સદ્ગુરુ ભાયાત્માનંદ સ્વામીની વાતો
એક વખત શ્રીજીમહારાજે ગઢપુરમાં સૌ સંતને કહ્યું જે,”સૌ એક એક જણ ફરવા જાઓ અને જે મારો આશરો રાખશે તેને મારે ફીકર અને જે બીજાનો આશરો રાખશે તેની મારે ફીકર નહીં.” એમ કહીને સૌ સંતને ફરવા મોકલ્યા. પછી ભાઈ સ્વામી ગામ ધોરાજી આવ્યા. તે વખતે ચોમાસું હતું તેથી વરસાદ પણ થોડો થોડો વરસતો હતો અને રાત્રી પડી. પછી એક પડી ગયેલ ઘરનું ખંઢેર હતું. તેમાં એક ખુણે બેસીને ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ એમ ભજન કરવા લાગ્યા અને દિવસ બધાના ભૂખ્યા હતા અને રાતના આઠ વાગ્યા સુધી અન્ન-જળ મળ્યું નહીં પણ પોતાને શ્રીજીમહારાજનો વિશ્વાસ બહુ હતો. તેથી શ્રીજીમહારાજ રાત્રીએ એક હાથમાં ખીચડી ભરેલી થાળી અને એક કઢીનો વાટકો લઈને છત્રી ઓઢીને આવ્યા અને મહારાજ બોલ્યા જે, “કોઈ ભૂખ્યું? કોઈ ભૂખ્યું?” ત્યારે સ્વામી બોલ્યા જે, “હા, હું ભૂખ્યો છું. તમે કોણ છો?” ત્યારે મહારાજ કહે કે, “હું બ્રાહ્મણ છું. માટે તમે લ્યો ભૂખ્યા હો તો જમો.” પછી ખીચડી ને કઢી આપીને સ્વામીને જમવા બેસાર્યા અને મહારાજે માથે છત્રી ઝાલી રાખી. પછી પાણી પાઈને મહારાજ અદૃશ્ય થઈ ગયા! પછી થોડા દિવસ થયા પછી સ્વામી ગઢપુર આવ્યા અને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. તેમને મહારાજે પૂછ્યું જે, “સ્વામી! કાંઈ દુઃખ પડ્યું?” સ્વામી કહે, “ના, મહારાજ! તમારા પ્રતાપથી કાંઈ દુઃખ નથી પડ્યું.” પછી મહારાજ કહે કે, “સ્વામી! ઓલ્યા ખંઢેરમાં રાત્રે બેઠા હતા અને હું ખીચડી ને કઢી લઈને આવ્યો અને તમને જમાડ્યા હતા તે ભૂલી ગયા?” સ્વામી કહે, “હા, મહારાજ! એ તમે હતા?” ॥૯૭૪॥
શ્રીજીમહારાજ ઉગમણાબારને ઓરડે સભા કરીને વિરાજમાન હતા તે વખતે મહારાજે કહ્યું જે, “ભુજ કોણ જાશે?” ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! તમે આજ્ઞા કરો તે જાય.” પછી મહારાજ બોલ્યા જે, “આ ભાઈ સ્વામી જાય.” અને કહ્યું જે, “ત્યાં જઈને રવજી સુતાર ઢોલિયા ઉપર બેઠો છે તેને લાત મારજો.” એમ શ્રીજીમહારાજે તે ઠેકાણે ઢોલિયા ઉપર બેઠા બેઠા લાત ઉગામી તે ભુજમાં રવજી સુતારને વાગી અને તે ત્યાં ઢોલિયેથી હેઠો પડી ગયો. પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ! તમારે ભાઈ સ્વામીને મોકલવા હોય તો મોકલો પણ ત્યાં તો તેની સમાધિ તુટી ગઈ છે અને તમોએ આંહીયાં લાત મારી તે તેને ત્યાં વાગી છે.” પછી સ્વામીને ભુજ જતા અટકાવ્યા. ॥૯૭૫॥
