સદ્ગુરુ આનંદાનંદ બ્રહ્મચારીની વાતો
જેમને શ્રીજીમહારાજે સનકાદિક કહીને આરતી ઉતારી હતી. એક સમે મેઉ ગામને વિષે સદ્ગુરુ રામાનંદ સ્વામી પધાર્યા હતા અને ત્યાં બહેચરભાઈ પંચોળી કરીને એક પવિત્ર બ્રાહ્મણ ને વળી વિદ્વાન અને પૂર્વના મુમુક્ષુ એવા રામાનંદ સ્વામીના સેવક તે ગામમાં રહેતા હતા. ત્યાં રામાનંદ સ્વામી પધાર્યા અને બહેચરભાઈએ સ્વામીને વિનંતી કરી જે, “સ્વામી! કાલે મારે ત્યાં જમવાનું આમંત્રણ કરું છું.” સ્વામીએ પોતાના શુદ્ધ ભક્ત જાણીને આમંત્રણ સ્વીકાર્યું. પછી બીજે દિવસે સવારમાં રસોઈ તૈયાર કરી. બહેચરભાઈ પોતે સ્વામીને તેડવા માટે તેમને ઉતારે ગયા. સ્વામી વાહનમાં બેસી બહેચરભાઈને ઘરે જમવા પધાર્યા. પછી ત્યાં સ્વામીને બાજોટ ઉપર બેસારી ઉષ્ણ જળથી સ્નાન કરાવ્યું. પછી સ્વામીને પીતાંબર પહેરાવી બાજોટ ઉપર જમવા બેસાર્યા. પછી સ્વામી પોતાના શિષ્ય વર્ગ સહિત જમવા બેઠા. તેમને બહેચરભાઈએ ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોસ્ય, એ ચાર પ્રકારના ભોજન સ્વામીને પીરસ્યા અને ખુબ મનુવાર કરીને સ્વામીને જમાડ્યા. પછી શુદ્ધ આચમન કરાવી પોતાની ઓસરીમાં ગાદી તકીયો નંખાવી તે ઉપર સ્વામીને પધરાવ્યા. પછી ધૂપ દીપ વિગેરે ષોડશોપચારથી સ્વામીની પૂજા કરી દંડવત અને પરિક્રમા કરીને સ્વામીને પાય લાગ્યા. પછી સ્વામી પ્રસન્ન થઈ પોતાના શુદ્ધ ભક્ત જાણી બોલ્યા જે, “તમારે ઘરે સનંદન નામના સનકાદિક અવતાર લેશે અને તે આ પૃથ્વીને વિષે મહા પ્રખ્યાતિને પામશે અને જીવંત પર્યંત બ્રહ્મચર્યવ્રત પાળીને સ્વામિનારાયણ ભગવાનની સેવા કરશે. એવા મહાપ્રતાપી થાશે.” એવાં સ્વામીનાં આશિષવચન સાંભળીને બન્ને દંપતી (સ્ત્રી-પુરૂષ) બહુ જ પ્રસન્ન થયાં અને સ્વામી થોડાક દિવસ ત્યાં રહીને ગામડામાં ફરવા પધાર્યા. પછી સંવત્ ૧૮૫૪ના માઘ સુદી પંચમીને દિવસે બહેચરભાઈને ઘરે સદ્ગુરુ રામાનંદ સ્વામીના આશીર્વાદથી પુત્ર જનમ્યા. તે વખતે માતાપિતાએ ચૌલ સંસ્કાર કર્યા અને તેમનું નામ ‘દલસુખ’ ધારણ કર્યું હતું એવા એ પુત્રને જોઈને તેઓ ઘણાં પ્રસન્ન થયાં. અને પોતે બાલચંદ્રની પેઠે વૃદ્ધિને પામ્યા અને માતાપિતા પણ પોતાના પુત્રના સદ્ગુણ જોઈને ઘણાંક પ્રસન્ન થાતાં હવાં અને સદ્ગુરુ રામાનંદ સ્વામીએ જેવું કહ્યું હતું તેવા જ પુત્રના ગુણ જોઈને ઘણાંક પ્રસન્ન થાતાં હતા. પછી આઠ વરસના થયા ત્યારે વેદોક્ત વિધિથી પિતાએ ઉપવીત સંસ્કાર કરાવ્યો અને બ્રહ્મચારીના ધર્મ કહી સંભળાવ્યા અને પોતાને પણ એવો જ વિચાર હતો જે, “મારે બ્રહ્મચર્યવ્રત પાળીને વિદ્યાભ્યાસ કરવો છે. પછી પોતે ગૃહનો ત્યાગ કરી સંવત્ ૧૮૬૪ની સાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની સેવામાં દાખલ થયા અને પોતે શ્રીસ્વામિનારાયણ થકી ભાગવતી દીક્ષા લઈ આનંદાનંદ નામ ધારણ કર્યું અને કેટલીક વખત સ્વામિનારાયણ ભગવાન સદ્ગુરુ આનંદાનંદ બ્રહ્મચારીને બથમાં ઘાલીને મળ્યા હતા. અને કેટલીક વખત છાતીમાં ચરણારવિંદ આપ્યાં હતા. એક વખત દલસુખરામભાઈ મછીઆવ પોતાના મામા (મુળજી બ્રહ્મચારી)ને ઘરે ભણવા માટે ગયા હતા. તે સમયમાં શ્રીજીમહારાજ મછીઆવ પધારેલા હતા અને દલસુખરામ ગામને પાદર બાળકો ભેળા રમતા હતા ત્યાં શ્રીજીમહારાજ સખા સહિત પધાર્યા. પછી મહારાજ દહસુખરામભાઈનું નામ લઈને બોલાવ્યા. પોતાનું નામ સાંભળી તુરત તેઓ મહારાજ પાસે આવીને પગે લાગ્યા ત્યારે મહારાજ કહે, “દલસુખ! ફુઈબાને કહી આવ્ય જે રોટલા લાવે અને રંગાં ફઈને કહે જે માંખણ લાવે.” તે સાંભળી દલસુખભાઈ એકદમ દોડ્યા ગયા અને ફુઈબાને કહ્યું જે, “મહારાજ સખાસહિત ગામને પાદર પધાર્યા છે તે રોટલા મગાવ્યા છે.” તે સાંભળીને ફુઈબાએ એક માણસને માથે રોટલાનું તપેલું ભરીને મહારાજ પાસે મોકલ્યા અને પોતે પણ સાથે ગયા પછી દલસુખભાઈ રંગાં ફઈને ઘરે ગયા અને કહ્યું જે, “મહારાજ સખાસહિત ગામને પાદર પધાર્યા છે તે માંખણ મંગાવે છે.” તેથી રંગાફઈ માંખણનું મોટું તપેલું ભરીને મહારાજ પાસે લઈને ગયા એટલે મહારાજે તળાવની પાળે સખાની પંક્તિ કરીને તેમના રોટલા તથા માંખણ અને દૂધ સૌને જમાડ્યા અને દલસુખભાઈની ઉપર શ્રીજીમહારાજ બહુ જ પ્રસન્ન થઈ ને તેમના માથા ઉપર પોતાના બે હાથ મૂક્યા. ॥૮૮૭॥
એક વખત દલસુખભાઈએ પોતાના માતાપિતાને કહ્યું જે, “મારે ઘરનો ત્યાગ કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે જવું છે અને આ જીવન તેમની સેવામાં ગાળવું છે કેમ કે મારે સંસારમાં રહેવું નથી.” પછી તેમનું વચન સાંભળીને તેમના માતાપિતા બહુ વિચારમાં પડ્યા જે, “હજુ બાલ્યાવસ્થામાં આટલો બધો વૈરાગ્ય છે તો રામાનંદ સ્વામીના કહેવા પ્રમાણે આ તો સનંદન નામનાં સનકાદિક જરૂર હશે.” પછી પોતાના સંબંધીઓનો ત્યાગ કરીને ગઢપુર આવીને શ્રીસ્વામિનારાયણની સેવામાં રહ્યા. ॥૮૮૮॥
સંવત્ ૧૮૭૮ની સાલમાં અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા અને મોટા આનંદાનંદ સ્વામીને ત્યાં અમદાવાદમાં રાખ્યા હતા. પછી પ્રથમ વરસનો અન્નકુટ આવ્યો ત્યારે મોટા આનંદાનંદ સ્વામીએ વિચાર કર્યો જે, “આ શહેર ગામ છે માટે બ્રહ્મચારી જો હોય તો સારૂં.” તે સમે શ્રીજીમહારાજ ગામ કારીયાણીમાં વિરાજમાન હતા. ત્યાં અમદાવાદથી મોટા આનંદાનંદ સ્વામી આવ્યા ને શ્રીજીમહારાજને વંદના કરી જે, “અમદાવાદ જેવું શહેર છે માટે ત્યાં બ્રહ્મચારી મોકલો તો સારું.” તે સમે શ્રીજીમહારાજ વસ્તાખાચરના દરબારમાં સભા કરીને વિરાજમાન હતા. પછી મહારાજે સંતની સભા સામું જોયું એટલે સભામાં સદ્ગુરુ આનંદાનંદ બ્રહ્મચારી બેઠા હતા. તેમને મહારાજે તર્જની આંગળીની સાને કરીને બોલાવ્યા. પણ સ્વામી કાંઈ સમજી શક્યા નહીં જે મને બોલાવે છે. પછી એક સંત પાસે બેઠા હતા. તેણે કહ્યું જે, “બ્રહ્મચારી! તમને મહારાજ બોલાવે છે.” પછી સ્વામી તરત ઉભા થઈને મહારાજ પાસે જઈ હાથ જોડીને ઉભા રહ્યા, ત્યારે મહારાજે કહ્યું જે, “આનંદાનંદ! અમદાવાદ જશો?” ત્યારે સ્વામીએ હાથ જોડીને કહ્યું જે, “મહારાજ તમે જ્યાં આજ્ઞા કરો ત્યાં જાઉં.” પછી મહારાજ ઉભા થઈને આનંદ બ્રહ્મચારીને બાથમાં ઘાલીને મળ્યા અને પોતાની ડોકમાં ચાર ગુલાબના હાર પહેર્યા હતા તે આનંદ બ્રહ્મચારીની ડોકમાં પહેરાવ્યા અને મહારાજે કહ્યું, “જા, તું એકલો ચાલજે.” પછી મોટા આનંદ સ્વામીને બોલાવીને મહારાજે કહ્યું જે, “આ આનંદ બ્રહ્મચારી તમારી સાથે અમદાવાદ આવે છે તે મુળજી બ્રહ્મચારી જેવો છે.” ॥૮૮૯॥
પછી બીજે દિવસે મોટા આનંદ સ્વામી સાથે આનંદ બ્રહ્મચારી અમદાવાદ ગયા અને ત્યાં સાત મહિના સુધી નરનારાયણ દેવની સેવા કરી. અને રૂગનાથ ગોર કરીને બ્રાહ્મણ હતા, તેમને મહારાજે મંદિરની સોંપણી કરી હતી અને રૂગનાથ ગોરના ઘરનાં મનુષ્ય થાળ કરતાં હતાં તે થાળ ધરીને પાછો પોતાની મેળે લઈ જાય અને સ્વામી દેવની સેવા કરતા અને પોતે ચોવીશ કલાકમાં એક વખત જમતા.
