સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

સદ્‌ગુરુ મોટા ગોવિંદાનંદ સ્વામીની વાતો

પ્રથમ પોતે બહુ વૈરાગ્યવંત હતા અને પોતાના મનમાં એમ થયું જે, “મારે જ્યાં ભગવાન હોય ત્યાં મળવું.” એમ વિચાર કરીને પોતે ઘરેથી ચાલી નીકળ્યા. તે રસ્તે ચાલતાં ચાલતાં કોઈક રાજાની દાસી હશે તે ઘણુંક દ્રવ્ય તથા દાગીનાઓ લઈને ત્યાંથી નીકળી ગયેલી. તે ગોવિંદ સ્વામીને રસ્તામાં ભેગી થઈ. તે ગોવિંદ સ્વામીનું સ્વરુપ જોઈને તેને મોહ થયો અને કહ્યું જે, “તમે મારા પતિ અને હું તમારી સ્ત્રી ને મારી પાસે જે દ્રવ્ય છે તે તમને અર્પણ કરું છું.” પછી સ્વામીને વિચાર થયો જે, “શાસ્ત્રમાં કહ્યું છે જે પ્રભુ ભજવા જાય તેને સિદ્ધિઓ આડી આવે છે માટે નક્કી આ કોઈ માયા છે.” એમ પોતાનાં મનમાં વિચાર કર્યો. પછી ચાલતાં ચાલતાં અરણ્યમાં એક નદી આવી. પછી સ્વામીએ તે બાઈને કહ્યું જે, “તું અહીંયાં બેસ અને હું બહિભૂર્મિ જઈ આવું.” એમ કહીને પોતાની પાસે એક વસ્ત્ર હતું તે તેને આપ્યું. અને પોતે ચાલી નીકળ્યા અને તે બાઈ તો બેઠી બેઠી વાટ જોતી હતી પણ ત્યાં કોઈ આવ્યું નહીં. એટલે થોડીક વાર વાટ જોઈને તે પણ ચાલી ગઈ અને સ્વામી આવીને ગઢપુરમાં શ્રીજીમહારાજને મળ્યા. અને પોતે સાધુ થયા. ॥૮૨૨॥

સ્વામી બહુધા કરીને જેતલપુર તથા ગામડી તથા વસઈ – એ ત્રણ ગામમાં રહેતા હતા. અને તે ગામના હરિજનોને સ્વામીને વિષે ભગવાનપણાની બુદ્ધિ હતી અને સ્વામી પણ તે ત્રણે ગામમાં બંધનને પામ્યા હતા. પછી તેમનું બંધન ટાળવાને માટે શ્રીજીમહારાજે ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ક્યાંઈ ગામ જ આવવા દીધું નહીં અને સ્વામીને ગાંડા જેવા કરી મૂક્યા એટલે જે, “લોક આવીને કહે જે ગોવિંદસ્વામી જય સ્વામિનારાયણ, ત્યારે તેને કહે હાઉ હાઉ.” એમ કરતા પછી લોકે જાણ્યું જે, “આ તો ગાંડા થઈ ગયા.” એમ શ્રીજીમહારાજે તેમનું બંધન ટાળ્યું. ॥૮૨૩॥

શ્રીજીમહારાજે ભાદરેથી કાગળ લખ્યો હતો. તેમાં મહારાજે લખેલું જે, “તમો તથા નાનાભાઈ થઈને યજ્ઞનો સામાન તૈયાર કરાવજો અને અમારાથી જો અવાશે તો આવશું.” અને એક કાગળ અમદાવાદ સંતો ઉપર લખી મોકલ્યો જે, “ગોવિંદ સ્વામી યજ્ઞ કરાવે છે તે તમોને તેડાવે તો જશો નહીં.” બેઠા હરિગુણ ગાજ્યો પછી યજ્ઞનો સામાન પુરો કરાવીને ગોવિંદ સ્વામી તથા નાનાભાઈએ યજ્ઞ કરાવ્યો તેમાંથી બે હજાર રૂપિયા વધ્યા પછી બન્ને જણે વિચાર કર્યો જે, “આપણે ક્યારેક મહારાજને કામ પડે ત્યારે આપવા પણ અમથા ન આપવા. કેમ કે મહારાજ અમથા વાપરી નાંખે.” એમ જાણીને નાનાભાઈને ત્યાં તે રૂપિયા મૂક્યા હતા. પછી સૌ સંઘને સાથે લઈને ગોવિંદ સ્વામી મહારાજના દર્શન કરવા ગઢપુર આવ્યા અને સભામાં મહારાજને દંડવત્ કરીને પગે લાગ્યા અને સૌ સભામાં બેઠા. પછી ગોવિંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, “મહારાજ! તમે પધાર્યા નહીં. અને અમે છ મહીના દાખડો કરીને યજ્ઞ કર્યો.” મહારાજ કહે, “સ્વામી! એવા યજ્ઞ તો અમે ચાલતા કરીએ.” ત્યારે સ્વામીને સંકલ્પ થયો જે, “ભગવાન તો ખરા પણ નાના ખરા ને!” પછી મહારાજે સભામાં પૂછ્યું જે, “સ્વામી! યજ્ઞ કર્યો તેમાં કાંઈ વધ્યું?” સ્વામી કહે, “ના, મહારાજ! દરની માટી દરમાં સમાઈ ગઈ પણ કાંઈ વધ્યું નહીં.” એમ મહારાજે બે ત્રણ વાર પૂછ્યું. તો પણ સ્વામીએ તો ના ને ના કહી. પછી સભામાંથી પર્વતભાઈની દસ વરસની દીકરી ઉભી થઈ અને બોલી જે, “ગોવિંદ સ્વામી! તમે નાનાભાઈને ઘરે બે હજાર રૂપિયા મેલ્યા છે અને મહારાજ ક્યારના પૂછે છે ને ના કેમ પાડો છો?” ત્યારે મહારાજ કહે, “ગોવિંદ સ્વામી! ઓલી છોડી શું કહે છે?” ત્યારે ગોવિંદ સ્વામી કહે જે, “એ છોડી ક્યાં કહે છે? એ તો તમે કહો છો.” પછી સ્વામીએ કહ્યું જે, “હા, મહારાજ! નાનાભાઈને ઘરે બે હજાર રૂપિયા મૂકેલા છે.” ॥૮૨૪॥