સદ્‌ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો

આંબા ગામના દેવશીભગતની વાતો

પ્રથમ તે પીઠવાજાળમાં રહેતા હતા અને પોતાના કુટુંબમાં પોતે બાલ્યાવસ્થાથી સત્સંગી થયા હતા પણ પોતાના માતાપિતા વગેરે સૌ કુટુંબી તેને બહુ જ વાર દુઃખ આપતા તો પણ તેણે સત્સંગનો ત્યાગ કર્યો નહીં. એવા સમામાં પીઠવાજાળના હરિજનો ગઢપુર શ્રીજીમહારાજના દર્શન કરવા જવાને તૈયાર થયા. ત્યારે દેવશીભક્ત તેમની માને કહ્યું કે, “મા! મને ભાતું કરી આપ્ય. મારે ગઢડે જવું છે.” તેની માએ કહ્યું જે, “તારે જવું હોય તો જા, પણ કોઈ ભાતું કરી આપે તેમ નથી.” પછી તે હરિજનોની સાથે ગઢપુર શ્રીજીમહારાજને દર્શને આવ્યા અને બે-ચાર-પાંચ દિવસ ગઢપુર રહ્યા અને ચાલતી વખતે શ્રીજીમહારાજને દર્શને સૌ ગયા અને રજા લઈને સૌ હરિજન ચાલતા થયા પણ દેવશીભગત તો હાથ જોડીને મહારાજ સન્મુખ ઉભા રહ્યા. તે વખતે શ્રીજીમહારાજ અક્ષરઓરડીની પછવાડે ઉગમણે ખુણે ઓસરી ઉપર દાતણ કરતા હતા અને લાખોભગત મહારાજને દાતણ કરાવતા હતા. પછી દેવશીભગત મહારાજની પ્રાર્થના કરીને બોલ્યા જે, “મહારાજ! અમારા કુટુંબના ચાલીશ મનુષ્યમાં હું એકલો સત્સંગી છું.” તે સાંભળી મહારાજ બોલ્યા જે, “જાઓ, ભગત! તમારી ભેળા ભગવાન છે. તે તમારી રક્ષા કરશે.” પછી લાખાભગતે કહ્યું જે, “ભગત! જાઓ તમારું કામ થઈ ગયું. અને તમારો સંઘાથ આઘો પહોંચી જશે.” પછી દેવશીભગત મહારાજને પગે લાગીને ચાલતા થયા. ॥૧૦૩૨॥

પછી ચાલ્યા તે ઘેલાને સામે કાંઠે ગયા ત્યાં તો શ્રીજીમહારાજ શ્વેત વસ્ત્ર પહેરીને દેવશીભગતની આગળ દેખાણા. તે આગળ મહારાજ અને પાછળ ભગત એમ ઉતાવળા ચાલ્યા જાય. તે જોઈ સંઘના મનુષ્ય પૂછ્યું જે, “દેવશી! કેમ બહુ ઉતાવળો ચાલે છે?” ત્યારે દેવશીભક્ત કહે, “જુઓ! આ શ્રીજીમહારાજ ચાલ્યા જાય છે!” પછી દામનગર જઈ રાત રહ્યા અને સવારે ચાલ્યા ત્યારે પણ મહારાજની મૂર્તિ આગળ ને પોતે પાછળ! પછી બીજે દિવસે સાંજે તેઓ પોતાને ગામ પહોંચ્યા અને શ્રીજીમહારાજ તેના ઘરના બારણાંની સાખે વિરાજમાન થયા અને દેવશીભગત ઘરે ગયા ત્યાં તો તેની મા તેની સામી દોડીને આવી ને બોલી જે, “મારો દેવશી આવ્યો? મારો દેવશી આવ્યો?” એમ કહીને દુખણાં લીધાં અને ઘરનાં તમામ વાસણ કાઢી નાંખીને નવાં વાસણો લાવીને કંસાર રાંધીને દેવશીભગતને જમાડ્યા. ત્યાર પછી આખું કુટુંબ સત્સંગી થયું ને ભગતને જીવંતપર્યંત શ્રીજીમહારાજની મૂર્તિ દેખાણી. ॥૧૦૩૩॥

