ્યાપ્રસાદજી મહારાજને અર્પણ કર્યું. પછી અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, “સ્વામી! તમારે જવું હોય તો ભલે પધારો હું રાજી છું. પણ આ તમારી પૂજા તમારા સેવકોને જેમ ઘટે તેમ વહેંચી આપો.” પછી સ્વામીએ પોતાના સેવકોને યોગ્યતા પ્રમાણે પૂજા વહેંચી આપી. અને બાકીની જે પૂજા રહી તે અયોધ્યાપ્રસાદજી મહારાજને કૃષ્ણાર્પણ કરી અને પોતે એક સેવકને સાથે લઈને વડતાલ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા ગયા. એવી રીતે મોટા હોય તે મોટાનો મહિમા સમજે જેમ હીરે કરીને જ હીરાની પરીક્ષા થાય તેમ મોટા હોય તે જ મોટાની મોટપ જાણે. ॥૭૩૯॥
એક વખત ગોપાળાનંદ સ્વામી સારંગપુર પધાર્યા હતા. અને ત્યાંના રાઠોડ ધાધલ કરી કાઠી હતા. તેમને એક વીસ વરસનો દીકરો હતો પણ વ્યવહાર સંબંધી તે છોકરો કાંઈ કામ કરે નહીં અને રાઠોડ ધાંધલ પણ વૃદ્ધ થયા હતા. તેને એક ગાય દુઝણી હતી તે ગાયના વાછડાને છોડી મેલે ને પોતે છેટે જઈને ઉભો રહે ને એમ બોલે જે, “કોકની ગાયને વાછડો ધાવે છે.” એમ કહીને છેટે ઉભો રહે પછી રાઠોડ ધાધલ ધીરે ધીરે જઈને વાછડાને ખીલે બાંધે એમ કેટલીક વખત કરે અને ઘરમાં રંજાડ પણ કેટલીક કરે. પછી રાઠોડ ધાંધલ કાયર થઈ ગયા. એવા સમામાં ગોપાળાનંદ સ્વામી ત્યાં પધાર્યા પછી રાઠોડ ધાધલે સ્વામીની પ્રાર્થના કરીને એમ કહ્યું કે, “સ્વામી! આ છોકરો વીસ વરસનો થયો છે પણ ઘરનું કાંઈ કામકાજ કરતો નથી.” સ્વામીએ કહ્યું કે, “તેને મારી પાસે લાવો.” પછી તે છોકરાને સ્વામી પાસે લાવ્યા ત્યારે છોકરા સામે જોઈને રાઠોડ ધાધલને કહ્યું જે, “આ તો પૂર્વનો તમારો સાથી હતો તેને તમોએ પગાર આપેલો નથી. તેથી તે પગાર લેવા આવ્યો છે. તે પગાર પુરો થઈ રહ્યો છે અને થોડા દિવસ કેડે ગુજરી જશે.” તેથી તે પ્રમાણે થોડા દિવસ કેડે તે છોકરો દેહ મેલી ગયો. ॥૭૪૦॥
એક સમે સ્વામી સારંગપુર પધાર્યા હતા અને વાઘાખાચરે સ્વામીની બહુ પ્રાર્થના કરી જે, “સ્વામી! અમે વહેવારે બહુ દુર્બળ છીએ અને પ્રસાદીનું ગામ જાણીને દેશી પરદેશી સંત તથા હરિજન બહુ દર્શને આવે છે. તેમને સીધું આપવા માટે ઘણીક અગવડતા પડે છે. માટે કૃપા કરીને અમને સુખીયા કરો તો સારું.” સ્વામી કહે કે, “લ્યો! તમને એક ભાઈ કરી આપું એટલે તમારે કશી વાતની અગવડતા નહીં રહે.” એમ કહીને સ્વામીએ બોટાદના કડીયા કાનાને બોલાવીને કહ્યું જે, “તું એક હનુમાનજી ઘડી આપ્ય.” ત્યારે કડીયે કહ્યું જે, “સ્વામી! મને ચીતરતાં આવડતું નથી.” પછી સ્વામી કહે, “લાવ્ય, હું ચીતરી આપું.” પછી સ્વામીએ હનુમાનજીની પ્રતિમા ચીતરી આપી. પછી કડીયે પ્રતિમા તૈયાર કરી ત્યારે સ્વામીએ પધરાવવા માટે સર્વે સામાન તૈયાર કરાવ્યો અને વેદોક્ત વિધિથી પોતાને હાથે જ હનુમાનજીની પ્રતિષ્ઠા કરાવી અને જે વખતે હનુમાનજી પધરાવતા હતા, તે વખતે સ્વામી પોતાની જેષ્ઠિકાનો ટેકો પોતાની દાઢી સાથે દઈને દૃષ્ટિ માંડી તેથી હનુમાનજીની પ્રતિમા થર થર ધ્રુજવા લાગી અને સ્વામીને એવો સંકલ્પ હતો જે, “મૂર્તિમાન હનુમાનજી કામ કરવા પધારે એટલું ઐશ્વર્ય મેલવું.” તે વખતે ગામ ધોલેરાના પુંજાભાઈ ગરાસીયા તથા ગામ બોટાદના શેઠ ભગા વિગેરે હરિજન પાસે ઉભા હતા. તે સૌએ મળીને સ્વામીની પ્રાર્થના કરી જે, “સ્વામી! હનુમાનજીમાં એટલું ઐશ્વર્ય મેલશો તો ગઢપુર ગોપીનાથજી મહારાજ પાસે કોણ જાશે? અને ધોલેરે મદનમોહનજી મહારાજ પાસે કોણ જાશે?” પછી સ્વામીએ પોતાની વૃત્તિ ખેંચી લીધી અને પછી શુકમુનિ પાસે હનુમાનજીની આરતી ઉતરાવી અને કેટલું ઐશ્વર્ય હનુમાનજીમાં ગોપાળાનંદ સ્વામીએ મૂક્યું તે આજ સૌને પ્રત્યક્ષ જણાય છે! અને જેના પધરાવેલા દેવમાં આટલો પ્રતાપ છે તો તે પધરાવનાર પુરુષમાં કેટલો પ્રતાપ હશે? અને જે વખતે હનુમાનજીને પધરાવ્યા તે વખતે ગોવિંદાનંદ સ્વામી સ્નાન કરવા ગયા હતા. તે આવ્યા ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, “હનુમાનજીનાં દર્શન કરી આવો.” પછી હનુમાનજીને પગે લાગવા ગયા. તે બેસીને પગે લાગ્યા. ત્યારે હનુમાનજીએ ગોવિંદાનંદ સ્વામીના હાથ ઝાલ્યા અને કહ્યું જે, “તમારે મને બેસીને પગે ન લાગવું. કેમ કે તમે ગોપાળાનંદ સ્વામીના સેવક છો અને હું પણ ગોપાળાનંદ સ્વામીનો સેવક છું માટે આપણે બન્ને ગુરુભાઈ કહેવાઈએ!” એ પ્રમાણે હનુમાનજીએ પ્રત્યક્ષપણે ગોવિંદ સ્વામી સાથે વાત કરી અને પછી ગોપાળાનંદ સ્વામીએ વાઘાખાચરને કહ્યું જે, “તમારે હનુમાનજીની માનતા કરાવવી.” ॥૭૪૧॥
પછી વાઘાખાચર બધા માણસો પાસે માનતા કરાવવા લાગ્યા. તેમાં ધજા અને નાળીયેર એ બે વાનાં આવતાં તે નાળીયેર ફોડીને છોકરાં શેશુ ખાઈ જાય અને ધજાઓ ભેગી થાય. તેની પોટલી બાંધે પછી વાઘાખાચર વરતાલ ગોપાળાનંદ સ્વામી પાસે ગયા અને સ્વામીને સભામાં કહ્યું જે, “સ્વામી! તમોએ હનુમાનજી તે પધરાવ્યા પણ નાળીયેરના કાચલાનો મોટો ગંજ થયો છે અને ધજાઓ ભેળી થઈ છે. પછી સ્વામી કહે કે, “હવે તમારે પૈસાની માનતા કરાવવી અને હજુ હનુમાનજી નાનાં છે તે મોટા થશે ત્યારે બહુ પ્રતાપી થશે?” એમ વાઘાખાચરને સ્વામીએ બધી વાત કરી. ॥૭૪૨॥