પછી શ્રીજીમહારાજે લોયામાં જ્યારે શાક ઉત્સવ કર્યો ત્યારે પોતાને વિચાર થયો જે, “હું પણ લોયે દર્શને જાઉં.” પછી મોટા આનંદ સ્વામીની રજા લઈને પોતે ચાલવાને માટે તૈયાર થયા ત્યારે ગોકળ ચોકશીએ એક હાથ માદરપાટ આણી દીધો અને જે દિવસે સ્વામી લોયે આવ્યા તેની અગાઉથી શ્રીજીમહારાજ પંચાળે પધાર્યા હતા અને ગોપાળાનંદ સ્વામીનું મંડળ સવારમાં ગામ પીપરડીએ ગયું હતું. સ્વામીએ લોયે આવીને સંઘા પટેલને પૂછ્યું જે, “મહારાજ ક્યાં?” ત્યારે સંઘો ભગત કહે, “મહારાજ તો પાંચ દિવસ થયાં ગામ પંચાળે પધાર્યા છે અને ગોપાળાનંદ સ્વામી આજ પીપરડીયે રાત છે. તે દિવસે એકાદશી હતી એટલે સંઘા પટેલે કહ્યું જે, “બ્રહ્મચારી! કાંઈ ફરાળ કરશો?” ત્યારે સ્વામી કહે, “સુખડીનું ફરાળ કરું?” પછી પોતે સુખડી કરીને ઠાકોરજીને જમાડીને પછી પોતે જમ્યા અને બાકીની સુખડી વધી તે સંઘા પટેલને આપવા માંડી ત્યારે સંઘો પટેલ બોલ્યા જે, “સ્વામી! કાલે બારસ છે તે તમારે પારણું કરવા થાશે, માટે તમો રાખો.” પછી સુખડીનો લોટો ભરી લીધો. ॥૮૯૦॥
પછી બારસના રોજ સ્વામી વહેલા ઉઠીને ચાલતા થયા અને ગામ પીપરડીયે ગોપાળાનંદ સ્વામી ભેળા થયા. પછી સ્વામીને દંડવત કરીને પગે લાગ્યા અને પછી સ્વામી સાથે ગામ પંચાળે ગયા. ત્યાં પંચાળે જઈને શ્રીજીમહારાજને દંડવત કરીને પગે લાગ્યા ને પ્રથમ મહારાજ ગોપાળાનંદ સ્વામીને મળ્યા ને પછી આનંદ સ્વામીને મળ્યા અને બાથમાં ઘાલીને મહારાજ બોલ્યા જે, “આનંદાનંદ! આવ્યો?” ત્યારે સ્વામી કહે, “હા, મહારાજ.” પછી સભામાં મહારાજે વાત કરી જે, “આ સાત મહિના સુધી અમદાવાદમાં રહ્યો પણ સ્ત્રી-ધનમાં ફેર પડ્યો નહીં માટે આ મુળજી બ્રહ્મચારી જેવો છે.” એમ કહીને મહારાજ બીજી વાર બથમાં ઘાલીને મળ્યા અને છાતીમાં ચરણારવિંદ આપ્યાં. પછી મહારાજે એક ગાલીચો માગાવ્યો અને તે ઉપર ચાર જણને બેસાર્યા. તેમાં એક તો સદ્ગુરુ બ્રહ્મચારી આનંદાનંદજી, બીજા સદ્ગુરુ બ્રહ્મચારી વાસુદેવાનંદજી, ત્રીજા સદ્ગુરુ બ્રહ્મચારી વૈકુંઠાનંદજી, ચોથા સદ્ગુરુ બ્રહ્મચારી ગોવિંદાનંદજી એ ચાર જણને મહારાજે પોતાના ઢોલિયા સન્મુખ બેસાર્યા અને પછી મહારાજ બોલ્યા જે, “મુક્તાનંદ સ્વામી! ગોપાળાનંદ સ્વામી! આ ચારે સનકાદિકની જોડ થઈ.” એમ કહીને મહારાજે તેમની આરતી ઉતારી અને તેમને જોઈને મહારાજ બહુ જ રાજી થયા. ॥૮૯૧॥
એક વખત શ્રીજીમહારાજ જુનાગઢ પધારતા હતા અને ગામ પીપરડીને પાદર શ્રીજીમહારાજ પધાર્યા. ત્યાં મહારાજ બહુ જ તરસ્યા થયા હતા અને આનંદાનંદ સ્વામી ખંભે લોટો લઈને કુવાને કાંઠે ઉભા હતા ત્યારે મહારાજ બોલ્યા જે, “બ્રહ્મચારી! શું ઉભો છે? પાણી કાઢ્ય પાણી!” પછી સ્વામીએ લોટો અને અબખોરો ઉટકીને કુવામાંથી પાણી કાઢીને મહારાજને પાયું. તે મહારાજ ચાર અબખોરા પાણી પી ગયા. પછી સૌ સંતે પાણી પાયું અને પછી માણકી ઘોડીને પાણી પાયું. પછી મહારાજ બોલ્યા જે, “ભલે, આનંદાનંદ! ભલે તારી જુવાની કામ આવી.” ॥૮૯૨॥
એક સમે મહારાજ શ્રીવાસુદેવનારાયણને ઓરડે થાળ જમતા હતા અને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી વિગેરે સદ્ગુરુ પાસે બેઠા હતા. પછી મહારાજે પોતાની જનોઈ દેખાડીને સૌને કહ્યું જે, “આનું સૌને અભિમાન છે.” પછી ગોપાળાનંદ સ્વામી વિગેરે સદ્ગુરુઓ શ્રીજીમહારાજની પ્રસાદી લેવા માટે ગયા. પછી મહારાજે સૌને પ્રસાદી આપી. તે વખતે મુળજી બ્રહ્મચારી તથા આનંદાનંદ બ્રહ્મચારી તે પ્રસાદી લેવા ઉઠ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમને તો બ્રહ્મચારી રાખવા છે માટે તમને પ્રસાદી નહીં આપું.” પછી મહારાજે તેમને સાકરની પ્રસાદી આપી. ॥૮૯૩॥
શ્રીજીમહારાજ બોટાદથી ચાલ્યા તે ગામ જોટીંગડાને પાદર આવ્યા. ત્યાં આનંદાનંદ સ્વામી મહારાજને માટે ઠંડા પાણીનો લોટો તથા અબખોરો ભરીને તૈયાર કરીને રાખ્યો હતો. તે શ્રીજીમહારાજ ત્યાં પધાર્યા ત્યારે ત્યાં આઠવડી ધાબળી પાથરીને તે ઉપર પધરાવ્યા. ત્યાર પછી ઠંડું જળ પાયું. મહારાજ જળ પીઈને બહુ જ પ્રસન્ન થયા. ને માથે હાથ મેલ્યા. ॥૮૯૪॥
ગઢપુરમાં જ્યારે શ્રી ગોપીનાથજી મહારાજ પધરાવ્યા ત્યારે શ્રીજીમહારાજે સદ્ગુરુ આનંદાનંદ બ્રહ્મચારીને સેવામાં રાખ્યા હતા. તે ઘણાક વરસ સુધી સ્વામીએ શ્રીગોપીનાથજી મહારાજની સેવા કરી. શ્રીગોપીનાથજી મહારાજની વસ્ત્ર તથા અલંકાર વિગેરેની હરિજન પાસે ઘણી જ સેવા કરાવી. ॥૮૯૫॥
જુનાગઢ જ્યારે દેવ પધરાવ્યા ત્યારે શ્રીજીમહારાજે ગઢપુર સભામાં કહ્યું જે, “જુનાગઢ જાય તેનો જામીન હું.” એમ કહ્યું તે વખતે સદ્ગુરુ આનંદાનંદ બ્રહ્મચારી તથા ગુણાતીતાનંદ સ્વામી તથા જોરોભાઈ, એ ત્રણે જણ ઉભા થયા ને મહારાજને પગે લાગ્યા. પછી મહારાજે આનંદાનંદ સ્વામીને પોતાની પાઘડી પ્રસન્ન થઈને આપી અને ગુણાતીતાનંદ સ્વામીને પોતાનો ખેસ આપ્યો અને જોરાભાઈને અંગરખું આપ્યું. એવી રીતે ત્રણેને ત્રણ વસ્ત્ર આપ્યાં. પછી સમાધિવાળા નારાયણદાસ સાબદા થયા અને પછી ત્રણે જણા અક્ષરઓરડીમાં શ્રીજીમહારાજને દર્શને ગયા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! આ નારણદાસજી સાથે આવે છે.” તે વખતે શ્રીજીમહારાજ જમીને અક્ષર ઓરડીમાં ટેલતા હતા. પછી મહારાજ પાસે તે વખતે કાંઈ વસ્ત્ર નહોતું. એટલે નારાણદાસને પોતાની પાસે બોલાવ્યા અને નારણદાસના પેટ ઉપર મહારાજ હાથ ફેરવીને બોલ્યા જે, “સ્વામી! આ નારણદાસનું પેટ પ્રસાદીનું કરી દીધું.” પછી એ ચારે જણા જુનાગઢ ગયા અને આનંદ સ્વામીએ જુનાગઢમાં ઘણાક વરસ સુધી દેવની પૂજા કરી હતી. ॥૮૯૬॥
અને ધોલેરામાં જ્યારે મદનમોહનજી મહારાજ પધરાવ્યા ત્યારે શ્રીજીમહારાજે આનંદ સ્વામી ગઢપુરમાં હતા ત્યાં અક્ષરઓરડીમાં બોલાવીને કહ્યું જે, “તમો ધોલેરે મદનમોહનજીની સેવામાં જાઓ.” ત્યારે સ્વામી કહે, “બહુ સારું, મહારાજ! પણ હું અત્યારે ભણું છું.” ત્યારે મહારાજ બોલ્યા જે, “તમને ભણવાનો જોગ કરી આપશું.” પછી મહારાજને મળીને તેઓ ધોલેરે દેવની સેવા કરવા ગયા. એમ શ્રીજીમહારાજ કેટલીક વખત પ્રસન્ન થઈને મળ્યા હતા તથા કેટલીક વખત છાતીમાં ચરણારવિંદ આપ્યાં હતાં. ॥૮૯૭॥
એક વખત ગઢપુરમાં સ્વામી પોતાને આસને બેઠા હતા. તે વખતે ગામ ઝાંઝમેરના જેરામ બ્રાહ્મણ સ્વામીને દર્શને આવ્યા. તે દંડવત કરીને પગે લાગીને સ્વામીની સન્મુખ બેઠા. ત્યારે સ્વામીએ કહ્યું જે, “જેરામ! ગામમાં સત્સંગ કરાવ્ય ને!” ત્યારે બ્રાહ્મણે કહ્યું જે, “સ્વામી! ગરીબ બ્રાહ્મણનું કોણ માને?” ત્યારે સ્વામી કહે કે, “કેમ હોય તો માને?” ત્યારે બ્રાહ્મણ કહે, “સ્વામી! દશ હજાર રૂપિયા હોય તો હમણાં સૌ માને અને સૌને સત્સંગ કરાવું.” પછી સ્વામી કહે, “જા, તારે દશ હજાર રૂપિયા થાશે.” પછી સ્વામીના વચન પ્રમાણે તેને તેટલા રૂપિયા થયા. અને ગામમાં તેણે સત્સંગ પણ કરાવ્યો. ॥૮૯૮॥
