સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીની વાતો
એક સમે શ્રીજીમહારાજ ગામ કુંડળમાં વિરાજમાન હતા અને લાડુ બારોટ ભાવનગરના રાજા પાસેથી શીરપાવ લઈને કુંડળ આવ્યા અને ત્યાં અમરા પટગરને ઘરે ઘોડી બાંધી અને ખાટલો પાથરી દઈને તે ઉપર લાડુ બારોટને બેસાર્યા. તે સમે શ્રીજીમહારાજ જમીને ઢોલીયા ઉપર પોઢ્યા હતા અને પોતાના ચરણારવિંદ ઉઘાડા રાખ્યાં હતાં પછી લાડુ બારોટ બોલ્યા જે, “રાઈબાઈ! આ કોણ સુતું છે?” ત્યારે રાઈબાઈ કહે, “એ તો અમારા બાવોજી છે.” લાડુ બારોટ કહે, “બાવોજી આવા હોય નહીં!” એમ કહ્યું એટલે મહારાજે મુખારવિંદ ઉઘાડું કર્યું. મહારાજ કહે, “લાડુ બારોટ! તમે કેવા?” લાડુ બારોટ કહે, “અહો! આ તો મહારાજ! તમે કેવા?” ત્યારે મહારાજ કહે, “હમણાં હું આહીં આવ્યો છું.” પછી વાતચીત કરતાં કરતાં મહારાજે કહ્યું જે, “લાડુ બારોટ! અમારે તો બહુ ઉપાધિ છે.” ત્યારે લાડુ બારોટ કહે, “મહારાજ! તમે તો ભગવાન છો અને વળી તમારે ઉપાધિ શી હોય?” ત્યારે મહારાજ કહે કે, “ગઢડામાં એભલ ખાચરની દીકરી મોટીબા ને આ મામૈયા પટગરને વેરે પરણાવ્યાં છે પણ તે અહીં આવતાં નથી.” ત્યારે લાડુ બારોટ કહે, “એમાં તે શું? મહારાજ! બાઈને સમજાવવી તેમાં શું મોટી વાત છે? એ તો હું સમજાવું.” ત્યારે મહારાજ કહે, “તમે જો સમજાવો તો બહુ ભારે કામ થાય અને અમારી ઉપાધિ માત્ર ટળી જાય.” ॥૮૨૫॥
પછી ત્યાંથી લાડુ બારોટ મહારાજને પગે લાગીને ચાલ્યા તે સવારમાં ગઢડે આવ્યા અને એભલ ખાચરના દરબારમાં ઘોડી બાંધી અને એભલ ખાચરે લાડુ બારોટની બહુ આગતા સ્વાગતા કરી અને બહુ સત્કાર કર્યો. અને પછી રોટલા જમીને લાડુ બારોટ બોલ્યા જે, “મારે તમારી દીકરીઓ પાસે ઘડીવાર બેસવું છે અને વાતચીત કરવી છે.” એભલખાચર કહે, “તે તો કોઈ પુરુષ સાથે વાતચીત કરતાં નથી.” તેમ કોઈ પુરુષને પોતાનું મુખ દેખાડતાં નથી એવો ધર્મ પાળે છે.” લાડુ બારોટ કહે, “હું ઓસરીમાં બેસું અને બાઈયો સૌ ઓરડામાં બેસે.” પછી લાડુ બારોટને ઉત્તરાદાબારના ઓરડાની ઓસરીમાં ચાકળો નાંખી આપ્યો, તે ઉપર બેઠા. તે સમે ગામના કેટલાક લોક પણ ભેળા થયા હતાં. પછી લાડુ બારોટે વારતા કરવા માંડી. તેમાં કેટલીક રસ શ્રૃંગારની પણ વાતો કરી અને દેવયાની આદિક સતીયોની પણ કેટલીક વાતો કહી સંભળાવી અને પોતે વારતામાં એવો રસ મેલ્યો જે, “ગમે તેવો હોય તે પણ ગળી જાય.” અને ત્યાં દૃષ્ટાંતો આપી આપીને ઘણીક વખત વાતો કરી. બાઈયો પણ ઓરડામાં બેઠાં હતાં. તેઓ સાંભળીને એમ વિચાર કરવા લાગ્યાં જે, “ક્યારે આ બોલતા બંધ થાય? અને આપણે તેમને સામો ઉપદેશ સંભળાવીયે.” પછી લાડુ બારોટનું વાક્ચાતુર્ય સાંભળીને સૌ લોક આશ્ચર્ય પામ્યા જે, “આ તો બૃહસ્પતિ છે કે શું?” એમ સૌના મનમાં થયું. ॥૮૨૬॥
પછી વાસુદેવનારાયણના ઓરડામાંથી લાડુબાએ કહેવરાવ્યું જે, “બાપુ! લાડુ બારોટને કહો જે તમોએ જે જે દૃષ્ટાંતો દઈ દઈને વાતો કરી તે અમોએ સાંભળી ને અમે જે આ દેહ ધર્યો છે તે કાંઈ વિષય ભોગવવાને માટે ધર્યો નથી અને અમારે તો આ દેહે કરીને બ્રહ્મચર્ય વ્રત પાળીને પ્રભુના પદને પામવું છે અને અમારાં જેવાં અનેક પ્રભુને રસ્તે ચાલે તેવા કરવા છે.” એમ કહીને લાડુબા બોલ્યા જે, “વિષયનો જીવ હોય તેને તો વિષય જ સારા લાગે, કેમ કે તેણે ભગવાનના સુખનો અનુભવ કર્યો જ નથી અને જેમ ગીંગો હોય તેને વિષ્ટા સારી લાગે અને ભમરાને તે ઉત્તમ પુષ્પનો સુગંધ સારો લાગે. અને ગર્દભ જો સાકર ખાય તો મૃત્યુ પામે અને હય ખારેકથી મૃત્યુ પામે. ખીર શ્વાનના પેટમાં રહે જ નહીં અને ખાખરાની ખીલખોડીને આંબાનો રસ સારો લાગે જ નહીં. તેમ જે વિષથી જીવ છે તે તો વિષયના જ વખાણ કરે પણ જેણે પ્રભુનો રસ ચાખ્યો છે તેને તો વિષય ગમે જ નહીં.” તેમ કેટલાક વિષયના નિષેધ કરી દેખાડ્યા અને વિષયને ભોગવવે કરીને યમયાતના ભોગવવી પડે છે તથા લખચોરાશીમાં ફરવું પડે છે – વિગેરે કેટલીક વિષયના નિષેધની વાતો લાડુબાએ લાડુ બારોટને કહી દેખાડી. તે સાંભળીને લાડુ બારોટ તો ઘણાજ વિચારમાં પડી ગયા જે, “આમની આગળ મારૂં ડહાપણ કામ આવે એવું નથી. અને આ તો મહા સતીઓ હોય તેવી છે! અને મહારાજે મને આંહીં જ્ઞાન કહેવા મોકલ્યો નથી પણ જ્ઞાન સાંભળવા મોકલ્યો છે.” પછી પોતાના મનમાં વિચાર થયો જે, “આપણે પણ સંસારનો ત્યાગ કરી દેવો. ને પ્રભુને શરણે થાવું.” પછી પોતે ઉઠીને છેટેથી બાયઈઓને પગે લાગ્યા. અને કહેવરાવ્યું જે, “મેં અજ્ઞાનથી જે જે શબ્દ તમને કહ્યા હોય તેની હું માફી માગું છું. અને તમે તો સાક્ષાત્ યોગમાયાનો અવતાર છો.” એમ કહીને પછી પોતાને ઉતારે ગયા. ॥૮૨૭॥
પછી બીજે દિવસે સવારમાં સૌની રજા લઈને લાડુ બારોટ કુંડળ ગયા અને ત્યાં શ્રીજીમહારાજને દંડવત કરીને પગે લાગ્યા. અને મહારાજને કહ્યું જે, “મહારાજ! તમે તો મને જ્ઞાન આપવા ક્યાં મોકલ્યો હતો? તમે તો મને જ્ઞાન લેવા મોકલ્યો હતો.” એમ કહીને પગે લાગ્યા. “કેમ કે તે બાઈયો તો કોઈ રીતે ચળાયમાન થાય તેવી નથી જેમ શ્રીકૃષ્ણ ભગવાને વ્રજમાં ગોપીયું પાસે ઉદ્ધવજીને મોકલ્યા હતા અને ત્યાં ગોપીયુંની વાણી સાંભળીને ઉદ્ધવજીને જેમ વૈરાગ્ય થયો હતો તેમ જ મને પણ બાઈયોની વાણી સાંભળીને આ સંસારમાંથી વૈરાગ્ય થયો છે. અને આ જીવન તો તમારી સેવામાં જ ગાળવું એવો દૃઢ નિશ્ચય કર્યો છે.” પછી પોતાના વસ્ત્રાલંકારાદિક ઉતારીને મહારાજ પાસે મેલ્યાં અને મહારાજને કહ્યું જે, “મને દીક્ષા આપો.” પછી પોતાની સાથે માણસ હતો તેને પોતાની ઘોડી વિગેરે આપી તેને પોતાને ઘરે મોકલ્યો અને પોતે મહારાજ સાથે ગઢપુર આવ્યા. અને મહારાજે દીક્ષા આપીને શ્રીરંગ નામ પાડ્યું. ॥૮૨૮॥
પછી ઘરે પોતાના માતા પિતા વિગેરે સંબંધીને ખબર પડી જે, “લાડુ બારોટ તો દીક્ષા લઈને સ્વામિનારાયણની સેવામાં રહ્યા છે.” એવા સમાચાર સાંભળીને સૌ સંબંધીઓ મળીને ગઢપુરમાં આવ્યા અને સ્વામીને પોતાને ઘરે લઈ જવાને માટે બહુ આગ્રહ કર્યો. કેમ કે પોતે રજવાડામાં બહુ જ પ્રસિદ્ધિ પામ્યા હતા. તેથી પોતાની જ્ઞાતિમાં સૌને એમ હતું જે, “આપણી જ્ઞાતિમાં આ એક સૂર્ય સમાન રત્ન પાક્યું છે.” એમ જાણીને ઘરે લઈ જવાને સૌએ બહુ જ આગ્રહ કર્યો. પછી સ્વામી સભામાં એક નવું કીર્તન કરીને બોલ્યા જે, ‘રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું રે…’ તેમાં શૂરાનું અને સતીના દૃષ્ટાંત આપ્યાં તથા હાથીનું દૃષ્ટાંત આપીને ચારે કીર્તન બનાવીને સભામાં સંભળાવ્યાં. પછી સૌએ જાણ્યું જે, “હવે, આમાં આપણું ચાલે તેમ નથી. કારણ કે સાધારણ માણસ હોય તેને સમજાવી શકીએ પણ આ તો મહાશીઘ્રકવિ અને નીતિશાસ્ત્રમાં પણ કુશળ અને બૃહસ્પતિના જેવી બુદ્ધિ છે તેની આગળ અલ્પ જીવ શું કરી શકે?” પછી સૌ નિરાશ થઈ પોતપોતાને ઘરે ગયા અને સ્વામી શ્રીજીની સેવામાં રહ્યા. ॥૮૨૯॥
એક સમે શ્રીજીમહારાજ કરીયાણામાં વિરાજમાન હતા. ત્યાં બ્રહ્માનંદ સ્વામી ફરતા ફરતા આવ્યા અને એક કણબીની વાડીએ ઉતર્યા. ત્યાં એક કણબીનો છોકરો ઘઉંની વાડીનો કોસ હાંકતો હતો. તેને સ્વામીએ કહ્યું જે, “તું ગામમાં સ્વામિનારાયણને કહી આવ જે બ્રહ્માનંદ સ્વામી દર્શને આવ્યા છે તે આંહીં દર્શને આવે?” છોકરો કહે કે, “મારો કોસ ખોટી થાય.” ત્યારે સ્વામી કહે કે, “લાવ્ય, તારો કોસ હું હાંકું.” છોકરો કહે, “તમને કોસ હાંકતા આવડતો હોય તો સાધુ શા સારુ થાઓ?” પછી બ્રહ્માનંદ સ્વામી કહે, “લાવ્ય તો ખરો, હું કોસ હાંકી જોઉં તે તું જો.” પછી