સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામીની વાતો

એક સમે મહારાજે મુક્તાનંદ સ્વામીને અમદાવાદ જવાની આજ્ઞા કરી. ત્યારે સ્વામી બોલ્યા જે, “મહારાજ! અમો પ્રથમ ત્યાં દશ સાધુ ગયા હતા ત્યારે ઝોળીનું પુરું થતું નહોતું.” ત્યારે મહારાજ કહે કે, “પચાસ સાધુ જાઓ.” સ્વામી કહે કે, “દશનું પુરું નહોતું થાતું.” મહારાજ કહે, “સો સાધુ જાઓ.” પછી વળી મહારાજ બોલ્યા જે, “બસો સાધુ જાઓ અને દરીયાખાનના ઘુમટમાં ઉતરજો.” પછી મહારાજની આજ્ઞા લઈને પચાસ સાધુ લઈને સ્વામી અમદાવાદ ગયા અને શહેરમાં ભિક્ષાવૃત્તિ કરી આવતા અને ત્યાં શ્રીજીમહારાજનું ભજન કરતા અને કેટલાક વિદ્યાભ્યાસ પણ કરતા. તે વખતે શહેરમાં એક મોટો શેઠીયો લુવાણો દેહ મૂકી ગયો હતો. તેને અગ્નિસંસ્કાર કરવા માટે ત્યાં સૌ આવ્યા હતા. તેમાં કેટલાક તો સાધુ પાસે બેસવા આવ્યા અને બ્રહ્મજ્ઞાનની વાતો કરવા મંડ્યા. ત્યારે સાધુએ કહ્યું જે, “બ્રહ્મ થાવું તો બહુ કઠણ છે!” ત્યારે સૌએ કહ્યું જે, “અમે બ્રહ્મ છીએ.” પછી તેમણે કોઈ વાતે માન્યુ નહીં. ત્યારે તે સમયમાં ત્યાં એક આંબલીમાંથી મોટો સર્પ નીચે પડ્યો. તે સર્પને જોઈને તે બધા બ્રહ્મજ્ઞાની ચાલી નીસર્યા અને સંત તો સૌ ધ્યાનમાં બેઠા હતા. પછી તે સર્પ તે સંતની સભામાં કેટલાકના પગ ઉપર થઈને કેટલાકના ખંભા ઉપર થઈને ચાલ્યો પણ સંત તો એમ ને એમ સ્થિર બેસી રહ્યા. તે જોઈ સૌ લોક આશ્ચર્ય પામ્યા અને સર્પ પણ અદૃશ્ય થઈ ગયો. પછી સૌ લોક આવીને સંતના પગમાં પડ્યા જે, “મહારાજ! સાચા બ્રહ્મ તો તમે જ છો. ને અમે તો બ્રહ્મ કોદાળ છીએ. માટે આજથી અમારી સૌની રસોઈઓ લ્યો. અને અમારું કલ્યાણ કરો.” પછી એમ એક માસ સુધી પાકી રસોઈયું ચાલીયું. એમ શ્રીજીમહારાજે સંતની રક્ષા કરી. ॥૭૬૭॥

અમદાવાદમાં મુક્તાનંદ સ્વામી પાસે ત્યાંના શાસ્ત્રી બેસવા આવ્યા હતા. તેમણે સ્વામીને પૂછ્યું જે, “સ્વામી! તમે ગીતા ભાગવતની વાતો કરો છો ને અમે પણ ગીતા ભાગવતની વાતો કરીએ છીએ. તેમાં તમારી વાતે કરીને કેટલાક જીવોનો મોક્ષ થાય છે અને અમારી વાતે કરીને કોઈ જીવનો ઉદ્ધાર થતો નથી. તેનું કારણ શું?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “તમને ખોટું ન લાગે તો કહું.” ત્યારે શાસ્ત્રી બોલ્યા જે, “ના, મહારાજ! જેમ હોય તેમ કહો.” પછી સ્વામી કહે, “તમે જે વાત કરો છો તે તમારા હૃદયમાં માયાના વિકારો ભરેલા છે અને તેમાંથી જે શબ્દ નીકળે છે તે જેમ શેકેલ અનાજ હોય તેવા નીકળે છે. કેમ કે શેકેલ અનાજ વાવીયે તો ઉગે નહીં. તેમ તમારી વાત તેવી છે માટે કોઈને લાગે નહીં. વળી તમારે સ્વાર્થ બુદ્ધિ છે અને અમે જે વાત કહીએ તે અમારા હૃદયમાં ભગવાનની મૂર્તિ ધારીયે અને સામાના હૃદયમાં ભગવાનની મૂર્તિ ધારીયે અને પછી વાત કરીયે એટલે તેના હૃદયમાં પ્રવેશ કરે. જેમ ઉનાળાના તાપે કરીને તપેલો પ્રાણી હોય અને તે ગંગાજીના ધરામાં જઈને પડે અને જેમ શાંતિ પામે તેમ જ અમારા મુખમાંથી નીકળેલા જે શબ્દ તેણ કરીને તેના ત્રિવિધિનાં તાપ નાશ પામે છે.” પછી સૌ શાસ્ત્રી હાથ જોડીને પગે લાગીને સ્વામીને તેની હા પાડી જે, “સ્વામી! તમે યથાર્થ ઉત્તર કર્યો.” ॥૭૬૮॥

એક સમે વડોદરાના રામચંદ્ર વૈદ ડાકોરનાથજી ગયા હતા અને તેઓ ડાકોરનાથના મુખ્ય ભક્ત હતા અને પોતાને એવો સંકલ્પ થયો, “મારૂં કલ્યાણ થાશે કે નહીં થાય? તેની પરીક્ષા મારે ડાકોરનાથજી પાસેથી કરવી.” પછી તેઓ ડાકોરનાથજીના દેરા ઉપર જઈને રાત્રે બેઠા અને એવો સંકલ્પ કર્યો જે, “જો મને ડાકોરનાથ મૂર્તિમાન આવીને કહે જે તારું કલ્યાણ થાશે કે નહીં થાય ત્યાર પછી અન્ન જળ લેવું.” પછી રાત્રે ડાકોરનાથ આવીને વિપ્રનું સ્વરૂપ ધારણ કરીને રામચંદ્ર વેદ પાસે આવ્યા અને બોલ્યા જે, “તારા જીવનો મોક્ષ કરવો હોય તો અમદાવામાં સ્વામિનારાયણના સાધુ મુક્તાનંદ કરીને છે. તેમને જઈને મળો તો તે તારૂં કલ્યાણ કરશે.” પછી વૈદે કહ્યું કે, “તમે કોણ છો?” ત્યારે ડાકોરનાથ કહે કે, “હું ડાકોરનાથ પંડ્યે છું!” ત્યારે વૈદે કહ્યું કે, “તેની મને શી રીતે પરીક્ષા થાય?” ત્યારે ડાકોરનાથ બોલ્યા જે, “આ મૂર્તિમાં હું પ્રવેશ કરૂં, તો તારે જાણવું જે ડાકોરનાથ છે અને બીજી નિશાની એ જે આવતી કાલે દિવસના બાર વાગ્યે મારી પછવાડે પૂજારી જે કામ કરે છે તે તમારા દેખવામાં આવશે તો જાણજો જે ડાકોરનાથ કહી ગયા છે.” પછી પોતે બીજે દિવસે બાર વાગ્યે મંદિરમાં છાનામાના રહ્યા અને પછી પૂજારીઓને વ્યભિચાર કરતા જોયા. પછી પૂજારીની બદલી કરીને બીજા સારા પૂજારી રાખ્યા અને પોતાની સાથે પોતાનાં ઘરવાળાં હતાં તેને કહ્યું જે, “મારે અમદાવાદ કામ પ્રસંગને લીધે જવાનું છે માટે તમે સૌ ઘરે જાઓ.” એમ કહીને તેમને વડોદરે મોકલ્યા અને પોતે એકલા અમદાવાદ આવ્યા. ત્યાં હેમાભાઈ હઠીભાઈને ઘરે ઉતારો કર્યો. પછી તેમણે ઘણો જ આદર સત્કાર કરીને રાખ્યા. પછી તેમને વૈદરાજે પૂછ્યું જે, “અહીંયાં સ્વામિનારાયણના સાધુ મુક્તાનંદ સ્વામી કરીને છે?” ત્યારે કહે, “હા, અહીંયાં ભિક્ષા કરવા માટે આવે છે અને આ નવા વાસમાં ઉતરેલા છે.” પછી વૈદે કહ્યું જે, “મારે તેમનાં દર્શન કરવાની જરૂર છે.” પછી પોતાની સાથે બે ચાર માણસો લઈને પોતે ગાડીમાં બેસીને સ્વામીને દર્શને ગયા. સ્વામીએ વૈદને આવતા ભાળીને સૌ સંતને કહ્યું જે, “વૈદરાજને અને દિવાનને સ્નેહ છે. માટે તે જો મહારાજના સમાચાર પૂછે તો તમે સૌ ઉત્તર આપજો. કેમ કે દિવાનજી મહારાજનો દ્રોહી છે. માટે વૈદરાજને કદાચ તેણે મોકલ્યા હોય.” પછી વૈદ આવીને સ્વામીને પગે લાગ્યા અને આસન નંખાવી દીધું, તે ઉપર બેસાર્યા અને સ્વામીએ તેની આગળ નીતિની કેટલીક વાતો પણ કરી. પછી રામચંદ્ર વૈદે સ્વામીને કહ્યું જે, “સ્વામી! મહારાજ ક્યાં વિરાજે છે?” પછી કેટલાક સાધુ બોલ્યા જે, “અમને બરાબર ખબર નથી.” પછી વળી વૈદ બીજે દિવસ સ્વામીને દર્શને આવ્યા અને પછી સ્વામીએ ઘણીક વાતો કરીને વૈદને સંતોષ પમાડ્યા. એટલે વૈદ હાથ જોડીને બોલ્યા જે, “સ્વામી! હું કાંઈ કપટભાવથી આવ્યો નથી. મને તો ડાકોરનાથે દર્શન દઈને કહ્યું છે જે, ‘તારા જીવનો મોક્ષ કરવો હોય તો સ્વામિનારાયણના સાધુ મુક્તાનંદ સ્વામીને મળ.’ એટલે હું તમારે દર્શને આવ્યો છું. અને આજથી હું તમારો આશ્રિત છું. માટે દયા કરીને મહારાજ જે ગામમાં હોય તે મને બતાવો એટલે હું મહારાજને દર્શને જાઉં.” પછી સ્વામીએ કહ્યું જે, “મહારાજ તો હાલ ગઢપુરમાં વિરાજે છે.” ॥૭૬૯॥

