હાટીના માળીયાના મુળજીભાઈ લુવાણાની વાતો
ગામ મેઘપુરમાં શ્રીજીમહારાજે છ મહિનાની ચોરાશી બ્રાહ્મણોની કરી તે વખતે ગામ હાટીના માળીયાનો મૂળજી કરીને લુવાણો હતો. તે ભરાડી ચોર હતો. પછી કેટલાક ચોરને સાથે લઈને મેઘપુર આવ્યો અને તેને એવો સંકલ્પ હતો જે, “સ્વામિનારાયણ ભેગા કાઠીનાં ઘોડાં બહુ જ સારાં છે. તે આપણે લઈ જવાં.” પછી ત્યાં રાતે જ્યાં ઘોડાં લેવા જાય ત્યાં તો ઘોડે ઘોડે મહારાજને દેખે. પછી વિચાર કર્યો જે, “હવે ઘોડાં નહીં લેવાય. પણ આ બધો સંઘ આવ્યો છે તેના પોટલાં લેવાં.” પછી જ્યાં પોટલાં લેવા ગયા ત્યાં પોટલે પોટલે મહારાજને દેખે. પછી ત્રીજે દિવસે આવીને સવારમાં મહારાજને પગે પડ્યો ને મહારાજને કહ્યું જે, “મહારાજ! મને વર્તમાન ધરાવો. તમે ભગવાન છો.” ત્યારે મહારાજ કહે, “તું ભરાડી ચોર છે તે તારે વર્તમાન નહીં રહે.” ત્યારે મૂળજી કહે, “ના, મહારાજ! હું રાખીશ.”
પછી મહારાજે વર્તમાન ધરાવ્યા તે ભગત થઈને મહારાજની આગળ કામકાજ કરવા લાગ્યો. તેવામાં કોઈક ગામની બે બાઈઓ મહારાજને દર્શને આવી હતી. તેમાં એકની પાસે રૂપીયાનો ડબો હતો ને બીજીની પાસે ઘરેણાનો ડબો હતો. તે બાઈએ બન્ને ડબા મહારાજ પાસે મૂક્યા. પછી મહારાજે ઉઘાડીને જોયા અને મૂળજીભાઈ પાસે બેઠા હતા. પછી મહારાજ બોલ્યા જે, “આ ડબા હમણાં તમે ઘરે લઈ જાઓ ને અમારે જોશે ત્યારે મંગાવશું.” તે જોઈને મૂળજીભાઈનું મન ચલાયમાન થયું. અને બાઈઓને કહ્યું જે, “મહારાજ ઠીક કહે છે. હમણાં ઘરે લઈ જાઓ ને મહારાજ જ્યારે માંગે ત્યારે લાવજો.” પછી મૂળજીભાઈએ બાઈઓના નામ ઠામ ગામ પૂછી લીધાં ને બાઈઓના ડબા પાછા આપ્યા અને મહારાજ ત્યાંથી ડભાણ પધાર્યા અને મૂળજીભાઈ તે બાઈઓને ગામ ગયા. મૂળજીભાઈને આવ્યા જાણીને, બાઈએ ઘણી આસના વાસના કરી અને લાપશી કરી. મૂળજીભાઈને જમવા બેસાડ્યા ને જમતાં જમતાં મૂળજીભાઈ બોલ્યા જે, “ઓલ્યા ડબા છે તે ઠાવકા રાખજો કેમ કે, મહારાજ અચાનક માગે તો દેવા થાય.” ત્યારે બાઈઓ બોલી જે, “આ ચુલાની આવગણમાં દાટ્યા છે. બીજે ક્યાંઈ નથી.” ત્યારે મૂળજી બોલ્યો જે, “તે ઠીક મને કહ્યું. બીજા કોઈને કહેશો નહીં.” બાઈઓ કહે, “બીજાને કાંઈ વાત કરીયે? આ તો તમે મહારાજ પાસે મોટેરા છો એટલે તમને વાત કરીએ.” પછી રાત્રે સૌ સુતા