સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીની વાતો
સ્વામી ત્યાગી થવા આવ્યા ત્યારે તેમનાં સગાં સંબંધી સૌ ઘરે તેડી ગયા અને પોતાનાં નાનાં નાનાં બે પુત્ર હતા તે તેમની પાસે બેઠા. ત્યારે સ્વામીએ પોતાની ઘરવાળીને કહ્યું જે, “આને આંહીંથી લઈ લે. આ તો પાંકડો પાડો છે તે પાટુ મારશે તો ડેફરું ફોડી નાંખશે. આ કાંઈ ભેંશ નથી તે પારસો મૂકશે.” એવું સાંભળીને પછી તે બન્ને છોકરાને ત્યાંથી ઉઠાડી લઈ છેટે બેસાર્યા. કેમ જે આ સંસારમાંથી જ્યારે વૈરાગ્ય થાય ત્યારે સંસારના સુખ ગમે જ નહીં. ॥૯૮૮॥
એક વખત મહારાજ શેખપાટ ગયા હતા અને પોતે જે કોડમાં ઘડતા તે કોડમાં એક મોટું રંઘેડું (મોટો પાટલો) નાંખતા હતા અને તે ઉપર શ્રીજીમહારાજ બેસતા અને સ્વામી સામે બેસીને લાકડા ઘસવાનું કામ કરતા. ॥૯૮૯॥
ગઢપુરમાં શ્રીગોપીનાથજી મહારાજનું મંદિર ચણાતું હતું અને રતન કડીયા પાસે સ્વામી પથ્થર દેવા માટે રહ્યા હતા. પછી સ્વામીએ એક મોટો પથ્થર ખંભે લઈને મંદિર ઉપર ચડાવ્યો અને અહીંયાં હરેનો વખત થયો હતો. પછી રતને કડીયે પાટું મારીને પથ્થરો હેઠો પાડી નાંખ્યો. તે જોઈને સ્વામી બોલ્યા જે, “માળો કુસંગી દેખાય છે? હું આટલી મહેનત કરીને પથ્થર ઉપર લાવ્યો ને તે પાડી નાંખ્યો. તારે અત્યારે અવકાશ નહોતો તો જમ્યા પછી બેસાડવો હતો.” પછી હરે થયા એટલે સૌ જમવા ગયા. સ્વામી તો જમીને પાછા તે પથ્થરાને ખંભે ચડાવીને નીચેથી ઉપર લઈ ગયા અને રતનો કડીયો રીસાઈને પોતાને ઉતારે બેસી રહ્યો. પછી મહારાજને ખબર પડી જે, “રતનો કડીયો રીસાણો છે.” પછી મહારાજ બોલ્યા જે, “રતના કડીયાને આ મંદિરનો જેટલો મમત છે તેટલો નિષ્કુળાનંદ સ્વામીને કાંઈ મમત્વ હોય?” પછી રતના કડીયાને કોઈકે વાત કરી જે, “મહારાજ! તમારાં આવી રીતે વખાણ કરે છે” અને મહારાજે કહ્યું જે, “સાધુ તો લંગોટબંધ કહેવાય, તે આજ આહીં ને કાલ ક્યાંઈ?” તે સાંભળી રતનો કડીયો તરત કારખાના ઉપર ગયો અને નિષ્કુળાનંદ સ્વામી પથર ઉપર ચડાવીને ત્યાં બેઠા હતા અને રતના કડીયાને પાણી ચુનો અને પથ્થર વિગેરે જે જોઈએ તે આપવા લાગ્યા. પછી બીજે દિવસે સવારમાં અક્ષરઓરડીમાં સ્વામી મહારાજને દર્શને ગયા. ત્યારે મહારાજે કહ્યું જે, “સ્વામી! તમે રતના કડીયાને મુક્તાનંદ સ્વામી જેવો જાણ્યો? જે એ રીસ તો મુક્તાનંદ સ્વામીને ન ચડે અને બીજાને તો રીંસ ચડે.” પછી સ્વામી બોલ્યા જે, “મહારાજ! એ તો મારી ભૂલ થઈ.” ॥૯૯૦॥