અને મહારાજે સભામાં વાત કરી જે, “જેણે પોતાના દેહને અર્થે ન માગ્યું હોય તે બોલો.” પછી એક સંત સભામાં ઉભા થઈને બોલ્યા જે, “મેં મારા સારૂ કોઈ પાસે નથી માગ્યું.” ત્યારે મહારાજ કહે, “તમે પીપળીયામાં લુવાર વેલા પાસેથી સોય-દોરા માગ્યા હતા ને?” પછી સાધુએ કહ્યું જે, “હા, મહારાજ! માગ્યા ખરા.” પછી ભાઈ સ્વામી ઉભા થઈને બોલ્યા જે, “મારો દેહ ધારીને મેં મારા સારુ કાંઈ માગ્યું નથી.” ત્યારે મહારાજ કહે કે, “તમે ખરા! તમે કોઈ પાસે નથી માગ્યું.” ॥૯૭૬॥
એક વખત શ્રીજીમહારાજ ગઢપુરમાં સભા કરીને વિરાજમાન હતા ત્યારે મહારાજ બોલ્યા જે, “ખાણગામ કોઈ જાય?” ત્યારે ભાઈ સ્વામીએ કહ્યું જે, “હું જાઉં.” પછી મહારાજ કહે, “લ્યો, હું તમને ચીઠ્ઠી લખી આપું જે, આબુની છાયામાં બ્રહ્માનંદ સ્વામીનું ખાણગામ છે.” પછી સ્વામી બોલ્યા જે, “ના, મહારાજ! એમાં ચીઠ્ઠીનું કાંઈ કામ નથી. એ તો મને હૈયે રહેશે. જેમ જારની ખાણ, ધુડની ખાણ; તેમ ખાણગામ.” પણ મહારાજે બહુ બહુ કહ્યું પણ સ્વામીએ ના પાડી. પછી અહીંથી છ સાધુ લઈને ચાલ્યા તે સિદ્ધપુર સુધી ગયા પણ આગળ ક્યાંઈ ભોજનનું પુરું થાય તેવું નહીં. તેથી ચાર સંત પાછા આ દેશમાં આવ્યા અને ગોવિંદ સ્વામી તથા ભાઈ સ્વામી – એ બે જણ ગયા અને ચાલતાં ચાલતાં આબુનો ડુંગર મેલીને દસ બાર ગાઉ આગળ ચાલ્યા ગયા પણ પોતાને કાંઈ સ્મૃતિ રહી નહીં કે આપણે ક્યાં જઈએ છીએ? પછી એક ગામને પાદર તળાવ હતું ત્યાં વડને નીચે જઈને બેઠા. તે વખતે ગોવિંદ સ્વામીને ભાઈ સ્વામીએ પૂછ્યું જે, “ગોવિંદાનંદ! આપણે ક્યાં જઈએ છીએ?” ત્યારે સ્વામી કહે, “તેની મને કાંઈ ખબર નથી.” તે વખતે કેટલાક બાવા ત્યાં આવ્યા તેમણે કહ્યું જે, “મહારાજો! શું બેઠા છો? આપણને સદાવ્રત અપાય છે ત્યાં ઝટ જાઓ નીકર બંધ થઈ જાશે.” પછી બન્ને જણા જઈને સદાવ્રતનો લોટ લઈ આવ્યા અને તે વડ નીચે છાણાં લાવીને આડ ખડક્યો અને વાસણનું સાધન નહીં તેથી પાણી ગળણામાં લોટ બાંધ્યો અને છાણામાં જ્યાં અગ્નિ મૂક્યો અને ધૂમાડો થયો એટલે ઉપર મધ હતું તે ઉડ્યું અને શરીરે માખીયો વળગીયું. તેથી બન્ને જણા દોડીને તલાવના પાણીમાં પડ્યા. લોટ કાગડાં કુતરાં ખાઈ ગયાં પછી દિવસ અસ્ત થયો અને પછી ત્યાંથી ચાલી એક ગામને પાદર જઈને બેઠા હતા. ત્રણ દિવસના ભૂખ્યા-તરસ્યા અને બહુ પરિશ્રમ પડ્યો હતો તેથી મૃત્યુવત્ થઈ ગયેલા હતા. તે વખતે શ્રીજીમહારાજ હાથમાં સુખડી તથા ગાંઠીયાની થાળી ભરીને આવ્યા અને પૂછ્યું જે, “મહાપુરુષ! ક્યાં રહેવું?” સ્વામી કહે કે, “મહારાજ અમે તો