સદ્ગુરુ મુળજી બ્રહ્મચારીની વાતો
એક વખત શ્રીજીમહારાજ તથા મુળજી બ્રહ્મચારી કચ્છ દેશમાં જતા હતા ત્યાં રસ્તે જતાં ચોર મળ્યા. ત્યારે બ્રહ્મચારીએ જાણ્યું જે, “આ લૂંટી જાશે માટે મારી પાસે અરધો રૂપિયો છે તે સંતાડી રાખું. કેમ કે મહારાજ ક્યાંઈક માગે ત્યારે શું આપીશ?” એમ જાણીને જોડાની સખતળી નીચે તે અર્ધો રૂપિયો ઘાલી દીધો. પછી ચોર બ્રહ્મચારીને લુંટવા માંડ્યા અને લુંટીને ચાલ્યા ત્યારે મહારાજ બોલ્યા જે, “બધું સંભાળીને લીધું? આ અમારી ભેળો છે તે કપટી છે. અર્ધો રૂપિયો હતો તે જોડામાં સંતાડ્યો છે.” પછી ચોર પાછા વળીને બ્રહ્મચારીને ધક્કો મારીને જોડા કઢાવ્યા અને તેમાંથી અર્ધો રૂપિયો હતો તે કાઢી લીધો. ત્યારે બ્રહ્મચારીએ મહારાજને કહ્યું જે, “ખાઓ મારો અંગુઠો! મેં તો તમારા સારુ રાખ્યો હતો! પણ વળી ભારે દાનેશ્વરીના દીકરા થયા જે, અમારી ભેળો કપટી છે.” એમ બ્રહ્મચારીએ જ્યારે કહ્યું, ત્યાં તો મહારાજે ચોરને ચતુર્ભુજ રૂપે દરશન દીધું. ત્યારે ચોર બોલ્યા જે, “આ તો આપણે ભગવાનને લુંટ્યા.” પછી ચોર મહારાજના પગમાં પડ્યા અને બધો સામાન પાછો આપ્યો. અને એક જણે મહારાજને ખંધોલે બેસાર્યા. અને એક જણે બ્રહ્મચારી પાસેનો ખડીયો ઉપાડ્યો અને સામે ગામ મેલી ગયા. ॥૮૫૫॥
એક વખત મહારાજ તથા બ્રહ્મચારી રસ્તે ચાલ્યા જતા હતા અને પડખે ભરવાડો ગાયો ચારતા હતા. અને ભરવાડ્યો દૂધ વેચીને ચાલી આવતી હતી. પછી મહારાજે બ્રહ્મચારીને કહ્યું જે, “બ્રહ્મચારી! તમને માર ખવરાવું તો?” બ્રહ્મચારી કહે, “મહારાજ! માર ખવરાવવામાં શું વળશે? લાડવા ખવરાવોને તો પેટ ભરાય.” પછી મહારાજ આગળ ઉતાવળા ચાલીને ભરવાડ્યો ભેગા થયા અને કહ્યું જે, “બાઈયુ! ઓલ્યો બાવો મને પરાણે લઈ જાય છે તે મેલવોને.” અને મહારાજે અર્ધું વસ્ત્ર પહેર્યું હતું અને અર્ધું ઓઢ્યું હતું એવે વેશે ગયા હતા. પછી ભરવાડ્યોએ પોતાના પતિને સાદ કર્યો. એટલે સૌ દોડીને આવ્યા. ત્યારે સૌએ કહ્યું જે, “આ નાની બાળક બાઈ છે તેને ઓલ્યો ઘરડો ઠાઠ બાવો લઈ જાય છે! માટે તે થકી તેની રક્ષા કરો.” પછી ભરવાડે જઈને બ્રહ્મચારી ઉપર લાકડીયું તોળીયું ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, “દોડજો, મહારાજ! મને માર્યો.” પછી મહારાજે પોતાનું પહેરેલું વસ્ત્ર ખેંચી લીધું. એટલે માંહી કોપીન દેખાણી ત્યારે ભરવાડ્યો બોલી જે, “વોય આ તો બાવો દેખાય છે.” પછી મહારાજ બ્રહ્મચારી ભેગા થઈ ગયા ને બીજે ગામ ગયા ને ત્યાં બ્રહ્મચારીએ રસોઈ કરીને મહારાજને જમાડ્યા. ॥૮૫૬॥
એક વખત મહારાજ તથા બ્રહ્મચારી બન્ને જણ ચાલતા દિવસ અસ્ત થવા લાગ્યો અને ગામ પણ બે-ચાર ગાઉં છેટે હતું. પછી બ્રહ્મચારી બોલ્યા જે, “મહારાજ! અત્યારે અંધારી રાતના આપણે ક્યાં જાશુ? અને જે ગામ જવું છે ત્યાં કોઈ સત્સંગી નથી.” મહારાજ કહે કે, “બ્રહ્મચારી! ત્યાં તો અમારા એવા ભક્ત છે જે તે તો અમને અહોનિશ સંભાર્યા કરે છે! અને આપણે ત્યાં જશું ત્યારે તમને ખબર પડશે.” પછી રાતના નવ વાગે ગામ રોંઢીયે પધાર્યા અને ત્યાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ બન્ને સ્ત્રી પુરુષ ચોરામાં દેવની પૂજા કરતા હતાં. ત્યાં જઈને તેને ઘરે મહારાજ પધાર્યા અને બ્રાહ્મણે રસોઈ કરીને મહારાજ તથા બ્રહ્મચારીને જમવા બેસાર્યા અને બ્રાહ્મણ મહારાજને પીરસવા બેઠો હતો. પછી મહારાજ અર્ધું જમ્યા ત્યાં તે બ્રાહ્મણને સમાધિ થઈ ગઈ. પછી મહારાજે તે બ્રાહ્મણની સ્ત્રીને બોલાવીને કહ્યું જે, “બાઈ, એ બાઈ. તારા પતિને કાંઈક ચોઘડીયું ફરી ગયું છે. માટે તમે અમને પીરસવા આવો.” ત્યારે બાઈ કહે, “મહારાજ! મારો પતિ ઘરમાં છે તેથી મારાથી ત્યાં અવાય નહીં.” ત્યારે મહારાજ કહે, “એમ કેમ?” ત્યારે બાઈ કહે, “મહારાજ! અમે હથેવાળો મેળવ્યો એ માફ છે અને અમે બન્ને જણ સાંખ્યયોગ પાળીયે છીએ અને તે મને બહેન સમાન જાણે છે અને હું તેને ભાઈ સમાન જાણું છું.” એમ વાત કરે છે ત્યાં તો તે બ્રાહ્મણ સમાધિમાંથી જાગ્યો. અને તેની સ્ત્રીને કહેવા લાગ્યો કે, “દોડ, દોડ, આ તો આપણે ઘરે સાક્ષાત્ ભગવાન પધાર્યા છે! અને આપણે હજાર વરસ થયાં બ્રહ્મચર્ય વ્રત પાળીએ છીએ! તે પુન્યે કરીને આજ આપણને ભગવાન મળ્યા.” એમ કહીને બન્ને જણા મહારાજના ચરણારવિંદમાં પડ્યા અને મહારાજની ઘણી સ્તુતિ કરી. તે જોઈને બ્રહ્મચારીને ઘણું આશ્ચર્ય થયું જે, “આ શું બોલે છે?” પછી મહારાજે બન્ને જણાને કહ્યું જે, “તમારું તપ આજથી સમાપ્ત થઈ રહ્યું, માટે હવે સાંખ્યયોગ પાળવો નહીં.” એમ કહીને મહારાજ તથા બ્રહ્મચારી ત્યાં રાત રહ્યા અને સવારે ચાલી નીસર્યા અને તેના તપની સમાપ્તિ કરી. ॥૮૫૭॥