સ્વામીએ બે ત્રણ કોસ કાઢ્યા. તે જોઈ છોકરો ગામમાં ગયો અને મહારાજને પૂછ્યું જે, “બ્રહ્માનંદ સ્વામી તમારે દર્શને આવ્યા છે તે આવે?” ત્યારે મહારાજ કહે, “ના, બંધી છે.” અને તે છોકરો તે સમાચાર લઈને જ્યાં વાડીએ આવ્યો, ત્યાં તો આખી વાડીના ક્યારા સ્વામીના પ્રતાપથી બધા પાણીના ભરેલા જોઈ છોકરો બહુ રાજી થયો જે, “સાધુ તો બહુ મોટા! જે ઘડીકમાં આખી વાડી પાઈ દીધી!” પછી છોકરાએ સ્વામીને કહ્યું જે, “મહારાજે તો ના પાડી છે.” પછી સ્વામીએ કાગળના કટકામાં કીર્તન લખીને તે છોકરાને આપ્યું જે,
સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી॥
મારા પ્રાણના આધાર॥ જેમ રાખો તેમ રહીયે વચનને સાથજી॥ ટેક॥
અમે તમ કારણ સહિયાં મેણાં॥ નાથ નિરખવાને સુણવા વેણાં॥
અમે તૃપ્ત નવ કીધાં નેણાં રે॥ સુણો ચતુર॥ ૨॥
પેલાં પ્રીતી કરીતી શિદ આગે॥ દૂધ દેખાડીને માર્યા ડાંગે॥
પછી તેને કેવું વશમું લાગે રે॥ સુણો॥ ૩॥
અમે લોકલાજ કુળની લોપી॥ અમે કહેવાયાં ગીરધરનાં ગોપી॥
અમે તમ કારણ પહેરી ટોપી રે॥ સુણો॥ ૪॥
કંઈ દયા આવે તો દર્શન દેજો॥ નહીં તો અખંડ અંતરમાં રહેજો॥
એમ શ્રીરંગના સ્વામીને કહેજો॥ સુણો॥ ૫॥
એ કીર્તન લખીને તે છોકરા સાથે મોકલ્યું. તે છોકરો લઈને મહારાજ પાસે ગયો. પછી મહારાજે છોકરા સાથે કહેવરાવ્યું જે, “સ્વામીને કહેજે, સુખેથી દર્શને આવે.” પછી સ્વામી મહારાજના દર્શને ગામમાં ગયા અને મહારાજને દંડવત્ કરીને પગે લાગ્યા અને મહારાજ સ્વામી ઉપર બહુ રાજી થયા. ॥૮૩૦॥
ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં શાક વિગેરે કાંઈ ચીજ જોઈતી હોય તે બ્રહ્માનંદ સ્વામી આજ્ઞા કરે ત્યારે લવાય. પણ સ્વામીની આજ્ઞા સિવાય કોઈ કાંઈ ચીજ લાવી શકે નહીં એવો મહારાજે ઠરાવ કરેલો હતો. ॥૮૩૧॥
શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા અને બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ હતા અને તે સમે અહીંયાં શ્રીજીએ દેહ ત્યાગ કર્યો. તે વખતે જુનાગઢના મંદિરની પદ્મશીલા ચડાવતા હતા. તે દોર તુટ્યો અને શીલા નીચે પડી અને દત્તાત્રેયના દેરાનો ઘંટ તૂટીને નીચે પડ્યો અને દામોદરનું દેવાલય ફાટ્યું વિગેરે અપશુકનો જોઈને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “આજ નક્કી કાંઈ અનિષ્ટ સાંભળશું.” કેમ કે પોતે જ્યારે ગઢપુરથી ચાલ્યા ત્યારે મહારાજે કહ્યું હતું જે, “ગુરુના મંદિર સારા થાય છે કે શિષ્યના?” અને મહારાજના મનમાં એમ હતું જે, “જો બ્રહ્માનંદ સ્વામી આંહીં હશે તો મને ધામમાં જાવા નહીં દે!” એમ જાણીને સ્વામીને જુનાગઢ મોકલ્યા હતા. અને પછી દિવસે બાર વાગ્યા અને હરેનો વખત થયો ત્યાં ભગુજી ઉંટ લઈને પહોંચ્યા અને કાગળ લઈને સ્વામી પાસે નાંખ્યો અને ભગુજીને ભાળીને સ્વામી લમણે હાથ દઈને પૃથ્વી ઉપર બેસી ગયા અને તે કાગળ વાંચીને સૌ દીલગીર થઈ ગયા અને સૌ શોકાતુર થઈ ગયા અને અન્ન જળનો ત્યાગ કર્યો. પછી બીજાને ત્યાં રાખીને પોતે ભગુજી સાથે ઘોડીયે બેસીને ગઢપુર આવ્યા અને શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા હતા. તેથી પોતે રુદન કરી કરીને પોતાની આંખો સુજી ગઈ હતી. પછી પોતે પરબારા ગોપીનાથજી મહારાજને દર્શને આવ્યા અને ઠાકોરજીની સન્મુખ ઉભા રહીને કીર્તન બોલ્યા જે ‘પાતળીયે હર્યા પ્રાણ રે બેની મારાં પાતળીયે હર્યા પ્રાણ રે...’ એ જ્યાં એક પદ બોલ્યાં ત્યાં તો ગોપીનાથજી મહારાજના સ્વરુપમાંથી લાંબા હાથ કરીને મોગરાનો મોટો હાર સ્વામીને પહેરાવ્યો અને બાથમાં ઘાલીને મળ્યા. ત્યારે સ્વામી બોલ્યા જે, “હાશ! મારો બાપ મને મેલીને ગયા નથી, આંહીં બિરાજે છે.” અને પછી સ્વામીને માથે હાથ મેલ્યા. ॥૮૩૨॥
