જે જે શ્રીજીમહારાજ તથા સંતના ઉપયોગમાં આવ્યા તેમને શ્રીજીમહારાજ તેડવા આવ્યા તે વાતો
ગામ ભુજમાં મહારાજ પધાર્યા હતા અને એક વાણીયે ખોટું નાળીયેર લાવીને મહારાજ આગળ મેલ્યું. પછી તેને મહારાજે હાથમાં લઈને ખખડાવ્યું અને વાણીયાને કહ્યું જે, “શેઠીયા! આ તો ખોટું છે.” વાણીયો કહે, “મહારાજ! મારૂં તો ખોટું છે પણ તમારૂં સાચું હોય તો મને અંતકાળે તેડવા આવજો.” પછી તેણે જ્યારે દેહ મેલ્યો ત્યારે તેને મહારાજ હાથમાં નાળીયેર લઈને ખખડાવતા ખખડાવતા તેડવા પધાયાં હતા ને કહ્યું જે, “શેઠીયા! તૈયાર થા.” શેઠ કહે, “સ્વામિનારાયણ તમે કેવા?” મહારાજ કહે, “તું કહેતો હતો જે, તમારૂં સાચું હોય તો આવજો તે સારૂં અમે આવ્યા છીએ.” એમ કહીને તેને મહારાજ ધામમાં તેડી ગયા. ॥૨૨૦॥
કચ્છના હરિજન ગઢપુર મહારાજને દર્શને આવતા હતા અને નગરના રાજ્યમાં ગોપ કરીને ગામ છે. તેના બગીચામાં ઉતર્યા હતા અને ત્યાં આંબાના ફળ સારાં ભાળી તે હરિભક્તોએ આંબાના રખવાળને કહ્યું જે, “બે કેરીઓ આપીશ?” ત્યારે રખવાળ બોલ્યો જે, “આ કેરીઓ તમારા મોઢાં ખાય તેવી નથી. આ તો મોતીયું વાળો જામ ખાય તેવી છે.” ત્યારે હરિભગત બોલ્યા જે, “અમારે સ્વામિનારાયણ ભગવાન સારૂં લઈ જવી છે.” ત્યારે રખેવાળ કહે જે, “તો હું બે કેરીયું મારી વતી વધારે આપું.” પછી તેણે બે સારી જોઈને કેરીઓ આપી. પછી તે હરિભક્તોએ ગઢપુર આવીને મહારાજને તે કેરીઓ આપી અને મહારાજ કેરીઓ જમીને બહુ જ રાજી થયા પછી તે રખવાળે દેહ મેલ્યો ત્યારે તેને મહારાજ હાથમાં કેરીઓ લઈને તેડવા આવ્યા હતા ત્યારે તેણે કહ્યું જે, “સ્વામિનારાયણ તમે કેવા?” ત્યારે મહારાજ કહે કે, “દેખ તારી કેરીઓ.” પછી તેને વિમાનમાં બેસાડીને ધામમાં તેડી ગયા. ॥૨૨૧॥
ગામ આટકોટનો ભરવાડ હતો તે ગઢપુર આવ્યો હતો. અને ગોપીનાથજી મહારાજનાં દર્શન કરીને બહુ રાજી થયો અને મંદિરનો દરવાજો જોઈને સૌને કહેવા લાગ્યો જે, “આવો દરવાજો મેં ક્યાંઈ જોયો નથી.” પછી તેણે દેહ મેલયો ત્યારે મહારાજ તેને તેડવા પધાર્યા. ત્યારે તે ભગત બોલ્યો જે, “મહારાજ! તમે કેવા?” મહારાજ કહે, “તું કહેતો હતો જે, સ્વામિનારાયણના મંદિરનો દરવાજો બહુ સારો છે. તે સારુ અમે તને તેડવા આવ્યા છીએ.” પછી તેને વિમાનમાં બેસારીને ધામમાં તેડી ગયા. ॥૨૨૨॥
