સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

સદ્‌ગુરુ સચ્ચિદાનંદ સ્વામીની વાતો

એક વખત માંડવધારમાં હરિજનોએ વાઢ કર્યો હતો અને ત્યાં એંશી બાવાની જમાત આવી હતી ને વાઢે પડાવ કર્યો. પછી તે જમાતના મહંતે કહ્યું જે, “અમને એંશી કડા ગોળ આપો નહીં તો તમારો ચીંચોડો બંધ કરી દઈશ.” પછી સૌ હરિજન ગઢપુર મહારાજ પાસે આવ્યા અને પગે લાગીને વાત કરી જે, “એંશી બાવાની જમાત આવી છે અને એંશી કડા ગોળ માગે છે માટે કોઈક મોટા સંતને મોકલો.” પછી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને ત્યાં મોકલ્યા. પછી બાવો કહે, “હું ગોળની કડામાં બેસું.” ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે, “તું તો ગોળની કડામાં બેશ પણ હું તો ચુલ્યમાં બેસું તો પણ દાઝું નહીં.” એમ કહીને સ્વામીએ ચીંચોડો છોડાવી નંખાવ્યો અને કાચા સુતરની કોકડી મગાવી. તેનો એક છેડો લઈને ચીંચોડાની જાગીએ બાંધ્યો અને એક છેડો પોતાની કેડે બાંધ્યો. પછી સ્વામીએ કહ્યું જે, “હવે બે જણ ચીચોડામાં શેરડી ઓરો.” અને પોતે કાચા તાંતણાથી ચીંચોડો ફેરવવા મંડ્યા. પછી સ્વામી કહે કે, “આમ જે ચીંચોડો ફેરવે તે ગોળ લે.” પછી બાવા સૌ વહેલા ઉઠીને ચાલ્યા ગયા; એમ બાવાનો પરાજય કરીને પછી ગઢપુર આવીને મહારાજને પગે લાગ્યા. ॥૯૬૧॥

એક વખત સ્વામી ગામ પીપળીયે પધાર્યા હતા. ત્યાં મંદિરમાં બે પીંપરનાં ઝાડ હતાં. તેની નીચે ફરતો પથ્થરનો ઓટો હતો. તે ઉપર બેસીને સ્વામી ભજન કરતા હતા. તે વખતે પીંપરના થડમાં બે મોટા નાગ રહેતા હતા તે સ્વામી જ્યારે ભજન કરે ત્યારે બન્ને નાગ સ્વામીની ડોકે વિંટાય અને બન્નેની ફેણો માથા ઉપર (શંકરની પેઠે) દેખાય. તે જોઈ ગામના લોકો સૌ આશ્ચર્ય પામતા. પછી સ્વામી જ્યારે ધ્યાનમાંથી જાગે ત્યારે નાગ ઉપરથી ઉતરીને ચાલ્યા જાય; એવો સ્વામીનો પ્રતાપ જોઈને કેટલાક લોકોએ તો સ્વામીને હાથે વર્તમાન ધરાવ્યાં. આખું ગામ સત્સંગી થયું. ॥૯૬૨॥

ગામ પીપળીયાના લુવાર બીજલ પટેલ તથા રણછોડ પટેલ હતા. તેમને સ્વામી કહેતા જે, “તમે સૌ મારી કૌપીનને નેફે વળગજ્યો એટલે હું તમને સૌને ઢરડીને ધામમાં લઈ જઈશ.” એમ સ્વામી હરિજનો આગળ બળની વાતો કરતા. ॥૯૬૩॥

પીપળીયાના વેલો લુવાર હતા. તે કાંઈક સેવા સારૂ ગઢપુર આવ્યા હતા અને સખપરને પાદર પાડલીયો નદી છે તેને કાંઠે જાળામાં પોતાના જોડા સંતાડીને આવ્યા હતા. પછી તેઓ ગઢપુર પાંચ-દશ દિવસ રહ્યા હતા ને તેઓ જ્યારે ચાલ્યા ત્યારે સ્વામી બોલ્યા જે, “વેલા! તારા જોડા નદીને કાંઠે જાળામાં મૂકેલા છે તે લેતા જાજો.” એમ સ્વામીએ અંતર્યામીપણે કહ્યું. ॥૯૬૪॥

એક વખત સ્વામીએ હરજી ભગતને પૂછ્યું જે, “ભગત! મહારાજ મને કેમ તેડવા માટે પધારતા નથી?” ત્યારે હરજી ભગત કહે, “સ્વામી! તમારે માટે મહારાજ વિમાન શણગારે છે.” તે સાંભળીને સ્વામી કહે કે, “મારે વિમાનનું કાંઈ કામ નથી. મારે તો મહારાજનું કામ છે.” એમ હરજી ભગતને સ્વામીએ વાત કરી ત્યાર પછી થોડાક દિવસ કેડે શ્રીજીમહારાજ તેમને ધામમાં તેડી ગયા. ॥૯૬૫॥