એક વખત સ્વામી ગજાભાઈની વાવડીએ પધાર્યા હતા અને ત્યાંના દરબાર નાનભા હતા. તેમને આંખ્ય નીચે મોટો મસ નીકળ્યો હતો. તે નિરંતર વૃદ્ધિ પામતો હતો. પછી તે દરબાર સ્વામીને દર્શને આવીને પગે લાગ્યા ને બેઠા. પછી સ્વામીએ દૃષ્ટિ માંડીને જોયું. ત્યાં તો તે મસ જોવામાં આવ્યો. તે જોઈ સ્વામીએ કહ્યું જે, “દરબાર! આ શું છે?” ત્યારે દરબાર કહે, “સ્વામી! એ તો મસ નીકળ્યો છે. તે દિન પ્રતિદિન વધતો જાય છે અને આંખને જોખમ કરે એમ જણાય છે.” પછી સ્વામીએ પોતાની પાસે બોલાવીને મસ ઉપર પોતાની તર્જની આંગળી ફેરવી અને પછી તેઓ ઘરે ગયા. પછી રાત્રે સુતા અને સવારે ઉઠીને જુવે ત્યાં તો મસ ક્યાંઈ જોવામાં આવ્યો નહીં અને મોઢા જેવું મોઢું થઈ ગયું. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા જે, “આ શું મસ ક્યાં ગયો?” ॥૮૯૯॥
ગામ વાવડીના ભગવાન પટેલને કોઈકે વીર વળગાડ્યા હતા. તે તેને અહોનિશ દેખાયા જ કરે. તેની ચિંતાએ કરીને પોતે બહુ જ દુઃખી હતા. પછી તે સ્વામી પાસે આવીને બેઠો. તેને સ્વામીએ પૂછ્યું જે, “ભગવાન! કેમ બહુ દુબળો થઈ ગયો છે?” ત્યારે ભગવાન કહે કે, “સ્વામી! મને કોઈકે વીર વળગાડ્યા છે. તે રાત દિવસ દેખાયા જ કરે છે તેથી મને ચિંતા રહ્યા કરે છે. તેથી શરીર સુકાઈ ગયું છે.” પછી સ્વામી કહે, “આજ રાતે મારી પાસે રહે અને તેના શા ભાર છે તે તારી પાસે આવી શકે?” પછી તે રાતે સ્વામી પાસે રહ્યા ને રાત્રે બે વીર દેખાણા. ત્યારે ભગવાન કહે, “ખડકીની બહાર ઉભા છે.” પછી સ્વામીએ બેઠા થઈને હાંક મારી એટલે તે નાસી ગયા અને દેખાતા બંધ થયા ને તે પાકો સત્સંગી થયો. ॥૯૦૦॥
એક વખત સ્વામી રેવે પધાર્યા હતા અને ત્યાં આઠ-દશ દિવસ રહ્યા. ત્યાં હરિજનોએ સારી સેવા કરી. પછી સ્વામી બીજે ગામ જતા હતા ત્યારે સૌ હરિજનો સ્વામીને વળાવવા નીકળ્યા. તે વખતે ત્યાંના શેઠ અમીચંદ નામે કરીને હતા. તેણે સ્વામીને હાથ જોડીને પૂછ્યું જે, “સ્વામી! મારા જેઠાભાઈનું બૈરું બહુ જ બીમાર રહે છે.” તે સાંભળીને સ્વામીએ હાથમાં માળા લઈને કહ્યું જે, “પાછો વળ્ય પાછો અને તેને ભોંય લીધેલ છે.” ત્યાં તો તેનો દીકરો પછવાડેથી દોડતો આવ્યોને કહ્યું જે, “બાપા! ઘરે ચાલો, મારી કાકીને ભોંય લીધી છે.” તે સાંભળીને તે વાણિયો ઘણો જ દિલગીર થઈ ગયો અને ત્યાં લમણે હાથ દઈને પોક મેલીને બેસી ગયો કેમ કે બાવીસોં રૂપિયા ખરચીને પરણાવ્યો હતો. ॥૯૦૧॥
ગામ ઉમરાળામાં હીરો શેઠ કરીને વાણિયા હતા અને ફક્ત એક દીકરી હતી. બીજી પ્રજા કાંઈ નહોતી અને તે દીકરી પણ બાળપણથી રાંડી હતી. તેથી તે શેઠ બહુ જ કલ્પાંત કરતા હતા અને તે વખતે સ્વામી તેનો ખરખરો કરવા પધાર્યા હતા. તે વખતે તે વાણિયે બહુ જ કલ્પાંત કરવા માંડ્યું ત્યારે સ્વામી કહે, “શા માટે કલ્પાંત કરો છો? પરમેશ્વરે જે કર્યું હશે તે ઠીક કર્યું હશે! તારે દીકરો નથી તે આ તારો દીકરો અને તે તમારી બન્ને જણની સેવા કરશે અને તમો બન્નેને તે તારશે. એટલું જ નહીં પણ તે બાઈ આખા ગામને તારશે એવાં ભક્ત થાશે.” શેઠે કહ્યું જે, “સ્વામી! તે કાંઈ ભણેલી નથી.” તે સાંભળીને સ્વામીએ પોતાની પાસે ઉદ્ધવગીતાનું પુસ્તક હતું તે શેઠને આપ્યું ને કહ્યું કે, “આ પુસ્તક આપજે તે વાંચશે.” ત્યારે શેઠે કહ્યું, “સ્વામી! ભણ્યા વિના શું વાંચે?” સ્વામીએ આશીર્વાદ દઈને કહ્યું જે, “તું તેને પુસ્તક આપજે એટલે વાંચશે.” હીરાશેઠે તે પુસ્તક લઈને તેની દીકરીને આપ્યું અને તે પુસ્તક તેની દીકરી રળીયાતળા વાંચવા મંડ્યા. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યાં અને તેણે સ્વામીની આશિષ મુજબ આખા ગામને તાર્યું ને ખુબ સાધુની તથા મંદિરની સેવા કરીને બાઈયુંને મહામુક્ત જેવી બનાવી હતી. ॥૯૦૨॥
એક વખત સ્વામી ઉમરાળામાં મંદિર કરવા પધાર્યા હતા અને ત્યાંના હરિજન બહુ દુબળા હતા અને એક નથુ શ્રીમાળી કરીને શ્રીમંત બ્રાહ્મણ હતો પણ તેને કાંઈ પ્રજા નહોતી અને સૌ હરિજનોએ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે મંદિરની સેવા કરી. પછી નથુ શ્રીમાળીએ સ્વામીને કહ્યું જે, “સ્વામી! જો મારે દીકરો થાય તો તમે કહો તે સેવા કરૂં.” ત્યારે સ્વામી કહે, “વધઘટનો ધણી તું થા ને મંદિર પુરું કરાવી આપ્ય તો તારે દીકરો થાય.” પછી તેણે અધુરું મંદિર પુરૂં કરતાં જે ખરચ થયો તે તેણે આપ્યો અને મંદિર પુરું કરાવ્યું. પછી તેને દીકરો થયો. તે અષ્ટવંકો હતો. પછી નથુ શ્રીમાળીએ સ્વામીને કહ્યું જે, “સ્વામી! આ તો આઠવાંકો આવ્યો.” સ્વામી કહે, “જા, તારે બીજા બે દીકરા સારા થાશે.” પછી સ્વામીનાં વચન પ્રમાણે તેને બીજા બે સારા દીકરા થયા. ॥૯૦૩॥
જે વખતે ઉમરાળાના મંદિરનું કામ ચાલતું હતું અને ત્યાં આથમણી જગ્યામાં એક લીંબડો હતો. તે મંદિર ચણાવતાં અડચણ કરતો. પછી સ્વામીએ કહ્યું જે, “તેની એક ડાળ પાડી નાખો.” પછી સૌ હરિજનોએ કહ્યું જે, “સ્વામી! દરબારની રજા સીવાય આપણાથી લીંબડો કપાય નહીં.” ત્યારે સ્વામી કહે કે, “હું કહું છું ને પાડો અને પૂછશે તો હું જવાબ આપીશ.” પછી પોતે પાસે રહીને એક મોટી ડાળ કપાવી નાંખી. તે વાતની ત્યાંના ન્યાયાધીશને ખબર પડી એટલે એક માણસને મોકલીને કહ્યું જે, “જે માણસે લીંબડો કપાવ્યો હોય તેને આંહીં બોલાવો.” તે વખતે સ્વામી સોળે હતા. તે પૂજા કરવા બેઠા હતા. ત્યાં દરબારી માણસે આવીને કહ્યું જે, “આ લીંબડો કોણે કાપ્યો છે?” ત્યારે સ્વામી કહે, “મેં કાપ્યો છે.” ત્યારે તે માણસ કહે કે, “સાહેબ તમને બોલાવે છે.” સ્વામી સોળે હતા એટલે તરત ચાંખડીયું પહેરીને બે બ્રહ્મચારીને સાથે લઈને તેને ઉતારે ગયા. તે વખતે તે ન્યાયાધીશ ભાણાભાઈ દાતણ કરતા હતા. તે સ્વામીને દરવાજામાં આવતા ભાળીને એકદમ સામા આવીને દંડવત કર્યા અને સ્વામીને વંદના કરીને કહ્યું જે, “સ્વામી! આપ આંહીંયાં શા માટે પધાર્યા?” ત્યારે સ્વામી કહે, “મેં લીંબડો કાપ્યો છે એટલા માટે.” ત્યારે ન્યાયાધીશ કહે, “સ્વામી! સુખેથી ભલે કાપ્યો!” ન્યાયાધીશ કહે, “આજે મારો ઠાકોરજીને થાળ છે અને તમે આંહીંયાં પધાર્યા તે જોઈ મને બહુ જ ભીતી લાગી છે. માટે મારી ઉપર કૃપાદૃષ્ટિ રાખજો.” પછી તેણે પાંચ દિવસ સુધી જેટલા માણસ હતા તેને સૌને રસોઈ આપી અને સ્વામીનો આશિર્વાદ લઈને સ્વામીને રજા આપી એટલે સ્વામી મંદિરમાં પધાર્યા. ॥૯૦૪॥
ઉમરાળામાં બે બ્રાહ્મણ હતા તે બાલ્યાવસ્થામાં સ્વામી પાસે વિદ્યાભ્યાસ કરતા હતા. તેમાં એકનું નામ નાનો દયો અને બીજાનું નામ મોટો દયો હતું અને મંદિરની સેવામાં સૌ હરિજનો સ્વામીની હાજરીમાં રહેતા. પછી એક દિવસ સ્વામીએ પૂછ્યું જે, “મોટો દયો કેમ દેખાતો નથી?” ત્યારે કોઈકે કહ્યું જે, “સ્વામી! મોટો દયો તો બગડી ગયો છે.” ત્યારે સ્વામી કહે, “જો બગડી ગયો હશે તો તે ઝાઝા દિવસ નહીં રહે.” પછી થોડાક દિવસ થયા ત્યાં તો તેનું ભવિષ્ય થઈ ગયું. ॥૯૦૫॥
ગામ ઉમરાળામાં જે શંકર કરીને શ્રીમાળી બ્રાહ્મણ હતા. તેમને પોતાની વૃદ્ધાવસ્થાને લીધે આંખે જખમ થયા હતા. તેઓ એક વખત ગઢડે શ્રીગોપીનાથજી મહારાજને દર્શને આવ્યા હતા. પછી દેવનાં દર્શન કરીને સ્વામીને આસને દર્શને ગયા. તે મેડે ચડીને સ્વામી પાસે જતા હતા એટલામાં થાંભલે ભટકાણા. ત્યારે સ્વામી બોલ્યા જે, “જેશંકર! તું થાંભલે ભટકાછ તે ભાળતો નથી કે શું?” ત્યારે જે શંકર કહે, “ના, સ્વામી!” ત્યારે સ્વામી કહે, “નથી ભાળતો?” એમ કહીને સ્વામી બોલ્યા જે, “જા, આજથી જીવતપર્યંત સારી રીતે દેખાશે.” પછી તે વખત સ્વામીને દંડવત કરીને પાસે બેઠા અને બોલ્યા જે, “સ્વામી! હું તો બધુંય ભાળું છું અને તમારાં દર્શન પણ સારી રીતે થાય છે.” એમ સ્વામીના આશીર્વાદથી જીવંતપર્યંત આંખે દેખાણું. ॥૯૦૬॥
