સદ્ગુરુ સિદ્ધાનંદ સ્વામીની વાતો
સ્વામી પ્રથમ ઘરે હતા ત્યારે પોતાના મનમાં એમ થયું જે, “કાં તો ભગવાન મળે ને કાં તો આ દેહ પાડવો.” પછી પોતાના ગામ મુંઝીયાપરને પાદર એક શંકરનું દેવાલય છે અને ગામમાંથી કોઈકની પાસેથી એક છરો વેચાતો લાવ્યા તેને સજાવીને તે શંકરના દેવાલયમાં ગયા અને ત્યાં શંકર ઉપર કમળ પૂજા ખાવાનો વિચાર કર્યો જે “કાં તો ભગવાન મળે અગર તો આ શંકર ઉપર કમળ પૂજા ખાવી” એમ વિચાર કરે છે ત્યાં આકાશવાણી થઈ જે, “તારા જીવનો મોક્ષ કરવો હોય તો કાઠીયાવાડમાં ગઢડામાં શ્રીસ્વામિનારાયણ ભગવાન છે તેને મળ્ય, તો તારો મોક્ષ થશે.” એમ ત્રણ વાર આકાશવાણી થઈ. તે સાંભળીને પોતે ઘરે આવ્યા. ॥૯૩૮॥
પછી બીજે દિવસે પોતાના સંબંધીને વાત કર્યા વિના પોતે એકલા જ સવારમાં ચાલી નીકળ્યા. તે પૂછતાં પૂછતાં ગઢપુર આવ્યા. ત્યાં દાદાખાચરના દરબારમાં સભા કરીને શ્રીજીમહારાજ વિરાજમાન હતા. તે સમે શ્રીજીમહારાજને દંડવત કરીને પગે લાગ્યા અને પોતાની વૃત્તિ જેમ ચમકમાં લોહ ચોંટે તેમ ચોંટી ગઈ. પછી થોડા દિવસ મહારાજ ભેળા રહીને મહારાજને કહ્યું જે, “મહારાજ! મારે ઘરે કાંઈ મિલકત છે તે લઈને હું પાછો આવીશ.” એમ મહારાજની રજા લઈને તેઓ ઘરે ગયા અને ગામમાં પેઠા તે વખતે ગામને ચોરે ગામના કેટલાક લોકો બેઠાં હતાં અને સ્વામી આનંદમાં ને આનંદમાં બોલવા લાગ્યા જે, “ભગવાન મળ્યા! ભગવાન મળ્યા!” ત્યારે તેમના કાકા બોલ્યા જે, “જ્યારે તને ભગવાન મળ્યા ત્યારે શા પાપે પાછો આવ્યો?” પછી તે સાંભળીને પોતે ત્યાંથી પાછા ચાલી નીકળ્યા પણ ઘરે ગયા નહીં. ॥૯૩૯॥
અને પોતે જ્યારે ગઢપુર આવ્યા ત્યારે મહારાજના રથે જોડવાના બળદની સેવામાં રાખ્યા હતા અને પોતે મહારાજને રથે જોડવામાં વાહન જાણીને તેની અતિશય સેવા કરતા. તે બળદનું નામ મુંઝીયો તથા પારેવો હતાં તેને સ્વામી કહેતા જે, “મુંઝીયા! તું મહારાજને કહે જે, સિદ્ધાનંદ મારી બહુ જ સારી રીતે ચાકરી કરે છે એટલે મહારાજ મારા ઉપર રાજી થાય.” પછી મહારાજે તેમને સાધુ કરીને સચ્ચિદાનંદ સ્વામીની જોડ્ય કરી આપી. ॥૯૪૦॥
એક વખત રાધાવાડીયે વાઢ કર્યો હતો અને તેને પડખે ઘઉંની વાડી કરી હતી. પછી ઘઉં પાક્યા એટલે કાપી લીધા પણ સિદ્ધાનંદ સ્વામીના મનમાં એમ સંકલ્પ થાય જે, “એ વાડીમાં સલો પડ્યો છે તે વીણીને શુદ્ધ કરીને પછી તેનો મહારાજને માટે થાળ કરીયે તો ઠીક. કેમ કે આ ઘઉંને આવતાં તો બહુ વાર લાગશે. માટે ઘઉંને દળીને તેના લોટની