એક વખત સત્સંગના ખપ ઉપર સ્વામીએ વાત કરી જે, “સત્સંગનો ખપ કેવો રાખવો? સત્સંગના ગરજુ કેવા થાવું?” તે ઉપર પોતે વાત કરી જે, “આ મારા પગ છે તેને ઢીંચણથી અગર કાંડાથી ભાંગી નાંખે અને પછી ઢરડાતો જ્યાં સાધુની એઠવાડ નાંખે છે તે ઠેકાણે ઝોળી પાથરીને બેસું અને કહું જે મહાપુરુષો આ ઝોળીમાં એઠું નાંખો. પછી તે એઠવાડ ખાઈને સત્સંગમાં પડ્યો રહું પણ સત્સંગ ન મેલું કેમ કે હાડ ચામડી સત્સંગની છે.” તે ઉપર સ્વામીએ વાત કરી જે:

“સંવત ૧૮૬૯ની સાલમાં જ્યારે દુકાળમાં જુનાગઢમાં ગગાભાઈ ગરાસીયાએ બે કોળીના છોકરા રાખ્યા હતા. તેને કાળ ઉતરાવ્યો અને ઉછેરીને મોટા કર્યા પછી તે છોકરા મોટા થયા. તે વખતમાં ગાગાભાઈનો દેશકાળ મોળો આવ્યો. પછી તે બન્ને છોકરાઓ મજુરી કરીને ગગાભાઈનું પોષણ કરતા અને પછી તે બન્ને જણા સાંજે જ્યારે ઘરે આવે ત્યારે ગગાભાઈ લાકડી લઈને સામા થાય અને કેટલીક ગાળો ભાંડે તો પણ બન્ને જણા સાંભળીને બેસી રહે. પછી આડોશી પાડોશી કહેવા લાગ્યા જે, ‘મૂરખાઓ! હવે તમે શા માટે આવા તિરસ્કાર સહન કરો છો? હવે તો તમે તમારી મેળે તમારો નિર્વાહ કરી શકો તેવા થયા છો.’ ત્યારે તે બન્ને જણ કહે કે, ‘ભાઈઓ! ખરી વખતે અમને એણે રાખ્યા છે અને આ અમારી હાડ-ચામડી તેની છે માટે અમારો ગમે તેમ તિરસ્કાર કરે તો પણ અમે કૃતઘ્ની નહીં થાઈએ.’”

તેમ સ્વામી કહે, “સત્સંગનો ખપ તેવો રાખવો.” ॥૯૬૬॥

શ્રીજીમહારાજ જ્યારે ધરમપુર પધાર્યા ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને ગઢપુર મેલી ગયા હતા ને એક માસ સુધી મહારાજ ધરમપુર તરફ રોકાયા હતા. અને મહારાજ ત્યાંની પ્રસાદી આપતા ને સ્વામી આંહીં બેઠા બેઠા ગઢપુરમાં જમતા. પછી એક દિવસ હરજી ઠક્કરે પૂછ્યું જે, “સ્વામી! તમે કેમ કાંઈ જમતા નથી?” તે સાંભળી સ્વામી બોલ્યા જે, “શ્રીજીમહારાજ મને હમેશાં પ્રસાદી આપે છે તે હું જમું છું.” હરજી ઠક્કર કહે, “તે વાત સત્ય મનાય નહીં.” સ્વામી કહે કે, “હમણાં મને શ્રીજીમહારાજે દહીં તથા ભાતની પ્રસાદી આપી તે હું જમ્યો છું.” એમ કહીને પોતે ઉલટી કરીને દેખાડ્યું ત્યારે સૌને વિશ્વાસ આવ્યો. એવી શ્રીજીમહારાજ સાથે તેમને એકતા હતી. ॥૯૬૭॥

શાસ્ત્રમાં એમ વાત છે જે, “જ્યારે રાધિકાજીને શ્રીકૃષ્ણ ભગવાનનો વિયોગ થાય ત્યારે તેમના કપાળનો ચાંદલો શામ થઈ જતો.” ને સચ્ચિદાનંદ સ્વામીને જ્યારે શ્રીજીમહારાજનો વિયોગ થાય ત્યારે રુવાડે રુવાડે રુધિર નીસરે એવો શ્રીજીમહારાજને વિષે તેમને પ્રેમ હતો. ॥૯૬૮॥

એક વખત સચ્ચિદાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામી ચીરોડી દળતા હતા ત્યાં શ્રીજીમહારાજ પધાર્યા ત્યારે સિદ્ધાનંદસ્વામી કીર્તન બોલ્યા જે:

‘ઘંટીને ઘહરકે રે વાલો મારો આવીયા…’