કાઠીયાવાડમાં રહીયે છીએ.” ત્યારે મહારાજ બોલ્યા જે, “ક્યાં જવું છે?” ત્યારે સ્વામી બોલ્યા જે, “અમને કાંઈ ખબર રહી નથી.” પછી મહારાજ કહે કે, “તમે ભૂખ્યા છો માટે જમી લ્યો અને હું પછી તમને ગામ બતાવું.” પછી બન્ને જણને જમાડીને મહારાજ તેમની પાસે બેસીને ફરતા ગામના નામ લેવા મંડ્યા. ત્યારે મહારાજ કહે કે, “ખાણગામ?” ત્યારે સ્વામી કહે, “હા, અમારે ત્યાં જવું છે.” ત્યારે મહારાજ કહે, “ચીઠ્ઠી લખી આપું?” સ્વામી કહે, “હા, લખી આપો તો બહુ સારું!” પછી મહારાજે ચીઠ્ઠી લખી આપી જે આબુની છાયામાં ખાણગામ છે. પછી મહારાજે કહ્યું જે, “મહાપુરુષો, ગામ તો પંદરગાઉ પાછળ રહી ગયું!” એમ કહીને ચીઠ્ઠી લખી આપીને અદૃશ્ય થઈ ગયા.” પછી તે બેય જણા ખાણગામ ગયા ત્યાં જઈને ત્રણ માસ રહ્યા અને કેટલાકને સત્સંગી કર્યા. પછી છ મહિને ગઢપુર આવ્યા તે વખતે શ્રીજીમહારાજ સભા કરીને દરબારમાં વિરાજમાન હતા. પછી સ્વામીને ભાળીને મહારાજ ઢોલિયા ઉપરથી ઉભા થઈને સામા જઈને બોલ્યા જે, “આ મારા શૂરવીર ભક્ત આવ્યા, શૂરવીર ભક્ત આવ્યા.” એમ કહીને મહારાજે એક હાથ ભાઈ સ્વામીને ખંભે મેલ્યો અને બીજો હાથ ગોવિંદ સ્વામીને ખંભે મેલ્યો. પછી મહારાજ સભામાં આવ્યાં. ત્યાં બેય જણા દંડવત કરીને મહારાજને પગે લાગીને બેઠા. પછી મહારાજ બોલ્યા જે, “સ્વામી! ક્યાંઈ દુઃખ પડ્યું હતું?” ત્યારે સ્વામી કહે, “ના, મહારાજ!” ત્યારે મહારાજ કહે, “ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યા તળાવમાં પડ્યું રહેવું પડ્યું ને કુતરાં લોટ ખાઈ ગયાં અને પછી મારે જમવાનું લઈને આપવા આવવું પડ્યું હતું.” અને બોલ્યા જે, “આંહીંથી ચીઠ્ઠી લઈ ગયા હોત તો મારે ત્યાં આવવું પડત નહીં.” પછી ભાઈ સ્વામી કહે, “મહારાજ! મારી ભૂલ થઈ.” ને સ્વામી કહેતા જે, “મેં મહારાજની ક્યારેય આજ્ઞા લોપી નથી પણ આ મરજી હું જાણી શક્યો નહીં.” આમ સ્વામી પંડ્યે વાતો કરતા હતા. ॥૯૭૭॥
સ્વામી દેશમાંથી ફરીને ગઢપુર આવતા હતા. તે ગામ ઝીંઝાવદર આવ્યા ત્યાં દિવસ અસ્ત થઈ ગયો અને સ્વામીને થાક પણ બહુ લાગ્યો હતો. તેથી ઝીંઝાવદરને પાદર સ્વામી રાત રહ્યા અને બીજા સંત ગઢપુર આવ્યા અને મહારાજને તેઓ દંડવત કરીને પગે લાગ્યા ત્યારે મહારાજે તેમને પૂછ્યું કે, “ભાઈ સ્વામી ક્યાં?” ત્યારે સંતે કહ્યું જે, “ઝીંઝાવદર રાત રહ્યા છે.” પછી બીજે દિવસે સવારમાં સ્વામી ગઢપુર આવ્યા અને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. ત્યારે મહારાજ કહે કે, “સ્વામી! તમે અલૈયાખાચરનો સમાગમ કરવા રહ્યા હતા કે?” સ્વામી કહે કે, “ના, મહારાજ. હું થાકી ગયો હતો તેથી ગામને પાદર રાત રહ્યો હતો અને ગામમાં ગયો નથી.” ત્યારે મહારાજને શંકા ટળી. ॥૯૭૮॥