ગામ કારીયાણીમાં વીરદાસ કરીને કણબી ભગત હતા. અને તે ગામના પટેલ હતા. પછી તે નદીએ નહાવા ગયા હતા. ત્યાં ગામના કોઈ માણસે આવીને ખારાથી તેને વાસો ચોળીને નવરાવ્યા પછી વીરદાસ ભગત બોલ્યા જે, “તું મને ભગત જાણીને નવરાવે છે કે પટેલ જાણીને?” ત્યારે તે માણસે કહ્યું જે, “તમને ભગત જાણીને નવરાવું છું.” પછી તેણે દેહ મેલ્યો ત્યારે તેને મહારાજ તેડવા પધાર્યા. ત્યારે તે બોલ્યો જે, “સ્વામિનારાયણ! તમે કેવા?” મહારાજ કહે, “તેં વીરદાસ ભગતને શરીર ચોળીને નવરાવ્યા હતા તે સારુ તને તેડવા આવ્યા છીએ, માટે તૈયાર થા.” પછી તેને વિમાનમાં બેસારીને ધામમાં તેડી ગયા. ॥૨૨૩॥
ખોખરી ગામમાં કરશન બાંભણીયો કરીને હરિભગત હતો. તેણે શેરડીના બે સાંઠા પડછા સોતાં લાવીને મહારાજને આપ્યા. પછી તેણે દેહ મેલ્યો ત્યારે મહારાજ માણકી ઘોડીયે ચડીને હાથમાં શેરડીના બે પડછા સોતા સાંઠા લઈને તેડવા પધાર્યા. મહારાજ કહે, “કરશન! તૈયાર થા અને જો આ તારા સાંઠા.” પછી તેને વિમાનમાં બેસારીને ધામમાં તેડી ગયા. ॥૨૨૪॥
ગામ આંબામાં નિત્યાનંદ સ્વામી પધાર્યા હતા અને તેમને રાતના બાર વાગે દૂધ જોઈતું હતું પણ બીજે ક્યાંઈ દૂધ મલ્યું નહીં. પછી એક ભરવાડની બકરીને દોઈને દૂધ લાવ્યા. પછી તે બકરીએ જ્યારે દેહ મેલ્યો ત્યારે મહારાજ તે બકરીને તેડવા પધાર્યા. ત્યારે દેવશી ભગત લુવાર હતો, તે બોલ્યો જે, “આ બકરીનું શું પુણ્ય?” મહારાજ કહે, “નિત્યાનંદ સ્વામીને એનું દૂધ કામ આવ્યું હતું. તે પુણ્યે કરીને અમે તેને તેડવા આવ્યા છીએ.” એમ પશુનું પણ કલ્યાણ કર્યું. ॥૨૨૫॥
ગઢપુરમાં ઇચ્છારામજી મહારાજ માંદા હતા. તેમને માટે હરડે જોઈતી હતી. તે એક વાણીયે આઠ આના લઈને હરડે આપી. પછી તે વાણીયે દેહ મેલ્યો ત્યારે મહારાજ તેને તેડવા આવ્યા ત્યારે વાણીયો બોલ્યો જે, “સ્વામિનારાયણ તમે કેવા?” ત્યારે મહારાજ કહે કે, “તે ઇચ્છારામજી સારૂ હરડે આપી હતી.” ત્યારે વાણીયો કહે, “ મેં આઠ આના લઈને આપી હતી.” ત્યારે મહારાજ કહે, “બાર આના કેમ લીધા નહીં? મારા ભાઈને આપી. તેને માટે તૈયાર થઈ જા.” પછી વિમાનમાં બેસારી ધામમાં તેડી ગયા. ॥૨૨૬॥
ગઢપુરમાં મહારાજ શ્રીગોપીનાથજી મહારાજનું મંદિર કરાવતા હતા. પછી મહારાજ સભામાં બોલ્યા જે, “કોઈ શેરનો પાણો નાંખે તેને અમારે તેડવા આવવું.” તે સમે સભામાં અલીયાસ કરીને એક જમાદાર બેઠો હતો. તે ઘેલામાંથી એક મણનો પાણો ઉપાડીને લાવ્યો અને મહારાજને કહ્યું જે, “સ્વામિનારાયણ! દેખો. આ હું એક પાણો મંદિરના પાયામાં નાંખું છું.” મહારાજ કહે, “બહુ સારૂ.” પછી તેણે દેહ મેલ્યો ત્યારે મહારાજ તેને તેડવા પધાર્યા. ત્યારે અલીયાસ બોલ્યો જે, “સ્વામિનારાયણ! તમે કેવા?” ત્યારે મહારાજ કહે, “તેં મંદિરના પાયામાં એક પાણો નાંખેલો છે. તે પુણ્યે કરીને તેડવા આવ્યા છીએ. માટે તૈયાર થઈ જાઓ.” પછી તેને શ્રીજીમહારાજ ધામમાં તેડી ગયા. ॥૨૨૭॥