ગામ તરકતળાવનો લુવાર સત્સંગી હતો. તેણે પોતાના ગામમાં મંદિર કરાવ્યું અને તે મંદિરના પાયાનો કરો વાણિયાના ફળીયામાં પડતો હતો. પછી મંદિર બંધાઈ રહ્યા પછી વાણિયે કહ્યું જે, “આ તારા મંદિરનું મોતીયું બે હાથ કાપી નાંખ્ય.” પછી લુવારે કહ્યું જે, “મારું માથું કપાય પણ મોતીયું કપાય નહીં.” પછી વાણિયે જોરાવારીયે કરીને મંદિરનું મોતીયું પોતાને હાથે કરીને કાપી નાંખ્યું. પછી તે કટકો લઈને લુવારે પોતાના પટારામાં મેલ્યો અને ગામ આંબે જઈ તે લુવારે દેવશીભગતને કહ્યું જે, “ભાભા! વાણિયે મંદિરનું મોતીયું કાપી નાંખ્યું.” દેવશીભગત કહે, “તારું ક્યાં કાપ્યું છે? એ તો ભગવાનનું કાપ્યું છે. તે ભગવાન તેનો તપાસ કરશે.” પછી થોડાક દિવસ થયા પછી વૈશાખ માસની ગણેશચોથ આવી તે દિવસે વાણિયે વિચાર કર્યો જે, “આજ મારે ગણપતિની પરીક્ષા લેવી!” પછી ગણપતિને નવરાવીને પાટલા ઉપર પધરાવ્યા અને આગળ લાડુ વિગેરેનું નૈવેદ ધર્યું અને પોતાના બારણાની સાંકળ દઈને સ્ત્રી પુરુષે વિચાર કર્યો જે, “ગણપતિ સાચા હોય તો આપણો હાથ ઝાલે, ત્યારે ખરા.” એમ કહીને પોતાના ત્રણ નાના દીકરા હતા. તેના મસ્તક તરવારે કરીને કાપી નાંખ્યા અને પછી પોતાની સ્ત્રીનું મસ્તક કાપ્યું. પછી પોતાની બે દીકરીઓનાં પણ મસ્તક તેવી રીતે કાપી નાખ્યાં. પછી રુધીરે કરીને કાગળમાં ચીઠી લખી જે: “આ કામ મેં મારે હાથે કર્યું છે. શા માટે જે ગણપતિની પરીક્ષા લેવા સારુ.” અને છેલ્લી બાકી પોતે પણ પેટમાં તરવાર નાંખીને મરી ગયો. એમ ભગવાનનો તથા ભગવદીનો અપરાધ કર્યો હતો, તેથી એક સાથે સાત મનુષ્યનું મૃત્યુ થયું. ॥૧૦૩૪॥

દેવશીભગત પોતાને ખેતર દાડીયાં કરીને કપાસ નિંદાવવા ગયા હતા. અને પોતાનો દીકરો ઘરે માંદો હતો. તેને શ્રીજીમહારાજ તેડવા પધાર્યા અને તેડીને જ્યારે ચાલ્યા ત્યારે દેવશીભગતને ખેતરમાં મહારાજનાં દર્શન થયાં અને સૌ સાંભળતા દેવશીભગત બોલ્યા જે, “મહારાજ! રેઢે ઘરે કામ કરીને ચાલ્યા કે?” ત્યારે દાડીયા સૌ બોલ્યા જે, “ભાભા! શું કહો છો?” ભાભો કહે કે, “શ્રીજીમહારાજ કલાને ધામમાં તેડીને ગયા.” એમ વાત કરે છે ત્યાં તો ઘરેથી તેમનો દીકરો દોડ્યો આવ્યો ને છેટેથી બોલ્યો જે, “ભાભા! દોડો મારો બાપો દેહ મેલી ગયા.” ભાભો કહે કે, “હમણાં જ મહારાજ તેને તેડીને અહીંથી ગયા.” એમ કહીને પછી પોતે ઘરે ગયા. ॥૧૦૩૫॥