એક વખત સ્વામી સવારમાં ગામ બોટાદને પાદર નીસર્યા તે વખતે શિવલાલભાઈ વગેરે હરિજનો બહાર કુવે નહાવા આવ્યા હતા. તેમણે સ્વામીને છેટેથી ભાળ્યા અને ત્યાં જઈને ખેંચતાણ કરીને ગામમાં લાવ્યા અને શેઠે બીરંજની રસોઈ કરાવી. પછી ઠાકોરજીને જમાડીને સ્વામી જમવા બેઠા અને શેઠ વિગેરે સૌ સ્વામીના દર્શન કરવા પાસે ઉભા હતા. પછી સ્વામી બોલ્યા જે, “જમ્ય, નિષ્કુળાનંદ, જમ્ય!” એમ વારંવાર બોલે ને કહે જે, “તું મોટાનો મહોબતી તે મહોબત નહીં મેલી શકે! પણ એક ગ્રાસ પોતાના મોઢામાં મેલ્યો નહીં.” પછી ભગા શેઠે હાથ જોડ્યા જે, “સ્વામી! તમો રાજી હો તે જમો.” પછી પોતાના સારુ જુવારનો રોટલો કરાવ્યો હતો, તે જમ્યા પણ બીરંજ ઉપર હાથ મૂક્યો નહીં. એવા ત્યાગી ને વૈરાગ્યવાન હતા. ॥૯૯૧॥
સ્વામીને ધોલેરાના મહંત કર્યા હતા. ત્યાં એક દિવસ પોતે સવારમાં પૂજા કરવા બેઠા હતા. તે વખતે પોતાની પૂજામાં લીલવા દ્રાખના પાંચ દાણાં ઠાકોરજીને ધર્યા હતા. તે પ્રસાદી મુખમાં મેલી તે વખતે ત્યાંના ડોસા ન્યાલ શેઠ કરીને બેઠા હતા. તેમણે જાણ્યું જે, “સ્વામી! દ્રાખ જમે છે.” પછી તેમણે પોતાના દીકરા મુળજીભાઈને કહ્યું જે, “લીલવા દ્રાખનો એક સારો પડો લઈ આવ્ય. તે સ્વામીની પૂજામાં ધરવા આપીએ.” મુળજીભાઈએ દ્રાખનો પડો લાવીને સ્વામી પાસે મેલ્યો. ત્યારે સ્વામી બોલ્યા જે, “મોરારચરણદાસ! લાવ્ય, મારી પૂજાની ઝોળી લાવ્ય.” ઝોળી મંગાવીને તેમાંથી ડાબલી કાઢી અને પાંચ દાણા દ્રાખના હતા, તે ઘા કરી ફળીમાં નાંખી દીધા. સ્વામી કહે, “તેં મને મોઢામાં નાંખતાં ભાળ્યો ત્યારે તું લાવ્યો ને?” એવું સાંભળીને દ્રાખનો પડો પાછો ઉપાડી લીધો. ॥૯૯૨॥
ધોલેરામાં કોઈ અમલદાર આવ્યો હતો. તેણે ‘જનુની જીવો રે ગોપીચંદની’ એ કીર્તન સાંભળ્યું. ત્યારે તેણે કહ્યું જે, “આ કીર્તનના કરનારાને મારે જોવા છે.” પછી ગામના હરિજનો તેમને તેડીને મંદીરમાં લાવ્યા. તે વખતે સ્વામી બેઠા બેઠા પથ્થર ઘડતા હતા. તે રજ ઉડીને પોતાના શરીર ઉપર પડી હતી. પછી સૌએ કહ્યું જે, “જુઓ, કીર્તન કરનારા આ બેઠા!” ત્યારે અમલદાર કહે, “આ હોય નહીં.” ત્યારે સ્વામી બોલ્યા જે, “મહેતા! મણી તો છે પણ રજે ભીંજાણી છે.” પછી તે આવીને સ્વામીના પગમાં પડ્યો ને સ્વામીની વાતો સાંભળીને સ્વામીને હાથે વર્તમાન ધારીને સત્સંગી થયો. ॥૯૯૩॥