શ્રીજીમહારાજ સવારના પહોરમાં ગામ સોઢીને પાદર પધાર્યા ને તળાવને કાંઠે નહાવા સારુ ઉતારો કર્યો. ત્યારે મહારાજે સુરાખાચરને કહ્યું જે, “સુરાખાચર! બાવળીયાનાં દાંતણ હોય તો અહીંયા કરીયે.” તે સાંભળી સુરાખાચર ગામમાં ગયા અને એક તરકડી બેઠી હતી. તેને પૂછ્યું જે, “અહીંયાં બાવળનાં દાંતણ મળશે?” તે સાંભળીને તે બાઈ બોલી જે, “એવો કોણ રસીયો છે જે આ ભાલમાં બાવળનું દાતણ માંગે છે?” સુરોખાચર કહે, “ખુદા છે.” ત્યારે બાઈ કહે, “જો ખુદા હોય તો હું આપું.” પછી તેણે એક બાવળીયો પાણી પાઈને દાંતણ થાય તેવડો ઉછેરીને કર્યો હતો. તેને કાપી તે બાઈ સુરાખાચરની સાથે મહારાજને દાંતણ દેવા આવી અને મહારાજને દાંતણ દઈને બોલી જે, “હે સ્વામિનારાયણ! મને તેડવા આવજો.” મહારાજ કહે, “બહુ સારૂ.” પછી તેણે દેહ મેલ્યો ત્યારે દાંતણ લઈને મહારાજ તેને તેડવા પધાર્યા. બાઈ કહે, “સ્વામિનારાયણ! તમે કેવા?” ત્યારે મહારાજ કહે, “દેખ, તારૂં દાંતણ.” એમ કહીને વિમાનમાં બેસારીને ધામમાં તેડી ગયા. ॥૨૨૮॥
ગામ બરવાળામાં એક બાઈએ ત્રણ ત્રણ આના દાડી લઈને મંદિરમાં ગાર કરી હતી. પછી તેણે દેહ મેલ્યો ત્યારે મહારાજ તેને તેડવા પધાર્યા. ત્યારે બાઈ કહે, “સ્વામિનારાયણ! તમે કેવા?” ત્યારે મહારાજ કહે, “તેં મારૂં મંદિર લીંપ્યું છે, તેથી.” ત્યારે બાઈ કહે, “મેં ત્રણ ત્રણ આના દાડી લઈને ગાર કરી છે.” ત્યારે મહારાજ કહે, “છ છ આના કેમ લીધા નહીં, પણ અમારા મંદિરમાં ગાર કરી છે; માટે ચાલો.” એમ કહીને વિમાનમાં બેસારીને ધામમાં તેડી ગયા. ॥૨૨૯॥
ગામ ખંભાતમાં સાધુ ઝોળીયે ગયા હતા અને એક પટેલને ઘેર નારાયણ હરે કહીને ઉભા રહ્યા. તે વખતે તે બાઈ ધોળ કરતી હતી. તેણે ક્રોધ કરીને સાધુ સામું ગારવાળું પોતું ઉડાડ્યું અને બોલી જે, “મારા પીટ્યા મુંડીયા લાગ્યા છે.” પછી તે પોતું સાધુ ઉતારે લઈ ગયા અને તળાવમાં ધોઈને તેના દોરા કાઢીને વાટ્યું કરીને ઠાકોરજી પાસે દીવા કર્યા. પછી તેણે દેહ મેલ્યો ત્યારે મહારાજ તેને તેડવા પધાર્યા. ત્યારે તે બાઈ બોલી જે, “સ્વામિનારાયણ! તમે કેવા?” મહારાજ કહે, “તારા પોતાના દોરાના તો મારી આગળ ઘીના દીવા કર્યા છે. તે પુણ્યે કરીને તેડવા આવ્યા છીએ માટે તૈયાર થા.” એમ કહી તેને વિમાનમાં બેસારીને ધામમાં તેડી ગયા. ॥૨૩૦॥