પછી રામચંદ્ર વૈદ ગઢપુર આવતાં નિંગાળા અને ઉગામેડી વચ્ચે એક ખીજડો છે ત્યાં ગાડું છોડીને બેઠા હતા. તે વખતે શ્રીજીમહારાજ દિવ્ય સ્વરુપે દશવીશ પાર્ષદ લઈ સ્વાર સાથે સામા મળ્યા. અને મહારાજની પાછળ એક પાર્ષદ રહી ગયા હતા. તેમને રામચંદ્ર વૈદે પૂછ્યું જે, “આ કોણ જાય છે?” ત્યારે પાર્ષદ કહે, “એ તો સ્વામિનારાયણ છે. તે કારીયાણીએ જાય છે.” ત્યારે રામચંદ્ર વૈદે ગાડાવાળાને કહ્યું જે, “આપણે ગાડું જોડો અને કારીયાણીએ જઈએ.” ત્યારે પાર્ષદે કહ્યું જે, “તમે એમને નહીં પહોંચો અને તે તો હમણાં પાછા આવશે.” ત્યારે રામચંદ્ર વૈદે પાર્ષદને કહ્યું જે, “તમે મહારાજને કહેજ્યો જે, વડોદરાવાલા રામચંદ્ર વૈદ તમારે દર્શને આવે છે.” પછી તેઓ ગાડું જોડાવીને ગઢપુર આવ્યા. ત્યાં તો શ્રીજીમહારાજ દરબારમાં સભા કરીને વિરાજમાન હતા. ત્યાં વૈદરાજ આવીને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા અને વિનંતિ કરીને કહ્યું જે, “મહારાજ! તમોએ મો માટે બહુ દાખડો કર્યો કેમ કે કારીયાણીથી તત્કાળ આંહીં પધાર્યા.” મહારાજ કહે કે, “અમે તો કારીયાણી ગયા નથી.” ત્યારે વૈદરાજે કહ્યું જે, “તમે નીંગાળા વચ્ચે પાર્ષદો સહિત મને મળ્યા હતા.” એમ રામચંદ્ર વૈદને નિશ્ચય કરાવવાને માટે અલૌકિક દર્શન દીધું અને મહારાજને હાથે નિયમ ધરાવીને એકાંતિક ભક્ત થયા. ॥૭૭૦॥

એક સમે મુક્તાનંદ સ્વામી નડીયાદમાં હતા અને શ્રીજીમહારાજ પણ ત્યાં વિરાજમાન હતા. પછી કેટલાક માણસો શ્રીજીમહારાજની વાતો સાંભળીને પછી મુક્તાનંદ સ્વામી પાસે બેસવા આવ્યા. તેમને સ્વામીએ ઘણીક વાતો કરી. તેને સાંભળીને સૌ પ્રસન્ન થયા અને સ્વામીને વિનંતીપૂર્વક કહ્યું જે, “સ્વામી! તમે વાતો કરી. તે અમે સૌ તત્કાળ સમજી શક્યા અને મહારાજે વાતો કરી તે અમારાથી બરાબર સમજાણી નહીં.” ત્યારે સ્વામી બોલ્યા જે, “હું ચાલીસ વરસથી દીક્ષા લઈને તેમના ભેગો ફરું છું. તો પણ જેમ છે તેમ મારાથી મહિમા સમજાયો નથી તો તમને ઘડીક કે અધઘડીમાં ક્યાંથી સમજાય? કેમ કે જેના મહિમાને નિગમ નેતિ નેતિ કરીને ગાય છે, તથા ચાર વેદ પણ પાર પામતા નથી અને સહસ્રમુખે શેષજી પણ જેના ગુણનું વર્ણન કરી શકતા નથી, તો તમોને શી રીતે સમજાય?” એમ સ્વામીએ મહારાજનો ઘણોક મહિમા કહ્યો. તે સાંભળી સૌ પગે લાગીને પોતાને ઘરે ગયા. ॥૭૭૧॥

અને વળી સ્વામીએ એક વાત કરી જે, “આ જીવ કોઈ દિવસ ભગવાન આગળ તથા સંત આગળ સરળ વરત્યો નથી અને જો સરળ વરત્યો હોય તો ભગવાનના ધામને પામ્યો હોય અને જન્મ મરણ ટળી જાય પણ ભગવાન આગળ તથા સંત આગળ કપટ ભાવે વરત્યો છે.” ॥૭૭૨॥

અને વરતાલમાં શ્રીજીમહારાજ સભામાં બેઠા હતા. અને પચાસ ખાખી નાગા ક્રોધના ભર્યા ત્યાં આવ્યા. તેને જોઈને મહારાજે કહ્યું જે, “મુક્તાનંદ સ્વામીને બોલાવી લાવો.” એટલે સ્વામીને બોલાવીને લાવ્યા. તેઓ ખાખીને જોઈને બોલ્યા જે, “આ તો સાક્ષાત વૈકુંઠનાથના પાર્ષદ છે. કેમ કે અમારી રક્ષા કરવા માટે વૈકુંઠનાથે મોકલ્યા હોય ને શું!” એમ ખાખીની બહુ જ પ્રશંસા કરી. તેથી તેમનો ક્રોધ શાંત થઈ ગયો અને બોલ્યા જે, “અમે તો વાઘ દીપડા જેસા હે ને વૈકુંઠનાથના પાર્ષદ તો તમે છો.” પછી પગે લાગીને ચાલ્યા ગયા. એવી સ્વામીની વાણીમાં મીઠાશ હતી. ॥૭૭૩॥

ઉમરેઠમાં મુક્તાનંદ સ્વામી પ્રથમ ગયા હતા. અને ત્યાં છ મહિના રહીને સૌ હરિજનોને ઘણીક વાતો કરીને સૌને સંતોષ પમાડ્યા હતા. ત્યાર પછી બીજી વખત નિત્યાનંદ સ્વામી પધાર્યા અને તેમણે પણ તેવી જ રીતે હરિજનોને જ્ઞાનવાર્તાઓ કરીને રાજી કર્યા પછી સૌ હરિજનોએ કહ્યું જે, “સ્વામી! મુક્તાનંદ સ્વામી તો બહુ જ મોટા સાધુ છે.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, “આ બ્રહ્માની સૃષ્ટિમાં તેમના જેવો બીજો હું ક્યાંથી લાવું?” પછી સૌ હરિજન બોલ્યા જે, “સ્વામી! તમે પણ મુક્તાનંદ સ્વામી જેવા જ છો.” ॥૭૭૪॥

એક સમે શ્રીજીમહારાજ મહેમદાવાદને પાદર વિરાજમાન હતા અને ત્યાં સુરતના હરિજનનો એક સંઘ આવ્યો હતો. તે સૌ મહારાજને પગે લાગીને ભેટ મૂકી ને પછી મહારાજની સન્મુખ બેઠા. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! આ સંઘ બહુ જ છેટેથી આવ્યો છે.” એમ બે ત્રણ વાર કહ્યું ત્યારે મહારાજ કહે, “હા, સ્વામી! અમો કેટલે છેટેથી આવ્યા છીએ જે, લાખ મણ લોઢાનો ગોળો ત્યાંથી પડતો મેલીએ ને વાયરે ઘસાતો ઘસાતો અહીંયાં આવતાં રજ ભેગો રજ થઈ જાય. એટલા અમારા ધામ છેટા છે.” ત્યારે સ્વામી કહે, “હા, મહારાજ! આપ તો બહુ જ છેટેથી પધાર્યા છો.” ॥૭૭૫॥

એક સમે સ્વામી ગઢપુરમાં સવારમાં પૂજા કરતા હતા. ચૈતન્યાનંદ સ્વામી પૂજા કરીને દર્શને નીકળ્યા હતા. તે મુક્તાનંદ સ્વામીને આસને પગે લાગવા ગયા. તે સમે મુક્તાનંદ સ્વામીએ પોતાની પૂજામાંથી રામાનંદ સ્વામીની કોપીનનો આડબંધ દેખાડ્યો. અને કહ્યું જે, “લ્યો, સ્વામી! કરો દર્શન. આ રામાનંદ સ્વામીની કોપીનનો આડબંધ છે.” ત્યારે ચૈતન્યાનંદ સ્વામી આંખ વીંચી ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “સ્વામી! કેમ આંખો વીંચી ગયા?” ત્યારે ચૈતન્યાનંદ સ્વામી કહે કે, “મારે તો પતિવ્રતાની ભક્તિ છે પણ વેશ્યાની નથી.” તે સાંભળી મુક્તાનંદ સ્વામીએ પોતા પાસે તાપવા માટે સગડી મેલી હતી. તેમાં તે આડબંધ નાંખ્યો તે બળી ગયો. અને પોતાના મનમાં વિચાર કર્યો જે મારામાં આટલી કસર હતી. અને તે જ સમે પ્રભાતિ નવી બનાવીને બોલ્યા:

‘છાંડી કે શ્રીકૃષ્ણ દેવ, ઓર કી જો કરું સેવ,

કાટી ડારો કર મેરો, તીખી તરવારસે.’ ॥૭૭૬॥

સ્વામી નિત્ય સ્નાન કરતા ત્યારે પરોક્ષ તીર્થ ગંગાજી તથા જમુનાજી તથા સરસ્વતી તથા વેણી તથા પ્રયાગ વિગેરે તીર્થોને સંભારીને નહાતા હતા. તે વખતે તેમના સેવક શાંતાનંદસ્વામી કરીને હતા. તેમણે સ્વામીને કહ્યું જે, “સ્વામી! શ્રીજીમહારાજ પ્રત્યક્ષ મળ્યા અને તેમના ચરણના પ્રતાપે કરીને જ સર્વે તીર્થ થયાં છે. તો હવે પ્રત્યક્ષ મળ્યા પછી પરોક્ષનું શું કામ છે? કેમ કે પ્રભાતિ તો તમોએ જ બનાવી છે જે:

‘પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુણિકા કપીવૃંદ કોટી;

વૃજ તણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી.’

“માટે હવે પરોક્ષ તીર્થનું કાંઈ કામ નથી. માટે હવે તો પ્રત્યક્ષને જ સ્નાન કરતી વખતે સંભારવા. વળી તમોએ આરતીમાં કહ્યું

‘અડસઠ તીર્થ ચરને કોટી ગયા કાશી.’

“એમ આપના મુખથી શબ્દ નીકળેલા છે.” પછી સ્વામીએ કહ્યું જે, “તમે ઠીક કહો છો અને મારી ભૂલ છે.” પછી બીજે દિવસે સવારમાં પૂજા કરીને સ્વામી શ્રીજીમહારાજને દર્શને અક્ષરઓરડીમાં ગયા. ત્યારે મહારાજે કહ્યું જે, “સ્વામી! તમોને કાલે શાંતાનંદે ઠપકો આપ્યો?” સ્વામી કહે, “હા, મહારાજ! જેમ છે તેમ મને શાંતાનંદે સમજાવ્યો.” એમ સ્વામીએ શાંતાનંદ સ્વામીનો ગુણ ગ્રહણ કર્યો. ॥૭૭૭॥