સ્વામીને આવ્યા સાંભળીને સૌ સદ્ગુરુ ભેળા થઈને ધર્મશાળામાં સભા કરીને બેઠા હતા. પછી સ્વામી મંદિરમાંથી સાધુની ધર્મશાળામાં પધાર્યા અને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી વિગેરે સદ્ગુરુને ઠપકો દઈને કહ્યું જે, “તમોએ મને ખબર કેમ કરી નહીં? કેમ કે ઉંટ નિત્યે સીતેર ગાઉ ચાલે છે તો હું ઊંટે બેસીને આંહીં આવત અને મહારાજને અગ્નિ સંસ્કાર તમે શા સારુ કર્યો? કેમ કે હું ધામમાંથી આંહીં પાછા લાવત!” એમ કહીને સૌને ઘણોક ઠપકો દીધો. પછી મહારાજની ઉત્તરક્રિયા કરતાં સુધી રહીને પાછા જુનાગઢ ગયા. ॥૮૩૩॥
એક વખત બ્રહ્માનંદ સ્વામી માંદા થયા હતા. પછી સૌએ શ્રીજીમહારાજને કહ્યું જે, “મહારાજ! સ્વામી જેવા સદ્ગુરૂ સત્સંગમાં હોય તો ઘણોક સમાસ થાય. માટે તેમને શરીરે સારૂ થાય તેમ કરો.” પછી મહારાજ કહે કે, “બ્રહ્માનંદ સ્વામીની આયુષ્ય પુરી થઈ રહી છે.” તેથી સૌ સંત તથા હરિજન અને બાઈયો બોલી જે, “અમે સૌ થોડી થોડી આવરદા આપીએ.” પછી સ્વામીને શરીરે સારૂ થયું અને એક વખત બ્રહ્માનંદ સ્વામીના સાધુ હતા. તે કાંઈક મુંઝવણને લીધે મુક્તાનંદ સ્વામી ભેગા ગયા. પછી બ્રહ્માનંદ સ્વામી તેથી કરીને ત્રણ દિવસ સુધી મુક્તાનંદ સ્વામીને દર્શને ગયા નહીં. તે વાતની મહારાજને ખબર પડી. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, “સ્વામી! તમે ત્રણ દિવસથી મુક્તાનંદ સ્વામીને દર્શને ગયા નથી?” ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! એમાં મારો શો વાંક છે? તેમાં તો તમારો વાંક છે જે, હું માંદો હતો અને સૌની આવરદા તમોએ મને આપી છે. તે ત્રણ દિવસની કોઈ ડોસીની આવરદા ભોગવી હશે! તેથી સ્વામીને દર્શને કેમ જવાય?” પછી મહારાજ કહે, “સ્વામી! આવા સાધુ તો હું સાંજે પચાશ કરી આપું! પણ કાંઈ મુક્તાનંદ થાય!” પછી સાધુને બ્રહ્માનંદ સ્વામી પાસે પાછો મોકલાવ્યો. ॥૮૩૪॥
એક વખત શ્રીજીમહારાજે સૌ સંતને શાલીગ્રામ પૂજવા આપ્યા હતા અને બ્રહ્માનંદ સ્વામીને એક મોટા શાલીગ્રામ આપ્યા. ત્યારે સ્વામી બોલ્યા જે, “મહારાજ! મારે તો ઠીક થયું. જે આ પખતા છે તે એક કોરે ચંદન ઘસીશ અને એક કોરે ચંદન ચડાવીશ.” પછી મહારાજ બોલ્યા જે, “પોતાની જાતીનો સ્વભાવ મેલ્યો નહીં.” એમ કહીને મશ્કરી કરી. ॥૮૩૫॥
એક વખત મહારાજે પ્રકરણ ફેરવ્યું ને સૌને શણના ટાટ પહેરાવ્યાં. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! આ ઠીક કર્યું. કેમ કે જેને શરીરે ધાધર હશે તેને ખંજવાળવું નહીં પડે.” ॥૮૩૬॥
એક વખત શ્રીજીમહારાજે આજ્ઞા કરી જે, “સૌએ ત્રણ હાથનો કટવેડો રાખવો.” અને બ્રહ્માનંદ સ્વામીનું શરીર પુષ્ટ હતું. તેથી તેમણે ચાર હાથનો રાખેલો હતો. પછી કોઈક સાધુએ કહ્યું જે, “મહાપુરુષ! તમે આજ્ઞા કેમ લોપી? ત્રણ હાથ રાખવાનો છે અને ચાર હાથ રાખ્યો?” પછી સ્વામીએ એક હાથ ફાડીને નાંખી દીધો. ॥૮૩૭॥
શ્રીજીમહારાજે આજ્ઞા કરેલી જે, “સૌએ એકીલા ફરવું અને કોઈનો સાદ સંભળાય નહીં એવી જગ્યામાં રહેવું અને એક ઠેકાણે બે દિવસ રહેવું નહીં.” એમ મહારાજે આજ્ઞા કરીને સૌને ફરવા મોકલ્યા હતા. પછી બ્રહ્માનંદ સ્વામી બોટાદ ગયા અને ભગાશેઠને ખબર પડી જે, “સ્વામી વાડીયોમાં રહે છે.” પછી શેઠ સવારમાં દૂધનો લોટો ભરીને એક થાળીમાં શાક તથા રોટલો લઈને સ્વામી પાસે જતા. પછી સ્વામીને જમાડીને પછી સ્વામીની વાતો સાંભળવા ભગાશેઠ બેસતા. પછી ચાલે ત્યારે સ્વામી કહે કે, “કાલે પૂર્વ દિશામાં અમુક ઠેકાણે આવજો.” એમ સ્વામીને હંમેશા જમાડવા જતા. ॥૮૩૮॥