ગઢાળીમાં સ્વામી મંદિર કરાવવા સારુ પધાર્યા હતા અને ત્યાંના હરિજનોને ભેળા કરીને સ્વામીએ મંદિરનો ખરડો કરવા માટે કહ્યું. ત્યારે હરિજનોએ મળીને કહ્યું જે, “સ્વામી! જેમ તમે આજ્ઞા કરો તેમ કરીએ.” તેમાં જેમ જેની શ્રદ્ધા હતી તેમ સ્વામીએ કહ્યા પ્રમાણે સૌએ રૂપિયા નોંધાવીને આંકડો કર્યો અને ત્યાંના શેઠ તારાચંદ ભાવનગર ગયા હતા એટલે સ્વામીએ કહ્યું જે, “તારાચંદના રૂપિયા એકસો ને પાંચ ભરો.” અને ત્યાંના શેઠ ગોવિંદ આંબા કરીને હતા. તેમને સ્વામીએ પૂછ્યું જે, “તમારું શું ભરુ?” ત્યારે શેઠ બોલ્યા જે, “મારા ત્રણ રૂપિયા.” તે સાંભળી સ્વામી કહે, “તારા ત્રણ રૂપિયા હોય?” પછી બહુ કહ્યું ત્યારે કહે, “મારા પાંચ રૂપિયા ભરો!” સ્વામી કહે, “જા, તારો એકે રૂપિયો જોતો નથી.” પછી તે રાત્રીએ ઘરે જઈને સુતા એટલે રાતના બાર વાગ્યે બે યમદૂત આવીને દેખાણા. તેને જોઈને પોતે ભયભીત થઈ ગયા. પછી તેનો નોકર નરસીદાસ કરીને વાણિયો હતો. તેને જગાડ્યો અને કહ્યું જે, “અત્યારે ને અત્યારે ઝટ સ્વામી પાસે ચાલ્ય.” પછી બન્ને જણ રાત્રીએ બાર વાગ્યે મંદિરમાં આવ્યા ને ત્યાં સ્વામીને દંડવત કરીને પગે લાગીને કહ્યું જે, “સ્વામી! તમે કહો તેટલા રૂપિયા ખરડામાં ભરું પણ આ બે મને દેખાય છે તે દેખાતા બંધ થાય એમ કરો.” સ્વામીએ જરા આકરા થઈને કહ્યું જે, “જા, તારૂં કાંઈ જોતું નથી.” પછી તેણે હાથ જોડીને કહ્યું જે, “સ્વામી! મંદિર ચણવાના ખર્ચમાં વધઘટનો ધણી હું, પણ આ બે જમ દેખાય છે તે દેખાતા બંધ કરો.” પછી રૂપિયા એકસો ને પાંચ ખરડામાં ભર્યા એટલે યમદૂત દેખાતા બંધ થયા. એમ ચમત્કાર જ્યારે દેખાડ્યો ત્યારે માન્યો. ॥૯૦૭॥
ગઢાળીમાં એક વાણીયણબાઈ બહુ સારા સત્સંગી થયાં હતાં પણ તેમને દૃષ્ટિદોષ હતો જે, “કોઈ સારું ઢોર કે સારું માણસ ભાળે તેમાં તેની વૃત્તિ ચોટી જતી.” પછી એક દિવસ બ્રહ્મચારી ઝોળીયે ગામમાં ગયા હતા અને તે શેઠને ઘરે ઝોળી માગવા ગયા ત્યારે તે બાઈએ કહેવરાવ્યું જે, “હું અહીંથી બધું સીધું મોકલાવું છું. અને સ્વામીને વાત કરજો જે, ‘મારે આવી રીતે દૃષ્ટિ દોષ છે જે મને કાંઈ ખબર નથી પણ મારું નામ લે છે તે નાશ પામે છે. માટે કૃપા કરો.’” પછી તેમના દીકરા સાથે બધું સીધું મંદિરમાં મોકલાવ્યું અને બ્રહ્મચારી ઝોળીયે ગયા હતા તે પાછા આવ્યા. તેમને જોઈને સ્વામી બોલ્યા જે, “કેમ પાછા આવ્યા?” ત્યારે બ્રહ્મચારી કહે જે, “આ શેઠનો દીકરો કહે તે સાંભળો.” પછી સ્વામીએ કહ્યું, “જે, જા, હવે નહીં થાય.” પછી તે બાઈની દોષદૃષ્ટિ હતી તે મટી ગઈ. ॥૯૦૮॥
એક સમે સ્વામી ગઢાલી પધાર્યા હતા અને રાતે સંધ્યા આરતી કરતા હતા. પછી ત્યાંનો ગિરધર કરીને વાણિયો હરિજન હતો તેને સ્વામીએ પૂછ્યું જે, “ગિરધર! કેમ તું કોઈ દિવસ આરતી વખતે દેખાતો નથી?” ત્યારે ગિરધર કહે, “સ્વામી! આરતી વખતે તો નિત્યે મારે ભેંશ પાવા જવી પડે છે.” ત્યારે સ્વામી કહે, “મુઈ... તારી ભેંશ. અલ્યા આરતી વખતે ધામમાત્રના મુક્ત ભગવાનને દર્શને આવે અને આરતી વખતે તું ભેંશ પાવા જાછ.” સ્વામીએ મંદિરમાં વાત કરી ત્યાં તો તેને ઘરે ભેંશ મૃત્યુને પામી અને છોકરો એકદમ મંદિરમાં આવ્યો અને તેના બાપને કહ્યું જે, “બાપા! બાપા! ઝટ ઘરે ચાલો અને ભેંશ તો લાંબી થઈને સુતી છે.” ત્યારે ગિરધર કહે કે, “હમણાં સ્વામીએ અહીંયાં ભેંશને મુઈ એમ કીધું.” અને પછી તે ઘરે ગયો ત્યાં તો ભેંસ ઘરે મરી ગઈ. પછી એણે એવો નિયમ રાખ્યો જે, “આરતી વખતે ક્યાંય આડું અવળું જાવું નહીં.” ॥૯૦૯॥
એક વખત સ્વામી ગઢાળી પધાર્યા હતા અને સૌ હરિજનોએ સ્વામીની પ્રાર્થના કરી જે, “સ્વામી! અમારે ઘરે પગલાં કરવા પધારો.” પછી સૌ હરિજનોનો આગ્રહ જોઈને તેમને ઘરે પધારવાની હા પાડી. પછી સૌએ પોતપોતાને ઘરે સ્વામીની પધરામણી કરી અને સૌની શ્રદ્ધા પ્રમાણે વસ્ત્ર ઓઢાડ્યાં તથા દેવની પણ કેટલીક સેવા કરી. પછી આણંદ કરીને ભાવસાર હરિભક્ત હતા તેણે સ્વામીને કહ્યું જે, “સ્વામી! મારે ઘરે પગલાં કરો.” પછી સ્વામી તેને ઘરે પધાર્યા અને ઓસરીમાં બેઠા. પછી સ્વામીને એક વસ્ત્ર ઓઢાડ્યું ત્યારે સ્વામીએ કહ્યું જે, “આણંદ! તારે પટારો નથી?” આણંદ ભક્ત કહે, “સ્વામી! હું તો ગરીબ છું! આ પાંચ માણા જારની કોઠી મારા ઘરમાં છે.” પછી સ્વામી કહે, “ચાલ, તારી કોઠી ઉપર હાથ મેલું.” પછી સ્વામીએ તેની જારની ભરેલી કોઠી ઉપર હાથ મેલ્યો અને કહ્યું જે, “આનું મોઢું છાંદી દ્યો અને સાણેથી અનાજ કાઢી કાઢીને ખાજો.” પછી બે ચાર વરસ સુધી એમ સાણેથી કાઢીને નિર્વાહ કર્યો પછી એક દિવસ ઉપરથી કોઠીનું મોઢું ઉઘાડ્યું એટલે માથા સુધી ભરેલી દીઠી અને પછી છાંદી દીધી પણ સ્વામીએ મોઢું ઉઘાડવાની ના પાડી હતી તેથી પછી નીકળતું બંધ થઈ ગયું. ॥૯૧૦॥
ગામ પાટણાના શેઠ જુઠા કરીને વાણિયા હતા. તેને છ મહિનાથી નિંદ્રા આવતી નહોતી. તેથી તેને ગઢપુર સ્વામી પાસે લાવ્યા. અને ગઢપુરમાં ગોરધનદાસ કરીને તેના સંબંધી વાણિયા હતા. તેમણે સ્વામીને વાત કરી જે, “સ્વામી! આ જુઠા શેઠને છ મહીના થયાં નિંદ્રા આવતી નથી.” તેથી સ્વામીએ કહ્યું જે, “તેને મારી પાસે લાવો.” પછી તેમને સ્વામી પાસે લાવીને બેસાર્યા. પછી સ્વામીએ તેના સામું જોઈ રહીને બે ચાર સાદ કર્યા ત્યારે જરા હુંકાર આપ્યો. તે વખતે સ્વામી જમવા બેઠા હતા. તે જમી રહ્યા પછી પોતાની પ્રસાદીની થાળી જુઠા શેઠને આપી અને જુઠા શેઠને કહ્યું જે, “આ જમીને આંહીં સુઈ જા.” પછી તે આસને મેડા ઉપર સ્વામીની પ્રસાદી જમીને સુઈ ગયા. તે દિવસના ચાર વાગ્યે જાગ્યા અને તેમને જે રોગ હતો તે ટળી ગયો. ને શ્રીગોપીનાથજી મહારાજની સેવા ઘણી જ સારી કરી. ॥૯૧૧॥
ગામ કરીયાણાના ખોડાખાચર કરીને કાઠી હતી. તેને મહાવીર વળગ્યો હતો. તેને કાઢવાને માટે તેણે ઘણા ઘણા ઉપાય કર્યા પણ તે નીસર્યો નહીં. પછી સૌએ કહ્યું જે, “ગઢડે સદ્ગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી પાસે લઈ જાઓ.” તે ગાડું જોડાવી ગઢપુર આવ્યા અને ગોપીનાથજી મહારાજનાં દર્શન કરીને તે સ્વામી પાસે આવ્યા અને પાસે બેઠા એટલે મહાવીર ચીસો પાડવા લાગ્યો અને કહ્યું જે, “હું બળુ છું. બળું છું.” એમ કહીને બહુ પ્રાર્થના કરવા લાગ્યો જે, “ડોસા! મારું દૂધ ચોખા અને સાકર શા માટે ખોટું કરો છો?” તે વખતે એક જણે ઉભા થઈને ડારો કર્યો જે, “જાસ નીકર મારું છું.” ત્યારે તે મહાવીર બોલ્યો જે, “હું તમારા કોઈથી બીતો નથી. હું તો આ એક ડોસાથી બીવું છું.” પછી તેને સ્વામીએ તે કાઠીના શરીરમાંથી બહાર કાઢ્યો અને સોગન ખાઈને ચાલ્યો ગયો. પછી તે કાઠીએ શ્રી ગોપીનાથજી મહારાજની સ્વામીએ કહ્યા પ્રમાણે સેવા કરી. ॥૯૧૨॥