મહારાજને રોટલી કરીને જમાડીયે.” એમ સંકલ્પ કરીને પોતે ઘઉંની ડુંડીયું વીણતા હતા. તે વખતે પોતાને સમાધિ થઈ ગઈ એટલે વાડીમાં પડ્યા પડ્યા હોકારા કરવા મંડ્યા. તે વખતે વાઢમાં મનુષ્યો કામ કરતા હતા તેમણે બુમો પાડી જે, “ધોડો સિદ્ધાનંદને દીપડે ઝાલ્યો. ડાઢ્યા છે.” એમ જાણીને સૌ લાકડીયો લઈને આવ્યા. ત્યાં તો સિદ્ધાનંદ સ્વામીને સમાધિ થયેલી જોઈ. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા જે, “ઉઠ્ય, ઉઠય. તે કરી સેવા એ તો આફરો સચ્ચિદાનંદ કુટશે.” પછી સિદ્ધાનંદ સ્વામી સમાધિમાંથી જાગ્યા અને સચ્ચિદાનંદ સ્વામીને તે વાત કરી જે, “મારે આવો સંકલ્પ હતો જે નવા ઘઉંની ઉની ઉની રોટલી કરીને મહારાજને જમાડું તે જાણીએ શ્રીજીમહારાજના સોનાના બાજોઠ ઉપર વિરાજમાન છે અને ત્યાં નવા ઘઉંની રોટલી જમે છે એવાં મારે દર્શન થયાં.” ॥૯૪૧॥
અને પોતે વાઢમાં સેવા કરતા હતા પણ કોઈ દિવસ શેરડીનો સાંઠો પણ ખાતા નહીં અને રાત્રે સારા સારા સાંઠા લઈને શેરડીની પત્રીમાં સંતાડી રાખતા ને સવારમાં ભારો બાંધીને માથે ઉપાડીને શ્રીજીમહારાજ સારૂ લાવતા; એમ ત્રણ માસ સુધી વાઢ ચાલ્યો પણ પોતે તો કોઈ દિવસ શેરડી ચાખી જ નહીં અને નિરંતર દરબારમાં એક ગાડું ભરીને શેરડી ઠલવતા તે સૌ સંતને શ્રીજીમહારાજ વહેંચી આપતા. પછી મહારાજે કહ્યું જે, “કોઈ શેરડી ખાધા વિનાનું હશે?” પછી કોઈકે કહ્યું જે, “સચ્ચિદાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામી એ બે જણા નથી ખાતા.” પછી મહારાજે પૂછ્યું, “હે સિદ્ધાનંદ! તમે શેરડી નથી ખાતા?” ત્યારે સિદ્ધાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! તલ બાવળમાં શું ખાવું છે? મોઢું છોલાય.” પછી મહારાજે કહ્યું જે, “અમારો પ્રસાદીનો થાળ કોઈ સચ્ચિદાનંદ સ્વામીને પહોંચાડે?” ત્યારે હરજી ભગતે કહ્યું જે, “હા, હું લઈ જાઉં.” પછી શ્રીજીમહારાજની પ્રસાદીનો થાળ નિરંતર હરજી ભગત વાડીયે લઈને જતા એટલે પહેલાં સચ્ચિદાનંદ સ્વામી મહારાજની મૂર્તિ ધારીને જમવા બેસતા તે વિશેષ જમી જાય. પછી સચ્ચિદાનંદ સ્વામીયે હરજી ભગતને કહ્યું જે, “તારે થાળમાં બે ભાગ નોખા કરી રાખવા કેમ કે હું જમી જાઉં છું અને સિદ્ધાનંદ ભૂખ્યો રહે છે.” પછી હરજી ભગત હમેશાં થાળમાં બે ભાગ નોખા પાડી આપતા. ॥૯૪૨॥
