લીંબલીના પીતાંબરભાઈ લુવાણાની વાતો
ગામ લીંબલીમાં પીતાંબર કરીને લુવાણ હતો. તે સત્સંગી હતો પણ વ્યભિચારી હતો. પછી ત્યાં શ્રીજીમહારાજ પધાર્યા અને મહારાજને કહ્યું જે, “મારે સાંખ્યયોગ રાખવો છે.” ત્યારે મહારાજ કહે, “પીતાંબર! સાંખ્યયોગ રહેવા દે અને સૌ વહેવાર કરે છે. તે રીતે વહેવાર કર.” તોય પણ હઠ કરીને મહારાજને કહ્યું જે, “ના, મહારાજ! તમે નહીં કહો તોય રાખીશ.” ત્યારે મહારાજ બોલ્યા જે, “બહુ સારૂ રાખ્ય.” પછી મહારાજ ત્યાંથી ડભાણ પધાર્યા અને પીતાંબરભાઈને ગામમાં કોઈ બાઈ હશે તેની સાથે સ્નેહ થયેલ. એટલે રાતે તેની દુકાને સુવા જાય અને તે બાઈ રાતે ત્યાં આવે. પછી તેની ઘરવાળીએ એક દિવસ ખબર રાખીને બહારથી દુકાનની સાંકળ વસાવી ને તાળું દીધું. પછી દિવસના દશ વાગ્યા એટલે બાઈએ કોઈક પાસે તાળું ઉઘડાવ્યું અને બેઉ જણાને બહાર કાઢ્યા એટલે પીતાંબરભાઈની વાત ગામમાં છતી થઈ. તેથી પોતે ભાગીને શ્રીજીમહારાજ ડભાણ હતા ત્યાં ગયા. પછી પીતાંબરભાઈને ભાળીને મહારાજ બેઠા હતા તે બોલ્યા જે, “માર્ગ કરો માર્ગ કરો પીતાંબરભાઈ અણીશુદ્ધ સાંખ્યયોગ પાળીને આવે છે.” પછી પીતાંબર દંડવત કરીને મહારાજના પગમાં પડ્યો ને મહારાજને કહ્યું જે, “મહારાજ! હું ભૂલી ગયો.” મહારાજ કહે, “હું તો કહેતો હતો જે તારે સાંખ્યયોગ નહીં રહે ને રહેવા દે તો પણ તેં માન્યું નહીં!” માટે મોટા પાસે કેટલાક કપટ રાખે તો પણ ઉઘાડું પડ્યા વગર રહે નહીં. ॥૮૨૦॥