એક સમે મહારાજે આજ્ઞા કરી જે, “તમે જુનાગઢનું મંદિર કરવા જાઓ.” પછી સ્વામી જુનાગઢનું મંદિર કરવા પધાર્યા. પણ પોતા પાસે કાંઈ સિલક નહીં. પછી મહારાજને કાગળ લખી માણસ સાથે ગઢડે મોકલ્યો. તેમાં એમ લખેલું જે, “તમે અહીં પધારો તો વંડો વાળીયે.” પછી મહારાજે કાગળ વાંચીને ગામ બારપટોળીના કાળુ વાવડીયાને દર્શન દીધાં ને કહ્યું જે, “તારા ઘરમાં જેટલા રાળ હોય તેટલાં બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ આપી આવજે.” પછી તે કાળો ભગત પોતાના ઘરમાં હજાર રાળ હતાં. તે ગાડું ભરીને જુનાગઢ સ્વામીને આપી આવ્યા અને સ્વામીને કહ્યું જે, “મહારાજે મને દર્શન દઈને કહ્યું જે, તારા ઘરમાં જેટલા રાળ હોય તે જુનાગઢ બ્રહ્માનંદ સ્વામીને આપી આવજે.” પછી સ્વામીને તે રાળ આપીને પાછા ઘરે આવ્યા અને પટારા ઉઘાડીને જુએ ત્યાં તો પટારો રાળનો ભરેલો દીઠો. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા એમ શ્રીજીમહારાજે કાળુભગતને પરચો આપ્યો. ॥૮૩૯॥
સ્વામી જ્યારે જુનાગઢ મંદિર કરવા પધાર્યા હતા, ત્યારે જુનાગઢના નવાબને સ્વામી સાથે ઘણો સ્નેહ થયો અને સ્વામી તથા નવાબ બન્ને જણ સાથે ઘોડી ફેરવવા જતા. પછી એક દિવસ નવાબે સ્વામીને કહ્યું જે, “તમે મારૂં કવિત કરો તો તમને એક ગામ આપું.” ત્યારે સ્વામી બોલ્યા જે, “જ્યાં સુધી મને સ્વામિનારાયણ નહોતા મળ્યા ત્યાં સુધી હું જીવનું કવિત કરતો. પછી સ્વામિનારાયણ મળ્યા ત્યાર પછી હું જીવનું કવિત કરતો નથી!” સ્વામી કહે કે, “એમ ગામ શું પાંચ ગામ આપો તો પણ જીવનું કવિત હું હવે ન કરું!” પછી નવાબે કહ્યું જે, “તમે તો મોટા સમર્થ પુરૂષ છો! નહીં તો સ્ત્રી અને દ્રવ્યમાં કોણ ન લોભાય!” એમ કહી નવાબ સ્વામીના ચરણમાં પડ્યો. ॥૮૪૦॥
અને જે વખતે સ્વામી જુનાગઢનું મંદિર કરાવતા હતા, તે વખતે ત્યાંનો કોઈ મોટો અમલદાર રંગીલદાસ કરીને મોટો નાગર હતો. અને તે નાગર સત્સંગનો બહુ જ દ્વૈષી હતો. તે વખતમાં તે વડોદરા ગયેલો હતો. પછી અહીંયાં નાગરવાડામાં સ્વામીએ મંદિરનો પાયો નાંખ્યો હતો. તે જોઈ કેટલાક દ્વેષી લોક બળી ઉઠ્યા. અને પછી અમલદારોએ ભેગા થઈને કાગળ લખીને રંગીલદાસ ઉપર માણસ મોકલ્યું અને પછી રંગીલદાસે લખ્યું જે, “હું ત્યાં આવું તેટલી વાર છે! કેમ કે ગમે તેટલા પથરા ખડકે પણ એક કાંકરો પણ હું રહેવા દઈશ નહીં. તો એમ જાણજો જે મારું નામ રંગીલદાસ!” પછી તે કાગળ લઈને માણસ પાછું જુનાગઢ આવ્યું. તે કાગળને વાંચીને સૌ રાજી થયા. ત્યાંના એક સત્સંગી નાગર બ્રાહ્મણ હતા. તેણે આવીને બ્રહ્માનંદ સ્વામીને વાત કરી જે, “સ્વામી! વડોદરેથી આવી રીતનો કાગળ આવ્યો છે.” ત્યારે સ્વામી કહે, “તેની ક્યાં આપણે ચિંતા છે? એની તો મહારાજને ચિંતા છે!” પછી થોડા દિવસ કેડે તે રંગીલદાસ વડોદરાથી જુનાગઢ આવ્યો. તે વખતે રંગીલદાસને ઘોડેથી ઉતારીને ગાડીમાં બેસારતા હતા. પછી સોએ પ્રાર્થના કરી જે, “ભાઈ! તમો ઘોડેથી ઉતરીને ચાર ઘોડાની ગાડીમાં બેસો.” પછી તે ઘોડેથી નીચે ઉતરતો હતો તે વખતે તેને માણસ પેઘડું ઝાલીને ઉભો હતો તે પોતાના હાથમાં ફલાવાળી રફલ લઈને ઉભો હતો. પછી રંગીલદાસને ઘોડેથી નીચે ઉતરતાં વાયુની ચક્રી આવવાથી તે ફળાવાળી રફલ ઉપર પડ્યો. તેથી તેનું ફળુ તેના હૃદયમાં પેસી ગયું તેથી તે ત્યાં જ મૃત્યુને પામ્યો અને જેટલી સામગ્રી તેના સત્કાર માટે મોકલી હતી, તેનો સંકેલો કરી લીધો. પછી તેને ઉપાડીને ગાડીમાં નાખ્યો. અને નાગર બ્રાહ્મણ પણ સામો સામૈયે ગયો હતો, તે એકદમ પોતાની ઘોડી દોડાવી જ્યાં બ્રહ્માનંદ સ્વામી હતા ત્યાં આવ્યો. અને સ્વામીને એકાંતે લઈ જઈને કહ્યું જે, “રંગીલદાસનું તો આવી રીતે ભવિષ્ય થયું.” તે સાંભળીને સ્વામી સાખી બોલ્યા જે:
‘સંત સંતાપે જાત હે રાજકુળ અરુ વંશ,
ત્રણ્યે ટીળ તન દેખીયા રાવણ કૌરવ ને કંસ.’