જે વખતે સારંગપુરમાં હનુમાનજીની પ્રતિષ્ઠા કરી તે વખતે ગોપાળાનંદ સ્વામીને બોટાદના હરિજનોએ કહ્યું જે, “અમારૂં ગામ પણ પ્રસાદીનું છે માટે અમને કાંઈક આલંબનકારી આપો.” પછી સૌ હરિજનના આગ્રહથી સ્વામી બોટાદ પધાર્યા અને સ્વામીએ કહ્યું જે, “તમને શ્રીજીમહારાજના ચરણારવિંદ પધરાવી આપું. તે હનુમાનજી કરતાં વિશેષ કામ કરશે.” પછી ગોપાળાનંદ સ્વામીએ બોટાદના મંદિરમાં ઓટો કરીને ચરણારવિંદ પધરાવી આપ્યાં અને સૌ કોઈ માનતા કરતા તેનું કામ સિદ્ધ થઈ જતું. પછી કેટલાક વરસ થયા પછી સૌ હરિજનોએ મળીને વિચાર કર્યો જે, “આ ચરણારવિંદ સિંહાસનમાં પધરાવ્યા હોય તો ઠીક.” પછી ત્યાંથી ઉત્થાપન કરીને સિંહાસનમાં પધરાવ્યાં એટલે તેમનો ચમત્કાર બંધ થઈ ગયો. હાલમાં તે જ ઠેકાણે પધરાવ્યા છે. ॥૭૪૩॥
એક વખત રઘુવીરજી મહારાજ તથા ગોપાળાનંદ સ્વામી વિગેરે સદ્ગુરુ ગામ મહુવેથી ચાલ્યા તે ગામ માઢયે આવ્યા ને ત્યાં મુકામ કર્યો અને પટવા કરીને પાસે એક ગામ છે ત્યાં બ્રાહ્મણ રહેતો. તે વૈદ હતો ને સત્સંગનો બહુ જ દ્વેષી હતો ને માઢીયા તથા પઢીયારકાના હરિજનોને બહુ હેરાન કરતો હતો. તે હરિજનો દુર્બળ સ્થિતિના હતા. તેથી તે બ્રાહ્મણને કાંઈ કહી શકતા નહીં. પછી સૌ હરિજનોએ સ્વામીની પ્રાર્થના કરી જે, “સ્વામી! આ પટવા ગામમાં એક બ્રાહ્મણ વૈદ છે. તે સત્સંગનો બહુ જ દ્વેષી છે. અને અમને સૌને બહુ હેરાન કરે છે માટે તેને કાંઈક ચમત્કાર બતાવો તો અમને સુખ આવે, નહીં તો અમને હેરાન કર્યા કરશે.” પછી સ્વામી કહે, “બહુ સારુ. તેને જઈને કહો જે ગોપાળાનંદ સ્વામી માંદા છે. તેની નાડી જોવા બોલાવે છે.” પછી એક હરિજને જઈને તેને કહ્યું કે, “અમારા એક સાધુ માંદા છે. તેની નાડી જોવાને માટે તમે આવો.” ત્યારે તે વૈદે કહ્યું જે, “અમુક ફી હોય તો આવું.” ત્યારે હરિજન કહે, “તમે રાજી થશો તે આપશું.” પછી તે ઘોડે બેસીને પોતાની વૈદકની પેટી સાથે લઈને જ્યાં આચાર્ય મહારાજનો મુકામ હતો ત્યાં આવ્યો. પછી તેને ગોપાળાનંદ સ્વામી પાસે લઈ ગયા. એટલે સ્વામીએ કહ્યું જે, “વૈદરાજ! મારે શરીરે બહુ કસર રહ્યા કરે છે. માટે મારી નાડી જુઓ શું રોગ છે?” પછી વૈદે સ્વામીનો હાથ ઝાલીને નાડી પરીક્ષા કરી પણ ક્યાંઈ નાડી હાથમાં આવી નહીં. પછી આખા શરીરમાં જે જે નાડીનાં સ્થાનકો હતા તે તમામ ઠેકાણે તપાસ કરીને જોયું પણ નાડી ક્યાંઈ હાથમાં આવી નહીં. પછી તે બ્રાહ્મણ બોલ્યો જે, “મહારાજ! તમારા શરીરમાં નાડી જણાતી નથી. અને તમો મારી સાથે વાતચીત કરો છો માટે આપ તો કોઈ મહાત્મા પુરુષ છો એમ જણાય છે. મેં તમારા સત્સંગીઓનો ઘણો ઘણો દ્વેષ કર્યો છે તે હું આજથી તમારી પાસે માફી માગું છું. અને મને તમારો કરીને જાણજ્યો.” એમ ગોપાળાનંદ સ્વામીએ તેને ચમત્કાર જણાવીને આશ્રિત કર્યો. ॥૭૧૪॥
અને ગામ સુંદરીયાણામાં હેમરાજ શેઠ કરીને વણિક રહેતા હતા. તે વૈષ્ણવધર્મમાં આગેવાન હતા અને પોતાની નાતમાં પણ આગેવાન ગણાતા હતા. તેમને પૂર્વના સંસ્કારોએ કરીને ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો અને પોતે રાજવૈદ હતા. પછી એક વખત ગોપાળાનંદ સ્વામી ગઢપુરથી વડતાલ પધારતા હતા. તે વચમાં સુંદરીયાણે મુકામ કર્યો તે વખતે ગામનાં હરિજનો તથા હેમરાજશાના બે પુત્રો, નામે પુંજાશા તથા બનાશા; તે સૌ સ્વામીને દર્શને આવ્યા. પછી પુંજા શેઠને સ્વામીએ કહ્યું જે, “મને જીરણ તાવ રહ્યા કરે છે માટે તમારા પિતાશ્રી વૈદકમાં બહુ વખણાય છે. માટે તેમને મારી નાડી જોવા બોલાવો.” પછી પુંજો શેઠ ઘરે ગયા અને પોતાના પિતાને કહ્યું જે, “બાપા! સ્વામિનારાયણના સાધુને તાવ આવે છે તે તેમની નાડી જોવા માટે તમને બોલાવે છે.” પછી હેમરાજ શેઠ તેમના દીકરાની સાથે મંદિરમાં આવ્યા. તેમને સ્વામીએ આદર સત્કાર કરીને બેસાર્યા. પછી સ્વામીએ હેમરાજશાને કહ્યું જે, “શેઠ! જુઓને મને જીર્ણ તાવ આવ્યા કરે છે તે મારી નાડી જુઓ.” શેઠે સ્વામીનો હાથ પોતાના હાથમાં લઈને નાડી જોઈ પણ હાથમાં નાડી ક્યાંઈ ચાલતી જણાતી નથી. તે જોઈને પછી આખા શરીરમાં નાડીનાં જ્યાં જ્યાં સ્થાનક હતાં ત્યાં ત્યાં નાડીનો બધે તપાસ કર્યો પણ નાડી ક્યાંઈ હાથ આવી નહીં અને સ્વામી તો શેઠ સાથે વાતો કરતા હતા. પછી શેઠે વિચાર કર્યો જે, “આ મહાત્મા સાધુએ નાડી જોવા માટે મને બોલાવેલ નથી અને આ તો કોઈક મોટા યોગેશ્વર છે કેમ કે નાડી છાંડ્યા પછી મનુષ્યની શરીરની સ્થિતિ શીતળ થઈ જાય. આ તો જેમ સાજું માણસ સાવચેતીથી વાતો કરે તેમ મારી સાથે વાતચીત કરે છે માટે આ મહાત્મા પુરુષ મારે માટે જ એટલે મને દર્શન દેવાને અર્થે પધાર્યા છે અને મને ભવસાગરમાંથી તારવાને માટે આવ્યા હોય ને શું?” એમ પોતાના મન સાથે વિચાર કરીને સ્વામીની ઘણી ઘણી વંદના કરીને બોલ્યા જે, “સ્વામી! તમોએ મને નાડી જોવા માટે બોલાવેલ નથી પણ આપનું ઐશ્વર્ય જોવા બોલાવેલ છે માટે તમારો આશ્રિત કરો.” એમ કહીને સ્વામીને હાથે વર્તમાન ધારીને આખું કુટુંબ શ્રીજીને શરણે થયું અને શ્રીજીના તેઓ અનન્ય એકાંતિક ભક્ત થયા અને નાત તથા કુટુંબનો ત્યાગ કરીને પોતાના શિરને સાટે સત્સંગ રાખ્યો. તે હજી સુધી તેમના વંશજો નાત કુટુંબનો ત્યાગ કરીને સત્સંગમાં દૃઢપણે રહેલ છે. એવી રીતે સ્વામીની કૃપાથી સત્સંગમાં સુખીયા રહેલા છે. ॥૭૪૫॥
શ્રીજીમહારાજને દેહ મુકવા આડા બે ત્રણ દિવસ રહ્યા હતા ત્યારે પોતે રાત્રીએ બોલ્યા જે, “મારી પાસે કોણ કોણ છે?” ત્યારે શુકમુનિ કહે, “રતનજી બાપુ તથા મુળજી બ્રહ્મચારી અને હું એ ત્રણ જણ છીએ.” ત્યારે મહારાજે શુકમુનિને કહ્યું જે, “મુક્તાનંદ સ્વામીને બોલાવી લાવો. બીજા કોઈને સાથે આવવા દેશો નહીં.” પછી શુકમુનિ મુક્તાનંદ સ્વામીને મહારાજ પાસે બોલાવીને લાવ્યા અને તેઓ મહારાજ પાસે આવીને બેઠા. પછી મહારાજ કહે, “અમે કહીએ તેમ કરશો?” ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, “હા, મહારાજ! જેમ તમે કહેશો તેમ કરીશ અને જેની આજ્ઞામાં રાખશો તેમની આજ્ઞામાં રહેશું.” પછી મહારાજ કહે કે, “ઝાલો મારા પગ.” પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજના ચરણારવિંદ ઝાલ્યાં. પછી મહારાજ કહે, “હાથી તો નાંગળ્યા.” પછી મહારાજે શુકમુનીને પૂછ્યું, “હું કહું તેમ કરશો?” પછી શુકમુનિ કાંઈ બોલ્યા નહીં. પછી મહારાજે તેમને બે ત્રણ વાર પૂછ્યું. ત્યારે શુકમુનિ કહે, “હા.” પછી મહારાજ કહે કે, “ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં સૌ રહેજો.” ત્યારે શુકમુનિ કહે કે, “મહારાજ! મેં પ્રથમ આવું જાણ્યું નહોતું અને હું તો ગોપાળાનંદ સ્વામીનો જ સાધુ છું!” પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, “ગોપાળાનંદ સ્વામી બહુ જ મોટા સાધુ છે અને મૂળ અક્ષર છે! અને અક્ષરધામમાં તેઓ સર્વેને ધરી રહ્યા છે અને એક રુપે પુરુષોત્તમનો મહિમા સર્વેને કહે છે અને એક રુપે પુરુષોતમ નારાયણની સેવામાં રહ્યા છે અને એક રુપે અહીંયાં આવ્યા છે.” ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! આ તો બહુ મોટા! અને તમોએ આટલા દિવસ સુધી અમોને કેમ વાત કરી નહીં?” ત્યારે મહારાજ કહે, “કેટલાક જુના જુનાને ઠીક ન પડે તે સારું ન કહ્યું. પણ તે તો બહુ મોટા છે.” ॥૭૪૬॥
એક સમે રઘુવીરજી મહારાજ તથા ગોપાળાનંદ સ્વામી વિગેરે સદ્ગુરુઓ સુરત પધાર્યા હતા. ત્યાં સંત તથા હરિજનો રાત્રે પોતા પાસે બેઠા હતા. તે સમે શ્રીજીમહારાજ એક હરિજનને તેડવા માટે પધાર્યા ત્યારે તે હરિજન બોલ્યો જે, “મહારાજ! મારાં છોકરાં નાનાં છે. તે હમણાં નહીં આવું.” ત્યારે મહારાજે કહ્યું જે, “તારી આયુષ્ય થઈ રહી છે. તે માટે તને તેડી જવો છે.” પછી તેને કોઈકે કહ્યું જે, “છોકરાની શી ચિંતા રાખે છે? મહારાજ સાથે ધામમાં જા.” પછી તે મહારાજ સાથે ધામમાં ગયો. તે વાત મંદિરમાં ગોપાળાનંદ સ્વામીએ કહી જે, “ઓલ્યા હરિભક્તને મહારાજ તેડવા આવ્યા છે ને તે જાતો નથી તેને મહારાજ પરાણે તેડી ગયા.” ॥૭૪૭॥
અને તે સમે રામજીભગત કરીને હરિભક્ત સ્વામી પાસે બેઠા હતા. તેણે સ્વામીને પૂછ્યું જે, “તમારી મોટપ કહો.” પછી સ્વામીએ વાત કરી જે, “અનંત કોટી બ્રહ્માંડના જીવને તેની ક્રિયા તથા તેનાં ફળ તેને હથેળીમાં જળનું ટીપું દેખે તેમ હું દેખું છું.” એવી રીતે કહી દેખાડ્યું. તે સાંભળી સૌ સંત તથા હરિજન બહુ જ આશ્ચર્ય પામ્યા. ॥૭૪૮॥
એક સમે રઘુવીરજી મહારાજ તથા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી સુરત પધાર્યા હતા. અને સુરતના અરદેશરજી પારસી નિત્ય સભામાં આવીને બેસતા ને રઘુવીરજી મહારાજને ઉભા ઉભા નમસ્કાર કરે અને ગોપાળાનંદ સ્વામીને દંડવત કરીને ચરણમાં જઈને પગે પડે. પછી એક દિવસે નિત્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને વાત કરી જે, “આ અરદેશરજીની ભુલ આજે ઓળખાવો તો સારું. કેમ કે રઘુવીરજી મહારાજને તેઓ ઉભા ઉભા પગે લાગે છે અને આપને પગમાં પડે છે માટે તે અયોગ્ય ગણાય.” પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે, “કાલે સવારમાં વાત.” પછી બીજે દિવસે સવારમાં કથાનો સમય થયો. તે વખતે અરદેશરજી સભામાં આવ્યા અને સૌને પગે લાગીને બેઠા. તે સમે ગોપાળાનંદ સ્વામીએ કેશવદાસજીને સમાધિ કરાવી. તે જોઈને અરદેશરજીને ઘણું જ આશ્ચર્ય લાગ્યું. પછી સ્વામીએ કહ્યું જે, “આ સાધુને ઉપાડીને અહીંથી લઈ જાઓ. કથામાં વિઘ્ન થાય છે.” પછી તેમને લઈ જઈને ઓરડામાં સુવાડ્યા અને બે ત્રણ દિવસ થયા તોપણ જાગ્યા નહીં. પછી અરદેશરજીએ સ્વામીની પ્રાર્થના કરી જે, “સ્વામી! કાં તો સાધુને જગાડો અગર તો અગ્નિસંસ્કાર કરાવો.” પછી સ્વામી કહે, “તેને સભામાં લાવો.” પછી ચાર જણા જઈને કેશવદાસજીને ઉપાડીને સભામાં લાવ્યા. તે સમે ગોપાળાનંદ સ્વામીએ બે ત્રણ વાર “કેશવદાસ, એ કેશવદાસ” એમ કહીને બોલાવ્યા પણ બોલ્યા નહીં. ત્યારે સ્વામી કહે, “તે તો આચાર્ય મહારાજનું કામ છે, આપણું કામ નહીં.” ત્યારે અરદેશરજી કહે, “સ્વામી! તમારાથી કોણ મોટું છે?” ત્યારે સ્વામી કહે, “શ્રીજીમહારાજે રઘુવીરજી મહારાજને પોતાની ગાદીએ બેસાર્યા છે પણ કાંઈ મને બેસાર્યો નથી.” એમ કહીને સ્વામીએ રઘુવીરજી મહારાજની પ્રાર્થના કરીને કહ્યું જે, “મહારાજ! આ સાધુ ત્રણ ત્રણ દિવસથી પડ્યા છે તેણે અન્ન તથા જળ કાંઈ પણ લીધું નથી અને દિશા તથા લઘુ પણ બંધ છે. માટે તમે કૃપા કરીને તેને જગાડો તો તે જાગે.” પછી રઘુવીરજી મહારાજે પાટ ઉપર બેઠા બેઠા ધીમે ધીમે ત્રણ વાર સાદ કર્યા જે, “કેશવદાસ, એ કેશવદાસ.” એમ ત્રણ વાર જ્યાં કહ્યું એટલે કેશવદાસ તરત ઉઠીને રઘુવીરજી મહારાજના ચરણમાં જઈને પગે લાગ્યા. તે વખતે ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “કેશવદાસ! શું દેખો છો?” કેશવદાસ કહે કે, “શ્રીજીમહારાજ રઘુવીરજી મહારાજને ખોળામાં લઈને બેઠા છે એમ હું દેખું છું.” તે સાંભળી અરદેશરજીએ પોતાની પાઘડી હાથમાં લઈને રઘુવીરજી મહારાજના ચરણમાં મૂકીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યાર પછી પોતે રઘુવીરજી મહારાજ પાસે બબે કલાક બેસવા મંડ્યા. એટલે રઘુવીરજી મહારાજનો મહિમા યથાર્થ સમજવા લાગ્યા. એમ ગોપાળાનંદ સ્વામીએ આરદેશરજીની ભૂલ ઓળખાવી. ॥૭૪૯॥
અને એક સમે ગોપાળાનંદ સ્વામીને વરતાલમાં મંદવાડ આવ્યો હતો. અને એકવીસ લાંઘણો થઈ હતી અને રઘુવીરજી મહારાજ સ્વામીને જોવા માટે ગયા અને સ્વામીએ ખાટલીને ઓશીકે ખુરશી નાંખી અપાવી. તે ઉપર બેઠા પછી પોતે બહુ જ દિલગીર થયા અને નેત્રમાંથી જળ વહેવા લાગ્યું. પછી સ્વામીને પગે લાગીને પોતાને આસને પધાર્યા. પછી શ્રીજીમહારાજે આવીને સ્વામીને કહ્યું જે, “તમોએ રામચંદ્રજીને કુરાજી કર્યા. માટે હાલ તમોને નહીં તેડી જઈએ અને જ્યારે રામચંદ્રજી રાજી થઈને કહેશે ત્યારે તેડી જાણું!” પછી સ્વામીએ જિષ્ણુદાસજીને કહ્યું જે, “સાકરની રાબ કરો પીવી છે.” કેમ કે શ્રીજીમહારાજનો ઠપકો મળ્યો પછી જિષ્ણુદાસજીએ રાબ કરી. તે સ્વામીએ પીધી ને સાજા થયા. ॥૭૫૦॥
એક સમે ગઢપુરમાં ગોપાળાનંદ સ્વામી વિરાજમાન હતા, અને બ્રહ્માનંદ સ્વામીના સેવકો સ્વામીને દર્શને આવ્યા. પછી તે સ્વામીને આસને દર્શને ગયા. પછી તે સંતોએ સ્વામીને કહ્યું જે, “સ્વામી! જો શ્રીજીમહારાજ આ પૃથ્વી ઉપર વધારે રહ્યા હોત તો ઘણાક જીવોને સમાસ થાત.” ત્યારે સ્વામી કહે, “એ તો શ્રીજીની જેમ ઇચ્છા.” પછી વળી કહ્યું જે, “મુક્તાનંદ સ્વામી રહ્યા હોત તો પણ ઘણાક જીવોને સમાસ થાત.” ત્યારે સ્વામી કહે, “જો મુક્તાનંદ સ્વામી રહ્યા હોત તો કોઈ બીજા મંદિરમાં રહેત નહીં અને સૌ સ્વામી પાસે સમાગમ કરવા આવત.” પછી સાધુએ કહ્યું જે, “જો બ્રહ્માનંદ સ્વામીને રાખ્યા હોત તો ઠીક.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “બ્રહ્માનંદ સ્વામી એક તરફી ખેંચવા લાગ્યા એટલે શ્રીજીમહારાજ તેમને ધામમાં તેડી ગયા.” તે સાંભળીને સાધુઓને ક્રોધ આવ્યો. અને સ્વામીને કહ્યું જે, “તમો શા કારણથી રહ્યા છો? તમે કેમ જાતા નથી?” ત્યારે સ્વામી કહે જે, “હું જે કારણથી રહ્યો છું તે આગળ ખબર પડશે. ” એમ સ્વામીએ ઉત્તર આપ્યો. માટે ગુરુનો પક્ષ લઈને મોટાનો અપરાધ થયા પછી સ્વામીએ દેવનો તથા આચાર્યનો વ્યવહાર જુદો પાડ્યો તથા સર્વોપરી સ્વામિનારાયણની નિષ્ઠા પ્રવર્તાવી. ॥૭૫૧॥
એક સમે કારીયાણીમાં વસ્તાખાચરનો હાથ પાક્યો હતો અને ગઢપુરથી નિત્યાનંદ સ્વામીને જોવા મોકલ્યા હતા. ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા અને પછી થોડાક દિવસ થયા કેડે શ્રીજીમહારાજ પંડે પધાર્યા અને વસ્તાખાચરે શ્રીજીમહારાજની પ્રાર્થના કરીને કહ્યું જે, “મહારાજ! તમોએ નિત્યાનંદ સ્વામીને આગળથી મોકલ્યા તે બહુ સારું કર્યું અને પછી તરત ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા તે તો મારા ઉપર અત્યંત કૃપા કરી.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “વસ્તાખાચર! ગોપાળાનંદ સ્વામી તો બહુ જ મોટા સાધુ છે.” એમ કહીને બોલ્યા જે, “એક અષ્ટાંગયોગ શ્રીકૃષ્ણ ભગવાને સાધ્યો હતો અને એક અષ્ટાંગયોગ ગોપાળાનંદ સ્વામીએ સાધ્યો છે.” અને વળી કહ્યું જે, “તે તો બહુ જ મોટા છે!” ત્યારે વસ્તોખાચર બોલ્યા જે, “મહારાજ! તમે કેવા મોટા?” ત્યારે મહારાજ કહે કે, “હું તો સૌનો પ્રેરક, પ્રવર્તક અને નિયામક છું. વળી સર્વ અવતારોનો અવતારી છું.” એમ શ્રીજીમહારાજે વસ્તાખાચર આગળ વાત કરી હતી. ॥૭૫૨॥