કચ્છ દેશમાં રામપર ગામમાં શ્રીજીમહારાજે ભાગવતની પારાયણ કરાવી હતી. ત્યાં સૌ સંત પહોંચ્યા હતા પણ ભાઈ સ્વામી જઈ શક્યા નહોતા. પછી જ્યારે સ્વામી મહારાજ ભેળા થયા ત્યારે મહારાજે કહ્યું જે, “સ્વામી! અમે પારાયણ કરાવી ત્યાં તમે આવી શક્યા નહીં?” તે સાંભળીને સ્વામી બોલ્યા જે, “મારાથી ત્યાં પહોચાણું નહીં. માટે તેનું રહસ્ય હોય તે કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્વામી! મરેલ મકોડો જીવતા મકોડાને તાણી જાય છે; એ દૃષ્ટાંતનું સિદ્ધાંત એ છે જે એક કોર માયાનું ટોળું છે અને બીજી તરફ જીવ છે તે જીવને ભગવાન ભજવા છે પણ માયાનું બળ એવું જબરૂં છે તે જીવને ભગવાન સન્મુખ થાવા દેતી નથી અને માયાવી કરી નાંખે છે માટે જીવ બ્રહ્મરુપ થઈને ભગવાનના શરણને પામે તો માયાને તરે.” ॥૯૭૯॥
એક વખત સ્વામી સુરત પધાર્યા હતા. ત્યાં નિરંતર રસ રોટલીની રસોઈયું ચાલતી હતી. પછી એક સંતને કોઈકે કહ્યું કે, “મહાપુરુષ! તમને શરીરે સોજા ચડી ગયા છે.” તે સાધુ જરા ભોળા જેવા હશે. તેથી તેમના મનમાં એમ થયું જે મને સોજા ચડી ગયા જણાય છે. પછી વૈદને બોલાવીને નાડી બતાવી અને બે-ચાર દિવસ વૈદ આવ્યો ને દવા ખવરાવી ત્યારે સ્વામી બોલ્યા જે, “અણીડો આ કોથળીયો ક્યાં જાય છે?” પછી સંત સભામાં બેઠા હતા તેણે સ્વામીને કહ્યું જે, “સ્વામી! વૈદ તો મારી પાસે આવે છે.” સ્વામી કહે કે, “તમને શું થયું છે?” સંત બોલ્યા જે, “સૌ સંત કહે, તમને સોઝા ચડી ગયા છે.” ત્યારે સ્વામી બોલ્યા જે, “મહાપુરૂષ! હંમેશા રસ રોટલીની રસોઈયું ચાલે છે તે સોજા તો ચડે જ તો.” ॥૯૮૦॥
સ્વામી બહુધા કરીને વાગડ ગામમાં રહેતા હતા. ત્યાં ઈંગોરાળાના પટેલ કુંવરજી જાગાણી ગયા હતા. તેને વડોદરે જવું હતું. પછી તે વાગડમાં રાત રહ્યા અને અહીંથી કોઠારી ભક્તિવલ્લભદાસજીએ તેને ભલામણનો કાગળ ગઢડાથી લખી આપ્યો હતો જે, “આ બહુ સારા સત્સંગી છે માટે તેમની સારી રીતે બરદાસ રાખજો.” એમ વાગડના હરિભક્ત ગરાસીયા ઉપર કાગળ લખ્યો હતો. તે કાગળ વાંચીને તેમનો મંદિરમાં ઉતારો કરાવ્યો હતો અને તેની ઘોડી કોઈક હરિજનને ઘરે બંધાવી હતી. તે પટેલને હોકાનું બંધાણ હતું તેથી પોતા સાથે એક વાળંદ હતો અને તેને કહ્યું જે, “જા, સભામાં જઈને કહે જે, જે પટેલને હોકો ભરવા માટે બાવળની