ગામ લંગાળામાં ગોયો કરીને આયર હરિભક્ત હતા. તેણે રઘુવીરજી મહારાજને બળદ આપ્યા હતા. પણ તેમના મનમાં એમ સંકલ્પ રહેતો જે, “મેં રઘુવીરજી મહારાજને બળદ આપ્યા છે તે મહારાજને પહોંચ્યા હશે કે નહીં?” એમ તેમના મનમાં સંકલ્પ રહ્યા કરતો હતો. પછી એક દિવસ સવારમાં શ્રીજીમહારાજ તેના બળદને રથે જોડીને ગામ લંગાળાને પાદર રંઘોળી નદી છે ત્યાં આવ્યા ને ઉતર્યા અને સાથે કેટલાક સંત તથા પાર્ષદ પણ હતા. તે વખતે તે ગોયા ભગતનો દીકરો પુંજો સાંતી લઈને ખેતર જતો હતો. તે આનંદ સ્વામીનો સેવક હતો. પછી તેને સ્વામીએ નામ દઈને બોલાવ્યો જે, “પુંજા! એ, પુંજા! જો આ તારા બળદીયા છે તે મહારાજની વેલ્ય જોડ્યા છે. અને તારા બાપને કહેજે, ‘તેં રઘુવીરજી મહારાજને બળદ આપ્યા છે તે બળદ શ્રીજીમહારાજને પહોંચ્યા છે.’” પછી તેણે શ્રીજીમહારાજના તથા સંતના દર્શન કર્યા અને મહારાજને તથા આનંદ સ્વામીને પગે લાગ્યો. પછી પોતાને ઘરે જઈને તેના બાપને વાત કરી જે, “તમે રઘુવીરજી મહારાજને બળદ આપ્યા છે તે બળદને વેલે જોડીને શ્રીજીમહારાજ તથા આનંદ બ્રહ્મચારી આંહીંયાં નદીએ પધાર્યા હતા તેમનાં દર્શન કરીને હું આંહીં આવ્યો અને મહારાજે મને કહ્યું જે, ‘તું તારા આતાને કહેજે જે, તે રઘુવીરજી મહારાજને બળદ આપ્યા છે તે બળદ મને પહોંચ્યા છે.’” પછી પોતાનો સંકલ્પ હતો તે ટળી ગયો. ॥૯૧૩॥
ખોપાળા ગામમાં નારણ સોની કરીને હરિભક્ત હતા. તેને દીકરીઓ હતી પણ દીકરો નહોતો! પછી પુત્રને માટે ગામ વીંછીયે તેણે બીજી વખત લગ્ન કરીને પરણ્યો. પછી તે જાન લઈને ગઢપુર આવ્યો અને ઠાકોરજીનાં દર્શન કરીને સ્વામીને આસને દર્શને ગયા. પછી સ્વામીને દંડવત કરીને પગે લાગ્યા. ત્યારે સ્વામીએ કહ્યું જે, “નારણ! નવાં લુગડાં કેમ પહેર્યાં છે?” નારણભાઈ કહે કે, “સ્વામી! મારાં લગ્ન કર્યાં છે.” ત્યારે સ્વામી કહે, “હજી પરણ્યો નથી?” નારણભાઈ કહે, “પરણ્યો તો છું પણ દીકરીઓ છે પણ દીકરો નથી.” સ્વામી કહે, “પાછો વળ્ય, દીકરો થાશે.” નારણભાઈ કહે, “સ્વામી! હવે પાછું ન વળાય.” સ્વામી કહે, “દીકરો થાય તો શું કર?” નારણભાઈ કહે, “સ્વામી! તમ કહો તેમ કરું.” સ્વામી કહે, “કેટલા રૂપિયા આપ્યા છે?” ત્યારે નારણભાઈ કહે, “બાવીસો રૂપિયા આપ્યા છે.” ત્યારે સ્વામી કહે, “અરધા રૂપિયા ગોપીનાથજી મહારાજને આપ્ય. અને તારે દીકરો થાશે.” નારણભાઈ કહે, “એક જ?” સ્વામી કહે, “લેને પાંચ થાશે.” નારણભાઈ કહે, “પહેલો જુનીને થાય.” પછી તેણે અગ્યારસો રૂપિયાનું ઘર ગઢપુરમાં વેચાતું લઈને શ્રીગોપીનાથજી મહારાજને કૃષ્ણાર્પણ કર્યું અને લગ્ન કર્યા. પછી પહેલો પુત્ર જુનીને થયો. એવી રીતે પાંચ પુત્રો સ્વામીના વચનથી તેની બન્ને સ્ત્રીયોને થયા. ॥૯૧૪॥
ગઢપુરમાં એક હરિભક્ત વાણિયો હતો. તે વહેવારે બહુ દુર્બળ હતો. પછી તેણે સ્વામીની પ્રાર્થના કરી જે, “મારૂં પ્રારબ્ધ ફરે એવી મારા ઉપર કૃપા કરો.” પછી સ્વામીએ મહારાજની મૂર્તિ ધારીને પ્રાર્થના કરીને તેના નિમિત્તે જનમંગળના પાંચસો પાઠ કર્યા પણ તેનું પ્રારબ્ધ કાંઈ ફર્યું નહીં. પછી સ્વામીએ તેને બોલાવીને કહ્યું, “એ, પીતાંબર વોરા! મારા જનમંગળના પાઠથી આ પાણાના બે કટકા થઈ જાય એવા મારા પાઠ છે પણ તારું પ્રારબ્ધ તે પથ્થર કરતાં પણ કઠણ છે. તેથી ફરે તેમ જણાતું નથી. માટે જા હું તને આશીર્વાદ દઉં છું કે તું વહેવારે સુખીયો થઈશ.” પછી તે સ્વામીના આશીર્વાદથી વહેવારે સુખીયા થયા. પછી ગોપીનાથજી મહારાજની તથા સદ્ગુરૂઓની કેટલીક સેવા કરી. ॥૯૧૫॥
ગઢપુરમાં દાદાખાચરના દીકરો અમરોખાચર હતા. તેને એક જ દીકરો હતો. તે બાલ્યાવસ્થાથી જ પોતે દેવના દર્શન કર્યા વિના અન્ન-જળ લે નહીં અને દૂધ પીવું હોય તો પણ તેમાં પ્રસાદીનું પતાસું નાખે, તો જ દૂધ પીવે, નિકર દૂધ પણ પીયે નહીં. પાંચ વખત હમેશાં દેવને દર્શને આવવું પછી તે પાંચ વરસના થયા ત્યારે તેને શરીરે મંદવાડ આવ્યો અને તે વખતે દાદા ખાચર પણ ઘરે નહોતા. પછી તેમનો મંદવાડ વિશેષ જાણીને મંદિરમાંથી સદ્ગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી તથા સદ્ગુરુ સિદ્ધાનંદ સ્વામી વિગેરે જોવા સારૂ તેમને ઘરે ગયા અને ખુરશીઓ નાંખી આપી. તે સદ્ગુરુ બેઠા અને બેયના ચરણારવિંદ લઈને બાળકની છાતીમાં આપ્યા. પછી બન્ને જણાં એક દૃષ્ટિએ તેના સામું જોઈ રહ્યા અને પછી મંદિરમાં આવ્યા અને પછી ઘડીક થયું એટલે તે છોકરો દેહ મેલી ગયો. ત્યારે સૌ સંતોએ તથા હરિજનોએ પૂછ્યું જે, “એ કોણ હતો?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “અમુક સંત હતા. તેમને વાસના હતી તેથી દેહ લીધો હતો.” ॥૯૧૬॥
ગઢપુરમાં હરજી લુહાર બહુ માંદો હતો. પછી તેને ભોંય લેવા વખત થયો તે વખતે તેનો ભાઈ લખો સ્વામી પાસે આવીને બહુ દિલગીર થયો. પછી સ્વામીને કહ્યું જે, “મારા ભાઈને ભોંય લીધો છે.” તે સાંભળીને સ્વામીએ ગોપીનાથજી મહારાજની પ્રસાદીનું જળ આપીને કહ્યું જે, “આ પ્રસાદીનું જળ લઈ જઈને પા એટલે સારુ થઈ જશે.” તેથી તે જળ ઘરે લઈ જઈને તેના ભાઈને પાયું અને તુરત તેને આરામ થયો. ॥૯૧૭॥
એક વખત સ્વામી વરતાલથી ગઢપુર પધારતા હતા અને ગામ ઉગામેડીને પાદર આવ્યા. તે વખતે ત્યાંના હરિજન સૌ સ્વામીને દર્શને આવ્યા અને રુડો કરીને એક હરિભક્ત હતો. તેણે સ્વામીને હાથ જોડીને કહ્યું જે, “સ્વામી! મારો દીકરો બહુ માંદો છે માટે તેને દર્શન દેવા પધારો.” પછી સ્વામી તેને ઘરે જઈને ઢોલિયા ઉપર બેઠા અને માંદા છોકરા સામું જોઈને બોલ્યા જે, “રુડા! આને સારું થઈ જશે. અને ગોપીનાથજી મહારાજ આગળ પચીસ રૂપિયા મૂકજો. કેમ કે દેવ બહુ બળીયા છે. માટે તેમનો વિશ્વાસ રાખજો.” પછી થોડેક દિવસે તે છોકરો સાજો થયો ત્યારે માનતાના રૂપિયા પચીસ ગોપીનાથજી મહારાજ આગળ મૂકી ગયા અને પગે લાગીને ઘરે ગયા ॥૯૧૮॥
ગામ લાઠીદડમાં અમરસી પટેલ કણબી હરિભક્ત હતા. તેણે એક વાડીમાં કુવો કરાવ્યો હતો તે કુવો વીશ હાથ ઉંડો ખોદ્યો પણ બીલકુલ પાણી આવ્યું નહીં. તેથી ગામના લોક કહેવા લાગ્યા જે, “આમાં પાણી નહીં થાય.” તે વખતે સદ્ગુરૂ આનંદાનંદ સ્વામી તે ગામમાં હતા. પછી તે અમરશી પટેલે મંદિરમાં આવી બ્રહ્મચારી અક્ષરાનંદજીને કહ્યું જે, “સ્વામીને મારી વાડીયે નાહવા સારુ લઈ જવા છે માટે સાંજે હું ગાડી લઈને આવીશ. કેમ કે મેં વાડીમાં કુવો ગળાવ્યો છે પણ તેમાં પાણી આવતું નથી. માટે સ્વામી ત્યાં પધારે અને પાણી થાય એવી કૃપા કરો તો સારુ.” પછી સાંજે ગાડી જોડીને સ્વામીને વાડીયે તેડી ગયો અને કુવાને કાંઠે એક ખાટલો ઢાળી તે ઉપર ગોદડું પાથરીને સ્વામીને બેસાર્યા. પછી સ્વામીએ કહ્યું જે, “પાણી લાવો મારે જંગલ જવું છે.” પછી બ્રહ્મચારી અક્ષરાનંદજીએ દોરી લોટો લઈને કુવામાં મૂક્યો એટલે લોટો પથરા સાથે અથડાણો તેનો રણકો વાગ્યો. તે સાંભળી સ્વામી બોલ્યા જે, “લોટો ફુટી જશે.” ત્યારે અમરશી પટેલે હાથ જોડીને કહ્યું જે, “સ્વામી! આમાં પાણી થતું નથી.” સ્વામી કહે, “પાણી નથી? ત્યારે મને અહીંયાં શા માટે લાવ્યો?” પટેલ કહે, “તમે કહો તે હું ગોપીનાથજી મહારાજની સેવા કરું અને આમાં એક કોસનું પાણી થાય તો મારી લાજ રહે એવી કૃપા કરો.” ત્યારે સ્વામી કહે, “કુવામાંથી એક પાણો લાવો.” પછી કુવામાંથી એક શેરનો પાણો લાવીને સ્વામી પાસે મેલ્યો. પછી સ્વામીએ તે પાણો હાથમાં લઈને જોયો અને બોલ્યા જે, “અમરશી! આમાં તો નરું પાણી જ ભર્યું છે!” સ્વામી કહે, “આ કુવામાં પાણી થાય તો તું શું સેવા કર?” ત્યારે પટેલ કહે, “જો એક કોસનું પાણી થાય તો તમો કહો તે હું સેવા કરું.” સ્વામી કહે, “એક કોસનું નહીં પણ છ કોસનું થાશે.” એમ કહીને સ્વામીએ કહ્યું જે, “આ ઉગમણો ખુણો છે ત્યાં લગારેક ખોદો.” પછી સ્વામી કુવાને કાંઠે બેઠા હતા અને કુવો ખોદનારે સ્વામીના કહેવા પ્રમાણે તે ઠેકાણે ખોદ્યું. એટલે પાણીનો મોટો બંબ આવ્યો. પછી સ્વામીએ પટેલને કહ્યું જે, “તમો ગઢપુર જઈને સંતને મોતીયા જલેબીની રસોઈ આપી આવો.” તે પ્રમાણે ગઢપુર આવીને સંતોને રસોઈ આપી ગયા ને કુવામાં હજી પણ તેટલું પાણી અખુટ રહેલું છે. ॥૯૧૯॥