વડોદરામાં દક્ષિણી બ્રાહ્મણ આપાશાસ્ત્રી હતા. તેમની પાસે ઘણાક વિદ્યાર્થી ભણતા હતા. તેમાં એક ત્રંબકનાથ નામે બ્રાહ્મણ વિદ્યાર્થીને વિદ્યા ઓછી આવડે તેથી કરીને તે શાસ્ત્રી તેનો બહુ તિરસ્કાર કર્યા કરતા. પછી તે ત્રંબકનાથ ઉદાસ થઈ ગયા અને સવારના પહોરમાં લક્ષ્મીનારાયણના મંદિરમાં આવ્યા. અને ત્યાં સભામાં બેઠા પછી તે સભામાં ગોપાળાનંદ સ્વામી બેઠા હતા અને જ્યારે દેવની આરતી થઈ રહી ત્યારે સ્વામીએ ત્રંબકનાથને પૂછ્યું જે, “કેમ સુખી છો ને?” ત્યારે તેણે કહ્યું જે, “મહારાજ! મને વિદ્યા આવડતી નથી તે મોટું દુઃખ છે.” ત્યારે સ્વામીએ કહ્યું કે, “તમને વિદ્યા આવડે તો બન્ને ગાદીવાળા આચાર્યનો પક્ષ રાખશો?” ત્યારે તે બ્રાહ્મણ બોલ્યા જે, “શ્લોક - ‘અખાતીહી તડાગે ચ’ ખોદ્યા વિનાનું તળાવ તેમાં મગરે પ્રવેશ કર્યો અને દીકરો જન્મ્યો નથી ને નામ પાડ્યું! તે ક્યાંથી બને?’” ત્યારે સ્વામી કહે, “તમારા વિદ્યા ગુરુ પાસે જાઓ અને ત્યાં જઈને કહો કે મારી પરીક્ષા લ્યો.” ત્યારે ગુરુએ જણાવ્યું જે, “આને કાંઈ આવડતું નથી. માટે કઠણમાં કઠણ શ્લોક પુછું.” પછી પાંચમી માઘકાવ્ય તેના વંદેરાના શ્લોક છે તેમાંથી એક શ્લોક પૂછ્યો. તેની અન્વય પદ કહીને તે શ્લોકના પાંચ અર્થ કરી આપ્યા. તે જોઈ શાસ્ત્રીએ પૂછ્યું જે, “તમને ગોપાળાનંદ સ્વામી મળ્યા કે શું?” ત્યારે ત્રંબકનાથ કહે, “હા.” ત્યારે શાસ્ત્રી બોલ્યા જે, “હવે તમે જગતજીવ પંડિત થઈ રહ્યા અને હવે તમે મારી પાસે ભણો છો તે કેવળ મને જશ દેવાને માટે. નહીં હવે તો ઉલટા મને ભણાવો તેવા વિદ્યાવાન થયા છો.” આનું નામ કૃપાસાધ્ય કહેવાય. ॥૭૫૩॥
વડોદરામાં દક્ષિણી બ્રાહ્મણ રાવસાહેબ હતા. તેને બ્રહ્મરાક્ષસ વળગ્યો હતો અને તે બ્રાહ્મણ કાશી વિગેરે સર્વે તીર્થમાં ફર્યો અને જે જે મહાન પુરુષો કહેવાય તેને પણ મળ્યો. તે પાછા વડોદરે પોતાને ઘરે આવ્યા ત્યારે ગાયકવાડ સરકારે કહ્યું જે, “તમે ગોપાળાનંદ સ્વામીને મળો, તો તે તમને તમારા દુઃખથી મુક્ત કરશે.” પછી તેઓ વડોદરામાં ગોપાળાનંદ સ્વામીને મળ્યા અને તેમને પોતાના દુઃખની વાત કરી જે, “મને બાર વરસથી નિંદ્રા આવતી નથી. તેમ ખાવાપીવાનું પણ સુખ નથી.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “આજે રાત્રે તમે જમીને સુઈ જાજ્યો. તો નિંદ્રા સારી આવશે અને મનુષ્યને કહેવું જે કોઈએ મને જગાડવો નહીં.” એમ કહીને તેઓ વાળું કરીને સુતા તે દિવસના આઠ વાગે ઉઠ્યા પછી નાહી ધોઈ પવિત્ર થઈને સ્વામીને દર્શને આવ્યા અને સ્વામીને પગે લાગીને કહ્યું જે, “સ્વામી! તમારા વચનથી આજ બાર વરસે સારી નિંદ્રા આવી અને સુખેથી વાળુ પણ કર્યું હતું. માટે હવે તમો બધા સંતને ઉત્તમ રસોઈ કરીને જમાડવા છે.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “તમો કંસારની એક રસોઈ આપો.” ત્યારે તેમણે કંસારની રસોઈ આપી. પછી સ્વામીએ તેમને કહ્યું કે, “આજ સાંજે પાંચ વાગે તમે સભામાં આવજો.” તે પ્રમાણે તેઓ સાંજે સભામાં આવ્યા. ને સિયાજીરાવ પણ તે સમયે ત્યાં દર્શને આવ્યા હતા અને સ્વામીની આગળ બેઠા. તે વખતે સ્વામીએ દક્ષિણી બ્રાહ્મણને કહ્યું જે, “તમે તમારી દૃષ્ટિ મારી દૃષ્ટિ સાથે મેળવો.” ત્યારે તેણે સ્વામીની દૃષ્ટિ સાથે પોતાની દૃષ્ટિ મેળવી. પછી સ્વામી બોલ્યા જે, “બ્રહ્મરાક્ષસ ઘણો જ હઠીલો છે.” એમ કહીને સ્વામીએ એક દૃષ્ટિ કરીને તેના સામું જોયું. ત્યાં તો તે બ્રહ્મરાક્ષસે એકદમ કાળી ચીસ નાંખી અને ભાગ્યો અને બ્રાહ્મણના કાનમાંથી તથા આંખમાંથી તથા નાક વિગેરેમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. તે સભામાં સર્વેએ જોયું. પછી બ્રહ્મરાક્ષસ નાઠો તે એક વૃક્ષની ડાળ ભાંગી ગઈ. તે જોઈને સૌ આશ્ચર્ય પામ્યા. પછી તે દક્ષિણી બ્રાહ્મણ ત્યાં લક્ષ્મીનારાયણદેવની પ્રતિમા છે. તેને દર્શને ગયા અને નારાયણની પ્રતિમાના હાથમાં એક હાર પહેરાવ્યો હતો અને બીજો હાર લક્ષ્મીજીના હાથમાં ધરાવ્યો હતો. પછી સ્વામીએ કહ્યું જે, “જાઓ લક્ષ્મીનારાયણદેવને પગે લાગો.” પછી ઉઠીને દેવે પગે લાગ્યો. અને નારાયણની મૂર્તિના હાથમાં જે હાર હતો તે નારાયણે તે બ્રાહ્મણને પહેરાવ્યો એટલે પછી દેવને પગે લાગીને સ્વામી પાસે આવીને બેઠા. ॥૭૫૪॥