એક વખત દરબારમાં શેરડીનું ગાડું આવ્યું હતું. તેમાંથી પરમહંસોને સૌ સૌની મેળે એક એક સાંઠો ખેંચી લેવા આજ્ઞા કરી. પછી સિદ્ધાનંદ સ્વામીએ એક પાતળી આંગળી જેવી સીંગી ખેંચી લીધી તે પણ લઈને મહારાજ પાસે મૂકી દીધી. મહારાજે કહ્યું કે, “કેમ સિદ્ધાનંદ? તમે નથી જમતા?” ત્યારે બોલ્યા જે, “મહારાજ તમે જમજો.” ॥૯૪૩॥
એક વખત સિદ્ધાનંદ સ્વામી વાડીયેથી ત્રણ અંજીર લઈને દરબારમાં આવ્યા હતા. પછી મહારાજને પગે લાગીને તેમના ઢોલિયા ઉપર મેલ્યાં. પછી મહારાજ સુધારીને બે અંજીર પોતે જમ્યા અને એક અંજીર મુક્તાનંદ સ્વામીને આપ્યું ત્યારે સ્વામી બોલ્યા જે, “મહારાજ! મને અંજીર ટાઢું પડશે.” પછી મહારાજ કહે કે, “સ્વામી! આ અંજીર ટાઢાં પડે તેવા નથી!” પછી મહારાજની પ્રસાદી જાણીને મુક્તાનંદ સ્વામી જમી ગયા. ॥૯૪૪॥
એક વખત સિદ્ધાનંદ સ્વામી વાડીયેથી પુષ્પ લઈને દરબારમાં આવતા હતા. અને પોતાના મનમાં એક સંકલ્પ થાય જે, “મને મહારાજ છેટેથી પૂછશે જે કેટલા છે?” ત્યારે હું કહીશ જે, “ત્રણ છે.” પછી પુષ્પ લઈને મહારાજની પાસે દરબારમાં આવ્યા ત્યારે છેટેથી મહારાજે પૂછ્યું જે, “કેટલાં છે?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “ત્રણ છે.” પછી પુષ્પ લઈને મહારાજના ઢોલિયા ઉપર મૂક્યાં. ॥૯૪૫॥
એક વખત સિદ્ધાનંદ સ્વામી વાડીયેથી મોગરાના પુષ્પનો હાર લઈને આવ્યા અને મહારાજને પહેરાવવા માટે આવ્યા હતા ત્યારે મહારાજે કહ્યું જે, “આપણા લાલજીની પ્રસાદી કરી લાવો. પછી હું પહેરું.” ત્યારે સિદ્ધાનંદ સ્વામી બોલ્યા જે, “ભાળ્યા તમારા લાલજી!” પછી મહારાજ કહે, “એ તો સમાધિવાળા સાધુ છે!” પછી લાલજીની પ્રસાદીનો હાર કરાવીને શ્રીજીમહારાજે પોતાની ડોકમાં નાંખ્યો. મહારાજને દેવનું પ્રતિપાદન કરવું હતું. ॥૯૪૬॥
સિદ્ધાનંદ સ્વામીના મનમાં એમ સંકલ્પ રહેતો જે, “કઠણમાં કઠણ નિયમ હોય તે મારે રાખવું.” પણ લાજે કરીને મહારાજને પૂછી શકે નહીં. પછી નિયમની એકાદશી આવી અને સંત સૌ નિયમ લેવા મંડ્યા ત્યારે મહારાજ બોલ્યા જે, “કઠણમાં કઠણ નિયમ તો અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી તે છે.” એમ કહીને મહારાજ બોલ્યા જે, “ત્રણ દિવસ અને ત્રણ રાત અખંડ ભજન કરે તો અખંડ મૂર્તિ દેખાય.” પછી સિદ્ધાનંદ સ્વામીએ મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખીને ત્રણ દિવસ અને ત્રણ રાત ભજન કર્યું એટલે અખંડ મૂર્તિ દેખાણી. ॥૯૪૭॥