ગામ ઝમરાળામાં એક વખત સ્વામી પધાર્યા હતા અને એક બ્રાહ્મણે આવીને સ્વામીને કહ્યું જે, “મારે ઘરે કાલે ઠાકોરજીને થાળ કરવાને પધારો.” પછી સવારે સૌ પૂજા પાઠ કરીને તેને ઘરે રસોઈ કરવા ગયા અને સ્વામીને આસન નાંખી દીધું. એટલે સ્વામી તો ઓસરીમાં બેઠા ને તે બ્રાહ્મણના માતાપિતા બન્ને અધોગતિને પામ્યાં હતાં અને તે બ્રાહ્મણની સ્ત્રી જ્યારે રસોઈ કરવા જાય ત્યારે તે બાઈની આગળ નાગ તથા નાગણી સામા આવે અને કેટલાક પરડોતરાં પણ ઘરમાં ફર્યા કરે તેથી તેનું આખું ઘર કંટાળી ગયું હતું. તેથી તે ઘરમાં તેડી ગયા અને ઘરમાં જઈને છાણાં ભાંગીને જ્યાં આડ કરવા ગયા ત્યાં નાગ તથા નાગણી બન્ને દેખાણાં. પછી બ્રહ્મચારી અક્ષરાનંદજીએ કહ્યું, “સ્વામી! અહીંયાં તો નાગ અને નાગણી મોટાં છે.” પછી તે બ્રાહ્મણે હાથ જોડીને સ્વામીને કહ્યું જે, “સ્વામી! હું ઘરે નહોતો અને પછવાડેથી ડોસો ગુજરી ગયા તેથી મારાં બન્ને મા અને બાપ અધોગતિને પામ્યાં છે. તેથી મારી ઘરવાળી જ્યારે રસોઈ કરે છે ત્યારે ત્યાં સામાં આવીને નાગ અને નાગણી લડ્યા કરે છે.” તે સાંભળીને સ્વામીએ પોતાનાં ઠાકોરજીને નવરાવીને તે જળ તેનાં ઘરમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ નામ લઈને છાંટ્યું અને સ્વામીનાં દર્શન તે નાગને તથા નાગણીને થયાં. ત્યારથી દેખાતાં બંધ થઈ ગયાં. અને તેમની સદ્ગતિ થઈ. ॥૯૨૦॥
ગામ ઝમરાળામાં અજો કરીને એક કણબી હરિભક્ત હતો. તેણે પોતાની વાડીમાં કુવો ગળાવ્યો હતો. પણ તેમાં છાંટો પાણી થયું નહીં. પછી ગાડી જોડીને સ્વામીને પોતાની વાડીમાં તેડી ગયો અને સ્વામીએ તે કુવો જોઈને કહ્યું જે, “આ કુવામાં પાણી થાય તો શ્રીગોપીનાથજી મહારાજ સારુ બે પીતાંબર કરાવજે.” પછી સ્વામીના કહેવાથી તે કુવામાં પુષ્કળ પાણી થયું. અને પછી તેણે બે પીળાં પીતાંબર લઈને ગોપીનાથજી મહારાજને અર્પણ કર્યા. ॥૯૨૧॥
ગામ કારીયાણીમાં દલો પટેલ બહુ જ માંદા થયા હતા. અને તેને ભોંય લે એવો મંદવાડ વધી ગયો હતો. પછી સૌ હરિજનોએ કાગળ લખીને એક હરિજન સાથે ગઢપુર સ્વામી પાસે મોકલ્યો. પછી તેણે ગઢપુર આવીને તે કાગળ સ્વામીને આપ્યો અને કહ્યું જે, “સ્વામી! દલા પટેલનો દેહ રહે તેવું લાગતું નથી.” પછી સ્વામીએ માળા લઈને જોઈને કહ્યું જે, “જાઓ, દલા પટેલને અત્યારથી સારું થઈ જાશે. અને અહીંયાં આવીને પછી સંતને જલેબી મોતીયાની રસોઈ આપી જજો.” એ સમાચાર તે હરિજને કારીયાણીમાં જઈને કહ્યા. અને સ્વામી બોલ્યા ત્યારથી જ તેને આરામ થવા લાગ્યો તે જ્યારે બરાબર સુવાણ થઈ ત્યારે ગઢપુર આવીને સંતોને જલેબી ને મોતીયા લાડવાની રસોઈ આપી ગયા. ॥૯૨૨॥
એક વખત સ્વામી ભાવનગર પધાર્યા હતા. અને રઘુનાથ ગોરનો દીકરો હરિશંકર કરીને હતો. તેને દીકરો નહોતો તેથી તેણે પોતાને ઘરે જમવા માટે સ્વામીને આમંત્રણ કર્યું. બીજે દિવસે પોતાને ઘરે પોતાને હાથે રસોઈ કરીને મંડળ સહિત સ્વામીને પોતાને ઘરે જમવા તેડી ગયો અને તમામ બ્રહ્મચારીઓને સારી રીતે જમાડ્યા અને પછી પૂજા કરીને વસ્ત્ર ઓઢાડ્યાં. તે વખતે રઘુનાથ ગોરના ઘરનાં મનુષ્યે કહ્યું જે, “હરિશંકર! તારે જો દીકરો જોતો હોય તો આનંદાનંદ સ્વામીના ચરણારવિંદ ધોઈને પી તો તારે દીકરો થાય.” પછી તે દૂધ તથા દહીં તથા મધ તથા ઘી અને સાકર એ પાંચ વાના લાવ્યો અને એક તાસ લાવ્યો. ત્યારે સ્વામીએ કહ્યું જે, “આ શું કરવા લાવ્યો?” ત્યારે હરિશંકર કહે કે, “મારી મા કહે છે કે તું સ્વામીના ચરણારવિંદ ધોઈને પી તો તારે દીકરો થાય.” ત્યારે સ્વામી કહે, “તારી મા હજી છે!” એમ સ્વામી બોલ્યા ત્યારે તે બાઈ ઘરમાં રડવા લાગી અને બોલી જે, “સ્વામી સાત મહિના અમદાવાદમાં રહ્યા પણ તેં ક્યારેય સ્વામીને સારૂ ખાવાનું આપ્યું નહીં અને તેમની અને મારી ક્યારેય એક દૃષ્ટિ થઈ નથી. માટે એ તો બહુ મોટા સમર્થ પુરુષ છે.” પછી હરિશંકર કહે, “સ્વામી! મારી મા બહુ રોવે છે!” સ્વામી કહે, “શા સારુ રોવે છે?” ત્યારે તેણે કહ્યું જે, “મેં અમદાવાદમાં સ્વામીને સારી રીતે ખાવા પીવામાં સાચવ્યા નથી.” સ્વામીએ કહેવરાવ્યું જે, “તારી માને કહે જે મારું તો તમે બહુ રાખ્યું છે! અને તારે ત્રણ દીકરા થશે!” એમ સ્વામીના આશીર્વચનથી તેને ત્રણ પુત્ર થયા. ॥૯૨૩॥
એક વખત સંવત્ ૧૯૩૩ની સાલમાં સ્વામી ભાવનગર પધાર્યા હતા અને ત્રણ માસ સુધી રહ્યા પણ સ્વામીને ત્યાંના હરિજનો ગઢપુર આવવા દે નહીં. પછી એક દિવસ સ્વામી જંગલ જવા પધાર્યા હતા અને રસ્તે જતા છગન ઝીણા કરીને કડવા કણબી ભેળા થયા અને તેઓ સ્વામીને પગે લાગ્યા. પછી છગનભાઈએ સ્વામીને કહ્યું જે, “મારી રસોઈ લ્યો.” સ્વામી કહે, “મારે ગઢપુર જવું છે તે તું તારું ગાડું લાવ્ય તો તારી લાખુ રસોઈ માનીશ.” જીવનું પ્રારબ્ધ જ્યારે સારું થાય તેમ હોય ત્યારે મોટા પુરુષ કહે તે તરત માને. પછી છગનભાઈએ કહ્યું જે, “બહુ સારૂ, સ્વામી! તમે રાજી થાશો તેમ કરીશ.” પછી સ્વામી કહે, “રાતના ચાર વાગે ગાડી લાવજે.” પછી સવારે ચાર વાગે ગાડી લાવીને હાજર થયા અને સ્વામીની સાથે પોતાના પાંચ-સાત બ્રહ્મચારી હતા. તેથી સૌને સાથે લઈને ભાવનગરથી ચાલ્યા અને બળદીયા બહુ દુર્બળ હતા. તેથી સાંજના ચાર વાગે ગામ આંબલે આવ્યા. પછી આંબલાને પાદર નદીને કાંઠે આંબાવાડી છે ત્યાં ગાડી છોડી પછી સ્વામીએ કહ્યું જે, “આ ગામમાં સત્સંગી બ્રાહ્મણ છે તે બહુ દહાડાથી આગ્રહ કરે છે માટે તેમને ખબર કરો. એટલે સીધું લાવે.” પછી છગનભાઈએ કહ્યું જે, “સ્વામી! હું બધું સીધું સાથે લાવ્યો છું. ફકત ઘી નથી લાવ્યો તે હું ગામમાં જઈને લઈ આવું અને રાંધવાના તપેલાં તથા તાસ વિગેરે વાસણ સાથે લાવ્યો છું. માટે મારા સીધાની રસોઈ કરાવો.” પછી સ્વામીએ આજ્ઞા કરી એટલે છગનભાઈના સીધાની રસોઈ કરી અને છગનભાઈ ગામમાં જઈને ઘી લઈ આવ્યા. પછી ઠાકોરજીને જમાડીને સ્વામી જમવા બેઠા અને બીજા સૌ બ્રહ્મચારીઓને પણ જમાડ્યા અને છગનભાઈ હાથ જોડીને સ્વામી સામા બેઠા હતા પછી સ્વામીએ પૂછ્યું જે, “છગન! તમારો વ્યવહાર શી રીતે ચાલે છે?” ત્યારે છગનભાઈ કહે, “સ્વામી! ઘરમાં દશ-પંદર મનુષ્ય છે અને સૌ ઉદ્યમ કરીને કમાય તે સાંજે માંડ માંડ પુરું થાય. અને હું આ ગાડી બળદના ભાડાં કરું છું તે સાંજે રૂપિયો દોઢ રૂપિયો કમાઉં. એમ કરીને નિર્વાહ ચલાવીયે છીએ.” પછી સ્વામીએ જમીને પોતાની થાળી પ્રસાદીની છગનભાઈને આપી અને સ્વામીએ રાજી થઈને આશીર્વાદ આપ્યો જે, “તેં મને અત્યારે જમાડ્યો માટે જા, આજથી તારું દારિદ્રમાત્ર નાશ પામી ગયું અને આજથી તમારૂં ત્રણે ભાઈનું નાતમાં તથા રાજદરબારમાં માન વધશે.” એમ સ્વામીએ આશીર્વાદ દીધો. એટલે થોડા દિવસમાં તેઓ ઘણા જ મોટા આબરુદાર અને સદ્ગૃહસ્થ થયા. એવી રીતે મોટાને પ્રસન્ન કર્યા તો તેમનો બેય લોકમાં જય થયો. અને તેમના નાના ભાઈ ગિરધરભાઈએ ભાવનગર મંદીરમાં શ્રીજીમહારાજની પ્રતિમા ચાંદીના પત્રામાં તથા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની પ્રતિમા તથા સદ્ગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીની પ્રતિમા પરમ ભગવદી ગિરધરભાઈએ પોતાના ગુરુનો મહિમા જાણીને કરાવી છે અને તેમના ત્રણે ભાઈનું કુટુંબ અદ્યાપિ પર્યંત એમ જ માને છે જે અમારે સુખ સંપત્તિ અને સારો વહેવાર છે તે સદ્ગુરુ બ્રહ્મચારી આનંદાનંદજીના પ્રતાપથી અને આશીર્વાદથી જ છે. ॥૯૨૪॥