છાલ અગર લાકડાં જોશે.” તે વખતે સૌ હરિજન ધ્યાન કરતા હતા. તે સભામાં જઈને વાળંદ બોલ્યો જે, “આમ કેમ? સૌ શુન્ય મુન્ય થઈને બેઠા છે? પટેલને હોકો ભરવાને માટે બાવળની છાલ જોશે.” તે સાંભળીને હરિજનો બોલી ઉઠ્યા જે, “કોઠારીએ કાગળ લખ્યો છે જે આ બહુ સારા હરિજન છે તે સારા હરિભક્તને હોકો હોય? અને અમે તો કોઈ હોકો પીતા નથી! તેથી બાવળના લાકડા ક્યાંથી હોય?” તે વાત પટેલે સાંભળી જે, “કાગળમાં તો મારાં વખાણ લખ્યાં છે અને હોકે તો મને ફજેત કર્યો.” એમ કહીને પોતે હાથમાં હોકો લઈને મંદિરને પગથીયે ગયા. તે હોકાને હાથમાં લઈને પગથીયામાં પછાડ્યો તે કટકે કટકા થઈ ગયા. પછી પોતપોતાને આસને જઈને સુતા અને વાળંદ પગચંપી કરતો હતો અને તે વખતે સ્વામી લઘુશંકા કરવા ઉઠ્યા હતા તેમણે ઉભા રહીને જોયું અને પછી સ્વામી બોલ્યા જે, “અણીડો આ શું થાય છે?” પટેલ કહે કે, “સ્વામી! જ્યારે વાળંદ મારે પગે પોલા ઢીંકો મારીને પગચંપી કરે ત્યારે મને નિંદ્રા આવે છે.” સ્વામી કહે કે, “ઢીંક મારનારો ન રહ્યો તો નિંદ્રા કેમ આવશે?” પછી તરત પોતે વાળંદને રજા આપીને પોતાને ઘરે મોકલ્યો જે, “પાછો જા. સ્વામીનો આશીર્વાદ થયો.” પછી વડોદરેથી ઘરે આવ્યા ત્યાં તો બીજો કણબી ગામની પટલાઈ લાવ્યો. માટે દેવ મંદિરમાં દેવની મર્યાદા રાખવી તથા મોટા સંતની પણ મર્યાદા રાખવી. ॥૯૮૧॥
સ્વામી ગામ વાગડમાં સુતા હતા અને કાળે આવીને સ્વામીની ઢોળણી ઉપાડીને ગામ બરવાળે ભરવાડણો છાશ તાણતી હતી તેના નેહમાં મૂકી. સવારમાં જ્યારે સ્વામી જાગ્યા અને જ્યાં જોયું ત્યાં તો પોતાને ખાટલો ભરવાડના નેહમાં દીઠો. પછી હરિભક્તોને બોલાવીને ગાડી કરીને સ્વામી વાગડ પધાર્યા. ॥૯૮૨॥
સુરતમાં પ્રજ્ઞાનંદ સ્વામી બેઠા હતા ત્યાં કેટલાક બ્રહ્મજ્ઞાનીઓ બેસવા આવ્યા. તેમણે સ્વામીને વાત કરી જે, “સ્વામી! જેમ માટલીમાં મંકોડો પુર્યો હોય અને તેમાં ચારે કોર ભમ્યા કરે પણ તેને ઠરવાનું ઠામ શું?” ત્યારે સ્વામી બોલ્યા જે, “સૌ સાંભળો! તે માટલીમાં એક સાકરનો ગાંગડો નાખ્યો હોય તો ત્યાં મંકોડો સ્થિર થાય.” તેમ સ્વામી કહે, “એ દૃષ્ટાંતનું સિદ્ધાંત તો એ છે જે, આ સંસારરૂપી માટલી છે અને તેમાં જીવરૂપી મંકોડો છે. તે ચારે કોર ભટક્યા જ કરે છે પણ તે સાકર રુપી ભગવાનના ચરણારવિંદમાં ચોટે તો તેના જન્મ-મરણ ટળી જાય!” ત્યારે સર્વેએ કહ્યું જે, “સ્વામી! તમે બરોબર ઉત્તર કર્યો.” ॥૯૮૩॥
