સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો

એક વખત શ્રીજીમહારાજ ગામ ભાદરે પધાર્યા હતા. ત્યાંના હરિજનોએ આગ્રહ કરીને મહારાજને રોક્યા. પછી સૌ હરિભક્તોએ મહારાજની પ્રાર્થના કરી જે, “અહીંયાં તમે એક માસ સુધી રહો અને અમોએ સર્વેએ રાખડીયો બાંધી છે તે વારાફરતી છોડવી છે.” પછી સૌ હરિજનોએ એવો ઠરાવ કર્યો જે, “જેને ઘરે રસોઈ હોય તેને ઘરે સૌ હરિજન ભેગા થઈને જમે.” અને મુળજી બ્રહ્મચારી તથા ગુણાતીતાનંદ સ્વામીએ બન્ને જણ રસોઈ કરવા જતા હતા. પછી એક દિવસ પટેલ હીરાભાઈને ત્યાં રસોઈનો વારો આવ્યો તેથી તેમણે ઘરે જઈને તેમની ઘરવાળીને કહ્યું જે, “કાલે આપણે ત્યાં મહારાજ જમવા પધારશે.” પછી બાઈ બોલી જે, “મારે ઘરે સ્વામિનારાયણ નહીં. કેમ કે મારી ને તેની એક નજર થાય તો હું લાકડાં જેવું લાકડું થઈ જાઉં. માટે તમે ગમે ત્યાં જમાડો.” પછી હીરાભાઈએ બાઈને બહુ જ સમજાવી પણ તે તો સમજી નહીં. પછી હીરાભાઈએ મહારાજને વાત કરી જે, “મહારાજ! મારા ઘરનું માણસ સમજતું નથી.” પછી મહારાજે મુળજી બ્રહ્મચારી તથા ગુણાતીતાનંદ સ્વામીને સમજાવવા મોકલ્યા. પછી મુળજી બ્રહ્મચારીએ જઈને કહ્યું જે, “બા, હું અને આ મુળજી – એ બન્ને જણા રસોઈ કરવા આવીયે છીયે અને મહારાજ તો જમતી વખતે આવશે. માટે મહારાજ જ્યારે જમવા પધારે ત્યારે તમારે ઘરમાં જઈને માંહીની સાંકળ દઈને બેસવું.” તે સાંભળી બાઈ કહે, “તો તો ઠીક.” પછી રસોઈ તૈયાર થયા પછી જ્યારે મહારાજને આવવાનો વખત થયો ત્યારે તે બાઈ ઓસરીમાં રસોડું હતું તેમાં સાંકળ દઈને પેસી ગઈ. પછી મહારાજે સૌ હરિજનની ઓસરીમાં પંક્તિ કરી અને તેમને મહારાજ પીરસવા લાગ્યા. પછી મહારાજનો સ્વર સાંભળીને બાઈના મનમાં એમ થયું જે, “મહારાજનો સ્વર બહુ મીઠો છે માટે લાવ્યને જોઉં કેવાક છે.” પછી મહારાજ પીરસીને સન્મુખ ચાલ્યા આવતા હતા ત્યારે તે બાઈએ જાળીયામાંથી મહારાજની સામું જોયું એટલે મહારાજની મૂર્તિમાં તે બાઈની વૃત્તિ બંધાઈ ગઈ ને તેને મૂર્તિ દેખાવા લાગી. ત્યારે તે બાઈએ જાણ્યું જે, “મને સહજાનંદ વળગ્યા.” પછી મહારાજ તો જમીને ઉતારે પધાર્યા અને રાત્રીએ તે બાઈએ હીરાભાઈને કહ્યું જે, “મને સહજાનંદ વળગ્યો. માટે ડાકલાં બેસારો.” પછી હીરાભાઈએ તેને બહુ સમજાવી પણ સમજી નહીં અને રાત બધી રકઝક કરી. પછી સવારે હીરાભાઈએ મહારાજને કહ્યું જે, “મહારાજ! તમો એ રાંડને ક્યાં દેખાઓ છો? મને દેખાઓને.” પછી મહારાજ કહે, “જાઓ, હવે નહીં દેખાય.” પછી તે બાઈને મહારાજ દેખાતા આળસી ગયા ને થોડાક દિવસ પછી તેને સત્સંગ થયો ને ફરીને મહારાજ ભાદરે પધાર્યા ત્યારે તેણે પોતાને ઘરે થાળ કરીને મહારાજને જમવા પધરાવ્યા ને તે બાઈ મહારાજની સન્મુખ બેસીને બોલી જે, “હે, મહારાજ! તમે મને પ્રથમ દેખાતા હતા તેવા ને તેવા દેખાઓ?” ત્યારે મહારાજ કહે કે, “તે દિવસ તો તેં અમને ભૂત ઠરાવ્યા હતા.” એમ પાત્ર વિના પ્રભુ દેખાય તો પણ વિપરીતપણું થાય. ॥૧૦૦૨॥

ભાદરા ને નિષ્કુળાનંદ સ્વામીના ગામ શેખપાટને સાત ગાઉનું છેટું હતું તે જ્યારે સ્વામી પોતે ઘરે હતા ત્યારે બન્ને જણા બાળ સ્નેહી હતા એટલે તે બન્ને જણા પોતપોતાના ગામથી ત્રણ ત્રણ ગાઉ સામા આવીને રાત્રીએ ભેગા થાય અને મહારાજના મહિમાની વાતો કરીને સૌ સૌના ગામે ચાલ્યા જતા અને કેટલાક મુમુક્ષુજનો પણ તે સ્થળે વાતો સાંભળવા આવતા. ॥૧૦૦૩॥

ગામ બાબાપર વાંકીયાના વેજનાથ કરીને બ્રાહ્મણ હતા. તે વહેવારે બહુ દુર્બળ હતા. તેને સ્વામીએ કહ્યું જે, “વેજનાથ! તારે મારા સારુ વર્ષ દહાડે એક કળશી બાજરો આપવો.” પછી દર વરસે વેજનાથ મહારાજ એક કળશી બાજરો સ્વામીને માટે આપતા અને દશાંશ વીશાંશ જુદો કાઢતા. પછી સ્વામીની કૃપાથી તેઓ વહેવારે બહુ સુખીયા થયા અને લોકમાં બહુ પ્રસિદ્ધિ ને પ્રશંસાને પામ્યા માટે મોટાના આશીર્વાદનો પ્રતાપ આવો છે! ॥૧૦૦૪॥