ગામ ભેંસજાળના મોતી ત્રવાડી કરીને બ્રાહ્મણ હતા અને તેઓ સ્વામીને દર્શને ગઢપુર આવ્યા હતા અને સ્વામીને વિષે તેને ઘણોક પ્રેમ હતો અને પોતાના મનમાં સ્વામીની નિષ્ઠા હતી. પછી તે એક દિવસ સ્વામી પાસે આવીને બેઠા હતા. તે સમે સ્વામીએ શાંતાનંદ સ્વામીને કહ્યું જે, “અક્ષરઓરડીમાં જોઈ આવો જે, મહારાજ શું કરે છે?” શાંતાનંદ સ્વામી જોવા આવ્યા. તે વખતે શ્રીજીમહારાજ સ્નાન કરતા હતા. તે જોઈ આવીને સ્વામીને કહ્યું જે, “સ્વામી! મહારાજ તો સ્નાન કરવા બેઠા છે.” તે સમે મોતી ત્રવાડીનો હાથ ઝાલીને સ્વામી મહારાજ પાસે અક્ષરઓરડીમાં આવ્યા. ત્યાં ઉગમણો ખુણો છે. ત્યાં જાંબુડો હતો. તે ઠેકાણે પાણીની ખાળ આવતી હતી. તે જોઈ સ્વામીએ પોતાને માથેથી રુમાલ હેઠો મેલીને મહારાજના સ્નાન કરેલા પ્રસાદીના જળને પોતો માથે ચડાવા મંડ્યા અને મોતી ત્રવાડીને કહ્યું જે, “તરવાડી! માથું ધરો માથું.” એમ કહીને સ્વામી પોતાના મસ્તક ઉપર પાણી લેતા ગયા અને બોલતા ગયા જે, “હર ગંગા હર ગોદાવરી હર સરસ્વતી હર વેણી,” એમ તીર્થોના નામ લઈને પ્રસાદીનું જળ પોતાના મસ્તક ઉપર ચડાવતા હતા અને અંજલિ ભરીને પોતે પીઈ ગયા અને મોતી ત્રવાડીને કહ્યું જે, “આ જળ અનંત જન્મના રોગ ટાળે એવું છે.” પછી મોતી ત્રવાડીએ પણ તે જળ પોતાને માથે ચડાવ્યું અને અંજલિ ભરીને પીધું અને ત્રવાડીના મનમાં એમ થયું જે, “મુક્તાનંદ સ્વામી જેવા સંત તે પણ મહારાજનો આટલો બધો મહિમા સમજે છે! ત્યારે મહારાજ તો કેવાય મોટા હશે?” પછી સ્વામી મોતી ત્રવાડીનો હાથ ઝાલીને અક્ષરઓરડીમાં મહારાજ પાસે આવ્યા ત્યાં તો મોતી ત્રવાડીને શ્રીજીમહારાજે અલૌકિક દર્શન દીધાં અને પછી મોતી ત્રવાડી શ્રીજીમહારાજના ચરણમાં પડીને પગે લાગ્યા અને પોતાના ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી હતી, તે તોડીને શ્રીજીમહારાજના ચરણમાં મૂકી અને મહારાજને કહ્યું જે, “મને વર્તમાન ધરાવો કેમ કે મુક્તાનંદ સ્વામી જેવા મહાસમર્થ પુરૂષ છે. તે પણ તમારા સ્નાન કરેલા જળને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. માટે હું આજથી આપનો આશ્રિત થયો છું.” એમ કહીને શ્રીજીને હાથે વર્તમાન ધાર્યા અને મુક્તાનંદ સ્વામીને દંડવત કરીને પગે લાગ્યો અને કહ્યું જે, “મારી ભૂલ તમે ઓળખાવી.” ॥૭૭૮॥

એક સમયમાં શુકમુનિને શ્રીજીમહારાજે સાધુ કર્યા અને મહારાજે કહ્યું કે, “મુક્તાનંદ સ્વામી પાસે જાઓ. તમારું નામ પાડશે.” પછી શુકમુનિ સ્વામીને આસને જઈને ચરણમાં મસ્તક મૂકીને પગે લાગ્યા. પછી સ્વામીએ પૂછ્યું જે, “કેમ, મહાપુરુષ! તમોને સાધુ કર્યા?” ત્યારે કહે, “હા.” સ્વામી કહે, “તમારૂં નામ શું પાડ્યું?” ત્યારે તે બોલ્યા જે, “નામ પાડવા માટે મહારાજે તમારી પાસે મોકલેલ છે.” તે સાંભળી મુક્તાનંદ સ્વામી ઘડીક વાર વિચાર કરીને બોલ્યા જે, “મહાપુરુષ! તમારૂં નામ શુકમુનિ.” પછી શુકમુનિ શ્રીજીમહારાજ પાસે અક્ષરઓરડીમાં આવ્યા. તેમને મહારાજે પૂછ્યું કે, “શું નામ પાડ્યું?” ત્યારે તે બોલ્યા જે, “મારું નામ શુકમુનિ પાડ્યું.” ત્યારે મહારાજ કહે, “મુક્તાનંદ સ્વામી પણ જાણતા દેખાય છે જે પૂર્વે પરીક્ષિતનું કલ્યાણ કર્યું તે જ આ શુકમુનિ શુકજીનો અવતાર છે. એમ જાણીને સ્વામીએ તમારૂં નામ શુકમુનિ પાડ્યું.” ॥૭૭૯॥

અને શ્રીજીમહારાજ લોજમાં હતા અને સ્વામીને કહ્યું જે, “તમે માંગરોળ જાઓ.” પછી સ્વામી લોજથી માંગરોળ જવા માટે તૈયાર થયા અને મહારાજને સાષ્ટાંગ દંડવત કરીને ચરણમાં મસ્તક મૂકીને પગે લાગ્યા અને શ્રીજીમહારાજને મળ્યા અને ચાલતી વખતે મહારાજ કહે, “સ્વામી! પાછા વળો, આ મારા હાથના નખ લેતા જાઓ.” તે સમે સ્વામી પાછા વળીને શ્રીજીમહારાજ પાસે આવ્યા અને પોતાને પૂજા કરવાની ધાબળી હતી, તે પાથરીને તે ઉપર મહારાજને બેસાર્યા. અને પોતાને ઓઢવાનું વસ્ત્ર હતું, તે ઉપર શ્રીજીમહારાજનું ચરણારવિંદ રાખીને હાથ તથા પગના નખ ઉતાર્યા અને પોતાના લુગડાને છેડે તે નખ બાંધી લીધા અને ફરી શ્રીજીમહારાજને દંડવત કરીને મળ્યા અને પાછે પગલે મંદિરની ખડકી બહાર નીસર્યા. તે વખતે સ્વામીએ મહારાજને વિષે અપાર હેત જણાવ્યું. તે જોઈને રામાનંદ સ્વામીના કેટલાક સત્સંગી હરિજન ઉભા હતા. તેમના મનમાં એમ થયું જે, “મુક્તાનંદ સ્વામી જેવા અડગ નિશ્ચયવાળા તે પણ ડગી ગયા. કેમ કે તેમણે નીલકંઠને વિષે કોટીગણું હેત જણાવ્યું. માટે હવે છેલ્લી બાકીના રામ રામ કરીયે.” એમ સૌ વિચાર કરીને સ્વામીને વળાવવા ચાલ્યા. પછી લોજને સીમાડે ગયા. ત્યારે સૌ બોલ્યા જે, “સ્વામી! હવે છેલ્લી બાકીના જય સ્વામિનારાયણ છે.” ત્યારે સ્વામી કહે, “છેલ્લી બાકીના એમ કેમ કહો છો?” ત્યારે આણંદજીભાઈ તથા પર્વતભાઈ બોલ્યા જે, “તમે મેરુ પર્વત જેવા ડગ્યા ત્યારે હવે બીજાનો શો ભાર? તમે રામાનંદ સ્વામી કરતાં આ નીલકંઠને વિષે અપાર હેત જણાવ્યું.” પછી તે ઠેકાણે પોતાની ધાબળીને પાથરી અને એક મોટું થોરનું ઝાડ હતું એને છાંયે બેઠા અને સ્વામીએ સૌની આગળ વાત કરી જે, “રામાનંદ સ્વામીએ જ્યારે દેહ મેલ્યો અને તેમની ઉત્તરક્રિયા કર્યા પછી મને ભુજ મોકલ્યો હતો. અને અહીંયાં સમાધિનું પ્રકરણ ચલાવ્યું હતું. તે વખતે મયારામ ભટ્ટ મને ભુજ તેડવા આવ્યા હતા. પછી ત્યાંથી આવીને મેં મહારાજને ઘણો જ ઠપકો દીધો અને સમાધિવાળા બધાને પૂછ્યું ત્યારે સૌએ કહ્યું જે, ‘સમાધિ સાચી છે પણ ખોટી નથી.’ તો પણ મારા મનમાં શાંતિ થઈ નહીં અને મેં મહારાજને ઘણી ઘણી રીતે ઠપકા રુપે કહ્યું. પછી અમે સૌ કાલવાણીયે સ્નાન કરવા સારુ ગયા હતા. તે વખતે રામાનંદ સ્વામીએ દિવ્ય સ્વરુપે આવીને મને ઘણોક ઠપકો દીધો અને કહ્યું જે , ‘મુક્તાનંદજી! કેમ માનતા નથી? અને હું તમને અગાઉથી કહેતો જે, હું તો ડુગડુગી વગાડું છું. અને વેશનો ભજવનારો વાંસે આવશે અને જેમ ભડોરુ કાંતવું હોય અને તેમાંથી એક પૂણી કાંતે તેમ ભડોરુ કાંતનારા પણ આવશે અને જેમ રમત કરવી હોય અને પડવાળે તેમ મેં તો પડવાળ્યું છે એમ રામાનંદ સ્વામીએ મને ઘણોક ઠપકો દઈને કહ્યું જે, ‘આ સાક્ષાત્ પુરૂષોત્તમ નારાયણ છે અને હું તો ઉદ્ધાવનો અવતાર છું!’ એમ મને ઘણીક વાતો કરી. ઘણી ઘણી રીતે રામાનંદ સ્વામી સમજાવીને ગયા એટલે મારે મહારાજને વિષે નિષ્ઠા થઈ.” પછી સૌ હરિજને તથા સંતે કહ્યું જે, “જો સ્વામિનારાયણ ભગવાન ન હોય તો તમારે માથે બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ.” ત્યારે સ્વામી કહે કે, “હા, જો સ્વામિનારાયણ ભગવાન ન હોય તો મારે માથે બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ.” એ સાંભળીને સૌને મહારાજને વિષે ભગવાનપણાનો નિશ્ચય થયો જે, “મુક્તાનંદ સ્વામી જેવા સંત પુરુષ સમ ખાય છે માટે સ્વામિનારાયણ ભગવાન છે.” એમ નિશ્ચય કરીને સૌ સ્વામીને પગે લાગીને સૌ પોત પોતાના ઘરે ગયા અને સ્વામી માંગરોળ ગયા. ॥૭૮૦॥

અને જે વખતે શ્રીજીમહારાજ તથા મુક્તાનંદ સ્વામી કાળવાણીમાં સ્નાન કરવા ગયા હતા અને મહારાજ સ્નાન કરીને બેઠા હતા અને મુક્તાનંદ સ્વામી છેટે જંગલ ગયા હતા. તે સમે રામાનંદ સ્વામી દિવ્ય સ્વરુપે આવ્યા અને મુક્તાનંદ સ્વામીને બેસારીને બહુ ઠપકો આપ્યો જે, “મુક્તાનંદજી! કેમ માનતા નથી? અને હું તમને કહેતો હતો જે હું તો ડુગડુગી વગાડું છું ને વેશના ભજવનારા આવશે અને ભડોરુ કાંતવું હોય ને મેં તો પુંણી કાંતી અને તેના કાંતનારા આવશે અને રમત કરવી હોય ને પડ વાળે તેમ સ્વામી કહે મેં તો પડ વાળ્યું છે અને હું તો ઉધવજી છું. અને આ તો સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ આવ્યા છે.” એમ રામાનંદ સ્વામીએ કહ્યું. વળી સ્વામીએ કહ્યું જે, “જો નહી માનો તો હેરાન થાશો.” પછી એમ કહીને રામાનંદ સ્વામી અદૃશ્ય થઈ ગયા અને મુક્તાનંદ સ્વામી જંગલ જઈ ચાલ્યા આવતા હતા. પછી છેટેથી સ્વામીને ભાળીને મહારાજ બોલ્યા જે, “સ્વામી! કાંઈક હરખ મુખ છો?” ત્યારે સ્વામી કહે, “કાંઈ નહીં.” પછી સૌ સ્નાન કરીને મંદિરમાં આવ્યા અને સ્વામી વાડીમાંથી પુષ્પ વીણી લાવ્યા. તેનો હાર બનાવ્યો અને પોતાને હાથે ચંદન ઉતાર્યું અને પછી રામાનંદ સ્વામીનો ગાદી તકીયો પાથરીને મહારાજને વિનંતી કરી જે, “મહારાજ! આ ગાદી ઉપર પધારો.” મહારાજ કહે, “ગુરુના આસન ઉપર બેસાય નહીં.” ત્યારે સ્વામી કહે, “ગુરુના પણ તમે ગુરુ છો.” પછી મહારાજને તે ગાદી ઉપર વિરાજમાન કર્યા. પછી મુક્તાનંદ સ્વામીએ પૂજા કરીને હાર પહેરાવ્યો અને પછી નવી આરતી બનાવતા ગયા અને આરતી ઉતારતા ગયા જે,

‘જય સદ્‌ગુરુ સ્વામી જય સદ્‌ગુરુ સ્વામી,

સહજાનંદ દયાલુ બળવંત બહુનામી જય.’