ત્યારે મહારાજ કહે, “સ્વામી! એ તમારું કામ નથી. એ તો બ્રહ્માનંદ સ્વામીને આવડે.” એમ કહીને શ્રીજીમહારાજ ચાલી નીસર્યા. ॥૯૬૯॥

જે વખતે શ્રીજીમહારાજ સ્વધામ પધારવાને માટે તૈયાર થયા તે વખતે પોતે પોતાનાં દેહનાં નાડી-પ્રાણ તોડીને અક્ષરધામમાં ગયા અને ત્યાં મુક્તને કહ્યું જે, “અહીંયાં મને રાખશો?” ત્યારે મુક્તોએ કહ્યું જે, “સુખેથી આવો.” પછી સ્વામી પોતાનાં નાડી-પ્રાણ ત્યાગ કરીને અક્ષરધામમાં ગયા અને સિંહાસન નીચે સંતાણા. પછી મહારાજ જ્યારે આંહીંથી પધાર્યા ત્યારે મહારાજે કહ્યું જે, “આંહીં એક ચોર આવેલો છે?” પછી સ્વામીનું શરીર એક જોજન ઉંચું ઉછળવા લાગ્યું. પછી આવીને શ્રીજીમહારાજ પાસે હાથ જોડીને ઉભા રહ્યા. મહારાજે કહ્યું જે, “દેહમાં જા.” સ્વામી કહે, “મહારાજ! મારાથી હવે દેહમાં રહેવાય તેમ નથી. કેમ કે હું નાડી-પ્રાણ તોડીને આવ્યો છું.” મહારાજ કહે કે, “નહીં જા તો હજાર વરસ સુધી સુકા કાષ્ટમાં દેહ (જીવ) ખોસી મેલીશ અને આમને આમ રુધિરનો ભર્યો દરબારમાં જાજે અને સૌને વાત કરજે. અને કાલે એકાદશી છે, માટે આજ રાત્રે સૌ જમજો પણ કોઈ ભૂખ્યા રહેશો નહીં!” એમ કહીને મહાપ્રસાદીનું પાણી પાયું અને કહ્યું જે, “છ મહિના તો દેહમાં રહેજે.” એમ કહીને મોકલ્યા ને આવ્યા પછી સૌને બધી વાત કરી દેખાડી. અને અહીંનું અન્ન-જળ પોતાને ભાવતું નહીં. પછી છ મહિને ધામમાં પધાર્યા એવા હેતવાળા હતા.તે ભગવાન વિના ઘડી પણ રહી શકતા નહીં. શ્રીજીમહારાજ કહે, “સચ્ચિદાનંદ સ્વામીના હેતની બલિહારી છે.” ॥૯૭૦॥

અને પોતે જ્યારે ઘરે હતા ત્યારે ગામમાં મરકી આવી હતી ત્યારે મોટાભાઈએ કહ્યું જે, “તું મારામાં આવ્ય. બીજે જવું રહેવા દે.” પછી મરકીએ મોટાભાઈના શરીરમાં પ્રવેશ કર્યો. પછી મોટાભાઈએ પોતાના શરીરની બધી નાડીયું ખેંચી લીધી અને શરીરમાં જઠરાગ્નિ પ્રદીપ્ત કર્યો. એટલે મરકી બળવા લાગી. પછી હાથ જોડીને મોટાભાઈને કહ્યું જે, “મારી રક્ષા કરો અને હવેથી હું તમારો કોઈ દિવસ છેડ કરીશ નહીં.” એમ જ્યારે બહુ વાર પ્રાર્થના કરી ત્યારે મોટાભાઈએ અગ્નિને શાંત કર્યો અને મરકી ગામમાંથી નાશી ગઈ. ॥૯૭૧॥

એક વખત પોતે કચ્છમાં શ્રીજીમહારાજને દર્શને જતા હતા અને વહાણમાં બેઠા. તે ત્રણ દિવસ સુધી વહાણમાં પડ્યા રહ્યા. પછી તેમને સ્મશાનમાં લઈ જઈને અગ્નિસંસ્કાર કરવાનો આદર કર્યો. તે વખતે શ્રીજીમહારાજે આવીને ચિતામાંથી બેઠા કર્યા અને મહારાજે વારંવાર કેટલોક ઠપકો દીધો. એમ શ્રીજીમહારાજે મોટાભાઈની રક્ષા કરી. ॥૯૭૨॥

એક વખત પોતાના સંબંધીઓએ ઘરમાં પુરીને તાળું વાસ્યું હતું અને પગમાં બેડીયો પહેરાવી હતી. પછી શ્રીજીમહારાજે આવીને તેની બેડીયો તોડી નાંખી અને કમાડનાં તાળાં એમનાં એમ દીધાં રહ્યાં અને તેમાંથી શ્રીજીમહારાજ કાઢી ગયા. ॥૯૭૩॥