એક વખત મહારાજ તથા બ્રહ્મચારી ગામ કાળાતળાવ પધાર્યા હતા. અને ત્યાં બ્રાહ્મણને ઘરે ઉતર્યા પછી તે બ્રાહ્મણની બાઈએ રસોઈ કરી અને મહારાજ જમવા બેઠા અને બ્રહ્મચારીને ઓસરીમાં જમવા બેસાર્યા. તે વખતે તે બાઈને સમાધિ થઈ અને તેમાં તેને અક્ષરધામ દેખાડ્યું અને તેણે સૌ જન્મથી બ્રહ્મચર્ય પાળેલું તે તમામ મહારાજે દેખાડ્યું. પછી તે બાઈ કહે, “આ તો સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ છે. તે આપણને દર્શન દેવાને અર્થે પધાર્યા અને આપણે સૌ જન્મ થયાં બ્રહ્મચર્યવ્રત પાળીયે છીએ. તેનું ફળ આજ આપણને પ્રાપ્ત થયું કેમ કે આ તો સાક્ષાત્ અક્ષરધામના પતિ છે. અને સર્વ અવતારના અવતારી છે.” પછી બન્ને જણાં મહારાજના ચરણમાં પડ્યાં ને ઘણીક સ્તુતિ મહારાજની કરી. ॥૮૫૮॥
એક વખત શ્રીજીમહારાજ કંથકોટ પધાર્યા હતા. અને ત્યાં કચરો કરીને એક લુવાણો હરિભક્ત હતો અને તેને ઘરે મહારાજ પધાર્યા. પછી મહારાજે તેને કહ્યું જે, “બ્રહ્મચારી આવે તો માનીશ નહીં!” ત્યારે કચરે કહ્યું જે, “ઠીક, મહારાજ! નહીં માનું.” પછી રાતના ચાર વાગ્યા ત્યારે બ્રહ્મચારી આવ્યા અને કચરાને સાદ કરીને પૂછ્યું જે, “આંહીં મહારાજ પધાર્યા છે?” ત્યારે કચરો કહે, “ના, ના, આંહીં તો મહારાજ આવ્યા નથી.” ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, “મને મેલીને ક્યાં જતા રહ્યા?” પછી બ્રહ્મચારી ત્યાંથી ચાલતા થયા અને પછી સવાર પડી ત્યારે કચરાને મહારાજે કહ્યું જે, “મને ભૂખ લાગી છે.” ત્યારે કચરે મહારાજને કહ્યું જે, “હું રોટલો કરું ત્યાં સુધી તમે દુકાને બેસીને ઘરાકને સાચવો.” પછી કચરો રોટલો કરવા ગયો અને મહારાજ તેની દુકાને બકાલું વેચવા બેઠા. પછી કોઈક બાઈ બકાલું લેવા આવી. તેને મહારાજે ત્રાજવામાં જોખીને રીંગણા બરાબર આપ્યાં ત્યારે બાઈ બોલી જે, “બાવાજી! આ કાંઈ ઘી છે તે બરાબર આપો છો? કચરોભાઈ તો બે પીંહટાં વધારે આપે છે.” મહારાજ કહે, “લેવું હોય તો લે. ત્રણ ગાઉથી લાવીએ છીએ તે ઘોડાને ભાઠું પડી ગયું છે.” તે બધી વાત કચરો રોટલા ઘડતાં સાંભળતો હતો. તેના મનમાં એમ થયું જે, “જખમારે! મહારાજ વધારે આપે તેમ નથી!” પછી રોટલા તૈયાર થયા એટલે મહારાજ જમવા પધાર્યા અને બીજે દિવસે મહારાજ ત્યાંથી બીજે ગામ પધાર્યા. ત્યાં બ્રહ્મચારી ભેગા થયા. ॥૮૫૯॥
એક વખત શ્રીજીમહારાજ તથા બ્રહ્મચારી કંથકોટ પધાર્યા હતા. ત્યાં કચરે લુવાણે ઘરઘરાણું કરીને સ્ત્રી આણી હતી તેને પોતે નિરંતર વાર્તા કર્યા કરે જે, “મારા ગુરુ આવે તેમને માનવા અને પૂજવા અને હું તો સ્વામિનારાયણનો ભક્ત છું.” પછી ત્યાં શ્રીજીમહારાજ તથા મુળજી બ્રહ્મચારી પધાર્યા. તે વખતે કંથકોટના રાજાએ કાગળ લખીને શ્રીજીમહારાજને તેડાવ્યા હતા જે, “તમો અહીંયાં પધારો.” પછી મહારાજ કંથકોટ પધાર્યા અને કચરા ભગતને ઘરે રાત રહ્યા. તે વખતે કચરે તેની સ્ત્રીને કહ્યું જે, “જો, આ હું તને કહેતો હતો તે મારા ગુરુ આવ્યા.” પછી બાઈ પોતાનો સાડલો લઈને વેપારીની દુકાને ગઈ અને વેપારીને કહ્યું જે, “આ મારો સાડલો રાખો અને મને ઘી ને સાકર આપો.” વેપારી કહે કે, “તારો સાડલો વેચાવે એવો કોણ છે?” ત્યારે બાઈ કહે, “અમારે રાંકને હાથ રતન જડ્યું છે!” પછી સાડલો ઘરાણે મૂકીને ઘી સાકર વિગેરે સીધાનો સામાન લાવી અને બ્રહ્મચારીએ રસોઈ કરી. પછી મહારાજ તથા બ્રહ્મચારી એ બન્ને જણ જમ્યા અને બાકીની પ્રસાદી કચરા ભગતને આપી. તે બન્ને જમ્યા અને મહારાજ તેને ઘરે રાત રહ્યા પછી સવારે મહારાજે કચરાને કહ્યું જે, “તું દરબારને ખબર કર જે મહારાજ પધાર્યા છે.” પછી કચરે દરબારમાં જઈને રાજાને વાત કરી જે, “મહારાજ મારે ઘરે ગઈ કાલે પધાર્યા છે.” ત્યારે દરબાર કહે, “મહારાજ તારે ઘરે જમ્યા શું?” કચરો કહે, “મને જે લોટ દાળ મળ્યાં તે મહારાજને જમાડ્યા.” પછી રાજા પોતાની સવારી સહિત પાલખી લઈને કચરાને ઘરે મહારાજને તેડવા માટે આવ્યા. અને મહારાજને કહ્યું, “મહારાજ! આ પાલખીમાં બેસો.” પછી મહારાજે બ્રહ્મચારીને કહ્યું જે, “તમે પાલખીમાં બેસો.” બ્રહ્મચારી કહે, “મહારાજ! તમે બેસો.” મહારાજ કહે, “આપણે બન્ને જણા બેસીએ.” બ્રહ્મચારી કહે, “બે જણને ભોઈ ઉપાડી શકે નહીં.” પછી મહારાજને પાલખીમાં બેસાર્યા ને વાજતે ગાજતે દરબારમાં હીંડોળા ખાટ ઉપર પધરાવી રાજાએ આરતી ઉતારી.