એ નવી આરતી બનાવીને ગાઈને દંડવત કરીને પગે લાગ્યા અને પોતાના અપરાધની માફી માંગી.

ગામ લોજથી મુક્તાનંદ સ્વામી તથા શ્રીજીમહારાજ ધર્માદો ઉઘરાવવા સારુ ગામ કાળવાણીયે ગયા હતા. ત્યાં જ સાંજ વખતે દાણાનો પોઠીયો ભરીને સ્વામીએ કહ્યું જે, “આ દાણા લોજ મુકી આવો.” ત્યારે મહારાજ પોઠીયાને લઈ લોજ જઈ ત્યાં ઠલવીને રાતના નવ વાગ્યે પાછા કાળવાણીયે પધાર્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “મહારાજ! બહુ વેલા આવ્યા?” ત્યારે મહારાજ કહે, “સ્વામી! પોઠીયો બહુ ઉતાવળો ચાલ્યો અને વળી મારા મનમાં એમ થયું જે, ‘સ્વામી ગૃહસ્થને ઘરે એકલા છે માટે ઝટ જાઉં.’ એમ વિચારીને તુરત આવ્યો.” ॥૭૮૨॥

શ્રીજીમહારાજ એક વખત ગઢપુરમાં હતા અને મુક્તાનંદ સ્વામી ઘણા દિવસથી ગામડામાં ફરવા ગયા હતા. પછી પોતાના મનમાં એમ વિચાર થયો જે, “મહારાજના દર્શન કર્યાને બહુ દિવસ થયા છે. માટે એક સંતને સાથે લઈને ગઢપુર જઈ મહારાજના દર્શન કરી આવું.” એમ વિચાર કરીને એક જોડીયો લઈને પોતે ગઢપુર આવ્યા અને સવારે નહાઈ ધોઈ પૂજા કરીને દરબારમાં આવ્યા. તે વખતે નારાયણ હરે કહીને સ્વામીએ ઝોળી માગી અને દરબારમાં ઉભા રહ્યા અને મહારાજનાં છેટેથી દર્શન થયા. પછી મહારાજ પાસે સોમલોખાચર તેડી ગયા. તે વખતે મહારાજે તેમની આગળ બહુ દિલગીરી બતાવી. અને મનુષ્ય ચેષ્ટા કરીને બોલ્યા જે, “સ્વામી! તમારૂં તો કલ્યાણ થાશે ને મારૂં કલ્યાણ નહીં થાય અને હું તો આ દરબારમાં રહીને બંધાઈ ગયો છું અને તમો તો રામાનંદ સ્વામી છતાં જેવા ત્યાગ વૈરાગવાન હતા તેવાને તેવા હજુ પણ છો.” એમ કહીને મહારાજ પોતે બહુ દિલગીર થઈ ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “મહારાજ! તમે તો સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ છો. અમને શા માટે મોહ પમાડો છો?” ત્યારે મહારાજ બોલ્યા જે, “સ્વામી! હું પુરૂષોત્તમ નારાયણ શાનો?” એમ કહ્યું. એટલે મુક્તાનંદ સ્વામી બહુ દિલગીર થયા અને સ્વામીએ જાણ્યું જે, “આપણે મહારાજની આજ્ઞા વિના દર્શને આવ્યા. તેથી મહારાજે દર્શનનું સુખ આપ્યું નહીં.” ॥૭૮૩॥

એક વખત મુક્તાનંદ સ્વામી સુરત પધાર્યા હતા. અને ત્યાંના હરિજનોએ મહારાજને ભેટ કરવા સારૂ ત્રણસો રૂપિયા મોકલ્યા હતા અને સ્વામી સાથે હમીરજી કરીને પાળા હતા. તેને અપાવ્યા હતા. પછી સ્વામી ગઢપુર પધાર્યા અને શ્રીજીમહારાજ દરબારમાં સભા કરી વિરાજમાન હતા. તે સમે સ્વામી આવીને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. અને હમીરજીને સાનમાં સમજાવે જે, “ઓલ્યા રૂપિયા મહારાજ પાસે મેલો.” તે જોઈને મહારાજ બોલ્યા જે, “સ્વામી! તમો પણ બગડી ગયા જણાઓ છો જે, તમારા હૈયામાં રૂપિયા પેશી ગયા છે.” પછી સ્વામીએ હાથ જોડીને કહ્યું જે, “હા, મહારાજ! તમે ઠીક કહો છો.” અને ત્રણસો રૂપિયા હમીરજીએ મહારાજને આપ્યા. ॥૭૮૪॥

એક વખત મુક્તાનંદ સ્વામી દેશમાંથી ફરીને ગઢપુર આવ્યા અને ઉતારો કરીને પછી મહારાજને દર્શને ગયા. તે વખતે શ્રીજીમહારાજ થાળ જમતા હતા. તે થાળ સ્વામી પાસે મૂક્યો અને સ્વામી ત્યાં જમવા બેઠા. પછી મહારાજ બોલ્યા જે, “સ્વામી! હું તો તમારી સાથે વાતો કરવા રહ્યો. તેથી ભુખ્યો રહી ગયો.” એમ કહીને મુક્તાનંદ સ્વામી ભેગા જમવા મંડ્યા, એવો મુક્તાનંદ સ્વામી સાથે પોતે સ્નેહ જણાવ્યો. ॥૭૮૫॥

મુક્તાનંદ સ્વામીના મનમાં ત્રણ સંકલ્પ હતા. તે એક તો શ્રીજીનું તિરોધાન જોવું જે, મહારાજ કેવી રીતે ધામમાં પધારે છે? અને બીજું ધર્માખ્યાન પુરું કરવું અને ત્રીજું રઘુવીરજી મહારાજને વડોદરે પધરાવવા; એ ત્રણ સંકલ્પ હતા. તેથી કરીને પોતાને ક્ષયરોગ હતો પણ શરીર રહ્યું હતું અને મહારાજ સ્વધામ પધાર્યા તે તો જોયું અને બાકીના બે સંકલ્પ નિત્યાનંદ સ્વામીએ પુરા કર્યા. તેમાં ધર્માખ્યાન પુરૂં કર્યું તથા રઘુવીરજી મહારાજને વડોદરામાં પધરાવ્યા. તે કેવી રીતે તો મુક્તાનંદ સ્વામી પુસ્તક લખતા હતા અને લખતાં લખતાં હાથમાંથી કલમ પડી ગઈ. પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, “સ્વામી! લોઢાનીએ બેડી અને સોનાનીએ બેડી. માટે હવે સંકલ્પ પડ્યા મેલો.” પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “સ્વામી! જેમ શ્રીજીમહારાજને વડોદરામાં પધરાવ્યા તેમ રઘુવીરજી મહારાજને મારે પધરાવવા અને ધર્માખ્યાન અધુરૂં છે તે મારે પુરૂં કરવું.” એવું સાંભળીને સ્વામી નિત્યાનંદ સ્વામીને બથમાં ઘાલીને મળ્યા અને પોતાની ડોકમાં ગુલાબનો હાર હતો તે નિત્યાનંદ સ્વામીને પહેરાવ્યો ને કહ્યું જે, “તમે મારા ખરા સેવક છો.” ॥૭૮૬॥

અને મુક્તાનંદ સ્વામી લોજમાં હતા અને જે વખતે મહારાજ ત્યાં પધાર્યા તે વખતે જીવરાજશાના વંડામાં સ્વામી રામકથા વાંચવા જતા હતા અને કેટલાક દિવસ ત્યાં કથા વાંચી અને પછી એક દિવસે મહારાજે પૂછ્યું જે, “સ્વામી! નિત્ય ક્યાં જાઓ છો?” ત્યારે સ્વામી કહે કે, “ગામના લોકો પાસે રામકથા વાંચવા જાઉં છું.” ત્યારે મહારાજ કહે કે, “કોણ સાંભળવા આવે છે?” સ્વામી કહે કે, “બાઈ ભાઈ સૌ સાંભળે છે.” મહારાજ કહે કે, “આપણે ત્યાગીથી બાઈઓ પાસે કથા થાય ખરી?” પછી સ્વામી વિચારી રહ્યા. પછી બીજે દિવસે કથા ચાલ્યા ત્યારે સ્વામી કહે, “આજ છેલ્લી બાકીના સૌને રામ રામ કરી આવું.” પછી સ્વામીએ ત્યાં સાંજે કથાની સમાપ્તિ કરીને સૌને કહ્યું જે, “હવે છેલ્લી બાકીના રામ રામ છે.” ત્યારે સૌ લોક હાથ જોડીને બોલ્યા જે, “સ્વામી! એમ કેમ કહો છો?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “નીલકંઠજી આવ્યા છે. તેમણે બંધી કરી છે. માટે હવે મારાથી કથા કરવા અવાશે નહીં.” પછી સ્વામી પોતાની જગ્યામાં રામકથા વાંચતા. ત્યાં ભાઈ માણસ કથા સાંભળવા આવતા. ॥૭૮૭॥

અને સ્વામી લોજમાં જે જગ્યામાં રહેતા તે જગ્યાને અડીને એક વાળંદનું ઘર હતું. તેની ઓશરીમાં ગોખલો હતો. તે જોઈ મહારાજે પૂછ્યું જે, “સ્વામી! આ ગોખલો શેનો છે?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “આપણે સદાવ્રત આપીએ છીએ તે કાંઈ રાંધેલું વધ્યું હોય તે તેને આપવાને માટે અથવા કોઈ વખત કાંઈ રકમ જોતી હોય તો દેવાય લેવાય.” ત્યારે મહારાજ કહે કે, “આપણી ત્યાગીની જગ્યામાં ગોખલો જોઈએ? ન જોઈએ.” એમ કહીને મહારાજે તે ગોખલો પુરાવી દીધો. ॥૭૮૮॥