એક દિવસ સચ્ચિદાનંદ સ્વામીને સિદ્ધાનંદ સ્વામીએ પૂછ્યું જે, “તમારે મહારાજને વિષે બહુ હેત છે. તેનું શું કારણ?” ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે કે, “મહારાજ મને જેમ વઢે તેમ મારે બમણું હેત થાય.” પછી સિદ્ધાનંદ સ્વામીએ વિચાર કર્યો જે, “મારે પણ મહારાજ વઢે તેમ કરવું.” પછી પોતે વાડીયે જઈને ગુંદાના પાનનો પડીયો કર્યો અને થોરનું દૂધ તે પડીયામાં ભર્યું ને પછી પોતે પી ગયા ને સવારમાં શ્રીજીમહારાજ દાતણ કરતા હતા ત્યાં આવીને ઉભા રહ્યા. પછી મહારાજ ખીજાવા મંડ્યા જે, “આ કણબાને સિદ્ધ થાવું છે અને શું કરીને આવ્યો છે તે તો જાણતો નથી.” પણ મહારાજે નામ પાડ્યું નહીં. પછી લાખા ભગત મહારાજ પાસે ઉભા હતા તેમણે કહ્યું જે, “સ્વામી! હવે જાઓ.” પછી સિદ્ધાનંદ સ્વામી પોતાને ઉતારે ગયા. ॥૯૪૮॥
એક વખત મહારાજ કહે કે, “તમે ગોપાળાનંદ સ્વામી કહે તેમ કરજો.” ત્યારે સિદ્ધાનંદ સ્વામી બોલ્યા જે, “અમે બધાય ગોપાળાનંદ સ્વામી કહે તેમ કરશું.” ત્યારે મહારાજ કહે, “બધાયને ક્યાં કહું છું? તને એકને જ કહું છું.” ત્યારે સ્વામી બોલ્યા જે, “હું ગોપાળાનંદ સ્વામી કહે તેમ કરીશ.” તેવું સાંભળીને શ્રીજીમહારાજ રાજી થયા. ॥૯૪૯॥
એક વખત ઋષભાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામી – એ બન્ને જણા ગઢાળી ગયા હતા. પછી હરિભાઈ ભાવસાર સવારમાં સીધું લાવ્યા અને એક દહીંની બોઘરણીમાં સાકર નાંખીને લાવ્યા. પછી ઠાકોરજીને જમાડીને બન્ને જણ એક એક બાજરાનો રોટલો ને એકેક થાળી દહીં જમ્યા અને બાકીની પ્રસાદી હરિભાઈને આપી ને હરિભાઈને કહ્યું જે, “હરિ! અમારે ટાઢું ધરા જેવું થયું.” ત્યાંથી હરિભાઈ પણ વહેવારે બહુ સુખીયા થયા ને સિદ્ધાનંદ સ્વામીના આશીર્વાદથી અદ્યાપી તેના કુટુંબમાં સારી રીતે સુખ-શાંતિ વર્તે છે. ॥૯૫૦॥
એક વખત સિદ્ધાનંદ સ્વામી માંડવધાર પધાર્યા હતા. ત્યાં પાંચ સાત દિવસ રહ્યા અને પછી હરિજનોને કહ્યું જે, “મારે અહીંથી ચારણને સમઢીયાળે જવું છે.” ત્યારે હરિજન બોલ્યા જે, “સ્વામી! ત્યાં કોને ખાવા લોટ છે? તે જશો.” ત્યારે સ્વામી કહે, “મારે લોટ દેવા સારૂં જવું છે.” પછી સ્વામી તે સમઢીયાળે પધાર્યા અને ત્યાં પાંચ દિવસ રહ્યા. અને સૌને દશમો ભાગ ધર્માદાનો કાઢવાનું નિયમ આપ્યું. તેથી સૌ વહેવારે સુખીયા થયા. ॥૯૫૧॥