જુનાગઢમાં સાધુની ધર્મશાળાનો પાયો પુરાતો હતો અને કાળવા નદીમાંથી મોટા મોટા પથ્થર રેંકડે ચડાવીને લાવતા હતા અને સ્વામી ત્યાં ધાબળી નંખાવીને બેઠા હતા અને પત્થરને રેંકડી ઉપર ચડાવીને પાયામાં નાંખતા ત્યારે સ્વામી બોલે જે, “હરામ! હરામ!” તે વખતે બોટાદના શિવલાલભાઈ સ્વામી પાસે બેઠા હતા તેણે સ્વામીને પૂછ્યું જે, “સ્વામી! આમાં શી ખાધાની ચીજ છે તે તમે હરામ હરામ કરો છો?” ત્યારે સ્વામી કહે, “શિવલાલ! તેં બાર લાખ દાટ્યા છે તે તારે કાઢવા હરામ છે અને મારે પાયામાંથી આ કાળવાના પાણા કાઢવા હરામ છે.” પછી સ્વામીએ ફરીને કહ્યું જે, “શિવલાલ! તારે ઘરે જ્યારે કઢી કરવી હોય ત્યારે છાશ-ચણાનો લોટ અને હળદર હોય તો પીળી થાય પણ કાંઈ સોનું નાંખે પીળી થાય? તેમ મારે જ્યારે કઢી કરવી હોય તો છાશ ચણાનો લોટ અને હળદર હોય તો પીળી થાય.” એમ સ્વામીએ દૃષ્ટાંત દઈને વાત કરી. ॥૧૦૦૫॥

જુનાગઢના મંદીરમાંથી બે બળદ કોઈક લઈ ગયું હતું. તેનો તપાસ કરવા માટે સ્વામી વારંવાર પાર્ષદને કહેતા જે, “બળદની શોધ કરવા માટે જાઓ.” તે વખતે એક સંત સભામાંથી ઉઠીને સ્વામીને કહેવા લાગ્યા જે, “સ્વામી! માળા ફેરવોને, બળદ બળદ શું કરો છો?” પછી સ્વામીએ કાંઈ જવાબ આપ્યો નહીં અને તે સાધુ લૈયા હતા પછી તેની લખવાની કલમ કોઈકે ભાંગી નાંખી પછી તે સંત રોવા લાગ્યા જે, “મારી કલમ કોઈકે ભાંગી નાંખી તે હવે હતી તેવી નહીં થાય! અને મારે એ એક જ કલમે પુસ્તક લખવું હતું.” એમ કહીને બહુ જ કલ્પાંત કરવા લાગ્યા. પછી સ્વામીએ કહ્યું જે, “મહાપુરુષ! કલમમાં તે શું રુવો છો?” પછી તે સંત પોતાની મેળે સમજી ગયા અને કહે કે, “બળદ માટે મને ઠપકો દેતા હતા ત્યારે કલમ માટે કેમ રૂવો છો?” એમ પોતાનું આવ્યું ત્યાં રોવા લાગ્યા. ॥૧૦૦૬॥

એક વખત સ્વામી જુનાગઢમાં સભામાં બેઠા હતા અને ત્યાં કોઈ ગઢવી આવીને સ્વામીનું નામ લઈને વખાણ કરવા લાગ્યો. પછી તે ગઢવી સાંભળે તેમ સ્વામી બોલ્યા જે, “અલ્યા! સાવરણો લાવો. મારા ભાગનું વાશીદું વાળવાનું બાકી છે તે વાળવું છે.” તે સાંભળીને ચારણ બોલ્યો જે, “સ્વામી! મને કાંઈ નીવાજે એમ લાગતું નથી. કેમ કે સાવરણો લઈને પોતે જ વાળવા લાગ્યા છે તે મને શું દેશે?” એમ જાણીને ચારણ ચાલતો થયો. ॥૧૦૦૭॥

એક વખત સ્વામીએ વેરાભાઈને કહ્યું જે, “તમે બન્ને જણાં જઈને કોઈક ગામમાંથી સારી ગાયો વેચાતી લઈ આવો.” પછી વેરોભાઈ ગાયો લેવા માટે ગામડામાં ગયા. પછી એક ભરવાડને ત્યાંથી બે ગાયો વેચાતી લીધી. તે વખતે ભરવાડણ પાણી ભરવા ગઈ હતી અને વેરોભાઈ ગાયો લઈને ચાલ્યા. પછી તે ગાયો તે બાઈને રસ્તામાં સામી મળી તે બાઈએ કહ્યું જે, “ભગત! એ મારી ગાયો ઝોકમાં પાછી લાવો.” તે સાંભળીને વેરોભાઈ ગાયો લઈને પાછા ઝોકમાં આવ્યા. પછી બાઈએ પાણીનું બેડું હેઠું મૂકીને તે ગાયોને પગે લાગીને બોલી જે, “માવડીયું! સિંગડે પૂછડે પગે કોઈને મારશો નહીં! અને ટાણે ટચકે જ્યારે દોવા માગે ત્યારે દોવા દેજો પણ નોંઝણું માગશો નહીં અને આ ઝોકની ગાયોએ ક્યારેય પગ ઉંચો કર્યો નથી! અને આ ઝોકની ક્યારેય લાજ લેશો નહીં.” એમ કહીને ગાયોને પગે લાગીને ભગતને કહ્યું જે, “હવે લઈ જાઓ.” પછી વેરોભાઈ ગાયો લઈને જુનાગઢ આવ્યા અને સ્વામીને સભામાં બધી વાત કરી. પછી સ્વામીએ કહ્યું જે, “જુઓ, ભાઈ! ભરવાડણને પણ પોતાની ઝોકની આટલી લાજ છે. તો આપણે તો સ્વામિનારાયણની ઝોકના છીએ. માટે આપણે પણ સ્વામિનારાયણની લાજ રાખવી.” તે ઉપર સ્વામી સાખી બોલ્યા જે,

‘લાજે લુગડ પહેરીએ લાજે દીજે જાન,

લાજ વિનાના માનવી તેના લાંબા લાંબા કાન.’