નિષ્કુળાનંદ સ્વામીના દીકરા ગોવિંદ સ્વામી ત્યાગી થવા સારુ ગઢપુર આવ્યા હતા. ત્યારે મહારાજે કહ્યું જે, “જાઓ, આને રોટલા જમાડો.” પછી દરબારમાં આવ્યા અને મોટીબાએ ત્રણ રોટલા થાળીમાં મૂકાવ્યા. તેમાં હેઠે ઘઉંનો તેના ઉપર બાજરાનો, તેના ઉપર જુવારનો મૂકેલો. તે થાળી લઈ રામભગત (ગોવિંદ સ્વામી) પાસે મૂકી. તે ઉપરનો જુવારનો રોટલો જમી ગયા. પણ નીચેના બે રોટલાને તે અડ્યા નહીં. પછી શ્રીજીમહારાજ જ્યારે થાળ જમવા ગયા ત્યારે મોટીબાએ કહ્યું જે, “મહારાજ! આજ ભગત આવ્યા છે. તેની આગળ ત્રણ રોટલા મૂક્યા હતા. તે જુવારનો રોટલો જમી ગયા. પણ ઘઉંના ને બાજરાના રોટલાને જમ્યા નહીં.” પછી મહારાજ કહે, “સિંહના તો સિંહ જ હોયને?” એમ મહારાજે પ્રશંસા કરી. ॥૯૯૪॥
ગોવિંદ સ્વામીનો સ્વભાવ બહુ જ ગરીબ અને સાધુતાવાળો હતો. અને એક વખત ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, “સ્વામી! તમારી સાધુતા મને આપો. કેમ કે તમારામાં સાધુતાના બધાય ગુણ રહેલા છે.” એમ ગોપાળાનંદ સ્વામીએ પણ ગોવિંદાનંદ સ્વામીની પ્રશંસા કરી. ॥૯૯૫॥
ગઢપુરમાં નૃસિંહાનંદ સ્વામી હતા. તે લખુ કંદોઈ પાસે પાશેર ગાંઠીયા અગર પેંડા નિરંતર માગાવ્યા કરતા અને પોતે ઠાકોરને જમાડીને કોઈ સારો ત્યાગી અને કોઈ સારો હરિજન આવે તેને જમાડી દેતા પણ પોતે જમતા નહીં. પછી પોતાના સેવકે કહ્યું જે, “સ્વામી! તમે જમતા નથી અને બીજાને આપી દ્યો છો અને લખુ કંદોઈ બિચારો ગરીબ છે.” ત્યારે સ્વામી કહે, “નારણવલ્લભદાસ! મારે લખુને ગરીબ નથી રહેવા દેવો. મારે લખુને લોંઠકો કરવો છે.” પછી સ્વામીના આશીર્વાદથી તે લખુ કંદોઈ મોટા આસામી થયા. મોટા પુરૂષની સેવાનું ફળ બેઉ લોક સુધારે એવું છે. ॥૯૯૬॥
સુંદરીયાણાના પુંજા શેઠ ગઢપુરના કોઠારી હતા. તે નિત્ય પુજા કરીને નૃસિંહાનંદ સ્વામીને દર્શને જાય. ત્યારે સ્વામી નિરંતર કહે જે, “પુંજાશેઠ! એક નવા સેવક લાવો.” ત્યારે પુંજા શેઠ કહે કે, “કોઈક એવો સારો મનુષ્ય આવશે ત્યારે તમારી સેવામાં મેલીશ.” પછી પુંજા શેઠે એક દિવસ સ્વામી આગળ વાત કરી જે, “સ્વામી! એક ગામમાં એક કારભારી હતો. તે ગામમાં જે મનુષ્ય મરે તેના પાંચ રૂપિયા દંડ લીધા પછી તેને બાળવા દેતો. પછી સૌ લોક તેના જુલમથી બહુ કંટાળી ગયા. જે, “આ પાપ આપણા ગામમાંથી ક્યારે ટળે અને નવો આવે તો ઠીક.” પછી તેની બદલી થઈ ને નવો કારભારી આવ્યો. તેવામાં એક મોટા કુટુંબવાળો કણબી હશે તેની ડોસી મરી ગઈ. પછી સૌએ વિચાર કર્યો જે, “આપણે કારભારીને પૂછવું જોઈએ અને પછી બાળવા લઈ જઈએ.” પછી તો સૌ મળીને કારભારીને પૂછવા ગયા જે, “અમારે ડોસી મરી ગયાં છે. તેમને બાળવા લઈ જવાં છે તે કેમ કરીએ?” ત્યારે કારભારી કહે કે, “કેમ પુછવા આવવું પડ્યું?” ત્યારે સૌએ કહ્યું જે, “જુનો કારભારી