પછી સ્વામી બોલ્યા જે, “જેણે જેણે ભગવાન તથા સંતનો દ્રોહ કર્યો છે, તે કોઈનો વંશ રહ્યો નથી માટે ભગવાન ને સંત રાજી થયા તેનું બેય લોકમાં કલ્યાણ થાય છે.” ॥૮૪૧॥
એક સમે શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં વિરાજમાન હતા અને બ્રહ્માનંદ સ્વામી પાસે બેઠા હતા. અને વરસાદે બહુ તાણ્યું હતું. પછી સૌ હરિજનોએ આવીને મહારાજની બહુ પ્રાર્થના કરી જે, “મહારાજ! વરસાદ થાય તો સારું!” ત્યારે મહારાજ કહે કે, “બ્રહ્માનંદ સ્વામી મલ્હાર રાગ ગાય તો વરસાદ થાય!” પછી સ્વામીએ મહારાજ પાસે બેસીને મલ્હાર રાગ ગાયો એટલે વરસાદ વરસવા લાગ્યો. ત્યારે મહારાજ બોલ્યા જે, “બ્રહ્માનંદ સ્વામીએ મલ્હાર રાગ ગાયો તેથી વરસાદ થયો.” ॥૮૪૨॥
શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી હતી જે, “તમે મુળીનું મંદિર કરાવજો.” અને મહારાજ તો સ્વધામ પધાર્યા ત્યાર પછી સ્વામી મુળીનું મંદિર કરવા ત્યાં ગયા અને પોતાની સાથે છ સાધુ હતા અને એક ઉમો ભગત હતા. અને ઉમા ભગતની ઝોળીમાં છ રૂપિયા હતા. પછી સ્વામીએ મુળીયે જઈ ચોક વચ્ચે લીંબડો છે તેની ડાળખીએ ઝોળીયો ભરાવી અને મંદિરના પથરા કાઢવા માટે પોતે કેટલીક જગ્યાએ ફર્યા. પછી શ્રીજીમહારાજ બ્રાહ્મણનું સ્વરુપ ધારણ કરીને ખાટડીને સીમાડે જઈ સ્વામીને કહ્યું જે, “આ ઠેકાણે પથરો સારો છે અને આ ઠેકાણે એક જુની વાવ છે તે ખોદાવજો. ત્યાં પાણી સારું નીકળશે.” પછી તે ઠેકાણે વિપ્રનું સ્વરુપ અદૃશ્ય થઈ ગયું. પછી સ્વામીએ પ્રથમ વાવ ખોદાવી અને પછી પાણા કાઢવાનું શરુ કરાવ્યું. ॥૮૪૩॥
પછી મુળીમાં સ્વામી મંદિરનું કામ શરુ કરીને પોતાના સંત સાથે લઈને ગામ હળવદ પધાર્યા. ત્યાં સૌ હરિજનોને રાતે ભેળા કરીને કહ્યું જે, “આપણે મુળીનું મંદિર કરવું છે માટે સૌ સૌની શ્રદ્ધા પ્રમાણે સેવા કરો.” એટલે તે જ રાત્રે ખરડો કર્યો. જેમાં ત્રણ હજાર રૂપિયા થયા. પછી હરિજનોએ આગ્રહ કર્યો જે, “સ્વામી! કાલે જમીને પધારજો.” ત્યારે સ્વામી કહે, “જો હું જમવા રોકાઉં તો દરરોજ બસો રૂપિયાનું ખરચ ચડે છે.” ત્યારે હરિજનોએ હાથ જોડ્યા જે, “બસો રૂપિયા લ્યો. પણ જમ્યા વગર જવાય નહીં!” પછી સ્વામી જમીને ચાલવા તૈયાર થયા ત્યારે હરિજનોએ કહ્યું જે, “સ્વામી! ઘરમાં પગલાં કરવા પધારો.” ત્યારે સ્વામી કહે, “ઘરમાં પગલાં કરવાના એકસો રૂપિયા બેસે!” ત્યારે હરિજનોએ હા કહી. એટલે સ્વામી ઘરમાં પગલાં કરવા પધાર્યા. પછી હરિજનોએ કહ્યું જે, “સ્વામી! પટારા ઉપર હાથ મેલો.” સ્વામી કહે, “પટારા ઉપર હાથ મેલ્યાના પચાસ રૂપિયા જોઈએ!” એમ દરેક જણને ઘરે પધરામણી કરીને સ્વામી પાંચ હજાર રૂપિયા લઈને મુળીએ પધાર્યા ને મંદિરનું કામ શીઘ્રપણે ચલાવ્યું. ॥૮૪૪॥
શ્રીજીમહારાજ વડતાલમાં ઉગમણે ઝાંપે દેરી છે ત્યાં સભા કરીને વિરાજમાન હતા. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, “આપણે લક્ષ્મીનારાયણદેવના આવાં મંદિર કરાવવાં.” પછી સ્વામીએ ત્રણ શિખરનો પાયો નંખાવ્યો. પછી સ્વામીએ કાગળ લખીને એક માણસ ગઢડે મોકલ્યો. ને ગઢડેથી મહારાજને પધારવા લખ્યું ને લખેલ જે, “એક દિવસ અહીંયાં વડતાલ પધારો તો સારું.” પછી મહારાજે ગઢપુરથી સાખી લખીને મોકલી જે:
‘અપની પહોંચ બીચારકે કર્તવ્ય કીજે દોડ,
એસા પાવ પસારીયે જૈસી લાંબી સોડ.’