માટે સ્વામી કહે જેને લાજ નહીં તે તો મનુષ્ય જ ન કહેવાય. માટે લાજ રાખવી. ॥૧૦૦૮॥

એક વખત સ્વામી વડતાલ પધારતા હતા અને ગામ બીલખે પધાયાં અને સાથે દોઢસો-બસો માણસો હતા. પછી સ્વામીને ભાળીને જગ્યાનો મહંત બાવો સંતાઈ ગયો. પછી સ્વામી તે બાવા પાસે ગયા. ને સ્વામીને ભાળીને તે બાવો ઘરમાંથી બહાર આવીને સ્વામીને પગે લાગ્યો. બાવો કહે કે, “મહારાજ! સીધાની કાંઈ તાણ્ય નથી. પણ કોઈ રાંધનાર નથી.” ત્યારે સ્વામી કહે, “લાવો, અમારા સાધુ પાક શેકી આપશે.” ત્યારે બોટાદવાળા શિવલાલભાઈ સાથે હતા. તે બોલ્યા જે, “સ્વામી! હું સાથે છું તે સદાવ્રત ન લેવાય. મારું ખોટું દેખાય.” સ્વામી કહે, “મારે તો તેનું કલ્યાણ કરવું છે ને તારું તો સાધુ જમે જ છે તો.” પછી બાવે સીધું આપ્યું. તેની સાધુ પાસે સુખડી કરાવી અને શેર શેરનો એક એક લાડવો વાળ્યો. પછી સ્વામીએ બાવાજીને કહ્યું કે, “તમારે હાથે કરીને સૌને એક એક લાડવો આપો.” પછી સ્વામીની આજ્ઞા પ્રમાણે બાવાજીએ સૌ સંતને એક એક લાડવો દીધો અને સ્વામીએ પણ લાંબો હાથ કરીને તેની પાસેથી એક લાડવો લીધો પછી તેના દેવાલયમાં સ્વામી જમવા બેઠા અને જમતા જમતા ત્રણ ઠેકાણે ફર્યા. ત્યારે શિવલાલભાઈએ કહ્યું જે, “સ્વામી! આમ કેમ કરો છો? એક ઠેકાણે બેસીને જમોને!” ત્યારે સ્વામી બોલ્યા જે, “શિવલાલ! હું જ્યાં જ્યાં બેઠો ત્યાં ત્યાં સર્વે ઠેકાણે તીર્થ થયાં અને અહીંયાં જે આવશે તેને બીજબળ થાશે અને આગળ જે તીર્થ થયાં છે તે મોટા પુરુષ થકી થયાં છે.” ॥૧૦૦૯॥

અને કૃપાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી વિગેરે સાઠ્ય સંત ગામ જુનાસાવર પધાર્યા હતા અને તે ગામનો ધણી ઉગો ખુમાણ કરીને સત્સંગનો દ્વેષી હતો. તેણે છોકરા પાસે સાધુનો તિરસ્કાર કરાવીને ગામ બહાર કાઢ્યા. પછી સૌ સંત ગામને પાદર ખારી નદી છે તેમાં જઈને બેઠા અને તે ગામમાં સત્સંગી એક બ્રાહ્મણ રહેતા હતા. તે લોટ દાળ લઈને સાધુ પાસે નદીયે ગયો અને તેની રસોઈ કરીને સાધુ ત્યાં જમ્યા અને બ્રાહ્મણને આશીર્વાદ આપ્યો. પછી સ્વામીએ તે બ્રાહ્મણને પૂછ્યું જે, “આ કાઠીને દીકરો છે કે નહીં?” ત્યારે તે બ્રાહ્મણ કહે કે, “મહારાજ! આવા પાપીને દીકરો ક્યાંથી હોય? થાય છે ને મરી જાય છે.” પછી કૃપાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, “આપણે સૌ એવો આશીર્વાદ આપો કે તેને ઘરે દીકરો થાય અને જીવતો રહે અને તેને ઘરે આપણો ઉતારો થાય; એવો સૌ આશીર્વાદ આપો.” પછી થોડા દિવસ થયા એટલે તેને દીકરો થયો અને તે પાંચ વરસનો થયો ત્યાર પછી ત્યાં સ્વામી પધાર્યા પછી તે છોકરે તેના બાપને કહ્યું જે, “બાપુ આ સાધુને આપણે ઘર તેડી જઈને જમાડીયે.” એમ બહુ બાળહઠ કર્યો! પછી ઉગોખુમાણ તેના છોકરાને તેડીને સ્વામી પાસે આવ્યા. અને સ્વામીને પગે લાગીને વિનંતી કરી જે, “મહારાજ! મારે ઘરે જમવા પધારો. હું બ્રાહ્મણ પાસે રસોઈ કરાવું છું.” પછી સ્વામી તેને ઘરે પધાર્યા અને બ્રાહ્મણ પાસે રસોઈ કરાવીને સૌ સંતને જમાડ્યા. પછી સ્વામીએ કહ્યું જે, “ઉગાખુમાણ! તમોએ અમને આ ગામમાંથી મારીને બહાર કાઢ્યા હતા તે વખતે અમોએ આશીર્વાદ આપ્યો હતો જે, ‘તમારે દીકરો થાય ને તે જીવતો રહે અને તમારે ઘરે અમારા ઉતારા થાય;’ એવા આશીર્વાદના પ્રતાપથી તમને આ પુત્ર થયેલ છે. આમનું નામ જીવણો ખુમાણ પાડજો.” પછી ઉગો ખુમાણ પોતાના પરિવાર સહિત નિયમ ધારીને શ્રીજીમહારાજના આશ્રિત થયા. ॥૧૦૧૦॥

કૃપાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી ગામ પાણવી જતા હતા ને ગામ રોહીશાળાને પાદર નદીમાં રાત રહ્યા. પછી બન્ને જણે વિચાર કર્યો જે, “આપણે જો ગામમાં જશું તો આણંદજી કોઠારી ને લક્ષ્મીરામ રોકશે. માટે આપણને સુખે ધ્યાન-ભજન નહીં કરવા દે માટે નદીને કાંઠે વડ છે અને પાસે પાણીનો ધરો પણ ભરેલો છે માટે અહીંયાં રાત રહીયે.” પછી બન્ને જણા ત્યાં રાત રહ્યા અને ત્યાં એક બોઘો અલગોતર કરીને ભરવાડ હતો. તેણે પોતાને બકરા રાખવાની ઝોક કરી હતી. પછી બકરાંને ઝોકમાં રાતે પુરીને પછી રાફડીયા બોલવા લાગ્યો. ત્યારે કૃપાનંદ સ્વામી બોલ્યા જે, “ગુણાતીતાનંદજી! આપણે આંહીં રાત રહ્યા પણ આ ભરવાડ આપણને ધ્યાન કરવા નહીં દે અને આવા અક્ષરપતિ પુરુષોત્તમ પ્રગટ થયા અને હજી આવા રાફડીયા બોલે એવા જીવ છે? માટે આપણે સંકલ્પ કરો જે, એને એકેય રાફડીયો ન આવડે અને તે સત્સંગી થાય.” એમ સ્વામીએ જ્યાં સંકલ્પ કર્યો તેટલામાં તે ભરવાડને એકેય રાફડીયો યાદ આવ્યો નહીં અને તે ભરવાડે રાત બધી આંટા મારી મારીને કાઢી. પછી સવાર પડી ત્યાં તો બે સંતનાં દર્શન થયાં પછી તે ભરવાડ આવીને સ્વામીને પગે લાગ્યો અને કહ્યું જે, “તમે ભગવાનના સંત ખરા!” સ્વામી કહે કે, “તે કેમ જાણ્યું?” ત્યારે ભરવાડ કહે કે, “ત્રણ દિવસ અને ત્રણ રાત હું બોલું તો પણ રાફડીયા ખુટે નહીં.” પછી સ્વામી કહે, “ભાઈ! તું જ્યારે રાફડીયા બોલવા મંડ્યો ત્યારે અમે સંકલ્પ કર્યો હતો જે તને એકે રાફડીયો ન આવડે ને તું સત્સંગી થા.” પછી તે ભરવાડ તે વખતે સ્વામી પાસે વર્તમાન ધારીને સત્સંગી થયો. ॥૧૦૧૧॥