એક વખત સ્વામી ગામ રોહીશાળે પધાર્યા હતા અને બળેવનો દિવસ હતો. પછી તે ગામના બ્રાહ્મણ ભગવાનજી કરીને હતા. તે જનોઈઓ પહેરીને સ્વામીની પૂજા કરવા માટે ચંદન તથા પુષ્પના હાર લઈને મંદીરમાં આવ્યા. તે વખતે સ્વામી પૂજા કરવા બેઠા હતા અને ભગવાનજી ત્યાં આવીને સ્વામીને દંડવત કરીને પગે લાગ્યા ને સ્વામીને કહ્યું જે, “સ્વામી! મારે તમારી પૂજા કરવી છે.” ત્યારે સ્વામી કહે કે, “તું મને કેવો જાણે છે?” ત્યારે ભગવાનજી કહે કે, “સ્વામી! તમે સનકાદિક છો અને શ્રીજીમહારાજે તમારી આરતી ઉતારેલી છે.” પછી સ્વામી કહે, “ચુડાવાળા હરિશંકરને તું કેવો જાણે છે?” ત્યારે ભગવાનજી હરિશંકરનો સેવક હતો, તેથી સ્વામીએ પૂછ્યું. પછી ભગવાનજીએ કહ્યું જે, “સ્વામી! તે તો ભગવાનનો અવતાર છે.” તે સાંભળીને સ્વામી એકદમ પૂજામાંથી ઉભા થયા અને તેને સ્વામીએ કહ્યું જે, “આજથી ત્રીજે દહાડે તે મૃત્યુને ન પામે તો હું સ્વામિનારાયણનો બ્રહ્મચારી નહીં.” એમ કહીને સ્વામીએ તેને મેડેથી હેઠે ઉતારી મેલ્યો અને પછી ત્રીજે દિવસે મેલો લઈને કોઈ માણસ ચુડેથી રોહીશાળે આવ્યો. તે વખતે સ્વામી રોહીશાળની નદીમાં સવારમાં નહાવા પધાર્યા હતા. પછી ભગવાનજી આવીને સ્વામીને પગે લાગ્યો અને બોલ્યો જે, “સ્વામી! તમારા કહેવા પ્રમાણે હરિશંકરભાઈ મૃત્યુને પામ્યાના ખબર આવ્યા છે.” ॥૯૨૫॥
એક વખત સ્વામી પછેગામ પધાર્યા હતા અને ત્યાંના હરિજનો સૌ દર્શને આવ્યા હતા પણ ત્યાં દેવો ભટ્ટ કરીને એક પ્રશ્નોરા બ્રાહ્મણ હતા તે ત્રણ દિવસ સુધી સ્વામીને દર્શને આવ્યા નહીં અને ચોથે દિવસે દર્શને આવ્યા ત્યારે સ્વામીએ પૂછ્યું જે, “દેવાભટ્ટ! ક્યાંઈ ગામ ગયા હતા?” ત્યારે ભટ્ટજી કહે, “ના બાપજી! હું તો વંડી ચણતો હતો.” સ્વામી કહે કે, “હું અહીંયાં આવ્યો તેની ખબર હતી?” ત્યારે ભટ્ટ કહે, “હા, બાપજી!” સ્વામી કહે, “મારા આવ્યા પછી તમે જેટલી વંડી ચણી હશે તે પડી જશે.” એમ સ્વામીએ કહ્યું અને ભટ્ટ તો સ્વામી પાસે જ બેઠા હતા. તે વખતે તેમનો દીકરો પરષોત્તમ ઘરેથી દોડતો આવ્યો અને કહ્યું જે, “બાપા! બાપા! આપણી વંડી પડી ગઈ.” ભટજી કહે, “હમણાં સ્વામીએ આશીર્વાદ દીધો એટલે પડી ગઈ.” ॥૯૨૬॥
પછેગામના ગણેશ ભટ્ટનો બાપ ઝંડુ ભટ્ટ કરીને હતો. તેમની દીકરી ગામ વારણામાં આપી હતી. તે બાઈ વારણાથી પછેગામ ફક્ત ત્રણ લુગડાં ભેર આવેલી. તે વખતે ઝંડુ ભટ્ટ ગામને ચોરે બેઠા હતા અને કેટલાક બ્રાહ્મણો પણ ત્યાં હતા. પોતાની દીકરીને એમ ત્રણ વસ્ત્રભેર સાસરેથી આવતી જોઈને ભટ્ટજી બોલ્યા જે, “કેમ, દીકરી? આમ ત્રણ વસ્ત્રભેર આવી?” ત્યારે કોઈકે કહ્યું જે, “તમારો અવિશ્વાસ તેથી તેના સસરાના પક્ષવાળાએ બધું ઉતારી લીધું હશે.” તે સાંભળીને ભટ્ટને ક્રોધ ચડ્યો જે, “મેં મારી દીકરીનો ચોખાનો દાણો ઘરે પડવા દીધો નથી અને શું હું તેનાં વસ્ત્ર ઘરેણા લઈ લેત? વળી મને આમ વચન માર્યું?” પછી પોતે ઘરે જઈને ગળે ફાંસો ખાધો. પછી પોતે બ્રહ્મરાક્ષસ થયો અને પોતાના દીકરા ગણેશ ભટ્ટને વળગ્યો. તેને રાત્રી દિવસ મહાદુઃખ દીધા કરતો હતો. પછી તેને લઈને તે સ્વામી પાસે ગઢપુર આવ્યા અને સ્વામીનાં દર્શન કર્યા એટલે તે બળવા લાગ્યો ત્યારે સ્વામી કહે, “તું કોણ છે?” પછી તેણે નામ આપ્યું ત્યારે સ્વામી કહે, “આંહીં શું છે? જ્યાં તારું અપમાન કર્યું હોય ત્યાં જાને.” પછી તે વારણામાં ગયો ને ચાળીશ મનુષ્યના ભવિષ્ય કર્યા અને વારણાવાળાને ખબર પડી એટલે તેઓ સૌ મળીને સ્વામી પાસે ગઢપુર આવીને પ્રાર્થના કરી જે, “એને વારણે મોકલવાથી અમોને સૌને નિર્વંશ કરી દીધા છે.” પછી સ્વામીએ કહ્યું જે, “તું બદ્રીકાશ્રમમાં ચાલ્યો જા.” પછી તેને એમ કહીને સદ્ગતિ આપી. ॥૯૨૭॥
એક વખત સ્વામી સારંગપુર પધાર્યા હતા ત્યાંના વાણિયાને સારણગાંઠનો રોગ હતો. પછી તેણે આવીને સ્વામીની બહુ પ્રાર્થના કરી અને કહ્યું જે, “સ્વામી! આ મારો મોટો રોગ મટી જાય એવી કૃપા કરો.” પછી સ્વામીએ ગોપીનાથજી મહારાજની માનતા કરાવી અને તેનો રોગ મટી ગયો અને સ્વામી તેના ઉપર બહુ રાજી થયા. ॥૯૨૮॥
ગામ બગડમાં સ્વામી પધાર્યા હતા અને તે ગામના દરબાર દેસાખાચર કરીને હતા. તેમણે સ્વામીની પ્રાર્થના કરી જે, “સ્વામી! તમો અમારા ગામમાં એક માસ સુધી રહો અને અમને કથાવાર્તા સંભળાવો.” પછી સ્વામી ત્યાં એક માસ રહ્યા અને વેદસ્તુતિની કથા કરી. તે નિરંતર વેદસ્તુતિનું એક ગદ્ય પુરું થાય અને ફરતા ગામના કેટલાક હરિજનો પણ સ્વામીનો સમાગમ કરવા આવ્યા હતા. પછી સ્વામી ચાલવાને માટે તૈયાર થયા ત્યારે દેસાખાચરે દેવની તથા સ્વામીની કેટલીક સેવા કરી તથા કેટલાક નવા સત્સંગી થયા. ॥૯૨૯॥
ગઢપુરમાં સાધુની હવેલીનાં નળીયાં ઉતાર્યાં હતાં ને જેઠ માસ ચાલતો હતો અને પડખે એક નવી હેવલી પણ ચણાવેલી તૈયાર થઈ હતી અને તેને પણ નળીયાં ચડ્યાં નહોતાં. તેવા વખતમાં ભાવનગરથી ગગો ઓઝો ગઢપુર આવ્યા હતા અને તે મંદિરમાં ગોપીનાથજી મહારાજના દર્શન કરવા આવ્યા હતા ને કેટલાક અમલદાર અને મનુષ્ય સાથે આવેલ તે મંદિરની ફળીમાં ઉભા હતા. પછી તેમણે કહ્યું જે, “આ મંદિરમાં કોઈ ડાહ્યું માણસ છે કે નહીં? કેમ કે માથે અષાઢ માસ આવ્યો છે અને એક હવેલી નળીયાં ચડાવ્યાં વગરની પડી છે અને બીજીનાં નળીયાં ઉખેળ્યાં છે!” તે વખતે સ્વામી ફળીયામાં ચાલ્યા જતા હતા ત્યાં ગગો ઓઝો આવીને સ્વામીને પગે લાગ્યા અને સ્વામીને કહ્યું જે, “આ મંદિરમાં કોઈ ડાહ્યું માણસ છે કે નહીં? કેમ કે માથે ચોમાસું આવ્યું અને વળી બીજી હવેલી ઉખેળી છે?” ત્યારે સ્વામી કહે, “ગગા ઓઝા! વરસાદ કોના હાથમાં છે? વરસાદ તો સ્વામિનારાયણના હાથમાં છે. તે જ્યારે આ હવેલીને નળીયાં ચડશે ત્યારે વરસાદ થાશે.” પછી આખો અષાઢ માસ કોરો ગયો ને જ્યારે બધી હવેલી ચળાઈ ગઈ ત્યાર પછી વરસાદ થયો અને ગણા ઓઝાએ પણ ભાવનગર ગયા પછી માણસ મોકલીને ખબર કઢાવી જે, “સ્વામિનારાયણની હવેલી પુરી થઈ રહી કે નહીં?” પછી માણસો આવીને જોઈ ને ત્યાં ગયા પછી ગગા ઓઝાને કહ્યું જે, “હવેલી તો પુરી થઈ ગઈ ને બન્ને હવેલીને નળીયાં ચડી ગયાં છે.” તે સાંભળીને ગગા ઓઝાના મનમાં નિશ્ચય થયો જે, “સ્વામી તો સાક્ષાત્ ત્રિકાળ દર્શી છે.” ॥૯૩૦॥