પછી સ્વામીએ સિયાજીરાવને કહ્યું જે, “તમે દેવને પગે લાગવા જાઓ.” ત્યારે તેઓ પણ ઉભા થઈને દેવને પગે લાગવા ગયા ત્યારે લક્ષ્મીજીના હાથમાં જે હાર હતો તે લક્ષ્મીજીએ સિયાજીરાવને પહેરાવ્યો એટલે તેઓ પણ ત્યાંથી પાછા આવીને સ્વામી પાસે બેઠા. ત્યારે સ્વામી બોલ્યા જે, “લક્ષ્મીજીએ હાર આપ્યો?” ત્યારે સિયાજીરાવે કહ્યું જે, “હા.” ત્યારે સ્વામી કહે, “આવા દેવ ક્યાંઈ છે?” ત્યારે સિયાજીરાવ બોલ્યા, “વડોદરામાં કે મારા રાજ્યમાં કે બીજે કોઈ ઠેકાણે આવા દેવ દીઠા નથી!” ત્યારે સ્વામીએ કહ્યું જે, “તેવા દેવની સેવા કાયમ થાય તેવો ઉપાય તમે કરો.” ત્યારે સિયાજીરાવે કહ્યું જે, “બાર મહીને છસો રૂપિયાની સેવા હું કરીશ.” તે સાંભળીને સ્વામી રાજી થયા. પછી મહીરાવભાઈએ મરકન દેશમાંથી આરસ મંગાવીને સારા કારીગર પાસે ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ કરાવવી એવો ઠરાવ કર્યો. પછી તેવું સાંભળીને સ્વામીએ ના કહી જે, “મારી મૂર્તિ હોય નહીં.” એમ કહીને કરાવવાની ના પાડી. ॥૭૫૫॥
એક સમે મેઘપુરનો બ્રાહ્મણ શુકદેવજી જુનાગઢ મંદિરમાં ગોપાળાનંદ સ્વામીના દર્શને ગયો. ત્યાં સ્વામીએ તેને પૂછ્યું જે, “આખાના નરશી દવે શું કરે છે?” ત્યારે શુકદેવ કહે, “તે તો માંદા છે.” ત્યારે સ્વામી કહે, “આ ફૂલનો હાર નરશી દવેને પહેરાવજો. તેઓ આ હાર પહેરશે તે ઘડીયે શ્રીજીમહારાજ વિમાન લઈને તેડવા આવશે અને તરત ધામમાં જાશે.” તે શુકદેવ બ્રાહ્મણ વિમુખ જેવો હતો તે પરચો જોઈને સત્સંગી થયો. ॥૭૫૬॥
એક સમે ગોપાળાનંદ સ્વામી પીપલાણેથી આખે જાતા ને ભેગા નરશી દવે તથા તેનો દીકરો મકન તથા કાનજી તથા આખાના બીજા બ્રાહ્મણો મકન તથા કાનજીની સાથે હતા. તે નદીને કાંઠે વાઢ આવ્યો ત્યારે નરશી દવેએ કહ્યું જે, “સ્વામી! પાણી વિના આ વાઢ સુકાય છે. તે જો સારો વરસાદ થાય તો ઠીક.” ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે કે, “મહારાજને પ્રતાપે થાય તો ખરો.” પછી નરશી દવે બોલ્યા જે, “તમે કૃપા કરો તો થાય અને મારો વાઢ સારો થાય અને ગોળ સારો પાકે તો અમે કરજમાંથી નીકળી જઈએ.” પછી ગોપાળાનંદ સ્વામીએ ધ્યાન કરીને વાદળ સામું જોયું. ત્યાં તો એક વાદળીમાંથી ગાજ્યો અને વિજળી થઈ અને વાઢના ક્યારા ભરાઈને છલકાઈ ગયા અને નદીમાં બે કાંઠામાં પૂર આવ્યું એવો વરસાદ વરસ્યો; એવો ગોપાળાનંદ સ્વામીએ પરચો આપ્યો. ॥૭૫૭॥
એક સમે ગોપાળાનંદ સ્વામી ગોંડળ પધાર્યા હતા અને હરિજન સૌ સ્વામીને દર્શને આવ્યા. તે ભેળો એક લુવાર પોતાના દીકરાને તેડીને દર્શને આવ્યો હતો. તે હરિભગતે સ્વામીને વાત કરી જે, “સ્વામી! આ છોકરો તેની માને ધાવતો નથી.” પછી સ્વામીએ તેની સામી દૃષ્ટિ માંડીને જોયું અને બોલ્યા જે, “આ તો તારો બાપ છે. તે તારે વિષે હેત હતું. તે તારો દીકરો થયો છે અને તેને મૃત્યુ વખતે એવો સંકલ્પ રહેલો જે દીકરાની વહુએ મારી બહુ ચાકરી કરી, પણ તેને દીકરો નથી. તે સંકલ્પથી તારો દીકરો થયો છે તે શેનો ધાવશે?” એમ સ્વામીએ કહ્યું અને થોડાક દિવસ પછી તે છોકરો દેહ મેલી ગયો. ॥૭૫૮॥
એક વખત સ્વામી ભરૂચનું મંદિર કરવા પધાર્યા હતા અને વૈશાખ સુદ ૧૪ નૃસિંહ ચતુર્દશી હતી. તે દિવસે મંદીરનો આરંભ કરવા માંડ્યો ને પછી રામજી ભગતે ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે, “સ્વામી! જો થોડોક વરસાદ થાય તો આપણા કુવામાં પાણી થાય અને કારખાનાનું કામ ચાલે.” ત્યારે સ્વામી કહે કે, “રામજી, વરસાદ જો થાય તો મંદિરના તાક ફાટી જાય.” ત્યારે રામજી ભગત કહે, “સ્વામી! જો થોડોક વરસાદ થાય તો તો ન ફાટે.” પછી સ્વામીએ ધ્યાન કરીને વૃત્તિ અંતરમાં પાછી વાળી ગયા અને એક પહોર સુધી રહ્યા. ત્યાં સુધી વરસાદ વરસ્યો અને ઈંદ્રાધાર પાણી પડવા લાગ્યું. તે જોઈને સંતે આકળા થઈને સ્વામીને કહ્યું કે, “હે સ્વામી! મંદિરના ઘુમટને વિઘ્ન થાશે.” એમ સંતે કહ્યું ત્યારે રામજી ભગત કહે, “સ્વામી! હવે ઘણો વરસાદ થયો. અને કુવામાં પાણી પણ ઘણું થયું.” ત્યારે સ્વામી કહે કે, “બંધ રાખો.” એટલે વરસાદ રહી ગયો. ॥૭૫૯॥
સ્વામી ભરુચથી ચાલ્યા અને વરસાદને કહ્યું કે, ઠહવે, અમારા ઉપર વરસજે.” ત્યારે મેઘ વરસવા મંડ્યો અને અંકલેશ્વર જઈને રાત રહ્યા. ત્યાં એક વાણિયો સાધુને રસોઈ દેવા આવ્યો અને કહ્યું જે, “મારે તમને જમાડવા છે.” ત્યારે સ્વામી કહે, “અમારે સુરત જવાની ઉતાવળ છે. તે રોકાશું નહીં અને તમારે તાણ હોય તો દાળીયા લાવો.” ત્યારે તે વાણિયો દાળીયા લાવ્યો ને સ્વામી આગળ મેલ્યા. પછી સ્વામીએ સૌને એકેક શેર દાળિયા પોતાને હાથે આપ્યા અને સવારે ત્યાંથી ચાલી નીસર્યા. તે સુરતના માર્ગમાં એક તળાવડી આવી તેમાં નાહ્યા ને દાળીયા મહારાજને ધરીને સૌ જમ્યા. પછી એ સર્વે સંતને સ્વામીએ એમ કહ્યું જે, “સહુ એમ કહો જે આ વાણિયાનું કલ્યાણ થાશે અને સાત ગાઉ ચાલશું.” ત્યાં સુધી વરસાદ વરસશે. શા માટે જે આપણે ભરુચમાં વદાડ કર્યો છે. જે અમે ચાલીએ ત્યારે વરસજે, તે માટે સર્વે પુસ્તક વિગેરેને મિણીયાં બાંધીને ચાલજો.” એમ કહીને ત્યાંથી ચાલ્યા અને વરસાદ વરસવા માંડ્યો અને તે સાત ગાઉ સુધી વરસ્યો પછી રહી ગયો અને સુરતમાં પધાર્યા તે રાત્રે બેઠા હતા ત્યાં રામજીભગત આવ્યા. તેને સ્વામી કહે, “બેસો, એક વાત કહેવી છે.” ત્યારે રામજીભગત કહે, “કહો, સ્વામી!” ત્યારે સ્વામી બોલ્યા જે, “આ ગામના હરિભગત વાણિયાનો કાકો છે તેને મહારાજ અને સંત તેડવા આવ્યા છે. તેમને વાણીયો કહે કે, ‘મારે મારા દીકરાને પરણાવવો છે, તે હમણાં નહીં આવું.’ પણ મહારાજ પરાણે તેડી જાશે તેથી હમણાં પોકરાણ પડશે.” એમ બોલ્યા એટલે થોડીક વારમાં પોકરાણ પડ્યું. ॥૭૬૦॥