અને પછી સ્વામી ત્યાંથી ચાલ્યા તે ગામ પાણવીયે પધાર્યા અને ગામ પાણવીના પુંજો ડોડીયો કરીને એક રજપુત ભક્ત હતા. તેણે એવો સંકલ્પ કર્યો હતો જે, “કાં તો ભગવાન મળે અને કાં તો મરું અને આ દેહ પાડવો.” એવો સંકલ્પ કરીને નાના ગોપનાથ પાસે નકલંક મહાદેવ છે ત્યાં જઈને લિંગને બાથ ભરીને બેઠા અને સમુદ્રની વેળ્ય આવી એટલે તેમને ઠેલીને બહાર કાઢી નાંખ્યા. પછી પોતે વિચાર કર્યો જે, “હવે તો આવતા પાણીયે પડવું.” તે વખતે આકાશવાણી થઈ જે, “અમથો આંહીં શા માટે મરે છે? સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. તેના સંત તને મળશે. માટે તું તારે ઘરે જા.” એમ ત્રણ વખત આકાશવાણી થઈ. પછી પુંજો ભગત ઘરે આવ્યા ત્યારે સવારમાં પોતે સાંતી લઈને ખેતર જાતા હતા અને ગામને અવેડે બળદને પાણી પાતા હતા ત્યાં સ્વામીનાં દર્શન થયાં એટલે તે દોડીને સ્વામી પાસે આવ્યો અને કહ્યું જે, “મને ભગવાન મેળવો.” પછી સ્વામીને પોતાને ઘરે લઈ ગયા ને રસોઈ કરાવીને જમાડ્યા ને સ્વામીએ મહારાજના પ્રતાપ-ઐશ્વર્યની વાતુ કરી પછી તેને વર્તમાન ધરાવીને સત્સંગી કર્યા અને પોતે એકાંતિક ભક્ત થયા. ॥૧૦૧૨॥

અને પુંજા ભગતની દીકરી હતી તેમને પોતે ઉપદેશ કર્યો જે, “ચોરાશી લાખવાર પતિ કર્યા છે! અને આ જન્મે કરીને તો બ્રહ્મચર્ય વ્રત પાળીને પ્રભુને શરણે થા!” એમ પોતાની પુત્રીને ઉપદેશ દઈને સાંખ્યયોગી કરી અને તે બાઈના પતિને કહ્યું જે, “ચોરાશી લાખ વાર તેં સ્ત્રીઓ ભોગવીયું છે અને સ્ત્રીના દેહ ધરી ધરીને પુરુષ ભોગવ્યા છે અને જમપુરી તથા લખ ચોરાશી ફરી ફરીને જીવને મહામુશીબતે આ મનુષ્ય દેહ મળ્યો છે તો આ દેહે કરીને ભગવાનને શરણે થાવું અને જીવનું કલ્યાણ કરવું.” એમ ઉપદેશ આપીને પોતાના જમાઈને પણ ત્યાગી કર્યા. ॥૧૦૧૩॥

અને શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા પછી ભગુજી ગઢપુરથી ભાલમાં ખડ લેવા સારુ જતા હતા જે, “મહારાજના કારજ ઉપર સત્સંગીઓ આવે તેનાં ઘોડાં તથા બળદ સારુ ખડ લેવા જતા હતા ને ગામ પાણવીને પાદર ભગુજી વિગેરે બે પાળા અવેડે ઊંટને પાણી પાતા હતા. ત્યાં પુંજાભાઈ આવ્યા તેણે કહ્યું જે, “ભગુજી! આમ ઉદાસ કેમ જણાઓ છો?” ત્યારે ભગુજી કહે, “પુંજાભાઈ! શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા.” તે સાંભળીને પુંજો ભાઈ બોલ્યા જે, “હેં શું કહો છો?” ભગુજી કહે, “હા, મહારાજ અક્ષરધામમાં પધાર્યા.” તે સાંભળીને પુંજાભાઈના શરીરમાં લોહી તથા માંસ સુકાઈ ગયાં અને શરીર કાળું મશ થઈ ગયું. પછી તેઓ ગઢપુર આવીને મહારાજના તેરમા સુધી સેવા કરી અને અન્ન તથા જળનો ત્યાગ કરી દીધો અને મહારાજના તેરમાને દિવસે અક્ષરધામમાં ગયા. ॥૧૦૧૪॥