ગામ બાબાપર વાંકીયાનો કણબી દેવરાજ કરીને હરિભગત હતો તેને શ્રીજીમહારાજે આવીને કહ્યું જે, “આજથી એક મહિને તને તેડવા આવશું.” તે સાંભળીને તે ઘણો જ રાજી થયો. પણ પછી બે દિવસ થયા પછી પોતાને વિચાર થયો જે, “અરેરે! આ બધું મેલીને મારે જવું પડશે?” એમ જાણીને પોતે અન્ન-જળનો ત્યાગ કરી દીધો અને પછી ગાડું જોડાવીને પોતાનાં માતાપિતા તથા સ્ત્રીને સાથે લઈને ગામ આંબે દેવશીભક્ત પાસે આવ્યો અને ભાભાને પગે લાગીને કહ્યું જે, “ભાભા! મેં આઠ દિવસથી અન્ન ખાધું નથી માટે તમો કહો તો હું ગઢપુર રસોઈ આપું અને કહો તો જુનાગઢ રસોઈ આપું પણ મહારાજ હમણાં મને મેલી જાય.” ભાભો કહે, “બહુ સારુ. તારે સાટે જો તારો બાપ જાય તો તને મેલી જાય.” દેવરાજ કહે, “હા, એ ઠીક! મારો આતો વૃદ્ધ થયા છે.” પછી તેણે તેના બાપને પૂછ્યું જે, “જો તમે મારે સાટે જાઓ તો મહારાજ મને તેડી ન જાય.” ત્યારે તેનો બાપ બોલ્યો જે, “મારે ને તારે શું લેવા દેવા છે? તું તો પરણીને તરત નોખો થયો છે અને વળી કોઈ કોઈને સાટે જાય? એ તો માથે પડી તે ભોગવે!” પછી ભાભા પાસે જઈને કહ્યું જે, “મારો બાપ તો આવો ઉત્તર આપે છે!” તે પછી ભાભે કહ્યું જે, “તારી મા જો જાય તો તને મેલી જાય.” પછી તેણે તેની માને કહ્યું જે, “મા! તમે મારે સાટે જાઓ તો મહારાજ મને મેલી જાય.” ત્યારે તેની મા બોલી જે, “ગાંડો થયો કે શું? હું એક સાડલો ફાડીશ તે સારૂ મારું મોત બગાડીશ? તારી ઘરવાળીએ મને કોઈ દિવસ પાણીનું બેડું ભરી દીધું છે? અને બે ભેંશો દુઝે છે! પણ કોઈ દિવસ લોટી દૂધ આપ્યું છે? તે હું અત્યારે તારે સાટે જાઉં?” પછી તેણે ભાભાને તે વાત કરી જે, “મારી મા તો આમ કહે છે.” ત્યારે ભાભો કહે, “તારી ઘરવાળી જો જાય તો તને મેલી જાય. તે તારી અર્ધાંગના કહેવાય.” પછી દેવરાજે તેની ઘરવાળીને કહ્યું જે, “તું મારે સાટે ધામમાં જા તો મને મહારાજ મેલી જાય અને હું સાટે બીજું ઘરવાળું કરીશ અને છોકરાં સાચવીશ.” ત્યારે તે બાઈ બોલી જે, “મુઆં તમારાં છોકરાં હું તો તમારા તેરમા સુધી જ રહેવાની છું. પછી હું તો તારે ઘરે જ રહેવાની નથી!” પછી તે ઉદાસ થઈને ભાભા પાસે આવ્યો અને બધી વાત તેમને કરી. ભાભો કહે જે, “તપાસ્ય! આમાં તારું કોઈ છે?” પછી તેને ભાભે કહ્યું જે, “ગઢપુર જઈને રસોઈ દેજે એટલે મહારાજ તને તેડવા નહીં આવે.” ॥૧૦૩૬॥

આંબા ગામમાં મેઘજી કરીને કણબી હતો. તેને દેહ મેલવા આડા આઠ દિવસ હતા ત્યારે મહારાજે દેવશીભગતને દર્શન દઈને કહ્યું જે, “આજથી આઠમે દિવસે મેઘજીને તેડવા આવશું.” તે વાત ભગતે મેઘજીને કરી જે, “આજથી આઠમે દિવસે મહારાજ તને તેડવા આવશે.” પછી આઠ દિવસ થયા એટલે મહારાજે તેના માતાપિતાને દર્શન દઈને કહ્યું જે, “અમે મેઘજીને તેડવા આવ્યા છીએ.” તેના માતાપિતા બહુ સારાં સત્સંગી હતાં. તેથી તેમણે મહારાજને કહ્યું જે, “સુખેથી તેડી જાઓ. તમો ધામમાં તેડી જાઓ તેમાં તો અમે રાજી થયાં છીએ.” જીવને ઘરની વાસના આવી છે. ॥૧૦૩૭॥