પછી તે કાગળ લઈને તે માણસ પાછો વડતાલ ગયો અને કાગળ વાંચીને સ્વામીએ બીજી સાખી નીચે મુજબ લખી માણસ ગઢપુર મોકલ્યો:
‘સાહેબ સરીખા શેઠીયા બસત નગરકે માંહી,
તીનકે ઘરમાં કહાં કમી જાકી હુંડી ચલત નવખંડમાંહી.’
સ્વામીએ લખ્યું કે, “મેં વિચારીને કર્યું છે કેમ કે તમારા જેવા શેઠ જોઈને આ કામ આદર્યું છે! માટે તમો આંહીં પધારો.” ॥૮૪૫॥
પછી શ્રીજીમહારાજ ગઢપુરથી વડતાલ પધાર્યા. અને સમૈયામાં હજારો હરિજનો મહારાજના દર્શન કરવા આવેલા હતા અને જે વખતે સૌ હરિજન મહારાજને ભેટ કરવા લાગ્યા, ત્યારે સ્વામીએ એક પોતાનો પાળો મહારાજ પાસે રાખ્યો જે, “જેટલી ભેટ આવે તેટલી લઈ લેવી.” પણ મહારાજને પાળે સ્વામીના પાળાને ભેટ લેવા દીધી નહીં. પછી સ્વામીએ તે પાળાને એકાંતે બોલાવીને ખૂબ ધમકી આપી. પછી તેણે જઈને મહારાજને વાત કરી જે, “સ્વામીએ આ રીતે મને ધમકી આપી.” મહારાજ બીજે દિવસે સાબદા થઈને ચાલી નીકળ્યા. અને સૌ સંત તથા હરિજન મહારાજને વળાવવા સારૂ સાથે ગયા. ત્યાં મહારાજે મંદિરના વ્યવહારની ભલામણ મોટા અક્ષરાનંદ સ્વામીને કરી. પછી સૌને પાછા વાળ્યા પણ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું નહીં જે તમે પાછા વળો. પછી ગામ મહેળાવ આવીને રાત રહ્યા. ત્યારે મહારાજે સ્વામીને કહ્યું જે, “સ્વામી! તમે આંહીંયા સુધી આવ્યા છો?” ત્યારે સ્વામી કહે, “તમે સૌને પાછા વાળ્યા પણ મને કહ્યું નહીં જે તું પાછો વળ્ય.” પછી સ્વામી વડતાલ જાવાને માટે તૈયાર થયા ત્યારે મહારાજ બોલ્યા જે, “સ્વામી! તમારું ત્યાં શું છે?” ત્યારે સ્વામી કહે, “મારું ત્યાં પત્તર તથા તુંબડું અને પૂજા; એ ત્રણ વાનાં છે.” ત્યારે મહારાજ કહે, “લાવો, આપણી પૂજા.” એટલે તે પૂજામાંથી ત્રણ મૂર્તિયો આપી અને બીજા સંત પાસેથી પત્તર તથા તુંબડી અપાવી. તેથી સ્વામી સમજી ગયા કે મેં પાળાને ધમકી દીધેલી તેનો આ પ્રતાપ છે. પછી મહારાજ કહે કે, “સ્વામી! તમે તો એક મંદિર જેવાં એક એક કીર્તન કરો છો. માટે મારી સાથે રહો.” પછી બ્રહ્માનંદ સ્વામીએ રાતમાં ચાર કીર્તન કરીને બોલ્યા અને સવારમાં ઉઠીને પ્રભાતી બોલ્યાં જે:
‘અધમ ઉદ્ધારણ અવિનાશી તારા બિરુદ તણી બલીહારી રે…’
એ પ્રભાતી નવી બનાવીને બોલ્યા. ॥૮૪૬॥
સ્વામી એક વખત ભાલ દેશમાં જતા હતા અને ઘઉંના પોંકનો વખત હતો અને કણબીના છોકરાં ખેતરમાં ઘઉંનો પોંક પાડતા હતા. પછી સ્વામીએ કહ્યું જે, “છોકરાઓ! કેમ પોંક આપશો?” છોકરા કહે, “તમને પોંક આપવાથી શું થાય?” ત્યારે સ્વામી કહે, “તમારું કલ્યાણ કરું! જ્યારે તમને મરવા વખત થાય ત્યારે મારી ફાંદય સંભારજો!” પછી છોકરાએ સ્વામીને પોંક આપ્યો અને તે છોકરા જ્યારે વૃદ્ધ થયા અને તેમનું ભવિષ્ય આવી રહ્યું ત્યારે સ્વામીએ દર્શન દીધાં. પછી તે છોકરાં બોલ્યા જે, “ભલે ફાંદ્યવાળા ભલે મને તેડવા આવ્યો!” એમ કહીને દેહ મેલીને સ્વામી સાથે ધામમાં ગયા. ॥૮૪૭॥
ગામ ધ્રાંગધ્રામાં સ્વામી પથ્થર લેવા ગયા હતા અને ત્યાંના સોનીએ સ્વામીને પોતાને ઘરે જમાડ્યા. પછી સ્વામીએ કહ્યું જે, ઠતું વર્તમાન ધાર અને હું તને અંતકાળે તેડવા આવીશ.” પછી તેને વર્તમાન ધરાવ્યાં અને તેનો અંત સમો થયો ત્યારે શ્રીજીમહારાજને તેડીને સ્વામી તેને લેવા પધાર્યા. પછી તે સોની બોલ્યો જે, “આ બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણને લઈને મને તેડવા આવ્યા છે અને તેમની સાથે હું ધામમાં જાઉં છું.” ॥૮૪૮॥