શ્રીજીમહારાજ ગામ કારીયાણી પધાર્યા હતા અને ગામ પાણવીના પુંજાભાઈએ વસ્તાખાચરને કહેલ જે, “શ્રીજીમહારાજ જ્યારે અહીં પધારે ત્યારે મને ખબર કરજો.” પછી ઝમરાળેથી ગંગારામ દવે ભિક્ષાવૃત્તિ કરવા કારીયાણી આવ્યા હતા. તેમને વસ્તાખાચરે કહ્યું જે, “તમને દરબારમાંથી લોટની તાંબડી ભરી આપીએ અને ગામ પાણવી જઈને પુંજા ડોડીયાને ખબર કરો જે મહારાજ કારીયાણી પધાર્યા છે.” પછી ગંગારામભાઈ પોતાને ઘરે લોટની ભરેલી તાંબડી મેલીને એકદમ ગામ પાણવી ગયા તે વખતે પુંજાભાઈ ખેતરમાં સાંતી હાકતા હતા. તેમને છેટેથી સાદ કરીને કહ્યું જે, “એ... પુંજાભાઈ... હે... કારીયાણીએ શ્રીજીમહારાજ પધાર્યા છે.” તે સાંભળીને સાંતીડું પુંજાભાઈએ બળદીયા સહિત ગામને મારગે ચડાવી મૂક્યું અને પોતે એકદમ દોડ્યા. તે કારીયાણી આવ્યા અને શ્રીજીમહારાજ કારીયાણીથી સાબદા થઈને સારંગપુર પધાર્યા હતા ને પુંજાભાઈએ દરબારમાં આવીને વસ્તાખાચરને પૂછ્યું જે, “બાપુ! મહારાજ ક્યાં?” વસ્તોખાચર કહે કે, “મહારાજ તો સારંગપુર પધાર્યા.” તે સાંભળીને ભૂખ્યા ને તરસ્યા એકદમ સારંગપુરને માર્ગે દોડ્યા ને શ્રીજીમહારાજ કારીયાણીથી ચાલ્યા. તે ગામ સજેલી વજેલી વચ્ચે એક ખીજડો છે તેને છાંયે મહારાજને ઘોડીની દળી પાથરીને બેસાર્યા અને નાજા જોગીયાને મહારાજ હર વખત કહ્યા કરે જે, “નાજા... તરશ છીપતી નથી. ” નાજે જોગીયે પણ મહારાજને બે ચાર વખત જળપાન કરાવ્યું તો પણ મહારાજ બોલ્યા જે, “નાજા... તરશ છીપતી નથી.” પછી મહારાજે ખીજડા ઉપર ચડીને કારીયાણીના મારગ સામું જોયું અને પુંજા ડોડીયાને છેટેથી ભાળ્યા પછી મહારાજ નીચે ઉતરીને હાથમાં ઠંડા જળની બતક લઈને પુંજાભાઈના સામા ચાલ્યા અને તેમને ઠંડું પાણી પાઈને ખીજડાને છાંયે બેસાર્યા. પછી મહારાજ બોલ્યા જે, “નાજા... હવે મારી તરશ છીપી!” એમ પ્રેમીભક્ત સાથે પોતે એકતા જણાવી. ॥૧૦૧૫॥

સ્વામી ગુણાતીતાનંદજી તથા કૃપાનંદ સ્વામી – બન્ને જણા લાખેયાણીયે પધાર્યા અને તે ગામમાં કંગાલદાસ તથા ગરીબદાસ બે બાવા રહેતા હતા. પછી સ્વામીને આવ્યા સાંભળીને ગરીબદાસે ગુણાતીતાનંદ સ્વામીના હાથ ઉપર ધોકો માર્યો. તેથી સ્વામીને હાથે સોજો ચડી ગયો અને પછી ત્યાંથી સ્વામી ગામ ઝમરાળે ગયા. ત્યાં પાંચો ચારોલો કરીને એક કોળી હરિભક્ત હતો તેણે સ્વામીને પૂછ્યું જે, “સ્વામી! હાથે શું થયું?” સ્વામી કહે કે, “કંગાલદાસે લાખેણીમાં ધોકો માર્યો તેથી હાથ સુજી ગયો છે.” તે સાંભળી પાંચોભગત પોતાની સાથે ચાર સુંવાળીયા કોળી લઈને રાત્રે ગામ લાખીયાણીએ ગયો અને જે જગ્યામાં કંગાલદાસ સુતો હતો ત્યાંથી ખાટલા સહિત ઉપાડ્યો અને ગામથી દોઢ ગાઉં વાવ્ય છે ત્યાં લઈ ગયા અને ખાટલા સાથે બાંધીને ખૂબ પ્રહાર કર્યો. કંગાલદાસ પૂછવા લાગ્યો જે, “બાપુ! તમે કોણ છો?” પાંચોભગત કહે કે, “અમે સ્વામિનારાયણના જમ છીએ. અમને સ્વામિનારાયણે આજ્ઞા કરી છે જે, મારા સંતને જે મારે તેને મારજો.” એમ કહીને મારી મારીને મૃત્યુ પારાયણ કરી મેલ્યો. પછી ખાટલો ઉંધો નાંખીને તે ઉપર એક મોટી કાંટાની ઘાંસી ચડાવી અને પછી તેઓ ચાલી નીકળ્યા. પછી સવાર પડી ત્યારે એક રજપુત સાંતી લઈને ખેતર જતો હતો. તે વાવમાં પાણી ભરવા ગયો અને કંગાલદાસ ખાટલામાં પડ્યો પડ્યો ઉંકારા કરતો હતો. તે સાંભળી રજપુતના મનમાં એમ થયું જે, “આ તે શું બોલે છે?” પછી તે વાવમાંથી બહાર નીસરીને આસપાસ જોયું ત્યાં તો એક મોટી કાંટાની ઘાંસી દેખાણી અને તેની નીચે ખાટલો દીઠો પછી તેની પાસે જઈને પૂછ્યું જે, “તું કોણ છું?” ત્યારે કંગાલદાસ કહે, “બાપુ! હું લાખેણીનો બાવો કંગાલદાસ છું!” રજપુત બોલ્યો જે, “આવું કોણે કર્યું?” કંગાલદાસ કહે, “બાપુ! પાંચો ચોરાળો કરી ગયો છે. માટે મને અહીંથી કાઢ્ય.” રજપુત કહે, “તને જો કાઢું અને તેને જો ખબર પડે તો મારા પણ આવા હાલ તે કરે.” એમ કહીને સાંતી લઈને તે તો ખેતર ગયો. પછી ગામમાં ખબર પડી જે, “કંગાલદાસને પાંચે ચારોળે કોખરી વાવ્યે લઈ જઈને બાંધ્યો છે અને મૃત્યુ પારાયણ કર્યો છે.” પછી ગામના લોકો ખાટલો લઈને ત્યાં ગયા અને ખાટલામાં સુવારીને તેડી ગયે. ॥૧૦૧૬॥

ઝમરાળામાં મંદિર કરાવવું હતું ત્યારે ધંધુકેથી દસ આરબ આવ્યા ને તેણે મંદિરનો અટકાવ કર્યો જે, “મંદિરનો પાયો નાંખવા નહીં દઈએ કેમ કે સરકારનો હુકમ નથી.” તે સાંભળી પાંચોભગત રફલ લઈને આવ્યા અને બોલ્યા જે-સાખી:

‘દીન ભગત દવે અરધો ભગત લાખો,

પુરો ભગત પાંચો તે તમારી નજર પડે ત્યાં પાયો નાંખો.’