આંબા ગામમાં બોઘો કરીને કણબી હરિભગત હતો. તેને દેવશીભગતે ઉપદેશ કરીને ગઢપુર ત્યાગી થવા મોકલ્યો એટલે તે રાતનો ચાલ્યો તે સવારમાં ગઢપુર પહોંચ્યો અને મંદિરમાં ઉતારો કરીને વાડીયે નહાવા જતો હતો. તે વખતે કોઠારી ભક્તિવલ્લભદાસજીએ કહ્યું જે, “બોઘાભગત! વાડીયેથી પુષ્પનો પડો લેતા આવજો.” પછી તે વાડીના દરબારમાં પેઠો કે પોતાનો દીકરો સાંભર્યો એટલે ત્યાંથી બારોબાર ચાલી નીકળ્યો ને રાતના દસ વાગ્યે ગામ આંબે પહોંચ્યો. ને સવારમાં દેવશીભગત જંગલ જાતા હતા ત્યાં ગામને પાદર બોઘા ભગતને ભાળ્યો. ત્યારે દેવશીભગત બોલ્યા જે, “બોઘા! આંહીં કેવો?” ત્યારે બોઘો કહે કે, “ભગત! હું ગઢડે ગયો હતો પણ વાડીયે જાતાં રામકો સાંભર્યો એટલે ત્યાંથી બારોબાર અહીંયાં આવ્યો છું અને પૂજા પણ ત્યાં પડી રહી છે!” પછી થોડા વરસ થયાં એટલે તેને ખેતર સલો કરવા મોકલ્યો. તે ખેતરમાંથી ડુંડાં થોડાંક લાવ્યો તે જોઈને તેની ઘરવાળી તથા છોકરો બોલ્યાં જે, “સવારનો ગયો હતો અને આટલાં જ લાવ્યો?” એમ કહીને તેની ઘરવાળીએ ઝાલી રાખ્યો ને છોકરે ત્રણ લાકડી મારી! એટલે તે રોતો રોતો દેવશીભગત પાસે આવ્યો. ત્યારે ભગતે કહ્યું, “તું ગઢડે ન રહ્યો તેનું તને આ ફળ મળ્યું!” પછી બોઘા ભક્તે મંદિરમાં મારી પાસે બધી વાત કરી ને મેં પછી રોટલો ખવરાવ્યો. ॥૧૦૩૮॥

ભરબીડ ગામમાં લુવારનો ગુરૂ મારગીના પંથમાં હતો તે મેઘજી લુહારને ઘરે રહેતો હતો. પછી તે લુહારનો ગુરુ તે લુહારની સ્ત્રીને લઈને ચાલ્યો ગયો. તેને ખોળવાને માટે તે લુહાર પછવાડે નીકળ્યો પણ ક્યાંઈ પતો મળ્યો નહીં. પછી ખોળતાં ખોળતાં ગામ આંબાને પાદર શેત્રુંજી નદીમાં તેનો ગુરુ તથા તેની સ્ત્રી બેઠાં હતાં. તે વખતે તે લુહાર ત્યાં ભેળો થયો અને લાકડી ઉગામીને તેના ગુરૂને કહેવા લાગ્યો જે, “શું કરું? આ તો ગાયે રતન ગળ્યું ને જો બીજો હોય તો રાઈ રાઈ જેટલા કટકા કરી નાંખું!” તે વખતે દેવશીભગત નદીયે નહાવા ગયા હતા, તેમણે પૂછ્યું જે, “અલ્યો, મેઘજી! શું છે?” મેઘજી કહે કે, “ભાભા! આ તો ગાયે રત્ન ગળ્યું!” ભાભો કહે કે, “શું?” લુવાર કહે કે, “આ મારો ગુરુ, તે આ મારી ઘરવાળીને છ મહિના થયાં લઈને નાસી ગયો હતો. તે આજ હાથ આવ્યો.” તે સાંભળી દેવશીભગત બોલ્યા જે, “આ ગાય નહીં આ તો આખલો છે! માટે દે ધડેલામાં! નહીં તો વળી બીજું રતન ગળશે!” તેમ અસત્ ગુરુનો વિશ્વાસ કરે તો આમ થાય. ॥૧૦૩૯॥