અને ગઢપુરમાં મહારાજ વિરાજમાન હતા અને એક વખત ગ્વાલિયર દેશના ગવૈયા આવ્યા હતા. તે ભાવનગર આદિક રજવાડામાંથી પોતે શિરપાવ લઈને આવ્યા હતા અને પછી તેણે સાંભળ્યું જે, “ગઢપુરમાં સ્વામિનારાયણના સાધુ બહુ હુશિયાર ગવૈયા છે.” એમ જાણીને તેઓ ગઢપુર આવ્યા. તે વખતે શ્રીજીમહારાજ દરબારમાં સભા કરીને બેઠા હતા. ત્યાં આવીને તે ગવૈયા ગાયન કરવા લાગ્યા. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી તેથી સ્વામીએ પગે ઘુઘરા બાંધી અને હાથે કડતાળુ લીધી અને ઉભા થઈને સભામાં સ્વામી મહારાજ આગળ ગાયન કરવા લાગ્યા અને પોતાને પગે કરીને કંકુનો હાથી ચીતરી આપ્યો. તે જોઈ ગવૈયા સૌ આશ્ચર્ય પામ્યા જે, “આપણી ગાયન વિદ્યા આમની આગળ કાંઈ નહીં.” એમ તેઓનો પરાજય કર્યો. ॥૭૮૯॥

શ્રીજીમહારાજ ગામ પછમ પધાર્યા હતા અને સાથે મુક્તાનંદ સ્વામી આદિક સંત હતા. તે સમે એક સોની હરિજને મહારાજ પાસે આવીને કહ્યું જે, “મહારાજ! આ મારી ઘોડી ઉપર તમે વિરાજો અને મારી ઘોડી પ્રસાદીની કરી આપો.” ત્યારે મહારાજ કહે કે, “મુક્તાનંદ સ્વામીને ઘોડી ઉપર બેસારો.” પછી સ્વામીને તે ઘોડી ઉપર બેસાર્યા અને કમીયાળા ને પછમ વચ્ચે ઘોડી ભડકી. તેથી સ્વામી પડી ગયા અને એક હાથ જરા મરડાણો. પછી કમીયાળે ઉતારો કરીને બેઠા અને મહારાજ સ્વામી પાસે આવીને બહુ ઉચાટ કરવા લાગ્યા જે, “અમારા ગુરુનો હાથ ભાંગી ગયો અને અમને હાથ ચડાવતા આવડતો નથી.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “મહારાજ! મને કાંઈ વાગ્યું નથી, માટે કાંઈ ચિંતા કરશો નહીં. અને તમો વરતાલ સુખેથી પધારો અને હું અહીંયાં રહીશ.” પછી મહારાજ વરતાલ પધાર્યા. ॥૭૯૦॥

ગામ સાંગાવદરને પાદર કુવો હતો. ત્યાં સ્વામી પોતાના હાથ પગ ધોવા બેઠા અને તે કુવાનો ધણી કુસંગી હતો. તેણે આવીને સ્વામીનું માથું ઝાલીને ધક્કો માર્યો એટલે સ્વામી પડી ગયા. અને સ્વામીને કહ્યું જે, “આંહીં શું બેઠો છે? મારા બળદીયા ભડક્યા.” પછી સ્વામી ત્યાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને ચાલી નીકળ્યા અને તે અપરાધે કરીને તે કણબી ઘઉંની વાડીમાં પાણી વાળતો હતો. ત્યાં ચોરે આવીને અઢાર ઝાટકા માર્યા. તેથી તે ત્યાં ને ત્યાં મરી ગયો એમ મોટાના અપરાધનું ફળ મળ્યું. ॥૭૯૧॥

એક સમે શ્રીજીમહારાજ તથા મુક્તાનંદ સ્વામી વગેરે સંત કાલવાણીની નદીએ નહાવા ગયા હતા. ત્યાં સ્વામી પોતાની પાસે તુંબડી મૂકીને ધ્યાન કરવા બેઠા હતા પણ પોતાના મનમાં એમ સંકલ્પ થયા કરતો જે, “રખેને તુંબડી ઉપર કાગડો બેસે ને તુંબડી બગાડે!” પછી મહારાજે આવીને કહ્યું જે, “સ્વામી! કોનાં ધ્યાન કરો છો? તુંબડીનાં ધ્યાન કરો છો કે?” ત્યારે સ્વામી કહે, “હા, મહારાજ! મનમાં તેનો સંકલ્પ થતો હતો ખરો.” ॥૭૯૨॥

એક વખત મુક્તાનંદ સ્વામી ગઢપુરમાં સ્નાન કરતા હતા. અને નાહીને પોતાનું પહેરેલું ભીનું વસ્ત્ર હેઠે ઉતાર્યું અને કોરૂં વસ્ત્ર પહેર્યું. તે વખતે ગામ સારંગપુરના પુંજા ભગત કરીને કુંભાર હતા. તે સ્વામીનું ભીનું ધોતીયું લેવા ગયા. ત્યારે સ્વામી બોલ્યા જે, “પુંજા! સાંખ્યયોગી છો કે કર્મયોગી?” પુંજો કહે કે, “સ્વામી! છું તો કર્મયોગી!” ત્યારે સ્વામી કહે, “મારે ધોતીયે અડીશ નહીં.” પછી પુંજાભગતના મનમાં એમ થયું જે, “હજી હું સ્વામીના ધોતીયાને અડવા યોગ નથી થયો! માટે આજથી સંસાર હરામ છે!” એમ કહીને પોતે સંસારનો ત્યાગ કરીને ત્યાગી થયા. ॥૭૯૩॥

અને મહારાજે સ્વામીને વાત કરી જે, “સ્વામી! તમે તમારી મોટપને જાણો છો?” ત્યારે સ્વામી કહે ,“ના, મહારાજ! હું જાણતો નથી.” ત્યારે મહારાજ કહે કે, “અલ્પ જેવો જીવ હોય અને તમે એમ સંકલ્પ કરો જે આ જીવ ઠેઠ્ય અક્ષરધામમાં જાય તો તે જીવ અક્ષરધામમાં જઈ પુગે! એવું તમારા સંકલ્પમાં બળ છે અને તમારી મોટપ તો અપાર છે.” મહારાજ કહે કે, “સ્વામી! એક તમારે મારો યોગ છે અને એક અક્ષરના મુક્તને મારો યોગ છે. બીજા કોઈને મારો યોગ નથી.” ॥૭૯૪॥

સ્વામી જ્યારે ત્યાગી થવા આવ્યા તે સમે રામાનંદ સ્વામીએ તેમની પરીક્ષા લેવા સ્વામીને કહ્યું જે, “આ ખેડુનાં લુગડાં છે. તે પહેરીને સાંતી હાંકવા જાઓ.” તે વખતે સ્વામી ખેડુનાં વસ્ત્ર પહેરીને સાંતી હાંકવા તૈયાર થયા. ત્યારે રામાનંદ સ્વામીએ જાણ્યું જે, “આ તો બહુ ખપવાળા છે ને મોક્ષભાગી છે.” એમ જાણીને કહ્યું જે, “મુકુંદદાસજી! પાછા આવો.” પછી પાછા આવીને સ્વામી પાસે બેઠા. ॥૭૯૫॥

એક વખત શ્રીજીમહારાજ પોતાની સાથે સંત લઈને રણને કાંઠે સરકારપર કરીને ગામ છે ત્યાં પધાર્યા હતા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, “તમે સૌ નહાઓ ધૂઓ અને હું ગામમાં ઝોળી માગી આવું.” પછી એક વાણિયાને ઘરે ઝોળી માંગવા ગયા. તે સમે વાણિયણ ઘઉંની રોટલી કરતી હતી. તેની નજર ચુકાવીને મહારાજ તેની કરેલી છ રોટલી લઈને ભાગ્યા. તે જ્યાં સાધુ ઉતર્યા હતા ત્યાં આવ્યા અને વાણિયા સૌ ભેળા થયા અને કહેવા લાગ્યા જે, “બાવો અમારું રસોડું અભડાવી ગયો.” પછી તેનો તપાસ કરવાને માટે સૌ લોક જ્યાં સંત ઉતર્યા હતા ત્યાં આવ્યા. અને મહારાજ તો માથે વસ્ત્ર ઓઢીને ધ્યાન કરવા બેસી ગયા. પછી વાણિયા આવીને કહેવા લાગ્યા જે, “તમારો બાવો અમારૂં રસોડું અભડાવી ગયો અને છ રોટલી લઈને નાસી આવ્યો છે.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “તે તો ગાંડો છે અને તમારી કેટલી રોટલી લાવ્યો છે?” ત્યારે વાણિયા કહે, “અમારી છ રોટલી લાવ્યો છે.” ત્યારે સ્વામી કહે, “હું તમને છ મોતીયા લાડુ આપું તો?” વાણીયા કહે, “છ હોય?” સ્વામી કહે, “આઠ આપું.” પછી વાણિયા તે લાડવા લઈને ઘરે ગયા અને મહારાજ ધ્યાનમાંથી બેઠા થઈ ને સૌ સંત સદાવ્રતના દાલીયા કાઢીને જમવા બેઠા. પછી મહારાજ કહે, “લ્યો સ્વામી! હું છ રોટલી લાવ્યો છું તે ચોળીને દાળિયામાં નાંખીયે.” અને અહીંયાં સૌ વાણિયાને ઠપકો દેવા લાગ્યા જે, “બાવો બિચારો ભુખ્યો થયો હશે ત્યારે તારી રોટલી લીધી હશે અને તું તેના લાડવા લાવ્યો?” અને અહીં સંત જમ્યા અને વાણિયાને શરીરે બળતરા ચાલી. પછી વાણિયો બોલ્યો જે, “ચાલો, આપણે સૌ તે બાવાને જમાડીયે.” તે વખતે ત્યાં એક ભરવાડ આવ્યો. તેણે કહ્યું કે, “તમો રસોઈ આપો અને હું બળતણ આપું.” તે પ્રમાણે ભરવાડ છાણાની ગાંસડી બાંધીને તે સંત બેઠા હતા તે ઠેકાણે આવતો હતો. ત્યારે સંતે કહ્યું જે, “આંહીં સમશાન છે કે શું? છાણાંની ગાંસડીઓ આ તરફ આવે છે.” એમ જ્યાં વાત કરે છે ત્યાં કેટલાક માણસોને માથે રસોઈનો સામાન લઈને સૌ સંત પાસે આવ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજે કોઈકમાં પ્રવેશ કર્યો કે શું?” ત્યારે મહારાજ કહે, “સ્વામી! અહીંયાંથી ભૂખ્યા ક્યાં જઈએ?” પછી મહારાજ આગળ થઈને સૌને કહેવા લાગ્યા જે, “આ સામાન આંહીં મેલો આ સામાન આંહીં મેલો.” પછી વાણિયા મહારાજને જોઈને બોલ્યા જે, “મહારાજ! તું બાવા જેવો જણાય છે પણ બાવો નથી પણ ભગવાન છો!” પછી સૌ સંતને જમાડ્યા અને વાણિયા બે ભાઈ સાધુ થઈને મહારાજ ભેગા ચાલી નીકળ્યા. ॥૭૯૬॥