મહારાજ વડતાલ પધારતા હતા અને ભાલમાં જતાં તરસ્યા બહુ થયા. પછી મહારાજે સુરાખાચરને કહ્યું જે, “મને તરસ બહુ લાગી છે.” તે સાંભળી સુરાખાચર બોલ્યા જે, “મહારાજ! લ્યો, હું પાણી લાવું.” પછી એક કણબીનો છોકરો છેટે સાંતી હાંકતો હતો. તેને સુરાખાચરે દીઠો અને ઘોડું દોડાવી ત્યાં ગયા. ત્યાં સુરાખાચરને દેખીને છોકરો બળદીયાની ઓથે બેસી ગયો. સુરાખાચરે તેને કહ્યું કે, “છોકરા!” ત્યારે છોકરે કહ્યું કે, “ભાઈસાહેબ! મને મારશો નહી.” ત્યારે સુરોખાચર બોલ્યા જે, “મારે તને મારવો નથી. પણ મારે પાણી જોઈએ છીએ, તે આપીશ.” છોકરો કહે કે, “આજ નવી બતક ભરીને લાવ્યો છું.” પછી તે છોકરાને સાથે લઈને સુરોખાચર પાણીની બતક લેવરાવીને મહારાજની પાસે આવ્યા. અને રસ્તામાં છોકરાને કહ્યું કે, “તારું પાણી પીઈને મહારાજ બહુ રાજી થાશે. માટે તું કાંઈક માંગ્યજે.” ત્યારે છોકરો કહે, “શું આપે?” સુરોખાચર કહે જે, “માંગીશ તે આપશે.” છોકરો કહે કે, “મારે એક સો વિઘાં જમીન છે અને બીજી સો વિઘાં જમીન આપે તો સુખેથી ખેડી ખાઉં.” તેને સુરાખાચરે કહ્યું કે, “તે તો આંહીને આંહીં પડ્યું રહેશે માટે તારા જીવનો મોક્ષ માંગજે.” પછી પાણી પીઈને મહારાજ બહુ રાજી થયા. પછી મહારાજ કહે, “આ કોનું પાણી છે?” સુરોખાચર કહે, “આ છોકરો ઉભો તેનું છે.” પછી તે છોકરાને મહારાજે પાસે બોલાવીને કહ્યું જે, “છોકરા! તું વર માગ્ય.” ત્યારે છોકરે કહ્યું જે, “મારા જીવનું કલ્યાણ થાય.” ત્યારે મહારાજ કહે, “તારી સાત પેઢીનું કલ્યાણ થાશે જા.” એમ પાણીમાં રાજી થયા. ॥૨૩૧॥
ગામ નાવડામાં એક બાઈ જ્યારે ત્યાં સાધુ ફરવા આવે ત્યારે તેમનું પાણી ભરી આપતી અને તે ગામમાં હીરો શેઠ મંદિર કરાવતા હતા. પછી તે બાઈને સમાધી થઈ અને અક્ષરધામમાં ગઈ ત્યાં અક્ષરધામમાં હીરાશેઠના મહોલ ચણાતા હતા. તેને જોઈને તે બાઈએ મહારાજને પૂછ્યું જે, “મહારાજ! આ કોના મહોલ ચણાય છે?” ત્યારે મહારાજ કહે કે, “હીરો શેઠ અમારું મંદિર ત્યાં ચણાવે છે. તેમના સારુ અહીંયાં સોનાના મહોલ કરાવીએ છીએ.” પછી બાઈએ મહારાજને પૂછ્યું કે, “ક્યારે પૂરા થશે?” મહારાજ કહે, “આજથી છ મહિને પૂરા થશે.” પછી તે બાઈ સમાધિમાંથી બહાર આવી અને હીરા શેઠને તે વાત કરી જે, “તમે તો અહીંયાં પથ્થરનું મંદિર કરાવો છો અને તમારા સારું ત્યાં સોનાનું મંદિર મહારાજ કરાવે છે અને હીરા, માણેક અને મોતીનાં તોરણ તેમાં બંધાવ્યા છે.” શેઠ કહે, “મહારાજે કાંઈ કહ્યું છે?” બાઈ કહે, “હા, છ મહિને આ મહોલ પુરા થશે.” તે સાંભળીને શેઠે તે વાર તિથિ ચોપડીમાં લખી રાખી અને પોતે ચોમાસાના વખતમાં ધંધુકે કામ પ્રસંગે ગયા હતા. ત્યાં પોતાને તાવ આવ્યો પછી તેમણે પોતાના દીકરા ઝીણાભાઈને પૂછ્યું જે, “ઝીણા! ઓલી ડોશીએ કહ્યું છે તેમાં કેટલા દિવસ બાકી છે?” ઝીણા શેઠે ચોપડો જોઈને કહ્યું, “બાપા! ત્રણ દિવસ બાકી છે.” પછી પોતે ચોમાસાની ઋતુ હતી તેથી ગાડાં ચાલે નહીં તેથી પાડા ભાડે કરીને પોતાને ઘેર આવ્યા અને છ મહિના પુરા થયા. તે દિવસે શ્રીજીમહારાજ તેડવા પધાર્યા અને ધામમાં લઈ ગયા. ॥૨૩૨॥
ગુજરાતમાં ગાના ગામને પાદર શ્રીજીમહારાજ અવેડામાં ઘોડાં પાતા હતા અને વાડીનો ધણી કોસ હાંકતો હતો. તે કોસ જ્યારે બહાર આવ્યો ત્યારે તે બોલ્યો જે, “આવ્યા રામ.” તે સાંભળી મહારાજ કહે, “છે તો એમ પણ જો તમે ઓળખો.” તો એમ કહીને મહારાજ ચાલી નીકળ્યા. ॥૨૩૩॥
નાવલી ગામને પાદર શ્રીજીમહારાજ સ્વારો સહિત નીકળ્યા અને ઘોડાંને પાણી પાવા મંડ્યા. ત્યારે એક તરકડી બોલી જે, “સ્વામિનારાયણ! નજર રખીઓ.” ત્યારે મહારાજ કહે, “બહુ સારુ.” સુરોખાચર બોલ્યા જે, “શું ખબર રાખશો?” ત્યારે મહારાજ બોલ્યા જે, “તમારી સાથે એનું કલ્યાણ કરશું.” સુરોખાચર બોલ્યા જે, “અમે ઘરબાર મૂકીને તમારી સાથે ફરીએ છીએ.” મહારાજ કહે કે, “તેણે મને ભગવાન જાણ્યો તેથી (કલ્યાણ કરીશું) કેમ તમને કોઈને ન કહ્યું જે ખબર રાખજો માટે તમારી સાથે એનું કલ્યાણ કરવું છે.” ॥૨૩૪॥
વડોદરામાં મંદિર પાસે એક બાઈ રહેતી હતી. અને સાધુ કીર્તન બોલતા જે ‘રે સગપણ હરિવરનું સાચું...’ એ કીર્તનનું પદ તે બાઈ નિરંતર બોલ્યા કરતી હતી. પછી તેને દેહ મેલવા વખત થયો ત્યારે શ્રીજીમહારાજ વિમાન લઈને તેડવા પધાર્યા ત્યારે બાઈ બોલી જે, “સ્વામિનારાયણ! તમે કેવા?” મહારાજ કહે કે, “તું કહેતી હતી જે, ‘રે સગપણ હરિવરનું સાચું...’ તે તે હરિવર તો હું છું, તે સગપણે કરીને આવ્યો છું, તે તૈયાર થઈ જા.” પછી વિમાનમાં બેસારીને તેને ધામમાં લઈ ગયા. ॥૨૩૫॥
શ્રીજીમહારાજ જેતલપુર યજ્ઞ કરાવતા હતા અને પોતે ઘઉંનો ઢગલો કરીને સૌને ઘઉં દળવા સારુ દેતા હતા. તે સમે એક વેશ્યાએ મહારાજ પાસે આવીને કહ્યું જે, “મહારાજ! મને ઘઉં આપો.” મહારાજ કહે, “તું એક મણ ઘઉં દળી દે તો તારું કલ્યાણ કરું.” પછી તેને એક મણ ઘઉં આપ્યા. મહારાજ કહે, “તું તારે હાથે દળજે.” પછી તે પોતાને હાથે એક મણ ઘઉં દળીને મહારાજ પાસે લોટનો ટોપલો ભરીને લાવી અને મહારાજને હાથ દેખાડ્યા જે, “મારે હાથે ફોડલા પડ્યા છે.” મહારાજ કહે, “જા તારું કલ્યાણ થઈ ગયું.” ॥૨૩૬॥