એક વખત સ્વામી સંતની સભા કરીને ગઢપુરમાં બેઠા હતા. તે સમે સ્વામીએ સૌ સંતોનો અભિપ્રાય જાણવા માટે વાત કરી જે, “આપણે સૌ શ્રીજીમહારાજના એકાંતિક ભક્ત છીએ અને કોઈને ફરી જન્મ લેવાની ઇચ્છા તો નથી પણ શ્રીજીમહારાજ આપણને આજ્ઞા કરે તો કેવે ઠેકાણે જન્મ લેવો? તે સૌ નિષ્કપટ ભાવથી કહેજો.” પછી સૌ સંતે પોતપોતાની સમજણ પ્રમાણે કહ્યું. તેનું કારણ જે મોટે ઠેકાણે જન્મ લઈને સૌને સ્વામિનારાયણનું ભજન કરાવવું. (કેટલાકે રજવાડામાં જન્મ લેવાનું કહ્યું. કેટલાકે શેઠ શાહુકારને ત્યાં જન્મ લેવાનું કહ્યું) એ અભિપ્રાયથી સૌએ કહ્યું. પછી સ્વામી કહે કે, “જ્યારે તમે રજવાડામાં જન્મ લ્યો અગર શેઠ શાહુકારને ત્યાં જન્મ લ્યો ત્યારે આવી સ્થિતિ રહે નહીં!” અને વળી સ્વામીએ કહ્યું જે, “મને શ્રીજીમહારાજ આજ્ઞા કરે નહીં ને કદાપિ જો આજ્ઞા કરે કે તમે જન્મ લ્યો તો સારો સત્સંગી ગરીબ બ્રાહ્મણ હોય ને કન્યા ન મળે તે ઘરે જન્મ લઉં અને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને પાછો અક્ષરધામમાં જાઉં.” ॥૭૬૧॥
ગઢપુરમાં અક્ષરઓરડીમાં શ્રીજીમહારાજે વાત કરી જે, “ભગવાનના ભક્તને ધ્યાન કરવું તથા માનસી પૂજા કરવી તથા ભજન કરવું તથા સર્વ ક્રિયા કરવી તથા સર્વકાળમાં નિરંતર પોતાને આત્મસત્તારૂપ અને બ્રહ્મરુપ માનવું અને અક્ષર સંઘાથે પોતાને એકતા કરીને તેજ પુંજને વિષે શ્રીપુરુષોત્તમ શ્રીજીમહારાજની મૂર્તિ ધાર્યા કરવી અને એનું અનુસંધાન કર્યા કરવું પણ આ વાત ભુલવી નહીં અને સત્તારુપ અને નિરવયવ અને અલીંગ પોતાનું સ્વરુપ માનીને તેમાં ભગવાનની મૂર્તિ ધારીને ભજ્યા કરવું.” અને પછી ગોપાળાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, “હે, મહારાજ! તમારી મૂર્તિ ભુલી જવાશે તો?” ત્યારે શ્રીજીમહારાજના નેત્ર સજળ થયાં અને ગદગદ કંઠે થઈને એમ બોલ્યા જે, “એવી રીતે ભગવાનની મૂર્તિમાં જોડાય તો ભગવાનની મૂર્તિને ભુલી જશે? નહીં જ ભૂલાય.” એમ મહારાજના વચનને સાંભળીને સ્વામી કહે કે, “એ વચન મારા અંતઃકરણમાં ખુંચી રહ્યું છે. અને સદાય એમ જ વરતાય છે અને વચનામૃતનો પૂર્વાપર અભિપ્રાય જોતાં તો ઠેકઠેકાણે એ જ સિદ્ધાંત છે અને સત્સંગિજીવનમાં પણ મહારાજનો એ જ મત પડ્યો છે.” ॥૭૬૨॥
વરતાલમાં જ્યારે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર થાતું હતું, ત્યારે કસીયાજી નામે અમીન પાટીદાર પેટલાદના હતા અને તે ગાયકવાડ સરકારના મહાલ ઈજારે રાખતા હતા. અને કોઈને ગાંઠે એવા નહોતા. તેઓ એવા સત્તાવાન પુરુષ હતા. પણ દ્વેષ બુદ્ધિને લીધે તેને સ્વામિનારાયણનું આવું મોટું મંદિર થાય તે રુચતું નહોતું. તેથી તે અનેક ઉપાધિઓ તથા અંતરાયો કરાવ્યા કરતા હતા. પછી એક વખત તેમનું કોઈક માણસ વરતાલે સભામાં આવેલા. તેને કસીયાજીભાઈના ખબર પૂછીને શ્રીહરિ એમ બોલ્યા, “જે હિંદુનું મંદિર જોઈને રાજી ન થાય તે હિંદુ ન કહેવાય.” આ વાત તેણે કસીયાજીની આગળ કરી જે સ્વામિનારાયણે આમ કહ્યું તેથી તેને વિશેષ દ્વેષ થયો. પછી તેણે પ્રત્યક્ષપણે વિરોધ કરવા માંડ્યો અને મંદિરના સર્વે સામાનનાં દાણ લેવાનું ઠરાવ્યું તથા બીજી પણ ઘણીક અડચણો નાંખવા માંડી આ હરકતો દૂર કરવાની જરૂર પડી એટલે કસીયાજીભાઈ પાસે કોઈને મેલવાની શ્રીહરિએ ઇચ્છા જણાવી. પછી સૌનો મત એવો થયો જે, “ત્યાં ગોપાળાનંદ સ્વામીને મોકલવા.” પછી શ્રીહરિએ ગોપાળાનંદ સ્વામીને તથા દાદાખાચરને ત્યાં મોકલવાની આજ્ઞા કરી. તેથી તે બન્ને જણા પેટલાદ ગયા અને ઉતારો કરીને કસીયાજીભાઈ પાસે ગયા અને પહેલેથી ખબર કઢાવી. તે પછી સ્વામી તેની કચેરીમાં પેઠા અને કચેરીમાં ચારે તરફ ગાદી તકીયાનો ઠાઠ ખુબ હતો. સ્વામી કસીયાજી તરફ ચાલ્યા. કસીયાજીભાઈની નજર સ્વામી તરફ ઠરી રહી હતી, પણ સ્વામી સીધા ચાલતા જઈને તેમની બાજુની ગાદી ઉપર બેઠા અને સ્વામીની અલૌકિક પ્રતિભા જોઈને કસીયાજીભાઈ સ્તબ્ધ બની ગયા. તેમની અંતર વૃત્તિઓ સંકેલાઈને જેમ સિંહને ભાળીને શિયાળ દબાઈ જાય તેમ દબાઈ ગયા. અને તેમની સાથે મીરસાહેબ બેઠા હતા તે તરફ ચાલ્યા. કસીયાજીની નજર સ્વામી તરફ ઠરી રહી હતી. પણ સ્વામી સીધા ચાલતા જોઈ કસીયાજી તથા મીરસાહેબની સ્થિતિ સ્તબ્ધ થઈ ગઈ. પછી થોડી વારે મીરસાહેબે સ્વામીને વિનયથી આગમનનું કારણ પૂછ્યું. ત્યારે સ્વામીએ ઉત્તર આપતાં જણાવ્યું જે, “અમારા મંદિરના સામાનનું દાણ માફી કરાવવા આવ્યા છીએ.” આ સાંભળીને કસીયાજીભાઈએ અણગમતો જવાબ આપ્યો અને કહ્યું જે, “અમે કેટલુંક દાણ માફી કરીયે?” સ્વામી કહે, “મંદિર થાય ત્યાં સુધી.” તે સાંભળી કસીયાજીભાઈ તેનો ઉત્તર આપવાની હિંમત કરી શક્યા નહીં. ત્યારે કસીયાજી કહે, “તમે સાંજે આવજો.” સ્વામી કહે કે, “અમે સાંજે નહીં આવીયે. તમે સાંજે પોઢી જાઓ એટલે અમારે ફોગટ આંટો થાય. વળી કોઈ સ્ત્રી અડી જાય તો અમારે ઉપવાસ પડે.” એમ સ્વામી આકરા થઈને બોલ્યા એટલે કસીયાજી કાંઈ બોલી શક્યા નહીં ઢીલા પડી ગયા. પછી મીરસાહેબે સલાહ આપી એટલે તુરત દાણ માફીનો પાકો દસ્તાવેજ કરી આપ્યો. તે લઈને સ્વામી વરતાલ પધાર્યા. ॥૭૬૩॥