પછી દરબારે મહારાજને વાત કરી જે, “મહારાજ! તમારે કહેવે કરીને મેં દીકરી રાજાને આપી હતી ને તે રાજા મરી ગયો અને દીકરી ત્યાંથી ઘણુંક દ્રવ્ય લઈને આંહીં આવી છે. કેમ કે પ્રથમ તે રાજા ઉપર મારવાડના રાજાએ ચડાઈ કરી હતી જે કાં તો તારી દીકરી મને આપ્ય નીકર તારું રાજ્ય લઈ લઈશ.” પછી કંથકોટના રાજાએ મહારાજ ઉપર કાગળ લખીને મહારાજને માણસ મોકલ્યું જે મહારાજ મારે આવી રીતનો દેશકાળ આવ્યો છે તે તમો કહો તેમ કરું. પછી મહારાજે કાગળ લખી મોકલ્યો જે તારી દીકરી આપજે પણ રાજ્ય જવા દઈશ નહીં! પછી તે મારવાડના રાજાએ પોતાની દીકરી પરણાવી હતી તે દીકરી વિધવા થઈને ઘરે આવી ત્યાર પછી તેણે મહારાજને તેડાવ્યા પછી મહારાજને વાત કરી જે, “આ બધું દ્રવ્ય છે તેનું શું કરવું?” ત્યારે મહારાજ કહે, “આ તો આસુરી માયા છે તે બ્રાહ્મણે દક્ષિણા દઈ દ્યો.” પછી બ્રાહ્મણોને બોલાવીને મહારાજે તેમને ઘણીક દક્ષિણાઓ અપાવી અને મહારાજને વસ્ત્ર તથા અલંકાર પહેરાવ્યા. પછી મહારાજ કહે, “અમારે કચરાને ઘેર જવું છે.” પછી પાલખીમાં બેસારીને વાજતે ગાજતે કચરાને ઘરે લઈ ગયા પછી પાલખીને ખડકીએ ઉભી રાખીને મહારાજે કચરાની ઘરવાળીને બહાર બોલાવી અને દશે આંગળીયેથી વેઢ વીંટીયો કાઢીને તે બાઈને આપી અને મહારાજ સૌ સાંભળતા બોલ્યા જે, “આ લે અને તારો સાડલો વાણિયાને ત્યાંથી છોડાવી લાવ્ય.” શ્રીજીમહારાજે પ્રસન્ન થઈને તેમને દાગીના આપ્યા. તેને પ્રાપ્ત કરીને કચરો ભગત બહુ આસામી થયો અને મહારાજ તથા બ્રહ્મચારી બીજે ગામ પધાર્યા. ॥૮૬૦॥
એક સમે મહારાજ વરતાલ સભા કરીને બેઠા હતા અને મહારાજને તરશ બહુ લાગી હતી અને મુળજી બ્રહ્મચારી મંદિરની પ્રદક્ષિણા ઉપર બેઠા હતા. પછી મહારાજે સાદ કર્યો જે, “બ્રહ્મચારી! મને તરસ લાગી છે.” તે સાંભળીને બ્રહ્મચારીએ પ્રદક્ષિણા ઉપરથી પોતાનું શરીર ચોકમાં પડતું મેલ્યું અને ઉતાવળા ઉતાવળા જઈને ઠંડા પાણીનો લોટો ભરીને મહારાજ પાસે લાવ્યા. પછી મહારાજ બોલ્યા જે, “આ બ્રહ્મચારીને પોતાના દેહની પણ ખબર નથી જે હું આંહીંયાંથી પડીશ તો મુને વાગશે પણ તેમને એક જ એવું અનુસંધાન છે જે રખેને મહારાજને પાણી પાતાં વાર લાગે!” પછી મહારાજ સભામાં બોલ્યા જે, “બ્રહ્મચારીને મારા ઉપર એવું હેત છે કે પોતાના દેહની પણ ગણતી નથી.” ॥૮૬૧॥
એક સમે મહારાજ ગઢપુરમાં સભા કરીને બેઠા હતા. પછી મહારાજ બોલ્યા જે, “મુક્તાનંદ સ્વામી! બ્રહ્માનંદ સ્વામી! આ મુળજી બ્રહ્મચારી છે તે મને પાણી વખતે પાણી નહીં થાળ વખતે થાળ નહીં ને ધર્મકુળ આવ્યું છે તે ત્યાંને ત્યાં પડ્યા રહે છે.” ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, “મહારાજ! કહો તો બ્રહ્મચારીને બોલાવીએ અને ઠપકો આપીએ.” પછી એક માણસને બ્રહ્મચારીને તેડવા મોકલ્યા તેને મહારાજે કહ્યું જે, “બ્રહ્મચારીને કહેજે જે મારે પીવા માટે પાણીનો લોટો ભરતા આવે.” પછી તે માણસે બ્રહ્મચારીને જઈને કહ્યું જે, “પાણીનો લોટો લઈને મહારાજ તમને સભામાં બોલાવે છે.” પછી એક હાથે પાણીનો લોટો લીધો અને બીજા હાથની કાખમાં બદ્રીનાથને બેસાર્યા અને આંગળીયે સીતારામજી મહારાજને વળગાડ્યા અને પાણીનો લોટો લઈને સભામાં આવ્યા. તે આવીને મહારાજને જળનો લોટો આપ્યો જે, “લ્યો, કૃપાનાથ! લ્યો, પાણી.” પછી મહારાજને પાણી પાઈને તુરંત ચાલી નીસર્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “બ્રહ્મચારી! ઉભા રહો, ઉભા રહો!” ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, “શું છે વળી શું?” પછી સ્વામી કહે, “મહારાજને પાણી વખતે પાણી નહીં અને થાળ વખતે થાળ નહીં અને ધર્મકુળ આવ્યું છે તે ત્યાં ને ત્યાં પડ્યા રહો છો?” ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, “વળી આનું તો લાખુ જણાં કરશે! પણ આ બિચારા ગરીબ પરદેશી એ મને ઓળખે ને હું એને ઓળખું તે એનું કોણ કરશે?” એમ કહીને ચાલી નીસર્યા. પછી મહારાજ કહે, “સ્વામી! બ્રહ્મચારી બહુ ડાહ્યા છે. કેમ કે જેમ સંસારમાં કોઈકના માવતરને રાજી કરવા હોય તો છોકરાનું રાખે એટલે માવતર રાજી થાય!” તેમ મહારાજ કહે, “હું બ્રહ્મચારી ઉપર બહુ જ રાજી છું અને આ ધર્મકુળ ટક્યું છે તે બ્રહ્મચારીને લઈને ટક્યું છે.” ॥૮૬૨॥