ગામ લાઠીદડમાં સિદ્ધાનંદ સ્વામી મંદિર કરવા સારૂ ગયા હતા. પછી સૌ હરિજનોએ પોતાની શ્રદ્ધા પ્રમાણે સેવા કરીને સ્વામીને પ્રસન્ન કર્યા અને જેરાજ પટેલ કરીને કડવા કણબી હરિભક્ત હતા. તે વહેવારે બહુ દુર્બળ હતા પણ સિદ્ધાનંદ સ્વામીને રાજી કરવાને માટે પોતે ખેતીનું કામ પડ્યું મૂક્યું ને ગાડું બળદ અને પોતે; જ્યાં સુધી મંદિર પુરું થયું ત્યાં સુધી એ ત્રણે જણા સેવામાં રહ્યા અને ચોમાસું આવ્યું ત્યારે પોતે કાંઈ વાવેતર કરી શક્યા નહીં. પછી સિદ્ધાનંદ સ્વામીએ કહ્યું જે, “જેરાજ! વાવણીનો વખત વહી ગયે અને તું તો સેવામાં ને સેવામાં જ રહ્યો. માટે હવે શું વાવીશ?” એમ કહીને સ્વામીએ કહ્યું જે, “હવે તું તલ વાવ્ય.” પછી સ્વામીના કહેવા પ્રમાણે જેરાજ પટેલે પોતાની બધી જમીનમાં તલ વાવ્યા અને સ્વામીનો આશિર્વાદ થયો એટલે ત્રીશ કળશી તલ થયા અને થોડા વરસમાં તે મોટા આસામી તથા આબરુદાર થયા. એમ સિદ્ધાનંદ સ્વામીના આશીર્વાદથી તેનું દારિદ્ર તથા દુઃખ સૌ દૂર ગયું. ॥૯૫૨॥
સ્વામી લાઠીદડમાં સભા કરીને બેઠા હતા. પછી એક માવજી કરીને કણબી હરિભક્ત હતો. તેને સ્વામીએ પૂછ્યું જે, “તારે કેટલું દ્રવ્ય હોય તો રાજી?” ત્યારે માવજી ભગત કહે, “સ્વામી! હું ખૂબ વાપરું અને પાંચસો રૂપિયાની મુડી રહે અને મારે ઘરે એક દુઝાણી ભેંશ રહે ને બે બળદ.” સ્વામી કહે, “જા, તારો સંકલ્પ સત્ય થશે.” પછી તે જીવંત પર્યંત સ્વામીના કહેવા પ્રમાણે વહેવારે સુખીયા થયા અને દેહ મૂકવા ટાણે પાચસોં રૂપિયાની મૂડી હતી તેનું એક ખેતર વેચાતું લઈને ઠાકોરજીને કૃષ્ણાર્પણ કર્યું. ॥૯૫૩॥
અને પછી ત્યાંનો હરિભક્ત પટેલ ડાહ્યો જાખણીયો કરીને કણબી હતો. તેને સ્વામીએ પૂછ્યું જે, “તારે કેટલું દ્રવ્ય હોય તો તું રાજી?” ત્યારે ડાહ્યો પટેલ કહે, “સ્વામી! મારે બે દુઝાણી ભેંશો અને ચાર બળદીયા અને એક સારી ઘોડી હોય તો મારે બસ.” પછી સ્વામી કહે, “જા, તારે તે થાશે.” પછી તેણે એક વરસ આઠ બળદીયા કર્યા. તે વાડયે ખોરડામાં બાંધ્યા હતા તેમાં અગ્નિ થયો તે બે બળદીયા બળી ગયા અને બે બળદીયા કુવામાં પડીને મરી ગયા. પછી તેના મનમાં એમ થયું જે, “સ્વામી પાસે મેં માગ્યું તે કરતાં વિશેષ કર્યું તેનું આ ફળ મળ્યું.” ॥૯૫૪॥
ગામ લાઠીદડના શામજી કરીને આચારજ બ્રાહ્મણ હતા. તેઓ સત્સંગી સારા હતા. પછી તેને સ્વામીએ પૂછ્યું જે, “શામજી! તું કાંઈ વર માગ્ય.” ત્યારે શામજી કહે, “સ્વામી! મારે લોટ ને પાણી એ બે વાનાં રહે.” ત્યારે સ્વામી કહે, “એ તારે છે જ માટે બીજું કાંઈક માંગ્ય.” ત્યારે તેણે કહ્યું જે, “વધારે થાય તો ભજન થાય નહીં.” પછી સ્વામી કહે, “જા, તારે તે રહેશે.” તે પ્રમાણે જીવંત પર્યંત તેની સ્થિતિ રહી. ॥૯૫૫॥