એક વખત કસીયાજીભાઈએ વરતાલ મંદિરમાંથી એક મોટો આરસનો પથ્થર મોકલવાનો હુકમ લખી મોકલ્યો. તે લેવા માટે ગાડું મોકલ્યું. દેવની સંસ્થા ઉપર એવો અવિચારી રાજસી હુકમ વાંચી આચાર્ય શ્રીરઘુવીરજી મહારાજ વિગેરે સૌ નાખુશ થયા છતાં મોટા માણસનું અપમાન ન કરવા ખાતર દેવના મંદિરમાંથી એક પથ્થર કાઢી આપ્યો. આ વાત ગોપાળાનંદ સ્વામીએ જાણી એટલે સ્વામીનું અંતર બહુ જ કચવાણું અને તે સમયથી પેટલાદમાં કસીયાજીભાઈના શરીરે અકસ્માત એટલો દાહ થવા માંડ્યો કે તેથી તે બહુ જ ગભરાયા. એણે ઘણા ઘણા શીત ઉપચાર કર્યા પણ દાહ શમ્યો નહીં. પછી કોઈકે શંકા કરી જે, “તમે વરતાલથી દેવનો પથ્થર હુકમ કરીને લાવ્યા છો તેથી કોઈ મોટા પુરુષ નારાજ થયા હોયને શું?” તે સાંભળીને કસીયાજીભાઈને આ શંકા સાચી જણાણી. કેમ કે તેઓ જાણતા હતા જે, “સ્વામિનારાયણના શિષ્યો સત્પુરુષો છે અને તેઓ કચવાય તો બન્ન લોક બગાડે.” એમ જાણી તેમણે મંગાવેલ આરસનો પથ્થર ગાડે ચડાવીને પાછો વરતાલ મોકલ્યો. વરતાલમાં કસીયાજીભાઈના માણસોએ આવીને બનેલી બધી વાત જણાવી. પછી તેને સૌએ ગોપાળાનંદ સ્વામી પાસે જવાનું કહ્યું એટલે તે માણસે સ્વામી પાસે આવીને નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી અને સ્વામીને કહ્યું જે, “અમે તમારો લઈ ગયેલો પથ્થર પાછો લાવ્યા છીએ.” એટલે સ્વામીએ આજ્ઞા કરી જે, “તમે જે ઠેકાણેથી પથ્થર લીધેલ હતો તે ઠેકાણે પાછો મૂકી આવો.” પછી તે માણસે તે પ્રમાણે આરસનો પથ્થર મૂક્યો અને સ્વામીની પ્રાર્થના કરીને પછી ચાલતો થયો અને તે જ દિવસથી કસીયાજીના શરીરના દાહની પીડા મટી ગઈ. ॥૭૬૪॥
એક વખત સ્વામી સારંગપુરથી ચાલ્યા અને રસ્તે આવતાં વરસાદ બહુ થયેલો. જેથી કીચડ બહુ હતો. સંત સર્વે ગાડેથી નીચે ઉતરી ચાલતા થયા. અરે! સ્વામી પણ ગાડામાંથી નીચે ઉતરી પગપાળા ચાલ્યા. ચાલતાં ચાલતાં સ્વામી ગઢપુર પધાર્યા અને પોતાનું શરીર બહુ જ કોમળ. તેથી પરિશ્રમ ઘણો જ પડ્યો. પછી સ્વામી રાત્રે આસને સુતા. તે વખતે એક સંત સ્વામીની સેવા કરવા મંડ્યા. સ્વામીને બહુ જ પરિશ્રમ પડેલો. તેથી નિંદ્રાવશ થઈ ગયા અને સંત તો એમ ને એમ સ્વામીનું શરીર દાબતા જ રહ્યા. સંતના મનમાં એમ વિચાર થયો જે, “જો હું સ્વામીનું શરીર દાબતો રહી જઈશ તો સ્વામી જાગી જશે.” એમ જાણીને આખી રાત દાબ્યા કર્યું અને રાત્રીના ચાર વાગ્યે સ્વામી જાગૃત થયા અને જોયું તો સંતને સેવા કરતા જોયા. પછી સ્વામી બોલ્યા જે, “મહાપુરૂષ! ફરી આવ્યા કે શું?” સંત કહે, “ના, મહારાજ! હું તો રાત્રીનો જ આપની સેવામાં હાજર રહેલો છું. કેમ કે તમારું શરીર કોમળ અને વૃદ્ધ છે. તેથી ઘણો પરિશ્રમ પડ્યો છે એમ જાણીને હું આખી રાત આપની સેવામાં રહ્યો છું.” તે સાંભળી સ્વામી બહુ રાજી થયા અને સંતને કહ્યું જે, “મહાપુરુષ! તમારી જે ઇચ્છા હોય તે મારી પાસેથી વર માંગો.” સંત પણ બહુ મુમુક્ષુ હતા તેણે જાણ્યું જે, “સ્વામી જેવા મારા ઉપર પ્રસન્ન થયા માટે મારા દોષ ટળે તે જ માગવું.” એમ જાણીને સંતે સ્વામીને કહ્યું જે, “સ્વામી! મારે સ્વપ્નનો ઉપવાસ વારંવાર પડે છે. માટે મારી ઉપર કૃપા કરો કે એ દોષ ટળી જાય.” સ્વામીએ રાજી થઈને કહ્યું કે, “જાઓ, મહાપુરુષ! હવેથી તમને એ દોષ નડી શકશે નહીં.” એમ સ્વામીએ રાજી થઈને તે સંતને વર આપ્યો. ॥૭૬૫॥
સ્વામી જુનાગઢ પધાર્યા હતા અને ત્યાં એક બ્રહ્મજ્ઞાની સ્વામી પાસે બેસવા આવ્યો હતો. તેને સ્વામીએ કેટલીક વાતો કરી. ત્યારે તે બોલ્યો જે, “હું તો બ્રહ્મ છું.” સ્વામી કહે, “ભાઈ! બ્રહ્મ થાવું ઘણું કઠણ છે. એકે ઇન્દ્રિયનો વહેવાર જ્યારે ન થાય ત્યારે તે બ્રહ્મપણાને પામે પણ જ્યાં સુધી અહંભાવ છે ત્યાં સુધી બ્રહ્મ થવાય નહીં.” એમ ઘણું સમજાવ્યો પણ તે બ્રાહ્મણ માન્યો નહીં. તે વખતે સ્વામી સાથે ગઢપુરના હરજી ઠક્કર બેઠા હતા. તેણે તે બ્રાહ્મણને કહ્યું જે, “હું સાચો બ્રહ્મ છું અને જો તું સાચો બ્રહ્મ હો તો મને તારા મોઢામાં થુંકવા દે નહીં. તો તું બ્રહ્મ ખોટો.” પછી તે બ્રહ્મજ્ઞાની ઉઠીને ભાગી ગયો અને હરજી ઠક્કરે તેને જીત્યો તે જોઈને સ્વામી બહુ જ રાજી થયા. ॥૭૬૬॥