શ્રીજીમહારાજ પરમહંસો સહિત દેવળીયે પધાર્યા હતા અને દેવળીયાને પાદર મહારાજ હજામત કરાવા બેઠા તે મહારાજને બહુ વસમું લાગ્યું તેથી અર્ધું વતુ કર્યું એટલે બોલ્યા જે, “રાખ્ય, રાખ્ય, અમારા સંઘ વહ્યા જાય છે. તેમના ભેગું થવું છે.” તેથી વતુ પડતું મૂકાવી દીધું. પછી અખુભા બોલ્યા જે, “મહારાજ! મારા ગામનો વાળંદ સારો છે, તેને તેડી આવું.” પછી તેને તેડવા ગયા અને વાળંદની કોથળી પોતાને ખંભે ભરાવી અને પોતે ઘોડે સ્વાર થઈને વાળંદને ઘોડાને પેઘડે વળગાડ્યો અને ચાલ્યા અને મહારાજ ત્યાં તળાવડીને કાંઠે હજામત કરાવવા બેઠા. પછી મુક્તાનંદ સ્વામી કહે કે, “મહારાજ! આ કેવો છે?” ત્યારે મહારાજ કહે, “સ્વામી! ત્યાં દેહનું જોખમ થાય એમ હતું અને અહીંયાં જીવનું જોખમ થાય તેવું છે. માટે તમે અમદાવાદ હજામત કરાવજો.” પછી મહારાજ કહે જે, “નિર્માન મૂર્તિ જોવી હોય તો આ અખુભાને જોવોને. માનની મૂર્તિ જોવી હોય તો આ પૂર્ણાનંદ સ્વામી.” ત્યારે પૂર્ણાનંદ સ્વામી કહે, “મહારાજ! તમે ઠીક કહો છો.” તે પૂર્ણાનંદ સ્વામીનો ગરાસ જાતો હતો. પછી ધોળાં લુગડાં પહેરીને ઘરે ગયા ને લાંકસાહેબના ઘોડાનું ચોકડું ઝાલ્યું ને બોલ્યા જે, “લાંક! તારા રાજ્યમાં અંધારું કેમ?” ત્યારે લાંકસાહેબ કહે, “ગજા! મારા રાજ્યમાં અંધારું છે કે તારા રાજ્યમાં? તું હાથીએથી ઉતરીને ગધાડે બેઠો.” ત્યારે ગજો ગઢવી સમજી ગયા. ॥૭૯૭॥

શ્રીજીમહારાજ અમદાવાદ પધાર્યા હતા. ત્યાં મહારાજે પાંચસો પરમહંસને કહ્યું જે, “તમે સૌ ઉઘાડે માથે બજાર વચ્ચે ચાલો.” અને મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, “તમારે માથે રુમાલ રાખજો. કેમ કે તમને ઝેર દીધું છે તે તાપથી તમારું માથું દુઃખવા આવે.” પછી સૌ સંત શહેરની બજારમાં ઉઘાડે માથે નીસર્યા. પછી ગામના સૌ લોક બોલવા લાગ્યા જે, “આ બધાય મુંડીયા તો સ્વામિનારાયણના, પણ આ એક માથે બાંધ્યું તે સ્વામિનારાયણનો નહીં.” તે સાંભળીને સ્વામીએ રુમાલ માથેથી ઉતારીને હાથમાં લીધો. પછી ગામ બહાર આવ્યા પછી મહારાજે પૂછ્યું જે, “સ્વામી! કેમ રુમાલ હાથમાં લીધો?” ત્યારે સ્વામી કહે, “મહારાજ! જ્યારે હું તમારો હોઉં ત્યારે રુમાલ માથે રાખું ના.” ॥૭૯૮॥

મુક્તાનંદ સ્વામી ગઢપુરમાં હતા ત્યારે તેમનાં બેન ધનબાઈ ગઢપુર આવ્યાં હતાં તેઓ દરબારમાં રામકથા વાંચતાં હતાં તે સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શાંતાનંદ સ્વામીને કહ્યું જે, “આ કોણ વાંચે છે?” ત્યારે તેમણે કહ્યું જે, “ધનબાઈ આવ્યાં છે.” સ્વામી કહે કે, “માર્ગીમાં સારાં હોય નહીં માટે તેમને રજા આપો.” એમ કહીને સ્વામીએ કીર્તન લખીને મોકલ્યું જે: ‘મોહનને ગમવાને ઇચ્છો માનની, ત્યાગો સર્વે જુઠી મનની ટેક જો.’ એ ચાર કીર્તન નવાં બનાવીને સ્વામીએ મોકલ્યાં અને મોટીબાને હાથે વર્તમાન ધારીને સત્સંગી થયાં. ॥૭૯૯॥

એક વખત શ્રીજીમહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા અને રાતના બાર વાગે જીવાખાચરના દરબારમાં આંબલી નીચે ઉઘાડી તરવાર કરીને મહારાજ તરવાર સમજતા હતા અને ચોમાસાની રાત હતી. તે વિજળી થાય ત્યારે તરવાર દેખાય. તે જોઈ મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, “મહારાજ! અંધારી રાત છે ને તરવાર તમને વાગી જશે.” પછી મહારાજે ઢોલિયે બેસીને વાત કરી જે, “સ્વામી! અત્યારે દિલ્લી લીધી. કેમ કે તમારી રક્ષા માટે રાજા આવે છે. તેની સહાયતામાં અમે ગયા હતા.” એમ મહારાજે સ્વામી પાસે વાત કરી. ॥૮૦૦॥

શ્રીજીમહારાજ ગઢપુર અક્ષરઓરડીમાં વિરાજમાન હતા ને સાધુનું મંડળ ફરવા ચાલ્યું એટલે મુક્તાનંદ સ્વામીને શ્રીજીમહારાજે પૂછ્યું જે, “સ્વામી! આ સંત કેવા છે?” ત્યારે સ્વામી બોલ્યા જે, “સ્ત્રીધનમાં ફેર પડે તેવા નથી.” એમ તેમને દરેકમાંથી ગુણ લેવાનો સ્વભાવ હતો. તે સાંભળીને મહારાજ બહુ જ રાજી થયા. ॥૮૦૧॥

અમદાવાદમાં બ્રાહ્મણોએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું જે, “સ્વામી! શુકજીએ સાત દિવસ સુધી કથા કરીને પરીક્ષિત રાજાનું કલ્યાણ કર્યું અને આજ બ્રાહ્મણો તો ઘરોઘર ભાગવત વાંચે છે તો પણ કોઈનું કલ્યાણ થાતું નથી.” ત્યારે સ્વામી કહે, “શુકજી જેવા વાંચનારા હોય અને પરીક્ષિત જેવા સાંભળનારા હોય તો કલ્યાણ થાય. કેમ કે, પરીક્ષિતે સાત દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કર્યો હતો અને ભગવાનમાં જ વૃત્તિ લાગી રહી હતી અને આજ તો સૌ પૈસાને લોભે કરીને કથા કરે છે એટલે શું કલ્યાણ થાય?” એમ સ્વામીએ વાત કરી. ॥૮૦૨॥

મુક્તાનંદ સ્વામીએ તે ઉપર એક રાજાની વાત કરી જે, “એક રાજાને ત્યાં જયમંગલ નામનો હાથી હતો. પછી તે રાજાને જ્યારે લડાઈમાં ચડવું હોય ત્યારે હાથીના દંતશૂળ ઉપર હથિયાર બાંધે અને તે હાથી સેના સામો કરે.” પછી તે રાજાનો હાથી જય કરીને પાછો આવતો. પછી જ્યારે તે હાથી મૃત્યુને પામ્યો ત્યારે રાજાએ તેના દંતશૂળ રાખી મૂક્યા. પછી જ્યારે લડવા જવું હોય ત્યારે તે દંતશૂળ સાથે હથિયાર બાંધે પણ દંતશૂળ કાંઈ હાથીના જેવું કામ કરી શકે? કેમ કે તે સામર્થી તો જયમંગલ સાથે ગઈ.” તેમ જ સ્વામી કહે, “જ્યારે શુકજી જેવા સમર્થ પુરૂષ હોય તો જ કલ્યાણ થાય નીકર પછી દંતશૂળ જેવું થાય.” ॥૮૦૩॥

અમદાવાદમાં શ્રીજીમહારાજ નથુભટ્ટને ઘરે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીનો હાથ લઈને પોતાની છાતીએ અડાડ્યો ને સ્વામીને કહ્યું જે, “સ્વામી! આ મૂર્તિને ભજીને અનંત અક્ષરમુક્ત થયા છે.” એમ શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું જે, “હા, મહારાજ! તમે સત્ય કહો છો.” ॥૮૦૪॥

શ્રીજીમહારાજ વરતાલ પધારતા હતા અને ગાડીમાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા. મહારાજ માણકીએ ચઢીને ગાડાને પડખે ચાલ્યા આવતા હતા. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “મહારાજ! આ માણકીએ શું તપ કર્યું હશે?” ત્યારે મહારાજ કહે, “સ્વામી! તમે ને માણકીએ સાથે તપ કર્યું છે.” એમ મહારાજે સ્વામીને કહ્યું. ॥૮૦૫॥

એક વખત મુક્તાનંદ સ્વામીને આસને ગઢપુરમાં ગોપાળાનંદ સ્વામી પધાર્યા. પછી સ્વામીને પોતાના આસન ઉપર બેસાર્યા ને મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “સ્વામી! તમો કહો તેમ હું કરું.” ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે કે, “તમે તો મહારાજના પણ ગુરુ કહેવાઓ.” મુક્તાનંદ સ્વામી કહે કે, “મને મહારાજે ભલામણ કરી છે અને આ શુકમુનિ સાક્ષી છે તે કહેલું જે ગોપાળાનંદ સ્વામી કહે તેમ કરજો.” તે સાંભળીને ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “સ્વામી! હવે તમારો દેહ નહીં રહે! માટે તમારી પૂજા તથા પુસ્તક જે હોય તે દેવને તથા આચાર્યને તથા તમારા સેવકને આપવું હોય તે વહેંચી આપો.” પછી સ્વામીએ ત્યાં જ પોતાની પૂજા પુસ્તક વિગેરે સર્વે પદાર્થ મંગાવ્યો અને ગોપાળાનંદ સ્વામીને હાથે તેની વ્યવસ્થા કરાવી. અને હાલારી સંવત્ ૧૮૮૭ના અષાડ સુદ ૧૦ના રોજ સ્વામી ગઢપુરમાં ધામમાં પધાર્યા. ॥૮૦૬॥

એક વખત શ્રીજીમહારાજ ગઢપુરમાં અક્ષરઓરડીમાં રમુજ કરતા હતા અને મુક્તાનંદ સ્વામી મહારાજને દર્શને ત્યાં ગયા. તે અગાઉ કોઈકે મહારાજને કહ્યું જે, “મુક્તાનંદ સ્વામી આવે છે.” તે વખતે મહારાજ રમુજ કરવી બંધ રાખીને બીજી વાતચીત કરવા લાગ્યા અને મુક્તાનંદ સ્વામીને પોતાના ઢોલિયાની થડમાં ગાદી તકીયો નંખાવીને બેસાર્યા એમ શ્રીજીમહારાજ મુક્તાનંદ સ્વામીની મરજાદ રાખતા. ॥૮૦૭॥

ગઢપુરમાં એક વખત શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને સભામાં આજ્ઞા કરી જે, “સ્વામી! આ જ તો તમે વાતો કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજના મહિમાની તથા ગઢપુરના મહિમાની અલૌકિક વાર્તા કરવા માંડી. તે સાંભળી ઓલ્યા પક્ષના કેટલાક સંત તથા હરિજન આવી આવીને આણીકોર બેઠા. પછી બ્રહ્માનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને હાથ જોડીને કહ્યું જે, “સ્વામી! તમારે તો દર્શન દેવાં, પણ વાતો કરવી નહીં. કેમ કે તમારી વાતો સાંભળીને કોઈ બીજે જશે જ નહીં. તમારા સમાગમ માટે તમારી પાસે રહેશે. માટે તમારે તો દયા રાખવી પણ વાતો ન કરવી.” એવું સાંભળીને મુક્તાનંદ સ્વામીએ વાતો કરવી બંધ રાખી. ॥૮૦૮॥