ગામ લાઠીદડમાં સ્વામી હતા અને ત્યાં ગામ ખસના રતનશી શેઠ તથા ગામ બગડના મોતી શેઠ તથા ગામ ઢીંકવાળીના માવજી શેઠ; એ ત્રણે જણ એક મત કરીને સ્વામી પાસે લાઠીદડ આવ્યા અને સ્વામીને કહ્યું જે, “સ્વામી! અમારી ઉપર કૃપા કરો એટલે અમે વહેવારે સુખીયા થઈએ.” પછી સ્વામીએ કહ્યું જે, “તમે રૂનો વેપાર કરો. તેમાંથી દસમો ભાગ ગોપીનાથજી મહારાજને પહેલો આપવો અને હું તમને ભગા શેઠ ઉપર બોટાદ કાગળ લખી આપું ને તમને બબે હજાર રૂપિયા ધીરે.” પછી સ્વામીએ ભગા શેઠ ઉપર બોટાદ કાગળ લખી આપ્યો જે, “આ ત્રણે જણને બબે હજાર રૂપિયા આપજો.” પછી ભગા શેઠે સ્વામીના કહેવા પ્રમાણે ત્રણે જણને બબે હજાર રૂપિયા આપ્યા અને સ્વામીના કહેવા પ્રમાણે રૂનો વેપાર કર્યો. સંવત્ ૧૯૨૧ અને સંવત્ ૧૯૨રની એ બે સાલમાં રૂનો વેપાર કર્યો. તેથી દરેક જણને પંદર પંદર હજાર રૂપિયા થયા. પછી શેઠના રૂપિયા તરત તેણે પતાવી આપ્યા. પછી ત્રણે જણા સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહ્યું જે, “તમે કહો તેમ કરીયે.” ત્યારે સ્વામી કહે, “દશમો ભાગ ગોપીનાથજી મહારાજને આપો અને બીજા દશ દશ હજાર રૂપિયા દાટી મેલો અને બબે હજારનો ગાંધીયાણાનો વેપાર કરો.” તે સાંભળી ત્રણે જણા બોલ્યા જે, “લ્યો, સ્વામી! અમે ત્રણે જણા વિચાર કરીને આવીએ.” પછી ત્રણે જણ વિચાર કરીને બોલ્યા જે, “આપણે વાણિયાના દીકરે રૂપિયા દટાય નહીં! કેમ કે રૂપીયા તો જેમ ફરે તેમ બમણા થાય અને હવેથી જે કમાઈએ તેમાંથી ધર્માદો કાઢશું અને સ્વામી તો મહારાજા કહેવાય.” પછી ત્રણે જણા સ્વામી પાસે આવ્યા ને સ્વામીને પગે લાગીને બોલ્યા જે, “સ્વામી! હવેથી જે કમાઈએ તેમાં ધર્માદો કાઢશું પણ આમાંથી નહીં.” ત્યારે સ્વામી બોલ્યા જે, “ઠીક!” અને ત્રણે જણા બોલ્યા જે, “અમે વાણિયાના દીકરા તે રૂપિયા પૃથ્વીમાં દટાય નહીં. અને રૂપિયા તો જેમ ફરે તેમ બમણા થાય અને તમે તો મહારાજા કહેવાઓ તે આશીર્વાદ દીધામાં જાણો પણ વહેવારમાં જાણો નહીં.” તે સાંભળી સ્વામી બોલ્યા જે, “હું વહેવારમાં તો કાંઈ જાણું નહીં ના? માટે જાઓ જાઓ. તમારી મેળે રળી ખાઓ.” પછી ઘરે જઈ બીજે વરસે રુનો સટ્ટો કર્યો એટલે એક એક જણને માથે દશ દશ હજાર રૂપિયાનું દેવું થયું અને પોતાને રહેવાનું ગામ મૂકીને બીજે ગામ પરરાજ્યમાં રહેવા ગયા. જો મોટાનું ન માન્યું તો કેવું ફળ મળ્યું? ॥૯૫૬॥