એક સમે સાધુ ધ્રાંગધ્રેથી મેથાણ જતા હતા. પછી રસ્તે જતાં વેરાજી મળ્યા. તે પોતાના હથિયાર હેઠાં મેલીને સાધુને લુંટવા મંડ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “તમને લુંટતાં આવડતું નથી. કેમ કે તારા હથિયાર હેઠાં મૂકીને લુંટે છે તે અમારામાંથી કોઈકને શૂરાતન આવ્યું તો તે વર્તમાન ચુકશે.” પછી તે વેરાજીએ હથિયાર હાથમાં લઈને સંતને લૂંટી લીધાં. ॥૮૪૯॥
એક સમે શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં વિરાજમાન હતા. ત્યાં બ્રહ્માનંદ સ્વામી દર્શને ગયા પછી મહારાજને પગે લાગીને બોલ્યા જે, “મહારાજ... દયા કરો.” મહારાજ કહે, “અમો કેટલી દયા કરીએ કેમ કે અષ્ટાવરણના અધિપતિ મને રોકવા લાગ્યા પણ હું ક્યાંઈ રોકાણો નહીં અને તમારા પંચભૂતના લોચા ભેળો આવીને પડ્યો.” ત્યારે સ્વામી કહે, “મહારાજ! અમારે માયાનું આવરણ તે સમજાય નહીં.” પછી મહારાજે પછેડી ઓઢી હતી, તે ઉતારીને હેઠી મેલી અને મહારાજે કહ્યું જે, “કરો દર્શન, હવે માયાનું આવરણ છે?” ત્યારે સ્વામી બોલ્યા જે, “મહારાજ! આવી દયા તો અમે જાણી નહોતી!” ॥૮૫૦॥
શ્રીજીમહારાજ ગઢપુરમાં અક્ષરઓરડીમાંથી સાધુની ધર્મશાળામાં પધાર્યા. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, “તમે કેવા સત્સંગી થયા છો?” ત્યારે સ્વામી કહે કે, “મહારાજ! અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ.” ત્યારે મહારાજ કહે, “તમે ખરેખરા સત્સંગી થયા હો તો કહો અમે અક્ષરઓરડીમાં શું કરતા હતા?” પછી સ્વામી કહે , “ના, મહારાજ! અમે એવા સત્સંગી તો નથી થયા.” પછી મહારાજ કહે, “અમારા એવા સત્સંગી તો પર્વતભાઈ તથા ગોરધનભાઈ તથા વશરામ ભગત તથા સચ્ચિદાનંદ સ્વામી વિગેરે અમારા ખરેખરા સત્સંગી છે તે અહીંયા જે જે લીલા કરીએ તે ત્યાં બેઠા થકી દેખે છે.” ॥૮૫૧॥
એક સમે શ્રીજીમહારાજ ગઢપુરમાં અક્ષરઓરડીમાં માથે વસ્ત્ર ઓઢીને ધ્યાન કરતા હતા. તે સમે બ્રહ્માનંદ સ્વામી મહારાજને દર્શને આવ્યા અને મહારાજને કહેવા લાગ્યા જે, “મહારાજ, એ મહારાજ. તમે ધ્યાન કરો છો તે તમને ભગવાનની મૂર્તિ દેખાય છે? અમને તો નથી દેખાતી!” પછી મહારાજ બોલ્યા જે, “આ અમને ધ્યાન કરવા નહીં દે.” એમ કહીને મહારાજે મુખારવિંદ ઉઘાડું કર્યું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “હવે, અમને ભગવાનની મૂર્તિ દેખાણી.” એમ કહીને મહારાજને રાજી કર્યા. ॥૮૫૨॥
શ્રીજીમહારાજ ગઢપુરમાં રાધા વાવે વિરાજમાન હતા અને ત્યાં સુરતનો સંઘ આવ્યો. તે પોશાક તથા રૂપાની વાંસળી લાવ્યા હતા. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! તમે કૃષ્ણાવતારમાં વાંસળી વગાડતા, તે આવડે છે કે ભૂલી ગયા છો?” ત્યારે મહારાજ કહે કે, “આવડે છે.” ત્યારે સ્વામી કહે, “આવડતી હોય તો વગાડો તો સાંભળીયે.” પછી મહારાજે વાંસળી વગાડી. તે ઘેલા નદીનું પાણી સ્થિર થઈ ગયું અને ગાયો ચરતી હતી તે ચરતી બંધ થઈ ગઈ.
‘વાલે વગાડી છે વાંસળી રે કાલીંદ્રીને તીર,
જોને સખી જમુના તણાં રે વહેતાં થંભ્યાં નીર, હો બેની.
ધેનુ તરણ ભુલી ગઈ રે વચ્છા ભુલ્યાં ખીર.’ ॥૮૫૩॥
એક સમે શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં વિરાજમાન હતા ત્યાં બ્રહ્માનંદ સ્વામી મહારાજને દર્શને ગયા. પછી મહારાજના ચરણમાં મસ્તક મૂકીને રુદન કરવા લાગ્યા. ત્યારે મહારાજ બોલ્યા જે, “સ્વામી શા માટે રૂદન કરો છો?” સ્વામી કહે, “મહારાજ! તમે સર્વ અવતારના અવતારી છો છતાં અમારે તમને સંતાડીને ગાવા પડે છે.” મહારાજ બોલ્યા જે, “સ્વામી! તમે જેમ સમજતા હો તેમ ગાઓ.” ॥૮૫૪॥