અને પોતે રફલ લઈ આરબ સામો થયો અને કહ્યું જે, “મતારાં! દશેના પ્રાણ જાશે. માટે અહીંથી જીવતા ચાલ્યા જાઓ.” તે સાંભળી આરબ ચાલ્યા ગયા ને ઝમરાળામાં પાંચે ભગતે મંદિર કરાવ્યું. ॥૧૦૧૭॥

શ્રીજીમહારાજ સમઢીયાળે પધાર્યા હતા અને ચોમાસાનો વખત હતો તેથી વરસાદ વરસતો હતો ને નદીયે પાણી પણ આવ્યું હતું. પછી પાંચોભગત ઝમરાળેથી સમઢીયાળે ગયા ને શ્રીજીમહારાજને પોતાને ખંધોલે બેસારીને ઝમરાળે તેડી લાવ્યા એવા તેઓ શૂરવીર તથા પ્રેમી ભક્ત હતા. ॥૧૦૧૮॥

શ્રીજીમહારાજ કારીયાણીમાં વિરાજમાન હતા ને ત્યાં કોઈક ભક્તજને આવીને શ્રીજીમહારાજ આગળ રૂપિયાની ભેટ મૂકી. પછી મહારાજે સૌ કાઠીયોને કહ્યું જે, “જેને જોઈએ તે આ રૂપિયા લ્યો.” પછી સૌ કહેવા લાગ્યા જે, “મહારાજ! અમારે રૂપિયાને શું કરવા છે?” ત્યારે મહારાજ કહે જે, “અમારે પણ શું કરવા છે?” એમ કહીને મહારાજે તે રૂપિયાનો ખોબો ભરીને ઉડાડ્યા. તે પાંચાભગતનું ખોરડું નજીકમાં હતું ત્યાં તેના ખોરડા ઉપર તે રૂપિયા પડ્યા. તે વખતે પાંચાભગતના માતુશ્રી તે ફળીમાં બેઠાં બેઠાં દળણું કરતાં હતાં. તે રૂપિયાનો ખડખડાટ સાંભળીને ડોશી બોલ્યાં જે, “મારા ખોરડા ઉપર કોણ ઘા કરે છે?” ત્યાં તો રૂપિયા દડતા દડતા તે બાઈ દળણું કરતી હતી ત્યાં આવીને પડ્યા. તે રૂપિયાને જોઈ તે બાઈ રાજી થઈને વીણી લીધા. ત્યાર પછી તેને પ્રતાપે દસ હજાર રૂપિયાના આસામી થયા. ॥૧૦૧૯॥

ગુણાતીતાનંદ સ્વામી વરતાલ જતા હતા ને રસ્તે જતાં રાતમાં ભુલા પડ્યા ને સૌ સંત જ્યાં ત્યાં આડાઅવળા વિંખાઈ ગયા. તે વખતે એક ભરવાડ ત્યાં આવી ચડ્યો ને તે સ્વામીના ગાડા પાસે ગયો ને સ્વામીને કહ્યું જે, “તમે તો ભુલા પડી ગયા છો. ચાલો હું તમને રસ્તે ચડાવું.” પછી તે ગાડી આગળ ચલાવીને ગાડીને રસ્તે ચડાવીને બોલ્યો જે, “સ્વામી! મેં તો તમને ગામને રસ્તે ચડાવ્યા પણ મને કાંઈ રસ્તો દેખાડો છો?” ત્યારે સ્વામી કહે, “જા, તું સ્વામિનારાયણનું ભજન કરજે અને અંતકાળે હું તને તેડવા આવીશ.” ॥૧૦૨૦॥

એક વખત સ્વામી વરતાલ જતા હતા અને સ્વામી ગાડીમાં બેઠા હતા અને શિવલાલભાઈ સાથે ગાડીમાં બેઠા હતા. તે વખતે એક મોટો સર્પ દોડીને ગાડી ઉપર ચડી ગયો. ત્યારે સ્વામી કહે કે, “હત તેરી હું.” એટલે સર્પ તુરત ગાડીએથી નીચે ઉતરી ગયો. પછી શિવલાલભાઈએ પૂછ્યું જે, “સ્વામી! એ કોણ હતું?” ત્યારે સ્વામી બોલ્યા જે, “કાળ હતો. તે આજ્ઞા માગવા આવ્યો હતો જે હું દેશમાં પ્રવર્તું પણ હજુ અમારા સરખા મોટા પુરુષો છે ત્યાં સુધી નહીં; પછી પ્રવર્તશે.” ॥૧૦૨૧॥

અને માવો ભગત સ્વામીનો સમાગમ કરવા ગયા હતા ને તે ચાલ્યા ત્યારે સ્વામીએ કહ્યું જે, “તમારે નદી આવે ત્યાં નહાવું ને ધોરીયો આવે ત્યાં પગ ધોવા.” ત્યારે માવો ભગત કહે કે, “એમ કેમ?” સ્વામી કહે, “તમે જ્યાં નહાશો અને પગ ધોશો ત્યાં તીર્થ થાશે અને તે ઠેકાણે જે આવીને નહાશે તથા પાણી પીશે તેનું કલ્યાણ થાશે.” વળી સ્વામીએ કહ્યું જે, “તમે કૃષ્ણાવતાર વારીના ભક્ત છો.” એમ સ્વામીએ માવા ભગતને કહ્યું. ॥૧૦૨૨॥

માવો ભગત ત્રિપુટી બોલતા જે ગીંગો, ધીંગો, અને ભમરો॥ પગાળાં, પેટાળાં, અને પાંખળા એ ત્રિપુટી. માવો ભગત બોલતા એટલે ગીંગો એટલે વાંઢો તે ગોળીયું વાળ્યા જ કરે અને ધીંગો એટલે ગૃહસ્થ અને ભમરો તે સાધુ તે સંસારનો ત્યાગ કરીને પ્રભુના શરણને પામ્યા. વળી પેટાળાં એટલે વાંઢા તે દિવસ અને રાત પેટ વલુરા કર્યા જ કરે. પગાળાં એટલે ગૃહસ્થ અને પાંખાળા સાધુ તે સંસારનો ત્યાગ કરીને પ્રભુમાં રહીને પ્રભુના શરણને પામ્યા. વળી ધીંગો એટલે ગૃહસ્થ તે અરધો પાણીમાં અને અરધો બહાર રહે એમ માવો ભક્ત ત્રિપુટી બોલતા. ॥૧૦૨૩॥