મુક્તાનંદ સ્વામીને એક સેવક હતો. તે સ્વામીને માટે રસોઈ કરતો હતો. પણ પોતે લહિયા હતા તેથી અનાજ જોયા વિના રાંધતા. પછી એક દિવસ મુક્તાનંદ સ્વામીનું પેટ ચડી આવ્યું પછી ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી જોવા માટે ગયા. પછી ત્યાં સ્વામીના રસોયાને બોલાવ્યો અને કહ્યું જે, “મહાપુરૂષ! સ્વામીને માટે ખીચડી કે રોટલા કરવા વગેરેનું અનાજ સારી રીતે સુધારીને રાંધવું. કેમ કે ખીચડીમાં ઉંદરની લીંડીયું હશે તેથી સ્વામીને આફરો ચડ્યો છે.” ત્યારે સંતે જવાબ આપ્યો કે, “હું અનાજનો સુધારો કરવા રહું તો લખું ક્યારે? માટે હું તો જેમ થાય છે તેમ કરીશ.” પછી ગોપાળાનંદ સ્વામીએ એક અનોપમાનંદ કરીને સંત હતા, તેમને બોલાવ્યા અને પૂછ્યું જે, “મહાપુરુષ! તમને કાંઈ રસોઈ આવડે છે?” ત્યારે અનોપમાનંદ સ્વામી કહે, “હા, મને બાજરાનો રોટલો અને ખીચડી એ બે વાનાં આવડે છે.” ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, “સ્વામીની માટે તે જ રાંધવાનું છે.” એમ કહીને મુક્તાનંદ સ્વામીની સેવામાં તેને રાખ્યા. ॥૮૦૯॥

મુક્તાનંદ સ્વામી ગઢપુર અક્ષરઓરડીમાં મહારાજને દરસે ગયા હતા. ત્યાં મહારાજ સ્નાન કરવા બેઠા હતા. પછી અનોપમાનંદ સ્વામીને કહ્યું જે, “મહાપુરુષ! પાણીનું ઉનામણીયું લાવો.” પછી બે હાથે ઝાલી ઉનામણીયું મહારાજ પાસે મેલ્યું અને પોતાના બન્ને હાથ દાઝ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, “સ્વામી! આમને અક્કલનું છેટું દેખાય છે.” ॥૮૧૦॥

મુક્તાનંદ સ્વામી સુરતમાં હતા ત્યાં નિરંતર પાકી રસોઈયું ચાલતી હતી. પછી સ્વામીએ હરિજનોને કહ્યું જે, “એક દિવસ કાચી રસોઈ આપો અને એક દિવસ પાકી રસોઈ આપો.” સ્વામીના કહેવા પ્રમાણે હરિજનો રસોઈયું લાવવા મંડ્યા. પછી કેટલાક સંતોએ મળીને શ્રીજીમહારાજને વરતાલ કાગળ લખ્યો જે, “મહારાજ! અહીંયાં તો મુક્તાનંદ સ્વામીએ જમવાની બંધી કરી છે.” પછી થોડા દિવસ કેડે સ્વામી વરતાલ પધાર્યા અને શ્રીજીમહારાજને સભામાં દંડવત કરીને પગે લાગ્યા ને બેઠા પછી મહારાજે પૂછ્યું જે, “સ્વામી! રસોઈ પાણીનું કેમ કરતા હતા?” ત્યારે સ્વામી કહે, “મહારાજ! એક દિવસ કાચી રસોઈ લેતો અને એક દિવસ પાકી રસોઈ લેતો.” મહારાજ કહે કે, “પાકી રસોઈ લ્યો ત્યારે શું વિચાર કરતા?” ત્યારે સ્વામી કહે, “જ્યારે પાકી રસોઈ લઉં ત્યારે એમ વિચાર કરતો જે આવા સંત જમશે તો હરિજનનું કલ્યાણ થાશે અને જ્યારે કાચી રસોઈ લઉં ત્યારે એમ વિચાર કરતો જે, સંતને માટે નિરંતર પાકી રસોઈ લેશું તો સંતમાં આળસ અને પ્રમાદ વધશે અને સુખેથી ભજન સ્મરણ થશે નહીં એમ વિચારીને કાચી રસોઈ લેતો.” પછી મહારાજ સભામાં બોલ્યા જે, “આ કાગળના લખનારનો અભિપ્રાય કેવો છે અને મુક્તાનંદ સ્વામીનો અભિપ્રાય કેવો છે?” તે ઉપર મહારાજે ઘણીક વાત કરી. ॥૮૧૧॥

સ્વામી સુરતમાં હતા અને સાથે સાઠ સિતેર સાધુ હતા. પછી તેમાં એક નાના સાધુ હતા તેમના મનમાં સંકલ્પ રહેતો જે, “મારા માબાપ કુસંગી રહે અને મરીને નર્કમાં જાય તે ઠીક નહીં. માટે હું ઘરે જઈને તેમને સત્સંગી કરીને પછી હું અહીયાં આવું.” પણ તે સંતને મુક્તાનંદ સ્વામી સાથે ઘણો સ્નેહ હતો તેથી વિચાર થયો જે, “પ્રથમ હું મુક્તાનંદ સ્વામીને પૂછીને પછી જાઉં.” પછી તેણે સ્વામીને તે વાત કરી ત્યારે સ્વામી બોલ્યા જે, “મહાપુરુષ! તમે સંકલ્પ કર્યો તે બહુ સારો છે. પણ આપણા અહીંયાં નિરંતર સિતેર સીધાં ભરાય છે અને તમે જાશો તો ઓગણોતેર રહેશે અને શહેરમાં વાત ચાલશે જે, ‘સ્વામિનારાયણનો સાધુ ઘરે ગયો.’ માટે જ્યારે આપણે અહીંથી નીકળીયે ત્યારે તમો તમારે ગામ સુખેથી જાજ્યો. અને તમારા માવતરને સત્સંગ કરાવીને પછી સુખેથી આવજો.” પછી તે સંતને સ્વામીએ વાતો કરી કરીને તેના સંકલ્પ માત્ર ટાળી નાખ્યા અને દેહના સંબંધીને ખોટા કરી દેખાડ્યા. પછી જ્યારે સુરતથી ચાલ્યા ને તે ગામનો રસ્તો આવ્યો ત્યારે સ્વામીએ કહ્યું જે, “મહાપુરુષ! તમારે ગામ જાવું હોય તો આ રસ્તેથી જાઓ.” પછી સંતે હાથ જોડ્યા જે, “સ્વામી! હવે મને કુવામાં શા માટે નાંખો છો? મારે તમારી સેવા કરવી છે.” ॥૮૧૨॥

અને એક ગામમાં મુક્તાનંદ સ્વામી સભા કરીને બેઠા હતા અને કેટલાક સંત તે વખતે નાહીને આવ્યા. તેમાં એક સંતે ઓસરીની કોર ઉપર પગ ધોયા અને મોદીયું પલળ્યું ત્યારે સ્વામીએ કહ્યું જે, “મહાપુરુષ! પગ ધોવાને માટે તાસ મગાવું?” પછી તે સાધુને સ્વામી ઉપર એટલો ક્રોધ ચડ્યો જે, “સ્વામીનું ભવિષ્ય કરવું.” પછી એક દિવસ રાત્રીએ તે સાધુએ બહુ સનો લીધો ને સ્વામીને કહ્યું જે, “મારે નાહવા જાવું છે તે તમો મારી સાથે નાહવા ચાલો.” સ્વામી કહે, “મહાપુરુષ! આપણાથી અત્યારે બહાર જવાય નહીં અને પાયખાનું છે ત્યાં જાઓ.” પણ તે સાધુએ બહુ જ સનો લીધો જે, “અત્યારે તમે જ મારી સાથે બહાર આવો.” પછી સ્વામીએ તેને કેટલાક ત્યાગીના ધર્મની વાત કહી દેખાડી અને તેને ક્રોધ ચડ્યો હતો તે સ્વામીની વાતોથી શાંત પામ્યો. પછી બીજે દિવસે તે સાધુએ આવીને સ્વામીને દંડવત કર્યા અને બોલ્યા જે, “સ્વામી! મારી મતિ એવી બગડી ગઈ હતી જે રાત્રે તમને નાહવા તેડી જઈને તમને ત્યાં કુવામાં નાખી દેવા હતા, પણ તમોએ મને સમજાવ્યો તે સારૂં કર્યું.” ॥૮૧૩॥

મુક્તાનંદ સ્વામી જ્યારે ઘરેથી નીસર્યા ત્યારે પોતાનાં બહેન ધનબાઈ તથા તેમના ઘરના મનુષ્ય, એ બન્ને જણાં સ્વામીની પાછળ ચાલ્યાં અને ત્રણ દિવસ અને ત્રણ રાત્રી સ્વામી ફર્યા; પણ બન્નેએ કેડ મેલ્યો નહીં. પછી સ્વામીએ વિચાર કર્યો જે, “આ તો મારો કેડો નહીં મેલે. માટે ગાંડો થાઉં તો ઠીક.” પછી પોતે એક કોપીન વાળીને લીંબડાના વૃક્ષ ઉપર ચડી ગયા અને બોલવા મંડ્યા જે, “રામ ઘટાઘટ મૌડી ફુલી, રામ ઘટાઘટ મૌડી ફુલી.” એમ ને એમ વારંવાર બોલવા મંડ્યા પછી તેમની બહેને જાણ્યું જે, “આ તો ગાંડો થઈ ગયો. માટે ચાલો આપણે ઘરે જઈએ.” પછી બન્ને જણા નિરાશ થઈને પોતાને ઘરે ગયાં. પછી મુક્તાનંદ સ્વામી મુળદાસને જઈને મળ્યા. ત્યારે મુળદાસ બોલ્યા જે, “મુકુંદદાસજી! તમારા ભવાડા બહુ સંભળાય છે.” ત્યારે મુકુંદદાસજી કહે કે, “મારે સંસારમાં રહેવું નથી અને પ્રગટ ભગવાન મળે ત્યાં જવું છે. માટે મને મારી કામ વાસના જીતાય એવા સાધુ બતાવો.” ॥૮૧૪॥