વળી એક જણે પ્રશ્ન કર્યો જે, “સ્વામી! આ બ્રહ્માંડ ગાળ્યું તેનો ગાળ ક્યાં નાંખ્યો હશે?” ત્યારે સ્વામી બોલ્યા જે, “આ બ્રહ્માંડ કાંઈ ગાળે કરીને નહોતું ભર્યું. આ તો અવિદ્યાએ કરીને ભર્યું હતું. તે વહેંચતા વહેંચતા સૌને વહેંચી દીધી અને જેટલી વધી તેટલી તારા ઘરમાં નાંખી.” એટલે સભામાં સૌ હસવા લાગ્યા અને પ્રશ્ન પુછનારો શરમાઈ ગયો. ॥૯૮૪॥
વિશ્વાત્માનંદ સ્વામી ગામડામાં ફરવા ગયા હતા. ત્યાં એક કાઠીને ગામ પોતે ગયા ત્યાં ચોરામાં બ્રાહ્મણ કથા વાંચતો હતો. પછી સ્વામીએ ત્યાં જઈને કાઠીઓને રામ રામ કર્યા અને પૂછ્યું જે, “ભટ! આ શું વાંચે છે?” ત્યારે કાઠી કહે કે, “સ્વામી! ભક્તમાળ વાંચે છે.” ત્યારે સ્વામી કહે, “કઈ ભક્તમાળ?” ત્યારે કાઠી બોલ્યા જે, “બા એક જ ભક્તમાળ તો છેને?” ત્યારે સ્વામી બોલ્યા જે, “ઘંટમાળ ખોટો?” કાઠી કહે, “ખરો બા!” સ્વામી કહે કે, “રેંટમાળ ખોટો?” કાઠી કહે, “ખરો બા!” સ્વામી કહે, “સાલેમાળ ખોટો?” કાઠી કહે, “ખરો બા!” સ્વામી કહે કે, “ઘુઘરમાળ ખોટો?” કાઠી કહે કે, “ખરો બા!” સ્વામી કહે કે, “વરમાળ ખોટો?” કાઠી કહે કે, “ખરો બા!” કાઠીયો કહે કે, “આ સ્વામી તો આટલી બધી માળ જાણે છે અને ભટ તો આ એક જ માળ વાંચે છે માટે ઉઠ્ય તારૂં કામ નથી.” પછી તે ભટને કથા કરતો ઉઠાડી મૂક્યો. માટે જેવા માણસ તેવી વાત કરે તો શોભે. પછી વિશ્વાત્માનંદ સ્વામીએ કાઠીને રાજી કર્યા. ॥૯૮૫॥
અને પોતે ત્યાં કેટલાક દિવસ વાતો કરતા રહ્યા. તેવામાં સ્વામી પાસે કેટલાક ઢુંઢીયા વાણિયા બેસવા આવ્યા તેમણે સ્વામીને કહ્યું જે, “તમે મુમતી કેમ રાખતા નથી. જે વાયકા જીવ મરે ના?” ત્યારે સ્વામી કહે કે, “અમે મુમતી રાખીએ છીએ.” ઢુંઢીયા કહે, “ક્યાં છે?” સ્વામી કહે કે, “તમારું મોઢું રામ કૃષ્ણ ગોવિંદ નથી કહેતું તે તમારે મોઢે બાંધી છે! અને અમારો પશ્ચાત્ ભાગ રામ કૃષ્ણ ગોવિંદ નથી કહેતો તે અમે હેઠે બાંધી છે.” પછી સૌએ કહ્યું જે, “તમારું મોઢું અને એમનો પશ્ચાત્ ભાગ.” એ બે બરોબર કર્યા પછી ઢુંઢીયા વયા ગયા. ॥૯૮૬॥
વળી ઢુંઢીયે મળીને સ્વામીને પ્રશ્ન પૂછ્યું જે, “સ્વામી! શંકરના થાળામાં પીપળો ઉગ્યો હોય તે જો પીપળાને કાઢે તો વિષ્ણુનો અપરાધ થાય અને શંકરનું લીંગ ઉપાડે તો શંકરનો અપરાધ થાય. માટે બેમાંથી કોને કાઢવું ને કોને રાખવું?” ત્યારે સ્વામી બોલ્યા જે, “તમારા ગોરજીના માથામાં જીવડા પડ્યા હોય તે જો જીવડા કાઢે તો અનંત જીવડા મરે અને ગોરજીનું માથું કાપે તો ગોરજી મરે માટે ગોરજીનું માથું કાપવું કે જીવડા કાઢવા?” પછી ઢુંઢીયા સૌ છાનામાના બેસી રહ્યા. ॥૯૮૭॥