એક વખત રઘુવીરજી મહારાજ સાથે સ્વામી વરતાલ જતા હતા અને ગામ વાગડને પાદર નદીમાં મુકામ કર્યો હતો અને ધર્મસ્વરૂપાનંદ બ્રહ્મચારી કીર્તન બોલતા હતા જે: ‘જનુની જીવો રે ગોપીચંદની.’ પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, “ઋષિ! કાંઈ નિશાન છે કે આકાશમાં ભડકા છે?” બ્રહ્મચારી બોલ્યા જે, “આ સામા શિવલાલભાઈ બેઠા તેમના સામું નિશાન છે.” સ્વામી કહે કે, “આ તો બાર લાખનો આસામી છે અને તેના બાપનો એ એક જ દીકરો છે. તેના સામું તમે નિશાન માંડ્યું?” ॥૧૦૨૪॥

એક વખત સ્વામી બોટાદ પધાર્યા હતા અને ત્યાંથી ચાલ્યા ને નાગળપર આવ્યા ને ત્યાં ખળાવાડમાં ધાબળી પાથરી આપી તે ઉપર સ્વામી બેઠા ને તે ગામમાં કડવા કણબીની સત્તાવીશ જાનો આવી હતી. પછી તે સત્તાવીશે વરને લાવીને સ્વામીને પગે લગાડ્યા. પણ સ્વામીએ આંખ્ય ઉંચી કરીને કોઈના સામું જોયું નહીં અને સ્વામિનારાયણનું ભજન કરતાં કરતાં સૌને માથે હાથ મેલ્યા. ॥૧૦૨૫॥

સ્વામી જુનાગઢમાં બહુ માંદા થયા હતા ને વરતાલથી રઘુવીરજી મહારાજ પણ સ્વામીને જોવા માટે જુનાગઢ પધાર્યા હતા અને આસપાસના ગામના હરિજનો સ્વામીને દર્શને આવેલા હતા ને એક ગામનો આયર ભગત સ્વામીને દર્શને આવેલ હશે તેણે પોતાને ગામ જઈને ત્યાંના હરિજનોને વાત કરી જે, “જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી બહુ માંદા છે.” તે સાંભળીને એક સત્સંગી બાઈ હતી તે સ્વામીના શરીરે મંદવાડ આવ્યાની વાત જાણી બહુ શોક કરવા લાગી અને પોતાનો પતિ વાડીયે હતો. તેને ભાતનો વખત વિતી ગયો તેથી ભાત મોડું લઈને ગઈ. પછી તે આયર ભગતે પૂછ્યું જે, “આજ ભાત મોડું કેમ લાવી?” બાઈ કહે, “તમારા ભાઈ જુનાગઢથી આવ્યા અને તે ખબર લાવ્યા જે સ્વામી બહુ જ માંદા છે. તે હકીકત સાંભળવા રહી.” તે સાંભળીને તે આયર ઘઉંની વાડીમાં પાણી વાળતો હતો. તે ગારાળે હાથે તથા ગારોળે પગે ત્યાંથી એકદમ ચાલી નીકળ્યો. તે જુનાગઢ જઈ મંદિરમાં ગયો અને સ્વામીના ઢોલિયા ફરતા કેટલાક ત્યાગી તથા હરિજનો વિટાઈને બેઠા હતા ને રઘુવીરજી મહારાજ પણ ખુરશી નાંખીને પાસે બેઠા હતા. ત્યાં સભા સોંસરો થઈ સ્વામીના ઢોલિયા પાસે ગયો ને સ્વામીના પગ ઝાલીને સ્વામીને સચેત કર્યો અને બોલ્યો જે, “સ્વામી... એ સ્વામી... તમને કેમ છે?” તે સાંભળીને સ્વામીએ આંખ ઉઘાડી અને કહ્યું જે, “ભગત! મને સારૂં છે.” અને બોલ્યા જે, “ભગત! તમે ક્યાંથી આવો છો?” ભગત કહે, “સ્વામી! હું તો વાડીયેથી બારોબાર આવ્યો છું. મેં તમારા મંદવાડની વાત સાંભળી તેથી ત્યાંથી પરબારો આવ્યો છું.” સ્વામી કહે કે, “ભગત! કાંઈ ખાધું?” ભગત કહે કે, “સ્વામી કહે તો ખાઉં ને કહેતો જાઉં!” પછી સ્વામીએ સાધુને આજ્ઞા કરી જે, “આને રોટલો ખવરાવો.” પછી રઘુવીરજી મહારાજ તે જોઈ આશ્ચર્ય પામ્યા અને સ્વામીએ કહ્યું જે, “ભગત! આ રઘુવીરજી મહારાજ પધાર્યા છે.” એમ સાંભળી પછી તે રઘુવીરજી મહારાજને પગે લાગ્યો. પછી સ્વામી કહે, “હવે ઘરે જાઓ.” એટલે તે ભગત સ્વામીની રજા લઈ ઘરે ગયો. ॥૧૦૨૬॥

એક વખત સ્વામી ગઢપુરથી જુનાગઢ પધારતા હતા ને સાથે અચિંત્યાનંદ બ્રહ્મચારી પણ હતા તથા બીજા સંત તથા પાર્ષદ મળીને દોઢસો-બસો મનુષ્ય હતું ને ચાલતાં ચાલતાં ગિરનાર પર્વતની નજીકમાં ગયા. ત્યાં એક ખીમો વાઘ કરીને આયર ભગત હતો જે જુનાગઢથી બાજરાના પાડા ભરીને ચાલ્યો આવતો હતો ને રસ્તામાં સ્વામીને ભાળીને પગે લાગ્યો. ને સ્વામીની ગાડી ઉભી રખાવીને બોલ્યો જે, “સ્વામી! મારા નેહમાં પધારો.” સ્વામી કહે કે, “ભગત! ત્યાં ગાડાં ચાલે નહીં અને આ સાથે બ્રહ્મચારી છે માટે ત્યાં નહીં અવાય.” ભગત કહે કે, “એક પાડા ઉપર તું બેસ અને એક પાડા ઉપર બ્રહ્મચારી બેસે પણ ત્યાં આવ્યા વગર છુટકો નથી.” પછી બહુ આગ્રહ કરીને ગાડા આડો સુતો પછી સ્વામીએ ભગતને સમજાવ્યો જે, “ચાલ્ય, અમે તમારા નેહમાં આવશું.” એમ કહીને બીજાં મનુષ્યને જુનાગઢ મોકલ્યાં અને પોતે થોડા માણસ લઈ નેહમાં પધાર્યા ને તેને ઘેર સ્વામીનો ઉતારો કરીને પધરાવ્યા. પછી ખીમા વાઘે પાંચ હજાર રાળનો તાંસ ભરીને સ્વામીની આગળ ઢગલો કર્યો. તે જોઈને સ્વામી બોલ્યા જે, “ખીમા વાઘ! આ શું છે?” ખીમો વાઘ કહે કે, “સ્વામી! તું મારે ઘરે આવ્યો તે તારે અર્થે કાંઉ કરાં ને કાંઉ ન કરાં?” પછી સ્વામી કહે, “આ રાળ તમારી પાસે રાખો અને અમો જુનાગઢ જાશું ત્યારે લેતા જાશું.” પછી ત્યાં અઠવાડીયું એક સ્વામીને રાખીને નિરંતર દૂધપાક તથા બાજરાના રોટલા જમાડતા ને તે નેહનું નામ કનકઈ માતા કનકઈ નદીને કનકઈ નેહ. પછી જ્યારે સ્વામી જુનાગઢ પધાર્યા ત્યારે ખીમા વાઘ સાથે પાડા ઉપર બેસીને લઈ ગયા. ॥૧૦૨૭॥