સિદ્ધાનંદ સ્વામી ગામ કારીયાણીમાં મંદીર કરવા પધાર્યા હતા ને ત્યાંના નથુ પટેલ કરીને એક કણબી હતા. તે બહુ રાજસી પ્રકૃતિના હતા અને તેમના માતુશ્રી બહુ જ સત્સંગી સારાં હતાં. તેમણે સ્વામીને કહેવરાવ્યું જે, “નથુ ઉપર કૃપા કરો એટલે તે સારો સત્સંગી થાય. અને આ ઘરેથી રાઘવ મોટકો તથા વીરદાસ મોટકો મહારાજનો કાગળ વાંચીને સાધુ થઈને ચાલી નીકળ્યા હતા! તેને ઠેકાણે આ બહુ જ રાજસી પ્રકૃતિવાળો છે.” પછી સિદ્ધાનંદ સ્વામીએ તેની ઉપર કૃપાદૃષ્ટિ કરી એટલે પોતાનો રાજસી વેશ ઉતારી નાંખ્યો અને સાદાં વસ્ત્ર પહેર્યા અને વચનામૃતનું પુસ્તક લઈને રાતદિવસ મંદિરમાં જ બેસી રહેતા. એમ સ્વામીની કૃપાથી નથુભાઈ પરમ ભગવદી થયા. ॥૯૫૭॥
જે વખતે સિદ્ધાનંદ સ્વામી કારીયાણીનું મંદિર કરાવતા હતા. તે વખતે તેમના સેવક રામચરણદાસજી કરીને સંત હતા. તેમણે મંદિરમાં ઘણી જ સેવા કરી! પછી શ્રીજીમહારાજ રાત્રીએ આવીને રામચરણદાસજીને બથમાં ઘાલીને મળ્યા. પછી સિદ્ધાનંદ સ્વામીએ સવારમાં રામચરણદાસજીને કહ્યું જે, “આજ તો તને મહારાજ મળ્યા?” ત્યારે તેમણે સ્વામીને કહ્યું જે, “હા, સ્વામી!” સ્વામી કહે જે, “સેવા કરે તેના ઉપર શ્રીજીમહારાજ બહુ પ્રસન્ન થાય છે.” ॥૯૫૮॥
ગામ ઉગામેડીના હરિજનોએ સ્વામીને પ્રાર્થના કરી જે, “અમારે ગામ પધારો અને તમે કહો તે પ્રમાણે મંદિર કરવા જગ્યા આપીયે.” પછી સ્વામી ગઢપુરથી ગાડું જોડાવી ઉગામેડીયે ગયા અને પટેલીયા સૌ આવીને સ્વામીને પગે લાગ્યા અને સારી જગ્યામાં સ્વામીને ઉતારો આપ્યો. પછી સ્વામીને સાથે લઈને પટેલીયા અને હરિજનો સૌ મળીને ગામમાં જગ્યા જોવા માટે ગયા. પછી સ્વામીના કહેવા પ્રમાણે ગામના પટેલીયાઓએ જગ્યા આપી અને સ્વામીએ સૌને આશીર્વાદ આપ્યો ને મંદિર કરાવ્યું. ॥૯૫૯॥
જ્યારે જીવાખાચરનું કારજ હતું ત્યારે દેશાંતરોના કાઠી સૌ જીવાખાચરને ખરચે આવ્યા હતા. પછી સૌ કાઠી શ્રીજીમહારાજને દર્શને દરબારમાં આવ્યા અને મહારાજને કહ્યું જે, “અમને મુક્તાનંદ સ્વામીનાં દર્શન કરાવો.” ત્યારે મહારાજ કહે, “તમારે મુક્તાનંદ સ્વામીનાં દર્શન કરવાં છે કે તેથી મોટા હોય તેનાં દર્શન કરવાં છે?” પછી શ્રીજીમહારાજ ઉગમણે આરે પોતાના સખા સહિત પધાર્યા અને તેમની ભેગા તે બધા કાઠી પણ ગયા તે વખતે સિદ્ધાનંદ સ્વામી હાથમાં હીંહવો લઈને પથ્થર કાઢતા હતા. પછી શ્રીજીમહારાજે તે કાઠીયોને કહ્યું જે, “લોક વહેવારે મુક્તાનંદ સ્વામી મોટા છે અને મારી મૂર્તિ રાખવામાં આ મોટા છે!” પછી ત્યાં સૌ કાઠીઓ જઈને સ્વામીને દંડવત કરીને પગે લાગ્યા. ॥૯૬૦॥