હતો તે પાંચ રૂપિયા લીધા પછી બાળવાની રજા આપતો.” ત્યારે નવો કારભારી બોલ્યો જે, “જાવ વિચારીને કહેશું.” એમ કરતાં આખી રાત વહી ગઈ અને સૌ ભૂખ્યાં-તરસ્યાં પડ્યાં રહ્યાં. પછી સવારે પાંચ જણા મળીને કારભારી પાસે જઈને કહ્યું જે, “સાહેબ! ગઈ કાલ્યની ડોસી મરી ગઈ છે અને ત્યારથી સૌ માણસ ભૂખ્યું છે.” તે વખતે ભાઈ પૂજામાં બેઠા હતા એટલે તેના હજુરીએ કહ્યું જે, “ઘડીક ખમીને આવજો.” એમ કરતાં દિવસના દશ વાગ્યા પછી ફરીને સૌ મળીને પુછવા ગયા ત્યારે કારભારી બોલ્યા જે, “મરનાર માણસને ઉંધું નાંખવું અને પુંઠ્યમાં સાંઠો ઘાલવો અને પાંચ રૂપિયા દંડ લેવો! ત્યાર પછી તેને અગ્નિસંસ્કાર કરવા દેવો.” એવો હુકમ કર્યો તે સાંભળીને આખા ગામમાં કોલાહલ થઈ રહ્યું જે, “જુનો સારો જુનો સારો!” તેમ શેઠ કહે, “સ્વામી! નવો સેવક આવશે તે આમ કરશે.” સ્વામી કહે, “નહીં નહીં. મારે જુના સારા.” ॥૯૯૭॥
ગામ હાથસણીના કાનજી ભગત કરીને મહાવિર્યાનંદ સ્વામી થયા હતા. તે પ્રથમ ઘરે હતા ત્યારે બે રોટલા ગાંઠ્યે બાંધીને પ્રભુને ગોતવા નીસર્યા હતા અને ગોતતાં ગોતતાં શ્રીજીમહારાજ ભેળા ગઢપુરમાં થયા અને પછી મહારાજના સ્વરુપનો નિશ્ચય કરીને પોતે ત્યાગી થયા ને મહાવિર્યાનંદ સ્વામી નામ પડ્યું. તે જ્યારે ધ્યાન કરતા ત્યારે તેમના સેવકે પૂછ્યું જે, “સ્વામી! તમે કોનું ધ્યાન કરો છો?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “ભા! તારી માનું ધ્યાન કરું છું.” એ તો દૃષ્ટાંત પણ તેનું સિદ્ધાંત તો એ છે જે આ સંસારમાં જે કોઈ જીવ પ્રાણીમાત્ર છે તે બધાંય માયાનું ધ્યાન કરે છે પણ કોઈ પ્રભુમાં ચોટતું નથી. ॥૯૯૮॥
ગામ જાળીયા તથા ઉપલેટા વિગેરે ગામના હરિજનો ગઢપુર દર્શન કરવા આવવાને તૈયાર થયા અને પછી જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને પગે લાગવા ગયા અને સ્વામીને કહ્યું જે, “સ્વામી! અમો સૌ ગઢપુર દર્શને જઈએ છીએ.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “ગઢપુર જાઓ તો વિધાત્રાનંદ સ્વામી પાસે જાજ્યો અને તેમને મારા નારાયણ કહેજો.” પછી સૌ હરિજનો ગઢપુર આવ્યા અને ગોપીનાથજી મહારાજનાં દર્શન કરીને વાડીયે વિધાત્રાનંદ સ્વામીને દર્શને ગયા અને ગુણાતીતાનંદ સ્વામીના નારાયણ કહ્યા અને કહ્યું જે, “અમને સ્વામીએ તમારી પાસે બેસવાનું કહ્યું છે, માટે અમને વાતો કરો.” ॥૯૯૯॥