ત્યારે મૂળજીભાઈએ કેટલીક મહારાજની લીલાની વાત કરી અને બાઈયો તો પહેલી ઉંઘે સુઈ ગયાં અને મૂળજીભાઈ રસોડામાં જઈ ચુલાની આવગણમાંથી બેઉ ડબા કાઢીને ખડીયામાં નાંખીને ચાલી નીસર્યા. તે સવાર પડી તેટલામાં પાંચ સાત ગાઉ નીકળી ગયા. અહીંયાં બાઈયો સવારમાં જાગીને જુએ ત્યાં તો મૂળજીભાઈને ભાળ્યા નહીં અને ઘરમાં જુએ ત્યાં તો આગવણમાં ઢીંચણ જેટલો ખાડો ભાળ્યો. પછી બેઉ બાઈયું બહુ પશ્ચાત્તાપ કરવા લાગી જે, “હવે શું કરવું?” વાત બહાર પાડીએ તો માણસ કહેશે, “રાંડો અરધી રાત સુધી ગપ્પા મારતી હતી અને અત્યારે ચોરી તેને માથે નાંખે છે. માટે જે થયું તે ખરું! પણ તે મહારાજને આપશે?” અહીંયાં મૂળજીને મહારાજ કાઠીના સ્વારો સહિત સામા મળ્યા અને મૂળજી મહારાજને ભાળીને છેટે ચાલ્યો. પછી મહારાજે મૂળજીને કહ્યું જે, “મૂળજી! ઓરો ઓરો ક્યાં જાસ?” પછી મૂળજી બોલ્યા જે, “મહારાજ! મારે ઉતાવળ છે.” મહારાજ કહે, “તારે ઉતાવળ શું છે?” એમ કહીને મહારાજે મૂળજીના ખંભેથી ખડીયો ખેંચી લીધો અને ખડીયામાંથી બેઈ ડબા કાઢીને જોયા. પછી મહારાજ બોલ્યા જે, “આમાં કાંઈ ખાઈયે તેવું નથી.” પછી બેઉ ડબા વાસી મૂળજીનો ખડીયો પાછો આપ્યો.
પછી મહારાજ બોલ્યા જે, “મૂળજી! ભૂખ લાગી છે.” મૂળજી થરથર ધ્રુજતો હતો જે, “બાપલીયા મને મહારાજે ના પાડી હતી જે તારે વર્તમાન નહીં રહે ને હું ચોરી કરીને ચાલ્યો ને આ તો સામા મળ્યા.” પછી મહારાજે બશેર બરફી આપી. પછી મહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી મૂળજીના મનમાં વિચાર થયો જે, “આ તો ખાતર ઉપર દીવો કર્યો જે નિશાની આપી.” પછી મૂળજી પાછો વળી તે બાઈઓને ગામ ગયો અને જતી વખતે સાંજે પહોંચ્યો. બાઈઓ મૂળજીને ભાળીને બોલવા લાગી જે, “મૂળજીભાઈ આવ્યા... મૂળજીભાઈ આવ્યા...” તે પહેલી બાઈઓને કહે, “મૂવો મૂળજી આ તમારા ડબા અને તમારે ડબે તો મને વર્તમાન ચુકવ્યા.” પછી ત્યાંથી મૂળજીભાઈ ચાલ્યા. તે આઠ દહાડે ડભાણ પહોંચ્યા. પછી મહારાજ તાળી પાડીને બોલ્યા જે, “માર્ગ કરો માર્ગ કરો મૂળજીભાઈ અણીશુદ્ધ વર્તમાન પાળીને આવે છે.” પછી મૂળજી મહારાજને પગે લાગીને બોલ્યો જે, “મહારાજ! તમે ના પાડી હતી, પણ મારાથી રહેવાણું નહિ.” માટે જીવ છે તે લપટાણો છે તેનું ઠેકાણું રહેવું કઠણ છે! ॥૮૨૧॥