એક વખત શ્રીજીમહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. પછી મહારાજે બ્રહ્મચારીને બોલાવીને કહ્યું જે, “તમે ગુજરાતમાં જાઓ.” બ્રહ્મચારી કહે, “બહુ સારૂ, કૃપાનાથ! આ ચાલ્યો!” એમ કહીને પોતે ધર્મકુળમાં ગયા અને દીદીમાને જઈને કહ્યું જે, “દીદીમા! મહારાજ ગુજરાતમાં મોકલે છે.” ત્યારે દીદીમાએ મહારાજને કહેવરાવ્યું જે, “બ્રહ્મચારી ગુજરાતમાં જતા હોય તો અમને ગાડું કરી આપો એટલે અમે દેશમાં જઈએ.” પછી તે માણસે સભામાં આવીને મહારાજને કહ્યું જે, “દીદી દેશમાં જવાને માટે ગાડું માગે છે.” પછી મહારાજે બ્રહ્મચારીને બોલાવીને કહ્યું જે, “તમારે ગુજરાતમાં જવું નથી અહીંયા રહો!” પછી બ્રહ્મચારીએ ધર્મકુળમાં જઈને કહ્યું જે, “માવડીઉં! મને મહારાજે રાખ્યો છે!” પછી દીદીએ કહેવરાવ્યું જે, “જાવ, મહારાજને કહો જે, ‘અમારે દેશમાં હવે જવું નથી.’” ॥૮૬૩॥
એક વખત શ્રીજીમહારાજે બ્રહ્મચારીને બોલાવીને કહ્યું જે, “તમારે ડોશીયો સાથે બોલવું નહીં.” ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, “ઠીક, કૃપાનાથ! નહીં બોલું.” પછી સવારમાં ઘેલે નહાઈ આવીને દરબાર સોંસરા નીસર્યા. ત્યારે કોઈ બાઈએ કહ્યું જે, “બ્રહ્મચારી! આજ મારો થાળ છે.” ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, “બોલમાં, બોલમાં, દુત્તી મને મહારાજે ના પાડી છે જે તારે ડોશીયું સાથે બોલવું નહીં.” તે વખતે શ્રીજીમહારાજ ઉગમણાબારના ઓરડાની ઓસરીમાં સભા કરીને વિરાજમાન હતા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, “જુઓને, સ્વામી! બ્રહ્મચારી ડોશીયો સાથે કાંઈ બોલે છે?” બ્રહ્મચારી તો એમ જાણે છે જે, “હું ડોશીયો સાથે નથી બોલતો.” ॥૮૬૪॥
ગઢપુરમાં શ્રીજીમહારાજે સભામાં બ્રહ્મચારીને બોલાવીને કહ્યું જે, “ડોશીયુંને ના પાડી આવો જે, કોઈ ગામકથા કરશો નહીં.” પછી બ્રહ્મચારીએ બાઈઓની સભામાં જઈને કહ્યું જે, “મહારાજે ના પાડી છે જે કોઈ રામકથા કરશો નહીં.” તે સાંભળી સૌ બાઈઓ વિચારમાં પડી જે, “રામકથામાં શો બાધ છે જે મહારાજે ના પડાવી?” પછી શ્રીજીમહારાજ થાળ જમવા પધાર્યા ત્યારે લાડુબાએ મહારાજને પૂછ્યું જે, “હે, મહારાજ! તમે રામકથાની કેમ ના પડાવી?” ત્યારે મહારાજ કહે, “અમે તો જાણતા નથી.” લાડુબા કહે, “બ્રહ્મચારી આવીને ના પાડી ગયા.” ત્યારે મહારાજ કહે, “બોલાવો બ્રહ્મચારીને.” પછી બ્રહ્મચારી આવ્યા. તેમને મહારાજે કહ્યું જે, “મેં તમને ક્યારે રામકથાની ના પાડી છે? મેં તો ગ્રામ્યકથાની ના પાડી છે.” ત્યારે બ્રહ્મચારી કહે, “મારી બલા જાણે! કઈ તમારી રામકથા ને કઈ તમારી ગ્રામ્યકથા. મેં તો જેવું તમે કહ્યું એવું આ સૌને કહ્યું.” મહારાજ કહે કે, “બ્રહ્મચારીને રામકથાનીએ ખબર નથી અને ગ્રામ્યકથાનીએ ખબર નથી. એને તો બેય સરખું છે.” એમ કહીને મહારાજ હરયા. ॥૮૬૫॥
એક સમે મહારાજે ગઢપુરમાં સૌ સંતની સભામાં જોડ્યું બાંધવા માંડી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! આ મુળજી બ્રહ્મચારીની કોણ જોડ્ય?” ત્યારે મહારાજ કહે, “બ્રહ્મચારીની જોડાય તો બાંધેલી જ છે.” બ્રહ્માનંદ સ્વામી કહે, “કોણ?” પછી મહારાજ કહે, “‘મુળાનંદ અને સહજાનંદ’ એ જોડ્ય તો બાંધેલી છે.” ॥૮૬૬॥