સ્વામી ગોંડળ પધાર્યા હતા ત્યાં એક લવજી કરીને દરજી હમેશાં મંદીર વાળતો હતો. તે એક બાઈને વિષે આસક્ત હતો અને તેને એવો સંકલ્પ હતો જે, “આ બાઈનો પતિ મરી જાય ને તે બાઈ મારા ઘરમાં આવીને બેસે.” એવા સંકલ્પથી નિરંતર દેવમંદિર વાળીને દેવની આગળ પ્રાર્થના કરતો હતો. પછી સ્વામી બોલ્યા જે, “લવીઆ! તું મંદિર તો વાળછ પણ સારા સંકલ્પ કરજે. અવળા કરીશમાં!” પછી છ મહિના જ્યાં મંદિર વાળ્યું એટલે તે બાઈનો પતિ દરજી મરી ગયો અને તે બાઈને પોતે પોતાના ઘરમાં બેસારી અને મંદિર વાળતો બંધ થઈ ગયો. પછી સ્વામી જ્યારે બીજે વખતે ગોંડલ પધાર્યા ત્યારે સ્વામીએ કહ્યું જે, “કેમ, લવીયો હવે મંદિર વાળવા નથી આવતો?” તે સાંભળીને સૌએ કહ્યું જે, “ના, સ્વામી! નથી આવતો.” ત્યારે સ્વામી બોલ્યા જે, “તેનો સંકલ્પ સિદ્ધ થયો એટલે હવે શા માટે મંદિર વાળે?” ॥૧૦૨૮॥

કારીયાણીમાં ઓગણીશ સંત માંદા હતા ને શ્રીજીમહારાજને રામનવમીના સમૈયા ઉપર વરતાલ પધારવું હતું. પછી મહારાજ બોલ્યા જે, “આ સાધુની સેવામાં જે રહે તેને સૌ સમૈયાનું ફળ આપું.” પછી ગુણાતીતાનંદ સ્વામી તે ઓગણીશે સાધુની સેવામાં રહ્યા ને રાતને દિવસ ઉભે પગે રહીને સંતની સારી રીતે સેવા કરી. પછી સૌ સંત જ્યારે સાજા થયા પછી સ્વામીએ સૌને કહ્યું જે, “તમે કહો તો હું વરતાલ જાઉં.” પછી સૌ સંતે રાજી થઈને કહ્યું જે, “તમે સુખેથી જાઓ.” અને સ્વામીને કહ્યું જે, “અમારી બધાની વતી મહારાજને ભેટજો.” પછી સ્વામી વરતાલ ગયા ને મહારાજ બહુ રાજી થયા અને શ્રીજીમહારાજ સ્વામીને ઓગણીશ વાર મળ્યા. ॥૧૦૨૯॥

રઘુવીરજી મહારાજ એક વખત જામનગર પધાર્યા હતા અને શહેર બજારે થઈને નીસર્યા પણ કોઈ સાધુની દૃષ્ટિ ઉંચી ભાળી નહીં તે જોઈ ગામની બાઈઓ બોલી જે, “આ તો ભગવાનના સાધુ છે આપણા સાધુ નહીં અને આપણા હોય તો આપણા સામું જુવે.” પછી સ્વામીએ તે શબ્દ સાંભળ્યો અને ગામ બહાર આવીને મુકામ કર્યો અને સભા કરીને સૌ બેઠા. પછી સ્વામી બોલ્યા જે, “મહારાજ! એક સભા તો જીત્યા.” ત્યારે રઘુવીરજી મહારાજ કહે, “હજી આવીને ઉતારા કર્યા નથી ત્યાં કઈ સભા જીત્યા?” ત્યારે સ્વામી બોલ્યા જે, “આપણે અહીં આવ્યા ત્યારે બજારમાં બાઈયો વાતો કરતી જે, “આ આપણા સાધુ નહીં આ તો ભગવાનના સાધુ છે. કેમ કે આપણા હોય તો આપણા સામું જુવેને.” ॥૧૦૩૦॥

એક ગામમાં કોઈક કણબી હતો તેને નાનપણથી સ્વામીના સાથે સ્નેહ હતો અને તે વરસ એંશીનો થયેલ. પછી સ્વામી તેને ગામ પધાર્યા હતા અને સૌ હરિજનોએ સ્વામીની પ્રાર્થના કરી જે, “સ્વામી! ઓલ્યો કણબી બહુ જ માંદો છે માટે તેને જોવા પધારો.” પછી સ્વામી તેને જોવા સારુ તેને ઘેર ગયા તે કણબીને એક કોઢીયામાં ખાટલો નાંખી દીધેલો હતો અને પાસે પાણીનો ઘડો ભરીને મૂક્યો હતો. ત્યાં સ્વામીને ઢોલિયો નાંખી દીધો તે ઉપર સ્વામી બેઠા. ત્યારે સ્વામી કહે કે, “ડોસા! વર્તમાન ધારો.” ત્યારે તે કહે કે, “ઠીક, ધરાવો.” પછી સ્વામીએ હાથમાં જળ લેવરાવ્યું અને કહ્યું જે, “દારુ, માટી ચોરીને છીનાળી.” એ જ્યાં બોલ્યા ત્યાં પેલા કણબીએ ખાટલામાં પડ્યા પડ્યા હુંકારો કર્યો જે, “હા, સ્વામી! આમાંથી રહું તો છીનાળીનું નહીં!” ॥૧૦૩૧॥