પછી મુળદાસ બોલ્યા જે, ‘ધ્રાંગધ્રામાં રામમહોલમાં જાઓ અને ત્યાં કાશીદાસ બહુ જ મોટા સાધુ છે.” પછી સ્વામી ત્યાંથી ધ્રાંગધ્રા ગયા અને ત્યાં કાશીરામદાસજીની સેવા એક માસ સુધી કરી. પછી સ્વામીએ હાથ જોડીને કહ્યું જે, “ગુરુજી! મારે કામવાસના જીતાય અને પ્રગટ ભગવાનને મળાય એવો ઉપાય બતાવો.” ત્યારે તેણે કહ્યું જે, “મારે પાંચ સાત ચેલીયું છે અને મારા ચેલાને પણ પાંચ સાત ચેલીયું છે અને મોરબીમાં કલ્યાણદાસ કરીને બહુ મોટા સંત છે ત્યાં જાઓ.” પછી સ્વામી ત્યાંથી મોરબી ગયા અને ત્યાંના મહંતની એક માસ સુધી સેવા કરીને હાથ જોડીને પૂછ્યું જે, “ગુરુજી! કામવાસના જીતાય અને પ્રગટ ભગવાન મળે એવો ઉપાય બતાવો.” ત્યારે મહંત કહે કે, “બાપ મુકુંદદાસજી! બ્રહ્મમાં ભેદ હોય નહીં. બ્રહ્મ તો બધું એક જ કહેવાય.” ત્યારે સ્વામીએ વિચાર કર્યો જે, “ઓલ્યાને તો પાંચ સાતે જ શેઢો હતો અને આને તો મા બહેન ને દીકરી પણ સરખાં જ છે.” પછી તેણે કહ્યું જે, “વાંકાનેરમાં કલ્યાણદાસ બહુ મોટા સંત છે. ત્યાં તમે જાઓ.” પછી સ્વામી વાંકાનેર ગયા. અને ત્યાંના મહંતને મળ્યા ને મહંતને પીતળની કોપીન પીતળનો આડબંધ અને કેડે પિતળનું તાળું હતું. તેની કુંચી પણ બીજા માણસ પાસે રહે. તે જોઈને સ્વામી બહુ રાજી થયા જે, આ બહુ મોટા પુરુષ દેખાય છે. પછી એક માસ સુધી સેવા કરીને હાથ જોડીને તેમને પૂછ્યું જે, “ગુરુજી! કામવાસના જીતાય અને પ્રગટ ભગવાન મળે એવા સંત બતાવો.” ત્યારે મહંત બોલ્યો જે, “હું ચાલીશ વરસ પહેલાં ઉજ્જૈન જતો હતો અને ખાત્રજ ગામને પાદર એક બાઈને મેં પૂછ્યું જે ફલાણા ગામનો માર્ગ ક્યાં થઈને જશે? ત્યારે તે બાઈએ હાથનું લટકું કરીને મને માર્ગ બતાવ્યો છે. તે હાથનું લટકું મારા અંતઃકરણમાં પેઠું છે, તે હજુ નીરસતું નથી તો તને આવા પુરુષ ક્યાંથી બતાવું?” પછી સ્વામીએ જાણ્યું જે, “આને ઉપરનો જાબદો બહુ સારો છે પણ માંહે તો સાવ પોલો છે.” પછી તેણે કહ્યું કે, “સરધારમાં તુળસીદાસ કરીને બહુ મોટા સાધુ છે.” પછી સ્વામી ત્યાંથી સરધારમાં ગયા અને ત્યાં તુળસીદાસજીને મળ્યા ને તુળસીદાસજી સ્વામીને જોઈને બહુ રાજી થયા જે, “આ જો આંહીંયા રહે તો સારૂં.” ॥૮૧૫॥

પછી મુક્તાનંદ સ્વામીએ પણ વિચાર કર્યો જે, “હું ઘણેક ઠેકાણે ફર્યો માટે હવે તો આંહીં જ રહું અને તુળસીદાસ મરશે ત્યારે પછી સારી રીતે ધર્મ પ્રવર્તાવશું.” એમ જાણીને સ્વામી ત્યાં રહ્યા અને તુળસીદાસ પણ વિચાર કરતા જે, “મને કોઈ સારો શિષ્ય મળે તો આ મારો દ્વારો તેમને સોંપી દઉં. કેમ કે મારૂં શરીર વૃદ્ધ થયું છે.” પછી તુળશીદાસે પોતાનો લાખ રૂપિયાનો દ્વારો મુક્તાનંદ સ્વામીને લખી આપ્યો અને પોતે બહુ જ સુકંઠી હતા અને દ્વારામાં રામકથા વાંચતા.” એટલે સૌ લોક સાંભળવાને માટે ભેગાં થતાં. અને તે ગામમાં રામાનંદ સ્વામીના સત્સંગી હતા, તે સાંભળવા જતા નહીં. પછી એક દિવસ તળાવે સૌ નાહવાને ભેગા થયા. ત્યારે સ્વામીએ કહ્યું જે, “સૌ લોક રામકથા સાંભળવા આવે છે અને તમો કેમ નથી આવતા?” ત્યારે તેઓ બોલ્યા જે, “અમે તો રામાનંદ સ્વામીના ભક્ત છીએ.” મુક્તાનંદ સ્વામી કહે, “રામાનંદ સ્વામી કેવા છે? તુળસીદાસ જેવા છે?” ત્યારે હરિભક્ત બોલ્યા જે, “તુળસીદાસ તો રામાનંદ સ્વામીના પગની રજ જેવો પણ નહીં. એ તો બહુ મોટા છે અને ભગવાન છે.” સ્વામીએ કહ્યું જે, “રામાનંદ સ્વામી અહીંયાં ક્યારેય આવે છે?” ત્યારે તેમણે કહ્યું જે, “હા, ચોમાસામાં આવે છે.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “તમારા ગુરુ જ્યારે આવે ત્યારે મને સંભળાવજો.” પછી ચોમાસું આવ્યું ત્યારે રામાનંદ સ્વામી સરધાર પધાર્યા પછી તેમના ભક્તોએ કહ્યું જે, “મુકુંદદાસજી! અમારા ગુરુ રામાનંદ સ્વામી અહીંયાં પધાર્યા છે તેની વાતુ સાંભળવા આવજો.” ॥૮૧૬॥

પછી મુક્તાનંદ સ્વામી રાત્રે રામાનંદ સ્વામીની સરધારમાં વાતુ સાંભળવા ગયા અને તે વાતો સાંભળીને શાંતિ પામી ગયા. પછી પોતે વિચાર કર્યો જે, “હું જેને ગોતતો હતો તે જ આ પુરૂષ છે.” પછી હરિજનોને કહ્યું જે, “સ્વામી રામાનંદજી જ્યાં સુધી રહે ત્યાં સુધી અમારે દ્વારેથી પાકું સીધું લઈ જવું.” પછી બીજે દિવસે રાત્રીએ સ્વામી વાતો સાંભળવા ત્યાં ગયા અને કથા વાર્તા થઈ રહ્યા પછી રામાનંદ સ્વામી લઘુશંકા કરવા ઉઠ્યા. પછી રામાનંદ સ્વામીએ હરિજનોને પૂછ્યું જે, “આ કોણ? આ કોણ?” પછી હરિજનોએ ઓળખાણ પાડી જે, “સ્વામી! આ તુલસીદાસજીના સેવક છે અને રામકથા બહુ જ સારી વાંચી જાણે છે ને બહુ જ સુકંઠી છે.” પછી સ્વામીએ કહ્યું જે, “તમારે આંહીંયાં આવવું નહીં કેમ કે આટલામાં તુળસીદાસજીનું જોર છે. તે અમારા સેવકને ઉપાધિ કરે.” ॥૮૧૭॥

પછી ત્રીજે દિવસે હરિજનોની સાથે રાત્રીએ કથા વાર્તા સાંભળવા ગયા અને સ્વામી ન જાણે તેમ એક કોરે ફળીયામાં ખોરડાના નેવા નીચે જઈને બેઠા અને જરા જરા વરસાદ પણ વરસતો હતો. તેથી નેવાનું પાણી પણ પોતાના શરીર ઉપર પડતું હતું. પછી રાત્રીયે કથા વાર્તા કરીને ઉઠ્યા ત્યારે સ્વામી લઘુ કરવા પધાર્યા. પછી મુકુંદદાસજીને જોઈને બોલ્યા જે, “અહીં વરસતા મેહમાં કેમ બેઠા છો?” પછી સ્વામી લઘુ કરીને ઓરડામાં પધાર્યા ત્યારે મુકુંદદાસજીને સાથે તેડી ગયા. પછી મુકુંદદાસજીએ પોતાની સવિસ્તર બધી વાત કરી દેખાડી જે, “હું આટલે ઠેકાણે ફર્યો તો પણ મને ક્યાંય શાંતિ થઈ નહીં અને તમારે દર્શને કરીને મને શાંતિ થઈ છે.” પછી સ્વામીયે જાણ્યું જે, “આ તો બહુ મોક્ષભાગી છે.” એટલે સ્વામીએ કહ્યું જે, “હવે સુખેથી આવજો.” પછી સ્વામી ત્યાં એક માસ સુધી રહ્યા અને ચાલ્યા ત્યારે મુકુંદદાસજી પણ કેડ બાંધીને સાથે ચાલવા તૈયાર થયા. પછી સ્વામીએ કહ્યું જે, “અમારાથી એમ તમને રખાય નહીં પણ તમારા ગુરુ જો કાગળ લખી આપે તો રાખીયે.” ॥૮૧૮॥

પછી રામાનંદ સ્વામી ત્યાંથી બીજે ગામ પધાર્યા અને મુકુંદદાસજી પોતાની જગ્યામાં સદાવ્રત આપતા હતા. પછી પોતે વિચાર કર્યો જે, “આને ઉદાસ કર્યા વગર આપણને રજા આપશે નહીં પણ વચનથી તેને ઉદાસ ન કરવો.” પછી મુકુંદદાસજીએ કેટલીક ધાબળીયો મંગાવી તથા કેટલાક લુગડાના તાકા મંગાવ્યા અને લોટા વિગેરે કેટલાક વાસણો પણ મંગાવ્યા. જે કોઈ તીર્થવાસી આવે તેને શિરાપુરીનું સીધું આપે તથા ધાબળી તથા લુગડાં તથા વાસણ વિગેરે દરેક ચીજ આપવા મંડ્યા. તે જોઈ તુળસીદાસજીનો અગાઉનો એક ચેલો હતો. તેણે જઈને તુળસીદાસને કહ્યું જે, “ગુરુજી! મુકુંદદાસજી તો શીરાપુરીના સીધાં આપે છે અને લુગડાં તથા વાસણ વિગેરે છુટે હાથે આપે છે અને કોઈને કોઈ ચીજની ના પાડતા નથી.” પછી તુળસીદાસે મુકુંદદાસજીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું જે, “બાપ! મુકુંદદાસજી આપણે તો રામ રોટીનું સદાવ્રત છે પણ કાંઈ શીરાપુરીનું સદાવ્રત નથી.” તેમ કાંઈ વાસણો આપવાં લુગડાં આપવાં ધાબળી આપવી તેનું કાંઈ સદાવ્રત નથી.” ત્યારે મુકુંદદાસજી બોલ્યા જે, “ગુરુજી! સાધુનો માલ છે અને સાધુ જમે છે તેમાં આપણું શું છે?” ત્યારે તુળસીદાસ કહે, “આમ આપવાથી આપણો કોઠાર પહોંચે નહીં?” ત્યારે મુકુંદદાસજી કહે કે, “જ્યારે કોઠાર નવરા થાશે ત્યારે તીર્થ કરવા જાશું.” તે સાંભળી તુળસીદાસજી કહે કે, “તારી જો એવી મતિ હોય તો અહીંથી ચાલવા માંડ્ય. કેમ કે રામાનંદ સ્વામી આવ્યા પછી તારૂં માથું ફર્યું છે.” પછી મુકુંદદાસજી કહે, “મને કાગળ લખી આપો તો જાઉં, નહીં તો નહીં જાઉં.” પછી તુળસીદાસે કાગળ લખી આપ્યો જે, “મુકુંદદાસજીને જેને રાખવો હોય તે સુખેથી રાખજો. મારે ને મુકુંદદાસજીને લેવા દેવા નથી.” એવો કાગળ લઈને પછી રામાનંદ સ્વામી પાસે બંધીયે ગયા. પછી રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને દીક્ષા આપીને પોતાની સેવામાં રાખ્યા અને બધા શિષ્યોમાં સૌથી મોટેરા કર્યા. ॥૮૧૯॥