એક વખત શ્રીજીમહારાજે ગઢપુરમાં સભામાં બ્રહ્મચારીને કહ્યું જે, “બ્રહ્મચારી! હું ન હોઉં ત્યારે તમે ક્યાં રહો?” ત્યારે બ્રહ્મચારી કહે, “જ્યાં ગોપીનાથજી ત્યાં હું.” ગઢપુરમાં શ્રીગોપીનાથનું મંદિર છેવાતું હતું. પછી એક ડોશી હાથમાં અરધો રૂપિયો લઈને આથમણા પગથીયા પાસે ઉભી રહી અને બ્રહ્મચારીને સાદ કરવા મંડી ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, “બોલમાં બોલમાં દુત્તી શું મંડી છો?” ત્યારે બાઈ બોલી જે, “બ્રહ્મચારી! આ મંદિર છોવાય છે. તેમાં મારે અરધો રૂપિયો આપવો છે.” પછી બ્રહ્મચારી બોલ્યા જે, “બાપ દીકરી પહેલું કહેવું હતું ને! હું તને ગાળો તો ન દેત.” પછી બ્રહ્મચારી બોલ્યા જે, “લાવ, લાવ, જો આ તારા બાપનું મંદિર છોવાય છે તેમાં તારો ભાગ થયો.” ॥૮૬૭॥
ગામ સલડીના ભગત બહેચર કરીને હરિભક્ત હતા. તે ગઢપુર દર્શને આવ્યા હતા. પછી તેણે વૈકુંઠ બ્રહ્મચારી પાસે અથાણું માંગ્યું પણ તે બ્રહ્મચારીએ કાંઈ જવાબ આપ્યો નહીં. પછી મુળજી બ્રહ્મચારી ઓરડામાંથી બહાર નીકળ્યા અને બોલ્યા જે, “કોણ એ બહેચર?” એમ કહીને પોતે અથાણાની બરણી ઉપાડીને ઓસરીમાં લાવ્યા અને તેને સારી રીતે અથાણું આપ્યું. તે જીવ્યો ત્યાં સુધી મુળજી બ્રહ્મચારીને સંભાર્યા કરતો. ॥૮૬૮॥
એક વખત મુળજી બ્રહ્મચારી રાતે વાળુ કરવા બેઠા હતા. તેમને દહીં ખાટું લાગ્યું ત્યારે શાંતાનંદ સ્વામી ઉંઘમાં સુતા હતા. તે બેઠા થઈને માટલીમાંથી અડદની દાળ ચપટી ભરીને આપી. બ્રહ્મચારીએ દહીંમાં નાખીને ચાખીને કહ્યું જે, “રાખ્ય, ખાટું મટી ગયું.” પછી થોડી પ્રસાદી વધી હતી. તે શાંતાનંદ બ્રહ્મચારીએ ઢાંકી મૂકી હતી. પછી સવારે પરમાનંદ સ્વામી દર્શને આવ્યા તેમને શાંતાનંદ સ્વામીએ તે પ્રસાદી આપી. પછી પરમાનંદ સ્વામી આસને જઈને જમવા બેઠા એટલે માંહેથી અડદની દાળ નીસરી. પછી પરમાનંદ સ્વામીએ શાંતાનંદ સ્વામીને પૂછ્યું જે, “હે, શાંતાનંદ! બ્રહ્મચારી દહીમાં અડદની દાળ જમે છે?” ત્યારે શાંતાનંદ સ્વામી કહે, “ના, એ તો બ્રહ્મચારીએ રાત્રે મારી પાસે મીઠું માગ્યું હતું. તે મેં ઉંઘમાંથી ઉઠીને દાળ આપી હશે.” એવા પોતે બ્રહ્મનિષ્ઠ હતા. ॥૮૬૯॥
એક વખત શ્રીજીમહારાજ થાળ જમતા હતા અને શુકમુનિ આવીને મહારાજને પગે લાગીને બેઠા. પછી મહારાજે શુકમુનિને જમીને થાળ આપ્યો. પણ બ્રહ્મચારી એમની સામું જોઈને આંખ્ય તાણવા મંડ્યા, એટલે શુકમુનિ છેટે ઉભા રહ્યા ત્યારે મહારાજ બોલ્યા જે, “બ્રહ્મચારી! તમે શુકમુનિને થાળની પ્રસાદી લેવા દ્યો.” ત્યારે બ્રહ્મચારી કહે, “ઠીક, કૃપાનાથ!” પછી બ્રહ્મચારીએ શુકમુનિને થાળની પ્રસાદી આપી. તે ત્યાં જ બેસીને જમ્યા. ॥૮૭૦॥
એક વખત શ્રીજીમહારાજે બ્રહ્મચારીને રજા આપી હતી. તેથી બ્રહ્મચારી ગુજરાતમાં ચાલ્યા ગયા. ત્યાં વડતાલમાં છ મહિના સુધી રહ્યા પછી ત્યાં કેરીઓ બહુ પાકી હતી એટલે રામદાસભાઈએ કહ્યું જે, “આ કેરીયો ગઢપુર શ્રીજીમહારાજને કોઈ પહોંચાડે?” ત્યારે મુળજી બ્રહ્મચારી કહે, “હા, લાવો હું લઈ જાઉં.” પછી એક મણ કેરીનો ટોપલો માથે ઉપાડીને ત્રીજે દિવસે ગઢપુર આવ્યા અને મહારાજ પાસે તે ટોપલો મૂકીને દંડવત કરીને પગે લાગ્યા. તો પણ મહારાજે જય સ્વામિનારાયણ કહ્યા નહીં. તે વખતે એક સુતાર બાઈ મહારાજના દર્શને આવી હતી તેને મહારાજે કહ્યું જે, “તારે ઘરે બ્રહ્મચારીને તેડી જા ને સીધું આપજે એટલે તેઓ રસોઈ કરીને જમશે.” પછી સુતારણ બાઈ પોતાને ઘરે બ્રહ્મચારીને તેડી જઈને પાકું સીધું આપ્યું. પણ બ્રહ્મચારી તો ફક્ત બાટીઓ કરીને જમ્યા. અને બીજું સીધું પડતું મેલ્યું ત્યારે સુતારણ બોલી જે, “બ્રહ્મચારી મહારાજ! ઘી ગોળ કેમ જમ્યા નહીં?” ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, “મહારાજ ક્યાં ખાવા દે છે? છ મહિના થયા બંધી કરી છે!” પછી બ્રહ્મચારીએ કહ્યું જે, “હું સાઠ્ય ગાઉથી એક મણ કેરીનો ટોપલો ભરેલો ઉપાડીને લાવ્યો તો પણ મને ‘નારાયણ’ કહ્યા નહીં.” પછી તે બાઈ મહારાજ પાસે જઈને ઠપકો દેવા મંડી જે, “મહારાજ! તમે આવા નિર્દય કેમ થયા છો? જે આ બ્રહ્મચારી આવા ઉનાળાના તાપમાં ઉઘાડા પગે સાઠ્ય ગાઉથી એક મણ કેરીનો ટોપલો ઉપાડીને લાવ્યા તેને તમે નારાયણ પણ કહ્યા નહીં!” પછી બ્રહ્મચારીએ કેરીને ઘોળીને રસ ભરીને વાટકો આગળ મેલ્યો પણ મહારાજ માંહે આંગળી બોળે નહીં અને એકલી રોટલી જમતા હતા. પછી બ્રહ્મચારી બોલ્યા જે, “ભાઈ, કો’ક કહો તો મહારાજ રસ જમે. મારી સાથે તો નહીં બોલે.” પછી મહારાજે કહ્યું જે, “બ્રહ્મચારી, તમે જ પીરસોને.” ત્યારે બ્રહ્મચારી કહે, “હું તો તૈયાર જ બેઠો છું ને.” પછી બ્રહ્મચારીએ મહારાજને રસ પીરસ્યો. તે જમ્યા પછી મહારાજે બ્રહ્મચારીને સેવામાં રાખ્યા. ॥૮૭૧॥
એક વખત શ્રીજીમહારાજ તથા બ્રહ્મચારી કચ્છ દેશમાં જતા હતા અને એક ગામને પાદર વિશ્રાંતિ લેવા બેઠા. પછી બ્રહ્મચારીએ મહારાજને માટે ત્યાં બાટીઓ કરીને ડબામાં ભરી લીધી હતી તે મહારાજથી છાની કરી હતી, કેમ કે તે વખતે મહારાજ પોઢી ગયા હતા. પછી ત્યાંથી ચાલ્યા અને બીજે ગામ ગયા, ત્યારે મહારાજે કહ્યું જે, “બ્રહ્મચારી! મને ભૂખ લાગી છે.” ત્યારે બ્રહ્મચારી કહે, “મહારાજ! તૈયાર છે.” પછી મહારાજને તળાવને કાંઠે વૃક્ષની નીચે બેસારીને બાટીયો ને ઘી ને સાકર જમવા આપ્યાં. તે જમ્યા અને બીજે ગામ ગયા. એમ અહોનિશ શ્રીજીની સેવામાં તત્પર રહેતા. ॥૮૭૨॥
એક વખત બ્રહ્મચારી વડતાલ જતા હતા. સાથે દાદોખાચર હતા. તેમનાં મનુષ્ય હતા અને દાદાખાચરના દીકરા બાવોખાચર નાના હતા. તે ભૂખ્યા હતા ને દૂધ સારુ રોતા હતા. પછી બ્રહ્મચારી ગામ વારણામાં પ્રશ્નોરા હરિજનને ઘરે ગયા. ત્યારે હરિજન બાઈ બોલી જે, “અહો! બ્રહ્મચારી આવ્યા. બ્રહ્મચારી આવ્યા.” ત્યારે બ્રહ્મચારી કહે, “તારો બાપ ભૂખ્યો છે તે રોવે છે માટે તેના સારુ દૂધ લઈ આવ્ય.” પછી બાઈએ ખીચડી તથા દૂધ બન્ને લાવી આપ્યાં. તે લઈને બ્રહ્મચારી સૌ ઉતર્યા હતા ત્યાં આપી આવ્યા ને પછી પોતે હરિજનને ઘરે ગયા અને તે બાઈને કહે જે, “લે, હવે તું મને પૂછ્ય જે ક્યાંથી આવ્યા છો? ને ક્યાં જાઓ છો? એમ પૂછ્ય.” પછી તે બાઈએ ખાટલી નાંખી આપી ને તે ઉપર બ્રહ્મચારીને બેસાર્યા. પછી બધા સમાચાર પૂછીને પછી બ્રહ્મચારીને વાળુ કરાવ્યું. ॥૮૭૩॥
એક વખત ગઢપુરમાં બ્રહ્મચારી ધર્મકુળની જગ્યામાં ગયા અને રઘુવીરજી મહારાજના ગાદીવાળાને કહ્યું જે, “પાંચસો રૂપિયા આપો તો દીકરો થાય! મારે મંદિર છોવરાવવું છે!” પછી ગાદીવાળાએ પાંચસો રૂપિયા આપ્યા તે રૂપિયાની ફાંટ ભરીને ખંભે નાંખી હતી અને ચાલ્યા આવતા હતા ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “બ્રહ્મચારીને જાણે ઝોળીમાં દીકરો હોય ને શું?” બ્રહ્મચારી કહે કે, “થાય ન થાય તે તો તેનાં નસીબ જાણે પણ મારે તો ગોપીનાથજીનું મંદિર છોવરાઈ રહ્યું.” ॥૮૭૪॥
એક વખત અમૃતબાઈ સમાધિ કરીને અક્ષરધામમાં ગયા હતા. પછી ત્યાં શ્રીજીમહારાજે તેને કહ્યું જે, “બ્રહ્મચારી! હવે ક્યાં સુધી રહેશે?” પછી અમૃતબાઈ સમાધિમાંથી બહાર આવ્યાં ત્યારે બ્રહ્મચારી પૂછવા આવ્યા જે, “તું સમાધિમાં ગઈ હતી તે કાંઈ સમાચાર લાવી છે?” ત્યારે અમૃતબાઈ કહે કે, “‘મંદિર છોવરાઈ રહ્યું છે ને બ્રહ્મચારી હવે ક્યાં સુધી રહેશે?’ એમ મહારાજે કહ્યું છે.” પછી બ્રહ્મચારીએ કહ્યું જે, “આ બ્રહ્મચારી ચાલ્યો.” પછી આસને પુંજા શેઠને બોલાવ્યા અને ત્રણસો રૂપિયા હતા તે પુંજા શેઠને આપ્યા અને કહ્યું જે, “આ ત્રણ થાંભલા છોવરાવવાના બાકી છે તે છોવરાવજો અને આ લ્યો, ત્રણસો રૂપિયા.” પછી અમાસને દિવસે પોતે સવારમાં રેસ લીધો તે વળ્યો નહીં. અને તે દિવસે ગ્રહણ થવાનું હતું તે ગ્રહણ પણ થયું નહીં અને જ્યારે બ્રહ્મચારીને અગ્નિસંસ્કાર કરીને સૌ આવ્યા ત્યાર પછી ગ્રહણ થયું. અને જે વખતે બ્રહ્મચારીએ દેહ મેલ્યો તે વખતે લક્ષ્મીવાડીમાં હજારો વિમાન દેખાણાં. ત્યારે વિધાત્રાનંદ સ્વામીએ પૂછ્યું જે, “આટલાં બધા વિમાન છે તે આ શું છે?” ત્યારે મહારાજ કહે, “વામનજીને તેડવા આવ્યા છીએ.” ॥૮૭૫॥