અને સ્વામી અમદાવાદ સમૈયો કરવા પધાર્યા હતા. ત્યાં એક દિવસ રહીને તૈયાર થયા પછી ત્યાંના બ્રહ્મચારી તથા હરિજનો સૌ મળીને કહેવા લાગ્યા જે, “સ્વામી! અમારી રસોઈ જમ્યા વગર અહીંથી જવાય નહીં.” સ્વામી કહે, “મારે રામનવમી વડતાલ કરવી છે. માટે હું રોકાઈશ નહીં.” પછી પોતાનાં પોટલાં લઈને સૌ બ્રહ્મચારીઓએ ઓસરીની કોર ઉપર મૂક્યાં અને ગાડાવાળો જ્યાં પોતાના બળદીયા લેવા ગયો ત્યાં તો એક બળદીયાનો પગ સુણી ગયો હતો. તેને દોરીને સ્વામી પાસે ચોકમાં લાવ્યા અને સ્વામીને કહ્યું જે, “આ બળદ ચાલી શકે તેવો નથી.” પછી સૌ તે પોટકાં આસને મેલી આવ્યાં. તે વખતે ગામ સારંગપુરના કાઠી હરિભક્ત મંદિરમાં સ્વામીને દર્શને આવ્યા તેને સ્વામીએ પૂછ્યું જે, “તમે આંહીં ક્યાંથી?” ત્યારે કાઠી કહે, “સ્વામી! અમારા ગરાસ માટે અમે અહીં અઢાર વરસ થયાં આંટા મારીએ છીએ પણ તેનો કાંઈ નીવેડો આવતો નથી.” ત્યારે સ્વામી કહે, “આ બળદનું ઔષધ તમને કરતાં આવડે છે?” કાઠી કહે કે, “હા.” ત્યારે સ્વામી કહે કે, “આજ સારો થાય તો આજ તમારો ગરાસ ઘરે આવે અને કાલ્ય બાળદ સારો થાય તો કાલ્ય તમારો ગરાસ ઘરે આવે.” પછી આંબલી તથા આવળ તથા આંબા હળદર તથા મેંદાલકડી અને સાજી ખાર વિગેરે વાટીને ખુબ ખદરદાવ્યું અને બળદીયાને પગે બાંધ્યું અને બીજે દિવસે સવારમાં બળદીયાને દોરીને સ્વામી પાસે લાવ્યા. સ્વામી બળદને જોઈને રાજી થયા અને આશીર્વાદ આપ્યો. અને કહ્યું જે, “જાઓ, આજ બાર વાગ્યે તમારા કામનો ફેસલો થઈ જશે.” પછી સ્વામીએ જમીને પોતાની પ્રસાદી સૌ કાઠીને આપી. તે વખતે સરકારી મનુષ બોલાવવા આવ્યું જે, “આંહીં સારંગપુરના કાઠી છે કાઠી? તેમને સાહેબ બોલાવે છે.” પછી સ્વામીને પગે લાગીને સાહેબને બંગલે ગયા. ત્યાં સાહેબે કાગળ લખી આપ્યો જે, “જાઓ, સૌ સૌના ગરાસ સુખેથી ખાઓ.” પછી તે સૌ પાછા મંદિરમાં આવીને સ્વામીને પગે લાગ્યા અને બોલ્યા જે, “સ્વામી! તમારા આશીર્વાદથી ફેંસલો અમારા લાભમાં થયો. ॥૯૩૧॥
ગઢપુરમાં સંવત ૧૯૩૫ની સાલમાં શ્રી ઠાકોરજીને જળ ઝીલવા જવું હતું અને વરસાદ બહુ વરસતો હતો. પછી કોઠારી ભક્તિવલ્લભદાસજી તથા બ્રહ્મચારી મહારાજ અનંતાનંદજી એ બે જણા સદ્ગુરુ બ્રહ્મચારી આનંદાનંદજી પાસે આવીને પ્રાર્થના કરી જે, “ઠાકોરજીને જળ ઝીલવા જવું છે અને વરસાદ બિલકુલ રહેતો નથી માટે કેમ કરવું?” પછી સ્વામીએ કહ્યું જે, “ઠાકોરજી જળ ઝીલીને આવશે ત્યાં સુધી એક છાંટો નહીં પડે.” પછી ઠાકોજીને ગંગાજીમાં જળ ઝીલાવવા લઈ ગયા અને જળ ઝીલીને સાંજના ચાર વાગ્યે મંદિરમાં પધાર્યા ત્યાર પછી વરસાદ થયો. ॥૯૩૨॥
શ્રીજીમહારાજ એક માસ સુધી સારંગપુરમાં રહ્યા હતા. તે વખતે બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીએ મોટી વાડીયેથી પાણી લાવીને જીવાખાચરના દક્ષિણાદાબારના ઓરડાની ઓસરીમાં ઉગમણે ખુણે શ્રીજીમહારાજ સારુ થાળ બનાવીને એક માસ સુધી જમાડ્યા હતા. ॥૯૩૩॥
સ્વામી વરતાલ પધારતા હતા અને ગામ વારણાને પાદર ગયા. તે વખતે તે ગામમાં મરકીનો રોગ આવેલો હતો અને ગામને પાદર ગાડી છોડાવીને સ્વામી ત્યાં ઉતર્યા હતા. ત્યાં સૌ હરિજન સ્વામીને દર્શને આવ્યા અને પ્રાર્થના કરીને સ્વામીને કહ્યું જે, “આ ગામમાં મરકીનો રોગ બહુ જ આવ્યો છે અને વૈદ દારૂ પાય છે.” તે સાંભળીને સ્વામીએ શ્રીજીમહારાજની મૂર્તિ ધારીને કહ્યું જે, “તમે સૌ ગોપીનાથજી મહારાજને પાંચ પાંચ રૂપિયાનો થાળ કરજો અને જેને દારૂ પાયો હશે તે મરશે.” પછી સ્વામીના આશીર્વાદથી જેટલા જેટલાને રોગ થયો હતો તે સૌ સાજા થયા અને પછી ગઢપુર આવીને સૌ ગોપીનાથજી મહારાજને પાંચ પાંચ રૂપિયાના થાળ કર્યા. ॥૯૩૪॥
એક વખત ભાવનગરના ન્યાયાધીશ વિદ્યારામભાઈ આંહીં ગઢપુર આવ્યા હતા અને સ્વામી પણ પોતાને આસને બેઠા હતા. ત્યાં કોઈક સંતે આવીને વાત કરી જે, “સ્વામી! મંદીર ઉપર વિદ્યારામભાઈ આવ્યા છે ને પ્રદિક્ષણામાં બેઠા છે.” તે સાંભળીને સ્વામી સાધુનો હાથ ઝાલીને મંદિર ઉપર આવ્યા. તેમને દેખીને વિદ્યારામભાઈ તથા અમલદાર સૌ ઉભા થઈ હાથ જોડીને સ્વામીને પગે લાગ્યા. તે વખતે સ્વામી બોલ્યા જે, “આમાં વિદ્યારામ કોણ વિદ્યારામ?” તે સાંભળીને વિદ્યારામભાઈ હાથમાં પાઘડી લઈને સ્વામીને પગે લાગીને બોલ્યા જે, “મારું નામ વિદ્યારામ.” સ્વામી કહે, “તું જ્ઞાની કે અજ્ઞાની?” સ્વામી કહે, “જો તું જ્ઞાની હો તો જ્ઞાની પ્રમાણે વાત કરું અને જો અજ્ઞાની હોય તો અજ્ઞાની પ્રમાણે વાત કરું.” ત્યારે વિદ્યારામભાઈએ હાથ જોડીને સ્વામીને કહ્યું જે, “બીજા પાસે તો હું જ્ઞાની છું પણ આપ જેવા મહાત્મા પુરુષની આગળ તો હું અજ્ઞાની છું.” પછી સ્વામીને ધાબળી પાથરી આપી તે ઉપર બેઠા અને ગીતા તથા ભાગવતના શ્લોકના પ્રમાણ આપી આપીને સ્વામિનારાયણ ભગવાન છે એમ તેમને મોઢે હા પડાવી. પછી વિદ્યારામભાઈ બોલ્યા જે, “સ્વામી! આવા ખરા અક્ષર મને કોઈએ કહ્યા નહોતા!” એમ કહીને પાઘડી ઉતારીને સ્વામીના ચરણમાં પડ્યા. ॥૯૩૫॥
આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ ગાદીએ બેઠા પછી ગઢપુર પધાર્યા હતા. અને હાલ બ્રહ્મચારીની જગ્યા છે ત્યાં પાંચુબાઈના બે ઓરડા હતા. તેમાં એક ઓરડામાં આનંદાનંદ સ્વામી રહેતા અને તે વખતે વરસાદે તાણ્યું હતું. પછી વિહારીલાલજી મહારાજે સ્વામીને કહ્યું જે, “વરસાદ કરો.” ત્યારે સ્વામી બોલ્યા જે, “તમે ભગવાનના પુત્ર છો અને ભગવાનની ગાદીએ બેઠા છો માટે વરસાદ તો તમે કરો કે હું?” પછી વિહારીલાલજી મહારાજ બોલ્યા જે, “મને કાંઈ ભગવાન મળ્યા છે? અને તમને તો ભગવાન મળ્યા છે. આરતી ઉતારી છે અને સનકાદિક કહ્યા છે. માટે તમો કરો તો થાય.” પછી સ્વામી હાથમાં માળા લઈને ફળીયામાં જઈને ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ એમ ધુન્ય કરવા લાગ્યા એટલે વાદળાં થયાં અને ખૂબ વરસાદ થયો અને ઘેલો નદી બે કાંઠામાં આવ્યો. ॥૯૩૬॥
ગામ બગડમાં દેસાખાચર કરીને કાઠી હતા. તેમને પ્રાંતસાહેબ સાથે ઘણી જ પ્રીતિ હતી. પછી તેમણે કહ્યું જે, “તમને મારા ગુરુના દર્શન કરાવવાં છે કેમ કે તેઓ બહુ સમર્થ પુરુષ છે અને વળી દીર્ઘ દૃષ્ટિવાળા છે.” પછી તેમને તેડીને દેસાખાચર ગઢપુર આવ્યા અને મંદિરના અધિકારીને ખબર કરી અને પાથરણા વિગેરેની સગવડ કરી અને સાહેબને માટે ખુરશી નંખાવી. પછી ગોપીનાથજી મહારાજનાં દર્શન કરાવ્યાં. પછી સૌ સભામાં આવ્યાં તે વખતે સ્વામી સભામાં ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા. સ્વામીને ભાળીને સાહેબે પોતાની ટોપી હાથમાં લીધી અને કેટલીક વાર સ્વામીને પગે લાગ્યા પછી પોતે સભામાં મોદીયા ઉપર બેઠા પણ ખુરશી ઉપર બેઠા નહીં. પછી સ્વામીએ શ્રીજીમહારાજના ઐશ્વર્યની કેટલીક વાર્તા શ્લોક બોલીને કરી સાહેબને અર્ધો કલાક બેસવાનું હતું પણ બે કલાક સુધી બેઠા અને ચાલ્યા ત્યારે સ્વામીને પગે લાગ્યા અને દેસાખાચરને કહ્યું જે, “તમે કહેતા હતા તેવા આ ડોસા બહોત બડા હે. આપણે એક દિવસ રહેવું હતું પણ ત્રણ દિવસ રહેશું. અને કાલ્યથી ડોસાને આસને વાતો સાંભળવા જવું. પણ મહાત્મા પુરુષને અહીંયાં સભામાં તસદી ન આપવી.” એમ ત્રણ દિવસ સુધી રહી સ્વામીની વાતો સાંભળીને સ્વામીને હાથે વર્તમાન ધારીને ઘરે ગયા. ॥૯૩૭॥