પછી સ્વામીએ વાત કરી જે ‘વર રાખજો વર’ તે ઉપર સ્વામીએ વાત કરી જે, “એક શેઠ હતો. તેણે પોતાના દીકરાના લગ્ન કર્યા તેની જાનમાં જુવાનીયા જુવાનીયા લઈ જવાને આમંત્રણ કર્યા. પછી સૌ ઘોડાગાડીયો જોડાવીને તૈયાર થયા અને જાન ગામ બહાર નીસરી. પછી ચાલતાં બે ચાર ગાઉ ગયા એટલે વર લઘુશંકાકરણો થયો. પછી વરની ઘોડાગાડી ઉભી રાખી અને સૌ પડખેથી ગાડીયો તારવી તારવીને ચાલ્યા ગયા. પછી વર જ્યારે લઘુશંકા કરીને ઉઠ્યો એટલે કોઈ માણસ ભાળ્યું નહીં. ફક્ત પોતાની એક જ ગાડી રહેલી. પછી વર બોલ્યો જે, “આ બધાય ક્યાં ગયા?” ત્યારે કોઈકે કહ્યું જે, “તે તો સૌ આગળ ચાલ્યા ગયા.” ત્યારે વર કહે, “મારે માટે સૌ જાય છે ને! અને મને તો પડતો મેલ્યો. માટે મારી ગાડી પાછી વાળો, મારે જવું નથી.” પછી વર તો ઘરે આવીને બેઠો અને જાનૈયા સૌ સામે ગામ ગયા અને ચેત્ર વૈશાખનો તડકો પણ હતો. તેથી સૌને તરસ પણ બહુ લાગી હતી અને વરના સસરા તરફથી સાકરના ઠંડા પાણી તૈયાર કર્યાં હતાં. પછી સૌ બોલ્યા જે, “વરને લાવો! પહેલું તેમને પાણી પાઈએ!” અને વર તો ઘરે આવીને બેઠેલો. પછી જાનૈયા સૌ જેવા ગયા હતા તેવા જ સૌ પાછા આવ્યા. તેમ સ્વામી કહે, “વરને ઠેકાણે ભગવાન રાખજો. જો ભગવાન હશે તો સઘળું ફળીભૂત થશે! નહીં તો જેમ ‘ખાટલે મોટી ખોટ્ય તે પ્રથમ પાયો નહીં’ ‘પુત્ર વિનાનું પારણું’ ‘વર વિનાની જાન’ ‘મીઠા વિનાનું ભોજન’ ‘મણમાં આઠ પાંનશેરીની ભૂલ્ય’ તે જેમ બધું ફીકું લાગે તેમ ભગવાન વગર બીજું બધું નકારું છે. ॥૧૦૦૦॥
સ્વામીએ એક બીજી વાત કરી જે, “એક કબાડી હતો. તે મધનો ઘડો લઈને શહેરમાં વેચવા ગયો અને તેની સાથે એક સાવજીયો પાળેલો કુતરો હતો. પછી તે કબાડી એક શેઠની દુકાને મધનો ઘડો લઈને બેઠો. પછી શેઠે મધની પરીક્ષા કરવા માટે કાગળ ઉપર એક મધનું ટીપું મેલ્યુ. તે ટીપાં ઉપર માખી આવીને બેઠી. તે જોઈને તે માંખીના સાવજે આવીને માંખીને પકડી. માંખીના સાવજને ગરોળીએ પકડ્યો. ગરોળીને બિલાડીએ પકડી. અને બિલાડીને ભાળીને વાઘરીના કુતરે તલપ મારીને બિલાડીને પકડી. તે જોઈ શેઠને રીસ ચડી જે, “મારા ઘણા વરસની પાળેલી બિલાડીને કુતરાએ મારી.” એમ જાણીને પોતે કોથળામાં પાંચ શેરી નાંખીને કુતરા સામો ઘા કર્યો. તેથી તે કુતરાને માથામાં પાંચશેરી લાગવાથી મરી ગયો. તે જોઈ કબાડીને રીસ ચડી તેથી તેણે શેઠને કુહાડી મારી તે શેઠ મરી ગયો. પછી શેઠના સંબંધીઓને રીસ ચડી એટલે તેમણે કબાડીને મારી નાંખ્યો.” તેમ સ્વામી કહે કે, “એક મધના ટીપામાંથી સાત જણાનાં મૃત્યુ થયાં. તેમ મધને ઠેકાણે વિષય છે તેના સારૂં જીવ પ્રાણી માત્ર માથા કપાવે છે ને મૃત્યુને પામે છે.” ॥૧૦૦૧॥