એક સમે બ્રહ્મચારી વડતાલ સમૈયો કરવા ગયા હતા અને જેઠ મહિનો આવી ગયો તો પણ બ્રહ્મચારી ગઢપુર આવ્યા નહીં અને મહારાજની તિથિ નજીક આવી હતી. પછી ગોપાળાનંદ સ્વામીને આસને દર્શને વડતાલ ગયા તે વખતે સૌ સદ્ગુરુ સ્વામી પોતે બેઠા હતા પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “આ વરસમાં મહારાજની તિથિ બ્રહ્મચારી આંહીં કરશે.” ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, “મારી બલા રાત આંહીં કરે છે હું તો ગઢપુર કરીશ.” અને બોલ્યા જે, “લાવો, મારી ગાડી.” એટલે રઘુવીરજી મહારાજે ગાડી તૈયાર કરાવી આપી એટલે તેમાં બેસીને શાંતાનંદ સ્વામીને સાથે લઈને ગઢપુર આવ્યા અને મહારાજની તિથિ ગઢપુર કરી. ॥૮૭૬॥
એક વખત મુળજી બ્રહ્મચારી તથા વૈકુંઠ બ્રહ્મચારી વડોદરે ગયા હતા ત્યાં ઉત્તરાયણ કરી. પછી ત્યાં કેટલાક હરિજનોએ દળના લાડવા તથા તલના લાડવાની બ્રહ્મચારીને ભેટ કરી અને કેટલાક વસ્ત્ર પણ ઓઢાડ્યાં. પછી બીજે દિવસે ત્યાંથી ચાલી નીકળ્યા. તે ચાલતાં ચાલતાં ગામ ખેડાને પાદર આવ્યાં. ત્યાં વૈકુંઠ બ્રહ્મચારીએ કહ્યું જે, “તમો આ ખેડી નદી ઉતરીને ગાડું છોડજો અને હું ગામમાંથી જઈને બળદીયા સારુ ખડ લઈ આવું.” પછી વૈકુંઠ બ્રહ્મચારી ગામમાં ખડ લેવા ગયા અને મુળજી બ્રહ્મચારી ગાડામાંથી હેઠા ઉતરીને ગાડાને હડસેલીને નદીના પાણીમાંથી બહાર કાઢ્યું પછી ગાડાને ઉભું રાખ્યું ત્યાં બળદીયા મુતર્યા ત્યારે મુળજી બ્રહ્મચારીએ જાણ્યું જે, “આ તો બળદીયાએ મુતર કર્યું. માટે તેને ખાવા જોઈએ.” પછી મુળજી બ્રહ્મચારીએ પોતાની પાસે દળના લાડવાના ટોપલા ભર્યા હતા તે એક એક ટોપલો બળદીયા આગળ ખાવા મૂક્યો તેમાં કેટલુંક બળદીયે ખાધું અન કેટલુંક ખરાબ કરી નાંખ્યું. એટલામાં વૈકુંઠ બ્રહ્મચારી ગામમાંથી ખડ તથા કપાસીયા લઈને ચાલ્યા આવતા હતા. તે વૈકુંઠ બ્રહ્મચારીને છેટેથી આવતા જોઈને મુળજી બ્રહ્મચારી બુમ પાડવા લાગ્યા જે, “ઝટ, ઉતાવળો હાલ. ઝટ ઉતાવળો ચાલ્ય. આહીં તારા બાપે મુતર કર્યું!” વૈકુંઠ બ્રહ્મચારી જ્યાં આવીને ત્યાં જુએ ત્યાં તો ભાતાના બન્ને ટોપલા બળદીયા આગળ મૂકેલ ભાળ્યા. એટલે વૈકુંઠ બ્રહ્મચારીએ કહ્યું જે, “આ તમે શું કર્યું?” બ્રહ્મચારી કહે કે, “બળદીયે મુતર કર્યું અને તું ગયો ત્યાં ને ત્યાં રહ્યો.” વૈકુંઠ બ્રહ્મચારી કહે, “બળદીયા તો ખડે ખાય અને હવે તમે શું ખાશો?” પછી બળદીયા પાસેથી બન્ને ટોપલા લઈ લીધા અને ત્યાર પછી ત્યાં ગુરુ શિષ્યને બહુ સંવાદ થયો. પછી ઉપરથી બગડેલ લાડવા કાઢી નાંખ્યા. ને નહાઈ ધોઈને પૂજા કરીને ભાતું જમ્યા. ॥૮૭૭॥
ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું મંદિર થાતું હતું અને કાનજી શેઠનો દીકરો વીસો શેઠ ચુનાનાં તગારાં આપતા હતા તેને એક દિવસ ગોળો ચડ્યો હતો એટલે તે દિવસ તે તગારાં આપવા આવી શક્યા નહીં. પછી કાનજી શેઠ દર્શને આવ્યા. ત્યારે મુળજી બ્રહ્મચારીએ પૂછ્યું જે, “આજ વીસો તગારાં દેવા કેમ આવ્યો નથી?” ત્યારે કાનજી શેઠ કહે કે, “બ્રહ્મચારી મહારાજ! જો મરે તો વીસો જ મરે!” બ્રહ્મચારી કહે, “શું થયું છે?” કાનજી શેઠ કહે, “ગોળો ચડ્યો છે.” ત્યારે બ્રહ્મચારી કહે, “વાણિયા તો વેવલાં હોય! જાવ આડા ધોબા મીઠાનું પાણી પાઈ દ્યો તો સારું થઈ જાશે.” પછી કાનજી શેઠે ઘેર જઈ વીસા શેઠને મીઠાનું પાણી પાયું એટલે ગોળો મટી ગયો ને જીવંત પર્યંત ગોળો ચડ્યો જ નહીં. ॥૮૭૮॥
એક સમે મુળજી બ્રહ્મચારી પોતે ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી પાસે બેઠા હતા, ત્યાં તેમના શિષ્ય શાંતાનંદ સ્વામીને દર્શને ગયા. ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, “સ્વામી! શાંતાનંદ આવ્યો.” એમ બે ચાર વાર કહ્યું એટલે ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “હા, બ્રહ્મચારી! આ શાંતાનંદને ભાળ્યો!” સ્વામી કહે કે, “તમે જેવા શાંતાનંદમાં બંધાણા છો તેવા મહારાજમાં બંધાઓ તો સારું. તો વાંધો રહે નહીં.” ॥૮૭૯॥
એક વખત રઘુવીરજી મહારાજ સાથે સદ્ગુરુઓ તથા મુળજી બ્રહ્મચારી ગામ ઘાણલા પધાર્યા હતા અને ત્યાંના હરિજનો સૌ બ્રહ્મચારીને દર્શને આવ્યા. તે વખતે બ્રહ્મચારી કહેવા લાગ્યા જે, “એ શાંતાનંદ...હું ભૂખ્યો મરી ગયો.” ત્યારે શાંતાનંદ સ્વામી કહે, “ગાડું છોડી, સામાન હેઠો ઉતારું ત્યારે આપુંને!” તે વખતે ત્યાંના હરિજન ભગા ભગત વિગેરે બ્રહ્મચારીને દંડવત કરતા હતા તેમને કહ્યું જે, “એ, ભગલા! આ બળદીયા બહુ ભૂખ્યા થયા છે. તેના સારુ ગોળ લાવો.” પછી હરિજનો ગામમાંથી ગોળનું ભેલું લાવ્યા. તે જોઈ બ્રહ્મચારી બોલ્યા જે, “એલા, ભગલા! આવો કઠણ ગોળ બળદીયા ખાઈ શકે?” પછી શાંતાનંદ સ્વામી બોલ્યા જે, “બ્રહ્મચારી મહારાજ! બળદીયા તો લાકડાં સુધાં ખાય.” પછી હરિજનોએ ગોળને ભાંગીને કટકા કર્યા. તે બ્રહ્મચારીએ પોતાને હાથે કરીને બળદને ખવરાવ્યો અને પોતાનું જમવાનું ભૂલી ગયા અને રાતે ખીચડી જમ્યા. ॥૮૮૦॥
મહારાજ અને બ્રહ્મચારી જ્યારે રસ્તે ચાલ્યા જતા હોય ત્યારે મહારાજ બોલે જે, “બ્રહ્મચારી! મને બહુ થાક લાગ્યો છે.” ત્યારે બ્રહ્મચારી મહારાજને પોતાને ખંભે બેસારતા. એમ કેટલીક વખત મહારાજને પોતાને ખંભે બેસારીને રસ્તામાં ચાલતા ને મહારાજની સાથે એકતા હતી તે ગમે તેવાં મહારાજ ચરિત્ર કરે પણ જરાય શંકા થાય નહીં. ॥૮૮૧॥
એક વખતે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, “મુળજી બ્રહ્મચારી બહુ ભોળા છે.” તેની પરીક્ષાને માટે મહારાજે સભામાં બ્રહ્મચારીને કહ્યું જે, “બ્રહ્મચારી! તમે વૃદ્ધ થયા. તે રામબાઈ ડોશીને ત્યાં જમો.” ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, “મહારાજ! હું જ્યારે ત્યાં જમું ત્યારે મારે તેને સીધું દેવું જોઈએ. શાક પાંદડું આપવું જોઈએ અને તે જોઈને લોક શું બોલે? તે દિવસ મારે ગંગાજળીયો કુવો બુરવો પડે. તે હું ડોશીયુંના હાથનું ખાઉં તો હરામ ખાઉં અને મારા વંશના કોઈ ખાય તો તે પણ હરામ ખાય!” એમ બ્રહ્મચારીએ સમ ખાધા ત્યારે મહારાજ બોલ્યા જે, “જુઓ, સ્વામી! આવા બ્રહ્મચારી ભોળા છે!” ॥૮૮૨॥
મુળજી બ્રહ્મચારી જ્યારે પૂજા કરતા હોય ત્યારે સૌ દર્શને આવે. એટલે બ્રહ્મચારી સૌને કહે, “જો ઠાઠ જોવો હોય તો વૈકુંઠ પાસે જાઓ અને અહીંયાં તો મહારાજ અને શિક્ષાપત્રી એ બે જ છે.” ॥૮૮૩॥
અને બ્રહ્મચારી જ્યારે માનસી પૂજા કરવા બેસતા ત્યારે પ્રત્યક્ષને જમાડતા હોય ને મનુષ્ય બેઠું હોય તે સાંભળે તેમ બોલી બોલીને માનસી પૂજા કરતા અને મહારાજને પૂછતા જે, “મહારાજ! શું લેશો? દૂધપાક લેશો? પુરી લેશો? ભજીયાં લેશો કે શાક લેશો?” એમ પૂછતા જાય અને મહારાજ પણ પ્રત્યક્ષ પોતાના આગળ જમતા દેખાય. ॥૮૮૪॥
મહારાજે એક વખત પાંચુબાઈને કહ્યું જે, “અમે તમારી પડોશમાં રહેવા આવશું!” ત્યારે પાંચુબાઈ કહે, “બહુ સારું.” એમ શ્રીજીમહારાજે પંચુબાઈને કહેલ અને તુરત ગોપીનાથજી મહારાજને પધરાવ્યા. ॥૮૮૫॥
એક વખત પાંચુબા ગઢપુરમાં બ્રહ્મચારીના ચોકમાં છત્રી છે ત્યાં તેમનો ઓરડો હતો અને તે ઠેકાણે છાશ તાણતાં હતાં. પછી મહારાજ અક્ષરઓરડીમાંથી સવારમાં ત્યાં આવ્યા અને પાંચુબાને કહ્યું જે, “પાંચુબાઈ! શું કરો છો?” પાંચુબાઈ કહે, “મહારાજ! છાશમાં કોકની નજર પડી છે તે થાતી નથી.” મહારાજ કહે કે, “લાવો, હું તાણી દઉં.” પછી મહારાજે હાથમાં નેતરાં લઈને છાશના બે ઝડકા માર્યા અને છાશમાંથી માખણ ઉપર તરી આવ્યું ને મહારાજ બોલ્યા જે, “પાંચુબાઈ! લ્યો, આ તમારી છાશ થઈ રહી.” એમ પાંચુબાને છાશ તાણીને રાજી કર્યા. ॥૮૮૬॥